આવું છું.-નીલમબેન દોશી

..
‘મમ્મી, આજે હું મા બની છું. તમારી વ્યથા સમજાય છે. પણ પપ્પા, એક વાર બધું ભૂલીને મને માફ કરીને મારા નાનકડા દીકરાને જોવા,રમાડવા નહીં આવે ? નાની હતી ત્યારે મારી કેટલી ભૂલો, તોફાન તમે હસતા મોઢે માફ કર્યા છે. આજે પણ તમે મને માફ નહીં કરી શકો ? કોઇ વાંકગુના વિના મારું બાળક નાના,નાનીના પ્રેમથી વંચિત રહેશે ? તમારી ઇચ્છા વિરુધ્ધ મેં લગ્ન કર્યા.મારી જિંદગી જાતે જીવવાનો અધિકાર ભોગવવાની મેં ભૂલ કરી. પણ એકવાર..બસ એકવાર મારા આ નાનકડા દીકરાને આશીર્વાદ નહીં આપો ? ‘

ફોનમાં પડઘાતા પુત્રીના શબ્દો આશાબેનના અંતરમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા. બે વરસથી ધીરજ રાખીને પતિના સોગંદ પાળી પુત્રીને નહોતા મળ્યા.પણ આજે હવે…

એ બપોરે જમીને શાંતિભાઇ આડા પડખે થયા હતા ત્યાં મનોમન કશો નિર્ધાર કરી આશાબહેને ધીમેથી સૂતેલ પતિ સામે નજર કરી ને હળવેકથી દરવાજો ખોલ્યો,
’ પાંચ મિનિટ ઊભી રહે. હું પણ આવું છું. ’

પાછળથી પતિનો…ના, ના, એક બાપનો ભીનો ભીનો અસ્ફૂટ અવાજ….!