૫ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ચાર મળે ચોટલા તો ભાંગે કંઇકનાં ઓટલા

આ કહેવત સ્ત્રીને અનુલક્ષીને બોલાયેલી હતી. સ્ત્રી સ્વભાવ પર સીધો ઘા કર્યો છે. ચાર ચોટલા એટલેકે એકથી વધુ સ્ત્રી ભેગી થઇને કંઇક લોકોનાં ઓટલા એટલેકે ઘર-સંસાર ભંગાવે કે તેમાં આગ લગાડે. હા, પહેલાંનાં સમાજની સ્ત્રી માટે આ કહેવત ખૂબજ યોગ્ય હતી. સ્ત્રીની દિનચર્યાનું આ એક અંગ હતું. ઘરની બહાર જવાય નહીં, ઘર-કામ જાતે કરવાનું, ઓઝલ પડદામાં રહેવાનું, ઘરનાં વડીલો સાથે બોલચાલ નહીં, ઘરમાં તેમનો કોઇ અવાજ (મહત્વ) નહીં, વળી મનોરંજન કે કોમ્યુનીકેશન માટેનાં સાધનો હતાં નહીં. કામકાજમાંથી નવરી થાય એટલે ઘરનાં ઓટલે બેસે અને ગામ આખાની વાતો કરે. નવરાશની પળોમાં માત્ર આજ કામ જેનાથી સ્ત્રીઓ ચાર્જ થતી.

ગોસીપ કરવી એ સ્ત્રી સહજ ગુણ હતો જેને આપણે પંચાત કહેતાં હોઇએ છીએ. ગોસીપ, એ સ્ત્રીનું એવું હથિયાર હતું જેનાથી તે ભલભલાનું નિકંદન કાઢી નાંખતી. વાતોમાં મસાલા ભભરાવીને બીજાને પીરસે ત્યારે જ તે સંતોષનો ઓડકાર ખાતી કે રાતે શાંતિથી સૂઇ શક્તી. માટે એમ કહેવાતું, “બૈરીનાં પેટમાં છોકરૂં રહે, પણ વાત ના રહે”. આ કહેવત સ્ત્રીની લાક્ષણિકતા સૂચવે છે. રહી ચોટલાની વાત. ઓટલે બેસીને ચોટલા વાળવા, એ એક કામ હતું કારણકે દરેક સ્ત્રીને લાંબા વાળ હોયજ. પરંતુ હવેની સ્ત્રીને ક્યાં ચોટલા હોય છે? હવે તો શેરી કે પોળ નથી રહી તો ઓટલાનો તો સવાલ જ નથી. હા, મંદિરનાં ઓટલે આજે પણ ડોસીઓ ગોસીપ કરતી જોવા મળે છે. બાકી આજની નારીને નકારાત્મક વાતો માટે નિંદા-કૂથલી કરવાનો સમય જ ક્યાં છે?

સ્ત્રી, શક્તિ સ્વરૂપ છે. શક્તિ સંહાર પણ કરે અને સર્જન પણ. સ્ત્રી જ્યારે ગ્લોબલ વુમન બની રહી છે, ત્યારે તેની હરણફાળ, જેટની ગતિ પકડી રહી છે. જ્યાં સ્ત્રી ભેગી થાય છે, નવી રચનાત્મક, સર્જનાત્મક, નિર્ણયાત્મક ઘટનાઓ ઘટે છે. આજની સ્ત્રી માત્ર બાળકને જન્મ આપે છે એટલું પૂરતું નથી. તેના હાથમાં માત્ર વેલણ નથી. સ્ત્રીની આંગળીઓ હવે લેપટોપનાં સ્ક્રીન પર ફરતી થઇ ગઇ છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓમાં CEO બનીને સ્ત્રી પુરુષ કરતાં જરાય પાછળ નથી. ઓટલા પરિષદમાંથી આંતરરાષ્ટ્રીય પરિષદ સંભાળતી થઇ ગઇ છે. જ્યારે ૨૪ કલાક પણ આજની સ્ત્રીને ઓછાં પડે છે ત્યારે કૈંકનાં ઓટલા ભાંગવાનો, અરે! ચોટલા બાંધવાનો પણ તેની પાસે સમય ક્યાંથી હોય? અને એટલે તો આજની સ્ત્રી મોટે ભાગે વાળ કપાવીને સમયની બચત કરી રહી છે.

પહેલાંની કે અત્યારની સ્ત્રીસહજ લાક્ષણિક્તામાં ફેર નથી પડ્યો પણ સ્ત્રી અત્યારે મોબાઇલ, વોટ્સએપ કે અન્ય સાધનો દ્વારા ગોસીપ તો કરતી જ હોય છે પરંતુ સમયની સાથે ગોસીપનાં સાધનો અને વિષયો બદલાયાં છે. ઘરનો ઉંમરો ઓળંગીને સ્ત્રીએ સ્ત્રીમંડળ અને કીટીપાર્ટીઓમાં પ્રવેશ કર્યો. અને ત્યાંથી આગળ નીકળીને અનેક સંસ્થાઓ, નારી સંગઠનો શરૂ કર્યાં. સ્ત્રીએ તેની રસોઇકળા અને હુન્નરને આવકનું સાધન બનાવવા ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા. અત્યારે હાઉસવાઇફ સ્ત્રીઓ, ઘરની વાત કરવાને બદલે પોતાનાં આનંદ માટે મળે છે. માનસિક વિકાસ માટે અને સમાજની ઉન્નતિ માટે, કુકીંગ, યોગા કે રમત-ગમત માટે ભેગી થાય છે. સામાજીક બોન્ડીંગ એ તેમનો હેતુ હોય છે. અને સમાજ સાથે કદમ મીલાવીને ચાલે છે. જેમ જેમ સ્ત્રી શિક્ષણ વેગવંતુ બનતું ગયું તેમ શિક્ષણ ક્ષેત્રે, વકીલ, એન્જીનીયર કે ડૉક્ટર તરીકે, તેમજ રીક્ષા, બસ, ટ્રેન, એરોપ્લેન અને હેલીકોપ્ટર ચલાવવામાં સ્ત્રી શક્તિ મોખરે છે. સ્ત્રી અવકાશયાત્રી બનીને સ્પેસમાં સફર કરે છે. અરે અનેક હરિફાઇઓમાં મેડલો મેળવવામાં સ્ત્રી અવ્વલ નંબરે છે.

સ્ત્રી, સમાજની ધરી છે. સમાજનાં કેન્દ્રસ્થાને અને સંસારનાં સર્જનનાં મૂળમાં સ્ત્રીજ છે. “સ્ત્રીની બુધ્ધિ, પગની પાનીએ” જેવી કહેવતો અને સ્ત્રીને કેન્દ્રમાં રાખીને ઘણાં જોક્સ અને સસ્તું મનોરંજન પૂરૂ પાડનાર વોટ્સએપ મેસેજ વહેતાં થયાં છે. તેને દૂર કરવાં જ રહ્યાં, જે સ્ત્રીશક્તિ માટે લાંછનરૂપ છે. પુરુષપ્રધાન સમાજની માનસિક્તાએ સ્ત્રીને નિમ્ન સ્થાનમાં ધકેલી દીધી હતી પરંતુ આજની સ્ત્રીશક્તિ આવી કહેવતોને ખોટી પાડી રહી છે ત્યારે આવી માનસિક્તાને ત્યજવાનો સમય પાકી ગયો છે. આવી કહેવતોને બોલચાલનાં ચલણમાંથી દૂર કરી તેનો છેદ ઉડાડવોજ રહ્યો. તેમાંજ સ્ત્રીનું અને સરવાળે સમાજનું કલ્યાણ છે.

૨ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય

વાત સાવ સાચી છે, મૃત્યુ બાદ સ્વર્ગ મળતું હોય, તો ખુદને મરવું પડે. તે વિના સ્વર્ગે ના જવાય. પરંતુ જે મરે છે તે બધાં જ સ્વર્ગે નથી જતાં. સ્વર્ગે જવા માટે ઘણું બધું કરવું પડે છે.

ગોવર્ધનરામ ત્રિપાઠીએ સુંદર કહ્યું છે, “સુખી હું તેથી કોને શું? દુઃખી હું તેથી કોને શું?” મારે જ મારી કેડી નક્કી કરવાની છે. મારો જીવનમંત્ર મારે જ નક્કી કરવાનો છે. નર્મદે કહ્યું કે, “સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે”. ફત્તેહ મેળવવા યા હોમ કરીને પડવું પડે છે ત્યારે જંગ જીતાય છે. જીન્દગી એવું ગણિત છે જ્યાં દરેક દાખલાનો જવાબ અલગ હોય છે. તેના માટે સંઘર્ષ જરૂરી છે. સંઘર્ષની સાથે ભૂલો પણ થાય. ઓશોએ કહ્યું છે, “Many people do not want to make a mistake, and that is the mistake”. શિખામણમાંથી રસ્તા કદાચ મળતાં હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે. આપણી જીન્દગીની સ્ક્રીપ્ટ આપણે જ લખવાની છે. તમારી પાસે તમારૂં આકાશ છે પરંતુ ઉડવા માટે પોતાની પાંખો અને પ્રયત્ન જોઇએ. પોતાનાં સિધ્ધાંતો અને પોતાની દ્રષ્ટિ જોઇએ. પાંખો હોય પણ ઉડવાનો પ્રયત્ન ના કરો, આંખો હોય પણ દ્રષ્ટિ ના હોય તો તમારૂં નસીબ તમને સાથ નથી આપતું.

ચંદન ઘસાઇને સુગંધ આપે છે, ફૂલ છૂંદાઇને અત્તર બને છે, સોનુ ટીપાઇને અલંકાર બને છે. સુગંધ આપવા માટે ધૂપસળીને સળગવું પડે છે. વૃક્ષ બનવા બીજને ધરતીમાં ધરબાવું પડે છે. બાળપણમાં શીખેલી ભોગીલાલ ગાંધીની લખેલી રચનાનાં શબ્દો ઘૂંટાય છે,

“તું તારા દિલનો દીવો થાને! ઓરે! ઓરે! ઓ ભાયા!

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજને છાયા,

એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!”

આ ખોળિયાને સ્વયં પ્રકાશિત કોડીયું બનાવો કારણકે “પારકી આસ સદા નિરાશ”. પારકું લીધેલું તેજ ભલા ક્યાં સુધી તમને અજવાળશે? ખુદનું તેજ હશે તો આપણો પડછાયો આપણાથી દૂર રહેવાનો છે. બીજા પર આધાર રાખનાર ક્યારેય પ્રગટી નથી શકતો. તે માત્ર બીજાના હાથની કઠપૂતળી બનીને રહી જાય છે. ઉછીનાં લીધેલા તેજથી આભાસી અજવાળા પથરાય છે. પગભર થવાની વાત છે. માટે આતમનાં દિવાને પ્રગટવું જ રહ્યું. આંતરદ્રષ્ટિથી ખુદને નિહાળો. અંદર ધરબાયેલી શક્તિને બહાર કાઢો. આપણી ભીતર જ તેલ-દિવેટ છૂપાયા છે. આ પ્રકાશ અન્યની કેડીને પણ ઉજાળશે અને એ આનંદ સ્વર્ગ મળ્યાં જેટલો હશે. બળીને જે પ્રગટ થાય છે તેને રાખ થવું પડતું નથી. હાલની ગળાકાપ હરીફાઇની દુનિયામાં પોતાનું સ્થાન જમાવવા જાત ઘસીને ચમક લાવવી જરૂરી બને છે. અનિલ ચાવડા તેમના કાવ્યમાં કહે છે,

“સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો,

ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો;

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.”

મિત્રો, દિવાળીના દિવસોમાં શું આપણે આ કહેવતને સાચી ઠેરવવા દીપશીખાની ઝળહળતી જ્યોત ના બની શકીએ? જીવન અનંતની યાત્રા છે. તો શેષ જીવનની કેડીએ પ્રકાશ પાથરીએ અને આપણે સૌ પોતાની જાતને ધરબીને સ્વયં પ્રકાશિત દીવડો બનવાનો નવા વર્ષમાં સંકલ્પ કરીએ અને કહીએ, “કર લો સ્વર્ગ મુઠ્ઠીમેં” કારણકે “આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય”.