૩૬ – શબ્દના સથવારે – રજા – કલ્પના રઘુ

રજા

રજા એટલે છૂટી, અણોજો, વેકેશન, અગતો, પરવાનગી, અનુજ્ઞા, અનુમતિ, અનુમોદન, સંમતિ, રૂખસદ, ઇચ્છા, મરજી, ગેરહાજરી, વિશ્રામકાળ, હુકમ, આજ્ઞા, મંજુરી, ફારગતી, બરતરફ કરવું તે. આમ રજા આપવી, રજા પર ઉતરવું, રજા પર જવું, રજા થવી, રજા પડવી, રજા મળવી, રજા માંગવી, રજા લેવી, રજા હોવી, રજામંદ જેવાં શબ્દો સાથે રજા શબ્દનાં અલગ અલગ અર્થ થાય છે. અંગ્રેજીમાં રજાને ‘holiday’, ‘leave’, ‘vacation’, ‘permission’, ‘consent’, ‘dismissal’, ‘license’ કહેવાય છે.

કોર્ટમાં, કચેરીઓમાં, બેન્કોમાં જાહેર રજાઓ હોય છે. રાષ્ટ્રીય તહેવારો તેમજ ઉત્સવો મનાવવા, શોક મનાવવા રજાઓ મળે છે. ડીલીવરી માટે માતા તેમજ પિતાને રજાઓ મળતી હોય છે. ડેનમાર્ક જેવાં દેશમાં વસ્તી સતત ઘટવાને કારણે લોકોને સૅક્સ કરવા માટે કંપનીઓ રજા આપે છે. ભારતમાં મળતી લીવ ટ્રાવેલ કન્સેશન (LTC)ની રજાઓથી, કામ કરવાની કાર્યક્ષમતા પર ચોક્કસ અસર થાય છે. રજા અને પ્રોડક્ટીવીટીને સંબંધ રહેલો છે. ભારતનાં અમુક રાજ્યોમાં શનિ, રવિની રજાઓ હોય છે.

ક્યારેય એમ વિચાર્યું છે કે રવિવારની રજા કેમ? ભારતમાં રવિવારની રજા અપાવનાર વ્યક્તિનું નામ છે ‘નારાયણ મેઘાજી લોખંડે’. તેમનાં દ્વારા ૧૮૮૧માં બ્રિટિશરો પાસે રવિવારની રજાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જે બ્રિટિશરોએ ફગાવી દીધો. આ રજાઓ માટે આંદોલન થયું. ૧૦ જૂન ૧૮૯૦માં અંગ્રેજોએ હાર માની. રવિવારની રજાનું એલાન કર્યું. માત્ર ૮ કલાકની નોકરી અને શનિ, રવિની રજા માટે કાર્લ માર્ક્સનો ફાળો હતો. બીજા દેશોની સરખામણીમાં ભારતમાં રજાઓ વધુ પ્રમાણમાં હોય છે.

‘આ હા! આવ્યું વેકેશન, જુઓ રજાની મજા’, ‘મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે’. આ સાંભળતાંજ વર્ષો પહેલાં માણેલું વેકેશન, શૈશવનાં સંભારણાંરૂપે ઉભરાય છે. રજાઓનો સમૂહ એટલે વેકેશન. રજાઓ એટલે રોજીંદા કાર્યમાંથી છૂટી. કંઇક નવું કરવું. સવારે ઉઠવાથી તે રાત્રે સૂવામાં ના કોઇ નિયમ કે રોકટોક, બસ, મોજ મજા, ધિંગામસ્તી અને ઢગલાબંધ ખુશીઓ. રજાઓ એટલે વિશ્રામકાળ. બાળપણમાં પોળોમાં રમેલી રમતો, સંતાકૂકડી, આંબલી-પીપળી, આંધળી ખીસકોલી, કબ્બડી, લંગડી, આઇસપાઇસ, નાગોલચું, દોડ-પકડ, કોડી-કુકા, પગથીયા, પત્તા, પીકનીક-પ્રવાસ, ટ્રેકીંગ, ગામડાની મુલાકાત, વિગેરે કેટલું તાજગીસભર હતું? ઝાડ પર હીંચકા ખાવા, મામાની ઘેર ધાબા પર સાંજથી પાથરીને ઠંડી કરેલી પથારીમાં બધા સાથે સૂઇ જવું. આકાશના તારલા ગણતા ગણતા, બાળગીતો, બાળવાર્તા અને પલાખાં યાદ કરવાં. આ હા હા! શું દિવસો હતાં! ઉનાળાનાં તાપમાં, શરબત, ગોળા, તરબૂચ, શેરડીનો રસ અને કેરીની જયાફત માત્ર સંભારણું બની ગયાં છે.

વેકેશન એટલે નો લેસન ના બદલે માત્ર ટેન્શન શબ્દ આવ્યો છે. સમયની સાથે રજાઓની વ્યાખ્યા એ જ રહી છે પરંતુ તેનો ઉપયોગ અને તેમાંથી લેવાતી મજામાં બદલાવ આવ્યો છે. મોંઘવારી, સમયની અછત અને કહેવાતી મોર્ડન રહેણી કરણીએ બાળકનું બચપન છીનવી લીધું છે. ઘડિયાળનાં કાંટે અવનવી, આધુનીક એક્ટીવીટીએ બાળકને જલ્દી પરિપક્વ બનાવી દીધો છે. ટી. વી., મોબાઇલ, લેપટોપમાં બાળક ઘૂસી ગયો છે. તેમાં એન્ટ્રી પછી એક્ઝીટનો કોઇ અવકાશ નથી. મનોચિકિત્સકનાં તારણ મુજબ ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનીક ગેઝેટ્સ આર્થિક, ભૌતીક, યાંત્રિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉપયોગી છે પરંતુ તેનો જરૂરી ઉપયોગ નહીં થતાં, વેકેશન જ્યારે આધુનિક બોજા હેઠળ ધરબાઇ જાય છે ત્યારે બાળમાનસ પર વિપરિત અને નકારત્મક અસરો થાય છે.

રજાઓમાં સમયનું અને પ્રવૃત્તિઓનું રચનાત્મક આયોજન જરૂરી છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન જરૂરી નથી. સફળ થવા માટે પબ્લીક સ્પીકીંગ તેમજ પર્સનાલીટી ડેવેલપમેન્ટ એટલુંજ જરૂરી છે. ઘરે ભણવા કરતાં સમરકેમ્પમાં બીજા બાળકો સાથે શેરીંગ અને કેરીંગ તેમજ સ્પોર્ટસમેનસ્પીરીટ, એકાગ્રતા, નિર્ણય શક્તિ તેમજ માનસિક અને શારીરિક શક્તિ ખીલે તેવી આધુનિક પ્રવૃતિઓમાં ગમ્મત સાથે જ્ઞાન ભારરૂપ ના લાગે તેવું આયોજન જરૂરી બને છે.

માનવ જીન્દગીનું મૂળ બાળપણ છે. તેમાં જેવા સંસ્કારોનાં બીજ રોપાયા હોય તે જીવન દરમ્યાન ક્યારેક તો ઉગી નિકળે છે. બાળપણનાં સંસ્મરણો અવર્ણનીય હોય છે. જીવનમાં દરેક તબક્કાનો આનંદ અલગ હોય છે. જીવનમાં ક્યારેય રીવર્સ ગીયર હોતું નથી. માટે માનવે બાળપણથી વૃધ્ધાવસ્થા સુધીનાં દરેક તબક્કામાં મળતી રજાના સમયનો સદ્‍ઉપયોગ કરીને જીવનને માણવું જોઇએ. વૃધ્ધાવસ્થામાં આ પ્રમાણે કરવાથી ઉંમર વધતી અટકે છે. પરિવારનાં સભ્યો વચ્ચે નિકટતા આવે છે. મમ્મીને બાળકો સાથે પિયર જવા મળે છે. પિતાને એકલા જીવવા માટે સ્પેસ મળે છે. દૂરીથી દામ્પત્યજીવનમાં નિકટતા આવે છે. કાકા, ફોઇ, મામા, માસી, બા-દાદા, નાના-નાની, વિગેરે વચ્ચેનાં સંવાદો અને પ્રેમથી, તરબતર રહેતો માનવ નવા વર્ષ માટે તાજો બની જાય છે. એ તો અનુભવે જ સમજાય.

રજા એક પ્રકારનાં ઓક્સીજન સીલીન્ડરનું કામ કરે છે જેનાથી ભવિષ્ય ચેતનવંતુ બને છે. તરોતાજા થઇને બાકીનો સમય રચનાત્મક રીતે પસાર થાય છે. જેમ કોરી સ્લેટ પર ઘણું બધું લખી શકાય છે તેમ મનને ખાલી કરવા માટે રજા જેવો કોઇ પર્યાય નથી.