આ મહિનાનો વિષય -કવિતા(4) પ્રજ્ઞા દાદભાવાળા

મારો પપ્પા મારો પાસવર્ડ
આજે ફાધર્સ ડે પર મને આશીર્વાદ આપવા
મારી “સાઈટ” “સાઈન ઇન” કરવા બદલ આભાર
આખરે કોમ્પ્યુટર વાપર્યું ખરું ?
હા મેં આજે જ તમને “ઈ-કાર્ડ” મોકલ્યું છે.
વાંચવાનું ન ભૂલતા ,અને મહેબાની કરી “ટ્રેશમાં” ન નાખતા
અને હા તમે ચાહો તો તમારા દિલનો “પાસવર્ડ”.. 
મને બતાવી શકો છો.
જેથી હું દાખલ થઇ
તમારી અને મારી વચ્ચે આ “સ્લો કનેક્શન” કેમ છે ?
તે જાણી શકું !
હું જાણું છું આ નાનપણથી “પ્રોબ્લેમ” છે!
પણ મને ક્યારેય ખરાબ નથી લાગતું હો !
તમારો એ ગુસ્સો
મારા તરફની નારાજગી
આ કઠોર વર્તન
મેં બધું મારા કોમ્પુટરમાંથી
હંમેશા માટે “ડીલીટ” કરી નાખ્યું છે.
અને તમે પણ આવા “પોપ અપ” (pop up)ને “ડીલીટ” કરો તો સારું !
અરે નાની મોટી “એરર” તો બાપ દીકરા વચ્ચે આવવાની
અરે એને “કોપી પેસ્ટ” કરી
મમ્મીને કહેવાથી  શું ફાયદો ?
હું જાણું છું ,આપણા “ક્નેક્શન”માં ક્યાંક તકલીફ છે!
અને હું  અને તમે પણ કોમ્પુટરની જેમ
રીસાઈ “હેંગ” (hang) થઇ જઈએ છીએ
અને હા તમે મને ઘણીવાર “અપગ્રેડ” 
કરવાની કોશિશ પણ કરી છે.
અને એટલેજ કદાચ એક સરસ
શ્રવણપુત્ર  “પ્રોગ્રામ” બન્યો છું.
તમે થોડા જુના જુનવાણી “પી.સી.” જરૂર છો
પણ તો શું થઇ ગયું ?
મારા માટે તો તમે જ બધું છો!
મેં તમારા બધા ગુણોની “ફાઈલ “સાચવીને મૂકી દીધી છે.
અને હવે બધી બેકાર ફાઈલ મેં “ડીલીટ” કરી નાખી છે.
હા ક્યારેક દોસ્તોના “વાઇરસ” આવી જાય છે.
પણ હવે “વાઈરસ” કાઢતા આવડી ગયું છે.
હા મારી પત્ની ક્યારેક મને “માઉસ”બનાવી
એની આંગળી પર નચાવે છે ખરી ?
પણ હું પણ હવે તમારી જેમ “માઉસ” ફ્રીથઇ
રૂવાબ જમાવું છું.
હવે ખબર પડી તમને કેમ ગમતું હતું!
હું પણ હવે મારી પત્નીનો ગુલામ નથી બનતો
આખરે હું તમારી “બ્રાંડ” જ છું ને ?
તમે કહ્યું હતું ને  કે
જીંદગીમાં કૈક કરવું હોય અને થવું હોય તો
કોમ્પુટર ની જેમ “અપગ્રેડ” કર્યા કર્યા કરો.
ખાલી “સ્પીડ કનેક્શન”  નહિ ચાલે.
કદાચ આ મારો પત્ર તમને મારી “સાઈટ” પર
વારંવાર આવવા પ્રેરશે.
પણ મારી એક “રીક્વેસ્ટ” છે.
તમારો” હું તારો બાપ છું”વાળો “પાસવર્ડ” કાઢી
“આપણે મિત્રો છીએ” વાળો “પાસવર્ડ” વાપરશો તો
આરામથી “ચેટ” કરશું.
આમ પણ તમે મારી જિંદગીની ખુબ
મહત્વની ફાઈલ છો.
અને મને જયારે જયારે જરૂર પડશે ત્યારે
એ મારા જીવનમાં હાથ લંબાવી “ઓટોમેટીક”ખુલ્લી જ હશે.
હું જાણું છું પપ્પા ….
અને હું પણ આજ ફાઈલ મારા સંતાનો ને દેવાનો છું.
કહીશ કે બેટા આ પાપ્પા “ફાઈલ” છે.
એને ક્યારેય “ડીલીટ” ન કરીશ.
નહી તો, પરિવારના બધા કોમ્પુટર બગડી જશે..
તમે મારું “એવોર્ડ” વિનાનું
સૌથી બેસ્ટ કોમ્પુટર છો પપ્પા…..
જેની પાસે આંસુ નથી
પણ શાંત ગંભીર બધાને સમાવતો સાગર છે.
જે બોલતું નથી
પણ પરિવાર માટે ધબકે છે.
હવે તમે જ કહો…
તમને ક્યાં Happy Fathers Dayના Wishes ની જરૂર છે. 
તમારે લીધે તો અમે Happy છીએ…… 
એક કોમ્પુટર એન્જીનીયર દીકરો ..

“એક પ્રભુની બાદ તમારો હાથ છે અમારે માથે”-પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો જાણો  છો આજે ફાથર્સ  ડે ..માં ઘરનું માંગલ્ય તો પિતા એ ઘરનું  અસ્તિત્વ હોય છે જે ઘરમાં પિતા હોય તે ઘર તરફ કોઈ પણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.દેવકી અને યશોદા ના કાર્યની પ્રશંશા જરૂર કરજો પરંતુ મધરાતે નદીના પૂરમાં માથા પર બાળકને સુરક્ષિત લઇ જનાર વાસુદેવ ને પણ જરૂર પ્રણામ કરજો .રામ કૌશલ્યા  પુત્ર હતા, પરંતુ ભૂલતા નહિ પુત્રના વિયોગથી તરફડીને મૃત્યુ પામનાર એક રાજા નહિ પરંતુ પિતા દશરથ હતા.ઠેશ વાગે ત્યારે શબ્દ નીકળે છે “ઓ માં “પરંતુ જીવનની મુશ્કેલીઓમાં “બાપ રે “ના ઉદગાર અનાયસે નીકળી જાય છે. .આજે પણ જયારે જયારે છે મારી આંખો માં આંસુ આવે છે ત્યારે પપ્પા યાદ આવી જાય છે …જેણે મને નાનપણમાં રાજકુમારી અને પરીઓની વાર્તાઓ સભળાવતા.એજ પપ્પા જેણે હિચકે બેઠા વિચારોની એવી ઉંચાઈએ લઇ જાય જે હું સ્વપને પણ ન પામી શકું ..એજ પપ્પા જેણે મારો પરિચય લાઓત્સું ,કબીર કૃષ્ણ ઈશુ અને ગાંધી જોડે કરાવ્યો ,જીદગીની ભુલભુલામણી માં માર્ગ શોધતા શીખવ્યું .એજ પપ્પા જે નાની નાની વાતે ખીજવાય જાય અને વખત બેવખત  જોયા વગર ચા અને પાણી માંગે ,અને કયાં છે મારી પેન ?કોને લીધી કહીને ગુસ્સે થનારા અમારા પપ્પાજી અમારી વગર એકલા રહી પણ ન શકે,અને જમી કે તૈયાર થઇ પણ ના શકે .આ એસો આરામ આજે એમના જ લીધે … ખોટા વ્યહવારોમાં ઢંકાયેલી દુનિયાની ઝાંખી એમને વાતવાતમાં કરાવી…આંગળી પકડીને ચાલતા એમણે શીખવ્યું અને ઘરની ચાર દિવાલની બહાર પણ મારા પહેલા કદમ એમણે જ માંડી  આપ્યા ,   પપ્પા એ મને પાંખો આપી….. ..મિત્રો લખવા બેસું તો શબ્દો, પાના અને શાહી ઓછી પડે. …પરંતુ આજે આપણા જાણીતા લેખિકા પદ્મામાસીએ એક સુંદર કવિતા લખી મોકલી છે જેમાં મારે જે કહેવું છે તે બધું જ આવી જાય છે.મને ઘણી વાર એમ થાય ફાધર ઉપર નિબંધ લખવો સરળ છે પણ તેના પર કાવ્યમાં રજુઆત એટલી સહેલી નથી .   પિતાશ્રી કુટુંબનો ‘મોભ’ અને તે મોભને આંબી જવું એટલું સહેલુ નથી હોતું!!! . 

 

પિતાશ્રી! આપને “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

પિતાશ્રી! સ્વીકારજો વંદન આપના પુત્ર પુત્રીના
ઉછેર્યા સદાયે  અમોને અતુલ્ય પ્રેમ વાત્સલ્યમાં
અપમાન ગળતા શિખવ્યું, સંયમ, ત્યાગ ને સહનશીલતા
એક લોહીની સગાઇ કદી ન તૂટતી ભાઈબેનની એકતામાં

ભાઈ બેનના હૈયાના વાત્સલ્ય ઝરણા નિરંતર વહેતા રહ્યા
શિખવ્યા અનેરા પાઠ બાળપણથી, શિસ્ત, આજ્ઞાપાલનના
ક્રોધી ક્રોધાગ્નિમાં જાતે બળે ને અપશબ્દ બોલી બીજાને બાળતા
‘ક્ષમા વિરસ્ય ભૂષણમ’ એ અમુલ્ય જ્ઞાન દીધુ તમે અમ જીવનમાં

દયા, નમ્રતા, ઉદારતા, ધીરજ ને હિંમતના બોધ અનેક દીધા તમે
હે પરમ પિતા પરમેશ્વર!!  મુજ પિતાનું  તેં  શ્રેષ્ઠ સર્જન દીધું  મને

****પદ્માબેન  કનુભાઈ  શાહ****

આજે મારા પપ્પા હાજર નથી પરંતુ જયારે જયારે હું લખવા  બેસું ત્યારે  મારા પપ્પાની જેમ મને કનુકાકા મદદ કરવા આવી જાય છે એમના માર્ગદર્શન વગર હું જાણે લખવા  માટે અધુરી છું , એવું મને હંમેશા  લાગે છે ..એવા મારા પિતા સમાન કનુકાકાને મારા “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

પ્રિય પપ્પાનો પડછાયો, જાણે કબીરવડનો છાંયો.-માર્કંડ દવે

મિત્રો Fathers Day  આવી રહ્યો છે . ત્યારે   દેરક પિતાને અભિનંદન અને પ્રણામ .મિત્રો Fathers Day  આવી રહ્યો છે . ત્યારે  આમ તો કહેવું ઘણું છે પણ કોઈ શબ્દો જ નથી મળતા કે શું કહું? તો આજે પિતા દિન પર સર્વે પિતાઓને અને   પિતાના ગુણોને આજ પુષ્પો ધરું છું

Huston  થી વિજયભાઈ શાહ એ એક સુંદર કવિતા મોકલી હતી જે વાંચી લખવા પ્રેરાઈ છું. જે નીચે રજુ કરું છું ..

આપણા ગુજરાતમાં કોઈપણ ગુજરાતી માનવ એવો નહીં હોય જેણે આ કહેવત ન સાંભળી
હોય,`વડ તેવા ટેટા, બાપ તેવા બેટા ` વળી વડલાનું નામ પડે ત્યારે
`કબીરવડ`નું  નામ પણ સાંભળ્યું ન હોય તેવો ગુજરાતી જણ ભાગ્યેજ મળી
આવશે..!!

“ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હ્રદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.”

(મહાકવિ શ્રીનર્મદજી)

કબીરવડ વિશે ઉપર દર્શાવેલ અદ્ભુત રચનાના રચયિતા, આપણા ગુજરાતના પ્રસિદ્ધ
મહાકવિ શ્રીનર્મદજી છે.ભરૂચ થી આશરે પંદર કિ.મી. દૂર,નર્મદા મૈયાના
પવિત્ર તટ પર આવેલા શુક્લતીર્થ (શાકુંતલ તીર્થ)ના સાંનિધ્યમાં,લગભગ
પોણાત્રણ એકરમાં ફેલાયેલ આશરે છસ્સો વર્ષ કરતાંય જુના વડનું મહાત્મ્ય
એટલા કારણસર અદકેરું મનાય છેકે, સંત કબીરજીએ આ સ્થળે તે સમયે વસવાટ કરીને
આ સ્થળને પવિત્રતા બક્ષી હતી,તેથીજ આ વડ પણ `કબીરવડ બેટ`ના નામથી ઓળખાય
છે. કબીરવડની અનેકાનેક શાખાઓને કારણે તેની ઘટામાંથી, સૂરજનાં કિરણોને પણ
પસાર થવું મુશ્કેલ હોવાથી, તેનો છાંયો શીતળતા સાથે સહુ આશ્રિતોને પરમ
શાંતિ અર્પે છે.

આજે `FATHER`S DAY`ના પર્વ પર, કબીરવડનો ઉલ્લેખ કરવાનું કારણ એજકે,
આજ્ઞાંકિત અને પ્રેમાળ સંતાનોના જીવનમાં, પ્રેમાળ પિતાનું સ્થાન પણ,
કબીરવડની માફક અદકેરું અને પવિત્ર છે.

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ હોય છે? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે.પ્રેમાળ સંતાનોના જીવનમાં, પ્રેમાળ પિતાનું સ્થાન પણ,કબીરવડની માફક અદકેરું અને પવિત્ર છે.પિતાના સંરક્ષણમાં રહીને સંતાન નિરંતર કંઈને કંઈ શીખતા રહે છે. એક સાચો પિતા, કાયમ પોતાની લાગણીભરી, શીતળ, ઘટાદાર છાયાથી  સંતાનોના શિરે, સંસારના આધિ, વ્યાધિ,ઉપાધિના તપતા સૂરજના ત્રિવિધ તાપની સામે, ઈશ્વરે તેમને સોંપેલી ફરજ,પોતાના છેલ્લા શ્વાસ સુધી, નિષ્ઠાપૂર્વક બજાવે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.આ વાત ગળે ઉતારવા જેવી છે કારણ  પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.એક સંતાન પોતાની માતા સાથે હ્રદયનું જેટલું સાંનિધ્ય અનુભવે છે તેટલી સમીપતા, સંતાનને  પિતા સાથે અનુભવતાં કયારેક  સંકોચ લાગતો  હોય છે? કારણ  પિતાના સ્નેહમાં  મૃદુલતા ઓછી આપણને  દેખાય છે પરંતુ વિશ્વાસની માત્રા વધારે હોય છે એ ભૂલવું ન જોઈએ . પિતામાં આવેગ ઓછો પણ વિવેકબુદ્ધિ, નિયંત્રણ, તર્ક અને વિચારશીલતા માર્ગદર્શન  હંમેશાં સંતાન ને  આપતા રહે  છે. અવલંબનનો ભાવ ઓછો, પણ સમતાની બુદ્ધિ વિશેષ હોય  છે., પિતા હંમેશા દૂરથી ભલે શાંત ઓછા બોલા દેખાતા હોય પરન્તું આમ જોવા જઈએ તો  પિતા સૌથી મોટો હિતેચ્છુ શિક્ષક છે,જોકે  જેનું શિક્ષણ આપણે કેવળ મુખથી જ નહીં, પરંતુ તેના ક્રિયાકલાપ, આચારવિચાર, વ્યવહાર, ચરિત્ર, નૈતિકતા આ બધા દ્વારા ગ્રહણ કરીએ છીએ.

પિતા એટલે ઘરનો  વડલો
દેતો   વિસામો  ને  શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
સંતાપો સહી છત્ર ધરે  એને પિતા કહેવાય,

દરેક પિતાને મારા વંદન 

વિજયભાઈ આભાર સાથે HAPPY FATHERS  DAY

‘ઓળખાળ-પડી?’ કાકા

મિત્રો,

ચાલો ગમતા નો કરીએ ગુલાલ.ઘણા દિવસ પછી એક સુંદર કવિતા લાવી છું .. આમ તો આપણે આ બ્લોગ સિનયર માટે ખાસ રાખ્યો છે પણ સાક્ષર ની આ કવિતા જ સિનીયર માટે છે એટલે લાવી છું .. અને એમાં પાછો આવે છે fathers  day  તો માણો આ કવિતા

અને

તમારી fathers  day ની કવિતા જરૂર થીમોકલ જો ..ભૂલતા નહિ .

ઓળખાણ-પડી?-કાકાની કવિતા

અમુક કાકાઓએ આપણને નાનપણમાં દર્શન આપ્યા હોય અને પછી અચાનક જ કોઈક પ્રસંગમાં અચાનક પ્રગટ થાય અને આપણે નાના હોય ત્યારની કાચી યાદ-શક્તિનો ફાયદો ઉઠાવી અને સવાલ પૂછે, “શું ભૈ? ઓળખાણ પડી?” અને આવા પ્રશ્નમાં કુતુહલ કરતાં વધારે ‘હું-તને-ઓળખું-છું-પણ-તું-મને-નહિ-ડીંગો’ની વૃત્તિ વધારે હોય છે. આવા કાકાઓ એકાદ દિવસ માટે આપણને તેડીને ગયા હોય અને એ વખતના પ્રસંગો યાદ કરાવીને પ્રયત્ન કરે કે હું એમને ઓળખી શકું છું કે નહિ અને આવા પ્રસંગો જો કાવ્યાત્મક રીતે યાદ કરાવવાનો પ્રયત્ન કરે તો તે કંઇક આ પ્રમાણે હોય અને obviously “મેં શર્ટ પલાળ્યું’તું” એ વાત પરથી એમનું નામ તો યાદ આવવાનું જ નથી, એટલે આવા કાકાનું નામ “ઓળખાણ પડી?” કાકા રાખેલ છે.

(‘મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી- રમેશ પારેખ’ પરથી પ્રેરિત)

તને તેડયો’તો જ્યારે,
તે શર્ટ પલાળ્યું’તું ત્યારે,
અને મારેલી લાત, મને યાદ છે.
મારેલી લાત, તને યાદ છે?

તને જમાડવા બેઠો ને
દાળ બધી તુ પી ગયો,
મેં ખાધેલો ભાત, મને યાદ છે,
મેં ખાધેલો ભાત, તને યાદ છે?

તેડયો’તો જ્યારે, તે ખીસું ફંફોળીને, ખાધા’તા કાગળ મારા કામના,
એ ઝૂંટવવા મેં પ્રયાસ કર્યો, પણ નખરા તો તારા આખા ગામના;
સાંજથી તાણેલા ભેંકડાને શાંત કરવા પાડી મધરાત, મને યાદ છે.
પાડી મધરાત, તને યાદ છે?

વાળ ખેંચ્યા મારા પછી ચૂંટલા ય ખણ્યા; તારા જુલ્મો હજાર જાતનાં;
બાળકની ભાષામાં ગમ્મત કહેવાય પણ માણસની ભાષામાં યાતના,
જોરથી ભરેલું બચકું અને બોચી પર પાડ્યા’તા બે દાંત, મને યાદ છે,
પાડ્યા’તા દાંત તને યાદ છે?

– ‘ઓળખાળ-પડી?’ કાકા

હું સાક્ષર..