દ્રષ્ટિકોણ 10 – વિશ્વ કૃતજ્ઞતા દિવસે માતાપિતા ને નવાજીએ – દર્શના

નમસ્તે મિત્રો. આજે વિશ્વ કૃતજ્ઞતા દિવસ ઉજવાઈ રહ્યો છે. સૌ પ્રથમ આ દિવસ 1965 માં ઉજવાયો અને ત્યાર બાદ United Nations Meditation Group દ્વારા દર વર્ષે September 21 ના આ દિવસ મનાવવાની પ્રથા જાહેર થવામાં આવી. જિંદગીમાં કૃતજ્ઞતા કેળવવાથી અને દર્શાવવાથી વ્યક્તિને પોતાને ઘણા ખુબ ફાયદા થાય છે અને સૌથી પહેલે માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું તેઓ સૂચન કરે છે. આમેય માતા પિતા નું સ્થાન જ ઔર છે. એક માતાના કે એક પિતાના પ્રેમ ની ઊંડાઈ માપી શકાય નહિ. તે બીજા કોઈ સંબંધ જેવો પ્રેમ નથી. તેમના હૃદય માં બાળક માટે ચિંતા અને બાળક ની ભલાઈ માટેની ભાવના સતત વહેતી હોય છે. અને છતાં માતાપિતા અને બાળકો વચ્ચે મતભેદ તો થવાના જ. એક જેનેરેશન ગેપ છે તે ન રહે અને બાળકો માતાપિતાના ઘાટ માં જ બીબાની જેમ ઢળે તો જિંદગીમાં ઉન્નતિ કેમ થાય? બાળકોના મત માતા પિતાના મત કરતા ઘણી વખત જુદા પડે, બાળકો તરફ તેમને નિરાશા ઉપજે, બાળકો તેમનું ન સાંભળે અને મનમાન્યું કરે તેમજ ધીમે ધીમે બાળકો પોતાની ભૂલો કરે અને તે ભૂલો માંથી જિંદગીના પાઠ શીખે અને તેમની નવી સમજણ અને સચ્ચાઈ પ્રમાણે નિર્ણયો લ્યે અને તેમજ જિંદગીની પ્રગતિ ચાલુ રહે.
પરંતુ ઘણી વખત બાળકો માતાપિતાની તેમના પ્રત્યેની નિરાશાને વળગી રહે છે અને તેની પાછળ છુપાયેલ તેમના પ્રેમ અને લાગણી ને જોઈ નથી શકતા. ક્યારેક માતા પિતા ની ઉમર મોટી થાય અને તેઓ ભૂલો કરવા લાગે અને ત્યારે બાળકો ધીમે ધીમે કારોબાર અને વધુ જવાબદારી સંભાળતા થાય અને માતા પિતા બાળકો જેવા બનતા જાય અને તેમને વધુ મદદ ની જરૂર પડે તો પુખ્ત વયના બાળકો ને તેમના ઉપર રોષ આવવા લાગે છે. આ બધું તો જીવન માં થાય જ છે. પણ આજે હું એમ કહેવા માંગુ છું કે જો માતા પિતા ભગવાનના આશીર્વાદે ખુબ મોટી વય સુધી પહોંચે ત્યારે એક દિવસ બેસીને પુખ્ત વયના બાળકે મનોમન એક નિર્ણય કરવાની જરૂર છે. તેઓ મૃત્યુને શરણ થાય તે પહેલા આ નિર્ણય થાય તો વધુ ઉત્તમ. પુખ્ત વયના બાળકો એક દિવસ બેસીને નિર્ણય કરી શકે કે હવેથી જેવો પ્રેમ અને કાળજી મારા બાળપણમાં મને મારા માતા પિતાએ દાખવ્યો તેજ નિખાલસ અને અવિરત પ્રેમ હું તેમને અર્પણ કરીશ. અને તે દિવસ થી તેમને ખીજાવા, ઠપકાવવાની બદલે તેમના તરફ ના વર્તન માં ખુબ કાળજી અને પ્રેમ ભરી દઈએ અને તેમનો હાથ પકડી, આંખમાં જોઈને તેમના તરફ ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ તો કેવું? ક્યારેક મોડું થઇ ગયું હોય અને માતા કે પિતા પ્રત્યક્ષ હાજર ન હોય તો પણ મનોમન આભાર વ્યક્ત કરવાની હળવાશ આપણે અનુભવી શકીએ છીએ.
ક્યારેક આવા કાર્ય માટે નિમિત્ત ની જરૂર હોય છે. તો આજે આ બ્લોગ ને નિમિત્ત માનીને વિશ્વ કૃતજ્ઞતા દિવસે ચાલો આપણે આપણા માતા પિતાને આપણા વર્તન અને વાણી દ્વારા કૃતજ્ઞતા અને અવિરત પ્રેમ ની લાગણી દર્શાવીએ. જો તેઓ જીવિત ન હોય તો શબ્દો દ્વારા વર્તાવી શકાય છે.
નીચે મેં મારી મા માટે લખેલ કાવ્ય તમે લિંક માં સાંભળી શકો છો અને નીચે વાંચી પણ શકો છો.

બાળકો ના સપના માં માતાની જીંદગી
એકવાર માં તું હતી સૌન્દર્યપૂર્ણ, સુશોભિત, યુવાન
ડૂબી ગયા હશે ઘણા જુવાનો, જોઈ તારા નયન
સાકાર થઇ રહેલા હશે તારા દિલ માં ઘણા સપના
ઘણી ઈચ્છાઓ, દેશ દેશાંતર ફરવાની ભાવના
પરંતુ સામાજિક ધોરણો ને અનુસાર તે દિશા બદલી
તારા સપના ને ધરબી દઈ ને તું સાસરે ચાલી
તારી કુખે અમે જન્મ્યા, તું તારી ફરજ નિભાવતી રહી
ક્યારેક અમે સમજ્યા નહિ, જીદ કરી, તારું માન્યા નહિ
પરંતુ તારા પ્રેમ માં ક્યારેય તે કચાસ ન કરી
એવું બન્યું નહિ કે તે અમારી વાત ને કાને ન ધરી
તે ફેરવ્યું તારા સપના નું અમારા સપના ઉપર લક્ષ્ય
અમને હસતા રાખવા એ જ તારી ખુશીનું રહસ્ય
તું ભૂખી રહી પણ અમારું ખાવાનું રાખ્યું નિત્ય ગરમ
બની ગયા તારા બાળકોજ તારા ભગવાન, તારો ધરમ
જીવનની મુસીબતો ગળીને હસતા હસતા તે નિભાવી ફરજ ,
અમે તો વિચાર પણ ના કર્યો, આ તે કેટલું મોટું કરજ
તે જાડુ વાળ્યું, વાસણો વિછર્યા, રસોઈ બનાવી, કપડા ધોયા
મોડી સવાર સુધી સપના અમારી પાંપણો ઉપર નાચતા રહ્યા
કદાચ હવે તને યાદ પણ નહિ હોય તારા સપના ને તારું મોટું બલિદાન
હવે તું નથી જુવાન, નથી બળવાન, કે નથી સૌંદર્યવાન
અમારા સપના થયા સાકાર, તારી મહેનત નું પરિણામ
ઘર, બંગલા, ગાડી માં અમે થયા ઠરીઠામ
અમે પણ શું ભૂલી ગયા તારું અમારા ઉપરનું મોટું ઋણ?
તો આ તારી નહિ, પણ અમારા જીવન ની કથની છે, કરુણ.
https://youtu.be/dFhGpgpJ_cE