૩૫ – શબ્દના સથવારે – વાંસળી – કલ્પના રઘુ

વાંસળી

Vasali 41Ikz3ZPfPL

શબ્દકોશ પ્રમાણે વાંસળી એટલે વાંસનો બનાવેલો પાવો, બંસી, વેણુ, મોરલી, બાંસુરી, બંસરી. ફૂંકીને વગાડવાનું નળી જેવું એક વાદ્ય. તે વાંસની બનતી હોઇ ને વાંસળી કહેવાય છે. હવાથી વાગતા વાદ્યમાં તે સહુથી મુખ્ય છે. વાંસની લગભગ ૧ ફૂટ લાંબી પોકળ લાકડીમાં ખૂલ્લા છેડા તરફ સાથે ૬ છીદ્રો અને જે તરફ બંધ છેડો હોય છે ત્યાં ૧ એમ મળી ૭ છીદ્ર હોય છે. બંધ છેડા ઉપરનાં છીદ્ર આગળ હોઠ રાખી ફૂંક મારવાથી નાદ ઉત્પન્ન થતાં નીચેથી અનુક્રમે છીદ્રો ખૂલતાં ૭ શુધ્ધ સ્વર નિકળે છે. આ વાદ્યમાં અનુભવી વાદક સિવાય અન્યથી સૂર કાઢી શકાતા નથી કારણ કે તે કાઢવા અતિ દુર્ઘર છે. રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી પણ વાંસળી કહેવાય. તે કમરની આસપાસ બંધાય છે. નૃત્યમાં ગત ભરવાનાં ૧૬ માંહેનો એ નામનો એક પ્રકાર. એની રીત એવી છે કે, ૨ હાથની વાંસળી જેવી કૃતિ કરી જાણે વગાડતાં હોઇએ તેવું મુખ કરી જમણી તરફ રાખી, પગ ઉપર પગ વાંકો રાખી નૃત્ય કરવું. અંગ્રેજીમાં ‘Flute, Bassoon’ કહેવાય છે.

વાંસળી આદિકાળનું વાદ્ય છે. સ્લોવેનિયામાં ૪૩,૦૦૦ વર્ષ જૂની વાંસળી મળી આવેલી. દક્ષિણ ભારતનાં નાગરકોઇલમાં થતાં વાસનની ઉત્તમ વાંસળી બને છે. ભારતીય શાસ્ત્રિય સંગીતમાં ભારતનાટ્યમાં ઉપયોગી ૧૦ ઘાટની વાંસળીના સૂર પ્રમાણભૂત ગણાય છે.

સારા આરોગ્ય માટે દિવસમાં એક વખત વાંસળી વગાડવી જોઇએ. ૧ શ્વાસ દરમ્યાન ૧ કરતાં વધારે સુરો નિકળે અને સુરો નિકળતા રહે ત્યાં સુધી શ્વાસ ખેંચાતો રહે. આમ વાંસળી વાદનથી એક્સર્સાઇઝ થાય છે, થાક ઉતરી જાય છે. તેનાં સૂર, સાંભળનારને ધ્યાનાવસ્થ બનાવી દે છે. માટે આજકાલ ફ્લૂટ મેડીટેશનને મહત્વ અપાય છે. વાંસળીનાં સૂરની અસર પશુ ઉપર પણ થતી હોય છે. નવતર અભિગમ દ્વારા નડીયાદ રહેવાસી વાંસળીવાદક પિતા-પુત્રની જુગલબંદી વાંસળી વગાડીને ગાયોની સારવાર કરે છે. તેઓની વાંસળીના સૂર પ્રસરતાંજ ગાયોનું ટોળુ તેમની આસપાસ ભેગું થાય છે. તેઓ વાંસળી દ્વારા અવનવા રાગો થકી ગૌમાતાની સેવા કરી રહ્યાં છે જેને કારણે ગાયો રોગમુક્ત બને છે અને દૂધ પણ સારૂં આપે છે. આમ વાંસળી ઔષધની ગરજ સારે છે. ફેંગશૂઇમાં વાંસમાંથી બનેલી વાંસળીને ઉન્નતિ અને પ્રગતિની સૂચક માનવામાં આવે છે. તે ઘરમાં રહેલાં વાસ્તુદોષને દૂર કરે છે.

વાંસળી શબ્દ યોગેશ્વર શ્રીકૃષ્ણની યાદ અપાવે છે. યોગની ભાષા શું કહે છે? હ્રદય વૃંદાવન છે, આત્મા કૃષ્ણ છે, ભીતરથી ઉઠતો અનાહત નાદ કૃષ્ણનો વેણુનાદ છે. આ વેણુ સાંભળીને અંતઃકરણની વૃત્તિરૂપ ગોપીઓ આત્મારૂપી કૃષ્ણને મળવા માટે અંતર્મુખ થઇને દોડે છે. આ ખોળિયાનાં મિલનની વાત નથી. આ તો આત્માનાં મિલનની વાત છે. ગોપીઓની ચિત્તવૃત્તિનો નિરોધ આત્મારૂપી કૃષ્ણ થકી વાંસળીના સૂરે થાય તેનું નામ જીવ અને શિવ વચ્ચે રચાતી રાસલીલા અને એજ શ્રીકૃષ્ણ સાથેનો યોગ.

આ વાંસળી, જે વાંસનાં ટૂકડામાંથી બને છે તેનું આટલું મહત્વ કેમ? તેનાં સૂર જડને ચેતન બનાવે  અને ચેતનને જડ. આવું કેમ? સમસ્તના મનને ચોરી લે, કનૈયો ક્યારેય અળગી ના કરે, તેની અધરસુધાનું પાન કરવાની શક્તિ માત્ર વાંસળીમાં છે, તો વાંસે એવાં તો પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યાં હશે? આ પ્રશ્નોની મૂંઝવણ ભાગવતજીમાં વાંચવા મળે છે. આનું વર્ણન વેણુગીત, ગોપીગીત, યુગલગીતમાં અવર્ણનીય છે. સંતોએ સુંદર જવાબ આપ્યાં છે.

વાંસળી જ્યારે વાંસનાં રૂપે વનમાં હતી ત્યારે ટાઢ, તાપ, વરસાદ ઘણું બધું સહન કર્યું. પછી વાંસળી બનાવનાર તે વાંસને વાઢીને લઇ આવ્યો. તેને કોતરીને ટૂકડાં કર્યાં. એમાં છિદ્રો પાડ્યાં. કેટલું સહન કર્યું! અનેક જખમ સહીને, પોતાનું અસ્તિત્વ મીટાવીને તે ઇશ્વરને અર્પણ થાય છે. અંતે તમામ પીડા સહન કરીને મધુર રીતે કૃષ્ણને ગમતાં સૂર છેડે છે. માત્ર તેટલું નહીં પણ તે અંદરથી પોલી છે અને સાતે છિદ્રોને ખૂલ્લા મૂકી દે છે. એના પેટમાં પાપ નથી અને પૂર્ણપણે કૃષ્ણને સમર્પિત છે. પૂષ્ટીમાર્ગમાં ભક્ત પાસેથી શ્રીકૄસ્ણ સમર્પણ માંગે છે. માટે વાંસળીને શ્રીકૃષ્ણએ ક્યારેય અળગી કરી નથી. કૃષ્ણ પોતાનાં અધરો પર વાંસળી ધારણ કરી ઋષભ, નિનાદ આદિ સ્વરોમાં રાગ-રાગિણીઓ છેડતાં ત્યારે બ્રહ્મા, શંકર, ઇન્દ્રાદિ મોટાં મોટાં દેવતાઓ પણ તલ્લીન થઇ જતાં.

છેલ્લી વાર કૃષ્ણ મથુરા જતી વખતે ભાંગી પડેલાં રાધાજીને મળે છે ત્યારે પ્રાણપ્યારી વાંસળીને રાધાજીને સોંપતાં કૃષ્ણ પ્રથમ વાર તેને અળગી કરે છે અને કહે છે, “આપણાં વિશુધ્ધ પ્રેમની નિશાની તને આપતો જાઉં છું. હવે હું વાંસળી નહીં વગાડું.

વાંસળી માનવને શીખ આપે છે. જેમ વાંસળી અનેક જખમ સહેવા છતાં, મધુર રીતે પોતાનાં સૂર છેડે છે, પોતાનું અસ્તિત્વ મીટાવી ઇશ્વરને અર્પણ થાય છે તેમ આ શરીર અને જીવન ઇશ્વરે સર્જેલું છે અને ઇશ્વરને અર્પણ કરવાંનું છે તો તમામ સુખદુઃખ સ્વીકારીને હસતાં મોઢે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઇએ. જીવન વાંસળી જેવું છે, જો વગાડતાં આવડે તો સાતે સૂર બરાબર વાગે. આદમ ટંકારવીએ કહ્યું છે, ‘ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે, નહીંતર એક સરખી જ વાંસળી છે.’

માટે જ રાધા બનીને કાનાને કહેવાનું મન થાય કે, ‘હે કાના, મારાં આ પ્રાણ શરીરને તારી વાંસળી બનાવ. સાત ચક્રોનું ભેદન કરીને બ્રહ્માસ્મી અને એકોહમ્ ના   સંગીતથી તારા સૂર છેડીને વિશ્વચેતનામાં ભેળવી દે. હું ક્યાં નથી જાણતી કાના? તારી વાંસલડી પણ આ તારી રાધા જ છે.’