આ મહિનાનો વિષય – “ચાલો લ્હાણ કરીએ “

 “ચાલો લ્હાણ કરીએ”

મિત્રો એક મેગેઝીન માટે “ચાલો લહાણ કરીએ” ની કોલમ બેઠક શરુ કરશે માટે કલમ ઉપાડો અને માંડો લખવા

હા નિયમો આ મુજબ છે.

તમારે તમારી ગમતી રચનાનું અર્થઘટન કરવાનું  ૮૦૦ શબ્દની મર્યાદા છે, વધુ પણ લખી શકો છો.

સમય ૨૮મિ april સુધી મોકલી આપો.pragnad @gmail.com

મિત્રો લેખકને પ્રગટ થવા માટે કોઈ રેસિપી નથી હોતી કે નહિ હોતી કોઈ ફોર્મ્યુલા બસ હિમતથી કલમ ઉપાડો તમારી ગમતી રચના લ્યો અને તમે કરેલા અહેસાસનો અનુભવ શબ્દો થકી બીજાને કરવો એની લ્હાણ  કરો

હાથમાં જે મળ્યું તેની અનુભવ કરી લઈએ ,

થોડી ઘણી અનુભવી  લાગણી ત્યારે 

ચાલ સંવેદના ની  લ્હાણ કરી લઈએ...

આલ્યો તમને એક સુંદર ઉદારણ પણ આપું .

ઇસ મોડ સે જાતે હૈ..(બધાએ આ ગીત કેટલીય વાર દાવડા સાહેબની જેમ સાંભળ્યું હશે પણ તેનું અર્થઘટન કરી  શબ્દોમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે ખરો ,નથી કર્યો તો કરો……

ઈસ મોડ સે જાતે હૈ, કુછ સુસ્ત કદમ રસ્તે, કુછ તેજ કદમ રાહેં

ટી. વી. માં આંધી ફીલ્મનું આ ગીત સાંભળતાં સાંભળતાં મન વિચારોના વમળમાં ફસાઈ ગયું. થોડીક પંક્તિઓમાં, ગુલઝારે જીવનની કેટલી મોટી મુંજવણ સમેટી લીધી છે? પ્રત્યેક પંક્તિ એક મોટો અણસુલઝ્યો પ્રશ્ન ખડો કરે છે, પણ એ પ્રશ્નોનો કોઈ સરળ ઉકેલ નથી.
આપણાંમાંથી કેટલાક જીવનને ત્રિભેટે તો કેટલાક ચોરાહે ઊભા છે. સવાલ છે આપણે ક્યાં જવું છે, અને કયો રસ્તો ત્યાં લઈ જશે? આજના આપાધાપી વાળા જીવનમાં આપણને ક્યાં જવું છે, એ પણ ક્યાં ખબર છે? બસ એટલી ખબર છે કે અહીં બહુવાર ઊભા નહીં રહેવાય, ચાલવું તો પડશે જ.
હકીકતમાં જીંદગી આપણી સામે અનેક રસ્તા ખોલે છે. કોઈ રસ્તા ઉપર આપણે ચાલી શકીયે એવા હોય છે, તો કોઈ રસ્તા ઉપર દોડી શકીયે એવા હોય છે, ક્યારેક થોડે સુધી જઈ પાછા ફરી જઈયે છીયે, અને ક્યારેક રોકાઈ જઈયે છીયે અને વિચારીયે છીયે કે શું આ રસ્તો આપણને મંઝીલ સુધી લઈ જશે? પણ મંઝીલ કઈ છે? સામે તો માત્ર રસ્તો જ છે. કેટલાક રસ્તા ખૂબ દૂર સુધી લઈ જઈને યુ ટર્ન લે છે, અને પાછા હતા ત્યાં જ લઈ આવે છે.
ધારો કે મંઝીલનો આછો ખ્યાલ છે. મંઝીલ આપણને ચાલતા રહેવાની પ્રેરણા તો આપે છે, પણ સફરનો આનંદ તો આપણી સફરમાં સાથે કોણ છે એના ઉપર અવલંબે છે. સફરના આ સાથીઓમાંથી થોડા માત્ર થોડો સમય સાથે હોય છે, પણ ક્યારેક કોઈ લાંબી સફરના સાથી થઈ જાય છે.
આ ગીતના બીજા ત્રણ શબ્દોએ મને વિચાર કરતો કરી મૂક્યો છે. આ ત્રણ શબ્દો છે પથ્થરની હવેલી, કાચના ઘર અને પક્ષીઓના માળા(તિનકોં કે નશેમન). મને લાગે છે કે સંબંધો માટે આનાથી વધારે સારા પ્રતિકો મળવા મુશ્કેલ છે. કેટલાક સંબંધો પથ્થરની હવેલી જેવા મજબૂત છે, સ્થાયી છે. પણ પરદે ઢાંકેલી બારીઓમાંથી ઝાંકીને અંદર શું ચાલી રહ્યું છે, એનો અંદાઝ આવવો મુશ્કેલ છે. અંદરથી હસવાનો કે રડવાનો અવાજ પણ બહાર સંભળાતો નથી. કાચના ઘરોમાં પારદર્શિકતા તો છે, પણ ઘર જ તકલાદી છે. કોઈપણ બહારનો માણસ એક પથ્થર ફેંકીને એને તોડી શકે છે. આવા સંબંધોનું આયુષ્ય કેટલું હોય? ત્રીજા સંબંધ છે “તિનકોંના નશેમન”, એટલે કે પક્ષીઓના માળા. પારદર્શિતા તો ૧૦૦ ટકા છે, પણ માળો માત્ર એક કાર્ય પુરતો જ રચવામાં આવ્યો છે. એની રચના જ કામચલાઉ છે. સમાજમાં આવા નશેમન વધવા લાગ્યા છે.
રસ્તા અને મંઝીલની વાત માંડી જ છે ત્યારે ગીતાના ત્રણ રસ્તાઓ અને એક મંઝીલની વાત પણ ધ્યાનમાં આવે છે. અહીં એક સારી વાત એ છે કે ગીતામાં ખાત્રી આપવામાં આવી છે કે રસ્તા ભલે ત્રણ અલગ અલગ છે, પણ ત્રણેની મંઝીલ એક જ છે. આ જ વાત હરીવંશરાય બચ્ચને પણ મધુશાલામાં કહી છે, “રાહ પકડકે એક ચલાચલ, પાજાયેગા મધુશાલા.”

પી .કે .દાવડા

 

************************************************************************************
આજે એ જ વિષય ઉપર બાબુલાલ ચાવડા “આતુર”ની ગઝલની વાત કરું છું.

જીવન એક ઝડપથી કપાતી લાંબી મઝલ છે. લેક્ષીકોનમાં મઝલ શબ્દનો અર્થ એક દિવસની મુસાફરી અને પથ એવો આપેલો છે, પણ સામાન્ય બોલચાલમાં આપણે “લાંબી મઝલ” શબ્દ પ્રયોગ કરીયે છીયે. આગળ વધીયે તે પહેલા ગઝલ ઉપર નજર કરી લઈયે.

દુઃખ દીવાદાંડી સમું દેખાય છે,
ત્યાં મને મારી સફર લઈ જાય છે,

કોઈ એ રસ્તે મને મુકી ગયું,
ભલભલા જ્યાં ભોમીયા ખોવાય છે.

માર્ગ સીધો સાવ છે પણ થાય શું?
આ અહીં તો ચાલવું ફંટાય છે.

ઠોકરો ખોડ્યા કરે છે વાટમાં,
એ જ અહીંયા હમસફર કહેવાય છે.

કારમી એકલતા ઉંચકીને ફરું,
પીંડીઓમાં એનાં કળતર થાય છે.

થાકવાનું નામ બસ લેતો નથી,
આમ તો “આતુર” લથડીયાં ખાય છે.
-બાબુલાલ ચાવડા “આતુર”
પ્રથમ બે પંક્તિઓમાં જ બાબુલાલની ગુગલી છે. ચાલે પથ ઉપર છે, પણ મંઝીલ ઉપર દીવાડાંડી દેખાય છે. લાંબી મઝલ કાપ્યા પછી પથ પૂરો થઈ જશે, પણ મંઝીલ નહીં મળે, કારણ કે આગળ દરિયો છે.
તો પછી આવો પથ શા માટે પકડ્યો? અરે ભાઈ મેં ક્યાં પકડ્યો છે? કોઈ મને આ પથ ઉપર મૂકી ગયું છે, હવે સમજાય છે કે આ પથ ઉપર તો ભલભલા ભોમિયા પણ ખોવાઈ જાય. અને પથ પણ કેવો છેતરામણો છે? સાવ સરળ દેખાય છે, પણ ચાલતાં ચાલતાં જાણે નવા નવા માર્ગ ફંટાતા હોય એવો આભાસ થયા કરે છે. ચાલતાં ચાલતાં ક્યાં ઠોકર ન વાગે એની ચિંતામાં ઠોકરો શોધ્યા કરવાની પ્રવૃતિ એ જ આપણી મુસાફરીનો સંગાથ.
આટલા મોટા થપ ઉપર જ્યારે એકલતાનો અહેસાસ થાય છે, ત્યારે ચાલવાના થાકને લીધે નહીં, એકલતાના અહેસાસને લીધે પગની પીંડીઓમાં કળતર થાય છે, કારણ કે એ એકલતા માથે ઉચકેલા એક બોજ જેવી લાગે છે.
હવે થાકીને બેસી જવું પરવડે એમ નથી, પગ તો લથડિયા ખાય છે, પણ ચાલતા રહેવું એ જીવનની મજબૂરી છે.
માત્ર બાર પંક્તિઓમાં બાબુલાલે આજની આપણી જીવનશૈલીની વાત વણી લીધી છે.
ગુલઝાર અને બાબુલાલે કરેલી વાતો, બરકત વિરાણી “બેફામ” એ માત્ર બે પંક્તિઓમાં કહી દીધી છે,
“બેફામ” તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

પી .કે .દાવડા

9 thoughts on “આ મહિનાનો વિષય – “ચાલો લ્હાણ કરીએ “

  1. “ચાલો લ્હાણ કરીએ” મેગેઝીન માટે મારો લેખ ક્યાં મોકલાવું ? કૃપા કરી આપના સંપર્ક માટે નો ઈ-મેઈલ એડ્રેસ જણાવશો કે ? યશવંત શાહ – પ્રિન્સટન – ન્યુ જર્સી – અમેરિકા

    Like

  2. આ મહિનાનો વિષય ખૂબ સુંદર છે! દાવડા સાહેબે બન્ને ગઝલનો કરેલો આસ્વાદ વિચાર કરતા મૂકે તેવો રસપ્રદ છે!

    Like

  3. Pingback: ચાલો લ્હાણ કરીએ | સહિયારું સર્જન – ગદ્ય

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.