ના હોય-(1)-હેમા બેન પટેલ

 આ મહિનાનો “બેઠક”નો વિષય-“ના હોય”- 

મિત્રો ,આ મહિનાના  વિષય પર હેમા બહેનની સુંદર રજૂઆત 

                                             

ઈન્ડિયાથી પાછી આવી અને બીજે દિવસે સવારે મારા ખબરઅંતર પૂછવા માટે મારા મોટાભાઈનો ફોન આવ્યો, હેલો કર્યું ત્યાંતો ભાઈએ પૂછ્યુ બેન આવી ગઈ ?

હા ભાઈ આવી ગઈ.

બધું બરાબર છે ને ?

હા ભાઈ બધું બરાબર છે.

ભલે તો બેન સાંજના તને મળવા માટે આવીશ.

ભલે ભાઈ, સાંજે આવો ડીનર હું અહિયાં બનાવીશ.

તૂ થાકેલી હોઈશ ખીચડી બનાવજે.

ભાઈ જે હશે તે સાથે બેસીને ખાઈશું.

ભલે બેન.

સાંજના ભાઈ આવ્યા જમીને ગપ્પાં મારવા બેઠા.ભાઈએ પૂછ્યું એરપોર્ટ પર જતા આવતાં કોઈ તકલીફ પડી હતી ? મેં કહ્યું લગ્નમા ગઈ હતી એટલે સાથે થોડા ઘરેણા તો હોય જ, અને બંગડીઓ બનાવવા માટે બે લગડી સાથે લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર લગડી માટે માથાકુટ કરી , ઓફિસર કહે ડ્યુટી ભરો , ગમે તેમ કરીને સમજાવીને ડ્યુટી ભર્યા વીના જ બહાર આવી.

મોટાઅભાઈ તરત જ બોલ્યા “ ના હોય “ ડ્યુટી સેની ભરવાની હોય ? સોનુ તો ગમે તેટ્લું લઈ જવાય કોઈ ના રોકે. સાચુ માનવા તૈયાર નથી.

ઈન્ડિયામાં તારી તબીયત કેવી રહી ?

ભાઈ એક વખત ઝાડા-ઉલટી થયા હતા બાકી તબીયત સારી હતી.

લગ્નમાં કંઈ ખાવામાં આવી ગયું હશે નહી ?

ના ભાઈ, મેં એસીડીટી માટે આયુર્વેદીક દવા લીધી હતી.

“ ના હોય ‘ આયુર્વેદીકની કોઈ દિવસ આડ અસર ન થાય, આયુર્વેદીક દવાથી કોઈ દિવસ ઝાડા-ઉલટી ન થાય.

ભાઈ તમને તો ખબર છે મારા પેટનો પ્રોબલેમ, જેમ ખાવાનુ નથી પચતું તેમ દવાઓ પણ નથી પચતી.

મોટાભાઈને દરેક વાતમાં ‘ ના હોય ‘ શબ્દ વાપરવાની બહુ જ આદત છે. કેમકે કોઈ વાત સાથે જલ્દી સહમત ન થાય.માટેજ દરેક વાતમાં તેમના મૉઢામાંથી  ‘ના હોય ‘ શબ્દ સરી પડે. ભાઈ તો ઘરે ગયા. સામાન્ય રીતે દરેકની સાથે બનતું હોય છે, આખા દિવસમાં જેની સાથે વાતો થઈ હોય તેનુ રાત્રે મનન ચાલતું હોય. આપણુ મન સવાલ જવાબના મંથનમાં પડી જાય. ભાઈના મૉઢે વારંવાર “ ના હોય ‘ એમ સાંભળીને મને એક પ્રસંગ યાદ આવી ગયો. એક વીક પહેલાં બનેલ ઘટનાના અતિતમા ખોવાઈ ગઈ અને આજે પણ એ વાત પર એટલું જ હસવું આવ્યું.

પ્રસંગ બહુજ મઝાનો છે. સગાં-સબંધી-મિત્ર મંડળ વગેરે મહેમાનો લગ્નમાં પધારે એ તો સામાન્ય વાત છે. લગ્નમાં મહેમાન તરીકે એક નાના ગામમાંથી બે બહેનો જે માસીની દિકરીઓ છે અને ઉંમરમાં પણ સરખાં છે, તે લોકો આવ્યાં હતાં.નાના ગામડેથી હતા ઉંમર ૭૫ ની આસપાસ. ગામ નાનુ આધુનિક સુવિધા નહી. બંને બેનો એકજ ગામમાં પરણાવેલી, બહુ ભણેલી ગણેલી નહી, અબોધ અને ભોળી. નામ હતાં જમના અને ઝમકુ. ગામ તેમને જમનામાસી અને ઝમકુમાસી કહીને બોલાવે બંને બેનોને બહુ જ બને., બહેનો કરતાં બેનપણી વધારે હતા સુખ-દુખની બધી વાતો થાય.જમનામાસી ઘરની બહાર બહુ ન નીકળે તે શરમાળ અને બહુ જ ભોળીયા જ્યારે ઝમકુમાસીને આખા ગામમાં ગૉળ ગોળ ફરવા જોઈએ , રસ્તે ચાલતા સાથે વાતો કરે અને ખબર અંતર પૂછી લે.. ઓલ ઈન્ડિયા રેડિયો જેવા , આખા ગામના બધા સમાચાર તેમની પાસે હોય.અને દરરોજ દરેક સમાચાર જમનામાસીને આપવા માટે તેમને ઘરે પહોંચી જાય.

લગ્નનો મહોલ, હસી ખુશી ભર્યું વાતાવરણ, રાત્રે બધાં જમી પરવારીને બેઠાં હતાં અને છોકરીઓએ ઝમકુમાસીને આગ્રહ કર્યો બા તમે તમારા ગામની નવા જુની કહો, તમારા ગામ વિષે કંઈ કહો. ઝમકુમાસીને પૂછવુ જ શું એ તો બોલવા માટે રાહ જોઈને બેઠાં હતાં.જમનામાસી તરત જ બોલ્યાં જો ઝમકુડી આડા અવરી વાતો કર્યા વીના તે દિવસે તેં જે રોમાયણ કથા અધુરી રાખી હતી તે વાર્તા પુરી કર. તેમણે બધાંને કહ્યું આ મારી બોન કથા હોભરવા બહુ જાય સેં , તેને બહુ હારી વારતા કરતાં આવડેસેં ઝમકુમાસી તરત બોલ્યાં ભલે મારી બઈ. હેં જમની કઈથી બાકી રયુતુ ?

જમનામાસી “ પેલી રોણી કૈકેઈએ રોમને વનમાં  જવાનુ વરદોન માંગ્યું તાંથી.”

ઝમકુમાસીને આદત છે કોઈ પણ વાત હોય મીઠું મરચું ઉમેરીને વાત રસ પ્રદ બનાવવી અને આ માસી રામાયણ  કથા કેવી કરશે તે તો ભગવાન જાણે. ઝમકુમાસીએ ચાલુ કર્યું, પેલી રોણી કૈકેઈ બહુ મોથાભારી હૉ ભઈ, દશરથે લાડ કરીને તેને છાપરે ચડાવીને વંઠાવી મેલીતી .લોં રોણી પાછાં કોકભુવનમાં રીહયાં આ તો ભઈ રાજા-વાજાં અને વાંદરાં ઝાલ્યાં રે ? એમની મોનીતી રોણીએ તો માગ્યું રોમને વનમાં જવાનુ ?મારો ભરત ગાદીએ બેહે. આ રાજાની અક્ક્લ બેંર મારી ગઈ, આ રોણીને દંડો હંભાર્યો હોય તો હીધી હેંડે.આ માંનીતી રોણી ભારે હઠીલી રાજાએ મનાઈ, હમજાઈ ,મોને તોને. બાપની આજ્ઞા મોથે ચડાવીને રોમ તો હેંડ્યા પણ લખમણ અને સીતા વોહે હેંડ્યા .

જમનામાસી – “ હેં ઝમકુડી ‘ના હોય’  બિચારાં સીતા મોટાં રોણી વનમાં જવાનું ? પેલો લખમણ નવાં લગન થયા બાયડીને હીબકાં ભરતી મેલીને હાલ્યો ગ્યો “

ઝમકુમાસી “ જમની એમાં આટલી દુખી થાયસેં, અજુ  હોભરતી જા આગર, દુખ તો અવે આવવાનુસે “

ઝમકુમાસી – ઓણ કોરે રાજા દશરથ રોમનો વિયોગ ના સહન થતાં બે ભોન થઈ ભોય પડ્યા, વૈદે જેમ તેમ કરીને ભોનમાં ઓણ્યા, હોમે હું જોવેસે શ્રવણને તીર માર્યું તે દેખાયું આંધરાં મા-બાપના શરાપ યાદ આયા, આ કરમ કોઈના બાપનુ થયુસે તે આજે થશે, કરમ કોઈને ન છોડે”

જમનામાસી  – “ના હોય ઝમકુડી , દશરથે તો જનાવર હમજીને તીર માર્યું તુ “

ઝમકુમાસી – “વનમાં ઝુપડુ બનાયુ ને એમાં રેવાનુ. સીતાએ એક દિ હોનાનુ મૃગલુ ભાર્યુ, બાઈ મોણહ ,એની ખાલનુ મારુ  પોલકું બનાવવુ સેં .જીદે ચડ્યાં, રોમને કંઈ સુટકો સે ? લખમણને ભાભીની ચોકી કરવાનુ કઈને રોમ તીર કાંમઠુ લઈ એની વાંહે દોડ્યા, મુગલુ આગર પાછર રોમ , એ રોમ જાય દોડ્યા. મુગલુ તો અલોપ ! જુઠુ બનાવટી મુગલુ , રોમને છેતરવા બધો પેંતરો કર્યો તો, પાછો બુમો પાડે એ લખમણ “

જમનામાસી – “ ના હોય , ઝમકુડી, મુગલુ વરી હોનાનુ ? ભગવોન કોઈ દી છેતરાય ?

ઝમકુમાસી – “ અલી જમની, તને મારી વાત પર વિશ્વાસ નથી ? મેં તો પેલા માત્માના મોએ હોભર્યુ એ કઉછુ.

બેઠેલાં બધાં ખડખડાટ હસી રહ્યાં છે. ઝમકુમાસી બોલ્યાં જો આ છોડીઓ કેટલા દાંત કાઢેસેં તેમને તો વાત ગમી, જમની તને બધી વાતમાં વેંમ આવે સેં.આગર હોભર અવે. રોમના અવાજમાં લખમણે રાડ હોભરી એટલે એતો ભઈની વ્હારે દોડ્યા,.લખમણે મંતર મારી રેખા ખેંચી ભાભીને કીધુ આ ઓરંગશો નહી.હું અમણાં ગ્યો અને અમણાં આયો. મારો ભઈ મુશીબતમાં સેં.

જમનામાસી – “ ના હોય , લખમણે મંતર મારીને રેખા ખેંચી ? ઝમકુડી આગર હું થયું ?”

ઝમકુમાસી – “ શાંતિ રાખ મારી મા ,ઉતાવરી ના થઈશ “

રોમ લખમણ ઝુપડામાં સેં નઈ, એનો લાગ જોઈ એક બાવો  ભીખ માગવા આયો ,.સીતા ભીક્ષા આપવા નીકર્યાં લખમણ રેખા ઓરંગવાની ના પાડીતી તેની બાર ના જવાય, પેલો બાવો ઓરંગે તો તે પણ ભસમ થઈ જાય. બાવાએ કીધુ મા, બાર આઈને ભીક્ષા આપો. સીતા બિચારાં ભોરવઈ ગ્યાં ભીક્ષા આપવા રેખા ઓરંગી અને બાવો તેમને ઉપાડી ગયો આ બાવો કોઈ નહી પેલો રાક્ષસ રાવણ.

જમનામાસી- “ ના હોય ઝમકુડી ! સીતા તો મોટાં સતી અને પાછાં દેવી એમને આવા મોણહો અડે તો બરીને ભસમ થઈ જાય “

ઝમકુમાસી – “ અલી જમની આ તો કરજુગ સેં બધુ જ થાય “

જમનામાસી – “ ના હોય, ઝમકુડી રોમ હતા તારે કરજુગ નોતો તુંય શુ તાઢાપોરના ગપ્પાં મારવા બેઠી સેં

ઝમકુમાસી – “ અલી જમની હાચું કઉસું , આગર હોભર, મુગલુ અલોપ થઈ ગયુ એટલે રોમ લખમણ પાછા ઝુપડીયે આયા, સીતા નાં દેખ્યાં , અરે ક્યાં ગ્યાં હશે ? બેઉ તો બોત જેવા થઈ ગયા અવે હું કરીશું ? દોડ્યા જંગલ ભણી, રોમ તો સીતે , સીતે રાડો મારતા જાય , સીતા દેખાયાં નહી, રોમ તો પોકે પોકે રડવા માંડ્યું મોટા ભઈને રડતો જોઈ લખમણે હીબકાં લેવા માંડ્યાં કોણ કોને છાંનુ રાખે ?

જમનામાસી – “ ના હોય , ઝમકુડી, રોમ તો ભગવોન એ હું કોમ રડે ? એતો રડતાંને છોનાં રાખે, ભગવોન કોઈ દી ન રોવે. માત્મા કથા કરતાતા તે ઘડીએ તું  ઉંઘી ગઈતી ?

ઝમકુમાસી – “ અલી જમની તૂય  ‘ના હોય, ના હોય કારની મંડી સેં, જા મારે કથા નહી કેંવી બીજી આગરની ગોમ જઈને તને કઈશ મનમાં બબડવા લાગ્યાં ‘ના હોય’  ‘ના હોય’ કરીને મારૂ મોથુ ખઈ ગૈ ”

બધી છોકરીઓ બોલી ઉઠી ,બા તમારી કથા બંધ ના કરશો , સાંભળવાની અમને બહુ મઝા પડી છે,નાના મોટા સૌ બોલી ઉઠ્યા  મહેરબાની કરીને આગળ કહોને.

ઝમકુમાસી – “ ભલે છોડીયો તમને બધાને મઝા પડીસે ને તો લો આગર હોભરો, માત્મા કથા કરતા તા તારે એમણે કીધુતુ રોમાયણ કથા ભોરેનાથ શીવજી, મા પારવતીને હંભારવતા તા. રોમ સીતાના વીરહમાં રડતાં રડતાં સીતે સીતે કરતાં વનમાં ઓમથી ઓમ ફરતાતા એ જોઈ મા પારવતી બોલ્યાં સોમિ (સ્વામિ) તમે તો કોછો રોમ ભગવોનસે ,ભગવોન ઓમ રડે નઈ, મને જઈને તેમનુ પારખુ કરવા દો, ભોરેનાથે કેટલાં હમજાયાં ના જઈશ, આ તો બ્રહ્મ તેનાં પારખાં નૉ કરાય, મા પારવતીએ હોભર્યુ નઈ ને પારખાં કરવા ગ્યાં”

જમનામાસી – “ ના હોય , ઝમકુડી , મા પારવતી  તો શાક્ષાત જગદંબા એમને ય મારી પેઠે જ પુછ્યું, રોમ તો ભગવોન ,ભગવોન કોઈ દી રડે ! “

ઝમકુમાસી – “ મા પારવતીએ સીતાનો વેશ ધર્યો, અને વનમાં રોમની આગર આગર હેંડ્યાં, રોમ તરત ઓરખી ગયા, શાક્ષાત જગદંબા મારાં પારખાં કરવા આયાંસે, એ તો બોલ્યા , મા પ્રણોમ, મા મારા પ્રભુ હું કરેસે તે ખુશી આનંદમાં સેને ? મા પારવવતીને એમની ભુલ હમજાઈ, પછતાયાં જેનુ રટણ મારા સોમિ રાત દાડો કરેસે તેનાં મેં પારખાં કર્યા ,છોનામાંનાં શીવજીની બાજુમાં આઈને બેહી ગયાં, શીવજીએ પુછ્યુ, સતી પારખાં કરી આયાં ? રોમે હું કીધુ ? તોય મા ચુપ . શીવજી અંતરયોમી બધુ જોણી ગયા, માને કયુ આજથી તમે પણ મારાં મા, શીવજીએ સતીને તજી દીધાં “

જમનામાસી – “ ના હોય ઝમકુડી, પારવતીમા આટલાં આટલાં તપ કરી શીવજીને વર્યાં એમની આ દશા થઈ ! ઝમકુડી આગર હું થયું “

ઝમકુમાસી – “ હુ કઉ જમની ,આ બે ભઈઓની તો દશા બેહી ગઈસે, બિચારા ખાધા પીધા વગર વનમાં સીતાને હોધવા ભટકી રયા સે, કોઈ વાવડ નહી મલતા, કોની પોહે જઈ ભાર કાઢવી,પાછા બે એકલા, આવડુ મોટુ વન હોધવા કેમ કરી ? ઓ ભગવોન આવુ દુખ કોઈને અરે દુશમનને ય ના આપશો”

જમનામાસીને કથા સાંભળવાની મઝા આવી કે નહી ખબર નહી પરંતું બધાં હસી હસીને લોટ પોટ થઈ ગયાં, ,સૌ કોઈ એમની નકલ કરતા  “ના હોય” એક સાથે બોલ્યા અને ઘરનો ઓરડો હાસ્યથી ગુંજી ઉઠ્યો.

 

 

“પ્રભુ જ્ઞાની જીવન દે-(1)પ્રજ્ઞા દાદભવાળા

આ મહિનાનો હ્યુસ્ટન સહિયારા સર્જનનો વિષય “પ્રભુ જ્ઞાની જીવન દે” 

sarasvati

                                                                 પ્રભુ જ્ઞાની જીવન દે

પ્રભુ જ્ઞાની જીવન દે

અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ આખી લીટીનો અર્થ છે… પ્રભુ જ્ઞાની જીવન દે..

આપણો  વિષય છે પ્રભુ જ્ઞાની જીવન દે,અહી માગણી છે અપેક્ષા છે માનવીની સૌથી મોટી કમજોરી જો હોય તો તે છે માંગણી,અને બીજી કમજોરી છે તે પુરુષાર્થ વગર સીધે સીધું મેળવવું.. અહી એક વાત આપણે ભૂલી જઈએ છે કે મનુષ્ય જન્મતાની સાથે જ જ્ઞાન નું વરદાન લઈને આવે છે.આંખે ન દેખાતા અણુમાં જ્ઞાન નો ભંડાર ભર્યો છે. ન દેખાતા બેકટેરિયામાં રોગ ફેલાવાની તાકાત આપણે સૌએ અનુભવી છે.વસ્તુના વિચાર માત્ર થી જ્ઞાન પેદા થાય છે. અનિચ્છા પણ જ્ઞાનને રોકી શકતી નથી ,બાળક જન્મતાની સાથે રડે છે તે પણ જ્ઞાનને લીધે જ છે. જ્ઞાન એ જીવનનું રૂપ જ છે. માત્ર અરૂપી છે અને દ્રષ્ટિ ગોચર નથી થતું માટે આપણી માગણી છે. જ્ઞાનનો અગ્નિ સદાય આપણામાં પજ્વ્લ્લિત છે જ માત્ર ભ્રમ ને દુર કરી શુદ્ધ સ્વરૂપને પામવાનું હોય છે.  જયારે માનવી કહે છે કે  પ્રભુ જ્ઞાની જીવન દે..તો શું જ્ઞાન મેળવવું અઘરું છે? માટે માટે માંગણી છે કે જ્ઞાન હોય તો બધું છે એમ માનવી ને વર્તાય છે માટે,કે  બીજી ઈચ્છાઓ ની જેમ એક માત્ર વિશેષ ઈચ્છા છે. જ્ઞાન શા માટે મેળવવું જોઈએ ? જ્ઞાન એટલે શું ?અંગ્રેજીમાં જ્ઞાન ના અનેક અર્થ છે knowledge; information, consciousness, awareness, જયારે જ્ઞાન શબ્દ નો અર્થ આટલો મહત્વનો હોય તો જ્ઞાન નું મહત્વ કેમ ન હોય? કહેવાતા શિક્ષણ અને ડીગ્રીઓ હવા છતાં માનવી જ્ઞાનની અપેક્ષા કેમ રાખે છે ? શિક્ષણ એ બુદ્ધી નો વૈભવ છે જે અહમ અને મિથ્યાભિમાન ને પોશે પણ છે.ઈન્ટરનેટ દ્વારા આપણે માહિતીના અત્યંત વિશાળ વિશ્વને  એક જ સ્થળે બેસીને મેળવી શકીએ છીએ અને એ પણ ઘણી ઓછી કીંમતે, પણ આ ​ઉછીનું –પાછીનું જ્ઞાન છે. કૌતુક કે વિસ્મયનો અનુભવ કરાવે તેવું છે. ​આપણા જેવા કેહવાતા ભણેલ –ગણેલ માટે કહીશ કે ​મોટા ભાગના લોકો આવું ઉછીનું-પાછીનું જ્ઞાન ધરાવે છે.એટલે જ આપણામાંથી કોઈ પણ વ્યક્તિ સર્જનાત્મક વિચાર કરી શકતી નથી. સીધે સીધા પ્રત્યક્ષ રૂપે પ્રકૃતિ પાસેથી મૂળ જ્ઞાનના સ્તોત્રને મેળવવા તત્પરતા જોઈએ ​..સહજતા આત્માના જ્ઞાનનો ગુણ છે..જીજ્ઞાશા દરેક માનવીમાં હોય જ છે જે જ્ઞાનનો માર્ગ છે!આપ સહુ અખાથી પરિચિત છો અખો બ્રાહ્મણ નથી, વૈશ્ય છે એવું જાણ્યા પછી પહેલાં ગુરુએ એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી, પણ જયારે એમણે જોયું કે મારા બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાનની તરસ વધારે સાચી ને ઊંડી છે, એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડયું. અખો જ્ઞાની, વેદાન્તી બની ગયો.

જીવન દરમ્યાન જ્ઞાન હજાર વેશે હજારે ચહેરે મળે છે કયારેક જીવનની દોડમાં આપણે લક્ષ ચુકી …પછી.. પછી.. કહી એને ટાળી પણ દઈએ છીએ …એમાં  માણસ આંખ મેળવે છે પણ દ્રષ્ટિકોણ મેળવતો નથી, દ્રષ્ટિકોણ મેળવવો એટલે કે જ્ઞાન મેળવવું. ભગવાન જયારે માનવીને આ શરીર આપે છે ત્યારે આ શરીર નું મહત્વ સમજવા માટે એક દ્રષ્ટિકોણ ની જરૂર પડે છે ત્યારે જીવનનું મહત્વ માત્ર માનવી જ્ઞાન થકી જ પામી શકે છે. જીવન કેવી રીતે જીવવું એ સમજાય જાય તો જ જીવન સાર્થક બને જે માત્ર જ્ઞાન દ્વારા જ શક્ય બને,  માટે માનવી કહે છે મને જ્ઞાની જીવન દે…જ્ઞા એટલે જાણવું ..જાણવું, અનુભવવું અને પછી ઉપયોગમાં રાખવું ત્યારે સંપૂર્ણ જ્ઞાન શબ્દનો અર્થ પુરવાર થાય છે જ્ઞાન નો એક અર્થ સનાતન જાગૃતિ છે.ઉણપો અને અધૂરપોની સભાનતા એ જ્ઞાન છે.કર્મ એ જ્ઞાન પ્રાપ્તિનો પુરષાર્થ છે જાણવાની પ્રક્રિયા એટલે એને પૂર્ણપણે પામવાની વાત છે.વાંચવુ, સાંભળવુ, અવલોકવુ, સંવેદવુ. માનવ શરિર ની સ્થુળ ઇન્ડ્રીઓ જે બાહ્ય જગત સાથે સીધી જ સંપૅક માં આવે છે જે કંઈ બધી માહિતી ભેગી થાય તેને પોતાની જાત સાથે બેસી(ધ્યાન) વિચારી સુગ્રંથિત કરીએ તો તે માહિતી જ્ઞાન બને. જ્ઞાન એ આંતરિક ક્રિયા છે જેમ આપણે જમીએ ત્યારે ચાવવું જરૂરી છે તેમ પુરષાર્થ વગર જ્ઞાન શક્ય નથી. જ્ઞાન એ આત્મીક સ્થિતી છે અથવા આત્માનો ગુણ કહી શકાય  એ માત્ર પુરુષાર્થ દ્વારા મેળવી શકાય ,આવરણો હઠવા થી તેનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશકમાં આવે છે જે  જે આત્મા નો ગુણ છે.    

નરસિંહ મહેતાને જયારે શક્તિપાત  થયો ત્યારે આપ મળે જ્ઞાન પ્રકાશમાં આવ્યું ,હવે અહી પ્રશ્ન એ છે કે જ્ઞાન થકી શક્તિપાત થાય કે શક્તિપાત  થકી જ્ઞાન મેળવવાય ? નરસિંહ ભણેલા ન હતા છતાં જ્ઞાન હતું તો કઈ રીતે ?પ્રભુ ની વ્યાખ્યા અહી ગુરુ છે.પુરુષાર્થ થકી શક્તિપાત થાય છે જ્ઞાન અનેક માર્ગે મળવાય છે પહેલું સમર્પણ ભાવ એટલે કે ખુલ્લું મન,અને અંદર ની ઊઁડી શ્રધ્ધામાં તરબોળ એવી જ્ઞાન સાધના.(પુરુષાર્થ) અને છેલ્લે આંતરિક ક્રિયા દ્વારા જેમાં તર્કબુદ્ધિ વડે પોતાના જ પ્રશ્નો ના જવાબ મેળવવા,સત્યને ખોળવાનું।..

હવે નરસિંહ મહેતાને જયારે શક્તિપાત  થયો ત્યારે નરસિંહ આજ રીતે એકત્વ અનુભવે છે ત્યારે તે શક્તિપાત કહેવાય છે…જેમ જેમ નરસિંહ   પોતાની સૂરાવલીઓમાં (ભક્તિ)  ઊંચે ને ઊંચે જતો જાય તેમ તેમ એ પોતાની ભક્તિ માંથી ગૂમ થઇ જાય છે અને એનું એ જ  સંગીત જ્ઞાન બની જાય છે. આ કક્ષાએ નરસિંહની ભક્તિ (સમપર્ણ) અને એની ક્ષમતાઓ આત્માનો ગુણ  એક બની જાય છે. એટલે કે નરસિંહ  જૈવિક કક્ષાથી (બાયોલોજિકલ નોલેજ) ઉપર ઊઠીને આપણે વૈશ્વિક જ્ઞાન મેળવવાનો પ્રારંભ કરે છે. ઘણા લોકો આ કક્ષા  સુધી પહોંચે છે અને પછી  તેઓ પોતાનાં સંબંધો, સત્તા, ધન-સંપત્તિ, ઈચ્છાપૂર્તિઓ, ભાવિ આશાઓ, પોતાની સામાજિક પ્રતિભા, વગેરેમાં ફસાઈ જાય છે.જયારે નરસિંહ પોતાના અંતિમ ધ્યેય સુધી વળગી રહે છે  અહીં માગણી નથી અને તેથી જ  સ્વના માલિક બને છે જ્યારે કોઈ  પણ વ્યક્તિ પોતાના જ્ઞાન પ્રાપ્તિ ના ક્ષેત્રમાં અંતિમ તબક્કે પહોંચે ત્યારે એની અને જ્ઞાનની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. હવે એમનું જ્ઞાન બીજાને બળ આપે છે..પુરુષાર્થ વગર જ્ઞાન શક્ય નથી.જ્ઞાનના વૃક્ષને તો સદાય લહેરતું રાખવું એ આપણું કર્તવ્ય બની રહેવું જોઈએ. હવે આ બધું માનવી એ સ્વંય જ કરવાનું છે તો પ્રભુ પાસે માગણી કેમ ? પ્રભુ પાસે હું આ કામ કરાવવા માગતી નથી માટે અહી જ વિરમું છું   

 

-pragnaji -પ્રજ્ઞા દાદભવાળા