દ્રષ્ટિકોણ 36: સમજદાર બંદૂક કાયદા – દર્શના

શનિવાર પ્રકાશિત થતી મારી (દર્શના વારિયા નાડકર્ણી ની) દ્રષ્ટિકોણ કોલમ ઉપર ગયા અઠવાડિયે આપણે બંદૂક વિષે વાત કરેલી। 
આજે ટેક્સાસ માં થયેલ ગોળીબાર માં 20 નિર્દોષ માણસો માર્યા ગયા. આજે નવો વિષય નથી પણ ફરીને ને વાચક મિત્રોને એ ભલામણ કરવા માંગુ છું કે મિત્રો પ્લીઝ બંધુક ના સમજદાર નવા કાયદા લાવવાની વાત ને આવતી ચૂંટણી માં આ ધ્યાન માં રાખીને મત આપવાનું વિચારશો। દરેક ગોળીબાર માં નિર્દોષ લોકો મારી જાય છે તે કોઈના ભાઈ, બહેન, માતા, પિતા, કે પુત્ર પુત્રીઓ હોય છે. ફક્ત 6 મિનિટ ની અંદર પોલીસે આ માણસને ઝડપી લીધો। અને છતાં પણ 6 મિનિટ ની અંદર આ ધૃણાથી ભરેલ માનવીએ 20 નિર્દોષ લોકોને મોત ને ઘાટ ઉતાર્યા। એનું કારણ એક જ છે કે અત્યંત કાતિલ ઓટોમેટિક રાઇફલ વપરાશમાં છે અને તે ટૂંક સમય માં એટલી ગોળીના રાઉન્ડ મારી શકે છે કે મોટી સંખ્યામાં લોકો મરી જાય છે. આ બંદૂક નો મુદ્દો મારા હૃદય ની નજીક નો મુદ્દો છે. હંમેશા મારા મનમાં ભય હોય છે કે મારા છોકરાઓ, મારા પ્રેમીજનો કે મારા મિત્રો તેવી ગોળીબાર માં ઝડપાય તો નહિ જાયને। ગીલરોય માં ગયા અઠવાડિયે શૂટિંગ થયું ત્યારે મારી બહેન અને બનેવી ગીલરોય તે ફેસ્ટિવલ માં જવા માટે ગીલરોય ગયા હતા. અમારા નસીબ અને મારી મમ્મીના પુણ્યને લીધે બચી ગયા. ફરીફરીને ખાસ વિનંતી કે આ ચૂંટણી સમયે આ મુદ્દો ધ્યાન માં રાખશો. તમે ટીવી ઉપર કદાચ જોયું હશે કે એક બહેન ના મોટી ઉમર ના મમ્મી અંદર હતા જયારે ગોળીબાર શરુ થયો. અને ઘણા કલાકો ગયા છતાં તેને તેની મમ્મી મળ્યા નથી અને તેનું હૈયાફાટ રુદન જોઈને આપણા દરેક ની આંખમાં પાણી ભરાઈ આવે. એક નાનું છોકરું ગુજરી ગયું।.. તો ચૂંટણી સમયે આ વાત ને કેમ ન યાદ રાખવી? આજના સમયને અનુકૂળ સમજદાર બંદૂક કાયદા લાવવાની જરૂર છે.
અને બીજી એ વાત ધ્યાન માં રાખવા જેવી છે કે ધર્મ ને નામે જયારે લોકો બીજાઓ ને મારે છે કે અત્યાચાર કરે છે તે માટે કોઈ પણ એક ધર્મ ને આપણે બદનામ કરી શકીએ નહિ. હિન્દૂ ધર્મ માં આખું મહાભારત નું યુદ્ધ ધર્મને નામે થઇ ગયું હતું અને પોતાના નિકટજનોની હત્યા બંને પક્ષ તરફથી થઇ, તેટલુંજ નહિ પણ અસત્ય અને કેટલાય ષડયંત્ર રચાયેલા। તેમજ ઇસ્લામ ધર્મને નામે આતંકવાદીઓએ ભય ફેલાવી રાખ્યો છે. તેમજ ક્રિશ્ચિઆનિટી ના નામે ક્રુસેડસ માં દુનિભરમાં કેટલાય યુદ્ધ રચાઈ ગયા હતા અને લોકોને બેરહેમીથી રહેંસી નાખવામાં આવેલા। એટલે એ વિચારવા જેવું છે કે આપણે આપણા ધર્મ ગૌરવ લેતા બીજા ને નીચા પાડીએ ત્યારે બાળકો ને શું શીખવા મળે છે. આપણે જાણીએ છીએ કે સાહિત્યમાં રસ લેતા લોકો માં તેવા પૂર્વગ્રહ ભાગ્યેજ જોવા મળે કેમકે વિવિધ વાંચન અને વિવિધ દ્રષ્ટિકોણ ના લીધે તેમના માં દરેક વિષયને જુદા એંગલ થી જોવાની આદત કેળવાયેલી હોય છે. પરંતુ કેટલીયેવાર આપણે વિચાર્યા વગર ધર્મ ની ખિલાફ પૂર્વગ્રહ ફેલાય તેવા ફોરવર્ડ આગળ મોકલીએ છીએ. તો તેને ત્યાંજ રોકવાની આપણી સાહિત્યપ્રેમીઓની ફરજ ખરી કે નહિ?
અને આ વાત અહીં ઉખેડવાનું કારણ એજ કે આજની ગોળીબાર કરનાર માણસ અને ગીલરોય માં ગોળીબાર કરનાર ઇમિગ્રેશન ની ખિલાફ છે અને પોતાની જાત નું વર્ચસ્વ અને બીજાની ખિલાફ પૂર્વગ્રહ ધરાવે છે અને બીજાને નીચા ગણે છે. પોલીસ તેને આંતરિક આતંકવાદીને નામે તપાસ કરવાના છે. આશા છે કે આપણે વિવિધ વાંચન, જુદા જુદા દ્રષ્ટિકોણ થી કેળવાયેલા સાહિત્યપ્રેમીઓ ક્યારેય કોઈ ધર્મને નીચા દેખાડતા ફોર્વર્ડસ ને આગળ ફેલાવશું નહિ અને આપણા વશમાં હોય ત્યારે વિવિધતા અને સમાવેશ (diversity & inclusion) ની સુવાસ આપણે ફેલાવતા રહીશું।
ઘણા કલાકો બાદ પણ કેટલાયને તેમના પ્રેમીજનો ના હજી ખબર મળ્યા નથી. આજની હત્યાના ભોગ બનેલાઓ ને આપણી પ્રાર્થના માં રાખીએ। ઈશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે અને તેમના પ્રેમીજનોને શાંતિ મળે. ૐ શાંતિ।
 
  

દ્રષ્ટિકોણ 20: ટેક્નોલોજી અને આપણી બદલતી દુનિયા – દર્શના

ઇમર્જિંગ ટેક્નોલોજીસ ને લીધે આપણી બદલતી દુનિયા

નમસ્તે મિત્રો. હું તમને બેઠક માં આવકારું છું.  આપણે નવા દ્રષિકોણ થી અને નવા વિષયો ઉપર અહીં વાતો કરીએ છીએ. આજનું શીર્ષક છે ઇમર્જિંગ ટેક્નોલોજીસ. આપણે દ્રષ્ટિકોણ ની એક કોલમ માં બ્લોકચેઇન ટેક્નોલોજી વિષે વાત કરેલ. તેનું લિંક છે http://bit.ly/2x8m4QD .  આજે બીજી થોડી ટેક્નોલોજી વિષે વાત કરીએ.

ઇમર્જિંગ ટેક્નોલોજીસ આપણી દુનિયા બદલી રહી છે. તાજેતરમાં MIT Technology Review દ્વારા 10 ઉભરતી ટેક્નોલોજીસ ની નોંધ થયેલી જે આપણી દુનિયાને નવો આકાર આપી રહી છે. તેમાંથી થોડી નવી ટેક્નોલોજીસ કેવી રીતે આપણી દુનિયા  બદલી રહી છે તેની વાત કરીએ.

3D printing: વિષે તો તમે સાંભળ્યું જ હશે. પણ અત્યાર સુધી તે માત્ર પ્લાસ્ટિક માં જ થઇ રહેલું. હજુ પણ ધાતુ માં તે કરવું મુશ્કેલ અને મોંઘુ છે. પરંતુ હવે આધુનિક સોફ્ટવેર અને સસ્તા ધાતુ ના પ્રિન્ટર થી કદાચ ધાતુની ચીજો નું સામુહિક ઉત્પાદન કરી શકાશે. કલ્પના કરો કે એક દિવસ તમે તમારી મર્સીડિસ ને ઠોકી દ્યો અને તેમાં નાનો ઘોબો પડે. તમે ઘરે આવો ત્યારે તમારી પૌત્રી ક્યે દાદા, ચિંતા નહિ કરો હું તમને 3D printing દ્વારા નવું બમ્પર બનાવી આપું છું.

સેન્સર સભર શહેર: હમણાં કેનેડા માં થઇ રહેલ પ્રોજેક્ટ માં ક્વેસાઇડ નામના શહેરમાં દરેક જગાએ ડિજિટલ સેન્સર લગાડવામાં આવ્યા છે. પહેલા વહેલા તો આ સેન્સર, શહેર વિષે ની જાત જાતની માહિતી ભેગી કરે છે. ક્યાં હવામાન સારું છે, ક્યાં ટ્રાફિક ક્યાં સમયે વધુ હોય છે વગેરે. અને તે માહિતી ના આધારે શહેરવાસીઓ માટે જિંદગી સહેલી કરવા માંગે છે. બીજું આ સેન્સર દ્વારા લોકોને અવનવી શહેર ની માહિતી મળે તે પ્રમાણે તેઓ તેમની રોજિંદી જિંદગી માટે નિર્ણય કરી શકે છે.  એમ કહેવાય છે કે આપણે હમણાં રહીએ છીએ તે શહેરો સ્માર્ટ નથી. હવે પછીના શહેરો સ્માર્ટ હશે. તે આપણને તુરંત જાણ કરશે કે પાર્કિંગ ક્યાં સહેલાઈથી મળી જશે, ક્યાં લાઈટ સારી છે, ક્યાં રસ્તાઓ સુરક્ષિત ગણાય છે અને શહેરના કેટલા વિભાગ જાહેર માં ફ્રી વાઇફાઇ વડે સંકળાયેલ છે.

Artificial intelligence (AI): તમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિષે પણ સાંભળ્યું હશે. આ કૃતિમ બુદ્ધિ શું છે અને કેવી રીતે આપણી જિંદગી બદલશે તેને એક નાના ફકરામાં કહેવું મુશ્કેલ છે કેમ કે તેની પહોંચ ખુબ મોટી છે. તેને machine intelligence, મશીન બુદ્ધિ તરીકે પણ ઓળખાય છે. જયારે મશીન ને શીખવાડવામાં આવે અને મશીન પછી માણસો જેવી રીતે બુદ્ધિ વાપરીને નિર્ણય લઇ શકે તેને ટૂંકમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. પહેલા તો મશીન ને જેટલું શીખવાડીએ તેટલુંજ શીખતાં હતા. પણ હવે મશીન વધુ ને વધુ સ્માર્ટ બની રહ્યા છે અને થોડું શીખ્યા પછી નવા નિર્ણય લેવાના હોય તો પાછલું શીખ્યા હોય તેના આધારે નવી ચીજોનો નિર્ણય પોતાની જાતે કરી શકે છે. હવે તે દરેક જગ્યાએ ઉપયોગ માં આવી રહ્યા છે. આપણે એક IBM ના Watson નો દાખલો લઈએ અને એક કેન્સર જેવી બીમારી નો દાખલો લઈએ. કોઈ દર્દી તેને થઇ રહેલા રોગ ના લક્ષણો વિષે વાત કરે અને નિદાન કરવાનું ક્યે. તેમાં ડોક્ટરો ભૂલ ખાઈ જાય અને કેટલીયે ટેસ્ટ કરાવે. પણ વોટસન થોડા સવાલો પછી બધી ભેગી કરેલ માહિતી ને આધારે સચોટ નિદાન આપી શકે છે, તેવું પુરવાર થયું છે.

પણ હવે તો વોટસન ના આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ થી રસોઈ બનાવવા માટે પણ નુસખા શોધાઈ રહ્યા છે. તેને તમે કયો કે મારી પાસે અત્યારે લસણ, ટામેટા, મીઠું, મરચું અને તરબૂચ છે તો વોટસન તમને તુરંત રેસીપી શોધી આપે અને જણાવે કે 100 ટકા મેચ વળી રેસિપી છે તરબૂચ નો સૂપ અને બીજી ચાર રેસીપી માં 50 થી 70 ટકા વધુ વસ્તુઓની જરૂર પડશે. પછી તમે નિર્ણય કરી શકો કે તમારે શું જમવું છે.

તેવી તો ઘણી નવી ટેક્નોલોજી આપણી જિંદગી અને આપણી દુનિયાને બદલી નાખશે, કે દસ વર્ષ પછી કેટલા ફેરફારો આવશે તેની આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ.

PS: વધારે જાણવાની આતુરતા થાય તો નીચેના લિંક્સ ઉપર Forbes અને MIT દ્વારા બહાર પડેલ માહિતી વાંચશો.

https://www.forbes.com/sites/jaysondemers/2017/12/30/7-technology-trends-that-will-dominate-2018/#16418ed057d7
https://www.forbes.com/sites/jaysondemers/2017/12/30/7-technology-trends-that-will-dominate-2018/#16418ed057d7

દ્રષ્ટિકોણ 18: ગિનિસ રેકોર્ડ અને સંવર્ધન માતૃભાષાનું – દર્શના

મિત્રો હું, દર્શના વરિયા નાડકર્ણી તમને બેઠક ની “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આવકારું છું.  આ કોલમ ઉપર આપણે વિવિધ દ્રષ્ટિકોણ થી અને વિવિધ વિષયો ઉપર વાત કરીએ છીએ. ગયા અઠવાડિયે  ગિનિસ રેકોર્ડ દિવસ ઉજવાયો તેના નિમિતે તેના વિષે થોડી વાત કરીએ. વાર્ષિક પ્રકાશિત થતું The Guinness Book of World Records પ્રકાશન દુનિયા ના અવનવા રેકોર્ડ્સ ની નોંધ રાખે છે. બે મેકવાર્ટર ભાઈઓ એ તેની શરૂઆત 1954 માં કરેલ.
કેવી રીતે તેની શરૂઆત થઇ તે સાંભળો. 1951 માં, ઇંગ્લેન્ડ માં, સર બીવર જે ગિનિસ બીયર નો ધંધો ચલાવતા હતા તે પક્ષીઓના શિકાર માટે ગયા. ત્યાં કોઈની સાથે તે દલીલ માં ઉતાર્યા કે વિશ્વ માં ક્યુ પક્ષી સૌથી વધુ ઝડપી હતું। તેમણે ઘરે જઈને ચોપડીઓ માં આ માહિતી ગોતવા માટે ખુબ પ્રયત્ન કર્યો અને તેમને લાગ્યું કે આવી માહિતીઓ ની નોંધ ક્યાંય નથી. તેમના એક કાર્યકરે તેમને બે ભાઈઓ જે માહિતી એકઠી કરવાનો શોખ ધરાવતા હતા તેમનો સંપર્ક કરવાનું કહ્યું અને તેમની વાતચીત આખરે આ પુસ્તકની શરૂઆત થવામાં નિમિત્ત બની.
64 વર્ષ થી ચાલતું ગિનિસ  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પોતે “best-selling copyrighted book of all time” નો રેકોર્ડ ધરાવે છે. 2019 ના પ્રકાશન ના આધારે અત્યાર સુધી તેનું પ્રકાશન 100 દેશોમાં અને 23 ભાષાઓમાં થઇ ચૂક્યું છે. તેની આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝ ના આધારે તે પ્રિન્ટ ઉપરાંત ટેલિવિઝન શ્રેણી અને સંગ્રહાલયો અને મ્યૂઝિમ દ્વારા પણ આગળ વધી ગયું છે. ફ્રેન્ચાઇઝની લોકપ્રિયતાના પરિણામે અને તેમના સૂચિબદ્ધ ચકાસણી માં નામ કમાવાને લીધે વૈશ્વિક રેકોર્ડ્સ દુનિયા માં આવી અંતરરાષ્ત્રિય માહિતી અને નોંધમાં પ્રાથમિક આંતરરાષ્ટ્રીય સત્તા નું સ્થાન ધરાવે છે. આ સંસ્થા કોઈ પણ રેકોર્ડ્સ ના દાવા ની સ્વતંત્ર ચકાસણી માટે ખાસ કાર્યકરો રાખે છે.
ચાલો આપણે “સંવર્ધન માતૃભાષાનું” એ મહાગ્રંથ ઉપર થોડી વાત કરીએ. એ 12000 પાનાનું દળદાર પુસ્તક જે આપણે બેઠક માં કરેલા લખાણ થી તૈયાર કરેલ છે તે કદાચ આપણી માતૃભાષાને વિશ્વના સ્તરે આપણી ઓળખ બની રહે અને પુરા વિશ્વની જાણકારીમાં લાવી શકે. એ મહાગ્રંથ કઈ રીતે બન્યો?  “બેઠક” કે “સહિયારા સર્જન”માં નિતનવા વિષય કે વાર્તા ઉપર લખી ને સર્જકોએ ભાષાને કેળવી અને ભાષામાં ધીમે ધીમે પાંગરતા થયા અને તેમની ઉછળતી પ્રવીણતા આ પુસ્તક માં પરિણમી. 99 જેટલા લેખકોએ નવલકથા, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી વાતો, પ્રાયોગીક કે નવતર લખાણો, ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”, જેવા વિષયો ને નવાજ્યા અને વિવિધ દ્રષ્ટિકોણ અને વિવિધ શબ્દોથી સજાવ્યા. ડૉ ચીનુમોદીએ આ મહાગ્રંથને આવકારતા કહ્યુ હતું કે આવું સંવર્ધન કાર્ય કદાચ ભારતની કોઇ પણ ભાષામાં થયુ નથી. અને તે બહુજ આવકારનીય પ્રયાસ છે.
Image result for "સંવર્ધન માતૃભાષાનું"
આ મહાગ્રંથ આવતી પેઢી માટે માતૃભાષાને ધબકતી રાખવાનો પ્રશંસનીય પ્રયાસ માત્ર નથી પરંતુ આ ગ્રંથ ના સર્જન, સંપાદન અને સંકલન માટે થયેલ ૭૦૦૦ કરતા વધુ મેન અવર અને અઢી વર્ષ ના તપ નો વાસ્તવિક પુરાવો છે.  લેખકો ના સર્જન ઉપરાંત પાયામાં ડૉ પ્રતાપભાઈ પંડ્યા ની આગવી ઝુંબેશ “પુસ્તક પરબ”થી લઈને આ જ્ઞાનયજ્ઞની વેદી ટેક્સાસ માં વિજયભાઈ શાહ, પ્રવિણાબેન કડકિયા અને હેમાબેન પટેલ ના સૌજન્યથી પ્રેરણા પામીને,  કેલિફોર્નિયા માં પ્રજ્ઞાબેન દાદભાવાલા ની અથાગ મહેનત ના શિરોબિંદુ સમાન પ્રતીક બની છે. આપણે ઇચ્છીએ કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં સ્થાન મળે અને એ રીતે આપણી ભાષા વિશ્વ ના સ્તરે ઓળખાણ પામે.
“સંવર્ધન માતૃભાષાનું” એ મહાગ્રંથ ને ગિનિસ બુક માં સ્થાન મળે તે માટે એક મહાયજ્ઞ પ્રજ્ઞાબેને આરંભ્યો છે. પરંતુ ગિનિસ બુક માં સ્થાન મેળવવું એ નાનીસૂની વાત નથી અને એ નાનું એવું કામ નથી. વિશ્વના સૌથી લાંબા વાળ નું સ્થાન મળ્યું છે ચાઈના ની યુવતી ક્ષી ક્વિપિંગ ને. તેના વાળ ની લંબાઈ, 2004 ના માપ પ્રમાણે, 18 ફીટ થી વધુ હતી. તેજ રીતે વિશ્વની સૌથી લાંબા પુસ્તક નું સ્થાન મળ્યું છે માર્સેલ પ્રૌસ્ટ ની નવલકથા ને જેમાં 9,609,000 અક્ષરો છે (including spaces). બેઠક ના મહાગ્રંથ ની દુનિયા ના લાંબા પુસ્તક ની કેટેગરી માં નહિ પરંતુ દુનિયાના સૌથી દળદાર પુસ્તક ની કેટેગરી માં સ્થાન માટે અરજી કરેલ છે. તે માટે ગિનિસ ના ઘણા ઘણા નિયમો છે જેનું પાલન કરવું પડે. જયારે તેના કાર્યકરો ચકાસવા આવે ત્યારે તેઓ એક એક પાના ફેરવી ને પુસ્તક ને તપાસે અને જોવે કે દરેક પાના ઉપર કેટલા અક્ષરો છે, અને કેટલા પાના વચ્ચે અડધા લખેલા છે. તે લોકો લેખકો ના નામ અને તેમની રોયલ્ટી બાબત પૂછતાછ કરે. બધુજ તેમના નિયમ મુજબ હોય ત્યારેજ તેનું ગિનિસ બુક માં સ્થાન મળે.  
અત્યારે ગિનિસ નું મુખ્યાલય ઇંગ્લેન્ડ માં છે અને તેની બીજી ઓફિસો ન્યુ યોર્ક અને ટોક્યો માં છે. તેના મ્યુઝિયમ નું મુખ્યાલય ફ્લોરિડામાં Ripley headquarters માં છે.

દ્રષ્ટિકોણ 16: આતંકવાદ, કાવ્ય, #GunControl, દર્શના

નમસ્તે મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક માં પ્રણામ સાથે આવકારું છું.
આ કોલમ માં આપણે જુદી જુદી દ્રષ્ટિથી વાતોને જાણીએ છીએ.  આ પહેલાની કોલમ માં આપણે વિશ્વના સૌથી ખતરનાક વિશ્વયુદ્ધ 1 દરમ્યાન કેવી રીતે શાંતિનો એક નાનો ગાળો સર્જાયો તે વિષે વાત કરી. તે આ લિંક http://bit.ly/2Jy9eji ઉપર જોવા મળશે.
આજે આપણે એ વિષે વાત કરીએ કે અર્થહીન જંગ અને આતંકવાદ માં અનેકવાર નાના બાળકો અને નિર્દોષ લોકો સપડાઈ જાય છે. અમેરિકાના નિર્માણ દરમ્યાન રચાયેલ કોન્સ્ટિટ્યૂશન અને તેમાં કરેલા 2nd amaendment સુધારા અનુસાર, વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો કાનૂની અધિકાર છે અને તે માટે પોતે બંદૂક રાખી શકે છે. પણ તે વખતે એવી જાણ કોને હતી કે ઓટોમેટિક રાઇફલો આવશે જે એક પછી એક 50 લોકોને (જેમ લાસ વેગાસ માં બનાવ બન્યો તેમ) થોડીજ પળો માં મોતને ઘાટ ઉતારવામાં કાબેલિયત ધરાવતી હશે. અને હમણાંજ પિટ્સબર્ગ માં હૃદયદ્રાવક બનાવ બન્યો જેમાં 11 નિર્દોષ વ્યક્તિઓની ક્રૂર રીતે બંદૂક ની ગોળી થી રહેંસી નાખવામાં આવ્યા ત્યારેજ બે કાળા સિનિયરો ને પણ કેન્ટકી માં ગુરુવારે કોઈએ બંદૂક થી મોત ને ઘાટ ઉતાર્યા.  અને હમણાંજ પિટ્સબર્ગ માં હૃદયદ્રાવક બનાવ બન્યો જેમાં 11 નિર્દોષ વ્યક્તિઓની ક્રૂર રીતે બંદૂક ની ગોળી થી રહેંસી નાખવામાં આવ્યા ત્યારેજ બે કાળા સિનિયરો ને પણ કેન્ટકી માં ગુરુવારે કોઈએ બંદૂક થી મોટ ને ઘાટ ઉતાર્યા. મૉટે ભાગે આવી હત્યા નો ભોગ બાળકો અને યુવા વ્યક્તિઓ બનતા હોય છે. કેમકે યુવા બાળકો મૉટે ભાગે બહાર સિનેમામાં, સંગીત પ્રોગ્રામ માં, શાળામાં અને મોલ માં હરતા ફરતા હોય છે અને તે આ કાનૂની હથિયારનો ભોગ બને છે. તેમજ પાકિસ્તાનમાં શાળામાં ભણતા બાળકો આતંકવાદીઓનું નિશાન બન્યા અને નાઇજીરિયામાં શાળામાં ભણતી યુવા બાળકીઓનું આતંકવાદીઓ અપહરણ કરી લઇ ગયા. આવા બનાવો બને ત્યારે ઘણી વખત મેં કાવ્યો લખ્યા છે.
જયારે પણ નાના બાળકો મોટાઓના સંઘર્ષમાં સપડાઈ છે અને ઇજા પામે છે અને ઘણી વાર પોતાનો જાન ગુમાવે છે ત્યારે આપણા દિલમાં સહેવાય નહિ તેવો વલોપાત થાય છે અને આપણી આંખોમાંથી આંસુ વહે છે. એવા અમુક સમયે મેં મારી લાગણીઓને કાવ્યમાં દર્શાવી છે તે નીચેના કાવ્યમાં પ્રસ્તુત કરું છું. જયારે માતાપિતાને તેના નાના બાળકને અર્થહીન હિંસા ને લીધે દફનાવવા પડે છે કે અગ્નિદાહ દેવો પડે છે તેમના અસહ્ય દુઃખ ની સરખામણી થઇ શકે તેમ નથી. તેમના હૃદયનો એક ભાગ કાયમ માટે મ્રત્યુ પામે છે. આતંકવાદીઓ કે બૉમ્બ બ્લાસ્ટ ના શિકાર બનેલાઓના અંગો તો જ્યાં ત્યાં પડ્યા હોય છે પણ સાથે સાથે વલોપાત કરતા તેમના માતા પિતાના હૃદય પણ ચૂરચૂર થઈને વેરવિખેર થઇ જાય છે. તેને કેમ કરીને જોડવા. જયારે પાકિસ્તાનમાં આતંકવાદીઓના હાથે શાળાના છોકરાઓની કતલ થઇ ત્યારે આ કાવ્ય મેં અંગ્રેજી માં લખ્યું હતું. હમણાં યમન માં બૉમ્બ હુમલાથી 50 જેટલા બાળકોને ઇજા પહોંચી અથવા જાન ગુમાવ્યો તેને યાદ કરતા એ  કાવ્યનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો અને તે નીચે પ્રસ્તુત કરું છું. અંગ્રેજીમાં ઘણી વખત તારાજી સર્જાય ત્યારે લોકોને કહેવામાં આવે છે કે pick up the pieces જેમ આપણે ગુજરાતીમાં કોઈને સાંત્વન આપતા કહીએ કે હવે આગળ જુઓ. પણ પોતાનું બાળક ઝૂંટવાઈ જાય ત્યારે માતાપિતા કેમ આગળ જુવે? અને કોઈ પણ ઘર ની વ્યક્તિને અર્થહીન હિંસા માં અચાનક ગુમાવ્યા પછી જિંદગીમાં આગળ કેમ જોઈ શકાય? અને બાળક તો બાળક જ છે ને પછી તે અમેરિકામાં હોય કે પાકિસ્તાન માં? તો સાંભળો એક મા નો કલ્પાંત નીચે.
પણ તે પહેલા બીજી એક વાત. જયારે આવા બનાવો બને છે ત્યારે આપણી દુઃખ નો પાર રહેતો નથી. પણ પછી આપણે કામમાં વ્યસ્ત થઇ તે ભૂલી જઈએ છીએ. તે વાત ને આપણે મતદાન સમયે ખાસ યાદ રાખવાની જરૂર છે. તો મિત્રો, નવેમ્બર 6 ના મતદાન કરતી વખતે, તે ધ્યાન માં રાખીને મતદાન કરશો. આપણે અમેરિકામાં બંદૂક ના વિતરણ ઉપર પ્રતિબંધ રાખવાની જરૂર છે. આપણા રહેઠાણ થી તો સુધારો લાવીએ અને ત્યાંથી શરૂઆત કરીએ અને હિંસક હથિયારો ઉપર નિયંત્રણ લાવીએ.
તો સાંભળો એક મા નો કલ્પાંત નીચે. તેના બાળકની ક્રૂર લોહિયાળ હત્યા પછી પોતાના હૃદય ના વેરવિખેર ટુકડાઓ ક્યાં વિખરાયેલા પડ્યા છે તેની વાત છે. મારુ અંગ્રેજી કાવ્ય આ લિંક ઉપર મળશે – http://bit.ly/1wfp47D

મારા હૃદયના નાના નાના ટુકડા

વીર વિખેર નાના નાના ટુકડાઓમાં મારુ હૃદય
વિખરાયેલ પડ્યું છે, કેમ આવ્યો આ પ્રલય
તને ગરમાવો આપવા મારા લાલ, તારી જોડે પોઢશે
એક ટુકડો ક્રૂર જમીનમાં 6 ફૂટ ઊંડે જિંદગીનો નિવેડો ગોતશે
એક ટુકડો પ્રયાણ કરશે સ્વર્ગની કોર, તારી હારે
હું અમથી મા નથી, તારી હારે જ જોડાવું મારે  
એક ટુકડો ન્યાય માંગવા એ દૃષ્ટની સાથે જશે
હા, મારુ લોહિયાળ હૃદય નરકના પ્રવાસે જશે
દિલના એક નાના ટુકડામાં હું તારો પ્રેમ ભરીશ
હવે થંભી જા, હૃદયફાટ સમયને યાચના કરીશ
પણ મારા દિલના ટુકડા ભેગા નહિ કરી શકું
વિખરાયેલા મારા હૃદયને સાંધી નહિ શકું
ગમે તેટલું હૈયાફાટ રુદન કરે પણ એક મા ક્યારેય તેના લાલ સાથેની પ્રેમાળ પળોને વીસરશે નહિ અને અંતે તે યાદો જ તેના હૃદયમાં માં થયેલા હજાર છિદ્રોને ભરશે.
https://youtu.be/wkQemYWNfBc

દ્રષ્ટિકોણ 13: સ્તન કેન્સર, ઘનતા, લોહીના ટીપાથી નિદાન – દર્શના

સ્તન કેન્સર, સ્તન ઘનતા, લોહીના ટીપાથી નિદાન

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં આવકારું છું. આ ચેનલ ઉપર આપણે વિવિધ દ્રષ્ટિકોણ થી અને વિવિધ વિષયો ઉપર વાત કરીએ છીએ. આ સ્તન કેન્સર દિવસ નિમિતે આજે સ્તન કેન્સર ઉપર થોડી વાત કરીએ. સ્તન કેન્સર પુરુષોને પણ થઇ શકે છે પણ સ્ત્રીઓમાં મૉટે ભાગે થાય છે માટે આપણે અત્યારે સ્ત્રીઓના સ્તન કેન્સર વિષે વાત કરીએ.
પહેલ વહેલા તો સ્તન એ સ્ત્રી ના સૌંદર્ય નું માત્ર પ્રતીક નથી પણ એ એવું અવ્યય છે કે જેના દ્વારા બાળક અમૃત બિંદુ પીને જીવન અને તંદુરસ્તી પામે છે. ત્રીજા અને ચોથા દરજ્જામાં જયારે કેન્સરની જાણકારી થાય અને સ્ત્રીને ક્યારેક આ અવ્યય ગુમાવવાનો સમય આવે છે ત્યારે સ્ત્રી પોતાનું સૌંદર્ય ગુમાવવા માટે નહિ પણ સ્ત્રીત્વ ગુમાવવા ની ઉદાસી ને લીધે હતાશ થાય છે અને એક માતા, એક પત્ની કે બહેન ની આ હતાશા કોઈ ભાઈ, પતિ કે પિતા જોઈ સકતા નથી. પણ સુખદ વાત એ છે કે અમેરિકા જેવા દેશોમાં સ્તન કેન્સર ની mortality મરણાધીનતા માં એકદમ ઘટાડો થવા લાગ્યો છે.
વિશ્વભરમાં 2000 ના આગળ ના દાયકામાં સ્તન કેન્સર સ્ત્રીઓમાં વધુ માત્રાએ થતું કેન્સર રહ્યું હતું. પણ સ્તન કેન્સર ની જાણકારી વધવા લાગી તેમ તેમ તેનો દર અમેરિકામાં નીચે જવા લાગ્યો અને 2012 પછી તો સ્તન કેન્સર ના કિસ્સા અને ખાસ કરીને આ કેન્સર ને લીધે ની mortality મરણાધીનતા માં એકદમ ઘટાડો થવા લાગ્યો. 2012 વિશ્વભરમાં માં 1.67 મિલિયન નવા સ્તન કેન્સર ના કિસ્સા નોંધાયા હતા. પણ 2017 માં લગભગ ત્રણ લાખ જેટલા સ્તન કેન્સર ના નવા કિસ્સા નોંધાયેલ. 1989 થી 2015 સુધીમાં સ્તન કેન્સરમાં લગભગ 39 ટકા ઘટાડો અમેરિકામાં થયો છે. મોટા ભાગનો ઘટાડો અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોમાં થવા લાગ્યો હતો. ભારત અને બીજા દેશો વિષે વધુ વાત નીચે કરીશું. સ્તન કેન્સર માં અને બીજા ઘણા કેન્સર માં ઘટાડો થવાના ઘણા કારણો છે. કેન્સર થવાના પણ ઘણા કારણો છે અને ઘટી જવાના પણ ઘણા કારણો છે. ધાવણ કરાવ્યું હોય તેને સ્તન કેન્સર થવાના શક્યતા ઓછી થઇ જાય છે. તેમજ મોટી ઉંમર, ફેમિલી માં કેન્સર હોય, હોર્મોન્સ નો વપરાશ કર્યો હોય અને મૌખિક ગર્ભ નિરોધક દવાનો વપરાશ કર્યો હોય અને સ્તન ની ઘનતા (density) વધુ હોય તેને આ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. જો વહેલું નિદાન કરવામાં આવે તો સ્તન કેન્સર માટે ખુબ સારી અને સંપૂર્ણ રીતે સાજા થવાની શક્યતા છે. Early detection એટલે કે પ્રારંભિક આગાહી, ખાસ કરીને જે સ્ત્રીઓના ઘન સ્તન હોય high breast density તેમને માટે ખાસ ઉપયોગી છે.

ઘન સ્તન (high breast density)

હવે આપણે dense breast ઘન સ્તન વિષે થોડી વાત કરીએ. સ્તન ચરબી પેશીઓ અને milk glands, milk ducts દૂધની પેશીઓથી બનેલા હોય છે. સામાન્ય રીતે મેનોપોઝ પહેલાં, સ્તનમાં બંને દૂધની અને ચરબી પેશીઓ વધુ હોય છે અને તેથી વધુ સ્તન ઘનતા હોવાથી મેમોગ્રામ વાંચવાનું થોડું અઘરું હોય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓના મેમોગ્રામ્સ વાંચવાનું સરળ બને છે. પણ તે ઉપરાંત અમુક સ્ત્રીઓના સ્તન વધુ ઘન હોય છે. જે સ્તનમાં ચરબી પેશીઓ વધુ હોય તે ઘન સ્તન નથી હોતા। પણ જે સ્તન માં દૂધ ની પેશીઓ વધુ હોય તે ગાઢ એટલે કે dense breast કહેવાય છે. ઉચ્ચ સ્તન ઘનતા ધરાવતી સ્ત્રીઓ માં ઓછી ઘનતા ધરાવતી સ્ત્રીઓ કરતાં સ્તન કેન્સર થવાની શક્યતા ચારથી પાંચ ગણી વધુ હોય છે.
અમેરિકા માં 49 ટકા જેટલી સ્ત્રીઓને ઘન સ્તન હોય છે અને તેમના મેમોગ્રામ વાંચવા મુશ્કેલ છે તેથી GE કંપની એ નવું 3D Automated Breast Ultrasound (ABUS) મશીન બહાર પાડ્યું છે. ઘન સ્તન હોય તે સ્ત્રીઓએ સામાન્ય મેમોગ્રામ કરવાની બદલે આ મશીન દ્વારા breast exam કરે તેવી દરખાસ્ત કરવી જોઈએ. ઘણી સ્ત્રીઓને ખબર પણ નથી હોતી કે તેમને ઘન સ્તન છે અને બધા જ સ્ટેટ્સ માં આ બાબતની જાણકારી તેમને આપવી જ તેવો ફરજીયાત કાયદો નથી. તેથી ક્યારેક તમારેજ આ બાબત વિષે જાણકારી માંગવી જોઈએ. જેમના ઘન સ્તન હોય તેમને મેમોગ્રામ ની બદલે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા એક્ષામ થાય તે માટે તમારે રિક્વેસ્ટ કરવી જોઈએ. મેમોગ્રાફી માં ઇમેજ ક્વોલિટી જોવાય છે. પણ ઘન સ્તન હોય તેમાંથી એનેર્જી પાસ થઇ સકતી નથી માટે ટ્યુમર જોવા મુશ્કેલ હોય છે.  અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજી વધુ મોંઘી હોય છે માટે સામાન્ય ઉપયોગ માં લેવાતી નથી. પરંતુ ઘન સ્તન માટે તે યોગ્ય છે. તે ટ્યુમર ઓળખવા માટે લાઈટ ની બદલે સાઉન્ડ એટલે અવાજ ઉપર નિર્ભર કરે છે.

ભારત માં સ્તન કેન્સર

ભારત અને તેવા અન્ય દેશો માં સ્તન કેન્સર ને લીધેની મરણાધીનતા માં અર્થસભર ઘટાડો થયો નથી. બધા કેન્સર માં સ્તન કેન્સર નું પ્રમાણ 34% છે અને ભારત માં બધા કેન્સર માં, સ્તન કેન્સર સ્ત્રીઓની મ્રત્યુ નું મુખ્ય કારણ રહ્યું છે. પહેલા સ્તરે, જલ્દી સ્તન કેન્સર નું નિદાન થાય તો 100% ઈલાજ અને રોગમુક્તિ અને બચવાની શક્યતા છે. પરંતુ ભારત માં 70% સ્તન કેન્સર નું નિદાન સ્ટેજ 3 અને સ્ટેજ 4 માં થાય છે અને તેમના બચવાની શક્યતા એકદમ ઘટી જાય છે. એવું શા માટે? આના ઘણા કારણો છે. 1% થી નીચે ની સ્ત્રીઓ સ્તન કેન્સર નું નિયમિત નિદાન કરાવતી હોય છે. તેઓ પોતાની જાતે નિયમિત સ્તન તપાસ કરતી નથી, નિયમિત મેમોગ્રામ કરાવતી નથી, ને ડોક્ટરો તેની નિયમિત તપાસ કરતા નથી. અને આ તો માત્ર સામાન્ય સ્તન ની વાત થાય છે, ઘન સ્તન ની વાત તો બાજુએ જ રહી. એક તો દરેક જગ્યાએ મેમોગ્રામ મશીન રહેતા નથી અને બીજું સ્ત્રીઓને કપડાં ઉતારીને એક્ષામ કરવા માટે ની સુવિધા ઉપલબ્ધ હોતી નથી.

લોહી ના ટીપા દ્વારા સ્તન કેન્સર ની ચકાસણી


POC Medical નામની કંપની, સંજીવ સક્સેના નામના ભારતીય ભાઈએ  અમેરિકામાં શરુ કરી છે. તેઓનું મશીન લોહીના એક ટીપા દ્વારા સ્તન કેન્સર ની ચકાસણી કરી શકે છે તેવો તેમનો દાવો છે. અને તે રીતે તેઓ ડાયાબિટીસ ની જેમ સ્તન કેન્સર નું નિદાન કરી શકે, પછી તે સામાન્ય સ્તન હોય કે ઘન સ્તન હોય. વપરાશની સુવિધા ઉપરાંત આ મશીન પોર્ટેબલ છે, કદ માં નાના છે, હોસ્પિટલ માટે ખરીદવા માં સસ્તા છે,  અને તેને વાપરવા માં બહુ તાલીમ પામેલા ટેક્નિશિયન ની જરૂર પડતી નથી. તેઓ આ મશીન દ્વારા ચકાસણી ની ક્લીનીકલ ટ્રાયલ કરવાના છે. તેમનો દાવો છે કે આ મશીન ના વપરાશથી સ્તન કેન્સરના કિસ્સા માં મ્રત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યા ભારતમાં ઘટી ને અમેરિકા ની બરોબરીમાં આવશે અને પછીથી આ મશીન વડે આફ્રિકા ના અન્ય દેશો માં સ્તન કેન્સર ની મરણાધીનતા માં ઘટાડો થશે અને અમેરિકા માં પણ વપરાશ માં લેવામાં આવશે. હવે જોવાનું છે કે જેવું વચન આપે છે અને દાવો કરે છે તેવું જ પરિણામ લાવે છે કે નહિ.

પરંતુ આવા મશીન ઉપલબ્ધ થાય ત્યાં સુધી સ્તન કેન્સર માં એક ડગલું આગળ રહેવું તે આપણા હાથ માં છે. તો આજે સ્તન કેન્સર ના દિવસે ખાસ ભલામણ કે ભારત માં અને અહીં અમેરિકા માં અને દુનિયામાં દરેક જગ્યાએ સ્ત્રીઓએ પોતાની જાતે નિયમિત રીતે સ્તન ની ચકાસણી કરતા રહેવું અને લમ્પ જેવું લાગે તો તરતજ ડોક્ટર પાસે નિદાન કરાવવું. પહેલા સ્ટેજ માં 100% બચવાની શક્યતા છે તે ભૂલશો નહિ. બ્રેસ્ટ કેન્સર દિવસે આપણે ઇચ્છીયે કે બ્રેસ્ટ કેન્સર માં, ઓછા પ્રદૂષણો, અર્લી ડિટેક્શન અને નવી ટ્રીટમેન્ટ ને લીધે કેન્સર નો દર અને મરણાધીનતા નો ઘટાડો ચાલુ રહે.

દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના

હિન્દૂ મુસ્લિમ વચ્ચે ના પૂર્વગ્રહ અને પ્રેમ ની એક ઘટના, એક દોહો અને એક કાવ્ય

મિત્રો, હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં દ્રષ્ટિકોણ ની કોલમ અને ચેનલ ઉપર આવકારું છું. આજે આપણે હિન્દૂ મુસ્લિમ ના પૂર્વગ્રહ અને પ્રેમ વિષે વાત કરીએ. ધર્મ ના લીધે ભાગલા પાડવા અને ધર્મ ની જુદાઈ હોવા છતાં માણસો વચ્ચે સમાનતા અને માણસાઈ ને પાંગરવી બંને વસ્તુ આપણાજ હાથ મેં છે ને?

2016 માં એક હૃદયસ્પર્શી ઘટના બની તેનું દ્રશ્ય કેવું હતું તેની કલ્પના કરો. 165 મુસલમાન લોકો શાંતિ થી ખુશી ઉપર બેસી રહ્યા હતા. તેમના નેતા સૈફુલ ઇસ્લામ સાહેબે ફરમાન કર્યું કે દિવસ નો અંત આવી રહ્યો  હતો એટલે તેઓ ઉઠીને મંદિર માં જ નમાજ અને પાર્થના પતાવી અને પછી જમણ પીરસવાની રાહ જોઈ રહ્યા હતા. બંગાળ ના માયાપુર ગામ માં ઇસ્કોન ના ચંદ્રોદય મંદિર માં બનેલ આ ઘટના છે. ત્યાંના હિન્દૂ સ્વંયસેવકો તેમને પીરસી રહ્યા હતા. ફ્રૂટ, જાત જાતની મીઠાઈઓ અને ફ્રૂટ જ્યુસ અને શરબત ના ભરેલા ગ્લાસ લાવી રહ્યા હતા. ઈદ નો દિવસ હતો અને મુસલમાનો એ  હિન્દુઓના હાથે, પ્રેમે પીરસેલ, સ્વાદિષ્ટ જમણથી તેમનો અપવાસ પૂરો કર્યો. તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યું કે ક્યારેય અમને ઈફ્તાર નું જમણ મુસલમાન ન હોય તેમના હાથે પીરસાયું નથી. હું આ ઘટના માટેની યોગ્ય કહેવત શોધતી હતી. પણ એમ લાગે છે કે નવી કહેવત પાડવી પડશે – “જે હારે રોટલો ભાંગે એ એકબીજાનો ઓટલો ક્યારેય નહિ ભાંગે”.

પણ બીજી ભારતની હકીકત એ પણ છે કે હિન્દૂ અને મુસલમાન લોકો એકમેક જોડે સાથે હળીમળી ને રહી અને દેશની ઉન્નતિ માં જોડાવાની બદલે ધિક્કાર અને પૂર્વગ્રહ બાંધી રહ્યા છે અને સાચા અને ઘણી વાર ખોટા વૉટ્સ એપ ના ફોરવર્ડ દ્વારા લોકોને એકમેકની વિરુદ્ધમાં ઉશ્કેરી રહ્યા છે. તેનું શું પરિણામ આવશે? જો ઇતિહાસ તરફ નજર કરીએ તો પરિણામ સારું નથી. નીચેનું કાવ્ય જાવેદ જાફરીએ હિન્દી માં પઠન કરેલું તેનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, તે સાંભળશો.

નફરત ની અસર જુઓ જાનવરો વેચાય ગયા
ગાય હિન્દૂ અને બકરા મુસલમાન મનાય ગયા

વધી ગયી ઝાડ, પાન ને શાખાઓ ની મૂંઝવણો
પંખીઓ પણ ચિંતિત છે ક્યારે તેનો થશે બટવારો

સૂકા મેવા પણ આ જોઈને પરેશાન થઇ ગયા
ક્યારે નાળિયેર હિન્દૂ ને ખજૂર મુસલમાન થઇ ગયા

ધર્મને કારણે રંગો પણ થયા વિભાજીત અને અભંગ
લીલો રંગ મુસલમાનનો અને લાલ થયો હિન્દુનો રંગ

તો લીલા શાક ભાજી એક દિવસ મુસલમાનના થઇ જશે?
ને હિન્દૂ ના નસીબ માં માત્ર ગાજર અને ટામેટા આવશે?

સમજ માં નથી આવતું કે તરબૂચ કોના ભાગે જશે?
બિચારું ઉપરથી છે મુસલમાન ને અંદર થી હિન્દૂ રહેશે?

સંત કબીર નો સુંદર દોહો નીચે વાંચશો. રામ, રહીમ, ત્રણે લોક નો રખવાળો એક જ છે, શાને કરવી લડાઈ?

રામ રહીમ એક હૈ રે, કાહે કરો લડાઈ,
વહ નિર્ગુનીયા અગમ અપારા, તીનો લોક સહાઈ… રામ

વેદ પઢંતે પંડિત હો ગયે, સત્ય નામ નહિં જાના,
કહે કબીરા ધ્યાન ભજનસે, પાયા પદ નિરવાના… રામ

એક હી માટી કી સબ કાયા, ઊંચ નીચ કો નાંહિ,
એક હી જ્યોત ભરે કબીરા, સબ ઘટ અંતરમાંહિ… રામ

યહી અનમોલક જીવન પાકે, સદગુરૂ શબદ ધ્યાવો,
કહેત કબીરા ફલક મેં સારી, એક અલખ દરશાવો… રામ

દ્રષ્ટિકોણ 10 – વિશ્વ કૃતજ્ઞતા દિવસે માતાપિતા ને નવાજીએ – દર્શના

નમસ્તે મિત્રો. આજે વિશ્વ કૃતજ્ઞતા દિવસ ઉજવાઈ રહ્યો છે. સૌ પ્રથમ આ દિવસ 1965 માં ઉજવાયો અને ત્યાર બાદ United Nations Meditation Group દ્વારા દર વર્ષે September 21 ના આ દિવસ મનાવવાની પ્રથા જાહેર થવામાં આવી. જિંદગીમાં કૃતજ્ઞતા કેળવવાથી અને દર્શાવવાથી વ્યક્તિને પોતાને ઘણા ખુબ ફાયદા થાય છે અને સૌથી પહેલે માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું તેઓ સૂચન કરે છે. આમેય માતા પિતા નું સ્થાન જ ઔર છે. એક માતાના કે એક પિતાના પ્રેમ ની ઊંડાઈ માપી શકાય નહિ. તે બીજા કોઈ સંબંધ જેવો પ્રેમ નથી. તેમના હૃદય માં બાળક માટે ચિંતા અને બાળક ની ભલાઈ માટેની ભાવના સતત વહેતી હોય છે. અને છતાં માતાપિતા અને બાળકો વચ્ચે મતભેદ તો થવાના જ. એક જેનેરેશન ગેપ છે તે ન રહે અને બાળકો માતાપિતાના ઘાટ માં જ બીબાની જેમ ઢળે તો જિંદગીમાં ઉન્નતિ કેમ થાય? બાળકોના મત માતા પિતાના મત કરતા ઘણી વખત જુદા પડે, બાળકો તરફ તેમને નિરાશા ઉપજે, બાળકો તેમનું ન સાંભળે અને મનમાન્યું કરે તેમજ ધીમે ધીમે બાળકો પોતાની ભૂલો કરે અને તે ભૂલો માંથી જિંદગીના પાઠ શીખે અને તેમની નવી સમજણ અને સચ્ચાઈ પ્રમાણે નિર્ણયો લ્યે અને તેમજ જિંદગીની પ્રગતિ ચાલુ રહે.
પરંતુ ઘણી વખત બાળકો માતાપિતાની તેમના પ્રત્યેની નિરાશાને વળગી રહે છે અને તેની પાછળ છુપાયેલ તેમના પ્રેમ અને લાગણી ને જોઈ નથી શકતા. ક્યારેક માતા પિતા ની ઉમર મોટી થાય અને તેઓ ભૂલો કરવા લાગે અને ત્યારે બાળકો ધીમે ધીમે કારોબાર અને વધુ જવાબદારી સંભાળતા થાય અને માતા પિતા બાળકો જેવા બનતા જાય અને તેમને વધુ મદદ ની જરૂર પડે તો પુખ્ત વયના બાળકો ને તેમના ઉપર રોષ આવવા લાગે છે. આ બધું તો જીવન માં થાય જ છે. પણ આજે હું એમ કહેવા માંગુ છું કે જો માતા પિતા ભગવાનના આશીર્વાદે ખુબ મોટી વય સુધી પહોંચે ત્યારે એક દિવસ બેસીને પુખ્ત વયના બાળકે મનોમન એક નિર્ણય કરવાની જરૂર છે. તેઓ મૃત્યુને શરણ થાય તે પહેલા આ નિર્ણય થાય તો વધુ ઉત્તમ. પુખ્ત વયના બાળકો એક દિવસ બેસીને નિર્ણય કરી શકે કે હવેથી જેવો પ્રેમ અને કાળજી મારા બાળપણમાં મને મારા માતા પિતાએ દાખવ્યો તેજ નિખાલસ અને અવિરત પ્રેમ હું તેમને અર્પણ કરીશ. અને તે દિવસ થી તેમને ખીજાવા, ઠપકાવવાની બદલે તેમના તરફ ના વર્તન માં ખુબ કાળજી અને પ્રેમ ભરી દઈએ અને તેમનો હાથ પકડી, આંખમાં જોઈને તેમના તરફ ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ તો કેવું? ક્યારેક મોડું થઇ ગયું હોય અને માતા કે પિતા પ્રત્યક્ષ હાજર ન હોય તો પણ મનોમન આભાર વ્યક્ત કરવાની હળવાશ આપણે અનુભવી શકીએ છીએ.
ક્યારેક આવા કાર્ય માટે નિમિત્ત ની જરૂર હોય છે. તો આજે આ બ્લોગ ને નિમિત્ત માનીને વિશ્વ કૃતજ્ઞતા દિવસે ચાલો આપણે આપણા માતા પિતાને આપણા વર્તન અને વાણી દ્વારા કૃતજ્ઞતા અને અવિરત પ્રેમ ની લાગણી દર્શાવીએ. જો તેઓ જીવિત ન હોય તો શબ્દો દ્વારા વર્તાવી શકાય છે.
નીચે મેં મારી મા માટે લખેલ કાવ્ય તમે લિંક માં સાંભળી શકો છો અને નીચે વાંચી પણ શકો છો.

બાળકો ના સપના માં માતાની જીંદગી
એકવાર માં તું હતી સૌન્દર્યપૂર્ણ, સુશોભિત, યુવાન
ડૂબી ગયા હશે ઘણા જુવાનો, જોઈ તારા નયન
સાકાર થઇ રહેલા હશે તારા દિલ માં ઘણા સપના
ઘણી ઈચ્છાઓ, દેશ દેશાંતર ફરવાની ભાવના
પરંતુ સામાજિક ધોરણો ને અનુસાર તે દિશા બદલી
તારા સપના ને ધરબી દઈ ને તું સાસરે ચાલી
તારી કુખે અમે જન્મ્યા, તું તારી ફરજ નિભાવતી રહી
ક્યારેક અમે સમજ્યા નહિ, જીદ કરી, તારું માન્યા નહિ
પરંતુ તારા પ્રેમ માં ક્યારેય તે કચાસ ન કરી
એવું બન્યું નહિ કે તે અમારી વાત ને કાને ન ધરી
તે ફેરવ્યું તારા સપના નું અમારા સપના ઉપર લક્ષ્ય
અમને હસતા રાખવા એ જ તારી ખુશીનું રહસ્ય
તું ભૂખી રહી પણ અમારું ખાવાનું રાખ્યું નિત્ય ગરમ
બની ગયા તારા બાળકોજ તારા ભગવાન, તારો ધરમ
જીવનની મુસીબતો ગળીને હસતા હસતા તે નિભાવી ફરજ ,
અમે તો વિચાર પણ ના કર્યો, આ તે કેટલું મોટું કરજ
તે જાડુ વાળ્યું, વાસણો વિછર્યા, રસોઈ બનાવી, કપડા ધોયા
મોડી સવાર સુધી સપના અમારી પાંપણો ઉપર નાચતા રહ્યા
કદાચ હવે તને યાદ પણ નહિ હોય તારા સપના ને તારું મોટું બલિદાન
હવે તું નથી જુવાન, નથી બળવાન, કે નથી સૌંદર્યવાન
અમારા સપના થયા સાકાર, તારી મહેનત નું પરિણામ
ઘર, બંગલા, ગાડી માં અમે થયા ઠરીઠામ
અમે પણ શું ભૂલી ગયા તારું અમારા ઉપરનું મોટું ઋણ?
તો આ તારી નહિ, પણ અમારા જીવન ની કથની છે, કરુણ.
https://youtu.be/dFhGpgpJ_cE 

9. દ્રષ્ટિકોણ – “શબ્દોમાં માં વસેલ શક્તિ” દર્શના

મિત્રો તમને સર્વે ને હું, દર્શના વારિયા નાડકર્ણી બેઠક ની કોલમ અને ચેનલ ઉપર આવકારું છું.
આ ચેનલ ઉપર દ્રષ્ટિકોણ વિકસાવવાની કોશિશ કરીએ છીએ.
આજ નું શીર્ષક છે “શબ્દોમાં માં વસેલ શક્તિ”
ગયા અઠવાડિયે આપણે વાત કરી તેનું શીર્ષક હતું “અર્થસભર મૌન ની તાકાત”. (તે આ લિંક ઉપર વાંચી શકશો http://bit.ly/2wWlUvj ). આજે આપણે સમયે ઉચ્ચારેલા શબ્દોની શક્તિ વિષે થોડી વાત કરીએ.
પહેલા તમને 1964 માં, ન્યુ યોર્ક માં બનેલ એક સત્ય ઘટના સંભળાવું છું. રાતનો સમય હતો અને કીટી જિનોવિસ કરીને કે જુવાન યુવતી બહાર થી ઘરે પછી ફરી રહી હતી. તે તેના ઘર સુધી પહોંચી, ત્યારે કોઈ જુવાને તેની ઉપર છરી થી હુમલો કર્યો. આ છોકરી જુસ્સાવાળી હતી અને તેણે બરોબર સામનો કર્યો અને ચીસાચીસ કરી મૂકી. એક માણસે બૂમ મારી, “તેને છોડી દે”, પેલો ભાગ્યો પણ ઇજા પામેલ યુવતી ત્યાંજ પડી ગઈ અને ચાલી નહિ શકી. પેલો યુવાન પાછો આવ્યો અને પછી લગભગ 30 મિનિટ સુધી તેની ઉપર હુમલો કરતો રહ્યો અને છેલ્લે તેણે બળાત્કાર કર્યો. પેલી યુવતી ની ચીસો ચાલુ હતી પણ અંતે તે મૃત્યુ પામી. બે દિવસ પછી છાપાવાળાઓએ પૂછપરછ કરીને ખબર છાપી કે 38 લોકોએ ચીસો સાંભળેલી પણ ન કોઈએ પોલીસ ને ફોન કર્યો કે ન કોઈ 40 મિનિટ સુધી તેની મદદે આવ્યું. ફક્ત એકજ વ્યક્તિએ મૌન તોડીને પોલીસ ને ફોન કરવાની જરૂર હતી. પણ ઘણી વખત આપણને લાગુ ન પડતું હોય તેમાં આપણે સંડોવામાં માંગતા નથી.
નીચેના માર્ટિન લુથર કિંગ ના મશહૂર વાક્ય ઉપર વિચારો। તેમણે કહેલું: સામાજિક પ્રગતિ માટે લોકોએ મૌન ને તોડવાની જરૂર છે. ખરી દુર્ઘટના સમાજ માટે તે નથી કે થોડા ખરાબ લોકો બીજા ઉપર જુલમ કરે છે પણ ખરી દુર્ઘટના એ છે જયારે મોટા ભાગના સારા લોકો દુર્ઘટના થતી જોઈને મૌન રહે છે. જેમકે ભારતમાં બહેનો ઉપર થતા અત્યચારથી ભાઈઓનું પણ લોહી ઉકળી જવું જોઈએ. 
મેં નીચેનું કાવ્ય લખ્યું હતું જયારે દિલ્હી માં નિર્ભયા યુવતી નો બળાત્કાર થયેલો. સારાંશ માં કહું તો તેના મિત્ર સાથે તે બસ માં જતી હતી ત્યારે બસ માં, ડ્રાઈવર સાથે મળેલા તેના બીજા 4 મિત્રોએ તેનો બળાત્કાર કર્યો અને ક્રૂર રીતે અંદર ઓજાર નાખી તેના આંતરડા પણ બહાર ખેંચી કાઢેલા. અને છતાંય જયારે તે મળી આવી ત્યારે બોલી ન શક્તિ હોવા છતાં તેણે પત્રો દ્વારા જણાવ્યું કે તે જીવવા માંગે છે અને જુલ્મીઓને શિક્ષા પહોંચાડવા ઈચ્છે છે.  તે સમયે અંગ્રેજી માં લખેલ મારા કાવ્યનું મેં હમણાં ગુજરાતી માં ભાવાનુવાદ કર્યો છે તે નીચે સાંભળો અથવા વાંચો. અને મૌન તોડીને વિચારો જણાવશો. 🙂
https://photos.google.com/photo/AF1QipO2rcYvqcxUFgCQx9frw7b9ko3C-vAu6AJ5bx7l
મારા ભાઈઓ મારી જોડે બોલશો?
પુરુષોની લગોલગ ઉભી રહુ હું
એમ તો મા અંબા નું સ્વરૂપ છું
મોકો મળે તો અઘરું ગણિત ગણું
દાક્તરી ને એન્જિનિરીંગ ભણું
પણ બળાત્કાર અને હિંસા સામે
માત્ર હતું મૌન મારી પાસે
છે કોઈ મા નો લાલ જે જરીકે
રહેશે ઉભો કોઈ ભાઈ તરીકે?
એક બસ ની સફર માં જયારે
ઉંધી વળી ગયી જિંદગી ત્યારે
છ જડ મનુષ્યના અત્યચાર હેઠળ
હું બેબસ ત્યારે મદદ માટે છે બળ?
હોશ આવતા મારે જીવવું છે, મેં કહ્યું
મદદ મળતા મને આશાનું કિરણ દેખાયું
એ પાપીઓને મળવી જોઈએ સજા
કોઈને આવા અત્યાચાર ની નથી રજા
આંતરડા ગુમાવ્યા છે, કરોડરજ્જુ નહિ
આત્મવિશ્વાસ ડગ્યો નથી, જરાપણ નહિ
હિમ્મત છે. હા, હું જજુમીશ
સાથ આપશો કે નહિ, હું જજુમીશ
મારા હૃદયમાં માનવભક્તિ છે
સંબંધો ને સાંકળવાની શક્તિ છે
સદીયો સુધી મેં સહન કર્યું છે
પણ આજે મારા મૌન ને તોડ્યું છે
કોપાયમાન હું, મારા રૂંવે રૂંવે ક્રોધ છે
ભાઈઓ મારી સાથે બોલે તેની શોધ છે
ઉઠાવો આજે શબ્દોના હથિયાર
કે બંધ થાય બહેનો સામેનો અત્યાચાર
સદીયો ના આ અત્યાચાર ને
બળાત્કાર જેવા અંધકારને
આજે શબ્દોનું પરોઢ સત્કારે
મારા ભાઈઓ ના મૌન ને પડકારે  
મારો એક માત્ર સવાલ
આજે હું માંગુ જવાબ
બળાત્કાર સામે મારી જોડે બોલશો?
મારા ભાઈઓ મારા માટે બોલશો?
By: Darshana Varia Nadkarni. Ph.D.
www.darshanavnadkarni.wordpress.com
Twitter @DarshanaN

https://www.youtube.com/edit?o=U&video_id=623ErBkjzqc

8 દ્રષ્ટિકોણ: અર્થસભર મૌન ની તાકાત – દર્શના

દ્રષ્ટિકોણ: અર્થસભર મૌન ની તાકાત – દર્શના વારિયા નાડકર્ણી – બેઠક
મિત્રો,
 હું, દર્શના વારિયા નાડકર્ણી  બેઠકમાં  આપનું સ્વાગત કરું છું.
આજે અને આવતે અઠવાડિયે આપણે મૌન અને શબ્દોને બે જુદા દ્રષ્ટિકોણ થી સમજવાનો પ્રયત્ન કરીએ.
અત્યારે જૈનોનું પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે. સર્વે મિત્રોને મિચ્છામિ દુક્કડમ। પૂજા, પ્રતિક્રમણ, પચ્ચખાણ, અને પ્રેમ દ્વારા પર્યુષણ પર્વ ની આરાધના ની શરૂઆત થાય છે અને પર્યુષણ નો એક અર્થ એમ પણ થાય કે બીજાની સાથે ભેગા થવું અને મૈત્રીનું પાલન કરવું. પર્યુષણ ના છેલ્લા દિવસે સંવંત્સરી ના પ્રતિક્રમણ પછી જૈનો એક બીજા જોડે હળીમળીને તેમનાથી જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકાર નું મનદુઃખ થયું હોય તે માટે બે હાથ જોડી, મસ્તક નમાવી વિનમ્રતા થી, અહમ ઓગાળીને ક્ષમા માગે છે. મારાથી જાણતા અજાણતા કોઈ પણ ભૂલ થઇ હોય અને વાણી, વિચાર અને મન થકી, મેં કોઈનું મન દુખાવ્યું હોય તો હું ક્ષમા ઈચ્છું છું.
આ મહિના ની 12 તારીખે ગણેશ ચતુર્થી નું પર્વ પણ છે. એમ માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી ના દિવસે સુખકર્તા દુઃખહર્તા ગૌરીપુત્ર શ્રી ગણેશજી ખુદ તેમના ભક્તોને આશીર્વાદ આપવા પૃથ્વી ઉપર પધારે છે. આરતી, પૂજા અને જાતજાતની મીઠાઇઓથી તેમનું સ્વાગત થાય છે અને પર્વના અંતે ધામધૂમ થી તેમને વિદાય અપાય છે. બાપા મોરિયા રે!!!
આ બંને પર્વ અને લગભગ બધાજ ધર્મ નો મુખ્ય આદેશ હોય છે કે શબ્દો સંભાળીને ઉચ્ચારવા અને મનદુઃખ ન કરવું.
તમારી સામે એક પ્રશ્ર્ન પ્રસ્તુત કરું છું.
શબ્દોમાં વધુ તાકાત સમાયેલી છે કે મૌન માં?
મકર સંક્રાંતી  વખતે મરાઠી માં કહેવાય છે કે તલના લાડુ ખાવ અને મીઠું મીઠું બોલો. આ બાજુ ગુજરાતી માં કહેવત છે કે ન બોલવામાં નવ ગુણ. ઘણી વખત એમ પણ કહેવાય છે કે ક્રોધ માં બોલાચાલી કરવાને બદલે ગમ ખાઈ લ્યો, કેમકે દરેક વખતે સામો જવાબ દેવાની જરૂર રહેતી નથી.  કે જિંદગી સરસ જીવવી હોય તો કમ ખાવ અને ગમ ખાવ. તો ક્યારે બોલવું જરૂરી છે અને ક્યારે મૌન રહેવામાં મજા છે?
પહેલ વહેલા તો અર્થહીન બોલવા કરતા અર્થસભર સન્નાટા માં ઘણી તાકાત છે. ઘણી વખત આપણે ખુશીમાં આવેગ અને ઉસ્ત્સાહ થી બોલી નાખીએ છીએ અને ઘણી વખત ક્રોધમાં ઉશ્કેરાય જઈને ન બોલવાનું બોલી નાખીએ છીએ. શબ્દો ની તાકાત કરતા શબ્દોહીન સન્નાટા માં કેવી તાકાત છે તેનું એક ઉદાહરણ સાંભળો…
એક વખત હું એક કંપની સાથે કામ કરતી હતી તેના મેનેજેરે આ વાત મને કહી કે કે તેની ટિમ માં થોડી ગડબડ થઇ રહી હતી અને તેઓ ઇચ્છતા હતા કે ટિમ ના લોકો પોતે પોતાની વચ્ચે થઇ રહેલી નાની મોટી તકરાર નો ઉકેલ જાતે શોધી શકે અને ટિમ માં મૈત્રી નું વાતાવરણ ફેલાય. તેમને લાગ્યું કે તે પોતે કોઈ ઉકેલ બતાવે તે પહેલા તેમને બધાની જે સમસ્યા હોય તેને સાંભળવા માટે સમય ફાળવવો જોઈએ. મેનેજરે ટિમ ને કહ્યું, “રોજ સાંજના 4:30 થી 5:00 નો સમય તમારા માટે મેં ફાળવ્યો છે. આ સમય દરમ્યાન હું તમારા માટે 100 ટકા હાજર રહીશ. મારી ઓફિસ ખુલી હોય તો અંદર ચાલ્યા આવજો અને તમારે જે કહેવું હોય તે કહેજો અને હું પુરી એકાગ્રતા થી તમારી વાત ને સાંભળીશ. પણ આ એવો સમય છે કે હું કંઈ પૂછીશ નહિ અને કંઈ ઉકેલ નહિ બતાવું, ફક્ત તમારા મુદ્દાઓને ધ્યાન થી સાંભળીશ. તમારી બીજી  કંઈ ઈચ્છા હોય તો બીજો સમય શોધશો પણ આ સમય માત્ર મારે સાંભળવા માટેનો જ છે”. મેનેજર મને કહે કે આ નાની ઘોષણા પછી એક નવાઈ જેવું વાતાવરણ સર્જાય ગયું અને બધી તકરાર નો અંત આવવા લાગ્યો. ક્યારેક તો બોલતા બોલતા જ લોકો ને કૈક સુજતુ ગયું અને ક્યારેક તેમ પણ કહેતા, ઓહો આ કહેતાજ મને લાગે છે કે મને એક ઉપાય સુજે છે. મને લાગે છે કે મારે મારા સહ કાર્યકર સાથે બેસીને વાત કરવી પડશે અને કદાચ આ રીતે તેને વાત સમજાવું તો તે સમજી જશે કે હું શું કહેવા માંગુ છું. મેનેજરે માત્ર સાંભળવાનો સમય ફાળવ્યો અને તેજ તેમની ટિમ ની તકરાર ના અંત આવવાનો મોટો ઉકેલ બની ગયો. આ વાત માત્ર મૌન ની જ નહિ પણ પુરી એકાગ્રતા થી કોઈને સાંભળવાની તાકાત બતાવે છે. 
નાઝી જર્મની માં હિટલર ના સમયે 1.6 મિલિયન જુઇશ બાળકો ઘણી જગ્યાએ છુપાઈને જીવિત હતા. ઘણી જગ્યાએ લોકોએ તેમને છુપાવી રાખેલ. આ બાળકો અને તેમને છુપાવી રાખનાર નાગરિકો અત્યંત ભય માં જીવતા હતા. તેઓ પડછાયા માં જીવી રહ્યા હતા અને જેટલા મૌન રહી શકે તેટલા જીવિત રહેવાના સંયોગ વધી જાય. પણ એક બેપરવાહી થી બોલાયેલ શબ્દ, એક પાડોશીનું બડબડવું તેમને મૌત ને ઘાટ કરી દ્યે તેવી સ્થિતિ માં આટલા બધા બાળકો જીવિત રહી શક્યા તે મૌન ની તાકાત બતાવે છે.
તો ચાલો આજે મૌન ઉપર વાતો થોડી કરી. પણ ખરે સમયે બોલવામાં કેવી જોરદાર શક્તિ છુપાયેલી છે તેના વિષે આવતે અઠવાડિયે વાતો કરીશું.
By: Darshana Varia Nadkarni. Ph.D.
www.darshanavnadkarni.wordpress.com

Twitter @DarshanaN

https://www.youtube.com/watch?v=9qrHsiMJQ6Y&t=150s

હાસ્ય સપ્તરંગી -(3)“ઘરડી ઘોડી ને લાલ લગામ” – દર્શના વારિયા નાડકરણી

English: This is my lease horse, Red. He's a r...

English: This is my lease horse, Red. He’s a retired,Thoroughbred racehorse. (Photo credit: Wikipedia)

 

આપણી પોતાની ઉમર વધે ત્યારે આપણને તેનું ખ્યાલ રેતો નથી કે આપણી ઉમર પણ શરીર ઉપર વર્તાઈ રહી હશે.  પરંતુ આપણે વર્ષો બાદ બચપણ ના મિત્રોને મળીયે તો તુરંત તેમની ઉમર વર્તાઈ રહેલી જોઇને થોડો ઝટકો લાગે છે.  એ નીચેના રમુજી કાવ્ય નો વિષય છે.

વ્યવસાયે હું એકાઉનટન્ટ, નામ મારું રામપ્રસાદ
નોકરી મળી ગુજરાતમાં, ગામ છે નડિયાદ
શિયાળા નો દિવસ અને ક્લાયન્ટ નું નામ નીલિમા
જોઇને લાગ્યું વર્ષો પહેલા એમને જોયેલા, દીલીમાં
પછી થયું હોઈ જ ન શકે નીલિમા આ મારી
કોલેજ ની બધી છોકરી ઓ માં સૌથી સારી

હું હતો તેનો દીવાનો, મારું દિલ તદ્દન ઘાયલ
મારા દિલ માં હમેશા છણકે જુમ જુમ તેની પાયલ
લાલટેન કરતા ચમકતા નયન માં આંજેલી મેશ
ગોરા ગોરા ગાલ ને કાળા કાળા સુવાળા લાંબા કેશ  
રૂ જેવી મુલાયમ ત્વચા ને લટક મટકતી ચાલ
જટાકેદાર  અદા ને ફટાકેદાર સ્ટાઈલ

પણ આ આ આ

હારોહાર ઉભાડીયે તો પતલો લાગે ચાંદ
થોડું જાડું એવું કદ ને વચ્ચે નીકળેલી ફાંદ  
કાળા ધોળા વાળ માં થી ડોકિયા કરતી તાલ
કપડા માં ઢબ નહિ, નહિ એવી કોઈ સ્ટાઈલ
લાલ ચટક લીપ્સ્ટીક ને લટકતી પર્સ મોટી
લાગે કે લાલ લગામ અને ઘોડી જાણે ઘરડી

તમે પોદાર કોલેજ માં ભણેલા મેં પૂછ્યું હળવેકથી
મારા માસી સમાન આ બહેન બોલ્યા મોટું સ્મિત ફરકાવી
શું શાનદાર એ દિવસો હતા, હતા છોકરાઓ બધા ફિદા
પણ વધારે હિમત કરે તો કરી નાખીએ અમે તેમને સીધા
ખુબ સતાવ્યા છે છોકરાઓ ને એ જમાના માં
હું કેતી, હિમત હોય તો આગળ આવો, નામ મારું નીલિમા  

અને પછી કહે “પણ કાકા”, જુઓ કેવી તેની હિંમત
ભલે લાગે ઘરડી ઘોડી ને લાલ લગામ
આ પાકી ઉમર ના, તાલ ને ધોળા વાળ વાળા
આ મોટી ફાંદ, લાલ લીપ્સ્ટીક ને જાડા કદ વાળા
મારા ક્લાયન્ટ બોલ્યા – પણ કાકા, યાદ કરાવો મને
તમે બીકોમ નો કયોં  વિષય ભણાવતા હતા અમોને

 

દર્શના વારિયા નાડકરણી