“છબી એક- સ્મરણો અનેક”-(11) ધનંજય પંડયા

“બેઠક”માં ધનંજય ભાઈનું સ્વાગત છે.

આપ આજ રીતે હાજરી આપો અને આપની રચના અમને પીરસતા રહો 

10988296_10152835078559842_2816535904507271234_n

મનમોહિની

 કોયલ જેવો કંઠ એનો 

મધથી મધુર વાણી

વર્ષા શી ​શીતળતા એમાં

મનડુ લઇ ગઇ તાણી

પહેલા પહેલા જોઈ જ્યારે

મનડુ ગયું હરખાઈ

​રૂપ ની છાલક એવી વાગી

તન મન ગયા ભીંજાઈ

વાહ વાહ ઈશ્વર ​વાહ પરમેશ્વર ​

શું સુંદરતા,પ્રભુ તારી જ બલિહારી ​

સુંદરતા ના ગિરી શિખરની

પ્રભુ છબી ​મેં એમાં ​નિહાળી

​-ધનંજય પંડયા-

૫૧૦-૩૨૪-૮૪૭૪

 

વતનની ચીઠ્ઠી…….વિશ્વદીપ બારડ

વતનની ચીઠ્ઠી…….વિશ્વદીપ બારડ

‘Hay, Rick, you have to pay me 20 dollars tomorrow for this week ride…’Ok I will.'( ‘હેય, રીક,તારે મને  આ અઠવાડિયાના કારમાં લઈ જવા-આવવાના ૨૦ ડૉલર્સ આપવાના બાકી છે..ઓકે,આપી દઈશ..’)  રમેશ ડેની સાથે જોબ જવા રાઈડ લેતો હતો. રમેશને  સૌ રીક કહીને બોલાવતા. રમેશ બાર કલાકની જોબ કરી થાકી લોથ જેવો થઈ ગયો હતો. પોતાનું એપાર્ટમેન્ટ્ ચાવીથી ખોલ્યું .એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં પાંચ જણા રહેતા હતા.જેથી ઓછા ખર્ચમાં ચલાવી લેવાઈ.એક પટેલભાઈ આ એપાર્ટમેન્ટના માલિક હતાં નહીતો એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં પાંચ વ્યક્તિ રહીજ ના શકે અને પટેલભાઈ પણ બધા કરતા ૨૦ ડોલર્સ ભાડું વધારે લેતા.  રમેશ રસોડામાં ગયો. સેન્ડવીચ અને ચીપ્સ પડ્યા હતા.જલ્દી, જલ્દી ખાઈ પોતાની સ્લીપીંગ બેગમાં સુવા જતો હતો ત્યાં પથારી પાસે એક પત્ર પડ્યો હતો. ભારતથી આવ્યો હતો.રમેશે જોયું તો તેના મા-બાપનો પત્ર હતો. ખુશ થયો..વાંચવા લાગ્યોઃ

પ્રિય પુત્ર રમેશ,

‘તું સુકુશળ હઈશ.તને અમેરિકા ગયાં એક વર્ષ થઈ ગયું. તું ત્યાં પહોંચી ગયાંનો પત્ર પછી તારા તરફથી કોઈ પત્ર આવ્યો નથી. આપણાં પડોશમાં રહેતા ડૉ.રમણભાઈનો દીકરો અઠવાડીયામાં બે વખત અમેરિકાથી  તેને ફોન કરે છે.અને અમો કેવા અભાગી છીએ કે તારો કોઈ ફોન કે પત્ર પણ નથી આવતો.બેટા,એવું ના બને કે બીજા છોકરાની  જેમ અમેરિકા ગયાં પછી છોકારાઓ પોતાના મા-બાપને ભુલી જાય.તને ખબર છે બેટા કે અમો એ ઘરબાર વેંચી અને અમારું જે પણ સેવિંગ હતું બધું ખાલી કર્યું ઊપરાંત બેંકમાંથી બે લાખની લોન લઈ તને અમેરિકા મોકલ્યો અને તું અમને સાવ ભુલી ગયો. તને ખબર છે કે બેટા, મારી એકની આવક ઉપર આપણું ઘર ચાલે છે. લોનના હપ્તા તો ભરવાજ પડે અને હપ્તા ભર્યા પછી બાકી જે પૈસા વધે છે તેમાંથી અહીંની કાળી મોંઘવારીમાં ઘર ચલાવવું  ઘણુંજ મશ્કેલ  પડેછે.એકના એક દિકરા પર અમારા કેટલા આશા, અરમાન અને સ્વપ્ના હતાં!સાંભળ્યું છે કે ત્યાં સૌ જુવાનિયા ડાન્સ ક્લબ અને બારમાં જઈ ડ્રીન્કસ લે છે.મોઘામાં મોઘી સ્પોર્ટસ કાર લે અને છોકરીઓ સાથે ડેઈટ્સમાં જઈ , મોઘામાં મોઘી રેસ્ટોરન્ટમાં ડીનર લઈ પૈસા બહુંજ ખોટી રીતે વેડફતા હોય છે. અમોને અહીં ખાવાના સાસા પડેછે.બેટા, કઈક તો અમારી દયા ખા.અમને લાગે છે કે તું પણ અમેરિકાના રંગીલા જીવનમાં ઓતપ્રોત થઈ ખોવાઈ ગયો છે. અમોને સાવ ભુલી ગયો છે.તું કેટલા જલશા-મોજ મજા માણે છે! અને તારા મા-બાપ અહીં રાતા પાણીએ રોવે છે. બેટા,તું અમારો આધાર છે, અમારી છત છે, જો એ પડી ભાંગી તો અમો તો ક્યાંયના નહીં રહીએ.મહિને ૧૦૦ ડોલર્સ  મોકલે તો પણ ૫૦૦૦ રુપિયામાં અમારો ઘણો ખરો ખર્ચ નિકળી જાય. તારી મમ્મીને ડાયાબેટિક  સાથે બ્લડ પ્રેશર પણ રહે છે.ઘર ગથ્થુ ઉપાયથી ચલાવી લઈએ છીએ.ડૉકટર પાસે જઈએ તો  મોટા મોઢા ફાંડે છે.શું કરીએ? આશા રાખીએ છીએ કે આ પત્ર મળે તુરત પત્ર લખજે અને તારી કમાણી માંથી  થોડા ડૉલર્સ મોકલી આપે તો અમારી નાવ ચાલે.’

મા-બાપના અશિષ..

રમેશની આંખમા ઝળઝળીયા આવી ગયાં.મારા  બિચારા મા-બાપને ક્યાં ખબર છે કે’સ્વર્ગ સમાન  અમેરિકા’માં  ખુણામાં પડેલા ગારબેઈજ કેન  સમાન મારી  આ  અભાગી જિંદગીની અવસ્થા કોઈને નજરમાં ના આવે ? ગેર-કાયદે પ્રવેશનાર હું કેવી જિંદગી જીવી રહ્યો છું તેનો અહેસાસ જંગલમાં વિખુટા પડેલા હરણના બચ્ચા પર સિંહનો પડતા પંજા સમાન છે. એક ભીખારી કરતાં કંગાળ જિંદગી જીવતો હું..કૉકરોચ(વંદા)ની જેમ પેટ ભરવા ખુણે-ખાંચરે સંતાતો રહી જિંદગી જીવી રહ્યો છું. પેસ્ટ-કન્ટ્રોલ વાળો મારી પર દવા ના છાંટી દે એથી ચારે બાજું સંતાતો ફરું છુ. રમેશ પેન અને કાગળ લઈ મા-બાપને સત્ય હકિકત લખવા બેઠો.

પૂજ્ય પિતા અને મા,

આપનો પત્ર વાંચી હ્ર્દય દ્ર્વી ઉઠ્યું.મારા મા-બાપની આવી હાલત થઈ જશે તેની મેં કલ્પ્ના પણ નહોંતી કરી.આના કરતા હું અમેરિકા ના આવ્યો હોત તો સારું હતું .  આપને લાગે છે કે હું કેટલો સુખી છું?   જલશા કરું છુ,  પણ મારી  હકિકત પાના વાંચવા જેવા નથી.પણ કડવુ સત્ય કહ્યા વગર  છુટકો નથી.  મારું પણ દીલ હળવું થાય અને આપને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કે આપનો દીકરો સ્વર્ગની સુવાળી પથારીમાં નથી આળટતો! પપ્પા, ત્યાંથી આપની વહાલભરી વિદાય લીધા બાદની મારીસાચી કથા લખી જણાવું  છું.

આપે એજન્ટને ૧૦ લાખ આપ્યા.ગેરકાયદે હું મેકસિકો આવ્યો. ત્યાંજ મારા દુઃખના આંધણ ઉકળવાની  શરુયાત થઈ.મને મેકસિકો એરપોર્ટથી બે માણસો એક જુની ગંદી કારમાં લઈ ગયાં. હું એમની ભાષા સમજી શકતો નહોતો અને એ મારી ઈગ્લીશ ભાષા.ઈશારાથી થોડુ જે સમજાય તે સમજી લેતો. મને એક જંગલ જેવા વિસ્તારમાં  સાવ ભંગાર અને ગંધ મારતા ઘરમાં લઈ ગયાં જ્યાં મારી જેવા ગેરકાયદે અમેરિકામાં  જવા માટે આઠથી દસ માણસો હતાં.ખાવામાં મીટ(માંસ)સેન્ડવીચ, કોર્ન ચીપ્સ ,બિન્સ આપવામાં આવ્યા પણ મે માત્ર ચીપ્સ અને બીન્સથી ચલાવી લીધું.આજું બાજુંનું વાતાવરણ બહુંજ ગંદુ હતું.મચ્છરનો  ભયંકર ત્રાસ હતો. એક સ્લીપીંગ બેગમાં જમીન પર   ત્રણ જણાંને સાથે સુવાનું.  મને તાવ, શરદી-ઉધરસનો હુમલો થયો તે લોકોએ કઈ દવા આપી. પહેલવાન જેવા પટ્ઠા માણસોના હાથમાં ગન પણ હતી અને તેઓ તાડુકીને જ વાત કરતાં એમની સ્પેનીશ ભાષામાં. બે દિવસબાદ  રાત્રીના ૧૦ વાગ્યા  પછીના  સમયે અમો દસ જણાંને જંગલના રસ્તે ચાલીને લઈ ગયાં. રસ્તો વિકરાળ હતો.  એક બેવખત બંદુકમાંથી ગોળીઓ છુંટવાનો આવાજ આવ્યો, અમો ગભરાયા,સૌને દોડવાનું કહ્યું. બે માઈલ દોડ્યા બાદ અમોને એક વેનમાં બેસી જવા કહ્યું.   વેનમાં ૨૦ જણાં એટલા ખીચો ખીંચ ભરવામાં આવ્યા કે બેસવુ મુશ્કેલ થઈ જાય..અમોને તૂટ્યા-ફૂટ્યા ઈગ્લીશમાં  કહેવામાં આવ્યું કે તમો સૌને અમેરિકા બોર્ડર પાર કર્યા બાદ અમેરિકામાં છોડી મુકવામાં આવશે અને ત્યાં તમોને નકલી ગ્રીન-કાર્ડ, નકલી સોસિયલ-સીક્યોરિટી કાર્ડ, ઓળખ-કાર્ડ આપવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવામાં રીસ્ક(જોખમ) છે જેમાં તમારી જાન પણ જાય. હું બહુંજ ગભરાયેલો હતો.  ભુખ્યા, તરસ્યા અને૧૧૦ ડીગ્રીની સખત ગરમીમાં વેનમાં ધાણીની જેમ સેકાઈ ગયાં. તરસથી જાન જતી હોય એવું લાગ્યું પણ કોઈ ઉપાય ક્યાં હતો? એક બે જણાએ તો પોતાનું પી(Urine)..તરસને છીપાવવા..લખતા શરમ આવે છે. ભુખ અને તરસ  માનવીને ગીધ્ધડ બનાવી દે છે.  હું  તરસને લીધે એકાદ કલાક મુર્છિત થઈ ગયો. પણ તમારા આશિર્વાદથી બચી ગયો. વહેલી સવારે  ત્રણ વાગે એક ભયાનક વિસ્તારમાં ઉતારવાંમાં આવ્યા.ત્યાં બેત્રણ માણસો અમને  એક અજાણી જગ્યાએ લઈ ગયાં.  નાસ્તામાં બ્રેડ, બિસ્કિટ ક્રેકર, કોફી આપ્યા..હાશ..ઘણાં વખત પછી કઈક સારું  ખાવા તો મળ્યુ. અમો અમેરિકાની સરહદમાં આવી ગયાં હતાં. નકલી પેપર્સ  અમોને આપવામાં આવ્યા.અમો ટેક્ષાસ સ્ટેટમાં આવી ગયાં હતાં. ટેક્ષાસના બ્રાઉન્સવીલ શહેરમાં  હું આવી ગયો. કોઈને પણ ઓળખું નહી. શહેરમાં એક ભારતિયની હોટલ હતી.હું બાથરુમ જવા ગયો.પહેલા તો મારા હાલ જોઈ હોટેલમાં જવાનીજ ના કહી. પપ્પા..મારા હાલ એક શીકારીથી હણાયેલા હરણા સમાન હતી. એકના એક કપડાં એક અઠવાડિયાથી પહેંરેલા, વેનમાં પાંચ કલાક ગરમીમાં રહેવાથી ગંધ મારે! બાવાની જેમ ડાઢી વધી ગયેલી. મારા કરતાં ભીખારી પણ સારા લાગે! મને ગુજરાતીની હોટેલ લાગી એટલે મે ગુજરાતીમાં  કહ્યું.”ભાઈ હું ગુજરાતી છું.હું..આગળ બોલુ  તે પહેલાં  મને કહ્યું અંદર આવો..મને  હોટેલમાં રૂમ આપ્યો.મેં મારી કરુંણ કથની કહી. બાબુભાઈ પટેલ બહુંજ દયાળુ હતાં તેમણે મને કહ્યું કે તમે એક બે દિવસ અહીં હોટેલમાં રહી શકો છો,પછી તમારે કોઈ રસ્તો કાઢવો પડશે કારણ કે આ મેક્સિકન બોર્ડર છે જેથી અવાર-નવાર ઈમીગ્રેશન અને પોલીસના માણસો અમારી હોટેલમાં ચેક કરવા આવે છે..મારી માટે તો એ ભગવાન સમાન હતાં.

મારી વિનંતી અને આજીજીને લીધે મને એમની હોટેલમાં એકાદ વીક રહેવા દીધો અને હું એમના રૂમ સાફ કરી દેતો.મને ત્યાંથી બસમાં બેઠાડી દીધો અને મને કહ્યું કે સેનેટૉનિયોમાં મારા મિત્રની મોટ્લ છે તે તમને ત્યાં રાખી લેશે. મેં તેમની સાથી વાત કરી લીધી છે. તું ગેર-કાયદે છો તેથી પગાર રોકડા અને કલાકના ૨ ડોલર્સજ આપશે. ગેર-કાયદે કોઈને રાખવામાં સરકારી જોખમ છે.મેં કહ્યું મને મંજુર છે.

પપ્પા, બાર, બાર કલાક જોબ કરું ત્યારે માંડ ૨૪ ડોલર્સ મને મળે! એમનો આભાર કે મને રહેવા એક નાનોરૂમ આપેલ અને જેમાં હું રસોઈ પણ કરી શકું. દરિયાના મોજાને કાયમ કિનારા સાથે અથડાવાનું-પછડાવાનું અને ભાંગીને ભુક્કો થઈ જવાનું એમ મારું એવું જ થયું.  મોટ્લ બરાબર ચાલતી નહોતી અને ખોટમાં જતી હતી.હોટ્લના માલિક ગંજુભાઈ મને છુટ્ટો કર્યો. ગેર-કાયદે આવેલ વ્યક્તિ અહીં શું કરી શકે? મારે આગળ અભ્યાસ કરવો હતો. મને મોટું સ્વપ્ન હતું કે હું અહી એન્જિનયરમાં માસ્ટર કરીશ પણ એ માત્ર સ્વપ્નજ રહ્યું. શહેરમાં કોઈ ગેર-કાયદે ઈમિગ્રાન્ટને  જોબ આપે નહીં. મારા જેવા બીજા ત્રણ-ચાર ભારતિય હતાં એના સંપર્કામાં આવ્યો. પપ્પા,એક નાનું  એવું એક બેડરૂમનું એપાર્ટમેન્ટ માંડ માંડ મળ્યું છે જેમાં મારી જેવીજ હાલતના અમો પાચ જણાં રહીએ છીએ.કોઈ પણ જોબ આપવા તૈયાર ના થાય.અમોને જે જોબ મળે તે ગેર-કાયદે અને૧૦થી ૧૫ કલાક જોબ કરવાની અને મળે માત્ર ૨૦-૨૫ ડોલર્સ.એમાં ખાવા-પિવા અને એપાર્ટમેન્ટના ભાડા કાઢવાના, અમારી ઘરની મિલકત ગરાજ સેલમાંથી લીધેલ જુના સોફાસેટ,તુટેલ ડાઈનીંગ સેટ .એકાદ બે તપેલી,ત્રણ ચાર સ્પુન અને જમવા માટે પેપર્સ પ્લેટ જેથી વાસણ સાફ કરવાની    ચિંતા નહી.  અને હા પપ્પા..પેલા  વેનમાં અમોને મુકી ગયા અને ડુપ્લીકેટ પેપર્સ આપ્યા તેના માણસો  અમારો પીછો કરે છે અને એમને મારે ૨૦૦૦ ડોલર્સ આપવાના છે.  મારા નાના પગારમાંથી મહિને  ૧૦૦ ડોલર્સ રોકડા આપી દેવાના નહીતો લોકો બહુંજ ખતરનાક હોય છે જો મહિને હપ્તો ના આપીએ તો  એમને મારી નાંખતા જરી પણ દયા ના આવે! જાનનું જોખમ!શું કરુપપ્પા, સુવાળી લાગતી ઝાળમાં એવો ફસાયો છું કે એમાંથી  છટકી શકાય એમ છે જે નહી.

ઘણીવાર એવું થઈ જાય છે કે પાછો આવી જાઉ.પણ જ્યાં ખાવાના સાસા પડે છે? ત્યાં પાછા આવવા માટે  ટિકિટના પૈસા ક્યાંથી કાઢુ? ઘણીવાર તો એવો નિરાશ થઈ જાઉ છું કે આપ—ઘાત…. જવાદો એ વાત.આ દીકરાનો એક દિવસ એવો નહી ગયો હોય કે  મારા-મા-બાપ યાદ ના  કર્યા હોય! તમારું સ્વપ્ન ક્યારે સાકાર થશે ?પપ્પા મને ખબર નથી બસ આશાને સહારે જીવુ છુ કે એક દિવસ એવો આવશે..સોનાનો સૂરજ ઉગશે.,પ્રભાતિયે મંગળ ગીતો ગવાશે અને આંગણે લક્ષ્મી  આવી  ડૉલર્સની માળા પહેરાવશે!

લી-આપનો કમ-નસીબ,વિહોણો સંતાન રમેશ..

રમેશે પત્ર લખ્યા પછી તુરત વિચારવા લાગ્યોઃ

‘ હું તો અહીં દુઃખી છું અને આ મારી સઘળી મુશ્કેલીઓનો અહેવાલ અને મારી જિંદગીની સાચી હકિકત આ પત્રમાં વાંચી મારા મા-બાપને કેટલો આઘાત લાગશે ? મારા મા-બાપ બહુંજ લાગણીશીલ છે અને એમનું હ્ર્દય ભાંગી પડશે. એમને કઈક થઈ જશે તો હું તો ક્યાંયનો નહી રહું અને એનો જવાબદાર હું બનીશ.હું એક પુત્ર તરીકે આવી ખતરનાક બાજી નહી રમી શકું.

રમેશે તુરતજ માબાપને લખેલ પત્ર ફાંડી નાંખ્યો અને નક્કી કર્યું કે બસ આવતી કાલે ગમે તે રીતે૧૦૦ ડોલર્સ વેસ્ટર્ન યુનિયન દ્વારા  મોકલી  આપીશ. પેલા મેક્સિકોના માણસોને ૧૦૦ ડોલર્સનો હપ્તો નહી આપું તો શું કરી લશે ?..રમેશને ખબર નથી કે પોતે પોતાની જાત અને જાન સાથે કેટલી  ખતનાક રમત રમી રહ્યો છે!

“ના હોય”(5) પદમાં-કાન

 

ઇન્ડીયામાં ઘર દીઠ ગાડી ના હોય, અમેરિકામાં ઘરઘાટી ના હોય!

અમેરિકામાં સવાર થતા ફોનમાં હાય હાય શરૂ થઇ જાય? ના હોય!

ઇન્ડીયામાં સવાર થતા કામવાળી બાઈની હાય હાય શરુ થઈ જાય “ના” “હોય’’

અમેરિકામાં રંગ બેરંગી વિવિધ આકારના સુંદર પુષ્પો ખીલી ઉઠે ગાર્ડનમાંય !

પણ ઇન્ડીયાના જાઈજુઈ, ચંપો ચમેલી, ગુલાબ મોગરાની સુવાસ ત્યાં હોય? ના હોય

અમેરિકામાં સવારના પોરમાં મેડીટેશન કરતા ઓમકારનો ઉચ્ચાર મોટેથી થાય,

તો ત્યાં ડીસ ટર્બ સહુ થઇ જાય. “ના હોય”!

ઓમકાર ઉચ્ચારનો નાદ ઇન્ડીયામાં થતા હવામાં શુદ્ધિ થાય,

વાતાવરણ પવિત્ર બની જાય. “ના” “હોય”!

આજે સવારે સવારે એક ગમ્મત થઈ ગઈ. ફોનની ઘંટી વાગી ને મેં ફોન ઉપાડ્યો ને હલો કહું છું ત્યાં તરત જ ફોનમાં બોલ્યા હું હસું. ને મારાથી બોલાઈ ગયું હસો. પાછા એ બોલ્યા ના ના હું હસું છું. તો મેં કહ્યું ભઈ, હ્સોને મેં ક્યાં ના પડી છે?તો એ બોલ્યા અરે તમે મને ના ઓળખી? તમારા ભત્રીજા વહુની બેન હું હસમુખ! ને મારાથી બોલાઈ ગયું “ના હોય”ઓહ હસમુખ બેન !તો એમ બોલોને/હા. બોલો હવે શું ખબર છે?

હસુબેન-તમે આજનું છાપુ વાંચ્યું?

મેં કહ્યું ના કેમ શું થયું?

હસુબેન –બે ખબર એવી છે ને કે વાંચીને આપણા રુવાડા અધ્ધર થઇ જાય!

મેં કહ્યું ના હોય એવું તો શું બન્યું છે? બેન, તમે જરા સ્પષ્ટતા કરશો

હસુબેન –ક્યાય કદી સાંભળ્યું છે? બાપે દિકરી પર બળાત્કાર કર્યો હોય!

ના હોય!શું વાત કરો છો તમે? માન્યામાં જ ન આવે!

હજી બીજા પણ એવા જ સમાચાર સાંભળતા આપણા કાન ફાટી જાય અને કહેતા જીભ લજવાય ક્યાય સાંભળ્યું છે?દીકરાએ માં પર બળાત્કાર કર્યો!આવું શું હોય?

હે!નાહોય! શું કળજગ આવ્યો છે! નાહોય, આવું ના હોય, આ તો હડહડતો કળજુગ!

હસમુખબેન-હજી એક સમાચાર,

હવે વળી પાછુ શું છે?

હસમુખબેન – આમાં ગભરાવાનુ નથી તમને સાંભળીને સારું લાગશે એ વાત નક્કી. બન્ને પ્રેમી આપઘાત કરવા રેલવેના પાટા પર જઇને સુઈ ગયા. રેલગાડી બન્નેના ઉપરથી સડસડાટ ચાલી ગઈ?

હે! આ તું શું કહે છે! ના હોય! ને તે બન્ને?

હસમુખબેન-તે બન્ને આબાદ બચી ગયા. આવું બને કદી? એ તો એ બન્નેમાંથી કોઈને ઉ નીઆંચ પણ નથી આવી!આને જ કહેવાય રામ રાખે તેને કોણ ચાખે? આતો ખરેખર પ્રભુની મોટી કૃપા કહેવાય.નહી તો આવું ના હોય! હવે તને શાંતિ થઈને?

હાશ મને સારું લાગ્યું, ને એવા કોઈ સમાચાર સાંભળું ને તો જીવ ઉચાટમાં પડી જાય.

હસમુખબેન- બાકી બધું ઠીક છે ને?

હા પણ જો ને, અહિયાં આ બાઈઓનો મને ખૂબ ત્રાસ લાગે છે. અમેરિકા જતા જતા મારા દીકરાએ બાઈને થોડા વધારે પેઈસા આપીએ તો તે રસોઈ પણ કરે અને પપ્પાનું કામતો તે કરે છે એટલે મને થોડી શાંતિ, પણ શું ખાક શાંતિ? ને તમને ખબર છે હસમુખબેન, જે દિવસે મહેમાન આવવાના હોય ને એ દીવસે તો અચૂક તેનો ખાડો હોય જ.

હસમુખબેન-જુઓ બેન એક વાત તમને કહું? અહીના કામવાળા બહુ હોશિયાર હોય આપણી ફોન પર વાત ચાલતી હોય ને તે સાંભળી જાય કે કાલે મહેમાનની પધરામણી થવાની છે તો તમે કહ્યું તેમ સમજી લો ડબ્બા ગુલ!

એમ !ના હોય હૂ તો એને ખાસ કહું કે ભઈ કાલે તું જરા જલ્દી આવજે હો આપણે ત્યાં મહેમાન આવવાના છે

હસમુખબેન –ના હોય, જોજો હવે આવી ભૂલ કરતા!

ના હવે એવી ભૂલ ના થાય, પણ એક દિવસ એવું થયું કે બાર વાગી ગયા હતા ને બાઈ નોતી આવી ને તેમની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે તમારી બાઈ શું કરે છે? મેં એનો બચાવ કરતા કહ્યું કે દુરથી આવે છે ને એટલે કોઈ વાર મોડું થઈ જાય. તે હજી આવી નથી. તો ઉપરથી મને દબડાવવા માંડી કે કેમ નથી આવી? તમે અમને ફરિયાદ કેમ ના કરી? તમારી બાઈ અત્યારે અમારી ઓફિસમાં મારી સામે ઉભી છે.

હે “ના હોય!” જ્વા દે મારું તો માથું દુઃખી ગયું.ફરી કોઈ વાર મળશું.

પદમાં-કાન

આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી (૨) હેમાબહેન પટેલ

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય
“આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી” -હેમાબહેન પટેલ​-

સહિયારું સર્જન - ગદ્ય

10640995_327356450767791_2388044564322389645_n

પ્રકૃતિનો નિયમ છે તેમાં સતત પરિવર્તન આવતું રહે છે, તેવીજ રીતે આપણા જીવનમાં પણ પરિવર્તનને કારણ બદલાવ આવતો રહે છે.આ બદલાવનો અર્થ એકજ થાય છે . જીવનનો ઉદય થઈ અને ઉન્નતિ થવી.ક્ષેત્ર કોઈ પણ હોઈ શકે.દરેક વ્યક્તિમાં પોતાની ઉન્નતિ કરવાનુ સામર્થ્ય રહેલું હોય છે. પોતાની જાતે જ પ્રયત્ન કરવાનો છે.

ઈશ્વરને લગતા કોઈ પણ કાર્યમાં રચ્યા પ્ચ્યા રહી તેના વિષેજ વિચારવું એના થકી જ મન જાગૃત થઈને જીવનનો ઉદય અવશ્ય થાય છે. આ પરમ તત્વને જાણવા માટે તેને પામવા માટે શાસ્ત્રોએ અનેક માર્ગ બતાવ્યા. યોગ માર્ગ , ભક્તિમાર્ગ અને જ્ઞાન માર્ગ આ ત્રણ માર્ગ એ ઉત્થાનની સીડી કહેવાય. વેદાધ્યયન આદી વડે આત્માને જાણવાની ઈચ્છા થાય છે.આત્માને ઉદ્દેશીને જે જ્ઞાન કહેવામાં આવે છે તે ચાર પ્રકારનુ છે, આત્માનુ શ્રવણ કરવું મનન કરવુ, નિદિધ્યાસન કરવું અને શાક્ષાત્કાર કરવો. શ્રોત્ર ઈન્દ્રિયોથી, શ્રવણ-મનન એ મનથી, નિદિધ્યાસન તથા આત્મશાક્ષાત્કાર એ બુધ્ધિથી થાય છે. વેદ, ઉપનિષદ વગેરેનુ અર્થ સહીત અધ્યયન કરવું તે સ્વાધ્યાય છે.એ સ્વાધ્યાય તથા…

View original post 1,177 more words

“ના હોય” માસી..(3)પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો ભાષા આવડે તો કળા,નહિ તો …..

એ વાત ને પુરવાર કરતી મારા બાજુવાળા માસીની વાત કહું…

મારા પેલા બાજુ વાળા માસીને ઓળખો છે ને અરે પેલા “અરર” માસી  જે બધી વાત અરર થી શરૂ કરે ,હા… .હું પણ જાણું છું એ ભુલવા શક્ય જ નથી

એમના ઘરે એમની બેન દેશ થી આવ્યા એમ કહો કાયમ માટે આવ્યા …આમ તો માસી પોતે એક અલગ તરી આવતી વ્યક્તિ  છે.પણ જયારે માસી ના બેનને મળી ત્યારે અજાણતા જ પુછી જવાણું  માસી આવી કેટલી  બેન તમને છે ?

માસી કહે “અરર” આમ કેમ પૂછે અલી ?

મેં  કહ્યું તમે બધા થોડા નોખા તરી આવો છો  ને એટલે!

..ત્યાં તો એમના બેન આવ્યા અને કહે “ના હોય”!…

જોયું માસી તમે “અરર” માસી અને તમારા બેન “ના હોય” માસી..  

હા… આ માસીના બેનનો “ ના હોય” તકીયાકલામ છે.  

ના હોય શબ્દ થકી માસી બધા જ હાવભાવ દેખાડી શકે છે.

આપણે બધાની  વાતચીત ‘કેમ છો’, ‘મજામાં ને’ થી શરૂ થાય છે અને માસી “ના હોય” થી શરુ કરે છે….માસી ગુજરાતીમાં દુનિયાની કોઈ પણ ભાષા બોલી શકે છે એ અમેરિકા આવ્યા ત્યારે અમારા ત્યાં અમેરિકન પાડોશી  પણ અમારે ત્યાં આવ્યા એમણે પોતાનો પરિચય આપતા કહ્યું…..હાય હું નાન્સી તમે જાણો  છો માસી એ જવાબમા શું કહ્યું

“ના હોય” ..

મારા પાડોશી કહે શું કહે છે મેં  કહ્યું she  can not  believe..તો નાન્સી હેબતાઈ ગઈ..પણ પછી મારા ખુલાસાથી હસવા માંડી.

માસી ની ખુશી, આશ્ચર્ય ,શોક બધા જ ભાવો માટે એક જ ઉદગાર છે “ના હોય”..  

એટલું જ નહિ એ ગરબો પણ માસી “ના હોય” સાથે ગાઈ શકે છે। .

ના હોય શ્યામ.. .મારા રાધા વીના ના શ્યામ કદી…  એકલા  “ના હોય” રે લોલ। ..  

એક વાર તો  માસી ભાણા પર જમવા બેઠા હતા અને હાથ માં કોળિયો લીધો ત્યાં અચાનક મહેમાન  આવી ચડ્યા અને મહેમાને દરેક ગુજરાતી જેમ  કહ્યું   આવું  શાંતાબેન જમવા ?

તો માસી બોલી પડ્યા  “ના હોય”..

ત્યારે તો જોવા જેવો સીન થયો હતો

પછી મારી મમ્મીએ વાળી લેતા કહું   ચાલો, જમવા।..અને તરત માસીએ પણ સાથ પુરાવ્યો હા હા ચાલો જમવા। ..

આમ આવો, આવજો, કેમ  છો ?. હા અને ના બધુ જ માસી “ના હોય” દ્વારા પ્રગટ કરે.

માસીના મોઢે “ના હોય” શબ્દ સંભાળતા મને નાનપણ માં સાંભળેલી ભવાઈ ના પત્રો યાદ આવી ગયા ..અમારા ઘરની બાજુમાં એક ચાલ હતી  અને વચ્ચે એક મોટું મેદાન ત્યાં ઉત્સવો દરમ્યાન ભવાઈ કરવા આવતા,પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી ખુબ મજા પડતી .।.. ‘ભવાઇ’માં મોટે ભાગે દરેક પાત્રો પુરુષો જ ભજવતા…એમ કહું કે  સામાન્‍ય રીતે સ્‍ત્રીપાત્રોની ભજવણી માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવતી . …પુરુષો સ્‍ત્રીઓનો પોશાક પહેરે  સ્ત્રીની જેમ લટકા મટકા અને હાવભાવ પણ સ્ત્રી જેવા…  નવ દિવસ નાટકો ચાલે પ્રોગ્રામ રાત્રે હોય અને દિવસ દરમ્યાન આજ પાત્રો ખરીદી થી માંડી રસોઈ અને કપડા ધોવા સાથેનું બધુ જ કામ જાતે કરે.

આ ચાલના મેદાનમાં શાકવાળા શાકભાજીની જથ્થાબંધ માર્કિટમાંથી શાક ભાજી ખરીદી, લારીઓમાં ભરી વેંચવા સવારમાં આવે  . તાજા શાકભાજી ” ની બુમો પડતા આવે,અને ત્યારે  હું બજારનો ધક્કો બચાવવા અનેક ગૃહિણીઓની જેમ ત્યાં શાક લેવા જતી, ત્યારે સ્ત્રીનું પાત્ર ભજવનાર પુરુષ પણ ત્યાં પોતાની મંડળી માટે શાક ખરીદવા આવતા,એના લટકા મટકા બધુજ સ્ત્રી જેવું અને આદત પણ સ્ત્રી જ જેવી શાકભાજી ભાવતાલ કરવ્યા વગર ના લે પણ એનો એ લટકો મને આજે પણ યાદ છે શાકભાજીના ભાવ સાંભળી કહે “ના હોય” મારા વીર “ના હોય”… રીંગણ ના ભાવ આટલા “ના હોય”….અને ખુબ કસ્યા પછી થોડી કોથમીર મફત ની  લઈને લટકો મટકો કરતા જાય ત્યારે એને સારું લાગે..

હવે મૂળ આપણા માસીની બેન “ના હોય” ની વાત કરું।. માસી ની ખાસિયત વિષે તો ખબર પડી જ ગઈ હશે બધી બાતમાં “ના હોય” કરી ટપકી પડે…અને  બીજું આ માસીએ “ના હોય” “ના હોય” કરતા ભાવ-તાલ કરવામાં તો  પી.એચ.ડી હાંસલ કરી છે.

માસીને “ના હોય” કરી  ભાવતાલમાં ફેઈલ કરનારા હજી જન્મ્યા નથી હોંકે..

“ના હોય” માસીને ભાવ-તાલ કરવાનો રક ઝકનો અનેરો આનંદ આવે.

ઉપરાંત આ ભાવતાલ કરતા “ના હોય” “ના હોય” કરતા લારીમાંથી ગાજર કે ટમેટાં જેવા શાક કાચા ખાવાનો લ્હાવો પણ માસી બે જીજક માણે।..   એટલું જ નહિ ખરીદ્યા પછી ” મસાલો ” અર્થાત કોથમીર, ક્ટકો આદુ, એકાદ બે મરચાં,થોડો મીઠો લીમડો વગેરે વિના મૂલ્યે ઉપરાણમાં મેળવવાનો અબાધિત અધિકાર પણ માસી પોતાના જન્મસિદ્ધ અધિકારની જેમ  ભોગવે।.

અલબત્ત ઘણીવાર કેટલાક માસીથી વધુ ચાલાક શાકવાળા કોઈક શાકનો થોડો ભાવ વધારી મફત લ્હાણી માસીને કરાવતા રહે એ વાત જુદી છે….આ ભાવતાલ ચક્કરમાં “ના હોય” ના હોય કરતા  ક્યારેક માસી ૧૦ રૂપિયાની મફત ગિફ્ટ માટે ૧૦૦૦ રૂપિયા ખર્ચી નાખે , કારણ કે ફ્રીમાં મળે એટલે મજા આવી જાય સેલ નો આનંદ

કાકા  માસીના નકારદર્શક એક શબ્દ “ના હોય” ના ઉદગાર થી ઘણી વાર કંટાળી જાય।  અને ક્યારેક તો એમના આ આશંકાવાળા ઉદગાર થી કાકા ખીજાઈ જાય। ..કેટલીય વાર કહે ..બોલવામાં પરેજી પાળો..

પણ માસી માને તો ને ….

એકવાર માસીએ રસોઈ બનાવી  અને કાકાને પીરસી શાક ખારું હતું એટલે કાકા કહે શાકમાં મીઠું વધારે છે અને માસી કહે “ના હોય” અને કાકા નું મગજ  ગયું। . કાકા કહે નહિ માનતી જા મારે જમવું નથી  અને ભાણે  થી ઉભા થઇ ગયા..કાકી માંડયા રડવા એવામાં હું અને મમ્મી ત્યાં પોહ્ચ્યા મમ્મી કહે કેમ રડો છો પણ માસી  જવાબ ન આપે અને સાડલાના છેડા થી આસું   અને નાક લુછે રાખે…..

મેં મમ્મી ને કહ્યું મને લાગે છે કાકા એ માસીને માર્યું અને મમ્મી બોલી “ના હોય”। ….આવડા મોટા। ..તું  પણ… મૂંગી રહે….

ફરી મ્મીએ પુછ્યું શું થયું કહો તો ખરા….  ફરી માસી રડે અને  સાડલાના છેડાથી નાકના શેડા લુછે।…

મમ્મી કહે  જ જઈ ને  કાકાને બોલવ।… પણ કાકા પણ ગુસ્સામાં આવવા તૈયાર ન થાય   ..એટલે છેવટે મમ્મી જ કાકાને બોલવા ગઈ..     

,ભાઈ ચાલો ઘરે ગુસ્સો થુકી નાખો। ..કાકા કહે હું,,  હું મારી પત્નીથી પરેશાન થઈ ગયો છું..પચાસ વર્ષથી મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી બધી વાતમાં  “ના હોય” મારે એને કેવી રીતે સમજાવી કે ભાઈ આમ..મ.. જ હોય .. તમને  બેન શું કહું ઘરના છો તો સાંભળો। …અમારા લગ્નની રાતે મેં તમારા માસીને કહ્યું તું ખુબ સુંદર છે તો કહે “ના હોય”। ..અરીસો લાવી એનું મોઢું દેખાળ્યું  તો  શરમાણી। … ગયા વેલેન્ટાઈન માં મેં એને કહ્યું કે આઈ લવ  યુ તો કહે છે “ નાં હોય” મારે એનું કરવું શું ?બેન થોડા વર્ષ પહેલા।.. હું અમારી 25મી દસમી લગ્નતિથિએ કાશ્મીરની ટીકીટ લાવ્યો તો મને કહે “ના  હોય” અંતે  મારે કહેવું પડ્યું કે હું બીજી સાથે જાવું છુ ત્યારે માની …મારી એકપણ વાતમાં સહમત નથી થતી….હવે હું કંટાળ્યો  છુ…  આ બે દિવસ પહેલાની જ વાત છે। ..

રસ્તે ચાલતા એક આંધળો ભિખારી મળ્યો મેં કહ્યું તારી પાસે છુટા હોય તો આપ… બીચાળો  આંધળો છે, તો કહે   “ના હોય” ત્યાં તો ભિખારી બોલ્યો આ જુવાનીયા ની વાત સાંભળો બેન થોડા પૈસા આંધળા ને આલો। .. .એટલે એને ખાતરી થઇ કે આ નક્કી આ આંધળો છે ત્યારે પૈસા આપ્યા। …

અરે એકવાર તો હદ થઇ ગઈ મારો જન્મદિવસ હતો મેં કહ્યું ચાલ આજ કેક ખાઈએ  તો કહે  “ના હોય” .મેં કહ્યું હા આજે મારો જન્મદિવસ છે તો ફરી કહે “ના ..હોય”….  

અને તે દહાડે પણ હું ખીજાણો …

એક તો મારો જન્મદિવસ ભૂલી ગઈ અને કહું છુ  તો પાછી માનતી પણ નથી

અને કહ્યું। .તો શું મારું જન્મ નું સર્ટીફિકેટ દેખાળું તો જ માનીશ…..

હવે તમે જ કહો  મારે આનું શું કરવું ?

મમ્મી એ કાકા નો પક્ષ લેતા કહ્યું …વાત  આપની બરાબર છે.

પણ…. આમ ભાણે થી તમારે ન ઉઠવું જોઈએ…ભાઈ જમવા પર ગુસ્સો ન કરવો.  

પણ બેન હું મુંગો  મુંગો જમતો હતો.  

અણે જ  મને પુછ્યું  કે કેવી છે રસોઈ ?

મેં કહ્યું શાકમાં મીઠું વધારે છે તો કહે  “નાં હોય”

મેં કહ્યું શાક માં મીઠું વધારે છે!

તો કહે “ના હોય” ! ..

મેં કહ્યું તું જ ચાખી જો

અને ચાખ્યા પછી પણ માનવા તૈયાર નથી પોતે જ થુકીને કહે છે “ના હોય” ..

બેન પછી તો મારો પિત્તો ગયો। ..એટલે હું જમવાનું છોડી નીકળી ગયો। ..

બસ બહુ થયું  હવે હું એની સાથે નહિ રહું। ..

મમ્મી કહે એમ નાં હોય ભાઈ ચાલો ઘરે… બીચાળા  ક્યારના ખાધા વગર હિબકે ચડ્યા છે ચાલો ઘરે…  બીજું શાક  બનાવી દવું  અને માનમાન કાકાને સમજાવી ઘરે લાવ્યા ત્યાં તો માસી એ બીજું શાક બનાવ્યું।.

કાકા બોલ્યા પહેલા માની લીધું હોત તો ? આવા ધજાગરા ન થતે ને.. ..

માસી કહે  મેં ક્યાં ના પાડી ?

કાકા કહે તો શું હું મુરખો છુ

અને માસી તુંરત બોલ્યા ના હોય.. ..

જોયું !કોઈ વાતમાં સહમત નહિ થાય..

એટલે માસી કહે સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.

કાકા તાડૂક્યા આખી જિંદગી મારી સાથે સહમત  ન થઇ..  

અને જોયું કેવી છે? .. મને મુરખો કહેવા સહમત થઇ ગઈ । …

મમ્મી એ માનમાન  કાકા ને શાંત કર્યા। ..બધા શાંત પડ્યા એટલે મમ્મીએ માસીને સમજાવતા કહ્યું

તમને પણ શાક  ખારું  લાગ્યુંને ?તો માસી નીચુ મો રાખી હા પાડી।..  

તો ક્યારના “ના હોય” “ના હોય” કેમ કરો છો ?

અને તમે કેમ માનવા તૈયાર ન થયા ?…  .

માસી પોતાનો કક્કો સાચો કરતા બોલ્યા ના મીઠું વધારે નથી .આ ..તો શાક થોડું ઓછુ છે.  

“ના હોય” અને અમે બધા એક સાથે બોલ્યા અને બધા ખળખળાત હસતા હતા..

એવામાં માસીના ત્રીજા બેન આવી ચડ્યા અને બોલ્યા “શું વાત છે”

 

મિત્રો “શું વાત છે” માસીની વાત બીજા પ્રકરણમાં

 

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

 

  

ધાવણની લાજ………વિશ્વદીપ બારડ

ધાવણની લાજ………વિશ્વદીપ બારડ‘ બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતા જ નથી.મારા મિત્રની હાજરીમાં  પણ ઠો..ઠો  કર્યા કરો છો.ઉધરસ આવે તો બીજા રૂમમાં જતા શું  જોર પડે છે ? મારું ખરાબ લાગે એ તમને ગમે છે. ‘મે પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે પણ એમને શિખામણની કોઈ અસર થતીજ નથી.’ ઉમેશ અને પુર્વી બન્નેએ એકી સાથે મારા પર પ્રહાર શરુ કર્યા.

મને કોઈ શોખ નથી થતો કે તમારા મિત્રની હાજરીમાં ઉધરસ  ખાઉં. ઉધરસ મટતી નથી..ઘર ગથ્થુ કેટલા ઉપાય કર્યા છતાં પણ ઉધરસ ઓછી થતી  નથી.ડૉકટર પાસે મને લઈ જવા તમારી પાસે સમય અને પૈસા બન્ને નથી.મે તમને બધું આપી દીધું એ ભુલ મને આજ સમજાણી.

 

દિકરો જન્મ્યા બાદ છ મહિનામા ઉમેશના પપ્પા આ દુનિયા માંથી જતા રહ્યાં ૨૪ વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કુલમાં  શિક્ષિકા હતી.બહું પગાર પણ નહોતો.બીજા લગ્ન કરીશ તો મારા પુત્રને સ્ટેપ ફાધર, પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ? એ પ્રશ્નમાં મે નક્કી કર્યું કે હું ઉમેશની મા અને પિતા બની બન્નેનો પ્રેમ આપીશ.ઉમેશના સારા ભાવિ માટે મારા ત્યાગની જરૂર છે.                                            સર્વિસ સાથો સાથ  ટ્યુશન કરી મારા એકના એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા, મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જીનયર બનાવ્યો, તેની પસંગીની છોકરી  ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્નબાદ એજ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મે આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાસ્પીભવન કેમ થઈ ગયા! આ નવા યુગની હવામાં એવીતો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમના વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું ?..આવા વિચારો અવાર નવાર મારા મનમાં આવી જતા. ..હશે…ચાલ્યા કરે…મનને મનાવી લેતી..

૫૮ વર્ષે નિવૃત થઈ. નિવૃતી એટલે.જિંદગીભર કરેલા પરિશ્રમને વિશ્રામ!યુવાનીમાં વાવેલા બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શિતળતા! પણ મને ના તો વિશ્રામ, ના તો કોઈ શિતળતા મળી..વહું ને મે દીકરી તરિકે માની પણ ઉર્મીએ મને કદી મા તરિકે ના સ્વિકારી..ના તો દિકરાએ મા ની ગોદની લાજ રાખી..મારી પાછલી જિંદગી એક સહરાના રણ જેવી બની ગઈ! કંટાળી ગઈ!

‘ઉષાબેન..આ જાહેરાત જોઈ ? અમેરિકાથી એક ડૉ.કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી બહેનપણી લત્તાએ કહ્યું. ‘નર્ક જેવી જિંદગી જીવવા કરતા આ તક તારા માટે ઘણી સારી છે.’ ‘પણ લત્તા, તેના માટે પાસપોર્ટ પણ જોઈએ.’ ‘તેની તું ચિંતા નકર.તારા બનેવી ને ઘણી લાગવગ છે. વાંધો નહી આવે..હું અને લત્તા બન્ને અમેરિકાથી આવેલ મિસ્ટર,અને મિસિસ વ્યાસને મળ્યા.બધું સેટ થઈ ગયું. બન્ને ડૉકટર હતાં.પાંચ વર્ષનો બાબો હતો..લત્તાએ મને ઘણીંજ હેલ્પ કરી.ત્રણજ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું..ઉમેશને એકદમ આશ્રર્ય થયું પણ શૉક નહી.. પતિ-પત્નિએ ‘હાશ’ની લાગણી અનુભવી…ચાલો લપ ગઈ!

‘પારકા’ ને ‘ પોતાના’ની ખરી વ્યાખ્યા શું ? મારે માટે પોતાના હતા એ પારકા બની ગયા અને જેને લોકો પારકા ગણે છે તે મારા પોતાના બની ગયા.જે ફેમિલીએ રહેવા ,ખાવા પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિએ એક વખત રજા.આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજ કાલ કરતાં અમેરિકામાં  ૧૨ વર્ષ  થઈ ગયાં.’વ્યાસ’ ફેમિલીની એક મેમ્બર તરિકે રહી.  નહી કે નોકરાણી તરીકે,ઘરમાં સૌ મને ‘બા”ના નામથીજ સંબોધે. સુધાબેન અને સતીષભાઈ  મને મા તરીકે ગણતા  એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે એના  આનંદ અને ઉલ્લાસથી મારો દુ;ખ ભર્યો ભુતકાળ ભુલી ગઈ છું. હું ૭૦ની થઈ. સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે  એમની લેક્સસ મને  ભેટમાં આપેલી.  હું રવિવારે મારી બેનપણી, કે કોઈ કાર્યક્રમમાં, મુવી જોવા મારી કાર ડ્ર્રાઈવ કરીને જાઉં છુ.નિયમિત યોગા, કસરત,હેલ્થી ડાયેટ અને ઘરના ડોકટરની સલાહ સુચન , જેથી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારિરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનન ને એક સારી યુનિવસિટીમાં એડમિશ પણ મળી ગયું છે. આજ મારો સુખી પરિવાર છે!

“બા” તમારો પત્ર ઈન્ડિયાથી આવ્યો છે’સુધાબેને મને પત્ર હાથમાં આપતાં કહ્યું. પત્ર ઉમેશનો હતો. ખોલ્યો.

‘બા,

તમો  તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ કે અમારા પર ધ્યાનજ નથી આપ્યું. ક્યાંથી આપો! તમે તો અમેરિકામાં ખાઈ પી જલશા કરતા હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોય ત્યાં અમો તમને યાદ ક્યાંથી આવીએ !

અમો અત્યારે બહુંજ મુશ્કેલીમાં છીએ..ઉર્મિને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છુટી ગઈ છે.. દીકરી ટીના કોલેજમાં આવી છે.. ઘર ગીરવે મુક્યું છે.તમને દયા આવે તો થોડા પૈસાની મદદ કરજે..

મોકલીશને..અમારા પર દયા આવશે ને?

લિ.ઉમેશ

હજું એજ જુસ્સો..એજ ગુસ્સો..બાવળ સુકાઈ જાય પણ એમના કાંટા તો એમના એમજ રહે ! મનમાં  તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગારબેજમાં નાંખી દઉં.  ઉમેશના પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે નહી. તો હું શા માટે મદદ કરુ ?  એને મારી કશી દયા આવી હતી ?  પણ અંતે હ્ર્દયમાં બેઠેલી મમતા બોલી ઉઠી! ‘મા ની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી, થવાની નથી.કોઈ પણ પરિસ્થિતિમાંએમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી . મા માટે કદી પણ પ્રેમના ધોધમાં  પૂર્ણ વિરામ આવતું જ નથી..તેનો પ્રેમ સદેવ અવિરત છે..આ જગતમાં અવિરતજ રહેશે.

મારામાં ઘડીભર આવેલ નેગેટીવ વિચારો.અદ્ર્શ્ય થઈ ગયા..  દિકરાને પત્ર લખ્યો..

‘મારા વ્હાલા દિકરા ઉમેશ,

તારી કપરી પરિસ્થિતિને લીધે  મારા પર ઠાલવેલ ઉભરો વાંચી તારા પ્રત્યે મને કોઈ દ્વેશ કે ગુસ્સો  નહી પણ લાગણી અને પ્રેમ ઉદભવ્યો છે.દયા ઉદભવી છે.એક માનવતા ઊભરી આવી છે..તારી કપરી પરિસ્થિતિમાં  મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એજ તારી મજબુરી છે.એક માનવતા ખાતર  મારી બચતમાંથી હું  તને બે લાખ  રુપિયાનો ચેક  આસાથે રવાના કરું છુ તેમાંથી તારી બિમાર પત્નિનો ઈલાજ ,બાકીના  પૈસામાંથી ઘર-ગુજરાન ચલાવજે.

ઈશ્વર પાસે. હું એટલીજ પ્રાર્થના કરું છું કે તને સદબુધ્ધી સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત બક્ષે.

સાથો સાથ એક નમ્ર વિનંતી જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા બે લાખ, કોઈ દિકરાથી ઠુકરાયેલા,દુઃખી થયેલા  મા-બાપ જે વૃદ્ધાસ્થામમાં રહે છે તેમાં તું આપી દેજે ,આ મારી વિનંતી ધ્યાનમાં રાખી  મારા ધાવણની લાજ રાખજે.

સદા સુખી રહે એજ આશિષ.

લિ. દિકરાથી દાઝેલી છતાં સદેવ શુભ ઈચ્છતી મા.

.વિશ્વદીપ બારડ-http://vishwadeep.wordpress.com/

ના હોય-(1)-હેમા બેન પટેલ

 આ મહિનાનો “બેઠક”નો વિષય-“ના હોય”- 

મિત્રો ,આ મહિનાના  વિષય પર હેમા બહેનની સુંદર રજૂઆત 

                                             

ઈન્ડિયાથી પાછી આવી અને બીજે દિવસે સવારે મારા ખબરઅંતર પૂછવા માટે મારા મોટાભાઈનો ફોન આવ્યો, હેલો કર્યું ત્યાંતો ભાઈએ પૂછ્યુ બેન આવી ગઈ ?

હા ભાઈ આવી ગઈ.

બધું બરાબર છે ને ?

હા ભાઈ બધું બરાબર છે.

ભલે તો બેન સાંજના તને મળવા માટે આવીશ.

ભલે ભાઈ, સાંજે આવો ડીનર હું અહિયાં બનાવીશ.

તૂ થાકેલી હોઈશ ખીચડી બનાવજે.

ભાઈ જે હશે તે સાથે બેસીને ખાઈશું.

ભલે બેન.

સાંજના ભાઈ આવ્યા જમીને ગપ્પાં મારવા બેઠા.ભાઈએ પૂછ્યું એરપોર્ટ પર જતા આવતાં કોઈ તકલીફ પડી હતી ? મેં કહ્યું લગ્નમા ગઈ હતી એટલે સાથે થોડા ઘરેણા તો હોય જ, અને બંગડીઓ બનાવવા માટે બે લગડી સાથે લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર લગડી માટે માથાકુટ કરી , ઓફિસર કહે ડ્યુટી ભરો , ગમે તેમ કરીને સમજાવીને ડ્યુટી ભર્યા વીના જ બહાર આવી.

મોટાઅભાઈ તરત જ બોલ્યા “ ના હોય “ ડ્યુટી સેની ભરવાની હોય ? સોનુ તો ગમે તેટ્લું લઈ જવાય કોઈ ના રોકે. સાચુ માનવા તૈયાર નથી.

ઈન્ડિયામાં તારી તબીયત કેવી રહી ?

ભાઈ એક વખત ઝાડા-ઉલટી થયા હતા બાકી તબીયત સારી હતી.

લગ્નમાં કંઈ ખાવામાં આવી ગયું હશે નહી ?

ના ભાઈ, મેં એસીડીટી માટે આયુર્વેદીક દવા લીધી હતી.

“ ના હોય ‘ આયુર્વેદીકની કોઈ દિવસ આડ અસર ન થાય, આયુર્વેદીક દવાથી કોઈ દિવસ ઝાડા-ઉલટી ન થાય.

ભાઈ તમને તો ખબર છે મારા પેટનો પ્રોબલેમ, જેમ ખાવાનુ નથી પચતું તેમ દવાઓ પણ નથી પચતી.

મોટાભાઈને દરેક વાતમાં ‘ ના હોય ‘ શબ્દ વાપરવાની બહુ જ આદત છે. કેમકે કોઈ વાત સાથે જલ્દી સહમત ન થાય.માટેજ દરેક વાતમાં તેમના મૉઢામાંથી  ‘ના હોય ‘ શબ્દ સરી પડે. ભાઈ તો ઘરે ગયા. સામાન્ય રીતે દરેકની સાથે બનતું હોય છે, આખા દિવસમાં જેની સાથે વાતો થઈ હોય તેનુ રાત્રે મનન ચાલતું હોય. આપણુ મન સવાલ જવાબના મંથનમાં પડી જાય. ભાઈના મૉઢે વારંવાર “ ના હોય ‘ એમ સાંભળીને મને એક પ્રસંગ યાદ આવી ગયો. એક વીક પહેલાં બનેલ ઘટનાના અતિતમા ખોવાઈ ગઈ અને આજે પણ એ વાત પર એટલું જ હસવું આવ્યું.

પ્રસંગ બહુજ મઝાનો છે. સગાં-સબંધી-મિત્ર મંડળ વગેરે મહેમાનો લગ્નમાં પધારે એ તો સામાન્ય વાત છે. લગ્નમાં મહેમાન તરીકે એક નાના ગામમાંથી બે બહેનો જે માસીની દિકરીઓ છે અને ઉંમરમાં પણ સરખાં છે, તે લોકો આવ્યાં હતાં.નાના ગામડેથી હતા ઉંમર ૭૫ ની આસપાસ. ગામ નાનુ આધુનિક સુવિધા નહી. બંને બેનો એકજ ગામમાં પરણાવેલી, બહુ ભણેલી ગણેલી નહી, અબોધ અને ભોળી. નામ હતાં જમના અને ઝમકુ. ગામ તેમને જમનામાસી અને ઝમકુમાસી કહીને બોલાવે બંને બેનોને બહુ જ બને., બહેનો કરતાં બેનપણી વધારે હતા સુખ-દુખની બધી વાતો થાય.જમનામાસી ઘરની બહાર બહુ ન નીકળે તે શરમાળ અને બહુ જ ભોળીયા જ્યારે ઝમકુમાસીને આખા ગામમાં ગૉળ ગોળ ફરવા જોઈએ , રસ્તે ચાલતા સાથે વાતો કરે અને ખબર અંતર પૂછી લે.. ઓલ ઈન્ડિયા રેડિયો જેવા , આખા ગામના બધા સમાચાર તેમની પાસે હોય.અને દરરોજ દરેક સમાચાર જમનામાસીને આપવા માટે તેમને ઘરે પહોંચી જાય.

લગ્નનો મહોલ, હસી ખુશી ભર્યું વાતાવરણ, રાત્રે બધાં જમી પરવારીને બેઠાં હતાં અને છોકરીઓએ ઝમકુમાસીને આગ્રહ કર્યો બા તમે તમારા ગામની નવા જુની કહો, તમારા ગામ વિષે કંઈ કહો. ઝમકુમાસીને પૂછવુ જ શું એ તો બોલવા માટે રાહ જોઈને બેઠાં હતાં.જમનામાસી તરત જ બોલ્યાં જો ઝમકુડી આડા અવરી વાતો કર્યા વીના તે દિવસે તેં જે રોમાયણ કથા અધુરી રાખી હતી તે વાર્તા પુરી કર. તેમણે બધાંને કહ્યું આ મારી બોન કથા હોભરવા બહુ જાય સેં , તેને બહુ હારી વારતા કરતાં આવડેસેં ઝમકુમાસી તરત બોલ્યાં ભલે મારી બઈ. હેં જમની કઈથી બાકી રયુતુ ?

જમનામાસી “ પેલી રોણી કૈકેઈએ રોમને વનમાં  જવાનુ વરદોન માંગ્યું તાંથી.”

ઝમકુમાસીને આદત છે કોઈ પણ વાત હોય મીઠું મરચું ઉમેરીને વાત રસ પ્રદ બનાવવી અને આ માસી રામાયણ  કથા કેવી કરશે તે તો ભગવાન જાણે. ઝમકુમાસીએ ચાલુ કર્યું, પેલી રોણી કૈકેઈ બહુ મોથાભારી હૉ ભઈ, દશરથે લાડ કરીને તેને છાપરે ચડાવીને વંઠાવી મેલીતી .લોં રોણી પાછાં કોકભુવનમાં રીહયાં આ તો ભઈ રાજા-વાજાં અને વાંદરાં ઝાલ્યાં રે ? એમની મોનીતી રોણીએ તો માગ્યું રોમને વનમાં જવાનુ ?મારો ભરત ગાદીએ બેહે. આ રાજાની અક્ક્લ બેંર મારી ગઈ, આ રોણીને દંડો હંભાર્યો હોય તો હીધી હેંડે.આ માંનીતી રોણી ભારે હઠીલી રાજાએ મનાઈ, હમજાઈ ,મોને તોને. બાપની આજ્ઞા મોથે ચડાવીને રોમ તો હેંડ્યા પણ લખમણ અને સીતા વોહે હેંડ્યા .

જમનામાસી – “ હેં ઝમકુડી ‘ના હોય’  બિચારાં સીતા મોટાં રોણી વનમાં જવાનું ? પેલો લખમણ નવાં લગન થયા બાયડીને હીબકાં ભરતી મેલીને હાલ્યો ગ્યો “

ઝમકુમાસી “ જમની એમાં આટલી દુખી થાયસેં, અજુ  હોભરતી જા આગર, દુખ તો અવે આવવાનુસે “

ઝમકુમાસી – ઓણ કોરે રાજા દશરથ રોમનો વિયોગ ના સહન થતાં બે ભોન થઈ ભોય પડ્યા, વૈદે જેમ તેમ કરીને ભોનમાં ઓણ્યા, હોમે હું જોવેસે શ્રવણને તીર માર્યું તે દેખાયું આંધરાં મા-બાપના શરાપ યાદ આયા, આ કરમ કોઈના બાપનુ થયુસે તે આજે થશે, કરમ કોઈને ન છોડે”

જમનામાસી  – “ના હોય ઝમકુડી , દશરથે તો જનાવર હમજીને તીર માર્યું તુ “

ઝમકુમાસી – “વનમાં ઝુપડુ બનાયુ ને એમાં રેવાનુ. સીતાએ એક દિ હોનાનુ મૃગલુ ભાર્યુ, બાઈ મોણહ ,એની ખાલનુ મારુ  પોલકું બનાવવુ સેં .જીદે ચડ્યાં, રોમને કંઈ સુટકો સે ? લખમણને ભાભીની ચોકી કરવાનુ કઈને રોમ તીર કાંમઠુ લઈ એની વાંહે દોડ્યા, મુગલુ આગર પાછર રોમ , એ રોમ જાય દોડ્યા. મુગલુ તો અલોપ ! જુઠુ બનાવટી મુગલુ , રોમને છેતરવા બધો પેંતરો કર્યો તો, પાછો બુમો પાડે એ લખમણ “

જમનામાસી – “ ના હોય , ઝમકુડી, મુગલુ વરી હોનાનુ ? ભગવોન કોઈ દી છેતરાય ?

ઝમકુમાસી – “ અલી જમની, તને મારી વાત પર વિશ્વાસ નથી ? મેં તો પેલા માત્માના મોએ હોભર્યુ એ કઉછુ.

બેઠેલાં બધાં ખડખડાટ હસી રહ્યાં છે. ઝમકુમાસી બોલ્યાં જો આ છોડીઓ કેટલા દાંત કાઢેસેં તેમને તો વાત ગમી, જમની તને બધી વાતમાં વેંમ આવે સેં.આગર હોભર અવે. રોમના અવાજમાં લખમણે રાડ હોભરી એટલે એતો ભઈની વ્હારે દોડ્યા,.લખમણે મંતર મારી રેખા ખેંચી ભાભીને કીધુ આ ઓરંગશો નહી.હું અમણાં ગ્યો અને અમણાં આયો. મારો ભઈ મુશીબતમાં સેં.

જમનામાસી – “ ના હોય , લખમણે મંતર મારીને રેખા ખેંચી ? ઝમકુડી આગર હું થયું ?”

ઝમકુમાસી – “ શાંતિ રાખ મારી મા ,ઉતાવરી ના થઈશ “

રોમ લખમણ ઝુપડામાં સેં નઈ, એનો લાગ જોઈ એક બાવો  ભીખ માગવા આયો ,.સીતા ભીક્ષા આપવા નીકર્યાં લખમણ રેખા ઓરંગવાની ના પાડીતી તેની બાર ના જવાય, પેલો બાવો ઓરંગે તો તે પણ ભસમ થઈ જાય. બાવાએ કીધુ મા, બાર આઈને ભીક્ષા આપો. સીતા બિચારાં ભોરવઈ ગ્યાં ભીક્ષા આપવા રેખા ઓરંગી અને બાવો તેમને ઉપાડી ગયો આ બાવો કોઈ નહી પેલો રાક્ષસ રાવણ.

જમનામાસી- “ ના હોય ઝમકુડી ! સીતા તો મોટાં સતી અને પાછાં દેવી એમને આવા મોણહો અડે તો બરીને ભસમ થઈ જાય “

ઝમકુમાસી – “ અલી જમની આ તો કરજુગ સેં બધુ જ થાય “

જમનામાસી – “ ના હોય, ઝમકુડી રોમ હતા તારે કરજુગ નોતો તુંય શુ તાઢાપોરના ગપ્પાં મારવા બેઠી સેં

ઝમકુમાસી – “ અલી જમની હાચું કઉસું , આગર હોભર, મુગલુ અલોપ થઈ ગયુ એટલે રોમ લખમણ પાછા ઝુપડીયે આયા, સીતા નાં દેખ્યાં , અરે ક્યાં ગ્યાં હશે ? બેઉ તો બોત જેવા થઈ ગયા અવે હું કરીશું ? દોડ્યા જંગલ ભણી, રોમ તો સીતે , સીતે રાડો મારતા જાય , સીતા દેખાયાં નહી, રોમ તો પોકે પોકે રડવા માંડ્યું મોટા ભઈને રડતો જોઈ લખમણે હીબકાં લેવા માંડ્યાં કોણ કોને છાંનુ રાખે ?

જમનામાસી – “ ના હોય , ઝમકુડી, રોમ તો ભગવોન એ હું કોમ રડે ? એતો રડતાંને છોનાં રાખે, ભગવોન કોઈ દી ન રોવે. માત્મા કથા કરતાતા તે ઘડીએ તું  ઉંઘી ગઈતી ?

ઝમકુમાસી – “ અલી જમની તૂય  ‘ના હોય, ના હોય કારની મંડી સેં, જા મારે કથા નહી કેંવી બીજી આગરની ગોમ જઈને તને કઈશ મનમાં બબડવા લાગ્યાં ‘ના હોય’  ‘ના હોય’ કરીને મારૂ મોથુ ખઈ ગૈ ”

બધી છોકરીઓ બોલી ઉઠી ,બા તમારી કથા બંધ ના કરશો , સાંભળવાની અમને બહુ મઝા પડી છે,નાના મોટા સૌ બોલી ઉઠ્યા  મહેરબાની કરીને આગળ કહોને.

ઝમકુમાસી – “ ભલે છોડીયો તમને બધાને મઝા પડીસે ને તો લો આગર હોભરો, માત્મા કથા કરતા તા તારે એમણે કીધુતુ રોમાયણ કથા ભોરેનાથ શીવજી, મા પારવતીને હંભારવતા તા. રોમ સીતાના વીરહમાં રડતાં રડતાં સીતે સીતે કરતાં વનમાં ઓમથી ઓમ ફરતાતા એ જોઈ મા પારવતી બોલ્યાં સોમિ (સ્વામિ) તમે તો કોછો રોમ ભગવોનસે ,ભગવોન ઓમ રડે નઈ, મને જઈને તેમનુ પારખુ કરવા દો, ભોરેનાથે કેટલાં હમજાયાં ના જઈશ, આ તો બ્રહ્મ તેનાં પારખાં નૉ કરાય, મા પારવતીએ હોભર્યુ નઈ ને પારખાં કરવા ગ્યાં”

જમનામાસી – “ ના હોય , ઝમકુડી , મા પારવતી  તો શાક્ષાત જગદંબા એમને ય મારી પેઠે જ પુછ્યું, રોમ તો ભગવોન ,ભગવોન કોઈ દી રડે ! “

ઝમકુમાસી – “ મા પારવતીએ સીતાનો વેશ ધર્યો, અને વનમાં રોમની આગર આગર હેંડ્યાં, રોમ તરત ઓરખી ગયા, શાક્ષાત જગદંબા મારાં પારખાં કરવા આયાંસે, એ તો બોલ્યા , મા પ્રણોમ, મા મારા પ્રભુ હું કરેસે તે ખુશી આનંદમાં સેને ? મા પારવવતીને એમની ભુલ હમજાઈ, પછતાયાં જેનુ રટણ મારા સોમિ રાત દાડો કરેસે તેનાં મેં પારખાં કર્યા ,છોનામાંનાં શીવજીની બાજુમાં આઈને બેહી ગયાં, શીવજીએ પુછ્યુ, સતી પારખાં કરી આયાં ? રોમે હું કીધુ ? તોય મા ચુપ . શીવજી અંતરયોમી બધુ જોણી ગયા, માને કયુ આજથી તમે પણ મારાં મા, શીવજીએ સતીને તજી દીધાં “

જમનામાસી – “ ના હોય ઝમકુડી, પારવતીમા આટલાં આટલાં તપ કરી શીવજીને વર્યાં એમની આ દશા થઈ ! ઝમકુડી આગર હું થયું “

ઝમકુમાસી – “ હુ કઉ જમની ,આ બે ભઈઓની તો દશા બેહી ગઈસે, બિચારા ખાધા પીધા વગર વનમાં સીતાને હોધવા ભટકી રયા સે, કોઈ વાવડ નહી મલતા, કોની પોહે જઈ ભાર કાઢવી,પાછા બે એકલા, આવડુ મોટુ વન હોધવા કેમ કરી ? ઓ ભગવોન આવુ દુખ કોઈને અરે દુશમનને ય ના આપશો”

જમનામાસીને કથા સાંભળવાની મઝા આવી કે નહી ખબર નહી પરંતું બધાં હસી હસીને લોટ પોટ થઈ ગયાં, ,સૌ કોઈ એમની નકલ કરતા  “ના હોય” એક સાથે બોલ્યા અને ઘરનો ઓરડો હાસ્યથી ગુંજી ઉઠ્યો.

 

 

જુની આંખે નવા ચશ્મા (૬) વિજય શાહ

 

Juni ankhe nava chashma

જુની આંખે નવા ચશ્મા આમ તો પરિવર્તન અને અનૂકુળતાની વાત છે. કહે છે પરિવર્તન એ સદાય ચાલતી ઉત્ક્રાંતિનું પ્રતિક છે. સૂર્યથી છુટી પડેલ પૃથ્વી અબજો વર્ષો પહેલા સુર્ય જેટલી જ ગરમ અને ધગધગતી હતી. સુર્યથી જેમ  દૂર ફેંકાતી ગઈ તેમ, તે ઠંડી પડતી ગઈ. કદાચ આ સહુથી પહેલું પૃથ્વીનું પરિવર્તન હતું.  અનુકૂલતા કાજે  જીવોની ઉત્પતિ થઇ, વરસાદપડ્યો અને ખાલી જગ્યાઓ કે જ્યાંથી ચંદ્ર છુટો પડ્યો હતો ત્યાં સાત સમુદ્ર થયા. જંગલો, પર્વતો અને એક તબક્કે ડાયનાસોર થયા. એ ચક્ર ફરતું ફરતું આજે એક્વીસમી સદીમાં આવીને ઉભુ રહ્યુ છે. અબજો વર્ષથી ચાલતા આ પરિવર્તનશીલ યુગમાં એક નાનુ કુટુંબ અનેક  સ્વપ્નાઓ લઇ અમેરિકા આવ્યું. તેની વાત મારે આજે માંડવાની છે.

દીકરો  બાર વર્ષનો અને દીકરી સોળ વર્ષની ,પતિ પત્ની બંને ૪૫ના.ઘર બદલાયું, ભાષા બદલાઇ ગાડી ફરજીયાત શીખવાની આવી. કલાકના સાત ડોલરની આવક સાથે પતિ અને પત્નીએ અમેરિકન જીવન શરુ કર્યું. જુની આંખો નવી દુનિયા બતાવવા માંડી. દીકરી અને દીકરાને અમેરિકન છૂટછાટ ભર્યુ  જીવન ગમવા માંડ્યુ. માબાપ છોકરાઓની ખુશીમાં ખુશ, એમ માની પરિવર્તન સ્વિકારી અનુકૂલ થવા માંડ્યા. વળી આ તો આમેય મોટો મેલ્ટીંગ પોટ. ગમે કે ના ગમે ડોલર અને રૂપિયા વચ્ચે અંતર તેથી ભારતની સરખામણી ભુલાવા માંડી.

ઘર આંગણે  એક નહીં ત્રણ ગાડીઓ પાર્ક થતી. એક પગાર છોકરાઓને ભણાવવામાં, કારના હપ્તા અને વિમામા જતો. બીજો પગાર ઘર વખરીમાં ત્યાં બચત કેવી અને વાત કેવી ?

૪૬ વર્ષે  ઘરના વડીલનું ભણવાનું શરુ થયું, તે પહેલું અને મોટું પરિવર્તન. કોલેજ પુરી થઇ અને પંખીઓને પાંખો આવી ગઈ.

લગ્ન ગુજરાતી અને ઉચ્ચ કૂળનાં પાત્ર લાવે તેવી અપેક્ષાઓ છોડી ભારતિય લાવશે તો ચાલશે !સમલીંગી લગ્ન ના કરીશ  વાળી સર્વ વાતોને કડવી દવાનાં ઘૂંટની જેમ પીવાઇ ગયું અમેરિકામાં તો આવું જ હોય એમ સ્વિકારતા એક દાયકો પુરો થયો. વચ્ચે વચ્ચે લે ઓફ આવે, હરીકેન આવે, કારોનાં અકસ્માતો થાય. શેરબજારમાં તેજી આવે મંદી આવે !  બેંકમાં ડોલર ઠલવાતા જાય, નીકળતા જાય. જુની આંખે નવા તમાશા જોતા જોતા આજે ૪૬ની જગ્યા ૬૪ લીધી ! આમ  એક દિવસ ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં રાખ થઇને વિખરાઇ જશે.

આ કથા એક ‘વાત’ કહે છે. જુની આંખે નવા પ્રસંગો જોયા કરો ! તેના કાચ ઉપર જુના વળગણો ના રાખો. જેણે  વણગણો રાખ્યા છે તે સૌ દુઃખી છે. કાંતો હીબકા ભરે છે! દેશ પાછા જવાનો ઝુરાપો વેઠે છે ! જેણે જુની આંખને નવા દ્રશ્યો સાથે સંધિ કરી લીધી છે તે અહિં સીનીયર હોમમાં પણ આઇ પેડ ઉપર દીકરાનાં દીકરા જોઇને હસતો  ચહેરો રાખે છે !

પૃથ્વી આખી જો બદલાઇ શકતી હોય તો આપણે તો બુધ્ધિજીવી છીએ.  આપણે દેશ તેવો વેશ કેમ ના કરી શકીએ? ફક્ત એકલી મા  હીબકા ભરે છે. તેને  અંહી  કશું ગમતું  નથી. દિકરો ૧૦૦૦ માઇલ દુર દક્ષીણે અને દીકરી ૫૦૦ માઇલ દુર પશ્ચિમે છે. થેંક્સગીવીંગનાં દિવસે ભેગા થાય બાકી તો વીડીયો ચેટ અને ટેલીફોન !  ઠાલા હાસ્યો અને પરપોટાનાં જીવન જેટલું પ્રફુલ્લીત આંતર મન.

એક દિવસ રડતા રડતા પત્ની કહે છે.” આપણે અહીં આવીને શું મેળવ્યુ?

પતિ કહે સીનીયર હાઉસના પેલા કમલેશભાઇ કરતા તો આપણે સુખી છીએ? એમનો દીકરો તો ખબરેય નથી કાઢતો અને મોં પણ નથી બતાડતો. આપણ ને થેંક્સ ગીવીંગનાં દિવસે તો પોતરા મળે છે ને?”

પત્ની છતાય અશાંત છે. ત્યારે પતિ કહે છે, તું ૨૦૧૪માં છે અને ૧૯૮૦માં  જે સ્વપ્ના જોયા હતા તે ના પુરા થયા તેને માટે કેમ રડે છે? કહેતી હોય તો “દેશ”મા હાલી નીકળીએ.

પત્ની કહે ‘ હવે દેશમાં ય કોણ છે આપણું? છીએ ત્યાં જ ઠીક છીએ. પત્ની એ અનુકૂલન બતાવ્યું પરિવર્તન સ્વિકાર્યુ !

-વિજય શાહ-

 

જૂની આંખે નવા ચશ્મા (2) પ્રવિણા અવિનાશ

Juni ankhe nava chashma

જ્યારે ચશ્મા આવે ત્યારે આંખ જૂની થઈ ગઈ હોય. એમાં બે મત નથી. આંખ જૂની થઈ હોય તેના કરતા તેને ઘસારો પહોંચ્યો હોય તે કહેવું વ્યાજબી છે. જન્મ ધર્યો ત્યારથી આજ સુધી જે માનવ શરીર ૨૪ કલાક દિવસ અને રાત, સાતેય દિવસ, પળભર થંભ્યા વગર ચાલે તો સ્વાભાવિક છે તેને ઘસારો પહોંચે ! નવા ‘પાર્ટસ’ નાખવા પડે યા જૂનાને સાજા નરવા બનાવવાની જહેમત ઉઠાવવી પડે. અરે, કોઈક વાર તો જૂના ‘પાર્ટસ રીપ્લેસ’ પણ કરવા પડે.

હવે આંખ જૂની અને ચશ્મા નવા એટલે જોવાનું શું ? સાધારણ રીતે ચશ્મામાંથી જે દેખાય તે ! ઘણી વખત તેમ નથી બનતું ! જૂની આંખે નરવી હતી ત્યારે જે દેખાતું હતું તે નવા ચશ્માથી અલગ જણાય ! એમાં નથી આંખનો દોષ યા નથી નવા ચશ્માનો ગુનો. જો અપરાધી હોય તો તે માનવનું અવડચંડુ મન. બાકી જે આંખથી દેખાતું હતું તે વધારે સ્પષ્ટ પણે ચોખ્ખું દેખાય છે!

જ્યારે ૪૨ વર્ષની ઉમરે મને પહેલીવાર ચશ્મા આવ્યા ત્યારે  મારા પતિદેવ કહે ,’તું ઈંદિરા ગાંધી જેવી દેખાય છે.’ હવે હું એ જ હતી, માત્ર ચશ્મા નવા આવ્યા હતા ! મને પોતાને મારો ચહેરો અલગ જણાયો !

આજે ૨૧મી સદીમાં મોટેભાગે લોકો એમ માને છે અમારી આંખો જૂની થઈ, ચશ્માના નંબર વારે વારે બદલાય છે. તેથી આજના રંગ ઢંગ અલગ જણાય છે. તેનું મુખ્ય કારણ ,આપણે જમાના સાથે કદમ મિલાવવાને બદલે આપણો કક્કો ખરો કરવામાં રચ્યા પચ્યા રહીએ છીએ.

જેને સદીઓ પુરાણી ભાષામાં કહીએ તો ‘જૂની આંખે નવા તમાશા ? ‘ એ વિચારસરણીને તિલાંજલી આપવી તે ડહાપણ ભર્યું કામ છે. સુખી થવાનો રામબાણ ઈલાજ ,” અમારા જમાનામાં આમ, અમે આમ કરતા હતા, અમને આમ ગમે છે” એવા વાક્યો પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.

આજનો નવોદિત લેખક અને કનૈયાલાલ મુન્શી, વી.સા. ખાંડેકર કે શરદબાબુની શૈલીમાં તફાવત જણાવાનો. નવુ અપનાવો ખુલ્લા દિલે. સહુ સહુની જગ્યાએ શુશોભિત છે. જ્યોતિન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠીની વાતો આજે પણ દિલચશ્પ લાગે છે, નવા હાસ્ય લેખકોની રમૂ્જી શૈ્લી ખૂબ મનભાવન છે.

પાટીપેન લઈને પલાખા લખતા કાલના આપણે આજે બે વર્ષના બાળકને કી પેડ પર રમતા જોઈ પોરસાઈએ છીએ. મનમાં એમ પણ વિચાર આવે કે ‘ભગવાને આપેેલું બિલ્ટ ઈન કમપ્યુટર’ વાપરે તો સારુ! પણ એ જ દિમાગ તેઓ બીજા યોગ્ય રસ્તે  વાપરશે.પછી પાટી પેન લઈને અમે એકડો ઘુંટતા હતા એ વ્યર્થ વાતોનો શો ફાયદો?

ઘુંઘટામા જોયેલા દાદીમા કે મમ્મી યાદ કરીએ ત્યારે કેવું વિચિત્ર લાગે છે! જે ચશ્મા એ નિહાળતા હતા તેની જગ્યાએ આજે દીકરીઓ અને વહુઓ પંજાબી, ડ્રેસ, સ્કર્ટ અને મીનીમા દેખાય તો આપણને જરાય વરવુ નથી લાગતુ. સાવ સહજ અને યોગ્ય ભાસે છે.

આપણે અપનાવ્યું છે કે લાજ શરમ આંખોમા અને વર્તનમા વસે છે નહી કે જમાના અનુસાર પહેરવાના કપડામા ! જુની આંખવાળા આજે ૮૦ યા ૯૦ વર્ષના વડીલોને ઘણો ફરક જણાતો હશે. જેઓએ નવિનતાને ઉદાર દિલે અપનાવી છે તેઓ આજના સમયને માણે છે. જેઓ વખતની સાથે વલણ ઢીલુ નથી મુકતા તેમની પરિસ્થિતિ ખૂબ દયનિય આપણે સમાજમાં ચારે તરફ નિહાળી રહ્યા છીએ.

હા, જૂનું તે સોનું, જુઓ આજે સોનાના ભાવ આસમાને છે. તેમાં નવા હીરા જડવા હોય તો કેટલું કામમા આવે છે! હર કદમ વિચારીને ઉઠાવો. જૂની ઘરેડમાંથી બહાર ઝાંકો, સુરજ એનો એ છે. વર્ષાની રિમઝિમ તન બદનને તરબોળ કરે છે. હરિયાળી જોઈને જુનું યા નવું મન હિલોળા લે છે !

૨ રૂપિયે લિટર મળતું આરે કૉલોનીનું દૂધ આજે ૩૫ રૂપિયે લિટર મળે છે. શું આપણે ચહા પીવાની છોડી દીધી ? હા, દિલગીરી સાથે કહેવું પડશે કપ નાના થઈ ગયા.

નજર બદલાશે નજરિયા આપોઆપ સુહાની ભાસશે!

બધા મનના ખેલ છે, બાકી કુદરતમાં કોઈ ફરક નથી !

સત્ય આવરણમાં હોય કે પ્રત્યક્ષ સત્ય રહેવાનું !

આપણી બુક તૈયાર થઇ ગઈ છે

મિત્રો
        મને જણાવતા આનંદ થાય છે કે જુલાઇ ૨૦૧૪ નો વિષય અઘરો હતો પરંતુ આપ સૌ લેખક મિત્રોનું લેખ સંધાન સુંદર હતુ
આપણી બુક તૈયાર થઇ ગઈ છે
વિજયભાઈ ,પ્રવિણાબેન અને હેમાબેન   “બેઠક”ના દરેક સર્જકો તરફથી આપને અભિનંદન
અને અમને પ્રોત્સાહન આપવા બદલ ખુબ આભાર
તે પુસ્તક સ્વરુપે એમેઝોન ઉપર મુકાઇ ગયુ છે

સહિયારું સર્જન-

લીલી વાડી જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે

સહિયારા સર્જનનો આ નવતર પ્રયોગ કે જેમાં ૧૪ જેટલા કલમકારો એ મૃત્યુ વિશે કવિતા,

લઘુકથાઓ  અને ચિંતન લેખો લખ્યા.

બરોબર ૩૦ દિવસમાં તૈયાર થયેલું આ પુસ્તક વાંચવા જેવું અને ભેટ આપવા જેવું બન્યુ છે.

 

This color book is available for Sale from

CreateSpace eStore:

સાથે સામેલ પુસ્તક વિશેનો અભિપ્રાય Amazon.com ઉપર નીચેની લીંક ઉપર આપવા વિનંતી
 
Thanks
Vijay Shah વિજય શાહ