ઝૂરતું ઘર -તરુલતાબેન મહેતા

 

મિત્રો ,

ઘરના વિવિઘ ચહેરા ,નીતનવીન સ્વરૂપો મને મોહ પમાડે છે.તેથી જ લાંબા સમય સુઘી એક જ ઘરમાં રહેવા છતાં સ્વીટ હોમ કહીએ છીએ.ઘરમાંથી એક પછી એક સ્વજન કામ ઘન્ઘે કે બીજા નિમિત્તે જાય છે,ઘરની યાદો કદી છૂટતી નથી ,ઘરથી  સ્વજન દૂર ગયો એમ ભલે હોય પણ ઘર અચલ ,શાંત રાહ જોયા કરે છે. ઘર ઝૂર્યા કરે છે.જે  ઘરમાં પા પા પગલી ભરી,પાવ રે પાવ કર્યું,સંતાકુકડી રમ્યા,ભાઈની પાછળ દોદોડાદોડી કરી ,બા નો પાલવ ખેચી જીદ કરી તે ઘર સ્વજન બની ગયુ.આવા ઘરની માયા કેમ છૂટે ?અને ઘર પણ એની માયાની અદશ્ય દોરીથી અતિ વહાલા સ્વજનને બાંધી રાખે છે. એવા એક  ‘ઝૂરતા ઘરની વાર્તા રજૂ કરું છુ.

એક ઝૂરતું ઘર‘  તરુલતા મહેતા

વલસાડના સ્ટેશનથી ઊતરી સીઘા રોડ પર ચાલતા જાવ કે વાહનમાં જાવ તમને સીલબંઘ દરવાજાની પાછળ એક હવેલી જેવું પીળા રંગનું બે માળનું ઘર દેખાશે ,એ ઘરની લાલ ફ્રેમની બારી અને બારણા પરની ઘૂળ ,કરોળિયાના જાળા અને કબૂતરની અઘારથી તમને સૂગ આવશે,બીજા માળના ખૂલ્લા વરંડામાં તૂટેલી હાલતમાં હીંચકો ખેતરના ચાડિયા જેવોપવનમાં હાલ્યા કરતો જોઈ તમને દુઃખ થશે,એવું બને કે ઘરના વરંડામાં હીંચકો ઝૂલાવવાનું તમારું સપનું હજી પૂરું થયું નહોતું। બાપની મિલકત માની રીતસર  હૂપ હૂપ કરતાવાંદરા  જોઈ તમને ભગાડવાનું મન થઈ જશે.તમે  ચાલતા હો તો ઘરના કમ્પાઉડના

ખૂણે બીડી ફૂકતા ચોકીદારને બોલાવવાનો વિચાર કરતા ઊભા રહો ,કદાચ   માથું ખંજવાળી રહ્યા છો ત્યાં એક ખાનદાન સન્નારી દરવાજે ઊભી રહે છે.જાણે એનું જ ઘર છે,પણ લાંબા સમય પછી આવી હશે  તેથી વિમાસણમાં પડેલી દેખાય છે.તમે ગામમાં નવા એટલે સીઘા રોડથી આગળ નીકળી ગયા.તમે અનુમાન કર્યું હશે કે પેલી સન્નારી ઘરમાં ગઈ હશે.પણ જો તમારું અનુમાન સાચું હોત તો આ વાર્તા ન લખાત। એ ઘર ભાઈઓના ઝઘડામાં આ જ હાલતમાં ઘણા સમયથી દેખાય છે,કેટલાં વર્ષો ઘરની હાલત માલિક વગરની રહેશે કોઈ જાણતું નથી.માલિકણ દરવાજે રાહ જોયા જ કરે છે,શું તેણે પ્રતીક્ષાવ્રત લીધુ હશે?

રોડ પરની દુકાનમાં આવેલો ઘરાક અને વેપારી વાત કરતા હતા.ઘરાક આ બાઈ ત્યાં ઊભી રહી શું કરે છે? એની ચાવી ખોવાઈ ગઈ છે?’

વેપારી કહે ,’ચાવી હોય તો ગુમ થાય ને! જવા દો ને વાત રોજની રામાયણ છે.આખી બપોર દરવાજેથી બૂમો પાડયા કરશે।કોઈ ખોલો દરવાજો ખોલો ,મારે બારીઓ ,બારણાઓ ચોખ્ખા કરવા છે,કચરો વાળવો છે,અરે ,સાંભળે છે કે પેલા વાંદરાને તો કાઢો.

ઘરાક પૂછે છે,’ચોકીદાર દરવાજો કેમ ખોલતો નથી?’

વેપારી કહે છે,’તે ક્યાંથી ખોલે?પાંચ વર્ષ પહેલાં જુદી વાત હતી,એનું ઘર હતું।એના કુટુંબ સાથે મઝેથી રહેતી હતી.હવે કોર્ટનું સીલ વાગી ગયું છે.કેસનો નિકાલ ન આવેત્યાં સુધી કોઇથી અંદર દાખલ થવાય નહિ , ત્યાં સુઘી ઘર ખંડેર પડી રહેવાનું.

હવેલીની સામેની ફર્નિચરની દુકાન વેપારી સોમચંદની છે.એ ત્રીસ વર્ષોથી ઘન્ઘો કરે છે.સ્ટેશનરોડ એટલે પરગામના અને ગામના ઘરાકો ફર્નીચર ખરીદવા આવ્યા કરે. સોમચંદ દુકાનની બહાર આવી ભાવથી  બોલ્યા ,’સરલાબેન ,તાપ છે,દુકાનમાં આવો।આમ ને આમ સાંજ સુધી થાકી જશો. આપણે

તો પાડોશી ,તમે ઘરમાં રહેતાં હતાં ત્યારે ઠંડું પાણી મારી દુકાને મોકલતા ,મોહનભાઈ હતા ત્યારે રોજ દુકાને આવતા.

સરલાબેને  સાડલાની ધૂળ ઉડાડી ,ચંપલ બહાર કાઢી દુકાનમાં આવ્યાં ,બોલ્યાં ભાઈ ,મને ગંદકી ના ગમે.

સોમચંદ બોલ્યા ,’દુકાનમાં બધાં જૂતા સાથે આવે છે,હવે બઘા મોર્ડન થઈ ગયાં ,જૂતા વગર એમને ન ચાલે।

સોમચંદે બે ચાનો ઓર્ડર આપ્યો,પછી બોલ્યા ,’સાભળ્યું કે તમે મોટી દીકરીને ત્યાં અમેરિકા જવાના છો,આ ઘરના કકળાટમાંથી

છુટો ,’દેખવું ય નહિ ને દાઝવું ય નહિ

સરલા પાલવથી આંખો લુછતા બોલી ,’ભાઈ ,આ ઘર ગયું ત્યારની કાયમની દાઝી ગઈ છું ,નથી ખાવાનું મન થતું કે રાત્રે ઊઘ આવતી ,પથારીમાં જેવું ઓશિકા પર માથું મુકું એટલે હવેલીના બારી -બારણા ખૂલી જાય અને ને હવામાં એવાં ભટકાય કે સફાળી ઊભી થઈ જાઉં ,વલસાડ આખામાં તિથલના  દરિયાના પાણી કંઈ ઊમટે કે જોવાય નહિ ,તેમાં હવેલીના ખૂલ્લા બારણેથી હુડ હુડ કરતા ઘૂસી જતાં પાણી કાળોકેર વર્તાવે

સોમચદે ચાનો  કપ સરલાને આપ્યો,બોલ્યા ,’સરલાબેન મન મજબૂત રાખો ,આ બઘી તમને ભ્રમણા થાય છે.કેસનો ચૂકાદો આવી જશે. બહેન હવે આપણે પાકું પાન કહેવાઈએ ,મેં દીકરાને ઘણું સોંપી દીઘું છે,તમેય ઘરની માયા છોડી દો ,આ હવેલી ભંગાર થઈ ગઈ રહેવા લાયક રહી નથી.

સરલા બોલી ,’આ તમારી પાસે હેયાવરાળ કાઢી ,બાકી મારા બળાપાથી છોકરો વહુ કંટાળી ગયાં છે.ચાલીશ વર્ષો જે ઘરમાં સાફસૂફી કરી ,રસોઈપાણી કર્યા ,સઉને જમાડ્યાં,દીકરાને પરણાવ્યો તે બધું કેમ વિસારું ?છેવટે તમારા ભૈબંઘના છેલ્લા શ્વાસ—હજી હવેલીમાં ઘૂમરાતા હશે! એક વાર હવેલીમાં જઈ એમની બેસવાની આરામખુરશી અને માળા લઈ આવું તો મને ચેન પડે.

સરલાની વાત સાંભળી સોમચદ પણ ખિન્ન થયા ,તેમણે સહાનુભુતિથી કહ્યું ,’હા ,એ આરામખુરશી મોહનભાઈ હોંશથી મારી દુકાનેથી જ લઈ ગયા હતા ,ભોળા દિલના અને હસમુખા હતા.

સરલા યાદ કરી બોલી હું નવી સાસરે આવેલી ત્યારે હવેલી જોઇને છક થઈ ગઈ હતી ,પછીના વર્ષે પારણું તમારે ત્યાંથી લઈ ગયેલાં ,’

તમને બધું યાદ છે.સોમચંદ બોલ્યા

સરલા હવેલી તરફ જોઈ રહી છે,કોઈ એના કાનમાં ઝીણીઝીણી વાત કરતું હતું,તેને થયું આ ઘર વણપૂજ્યા માતાજીના મંદિર જેવું છે,સાફસૂફી માટે રાહ જોતું હશે,તુલસીનો છોડ પાણી વગર સૂકાય છે,કીડી ,મકોડા ઘરને ચટકા ભરતા હશે,ઉઘયથી કોરાતું હશે.

 તે  ખાલી ખાલી ,દીવા બત્તી વગરનું અંઘારામાં  કેવું હીજરાતું હશે.મારી  યાદો કાંટા જેવી
તેને  વાગતી હશે!મને તો  સૂનું સૂનું ઘર ડૂસકા ભરતું સભળાય છે‘. સરલા સોમચંદની દુકાનમાંથી જાણે ઓગળી ગઈ ,સોમચંદ આંખો ચોળતા દુકાનને ઓટલે આવી ગયા ,હવેલીના બારણાં

ખૂલ્લાં   હતાં ,લાઈટો થયેલી હતી ,સરલા બીજા માળના વરંડામાં હિચકે ઝૂલતી હતી.સોમચંદ દુકાનને તાળું વાસી સીઘા રોડ ઉપર જતા જતા  સરલાનો વિચાર કરતા હતા ,’સરલા  હવેલીમાં ક્યાંથી જતી રહી!

તરુલતા મહેતા 10મી ઓગસ્ટ 2015

કોઈ પણ કારણ વગર જવાય તેવું એક ઘર મળે ‘ઝૂરતું ઘર 

તરુલતાબેન મહેતા

14 thoughts on “ઝૂરતું ઘર -તરુલતાબેન મહેતા

 1. વાહ તરુલતાબેન આનું નામ ઝૂરાપો.ઝૂરાપો આટલી હદે હોઈ શકે!!!ખૂબ રસપ્રદ લેખ.

  Like

 2. મહેનત કરી /પ્રાણ રેડી /વ્હાલ કરી જેણે ઘર વસાવ્યું હોય તેને જ આ દર્દ સમજાય!

  Liked by 1 person

  • ફૂલવતી બેન ,તમે પણ ઘર વિશેની તમારી સંવેદના લખી શકો છો.હું રાહ જોઇશ.

   Like

   • કલ્પનાબેન ,
    તમારી અપેક્ષાને સ્વીકારું છું. પણ આવાં ઝુરાપા કેટલીક વાર કલમને અટકાવી દે છે. છતાં કોઈવાર પ્રયત્ન કરીશ. આભાર
    ફુલવતી .

    Like

 3. ઘરની માયા ઘર ઝૂરાપામાં ફેરવાઇ જાય એની વેદના કેવી હોય એ આ વાતમાં છલકાઇ આવે છે.

  Like

 4. વાત સાચી હોય કે કલ્પનાથી લખેલી, પણ મારા અમદાવાદના ઘરની યાદ આપી ગઈ. અને અહીં કોમેન્ટ લખવાનું થોડીક મિનિટ બંધ રાખીને એ યાદો તાજી કરવા ‘મારા ઘેર ‘ ગયો !
  અને આ લખાઈ ગયું ….

  https://gadyasoor.wordpress.com/2017/11/07/empty-house/

  Like

  • સુરેશભાઈ,મારું બાળપણ સાંકડી શેરીમાં ખીજડાની પોળમાં વીત્યું હતું ઘર છોડ્યા પછી ઘણી વખત પોળમાં ગઈ હતી.

   Like

 5. મિત્રો મજા તો ત્યાં આવી કે સુરેશભાઈ જાનીએ ખાલી ઘર વિષે લખ્યું અને તરુલાતાબેને ઘર વિષે વાર્તા લખી હવે તરૂલતાબેનને વાંચી સુરેશભાઈને પણ યાદ તાજી થઇ અને તેમના ઘરે પાછા આપણને લઇ ગયા ..વાહ ..હવે એમ કરીએ કે જે વિષય પર કોઈ અઠવાડિયા દરમ્યાન લખે અને તમને યાદ આવે તો બે ધડક લખી મોકલો ..મજા આવશે ..

  Like

 6. તરુલતાબેન જેટલીવાર વાંચું એટલીવાર આપની વાર્તામાંથી નવું શીખવા મળે છે.
  શરૂઆત જ જાણે ઉત્સુકતા વધારે છે .હવેલીનું વર્ણન વિગત સાથે મન હવેલીમાં દોડવા માંડે છે…અને .સરલા જાણે આપણે જ ન હોઈએ તેવો ભાસ થયો છે.અને સરલાની સમ્વેદના સ્પર્શી કાંટા ની જેમ વાગતા રુંવાટા બની ઉભા કરી ધ્યે છે .. અને અંત એક વાક્યમાં સરલા સોમચંદની દુકાનમાંથી જાણે ઓગળી ગઈ …વાહ આપની કલમને સલામ

  Like

 7. છ મહિના પછી, આજે ‘આ ઘર’ની ફરી મુલાકાત લીધી. નેટ પર ઈમેલિયા સંવાદમાં એક સરસ કવિતા મોટી બહેને મોકલી ( બાલ્ટિમોરના પ્રજ્ઞા બહેન – મિલ્પિટાસના નૈ ! )એ સુમધુર કવિતા – સમદુખિયાંઓ સાથે વહેંચું ? લો ! વહેંચી દીધી….

  જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,

  દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.

  કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,

  દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.

  નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,

  મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.

  ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,

  અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!

  નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,

  બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.

  હવા સ્પર્શે સૂકી, ઝણઝણી શરીરે ફરી વળે,

  અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે

  અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;

  રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!

  Like

 8. તરુલતાબેન, ઘર ઝૂરાપો વાંચી , સુરેશભાઇની ઘર મુલાકાત પછી તેમના મોટાબેન પ્રજ્ઞાબેને લખેલ કવિતા વાંચી , મને મારું ઘર જે નથી રહ્યું મારું, કાવ્ય યાદ આવ્યું .

  પાંચ વરસે ગામે
  પહોંચી મુજ ઘેર
  જે નથી રહ્યું મારું હવે
  જીજ્ઞાસાએ ઉપાડ્યા પગ
     પહોંચી મુજ ઘેર

  વૃક્ષ લીમડાનુ  વિશાળ
  ફળિયાની વચ્ચોવચ્ચ
   ગયું ખોવાય, ગોતું
      પહોંચી મુજ ઘેર

  ચૈત્ર માસે કોર કડવો
  ને વરસાદ લીંબોળીનો
  વૈષાખે પડતો, શૉધું
     પહોંચી મુજ ઘેર

  સામેના ખૂણે મીઠો લીમડૉ
  શેરીની બેનોનો માનીતો
  કઢી દાળમાં તરતો,ગોતુ
    પહોંચી મુજ ઘેર 

  નમણી નાર સમું પાતળું
  સરગવાનું વૃક્ષ ઊંચું
  દાદા દાદીનું માનીતું
  ગયું ખોવાય, ગોતું
  પહોંચી મુજ ઘેર

  મધુ માલતી જુઇ ગુલમહોર
  રંગોની સુવાસ ગૈ ખોવાય
  ચીકુ જામફળી ગયા કપાય
  જોઉં  ઉજ્જડ બાગ
  પહોંચી મુજ ઘેર

  ભારે હૈયે પાછી ફરું
  જીર્ણ થયું ઘર તારું
  હંસલો ઊડીને હવે
  જાશે બીજે ઘેર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.