અવલોકન-૧-રસ્તા ઉપર પ્લાસ્ટીકની બેગ –

મારું એક અવલોકન …
હું કાર ચલાવી રહ્યો છું. થોડેક આગળ જઈ રહેલી કારના પવનના ઝપાટામાં એક પ્લાસ્ટીકની બેગ ઉડે છે, અને આમતેમ લથડીયાં ખાતી, ફંગોળાતી પાછી રસ્તા ઉપર પડવા, ઠરીઠામ થવા જાય છે. પણ ત્યાં તો મારી કારના પવનના ઝપાટામાં તે આવી જાય છે અને પાછી ફંગોળાય છે. હું તેને અવગણીને, પસાર કરીને પુરઝડપે આગળ નીકળી જઉં છું. મારા રીયર-વ્યુ કાચમાં તેની અવદશા હું અભાનપણે નીહાળું છું. થોડેક પાછળ બીજી ટ્રક આવી રહી છે. તેનો પવનનો ઝપાટો તો બહુ જોરદાર છે. કોથળી પાછી હવામાં બહુ અધ્ધર ઉંચકાય છે, ફરી ફંગોળાય છે.
       જ્યાં સુધી રસ્તા ઉપર વાહનો આવતાં જશે, ત્યાં સુધી તેની આમ જ ગતિ, અવગતિ ચાલુ રહેશે. અને ખરેખરા પવનનો ઝપાટો આવ્યો તો? રસ્તાની બાજુમાં, દુર ઝાડીઓમાં આવી ઘણી કોથળીઓનાં નિર્જીવ શબ લટકી જ રહ્યાં છે ને? કોઈ રસ્તો, કોઈ ધ્યેય, કોઈ મંઝીલ એમને માટે સર્જાયાં નથી.
મારી બાજુની સીટ ઉપર હમણાં જ દુકાનમાંથી લાવેલ સામાનથી ભરેલી પ્લાસ્ટીકની, નવીનક્કોર, રુપકડી કોથળી પડી છે. એણે કોઈને સહારો આપવાનું કામ કર્યું છે. માટે એની પ્રતિષ્ઠા છે. એને માનવંતું સ્થાન મળ્યું છે. ઘેર જવાશે, સામાન ખાલી થશે, અને કોથળી કચરાપેટીમાં ફેંકી દેવાશે. એનું જીવનકાર્ય સમાપ્ત થયું છે. રસ્તા પર ઉડી રહેલી પેલી કોથળીની આવી માન-સભર આવરદા કેટલી રહી હશે?
મને તરત માનવજીવનની સરખામણી આ કોથળી સાથે થઈ ગઈ. અને શ્રી. ભાગ્યેશ જહાની મને બહુ જ ગમતી રચના યાદ આવી ગઈ.
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું?
આખી રચના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો .
સાવ નિર્વેદ થઈ ગયો. પણ બીજા વિચારે એમ પણ થયું કે, એ કોથળી કે માનવ જીવનનો એક નાનકડો તબક્કો હતો જ ને કે, જેમાં તેની કાંઈક ઉપયોગીતા હતી; તેણે કાંઈક પ્રદાન કર્યું હતું? બસ એટલી નાનીશી ગરિમાના ગુણ શેં ન ગાઈએ? અને આવી લાખો, કરોડો… અરે અબજો, અનામી ગરિમાઓના પ્રતાપે તો હજારો વર્ષો  પિરામિડો ઉભા છે.
આખી માનવજાત વિકાસના જે તબક્કે ઉભી છે, તે આવી કેટકેટલી,  નાનકડી ગરિમાઓનો સરવાળો છે – નહીં વારુ?

10 thoughts on “ અવલોકન-૧-રસ્તા ઉપર પ્લાસ્ટીકની બેગ –

  1. Pingback: અવલોકનો હવે ‘બેઠક’ પર | સૂરસાધના

  2. સુરેશભાઈ બેઠકમાં તમારૂં સ્વાગત છે. કહેવત છે ને કે If Mohamad does not go to mountain, mountain should go to Mohamad. હવે આનાથી વધારે તમને કેવો આવકાર આપું?
    Well Come to Our Bethak.

    Like

    • વ્હાલા પીકે ,
      તમે તો બહુ જૂના મિત્ર છો. બેઠકમાં મળતી મિજલસ/ ડાબલા પાર્ટી ગમવા લાગી અને એમાં મારો ડબો ખોલવાની તક મળી. એમાં પુરણ પોળી છે કે , સૂકો રોટલો – એ તો નીવડે વખાણ! હવે આ ઉમરે ફાગણનો ફાલ ક્યાથી આવવાનો ? જે કાંઈ પાંદડીઓ રડીખડી બચી છે – તે લૂંટાવવાનો આનંદ આપણો.

      Liked by 1 person

  3. પ્લાસ્ટીકની કોથળી સાથે વાચકોના મન પણ ફંગોળાયા …સુંદર અવલોકન સાથે આપનો પ્રવેશ ‘બેઠક’માં આવકાર્ય . અભિનંદન .

    Like

  4. જોવાની નજર હોય, વિચાર શક્તિ હોય અને એને અભિવ્યક્ત કરવાની કળા હોય તો સામાન્ય વિષય પણ તત્વજ્ઞાન સહિતના સુંદર લેખનું સર્જન શક્ય બનાવી શકે . સુરેશભાઈમાં એ છે એટલે એમનાં અવલોકનો બધાને ગમે છે.વિષય સામાન્ય પણ અવલોકન અસામાન્ય.અવલોકન શબ્દમાં અંગ્રેજી શબ્દ ”લુક” એટલે ”નજર કર”નો ભાવ મને જણાય છે.
    પ્લાસ્ટિકની કોથળી જેવું જ કપાએલા પતંગનું જીવન હોય છે. એ પણ એની ઉપયોગીતા પૂર્ણ કરીને કપાઈને કોઈ ઝાડનું શરણું શોધે છે.ઉંચે ચગે ત્યાં સુધી જ એની કિંમત છે .માણસોનું પણ એવું જ !

    સુરેશભાઈ હવે બેઠકમાં આવી સૌ સાહિત્ય રસિક મિત્રો સાથે સ્થાન લીધું એથી આનંદ.સ્વાગતમ .

    Like

  5. એક નાનકડી નિર્જીવ પ્લાસ્ટીકની કોથળી પર પણ આટલુ સરસ મંથન? જાણે એ પણ સજીવ બની ગઈ !

    Like

  6. Pingback: અવલોકનો – સુરેશ જાની | "બેઠક" Bethak

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.