૪૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

કહ્યો કુંભાર ગધેડે ના ચડે

માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે અને તેનું ધાર્યું જ કરે પછી પાછળથી સમજાય. કહોને કે વાર્યા વળે નહીં, હાર્યા વળે. પણ જ્યારે જીવનમાં યુ ટર્નની કોઇ શક્યતા જ ન રહે ત્યારે શું થાય?

હમણાં ચીનના વાઇલ્ડલાઇફ પાર્કનો એક વીડિયો વાયરલ થયો છે. પાર્કમાં ઘણાં બોર્ડ પર લખેલું હોય છે કે કારને બરાબર લોક કરવી અને કારમાંથી કોઈએ ઊતરવું નહીં. પણ એક પરિવારની એક મહિલા કારમાંથી ઉતરી અને બીજી બાજુથી ગાડીમાં બેસવા જતાં વાઘ આવીને તેને ઢસડીને લઈ ગયો. બીજી મહિલા પર પણ આ જ થયું. પરિણામે બંને જાન ખોઈ બેઠાં. ઘણી વખત થાય કે ભણેલા-ગણેલા પણ યોગ્ય વાતને સમજવા તૈયાર ના થાય અને ધાર્યું જ કરે, ત્યારે કહેવાય કે, કહ્યો કુંભાર ગધેડે ના ચડે. જ્યારે જાન જાય ત્યારે યુ ટર્નની શક્યતા જ નથી હોતી.

બાળપણમાં વડીલો પાસેથી ઘણી વખત સાંભળેલી આ કહેવત છે. “કહ્યો કુંભાર ગધેડે ના ચડે”. પણ હમણાં વાંચવામાં આવ્યું કે ખરેખર તો કહેવત આ છે કે, “કીધે કુંભારે કોઈ ગધેડે ના ચડે”. તેની એવી વાર્તા છે કે, કુંભાર પોતાના ચાર ગધેડા લઈને જતો હતો. એક ઉપર પોતે બેઠો હતો ને બીજા ત્રણ પર કોઈ બેઠું ન હતું. રસ્તામાં ત્રણ વટેમાર્ગુ મળ્યાં. કુંભારે પૂછતાછ કરતાં બધાની મંઝિલ એક જ હતી. રસ્તો બહુ લાંબો કાપવાનો હતો તેથી કુંભારે કહ્યું, તમે ચાલીને થાકી જશો. આ ત્રણ ગધેડા પર તમે સવાર થઈ જાવ. પેલા ત્રણેય લોકોએ શરમ અનુભવી અને ના બેઠાં. અમુક કિલોમીટર અંતર કાપ્યા પછી થાક્યા હોવાથી તે ત્રણેય મુસાફરો ગધેડા પર બેસી ગયાં અને કુંભારને પૂછવા પણ ના રોકાયા. આના પરથી કહેવત પડી કે, “કીધે કુંભારે કોઈ ગધેડે ના ચડે.” પરંતુ સમય જતાં “કીધે કુંભારે” માંથી “કીધે કુંભાર” એટલે કે “કહ્યો  કુંભાર” ચલણમાં આવ્યું, જે ઘણી વખત વપરાશમાં લેવાય છે.

ગધેડો કુંભારનું વાહન કહેવાય. ગધેડાને બુદ્ધિ વગરનું પ્રાણી કહેવાય છે માટે તો બિચારો ભાર વઢેરે છે. ડફણા ખાય છે. કુંભાર નદીએથી ગધેડા પર માટી ભરીને લાવે. જ્યારે ગધેડા પર માલ ના હોય અને લાંબુ અંતર કાપવાનું હોય ત્યારે જો તેને કહીએ કે તું ગધેડા પર બેસી જા અને એ ના બેસે, અંતે હારી-થાકીને બેસે.

આજના યુવાનની દશા કુંભાર જેવી છે. પોતાના મનની અશાંત દશા તેને બદલવી છે પણ જીવનની ખોટી દિશા બદલવા તે તૈયાર નથી. દિશા બદલ્યા વિના દશા બદલાય એ શક્ય નથી. દુનિયાની દરેક વસ્તુ એવી હોય છે જે ઠોકર ખાઈને તૂટી જાય છે, પણ એક સફળતા જ એવી વસ્તુ છે જે ઠોકર ખાઈને જ મળે છે. યુવાનીને કામયાબી સાથે ઠોકરનો પણ નશો જોઈએ છે. એક ૩૫ વર્ષની છોકરીએ મને કહ્યું,” આંટી, અમારે પણ અનુભવ કરવા હોય છે. કેમ, વડીલો કહે તે જ કરવાનું? ભલે પછી તેનું પરિણામ સારું આવે કે ખરાબ. અમને અમારી રીતે આગળ વધવું છે.” વાત વિચારવા જેવી છે! બાળક સમજતું થાય ત્યારથી સ્વતંત્ર વિચાર ધરાવતું થઈ જાય છે. આજની હવામાં, શ્વાસમાં સ્વ લે છે, તો બહાર પણ એ જ આવશેને? કારણ કે તેના ઘટઘટમાં સ્વનો વાસ જોવા મળે છે. પરંતુ શા માટે જાતે ઠોકર ખાઈને પીડા અનુભવવી? શું બીજાની ઠોકરો અને પીડા જોઈને આપણે સફળતા હાંસીલ ના કરી શકીએ? જો કે, આ દરેકની અંગત બાબત છે. સમય અને સંજોગો એને શીખવાડી દે છે. પરંતુ ક્યારેક મોડું થઈ ગયું હોય છે.

જો કે હવેનો જમાનો એ નથી કે કોઈના કહે કરવું. જીવનમાં ઠોકરો ખાવાનું માણસને ગમે છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઊતરવું જ પડે. પરંતુ ભણતરની સાથે કોઠાસુઝ જો આજનો યુવાન કેળવે તો સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ ઊભી થાય. માત્ર પુસ્તકના કીડા બનવાથી જીવન જીવવાની કળા નથી શીખાતી. અને પછી ભાગ્યને દોષ આપવાનો કોઈ અર્થ રહેતો નથી. વિવેકબુદ્ધિને સૂક્ષ્મ, સંવેદનશીલ રાખીને ઊંચે ઉઠવાનું છે, ધ્યેયસિદ્ધિ કરવાની છે. તે માટે પોતાના આગ્રહ, દુરાગ્રહ અને પૂર્વગ્રહોને છોડવાં પડશે. જરૂર પડે પોતાની જાતને બદલવી પડશે.

૩૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

અતિ હંમેશાં વિનાશ નોંતરે છે!

સંસ્કૃતમાં વાક્ય છે, “અતિ સર્વત્ર વર્જ્યતે”. કોઈપણ ચીજની અતિશયોક્તિ, વિનાશની ખાઈ તરફ ધકેલે છે. એક ચૌદ વર્ષના કિશોરે, તેના પિતાએ ગેમ રમવા માટે મોબાઈલ ફોન ન આપતાં આત્મહત્યા કરી. આ એક ચોંકાવનારો બનાવ કહેવાય. આજના ટેક્નોલોજીના યુગમાં પાંચ વર્ષનું બાળક પણ ખાવા પીવા કરતાં મોબાઈલ ગેમમાં વધુ રસ દાખવે છે ત્યારે આ આદત માનસિક બીમારી નોંતરે છે. તે તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે, જેને ગેમિંગ ડિસોર્ડર કહી શકાય. વાલીઓએ ચેતવાની જરૂર છે. આ પ્રકારનું વ્યસન નશાનો એક પ્રકાર કહેવાય. સામાન્ય રીતે આપણે દારૂ, સિગરેટ, જુગારને વ્યસન તરીકે ઓળખી છીએ, પરંતુ કોઈપણ ચીજનો અતિરેક એ વ્યસન છે. વ્યસન અનેક ચીજનું હોઈ શકે. પછી તે રમત હોય, સોશિયલ મીડિયા હોય કે ડ્રગ્સ લેવાથી હોય. સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ માટે એમ કહેવાય છે કે તેઓ સ્ટેટસ, ફોટો કે વીડિયો મૂકે પછી તેમને તણાવની લાગણી થાય છે. કેટલી લાઈક આવી? કોની કોમેન્ટ આવી? વગેરે જાણવાની ઉત્સુકતા રહે છે. અને એ પણ બીજા અગત્યનાં કાર્યોના ભોગે!

યુવાવર્ગ પણ માહિતીના આદાન-પ્રદાન માટે નેટ પર સતત રહે છે. અહીં અતિશયોક્તિ જ્યારે થાય છે ત્યારે ધીમેધીમે યુવાન આદતનો શિકાર બને છે. પોતાની જાત પર સંયમ ખૂબ જરૂરી છે. સગવડતાના ગુલામ બનવા કરતાં જરૂર જેટલો તેનો લાભ લઈ સ્વવિકાસ જેટલો સ્વાર્થી આજનો યુવાન જો બને તો ખુદ માટે, તેના કુટુંબ, સમાજ અને કારકિર્દી માટે હિતકારી છે. અહીં પ્રશ્ન થાય છે, શું સોશિયલ મીડિયા માણસને જીવંત રાખે છે? જો સમજીને ઉપયોગ થાય તો શાનદાર અને નાસમજ ઉપયોગ ખતરનાક નીવડે છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટની શોધ થઈ એવા યુ. એસ. કરતાં પણ વધુ એફ. બી. યુઝર્સ ભારતમાં છે અને તેનો સૌથી વધુ ઉપયોગ કરનારાઓમાં ૧૮ થી ૨૪ વર્ષ વચ્ચેના યુવાનો છે. આમ સોશિયલ મીડિયાથી માણસ ફેસ ટુ ફેસ મળવાનું ભૂલી ગયો છે. પરંતુ જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો તેનાથી માણસ જીવંત અને ઊર્જાવાન રહે છે. સીનીયર લોકો કે જેનું હલન-ચલન સીમિત બને છે તેમનાં માટે સોશિયલ મીડિયા તેમની લાકડી બનીને રહે છે, તે નિર્વિવાદ છે.

કોઈપણ પ્રકારની ચિંતાનો અતિરેક પણ જીવનમાં દરેક સ્તરે ઘાતક નીવડે છે. Everything in excess is bad whether good or bad. વધુ પડતું ગળ્યું પણ નહીં સારું. જીવનમાં એટલા કડવા ના બનો કે લોકો તમને થૂંકી દે અને એટલા ગળ્યા ના બનો કે લોકો તમને ચૂસીને ફેંકી દે. ભોજનમાં કોઈ પણ મસાલાનો અતિરેક થાય તો તે બેસ્વાદ બની જાય છે. જીવનમાં પણ કોઈપણ રસનું પ્રમાણ વધે તો જીવન બેસ્વાદ બની જાય છે. અતિ પ્રેમ, સુખ-દુખ, રાગ-દ્વેષ, ગુસ્સો, ઉદાસી, આનંદ, ભજન, ભોજન, નિંદ્રા કે કોઈપણ ભાવનો અતિરેક વિનાશ નોંતરે છે.

ખ્યાતિનો પણ એક નશો હોય છે. પૈસો અને પ્રતિષ્ઠાની લાલચ માનવને પતનની ખાઇ તરફ ધકેલે છે. વધુ અને વધુ પૈસો અને પ્રતિષ્ઠા અતિ મહત્વકાંક્ષી બનાવે છે. મહત્વકાંક્ષા એ માનવ વિકાસની કરોડરજ્જુ છે. સપના જોવા એ વ્યક્તિ માટે સ્વાભાવિક છે જેનાથી તે વિકસે છે. પરંતુ વધુ પડતી ઈચ્છાઓ અને પોતાના બાહુબળથી અતિ મહત્વકાંક્ષાનો અજગર જ્યારે માનવનો ભરડો લે છે ત્યારે તે માનવનું ભક્ષણ કરે છે. વિનાશ નિશ્ચિત થાય છે જ. હાલમાં અતિ મહત્વકાંક્ષી, સી. સી. ડી.ના માલિક સિદ્ધાર્થ અને રાજ ટ્રાવેલ્સના લલિત શેઠનો આપઘાત આ બાબત સાબિત કરે છે. ઉંચા વિચારો એ માનવ વિકાસ અને સિદ્ધિ માટે જરૂરી છે પરંતુ તે માપસર હોવું જોઈએ. દેવું થઈ જવાને કારણે એકનો મૃતદેહ નદીમાંથી તો બીજાનો મુંબઈના દરિયામાંથી, બ્રિજ પરથી કૂદકો મારવાના કારણે મળી આવ્યો. અત્યંત સફળ થતાં હોય, વિશ્વભરમાં નામ હોય છતાંય મહત્વકાંક્ષા બેસુમાર હોય ત્યારે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે અને તે નામશેષ બની જાય છે.

આજના યુવાનને આ મેસેજ છે. અતિના કારણે તણાવ, બીપી, માનસિક બીમારી, સંઘર્ષ, શરીરનું અને મનનું ખોટવાવું પરિણામે અસફળતા અને નશીલા પદાર્થોનું સેવન કે આપઘાત! આ જીવનમાંથી પાઠ લેવાનો છે કે ક્યાં બ્રેક મારવી. માત્ર યુવાને જ નહીં બાળકથી માંડીને વૃદ્ધોએ પણ સમજવાની જરૂર છે. દરેક અવસ્થાની પોતાની ગરિમા હોય છે. જો વ્યક્તિ તે સમજી જાય તો પોતાની આવડતથી પોતાના જીવનને સુંદર બનાવી તેનાં મીઠાં ફળ પરિવાર સહિત ભોગવી શકે છે.

ગીતામાં શ્રીકૃષ્ણે જ્ઞાનીજનો માટે જીવન જીવવાની ફિલસુફી સમજાવી છે. વિજય મેળવવા માટે સમતા અને અસમાનતા નો સમન્વય કરીને શાંતિનો ઉપદેશ આપ્યો છે. માનવ અસમાનતાના બીજનો નાશ કરીને ગીતાનું જ્ઞાન આચરણમાં મૂકે તો સમાનતાનાં સારા ફળ મેળવી શકે છે. અતિની કોઈ ગતિ નહીં માટે અતિનો ત્યાગ કરવો જ રહ્યો.

૩૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

તમે જ તમારા ખુદા બનો

મરીઝે સુંદર કહ્યું છે, રસ્તો બનો તમારો તમારી દિશા બનો, દુનિયાના બંધનોથી જો હો છૂટવું મરી બસ આજથી તમે જ તમારા ખુદા બનો!” બીજા દ્વારા કોઈનું પણ ધ્યેય કે કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. આ વાત સાબિત કરતી એક સરસ વાર્તા છે.

શિયાળાની કાતિલ ઠંડી હતી. એક સાંજે રાજા તેના મહેલમાં દાખલ થયો. મુખ્ય દરવાજા પર એક દરવાન જૂની જર્જરિત વર્દીમાં ઉભો હતો. બાદશાહે તેને જોઈને તેની સવારી રોકી અને વૃદ્ધ દરવાનને પૂછ્યું કે તને ઠંડી નથી લાગતી? દરવાને કહ્યું, શું કરું? ઠંડી તો લાગે છે, પણ મારી પાસે ગરમ વસ્ત્ર નથી. એ વૃદ્ધ ખૂબ ધ્રુજી રહ્યો હતો. રાજાએ કહ્યું, હું હમણાં મહેલમાં જઈને ગરમ કપડાં મોકલું છું. દરવાને વળીવળીને રાજાને સલામ કરી. બાદશાહ મહેલમાં દાખલ થતાં જ વૃદ્ધને કરેલો વાયદો ભૂલી ગયો. સવારે દરવાજા પર વૃદ્ધની ઠંડીમાં કડાઈ ગયેલી લાશ જમીન પર પડેલી જોવા મળી. ત્યાં માટી પર તેણે આંગળીથી લખેલું, બાદશાહ સલામત! હું ઘણાં વર્ષોથી ઠંડીમાં મારી આ જ વર્દીમાં પહેરો ભરતો આવ્યો છું. પરંતુ કાલે રાત્રે તમે કરેલા ગરમ વર્દીનાં વાયદાએ મારી જાન લીધી.”

કોઈએ કરેલો મદદ માટેનો વાયદો, સહારો માણસને ખોખલો, કમજોર કરી દે છે. પોતાની તાકાત પર, પોતાની શક્તિ પર ભરોસો કરતાં શીખવું જોઈએ. પોતાનાથી સારો દોસ્ત, સાથી, ગુરુ બીજું કોઈ હોઈ જ ના શકે. આત્મા અને પરમાત્માની વચ્ચે ગાઢ સંબંધ હોય છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મા અને પરમાત્માના સંબંધને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સ્વીકારી લે છે ત્યારે તે પોતે સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરે છે. આત્મબળવાળો મનુષ્ય યશસ્વી હોય છે. તે ક્યારેય બિચારો કે પરાધીન બનીને જીવનમાં હારતો નથી. પોતાનાં જ મન, શરીર, આત્મા થકી દરેક કાર્ય પાર પાડવાં પડે છે. મજબૂત આત્મબળ જ જિંદગીની તમામ મુશ્કેલીઓનો ઈલાજ છે. પરાધીનતાને બદલે સ્વાશ્રયી બનવાનું ધ્યેય રાખી જીવન જીવીએ તો સુખનો સૂરજ સદાય તપતો જ રહેશે. માણસે પોતાની કાર્યસિદ્ધિ અને સફળતાનો રીમોટ પોતાની પાસે જ રાખવો જોઈએ.

જગતભરનાં પક્ષીઓ સૂર્યોદય થતાં જ ખોરાકની શોધમાં નીકળી પડે છે. કરોળીયો અનેક વાર ભોંય પર પછડાય તો ય જાળું કરવા પ્રયત્નશીલ રહે છે. માછલી સતત તરતી રહે છે. પક્ષી માળામાંથી સળીયો કાઢે છે અને બચ્ચાં જાતે ઉડતાં થઈ જાય છે. માણસને ભગવાને બે પગ પ્યાં છે પણ તે પગભર નથી બનતો. તેને ખુદાએ ડ્યો પણ તેની અંદરની ખુદીને બુલંદ કરતાં ના શીખ્યો. પોતાના જીવનનું નિર્માણ પારકા પર અવલંબન રાખ્યા વગર કરવામાં આવશે તો જ તમે તમારા તારણહાર બની શકશો.

વૃદ્ધ લોકોએ ખાસ શીખવાની જરૂર છે. શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે ત્યારે બીજા પર જેટલું અવલંબન વધારશો તેટલાંશક્ત બનાશે. જેટલું આત્મનિર્ભર રહેશો તેટલાં જ સ્વનિર્ભર રહીને આત્મસમ્માનથી શેષ જિંદગી નીજ મસ્તીમાં વ્યતિત કરી શકશો. પોતે જ પોતાની લાકડી બનીને જીવવું જેથી ખુદાને પણ સાથ આપવાનું મન થાય.

માણસ અને પશુમાં આ જ તફાવત છે. માણસ પસંદગી કરી શકે છે કે શું સારું છે અને શું ખોટું. જાગૃત મન જે ધારે છે અને પસંદ કરે છે તેને અર્ધજાગૃત મન સાચું માનીને સ્વીકારીને સાકાર કરે છે, ઘાટ આપે છે. માટે માણસને તેના ભાગ્યનો વિધાતા કહ્યો છે. જિંદગી ત્યારે સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે. ભીખમાં મળેલાં રોટલામાં લાચારી હોય છે અને મહેનતનાં રોટલાની મીઠાશમાં આબાદી!

૩૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

દૂધ ઢોળાઈ ગયા પછી રડવાનો શો મતલબ?

એક પ્રખ્યાત વૈજ્ઞાનિકની સફળતા પાછળનું રહસ્ય બતાવતી એક વાર્તા છે. એ વખતે તેઓ ચાર વર્ષનાં હતાં. એક વખત ફ્રીજમાંથી દૂધની બોટલ કાઢતાં તેમના હાથમાંથી બોટલ લપસી પડી. નીચે પડતાં દૂધ ઢોળાઈ ગયું. ફરસ પર જાણે દૂધની નદી! તેમની મા રસોડામાં દોડી આવી. તે ગુસ્સે થવાને બદલે, રાડ પાડી સલાહ કે ભાષણ આપવાને બદલે, સજા કરવાની જગ્યાએ બોલી, “રોબર્ટ, તેં તો જબરુ દૂધ ઢોળ્યું! દૂધનું આવડુ મોટું ખાબોચિયું તો મેં પણ આજે જ જોયું! જે નુકસાન થવાનું હતું તે તો થઈ ગયું પણ તને વાગ્યું નથીને! આપણે દૂધ સાફ કરીએ તે પહેલાં તું દૂધના ખાબોચિયામાં થોડી વાર રમવા ઇચ્છે છે?” ને ખરેખર એ થોડીવાર રમ્યા. પછી તેમની માએ કહ્યું, “જો રોબર્ટ જ્યારે પણ તું આવું રમખાણ મચાવે પછી છેવટે બધું સાફ કરવાનું કામ તારું જ છે. તું કેવી રીતે કરીશ? તું સ્પંજથી કે ટુવાલથી પોતુ મારીને ઢોળાયેલું દૂધ આમ સાફ કરી શકે.” તેમણે સ્પંજથી સાફ કરવા માંડ્યું. માએ તેમને મદદ પણ કરી. અને કહ્યું, તારા બે નાનકડા હાથમાંથી દૂધની બોટલ પકડાઈ નહીં અને પડી ગઈ. હવે આ જ બોટલમાં પાણી ભરી તું બોટલ ઢોળાય નહીં તે રીતે ઉઠાવી શકે છે? પ્રયત્ન કરતાં તેમને સમજાયું કે બોટલના મોંના નીચેના ખાંચાથી જો બોટલને પકડે તો આસાનીથી ઉઠાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકે. આમ વૈજ્ઞાનિક બાળપણથી જ નિષ્ફળ પ્રયોગમાંથી સફળતાનું સર્જન કરવાનું શીખ્યા.
બલ્બની શોધ કરનાર એડિસનની લેબોરેટરીમાં આગ લાગવાથી થયેલા નુકસાનથી સ્વસ્થ રહેલ એડિસનનો જવાબ હતો, આગ એ મારી ભૂલનું પરિણામ છે. હવે એ ભૂલો સુધારીને નવેસરથી વધુ સારી લેબોરેટરી હું બનાવીશ. એનું પરિણામ આજે દુનિયા જોઈ રહી છે. વિશ્વમાં આવાં અનેક ઉદાહરણો જોવાં મળે છે.
દૂધ ઢોળાય તે પહેલાં સાવધાની રાખી સચેત રહેવું જોઈએ. ઢોળાઈ ગયેલાં દૂધ પર રડવાનો કોઈ મતલબ નથી. રડ્યા કરવાથી આંતરિક શક્તિ ક્ષીણ થતી જાય છે. અને શરીર રોગોનું ઘર બને છે.  જીવનમાં કોઈ પણ વસ્તુ ગુમાવ્યા બદલ અફસોસ ના કરવો. તે ઘટનાને સફળતાની સીડી બનાવીને સડસડાટ ચઢવાની કોશિશ કરવી જોઈએ.
“અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત” મંત્ર અપનાવવો જ રહ્યો. અસફળતાને કે થયેલા નુકસાનને રડીને શું ફાયદો? માત્ર અસફળતાનો અહેસાસ કે પશ્ચાત્તાપ જીવનમાં આગળ વધવા માટે મદદ કરે છે. ભૂતકાળ એટલે ભૂતાવળ, કર્મોની ચિતાઓનો સમસ્યાઓનો ખડકલો. તેને યાદ કરીને રડ્યાં જ કરો તો તમારું અસ્તિત્વ રહે જ નહિ. રહે માત્ર ભસ્મ.
અનેક દિવ્યાંગોએ સાબિત કરેલું છે કે જ્યારે એક બારણું બંધ થાય ત્યારે બીજી બારી ખોલનાર ઈશ્વર સાથે જ હોય છે. છઠ્ઠી ઇન્દ્રિય આપોઆપ સચેત બની જાય છે. બાળપણમાં માતા કે પિતા ગુમાવનાર સંતાનો અને પતિ કે પત્ની ગુમાવનાર વ્યક્તિનું જીવન સમાજમાં આ દાખલો બેસાડે છે. એક સરસ વાક્ય છે, “if you do not use today better than yesterday then why do you need tomorrow?” પોતાની થયેલ ભૂલને ભૂલ ન માનવાની ભૂલ કરવી તે, માનવીની મોટામાં મોટી ભૂલ છે. ભૂતકાળમાંથી શીખીને કરેલી ભૂલોથી વર્તમાનને શણગારવાની કળા સિદ્ધ કરવી જોઈએ. અશક્યતામાં જ શક્યતા છુપાયેલી હોય છે. કાળા વાદળો હોય ત્યારે જ વીજળીનો લિસોટો દેખાય છે.. ઈશ્વરે માનવમાં શક્યતાઓનો ભંડાર ભરેલો હોય છે. સરળ જીવનમાં શક્યતાઓ બહાર આવતી દેખાતી નથી. ઘર્ષણ થાય તો જ તણખા ઝરે.
જીવન ક્રિકેટ છે. ભવિષ્ય નવો બોલ લઈને આવે છે. કેવો બોલ આવશે, ખબર નથી. પણ દરેક બોલ રમવો પડશે. આજની પેઢી આ વાત બરાબર સમજે છે. Done undone થતું નથી. માટે જ દરેકને સમજાવે છે, Forget past. What is Next !?

૩૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર

વગર વિચારે ઉતાવળમાં ભરેલું પગલુ મનુષ્યને અધોગતિની ખીણમાં ધકેલી દે છે. જીવનમાં ક્યારેક કપરો કાળ આવે છે ત્યારે ધીરજ ખૂટી જાય એ સ્વાભાવિક છે. પરિસ્થિતિ અસહ્ય બની જાય છે ત્યારે માણસ ના કરવાનું કરી બેસે છે. આવે સમયે ગંભીર બની ધીરજ ધરવી જોઈએ અને સમતુલા જાળવી કાર્ય પાર પાડવું જોઈએ. જીવન એક પહેલી છે. ક્યારેક નાનો સરખો નુસખો પારસમણિનું કામ કરે છે. ગણેશજીનાં નાનાં પગ, બુદ્ધિમત્તાનું લક્ષણ સૂચવે છે. પૃથ્વીની પ્રદક્ષિણાની શરતમાં માતા-પિતાની પ્રદક્ષિણા કરીને કાર્તિકેય આગળ ગણેશજી શરત જીત્યાં તેનાથી આપણે સૌ પરિચિત છીએ.

ઉતાવળીયો પગ ભાંગે, વહેલો થાકે કે પાછો પડે એ સાબિત કરતી દાદીમાની બાળવાર્તા ખૂબ જ રસપ્રદ છે. સસલું અને કાચબો મિત્રો હતાં. તેઓ જંગલમાં રહેતાં. બંને વચ્ચે રકઝક ચાલતી. એક દિવસ સસલું કહે, કાચબાભાઈ, તમે તો દરેક કામમાં ધીમા. હું તો દરેક કામ ફટાફટ કરૂં. કાચબો કહે, સસલાભાઇ, દરેક કામમાં ઉતાવળ બહુ સારી નહીં. શાંતિથી કામ કરીએ તો સરસ રીતે પાર પડે. સસલું કહે, ના કાચબાભાઈ, હું તમારી વાત સાથે સહમત નથી. ચાલો આપણે શરત લગાવીએ. સામેના ટેકરા ઉપર જે પહેલા પહોંચે તે જીતે. દોડ શરૂ થઈ. સસલાભાઈ છલાંગ મારતાં દોડે અને કાચબાભાઈ ધીમે-ધીમે. સસલાએ પાછળ જોયું તો કાચબો દેખાયો નહીં. તેને ઝાડ નીચે આરામ કરવાનું વિચાર્યું. ઠંડા પવનમાં આંખ મીંચાઈ ગઈ. કાચબો ત્યાંથી પસાર થયો. તેણે જોયું, પણ તેને ચાલવાનું ચાલુ રાખ્યું. તે ધીમે ધીમે તેના ગંતવ્ય સ્થાને પહોંચી ગયું. આ બાજુ સસલું ઝબકીને જાગી ગયું. પાછળ જોયું તો કાચબો દેખાયો નહીં. તે કૂદકા મારીને ટેકરા પર પહોંચી ગયું. જોયું તો કાચબો તેની પહેલાં ત્યાં પહોંચીને સસલાની રાહ જોતો ઉભો હતો. સસલું ઉતાવળે બાવરો બની ગયો હતો. જ્યારે કાચબો ધીર-ગંભીર રીતે શરત જીતી ગયો. સસલાએ તેની હાર કબૂલ કરી. ચાર્લ્સ ડાર્વિને શોધ્યું હતું કે કાચબો અને વ્હેલ માછલીનું આયુષ્ય ઘણું હોય છે કારણ કે તે આહાર આરામથી કરે છે અને ધીમે ધીમે ચાલે છે.

હાલની લાઇફસ્ટાઇલમાં દરેક વ્યક્તિ ભાગદોડમાં જીવતું હોય છે. જેને કારણે વ્યક્તિ સ્ટ્રેસ અને તેને લગતી બીમારીનો શિકાર બને છે. પૈસો, લક્ઝરી અને સ્ટેટસ કમાવવાની દોટમાં સ્વાસ્થ્ય અને કુટુંબને પ્રાયોરીટી મળતી નથી. ટાર્ગેટ અને ડેડલાઇન આપણી જિંદગીનાં અભિન્ન અંગો બની ગયાં છે. શરીરને રોગનું ઘર બનાવીને આજનો માનવ મોબાઈલના સ્ક્રીન પર વિશ્વની સફર કરતો થઈ ગયો છે. જ્યાં માનવે ધીરા પડવાની જરૂર છે ત્યાં બ્રેક વાપરવી રહી. સ્લો ડાઉનનો ટ્રેન્ડ અપનાવવો આવશ્યક છે. જેના વગર કોઈ છૂટકો જ નથી. આમેય “ઉતાવળે આંબા ન પાકે” તે સાચી વાત છે. સમય કરતાં વહેલાં મેળવાતા ફળ-ફૂલમાં રસ, કદ કે પોષણ જોવાં ક્યાં મળે છે?

ખાસ તો ઢળતી ઉંમરે જીવનમાં બદલાવ અનુભવાય છે. ઢાળ ચઢતાં અને ઉતરતાં પગલાં ધીર-ગંભીર રીતે માંડવા પડે છે. નહીં તો જીવનનાં સ્ટીયરીંગ પરથી કાબૂ જતો રહે છે. અનુભવનું અભિમાન કામમાં આવતું નથી. કારણકે શરીર સાથ આપતું નથી. માટે જ યુવાનીમાં બાવરો બનેલો યુવાન વૃદ્ધાવસ્થામાં ધીર-ગંભીર જોવાં મળે છે. ધીરજથી પરિપક્વતા આવે છે.

રાતોરાત કરોડપતિ બનનારને રોડપતિ બનતા વાર લાગતી નથી. સંઘર્ષ વગર મળેલી સફળતામાં વ્યક્તિ ઘડાતો નથી. જીવનમાં મળતર સાથે ઘડતરનું હોવું જરૂરી છે. જેથી ક્યારેક મળતી નિષ્ફળતામાંથી તે જલદી બહાર આવી શકે છે. અત્યારે ઇન્સ્ટન્ટનાં જમાનામાં જ્યારે વ્યક્તિ પગથિયા ચઢવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે, ત્યારે આ કહેવતનો અમલ જરૂરી બની રહેશે.

૩૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

બાપ કરતાં બેટા સવાયા

સમગ્ર વિશ્વમાં “ફાધર્સ ડે”ની ઉજવણી થઈ રહી છે ત્યારે આ કહેવત યાદ આવ્યાં વગર રહે નહીં. દલા તરવાડી અને વશરામ ભુવાની વાત ખૂબ જાણીતી છે. દલા તરવાડીને રીંગણાનું શાક બહુ ભાવે. એક વખત વશરામની વાડીએથી રીંગણા ચોરીને લાવતાં પકડાઈ જતાં વશરામે શિયાળાની ઠંડીમાં કૂવાના ઠંડા પાણીમાં ડૂબકીઓ ખવડાવેલી. આ ધ્રુજારી હજુ પણ દલા તરવાડી ભૂલ્યાં ન હતાં. હવે પેઢી બદલાઈ ગઈ છે. દલાએ એકના એક દીકરા ભગાને તેને થયેલા અનુભવથી વાકેફ કર્યો અને કહ્યું કે વશરામના દિકરા શિવરામની વાડીએ ના જતો. ત્યાં જઇએ અને રીંગણા દેખાય એટલે ખાવાનું મન થાય. ભગાએ કહ્યું, બાપુ હું ચોરી કર્યા વગર રીંગણા લઇ આવું તો? આજે મારે તમને એ વાડીના રીંગણાનું શાક ખવડાવવું છે. એમ કહી તે નીકળ્યો. વાડીએ પહોંચ્યો. વાડી ફરતે થોરની ઉંચી વાડ. ઝાંપલી ખોલી અંદર ગયો. વાડીમાં મજાનાં રીંગણા લલચાવતાં. તેણે બુમ પાડી. જવાબ ન મળતાં થયું કે ચૂંટી લઉં. પછી થયું ચોરી તો નથી જ કરવી. ઘેર પાછો ફરતાં રસ્તામાં શિવરામ મળ્યો. વાતવાતમાં તેનો હાથ જોઈને જ્યોતિષની વાત કરી. શિવરામ ભોળવાયો. ખુશ થઈને કહે, ગોરજી, વાડીએ હાલો, મફત હાથ ના જોવડાવાય. દક્ષિણા લેતા જાઓ. પરાણે દસ-બાર રીંગણા આપ્યાં. ભગો રીંગણા લઈ ઘેર આવ્યો. દલા તરવાડી રીંગણા જોઈને ચમક્યા. તેમના માન્યામાં ન આવ્યું કે ચોરી કર્યા વગર બેટો રીંગણા લઈ આવ્યો. ભગો કહે, બાપ કરતાં બેટો સવાયો. આ એક સૂચક વાર્તા છે. પણ જે ઘરમાં બેટો બાપ કરતાં સવાયો હોય તે બાપની આંતરડી ઠરે તે નિર્વિવાદ છે. હા, બેટા પાછળ બાપનું નામ લખાય છે. પરંતુ બેટો મોટો થાય પછી બાપ હંમેશા બેટાના નામથી ઓળખાવાનું પસંદ કરે તેમાં જ બાપ અને કુળનું ગૌરવ ગણાય છે. બાપ માટે એ સવાયાપણાનો આનંદ જ અનેરો હોય છે.

ઇતિહાસમાં એવા દીકરા થઈ ગયા કે જે બાપ કરતાં સવાયા હતાં. અર્જુનનો દીકરો અભિમન્યુ, ઘટોત્કચનો દીકરો બરબરીક, રાવણનો દીકરો ઇન્દ્રજીત જેવાં અનેક ઉદાહરણ દંતકથાઓમાં જોવાં મળે છે. બાકી અનેક એવા પણ ઉદાહરણ છે, જે દીકરાઓ પિતાની છત્રછાયામાં વિકસી શક્યાં નથી. પિતાની પ્રતિષ્ઠા ગગનચૂંબી હોય અને પુત્ર આખી જિંદગી અસફળ રહે. અરે! કેટલાક મહાન પિતાના પુત્રોના નામ સુદ્ધા લોકો જાણતાં નથી.

હવેની સદીમાં બાપ દીકરા વચ્ચે સુમેળ જોવા મળતો નથી. જનરેશન ગેપ વધતો જાય છે. પિતાના કાર્યક્ષેત્રમાં પુત્ર જવા નથી માંગતો. લાગણી અને સંતાનની સફળતા, સંઘર્ષમાં અટવાય છે. બાળ ઉછેર એ ખૂબ મોટી સમસ્યા છે. કોઈ બાપ તેમાં સો ટકા પાર નથી પડતો. પોતાના જીવનમાં જે નથી મેળવ્યું અથવા તો પોતે જે ભૂલ કરી છે તે તેના સંતાનના ઉછેરમાં ના થાય તે માટે તે સચેત રહે છે. કુટુંબે કુટુંબે સમસ્યા અલગ અલગ હોય છે. બેટો સવાયો થાય તે માટે સંતાનનો ઉછેર મહત્વનો ભાગ ભજવે છે.

બુઢાપો આવતાં, બાપની તમામ ભૌતિક, શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થતી જાય છે. શરીરના અંગો પણ એક પછી એક શિથિલ થાય છે. આવે સમયે બાપ આશ્રિત બની જાય છે. પરવશતા અનુભવે છે. આ બુઢાપાની વાસ્તવિકતા છે. બાપે બેટાને જીવનમાં સક્ષમ બનાવ્યો હોય ત્યારે બેટા માટે જે પણ કર્યું હોય તે દરેક વસ્તુ સવાઈ કરીને બેટો પાછી વાળે ત્યારે ખરા અર્થમાં આ કહેવત યોગ્ય ગણાય. બાકી તો આજે ભારત કે ભારત બહાર મોટા ભાગે એવા બેટા જોવા મળે છે જે બાપા વિરુદ્ધ પેંતરા રચવામાં દીકરો, વહુ સવાયા બને છે. આવા કિસ્સાઓ સમાજમાં ઓછા નથી. પૈસો, પ્રતિષ્ઠા કે હું પણું રાખવાથી મહાન કે સવાયુ થવાતું નથી.

જે ઘરમાં પિતાનો પડ્યો બોલ ઝીલાતો હોય, પિતાની જરૂરિયાતો પૂરી થતી હોય, બેટાનો સથવારો હોય એ બેટો ભલે પૈસે ટકે સુખી ના હોય પણ બાપને એ બેટા પર ગર્વ હશે. એની દુઆ હંમેશા બેટા માટેની રહેશે. એવા બેટાને પિતાના મૃત્યુ બાદ શ્રાદ્ધ, તર્પણ કે પિતૃદોષની કોઈ વિધિ કરાવવાની જરૂર ના રહે ત્યારે સાચા અર્થમાં બાપ કરતાં બેટો સવાયો કહેવાય. હાલમાં નવા યુગની દેન છે કે બેટી બાપ કરતાં સવાઇ બનીને રહે છે.

૩૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

આડે લાકડે આડો વહેર

આ ચરોતરી કહેવતનો અર્થ થાય, ખરાબ માણસો સાથે ખરાબ થવું. જેવા સાથે તેવા થઈને રહેવું. અંગ્રેજીમાં “Tit for Tat” વાક્ય જાણીતું છે. એટલે કે ઇંટનો જવાબ પથ્થરથી આપવો. રોગ કે શત્રુઓને ઉગતાં જ ડામવા, માટે “આડે લાકડે આડો વહેર”ની નીતિ અપનાવવી જ રહી. કઠિયારો જ્યારે જંગલમાં ઝાડ કાપે ત્યારે સીધા થડવાળું ઝાડ પહેલાં કાપશે કારણકે તેમાં સરળતા રહેશે. વાંકા થડવાળા વૃક્ષને વિચારીને કાપવું પડે. સમાજમાં પણ એવું છે. સંસાર સજ્જન અને દુર્જન માણસોથી ભરેલો છે. દરેકને એક લાકડીએ હાંકવાની વૃત્તિ ક્યારેક આત્મઘાતી નીવડી શકે છે.

વ્યવહારમાં ક્યારેક ક્ષમા તો ક્યારેક નમ્રતા જરૂરી બને છે. પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જરૂરી બને છે. બર્નાર્ડ શો ગાંધીજીનાં મૃત્યુ પ્રસંગે બોલ્યાં હતાં “It’s dangerous to be too good”. વધુ પડતી ઉદારતા કે સૌજન્ય પણ નુકસાન નોંતરે છે. સામ, દામ, દંડ, ભેદની નીતિથી માણસે વાકેફ રહેવું જોઈએ. જરૂર પડે ચાણક્યનીતિ અપનાવવી જરૂરી હોય છે.

અત્યાર સુધી હિન્દુસ્તાન, પાકિસ્તાન સાથે “ક્ષમા પરમો ધર્મ”ની રાહે વર્તતું હતું જેને દુનિયા કમજોરી ગણતી. પરંતુ ઉરીનાં બનાવ પછી સર્જીકલ સ્ટ્રાઈક અને બાલાકોટનાં બનાવ પછી એરસ્ટ્રાઈકના પગલે જે જડબાતોડ જવાબ આતંકવાદીઓને મોદીજીના નેજા હેઠળ આપવામાં આવ્યો તેનાથી સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનનું નામ ગુંજતું થઇ ગયું. જેને કહી શકાય, “આડે લાકડે આડો વહેર”.

માણસે પ્રપંચતંત્રથી બચવા “પંચતંત્ર” પચાવવું જોઈએ. વાર્તા છે શિયાળ અને બગલાની. બન્ને વચ્ચે નદી કિનારે દોસ્તી થઈ. તેની ઉજવણીરૂપે શિયાળ બગલા માટે ખીર બનાવી લાવ્યું. તાસકમાં ખીર પીરસીને બગલાને ખાવા માટે કહ્યું. બગલાને ખીર ખૂબ ભાવતી. તે ખાવા ગયો, પણ તાસક છીછરી હતી અને બગલાની ચાંચ સીધી અને અણીદાર. એ ખીર ખાઇ શક્યો નહીં. લુચ્ચું શિયાળ મનમાં મલકાયું. બગલો મનમાં સમસમી ગયો પણ મોઢું હસતું રાખીને કહ્યું, વાહ શિયાળભાઈ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે! એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું. હવે કાલે હું તમારા માટે બાસુંદી બનાવીશ. શિયાળ તો ખુશ થઈ ગયું. બીજે દિવસે બગલાએ શિયાળને કૂંજામાં બાસુંદી પીરસી. બગલો કુંજામાં ચાંચ બોળીને બાસુંદી ખાતો પરંતુ શિયાળ ન ખાઈ શક્યો. તે બગલાની યુક્તિ સમજી ગયો અને ઢીલો થઈને બોલ્યો, બાસુંદીની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું. તે વીલે મોઢે જતો રહ્યો. બગલો મનમાં બોલ્યો, શિયાળભાઈ, “આડે લાકડે આડો વહેર” કરીએ તો જ તમારા જેવા સાથે રહેવાય.

ક્યારેક નમવું તે જરૂરી બને છે. કારણકે નમે તો સૌને ગમે. પરંતુ શત્રુ અતિ સમર્થ હોય તો કૃષ્ણ જેવી કૂટનીતિ જ અપનાવવી રહી. સમોવડીયા સાથે તો પરાક્રમ દ્વારા જ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. ગાંધીગીરી ના ચાલે.

વાત કરીએ સંતની. સ્ટેજ પર એક સંતનું એક વ્યક્તિએ સતત અપમાન કર્યું. સંતે તેમની વરાળ ઠાલવવા દીધી. અંતે કહ્યું, એમને જમાડીને મોકલજો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ એ આનું નામ. તમે તમને કરેલા અપમાનને કેવી રીતે હેન્ડલ કરી શકો છો એ તમારો માપદંડ છે. સંત એકનાથ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા જતાં હતાં. એક દુષ્ટે તેના ઘરમાંથી તેમના પર કોગળો કરીને ગંદુ પાણી ફેંક્યું. એકનાથ પાછા નદીમાં સ્નાન કરવા ગયા. ફરી આ જ ક્રિયા દુષ્ટે કરી. આમ ૧૦૮ વખત બન્યું. અંતે તે સંતના પગમાં પડ્યો. માફી માંગી. જવાબમાં હસીને સંતે કહ્યું, ભાઈ તારે પસ્તાવાની જરૂર નથી. તારે લીધે મને 108 વાર સ્નાનનું પુણ્ય મળ્યું છે. સંત ક્યારેય દુષ્ટ ના બની શકે. ભારતનો ભૂતકાળ આવા અનેક સંતોની અને કરણીથી છલકાય છે. જેમાં ડૂબો તો જ્ઞાનની મ્હેંક મળે!

આ કહેવત જીવનઘડતર માટે પાયારૂપ છે. વ્યક્તિએ વ્યક્તિએ વ્યવહાર બદલવો પડે છે. સમાજમાં ગ્રાહકો સાથેના વ્યવહારમાં આવો અભિગમ હિતાવહ છે. વારંવાર અકારણ નુકસાન પહોંચાડતી વ્યક્તિ માટે ક્યારેક મૌન પણ ધારદાર હથિયાર બની જતું હોય છે. બાકી તો “આડે લાકડે આડો વહેર” જરૂરી બની જાય છે.

એમ કહેવાય છે કે સુખી થવું હોય તો જેની સાથે જીવવાની ઈચ્છા હોય તેની સામે જીતવાનું માંડી વાળવું જોઈએ. પરિવારમાં પ્રેમ અને એડજસ્ટમેન્ટ એ માત્ર એવું હથિયાર છે, જેની કોઈ ધાર નથી. સામેનો ઘાયલ ના થાય છતાં બે વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટે. એટલે સુધી કે, પતિ-પત્ની એકબીજાની ભૂલો ઢાંકીને, મતભેદ ટાળવા એકબીજાનાં ડિપાર્ટમેન્ટમાં ઝાંખવાનું ટાળે. કુટુંબનાં સભ્યો ના ભાવતું ખાઇ લે, ના પીવાનું ગળી પીવે, આંખ આડા કાન કરે અને આ રીતે જેવા સાથે તેવા થઈને રહે. મારું-તારું માંથી અમારું કરતાં શીખી જાય.

સારા સાથે સારા બનવું પરંતુ ખરાબ સાથે ખરાબ નહીં. કારણ કે ગંદકી, પાણીથી સાફ થાય છે. ગંદકી, ગંદકીથી સાફ થતી નથી. બદલાતાં સમય પ્રમાણે સમસ્યાનાં નિરાકરણ માટે પરંપરાગત દ્રષ્ટિકોણને બદલે વિવેક વાપરીને આધુનિક અભિગમ અપનાવવો જ રહ્યો.

૩૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ઘેર બેઠે ગંગા

આ કહેવતનો અર્થ છે ન ધારેલું ઘેર આવીને મળી રહે અથવા તો જોઈતુ હતુ તે સામે આવી ગયું. ગંગા એટલે જ્ઞાન. એના માટે હિમાલય જવાની જરૂર નથી. જ્યાં શિવ છે, જ્યાં શિવત્વ છે ત્યાં ગંગાનું અવતરણ થાય છે જ. જ્યાં પવિત્રતા છે, સ્વીકાર છે ત્યાં ગંગા સરળતાથી પ્રગટ થાય છે. તેનું આચમન ઘેર બેઠા કરી શકાય છે. બસ ખુલ્લા દિલે, તમામ ઇન્દ્રિયોને ખુલ્લી રાખીને તેનું આવાહન કરો. ગંગાનો સ્વભાવ છે વહેવું. તેનામાં ગમે તેટલી નકારાત્મકતા, કચરો ઠલવાયેલો હશે પણ ગંગા ક્યારેય અપવિત્ર થતી નથી. તેનું બુંદ માત્ર, મરનારની સદ્‍ગતિ કરે છે. માટે આપણે કહીએ છીએ, “હર હર ગંગે.”

એક વાર્તા છે. એક વ્યક્તિ જીવવા માટે ખૂબ પાપ કરતી. શિવજીએ તેને પૂછતાં તેણે કહ્યું કે હું જે પાપ કરું છું તે દર વર્ષે ગંગામાં નાહીને માતા ગંગાને અર્પણ કરી દઉં છું. મારી પાસે પાપ જમા થાય જ નહીં. આ સાંભળી શિવજીએ જટામાં સમાયેલી ગંગાને પૂછ્યું, જો તે સાચું હોય તો પૃથ્વીના જન્મથી અત્યાર સુધીમાં માનવજાતનાં કેટલાં પાપો ગંગાજીએ ગ્રહણ કર્યાં હશે! ગંગાજીએ ઉત્તર આપતાં જણાવ્યું કે એ હું મારી પાસે રાખતી નથી પણ સમુદ્રને આપી દઉં છું. શિવજીએ સમુદ્રને પૂછ્યું, આટલા પાપનો સંગ્રહ કરીને તું કેવી રીતે નિરાંતે જીવી શકે છે કારણ કે તારામાં આવી અનેક નદીઓ પાપ ઠાલવતી હશે. સમુદ્રએ ઉત્તર આપ્યો કે હું એ પાપોને વરાળ સ્વરૂપે વાદળોને આપું છું. જેને કારણે સફેદ વાદળા, પાપ વળગવાથી કાળા ડિબાંગ દેખાય છે. શિવજી વાદળા પાસે આવ્યા. વાદળાએ જવાબ આપતાં કહ્યું, પ્રભુ, પાપ તો સમુદ્ર મને જ આપે છે પરંતુ હું તો જેનું પાપ હોય તેને વરસીને પાછું આપી દઉં છું અને પાછું સફેદ થઈ જાઉં છું. આમ વિષચક્ર પૂરું થાય છે.

જોજનો દૂર પરદેશમાં વસતાં ભારતીયો માટે આ કહેવત સાર્થક થતી હું જોઈ રહી છું. હાલમાં કેલિફોર્નિયાની હવેલી માટે નવી જગ્યા નિર્માણ થાય છે તે હેતુસર પુરુષોત્તમ સહસ્ત્રનામનો જપયજ્ઞ જે. જે. શ્રી દ્વારકેશલાલજીના સાનિધ્યમાં વૈષ્ણવોને સંપન્ન થયો. જેનો આબાલવૃદ્ધ તમામે લાભ લીધો. અદ્‍ભૂત અને અવર્ણનીય નજારો હતો. જે ભારતમાં શક્ય નથી બનતું તે અહીં વિદેશમાં જોવા મળે છે. ભારતથી વિવિધ મંદિરોમાં, વિવિધ સંપ્રદાયનાં ધર્મવડા આવીને તેમની વાણી દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે જેનું પાન કરીને સૌ તૃપ્ત થાય છે. બાળકોમાં ધાર્મિક સંસ્કારની જડ મજબૂત બને છે. જેઓને ઘેર બેઠે સત્સંગ મળે તે માટે કીર્તન છે, “જે સુખને ભાવ ભવ બ્રહ્મા રે ઇચ્છે તે રે શામળિયોજી મુજને રે પ્રી છે, ન ગઈ ગંગા, ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યાં અક્ષરવાસી.”

જવનિકા એન્ટરપ્રાઇસ, ICC જેવી સંસ્થાઓ અનેક કલાકારો ભારતથી અહીં લાવીને અહીં વસતા લોકોને સંગીત, નૃત્ય, ડાયરો, નાટકો દ્વારા જ્ઞાન અને મનોરંજન પૂરું પાડે છે. વિશ્વભરનાં કલાકારો સાથે હાથ મિલાવીને તમે વાત કરી શકો જે અહીં શક્ય બને છે.

હાલમાં બૅ એરિયામાં ચાલતી ગુજરાતી ભાષાને જીવંત રાખતી, સાહિત્ય માટે કામ કરતી “બેઠક” સંસ્થામાં “જૂઈ-મેળો” યોજાયો જેમાં સ્થાનિક કવયિત્રીઓએ સ્વરચિત કવિતાનું પઠન કર્યું. આ સાહિત્યરસિકો માટે લહાવો હતો. સાહિત્યક્ષેત્રમાં “બેઠક”નું પ્રદાન મોટું છે. તેમાં અનેક દાતાઓના સહયોગથી, અનેક સાહિત્યકારોના જ્ઞાનથી જ્ઞાનપિપાસુ તૃપ્ત બને છે. વળી “પુસ્તક પરબ” દ્વારા પુસ્તકો પૂરા પાડીને વાંચનક્ષુધા તૃપ્ત કરવાનો યજ્ઞ પણ ચાલી રહ્યો છે. વતનથી દૂર વસતાં ભારતીયોનો વતન ઝુરાપો તેમને સાહિત્ય, સંસ્કૃતિથી વિખૂટા ન પાડે તે માટે પુસ્તક પરબ, બેઠક, ડગલો, ટહૂકો, ગ્રંથ ગોષ્ઠિ, વગેરે અનેક સંસ્થાઓ ઘેરબેઠા જ્ઞાનગંગા વહાવે છે.

સિનિયરો કે જે પોતાનું મૂળ છોડીને તેમના જીવનના અંતિમ પડાવ પર બાળકો સાથે આવીને પરદેશમાં વસ્યાં છે તેઓ મૂળને ઝંખે છે. અહીં સિનિયરના શારીરિક અને માનસિક વિકાસ માટે તેમ જ તેમનાં આચાર-વિચારનાં વિનિમય માટે અનેક સિનિયર સેન્ટરો ચાલે છે.

જેમ અધ્યાત્મમાં ઘેર બેઠે ગંગા હોય છે તેમ આયુર્વેદમાં પણ હોય છે. સ્વાસ્થ્ય અંગે અનેક સમસ્યાઓ હોય છે. તેના માટેની ઘરગથ્થુ દવાઓ આયુર્વેદમાં હોય છે જે આપણા રસોડામાંથી સરળતાથી મળી રહે છે. ઘણી ઔષધીઓ હાથ વગા ડોક્ટરની ગરજ ગરજ સારે છે.

આજે ઈ-સાહિત્ય, ઈ-મેઈલ, ઈ-શોપિંગ, ઈ-બેન્કિંગ, ઇન્ટરનેટ થકી ઘેરબેઠે ઉપલબ્ધ બને છે. દરેક પ્રકારનું શિક્ષણ ઇન્ટરનેટ દ્વારા શક્ય બન્યું છે. ભગવાનની આરતી ઘેરબેઠા થાય છે. જાત્રા કરવાની જરૂર નથી રહેતી. ઘેરબેઠા વ્યક્તિ તેના શોખને સફળતામાં ફેરવીને સિદ્ધિનાં શિખરો સર કરી શકે છે. પ્રશ્ન છે આસાનીથી ઘેર બેઠા થયેલા લાભને, મળેલી તકને આવકારવી, સ્વીકારવી.

જો હૃદયમાં શિવની સ્થાપના કરીએ તો ખુદ ગંગાધર બની શકાય છે. આ યાંત્રિક યુગમાં ગંગાને ઘેર આવવું પડે છે. માણસે પોતાના જીર્ણોદ્ધાર માટે સજાગ રહેવું જોઈએ. ઘેર બેઠે ગંગા આવે તો તેને શોધીને સ્વીકારતા આવડવું જોઈએ.

૨૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચેતતો નર સદા સુખી

આ કહેવત જીવન જીવવાની કળા શીખવે છે. વાત છે સુખી થવાની. તેના માટે સદાય ચેતીને ચાલવું જોઈએ. જાગૃત વ્યક્તિ જ ચેતીને ચાલી શકે અને તે જ સુખી થઈ શકે. આ માટે એક સુંદર વાર્તા છે.

એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફામાં રહેતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે અને સાંજે ગુફામાં આવીને સૂઈ જાય. એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું. એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તેણે વિચાર્યું, હું ગુફામાં જઈને આરામ કરું. જેની ગુફા હશે તે આવશે એટલે તેનો શિકાર કરી મારું પેટ ભરીશ. આમ વિચારી સિંહ ગુફામાં બેસી ગયો. સાંજે શિયાળ આવ્યું. તેણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. ચતુર શિયાળે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી માટે સિંહ ગુફામાં હોવો જોઈએ. શિયાળ ચેતી ગયું તેણે વિચાર્યું કે ગુફામાં જવામાં જીવનું જોખમ છે. તે ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર કોઈ બહાર આવ્યું નહીં તેથી તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ બોલ્યું, “ગુફા ઓ ગુફા! આજે કેમ બોલી નહીં? રોજ તો હું આવું તો તું બોલે છે કે, આવો, આવો! આજે તે મને આવકારો ના આપ્યો માટે હું પાછો જાઉં છું.” સિંહ વિચારમાં પડી ગયો. આજે ગુફા કદાચ મારી બીકને લીધે બોલી નહીં હોય તો લાવ ગુફાને બદલે હું જ બોલું નહીં તો હાથમાં આવેલો શિકાર ચાલ્યો જશે. એટલે સિંહ કહે, “આવો, આવો!” સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ કે નક્કી અંદર સિંહ જ છે. શિયાળ તો ઉભી પૂંછડીએ ભાગી ગયું. થોડીવાર થઇ, કોઇ અંદર આવ્યું નહીં એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જુએ તો બહાર કોઈ જ નહીં. ભૂખ્યો સિંહ છેવટે શિકારની શોધમાં ગુફા છોડીને જતો રહ્યો. ચેતી ગયેલા શિયાળની યુક્તિથી તેનો જીવ બચી ગયો. શિયાળ બોલ્યુ, “જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.”

પશુઓ માનવને કેટલું શીખવી જાય છે? જેમ પશુએ પશુથી ચેતવું પડે છે તેવું જ માનવજીવનમાં છે. માનવ, માનવનો દુશ્મન બનીને રહેતો હોય છે. સ્વાર્થ વગરના સંબંધો શક્ય જ નથી હોતાં. સૌ જાણે છે કે આપણે સૌ રાખનાં રમકડાં છીએ છતાં આ કળિયુગમાં માનવ માનવતા છોડી પશુતા પર ઉતરી આવે છે. વાસનાભૂખ્યા પુરુષો હડકાયા કૂતરાની જેમ સ્ત્રીના રૂપના દુશ્મન બની તૂટી પડે છે. એકલા રહેતા વૃદ્ધોને લૂંટીને તેમને રહેંસી નાખતા ગુનાહિત માનસ ધરાવતા નરાધમો સમાજમાં ક્યાં ઓછા છે? “જો જાગત હૈ વો પાવત હૈ’ આ ઉક્તિ અનુસાર બુદ્ધિ અને સમયસૂચકતા વાપરનાર વ્યક્તિ જ સુખેથી રહી શકે છે. આજે ઇન્ટરનેટના ટીનેજર યુઝરો માટે સાયબર લૉ એટલાં મજબૂત નથી ત્યારે ચેતવાની જરૂર છે. ફેસબુક પર વધુ લાઇક મેળવવાની લાલસાએ પોતાના એકાઉન્ટ બાબતે સભાન ના રહે તો યુવાપેઢી માટે ઈન્ટરનેટ વરદાનના બદલે શાપ બની શકે! સલામતીના પગલાં આજે દરેક જગ્યાએ મહત્વનાં હોય છે. પ્લેનમાં કે ક્રુઝમાં મુસાફરી કરતાં કે હાઇરાઇઝ બિલ્ડિંગમાં, દરેક જગ્યાએ, દરેક પ્રસંગે જીવને બચાવવા માટે સમયસૂચકતા અંગેના તમામ નિયમોથી વ્યક્તિ કે સમાજ ચાલે તો જ શાંતિથી રહી શકે. કોઈપણ દેશ માટે પણ જ્યાં આતંકવાદ હોય ત્યાં સલામતી એટલી જ જરૂરી છે. સંસારસાગરમાં પણ સુખની પ્રાપ્તિ માટે મંથન કરવું પડે છે. અત્યારની જીવનશૈલી અનિયમિતતાથી ભરપૂર હોય છે. પરિણામે સ્ટ્રેસનો અજગર ભરડો લે છે  અને શરીર રોગનું ભોગ બને છે.

અંતમાં ૨ ગઝલ વિષે કહેવા માંગુ છું. રાહત ઇન્દોરીની આ ગઝલનો એક શેર છે,
“લોગ હર મોડ પર રુક રુક કે સંભલતે ક્યોં હૈ
ઇતના ડરતે હૈં તો ફિર ઘરસે નિકલતે ક્યોં હૈ”
ઘરેથી નીકળવું જરૂરી હોય છે. ત્યાં પહોંચવા માટે જ્યાં હોઇએ એ જગ્યા છોડી દેવી જરૂરી છે. જરૂર
છે માત્ર ચેતીને ચાલવાની. નિદા ફાઝલીએ એક મશહુર ગઝલ કહી છે,
“સફરમેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો
સભી હૈં ભીડ મેં તુમ હી નિકલ સકો તો ચલો.
કિસીકે વાસતે રાહેં કહાં બદલતી હૈં
તુમ અપને આપકો, ખુદ હી બદલ સકો તો ચલો”.

ઘણાં લોકો નવા વર્ષમાં નિયમિતતાનાં, નિરામય જીવનનાં અનેક સંકલ્પ કરતાં હોય છે પરંતુ તે ઝાઝુ ટકતાં નથી. જીવનમાં સમય ક્યારેય પાછું વળીને જોતો નથી. વહી ગયેલી વેળા પાછી આવતી નથી. માટે વ્યક્તિ વર્તમાનમાં રહીને, સ્વબચાવનાં પાઠ ભણીને, શરીર અને મનને જોડતાં યોગને જીવનમાં અપનાવીને સલામતીથી ચેતીને ચાલે તો જ તે સુખના તાળાને ખોલવાની ઉત્તમ ચાવીનો હક્કદાર બની શકે, તે આજના દિવસે પણ એટલું જ સત્ય છે!


૨૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

આળસ એ જીવતા માણસ ની કબર છે

માનવજાતનો સૌથી મોટો શત્રુ આળસ છે. આળસુ માણસ મડદા જેવો હોય છે. આળસ મનુષ્યનો સ્વભાવ દર્શાવે છે. કાંઈ કરવાનું મન ના થાય, પડી રહેવાનું મન થાય તે આળસ. આળસુ માણસ ક્યારેય સુખી થઇ શકતો નથી, જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. ક્યારેક આળસ તેના મોતનું કારણ પણ બની જાય છે. આથી જ તો આ કહેવત પડી છે.

એક બાળ વાર્તા છે. એક જંગલમાં ઊંટ રહેતું. તેણે તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યાં. ભગવાને કહ્યું, હું તારા તપથી પ્રસન્ન છું. તું માંગે તે વરદાન આપુ. ઊંટ સ્વભાવે આળસુ હતું. તે બોલ્યો, હે ભગવાન મને માઈલો લાંબી ડોક આપો જેથી હું અહીં બેઠા જંગલમાં ચરી શકું કારણકે મને વાઘ, સિંહની બીક બહુ લાગે છે. ભગવાને તથાસ્તુ! કહ્યું. ઊંટ હવે જંગલમાં એક સ્થળે બેસી રહેતું અને ત્યાં જ ડોક લાંબી કરીને ખોરાક મેળવતું. આળસુ ઊંટને જલસા પડી ગયા. તેની આળસ પણ વધી ગઈ. હવે તેને કોઈ કામ કરવું ગમતું નહીં. તેનામાં રહેલી આળસે મહાન આફતને આમંત્રણ આપ્યું. એક દિવસ ઊંટને નજીકમાં ખોરાક નહીં મળતાં તે ડોકને ખૂબ દૂર સુધી લઈ ગયું. ત્યાં તે ચરવા લાગ્યું. તે જ સમયે વંટોળ અને વરસાદ આવ્યો. તેની આંખોમાં ધૂળ ભરાવા લાગી. તે પોતાની ડોકને ખેંચીને નજીકની ગુફામાં લઈ ગયું. ત્યાં પહેલેથી હિંસક પ્રાણી હતાં. તેઓ તેના પર તૂટી પડ્યાં અને બચકા ભરીને ખાવા લાગ્યાં. આમ આળસુ ઊંટે પોતે જ પોતાની કબર ખોદી.

આળસ અને ઉદ્યમ વિરોધાભાસી શબ્દો છે. સૂતેલા સિંહના મુખમાં ક્યારેય મૃગલા પ્રવેશતાં નથી. સિંહને પણ શિકાર કરવા માટે, પોતાનું પેટ ભરવા માટે ઉદ્યમ કરવો પડે છે. “નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ।“ ભૂખ્યાં ઘરડા સિંહની સામે ઈશ્વરકૃપાથી, નિયતિએ મૃગલાને મોકલી આપ્યું પરંતુ તે સૂતો રહે તો તેના મુખમાં મૃગ પ્રવેશવાનું નથી. કોળીઓ ભરવા માટે સિંહે તરાપ મારવાનો પ્રયત્ન તો કરવો જ પડે. કહેવાય છે કે “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.” ઈશ્વર કૃપા સાથે પ્રયત્ન પણ એટલો જ જરૂરી છે. સળગવા ન ઈચ્છતી ધૂપસળી ક્યારેય સુગંધ પ્રસરાવી શકતી નથી.

જન્મથી કબર સુધીની જીવન યાત્રામાં માનવનો વિકાસ થાય છે. બાળપણમાં આળસ નહિવત જોવાં મળે છે. પહેલાં “સોળે સાન વીસે વાન” પછી “ચાલીસ પછી ચાલશો નહીં તો ચાલશે નહીં”. ઉંમર વધતાં માણસમાં આળસ પ્રવેશે છે. તે સ્થગિત થતો જોવાં મળે છે અને સાઠ પછી કબર ખોદવાની તૈયારી શરૂ થાય છે. વાળ, દાંત, આંખ, કાન, પગ, હૃદય જેવાં અવયવોમાં ખરાબી શરૂ થાય છે. પરંતુ વ્યક્તિ આળસને જેટલી દૂર રાખશે તેટલી તે યુવાનીને પકડી રાખશે. પરિશ્રમ અને મહેનત કરનારને બીમારીઓ હેરાન કરતી નથી. શારીરિક નિષ્ક્રિયતા એ જીવન માટે ખતરો ગણાય. ઉંમર વધતાં શારીરિક ક્ષમતા મુજબ સક્રિય રહેવું જરૂરી છે.

સમય ક્યારેય આળસુ નથી હોતો. આળસને મોટો અજગર કહ્યો છે. શરૂમાં મિનિટ, પછી કલાકો, દિવસો, વર્ષો અને આખું આયખું ગળી જાય છે. ખબર જ નથી પડતી. અંતે નકરો અફસોસ થાય છે. કંટાળો આવે તે કામ પહેલાં કરવું. આળસ સાથે પ્રેમ કરવો દરેક વ્યક્તિને ગમે છે. આળસ નકારાત્મકતાને નોંતરે છે. શૈતાની વિચારો મન પર કાબૂ લે છે. એકવીસમી સદીના આ યાંત્રિક યુગમાં મશીનોએ માણસની કસરત છીનવી લીધી છે. માણસને કોળીઓ પણ મશીન મૂકી આપે! આમ બેઠાડુ યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઝૂંપડપટ્ટીમાં પણ ફ્રિજ અને એરકન્ડીશને સ્થાન લીધું છે પરંતુ પશ્ચિમનાં દેશોનું જમા પાસુ એ સમય અને કામની નિયમિતતા, જાત મહેનત, કોઇ કામમાં  શરમ નહીં, નિયમિત કસરત અને હવામાન છે. આ બધાં ગુણો માણસને આળસથી દૂર રાખે છે. આળસ ઊધઈ જેવી છે. માણસ બહારથી સરસ લાગે પરંતુ તેને અંદરથી કોરી ખાય છે. સમય જતાં પતન ભણી પ્રયાણ શરૂ થઈ જાય તેની ખુદને ખબર રહેતી નથી.

ઉર્દુમાં એક સુંદર શેર છે, “ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે બતા તેરી રઝા કયા હૈ?” ભગવાન એવી વ્યક્તિને જ આ પૂછે જે આળસ છોડીને જીવંત રહીને પુરુષાર્થ કરતી હોય. ખાલી મન શેતાનનું કામ કરે છે માટે ઇન્દ્રિયોને પુષ્ટ કરીને, આળસ છોડીને મનને દિશા આપવાનું કામ કરવાથી શરીરનો રથ યોગ્ય દિશામાં જશે.