કહેવત – ગંગા સમીક્ષા – ૨ કલ્પના રઘુ

મિત્રો, કહેવતો સાહિત્યનું એક મહત્વનું અંગ છે. એના લેખકનું નામ કે ગોત્ર હોતું નથી. વસ્તુ કે પરિસ્થિતિના સંદર્ભમાં સહજ રીતે સરી પડેલું કથન! કહેવત બોલવા માટે કોઈ અનુભવ કે ડિગ્રીની પણ જરૂર નથી હોતી. પેઢી દર પેઢીથી વપરાતી, રોજ-બરોજ બોલાતી ઊક્તિ! કોઈ પણ વાતનો નિચોડ એક જ ઊક્તિમાં એટલે કહેવત!

‘નારી-શક્તિ’ પર મેં ૧૦૦ લેખો કેનેડાથી પ્રકાશિત થતાં ગુજરાત ન્યૂઝલાઈનપેપરમાં લખ્યાં. પછી કોલમ બંધ કરી. તેની પાછળના કારણોમાં એક કારણ હતું, મારા લેખ વાંચીને કેટલાંક કુટુંબમાં પરદેશમાં એવું બનતું કે વહુ, સાસુને કહે કે મમ્મી, કલ્પનાઆંટીને આપણા ઘરની વાતો કરી હતી? ખરી વાત તો એ હતી કે મને એમના ઘર વિષે કશું જ ખબર ના હોય. અનેક પરિવારોની સાચી અને કાલ્પનિક વાતોનો મારા લેખમાં સમાવેશ થતો પરંતુ તેની આવી ધારદાર અસર વાચકોમાં થશે એવી મને કલ્પના ન હતી. પરિણામે આ કોલમ બંધ કરી. આ વાત સાંભળીને જાણીતા કવિ તુષાર શુક્લએ મને કહ્યું કે તમારું લખાણ કેટલું અસરકારક કહેવાય? મને સર્ટિફિકેટ મળી ગયું.

આવું જ કહેવત-ગંગામાં બન્યું. ઘણી કહેવતો પશુ-પક્ષી પરથી બનતી હોય છે. હાથી, ઊંટ, કૂતરો, સિંહ, સાપ, ગાય, ભેંસ, શિયાળ, મોર, ચકલી વગેરે. જ્યારે પશુ-પક્ષીના અને માનવના શરીર, રીતભાત, ખાસીયતો કે સ્વભાવમાં સામ્યતા જોવા મળે છે ત્યારે એવી કહેવતનું સર્જન થાય છે. ખૂબજ જાણીતી કહેવત, ‘હાથી પાછળ કૂતરા ભસે‘, મેં તેના વિષે લેખ લખ્યો. મને ખબર ન હતી કે આ કહેવતની ફેસબુક પર જોરદાર અસર થશે! બન્યું એવું કે, એક રાજકીય નેતા વિષે એક જણે પોતાની દ્રષ્ટિએ ખૂબ જ હકારાત્મક વાતો લખી. અંતમાં એ નેતાના વિરોધ પક્ષ માટે પોતાની વાત સચોટ અને સ્વાભાવિક બનાવવા પહેલી વ્યક્તિએ લખ્યું, હાથી પાછળ કૂતરા ઘણાં ભસે’. પછી તો શું થાય? હાથી અને કૂતરા શબ્દો એકબીજાના વેરી બની ગયા! … સામસામે શબ્દોની આપ-લે અને લોકોની કોમેન્ટમાં ફેસબુક ભરાવા લાગ્યું. મારા મનમાં કહેવત-ગંગા ચાલુ થઈ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ‘, ‘તમાશાને તેડું ના હોય‘. છેવટે કોઠી ધોઈને કાદવ જ નીકળે‘. અંતે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ફેસબુક પર બ્લોક કરી. કથા પૂરી થઈ. કોઈએ કહ્યું, જવા દો ને, એ તો પૂંછડે બાંડો ને મોઢે ખાંડોછે. જુઓને દશા થઇ ને, ‘વાંદરી નાચે ને મદારી માલ ખાય‘. ‘કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી‘.

કહેવત ક્યાં?, ક્યારે?, કોના અને શેના સંદર્ભમાં વપરાય છેઅને સાંભળનાર વ્યક્તિ કે જેના વિષે કહેવત બોલાઈ હોય એટલે કે સામેની વ્યક્તિ તેનો અર્થ કેવી રીતે લે છે તેના પર પરિસ્થિતિનો આધાર રહે છે. નહીં તો ‘વાતનું વતેસર’ થતાં વાર નથી લાગતી. કહેવત ક્યારેક સોય કે ક્યારેક તલવારનું કામ કરે છે. મિત્રો, દુશ્મન બની જતાં વાર નથી લાગતી. આવા સંજોગોમાં શબ્દોને પકડ્યા વગર કહેવતનો મર્મ સમજવા કોશિશ કરવી જોઈએ. તો ક્યારેક આંખ આડા કાનકરવામાં જ શાણપણ છે.

નોંધ: મારા લેખમાં લખેલ લખાણને કોઈએ અંગત ગણવું નહીં. માત્ર માણવું. કહેવત હંમેશા શીખ આપી જાય છે જેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. આ મારી મા છેઅને આ મારા બાપની બૈરી છે‘ … ‘મા’ માટે કયું વાક્ય કાનને ગમશે તે મિત્રો, આપના પર છોડુ છું.

કહેવત – ગંગા * આભાર દર્શન – કલ્પના રઘુ

“કહેવત ગંગા”ના 51 લેખ પૂરા કર્યા. સાહિત્યનો સાગર અમાપ અને અગાધ છે … અસંખ્ય કહેવતોથી ભરપૂર! આ 51 લેખો લખતાં મને અનેક કહેવતો યાદ આવતી. સાથે-સાથે સમાનાર્થી અને વિરોધાર્થી કહેવતો તો ખરી જ! મિત્રો, વાંચતી વખતે તમારી દશા પણ મારા જેવી જ હશે, ખરું ને? હોય જ ને!
સદીઓથી બાપ દાદાઓના મુખમાંથી પ્રગટેલી શબ્દ ગંગા. કંઈક બની ગયું, શબ્દો સરી પડ્યાં અને તે પણ હ્રદય સોંસરવા ઊતરી જાય તેવા અને બોલચાલમાં વહેવા માંડ્યાં, કહેવત સ્વરૂપે! મેં પ્રયત્ન કર્યો માનવની લાગણીઓ, વિચાર, સ્વભાવ, રીત-રિવાજોને તેમાં આવરી લેવાનો. જેથી આજની પેઢી તેનાથી અવગત થાય, સૌને બોધપાઠ મળે અને જૂની પેઢી તેને વાગોળે.
હું મારી આ કૉલમને વધાવવા બદલ તમામ વાચકોની આભારી છું. મને આનંદ છે પણ સંતોષ નથી કારણ કે તૃપ્તિ અવરોધ ઊભો કરે છે. કલમને અટકાવવી નથી. “બેઠક” શરૂ થઈ ત્યારથી “બેઠક”માં અને “શબ્દોના સર્જન” પર મારું પ્રદાન આપીને હું પ્રજ્ઞાબેન સાથે રહી છું. આ તેમનો મારા તરફનો પ્રેમ કહેવાય. તેમણે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે, મને જે તક પૂરી પાડી તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. કહેવત લખ્યા પછી જ્યારે વાંચું છું ત્યારે આનંદ થાય છે. આ નિજાનંદ મને આગળ લખવા પ્રેરે છે.
કહેવતોને સચોટ બનાવવા મેં વાર્તાઓ, ઉચિત ઉદાહરણ, પંકાયેલી પંક્તિઓ, ઉક્તિઓ અને ગૂગલનો સહારો લીધો છે. જેના પણ વાક્યો જાણે-અજાણે લેખને શણગારવા લીધા છે, તે સૌનો હું આભાર માનુ છું. હા, મેં મારા અને અન્યનાં વિચારોને આપના મનોસાગરમાં ભળી જાય તેવી મનોકામના સાથે મારી રીતે “કહેવત ગંગા”માં વહાવ્યાં છે. મારી આ યાત્રાનાં અન્ય પાસાઓને આવરી લેવા હવે પછીના લેખોમાં પ્રયત્ન કરીશ.
પ્રજ્ઞાબેન થકી ઓગસ્ટ 2013માં મારો “શબ્દોના સર્જન”ના લેખક તરીકે જન્મ થયો. 5 ઓગસ્ટ 2013ના દિવસે “હું તો કંઈ જ નથી” લખીને મેં મારા શબ્દોને કલમ થકી સાકાર કરવા સપનાની વણઝાર રચી. નિજમાંથી નિકળી નિજને મળવા નિત્યાનંદ બની ખોવાઈ ગયું મારું સપનું. આ સાહિત્યના સાગરમાં દરેક વિચાર વાચકોના હૃદયને સ્પર્શીને જીવવાની જડીબુટ્ટી બની રહે તેવી મારી પ્રભુને યાચના. વાચકોની સાથે હું પણ વિકસી રહી છું. આભાર, કલ્પનાના સાથી રઘુનો. આભાર, સખી, માતા, શિક્ષક, સહકાર્યકર પ્રજ્ઞાબહેનનો! હા, હું તો કંઈ જ નથી … આ તો મા સરસ્વતીની કૃપા છે.

કલ્પનારઘુ 

૪૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 
 સાપ ગયા અને લીસોટા રહ્યા
આ કહેવત વાંચતાં જ આજની પેઢીના બાળકોને વિચાર આવે, સાપ તો જોયો હોય પણ આ લીસોટા શું છેઆ કહેવત જૂના જમાનાની છે. જ્યારે ગામડામાં ધૂળિયા રસ્તા હતા. જ્યાંથી સાપ પસાર થાય ત્યાં ધૂળમાં લિસોટા પડે અને તમને ખબર પડે કે સાપ અહીંથી પસાર થયો છે. પછી એ લીસોટા સમયાંતરે પૂરાઈ જાય. હવે તો ગામમાં પણ પાકા રસ્તા થઈ ગયા છે. લીસોટાનો કોઈ સવાલ જ નથી. જ્યારે શહેરોમાં આ કહેવત વિચારવાની નથી.
પરંતુ હા, આજના સંદર્ભે આ કહેવત બોલચાલમાં ખાસ આવે છે. સમય, સંજોગો, વ્યક્તિ, પરિસ્થિતિ વર્તમાનમાંથી ભૂતકાળ બની જાય છે, એક સાપ ની જેમ, અને તે જે નિશાની છોડી જાય છે તેને આપણે લીસોટા કહીએ છીએ. જેને કેડી પણ કહી શકાય. સમયે સમયે સંબંધોના સાપ સરકી જાય છે પણ વ્યકિતના માનસપટ પર લીસોટા છોડી જાય છે. આ લીસોટા કંઈક ખાટી-મીઠી યાદો ને તાજી કરાવી દે છે. ત્યારે વ્યક્તિ બોલી ઊઠે છે, સાપ ગયા અને લીસોટા રહ્યાં.
વર્તમાન અમર નથી. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. સૃષ્ટિચક્ર પરિવર્તનશીલ હોય છે. દરેક સંસ્કૃતિનો ઉદય થઈને પરાકાષ્ઠા સુધી પહોંચીને વિલીન થાય છે. જે તે સંસ્કૃતિને પોતાનો ધર્મ, રીતરિવાજો, રહેણી કરણી, બોલચાલ, અમુક ગ્રંથીઓ, પહેરવેશ, ખોરાક, નીતિ નિયમો અને કાયદાઓ હોય છે. જેને આપણે સંસ્કાર કહીએ છીએ. સમય જતાં દેશ-કાળ, પરિસ્થિતિ પ્રમાણે અને ખાસ તો માણસની સગવડતા પ્રમાણે તેમાં બદલાવ આવે છે. જૂના નીતિ નિયમો, વિધિ-વિધાન ભુલાય છે. નવા ઘડાય છે, જે વ્યક્તિ, કુટુંબ, સમાજ કે ધર્મનો આધારસ્તંભ બને છે. જે નિશ્ચિત અને અનિવાર્ય છે તેને સ્વીકારવું જ રહ્યું.
સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારથી, બાળક જન્મ અને તેના ઉછેરમાં કેટલો બદલાવ આવે છે? સાપના લીસોટાને જો આજની પેઢી અનુસરશે, તો….? તે શક્ય જ નથી. બાળકનું ઘડતર, કેળવણી, માનસિકતામાં તીવ્ર ગતિએ ફેરફાર થઇ રહ્યો છે. ખોરાક, પહેરવેશમાં પણ ફેરફાર નોંધનીય છે. આજે લગ્નજીવન માટે ધર્મનો કોઈ બાધ નથી. એક જ કુટુંબમાં અનેક ધર્મનું પાલન થાય છે અને તેની દરેકને સ્વતંત્રતા હોય છે. એક જ ઘરમાં એકથી વધુ ભાષાનો વપરાશ જોવા મળે છે. પરિણામે વિચારોમાં અસમાનતા અને સ્વકેન્દ્રીપણું વિકસતું જાય છે. વ્યક્તિ માત્ર તેના પોતાના વ્યક્તિત્વ અને અસ્તિત્વનો વિચાર કરે છે. ઘરડાં મા બાપ કે પોતાના સંતાનો માટે સમયનો અભાવ જોવા મળે છે. જગત આખું ભૌતિકતા તરફ દોટ મૂકી રહ્યું છે. સાપના ગયેલા માર્ગ પર આજુબાજુથી ધૂળની ડમરીઓ, પ્રદૂષણનો વંટોળ એટલો જોરથી ફૂંકાઈ રહ્યો છે કે દૂરનું તો ઠીક પણ હમણાં જ કેડી કંડારેલી હોય એટલે કે સાપ ગયો હોય અને રસ્તો ભૂંસાઈ જાય છે.
આ સંજોગોમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું જૂના રસ્તા યાદ રાખીને સાચવી રાખવા? તેનું જ અનુસરણ કરવું? વ્યક્તિએ પોતાના કુટુંબ અનુસાર, સંસ્કાર અનુસાર, પોતાના પરિવારના હિતમાં હોય તેને પોતાનો જીવનમાર્ગ બનાવવો જોઈએ. બીજાના પેંગડામાં પગ મૂકીને જીવનાર વ્યક્તિની દશા, ના ઘરનો ના ઘાટનો‘  જેવી થાય છે. દેશ પ્રમાણે સંસ્કાર બદલાય છે. જૂની સંસ્કૃતિને યાદ કરીને જીવનાર પોતાના પરિવારને ન્યાય આપી શકતો નથી.
આજે અમારા જમાનામાં, અમે તો આમ … તેવું કહેનારા વડીલો, વૃદ્ધોએ આ કહેવત સતત યાદ રાખીને આજની પેઢી પર પોતાના વિચારોને થોપવા ના જોઈએ. હવે રસ્તા ધૂળવાળા નથી રહ્યા. પાકી સડકો થઇ ગઇ છે. પગલાની જૂની છાપ ભૂંસાતી જાય છે. નવી પેઢીને વિકસવા દો. તેમની સામે તેમનો વિશાળ ફલક છે. પાંખો તમે આપી છે તો ઉડવા દો. આકાશે ઊડતાં પક્ષીનું વિઝન વિશાળ હોય છે. તે બધું જ જોઈ શકે છે. વિચારીને વર્તવાનું તેમના હાથમાં છે. અંકુશ પણ તેમને રાખવા દો કારણ કે આજનો યુવાન આવતી કાલનો સૂત્રધાર છે.
જેણે સાપ જોયા છે તેણે તેના લીસોટા માત્ર યાદ કરવાં જ રહ્યાં. સાપ જેમ સમયાંતરે તેની જૂની કાંચળી ઉતારતો જાય છે અને નવી ધારણ કરે છે તેમ માણસે આ સતત પરિવર્તનશીલ યુગમાં cut, copy, paste કરતાં રહેવું જોઈએ. જોવું, જાણવું, માણવું, ભૂલી જવું અને આગળ વધવું. સાપની જેમ પોતાની નિશાની છોડતાં જવું અને જગ યાદ  રાખે તેવું કાર્ય કરતાં જવું, જેથી લોકો બોલી ઊઠે, સાપ ગયા અને લીસોટા રહ્યાં.

૪૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સીદીબાઈને સીદકા વહાલાં
આ કહેવતમાં માની મમતા દર્શાવવામાં આવી છે. સીદી એટલે હબસી જાતિ અને સિદકા એટલે તેમનાં બાળકો. હબસી જાતિનાં બાળકો તેમના આનુવાંશિક ગુણ પ્રમાણે કાળા જ હોય છે. બીજાને એ ગમે કે ના ગમે પણ સીદીબાઈને તો એ વહાલાં જ હોય. માની મમતા પોતાના સંતાનના રૂપ-રંગ કે ગુણ-અવગુણ જોતી નથી.
પોતાનું બાળક કાળુ કે અપંગ હોય પણ વહાલું લાગે તે સનાતન સત્ય છે. જન્મથી જ અંધ કે અપંગ બાળકનું મા પોતે વૃદ્ધ થાય તો પણ કેટલું કાળજીથી જતન કરે છે, તેવા કિસ્સા સમાજમાં આજે પણ આપણી આસપાસ જોવા મળે છે. ઝૂંપડીમાં રહેતાં ગરીબ બાળકને કે રાજમહેલમાં રહેતા રાજકુમારને તેની માતા નજર ના લાગે માટે કાળો ટીકો કરશે. આ શું સૂચવે છે? એક રાજાએ પોતાનાં પ્રધાનને હુકમ કર્યો કે ગામમાંથી સૌથી રૂપાળું બાળક શોધી લાવો. આખા દિવસની શોધખોળ બાદ પ્રધાન પોતાનું બાળક લઈને આવે છે. આ વાર્તા જાણીતી છે. લોહી તેનો રંગ બતાવે જ છે. દરેક સગાઈથી ઊંચી અને સર્વોત્તમ લોહીની સગાઈ હોય છે. ગમે તે થાય પણ જમણો હાથ મોં ભણી જ જાય એ સત્ય છે.
પુત્રને લીધે પુત નામના નરકથી મુક્તિ મળે છે. પુત્ર નરકથી તારે છે તેથી એ પુત્ર કહેવાય છે. માટે પુત્રની કામના કરવામાં આવે છે. શિવ મહાપુરાણમાં પુત્રનું મહાત્મ્ય કરાયું છે. વરાહ મહાપુરાણમાં સ્વર્ગપ્રાપ્તિ માટે પુત્રને અનિવાર્ય ગણાવ્યો છે. પદ્મપુરાણ, સ્કંદ મહાપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, ગણેશપુરાણ, ગરુડપુરાણ, મત્સ્યપુરાણ તેમ જ શ્રીમદ્‍ ભાગવત પુરાણમાં પુત્રપ્રાપ્તિનું મહત્વ ખુબ જ દર્શાવ્યું છે. આમ કન્યાની કામના કરાતી પરંતુ મહત્વ તો પુત્રનું જ હતું. માટે કહેવત પડી સીદીબાઈને સીદકા વહાલાં.
ભરતને રાજગાદી મળે તે માટે કૈકેઇએ દશરથ પાસે માંગેલા વચનો માની આંધળી મમતા બતાવે છે, જે સૌને યાદ છે. અંધ ધૃતરાષ્ટ્રના, આંધળા પુત્રપ્રેમને લીધે જ મહાભારત સર્જાયું હતું. આજે પણ કેટલીક મા પુત્રપ્રેમમાં આંધળી બનીને પતિનો પણ ત્યાગ કરતી હોય છે. વળી પુત્રના અવગુણોને આંખ આડા કાન કરીને તેની પડખે રહેતી હોય છે. આમ આંધળો પ્રેમ ક્યારેક વિનાશ સર્જે છે. બ્લડ ઇઝ થીકર ધેન વોટર એ વાત તો સાચી જ છે. આજે રાજકારણમાં પણ સીદીભાઈને સીદકા વહાલાં એ કહેવત સાચી પડતી જોવા મળે છે.
સંયુક્ત પરિવારમાં જ્યારે બે ભાઇનો પરિવાર સાથે રહેતો હોય અને એક ભાઈ બંનેના બાળકોને કંઈ વહેંચતો હોય તો હાથમાં આંટી પડ્યા વગર રહેતી નથી. સારી અને વધુ વસ્તુવાળો હાથ પોતાના બાળક ભણી જાય છે. આ સદીઓથી ચાલી આવતું સત્ય છે.
માનો પ્રેમ તો આજે પણ અડીખમ હોય છે પણ બાળકનો, સીદકાનો એ પ્રેમ હવે ક્યાં જોવા મળે છે? વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મૂકી આવનાર પુત્રોમાં એ અસ્મિતા હવે ક્યાં છે? મા-બાપની વેદના જોનાર એ સંતાન હવે ક્યાં છે? તેની એક સત્ય ઘટના કહેવી છે. વીસ વર્ષ પહેલાં અમદાવાદના ઘરડાઘરનો બનેલો આ કિસ્સો છે. વિધવા માને દીકરો-વહુ ઘરડાઘરમાં મૂકી આવ્યા હતાં. ઘરડાઘરમાં લોકો પુણ્ય કરવાનાં હેતુથી સાબુ, બિસ્કીટ, ફળ, શેમ્પૂ જેવી રોજીંદી ઉપયોગી વસ્તુઓ, વાર તહેવારે ઘરડાઘરમાં વહેંચતા હોય છે. આ માજી બિસ્કીટ, ચવાણું પોતે ના ખાય અને એક થેલીમાં સંગ્રહ કરે. રવિવારે વૃદ્ધો બહાર જઇ શકતા. એક રવિવારે આ માજી થેલી લઈને બહાર જતા હતા. તેમની થેલી પડી ગઈ. અંદરથી ખાવાની ચીજો ઢોળાઇ ગઈ. પૂછપરછ કરતાં તેમની આંખમાં ઝળઝળિયા આવી ગયાં. જવાબમાં તેમણે કહ્યું હું મારા પૌત્ર-પૌત્રી માટે લઇ જઉ છું. મા જરૂર પડે તેનું કાળજું કાઢીને પણ આપી દે. સીદીબાઈને તેના સીદકા ઘરડાઘરમાં બેઠા બેઠા પણ વહાલાં હોય છે. માનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોય છે. એક લોહી છે ને?
કોઈ કલાકારને તેની કલા માટે, કારીગરને તેની કૃતિ માટે, રચનાકારને તેની રચના માટે, ઘટના ઘડનાર કુંભારને માટીના ઘડાની સુંદરતા માટે કે સર્જકને તેના સર્જન માટે પૂછો, તો એ શું જવાબ આપશે? સીદી બાઇને સીદકા વહાલાં!

૪૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 
ર્મો રક્ષતિ રક્ષિતઃ
મનુસ્મૃતિમાં કહ્યું છે, “ધર્મ એવ હતો હન્તિ, ર્મો રક્ષતિ રક્ષિતઃ।“ જેણે ધર્મનો પરિત્યાગ કર્યો છે, તેનો ધર્મ નાશ કરે છે. પણ જે ધર્મનું આચરણ કરે છે અને ધર્મની રક્ષા કરે છે, તેનું રક્ષણ ધર્મ કરે છે. એટલે કે રક્ષાયેલો ધર્મ માનવનું રક્ષણ કરે છે. હવે પ્રશ્ન એ છે કે ધર્મ એટલે શું? સમગ્ર પશુ-પક્ષી, સૃષ્ટિથી માનવને જૂદું પાડનારું તત્વ છે ધર્મ. નાનપણથી આપણે જે ઘરમાં જન્મ લઇએ ત્યારથી શીખીએ છીએ કે આપણે પૂજા પાઠ કરવાં.પણા માનસમાં જે બેસાડવામાં આવ્યું હોય અને જે રીતનો ઉછેર હોય તેનું આપણે સ્મરણ કરતાં કરતાં અનુસરણ કરીએ છીએ, જે સંસ્કારમાં પરિવર્તિત થઈને આપણા લોહીમાં વહે છે. જેને માનવ, તેના જીવનનો આધારસ્તંભ બનાવીને ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આમ પારંપારિક સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓ તેનો ધર્મ બની જાય છે.
બીજો ધર્મ છે, વ્યક્તિ, બાળક, પુરુષ, સ્ત્રી, પુત્ર, પુત્રી, પિતા, માતા, પડોશી કે મિત્ર તરીકેનો ધર્મ. ત્રીજો ધર્મ છે, માનવતાનો ધર્મ. એ જીવન જીવવાની કળા છે. માત્ર ટીલા ટપકા કરવાથી ધાર્મિક નથી થવાતું. જે પોતે પણ સુખી અને ખુશ રહીને બીજાને ખુશી આપીને સુખી રાખી શકે તે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે તેમ કહેવાય. ધર્મો ઈશ્વરે નથી બનાવ્યાં. માણસે પોતાની સગવડ અને માન્યતા માટે બનાવ્યાં છે. હિન્દુ, પારસી, ખ્રિસ્તી, ઈસ્લામ કે કોઈપણ ધર્મ હોય પણ તેના પાયામાં સનાતન ધર્મ હોવો જોઈએ, જે શાશ્વત ધર્મ છે. તેનું અસ્તિત્વ સૃષ્ટિના ઉદ્ભવથી અંત સુધી રહેશે. અનાદિકાળથી ચાલી આવતા સનાતન ધર્મમાં માત્ર પરબ્રહ્મ, દિવ્યપ્રકાશ, આત્માના પ્રકાશની વાત છે. હું કોણ છું? એ જ્યારે વ્યક્તિ સમજશે ત્યારે તે બીજાના અસ્તિત્વનું પણ રક્ષણ કરશે. આમ આત્મધર્મથી ઊંચો કોઈ ધર્મ નથી.
કોઈ ચોક્કસ હેતુ માટે આપણો જન્મ થયો છે ત્યારે તે ઉદ્દેશની પૂર્તિ માટે ચોક્કસ ફરજોનું પાલન કરવું તે મનુષ્યનો ધર્મ બને છે. નાના હતાં ત્યારે એમ કહેવામાં આવતું કે ધર્મ તારી રક્ષા કરશે એટલે ધર્મને તું જાણ. અને મોટા થયા તો એમ કહેવામાં આવે છે કે તારે ધર્મની રક્ષા કરવાની છે એટલે તું ધર્મને જાણ. વ્યક્તિની ખુદ માટેની, કુટુંબ, સમાજ અને દેશ માટેની ફરજો, એ તેનો ધર્મ છે. તે માટેની ક્રિયાઓનું નિયમન કરીને પાલન કરીશું તો જ આપણાં ધર્મની રક્ષા કરી શકીશું. ધર્મનું આચરણ કરવું એ ધર્મની મોટી રક્ષા છે. હિન્દુઓ વેદ, ગીતા તેમ જ અન્ય ગ્રંથોને તેમના આધ્યાત્મિક જીવનની દિવાદાંડી સમજે છે. ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મ એ છે જે વિશ્વને ધારણ કરે છે. આજે અંદરોઅંદર અનેક પંથો, સંપ્રદાયો, ધર્મના નામે અંધાધૂંધી ફેલાવશે અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મતભેદો ઊભા કરશે તો માનવધર્મ હણાશે. હણાયેલો ધર્મ માનવનું રક્ષણ કેવી રીતે કરશે? કળિયુગમાં સામાજીક વિષમતા જેવાં અધર્મી કૃત્યોનો નાશ કરીને માનવમાત્રમાં માણસાઇ પ્રગટાવવાનું કાર્ય ધર્મ કરે છે. માણસાઇ હમેશા ત્યાગ-બલિદાન તેમજ પ્રેમની અપેક્ષા રાખે છે. આત્મધર્મનું રક્ષણ કરવું માનવની ફરજ બની જાય છે.
હિન્દુ ધર્મની વાત કરીએ તો પૂજા, પાઠ, ભક્તિ, નિસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન માણસનાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન માટે જરૂરી બની રહે છે. જે યોગ્ય અભ્યાસ દ્વારા શક્ય બને છે. મંત્ર જાપ દ્વારા વ્યક્તિ તેની પ્રકૃતિ પર લગામ મૂકી શકે છે. અંગત સમયનો ભોગ આપી સમાજમાં ઉપયોગી બનવાનું ધર્મ શીખવે છે. તેમાં સેવા અને નિસ્વાર્થ ભાવના વિકસે છે. ભક્તિથી તત્વજ્ઞાનનું ચિંતન, મનન અને ધ્યાન કરીને જીવ અને શિવનું મિલન શક્ય બને છે. આમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી વ્યક્તિ કલ્યાણ માર્ગે જઇને આત્માની સમીપ જઇ શકે છે. અદ્વૈત માર્ગમાં આગળ વધે છે ત્યારે આપોઆપ ધર્મ તેનું રક્ષણ કરે છે.
કેટલી સુંદર વાત છે? આત્માની કેડી કંડારી, દ્‍ગુણોની સીડીને ધર્મ બનાવી, વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી શકે છે, એ જ મોક્ષ છે. ધર્મને શરણે જવું એટલે પરમતત્વને શરણે જવું. અંતે એકોહમ્‍ની સ્થિતિ પ્રાપ્ત કરવી. ના કોઈ ચિંતા, ના ડર. માત્ર શરણાગતિ. આ ધર્મ તમારૂં રક્ષણ કરશે.

૩૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચાર દિવસની ચાંદની, જાતાં નહીં લાગે વાર
જીવનમાં દરેક વસ્તુ ક્ષણિક છે. જેની આજ છે તેની કાલ છે. જે આવ્યું છે તે જવાનું છે. જેનો જન્મ છે તેનું મરણ છે, તો શા માટે હતાશામાં હસતાં ન રહેવું. રડતાં તો આ દુનિયા શીખવે છે. ઘા ખોતનારા તો અનેક છે. મલમપટ્ટો કરતાં જાતે શીખવાનું છે. હસતાં પોતે શીખવાનું છે, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું છે. આ તો જીવનની ઘટમાળ છે. માટે સુખને ભરપૂર માણીને જે ચેતી જાય તેને આવનાર અંધારી રાતમાં જીવવાનાં ઉપાય પણ મળી રહે.
દયારામે સરસ કહ્યું છે, “અમૂલખ લટકું લાભનું, ચેત્યાં તે પામ્યા પાર, ચાર દિવસની ચાંદની જાતાં નહીં લાગે વાર રે”. જે નાશવંત છે તેનો શોક શા માટે કરવો? તેના બદલે પરિસ્થિતિનો સામનો કરી આજને ઉજાગર કરવી. જેથી ચાંદની ચાર દિવસની ના રહેતાં સદાય જીવનમાં પથરાયેલી રહે. માટે જ આજની પેઢી નિરાશા. અસફળતા કે બ્રેકઅપને પણ સેલિબ્રેટ કરે છે. હતાશાની ક્ષણોને જીવનમાંથી ડિલીટ કરવી જોઈએ.
ટાર્ગેટ વગરનો માણસ હોઈ જ ના શકે. પરંતુ સવારે કામના લાંબા લિસ્ટ સાથે ઊઠતો માણસ અધૂરા રહી ગયેલાં કામનાં લિસ્ટ સાથે સોડ તાણે છે ત્યારે તે ભૂલી જાય છે કે ચાંદની ચાર દિવસની હોય છે. નિષ્ફળતા માટે બહાના શોધતો માણસ પોતે જ જવાબદાર હોય છે કારણ કે તેને પૂનમ પછીની અમાસનો અંદાજ નથી હોતો.
એક સરસ વાર્તા મેં વાંચેલી. એક સફળ કંપનીનાં ચેરમેને મિટિંગ બોલાવીને સૌને કહ્યું, આપણી કંપની આટલી સફળ છે પણ આપણે શું કરીએ તો આપણી કંપની દેવાળું ફૂંકે. સૌમાં આશ્ચર્ય સાથે ગણગણાટ શરૂ થયો. આ ચેરમેનનું દિમાગ છટક્યું કે શું? કંપનીને દેવાળામાં કાઢવાની વાત કરે છે! પણ શું થાય? સૌએ યાદી તૈયાર કરીને ચેરમેનને આપી. કંપનીનું દેવાળું ફૂંકવા માટે ના કારણોનું લિસ્ટ થોડાં જ સમયમાં તૈયાર! પછી ચેરમેને કહ્યું, કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે છે, ચાંદની પછી અંધારી રાત આવે છે. પરંતુ અંધારી રાત માટે તમે સૌ સભાન છો તો શક્ય જ નથી કે આપણી કંપની દેવાળું ફૂંકે. તમે જે લિસ્ટ બનાવ્યું છે તે ફાડીને ફેંકી દો. એ સિવાય હકારાત્મક રીતે તમે જે ધારો છો તે કરવા સજ્જ બની જાઓ. પછી ચાંદની જ ચાંદની છે. ચેરમેને કરાવેલી આ કસરત કંપનીને હંમેશા ટોચ પર રાખતી.
જો ચાંદની ચાર જ દિવસની હોય તો વ્યક્તિએ એ ચાર દિવસ નો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. જીવનમાં જે કરવાનું બાકી હોય તે કરીને બધાં જ અભરખા પૂરા કરવા જેથી વસવસો રહે નહીં. એનું નામ શાણપણ કહેવાય. પરંતુ શું કરવું છે તેની સાથે શું નથી કરવું તેની માણસને ખબર હોવી જોઈએ.
“કાલ કરતાં આજ કર, આજ કરતાં અબ, મૂળ વિનાનું દોગડુ, ગીર જાયેગા કબ.” પરીક્ષિત રાજાને તો નક્કી હતું કે સાતમા દિવસે મૃત્યુ છે એટલે કથા સાંભળવા બેઠા. પણ આપણે તો એ પણ નક્કી નથી, સવારે ઊઠીશું કે નહીં. માટે ચર્પટપંજરીકા સ્તોત્રમાં જીવનના આરે, મૃત્યુ સમીપ જનાર માટે, જીવનની ગતિ શું થશે એના માટે કહ્યું છે, અંગમ ગલિતમ,પલિતમ મુંડમ,દશનવિહીનમ જાતમ તુંડમ ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ ગોવિંદમ્ ભજ મૂઢમતે॥” અંગો ગળી ગયાં, માથાનાં વાળ પાકી ગયા, મોઢામાં દાંત રહ્યા નહીં, ઘરડો થઈ ગયો તો પણ આશા દેહને છોડતી નથી, તેથી હે મૂઢ! નિરંતર ગોવિન્દને જ ભજ. કબીરજી પણ જીવનની આ ચિંતનીય દશા વિશે દયા ખાતાં કહે છે કે, “ચાર પ્રહર ધંધે ગયા, તીન પ્રહર ગયા સોઇ, એક પ્રહર નામ બિન, તેરી મુક્તિ કૈસે હોય.” ગુરુ કહેતાં હોય છે, “બડે ભાગ મનુષ તન પાવા.” તો પછી માનવજીવનનો સદ્‍ઉપયોગ કરીને શા માટે ચેતીને ના ચાલવું?
જીવનની વાસ્તવિકતા અંગે સભાન વ્યક્તિ ક્યારેય અંધારી રાતનો અનુભવ નહીં કરે. હા, ક્યારેક એવો સમય આવશે તે પણ સિફતથી પસાર થઈ જશે. વ્યક્તિ જીવનમાં સંતુલન જાળવી શકશે. જીવનમાં જો અંધારુ જાણે કે અજાણે આવવાનું જ હોય તો તેના માટે ટોર્ચ કે ઇમરજન્સી લાઇટની તૈયારી રાખવા જેટલાં સભાન તો રહેવું જ જોઈએ.

૩૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

હાથી પાછળ કૂતરા ભસે

“હાથી પાછળ કૂતરા ભસે”, આ કહેવતનો ગૂઢાર્થ એવો થાય કે તમે ટીકા કરવાવાળા લોકો પર ધ્યાન ન આપો અને પોતાની મસ્તીમાં ચાલતા રહો. મદમસ્ત હાથી ચાલતો જાય છે અને પાછળ કૂતરા ભસે છે. હાથી પર તેની કોઈ અસર થતી નથી. આ વાર્તા જાણીતી છે.
ળિયુગમાં હાથી અને કુતરાની વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. હાથી બેફિકરો હતો. તે ગામમાંથી નિકળે ત્યારે પાછળ કૂતરા ભસ્યા કરતાં. પરંતુ હાથી તેની કદી પરવા કરતો ન હતો. ઘણાં સમય પછી કૂતરાઓના માલિકને થયું કે આમ કેમ ચાલે? તેથી તેમણે કૂતરાઓને ટ્રેનિંગ આપી. હાથી પાછળ એક સાથે કૂતરાઓ ભસતાં. ગામમાં શોરબકોર વધી ગયો. કૂતરાનાં માલિકોએ અફવા ફેલાવી કે હાથીને કારણે કૂતરાઓ ભયભીત બનીને શોરબકોર કરે છે. પરંતુ હાથીને કોઈ પરવા નથી. ગામના લોકો આ શોરબકોરથી કંટાળ્યાં. પણ કૂતરાઓને શું કરી શકે? તેથી તેમણે યુક્તિ કરી. હાથી જ્યાં સૂતો હોય કે આરામમાં હોય ત્યાં જઈને સળી કરવાની શરૂ કરી. પથરાં ફેંકે, કાંકરા ફેંકે, વગેરે. હાથી અકળાતો. તે જોઈને ચતુર માલિકો હાથીને વધુ હેરાન કરવા માંડ્યાં. આખરે હાથી ભાન ભૂલીને નાસભાગ કરવા માંડ્યો. કાંકરીચાળો કરનાર બારણાં વાસી ઘરમાં ભરાઈ ગયા. હાથી ગાંડો થઈ ગયો કહીને તેને બદનામ કરવા લાગ્યાં. આ છે આધુનિક સમાજમાં ટીકાખોરો અને અન્ય વ્યક્તિઓની પરિસ્થિતિ. લખનારે આ વાર્તા ખૂબ વિચારીને લખી છે. આ સંજોગોમાં શું કરવું જોઈએ?
ટીકા એટલેકે નિંદા, એ માનસિકતા છે. એકવાર વ્યક્તિને નિંદા કરવાની ટેવ પડી જાય એટલે જ્યાં સુધી તે કોઈ વસ્તુ, સંજોગો કે વ્યક્તિ વિશે અરે! ખુદ ઈશ્વર માટે પણ પોતાનો અભિપ્રાય નહીં આપે કે ટીકા નહીં કરે ત્યાં સુધી તેને ચેન નહીં પડે. તક મળે, સારી વસ્તુની ખરાબ બાજુ પ્રગટ નહીં કરે તો તે આકળવિકળ બની જશે કે તેને પેટમાં દુખાવો થશે. આ એક પ્રકારની વિકૃતિ કહી શકાય. ટીકા કરવાથી સંબંધો બગડે છે. જ્યારે સામેની વ્યક્તિની ખોટી રીતે કરેલી નિંદાને કારણે પાળેલાં કબૂતરની જેમ નિંદા તેની પર તે વ્યક્તિ દ્વારા પાછી આવે છે ત્યારે તે સમાજમાં ઉઘાડી પડી જાય છે. ત્યારે તે સહન કરવું અઘરું પડે છે.
ટીકા કરનાર બે પ્રકારનાં લોકો હોય છે. મોટે ભાગે સમાજમાં એવા લોકો તમારી આસપાસ જોવા મળશે કે તમે કંઈપણ કાર્ય કરો તેમનો પ્રતિભાવ તમારા માટે નકારાત્મક જ હશે. એમને તમારી ખૂબીઓ, કે જે તેમનામાં નથી તેવા લોકો માટે આ કહેવત સાચી છે. બાકીના કેટલાંક થોડાં લોકોની ગણતરી એવા લોકોમાં કરવી કે જેમની ટીકા મૂલ્યાંકન રૂપે હોય છે. તમને તે ટીકાસ્વરૂપ લાગે અને તમે અવગણો. પરંતુ જો શાંતિથી વિચારો તો જણાશે કે એ ટીકા પોતાનાં વ્યક્તિત્વમાં સુધારો લાવવા માટે જરૂરી છે. અહીં ટીકા સાબુનું કામ કરે છે. માટે લોકોની ટીકાઓને અવગણ્યા વગર સ્વસ્થતાથી સાંભળવાની આદત પાડવી જોઈએ. નિંદાને સહન કરી આગળ વધવું એ જ ડહાપણ છે. જીવનઘડતર માટે ક્યારેક ટીકા ઉપયોગી થઈ પડે છે. સંસ્કૃત વ્યાકરણનાં સર્જક પાણિની મુનિનો જશ તેમના જીવનમાં આવેલ ટીકાકારોને આભારી છે.
એક વાર્તા છે. એક સાધુ નદી કિનારે પથ્થરનું ઓશિકું બનાવી સૂતો હતો. ત્યાંથી પનિહારી નિકળી. એક કહે, સાધુ થયો પણ મોહ ગયો નહીં. ઓશિકા વગર ન ચાલ્યું. પથ્થરનું તો પથ્થરનું પણ ઓશીકું જોઈએ. સાધુએ તે સાંભળી પથ્થર ફેંકી દીધો.  ત્યારે બીજી કહે, સાધુ થયો પણ તુમાખી નહીં ગઈ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો. સાધુ વિચારે કે હવે શું કરવું. ત્યાં ત્રીજી બોલી, મહારાજ બધા તો બોલે રાખે. તમે તમારે હરિ ભજન કરો. પરંતુ ચોથીએ સાચી વાત કરી કે મહારાજ તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું નહીંતર આ લોકોની વાતમાં ધ્યાન ન આપત. સમાજમાં લોકો, ઊંચે જોઇને ચાલો તો કહે અભિમાની છે. નીચે જોઈને ચાલો તો કહે કોઈની સામે જોતો નથી. બધે જોએ રાખો તો કહે, ચકળવકળ જોયે રાખે છે. આંખ બંધ રાખો તો કહે દુનિયા સાથે લેવાદેવા નથી. આંખ ફોડી નાખો તો કહે કર્મોની સજા ભોગવી. લોકોને તમે પહોંચી શકતા નથી. મોરારીબાપુના મત અનુસાર સાધુ પુરુષ હાથી જેવો હોય છે. કૂતરા ભસે પણ પાછું વળી જોતાં નથી.
ડેલ કાર્નેગીએ કહ્યું છે, ટીકા પાળેલા કબૂતર જેવી હોય છે. પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે. ટીકા કરતી વખતે એક આંગળી ચીંધો ત્યારે ત્રણ આંગળી આપણી સમક્ષ પાછું વાળીને નિર્દેશ કરે છે, એ ના ભૂલવું જોઈએ. કોઈની ભૂલ બતાવતાં પહેલાં તેની પ્રશંસા કરી, કદર કરી પછી જે કહેવું હોય તે કહી શકાય. કારણ કે ક્યારેક વાણી જ કબર ખોદતી હોય છે. એક ઈંચની જીભ છ ફૂટના માનવીને ઘાયલ કરવા સમર્થ હોય છે.
ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે. જીવનમાં આગળ વધવું હોય તેણે પ્રશંસાની સાથે ટીકાને પણ સ્વીકારવી રહી. ટીકાકાર આપણાં દુર્ગુણોને શોધીને રજૂ કરે છે માટે લોકોનાં મંતવ્યોને મૂલવી, આપણી યોગ્ય ભૂલને સ્વીકારી  તટસ્થ રીતે કાર્ય કરતાં રહેવું જોઇએ. કોઇ ગાળ આપે તો તે આપણને ચોંટી જતી નથી પરંતુ તેનો પણ લાભ લેવો જોઈએ. પરંતુ હા, જે ટીકાનો માહોલ ઉભો કરીને નકારાત્મકતા સર્જે છે, સમાજને તોડે છે તેવા લોકોથી ચેતવું રહ્યું. આવનાર પેઢી કોઈથી ડરતી નથી. લોકો શું કહેશે? તે વિચાર્યા વગર પોતાની મસ્તીમાં જીવે છે. “હાથી પાછળ કૂતરા ભસે” કહેવતને સાર્થક કરે છે. આજનાં યુવાનોએ આ કહેવતને પચાવી છે.

૩૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

સૃષ્ટિને સુંદર જોવા માટે કવિ કલાપીની પંક્તિ યાદ આવી જાય, “સૌન્દર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.” ઝવેરચંદ મેઘાણીએ પણ કહ્યું છે, “સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે, છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા!” આપણું આંતરમન સકારાત્મકતાના પ્રકાશપુંજથી ભરપૂર હશે તો બહારનું કોઈ પણ પરિબળ આપણી દ્રષ્ટિને મલિન નહીં કરી શકે. એ વાત છે અભિગમની. દ્રષ્ટિકોણનો આધાર મનની પરિસ્થિતિ ઉપર નિર્ભર હોય છે.

સાદુ, સરળ જીવન જીવતી એક સામાન્ય સ્ત્રીની આ વાત છે. ન્યૂયોર્કમાં રહેતી અને નોકરી કરતી. એક દિવસ નોકરી માટે જતી હતી. રસ્તામાં તેણે એક નવી હેટની દુકાન જોઈ. તે અંદર ગઈ. તેને એક હેટ ગમી. તેણે માથા પર પહેરીને મિરરમાં જોયું અને તે હસી. હસતો ચહેરો તેની સુંદરતામાં વધારો કરતો હતો. તે ખુશ થઈ અને તેણે હેટ ખરીદી. રસ્તામાં કોફીશોપવાળાએ કહ્યું, મેમ યુ લુક બ્યુટીફુલ! એ જ્યાં જોબ કરતી હતી તે બિલ્ડિંગના ડોરમેને તેને સ્મિત આપ્યું. તેને સારું લાગ્યું. તેની કેબિનમાં આજુબાજુ બેઠેલાં અને પસાર થતાં બોસે તેને સ્માઈલ આપ્યું. એ એટલી બધી ખુશ થઈ કે કામમાં ચિત્ત ના રહ્યું. વહેલાં ઘેર જવાનું મન થયું. થોડું કામ કરીને નીકળી ગઈ. ઘેર પહોંચી જેવું દરવાજો ખોલી અંદર ગઈ કે એની માએ કહ્યું, તુ આજે ખૂબ સુંદર લાગે છે. એણે કહ્યું, મારી આ હેટને લીધે. એની માએ કહ્યું, કઇ હેટ? તેણે માથે હાથ ફેરવ્યો તો હેટ હતી જ નહીં. હેટ તેના મનમાં હતી. તેને થયું મેં ખરીદી હતી, પહેરી હતી. પછી એને યાદ આવે છે કે પેમેન્ટ કર્યું એ વખતે હેટ લેવાનું ભૂલી ગઈ હતી. પણ એના મનમાં એમ હતું કે એણે હેટ પહેરી છે અને એ બહુ સુંદર લાગે છે. હેટના વિચારમાત્રથી તેનામાં ખુશીના કારણે તેની સુંદરતામાં વધારો થયો હતો. તેની આંખોમાં ચમક અને ચહેરા પર લાલી આવી હતી. દ્રષ્ટિફેરથી પોઝીટીવ વિચાર કેવાં ચમત્કાર સર્જી શકે છે તે આ ઉદાહરણથી સમજાય છે.

વિચાર સંજોગોને બદલી શકે છે. સંજોગો બદલાતાં નથી. સોચ બદલો, દ્રષ્ટિ બદલો, દ્રષ્ટિકોણ આપોઆપ બદલાશે. પરિણામે સંજોગો બદલાશે. આપણી આંખોના ચશ્મા પર ધૂળ જામેલી હશે તો દુનિયા ધૂંધળી દેખાશે. ચશ્માના કાચનો જેવો રંગ હોય તેવા રંગની દુનિયા દેખાય. વાત થઇ અડધો ભરેલો કે અડધો ખાલી પ્યાલાની. કહેનારે કહ્યું છે, No poison can kill a positive thinker and no medicine can save a negative thinker. કેટલાંક લોકો ગુણગ્રાહી હોય છે. બીજાની ખરાબ વસ્તુમાં સારું શોધશે. તો વળી સફેદ પરદા પર કાળો ડાઘ જોવાવાળા પણ સમાજમાં છે. કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય. સંત કબીરે કહ્યું છે. “બુરા દેખન મૈં ચલા, બુરા ન મિલાયા કોઈ, જો મન ખોજા આપના મુઝસે બુરા ન કોઈ.” દુર્યોધનને રાજ્યમાંથી એક પણ સારી વ્યક્તિ મળી ન હતી. જ્યારે એ જ રાજ્યમાંથી યુધિષ્ઠિરને એક પણ ખરાબ વ્યક્તિ મળી ન હતી. સારી નજર કાદવમાં કમળ જોશે અને નકારાત્મક નજરવાળાને હંમેશા ગુલાબમાં કાંટા દેખાશે. માણસની વિચારસરણી જેવી હોય એવું જ એને દેખાય. એક સુંદર સ્ત્રી યોગીને શબ સ્વરૂપે તો વળી કામી પુરુષને અપ્સરા જેવી લાગશે અને હિંસક પ્રાણીને માત્ર માંસનો લોચો દેખાશે!

હકારાત્મક અભિગમ વળતરલક્ષી હોય છે. એડિસન ૬૭ વર્ષનાં હતાં ત્યારે તેમની લેબોરેટરીમાં આગ લાગી. મોટું નુકસાન થયું. પરંતુ તેમનો અભિગમ હતો, પોતાની અણઆવડતથી નુકસાન થયું છે તો હવે નવા વિચારોથી કામ કરીશું. વિજળીના બલ્બની શોધ કરનાર એડિસન હતાં. ઉમાશંકર જોશીની પંક્તિ છે, “નિષ્ફળતા મળી અનેક, સફળ થયો હું કૈંક.” આમ સાકાર દ્રષ્ટિકોણ આપણી જીતનો આધાર બને છે. યોગમાં કહેવાય છે કે શરીરને નિરોગી રાખવા માટે મન નિરોગી જરૂરી છે. હકારાત્મક વિચારો, ચિંતન, સૂચન કરવાથી મન હકારાત્મક બને છે. પરિણામે શરીર રોગનું ઘર બનતું અટકે છે.

એક શ્રીમંતે પરિવારને સંયુક્ત રહેવા માટે મોટી હવેલી બનાવી. રહેવા જવાના આગલા દિવસે હવેલી ધરતીકંપમાં ધરાશયી બની. કરોડોનું નુકસાન થતાં સૌ દુઃખી થયાં પરંતુ એ શ્રીમંતે મીઠાઇ વહેંચી. તેમનો અભિગમ હતો કે રહેવા ગયા પછી આ ઘટના બની હોત તો સૌના જાન જાત. કુદરત પણ કેટલી મહેરબાન છે!

જીવનમાં જે થવાનું છે તે થઈને જ રહે છે. પરંતુ જો તે ઘટનાને હકારાત્મક રીતે લઈએ તો દુઃખ હળવું બને છે. આમ જીવનમાં સંજોગોને હળવા બનાવીને જોવાથી જગત બદલાશે. નજર બદલવાથી નજારો બદલાશે. અંતે લાગશે કે આપણે જ આપણાં ભાગ્યનાં વિધાતા છીએ!

૨૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચા કરતાં કીટલી ગરમ

આ કહેવત કટાક્ષ વ્યક્ત કરે છે. મારાં જ ઉદાહરણથી સમજાવું. મારાં પતિ અમદાવાદમાં ડૉક્ટર. ઘરમાં જ ક્લિનિક. કોઇ પેશન્ટ કસમયે ઇમરજન્સી વગર દવા માટે આવે તો તેમનો ગુસ્સો જાય. બપોરે આરામના સમયે, એક પેશન્ટે ઉપરાઉપરી બેલ માર્યો. મેં ઉપલા માળે લોબીમાં આવીને જોયું કે કોઈ ઇમરજન્સી ન હતી. તે જાણીને મેં કહ્યું, “ડોક્ટરને આવતાં થોડી તો વાર લાગે ને? આટલાં બધાં બેલ? થોડી રાહ તો જુઓ”. ઉંઘમાંથી ઉઠેલી હું થોડી અકળાયેલી હતી. ત્યાં તો એ ભાઈ બોલ્યાં, અહીં તો ચા કરતાં કીટલી ગરમ છે! અહીં મારાં પતિ કરતાં મારાં ગરમ સ્વભાવની વાત છે.

એક બીજી વાત. એક કરોડપતિ શેઠ હતાં. સમાજમાં તેમનું મોટું નામ. તેઓ સ્વભાવે સરળ. આથી નાત, પરિવાર અને ગામમાં પૂછાય અને પૂજાય. તેમનો મુનીમ અત્યંત ક્રોધી, અક્કડ અને લુચ્ચો માણસ. પરંતુ શેઠનાં મુનીમ તરીકે રોફ મારવામાં પાવરધો. શેઠનું કામ હોય તો મુનીમના ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડે. તે પોતે જાણે શેઠ હોય તેમ વરતે. એક દિવસ એક વિધવા, શેઠ પાસેથી મદદ માંગવા આવેલી. મુનીમે તેને પૂરી વાત સાંભળ્યા વગર તગેડી મૂકવાની પેરવી શરૂ કરી, ત્યાં જ બહારથી શેઠ આવ્યાં. તેમણે ગરીબ બાઇની વાત સાંભળી અને તેને મદદ કરવાનું કહ્યું. બાઇ શેઠના પગમાં પડી. મુનીમનાં સ્વભાવ માટે સૌ બબડ્યાં કે અહીં તો ચા કરતાં કીટલી ગરમ છે.

આ વાત માત્ર આ શેઠની નથી. સમાજમાં ઠેર ઠેર અત્યારે આ જ ચાલી રહ્યું છે. શેઠ નીચેના માણસોને પોતે કંઈક નહીં પણ સર્વસ્વ છે તેવી પ્રદર્શનવૃત્તિનો નશો હોય છે. આમેય માનવમાત્રને દેખાડો કરવાની આદત હોય છે. પોતે છે તો બધું જ ચાલે છે. તેમના વગર બધું અટકી પડે તેવા મદમાં ભાન ભૂલીને સત્તાનો દેખાડો કરવાનું માનવ ચૂકતો નથી. ચા કરતાં કીટલી ગરમ અનુસાર બૉસ મોટેભાગે સારા, સમજુ અને ઉદાર હોય છે. ખાસ કરીને ભારતમાં સરકારી નોકરીમાં વધુ પ્રમાણમાં આવા બનાવો બને છે. સાહેબનો આસિસ્ટન્ટ કે પટાવાળો વધુ અકડાઈ કરે છે. લોકોનાં કાગળિયા દબાવી રાખે, નાની નાની બાબતો પર જરૂર વગરની બૂમાબૂમ કરે. ઓફિસના બીજા લોકો પણ તેમના સ્વભાવથી ટેવાઇ જાય અને કહે, જવા દો ને એમને તો આદત જ છે! રોફ જમાવવાની. પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેમજ ટ્રાફિક પોલીસમાં આ ઉક્તિ વધુ લાગુ પડે છે. જેને કારણે આમજનતા હેરાન થાય છે. પોલિટિશિયનો કે કલાકારોનાં બોડીગાર્ડનું વલણ કલાકારો કરતાં પણ ગરમ મિજાજી હોય છે. ધર્મગુરુઓમાં પણ તેમના મુખ્ય ચેલા “ચા કરતાં કીટલી ગરમ” જેવો વ્યવહાર કરતાં હોય છે. ઘણીવાર અયોગ્ય પાત્રને સત્તા સોંપાઈ જાય ત્યારે તેઓ એનું પ્રદર્શન કરતાં હોય છે. ઘણીવાર સત્તાનો નશો માણસને આંધળો બનાવી દે છે અને તે જરૂર વગરનો વટ મારે છે.

ઉનાળામાં સૂર્યનો તાપ જેટલો બાળે છે તેના કરતાં તેનાથી તપેલી રેતી વધુ દઝાડે છે. આમ પોતાની લાયકાત કરતાં પણ વધુ સારું પદ મેળવનાર હલકા માણસની હલકી વૃત્તિ, મિજાજ ક્યારેક લોકો માટે અસહ્ય બની જાય છે. અસંસ્કારી લોકો અચાનક મળી ગયેલી સત્તાનો ભાર સહન કરી શકતાં નથી. માલિક કરતાં ચોકીદાર, ડૉક્ટર કરતાં કમ્પાઉન્ડર દોઢડાહ્યા હોય છે. તેમની ગેરહાજરીમાં બોસ થઈ બેસે છે.

મોદીજીના રાજમાં હવે કીટલી ગરમ નથી રહી. મોદીજીએ સ્વચ્છ ભારતની ઘોષણા કરીને ઝૂંબેશ ઉઠાવી છે ત્યારે ઠેરઠેર ચા કરતાં કીટલી ગરમ ના રહે તે માટેના પ્રયત્નો શરૂ કર્યાં છે. દરેક જગ્યાએ જ્યારે હાથ નીચે કામ કરનાર વ્યક્તિનું માનસિક પ્રદૂષણ દૂર થશે ત્યારે વ્યક્તિ, સંસ્થા, કુટુંબ અને સમાજની સાથે પર્યાવરણ સુધરશે અને સ્વચ્છ, સંસ્કારી સમાજનું નિર્માણ શક્ય બનશે.

૨૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સાચને આવે આંચ

સત્યમ્ શિવમ્ સુન્દરમ્. “ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ.” સત્ય જો શાશ્વત હોય તો ભલા તેને આંચ કેવી રીતે આવે? ઓશોએ કહ્યું છે, “આનંદ સત્ય કી પરિભાષા હૈ.” સત્ ચિત્ આનંદ માણસની મૂળ પ્રકૃતિ રહી છે.

સમય, સાબિતીની રાખ તેના પરથી ઉડી જાય છે ત્યારે નગ્ન સત્ય અસલ સ્વરૂપે પ્રગટ થાય છે. આવા સોહામણા સત્યને કળિયુગના પ્રભાવ તળે માનવનો રાક્ષસ સ્વભાવ કદરૂપુ બનાવી દે છે. પછી કોર્ટમાં કઠેડામાં ઊભા રહીને દરેક વ્યક્તિ પોતાની જુબાનીમાં ગીતા પર હાથ મૂકીને કહે છે, હું જે પણ કહીશ તે સત્ય કહીશ.” સત્ય એક જ હોય છે તો પછી એક જ કેસ માટેની દરેક જણની જુબાની સત્ય કેવી રીતે હોઈ શકે? માનવનું દાનવરૂપ અલગ અલગ દ્રષ્ટિકોણથી પ્રગટ થાય છે. સીધા-સાદા સત્યને પૂરવાર થતાં ક્યારેક વર્ષો નીકળી જાય છે. કોર્ટમાં સત્યમેવ જયતે લખેલું હોય છે છતાં ક્યાંક સત્યનો વિજય થાય છે તો ક્યારેક સત્ય સુપ્રીમ કોર્ટમાં પણ મૂંગે મોંઢે હાર સહન કરી લે છે. પરંતુ મૃત્યુથી પર ચિત્રગુપ્તની સભામાં દેવ હોય કે માનવ, કરેલાં કર્મોનાં લેખાજોખામાંથી બાકાત રહી શકતો નથી. સત્ય પ્રગટ થઈને પૂરવાર થાય જ છે. આખરે સાચને ન આવે આંચ.”

ક્યારેક જૂઠું બોલવાથી અંદર બેઠેલો ઈશ્વર તમને ટોકે છે. તમને ગમતું નથી કે તમે અસત્ય બોલી રહ્યાં છો છતાં પણ ગભરું માનવ ડરથી, પોતે કરેલાં પાપથી બચવા અસત્યનો સહારો લે છે. આ કળિયુગનું પ્રમાણ છે પરંતુ જેણે સતનો સં કરેલો છે એટલે કે સત્સંગ સાથે જોડાયેલો છે એવી વ્યક્તિ સત્યના રાહ પરથી ડગતી નથી.

સત્યથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી પરંતુ જૂઠું બોલવું એ કળિયુગનો મંત્ર બની ગયો છે. હા, સત્યને સાબિત કરવા ધીરજ ધરવી પડે છે. એક જૂઠને સાબિત કરવા સો વખત જૂઠું બોલવું પડે છે. જ્યારે સત્ય બોલવું સરળ હોય છે, તેના માટે કોઇ વિચાર કરવો પડતો નથી. છતાં લોકો જૂઠું બોલતાં અચકાતાં નથી. જૂઠના પાયા પર ઊભી થયેલી ઇમારત ક્યારે કકડભૂસ થાય અને તેનાં માઠાં પરિણામ આવે એ તો ઈશ્વર જ જાણે! સત્યને મઠારીને બોલવું તે પણ એક કળા છે. જેમકે મહાભારતનાં યુધ્ધમાં “અશ્વત્થામા મરાયો, હાથી પણ હોઇ શકે.”

માના પેટમાંથી બાળક મોબાઈલ એપની સાથે સત્ય અસત્ય શીખીને બહાર આવે છે ત્યારે હમણાં મીલપીટાસ હવેલીમાં વિદ્યામંદિરના થી ૧૩ વર્ષની ઉંમરનાં બાળકોએ ઉત્સવ ઉજવ્યો. જેનો થીમ સત્યમેવ જયતે હતો. પુષ્ટિમાર્ગના પાયાના સિદ્ધાંતમાં સત્ય અને સત્સંગ છે. તે સમજાવતી સ્કીટ, શ્લોકો, ગરબા અને નાટક રજૂ કરીને લોકોને પ્રભાવિત કર્યાંતાં. કૂમળો છોડ વાળીએ તેમ વળે. જો સત્ય વિશે પ્રહલાદ, યુધિષ્ઠિર, સત્યવાદી હરિશ્ચંદ્ર, નરસિંહ મહેતા, ગાંધીજીની વાતોને પોતાના ધર્મ સાથે સાંકળીને બાળકો દ્વારા રજૂ કરવામાં આવે તો આ ધર્મનાં મૂળ ઊંડા જવાનાં અને આવનાર પેઢીનું ભવિષ્ય ચોક્કસ ઉજળું રહેવાનું. બાળક ધર્મ સાથે જોડાયેલું રહેશે તો તે સારા-નરસાનો, સત્યઅસત્યનો વિવેક શીખશે. અને પોતાની જાતને બચાવીને પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવી શકશે. ગીતા હોય કે બાઇબલ, દરેક સંપ્રદાય સત્યનો મહિમા ગાય છે. સત્યનું આચરણ એ ધર્મનું એક અંગ છે. અસત્ય પર સત્યની જીત એટલે નવરાત્રી પછી આવતો વિજયાદશમીનો તહેવાર. હોલિકાનું દહન એટલે સત્યનો વિજય.

સત્ય ભલે કડવું, કપરું કે આકરૂ હોય, એને સિદ્ધ કરતાં નાકે દમ આવે પરંતુ સત્યથી એક પ્રકારની ચેતનાનો પ્રકાશ પ્રગટશે. જેનાથી અંતઃકરણમાં અજવાળું થશે. જેનાથી દગો, લો, મોહ, અહંકાર, રાગ, દ્વેષ વગેરેની મલિનતા દૂર થઈ શુદ્ધતા, સાત્વિકતા, સરળતા, અને સહજતાનો પ્રકાશ આવિર્ભાવ થશે. આ જ ધર્મ છે. જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે દેશની આઝાદી મેળવી હતી.