દ્રષ્ટિકોણ 29: પુસ્તક ઉપર પ્રતિબંધ – દર્શના

પુસ્તક પરત્વેનો પ્રશ્ન
મારા, દર્શના વારિયા નાડકર્ણી તરફથી શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર તમારું સ્વાગત છે. થોડા સમય પહેલા આપણે “પુસ્તક ના પ્રભાવ” વિષે વાત કરેલી http://bit.ly/2oV0SsE .  આપણે બ્રોનટે બહેનો ના અંગ્રેજી સાહિત્ય ઉપરના પુસ્તકોની પણ  વાત કરેલી http://bit.ly/2Ttldmy . તે સમયે માત્ર પુરુષો લખતા અને તે સામાજિક ધોરણો ને અવગણીને તે લેખિકા બહેનોએ અદભુત પુસ્તકો લખ્યા છે. આજે પુસ્તક ના પ્રભાવ ને જુદા દ્રષ્ટિકોણ થી જાણીએ। આજે આપણે “પુસ્તક ઉપર પ્રતિબંધ” “Book Censorship” વિષે વાત કરીએ. ક્યારેક પુસ્તકો લોકોમાં એવી માન્યતા ઉજાગર કરવાની તાકાત ધરાવે છે. તેવી ફ્લિમ પણ બનતી હોય છે.  ફિલ્મ ઉપર ની મારી કોલમ આ લિંક http://bit.ly/2W2Xuez ઉપર મળશે। તો અમુક સામાજિક ધોરણો ની તમે વિરુદ્ધ હો અને તો તેવા પુસ્તકો અથવા ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી છે કે તેવો પ્રતિબંધ ક્યારેય નહિ મુકવો અને લોકોની સમજણ ઉપર વિશ્વાસ રાખવો? તમારું શું માનવું છે?
મિત્રો આજે ફરી ઇતિહાસ માં ડૂબકી મારીએ।  આ ઘટના બનેલી 1958 માં મોન્ટગોમરી અલાબામા માં. મોન્ટગોમરી અલાબામા કોન્ફેડરેસી ના પારણાં તરીકે ઓળખાય છે. એટલે કે ત્યાં જ કોન્ફેડરેસી ની શરૂઆત થયેલી.  1958 માં આફ્રિકન અમેરિકન વિરોધી લાગણીઓ જોરદાર હતી. અને આ  બાજુ તેમને સમાન હક માટે ચળવળ પણ શરુ થઇ ગયેલી. તે સમયે ગાર્થ વિલિયમ્સ નામના લેખક દ્વારા લખાયેલ એક બાળવાર્તા પ્રકાશિત થઇ અને તેનું નામ હતું “સસલાના લગ્ન”. તે બાળવાર્તામાં ઘણા પશુઓ અને પ્રાણીઓ એકત્રિત થયેલા અને આખરે એક કાળા સસલાના લગ્ન એક ધોળા સસલા સાથે થયા. બસ આવી નાની એવી વાર્તાએ ઉહાપોહ મચાવી દીધો. સ્ટેટ સેનેટર થી લઈને બધાજ નેતાઓ મંત્રણા કરવા ભેગા થયા અને આખરે એવો નિર્ણય લેવાયો કે સ્ટેટ લાઈબ્રેરી માંથી તે પુસ્તક હટાવી લેવું. તે પુસ્તક ધોળા અને કાળા રેસ નું મિશ્રણ થવા માટે લોકોને પ્રેરિત કરે છે અને તે કારણસર તે પુસ્તક હટાવી લેવાનો આદેશ અપાયો।
Image result for rabbits weddingતે સમયે સ્ટેટ લાઈબ્રેરીના મુખ્ય સંચાલક એમિલી રીડ કરીને એક બહેન હતા. તેમણે દલીલ કરી કે પુસ્તકો પ્રભાવશાળી યુવા વય માટે શિક્ષણનો મહત્વપૂર્ણ માર્ગ છે. યુવા વય ના છોકરા છોકરીઓને બધીજ માહિતી ઉપલબ્ધ થવી જોઈએ જેથી તેઓ પોતાની જાતે પોતાના નિર્ણયો કરી શકે. સેનેટરે તેની દલીલ ના માન્ય રાખી અને આદેશ આપ્યો કે પુસ્તક ને જનરલ સર્ક્યુલેશન માંથી હટાવી દેવું. એમિલી બહેને તેમની વાત માન્ય રાખીને પુસ્તક ને જનરલ સર્ક્યુલેશન માંથી હટાવી અને રિઝર્વ સર્ક્યુલેશન માં મૂકી દીધું જેથી કરીને તે પુસ્તક હંમેશા ઉપલબ્ધ રહે.
આ સત્ય હકીકત નું મુખ્ય બિંદુ શું છે? આ એક સરળ સત્ય હકીકત છે કે જે બતાવે છે કે દરેક ઇતિહાસ માં એવી ઘણી નાની નાની ઘટના બનતી રહે છે જે ઇતિહાસ માં મોટા અક્ષરે લખાયેલ ન હોય પણ સામાન્ય લોકોની તેમાં કસોટી થતી હોય છે.  એમિલી રીડ ને ત્યાંના નેતાઓનો એક નજીવા પુસ્તક બાબતે જબ્બર સામનો કરવો પડેલો. એમીલીબહેન સહેલાઈથી તે પુસ્તકને સર્ક્યુલેશન માં થી હટાવી શકતે. પરંતુ તેમણે કહ્યું કે આ પુસ્તકમાં કોઈના માટે ખરાબ સંકેત હતો નહિ. આ માત્ર નિર્દોષ બાળવાર્તા હતી અને તેને હટાવવાની કોઈજ જરૂર હતી નહિ. એક વર્ષ બાદ લેખક ગાર્થ નો ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો. ત્યારે લેખકે કહ્યું કે આ માત્ર બાળવાર્તા હતી અને તેમાં કોઈ છુપાયેલ સંદેશ હતો નહિ અને સફેદ અને કાળી રુવાંટી વાળા પશુઓ તો કાયમ મળતા હોય છે અને પશુની દુનિયા માં તેવો કોઈ બાધ નથી.
પણ શું લેખક નો ગૂઢ હેતુ હોઈ શકે, રેસ મિશ્રણ અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવા માટેનો? તમને શું લાગે છે? આજ વાર્તા જો ભારત માં લખાણી હોય અને તેમાં એક સસલું એક ધર્મ માં માનતું હોય જેમાં તે મૂર્તિઓની પૂજા કરતુ હોય અને બીજું સસલું નીચે ચટાઈ ઉપર ગોઠણ ટેકવી આકાશ તરફ આગળના પંજા ઉઠાવી ખુદા પાસે દુઆ માંગતું હોય તો શું તે વાર્તા ઉપર ભારતમાં પ્રતિબંધ મુકવો જોઈએ કે ચાલવા દેવી જોઈએ? અથવા એક સસલો હોય અને સસલી ની જગ્યાએ બીજો પણ સસલો હોય તો તે ચોપડી ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ કે તેવી બાળવાર્તા ને સર્ક્યુલેશન માં રાખવી જોઈએ? તમારું શું માનવું છે?
આજના નિબંધ માં જવાબ નથી, માત્ર પ્રશ્ન છે. મન થાય તો તમારો મત જણાવશો.

દ્રષ્ટિકોણ 22: bill of rights (first 5 amendments) – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક ની શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આવકારું છું. આ કોલમ માં આપણે જુદા વિષયો ઉપર અને વિવિધ દ્રષ્ટિકોણ થી વાત કરીએ છીએ. આજે ડિસેમ્બર 15 ના “બિલ ઓફ રાઇટ્સ” દિવસે, અમેરિકા ના નાગરિક તરીકે આપણા હક વિષે થોડી જાણકારી મેળવીએ.  
આ બિલ ઓફ રાઇટ્સ શું છે? અમેરિકન કોન્સ્ટિટ્યૂશન ના પહેલા 10 સુધારાઓ (અમેન્ડમેન્ટ્સ) ને બિલ ઓફ રાઇટ્સ તરીકે ઓળખાય છે. આ બિલ ઓફ રાઇટ્સ સપ્ટેમ્બર ની 25, 1789 માં પસાર થયેલ અને તે ગવર્મેન્ટ ની શક્તિ ઉપર કાબુ રાખે છે. તે જેમ્સ મેડીસને દાખલ કરેલ અને ત્યાર પછી તેઓ અમેરિકાના 4થા પ્રેસિડેન્ટ બન્યા. પહેલા તેમાં 12 સુધારાઓ હતા અને તેમાંથી 10 પસાર થયા. વર્ષો જતા સુધારાઓ માં વધારો થયો છે અને અત્યારે લગભગ તેમાં 27 સુધારાઓ (અમેન્ડમેન્ટ્સ) છે. આ બિલ ઓફ રાઇટ્સ ને The Rotunda of the National Archives Building in Washington, DC. માં પ્રદર્શિત કરવામાં આવે છે.  
આપણે પહેલા પાંચ સુધારાઓ (અમેન્ડમેન્ટ્સ) ઉપર વાત કરીએ.
1) પહેલા સુધારા અનુસાર, કોંગ્રેસ ક્યારેય એક ધર્મ ને અપનાવવાનો કાયદો નહિ બનાવે અને ક્યારેય મુક્ત અભિવ્યક્તિ ઉપર પ્રતિબંધ નહિ મૂકે. આ સુધારો લોકોને મુક્તપણે બોલવા ઉપર અને અખબાર માં તેમના અભિપ્રાય પ્રકાશિત કરવા માટે નો અને ગવર્નમેન્ટ તરફ ની ફરિયાદ દર્શાવવાનો હક અદા કરે છે.
2) સુધારા 2 અનુસાર લોકોને પોતાનો બચાવ કરવા માટે અને પોતાના સ્ટેટ ને સુરક્ષિત રાખવા માટે, શસ્ત્ર રાખવાનો હક છે અને તે ક્યારેય છીનવી લેવામાં આવશે નહિ. આ સુધારા અનુસાર આપણે પિસ્તોલ ને બિલકુલ હટાવી શકીએ નહિ. અને સુધારાને બદલવાનું કાર્ય ખુબજ મુશ્કેલ છે. પણ તે સુધારા નો આદર કરીને પણ બીજા સુધારા લાવી શકીએ. જેમ કે આ અમેન્ડમેન્ટ દાખલ કર્યું તે સમયે ઓટોમેટિક રાઇફલ હતી નહિ. તે આ સમય ની નવીનતા છે જે ખોટા લોકોના હાથ માં આવે તો તેનાથી મિનિટો માં કેટલાય ને તેઓ મોત ને ઘાટ ઉતારી શકે છે અને અસમર્થ ઇજા પહોંચાડી શકે છે. તેમજ પિસ્તોલ માટે અરજી કરનારાઓ માટે વેઇટિંગ પીરીઅડ (જેથી તેઓ લાગણી ના ઉશ્કેરાટ માં અજુગતું પગલું ન લઇ શકે) અને પૃષ્ઠભૂમિ તપાસ (background checks), જેથી કોઈ વ્યક્તિ એ ભૂતકાળ માં અજુગતું કાર્ય અથવા બોલવાનું કર્યું હોય તેમને પિસ્તોલ થી દૂર રાખી શકાય, જેવા કાયદાઓ લાવાની જરૂર છે તેવું ઘણા અમેરિકનો માને છે.
3) સુધારા 3 અનુસાર, કોઈ પણ સૈનિક ને ક્યારેય કોઈના ખાનગી ઘર માં રાખવા માટે સરકાર દબાણ નહિ કરી શકે.  આ સુધારો ક્યારેય ચર્ચાસ્પદ બન્યો નથી અને બધાએ તેને તુરંત સ્વીકારી લીધો છે. તેનું કારણ? 1765 માં બ્રિટને એવો કાયદો પસાર કરેલ જેને લીધે સરકાર જયારે ઈચ્છે ત્યારે કોઈ પણ નાગરિક ને તેના ઘરમાં સૈનિક ને રાખવાનું દબાણ કરી શકે. આ કાયદો અમેરિકા ના બ્રિટન સામેના બળવા નું એક મુખ્ય કારણ હતું.
4) આ સુધારો લોકોને સરકારના ગેરવાજબી શોધ અને હુમલામાંથી રક્ષણ આપે છે. આ સુધારા અનુસાર લોકોને પોતાના ઘર માં સુરક્ષિત રહેવાનો હક છે. સરકાર કોઈ કારણ વગર કોઈના ઘર માં ધાડ પાડી શકે નહિ. કોઈના ઘર માં દાખલ થવા માટે અને કોઈના ખાનગી ઘર ની તપાસ કરવા માટે સરકાર પાસે વૉરંટ હોવો જોઈએ અને તેની મહત્વતા કોર્ટ માં પુરવાર કરી શકે ત્યારેજ સરકાર ને તેવો હક મળે.
એક વખત હું ભારત માં મારા કુટુંબ જોડે ઇન્સ્પેક્ટર નો શો જોતી હતી. તેમાં આવ્યું કે ઇન્સ્પેક્ટર ને કોઈ માણસ ઉપર શક હતો તેની જોડે વાત કરવા તેના અનુયાયી ને લઈને તેઓ શક હતા તે માણસ ની ઘરે ગયા. ત્યાં ઇન્સ્પેક્ટર ના અનુયાયીએ તેમને તાળું જોઈને કહ્યું, “सर यहाँ पे तो ताला लगा है. इंस्पेक्टर: चलो इसको तोड़ देते है”. તોડ્યા પછી….   “सर, यहाँ तो बहोत सारी इन्फॉर्मेशन है”. इंस्पेक्टर: “चलो प्रूफ मिल गया अब उसको अरेस्ट करने की कोशिश करते है”. સુધાર 4 અનુસાર અમેરિકામાં તેવી રીતે મેળવેલ પ્રુફ ની કૈજ વેલ્યુ નથી. (જોકે હું માનું છું ત્યાં સુધી ભારત માં પણ તેવો જ કાયદો છે. મેં મારી સાથે ટીવી જોઈ રહેલા ને કહ્યું કે આ તો ખોટું છે. તો મને બધા કહે કે તેમાં ખોટું વળી શું, જો પુરાવો મળી ગયો ને).
આપણે જાણીએ છીએ કે એક વખતના ટ્રમ્પ ના વકીલ માઈકલ કોહેન ના ઘરે અને ઓફિસ માં FBI એ ધાડ પાડેલી. તે ધાડ પાડવા માટે પહેલા સરકારી વકીલ, મલરે ખુબ મહેનત કરી અને સાબિતી મેળવી અને કોર્ટ માં પુરવાર કર્યું કે ત્યાં ધાડ પાડી અને બાકીની સાબિતી મેળવવી જરૂરી છે અને કોર્ટે તેને તે પછી જ કોહેન ના ઘરે ધાડ પાડવાની પરવાનગી આપી અને મલરે ખાસ વૉરંટ મેળવ્યું.  જો સરકાર કોર્ટ ની પરવાનગી વગર ધાડ પડે તો તેને જે સાબિતી મળે તેને કોર્ટ અવગણે. તેમજ પ્રેસિડેન્ટ ઓબામાએ ટ્રમ્પ ના કેમ્પેઇન ના વડા પોલ માનફોર્ટ ઉપર ફાઇસા વૉરંટ કાઢેલો તે પણ કોર્ટ માં પુરવાર કરીને જ મળેલ। 
5) આ સુધારા અનુસાર, લોકોને પોતાની જાન, સ્વતંત્રતા અને સંપત્તિ ને સુરક્ષિત રાખવાનો હક છે. તેના પ્રમાણે, કોઈ પણ ગુના ને સ્વીકારવા સરકાર કોઈના ઉપર દબાણ કરી શકે નહિ, સિવાય કે તે મામલો પબ્લિક ડેન્જર ને લાગતો હોય. સરકાર કોઈને માત્ર ગુના કરવાના શક ને આધારે જેઈલ માં પુરી રાખી શકે નહિ અને માત્ર ગુના કરવાના શક ને આધારે કોઈની સંપત્તિ ઉપર હક જમાવી શકે નહિ.
અમેરિકા અને ભારત બંને ખુબ મોટા દેશ છે; એક દેશ ભૂગોળ ની દ્રષ્ટિએ માપ માં અતિ મોટો છે અને બીજો લોકો ની સંખ્યા ને લીધે અતિ મોટો દેશ છે. એવા દેશ માં લોકશાહી સતત ટકાવી રાખવી તે જેવી તેવી વાત નથી.  આ બંને દેશો માં સતત અને ટકી રહેલ લોકશાહીનું રહસ્ય મારા મત અનુસાર બે ચીજો માં સમાયેલ છે. 1) બંને દેશો માં સ્થાપના દરમ્યાન જે વ્યક્તિઓ હતા તેઓ એકદમ દેશભક્ત વ્યક્તિઓ હતા. 2) બંને દેશો ની સ્થાપના ખુબજ વિચારશીલ દસ્તાવેજ “કોન્સ્ટિટ્યૂશન” વડે કરવામાં આવી છે. બંને દેશો ના નિર્માણ સમયે અપનાવેલ બંધારણ અદ્ભુત અને ખુબ ફોરવર્ડ લૂકિંગ અને visionary દસ્તાવેજ છે. જો તમે Washington D.C. નો પ્રવાસ કરો તો માત્ર ત્યાંના બિલ્ડીંગ જોઈને નહિ આવતા પણ તેના ઉપર જરૂર થોડી જાણકારી મેળવજો અને ઘણી ઇમારતો ઉપર કોતરેલ લખાણ ને જરૂર વાંચવાની કોશિશ કરજો। પ્રવાસ નો તમારો આનંદ વધશે અને તમારી જાણકારી માં વધારો પણ થશે.

દ્રષ્ટિકોણ 21: વિશ્વયુદ્ધ 2 દરમ્યાન જર્મન કપ્તાનની માનવતા – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક માં, દ્રષ્ટિકોણ ની કોલમ ઉપર આવકારું છું. આજે ઇમિગ્રેશન અને રેફયુજીસ ઉપર ઘણી ચર્ચા થઇ રહી છે તો આપણે આજે ડિસેમ્બર 7 ના પર્લ હાર્બર હુમલાના દિવસે, ઇતિહાસ માં એક ડૂબકી મારીએ। 
વિશ્વયુદ્ધ 2 દરમ્યાન હિટલર જેવા દાનવ પેદા થયા અને ઘણા દેશો અને ઘણા લોકો માનવતાને ભૂલી ગયા. ડિસેમ્બર 7 ની વહેલી સવારે, 7:55 વાગે, 1941 માં જાપાન ના ઇમ્પિરિઅલ આર્મી એ અમેરિકા ના પર્લ હાર્બર ના નેવલ બેસ ઉપર હુમલો કર્યો અને 18 અમેરિકન શિપ અને 188 વિમાનો નો નાશ કર્યો।  2300 અમેરિકન આ હુમલા માં માર્યા ગયા અને આ હુમલા ને લીધે અમેરિકા એ પુરી રીતે વિશ્વયુદ્ધ માં પ્રવેશ કર્યો.  જો જાપાને અમેરિકા ઉપર તે હુમલો ન કર્યો હોત તો યુદ્ધ કઈ દિશા તરફ વળાટ તે કહેવું મુશ્કેલ છે. જો જાપાને હુમલો ન કર્યો હોત તો અમેરિકા યુદ્ધ માં થી બહાર રહેત તો જર્મની અને જાપાન ને લાભ મળી જાત અને તે પછી અમેરિકા યુદ્ધમાં પ્રવેશ કરત તો પણ તેમને કદાચ હરાવી ન શકત. પણ જાપાન ના પર્લ હાર્બર ના હુમલા ને લીધે અમેરિકા એ યુદ્ધ માં પ્રવેશ તો કર્યો પણ પછી જાપાન ના હિરોશિમા અને નાગાસાકી માં ન્યુક્લિઅર હથિયાર નાખ્યા જેને લીધે લાખો નિર્દોષ લોકો મોત ને ઘાટ ઉતાર્યા તે પણ અજુગતું થયું. યુદ્ધ માં મોટી હાર તો માનવતાની જ થાય છે. આજે તે યુદ્ધ ના અંત ની નહિ પણ શરૂઆત ની એક વાત કરીએ.
1939 ના સમય ની વાત છે. જર્મની એ જુઇશ લોકો ઉપર દબાવ ચાલુ કરી દીધેલો. તેમના ઘરબાર છીનવી લેવામાં આવતા, તેમની તરફ દૃષ્ટ અને ક્રૂર વર્તન અને વાતે વાતે તેમનું અપમાન કરવામાં આવતું. થોડા ઘણા જુઇશ લોકોને ગવર્મેન્ટ પૂછતાછ ના બહાને ઉપડાઈ ગયેલી. આ તેમના જુઇશ લોકોની જડમુળ માં થી નાશ કરવાના પોગરોમ ની શરૂઆત હતી. જુઇશ લોકો માટે ત્યાં જીવવું દિવસે દિવસે મુશ્કેલ બની રહ્યું હતું. અને તેઓ જર્મની માં બધું છોડી ને તક મળે ત્યારે જર્મની બહાર નીકળી રહ્યા હતા. ક્યારેક જર્મની તેમને બધીજ ઘરવખરી અને ખુબ પૈસા ના બદલે જર્મની છોડવાની પરવાનગી આપતા હતા.  એ સમયે જર્મની થી સેન્ટ લુઈસ કરીને એક સ્ટીમર, જુઇશ રેફયુજીસ ને લઈને, ક્યુબા તરફ નીકળી.   
937 પેસેન્જર ને લઈને નીકળેલી સ્ટીમર આખરે ક્યુબા પહોંચી ત્યારે ક્યુબાએ ત્યાં રેફયુજીસ ને ઉતારવાની સાફ ના પડી. તે સમયે અમેરિકા અને કેનેડા ઉપર પણ દબાણ થયું અને તે દેશોએ પણ રેફયુજીસ ને ઉતારવાની સાફ ના પડી.  આ લોકોએ તેમની બધીજ ઘરવખરી વેંચી અને મહા મુસીબતે સ્ટીમર માં સીટ મેળવેલી અને હવે જર્મની પરત જાય તો નક્કી તેમને માટે ત્યાં બચીજ શકાય નહિ તેવી પરિસ્થિતિ હતી. તેવી પરિસ્થિતિમાં સ્ટીમર પાછી જર્મની તરફ રવાના થઇ. ફ્લોરિડા ની એકદમ નજીક થી તે પસાર થઇ પણ અમેરિકા એ ઘસીને તેમને અહીં ઉતારવાની પરવાનગી આપવાની ના જ પડી. જર્મન કપ્તાન ને પેસેન્જર તરફ ખુબ જ સહાનુભૂતિ હતી. તેમણે બીજા દેશો જોડે વાટાઘાટ ચાલુ રાખી. આખરે યુરોપ ના થોડા દેશોએ થોડા થોડા પેસેન્જર ને ઉતરવાની પરવાનગી આપી.
ગ્રેટ બ્રિટને 287 પેસેન્જર ને લીધા, ફ્રાન્સ માં 224 પેસેન્જર ઉતર્યા, થોડા થોડા બેલ્જિયમ અને હોલેન્ડ માં ઉતર્યા। પણ હિટલર નો ગુસ્સો વધી ગયો. તુરંત હિટલરે યુદ્ધ ની જાહેરાત કરી અને જે દેશોએ આ પેસેન્જર ને લીધેલા તે દેશો તેમના પહેલા શિકાર બન્યા અને ત્યાં તુરંત જ બધા જુઇશ લોકોને ઉપાડી અને કોન્સેન્ટ્રેશન કેમ્પ માં નાખવાનું કાર્ય શરુ થયું. મોટા ભાગના જુઇશ લોકો તેમાં ખલાસ થઇ ગયા. માત્ર બિર્ટન માં ઉતરેલ 287 પેસેન્જર તદ્દન બચી ગયા.  કપ્તાન ને જર્મની પહોંચ્યા પછી કપ્તાન ની પદવી લઈને, એડમિનિસ્ટ્રેટિવ ડ્યૂટી ઉપર રાખી દેવામાં આવ્યા. યુદ્ધ પૂરું થયું પછી નાઝીઓની ઉપર મુકદમા જાહેર કરવામાં આવ્યા ત્યારે કપ્તાન શ્રેડર ઉપર પણ મુકદમો જાહેર થયો. પરંતુ બચી ગયેલા લોકોએ તેમની તરફેણમાં લખેલ પત્રો અને ટેસ્ટીમનીસ ના આધારે આ મુકદમો બંધ થયો. 1949 માં તેમણે તેમના આ અનુભવ ઉપર પુસ્તક લખેલ અને 1957 માં કપ્તાનને નવા જર્મની તરફથી રેફયુજીસ ની મદદ કરવા માટે પારિતોષિક ઇનામ મળ્યું અને તે પછી ઈઝરાઈલ દ્વારા પણ તેમને નવાજવામાં આવ્યા.
આખરે રહી રહીને 2009 માં અમેરિકા માં રિસોલ્યુશન પસાર થયું। તે આ પ્રમાણે છે. “અમેરિકા સ્વીકારે છે કે એ અમેરિકા અને કેનેડા એ તેમને અહીં ઉતારવાની પરવાનગી ન આપી તેથી  જર્મની ના રેફયુજીસ ની ખુબ સફરિંગ થઇ”. 2012 માં અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટે સેન્ટ લુઈસ ના પેસેન્જર ની જાહેર માં માફી માંગી અને જે બચી ગયા તે અને બીજાઓના કુટુંબો ને અહીં આવકાર્યા અને તેમની વાત કહેવા માટે પ્રોત્સાહન આપ્યું. 2011 માં હેલિફેક્સ, કેનેડા માં અંતકરણ નું ચક્ર નું (wheel of conscience) કરીને મોન્યુમેન્ટ નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું અને કેનેડાએ જાહેર માં તેમના વર્તન બદલ અત્યંત અફસોસ અને નારાજી વ્યક્ત કરી. ક્યુબા તેમના વર્તન બદલ અફસોસ વ્યક્ત કરે તેની હજી રાહ જોવાઈ રહી છે.

આખરે મોટા મોટા દેશો માનવતા ભૂલી ગયા પણ એક દુશ્મન દેશના કપ્તાને માનવતા નો વાવટો ફરકાવી રાખ્યો અને જુઇશ રેફયુજીસ ને બચાવવાની અથાગ મહેનત કરી.

https://youtu.be/XWagCpz5u2M

દ્રષ્ટિકોણ 14 – થેરાનોસ ની છેતરપિંડી – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં આવકારું છું. આપણે જુદા વિષયોને અને વિવિધ દ્રષ્ટિકોણ થી આ કોલમ અને ચેનલ ઉપર વાતો કરીએ છીએ. આજે આપણે છેતરપિંડી ઉપર વાત કરીએ.
સપના પણ કેટલા છેતરામણા હોય છે….
એમાંય કેટલા રીસામણા મનામણાં હોય છે
ખુલી ગયા પછી વેરાન જણાય છે બધું
એ બંધ આંખેજ સોહામણા હોય છે
હિના કુણાલ
આ છેતરામણી ક્યારેક પ્રેમ જેવી કૂણી લાગણીઓમાં થાય છે ને ક્યારેક પૈસા જેવી નક્કર ચીજ ના સપના જોવામાં થાય છે. આજે પ્રેમીના પ્રેમ ની છેતરામણી ની વાત નહિ પણ પૈસાના પ્રેમ અને નામના ની ઝંખના માંથી ઉભી થયેલી જબ્બર છેતરામણી ની વાત કરીએ.  ગયા અઠવાડિયે આપણે સ્તન કેન્સર વિષે વાત કરેલી. આ લિંક http://bit.ly/2Ol5YgW ઉપર તે માહિતી વાંચી શકો છો. તેમાં એક કંપની નો ઉલ્લેખ હતો જેમની ટેક્નોલોજી લોહીના ટીપા દ્વારા સ્તન કેન્સર નું નિદાન કરી શકે છે તેવો તેમનો દાવો છે. તે દાવો તેમણે ઘણા સંશોધન અને પ્રાથમિક પુરાવા સહીત કરેલ છે. પરંતુ આજે એક એવી કંપની ની વાત કરીએ જેમની પાસે કોઈ પ્રાથમિક પુરાવા ન હોવા છતાં તેમણે એવો જ દાવો કર્યો કે એક લોહીના ટીપા દ્વારા તેમની ટેક્નોલોજી દરેક રોગ નું નિદાન કરી શકે છે અને માત્ર તે દાવાને આધારે લોકોએ અબજો ડોલર્સ ગુમાવ્યા.
તમે એલિઝાબેથ હોમ્સ નું નામ સાંભળ્યું હશેજ. દસેક વર્ષ પહેલા જયારે તે ખુબ પ્રખ્યાત બની ગઈ તે વખતે તેની ઉમર હતી 19 વર્ષ। તેણે સ્ટેનફોર્ડ માં ભણવાનું મૂકીને પોતાની કંપની સ્થાપી। તેનું નામ છે થેરાનોસ। તેણે કહ્યું કે તેણે એક મશીન બનાવ્યું છે જેનું નામ છે એડિસન અને તેણે એવો દાવો કર્યો કે આ મશીન માત્ર એક ટીપા લોહીથી જાતજાત ના રોગ ના નિદાન કરી શકે છે. મારા એક મિત્ર છે જે મોટા ઇન્વેસ્ટર છે તેમને મેં કહ્યું કે આ તો ખુબજ મહત્વની શોધ છે. તેમણે કહ્યું કે એલિઝાબેથ મારી પાસે પૈસા માટે આવેલી અને મેં બધું ધ્યાન થી જોયું છે અને તેની પાસે તે નિદાન કરવા માટે નો કોઈજ પુરાવો નથી. ત્યારે મને લાગ્યું કે આ આમની પ્રોફેશનલ જેલસી એટલે કે વ્યવસાયિક ઈર્ષા ને કારણે બોલતા હશે. હું પણ એલિઝાબેથ થી અંજાઈ ગયેલી.
એલિઝાબેથ હોમ્સ તો મશહૂર થઇ રહી હતી. તેના પિતા મોટા માણસ હતા અને તેમના દ્વારા તેને માટે દ્વાર ઉઘડવા લાગ્યા અને જાતજાતના ટીવી પ્રોગ્રામ માં અને અખબાર માં તેની માહિતી આવવા લાગી. લગભગ બધાજ મોટા મોટા મેગેઝીન અને અખબારોમાં એલિઝાબેથ કવર ઉપર આવી ગઈ છે. દુનિયા માં મોટા સપના જોવાવાળાઓ ની કમી નથી. કોઈજ વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં, તેની કંપની માં પૈસા રોકાણ (ઈન્વેસ્ટ) કરવાવાળા ની કમી ન રહી. તેણે તેના પિતા દ્વારા મોટી મોટી વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો અને તેમને તેની કંપની ના બોર્ડ ઉપર આવવા માટે આમંત્રણ આપ્યું. હેન્રી કિસિન્જર થેરાનોસ ના બોર્ડ ઉપર જોડાયા પછી તો જેમ્સ મેટીસ અને જયોર્જ શુલ્ઝ જેવા પ્રખ્યાત વ્યક્તિઓ જોડાયા. એલિઝાબેથની ખૂબી એ હતી કે તેણે જાણીતા વૈજ્ઞાનિકો ને બોર્ડ ઉપર આમંત્રવાની બદલે પ્રખ્યાત વ્યક્તિઓને આમંત્ર્યા। તેમના દ્વારા તેને વધુ ને વધુ ખ્યાતિ મળવા લાગી અને ખુબ મોટા પ્રમાણમાં ધનવાન વ્યક્તિઓ પૈસા રોકવા લાગ્યા. એ જમાના માં તેના વ્યક્તિગત સંપત્તિ ની વેલ્યુ 10 બિલિયન ડોલર ઉપર પહોંચી ગઈ અને તેણે વોલગ્રીન્સ સાથે ભાગીદારી નું એલાન કર્યું. વોલગ્રીનસે જાહેરાત કરી કે કોઈને હોસ્પિટલ માં શીશીઓ ભરીને લોહી નહિ આપવું પડે અને ખુબ ઓછા ભાવમાં એકાદ ટીપું લોહી લઈને આ મશીન દ્વારા મોટા ભાગના રોગ નું નિદાન થઇ શકશે.  લોકો લોહીના સેમ્પલ મોકલવા લાગ્યા. અને કંપની પરિણામ જાહેર કરવા લાગી.
ફોર્બ્સે એલિઝાબેથ ની વ્યક્તિગત સંપત્તિનું મૂલ્ય (નેટ વર્થ) 10 બિલિયન ડોલર સુધી માનેલું તેને 2016 ની સાલ માં સુધારણા કરીને તેની વેલ્યુ 0 ડોલર જાહેર કરી. રિદ્ધિ સિદ્ધિની શિરોબિંદુ બનેલી આ નાની છોકરી, જે દુનિયામાં સૌથી હોંશિયાર અને સૌથી ધનવાન મનાય ગયેલી તેણે છેક ઉપરથી છેક નીચે પછડાટ ખાધી. જે વૈજ્ઞાનિકો ને તેણે નોકરી ઉપર રાખેલા તેઓ નોકરી છોડવા લાગ્યા અને પછી અખબારોમાં સમાચાર આવવા લાગ્યા કે લોહીના ટીપાથી નિદાન કરવાનું કોઈ મશીન ચાલતુંજ નહોતું। પણ એલિઝાબેથ અને રમેશ બલવાની કરીને તેમના સાથીએ કંપની અંદર એકદમ ગુપ્તતા જાળવવાની પદ્ધતિ પાડેલી અને બહાર કોઈને કૈજ જણાવવાની મનાઈ હોવાથી આ રહસ્ય બહારજ નહોતું આવ્યું. મોટી મોટી સંખ્યામાં પૈસા નું રોકાણ કરેલ ધનવાનો બધીજ મૂડી ખોઈ બેઠા અને તેમણે સાથે મળીને કોર્ટ માં એલિઝાબેથ ની વિરુદ્ધમાં મુકદમો દાખલ કર્યો છે તેમજ જે દર્દીઓએ નિદાન માટે લોહી મોકલેલ અને તેમના સાચા ખોટા નિદાન આવેલા તેમણે પણ  સાથે મળીને કોર્ટ માં મુકદમો દાખલ કર્યો છે.
જોન કેરિયું નામના લેખકે એલિઝાબેથ હોમ્સ ઉપર પુસ્તક લખેલ છે તેમના મત પ્રમાણે એલિઝાબેથ સોસિઓપેથિક વિકૃત વ્યક્તિત્વ ધરાવે છે. તેની પાસે કોઈ તેવું મશીન ન હોવાનું તે જાણતી હોવા છતાં તેણે આટલા મોટા મોટા વિધવાનો અને મોટા મોટા ધનવાનો સાથે ખુબજ મોટી છેતરપિંડી કરી. FBI એ ફેડરલ ફોજદારી આરોપો તેની ઉપર મુક્યા છે અને જજે તેને કોઈ પણ લોહી દ્વારા નિદાન કરતી લેબોરેટોરી માં કામ કરવા ઉપર અમુક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે.  
Related imageતો આટલા મોટા સ્તરે બધા સાથે બનાવટ કરવા માટે હવે બધાજ આ યુવતી ને બદનામ કરે છે. પણ એક જમાનો હતો ત્યારે કોઈજ તેના વિષે કઈ સાંભળવા જ તૈયાર નહોતા. મારા મિત્ર જેવા કેટલાક મોટા વૈજ્ઞાનિકો અને જાણકારોએ સવાલ ઉઠાવેલા કે કોઈ કંપની આટલા બધા મૂડીદારો પાસેથી પૈસા ઉઘરાવે તો નિયમ પ્રમાણે તેણે તેના કામના થોડા પુરાવાઓ, વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન વિશેના પેપર્સ વગેરે પબ્લિશ કરવા જોઈએ. પણ કોઈજ તેમનું સાંભળવા તૈયાર નહોતા. હું પણ આ સૌથી નાની, અતિ સુંદર નવજુવાન યુવતી થી અંજાઈ ગયેલી. કહેવત છે કે ચોપડીના  મુખપૃષ્ટ ઉપરથી ચોપડી કેવી હશે તેનો નિર્ણય નહિ લો. પરંતુ આપણે કેટલી વાર કોઈના ચહેરા ઉપરથી તેનો નિર્ણય લઈએ છીએ. કોઈ વ્યક્તિ સુંદર દેખાય તો તેના વિષે સારું અનુમાન કરી લઈએ છીએ અને કોઈ વ્યક્તિ કદરૂપું લાગે તો તેનામાં આપણે બીજી ઘણી રીતે ઓછપ જોઈએ છીએ. ઘણીવાર કોઈની સંપત્તિ, રૂપ, કોલજની ડિગ્રી, ઊંચા હોદ્દા વગેરે થી શા માટે આપણે એટલા અંજાય જઈએ છીએ કે પછી સત્ય આપણી સામે બાંગ પોકારીને ઉભું રયે છતાંય તે સત્ય ને સ્વીકારવામાં આપણને સમય લાગે છે. વિચારવા જેવી વસ્તુ છે.

7 દ્રષ્ટિકોણ – પુસ્તકોનો પ્રભાવ – દર્શના

મિત્રો તમારું મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી સ્વાગત.
આજે આપણે પુસ્તક વિષે થોડી વાત કરીએ. તમારો વાંચવાનો શોખ ક્યારથી જાગ્યો? શું તમને યાદ છે કોઈ સુંદર વાર્તાઓ, સુંદર પાત્રો કે સુંદર પળો તમારા બાળપણની જયારે તમારા બા, બાપુજી, મોટી  બહેન કે ભાઈ એ કોઈ સુંદર ચોપડી વાંચી હોય અને કલાકો સુધી તમે તે વિષય અને તેના પાત્રો વિષે વિચારતા સપના ની દુનિયામાં ડૂબી ગયા હો? કેવા રંગબેરની રંગો માં તમારી દુનિયા ત્યારે રંગાઈ ગઈ હતી? પુસ્તકો આપણા સપનાને પાંખ આપે છે ને? હું આજે મારા બાળપણના એક વ્હાલા પાત્ર વિષે વાત કરવા માંગુ છું. પણ તે પહેલા મારા બાળપણ વિષે થોડી વાત કરું.
મારુ બાળપણ વીત્યું આફ્રિકાના ઇથિયોપિયા દેશની રાજધાની એડીસ અબાબા માં. એડીસ માં ગુજરાતીઓએ એક ગુજરાતી શાળા સારું કરેલી અને તેમાં મારા ભણતર ની શરૂઆત થઇ. બધુજ ભણતર ત્યાં ગુજરાતીમાં થયું. શનિવાર નો દિવસ ખાસ દિવસ હતો. એક તો તે દિવસ નિશાળ અડધા દિવસ ની ને ઉપરથી તે દિવસ લાઈબ્રેરી નો દિવસ. આતુરતા થી હું શનિવાર ની રાહ જોવ. લાઇબ્રેરીમાંથી મારા પ્રિય પુસ્તકો લાવું અને ઘરે આવીને બાફેલા મગ નો વાટકો ભરી ને તે ખાતા ખાતા ચોપડી વાંચવા બેસી જાવ. મમ્મી ક્યે કે એક વાર મારા હાથમાં ચોપડી આવે એટલે પછી આગ લાગી હોય તો પણ હું ચોપડી માંથી માથું ઊંચું નહિ કરું. મેં માત્ર ગુજરાતી વાર્તાઓ જ વાંચેલી। તેથી તે વખતના મારા પ્રિય પાત્રો હતા, બકોર પટેલ, શબરી પટલાણી, છેલ અને છબો, મિયાં ફુસકી, તભા ભટ્ટ વગેરે.
પાંચમા ધોરણમા મારુ ભારત આવવાનું થયું અને તે પછી મને અંગ્રેજી શાળા માં દાખલ કરવામાં આવી. તે વખતે હું ખુબજ ઉદાસ થઇ ગયેલી. તે શાળામાં ન તો ગુજરાતી પુસ્તક મળતા હતા કે ન તો ગુજરાતી નો વિષય હતો. થોડા મહિના નાસીપાસ રહીને પછી મેં હિન્દી પુસ્તકો અને પછી અંગ્રેજી પુસ્તકો વાંચવાના શરુ કર્યા। તે પછી મેં ગુજરાતી છાપા સિવાય ખાસ કંઈ ગુજરાતી વાંચ્યું નહોતું. પણ પછી અંગ્રેજી નો લ્હાવો લેતા લેતા અંગ્રેજી અને હિન્દી સાથે પ્રેમ થઇ ગયો. અને વર્ષો પછી બેઠકમાં આવતા ગુજરાતી ભાષા સાથે મારો ફરી પરિચય થયો અને હવે આ ત્રણ ભાષા ની મધુર સુંદરતા જાહોજલાલી થી માણું છું.
પુસ્તક માટે ઘણું કહેવાયું છે. તમે કેવા પુસ્તકોને બિરદાવતા  યાદગાર શબ્દો સાંભળ્યા છે?
નીચે લખેલા થોડા વાક્યો પુસ્તકો માટે મેં જોયા છે ……
* એક પુસ્તક, એક કલમ, એક બાળક, અને એક શિક્ષક દુનિયા બદલી શકે છે.
* પુસ્તક જેવો ઈમાનદાર કોઈ મિત્ર નથી.
* તમે ચોપડી ખોલો તો કંઈ શીખ્યા વગર રહી જ ન શકો
* ચોપડી એક નદી જેમ છે. તમે જોઈને તેમાં કૂદી પડો અને તરવા લાગો છો
* સરસ ચોપડી એક હસ્તધૂનન સમાન છે. ના, એક આલિંગન સમાન છે.
પણ બધાજ પુસ્તકો થી આવી લાગણી જન્મતી નથી. જયારે પુસ્તક, પાત્ર અને વાચક નો એવો અદભુત મેળાપ થાય છે અને ત્રણેય શબ્દોમાં વર્ણવી ન શકાય તેવા તંતુથી જોડાઈ જાય છે ત્યારે વાચક ચોપડી ના પાનાઓમાં ખોવાય જાય છે. જેમ્સ બોલ્ડવિને એક વખત કહેલું કે “જયારે તમે કોઈ યાતના માં થી ગુજરો ત્યારે તમને લાગે છે કે આટલું ભયંકર દુઃખ અને હાર્ટબ્રેક કોઈને વિશ્વનાં ઇતિહાસમાં ક્યારેય નહિ થયું હોય. પરંતુ પછી તમે વાંચો છો. અને જયારે વાચક બનો છો ત્યારે તમને જાણવા મળે છે કે જિંદગીની જે વાસ્તવિકતા તમને ખુબ પજવતી હતી, રડાવતી હતી તે જ વાસ્તવિકતા તમને બીજા વ્યક્તિઓ અને પાત્રો સાથે એક તંતુએ જોડે છે”.
તમે શું માનો છો? તમારા પ્રિય એવા કોઈ પુસ્તકો છે કે જે તમે નાની વયમાં વાંચ્યા હોવા છતાં તેમનો તમારા ઉપર એટલો ઊંડો પ્રભાવ હોય કે હજુ તમે વિચારો ત્યારે તે પાત્રો તમારા મગજ માં જીવંત થઇ જાય? તમારા બાળપણના અને એક યુવા વયના પ્રિય પુસ્તક નું નામ કોમેન્ટ માં જરૂર  લખશો તે વિનંતી.
ગુલઝાર સાહેબ નું કાવ્ય કિતાબે નો અનુવાદ કર્યો છે તે સંભળાવું છું,
પુસ્તકો ડોકિયાં કરે છે, બંધ કબાટ ના કાચ માંથી
સંવેદનશીલ પુસ્તકો ડોકિયાં કરે છે
મહિનાઓ સુધી મુલાકાત નથી થતી
જે સાંજ તેની સાથે વિતાવાતી હતી, તે હવે
કમ્પ્યુટર ની સાથે ગુજારાય છે
પુસ્તકો બેચેન છે
હવે તેમને ઊંઘમાં ચાલવાની આદત બની ગઈ છે
સંવેદનશીલ પુસ્તકો ડોકિયાં કરે છે
જે પ્રબળ વાતો કરતાતા
કે જેના દિલ ક્યારકેય મરતા નતા
એ પ્રબળ વાતો હવે ઘરમાં દેખાતી નથી
જે સંબંધની વાતો થતીતી
એ ઉઘાડા થઇ ગયા છે
પડખું ફરું છું તો નિસાસો નીકળે છે
શબ્દોમાં ક્ષતિઓ હોવા લાગી છે
વગર લીલાશ ના સુખા પાનખર લાગે છે શબ્દો
હવે તેનામાં ઉગવાની શક્યતા નથી
કેટલાય શબ્દોના કામ હતા
બધાય વિખરાયેલા પડ્યા છે
ચશ્મા નકામા થયા
પાના ફેરવવાની જે મજા આવતીતી
હવે બસ આંગળી ક્લીક કરવામાં
સમય વીતે છે
પડદા ઉપર ઘણુંય ખુલે છે
પણ પુસ્તક સાથે જાતીય હિસાબ હતો તે કપાઈ ગયો
ક્યારેક છાતી ઉપર રાખીને સુઈ જતા
ક્યારેક ખોળામાં લઇ લેતા
ક્યારેક ઘૂંટણ ઉપર પુસ્તક ને બેસાડતા
ક્યારેક પૂજા કરતા તેને માથે લેતા
ખેર એ બધા સપનાઓ તો ફળતા રહેશે ફરી પાછા
પણ એ પુસ્તકોમાં સુકાયેલા ફૂલ મળતાતા
મહેકતા થોભી ગયેલા પુસ્તક માંગવા, પડવા, ઉપાડવામાં સબંધ બનતા હતા
Sidebar – વાત કરીએ તો આપણે ઘણા એ રીતે મોટા થયા ક્યારેક બહેનપણી વાંચી લ્યે પછીએ પુસ્તક વાંચવા લેવા જઈએ ને પાછું આપવા જઈએ. ક્યારેક પુસ્તક ના આપવા લેવાના બહાને કોક ભાઈબંધ બની જાય. અને આ રીતે પુસ્તક સબંધના બહાના બનતા હતા. પુસ્તક માંગવા, પડવા, ઉપાડવામાં સબંધ બનતા હતા
તેનું શું થશે?
એ હવે કદાચ નહિ થાય  
આ સાથે બે યૂટ્યૂબ ની લિંક મુકેલી છે.
પહેલી લિંક માં હું મારા બાળપણના પ્રિય પાત્ર બકોર પટેલ ની વાત કરું છું.
Bakor Patel

અને બીજી લિંક માં ગુલઝારજી ના સુંદર કાવ્ય “કિતાબે” નો ભાવાનુવાદ કર્યો છે તે સાંભળજો. આ કવિતા સાંભળીને કયો કયું જૂનું હિન્દી ગીત યાદ આવે છે? ચોપડી માંગવા જતા, ઉછીની લેવા દેવા માં અને પડી જાય તેની ચોપડીઓ ઉપાડવામાં ક્યારેક માશુક અને માશૂકા વચ્ચે કેવા સબંધ બંધાય છે? ગુલઝારજી ની કવિતા કિતાબે નો ભાવાનુવાદ પ્રસ્તુત છે.
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com


 

6 દ્રષ્ટિકોણ – ભૌતિક પ્રેમ – દર્શના

મિત્રો મારા દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી તમારું સ્વાગત. આ કોલમ ઉપર આપણે જુદા વિષયો અથવા જુદા દ્રષ્ટિકોણ થી વિષયોને માણીએ છીએ. આજે પ્રેમ અને વાસના નો વિષય લઈએ તો કેમ? આજે ઓગષ્ટ 25, કિસ અને મેક અપ ડે છે. બે પ્રેમીઓ વચ્ચે તકરાર હોય તો ચુંબન થી તકરારનો અંત આણવા જેવી સુંદર વાત બીજી શું હોય? બધા મિત્રો અને પ્રેમીઓ વચ્ચે લડાઈ ઝગડા તો થતાંજ હોય છે. આજનો ખાસ દિવસ તે લડાઈ સમાપ્ત કરવા માટેનો દિવસ છે. એ પણ જેમ તેમ નહિ પરંતુ ચુંબન કરીને પ્રેમ થી સમાપ્ત કરવાનો દિવસ છે. તો આજે સુતા પહેલા તમારા પ્રેમી કે પ્રેમિકા ની આંખોમાં આંખ પરોવી ચુંબન કરી ને પછી વાત જ્યાં પહોંચતી હોય ત્યાં જવા દેશો.  
આજના દિવસની સંવેદનશીલતાને ધ્યાન માં રાખીને હું બે કાવ્ય પ્રસ્તુત કરું છું. પહેલા કાવ્યમાં  એન્ડ્રુ માર્વેલ નામના કવિએ લખેલ આ અંગ્રેજી કાવ્યનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. (અને બીજું મારું લખેલ કાવ્ય “સાંકડો બાંકડો” બીજા વિડિઓ લિંક ઉપર સાંભળશો ). મોટા ભાગના પ્રેમના કાવ્યો આધ્યાત્મિક પ્રેમ ઉપર કેન્દ્રિત હોય છે. પરંતુ ભૌતિક પ્રેમ પણ જિંદગીની વાસ્તવિકતા છે અને તેવા શારીરિક આકર્ષણ અને ઉમળકાને કલમ દ્વારા કાગળ ઉપર ઉતારવાની પણ એક ખૂબી છે.  આ કાવ્યમાં પ્રેમી તેની શરમાળ પ્રેમિકાને પ્રેમના શારીરિક બંધન માં જોડાવા માટે દામ, દંડ, અને ભેદ ને છોડી, સામ ના ઉપયોગ થી ખાતરી કરાવવાની કોશિશ કરે છે. તે તર્કશાસ્ત્ર એટલે logic ના આધારે તેમની પ્રિયતમા ને ખાતરી કરાવવાનો પ્રયત્ન કરે છે. કહે છે આમ તો તે વર્ષો ના વર્ષો રાહ જોવા તૈયાર છે. તે દરમ્યાન શરમાળ પ્રેમિકા રેતી માં રમે, માણેક ને મોતી ગોતે, ને વિચાર ને વાતો માં સમય ગુજારે તો તેમાં પ્રેમી ક્યે છે કે તેને કોઈ વાંધો નથી. પણ પછી મૂળ વાત ઉપર આવે છે કે તેટલો તેમની પાસે સમય નથી. બધી દલીલો વાપરીને અંત માં કવિ પ્રેમિકા ને ક્યે છે કે સૂર્યને ઉભો તો નહિ રાખી શકાય એટલે કે સમય કોઈના માટે રોકાતો નથી પણ પ્રેમ બંધન માં જોડાઈને તેવી ચરમ સીમાએ તેમનો પ્રેમ પહોંચશે તો કદાચ સૂર્ય દોડશે ખરો.  તો સાંભળો.
કાવ્ય નું શીર્ષક છે
તેની શરમાળ પ્રેમિકાને સંબોધીને  by એન્ડ્રુ માર્વેલ
આપણી પાસે સમય હોતે
તો આ શરમાવાની તારી અદાને હું અપરાધ ના ગણતે
આપણે બેસીને વાતો કરતે અને સાથે વિચાર કરતે
કે કઈ દિશામાં ચાલીએ,
અને આપણો પ્રેમ નો દિવસ વીતાવતે
જેમાં તું ભારત ની ગંગા નદી કિનારે માણેક ગોતે
હું થોડી થોડી ફરિયાદ કરતે।
હું તને  નોઆ નું પૂર આવ્યું તેના
દસ વર્ષ પહેલા થી ચાહત
અને તારું મન થાય તો ફરી ફરીને તું ઇન્કાર કરતે
શાકભાજી માફક મારો પ્રેમ ઉગ્યાજ કરતે
સામ્રાજ્યોની જેમ ફેલાતે, અને તે પણ ધીમે ધીમે
એક સો વર્ષ હું તારી આંખોની પ્રશંશા કરતે
અને ટગર ટગર તારા કપાળ ને જોયા કરતે
બસો વર્ષ તારા એક એક સ્તન ની પૂજા કરતે
અને ત્રીસ હાજર વર્ષ તારા બાકીના શરીર માટે રાખતે
અને છેલ્લી સદી મને તારા હૃદયે પહોંચાડતે
કેમકે પ્રિયે તું આ પૂજાની હકદાર છે
ને હું કઈ નીચલી કક્ષાએ ચાહવાવાળો નથી
પણ મને સમય ની સમાપ્તિ નું સંગીત સંભળાય છે
ને તે પછી આપણી સમક્ષ હશે માત્ર
અનંતકાળ નું વિશાળ રણ
તારી સુંદરતા ઓગળી ગઈ હશે
મારા પ્રેમ ગીત ના પડઘા શાંત થઇ ગયા હશે
તારા સાંચવેલાં કૌમાર્યને કીડાઓ માણતા હશે
તારી અનોખી માન મર્યાદા ધૂળ માં મળી ગયી હશે
અને મારી વાસના રાખ થઇ ગઈ હશે
કબર એક સુંદર અને ખાનગી જગ્યા છે,
પણ તે આલિંગન ની જગ્યા નથી
       હવે, જ્યારે યુવાન રંગછટા
સવાર ની ઝાકળની જેમ તારી ચામડી પર બેઠી છે,
અને જ્યારે તારો આત્મા તૈયાર છે
તારી કાયાના દરેક છિદ્ર પર આગ ભડકે છે
ચાલ હવે રમત રમી લઈએ
પ્રેમના શિકાર થઇ જઈએ
આ સમય ને ચાવી ને બધી મીઠાસ ને ગળી ને
જિંદગીના તમામ સુખ ની પરાકાષ્ટા ને
એક સંઘર્ષ માં ફાડીને જીવનના લોખંડી દ્વાર ખોલીયે
સૂર્યને ઉભો તો નહિ રાખી શકીએ પણ કદાચ તેને દોડાવીશું
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com

https://youtu.be/z-hq6nKonQ0

https://youtu.be/NhGT9XGvZts

5 દ્રષ્ટિકોણ: ભારત ની આઝાદી અને જન્મદિન નો ઇતિહાસ – દર્શના

નમસ્તે મિત્રો. મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી આ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આ ચેનલ ઉપર આપણે નવા દ્રષ્ટિકોણ થી અથવા નવા વિષયો થી કોઈ વાત ને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ.
આજનું શીર્ષક છે — 

ભારત ની આઝાદી અને જન્મદિન નો ઇતિહાસ

હમણાં એક બ્લોગ ઉપર ભારતની આઝાદી માટે ઓગસ્ટ 15 નો દિવસ શા માટે નક્કી કરાયેલ તે વિષે માહિતી વાંચી. તેમાં વાંચ્યું કે ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટને જોયું કે તે વધુ સમય  ભારતની પ્રજાને કન્ટ્રોલમાં નહીં રાખી શકે અને બે વર્ષ પહેલાં -૧૯૪૫ માં બ્રિટને જાપાનને હરાવેલું અને રેડિયા પર જાપાને જાહેરમાં હાર સ્વીકારેલી એ બ્રિટનનો ગૌરવનો દિવસ યાદગાર બનાવવા માટે તેમણે તે દિવસ પસંદ કર્યો. તે પછી તેમાં લખવામાં આવેલ કે તે દિવસ શીખવે છે કે જયારે બધાં કોઈ સારા કાર્ય માટે , સારા હેતુથી એક થઇ જાય છે ત્યારે ભગવાન પણ ઝડપથી સારા કાર્યમાં જોડાઈ જાય છે!
તો આજે ભારતની આઝાદી નો ઇતિહાસ ફરી ખોલીએ અને બીજા દ્રષ્ટિકોણ થી સાંભળો. ભારતની આઝાદીના તે દિવસ માં ભગવાન ને જવાબદાર ગણવા કરતા વધારે બ્રિટન ની સંકુચિતતા અને સ્વાર્થને વધુ જવાબદાર ગણી શકાય. આજે આપણે ગૌરવ થી ભારતના જન્મદિનનો એ દિવસ ઉજવીએ છીએ પરંતુ તે દિવસ તે સમયે ભારતના ઇતિહાસ માટે ક્યારેય ન બનેલ તેવો લોહિયાળ હિંસાનો દિવસ હતો. મોઉન્ટબેટને તેમ પણ કહેલું કે તેમણે તે તારીખ વધુ વિચાર્યા વગર અવ્યવસ્થિત રીતે નક્કી કરી નાખી. માઉન્ટબહેન ને જાણ હતી કે ખૂંખાર હિંસા થવાની શક્યતા છે. જો બ્રિટનને ભારત માટે થોડી પણ જવાબદારી નિભાવવાની ભાવના હોત તો બ્રિટન આઝાદી નો દિવસ પાછો ઠેલી ને પહેલા ભારતની સુરક્ષિતતા ના પગલાં અમલમાં મુકત. પરંતુ ઉલટાની એ બાબતો ઉપર જવાબદારી ન લેવી પડે તે માટે વિચાર્યા વગર ભારત અને પાકિસ્તાન ના આઝાદીના દિવસ નક્કી કરી દેવામાં આવ્યા. બાકી જાપાન હાર સ્વીકારે તે દિવસે ભારતને આઝાદી આપવી તેમાં તેમણે ભારત ની સુરક્ષિતતા માટે વિચાર્યું ન કહેવાય.

પણ સૌથી મુખ્ય વાત જે બ્રિટન ની જવાબદારી ના અભાવ તરફ આંગળી ચીંધે છે તે એ છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા ને લીધે લોહિયાળ વિસ્ફોટ થવાની પુરી માહિતી હોવા છતાં  બ્રિટને આઝાદી નું એલાન કર્યું ત્યારે બંને દેશ ની સીમાઓ પણ પુરેપુરી નક્કી નહિ કરેલી ઘણી જગ્યાએ સીમાઓની વાટાઘાટ અને વિવાદ ચાલતા હતા. ઓગસ્ટ ની 14 મી એ પાકિસ્તાનને આઝાદી મળી અને ઓગસ્ટ ની 15 મીએ ભારતને આઝાદી મળી. તે સમયે માઉન્ટબેટને સાઈરિલ રેડક્લિફ ને સીમા દોરવાનું કામ સોંપેલું હતું . ઇન્ડિયા અને પાકિસ્તાન ને આઝાદી મળી તેના 3 દિવસ પછી સીમાઓ જાહેર કરવામાં આવી. એટલે કે ઘણા લોકો ઓગસ્ટ 14 અને ઓગસ્ટ 15 ની સવારે ઉઠ્યા ત્યારે તેમના દેશ આઝાદી ઉજવતા હતા પરંતુ સીમાઓ પાસે રહેતા તે લોકોને હજી જાણ ન હતી કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાન માં. સીમાઓ નક્કી થઇ પછી જે લોકોને થયું કે તે સીમાની ખોટી બાજુએ છે તે લોકોએ પોતાના મરજી ના દેશ તરફ પ્રયાણ શરુ કર્યું।  અને તેનું પરિણામ?

જે પ્રજા મૉટે ભાગે એક થઇ ને રહેલી તેમને ભાંગવામાં દાયકાઓ પહેલા બ્રિટને પહેલ કરી અને હવે વર્ષો બાદ તે ભાંગેલી પ્રજા એ વગર સીમાના દેશના ભાગલા થતા ચારે તરફ લોહી ની નદીઓ વહાવી. પણ બ્રિટને તો આગલે દિવસે આઝાદી નો એલાન કરી દીધેલો તેથી ન તો તેઓ જવાબદાર ગણાય અને ન તો તેઓ ના  માથા ઉપર શાંતિ સ્થાપવાની જવાબદારી આવી શકે. તે સમયના હત્યાકાંડ માં મ્ર્ત્યુ પામેલાની નિશ્ચિત સંખ્યા ગણવી મુશ્કેલ હતી પરંતુ આશરે 15 લાખ લોકોએ જાન ગુમાવ્યાનું અનુમાન કરવામાં આવ્યું છે. પણ તે તો માત્ર મરી ગયા તેમની વાત છે. તે ઉપરાંત, તે હત્યાકાંડ એટલો તીવ્ર હતો કે તેમાં આખા ને આખા ગામડાઓ બાળી નાખવામાં આવેલા, સામૂહિક અપહરણો અને અસંખ્ય બળાત્કાર વગેરે હિંસાનો સમાવેશ થાય છે. લગભગ પિચોતેર હજાર મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, અને અસંખ્ય બાળકો અને મોટાઓ તેમના સ્નેહીજન થી હંમેશ માટે વિખુટા પડી ગયેલા. તે આઝાદી નો સમય એટલો ભયાનક હતો કે ઇતિહાસકારો તેને “વીસમી સદીની દક્ષિણ એશિયામાં બનેલ સૌથી મુખ્ય કેન્દ્રીય ઐતિહાસિક ઘટના” તરીકે ઓળખે છે.  અને તેમના મત અનુસાર બ્રિટન નું ભારતને અને પાકિસ્તાનને આઝાદી આપવાનું કાર્ય તદ્દન અવ્યવસ્થિત, અવિચારી અને કઢંગી કામચલાઉ કાર્ય હતું. તેમાં માત્ર તેમના પોતાના સ્વાર્થ ની ભાવના હતી. ઘણા ભારતના નેતાઓએ તેમને વિનવ્યા હતા કે તે આઝાદી ને થોડી પાછળ ઠેલી ને પહેલા શાંતિ સ્થાપવાનો બંદોબસ્ત કરે અને માઉન્ટબેટને તે ઉપર વિચાર પણ કરેલો પણ આખરે બ્રિટને આટલા વર્ષ દેશ ને ગુલામ બનાવી રાખીને છેલ્લે ઉતાવળમાં, આઝાદી બાદના ભાવિ નો વિચાર કર્યા વગર જ 15 મી ઓગષ્ટ ના તે દિવસે વિદાય લીધી.
આ ઇતિહાસ ખોલવાનું કારણ?
જો ઇતિહાસ ને ખોલીએ તો ઉપરછલ્લી રીતે તેના ઉપર અભિપ્રાય આપવાની બદલે સાચા અને બની શકે તેમ વિવિધ દ્રષ્ટિકોણ થી ઇતિહાસ ને જાણવાની આપણી જવાબદારી છે તે વાત મને હાવર્ડ ઝીન્ન કરીને કે ખુબ મોટા ઇતિહાસકાર પાસેથી જાણવા મળેલી। ઝીનને લખેલું પુસ્તક “People’s History of the United States” ને ઘણા એવોર્ડ્સ મળી ચુક્યા છે. તેમના કહેવા અનુસાર ઉપરછલ્લો અને પહેલી નોંધવાળો ઇતિહાસ હંમેશા વિજેતા ના દ્રષ્ટિકોણ થી લખાતો આવ્યો છે અને સાચા ઇતિહાસ ને સમજવા અને જાણવા થોડી મહેનત અને સંશોધન કરવું પડે છે અને તે લેખકોની જવાબદારી છે. તેમણે તેમના પુસ્તકમાં અમેરિકાનો ઇતિહાસ સામાન્ય લોકોના વિવિધ દ્રષ્ટિકોણ થી પ્રસ્તુત કર્યો છે. પહેલા લખાયેલ ઇતિહાસ તો યુરોપીઅન લોકો જે અમેરિકા માં સ્થાઈ થયા તેમના દ્રષ્ટિકોણ થી લખાયેલ હતો. તેમાં સ્ત્રીઓના દ્રષ્ટિકોણ થી જિંદગી કેવી હતી તેનો ઉલ્લેખ ખાસ નથી. તેમજ તેમાં અમેરિકાના મૂળભૂત રહેવાસીઓ એટલે કે અમેરિકન ઇન્ડિયન, અમેરિકા માં ગુલામ તરીકે લાવવામાં આવેલ આફ્રિકન અમેરિકન વગેરે નો ઉલ્લેખ નથી અને ઝીને પોતાના પુસ્તકમાં તેમના દ્રષ્ટિકોણ થી ઇતિહાસ લખ્યો છે. તેમજ તેમણે નિમ્ન વર્ગના દ્રષ્ટિકોણ થી ઇતિહાસ લખ્યો છે અને તેમના પુસકમાં નિમ્ન વર્ગના સંઘર્ષ, લેબર યુનિયન, એન્ટી રેન્ટ મુવમેન્ટ, દિવસ ના દસ દસ કલાકો બારી વગરના બંધ ઓરડામાં કામ કરતી કેટલીયે યુવા કન્યાઓ ત્યાં લાગેલી આગ માં મોટી સંખ્યા માં બળીને મારી ગયી તેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
તો આપણી પણ જવાબદારી બને છે ને કે આપણીજ સ્વતંત્રતા ને આપણે સાચા દ્રષ્ટિકોણ થી સમજવાનો પ્રયત્ન કરીએ? અને આજે ઇચ્છીએ કે ઘણી વાર કપરા સમયમાંથી ગુજરતા વ્યક્તિ નું ચરિત્ર ઘડાય છે તેમજ કપરી પરિસ્થિતિ માંથી ગુજારેલા આપણા દેશ નું ભાવિ હંમેશા ઉજળું રહે, આપણો દેશ આગળ વધતો રહે, અને સમૃદ્ધિ અને શાંતિના સ્તરે પ્રગતિ પ્રાપ્તિ માં દુનિયા માં આગળ રહે.  
જય હિન્દ!!!!   
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com

4 દ્રષ્ટિકોણ – ફેસબુક અને વોટ્સ એપ ઉપર વિચાર – દર્શના

નમસ્તે મિત્રો. આ  કોલમ ઉપર આપણે જુદા દ્રષ્ટિકોણ થી વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ. આજે આપણે સોશ્યિલ મીડિયા ના વિષય ઉપર થોડી વાત કરીએ.

શીર્ષક: ફેસબુક અને વોટ્સ એપ વિચાર અને વિરામ માગે છે. ફેસબુક અને વોટ્સ એપ સાથે વિચારશક્તિ ને શું સબંધ છે?

આપણે ફેસબુક ઉપર કોઈના પોસ્ટિંગ ને જોઈએ તો તુરંત તેના ઉપર લાઈક મારી દઈએ છીએ કે જેથી તેમને સારું લાગે। તેનાથી આપણા પોસ્ટિન્ગ ઉપર પણ લાઈક વધવાની શક્યતા છે અને આપણે બધા ખુશ થઈએ. તેમાં કઈ ખોટું નથી. પણ ઘણી વાર મેસેજ પૂરો વાંચ્યા કે સમજ્યા વગર આપણે તેને અડધો સમજીને લાઈક કરીએ કે ફરી શેર કરીએ તે ઉપર થોડી વાત કરીએ. અને વોટ્સ એપ તો ફોરવર્ડ ના મેસેજ સાથે જ ઘણી વાર આવે છે અને કેટલાક લોકો એવા હોય છે કે તેમણૅ દરેકે દરેક વોટ્સ એપ મેસેજ તેમના બધાજ ગ્રુપ માં ફોરવર્ડ કરવાનો વળગાડ કે ઘેલછા લાગી ગઈ હોય છે.  ઘણી વખત ગ્રુપ ના નિયમો નું વારંવાર ઉલ્લંધન કરીને લોકો ફોરવર્ડ કરતાજ રહે છે. તો સોશ્યિલ મીડિયા માં ક્યાં અને કેમ વિચારવાની જરૂર છે તે ઉપર વાત કરીએ.

* પહેલા તો આ દુનિયા માં ઇન્ફોર્મેશન ઓવરલોડ એટલે માહિતી નો અતિશય વધારો થઇ ગયો છે. મોટા ભાગના લોકોને મોટા ભાગની માહિતી એકવાર નહિ પણ પચીસ વખત મળતી રહે છે એટલે એક આપણેજ તેમને મેસેજ ફોરવર્ડ કરીશું તો મળશે તેવા ભ્રમ માં રહેવું જરૂરી નથી.

* રશિયા અને તેવા અમુક બદમાશ દેશો તથા વ્યક્તિઓને લીધે ખોટી માહિતી નો ફેલાવો અતિશય વધી ગયો છે. અને તે વિષે હું ખાસ વાત કરવા ઈચ્છું છું. તે કેટલો વધ્યો છે અને તેની સમાજ માં શું અસર થાય છે? ખોટી માહિતી ફેલાવવાવાળા લોકોનો મોટા ભાગે એકજ આશય હોય છે કે સમાજ માં ભાગલા કરાવવા, અસંતોષ ફેલાવવો અને અંતે મારામારી અને હિંસા માટે લોકોમાં પ્રોત્સાહન ફેલાવવું. આપણે તો વિચાર્યા વગર ફોરવર્ડ આવે તે આગળ મોકલી દઈએ છીએ પણ તે માહિતી સાચી છે કે નહિ અને તેની શું અસર થાય છે તેનો વિચાર આપણે કરીએ છીએ?

ખોટી માહિતી ફેલાવવાંમાં ભારતવાસીઓ મોખરે છે, કેમ કે આપણે ટેક્નોલોજી ને સહેલાઈથી અપનાવી લીધી છે, આપણા દેશમાં અને દેશની બહાર પ્રજા મોટી છે અને આપણે સામાજિક પ્રજા છીએ અને તેથી હંમેશા એકબીજાના સંપર્ક માં રહેતા હોઈએ છીએ.

* પહેલા  વહેલા તો મોટા ભાગની વસ્તુઓ કે જુદી રહેણી કરણી જોઈને આપણા મુખેથી “આમ કેમ” ઉદગાર નીકળતો હોય તો આપણે વિચારવાની જરૂર છે કે જિંદગીમાં આપણું દ્રષિકોણ બહુજ સંકુચિત છે અને આપણે આશ્ચર્ય ચકિત થઈએ છીએ તેના બદલે જુદી વસ્તુઓને તેની દ્રષ્ટિ પ્રમાણે ઓળખવાનો અને જાણવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. પણ એ વિષે પછી ક્યારેક વધુ વાત કરશું. પણ “આવું કેમ” તેવો ઉદગાર નીકળી જાય અને અમુક મેસેજ ને તુરંત ફોરવર્ડ કરવા દોઇએ તે પહેલા અડધી મિનિટ અટકીને વિચારવાની જરૂર છે. શું આ મેસેજ ફોવર્ડ કરવાથી કોઈને ફાયદો થશે? અને આ માહિતી ખોટી હોય તો તેની પ્રભાવક્ષમ પ્રકૃતિ ઉપર શું અસર થઇ શકે છે?

આ અઠવાડિયે ફેસબુકે ભારતીય અખબારોમાં મોટા મોટા પાના ભરીને ખોટી માહિતી નહિ ફેલાવવા માટે લોકોમાં અરજી કરી છે. ખાસ કરીને વોટ્સ એપ ના ફોરવર્ડ થી હિંસાનો ફેલાવો થઇ રહ્યો છે અને કેટલાક હિંસક બનાવો બન્યા છે તેની ઉપર પડકાર નાખ્યો છે.  નીચે ત્રણ પ્રકારના ફોરવર્ડ વિષે વાંચો અને પછી તેવા ફોરવર્ડ ને આગળ મોકલતા પહેલા વિચાર કરો, અટકો, અને શક્ય હોય તો ત્યાંજ ખતમ કરો.

1)  એક ઉદાહરણ આપું. થોડા વખત પહેલા એક ફોરવર્ડ ફેલાઈ રહ્યું હતું — તેમાં નાની નાની છોકરીઓ સરસ ડ્રેસ પહેરીને મોટા પુરુષ સાથે હાથ ભેરવીને ચાલી રહી હતી. તેમાં કોઈએ લખ્યું કે જુઓ પેલેસ્ટાઇન માં નાની નાની છોકરીઓ મોટો પુરુષો સાથે સમૂહ માં લગ્ન કરવા જઈ રહી છે. આપણે થોડો તો વિચાર કરી શકીએ કે ખુલ્લે આમ જો આવું ચાલતું હોય તો કેટલો ઉહાપોહ હોય અને મોટા મોટા બધાજ સમાચારો માં તે હકીકત આવી હોય. પણ વિચાર્યા વગરજ આપણે તે માહિતી ફેલાવવા લાગ્યા અને મને તેવા ચાર થી છ ફોરવર્ડ આવી ચુક્યા. મેં તુરંત સ્નોપ્સ માં જઈને તેનું ફેક્ટ ચેક કર્યું અને તુરુંત જાણ્યું કે તે તદ્દન જૂઠી માહિતી હતી અને નાની નાની છોકરીઓ તેમના પિતા જોડે નાચતી કૂદતી તેની શાળાના પિતા-પુત્રી ફંક્શન માં જઈ રહી હતી. ખોટા ફોવર્ડ ફેલાવવાથી સાચા અત્યાચારના ભોગ બનનાર ને જે હમદર્દી મેળવી જોઈએ તે પણ નથી મળતી અને તે પણ ગુમાવે છે.

2) બીજું, ખોટી માહિતી ફેલાવાવાળાઓ લોકોમાં ભય પેદા કરાવવા પણ ઇચ્છતા હોય છે. મારી સહેલીએ કે ફોરવર્ડ મને મોકલેલ અને ઉપર લખ્યું હતું કે આ સાચી વાત હોય તો કેટલી ભયવાળી વાત છે? ફોરવર્ડ માં લખેલ કે મુસ્લિમોની સંખ્યા ભારત માં વધી રહી છે અને થોડા વર્ષમાં મુસ્લિમ વડા પ્રધાન આવવાની શક્યતા છે અને તો દેશ બરબાદ થઇ જશે. વિચાર કરો કે ભારતમાં મુસ્લિમોની સંખ્યા આશરે 14 ટકા જેટલી છે. તો તે પ્રજાને બહુમતી બનતા કેટલો સમય લાગે? અને સમય અને બદલાવ તો આવતા જ રહે છે. આ બાજુ આપણે ઘણીવાર ગર્વથી કહેતા હોઈએ છીએ કે અમેરિકામાં હવે સફેદ પ્રજા કરતા ભારતીય અને ચીન ની પ્રજા વધવા લાગી છે તો થોડો બદલાવ ભારતમાં આવે તેમાં અત્યંત ગભરાવાનું? પણ મુખ્ય વાત તો એ છે કે ભારતના મોટા ભાગના રાજકારણીઓ માટે આપણને આદર નથી થતો. પણ એક એવા રાજકારણી હતા કે જેમનું નામ સાંભળતા આપણું મસ્તક આદરથી નમી જાય છે અને તે હતા પ્રેસિડન્ટ શ્રી અબ્દુલ કલમ.  હિન્દૂ હોય કે કોઈ રાજકારણી મુસલમાન હોય પણ ભ્રષ્ટાચારી વ્યક્તિ કરતા દેશભક્ત વ્યક્તિ હોય તે વધુ મહત્વનું છે ને? તો મિત્રો ચાલો સમાજમાં રાગ દ્વેષ અને ભય પેદા કરતા ફોરવર્ડ થી બચીએ અને આપણા મિત્રોને બચાવીએ.

3)  સામાજિક અને લૌકિક ખોટો ફેલાવો તો થઈજ રહ્યો છે પણ તે ઉપરાંત ખોટી અફવાઓ ફેલાવનાર  બદમાશોને ખોટી વિજ્ઞાનિક અફવાઓ પણ ફેલાવવામાં ઘણો રસ છે. તાજેતરમાં મને એક ફોરવર્ડ આવેલ તેમાં સલાડ ના પાન ને એક બહેન ફ્રિજ માં રાખેલ પ્લાસ્ટિક ની થેલીમાંથી કાઢીને કાચના કચોળામાં પાણીમાં નાખીને માઇક્રોવેવ માં ગરમ કરે છે અને પછી તે પાન ઉપર થી એક પારદર્શક ખાલ ખેંચે છે અને ક્યે છે કે કોઈ પણ શાક ભાજી ને પ્લાસ્ટિક ની કોથળી માં રાખવાથી તેમાં પ્લાસ્ટિક ચોંટી જાય છે. તે વિજ્ઞાનિક રીતે તદ્દન જૂઠું છે. તેના પુરાવા સાંભળો. જેમ દરેક માણસ કે પ્રાણી ઉપર ચામડી હોય તેમજ શાક ભાજી ઉપર ખાલ હોય છે. ગરમ કરવાથી તે ઢીલી પડે છે અને તેને ખેંચી શકાય છે. હા, પ્લાસ્ટિક માં ખાવાનું ગરમ ક્યારેય ન કરવું જોઈએ કેમકે પ્લાસ્ટિક ગરમ થતા તેમાં રહેલા રસાયણ પીગળે છે અને તે ખાવાનામાં ભળે છે. પણ માત્ર પ્લાસ્ટિક ની થેલી માં ફ્રિજ માં રાખવાથી શાક ઉપર પ્લાસ્ટિક ચોંટી જાય તે ખોટી માહિતી છે. એટલે થોડા સાચા વિજ્ઞાનને લઈને તેની ઉપર ખોટી માહિતીનો થર્થરો ચોપડી ને પછી તેવી માહિતી ઘણીવાર ફેલાવવામાં આવે છે. વાસ્તવમાં પ્લાસ્ટિક એકજ પર્યાવરણ માટે ખરાબ માં ખરાબ ચીજ છે કેમકે તેને ડિકોમ્પોઝ થતા કે તેના તેના મૂળભૂત તત્વોને પીગળતા અને છુટ્ટા પડતા સદીઓ વીતી જાય છે. તો તે ફ્રિજ માં રહેલ શાકમાં ચોંટી શકે તે શક્યજ નથી.

તમને કોઈ પણ વિષય ઉપર વધુ જાણવાનો રસ હોય તો સાચી માહિતી ઈન્ટરનેટ ઉપર ઢગલાબંધ મળશે. પણ મહેરબાની કરીને થોડા જાણકાર બનો અને ખોટી માહિતી અને ખાસ કરીને ખોટી માહિતી જે લોકોને અંધકારમાં રાખે અથવા વગર મફતના રાગ દ્વેષ પેદા કરે, અને જેના લીધે ખૂન ખરાબા, હિંસા અને અત્યાચાર વધે તેમાં ભાગીદાર નહિ બનો.  ફેસબુકે આ અઠવાડિયે ભારતના અખબારોમાં આ વિશેજ પુરા પાનાઓ ભરીને જાહેરખબર કરતી લોકોમાં અરજી કરી છે કે મહેરબાની કરીને લોકોમાં ભાગલા કરતી ખોટી માહિતી ફેલાવવામાં ભાગીદાર નહિ બનો. ફોરવર્ડ કરતા પહેલા માત્ર  અડધી મિનિટ નો વિરામ રાખો અને વિચારો. જો ફોરવર્ડ કરવાથી લોકોમાં રાગ દ્વેષ પેદા થઇ શકે તો ફોરવર્ડ કરતા પહેલા તે સત્ય હકીકત છે કે નહિ તેનો અભ્યાસ કરો. જો તે અભ્યાસ કરવા ના માંગતા હો તો પ્લીઝ ત્યાંજ અટકી જાવ અને ફોરવર્ડ ને ત્યાંજ ખતમ કરો.

નમસ્તે।
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com

 

2 – દ્રષિકોણ: બ્લોકચેઇન ટેક્નોલૉજી – દર્શના વારિયા નાડકર્ણી

આ ચેનલ ઉપર દ્રષ્ટિકોણ ઉપર આપણે કૈંક નવી વાત કરીશું અને ક્યારેક જુદા વિષય વિષે પણ વાત કરીશું.
મિત્રો, આજે આપણે ટેક્નોલોજી ઉપર થોડી વાત કરીએ.
આજનું શીર્ષક છે બ્લોકચેઇન શું છે? પૈસાની લેણ દેણ નો બીજો પાસો
આ વિડિઓ ની લિંક નીચે મૂકી છે.

તમે બીટકોઈન અથવા ક્રીપ્ટોકરન્સી નામ તો સાંભળ્યું જ હશે. તેની શોધ 2008 માં સાતોશી નાકામોટો નામના જાપાની યુવાને કરેલી.  તે દુનિયા ની પહેલી ડિજિટલ કરન્સી છે. જેમ કસીનો માં સાચા પૈસાની જગ્યાએ ટોકન થી રમીએ તેમ દુનિયામાં સાચા પૈસાની જગ્યા એ લેણ દેણ આવી ડિજિટલ કરન્સી થી થવા લાગી.
તો આ બ્લોકચેન છે શું અને તેનાથી શું શક્ય બને છે?  બ્લૉકચેન સતત થતી પૈસાની આપ લે અને લેણ દેણ નો રેકોર્ડ એટલે નોંધ રાખે છે અને તે રેકોર્ડ્સ ને બ્લૉક્સ કહેવાય છે. તે બ્લોક્સ એક બીજા સાથે સંકળાયેલા હોય છે જેને કોઈ જુદા ન કરી શકે. દાખલ તરીકે મેં 400 કિલો કેળા ખરીદવા મીના ને ડિજિટલ પૈસા આપ્યા પછી મીનાએ તેમાંથી થોડા પૈસા ટ્રાન્સપોર્ટ કરવા માટે આપ્યા તે બધાનો રેકોર્ડ બ્લોક્સ માં રહે છે. અને તે ક્રિપ્ટોગ્રાફી ની મદદ થી સુરક્ષિત રહે છે. દરેક બ્લોકમાં ક્યારે લેણ દેણ થઇ તેના ટાઇમસ્ટેમ્પ હોય છે અને તે ટ્રાંઝેક્શન ડેટા કાયમી અને અટલ રીતે સચવાઈ જાય છે. તેને કોઈ બદલી નથી શકતું માટે તેને કોઈ ત્રીજી વ્યક્તિ કે કંપની એ ચકાસવાની જરૂર રહેતી નથી. આ રીતે બોકચેન સ્વતંત્ર તૃતીય પક્ષ દ્વારા ચકાસણી માટેની જરૂરિયાતને દૂર કરે છે. તેથી અંદરો અંદર લોકો લેણ દેણ કરી શકે છે તે જ બ્લોકચેન નું મોટું મહત્વ છે.
બ્લોકચેન ટેક્નોલૉજી, ઉદ્યોગપતિઓને પૈસાની લેવડ દેવડ વિશ્વાસપૂર્વક, સુરક્ષિત, ઝડપી અને સસ્તી રીતે કરવામાં સહાય કરે છે. કોઈ એક કંપની વચ્ચે થી પૈસા ખાઈને ને લેન દેન માં સહાય કરે તેના બદલે લોકો પોતાની જાતે કરી શકે છે માટે આ ટેકનોલોજી ટ્રાંઝેક્ટીંગ વ્યક્તિઓ અને સંસ્થાઓ ને માટે ખુબજ લાભદાયક છે.

https://photos.app.goo.gl/nw3uB6TAVXy6GSzS9

By Darshana V. Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com