હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 14 : મેઘાણીનું અનુસર્જન

કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે
ઘેરી ઊંઘમાં પોઢેલ ભઈલાને કોણ જગાડે રે?
આવું કોઈ બાળગીત, હું મારાં બાળકોને ગાઈ સંભળાવતી – જે પંક્તિઓ અમને ભાંડરવાઓને બાળપણમાં અમારાં પેરેન્ટ્સ સવારે અમને ઊંઘમાંથી જગાડતી વખતે ગાતાં હતાં :કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
ઘેરી ઊંઘમાં પોઢેલી બેનીને કોણ જગાડે રે?આમાં પહેલી પંક્તિ ઝવેરચંદ મેઘાણીની છે અને બીજી પંક્તિ અમારાં કુટુંબનું ઉમેરણ! પણ વર્ષો બાદ, ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ વખતે સમજાયું કે, એ પ્રભાતિયાંના ઢાળનું, હાલરડાં જેવું ગીત મેઘાણીનું પણ અનુસર્જન છે. મૂળ કાવ્ય છે રવીન્દ્રનાથ ટાગોરનું : નિર્ઝરેર સ્વપ્નભંગ. એનું મેઘાણીએ કાવ્ય રૂપાંતર ‘જાગેલું ઝરણું’ કર્યું છે. અને એ કાવ્યની આ પ્રથમ પંક્તિ છે.

ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ ‘રવીન્દ્રવીણા’ (૬૪ કાવ્યોનો સંગ્રહ) રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ છે.
કેટલાંક વાચકમિત્રોની જીજ્ઞાશા છે અને સૂચન છે કે, ઝવેરચંદ મેઘાણીનાં અનુસર્જનનું રસ દર્શન કરાવવું જોઈએ. જોકે, આ એક અભ્યાસનો વિષય છે, થોડો ભારેખમ પણ ખરો. પણ વાચકોની માંગ છે તો એકાદ કાવ્યની ચર્ચા કરીશું.

મેઘાણી પોતે જ પ્રસ્તાવનામાં કહે છે :
‘આ કૃતિઓને તમે મેઘાણીની કહેશો? કે ટાગોરની? એમની પ્રતિભાને રજૂ કરતી ગુજરાતી રચનાઓમાં અનુવાદની કોઈ કચાશ કળાઈ જાય નહીં તેવી તકેદારી મેં રાખી છે, પણ તેથી ગેરલાભ એ છે કે, મૂળને મોટેભાગે પાછળ નાખી દઈને રચના થઈ છે.’ આમ, ઝ.મે. કાવ્યનું હાર્દ પકડીને એને પૂરા ગુજરાતી પોશાકમાં લઈ આવે છે. આમ જોવા જઈએ તો, આપણને (વાચક વર્ગને) રોટલા સાથે કામ છે કે ટપટપ સાથે? એક સ્વતંત્ર કૃતિ તરીકે એ તમને ગમે છેને? તો બસ, એ જ રીતે તેને આસ્વાદો!

આમ પણ, અનુવાદ કાર્ય માટે કહેવાયું છે કે, વરસાદ અને વહુની જેમ એમાં જશ ઓછો અને એને માટે સૌને કાંઈક સારું કે ઘસાતું બોલવાનું હોય જ! તો આ કાવ્ય વાચક મિત્રોને સ્વયમ્ અનુભવવા અને નક્કી કરવા રજૂ કરું છું. રવીન્દ્રનાથ ટાગોરનાં આ કાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર મેઘાણી સિવાય પણ અન્ય કવિઓએ કર્યું છે, એટલે આ કાવ્યને સવિસ્તાર સમજવાથી ઝ.મે.ની અનુસર્જન કલાનો ખ્યાલ આવશે. જાણીતા વિદ્વાન વિવેચક અને આઠ જેટલી ભાષાના જાણનાર ભોળાભાઈ પટેલે લખ્યું છે કે, ખુદ ટાગોર પોતે પોતાની બંગાળી કૃતિઓનું અંગ્રેજી રૂપાંતર સિફતથી કરી શકયા નથી, ત્યારે મેઘાણીનાં મૂળ બંગાળીમાંથી થયેલાં અનુસર્જનો વિચારવાં જેવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરનું ૨૧ વર્ષની ઉંમરે, ૧૮૮૨માં રચેલ ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ મનોરમ્ય કાવ્યત્વ સાથે એક વિચારબીજ લઈને આવે છે: પહાડની શિલાઓની અંધારી ગુફાઓમાં એકાએક સૂર્ય કિરણો પહોંચે છેઃ

‘નિર્ઝરેર સ્વપ્નભંગ’
આજિ એ પ્રભાતે રવિર કર કૈમને પશિલ પ્રાણેર’ પર,
કેમને પશિલ ગુહાર ઓંધારે પ્રભાત પાખિર ગાન,
ના જાનિ કેતરે ઍતદિન પરે જાગિયા ઉઠિલ પ્રાણ.
જાગિયા ઉઠિ છે પ્રાણ, ઓરે ઉદથલિ ઊઠે છે વારિ,
ઓરે પ્રાણેર વેદના પ્રાણેર આવેગ રુધિયા રાખિતે નારિ,
થર થર કરિ કાંપિ છે ભૂધર શિલા રાશિ રાશિ પડિ છે ખસે,
ફુલિયા ફુલિયા ફેનિલ સલિલ ગર્જિ ઊઠે છે દારુણ રોષે ……

એક પછી એક વેગે વહેતી પંક્તિઓ આપણી સમક્ષ કુદરતનું એ રમ્ય દ્રશ્ય આક્રોશમાં સરી પડતું દેખાય છે. ઉમાશંકર જોશીએ પણ આ કાવ્યનો ગદ્યાનુવાદ કર્યો છે. આ રહ્યો ઉમાશંકર જોશીનો તેમનાં ‘એકોત્તરશતી’માંનો અનુવાદ:

‘આજે આ પ્રભાતે રવિનાં કિરણોએ કઈ રીતે પ્રાણમાં પ્રવેશ કર્યો? કઈ પેરે પ્રભાત પંખીઓનાં ગાને ગુફાના અંધારામાં પ્રવેશ કર્યો? મને ખબર નથી શા માટે આટલા દિવસે પ્રાણ જાગી ઊઠ્યો. પ્રાણના આવેગને હું રૂંધી રાખી શકતો નથી. ઢગલે ઢગલાં શિલાઓ ખસી પડે છે. ફીણવાળું પાણી ઊછળતાં ઊછળતાં દારુણ રોષથી ગરજી ઊઠે છે.’
પણ, મેઘાણીનું જાગેલું ઝરણું મૂળ વિષયથી શરૂ થાય છે. એની રજુઆત તદ્દન જુદી છે.
એક તો એનો ઢાળ પ્રભાતિયાં જેવો. અમારાં કુટુંબમાં અમે બાળકોને સુવડાવવાં અને જગાડવાં પણ ગાઈએ, તેવો લોકગમ્ય, લોકભોગ્ય! તો માણો મેઘાણીનું : જાગેલું ઝરણું!

કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
જુગ-જુગોની નિંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે!
ગોમ-ગુફાની ગોળમાંથી મારાં નેણને કોણ જગાડે રે!
આંહી ક્યાંથી પરભાતનું કિરણ પેઠું ઘોર અંધારે રે!
પંખી કેરું ગીત ત્યાંથી શરણાઈ લલકારે રે.
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
થીજેલ મારાં પ્રાણમાં જળની ઝાલક કોણ ઉડાડે રે?
ફૂટ્યાં ક્યાંથી રંગ ફુવારા ધધખ ધધખ ધારે રે?
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?
ધરણી કેરાં પડ ધ્રૂજે ને ફાટ પડી પ્હાડે પ્હાડે રે!
ભેખડ કેમ ભેદાઈ રહી છે આજ મારી ચોધારે રે?
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?

ફીણવાળાં મારાં નીર ઘોડીલાં આકુળ થઈ ખોખરે રે!
ઘૂમરી ખાતાં રોષમાં તાતા પાગલ પગ પછાડે રે.
ને મેઘાણીનું પોતાનું ઉમેરણ :
કેમ કરી આજે જાગિયો આતમ, પુરાયેલ પાતાળે રે!
કોણ જગાડે, કોણ જગાડે, કોણ જગાડે રે?

મૂળ કાવ્યમાં પાતાળની કલ્પના છે જ નહીં
પછી મેઘાણી કોઈ સાચા ગુરુને શોધે છે. એક સોરઠી ભજન જેવું એ બની જાય છે અને મૂળ કૃતિનો ભાવ પણ અહીં બદલાઈ જાય છે!
સહસા ભાવથી ઝરણું જાગી ઊઠે છે. તે વિસ્મય પામે છે વગેરે વગેરે ત્વરિત વેગ મેઘાણીનાં આ કાવ્યમાં નથી. એને બદલે એ ફરી ફરીને એ પંક્તિનું પુનરાવર્તન કરે છે. એક કાવ્ય જાણે કે સુંદર ભજન કે ગીત બનીને નવાં સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં આકાર લે છે! નાનકડું કાવ્ય દીર્ઘ ગીત બની જાય છે! અને છતાં, ક્યાંયે કોઈને અણસાર સુધ્ધાં ના આવે કે આ અનુવાદિત રચના છે!

શ્રી ભોળાભાઈ પટેલે મેઘાણીના આ અનુસર્જનનું શબ્દ સહ વિશ્લેષણ કર્યું છે; ‘પણ, ઝવેરચંદ મેઘાણીનાં વ્યક્તિત્વની અહીં પહેચાણ થાય છે. એમની અનુવાદ માટેની માન્યતાઓ તેમની પોતાની જ – સેલ્ફજશટિફિકેશનની – છે તે આપણે જોઈ શકીએ છીએ. એ પોતે જ કહે છે કે, અસલ કૃતિને હ્ર્દયમાં એકાકાર કરી લીધાં પછી નવેસરથી નિપજાવેલ કૃતિઓ છે! એમનાં ઘણાં કાવ્યો આમ રૂપાંતરો જ છે.’

સુરેશ દલાલ મેઘાણીની આ વિશિષ્ટ શૈલી માટે કહે છે તેમ, ‘રવીન્દ્રનાથની વીણામાંથી મેઘાણી અહીં એકતારાનું સંગીત રજૂ કરે છે!’

અને ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘ઢાકાની મલમલ અહીં સોરઠી લોબડી બનીને આવી છે!’ લોબડી શબ્દનો સ્પષ્ટ અર્થ જાણી લઈએ. કાઠિયાવાડમાં એક શબ્દ છે પાણકોરું. કણબીઓનો પહેરવેશ છે જે પાણકોરામાંથી બનાવેલ હોય. સામાન્ય રીતે પીળાશ પડતું, ઓફ-વ્હાઇટ કલરનું આ જાડું કપડું બધાં મેલ, પરસેવો વગેરે લઈ લે. મહિને એકવાર માંડ પૂનમે ન્હાતો કણબી આ જાડાં કપડામાં હોય. કાપડાંને પાણાં પર પછાડી પછાડીને બનાવાય તે આ પાણકોરું! ને તેનું લૂગડું એટલે લોબડી. કેવો સુંદર ગંભીર અર્થ!

ઝવેરચંદ મેઘાણીને જે રીતે આપણે જાણીએ છીએ તે જોતાં એમ જ લાગેને કે રાષ્ટ્રીય કવિ એટલે તો કહેવાયા કારણ કે નાજુક મલમલ આપનારાં તો અનેક વિદ્વાન પંડિતો હતાં જ પણ આવું સુંદર પાણકોરું આપનાર કેટલાં? મેઘાણીએ ઘણાં સુંદર અનુસર્જનો કર્યાં છે તેમાં મારું પ્રિય ‘સૂના સમદરની વાટે રે’ની વાત આવતે અંકે!

વાત્સલ્યની વેલી ૪૭) બાળકો આપણાં દાવ પેચનું પ્યાદું !

રિચર્ડ અને લૉરાની વાત!
મા બાપ બનવું એટલે શું ?” કોઈને પૂછ્યું; એટલે એમણે ખુબ વિચારીને કહ્યું ; “ જ્યારથી મા ( કે બાપ ) બન્યાં છીએ ત્યારથી જાણેકે મારુ હૈયું શરીરમાંથી નીકળીને હવે સતત એની પાછળ દોડતું હોય તેમ લાગે છે! સુતાં, ઉઠતાં , બેસતાં, ચાલતાં બસ સતત નાનકડા પેલા બાળકની પાછળ ભમતું હોય છે !!”
ગઈકાલ સુધી નિશ્ચિંન્ત થઈને ફરતાં યુવાનયુવતી પેરેન્ટ્સ બનતાં હવે જવાબદાર બની જાય છેજેવાં મા બાપ બને કે અચાનક , તરત એમનું જીવન કેન્દ્ર બાળક બની જાય છે !
ઘણી વખત અમારાં બાલમંદિરમાં મેં જાતની લાગણીઓ વ્યક્ત કરતાં પેરેન્ટ્સને જોયાં છે. પોતાનાં જીવનાં ટુકડાને અમારે ત્યાં મૂકતાં પહેલાં પ્રાથમિક ઇન્ટરવ્યૂમાં આવા સંવાદો થાય. ક્યારેક પહેલી વાર બાળકને ડે કેર સેન્ટરમાં મુકવા આવતી મા રડી પડે ! અરે , ઘણી વાર બાળક પોતાની ઉંમરનાં બીજાં બાળકોને જોઈને ઉત્સાહથી રમવામાં ભળી જાય , પણ મા બાપને એનાથી ઓછું આવી જાય !” શું અમારો પ્રેમ ઓછો પડ્યો , તે અમારું બાળક અમને છોડતાં જરાયે રડતું નથી ?” વિચારે . ને ડાયરેક્ટરનો રોલ અદા કરતાં સમજાવીએ કે તો પ્રેમથી ઉછેરેલ વાત્સલ્યની વેલનું પરિણામ છે : પ્રેમથી ઉછરેલ બાળક નવા સંજોગોમાં સહેલાઈથી ગોઠવાઈ જાય છેપેલી હેલ્ધી વેલની જેમ ! જેમ તંદુરસ્ત છોડ ટાઢ તાપ વંટોળ કે વરસાદમાં ટકી રહે છે તેમ , કાળજીથી ઉછરેલ નાનું બાળક નવા વાતાવરણમાં સહેજ ખળભળાટ કર્યાં બાદ નવાં મિત્રો સાથે ભળી જાય છે .
પણ પ્રેમ , આ કાળજી જયારે તમારી કોઈ મેલી રમતનું પ્યાદું બને ત્યારે?
બાળક ,જેને એની મા અને બાપ બન્ને પોતાનાં જીવથીયે વધારે કાળજીથી સાચવે છે , બાળકને મા બાપ પોતાની એક ઢાલ બનાવીને પાછળથી પોતાના સામેવાળા દુશમન ઉપર તલવારના ઘા કરવામાં વાપરે તો ?
અને યુદ્ધમાં તો તમારે તમારું શ્રેષ્ઠ શસ્ત્ર વાપરવાનું હોય ને ? અને તેમાંયે જયારે બે વ્યક્તિના અહમઅહંકાર અથડાતાં હોય ત્યારે સૌથી વધુ પાવરફુલ શસ્ત્ર વપરાય !!
અને પાવરફુલ શસ્ત્ર એટલે માસુમ બાળક !
લડાઈ કરવાની હોય તો વ્યૂહ રચના પણ ભયન્કર કરવી પડે ને , જો જીતવું હોય તો !
અરે બુદ્ધિ પણ કહેતી હોય ; “ ઉઠાવ તારું ગાંડીવ , અર્જુન ! અને હણીનાખ તારાં દુશમનોને જે તને તારાં પોતાનાં લાગે છે ; કહી દે કે તો ધર્મ યુદ્ધ છે!”
અમારાં ડે કેર સેન્ટરથી ઘર તરફ જતાં અમારું એક મોટું ૨૬ એપાર્ટમેન્ટ્સનું સુંદર સી (C) આકારનું બિલ્ડીંગ આવે. ઘણી વાર હું ઘેર જતાં પહેલાં રસ્તામાં ત્યાં ઉભી રહું! ક્યારેક શનિ રવિ અમારાં બંને બાળકોને લઈનેય જાઉં . સુંદર નેબરહૂડમાં બિલ્ડીંગનાં બીજાં બાળકો પણ અમારાં બંને બાળકો સાથે રમવા આવે!ને ત્યારે એક સુંદર કૌટુંબિક વાતાવરણ ઉભું થઇ જાય !
રિચર્ડ જે અમારાં બિલ્ડિંગનું નાનું મોટી હેન્ડીમેનનું કામ કરે તેની પત્ની લોરા સાથે ક્યારેક બે ઘડી વાતો કરવાનુંય બને જયારે એનો પતિ અમારાં ભાડુઆતોનું કોઈ કામ કરતો હોય !
ઊંચો પડછન્દ શ્વેત, પૂરો અમેરિકન રિચર્ડ સ્વભાવનો કડક લાગતો હોવાથી સ્વાભાવિક રીતે તેની સાથે વાત કરવાનું હું ટાળું; પણ લોરાને મેં પૂછેલું !
તમારાં લગ્નને કેટલાં વર્ષ થયાં?”
અમે લગ્ન કર્યાં નથી ! પણ હાઇસ્કૂલથી સાથે છીએલગભગ વીસ વર્ષથી !”
હું વિચારમાં પડી !
સાથે રહેવાનું પણ કોઈ શરત નહીં !
કોઈ કમિટમેન્ટ નહીં ! કોઈ બન્ધન નહીં !
લગ્ન કરવાથી શું ફેર પડે છે ? અમારાં બંન્નેનાં પેરેન્ટ્સ કાંઈ કેટલીયે વાર પરણ્યાં હશે .. કોણ ક્યાં કોની જોડે છે એનીયે હવે ખબર નથી !”
લગ્ન કરીએ એમાં પાંચ પચીસ જણ આવે એટલે બધાંને ખબર પડે કમિટમેન્ટની !” મેં કહ્યું .
અમારે કોઈ ફેમિલી જેવું છે નહીં ..” વગેરે એણે જણાવ્યું ! જે હોય તે !
પણ બે પાંચ વર્ષ બાદ એમને બે બાળકો થયાં
અને હવે તેઓ સ્કૂલે જવા માંડ્યાં!
મને લાગે છે કે લોરાને ત્યારે બાળકોના ઉછેર સાથે બહારની દુનિયાની જાણ થઇ .. રિચાર્ડ જેવા કડક મિજાજ સિવાયનાં લોકોએ દુનિયામાં વસે છે તેનો ખ્યાલ આવ્યો .. અને ..
શાંત પાણી ડોહળાવવા માંડ્યું !
લોરાને હવે માળો છોડીને ઉડવું હતું ! કદાચ પોતાના સ્વતંત્ર માળામાં જવું હતું !
તું જઈશ તો તને બાળકો નહીં મળે !”
રિચર્ડે શરત મૂકી !
હવે કસ્ટડીની વાત આવી !
સ્વાભાવિક રીતે બાળકો તો માને મળે..
જેણે જિંદગી જોઈ નહોતી એને હવે જિંદગી માણવી હતી . એક મા બનીને ઊંચે આકાશે ઉડવા માંગતી હતી ! એને કોઈ પ્રેમાળ લાગણીશીલ માણસ સાથે જીવન ગુજારવું હતું !
તો રિચાર્ડના કેસમાં જેણે આખી જિંદગી સત્તા ભોગવી હતી , જેણે પોતે જિંદગીમાં પ્રેમ , હૂંફ , લાગણી જોયાં નહોતાં , એને માટે તો યુદ્ધભૂમિમાં લડાઈ હરવા જેવું હતું ! એનું છેલ્લું તીર બાળકો હતું ( કદાચ એક બાપ તરીકે એને બાળકો માટે સાચો પ્રેમ હશે ?)
પણ આતો ધર્મ યુદ્ધ હતું : બન્ને ને પક્ષે !
દિવસે બપોરે પતિ પત્ની વચ્ચેસોરી બે વચ્ચે વાદવિવાદ વધી ગયાં હશે .. ખબર નહીં શું થયું હશે , પણ
પણ બેડરૂમમાંથી રિચર્ડે ગન કાઢી અને લોરાને શૂટ કરી .. લોરા ભાગીને દોડી ગઈ એટલે એનાં પગમાં વાગી ..
બીજી ગોળી રિચર્ડે પોતાના ઉપર ચલાવી .. એનું પ્રાણ પંખેરું ત્યાં ઉડી ગયું !
લોરા બાળકોને લઈને વિશાળ વિશ્વમાં ક્યાંક ખોવાઈ ગઈ ! લોરા અને રિચર્ડને નજીકથી જોયાં છે . સુભાષે રિચર્ડ સાથે કામ કર્યું છે તો મેં લોરા સાથે એનાં રસોડે કોફી પીધી છે !
વાચકમિત્રોને પણ પ્રસંગ વિષે ઘણું બધું બન્ને પક્ષે કહેવું હશેકોણ સાચું છે અને કોની ભૂલ છે !
પણ બાળ ઉછેરની શ્રેણીમાં બસ એટલું કહીશ કે : માણસ સામાજિક પ્રાણી છે ; બાળકોને માત્ર એકલે હાથે ઉછેરવાને બદલે સમાજમાં કૈક અંશે હળતા મળતાં શીખવાડવું જોઈએ ! લોરા અને રિચર્ડ અને એમનાં જેવાં લાખ્ખો કુટુંબ એકલે હાથે જે તે સાચી ખોટી સમજથી બાળકોને ઉછેરે છે તે ભયજનક છે .. ( This is only my personal opinion )સમાજમાં હળવામળવાથી ઘણું જાણવા મળે ! આપણાં મંદિરો અને મેળાવડાઓ કદાચ આવી ઉણપ પૂરતાં હોય છે .. જો કે એવાં રસ્તો ભૂલેલા આપણાં ભારતીયની વાત આવતે અંકે !

1-આવું કેમ ? ધનતેરસ મુબારક-ગીતા ભટ્ટ

એવું કેમ ?

સૌ પ્રથમ, આપ સૌને આજે ધનતેરસના દિવસે ખોબો ભરીને  મુબારક ,આપને ત્યાં કુબેરનો ભંડાર ભરાય. લક્ષ્મીદેવી  આપના ઘરે રુમઝુમ કરતી આવે. કજિયા કંકાસ દુર થઇ ઘરમાં ઉજાસ ફેલાય એવી શુભેચ્છા ..

હા,.. આવી જ શુભેચ્છા આપ સૌ પણ બધાને આપો છો ને ?

તો મિત્રો તમારે ત્યાં કુબેરનો  ભંડાર ભરાય અને હાઈએસ્ટ ઈનકમ ટેક્સ પેયર  ના લીસ્ટમાં સૌથી પેલું નામ તમારું  હોય એવી શુભેચ્છા … ક્યારેય કોઈને દીધી છે ખરી ? ……કુબેર અને લક્ષ્મી બધાને ગમે પણ કુબેર મળ્યા પછી ઈમાનદારીથી ટેક્સ પણ ભરવો જોઈએ ને ? તેજ પ્રમાણે લક્ષ્મી ઘરમાં પધારે તે સૌને ગમે પણ  લક્ષ્મી એટલે સ્ત્રી… તેનું માન જાળવવાની જવાબદારી કોની ?  લક્ષ્મીનો અર્થ જ શુકનવંતી અને મંગલકારી …સ્ત્રી…. સ્વરુપા દેવી છે.કહ્યું  છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’સાથે ઘરની સમાજની દરેક સ્ત્રીને માનની નજરે જોવાય એવી પ્રાર્થના કયારેય કરી છે.ખરી ? ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ.આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢીને દરેક પરંપરા સામે ‘આવું કેમ ?’ અથવા ‘આમ શા માટે ?’ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે” સમયની  સાથે માણસ ઉગવો અને ખીલવો જોઈએ….  why ? શા માટે ? reasoning   રિઝનિંગ , કાર્ય -કારણનો યુગ આવ્યો છે.

.આજના દિવસે ઇન્ક્મ્તેક્શ ભરવાનું કે ચોરી ન કરવાનું વ્રત આપણે લઈએ છે ખરા ..? આવું કેમ ? દરેકે પોતાનું વ્યક્તિગત નિર્માણ અને રક્ષા જાતે જ કરવી પડે છે. સ્ત્રીએ માતા લક્ષ્મીની જેમ પોતાનું સ્થાન મેળવવાનું છે..અને પુરુષે આપવાનું છે.

કાલે કાળી ચૌદશ ..આપણે દિવાળીના તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ . આવતીકાલે ઘરમાંથી કજિયા કંકાસ કાઢવા લોકો તડબૂચ , વડાં ને દૂધપાક વગેરે ચાર રસ્તે  નાખશે . અને રસ્તાઓ બગાડશે.એ લોકોને કેવી રીતે સમજાવી શકાય  કે કજિયા – કંકાસ એ મનમાંથી  બહાર કાઢવાની  એક વૃત્તિ છે. માનસિકતા બદલવાની જરૂર છે.

આજના આ દિવસે શુભેચ્છા સાથે એક પ્રશ્ન પણ જરૂર પૂછીશ.

કુબેર જોઈએ છે પણ ટેક્ષ નથી ભરવો ..લક્ષ્મી જોઈએ છે પણ સ્ત્રીને માન નથી આપવું કંકાસ કાઢવો છે પણ માનસિકતા બદલવી નથી …આવું કેમ ?

ગીતા ભટ્ટ

૧-ગીતાબેન ભટ્ટ -વ્યક્તિ પરિચય

ગીતાબેન ભટ્ટ આ અમારા મિત્ર શિકાગોથી આવ્યા છે.સપનાબેને પ્રથમ ઓળખાણ કરાવી ,બસ અને ‘બેઠક’ના પરિવારના સદસ્ય  કયારે બની ગયા તેની જાણ જ ન થઇ..!

ગીતાબેન એટલે  પોતાનો પોતીકો અવાજ .આ અવાજ પરંપરાના વિદ્રોહમાંથી નથી પ્રગટ્યો પરંતુ વાંચન અને સર્જનના પુરુષાર્થથી પ્રગટાવ્યો છે.એમની વાત માંથી  શીખવા મળે છે પણ બોધ નથી,ચીલાચાલુ વાત ન કરતા તંતુ પકડી જાગૃતિ લાવવાની વાત મને ગમે છે. ગીતાબેનની નાના બાળકોની વાત કરતા  નાના બની  મોટી વાતો કહી જાય છે.એમની પાસે એવો કસબ નથી જે જુદો તરી આવે પણ એમની  વાતોમાં ઉપાડ છે..પોતાના અનુભવની તીવ્રતા શબ્દોમાં રજુ કરે  છે.અમે વારે ઘડીએ મળતા નથી પણ મળીએ તેટલીવાર આનંદ જરૂર થાય છે.વરસાદમાં ઉભા રહી મિત્રો સાથે ભીજાવાનો આનંદ હું એમની હાજરીમાં માણું છું.અને મોસમ ખીલે છે…

બસ આવા ગીતાબેનને આ વિભાગમાં માણીએ,વિચારીએ… વાત માત્ર માનસિકતા બદલવાની છે.

ગીતાબેન ભટ્ટ નો પરિચય

આ વર્ષે ગીતા રિટાયર્ડ થાય છે . પણ એને હું નિવૃત્તિ નહીં કહું ! પ્રવૃત્તિમાં થોડો બદલાવ આવશે , એમ જ કહીશ! ત્રીસ વર્ષથી શિકાગોમાંપ્રિ સ્કૂલ – ડે કેર સેન્ટરની ડિરેક્ટર , માલિક રહ્યા બાદ કાયદેસરની જવાબદારીમાંથી નિવૃત્તિ લે છે. દેશમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકેજીવનની કારકિર્દીની શરૂઆત કરી ; અને અમેરિકામાં , શિકાગો આગમન બાદ બન્ને બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકાય તે હેતુથીબાલ સંભાળ- ચાઇલ્ડકેર ક્ષેત્રમાં ઝમ્પલાવ્યું. સમય – સંજોગ મળતાં પોતાની પ્રિય સાહિત્યિક પ્રવૃત્તિને ફરી તાજી કરી !શિકાગોની ઘણીબધી સામાજિક સંસ્થાઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય ફાળો આપવા ઉપરાંત ત્યાંના નર્સિંગ હોમમાં ગુજરાતી વડીલોને મળવાનુંવોલેન્ટિયર કાર્ય પણ વર્ષોસુધી જાળવી રાખ્યું .
“અમેરિકાથી અમદાવાદ” તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ (૨૦૧૦) “ “દુઃખને પણ ગરબામાં ગાઈ જાય , એ ગુર્જરનું સરનામું” એ એનો જીવનપ્રત્યેનો અભિગમ છે! અને નવી પેઢીનાં સર્વાંગી ઉછેર માટે- “ બાળકોને વિકાસ માટે સંસ્કૃતિ રૂપી મૂળિયાં અને જ્ઞાન રૂપી પાંખ આપીયે” એ કહે છે.સાન ફ્રાન્સિસ્કોના ‘ સૌનો સાથ , સૌનો વિકાસ’ એમ માનતા પ્રજ્ઞાબેન દાદભાવાલાના “ શબ્દોનું સર્જન” બ્લોગમાં ગીતા ભટ્ટની “ આવું કેમ ?” કોલમ સમાજના વિવિધ પાસાઓને અનુલક્ષતી , બે રાષ્ટ્રો અને બે સંસ્કૃતિને જોડતી , સાંપ્રત જીવનને સ્પર્શતી અઠવાડિકકોલમ ખુબ લોક પ્રિય થઇ છે. કાંઈક નવું , કાંઈક સારું , ચીલાચાલુ ઘરેડથી વેગળું , અને છતાં મનનીય – એ ગીતાની વિચાર સરણી છે! “બંધઘડિયાળ પણ રોજ બે વાર સાચો સમય બતાવે છે” ગીતા ગમે તેવી , આ દેશમાં આવીને ભૂલી પડેલી વ્યક્તિને આત્મવિશ્વાષ આપતાં કહે છે!સમાજમાં જ રહીને વ્યક્તિને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ શિકાગોના મેયરનો કમ્યુનિટી ગૌરવ એવોર્ડ પણ મળ્યો છે!
બાળા રાજા રામના હાલરડાં હોય તો બાળુડી દીકરીનાં હાલરડાં કેમ ના હોય? નવી પેઢીને માતૃભાષાનો સંપર્ક રહે અને આત્મવિશ્વાષ વધેતે હેતુથી નવી શૈલીના હાલરડાં લખવાનો વિચાર સ્ફૂર્યો !અને પરિણામ સ્વરૂપ “ અમેરિકા કે અમદાવા ; દીકરી થકી ઘર આબાદ” હાલરડાંઅને બાળગીતોનો સંગ્રહ અને સી . ડી . પ્રસિદ્ધ થયાં!
પાંસઠ વર્ષની ઉંમર એટલે પહેલાનાં જમાનાનાં પિસ્તતાલીસવર્ષની ઉંમર ! એ વિન્ડી સીટી શિકાગોથી સનશાઈન કેલિફોર્નિયા સેટલ થતાકહે છે;”જેના હાથ પગ ને મન સલામત ; જીવન તેને જીવવા લાયક !”
સુભાષ ભટ્ટ : contect: 773-251-7889

મનની મોસમ – લલિત નિબંધ (13)”શબ્દેશબ્દે વસંત

દીકરી એટલે માબાપના મનની મોસમનું ખીલતું ગુલાબ,મનની મોસમમાં ગુલાબ ત્યારે જ ખીલે જયારે નવા વિચાર અને નવી દ્રષ્ટી અજ્ઞાન ના અધકાર ને કાપે,નાની સુની વાત નથી, વાત છે, રામાયણની મુખ્ય નાયિકા સીતાથી આજની સ્ત્રી સુધીની,વુમન્સ ડે વિશેની! ચારે બાજુએ એની ઉજવણી થઇ.મારા વોટ્સઅપમાં યે ઘણા મેસેજ આવ્યા. સ્ત્રીના ઉમદા ગુણો વિષે જ અનેક હેડ લાઈન, ટેગ લાઈન ! દયાળુ છે, સહનશીલ છે વગેરે . આ બધું વાંચતા ગયા મહિને દેશમાં એક કથામાં જવાનું થયેલ તે યાદ આવ્યું . મા’રાજે કથા પુરી કરી યજમાન બેનને આદેશ આપ્યો,” હવે પતિના આશીર્વાદ લો !” કોઈ કાઇંક ગણગણ્યું એટલે મા’રાજે વ્યાસપીઠ પરથી કહ્યું,”પતિના આશીર્વાદ વિના કથા અધૂરી કહેવાય; વન વાગોળ નો અવતાર આવશે!” કોઈની તાકાત ન્હોતી કે કાંઈ બોલે ! ( including myself)
“સ્ત્રીમાં આટલી તાકાત છે અને પ્રેમાળ છે ને દયાળુ છે” ને એવું તેવું ઝીંક્યે રાખવાથી શું બદલાવ આવી શકશે ? જરરાય નહીં ! સમર્પણ ના ઘણા પાઠ આપણે દીકરીઓને શીખવાડ્યા.હવે સ્વાભિમાનના પાઠ શીખવાડીએ.બીજાનો પ્રેમ પામવા માટે ઘણું કર્યું, હવે ખુદને પ્રેમ કરતાં શીખવાડીએ.અને તેમાં ઘર કે વરની ઉપેક્ષા કરવાની વાત નથી ,પણ સ્ત્રી જયારે સ્વ ને પ્રેમ કરતી થશે ત્યારે તે અન્યને વધારે સમજતી થશે.
નારી શક્તિ અભિયાન હમણાં ચારેકોર ગાજ્યું છે પણ એને ખરેખર સફળ બનાવવું હોય તો એમાં મૂળભૂત ફેરફાર કરવા પડશે. સૌથી પહેલાં સમાજમાં જે ખોટી ગૌરવ ગાથાઓ છે -ફલાણી દેવીએ પતિને પગલે ચાલીને સમર્પણ કર્યું,સતી થઇ વગેરે વાર્તાઓને આજના સમયને અનુરૂપ મૂલવતાં શીખવું પડશે.ધર્મને નામે આપણે ત્યાં ઘણી ગેર સમજપ્રવર્તે છે એ સ્પષ્ટ કરવીજ રહી ! ઘણાંબધા સ્ત્રી પાત્રોમાંથી આજે વાત કરીશું રામાયણની મુખ્ય નાયિકા સીતાની.
રામાયણની કથા કરતાં કરતાં કથાકારે એટલું જરૂર કહેવું જોઈએ કે આજના જમાનામાં કોઈજ મા બાપ પોતાની દીકરી સીતા જેટલી દુઃખી થાય તેવું નહિ ઈચ્છે. પતિના પગલે સાચી પતિવ્રતા બનીને જંગલમાં રહેવા ગયા બાદ, રાવણના અપહરણનો ભોગ થયા બાદ સતી સીતાને અગ્નિ પરીક્ષમાંથી પસાર થવું પડ્યું હતું .અશોક વનમાં રાક્ષસ સ્ત્રીઓના બિહામણા અત્યાચાર પછી ,કોઈ સહાનુભૂતિ નહીં પણ અગ્નિપરીક્ષા ? અને એ ઓછું હોય તેમ સગર્ભા સ્ત્રીને -એક સારા રાજાની રાહે,જોકે પ્રજા મહાન છે તે દર્શવવાનો હેતુ અલબત્ત પ્રસંશીય છે,પણ પોતે રાજ્ય નથી છોડતા ને રાજા રામ પત્ની સીતાનો ત્યાગ કરે છે !
વ્યાસપીઠ પર બેસનારનું જેટલું મહત્વ છે તેટલું તેના શબ્દોનું બળ છે,આટલી મેદનીમાં એ શબ્દેશબ્દે અજવાળા પાથરી શકે છે,એ એમણે એ ભૂલવું ન જોઈએ,સારા સુઘડ સમાજની જિમ્મેદારી વ્યાસપીઠ બેસનારની ખરી કે નહિ ? વ્યાસપીઠ પરથી કથાકાર એટલું જરૂર કહી શકે છે કે આપણે ઇચ્છીએ કે રામે જે કર્યું તે-પણ પિતા જનકે આવીને દીકરીનો હાથ પકડવાની જરૂર હતી ! ખરેખર તો રાજા રામે પણ કરવું ન જોઈએ.છેવટે દુઃખ સહન નથી થતું ત્યારે સીતા ધરતી માતા પાસે માર્ગ માંગે છે.(આને શું કહેવું આત્મહત્યા ?) કે દુઃખનો નબળો વિકલ્પ ?આ વાત માત્ર મને કે એક વ્યક્તિને નહિ દરેક આંખ અને કાનને ખૂંચવી જોઈએ.
આજની માતાઓ! તમે દીકરીને સાચો માર્ગ બતાવો.પતિનો પ્રેમ પામવા પત્નીઓ બધુ જ સર્વશ્વ ત્યાગી દે છે.પણ જો પતિ તેના પ્રેમ ને ના સમજી શકે તો મા બાપે દીકરીને વાસ્તવિકતા સમજાવવી જોઈએ.આજના જમાનામાં દીકરીઓ વગર બોલાવ્યે મા બાપના આંસુ લુછવા આવીને ઉભી રહે છે,તો એ દીકરીના દુઃખનો કઠેડો બનવા મા બાપની ફરજ છે.
સીતાની અગ્નિ પરીક્ષા વખતે પિતા જનકે ત્યાં પહોંચી જઈને એ અન્યાય સામે માથું ઉંચકવાની જરૂર હતી .સગર્ભા સીતાનો ત્યાગ કર્યો ત્યારે દીકરીને પોતાની ઘેર સન્માનપૂર્વક લઇ જવાની જરૂર હતી.ખેર ! ૫૦૦૦ વર્ષ પહેલાં ના થયું તો ભલે,પણ આજના સમયમાં આવી સમજણનો જુવાળ ઉભો કરવાની જરૂર છે.” સીતા જેવી દુખીયારી દીકરીને પછી માર્ગ દર્શન – કાઉન્સેલિંગ મળ્યું એટલે એ પોતાના પગ પર ઉભારહેતાં શીખી,લવ કુશને પણ જનકદાદાનો પ્રેમ મળ્યો ને બધાં આનંદથી જીવ્યાં ને નવેસરથી જીવનને દિવ્ય બનાવ્યું’ એમ કથાની પુર્ણાહુતી કરવાની જરૂર છે.ધર્મ એટલે અંતકરણની મોસમ,વ્યવહારમાં જે કામ ન આવે તે ધર્મ કેમ કહેવાય ? કથામાંથી તો છાબમાં સુવિચારોના ફૂલો લાવવાના હોય જે સુવાસને વીંધીને તારલાઓનું તેજ આપે..
દીકરી બચાવો,દીકરી ભણાવો અભિયાન તો જ સાર્થક થશે જો સમાજમાં મૂળભૂત ફેરફાર કરવામાં આવશે ! રોજ સવારે એક નવો વિચાર મનુષ્યની રાહ જોતો હોય છે એ ભૂલવું ન જોઈએ.મનની મોસમ ત્યારે જ ખીલે જયારે ગુરુ તફથી મળેલું સાચું જ્ઞાન હોય ,માં બાપ પાસે વ્યવહારું દ્રષ્ટિ હોય, સમાજનો અભિગમ હોય, દીકરીનું પોતાનું સ્વત્વ અને વ્યક્તિત્વ હોય તો મનની મોસમમાં વસંત ખીલે જ …કેમ ન ખીલે ?

 

 

ગીતા ભટ્ટ . શિકાગો .