તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(16) હેરાફેરી-નિરંજન મહેતા

photo

હેરાફેરી

‘ઇન્સ્પેક્ટર સાહેબ, મને આપની મદદની જરૂર છે.’ બોરીવલી પોલીસસ્ટેશનના ઈ. પાટીલ આગળ એક વ્યક્તિએ કહ્યું.

‘જી, બોલો, શું મદદ જોઈએ છે? અમે તો જનતાની સેવા કરવા બેઠા જ છીએ.’

‘મારૂ નામ પ્રતીક છે. હું એક એસ્ટેટ એજંટ છું અને બે છેડા મળે એટલું કમાઈ લઉં છું. એક ઓફિસમાં એક ટેબલ રાખી મારો ધંધો કરૂં છું. મને એક વ્યક્તિ એક એવા કામમાં સંડોવવા માંગે છે કે મને લાગે છે કે તે કોઈ મારી પાસે ગેરવ્યાજબી કામ કરાવવા માંગે છે. જો કે આ મારી ધારણા છે અને વળી હું તે વ્યક્તિને તેમ ચોખ્ખેચોખ્ખું કહી પણ નથી શકતો. પરંતુ તેણે જે પ્રસ્તાવ મૂક્યો છે તે કાર્ય કરવા બદલ મને એક મોટી રકમ આપવાની લાલચ આપી છે એટલે જ મને આમ લાગે છે.’

‘એક બાજુ લાલચ છે અને બીજી બાજુ મદદ માંગો છો? પાણી પહેલા પાળ બાંધો છો કે શું?’

‘સાહેબ, હું એક સીધો સાદો માણસ. પહેલા તો લાલચમાં ફસાયો પણ પછી લાગ્યું કે આ કામ જો ખોટું હશે તો હું ફસાઈ જઈશ. હવે જો હું તેને ના કહીશ તો તે બીજાને ફસાવશે. આમ ન થાય એટલે હું આપની પાસે આવ્યો છું.’

‘તમારી આ વાત ગમી. તમારા જેવા જાગરૂક નાગરિક બહુ ઓછા હોય છે. કાયદાની મદદ કરવી એ દરેક નાગરિકની ફરજ છે પણ હવે તો કાયદાને ઘોળીને પી જનારાની સંખ્યા વધતી જાય છે અને અમારા માટે તો તે માથાનો દુ:ખાવો બની રહે છે. હા, થોડાઘણા અમે પણ તે માટે જવાબદાર છીએ પણ તે વસ્તુની ચર્ચા અસ્થાને છે.

‘હવે તમે મને બધુ વિગતવાર કહો એટલે ત્યાર પછી કેવી રીતે તે માણસને જાળમાં લેવો તેનો વિચાર કરી તમને આગળ શું કરવું તે કહી શકીશ.’

‘સાહેબ થયું એવું કે હું મારી ઓફિસમાં બેઠો હતો ત્યાં એક વ્યક્તિ આવી. પોતાનું નામ કલ્પેશ શાહ કહ્યું અને કહ્યું કે તે પોતે એક વકીલ છે એમ કહી પોતાનું વિઝિટિંગ કાર્ડ મને આપ્યું. મારા પૂછવા પર કે શું તેમને કોઈ ફ્લેટ ખરીદવો છે? જવાબમાં કહ્યું કે તે કોઈ બીજા જ કામસર મળવા આવ્યો છે.’

બીજું શું કામ છે તે જાણવા મેં તેને તે વિષે પૂછ્યું.

‘મારો એક ક્લાયન્ટ છે. તેને એક સારા અને વિશ્વાસુ માણસની જરૂર છે.’

‘જુઓ, મારે કોઈ નોકરી નથી કરવી. હું સ્વતંત્ર મિજાજનો માણસ છું અને તેમ જ રહેવા માંગુ છું માટે મહેરબાની કરીને તમે મારો સમય ન બગાડો.’

‘પહેલા પૂરી વાત તો સાંભળો? પછી તમારૂ મંતવ્ય જણાવજો. અહિ આવતા પહેલા તમારા વિષે જાણકારી મેળવીને જ આવ્યો છું એટલે તમને કોઈ નોકરી અપાવવાની વાત કરવા નથી આવ્યો.’

‘તો પછી એવી શી વાત છે જેમાં મને રસ પડશે એમ તમે માની લીધું?’

‘જુઓ, મને ખબર છે કે હાલમાં તમારા ધંધામાં મંદી છે અને તેથી તમારી આર્થિક સ્થિતિમાં સંકડાશ છે. હું જે વાત કરીશ તે કદાચ તમારા માનવામાં નહી આવે પણ પૂરી વાત સાંભળશો તો તમે પણ વિચાર કરતા થઇ જશો.

‘મેં જે ઇસમની વાત કરી તેને હાલમાં લોટરીમાં એક મોટી રકમનું ઇનામ લાગ્યું છે. હવે તેને તો લોટરીમાં રસ જ ન હતો.’

‘રસ ન હતો તો લીધી શું કામ?’

‘ભાઈ, આ તો મજબૂરી હતી. તમે તો પરિણીત છો એટલે આ બાબતમાં વધુ ચોખવટની જરૂર છે? એમના શ્રીમતીને બહુ ઇચ્છા એટલે તેની માંગણીને તે કેમ ટાળી શકે? ઇનામ થોડું લાગશે? માની ટિકિટ તો લીધી પણ….’

‘પણ શું?’

‘થયું એવું કે તેને તેમાં એક મોટું ઇનામ લાગ્યું છે. હવે તેને આવા કોઈ ઇનામની પડી નથી. તેની પાસે તો અઢળક પૈસો છે અને ઉપરાંત તે લોટરીને એક જુગાર માને છે એટલે હવે તેની ઈચ્છા આ ઇનામની રકમ કોઈક સારી જગ્યાઓએ દાનમાં આપવા માંગે છે, જેમ કે કોઈ હોસ્પિટલ, કોઈ ધર્માદા સંસ્થા, કોઈ NGO.’

‘‘પણ તેમના પત્નીના કહેવાથી તો તેમણે આ લોટરીની ટિકિટ લીધી હતી. હવે ઇનામની રકમ આમ આપી દેશે તો તે માટે તેમણે તેમની પત્નીને મનાવી લીધી?’

‘ના રે ના, પત્નીને તો કહ્યું પણ નથી કે ઇનામ લાગ્યું છે. તેમ કહે તો પછી તે આવું કાઈ કરવા દે? ઘણા વખત પહેલા ટિકિટ લીધી હતી એટલે કદાચ તે આ વાત જ ભૂલી ગઈ હશે. ભવિષ્યમાં કદાચ યાદ આવશે ત્યારે કહી દેશે કે ઇનામ લાગ્યું ન હતું એટલે ટિકિટ ફાડી નાખી છે.’

‘હા, પણ આમાં હું ક્યાંથી આવ્યો?’

‘આ કામ મારાથી પાર ન પડે. યોગ્ય હોસ્પિટલો, સંસ્થાઓ વગેરે નક્કી કરવા હું સક્ષમ નથી એમ મેં જણાવ્યું ત્યારે તેમણે મને કોઈ યોગ્ય સાથીદાર શોધી તેની મદદ લેવાની હા પાડી છે. આમ તો હું વકીલ હોવાના નાતે ઘણાના સંપર્કમાં છું પણ આવા કામમાં સહાય કરે એવી કોઈ વિશ્વાસુ વ્યક્તિ મારી નજરમાં ન આવી એટલે કેટલાક વખતથી કોઈ યોગ્ય સહાયકની શોધમાં હતો. તપાસ કરતા મને તમારી ભાળ મળી.’

‘હું તમને મદદ કરી શકું એમ તમે કેમ માની લીધું અને તમે શોધો છો એવી વ્યક્તિ હું જ છું એની તમને ખાત્રી છે?’

‘મેં કહ્યુંને હું વકીલ છું. આ કામ જ એવું છે કે તે સાવચેતીથી કરવું પડે એટલે ઘણા સમય સુધી મારી રીતે તમારા વિષે બધી તપાસ કર્યા પછી મને પાકે પાયે ખાત્રી થઇ એટલે હું અહિ આવ્યો છું.’

‘જો કે મને તેની વાતમાં બહુ વજૂદ ન લાગ્યું પણ પૂરી વાત ન જાણુ ત્યાં સુધી હકીકત શું છે તેમ ક્યાંથી ખબર પડે એટલે મેં તેને તેમ કરવા કહ્યું,’ પ્રતીકે ઈ. પાટીલને જણાવ્યું.

‘હા, તો આગળની વાત કહો.’

‘તે કલ્પેશ શાહે મને કહ્યું કે પેલા ભાઈનો ધંધો અનેક શહેરમાં છે અને એટલા વ્યસ્ત છે કે આવા કામનો તેમની પાસે સમય નથી એટલે જો આ કામ સારી રીતે હું પાર પાડી દઉં તો ઇનામની રકમના પાંચ ટકા આપશે.’

પાંચ ટકા એટલે કેટલા? એમ મેં પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે ઇનામની રકમ એક કરોડ છે. તેનો અર્થ એ કે તે કલ્પેશને પાંચ લાખ આપશે. મારી મદદ માટે પણ તે મને એક લાખ આપવા તૈયાર હતો.’

‘તો પછી જંપલાવો, રાહ કોની જુઓ છો?’ ઈન્સ્પેકટરે સહેજ સ્મિત સાથે કહ્યું.

‘સાહેબ, મેં કહ્યુંને કે આખી વાત મારા ગળે ઉતરે તેમ ન હતી અને વળી તેમાં એક બીજી શરત હતી.’

‘શું?’

‘ભલે મને તે લાખ રૂપિયા આપશે પણ તે પહેલા મારી નિષ્ઠા પૂરવાર કરવા પેલી વ્યક્તિ પાસે મારે પચીસ હજારની રકમ ડિપોઝીટ તરીકે મૂકવી જે કામ પત્યા પછી મને પરત કરશે.

‘મને ત્યા જ શંકા ગઈ કે દાળમાં કાળું છે પણ એમને એમ કેમ ખાતરી વગર કહેવાય? એટલે મેં કહ્યું કે મારી પાસે એટલા બધા પૈસા નથી એટલે હું મદદ નહિ કરી શકું. તેણે મને પૂછ્યું કે મારી પાસે કેટલાની સગવડ છે?

‘મેં જણાવ્યું કે મારા ખાતામાં બાર હજાર છે એટલે તેમાંથી ફક્ત દસ હજાર સુધીને સગવડ થાય. જવાબમાં તેણે કહ્યું કે તે પોતાના અસીલને સમજાવી શકશે કે આટલી રકમથી વાત પતાવે કારણ પચીસ શું કે દસ શું, ઈમાનદારીની ખાત્રી માટે તે બસ છે. આ રકમ લઇ મારે પેલી વ્યક્તિને કાલે સવારે દસ વાગે હોટેલ કલ્પનામાં મળવાનું છે.’

‘તો મળી આવો.’

‘એટલે હું જાણી જોઇને કૂવામાં પડું? મારા દસ હજાર ગુમાવું અને મૂરખ બનું? મારી ફરજ હતી માની હું તમને કહેવા આવ્યો અને તમે મને મદદ કરવાને બદલે આવું સૂચવો છો? તમારે આ બાબતમાં જે પગલા લેવા હોય તે લો પણ મને બાકાત રાખો.’

‘જુઓ, અમે કોઈ પણ સાબિતી વગર આ બાબતમાં કાર્યવાહી ન કરી શકીએ. અમે એમને એમ તેમની ધરપકડ કરીએ તો અમે મુશ્કેલીમાં આવી જઈએ. તમે તેને મળો તે વખતે અમે આવી પહોંચીએ તો અમારૂ કામ સરળ બની રહે.’

‘તમારી વાત સાચી, સાહેબ. પણ ન કરે નારાયણ પાસા પલટાઈ જાય તો મારા તો દસ હજાર જાયને? મારે એવું કાઈ નથી કરવું. તમારે કોઈ પગલાં લેવા હોય તો ખુશીથી કરો પણ મને અંદર ન નાખો.’

‘જુઓ, હું તમારી મૂંઝવણ સમજી શકું છું. અન્ય કોઈ હોત તો તે પણ આમ જ કરતે. પણ આપણે એનો રસ્તો કાઢીએ જેથી તમને કોઈ નુકસાન ન થાય. હું તમને નિશાનીવાળી દસ હજારની નોટો આપીશ. એ નોટો તમે જ્યારે પેલા બેને મળો અને આપો ત્યારે અમે ત્યાં દૂર હાજર હશું એટલે તરત જ આવી રંગે હાથ તેમણે પકડી લેશું. આમ અમારૂ કામ થશે અને તમને પણ કોઈ નુકસાન નહિ થાય. ઉપરથી ગુનેગારને પકડાવી તમે તો એક સામાજિક કાર્ય કરશો એનું તમને અભિમાન પણ થશે.’

‘સાહેબ, દસ મિનિટ આપો. હું તમને વિચારીને જણાવું.’

‘ભલે, તમે બહાર બેસી વિચારો ત્યાં સુધીમાં હું અન્ય કામ પતાવું.’

દસ મિનિટ પછી પ્રતીકે ઈ. પાટીલને સહાય કરવાની હા પાડી એટલે તેમણે પાસેની તિજોરીમાંથી દસ હજાર રૂપિયા કાઢી આપ્યા. સાથે સાથે પ્રતીકને તેનું ઠેકાણું આપવા કહ્યું. આ બધી વિધિ પતાવી તે બહાર આવ્યો.

બહાર આવી પ્રતીક મનમાંને મનમાં મલક્યો. ફરી એક પોલીસ ઓફિસરને પોતાની વાતોમાં વળોટીને પૈસા મેળવ્યા તેનો તેને પોતા પર ગર્વ થયો. દસ હજારને બદલે પચીસ હજાર કહ્યા હોત તો કદાચ તે પણ મળી જતે. પોતાની વાતચીતમાં જે નિર્દોષતા રાખી અને સાતત્યતા પ્રગટ કરીને સામાવાળાને તે પટાવી શકતો તેનું તેને અભિમાન થયું. આ પહેલા પણ તેણે આ રીત સફળતાપૂર્વક અજમાવી હતી પણ આટલી જલદી આ કામ પાર પડ્યું તેની તેને નવાઈ લાગી. હવે આ સફળતાને તો માણવી જ રહી માની તે થોડે દૂર એક સારી હોટેલમાં ગયો.

ભરપેટ જમી જ્યારે મળેલા પૈસામાંથી રૂ. ૫૦૦ની નોટ આપી તો ગલ્લે બેઠેલાએ આમતેમ ઉલટાવી અને પછી કહ્યું, ‘સાહેબ, આ તો નકલી છે. બીજી આપો.’

આ સાંભળી પ્રતીક ચમક્યો પણ કોઈ હાવભાવ વગર બોલ્યો, ‘હોય કાઈ? હમણા જ બેંકમાંથી લઈને આવ્યો છું. એકવાર ફરી જોઈ લો કદાચ તમારી ભૂલ થતી હશે.’

‘ના સાહેબ, મારી નજર પારખું નજર છે. તેમ છતાં જુઓ, આ મશીન તો ખોટું નહી બોલે?’ કહી નોટ ગણવાના મશીનમાં તે નાખી તો તેમાં પણ તે ખોટી હોવાનું દેખાડ્યું.

પ્રતીકે પેલા બંડલમાંથી બીજી નોટ કાઢી તો તેના પણ આ જ હાલ થયા.

હવે ઈજ્જત સાચવવા પોતાના પાકીટમાંથી પૈસા કાઢી હોટેલનું બિલ ચૂકવ્યું.

બહાર નીકળી થોડીવાર વિચાર કર્યો કે હવે શું કરવું? શું ઇન્સ્પેક્ટર ખુદ નકલી નોટોના ધંધામાં સંડોવાયેલો છે? પછી થયું કે પેલા ઇન્સ્પેક્ટરને મળીને જણાવું કે આ નોટો નકલી છે તો સારી નોટો આપે જેથી કાલે તેને કોઈ તકલીફ ન પડે. ઇન્સ્પેક્ટરને ક્યાં ખબર પડવાની છે કે મને કેવી રીતે આની જાણ થઇ અને પૂછશે તો જવાબ આપી દેશું. આમ વિચારી તે ફરી પોલીસ સ્ટેશને ગયો.

‘આવો, આવો, બેસો. હું તમારી જ રાહ જોતો હતો.’ અંદર દાખલ થતા જ પ્રતીકે ઈ. પાટીલને કહેતા સાંભળ્યા. થોડીક નવાઈ સાથે તે બેઠો અને બોલ્યો, ‘કેમ મારી રાહ જોતા હતા?’

‘મને ખાત્રી હતી કે તમે આપેલી નોટો વટાવવાનો પ્રયત્ન કરશો અને ખોટી છે તેમ જાણ થતા પાછા આવશો જ.’

‘તમે જાણીને ખોટી નોટો આપી હતી? કેમ?’

‘કારણ તમે આ પહેલી વાર નથી કર્યું, ખરુંને? આ પહેલા તમે જુહુ પોલીસ સ્ટેશન અને ખાર પોલીસ સ્ટેશને પણ આ કરી ચૂક્યા છો અને તે માહિતી અમારા સુધી આવી ગઈ હતી એટલે જેવી તમે તમારી વાત કરવા માંડી એટલે જાણે મને કશી જાણ નથી એમ તમને દેખાડ્યું અને તમારી વાત સાચી છે એમ પણ હું માનું છું એવો દેખાવ કર્યો.

‘તમે મને સરનામું સાચું નહી જ આપ્યું હોય તેની મને ખબર છે. આ મારો ત્રીસ વરસનો અનુભવ બોલે છે. સામો માણસ સત્ય બોલે છે કે ખોટું તે પારખવાની નજર અમારી પાસે હોય છે અને એટલે જ તો મુંબઈ પોલીસની ખ્યાતિ છે.’ આટલું કહી હવાલદારને બોલાવી પ્રતીકને જેલમાં લઇ જવા કહ્યુ.
નિરંજન મહેતા

Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295

 

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(5)મનીષા જોબન દેસાઈ

પ્રેમનાં અસ્થિ-મનીષા દેસાઈ 

 યું રાત તન્હા સી ગુજરી ,આસમાં સે તુફાન બરસતા રહા ,જીંદગીકી મુશ્કીલોસે યે દિલભી સંભલતા  રહા ………

ગીત પૂરું થયું ને સામેના ટેબલ પરથી ઉઠીને કવન પાસે પહોચી ગયો અને સિંગર માધુર્યાને ફૂલ આપતા…

“બહોત સુરીલી આવાઝ હે આપકી “.

તાળીઓનો ગડગડાટ ચાલુ હતો .માધુર્યા સામે બેઠેલા શ્રોતાઓને નમસ્તે કરી અભિવાદન કરી રહી હતી .કવન પાછો બેસીને માધુર્યા એકલી પડે એની રાહ જોઈ બેસી રહ્યો .બહાર નીકળતાંફરી માધુર્યાને…..

 “હેલો ,કઈ તરફ જાવ છો .તમને મુકતો જાવું એટલી વાર તમારો સાથ મળે તો મને ભાગ્યશાળી સમજીશ .તમે ગુજરાતી છો એ ખબર છે .”

“અરે ,મારા વિષે માહિતી સારી રાખો છો” કહી માધુર્યાએ સ્માઈલ આપ્યું .

“તમારો ફેન છું તમારા બે -ત્રણ પ્રોગ્રામ જોયા છે ,તમારા fb પેઇજમાં પણ છું .મારું નામ કવન  સાવલા, અમે પણ ગુજરાતી જ છીએ .”

“ઓહ  ,નાઈસ ટુ મીટ યુ “

“વેલ, તમે તમારા અવાજમાં સોંગની કોઇ સી .ડી .કેમ લોન્ચ નથી કરતા ?”

“હું  તો હજી નવી આર્ટીસ્ટ કહેવાવું .”

“તમારે કોઈ સ્પોન્સર વગેરે જરૂર હોય  તો મને કહેજો .”

“થેન્ક્સ “

       ટેક્ષી માટે વોચમેનને કહ્યું ને કવન ફરી બોલ્યો ,”મારી કારમાં આવવામાં કોઈ પ્રોબ્લેમ છે ?

“ના એવું નથી…..”

“તો ?હું બે મીનીટમાં કાર લઇ આવ્યો “

  અને ડ્રાઈવ કરતા કવન માધુર્યાને  પૂછતો ગયો અને પોતાના વિષે પણ જણાવતા વચ્ચે  એક જગ્યા એ  જ્યુસ પીવા ગાડી ઉભી રાખી .આજેતો મોડું થઇ ગયું છે પણ મારી સાથે લંચ કે ડીનર માટે ઇન્વાઇટ કરીશ .”અને માધુર્યા સામે જોઇ રહ્યો .પર્પલ કલરનો પ્લેઈન ચૂડીદાર ડ્રેસ અને નેટની વ્હાઈટ ઓઢણીમાં એકદમ સુંદર દેખાતી હતી .

“હાથમાં જે રીતે સુંદર ફૂલોનો બુકે લઈને બેઠા છો એ દ્રશ્ય  મારા મોબાઈલમાં સ્ટોર કરી લેવાનું મન થાય છે .”

 કેમેરો ઓન કરી “સ્માઈલ પ્લીઝ ” ને માધુર્યાનો એક શરમાતો સુંદર ફોટો મોબાઈલમાં કેદ કરી લીધો .

“મારું આપેલું  ફૂલ તો ચોક્કસ જ ટેબલ પર રહી ગયું હશે .”

“ઓહ ,આઈ એમ સોરી પણ …”

“ઇટ્સ ઓકે ,એક સેલ્ફી લઇ લઉં “

અને બંને હસી પડ્યા .

“હું કોઈ માથાફરેલ ફેન નથી .બહુ લાઈટ મૂડનો માણસ છું “

“આઈ ફિલ  લકી ,તમે જે રીતે  મને સુપીરીઅર ફિલ કરવો છો “

એટલામાં માધુર્યાનું એપાર્ટમેંટ આવી ગયું .

” થેન્ક્સ, હું અહી સેકંડ ફ્લોર પર રહું છું.પપ્પા સ્કૂલમાં શિક્ષક છે અને મમ્મી દવા બનાવતી કંપનીમાં વર્ક કરે છે .નાનો ભાઈ લાસ્ટ યર કોલેજમાં છે ,મેં સંગીતનું શિક્ષણ લીધું અને એક સર્ટીફીકેટ કોર્સ કરી કોમ્પુટર જોબ પણ કરું છું . બાય”

” બાય ,”કવનને તો ઘરનો પોતાનો બીઝનેસ ,મોટાભાઈ સાથે ઓફીસમાં બેસે અને ગીત -સંગીતનો ખુબ શોખ .એને જાણેકે માધુર્યાનો સૂરમય સાથ મળી ગયો એટલે ખૂબ ખુશી અનુભવતો ઘરે પહોચ્યો .મોટાભાઈ અને ભાભી આગલા રૂમમાં બેસી ટી.વી જોતા હતા .

“વાહ ,કંઇ સીટીમાં સુંદર  ગીત વગાડી રહ્યો છે ને,અમે તો તારી શરણાઈ વગાડવાનો પ્રોગ્રામ ઘડીએ છે “

 ,”મારા બેંગ્લોરવાળા માસીની દીકરી આ વેકેશનમાં થોડા દિવસ આવવાની છે , ઓળખાણ કરીને જે વિચાર હોય  તે કહેજો.”

“અરે ભાભી મેં પણ બધે જોવા માંડ્યું છે .તમારા કરતાં પણ રૂપાળી તમારી દેરાણી શોધી કાઢીશ “

અને ભાભી હસવા માંડ્યા ,

“અરે ,મારી નિશિકા જેવી રૂપાળી ને ભણેલી છોકરી આખા મુંબઈમાં મળવાની નથી”

    રાત્રે સપના સજાવતો કવન ઊંઘવાના પ્રયત્ન કરવા માંડ્યો પણ માધુર્યાનો અવાજ અને આજની એની મુલાકાત ,નાજુક વ્યક્તિત્વ અને આંખોમાં અંજાયેલી એના નામ જેવી મધુરતા યાદ આવ્યા કરતી હતી .માધુર્યાને ‘ગૂડ નાઇટ’ નો મેસેજ કર્યો અને લગભગ હાફ અવાર પછી એનો પણ મેસેજ આવ્યો .સવારે ઉઠી ફોન કરી ગુડ મોર્નિંગ અને વાતો શરુ કરી આજે તો એની  કોમ્પુટર સર્વિસ ચાલુ હતી એટલે થોડી વારમાં ઓફીસ જવાનું છે કહી ફોન કટ કર્યો .કવન એકદમ અધીરો થયો હતો પણ ઓવરરીએકટ કરતા ક્યાંક ખરાબ ઇમ્પ્રેસન નહિ પડે એ વિચારે ૨-૩ દિવસ જેમતેમ રાહ જોઈ એક દિવસ ફોન જોડ્યો .”આજે એક લોંગ ડ્રાઈવનો વિચાર છે તારી સાથે વાતો કરતાં એક બે ગીત પણ સાંભળું ,શનિવાર છે તો જો અનુકુળ હોઈ તો જઈએ.”

 “ઓહ ,સોરી કવન આજે જરા ગેસ્ટ આવવાના છે .”એના કરતા તમે સન્ડેને દિવસે મારા ઘરે આવો

      “યા, તો એમ કરીએ  સ્યોર મળીયે .” રવિવારના દિવસે બપોરથી માધુર્યાનાં  ઘરે બેસી ખૂબ વાતો કરી .એના પપ્પા -મમ્મી  પણ મળીને ખુશ થયા .”તમે માધુર્યાને પ્રોત્સાહિત કરો છો એ બદલ આભાર “

                 કવનનાં સજેશનથી વધુ પ્રોગ્રામ મળવા માંડ્યા .એકાદ વર્ષમાં તો વધુ જાણીતી થઇ ગઈ.પોતે ગાયેલા હિન્દી ફિલ્મી ગીતો અને શાયરોની ગઝલો એના સ્વરમાં તૈયાર કરી સી.ડી પણ લોન્ચ  કરી .કવન એના બધા પ્રોગ્રામ અટેન્ડ  કરતો .આજનો પ્રોગ્રામ પત્યો એટલે માધુર્યાનો બર્થડે અને સી.ડી.લોન્ચિંગ સેલીબ્રેટ કરવા સરપ્રાઈઝ  માટે ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર પર લઇ ગયો અને

 ત્યાં એણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો  .માધુર્યાએ પણ એને લાઈક કરતો પ્રતિભાવ આપ્યો .” આજે લોંગડ્રાઈવ પર જઈએ તો કેમ ?” અને બંને દૂર સુધી ફરવા ઉપડી ગયા.કવન તો જાણે હવામાં ઉડતો હતો  અને માધુર્યા હસીને એને ગીતો સંભળાવતી રહી.

એકબીજાના  સંગે બંને  લાગણીથી તરબતર થઇ ગયા . ગુડ નાઇટ કહેતા ઘર પાસે ઉભા રહી માધુર્યાની આંખોમાં જોઈ રહ્યો.”તારી આ અદ્ભુત બોલકી આંખો મને કહી રહી છે કે અહીંથી દૂર  નહિ જાઉં “

 અને માધુર્યા “ગુડ નાઇટ કહી હસતા હસતા દાદર ચઢી ગઈ .બીજે દિવસે નવા ગીતોનાં રિહૅસલ વગેરે હોવાથી માધુર્યા પાછી બીઝી થઇ ગઈ .આ વખતે એની સાથે મેઈલ ગાયક સૌજન્ય પણ જોડાયો .બંને મળીને નવા આલ્બમ ની તૈયારી કરવા માંડ્યા .કવન પણ ઓફીસંના કામ સાથે હવે વધુ સેટ થવા પ્રયત્ન કરવા માંડ્યો.એનાં  પપ્પા -મમ્મી  મોટીબેનને ત્યાં યુ .એસ.એ . ગયા હતા ૬ મંથપછી આવે એટલે વાત કરીશ એવું વિચારી કવન કોઈ ને વાત કરવા માંગતો નહોતો.

      થોડા દિવસમાં ધણાં નજીક આવી ગયાં.ઓફિસેથી માધુર્યાને ફોન જોડ્યો ,એનાં મમ્મીએ ફોન લીધો .”માધુર્યાને તબિયત સારી નથી લાગતી એટલે સુતી છે .ગઈકાલ રાતથી ખૂબ તાવ રહે છે “અને કવન તરત એના ઘરે પહોચ્યો.એકદમ વિક હાલતમાં માધુર્યાને જોઈ કવન ક્યાય સુધી પાસે બેસી રહ્યો .

       એકાદ વિક પછી  માધુર્યાની તબિયત થોડી સુધારા પર હતી જાતજાતનાં  ટેસ્ટ કરાવી રહ્યા હતા ડોક્ટર .કવને પૂછ્યું તો માધુર્યા કહે કઈ નથી રીપોર્ટ માં ,જનરલ વાઈરલ છે .પાછી થોડું  ઓફીસ જતી અને ગીતના આલ્બમની તૈયારી સૌજન્ય સાથે કરવા માંડી .એના ફોન વગેરે પણ આવતા ઓછા થઇ ગયા હતા.અને બહાર જવાનું હોઈ તો પણ અવોઇડ કરવા માંડી હતી. કવને એના ભાઈ અને મામી પપ્પા ને પૂછતો  ,”કામમાં છે એટલે થોડી થાકેલી રહે છે તો ખાસ બહાર નથી નીકળતી “.એનો મોટાભાગનો સમય સૌજન્ય સાથે બેસી કામમાં જતો અને કવનનાં મનમાં શંકાનાં વાદળો ઘેરાવા માંડ્યા .જયારે પણ વાત કરે કે મળે ત્યારે એકદમ નર્વસ પ્રતિભાવ મળતો .

આજે કેટલાએ સમયથી ગુસ્સાને દબાવી રાખેલો પણ ફોન જોડી માધુર્યાને “શું છે મારે માટે સમય નથી તને?.તારી કેરીઅર ની જ વધારે પડી છે ?સૌજન્ય સાથેનાં ડ્યુએટ ગીતોની શ્ જરૂર હતી ?”

“ઓહ ,કવન મારો એકલીનોજ અવાજ હોય તો પબ્લીક પછી બોર થઇ જાય થોડું વૈવિધ્ય રહે એટલે અને અમે તો સાથેજ કોલેજ સમયથી પ્રેક્ટીસ કરતા એટલે સારું ટ્યુનીંગ છે .”

“આવી રીતે હોય તો કેવી રીતે ચાલે ?તને મારી તો કંઈ પડી જ નથી “કહી ગુસ્સામાં ફોન મૂકી દીધો .માધુર્યાએ  ફરી ફોન કર્યો પણ કવને ફોન નહિ ઊંચક્યો .

   સાંજે ઘરે ગયો તો ભાભી કહે આવતીકાલે બેંગલોરથી નીશીકા આવવાની છે, અમે એરપોર્ટ લેવા જવાના છીએ .સાંજે બધા સાથે ડીનર લેવા જઈશું.”

 આખીરાત  કવન અસ્વસ્થ રહ્યો .બીજે દિવસે નીશીકા  આવી અને “હાઈ,કેમ છો ?”

અત્યંત સુંદર નીશીકાએ ઓળખાણ આપતા  કવન સાથે વાતો કરવા લાગી પણ કવન” હાઈ હલો” કરી રૂમમાં જતો રહ્યો .

ડીનર સમયે પણ ગુમસુમ રહ્યો .રાત્રે બારી પાસે ઉભો હતો ત્યાં નીશીકા   આવી .”કેમ કઈ ઉદાસ લાગો છો ?

“ના ના ,એવું કઈ નથી .”

“તો આમ ચુપચુપ કેમ છો ?દીદી તો વાત કરતા હતા કે મારા દિયર તો એટલા લાઈવ છે કે તને બધે મુંબઈમાં ફરવાની મઝા પડી જશે.”

“ઓહ તમારું વેકેશન નહિ બગાડું .શ્યોર  ફરવા લઇ જઈશ”.અને સાથે ટી.વી ચાલુ કરી જોવા બેઠા .

“તમને લેડીઝોને તો સીરીઅલો જોવાનું બહુ ગમે નહિ ?”

“ના ના હું તો પિક્ચર જોવું અને ગીતો સાંભળું “

“અરે વાહ ,તમને ગીતોનો પણ શોખ છે ?”અને કઈ યાદ આવીગયુ હોઈ તેમ આંખો થોડી ઉદાસ થઇ ગઈ .બીજે દિવસે સવારે માધુર્યાને ત્યાં ફોન જોડ્યો .”મમ્મીએ કહ્યું “એતો સૌજન્ય સાથે સ્ટુડીઓ ગઈ  છે અને રાત્રે મોડેથી આવશે ” અને કવન નિશિકાને લઇ બહાર નીકળ્યો .રસ્તે જનરલ વાતો કરતા ચોપાટી તરફના રસ્તે જતાં વળાંક પાસે ટેક્ષીમાં માધુર્યા અને સૌજન્યને જોયા. એકદમ બ્રેક મારી પણ ટેક્ષી બાજુનાં રસ્તે વળી ગઈ .”નીશીકા બોલી

 “શું થયું ?”

“અરે જરા એક કામ યાદ આવ્યું ,હું આગળ નીકળી ગયો કે પાછળ એ ખ્યાલ આવતો નથી .”

“શું છે કવન બહુ ખોવાયેલા રહો છો ?મારી કંપની તો ગમી કે નહિ ?વાતો કરી બોર નથી કરતીને ?”

“નાં એવું કઈ નથી જરાં કામનું ટેન્સન રહે એટલે “નીશીકા  સાથે બેંગ્લોરની અને સ્ટડી વગેરે વાતો કરતા ઘણાં દૂર સુધી ફરી આવ્યા .શોપિંગ સેન્ટર વગેરે ફરતા નીશીકા બોલી “બેંગ્લોર કરતા પણ બોમ્બે તો બોમ્બે જ છે “

“તમારા બેન પણ છે એટલે તમને તો અહી ફરવાની મઝા આવશે “

“તમે પણ છો ને ?”

બોલી નીશિકાએ  કવન સામે જોઈ સ્માઈલ આપ્યું  નીશીકાની તડકામાં વધુ પાણીદાર લાગતી આંખ કવનને જોઈ રહી ,કવને નજર ફેરવી લીધી,અને  સાઈડ પર ફરી એક શોરૂમનું બોર્ડ જોવા માંડ્યો.સાંજે સરસ રેસ્ટોરેન્ટમાં જમતી વખતે નીશિકા  કવનનાં ભાવ પારખવાનાં પ્રયત્ન કરતી રહી પણ કવન એકદમ નોર્મલ જ પ્રતિભાવ આપતો રહ્યો .રાત્રે પાછો માધુર્યાને ફોન જોડ્યો ,’આવીને  થાકીને સુઈ ગઈ છે ” અને એ સાંભળતા કવનનો પારો સાતમાં આસમાને પહોચી ગયો .”મેડમને તો જરા પણ સમય નથી ખરેખર મોટી સ્ટાર થઇ ગઈ છે “અને મમ્મી કઈ કહે એ પહેલા ફોન મૂકી દીધો .દિવસો વિતતા ગયા .ત્યાં માધુર્યાનો ફોન આવ્યો .

“આલ્બમનાં કવર  ડીઝાઈનમાં થોડા પ્રતિભાવ એડ કરવા છે તે લખીને સેન્ડ કરજે ને “

અને કવન એકદમ અવળી વાણીમાં “કેમ અમારા જેવાના પ્રતિભાવની શું જરૂર ?તારા આટલા આશીકોની F.b પેજ પર ભરમાર છે ને ?”

“ઓહ ,કવન કેમ આમ વાત કરે છે ?મને ગુજરાતી ફિલ્મમાં ગીતની ઓફર આવી છે .પણ મારી તબિયત ઠીક નથી રહેતી એટલે લગભગ ઘરે જ સૌજન્ય ….”

“ઓહો તો હવે તમને મારી શું જરૂર ફિલ્મ સ્ટાર થઇ જવાના એટલે નખરા વધી ગયા પણ મેડમ અમે કઈ કમ નથી .”

“શું કવન હવે તમને કેમ સમજાવું મારી પરિસ્થિતિ ….”અને માધુર્યાથી રડાઈ ગયું .કવને ગુસ્સામાં ફોન મૂકી દીધો .મારી પરમીશન લેવી  પણ જરૂરી નહિ સમજી ?

  દિવસો વિતતાં ગયાં તેમ તેમ કવન નીશીકાની સાથે વધુ સમય વિતાવવા માંડ્યો .બીજા દિવસે સવારનું બેંગ્લોરનું ફલાઈટ હતું રૂમમાં બેસી  બૂક વાંચી રહ્યો હતો અને નીશીકા રૂમમાં આવી ,

બેડનાં કોર્નર પર બેસી “થેન્ક્સ ફોર એવરીથીંગ યુ  સ્પેન્ડ ઓન મી ,યોર ટાઈમ એન્ડ …”કવન એને વચ્ચેથી રોકતા “મને પણ તારી કંપનીમાં એટલી જ મઝા આવી .”

“ધીસ  ગીફ્ટ ફોર યુ “કહી નિશિકાએ સિલ્વર ફ્રેન્ડશીપ બેલ્ટ કવનના હાથમાં પહેરાવ્યો .

“હજુ પણ તારી  આંખો બહુ ઉદાસ રહે છે.શું દર્દ છુપાવે છે ?મને નહિ કહે ?

અને કવને નીશીકાને જોરથી જકડી લઇ એના ખભા પર માથું છુપાવી દીધું ,”દોસ્તોની બેવફાઈ સહન નથી થતી “

અને નીશીકા એના વાળમાં આંગળીઓ ફેરવતા બોલી “મારો સહારો બધું ભૂલાવવા માટે ગમશે ?”

અને કવને એકદમ લાલ ,આંસુ  ભરેલી આંખે ઉંચે નીશીકા સામે જોયું .નીશીકાએ  એની આંગળીઓ  કવનની આંખો પર મૂકી દીધી.ગરમ વહેતા આંસુએ ક્યાય સુધી નીશીકાને વળગીને બેસી રહ્યો .નીશીકા ચુપચાપ એના પર વહાલ વરસાવી રહી .થોડી વાર પછી સ્વસ્થ થતા “હું મારા રૂમમાં જાઉં ? બહુ રાત થઇ ગઈ છે ,સવારે જલ્દી જવાનું છે “

“પાછી ક્યારે આવીશ ?”

“બસ તું લેવા આવે એટલે તારી સાથે આવી જઈશ “

“મારી …એટલે કે ફક્ત મારી બનીને ?”

“હા ફક્ત તારી બનીને “

   અને કવન એના રૂમ સુધી જઈ “ગુડ નાઇટ”કહીપાછો આવી  અજબ શાંતિ અનુભવતો ઊંઘી ગયો ,.નક્કી કરી નાખ્યું કે માધુર્યાને મારી જીંદગીથી દુર કરી દેવી છે .”છતાં  એક રવિવારે એના ઘરે પહોંચ્યો .બાજુવાળા ભાઈએ કહ્યું .એ લોકો તો બધા કોઈ બાધા રાખી છે એટલે એમનાં ગામ ગયા છે ૧૫ -૨૦ દિવસે આવશે .લગભગ મહિનો સુધી દિલમાં બેચેની સાથે ફર્યા કર્યું .ને ફરી માધુર્યાનાં ઘરે ફોન કર્યો .”દીદી તો દુબઈ અને બીજા સીટીનાં પ્રોગ્રામ મળ્યાં એટલે ગઈ છે “

   બસ આ આખરી ફોન અને કવને ઘરે ભાઈને પોતાનો નિશિકા સાથેનો લગ્નનો નિર્યણ’ હા’ માં જણાવી દીધો.ભાભીતો ખુશીથી વળગી પડ્યા.પપ્પા મમ્મી પણ આવી ગયા અને  લગ્ન કરી નીશીકા ઘરે આવી ગયી .કવનની જીંદગીની સખત દીવાલ પર નીશીકાનાં પ્રેમની કોમળ વેલ વિકસતી ગઈ .

   છએક મહિનામાં કવનનાં પપ્પાનું મૃત્યુ થયું….

        અને આજે પપ્પાની અસ્થિઓની રાખ લઇ દુરનાં એક શહેરની પવિત્ર નદીમાં  વહેવડાવવા આવ્યો છે સાથે કબાટમાંથી મળેલી માધુર્યાની ગીતોની સી.ડી અને યાદોનું કવર પણ સાથે લઈ આવ્યોછે .બધી વિધિ પતાવી યાદોને પણ વહાવીને  પગથીયા ચઢતો હતો ત્યાં સામેથી સૌજન્ય  અને  માધુર્યાના પપ્પા મમ્મી અને ભાઈ આવતા દેખાયા .નફરત ભરેલી નજરે જોઈ રહ્યો ત્યાં તો સૌજન્ય બોલ્યો,

“મરનારની ઈચ્છા તો જણાવવાની નહિ હતી , છતાં આજે માધુર્યાની અસ્થીઓ એકલા હાથે વહેતી મુકવાની મારી હામ નથી, મારી પરમ મિત્ર માધુર્યાએ   પોતાના કેન્સર વિષે તને નહિ જણાવવાનું  વચન મારી પાસે લીધું પણ આ કુંભ તને અર્પણ કરી હું એમાંથી મુક્ત થાવું છું.”

       અને કવન …..હાથમાં અસ્થી-કળશ લઇ શૂન્યમસ્ક  પાણીમાં વહાવી દીધેલી યાદોને અવિરત આંસુઓ સાથે જોઇરહ્યો.

                                                                       -મનીષા જોબન દેસાઈ

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(૪)નિમિષા દલાલ

ખંજર

મોનાએ ધીમેથી આંખો ખોલી. તેને થોડા ચક્કર આવી રહ્યા હતા. તેણે આજુબાજુ નજર કરી. એક મોટો ભવ્ય ઓરડો હતો, જેમાં વિશાળ પલંગ પર તેને હાથ-પગ બાંધીને સુવાડવામાં આવી હતી. મો પર સ્કાર્ફ બાંધેલો હતો. મોનાએ હાથ ગોળ ગોળ ફેરવીને છુટવાની કોશિષ કરી.

“ નહિ છૂટે એમ સરળતાથી.. મારા માણસોએ બાંધ્યા છે તારા હાથ.” મોનાએ અવાજની દિશામાં જોયું. પાર્થ ? એ ચમકી. પાર્થ ? અહી ક્યાંથી? અને હું ? છેલ્લે તેણે શિલ્પા સાથે કોફી પીધી હતી, એટલું યાદ આવ્યું. અરે હા, શિલ્પા સાથે કોફી પીવામાં પાર્થ પણ તો સાથે હતો. શિલ્પા, મોનાની મા. પિતાના અવસાન પછી મોના કદી પોતાની માને દુઃખ થાય તેવું કરતી નહોતી. પાર્થ તેમના ઘરે મહેમાન બનીને આવ્યો હતો. પોતે પાર્થને ઓળખાતી હતી, કદાચ મા નહોતી ઓળખતી, એટલે જ તો એને આટલા પ્રેમથી કોફી પીવડાવી હતી.

પાર્થને પોતાની પાસે આવેલો જોઈ મોના પલંગ પર જ થોડી ખસી. પણ..

“ કશું નહિ કરું, ડર નહી. હું તને પ્રેમ કરું છું..” પાર્થે મોનાના મો પરથી સ્કાર્ફ ખોલી નાખ્યો. મોનાને થોડી હાશ થઈ, પણ ગુસ્સા પર કાબૂ ના રહ્યો.

“તારી હિંમત શી રીતે થઈ ?”

“તું ગુસ્સામાં પણ એટલી જ સુંદર લાગે છે.” પાર્થે ખંધુ હસતા મોનાના ચહેરા પરની વાળની લટ સાથે રમતા કહ્યું. મોનાએ તિરસ્કારભરી નજર પાર્થની આંખોમાં નાખી, ને પાર્થ થોડો પાછળ ખસ્યો.

“તું ગમે તેટલી મને નફરત કરે, પણ મારો તારા માટેનો પ્રેમ ઓછો કરી શકશે નહી.” થોડી ક્ષણો એમ જ મૌન પસાર થઈ ગઈ.

“પણ હું અહી આવી શી રીતે ? હું તો મારા..”

“ઘરે હતી એમ જ ને ?”

“હા..”

“તારા ઘરેથી અમે તને ઉપાડી લાવ્યા.”

“અને મારી મોમ ? એને તમે શું કર્યું ?” પોતાને આ લોકો અહી ઉપાડી લાવ્યા, તો મોમે તેને બચાવવાની તો કોશિશ કરી જ હશે ને ? આ લોકોએ મોમને તો કઈ…

“મોમ ? તારી મા ? શિલ્પા ?” અટ્ટહાસ્ય કરતા તુટક તુટક શબ્દોથી પાર્થે પૂછ્યું. “ બહુ પ્રેમ કરે છે નહિ તું તારી માને ?”  મોનાને નવાઈ લાગી. આ પાર્થ પોતાની માનું નામ એટલું તુચ્છકારથી કેમ લે છે ? એનો ગુસ્સો ઓર વધ્યો, એ બોલી નહી પણ ગુસ્સાથી પાર્થ સામે જોઈ રહી.   

“તને તારી માએ જ તો મને વેચી છે. પૂરા ૧૦લાખ રૂપિયા લીધા છે એણે.”

“હું નથી માનતી. તારી વાત હું શું કામ માનું ? તું છે કોણ ? એક મવાલી ? કોલેજમાં આવતી બધી છોકરીઓની છેડતી કરનારો ગુંડો ?”

“એ..ઈ… મોઢું સંભાળીને બોલજે. ખબર છે ને તું ક્યાં છે ?” પાર્થને ગુસ્સો આવી ગયો તેણે બંને ગાલમાં આંગળી અને અંગુઠાથી પોતાની હથેળી વડે મોનાનું મો જોરથી દબાવ્યું. થોડી વાર માટે પાર્થનું આ સ્વરૂપ જોઈ મોના ડરી ગઈ. તેની આંખમાં ડર જોઈ પાર્થે તેનું મો છોડી દીધું અને તેના ગાલ પર હાથ ફેરવતા કહ્યું,

“ તું માને કે ના માને પણ આ સત્ય છે જો” પાર્થે મોબાઈલમાં પોતાની પાસેની વિડીયો કલીપ બતાવી.

મોનાના માનવામાં નહોતું આવતું. સગી મા? આ શિલ્પા જ હતી? તેને વિશ્વાસ નહોતો આવતો. એની નજર સામે એ સાંજ આવી, જ્યારે પોતે મમ્મી-પપ્પા સાથે ડાઈનીગ ટેબલ પર ડીનર લેતી હતી અને તેની ફ્રેન્ડ સીમાના ભાભીની વાત કરતી હતી.

“પપ્પા, આ સીમાના દાદી તો બહુ ખરાબ છે ?” પોતાની ડીશ લેતા મોનાએ કહ્યું હતું.

“કેમ ?” એની ડીશમાં પરોઠો મૂકતા પપ્પાએ પૂછ્યું.

“કેમ શું ? એના ભાભી પ્રેગ્નન્ટ હતાં.. તેના દાદીએ ગેરકાનૂની રીતે તેનું ગર્ભ પરિક્ષણ કરાવ્યું. તેમાં દીકરી આવી તો તેનો ગર્ભપાત કરાવી નાખ્યો. એના ભાભી બિચારા બહુ રડતા હતા કાલે.”

“એવું તો ઘર ઘરમાં થતું હોય છે.” શિલ્પાએ કોળિયો મોમાં મૂકતાં કહ્યું હતું.

“ના હો, મારા દાદી એવા નહોતા. હે ને પપ્પા ?” મોનાએ પિતા સામે જોતા કહ્યું હતું. પણ દિશાંત કોઈ જવાબ આપી શક્યો નહોતો. એની નજર નીચી હતી. એ શું જવાબ આપે ? કે એના દાદી પણ..  

“ના બેટા, તારી મા સાચું જ કહે છે, એવું તો ઘર….” થોડીવાર મૌન રહી તે બોલ્યો.

“તો શું મારા દાદી પણ..”

“હા બેટા, તારા દાદીએ પણ તું જ્યારે ગર્ભમાં હતી ત્યારે…” દિશાંતનો અવાજ થોડો ભીનો થયો. તે વધુ બોલી ના શક્યો.

“તો પછી હું…” મોનાએ પિતા સામે પાણીનો ગ્લાસ ધર્યો.

“બેટા, તારી મા બહુ મક્કમ હતી. તે તને જન્મ આપવા માગતી હતી. એણે બધા સામે લગભગ બળવો જ કર્યો અને આજે તું..”. પાણી પી સ્વસ્થ થઈ દીશાંતે જવાબ આપ્યો હતો..  

“આઈ લવ યુ મોમ.” મોનાએ માને બાઝતા કહ્યું હતું.  મોનાને તેની માતા પર ગર્વ થયો હતો.

“પણ મારી માએ તો એમના આખા કુટુંબ સામે લડીને મને જન્મ આપ્યો હતો. તો આજે…” મોના સ્વગત બબડી. એ શિલ્પા અને આજની શિલ્પા બંને અલગ વ્યક્તિત્વ લાગતા હતા. મોનાની મૂઝવણ વધતી હતી.

“મગજને બહુ ત્રાસ ના આપ. જે આજની શિલ્પા છે, તે જ ગઈ કાલે પણ હતી. તને શું લાગે છે ? દીકરી પર પ્રેમ હોવાને કારણે એણે તને જન્મ આપ્યો ? ના, ઘડપણમાં એના શોખ તું પૂરા કરી શકે એટલે …”

“હું નથી માનતી. મારા પપ્પા તેના…”.

“રહેવા દે.. તારા સિધ્ધાંતવાદી પિતા પર તો તેને ત્યારે પણ ભરોસો નહોતો.. એ તો..”

“શટ અપ.. તું મારી  માના ચરિત્ર વિષે કઈ પણ બોલીશ ને હું સાંભળી લઈશ ?”

“તને કઈ સાબિતી જોઈએ છે, બોલ ? હું તને આપું..” ટેબલના ખાનામાંથી કેટલાક ફોટા કાઢીને તેણે મોનાને બતાવ્યા. મોના જોઈ રહી હતી. આ તો પટેલકાકા, અને આ સુરેશ અંકલ પપ્પાના ખાસ મિત્ર, આ … અરે આ તો મિ. પંડ્યા, બાજુની સોસાયટીના પ્રેસિડેન્ટ…. આ બધા સાથે મમ્મીના આવા ફોટા ? જેમ જેમ ફોટા જોતી ગઈ, તેમ તેમ એ બધા ઓળખાવા લાગ્યા. મમ્મી જબરદસ્તી પપ્પા પાસે પાર્ટીઓ કરાવતી અને તેમાં આ બધા જ આવતા. મમ્મી હસી હસીને તેમની સાથે વાતો કરતી. શારીરિક છેડછાડો ત્યારે તેની સમજમાં નહોતી આવતી પણ આજે તેને સમજાય છે.

એટલે જ….  એટલે જ, પપ્પાને નહોતું ગમતું આવું પાર્ટી આપવું.. અને તેના પૈસા પણ ક્યાં હતા એમની પાસે ! એ ના પાડતા તો…..

“તમારી પાસે પૈસાની અપેક્ષા મેં રાખી જ ક્યાં છે ? તમે શું આપી શકવાના હતા મને ? લો, આ પાર્ટીના પૈસા.. હું આપીશ તો તમારો પૌરૂષી ઘમંડ ઘવાશે..” કહી મમ્મી પૈસાનું બંડલ પપ્પા પર ફેંકતી, તે મોનાને યાદ આવ્યું. ત્યારે એ સમજી નહોતી શકતી કે, મમ્મી પૈસા આપે છે, તો પપ્પા શા માટે ના કહે છે. મોનાને પણ એવી પાર્ટીઓ ગમતી. દર પાર્ટી વખતે મમ્મી તેને માટે નવા કપડાં લાવતી. બધા જ તેને પણ કેટલું વહાલ કરતાં. એ વહાલ – એ સ્પર્શનો મતલબ મોના આજે સમજી શકતી હતી. આ બધું કદાચ પપ્પા સમજી ચૂક્યા હતાં અને પોતાને લાચાર અનુભવતા, તેથી જ .. તેથી જ.. એક સવારે ડ્રોઈન્ગ રૂમના પંખા પર…

“તારા પપ્પાના ગયા પછી તો તારી માને છુટ્ટો દોર મળી ગયો જાણે.”. પાર્થના અવાજે મોના વર્તમાનમાં આવી.

“પણ પણ.. તને આ બધી વાત કઈ રીતે ?..”

“હું તને મારા શેઠ અનિલ કોહલી માટે ખરીદવા આવ્યો હતો. પાંચ લાખ રૂપિયા લઈને. ત્યારે મને ખબર નહોતી કે એ તું હશે. તને જોતાં જ મને તારી મા પર બહુ ગુસ્સો આવ્યો હતો.. તને પણ તે આ જ રીતે એના ધંધામાં પલોટવા માગતી હતી, એ મેં તારે ત્યાં આવીને જાણ્યું.” પાર્થ બોલતો રહ્યો ને મોનાને આઘાત આપતો રહ્યો..

“પણ મેં ધીરજથી કામ લીધું અને એને ડબલ રૂપિયા એટલે કે દસ લાખ ઓફર કર્યા. પૈસાની ભૂખી તારી માએ મારી સાથે તારો સોદો કરી નાખ્યો.. “

મોના એ વાત માની નહોતી શકતી, પણ ધીરે ધીરે એણે જોયેલી/સાંભળેલી વાતો, એણે અનુભવેલા બધાના સ્પર્શ, એ પરથી તેણે તાળો મેળવવા માંડ્યો, ને એની આંખો આગળથી પોતાની માના સજ્જનતાના પડળ હટતા ગયા. તેણે એક નજર પાર્થ સામે નાખી. આ નજરમાં તિરસ્કાર નહોતો પણ આજીજી હતી.

“મારી એક વાત માનશો પ્લીઝ ?” તે ‘તું’ પરથી ‘તમે’ પર આવી ગઈ.

“જો મોના, હું તને પ્રેમ કરું છું. મારે તારી સાથે લગ્ન કરવા છે. તેં જ્યારે મને તમાચો માર્યો હતો, ત્યારે મેં બદલો લેવાનું નક્કી કર્યું હતું પણ હવે… અને એટલે જ તને કાયમ માટે મેં તારી મા પાસે ખરીદી લીધી છે. એ તારી પાસે ધંધો કરાવવા માગે છે, તે મને મંજુર નથી ..”

“તો તને તારા એ પ્રેમના સોગંદ. મને એક વાર મારી માને મળવા દે.” પાર્થે થોડું વિચારી તેની વાત માની લીધી..

“જા મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. તું ભાગી નહિ જાય..” પાર્થે મોનાને છોડતા કહ્યું અને તેના હાથમાં થોડા રૂપિયા આપ્યા. “ટેક્ષીમાં જજે. અહીથી તને કોઈ વાહન નહિ મળે, ઘરે જવા…”

ઘરે જતી વખતે રસ્તામાં એક મોલ આવ્યો. તે તેમાં ગઈ. તેમાં એક સેક્શન એન્ટીક પીસનું હતું ત્યાં પહોચી. ત્યાં તલવાર, ઢાલ, ખંજર, વગેરે સજાવેલા હતાં. એક સુંદર કલાત્મક ખંજર જોઈ, “ ભૈયા, એ ખંજર પેક કર દેના.” તેણે ભાવ પૂછ્યા વિના જ…

**

મોનાએ ઘરનો બેલ માર્યો. ‘ડીંગડોંગ’ શિલ્પાએ બારણું ખોલ્યું સામે મોનાને જોઈ થોડી ચમકી, પણ તરત જ સ્વસ્થ થઈ…

“અરે મારી દીકરી, ક્યાં જતી રહી હતી તું ? મેં તો તારી બધી બહેનપણીઓને ફોન પણ કરી નાખ્યા. ક્યાંય તારો પત્તો નહોતો. પછી પોલીસ ચોકીમાં ફરિયાદ પણ નોધાવી દીધી.”

“મોમ. પોલીસ પણ ૨૪ કલાક પછી ફરિયાદ નોંધે, અને મને તો હજુ ૧૫ કલાક જ થયા છે..” મોનાએ તીક્ષ્ણતાથી કહ્યું.

“અરે બેટા, વધારે સમય તને દૂર કઈ રીતે રાખું ?..” શિલ્પાએ મોનાને ગળે લગાડી…

“દસ લાખ લઈને..” કહી મોનાએ શિલ્પાને ધક્કો માર્યો.  

થોડે દૂર ફંગોળાયેલી શિલ્પાને એમ જ સોફા પર પડી રહેવા દઈ, કઈ રીતે આ સ્ત્રીને મોતને ઘાટ ઉતારવી તે વિચારતા તેણે પર્સ ખોલ્યું, અને ખંજર પર હાથ દાબ્યો.

આપની આભારી 

નિમિષા દલાલ 

૯૯૨૫૬ ૨૪૪૬૦ 

તરુલતા મહેતા વાર્તા હરીફાઈ -2016

 • ‘શબ્દોના સર્જન’ના લેખકો હવે મુક્ત આકાશમાં ઉડવા તૈયાર થયા છે.નિરાંતનો સમય લઈ તમારા મનમાં ધુંટાયેલી કોઈ ઘટનાને વાર્તાના ચાકડે ચઢાવી ‘બેઠક’ના સૌ નવા કે અનુભવી સર્જક મિત્રોને આ વાર્તા હરીફાઈમાં  ઉત્સાહથી ભાગ લેવા હું   આગ્રહ કરું છું.યુવાન મિત્રો પોતાને  ગુજરાતીભાષામાં યુવાજીવનની વાર્તા લખશે તેવી આશા છે,
  આગામી  વાર્તા સ્પર્ધા  તરુલતા મહેતા તરફથી યોજાયેલ છે 

  વાર્તા હરીફાઈની વિગત  અને નિયમો 

  • ઓગસ્ટ મહિનાની ૧૬મી પહેલાં વાર્તા મોકલવી. જેની જાહેરાત આગામી બેઠકમાં કરવામાં આવશે 
  • બેઠકમાં ,સહિયારા સર્જનમાં અને શબ્દોના સર્જન પર લખતા લેખકો ભાગ લેશે ,અને આપ ન લખતા હો તો હવે મહિનાના વિષય ઉપર નિયમિત લખવા માંડો જેથી આપ કલમ  કેળવતાની સાથે પોતા માટે ગૌરવ અનુભવશો 

  વાર્તાની શબ્દ મર્યાદા ઓછામાં ઓછા શબ્દ 800  થી ૧૦૦૦ શબ્દોની રહેશે.માઈક્રોફિક્શન વાર્તા ન ચાલે -pragnad@gmail.  અને taru.mehta709@gmail.com  પર નામ address ફોન સાથે મોકલવી 

   નિયમો 

 • મૌલિક રચના હોવી જરૂરી છે.
 • બીજે પ્રકાશિત થયેલી ન હોવી જોઈએ. અને હરીફાય દરમિયાન બીજે બ્લોગ પર ન હોવી જોઈએ 
 • લેખકને વિષય પસન્દગીની સ્વતંત્રતા છે,( વાર્તાના   વિષય વસ્તુ માટે કોઈ બંધન  નથી.)
 • વાર્તાની શરૂઆતથી અંત સુધી વાર્તાને માટે બિનજરૂરી અવતરણો કે બોધ-ઉપદેશની વિગતો ટાળવી.
 • વાચકોની અને નિર્ણાયકની પસન્દગી મુજબ ઇનામો જાહેર થશે. માટે વાચકો બેધડક પોતાના અભિપ્રાય  આપી શકે છે.
 • આ વાર્તાઓની પસંદગી પાંચ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરાશે 

  ૧. કથાવસ્તુની પસંદગી અને પ્લોટ
  ૨. પાત્રાલેખન અને એની અસર
  ૩. મધ્યભાગ અને આલેખન
  ૪. સંવાદો અને એની ગૂંથણી
  ૫. અંતની ચમત્કૃિત

 • પહેલું ઇનામ $51,બીજું $41,,ત્રીજું $31,અને બીજા બે પ્રોત્સાહક ઇનામ $15ના રહેશે.

 

તરુલતા મહેતા 26મી જૂન 2016