૧૧ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ઓળખાણ મોટી ખાણ છે

ઓળખાણ એટલે ઓળખ, પિછાણ, પરિચય, જામીન. ઘણી વ્યક્તિઓને સહજતાથી કોઈની ઓળખાણ વટાવવાની કોઠાસૂઝ હોય છે. મારી એક મિત્ર છે કલાબેન. જયાં જાય ત્યાં તેમને કોઈ ને કોઈ ઓળખીતું મળી રહે. તેમના વાક્ચાતુર્યથી તે સૌને પોતાના કરી લેતાં. તેમનો સ્વભાવ પણ પરગજુ. તેમનું વ્યક્તિત્વ એવું કે ક્યાંય ઢાંક્યું રહે. તેમની મોટી આવડત હતી. સહેલાઈથી ઓળખાણો કાઢી તે દરેકના દિલમાં સ્થાન જમાવતા. ક્યાંય કોઈને જરૂર હોય તો કલાબેન હાજર હોય! માત્ર આપવું તે તેમનો સ્વભાવ હતો. ક્યારેય લેવાની દાનત નહીં. ક્યારેય કોઈની પાસે અપેક્ષા કે કોઈની ઉપેક્ષા કરતા નહીં. માટે તેમની પાસે ઓળખાણની મોટી ખાણ હતી.

જીવનનાં દરેક મોડ પર અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ સંપર્કમાં આવતી હોય છે. શાળાકોલેજ દરમ્યાન થયેલી દોસ્તીથી, પરિવારનાં સભ્યો થકી, મિત્રો થકી, અડોશપડોશમાં રહેતી વ્યક્તિઓ દ્વારા, ખરીદી કરતાં કે વિચાર વિનિમય કે સત્સંગ દ્વારા પરિચયની વેલ ફૂટી નિકળે છે. પરંતુ શું ઓળખાણ કાયમી હોય છે? કેટલીક ઓળખાણ જીવનભર ટકે છે તો વળી કેટલીક કામચલાઉ હોય છે. સંબંધોનો પણ ભાર હોય છે. બે વ્યક્તિ કે કુટુંબ વચ્ચે સંબંધ બંધાય છે. સંબંધોમાં પાનખર આવતાં વાર નથી લાગતી. એકપક્ષીય વહેવારથી કે સંબંધોનું સત્વ ઘટતા સંબંધની વેલ સૂકાઈ જાય છે માટે પ્રેમ, વિશ્વાસ, શ્રધ્ધા અને હકારાત્મક અભિગમથી તેને સિંચતાં રહેવું જોઈએ. ઓળખાણ નિભાવવી જેવીતેવી વાત નથી. સંબંધોને ટકાવવા માટે ઘણો ભોગ આપવો પડે છે. સમયથી, પૈસાથી કે શરીરથી કોઈના માટે ઘસાવવાની વૃત્તિ હોય તો ઓળખાણ ટકે છે નહીં તો, તું કોણ અને હું કોણ? આજે જે વ્યક્તિઓ એક થાળીમાં ખાતાં હોય તે સામે મળે તો મોં ફેરવી લે છે. ઓળખાણમાં મોટી ખાઈ નજરે પડે છે જે પાછી ક્યારેય પૂરાતી નથી. ઓળખાણ ક્યાં થઈ શકે છે હવે મનુષ્યની? હવે તો ગાડી,કપડાં અને પગરખાં લોકોની કિંમત નક્કી કરે છે!

આજની દુનિયામાં વ્યક્તિને જ્યાં સમયનો અભાવ છે અને સરળતાથી પોતાને જ્યાં બધું મળી રહેતું હોય છે ત્યાં તેને કોઈની જરુર પડતી નથી. મતલબી દુનિયાનો સ્વાર્થી માણસ પહેલાં વિચારશે કે આમાં મને શું મળશે? મારો ફાયદો કેટલો? નિસ્વાર્થ ભાવે કે પોતે ઘસાઈને સામેનાને મદદ કરનારની દુનિયા હવે નથી રહી. જ્યાં એવી ઓળખાણો વાળા સંબંધો જોવા મળે ત્યારે સમજવું, કોઈ પૂર્વ જન્મની લેણાદેણી હશે. બાકી તો બન્ને પક્ષે બરાબરી હોય તો ઓળખાણો ટકે છે. ઓળખાણ પડછાયા જેવી હોય છે. જેમ અંધારુ થાય અને પડછાયો ગાયબ તેમ જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે ઓળખાણો ગાયબ થઈ જાય છે. “જ્યાં મધ હોય ત્યાં મધમાખીઓ બણબણે” વાત ઓળખાણ માટે લાગુ પડે છે. જો તમે કોઈના જીવનમાં પ્રકાશ ના લાવી શકો તો કોઈ તમારો ભાવ ના પૂછે.

મુસીબતમાં કામ આવે તે સાચી ઓળખાણ. ઓળખાણ હંમેશા લાભદાયી બને તે જરુરી નથી. એક મિત્ર ઈન્કમટેક્ષ ઓફીસર હતો. બીજા મિત્રની તમામ વિગતો જાણતો હતો. વખત આવે તેના ઘેર રેડ પાડી. પોલીસ ઓફીસરની મૈત્રી પણ ક્યારેક જોખમમાં મૂકે છે. બહુ સિધ્ધાંતવાળી વ્યક્તિ સાથેની ઓળખાણ પણ ક્યારેક જોખમમાં મૂકી શકે.

આજના ડીજીટલ યુગમાં વોટ્સએપ અને ફેસબુકનાં ચક્કરોમાં યુવાનો માટે ઓળખાણ કરવી ખૂબ સરળ છે. ઈઝીલી ફ્રેન્ડ અને અનફ્રેન્ડ કરવું, તેમજચટ મંગની ને પટ બ્યાહકરવો અને બ્રેકઅપ કરવું, કેટલું સહેલું થઈ ગયું છે? કામ પૂરતી ઓળખાણ અને પછી બાયબાય કહેતાં આજનો યુવાન અચકાતો નથી. ઓળખાણની ઘનિષ્ઠતા અને પરિપક્વતા રહી નથી.

કોઈ ઓળખાણ સિધ્ધિનાં શિખર સર કરાવે તો કોઈ પતનની ખાઈમાં ધકેલી દે. કોઈ ખરાબ વ્યક્તિની સંગતે ચડેલો માણસ આખા ખાનદાનને બરબાદ કરી દે. “સંગ તેવો રંગ ઓળખાણ માટે કહેવાય છે. સત્સંગી તેમજ આદર્શવાળી તેમ કામની વ્યક્તિઓની ઓળખાણ જીવનમાં રાખવી જોઈએ. દરેક ઓળખાણથી મનુષ્ય શીખે છે. કઈ ઓળખાણને કેટલી નજીક રાખવી તે તમારા ઉપર નિર્ભરિત છે.

ઓળખાણ વગરનો માણસ એકલો અટૂલો રહે છે માટે એકલતા દૂર કરવા ઓળખાણ કરવી રહી. શાસ્ત્રમાં કહ્યું છે, “એકેન વિજ્ઞાતેન સર્વં વિજ્ઞાતમ્ ભવતે.જગતને ઓળખવા માટે પહેલાં આત્માને ઓળખવાની જરુર છે. જો આત્માને ઓળખશો તો જગતને ઓળખશો. એટલેકે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવાની જરુર છે. તો સમજાશે કેઓળખાણ મોટી ખાણ છે“.