૪૭ – શબ્દના સથવારે – ઉત્સવ – કલ્પના રઘુ

ઉત્સવ

ઉત્સવ એટલે આનંદનો અને ઉત્સાહનો દિવસ, તહેવાર. મંદિર વગેરેમાં તહેવારને કારણે થતો વિધિ, ઓચ્છવ, ઉજવણી, સમારંભ, ધર્મને લગતો તહેવાર, પર્વ, સપરમો દિવસ, જલસો, મેળાવડો, માંગલિક ધામધૂમ, મંદિર વગેરેમાં તહેવારને કારણે થતી વિશિષ્ટ વિધિ, મંગળ સમય. અંગ્રેજીમાં ‘day of festivity’, ‘religeous holiday’, ‘festival’ કહે છે.

ઉત્સવ, મૂળ સંસ્કૃત શબ્દ છે. ઉત્‍ = દૂર કરવું, હટાવવું અને સવ = દુન્યવી દુઃખ કે વિષાદ. ‘દુઃખ કે વિષાદને દૂર કરનાર’ એવો અર્થ થાય છે. હિન્દુ ધર્મમાં લગભગ બધાંજ ઉત્સવો, તહેવારો પંચાંગ પ્રમાણે તિથિ અનુસાર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ, એક એવો તહેવાર છે જે ગ્રેગોરિયન કેલેન્ડરની તારીખ આધારિત હોય છે.

ઉત્સવ મુખ્ય ત્રણ પ્રકારનાં હોય છે. ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય. ધાર્મિક તહેવારોથી લોકો ભક્તિનાં માર્ગે જાય છે. સામાજીક તહેવારોથી સમાજમાં એકમેક વચ્ચેનું અંતર ઘટે છે તેમજ રાષ્ટ્રીય તહેવારોથી પ્રજામાં રાષ્ટ્રભાવના જાગે છે. કાકાસાહેબનાં શબ્દોમાં, ‘તહેવારો આપણાં ભેરૂ છે’. દેશનાં અર્થકારણમાં તહેવારોનો મોટો ફાળો રહ્યો છે. ઉત્સવો રાષ્ટ્રનાં અર્થતંત્રની ધોરી નસ છે. જેમ કે વાયબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવે આર્થિક પાસાને મજબૂત બનાવી સીમાચિન્હ સ્થાપ્યું છે. વર્ષ દરમ્યાન ગુજરાતની પ્રજા અનેક મેળાઓ અને ઉત્સવોની ઉજવણી કરે છે. મેળાઓ સંસ્કૃતિનાં કલાત્મક વારસાનું પ્રતીક છે. પરંપરાગત વર્ણોની સંસ્કૃતિ અને રીતરિવાજ સાથે ઉજવાતાં ઉત્સવો ધર્મ, સંસ્કૃતિ અને રીતરિવાજોને જીવંત રાખે છે. ઉત્સવ અનુસાર ખોરાક અને વેશભૂષામાં વિવિધતા જોવા મળે છે.

જીવનને ઉર્ધ્વગમન તરફ લઇ જતું આધ્યાત્મિક પર્વ એટલે ચાતુર્માસ. શ્રાવણનાં સરવરિયા સાથે ઉત્સવોનો ઉત્સાહ સૌનાં હૈયાને આનંદની સરવી સુવાસથી તરબતર કરી દે છે, એ ક્યાં અજાણ્યું છે? વર્ષ દરમ્યાન તહેવારોનો ફાલ આવે છે અને જાય છે. મા સરસ્વતીની આરાધનાનું પર્વ એટલે વસંતપંચમી. આસ્થા અને આસ્તિકતાનું પર્વ, રંગોનો ઉત્સવ એટલે હોળી કે ફાગવા. દાન-દક્ષિણાનું પતંગનું પર્વ ઉતરાયણ, મહાદેવનો શિવરાત્રિ પર્વ, નૃત્ય અને ભક્તિનો સમન્વય એટલે મા શક્તિને રીઝવવા માટેની નવરાત્રિ. આસુરી શક્તિના વિનાશનું પર્વ દશેરા, વટસાવિત્રી, ગુડીપડવો, રથયાત્રા, રક્ષાબંધન, જન્માષ્ટમી, દહીંહાંડી, હિંડોળા ઉત્સવ, ગણેશોત્સવ, રામનવમી, નાતલ, શ્રધ્ધાનું પર્વ ગુરૂપૂર્ણિમા, પ્રેમ, પ્રકાશ અને આનંદનું પર્વ એટલે દિવાળી, ક્ષમાપનાનું પર્વ એટલે પર્યુષણ, સ્વાતંત્ર્ય પર્વ ૧૫ ઓગસ્ટ, પ્રજાસત્તાક દિન, વગેરે ઉત્સવો લોકપ્રિય છે. પાકની વાવણી અને કાપણી સાથે એટલેકે ખેતી સાથે જોડાયેલાં તહેવારને હરેલા ઉત્સવ કહે છે. પોંગલ પણ પાક સાથે સંકળાયેલો ઉત્સવ છે. દરેક જાતિઓનાં મહાપુરુષોનાં જન્મદિવસ ઉત્સવરૂપે ઉજવાય છે. સ્નેહ પર્વ, અસ્મિતા પર્વ, કચ્છનો રણોત્સવ, નાટકોત્સવ, જ્ઞાનપર્વ વગેરે ઉત્સવો ઉજવાય છે. હમણાં દર વર્ષે ગુજરાતમાં ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ ઉજવાય છે. જેમાં લેખકો, કવિઓ, નાટ્યકારો, ગીતકારો, બ્લોગર્સ, સાહિત્યિક સર્જનાત્મકતાનો ઉપયોગ કરતાં અન્ય લોકો એકસાથે મળીને ઉજવણી કરે છે. આ ઉત્સવને અનેરૂ જ્ઞાનપર્વ કહી શકાય. આ ઉપરાંત જન્મોત્સવ, લગ્નોત્સવ, મરણોત્સવ લોકો ઉજવે છે.

જીવનને ઉત્સવની જેમ જીવો તો મૃત્યુ પણ ઉત્સવ બની જાય. ઉત્સવો માનવજીવનને જીવવા યોગ્ય એક અમૃતતત્વ અને સંજીવનીનું કામ કરે છે. તે નથી જોતો નાત કે જાત. ગરીબ હોય કે તવંગર, ઉત્સવો આબાલવૃધ્ધ તમામ ઉજવે છે. કારણકે તે માનવની મૂળ પ્રકૃતિ સત્‍, ચિત, આનંદ લઇને આવે છે. માનવજીવનમાં ઉત્સવો ના હોત તો શું થાત? માનવ અને પશુમાં કોઇ ફેર જ ના રહે. માનવ સામાજીક પ્રાણી છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે, ‘उत्सव प्रियाः खलु मानवाः।’ જેમ કહેવાય છે ‘પીનેવાલોં કો પીનેકા બહાના ચાહિયે’, એમ ‘જીનેકા બહાના ચાહિયે’. લોકોને ઉત્સવ ઉજવવાનું બહાનુ જોઇએ છે. રોજિંદા જીવનમાંથી મુક્તિ મેળવવા માટેનો ઓક્સીજન સીલીન્ડર એટલે ઉત્સવો. ઉત્સવો ક્લીન્સીંગનું કામ કરે છે. જૂનાં વિચારોનો ગાર્બેજ સાફ કરીને સ્વચ્છ આકાશ હ્રદયમાં ભરી દે છે. નકારાત્મકતાને સાફ કરી નવા જીવન માટે માનવ હકારાત્મક બની જઇને જીવવા તૈયાર થઇ જાય છે.

ખાસ કરીને પરદેશમાં વસતા હિન્દુઓ માટે ઉત્સવો જીવન જીવવાની જડીબુટ્ટી સાબિત થાય છે. મંદિર, હવેલી કે દેરાસરમાં વાર તહેવારે ઉજવાતા ઉત્સવોની હારમાળા ભારતીયોને તેમનાં મૂળ સાથે પકડી રાખે છે જેનાથી તેઓનું જીવન હર્યુંભર્યું, તરોતાજા રહે છે. સમય બદલાતાં ઉત્સવોની ઉજવણીની રીતો બદલાય છે તે આવકાર્ય છે પરંતુ ધર્મનાં મૂળભૂત મૂલ્યો જળવાઇ રહે તે એટલું જ જરૂરી છે. ઉત્સવોની સાત્વિકતા, પવિત્રતા અને પરંપરા જળવાઇ રહેવી જોઇએ બાકી ઉત્સવ વગરનાં માણસની કલ્પના જ ન થઇ શકે. પોતાનાં મૃત્યુ પહેલાં પોતાનાં મરણને ઉત્સવ ગણીને ઉજવે તે આજનો માનવ.