4-જીવન મને ગમે છે -પ્રજ્ઞા દાદભાવાળા

વાત જીવવાની છે આ જીવવું એટલે શું? જન્મ અને મૃત્યુની વચ્ચેનો શું માત્ર શબ્દ છે જીવન ,
જીવન ગમે છે એટલે જીવનને પૂર્ણ રીતે જીવવાની વાત છે.  
જીવનનને જીવતા આવડવાની આ વાત છે.
હું જીવું છું માટે મને જીવન ગમે છે.અને મૃત્યુ છે માટે મને જીવન ગમે છે.જીવન નામની વહેતી ક્ષણો છે માટે મને જીવન ગમે છે આ એક એક ક્ષણ માં આનંદ છે.ગમે છે એટલે આવા ઉત્સવના માંડવા નીચે જાતને ઉજવવાનો અવસર,આપણામાં પ્રગટેલો ઉત્સાહ જીવનને ગમાડે છે.
ઘણીવાર મને થાય છે જીવન મારી માણસપણાની એઆઇડેન્ટટી છે,શ્વાસ મારા જીવનમાં સ્કેચપેનથી રંગો પુરે છે.કેનવાસ વગર તેમાં રંગો પુરાય છે.લાંબી પ્રતીક્ષા પછી ન જોયલો રંગો અને દર્શ્યો મારી જીવવાની ઉત્સુકતા વધારે છે.વર્તમાનના સાનિધ્યમાં ભવિષ્યના રંગો મારામાં તત્પરતા દાખવે છે. પોતાનામાં મસ્ત રહેવા મારુ હૃદય અને મન મને સાથ આપે છે અને પળેપળ હું જીવી રહી છું તેની સાબિતી આપે છે.અને મારી આંખો અદ્રશ્ય ગતિવિધિને મંડાતી રહે છે.નથી આવી અને નથી આવવાની એવી પળો ની હું રાહ જોઉં છું. પણ ક્યારેક મારી આંખો સપના જોયા વગર જ થાકી જાય છે.ક્યારેક કઠોર ટીકા અને નિંદા અને મને ગુંગળાવે છે. લોભ પ્રસંશા અને ખુશામત, ઈર્ષા, ભાગદોડ, હરીફાઈ ચારે બાજુથી ઘેરી વળે છે, અને મન નિરાશાની ગર્તા માં ડૂબી જાય છે,કળ વળે છે અને આ બધાની વચ્ચે મન જીવતા શીખે છે, મારી આંખો સરોવરના તરંગો ઉકેલવાં માંડે  છે. હવે મને પાનખરના સ્વાદની ખબર પડી ગઈ છે.હવે દરિયાના મોજાંના સળ ઉકેલવાનો થાક મને નથી લાગતો ,હું કિનારાની જેમ ફરિયાદ નથી કરતી…. કારણ સુખ દુઃખ અનુભવતા જ  જીવવાની મજા છે.હવે તો હું જીવનને છાતી ફાડીને ચાહું છું.હું માણું છું એની સભાનતા વિના  સહજ માણું છું, માલિકીની ભાવના વિના માણું છું.આ સુંદરતા ભરી જિંદગીમાં મારે ધૃતરાષ્ટ્રનો વારસો ભોગવવો નથી એ નક્કી છે. હું ક્યાંય ખૂટતું હોય ક્યાંક કશું  તૂટ્યું હોય તોપણ જીવનને માણું છું અને આ રૂટિન વચ્ચે પણ મન ફરી સળવળે છે.હા હવે  હું ફરી આંખોમાં ભોળો અચંબો પરોવી જીવું છું અને જીવનમાં ફરી એક એક પળ ફૂલોની જેમ ઉગે છે અને હું સુગંધને રોજ ઉગતા સૂર્ય સાથે માણું  છું અને જીવનન જાણે શાશ્વત છે તેવો અહેસાસ ફરી અનુભવું છું.
વાત મનના એકાંતમાં ગુંજવાની છે.સહજ થઈને રજેરજ માણવાની વાત છે. મન ભરાઇ આવે ત્યારે આંખ ભીની થાય છે.બે આંખો છલકે છે ત્યારે ટપકતાં આંસુ અમાપ હોય છે. આંસુની કોઇ ગણતરી હોતી નથી,ઝાકળની જેમ આંસુનું પણ અલ્પ જીવન છે એની મને ખબર પડી ગઈ છે,મારી પાસે શું નથી ?હું આ કુદરતના સૌંદર્યને માણી શકું છું ?ફૂલ પતંગિયાં આખો દિવસ કે રોજરોજ જોયા પછી પણ ગમે છે? આજે પણ ઝરણાંનો કલનાદ મને સ્પર્શે છે?.શાશ્વત અને અંનત કુદરતને માણવું મને ગમે છે?.હું કૂકડાની ભાષા સમજુ છું. મારા કાન સરવા નરવા રહે છતાં  કોયલનો ટહુકો આ દોડધામભરી જિંદગીમાં સંભળાય છે?. ઘાસનો શ્વાસ સંભળાતા  હું જીવું છું તેની ખાતરી થાય છે અને અભાવ વિના જીવું છું તેમ છતાં મારો  ખોબો ભરેલો છે..માનસિકતામાં માનસપણું ઉમેરાય છે.આભાવ હોય તો પણ ઈશ્વરનું નિમિત્ત બનવામાં મજા છે..બધું જ આપણું ધારેલું થવું જોઇએ એ જરૂરી નથી, ​ ઘણીવાર શહેરમાં વીજળી ચાલી જાય છે છતાં પણ દરરોજ ઉગતા સૂર્ય સાથે મારુ જીવન પ્રકાશથી પથરાય જાય છે.મારા જીવનમાં બુલબુલ, મેના, પોપટ, મોર, કબૂતર, રેડિયો કે ટીવી વિના ચ્હકે છે.વૃક્ષ પાંદડાને ફૂલોને શહેર બંધ પડવાથી ફર્ક પડતો નથી.બધા ખુશીની લ્હાણી કોઈ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના માણે છે. . જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં હું સૌંદર્યને જોઉં છું.અને એ સૌંદર્યને મોકળા મને માણું છું, કેવળ વર્તમાંનમાં જીવું છું માટે માણું છું , કશા પુર્વગ્રહ કે પ્રતીભાવ વગર વગર જીવવું મને ગમે છે, નદીની જેમ સ્વાભાવીક જીવતા, અવરોધો નથી રહેતા,જીવન મારી મિરાત છે। સૂક્ષ્મ સંવેદનનું સાહચર્ય છે,,નિખાલસ અને સહજ, બાળપણની વિસ્મય ભરી આંખે જીવનની  લાગણીનું સ્મિત, સંબધની સુગંધ અને કુદરતનું સૌંદર્ય માણતા જીવવું મને ગમે છે.
ઘડિયાળના સેલ બદલવાથી જીવનની ઉંમરમાં ફેર નથી પડતો..મેં આ વાસ્તવિકતાને સ્વીકારી છે. અંતિમ જેવું કશું નથી વાત જીવનમાં વહેવાની છે. .કોઈ અકળ ગતિનું મહેનતાણું ચૂકવે છે મારુ જીવન અને મારા પ્રતિભાવ ભાતું બાંધે છે ,હું જીવનને સ્વીકારું છું ,જીવન ઓવરટેકનું નામ નથી આત્મનો મુકામ છે ,..જન્મવું, જીવવું અને મરી જવું,આ ગોળ ચક્રાવામાં જીવન સૈકાઓ સુધી ફર્યા કરે ,આ જીવન અનંત શક્યતાઓથી અને આશ્ચર્યથી ભરેલું છે. તેમ છતાં સૌંદર્ય, આનંદ અને ઉલ્લાસથી તે સભર છે. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. હું દરરોજ ઉગુ છું ખીલું છું. પણ મને ખબર છે  એક દિવસ ખરવું પણ પડશે ,એક દિવસ મોત મારી ઉપર ચઢી આવશે, આંખમાં કળતર બનીને તો ક્યારેક નાકમાં ગળતર બનીને, મારા શ્વાસને ચૂંથ્યા કરશે ,કાળ ભરખી જશે આ જીવનમાં  ત્યારે બધું સ્તબ્ધ થઇ જશે.,હું જાણું છુ,……….માટે મને જીવન ગમે છે. 
પ્રજ્ઞા દાદભાવાળા

‘શબ્દના સથવારે’-આભાર દર્શન-કલ્પના રઘુ

મારાં વ્હાલાં વાચક મિત્રો,
જોતજોતામાં વરસ વીતી ગયું. ‘શબ્દના સથવારે’ વિષયનો ૫૧મો લેખ લખ્યા પછી હાલ પૂરતો હું વિરામ લઉં છું. પરંતુ હા, મારી કલમનાં શબ્દો, સાહિત્ય જગતમાં અવિરત વહેતાં રહેશે. મારી આ યાત્રાનાં આપ સૌ સાથી છો. ‘શબ્દનાં સથવારે’માં અવનવા શબ્દો થકી મારી કલમ ચોક્કસ વિકસી છે. વિસરાયેલાં અને બોલાતાં 
શબ્દોને સાહિત્ય-બાગમાંથી ચૂંટીને, તેને ઘોળીને, જેટલો રસ નિકળ્યો, મેં પીરસવા પ્રયત્ન કર્યો છે અને શબ્દોની મર્યાદામાં રહીને જરૂરી માહિતી પૂરી પાડવા કોશિશ કરી છે. ‘મા’ શબ્દથી સફરની શરૂઆત કરીને ‘રાખ’ શબ્દ સુધી પહોંચીને શબ્દનો શબ્દકોશ મુજબ અર્થ સમજાવીને, જીવનનું ચિંતન અને તેની વાસ્તવિકતા સમજાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે.
મારાં લખાણને સ્વીકારીને, બિરદાવીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને પ્રોત્સાહન આપવા માટે હું આપ સૌની આભારી છું. આ ઉપરાંત અનેક પ્રકારનું જરૂરી સાહિત્ય વૉટ્સએપ, ફેઇસબુક, ગુગલ, કોમેન્ટસ, પ્રવચન કે પુસ્તક દ્વારા પૂરૂં પાડનાર દરેક વ્યક્તિ તેમજ જ્ઞાનની દેવી, મા સરસ્વતી અને ગુરૂ દેવતાનો હું આભાર માનુ છું. અને હા! આપ સૌ સુધી મારા વિચારો પહોંચાડવા માટે હું આ બ્લોગ અને ‘બેઠક’નાં પ્રણેતા પ્રજ્ઞા દાદભાવાળાનો, કે જેણે મને લખવા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને મંચ આપ્યો છે, તેમની ખાસ આભારી છું.
હવે આવતા ગુરૂવારથી આ જ બ્લોગ પર આપણે મળીશું, પણ એક નવા વિષય સાથે.
કલ્પના રઘુ

*****************************************

વાચક મિત્રો,
શબ્દોથી બન્યો બ્લોગ અને સર્જાયું “શબ્દોનું સર્જન”, અને  પુસ્તકપરબ અને આપણી યાત્રા ને નવું સ્વરૂપ મળ્યું ‘બેઠક’ ,હા 2014માં  કલ્પનાબેન આપણી સાથે જોડાયા  બેઠકનું  સંચાલન રાજેશભાઈ સાથે સંભાળ્યું।. .વાત શબ્દોની કરીએ તો શબ્દ તો શબ્દ છે, દરેક વ્યક્તિમાં શબ્દ અભાનપણે જીવે છે. પણ જયારે તેને અર્થ મળે ત્યારે સર્જન સ્વરૂપ લે છે.એક કોલસો હોય પણ તેને અગ્નિ નો સંગ ન મળે ત્યાં સુધી નિસ્તેજ ટાઢા કોલસા જ  હોય છે પણ અગ્નિ મળતા તે ત્યાં માત્ર જ્વાળા જ નહિ પણ સર્જન પ્રજાળે છે. તેમ આપણા બ્લોગ પર કલ્પનાબેને શબ્દને  અનેક અર્થ અને સ્વરૂપે પિરસ્યાં છે. એકાવન અલગ અલગ શબ્દોને દર ગુરુવારે આપણા બ્લોગ પર મુકી  ​પોંખ્યાં છે.તમે એક એક શબ્દને માણ્યો અને વધાવ્યો,ક્યારેક ભુતકાળની યાદોમાં તો ક્યારેક ઉત્સવ બનીને શબ્દ કલ્પનાબેનની  કલમે આવ્યો, ક્યારેક વાસ્તવિકતા દેખાડી શબ્દને ગળામાં શીરાની જેમ ઉતાર્યો તો ક્યારેક તેમના શબ્દે આપણને વિચાર કરતા કર્યા, આજથી આઠ દાયકા કરતા વધુ સમય પહેલા આપણે ગુજરાતી  પુસ્તક ભણતાં હતાં તે પુસ્તક પૈકીના એક હજાર જેટલા શબ્દો આજે લુપ્ત થઈ ગયા છે. લોકોની બોલીમાંથી પણ એ શબ્દો વિસરાઈ ગયા છે. આ શબ્દો પૈકી મોટાભાગના શબ્દોનો અર્થ હાલની પેઢીને ખબર નથી.તેવા શબ્દો કલ્પનાબેને અર્થ સભર પીરસ્યા,આવી કલમ વિરામ લે તો ચાલે પણ અવિરત ચાલવી જ જોઈએ,કલ્પનાબેને ​આ લેખમાળા ​લખવાની ઈચ્છા દર્શાવી અને ભલે ‘બેઠક’ એનું પ્રેરણા નું સોત્ર બન્યો.પણ શબ્દો અંગ્રેજીનાં  ટોળામાં ખોવાયા હતા તે જાણે પાછા મળ્યા, સાથે તમે સૌએ શીખતાં ,માણતા, વાંચતા આંનદ લીધો માટે આભાર પણ આપણે કલ્પનાબેનની કલમને ચાલુ રાખતા આવતા ગુરુવારથી નવા વિષય સાથે માણશું.  તમારી આતુરતાનો અંત ન ધારેલા વિષય સાથે આવશે વાંચજો જરૂર.
બેઠકના આયોજક:પ્રજ્ઞા દાદભાવાળા 

બેઠકનો અહેવાલ -૮-૩૧ -૨૦૧૮-પ્રજ્ઞા દાદભાવાળા

૩૧મી ઓગસ્ટ  2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી  પ્રાર્થનાથી  શરૂઆત  થઈ . રાજેશભાઈએ સમાચારની જાહેરાત કરી. આસાથે આ મહિનામાં આવતા ચાર વ્યક્તિના જન્મદિવસ ખુબ આનંદ સાથે સૌએ ઉજવ્યો.કેક સાથે સુંદર જમણ માણતા એક પરિવાર જેવો આનંદ માણ્યો.ગીતાબેન ભટ્ટ ખાસ લોસ અન્જ્લીસ આવી બેઠકમાં હાજરી આપી,અને જન્મદિવસ ઉજવ્યો તો દર્શનાબેન ,સપનાબેન ,અને વસુબેનને બેઠકમાં સૌ સાથે જન્મદિવસ ઉજવી આનંદ મેળવ્યો. કા,ર્ડ  ગીફ્ટ ફૂલની આપલે થઇ અને સૌએ સહિયારા આનંદ ની અનુભૂતિ કરી.
 પ્રથમ શરૂઆત વાચિકમ દ્વારા થઈ.બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે.પ્રજ્ઞાબેન લિખિત એક વાર્તા -“મારી મરજી” રમુજી વાર્તા,શરદ દાદભાવાળા,મૌનીક ધારિયા,દર્શના વારિયા નાડકર્ણી,સરિફ વિજાપુરા,જીગીષા પટેલ,ગીતા ભટ્ટ, …દ્વારા થઇ. દરેકની રજૂઆત સુંદર રહી.

ગુજરાતી ભાષાપ્રેમીઓ –  વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા સૌ ઉત્સુક હતા .જેનો અંત તરુલાતાબેને જાહેરાત કરી લાવ્યા.અહી એક ખાસ વાત કહેવાની કે તરુલાતાબેન સદાય બેઠકને માર્ગદર્શન આપતા રહ્યા છે અને એક સાચા ગુરુની જેમ વાચકને લખવા પ્રેરી રહ્યા છે.વાર્તા સ્પર્ધા યોજવા પાછળ ગુજરાતી  ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી તેમની શુભ ભાવના રહેલી છે. 
તરુલતાબેન મહેતા આયોજિત વાર્તા સ્પર્ધા  જેનો વિષય હતો  ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન”
સર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને  26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે તેવું જણાવતા તરુલાતાબેને કહ્યું  કે આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને  બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે.અને  ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને  અઢળક અભિનન્દન આપ્યા અને જણાવ્યું કે ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું  મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની  સંવેદના પ્રબળપણે

દેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ અને અંતમાં કહ્યું કે વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.
શબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા  .
વાર્તા સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  ઇનામ:    વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા
દ્વિતીય ઇનામ :  વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ 
તૃતીય ઇનામ :   વાર્તા નં (2) શીર્ષક  મૌન   ($25)-સપનાબેન વિજાપુરા
આશ્વાસક ઇનામો :
(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી  ($15)-કલ્પના રઘુ 
(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા

આ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’. 

વાત જીવનની છે. જીવન  એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ  ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.

પ્રજ્ઞા દાદભાવાળા

અભિવ્યક્તિ -૩૪-હ્યુમન માઇકોલોજી-અનુપમ બુચ

હ્યુમન માઇકોલોજી

મણસે માઇકની શોધ કરીને ઈશ્વરને પણ આશ્ચાર્યચકિત કર્યા છે. દેવોની સભામાં જ્યારે જ્યારે આ મુદ્દે ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે દરેક દેવતાઓ માઇકની શોધ કરવા બદલ માણસનાં વખાણ કરતાં થાકતા નથી હોતા.

‘લાઇટ એન્ડ સાઉન્ડ’ના દેવ તો વિના સંકોચ કબૂલે છે કે, માણસ ઈશ્વરને ઓળખવામાં સદીઓથી થાપ ખાતો આવ્યો હશે, પણ માઇક શોધાયા પછી માણસને ઓળખવાનું અત્યંત કપરું કામ દેવતાઓ માટે ખૂબ સરળ થઈ ગયું છે.

ઊંડાણથી વિચારો. માઇક એટલે આપણામાં મૌન બેઠેલા માહ્યલાનો પડઘો.

કોઈ એવા છે જે માઇકથી સખત ડરતા હોય છે. માઇક જાણે સળગતું લાકડું હોય એમ આઘા જ ભાગતા હોય છે. માઇક હાથમાં પકડાવો તો હોંઠ ધ્રૂજવા લાગે, હાર્ટબીટ વધી જાય. કેટલાક વળી એવા હોય છે જેમની સામે તમે માઇક ધરો તો કોઈએ અચાનક છરો બતાડ્યો હોય એવા હાવભાવ એમના ચહેરા પર આવી જતા હોય છે. કેટલાકને તો માઇક જોઈને તરત જ શરમનાં શેરડા પડવા લાગે છે. એમના તરફ તમે માઇક ધરો તો એમ પાછું ઠેલે કે પોતે જાણે સોળ વરસની કુંવારી કન્યા ન હોય! એમની હથેલી પાણી પાણી થઇ જાય અને આંખોમાં મીઠો ગભરાટ ચળકી ઊઠતો હોય છે.

કેટલાક વળી માઇકને જન્મથી ધિક્કારતા હોય એમ માઇકથી મોઢું ફેરવી લેતા હોય છે. બહુ આગ્રહ કરો તો ચિડાઈ જાય. કેટલાક લોકોને માઇકમાં બોલવાની ઈચ્છા તો હોય પણ હિંમત ન હોય. સાંભળનારા શું કહેશે? હાંસી ઉડાવશે તો?’ ‘અવાજ સારો નહિ લાગે તો?’ આવી આવી મૂંઝવણ અનુભવતાં ‘દ્રાક્ષ ખાટી છે’ જેવું વલણ બતાવી છટકી જતા હોય છે.

આ બધા ભીરુ, શંકાશીલ, શરમાળ, પૂર્વગ્રહવાળા કે માઇકથી અકળાતા લોકો વચ્ચે સાવ અલગ તરી આવતો એક વર્ગ છે, જેના પર દેવોને પણ ભરપૂર માન છે. ‘માઇકઘેલા’. માઇક જોતાં જ એમના મોઢામાં પાણી છૂટતાં હોય છે, જાણે ખસખસ ભભરાવેલ લાડુ જોયો ન હોય! માઇક મળે તો આવા લોકોને શેર લોહી ચઢે. આવા માઇકપ્રિયજનોનો આત્મવિશ્વાસ જ જૂદો હોય છે.

આમાંના કેટલાક સભાન હોય છે કે એમનું ગળું મીઠું છે. પછી શું? પોતાનો મધમીઠો અવાજ સંભળાવવા, શ્રોતાઓને અભિભૂત કરવા હરઘડી તત્પર જ હોય છે. માઈક હાથમાં આવ્યાની જ વાર!

અલબત્ત, ‘માઇકપ્રિય’ અને ‘માઇકભૂરાયા’ વચ્ચે મોટો ભેદ છે.

‘માઇકપ્રિય’ માઇક માંગે, ‘માઇકભૂરાયો’ માઇક ઝોંટે. ‘માઇકભૂરાયો’ માઇક જોઈને ગાંડો થઈ જતો હોય છે. ઝાલ્યો ઝાલાય નહિ! પછી ભલેને બોલવામાં કે અવાજમાં ઠેકાણું ન હોય! એમનું બોડી લેન્ગવેજ જ ચાડી ફૂંકી દે કે, ‘ક્યારે માઇક હાથમાં આવે ને ક્યારે હું આખેઆખું માઇક ગળી જાઉં!’ આવા માઇકેશ્વરોનાં ઘરનાં ઠાકોરજીમાં કદાચ રોજ માઉથ-પીસ પર કંકુ-ચોખા-તિલક થતાં હોય તો નવાઈ નહિ!

માઇકની દૂનિયામાં કરાઓકે! Karaoke! OMG! માઇકના આ પ્રકારે તો માઝા મૂકી છે. (થોડું-ઘણું સારું કે ઠીક ગાતાં હોય એમણે માઠું લગાડવું નહિ!) કરાઓકે માટે દેવતાઓ વિસ્મિત પણ છે અને ચિંતિત પણ છે.

તૈયાર મ્યુઝિક ટ્રેક સાથે હાથમાં માઇક લઈ ગાતાં ગાતાં ડોલનારાઓનો આ નવોનક્કોર સમૂહ વૈશ્વિક નાગરિકત્વ ધરાવે છે. મૂંગી ફિલ્મો પછી ગીત-સંગીતવાળી પહેલી ફિલ્મના ગીતથી લઈને આજ સુધીના ગીતો આવડે! હું તો માનું છું કે એક એવાં દેશનું સર્જન કરવું જોઈએ જ્યાં ‘કરાઓકે ક્રેઝી માઇક લવર્સ’ દિવસ-રાત, જે ગાવું હોત એ બે-રોકટોક ગાયા કરેAnupam Buch

સાચું પૂછો તો મને કરાઓકેપ્રિય ‘માઇકભક્તો’નો નિજાનંદ ગમે છે. કેવા નિખાલસ, નિ:સંકોચ ગાયકો! પરદેશના કોઈ હાઉસના બેઝમેન્ટમાં ગણ્યાં-ગાંઠ્યાં લોકો વચ્ચે લેપટોપ સામે માઇક પકડી ઝૂમતા કે પછી ખાલી એપાર્ટમેન્ટમાં અટૂલા કોઈ કરાઓકે ચાહકને દિલ ખોલી ફિલ્મી ગીતો ગાતાં જોઉં છું ત્યારે મારું મન ભરાઈ આવે છે. એક માઇક એમને ભીતરનો અવાજ ઉલેચવાનો કેવો મજાનો મોકો આપે છે!

માત્ર ગીત-સૂર-સંગીત જ કેમ? એક માઇકે ઘેરા અવાજવાળા ઉપદેશકો અને પ્રભાવશાળી વિચાર ઘરાવતા મોટીવેટરોને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે! માઇકને લીધે તો પોલિટિકસ વીજળી વેગે પાંગરતું રહ્યું છે. અરે, હજારો વોટ કે ડોલ્બી સાઉન્ડમાં માર્ક એન્ટની સ્પીચ સાંભળવાની કલ્પના માત્ર મારા ધબકારા વધારી દે છે!

અવાજ મીઠો હોય કે કર્કશ, માણસના મન-હૃદયનો પડઘો કોણ પાડે? માઈક.

તરૂલતા મહેતા વાર્તાસ્પર્ધા પરિણામ

પ્રજ્ઞાબેન સંચાલિત ‘બેઠક ‘ના ઉપક્રમે ‘શબ્દોના સર્જન ‘ બ્લોગ પર દરવર્ષની જેમ આ વર્ષે પણ તરૂલતા મહેતા  વાર્તાસ્પર્ધા  સાપ્રંતની સમસ્યાને  લક્ષમાં લઈ

 આયોજિત થઈ હતી. જેનો વિષય ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન ‘.
સર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને  26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે. આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને ગુજરાતી  ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી શુભ ભાવના સ્પર્ધા પાછળ રહેલી છે. બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે. ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને મારા તરફથી અઢળક અભિનન્દન।
વાર્તા સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  ઇનામ:    વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા
દ્વિતીય ઇનામ :  વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ 
તૃતીય ઇનામ :   વાર્તા નં (2) શીર્ષક  મૌન   ($25)-સપનાબેન વિજાપુરા
આશ્વાસક ઇનામો :
(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી  ($15)-કલ્પના રઘુ 
(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા
ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું  મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની  સંવેદના પ્રબળપણે
દેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ .
વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.
શબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા  .
જય ગુર્જર ગિરા।
તરૂલતા મહેતા 21મી ઓગસ્ટ 2018

પ્રેમ એક પરમ તત્વ -૭

દોસ્તી મિત્રતા, યારાના આ બધાં શબ્દો યાદ આવતા કોઇ પુરાના મિત્રની યાદ આવી જાય!! દોસ્તની યાદ આવતા આંખમાં ભીની થઈ જાય એવો છે સાચા દોસ્તનો પ્રેમ!!પ્રેમીના પ્રેમમાં પામી લેવાની વૃતિ હોય છે પણ દોસ્તી મતલબથી હોય તો એ દોસ્તી નથી કહેવાતી!! દોસ્તની આંખોમાં સ્વાર્થ વગરનો પ્રેમ હોય છે. તે તમારી આંખો વાંચી તમારા દર્દ ને સમજી જાય છે!! જ્યાં તમારો વાંક હોય ડર્યા વગર ધમકાવી જાય છે.અને ખરાબ લગાવી હવે કદી નહીં મળું અને બીજા દિવસે મળવા આવી ગળે લગાવી જાય છે.તમારા સુખ અને દુઃખમાં હાજર થઈ જાય છે. દોસ્તી સજાતીય હોય કે વિજાતીય હોય શકે છે!! કૃષ્ણ અને દ્રોપદીની દોસ્તી એક વિશુદ્ધ વિજાતીય દોસ્તી નું ઉદાહરણ છે. મિત્રતા માં જાતીનથી જોવાતી, રંગ નથી જોવાતો કે ધર્મ નથી જોવાતો દોસ્તીમાં તો દિલથી દિલને રાહ હોય છે. હર એક  સંકટના સમયે દ્રોપદી માટે કૃષ્ણ હાજર હોય  એમ સાચો દોસ્ત હોય તે દરેક પરિસ્થિતિ માં હાજર થઈ જાય છે. દુખ મા જે વગર બોલાવે આવી જાય અને જેના ખભા પર માથું રાખી દુનિયાભર ના દુખ ભૂલી જવાય એ દોસ્ત હોય છે.દોસ્તીમાં સ્વાર્થ અને અવિશ્વાસ ચાલે નહીં !!નિષ્ઠા અને વિશ્વાસ એ દોસ્તીની પહેલી શરત છે!! જે વાત આપણે જીવનસાથીને કહેતા અચકાઈ એ છીએ એ વાત આપણે બેધડક મિત્રને કહી દઈ એ છીએ!! પણ એના માટે વિશ્વાસપાત્ર મિત્ર જોઇએ અને વિશુદ્ધ પ્રેમ જોઈએ!
કૃષ્ણ અને સુદામાની દોસ્તીથી ભાગ્યે  કોઈ અજાણ હશે!! સુદામા જ્યારે પોટલીમાં પૌઆ લઈને નીકળ્યા ત્યારે એમને ગળા સુધી વિશ્વાસ હતો કે મારો મિત્ર મારા માટે સંકટ સમયે હાજર  હશે!! મારાં બાળકો હવે ભૂખ્યા નહી રહે!!સુદામા જ્યારે દ્વારકા પહોચ્યાં ત્યારે દ્વારપાળ જ્યારે એને મહેલમાં જતા રોકે છે તો એ દ્વારપાળ ને કહે છે કે કૃષ્ણને કહો કે સુદામા આવ્યા છે!! અને સુદામાનું નામ સાંભળી દ્વારકાધીશ ખુલ્લે પગેસિંહાસન છોડી દ્વાર સુધી સ્વાગત કરવા દોડી જાય છે અને સુદામાને ભેટી પડે છે!! અહા મિત્ર હોય તો આવા!!
દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ,
જ્યારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે!!
અજ્ઞાત
 કૃષ્ણની જાહોજલાલી જોઈ જે પોટલીમાં પૌઆ લાવ્યા હતા તે પોટલી છુપાવતા હતા પણ કૃષ્ણ એ હસતાં હસતાં પોટલી આંચકી લીધી અને પૌઆને પ્રેમથી આરોગ્યા!! કૃષ્ણએ સુદામાના પગ પણ પખાળ્યાં!! આવી હોય દોસ્તી અને આવો હોય પ્રેમ!! મિત્રતા થી ઊંચો કોઈ સ્વાર્થ રહીતસંબંધ નથી!! સુદામા જે કામ માટે આવ્યા હતાં એ કામ એમણે કૃષ્ણને કહ્યું પણ નહીં પણ કૃષ્ણ દોસ્તની વિટંબણા સમજી ગયાં!! દિલોની વાત જાણી લે એ દોસ્ત!!સુદામાનું ગૌરવ જરા પણ નીચું પડવા દીધું નહી અને જ્યારે સુદામા પાછાં ફર્યા તો પોતાની ઝૂંપડી ગાયબ થઈ ગઈ અને બાળકો અને સ્ત્રી નવાં નવાં કપડાં પહેરીને ફરતા હતા!! આનું નામ દોસ્તી!! આનું નામ પ્રેમ!!
 કાલ સોશિયલ મિડીયા પર હજારો મિત્રો બની જાય છે. પણ આ મિત્રતામાં શુષ્કતા છે!! તમે કોઈને મિત્ર માનતા હો પણ તમારા દુખ તમે બીજા સાથે શેર કરી શકતા નથી કારણકે તમારી વાત ક્યારે લીક થઈ જાય તમને ખબર નથી!! એટલે કે વિશ્વાસનો અભાવ છે!! ભલે તમારી પાસે વધારે દોસ્ત ના હોય પણ એકાદ સાચો દોસ્ત હોય તો તમે ખૂબ નસીબદાર છો!! વિશુદ્ધ પ્રેમ, સ્વાર્થરહિત પ્રેમપરમ પ્રેમ મેળવવા માટે તમારું હ્ર્દયથી પવિત્ર હોવું અને કાચ જેવું પાર્દરશક હોવું જરૂરી છે!! મિત્રતા કેળવો તો કૃષ્ણ અને દ્રોપદી જેવી કે કૃષ્ણ અને સુદામા જેવી!! જુઓ પછી પરમ પ્રેમની પ્રાપ્તિ થશે!! અહીં કવિ શ્રી રિષભ મહેતાની એક પંક્તિ યાદ આવી ગઈ!! પ્રેમને શ્યામ જેવો કહ્યો અને દોસ્તીને રાધા જેવી રૂપાળી!!
એ પ્રેમ છે ને એનું રૂપ શ્યામ હોય પણ
 બેશક પરંતુ રાધા-શી ગોરી છે દોસ્તી .!
સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

પ્રેમ એક પરમ તત્વ-૪

પ્રથમ પ્રણયાનુભુતિ!! …પ્રથમ પ્રેમનો પ્રથમ એહસાસ!! …કેવો આહ્લાદક હોય છે!!..હ્રદયમાં કોઈનું પ્રથમ  આગમન થવું!! ..અને કોઈનું વગર ઈજાજતે હ્ર્દય પર રાજ કરવું!….દુનિયા નવી નવી લાગે!! .ચાંદ ,સૂરજ, ધરા ,ફૂલ, અને પાન સર્વ પર જાણે પ્રેમની એક ચાદર …. પહેલો વરસાદ, ધરાને ભીંજવે પણ  મનને પ્રિતમનો પ્રથમ પ્રેમ ભીંજવી જાય! ..સૂર્યનું પ્રથમ કિરણ ફૂલોને ચૂમી જાય અને ઝાકળ રૂપે ફૂલોની આંખો આંસું છલકાવી જાય!! …આ અદબૂત અહેસાસ   પ્રિયતમાના ગાલ પર શરમના શેરડા પડી જાય!! શરાબ વગર સવાર સાંજ જાણે નશીલા બની જાય  પોતાની જાતને શણગારવાનું મન થાય!! દર્પણ માં એક નવો ચહેરો દેખાય!! આ કોણ? સવાલ કરતા શરમાઈ જવાય!!… પ્રિતમને એક નજર જોવા માટે દિલ તરસવા માંડે ..તરબોળ થઇ જવાય ….રાતભર પ્રિયતમના વિચાર ….. રાતભર પડખા બદલતા રહેવું!!..આ પ્રેમનું કોઈ નામ નહીં બસ એક માત્ર એહસાસ!!..આસપાસની દુનિયા ધીમે ધીમે અદ્ર્શ્ય થઈ જાય છે અને પ્રિયતમના હ્દયમાંથી પણ  સૂર ફૂટી નીકળે છે!!

સૂરજ હુઆ મધ્ધમ. ચાંદ જલને લગા!!
મૈં ઠહેરા રહા, જમીં ચલને લગી
ક્યાં યહ મેરા પહેલા પહેલા પ્યાર હૈ?

પ્રિયતમ પણ આ પ્રથમ પ્રેમનો એહસાસ અનુભવે છે!! જીવન જાણે મીઠું મધ બને!!પ્રિયતમાની ગલીઓના ચક્કર !! બસ, એક ઝલક પ્રિયતમાની જોવા મળી જાય તો ? ….કોલેજના દરવાજા પાસે સતત  પ્રતીક્ષામાં તાકીતી આંખો … કે પછી કોઈનું  પીરિયડમાં વારંવાર  જોયા કરવું!! …. કોલેજની લેબોરેટરી માં મહેબુબાના ધ્યાનમાં પ્રયોગ કરતા કરતા કેટલાય બીકર અને ટેસ્ટટ્યુબને તોડી નાખવું !! ..વરસાદમાં એક છત્રી નીચે  થોડું થોડું ભીંજાવુ અને હાથમાં હાથ લઈ ચાંદની રાતમાં દરિયા કિનારે ચાલવું …એક અવર્ણીય આનંદ !!

બન્ને પ્રેમીઓને લાગે છે છે કે જાણે આ દુનિયામાં બીજું કોઈ નથી ફકત એ બે જણા જ છે!! જો જુદાં થાય   તો ?… એક બીજા વગર ન રહી  શકે એવો અહેસાસ.. આજ તો  આ મહોબતની કેફિયત છે !!!… સમાજ, વિરોધ,  ગમા અણગમા, આ બધી જ વસ્તુથી  પર .અહી કવિ શ્રી રિષભ મહેતાની એક પંક્તિ યાદ આવી ગઈ!

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

જયારે જાગે છે  પ્રથવારનો  પ્રેમ … થાય છે કરું તારા પ્રેમની પુજા કે ખુદાની બંદગી બન્ને એક સરખા…..  પ્રેમ એટલે જ ઈશ્વરનો અહેસાસ .. ઈશ્વર એટલેકે  પ્રેમ અને પ્રેમ એટલે ઈશ્વર!  પ્રથમ પ્રણયાનુભુતિ!! …પ્રેમ એક પરમ તત્વ

સપના વિજાપુરા

આજથી શરુ થતી નવી કોલમ -દૃષ્ટિકોણ

મિત્રો ગઈ બેઠકમાં દર્શનાબેને એક સુંદર મજાની કવિતા રજુ કરી, મને એની સાહિત્યને માણવાની અને એની કવિતાને જોવા, વિચારવાની રીત, ‘એંગલ ઑફ વિઝન’ ખુબ ગમ્યું  તો હવે દર શનિવારે આપણે એમની કલમને માણશું.દર્શનાબેન  નવા નવા  દ્રષ્ટિકોણ થી નવી વાતો કરશે જે આપણે સૌ માણશું તેનું માનવું છે કે ઘણી વાર જિંદગી, તેમાં રહેલા પાત્રો અને સંજોગો ને એક નિશ્ચિત નજરે જોવાથી આપણે ઘણું ગુમાવીએ છીએ. જયારે બીજી દ્રષ્ટિ થી, બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણ થી અને ક્યારેક જુદા વિષય વિષે જાણવા અને શીખવાથી આપણે જિંદગીમાં સહાનુભૂતિ અહેસાસ કરી શકીએ છીએ એ ઉપરાંત દ્રષ્ટી  વિસ્તારવાથી જિંદગી માણવાનો પણ વિસ્તાર વધે છે. તો આ વાત ને વણી ને તે ઘણા નવા વિષયો ઉપર તેમના વિચારો આપણી સાથે અભિવ્યક્ત કરશે.

મિત્રો બેઠક રજુ કરે છે એક નવો વિભાગ દર શનિવારે .

વિષય છે -દૃષ્ટિકોણ

દર્શનાબેન વરિયા નાડકર્ણી 

મનની મોસમમાં ખીલતી મિત્રતાની વાત કરું કે  આપણી ‘બેઠક’ના એક  સહયોગી લેખકની વાત કરું .આમ અ જોઈતો બન્નેની એક મોસમ છે. પોતાની એક અલાયદી એક મોસમ  …દર્શના શિક્ષિત નારી સાથે સંવેદનાભરી લેખિકા પણ છે.બુદ્ધીજીવી સાથે  સંકળાયેલી  હોવા સાથે  પણ  એક સર્જક છે.   મસ્તી ભરી અને  બિનધાસ્ત છે,તો પોતાના વિચારો દ્વારા આકાશને  સ્પર્શવાનો અહેસાસ પણ છે. પોતાનું કેરીયર માણતાની સાથે  મોસમ બદલાય છે ત્યારે  વિચારો શબ્દ્સ્વરૂપ લઇ એની કલમે ફૂટી નીકળે છે.બસ એની એ મોસમમાં  સૌ ભીંજાય છે.અનેક ……વાચકો એના લખાણના ચાહક બન્યા છે.એનું કલ્પનાજગત સાવ જ નવું અને અદકેરું હોવા ઉપરાંત ખાસ્સું અર્થસભર છે.મારી મિત્રતાને બાજુએ મુકીએ તો સજ્જતાનું સુપેરે પ્રતિબિંબ પણ પાડે છે..હા તેનો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.અને એજ વાત થી મોસમ છલકે છે.

રાજેશભાઈ શાહ -વ્યક્તિ પરિચય

મિત્રો આપણી “બેઠક”ના સંચાલક શ્રી રાજેશભાઈ શાહને સૌ જાણીએ છીએ પરંતુ વિગતવાર પરિચય હમણાં જવનિકા દ્વારા આયોજિત પ્રોગ્રામમાં થયો જે આપ સૌ માટે મુકું છું,જાણીતા હાસ્ય કલાકાર અને ડાયરો કલાકારશ્રી સાઈરામ દવે  જેઓને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મલી છે તેમના વરદ હસ્તે શનિવાર 7 જુલાઈ, 2018 ના રોજ જવનિકા એન્ટરટેઇન્મેન્ટ ના સૌજન્ય થી રાજેશભાઈનું  સન્માન થયું
ગુજરાત  સમાચાર અમેરિકા એડિશનમાં છેલ્લા 11 વર્ષથી પત્રકાર તરીકે સેવાઓ આપતા રાજેશભાઈ શાહ 20 વર્ષ અગાઉ ભારતની માતૃભૂમિને સલામ કરી અમેરિકાને કર્મભૂમિ બનાવી અત્રે સ્થાયી થયા છે. કોમર્સ અને લૉ ગ્રજ્યુએટ એવા રાજેશભાઈએ વતનમાં બેન્ક ઓફ ઇન્ડિયામાં 29 વર્ષ સેવાઓ આપેલી છે
પરદેશની ધરતી પર પણ ગુજરાતી ભાષા – સાહિત્ય, સંગીત અને કલા ના સમૃદ્ધ વારસાને જીવંત રાખી આવનારી પેઢી તેનાથી વંચિત ના રહી જાય તે માટેના સંનિષ્ટ પ્રયત્નો કરતી બેઠક – ગુજરાતી લિટરરી ગ્રુપ, બે એરિયા ગુજરાતી સમાજ – નોર્થેન કેલિફોર્નિયા દ્વારા ગુજરાત ગૌરવ દિવસ ની દર વર્ષે થતી ઉજવણી, શ્રીમય કૃષ્ણધામ- વૈષ્ણવ હવેલી, જૈન સેંટર, સ્વામિનારાયણ મંદિર, ઇન્ડિયા કોમ્યુનિટી સેંટર, મુનિ સેવા આશ્રમ, શંકરા આઈ ફોઉન્ડેશન, અનુપમ મિશન, ઇસ્કોન, આર્ટ ઓફ લિવિંગ જેવી અનેક સંસ્થાઓની પ્રશનીય પ્રવૃત્તિઓને વાંચકો સમક્ષ મુકવાનું કામ તેઓ સુંદર રીતે કરી રહ્યા છે.તેમની પત્રકારત્વની સેવાઓની કોન્સુલેટ ઓફિસ – સાન ફ્રાન્સિસ્કો, એમ્બેસી ઓફ ઇન્ડિયા, વ્હાઈટ હાઉસ, ગુજરાત રાજ્ય સરકાર, ભારતના  માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્તિગત રીતે નોંધ લીધી છે અને સૌ ની સરાહના તેઓ પામ્યા છે.
તેમનું પત્રકારત્વનું કામ સુંદરરીતે દીપાવવામાં તેમની પત્ની જયશ્રી શાહ નો મોટો ફાળો છે.

પ્રેમ એક પરમ તત્વ-૨

પાપા પગલી કરતું બાળક માં ના ખોળામાં થી નીકળી હવે ડે કેર માં જાય છે!!
યાદ છે એ દિવસ જ્યારે પ્રથમવારડે કેર માં છોડી આવી હતી. ગળામાં ડૂમો ભરાયેલા હતાં અને જાણે એક કલેજાનો એક ટૂકડો છૂટો પડી રહ્યો હતો!!પતિ કહે આ બધું એનાં ભવિષ્ય માટે કરવાનું છે!! સાચી વાત છે!! પણ હ્ર્દય ના માને!! ડે કેરની બારીમાં થી હાથ લાંબાં કરી રડતો રડતો એ મને બોલાવી રહ્યો હતો!! ઘેર આવી ટીચર ને ચાર પાંચ કોલ કરી નાખ્યાં!! બેકગ્રાઉન્ડમાં એનાં રડવાનો અવાજ સંભળાતો હતો!! આ હતો અમારો પહેલો વિરહ અને   પ્રેમ અહેસાસ !! એ દિવસે દિવસે ડે કેરમાં સેટ થઈ ગયો!! અનેક  મિત્રોને મળવાની ઉત્સુકતા!! અને ટીચર !! આ હતો એનો બીજો પ્રેમ ગોરી ટીચર !! અને ટીચરની વાતો મારા માં ક્યાંક ઈર્ષા જગાવી જતી!! અને એનાં નાના નાના મિત્રો એને મારાથી દૂર કરી રહ્યા હતાં.પ્રેમમાં નિકટતા જરૂરી છે.ગોરી ટીચર અને મિત્રો સાથે લગભગ આખો દિવસ નીકળીજતો!! ઘેર આવીને પણ એમની વાતો!! ડૅ કેર ના રમકડા અને ગેઈમ!! આ બધું પ્રેમમાં ઉમેરાવા લાગ્યું!! વસ્તુ અને ઘર સાથે પણ પ્રેમ થાય છે!! લાગણીને ક્યાં આંખો છે!! પ્રેમ માં કોઈ બંધન નથી!! પ્રેમમાં રંગભેદ નથી જ્ઞાતિભેદ નથી!! પ્રેમમાં ગોરી ટિચર હોય કે મેક્સીકન માઈકલ હોય બન્ને તમારાં હ્ર્દયને સ્પર્શી જતાં હોય છે!! એટલી હદ સુધી કે માઈકલને વાગે તો એને ચોટ લાગે અને ગોરી ટીચર જો એ ક્લાસ છોડી જાય તો એની આંખો આંસું થી છલકાઈ જાય! ગુરુ કે શિક્ષકનું કેટલું મહત્વ છે અને વિધ્યાર્થીના દિલમાં કેટલું સ્થાન છે એ દરેક વિધ્યાર્થી જાણે છે!! અહી વાલી બાળક અને શિક્ષકને જોડતું એક માત્ર તત્વ પ્રેમ છે પ્રેમની ભાષા ભલે અલગ હોય પણ બન્ને પક્ષે  પ્રેમ એક નિખાલસ પ્રેમ છે. એમાં સ્વાર્થ ને સ્થાન નથી!!
જેમ ભક્ત ઈશ્વર સામે જુએ છે એજ રીતે એક શિષ્ય શિક્ષક સામે જુએ છે!! શિષ્યની જિજ્ઞાસાને સંતોષવા માટે શિક્ષક જીવ જાનથી પ્રયત્ન કરે છે!! ગાંધીજીએ કહ્યું છે, “વિદ્યાર્થીને કેળવે તે કેળવણી”.અને માટે જ  બાળકનો  પહેલો  ગુરુ માં છે તેજ રીતે  એ શિક્ષક ને ખૂબ આદર અને પ્રેમ આપે છે!! મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.માતાને પોતાના તાજા જન્મેલા બાળકનું મો પ્રથમવાર બતાવવામા આવે છે,ત્યારે એના હદયના ભાવો કોણ પારખી શકે છે? વાત્સલ્ય, કૃતકૃત્યતા, સમર્પણ. શિક્ષક પોતાના નવા બાળકોનું મો પહેલીવાર જુવે ત્યારે એના દિલમાં જે પવિત્ર લાગણીઓ ઉઠે છે. એનું વર્ણન કોણ કરી શકે ? એમાં પણ વાત્સલ્ય છે, કૃતાર્થતા છે, સમર્પણ છે.આપણા શાસ્ત્રોમાં તો ગુરુને ખૂબ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે!!ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, ગુરુ કો લાગુ પાવ જીસને ગોવિંદ દિયો બતાય!!
વિદ્યાર્થીને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ સંપાદન કરવો, એનો પ્રેમ એવી રીતે મેળવવો કે તે જ્ઞાન અને કર્મને આપોઆપ રસ પૂર્વક મેળવવા ઉત્સુક બને.શિક્ષકને મળવાની ઉત્કંઠા બાળકને ક્લાસમાં અભ્યાસમાં અને આદરમા વધારો કરે છે!! પ્રેમ અહીં જુદું સ્વરૂપ લે છે!! એ છે,આદરનુ!! હવે બાળક શિક્ષક દ્વારા અપાતા સંસ્કારો ઝીલવા તત્પર બને છે. એજ સાચી ભક્તિ નું સ્વરૂપ લે છે.નાના બાળકના દિલમાં ભક્તિ એટલે  પ્રેમ, હુંફ, ભાવના, લાગણી, માન આપવાનું કે તેની કદર કરવાનું કાર્ય એક શિક્ષક કરે છે અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના આ પ્રેમ ભર્યા સબંધોને કારણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રેમ અને એખલાસ પાંગરે છે. 
પ્રેમ, લવ, ઈશ્ક, મુહબ્બત, પ્યાર, ચાહત, નામ તમે ગમે તે આપો પણ સીધો સાદો અર્થ તો થાય છે ચાહવું, ચાહવું અને ફક્ત ચાહવું. પ્રેમને અનેક નામ આપી દો પણ પ્રેમ એક નામ પૂરતું છે પ્રેમ એક માતા પુત્રનો, સાસુ-વહૂનો એક મિત્ર નો બીજા મિત્ર સાથે, ભાઈ બહેન નો, ગુરુ-શિષ્યનો કોઈ પણ રૂપ માં હોય છે.પ્રેમ દર્શાવવા માટે!! બંધ આંખે જેનો ચહેરો સામે આવે તે પ્રેમ!! જીવનના અનેક પ્રસંગે કે સવારથી સાંજ સુધી સાથે ના હોય છતાં સાથે રહે તે પ્રેમ!! પ્રકૃતિને જોઈ જેની યાદ આવે તે પ્રેમ!!
અહી શ્રી હરિન્દ્ર દવેની એક પંકતિ યાદ આવી!!
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
જાણે મોસમનો પહેલો વરસાદ જીલ્યો રામ!!
એક તરણું કોળ્યું અને તમે યાદ આવ્યા!!
સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/