ખુલ્લી બારીએથી – હરીન્દ્ર દવે : વાચક – પ્રજ્ઞા દાદભાવાળા

હરીન્દ્ર દવે.

પ્રણયમસ્તી અને વેદનાની બેવડી મોસમમાં ખીલતા કવિ એટલે હરીન્દ્ર દવે.

પહેલીવાર એમને ૧૯૭૯માં મળી. મેં પત્રકારત્વનો કૉર્સ કર્યો ત્યારે એમનો પરિચય એસ.એન.ડી.ટી કૉલેજમાં થયો. ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર આટલી મોટી વ્યક્તિ અને આટલું સરળ વ્યક્તિત્વ! ક્યાંય કોઈને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નહિ. અમારા વર્ગ લેવા આવ્યા ત્યારે અમને એમના વિષે વધુ માહિતી સુરેશ દલાલે આપી. હરીન્દ્ર માત્ર મારો મિત્ર નથી ‘જનશક્તિ’ દૈનિક, ‘સમર્પણ’ના સંપાદક, મુંબઈ-ગુજરાતી વિભાગના તંત્રી છે. એ સિવાય જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ-પ્રવાસીનાં મુખ્ય તંત્રી તરીકે કાર્યરત છે માટે આપણા આ પત્રકારત્વના વર્ગમાં તમને માર્ગદર્શન આપશે અને તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. જવાબમાં હરીન્દ્ર દવેનું માત્ર ધીમું સ્મિત. એક તંત્રી તરીકે એમને ઘણાને મળવાનું થતું હશે પણ અમને અને સૌને એમની નમ્રતા જ મળી એ જ અહોભાવ અમને એમના તરફ આકર્ષતો. એ કોઈને નડ્યા નહિ અને અમારા વર્ગમાં એમણે એમની અનેકવિધ પ્રતિભાનો અમને અણસાર પણ ન આવવા દીધો.  

પછી તો વારંવાર મળવાનું થતું. હું એમને સાંભળ્યા કરતી. આમ તો ઓછુ બોલનારી વ્યક્તિ એટલે વિષય સિવાય ખાસ વાત ન કરે પણ હું એમનાં પુસ્તકો દ્વારા નજદીક ગઈ. હરીન્દ્ર દવેની ઋજુતા એમનાં દરકે સર્જનમાં પ્રગટી, જે મેં એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહનાં ભાવસંવેદનમાં માણ્યું.. “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં”… ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ એમનાં ગીતોમાં લય, હલક અને ભાવમાધુર્ય અનુભવ્યું માટે જ કદાચ ગમ્યાં. એમની કવિતા કે ગીતમાં કાવ્યત્વ પૂર્ણ છે. એ વાતનો અહેસાસ મારી મિત્ર શીલા ભટ્ટે મને ત્યારે કરાવ્યો. મેં એમની અછાંદસ અને લયબદ્ધ કવિતાથી મારી સાહિત્યની શરૂઆત કરી એમ ગણાય, ત્યારપછી લાઈબ્રેરીમાંથી એમની વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ વાંચી અને રિવ્યૂ લખવાની કોશિશ કરી. જોકે સુરેશ દલાલે મને કહ્યું, ‘બેન, કલમને પહેલાં કેળવો.’ તેમ છતાં, હું એમને વાંચતી ત્યારે હમેશાં નવું શીખતી. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ મારાં દિમાગમાં રાજ કરવાં માંડી. હવે વિચારોમાં વિસ્તૃત સમજણ હું મેળવતી થઈ. હું પણ નારદની જેમ પ્રભુત્વને જીવનમાં શોધવાં માંડી. સુરેશ દલાલ મને ખૂબ આધુનિક લાગતા જયારે હરીન્દ્ર દવે પોતાનાં મનમાં આવે તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપે છે એવું મને લાગતું. એમણે અમારા પત્રકારત્વના વર્ગમાં પણ પત્રકારત્વના નિયમો ન દેખાડ્યા. એ માત્ર એટલુ કહેતા, ‘સારો પત્રકાર સત્યને નિર્ભયતાપૂર્વક પ્રગટ કરે છે. હું કવિ છું પણ પત્રકારત્વમાં કવિને અળગો રાખવાનો છે.’ પત્રકાર તરીકે જીવનના અનેક પ્રસંગો એમણે જોયા-જાણ્યા હશે. એનાં પ્રતિબિંબરૂપે એમની કેટલીક નવકથાઓમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ વર્ણવાઈ છે. આવાં પ્રકારની કૃતિ ‘સુખ નામનો પ્રદેશ’ વાંચવાં જેવી છે. એ ઉપરાંત, એમણે એમની ગઝલની એક આખી નોખી છાપ ઊભી કરી છે. એમને સમજવા માટે મને સુરેશ દલાલે ‘કવિ અને કવિતા’ પુસ્તક વાંચવાં કહ્યું હતું જે કવિતાના આસ્વાદનું પુસ્તક છે. એમણે કવિતા વિશ્વમાં એક સૌમ્ય વાતાવરણ સર્જી કવિતાની મોસમમાં ભીંજાતાં મને શીખવ્યું.

‘વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય પ્રકશિત થયો. મારાં લગ્ન થયાં એટલે થોડો વખત સાહિત્ય માળિયે મુકાઈ ગયું, પછી બાળકો એટલે સુરેશ દલાલને વાંચતી…. બાળ જોડકણામાં.

અને અંતે એમની પંક્તિમાં એમના જ માટે..

હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,

તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !

ઘણી વ્યક્તિ અનાયાસે આપણને મળે અને તેમના દ્વારા જીવનમાં મોસમ ખીલી ઊઠે તો શું કહેવાય? એક વખત જે સાવ જ અજાણ્યા હતા, એ હવે શબ્દ થકી મારામાં જીવે છે. એ દેખાવડા ના કહી શકાય તો પણ સદાય આકર્ષી ગયા. એમણે સાહિત્ય મને શીખવાડ્યું જ નથી પણ અજાણતા હું સાહિત્યરસિક એમના થકી બની. હરીન્દ્ર દવે એટલે સાહિત્યની નજાકતભરી માવજત કરનાર, સુંદર રજૂઆત કરનાર.  એમના પ્રત્યેક શેર પાણીદાર, સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, નાજુક અર્થ. એમનાં કેટલાં ગીતો તો એવાં છે કે જેમાં કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું હજી પણ ગમે. એમણે સાહિત્યને ફિલોસોફરની દૃષ્ટિએ નહીં પણ મજનૂની દૃષ્ટિએ પ્રેમ કર્યો છે. એમની અનેક રચનામાં કે લેખનમાં લાગણીની ભીનાશથી સાહિત્યનુ સિંચન કર્યું છે એમ કહું તો અતિશયોક્તિ નહિ કહેવાય. આ કવિ ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન છે.

-પ્રજ્ઞા દાદભાવાળા

વિશેષ માહિતી-સંકલન  

શ્રી હરીન્દ્ર દવે ભારતીય વિદ્યાભવનમાં કામ કરતા હતા. એ અરસામાં કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’નું અનુવાદનું કાર્ય એમને સોંપાયું. એનો અનુવાદ કરતાં કરતાં કૃષ્ણજીવનની મોહની લાગી અને એમાંથી જે ઊર્મિસ્પંદન જાગ્યું અને અદ્દભુત કાવ્ય ગુજરાતી સાહિત્યમાં પ્રગટ થયું. એ આપણે સૌ વારેવારે સાંભળીએ છીએઃ

ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં

કેવી રીતે સર્જાઈ આ કૃતિ? કોણે ધક્કો આપ્યો હરીન્દ્રભાઈને આ નવલકથા લખવાનો? આપણે બધા જાણીએ છીએ કે હરીન્દ્રભાઈ વ્યવસાયે પત્રકાર હતા અને પત્રકારત્વ નિમિત્તે દેશ અને દુનિયામાં તત્કાળ બનતી ઘટનાઓ વિશે વિચારવાનું અને લખવાનું એમને સતત બન્યા કરતું. એ નિમિત્તે નવલકથાના વિષયવસ્તુઓ તેમને હંમેશાં મળતા રહેતા. દેશ અને દુનિયાના તખ્તે અત્યંત ક્ષુબ્ધ થઈ જવાય એવી પરિસ્થિતિ છે એવો અનુભવ એમને જ્યારે થયો ત્યારે એમણે ‘માધવ ક્યાંય નથી’ લખી. – નરેશ વેદ

કવિતા – આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે (સમગ્ર કવિતાનો સંગ્રહ)

નવલકથા – અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધીની કાવડ, મોક્ષ, મોટા અપરાધી મહેલમાં.

નાટક – યુગે યુગે, સંધ્યાકાળે પ્રભાતફેરી

વિવેચન – દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ, વિવેચનની ક્ષણો, કલમની પાંખે.

નિબંધ – નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા

સંપાદન – મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક

ધર્મ – સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા, કથા રામની- વ્યથા માનવની

અનુવાદ – પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવ અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ

અંગ્રેજી – The Cup Of Love.

તેઓ એમ.એ.માં ત્રીજા વર્ગમાં પાસ થયા હતા.  સાવ નાની ઉમરે ૫૦૦ પંક્તિનું કાવ્ય રચ્યું હતું. એ કંઈ મામુલી વાત નથી. એ પરંપરાના કવિ હતા પણ પોતાની રીતે મૌલિકતાથી  મ્હોર્યા. ગદ્ય અને પદ્ય બંનેમાં એમની એક આગવી શૈલી નજરે પડે છે. અમને અન્ય ભાષામાં વાંચવાનું કહેતા. પોતે બંગાળી, ઉર્દુ અને અંગ્રેજી ભાષાના ભાવક હતા. એમના વિષે ઘણું લખી શકાય પણ બીજી કોઈ વાર …

ખુલ્લી બારીએથી -રાજેશ વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા

Image result for રાજેશ વ્યાસ મિસ્કીન
રાજેશ વ્યાસ
           લખવું અને જીવવું બે અલગ વાત છે. આ શાયર કહે છે કે તે તેમના ઉપનામ .”મિસ્કીન” થી વધુ ઓળખાય છે .”મિસ્કીન” નો અર્થ ગરીબ માણસ થાય છે. શ્રી વ્યાસે ગઝલ, ગીત, બાળકાવ્યો, બાળવાર્તા, ચિંતનાત્મક લેખ, વાર્તા, ગઝલ વિષયક સંશોધન લેખ જેવા સાહિત્યપ્રકારો ખેડ્યાં છે.તેમણે ગુજરાતી ગઝલો અને તેના છંદ વિજ્ઞાન પર સંશોધન કર્યું છે, તે ગરીબ કઈ રીતે હોય શકે ? જાણીતા શાયર જલનમાતરીએ મિસ્કીનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન કહેવાય. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને ‘મિસ્કીન’નો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘મિસ્કીન’ એટલે ખૂણો અને ‘મિસ્કિન’ એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી કરનારો ઓલીયો ફકીર.કેટલા લઘુતમ ભાવ સાથે આ કવિ લખે છે તે જુઓ નહી તો માણસ નામ માટે વલખા મારતા હોય છે.
                   કોઈ પણ લેખક કે કવિ અથવા સાહિત્યકાર તેમના સર્જન થકી ઓળખાતા હોય છે. રાજેશ વ્યાસ ની એક રચના મને ઘણી સ્પર્શી ગઈ.વાંચતા વાંચતા હું ગઝલ સાથે વહેવા લાગી….સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં મને અજવાળું દેખાયું.
              “તારા નામના અજવાળા” 
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું”
                 “ત્યજીને પામવાની વાત” એવી સરળ રીતે રજુ કરી છે કે હું તો પુસ્તકો અને ગુગલમાં આ કવિને શોધવા માંડી.કોણ છે આનો સર્જક ? કેવી અદભુત તાકાત હોય છે વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની ! મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઊંડા તત્વચિંતક મને વધારે લાગે છે. ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી ઉતરી આવેલો અલૌકિક સંકેત.પછી તો તેમની અનેક રચના મેં વાંચી અને શબ્દો દ્વારા રચાતા ભાવવિશ્વમાં મને એમની સચ્ચાઇ અને અચ્છાઇના પડઘા દેખાણા,એમને જાણવાની ઉત્સુકતાએ મેં એમની youtube પણ જોઈ,આધ્યાત્મિક પ્રભાવનો પડછાયો એમની ગઝલોમાં અને વાતોમાં સાફ નીતરતો તમને પણ દેખાશે જ.એમની ગઝલમાં અશબ્દ અનુભૂતિનો એક નોખો સ્પર્શ આપણને સતત વાંચવા ખેંચે છે.ક્યાંક ક્યાંક એમાં છુપાયેલા ઈશ્વરના હસ્તાક્ષરના અણસાર આવે. .
                રાજેશ વ્યાસ મુખ્ય તો ગઝલકાર તે ઉપરાંત કવિ, વિવેચક, કટાર લેખક,સંપાદક, એ સિવાય નવનીત સમપર્ણ ,ગુજરાત સમાચાર,અને જનકલ્યાણ જેવા સામયિકોમાં નિયમિત રીતે લખે છે.રાજેશ વ્યાસ જન્મ : ૧૬-૧૦-૧૯૫૫ .”મિસ્કીન”આપમેળે અને આપબળે ગુલમહોરના વૃક્ષની જેમ મ્હોર્યા એના કાવ્યસંગ્રહમાં -પોતે લખ્યું છે કે :“પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.. મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ છે.તેમની ૧૯૦૦ થી આરંભાયેલી તેમની ગઝલયાત્રા અવિરત પણે નવીન રૂપ ધારણ કરતી રહી છે. તેનું ઉતમ ઉદાહરણ ૨૦૦૦ માં પ્રગટ થયેલ આ ગઝલસંગ્રહ છે.
                  એમની ‘આભાર માન’ ગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન બાદ ઓડીટોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્યાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું ? તમે કોઈની રાહ જૂઓ છો ?’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું…’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કીનની કલમે ‘આભાર માન…’ ગઝલ સરી પડી.

“કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા

શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન

કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,

ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન”

                રાજેશ વ્યાસે અનેક મુશાયરાનું સફળ સંચાલન કર્યું છે પણ “મિસ્કીન”ની ગઝલ કેવળ મુશાયરાની ચીજ નથી કે નથી માત્ર મનોરંજન,એમને સંભાળવા એક લ્હાવો છે.શ્રોતાઓને એમની ગઝલનું મુલ્ય છે.કવિ વાંચે છે ત્યારે પણ સ્વમાં ઠરીઠામ હોય એવો અનુભવ થાય છે.એમની ગઝલમાં ગહનતા છે પણ સઘન અનુભૂતિનો અહેસાસ પણ વર્તાય છે.આપણે ત્યાં એવું મનાતું કે કવિ દુઃખી જ હોય અને એમના દુઃખમાંથી જ કવિતા સર્જાય પણ આજના આ નવા કવિ એ આ નદીની જેમ હવા તટ પર તટસ્થ રહીને ઈશ્વરને અનુભવ થકી જાણ્યો છે.ક્યારેક પોતાને જ પડકાર કરીને જવાબ મેળવે છે તો ક્યારેક પ્રશ્ન કરીને ઉત્તર જાણી લે છે.કવિની પરિપક્વતા એની સરળ ભાષામાં છતી થાય છે.ક્યાય ભક્તિવેડામાં પડ્યા વિના એમના શબ્દો આંતરિક ભક્તિના પર્યાય છે.
અને એટલે જ કહે-
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,”

મને એમની ઓળખ એમની  ગઝલો થકી જ છે.આખી વાતનું મૂળ છે કે રાજેશ વ્યાસને એમની ગઝલો થકી જ જાણું છું માણું છું અને સમજુ છું એ રીતે આખી વાત લખી છે બાકી એમને પ્રત્યક્ષ વાંચવાનો અને સંભાળવાનો લહાવો જ નોખો છે.

-પ્રજ્ઞા દાદભાવાળા
વિશેષ પરિચય સંકલન- રાજેશ વ્યાસનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જટાશંકર અને વિજ્યાબેનને ત્યાં થયો હતો. તેમણે અમદાવાદની શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે મેટ્રિક શારદાગ્રામ, માંગરોળમાંથી પસાર કર્યું. ૧૯૭૮માં માનસશાસ્ત્ર અને ૧૯૮૧માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને ૧૯૮૩માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ૧૯૮૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો
૨૦૦૫માં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર,
૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર,
૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક “છોડીને આવ” તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક “લલિતસહશસ્ત્ર” નામ ને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૧માં અને ૨૦૧૨માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.

જેમની કવિતા સાંભળીને શ્રોતાઓ ઝૂમી ઊઠે છે, એવા ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીનની જાણીતી રચનાઓ અહી સાંભળો…. 

મનની મોસમમાં વ્હાલ વહાવી દયો

 

 

 

 

 

 

 

હળવેથી રોજ તમે કર્યા કરો છો પ્રેમ !
ક્યારેક વ્હાલ વહાવી દયો તો કેમ ?

આવો તમે ને,મૌસમ ખીલે છે દિલની,
જો આવી મોસમ રહે બારેમાસ તો કેમ ?

આ ઝાપટાનું વરસવું ગમતું નથી.
બસ ધોધમાર અમને ભીંજોવો તો કેમ ?

ક્યારેક અમસ્તા આવી પ્રેમ વરસાવો,
પણ છપ્પનિયો બની  ન સતાવો તો કેમ ?

મનની મોસમને ખીલવા દયો વ્હાલમ
અને બારમાસી બની અમસ્તા ફૂટો તો કેમ?

શું કહું  વહાલમ પ્રેમ એટલે શું ?
સારથિ નહિ,રાધાના કાન બનો તો કેમ ?

પ્રજ્ઞા

પ્રજ્ઞા દાદભાવાળા

‘મનની મોસમ’ લલિત નિબંધ (૪) કૃષ્ણ બની ચાહો

 

 

 

 

 

 

 

આજે હું તમારી સાથે ચિત્રયાત્રા  કરવા માંગું છું. ઈલ્યારાજા નામના તામિલનાડુના એક ચિત્રકારનું આ ચિત્ર મારી સામે  છે.એમના ચિત્રોમાં વાસ્તવિકતા બોલે છે એને અનુભવું છું અને કવિતા ફૂટે છે.અહી સ્ત્રી છે પણ પોસ્ટર જેવી નહિ,પણ જીવનના ધબકારવાળી ,મોડેલ નહિ પણ સામાન્ય સ્ત્રીના ચહેરાવાળી સ્ત્રી… મૌનને મૌન સંભળાય ત્યારે લાગે છે,હમણાં જ બોલશે અને બોલશે તો શું બોલશે ? હૃદયને શબ્દો ફૂટે છે.બસ અને મારી કલમ આ સ્ત્રીની સંવેદના લખે છે.  

બારીએ ઉભી તમારી રાહ જોઉં છું

તમે સાંજે પાછા આવો છો.

ત્યારે હથેળીમાં આકાશ લાવો છો

હું કેટલીય વાતો ખોબામાં લઇ ઉભી હોંવ છું  ઉંબરે

તમારી રાહ જોતી,

હવે માળો ગુંજશે

પણ .. તમારું મોંન,

એક અવકાશ બની જાય છે.

અને હું ચુપચાપ મારામાં જ

સમાતી બહાર બારી બહાર  જોયા કરું છું.

અને થોડી ક્ષણો માટે

ઉંબરા ઓળગી

ઘરની બહાર વિહરું છું.

અને પોતાની પંખો લઇ ઉડતા

પંખીઓ મને મારું અસ્તિત્વ યાદ કરાવે છે.

હું ઈંડા બહાર નીકળું છું.

અને હું કહું છું.

તમને મારે ચાહવા હતા એટલે ચાહ્યા,

તમે ચાહો ના ચાહો

એનાથી મને શુ ફરક પડે છે?.

દરેક સ્ત્રીમાં એક મીરા એક રાધા,કે એક  યશોદા જીવે છે. સ્ત્રીલિંગ જન્મજાત એક મા છે કારણ સમગ્ર સૃષ્ટિમાં સ્ત્રીલિંગને પ્રકૃતિએ પ્રેમ આપ્યો છે.નાગ દમન માં પણ નાગણને પ્રથમ સ્ત્રી દેખાડી છે.કૃષ્ણ બાળકને પ્રેમથી જવા કહે છે, પ્રેમ બધા કરી શકતા નથી,પણ સ્ત્રી જયારે પ્રેમ કરે છે ત્યારે નગાડા વગાળી જાહેર કરતી નથી,શાંત સૌમ્ય ધીરજ સાથે સ્ત્રી પ્રેમ કરે…

પુરુષ સ્ત્રી સમોવડિયો થઇ જ ન શકે, કારણ પ્રેમ સ્ત્રીની તાકાત છે.માણસ ૧ સમયે એક જ વ્યક્તિને ગળે વળગી શકે છે પણ સ્ત્રી એક સાથે અનેક વ્યક્તિને હુફ આપી શકે છે.એક સ્ત્રીને પૂછો કે પ્રેમ કેમ કરાય?.શીખવ્યું કોણે ?. તો કહેશે શ્વાસ લેવાનું શીખવાડવું પડતું નથી ને ? ફૂલ ફૂટે છે ત્યારે તેની સુગંધ સરનામાં વગર આવે છે ને ! એમ સ્ત્રીને પ્રેમ કરતા શીખવાડવું પડતું નથી,સ્ત્રીને મહિલાદિવસના ઉજવણામાં રસ નથી,એને માત્ર જગતને પ્રેમ દેવામાં અને એનો અહેસાસ માણવામાં રસ છે.પ્રેમનો જવાબ જયારે પ્રેમ મળે ત્યારે આપોઆપ એના અસ્તિત્વની મહત્તા સર્જાય છે.માગવી પડતી નથી,અને ન મળે તો મહત્તા બમણી થાય છે.પ્રેમ જ સ્ત્રીના જીવતરને, જડતરને, મક્કમતા અને આત્મવિશ્વાષ થી મઢી આપે છે. સ્ત્રી કોઈપણ ભાર વિના સપ્તપદીમાં ચાલે છે.કારણ પ્રેમ કરી જાણે છે જીવનમાં બે ડાળીઓ વચ્ચે થોડોક અવકાશ આવે તો પણ ચાંદની અને તડકો એમાંથી લેતા સ્ત્રીને આવડે છે.સ્ત્રી સભર છે કારણ એ અભાવમાં પણ પ્રેમથી પ્રાણ પુરે છે.દરેક સ્ત્રી પાસે પોતાનું  પ્રેમનું નાનકડું મંદિર છે.. હવામાં વહેતી સુંગધ છે.ફૂલની તૂટેલી પાંદડીમાં ગુલાબ જોવાની દ્રષ્ટિ છે.સ્ત્રીને  પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવાં પરાવલંબનોની જરુરત નથી, એ નિ: શબ્દ, અ-સ્વર હોઈ શકે છે,સ્ત્રી જ નિર્મમ નિર્લેપ રહી શકે છે  ત્યારે જ આત્મવિશ્વાસ આપો આપ ડોકાય છે.એ માંગવો પડતો નથી એને હૃદયની આંખે જોવો પડે છે.પ્રેમ સર્વત્ર છે અને પ્રેમ સ્ત્રીનો જન્મસિઘ્ધ અધિકાર છે.પ્રેમને બલિદાન ,સમર્પણ અને ત્યાગની વ્યાખ્યામાં બાંધીએ છીએ.  પ્રેમ તો  વ્યાખ્યાઓના  કાંઠા અને કિનારાને ઓળગી એક નવીજ દિશામાં એનું રમ્ય ભવ્ય સ્વરૂપ ધારણ કરી પ્રતીક્ષા કરતા ઉભો હોય છે અને માટે જ સ્ત્રીની પ્રતીક્ષાના ઝરુખા ક્યારેય ભાંગેલા નથી હોતા,તમે લશ્કર પાસેથી સેનાપતિ છીનવી શકો છો પણ સ્ત્રીના પ્રેમને નહિ.સ્ત્રી પાસે પ્રેમનુ ગણિત કે રસાયણ નથી.સ્ત્રીને  પ્રેમમાં મિકેનિક્સ કે મેથેડોલોજી ની જરૂર પડતી નથી એનો પ્રેમ તો સંગીતની જેમ ફેલાઈ જાય છે. વિસ્તરતો જાય છે.એને એજ પ્રેમ સ્ત્રીને “હું” કેદમાથી મુક્તિ આપે છે.સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે ક્યાં કોઈને પુછે છે ?સ્ત્રી મુક્ત જ છે? શું મહિલા દિવસ ઉજવવાની જરૂર છે ખરી ?સ્ત્રીનું મહત્વ મનથી સમજણપૂર્વક સ્વીકારવાનું છે એમના અસ્તિત્વની મહતાનો અહેસાસ કરવાનો એજ તો  સ્ત્રીત્વને  સન્માન છે છે.જાતિય ભિન્નતા અને સામાજિક ભૂમિકા.આ  બંનેમાં આ તફાવત છે.. એ સમજણ કેળવવાની જરૂર છે.આ સમજણ આ તફાવતને આપો આપ દુર કરે છે. માત્ર તમારે કૃષ્ણ બનવાનું છે.કૃષ્ણની જેમ સ્ત્રીના પ્રેમને મહેસુસ કરવાનો છે મહેસુસ થયા પછી સન્માન એની મેળે જ સર્જાય છે.   સ્ત્રીને પૂછવામાં આવે તને શું જોઈએ છે ?તો કહેશે પ્રેમ ! અને પછી પૂછજો કેવો પ્રેમ ?અને જો કૃષ્ણને જાણતી હશે તો કહેશે કૃષ્ણ જેવો ?  8 માર્ચ એટલે વિશ્વ મહિલાદિવસ.સ્ત્રીત્વને સન્માનવાનો દિવસ… બહેન-દીકરીઓને એમના અસ્તિત્વની મહત્તાનો અહેસાસ કરાવવાનો દિવસ હા કૃષ્ણ બની સ્ત્રીને ચાહવા નો દિવસ…..યશોદામાની દોરીમાં સાંબેલા સાથે વ્હાલથી બંધાવાનો દિવસ .. કૃષ્ણ બની દ્રૌપદીના ચિરપુવાનો દિવસ.તેની ઉર્જા તેમજ ઉન્માદને ન્યાય આપવાનો દિવસ  ..માત્ર આ એક જ દિવસ  જ કેમ ?……બધી મોસમ કેમ નહિ ?.

પ્રજ્ઞા

પુરૂષાર્થ -​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો મારા થોડા વિચારો અહી મુક્યા છે કદાચ અધૂરા લાગે  અથવા આપને થાય તો ઉમેરી શકો છો। ..પરંતુ હું હંમેશા માનું છું કે  ધર્મ એ જીવન પધ્ધતિ છે,  તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે. જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય તો અને તેનું રૂપાંતર થાય અને પરિવર્તન દેખાય અને સહજતા એની મેળે આવે…..

આજની પેઢી ધર્મમાં માનતી નથી એવું ક્યારેક લાગે છે.કે  નવી પેઢીને ધર્મ પ્રતિ ખાસ આસ્થા દેખાતી નથી.નવી પેઢી ઉભરો ઠાલવતા કહે છે  જ્યાં જ્યાં ધર્મ જોવા મળે છે તે ક્રિયાકાંડનો વધારે હોય છે અને તાત્ત્વિક ઓછો હોય છે. કેટલીક જગાઓએ તો ધર્મ મનોરંજન જેવો લાગે છે દરેક ભજન કે સ્તવનના રાગ પિકચરોના ગીતો પર ગાય છે  અને એટલે જ . . .હાલની નવી પેઢી દિનપ્રતિદિન ભારતીય સાંસ્કૃતિ ધર્મ અને સંસ્કારથી વિમુખ થઈ રહી છે .ત્યારે રહી રહી ને વિચાર ઉપજે છે કે ધર્મનું ભાવી શું છે ?.ટેકનોલોજી ને લીધે ભૌતિક વિકાસ ઝડપ પકડી રહ્યો છે  તેના પરિણામે આજે ધર્મ નવી પેઢી પરથી પકડ ગુમાવતો જાય છે બીજા અર્થમાં ઉદાસીન કહી શકાય।. દેવ દર્શનને એ તૂત માને છે. રોજ સવારે દર્શને ઉપડનાર લોકોને જૂનવાણી ગણે છે.એવા લોકોની ટિકા કરે છે.મારી i દીકરી કહે છે .તમારા  ઘરના વડીલ ખુબ ધાર્મીક વૃત્તીના  હોવાથી તમે પણ ધાર્મીક બન્યા,સાધુ સંતોની સેવાકરી,દાન–ધરમપણ કર્યા , કારણ વડીલની ભાવનાને ઠેસ ન પહોંચાડવા કે તેને વધુ દુ:ખી  કરવા તમે ઈચ્છતા  નહતા। ..તેથી ધાર્મીક ક્રીયાઓ (વીધી–વીધાનો) અને ધાર્મીક વાચનમાંતમે  વધુ ને વધુ રસ લેધો. ધર્મનું વાચન/ મનન/ ચીન્તન અને સ્વાધ્યાય વધતાં ગયાં।….મારી દીકરી મારા કહેવાથી પરુષણ પર્વની સહભાગી થઇ। …દરેક વાતને તર્કના ત્રાજવે તોલવાની એની આદત. એટલે એ કયારેક પર્શ્ન પૂછ્યા કરે છે કે  ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? આ ગાથા પોપટની જેમ પઢયે જાઓ છો… આટલા વરસો સુધી જે કંઇ કરતી આવ્યા છો એ બધું ખોટું છે  ?.શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી?. તમને આ ક્રિયા માર્ગ દેખાડે છે ?બસ માત્ર કરવા  ખાતર  કરો છો ?પાછળ .. રહસ્ય શું છે?.. આ સવાલ  મારી દીકરીનો હતો .બીજી દ્રષ્ટિએ પણ વિચાર કરી શકાય તો બની શકે  કોઇને નિરર્થક લાગતી વાત પણ સાર્થક લાગે.  આજે ધર્મને નામે અનેક જગ્યાએ ધતિંગ થતા રહે છે. ધર્મ હવે પૂરેપૂરો પ્રોફેશનલ બની ગયો છે.ત્યારે અનેક લોકો ખાસ કરીને યુવા પેઢીને  મંદિરો સામે, કહેવાતા ધર્મ સામે વિરોધ જાગે એ સ્વાભાવિક છે. દેવ દર્શનને એ તૂત માને છે. મને કહે ભગવાન તો આપણી અંદર છે. ભગવાન કંઇ તમે બધા માનો છો એમ મંદિરમાં રહેતા નથી. અરે, આજના મંદિરો તો પ્રોફેશનલ બની ગયા છે. બધા  વેપાર કરવા બેઠા છે. બધું   ધતિંગ બની ગયું છે। ….આ અનેક પંથ બ્રાંડ નેમ કેમ બની ગયા છે ?।.. શું તીવ્ર ધાર્મિક વૃતિ થી માનવી  કટ્ટર  નથી બની જતો ?. અને આ  જડ આ  ક્રિયા કોઈ પણ ધર્મ ને બહુ ઝડપથી સંપ્રદાયમાં ફેરવી  નાખે છે ને ?. ધર્મમાં માં પાખંડ નથી દેખાતો ?ધર્મ તો જીવનમાં ઉજાસ ઉઘાડે ને તો આમ કેમ ?….ધર્મ તો .જીવનને સરળ બનાવવામાં મદદ કરે તો આમ કેમ ?  

નવી જનરેશન પાસે પોતાની ફિલોસોફી છે….મને ઘણીવાર નવી જનરેશન વધુ ડાહી, સમજુ, હોશિયાર, સિન્સિયર, ફોકસ્ડ અને શાર્પ લાગ છે  નવી પેઢી તેજતરાર્ર અને તરોતાજા છે. તેના વિચારો એકદમ ખુલ્લા અને ઉમદા છે. રગેરગમાં થનગનાટ અને વિષય અંગેની સ્પષ્ટતા આજના યંગસ્ટર્સમાં છે એટલી કદાચ ભૂતકાળમાં કયારેય ન હતી.આજની પેઢી સાથે વાત  અને દલીલ સાંભળ્યા પછી એમ લાગે છે કે…. આપણે જે સાંસારિક જીવન જીવી રહ્યા છીએ તેને માન્ય ન કરવું. તેને જીવવાની સાથે જાણવું પણ જોઈએ.આજ ની પ્રજા કોઈ પણ કામ માત્ર કરવા ખાતર નથી કરતી એઓ કહે છે .પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય.અજ્ઞાનતાને લીધે સાચા-ખોટાનો નિર્ણય ન થવાથી ખોટી પ્રવૃત્તિઓની શક્યતા વધી જાય છે. જગતમાં તમામ દુઃખો અને તમામ અપરાધભાવોનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. મને હવે તેની વાતમાં તથ્ય દેખાય છે। …નવી જનરેશન પાસે પોતાની ફિલોસોફી છે…..મારી દીકરી મને  કહે છે કે કર્મવાદનો અર્થ આપણા ધર્મગુરુઓએ એવો સમજાવ્યો છે કે તારી આ ભવની બધી તકલીફો એ તારાં ગયાં જન્મોનાં કર્મોનું ફળ છે.જે તારે ભોગવવાં જ રહ્યાં જે એમને માન્ય નથી આ તો guilt feeling અપાવે .તો આગળ કેમ વધાય ? ભવ સુધારી લેવાની પ્રેરણા આપે છે. આ ભવ ગમે તેમ કરીને ભોગવી લો પણ આવતો ભવ સુધારી લો. મુઆ પછી સ્વર્ગ મેળવવા આ ભવમાં બધી વેદના, બધાં કષ્ટો ભોગવી લો. અત્યારે ભલે નરક ભોગવવું પડે; પણ મુઆ પછી સ્વર્ગ મળે તેવા પ્રયત્ન કરો. સ્વર્ગ કોઈએ જોયું નથી. મુઆ પછી કોઈ કહેવા પાછું આવવાનું નથી કે સ્વર્ગ કેવું અને ક્યાં છે.?…આમ અમુક વાતો એમને ગળે ઉતરતી નથી  ….મને એક દાખલો આપતા કહે એક યુવાન ગરીબોની સેવા કરતો હતો. બહુ જ સલૂકાઇથી તે ગરીબ વ્યકિત સાથે વ્યવહાર કરતો હતો. તેને પૂછ્યું કે, આવું તું શા માટે કરે છે? કંઇ લાંબો વિચાર કર્યા વગર બિન્ધાસ્ત થઇને તેણે કહ્યું, હું કોઇ પણ કામ માત્ર બે હેતુ માટે કરું છું. એક તો મને રૂપિયા મળતા હોય અને બીજું મને મજા આવતી હોય. ગરીબોની સેવા હું એટલા માટે કરું છું કારણ કે મને આનંદ આવે છે. સંતોષ આપે છે। …ગરીબો પર ઉપકાર કરવાની દાનતથી હું તેની સેવા કરતો નથી, આઇ ફીલ ગુડ. હું તો મને સારું લાગે એટલા માટે સેવા કરું છું.માણસ તરીકેની મારી જવાબદારી નિભાવવાનો આનંદ હું માણું છું…. યુવાન પેઢી મને છે કે ધર્મ એ જીવન જીવવવાની એક એવી ૫દ્ધતિ છે કે જેમાં માનવીય મહાનતાને ઘ્યાનમાં રાખીને એવી રીતે જીવવામાં આવે છે કે જેના પ્રકાશમાં લોકોને શ્રેષ્ઠતાની દિશામાં અગ્રેસર થવાની પ્રેરણા મળે

મારી દીકરી કહે હું પર્યુષણ માં દેરાસર ગઈ કારણ મને મારા જીવનના રહસ્ય ઉકેલવા છે .. મેં કહું કે બેટા .ધર્મ શબ્દનો અર્થ ઘણો વિશાળ છે. ધર્મ વિશે સમજવા જેવું એ છે કે પ્રાર્થના, ધ્યાન, જપ, તપ અનેક વસ્તુઓનો ધર્મમાં સમાવેશ થાય છે અને છતાં એ વસ્તુઓ પોતે ધર્મ નથી. જીવનનું રહસ્ય શોધવાના માનવીના પ્રયત્નોમાંથી ધર્મનો ઉદ્ભવ થયો છે.બેટા તું કહે છે પણ રોજ ક્રિયા કરવી જોઈએ  થોડા સમય પછી એ સહજ થઇ જશે  સતત ઉપયોગ વિના જ્ઞાન ન મેળવી શકાય.જ્ઞાન વિનાની, સાચી સમજણ વિનાની ક્રિયાની આડઅસરો ય ઘણી છે….જ્ઞાન બીજ સમાન છે તો ક્રિયા ફળ સમાન છે. જ્ઞાન અને ક્રિયાનો સુમેળ સાચું અધ્યાત્મ છે. ક્રિયાની સાથે સમજ ન હોય અને સમજની સાથે ક્રિયા ન હોય તો દોષોનો નાશ અને ગુણોની વૃદ્ધિ શક્ય નથી. શાસન એકલા જ્ઞાનમાં નથી કે એકલી ક્રિયામાં નથી.

ચાલ  તારી ભાષામાં સમજવું . તું .ડોક્ટર છે ને?  ડોક્ટર પોતાને થયેલા રોગનું જ્ઞાન હોય, તે માટેનાં દવા – ઉપચારનું ય જ્ઞાાન હોય. પણ તે દવા લેવાની ક્રિયા ન કરે તો સાજા થાય ?  હવે તુજ કહે તું કામે થી આવે છે કકડીને ભૂખ લાગી હોય ત્યારે તરલા દલાલનાં વાનગીનાં પુસ્તકો વાંચવાથી કંઈ પેટ ભરાય જાય છે ? માટે .જ્ઞાન એ ક્રિયા જોડિયા અને જાડિયા ભાઈ જેવી છે. એકમેક સાથે સંકળાયેલ છે. અમુક અપેક્ષાએ જ્ઞાન મુખ્ય છે, અમુક અપેક્ષાએ ક્રિયા. એકલું જ્ઞાન પાગળું છે, એકલી ક્રિયા આંધળી છે.. તારી પણ વાત સાચી છે મારે આંધળું અનુકરણ ન કરવું જોઈએ। ..જ્ઞાન માર્ગ બતાવે છે અને ક્રિયા રસ્તો કાપે છે. દેવ દર્શન ચરણવિધિ મને રોજ રસ્તો સુજાડે છે સારી સમજ ને સારી ક્રિયાનો મેળ ન જામે ત્યાં સુધી. આગળ કેમ વધાય। …તમારું વિજ્ઞાન શું કહે છે ? પ્રયોગ શાળામાં  કશુક શિદ્ધ કરવા પ્રયોગ કરો છો ને ? કોઈપણ કળા શીખવા માટે પહેલી ક્રિયા કરવી પડે પછી જ જ્ઞાન થાય. પ્રારંભ દશામાં ક્રિયાની મુખ્યતા છે, જ્ઞાનની નહિ, પ્રારંભિક ક્રિયા શ્રદ્ધાથી એટલે પરના જ્ઞાનના અવલંબનથી થાય,ક્રિયાના ગર્ભમાં જ્ઞાન રહેલું છે…… ક્રિયા કરતાં કરતાં જ અનુભવે  જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા અને શક્તિનો વિકાસ થાય છે. .શરૂઆતમાં જ જાણી લો કે આ કામ શા માટે કરવામાં આવી રહ્યું છે. માનવી પાસે વિચાર શક્તિ છે પશુ અને મનુષ્ય વચ્ચેનો ભેદ અહીંથી જ શરૂ થાય છે. ધર્મમાં મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ કહો છે  મનુષ્યભવનું મહત્ત્વ…છે ….આવી અતિ સૂક્ષ્મ રહસ્યની વાત જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે..મનુષ્ય પાસે એ શકયતા રહે છે કે તે કામ કરતા પહેલાં જાણી શકે છે કે તે કરવાથી શું થશે?ધર્મ એ જીવન પધ્ધતિ છે, પણ તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે. જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય છે.ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નહીં, પણ વ્યક્તિની બંધ આંખોને ખોલી આપતું વિજ્ઞાન છે જ્યારે આપ જાણીને કોઈ કામ કરો છે તો તે સદ્કર્મ જ થાય છે. સદ્કર્મનું પરિણામ હોય છે રૂપાંતરણ. તે આપણી અંદર પરિવર્તન લાવે છે. જેવા આપણે કર્મને વ્યક્તિત્વ સાથે જોડીએ છીએ, તેનું પરિણામ વ્યક્તિત્વમાં દેખાવા લાગે છે..ધર્મને જયારે સહજતા પૂર્વક જીવન બનવ્યે ત્યારે જે પરિવર્તન આવે છે તે આત્મા ને  જે આપણને પરમાત્મા તરફ લઈ જાય.આ માત્ર જૈન ધર્મ નહિ દરેક ધર્મની તાકાત છે.

શરૂઆતની અવસ્થામાં ક્રિયા વિના જ્ઞાનનો પરિપાક થાય નહિ. અમુક હદ સુધી ક્રીયાનયની મુખ્યતા છે, અમુક હદ પછી જ્ઞાનનયની મુખ્યતા છે…ક્રિયામાં ય એવો પ્રાણ પૂરીએ કે તે ક્રિયા જોઈને બીજાને પણ તે કરવાનું મન થાય.આમ કરવા માટે ક્રિયા કરતી વખતે ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ. ક્રિયામાં રસ નથી આવતો, ઉત્સાહ નથી જાગતો એવી તારી જેમ  ઘણાની ફરિયાદ છે. આના બે કારણો છે :  એક તો ક્રિયાના બળ પર શ્રદ્ધા નો અભાવ,..અને બીજું ક્રિયાના ફળ પર નજર નથી. રસ એ દિલની સમજ પર આધારિત છે. આમ જ્ઞાન હશે તો ક્રિયા કંટાળાજનક નહિ લાગે. જ્ઞાન એટલે માત્ર ક્રિયાની સમજ એટલું જ નહિ, એ ક્રિયા વગેરેથી પોતાના આત્માને શું લાભ થશે એનું ય જ્ઞાન જરૃરી છે. ક્રિયા પ્રત્યે બહુમાન નથી તેથી અવિધિએ પગપેસારો કર્યો છે. અને જડતા પણ પ્રવેસી છે…ઘણાને પ્રશ્ન થાય છે કે જ્ઞાન ને ક્રિયા કરીએ તો શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય, આત્માને શો લાભ થાય ? આત્માને લાભ તો શુભ ભાવ, શુભ પરિણતિથી થાય છે ને શુભ ભાવ જ્ઞાનથી થાય છે।અને તે જડતાની વાત કરી તે પણ સાચી છે  ક્રિયાકાંડને જ સર્વસ્વ માનવા-મનાવવામાં આવે છે ત્યારે ધર્મ, સાધના કે આધ્યાત્મિકતાનું આચરણ અર્થ વગરનું અને નિષ્પ્રાણ બની જાય છે.માનવની અંદર રહેલા અજ્ઞાનરૂપી આવરણને અળગું કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપવો એ સાધનાનું ધ્યેય છે. એનું જ નામ સાધના(આત્માનો અનુભવ કરાવનારી ક્રિયા. છે).ક્રિયા જાતનું-સેલ્ફનું રીયલાઈઝેશન પ્રાપ્ત કરવાને માટે  મદદ કરે છે અતિવ્યસ્ત જીવનમાંથી તણાવ ઘટાડો છે ને ।..ધર્મથી ઊચ્ચ કોટીની માનસિક તંદુરસ્તી માણસો  એમાં કોઈ શક નથી। ….આત્માનો અપરોક્ષ અથવા તો પ્રત્યક્ષ અનુભવ એ જ ધર્મનું ધ્યેય છે… .જીવનમાં જ્યાં છો ત્યાં રહીને, અને જે પ્રવૃત્તિ કરો છો તે કરતાં રહીને તમે એવી રીતે આત્મવિકાસની સાધના કરી શકો છો.ધર્મને સમસ્ત જીવનનું અવિભાજ્ય અંગ બનાવી ધ્યો।યાદ રાખો કે ક્રિયા ખરાબ નથી; પરંતુ ભાવનારહિત થઈને આંધળી પ્રવૃત્તિ કરવામાં આવે તે ખરાબ છે. માટે સદ્ ભાવનાને તમારી પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રાણ બનાવી દો તો પ્રવૃત્તિ જ સાધના બની જશે.  …તું .દાક્તર હો તો દરદીને ઈશ્વરના પ્રતિનિધિરૂપ માન,વધારે ધ્યાન ધન કમાવા તરફ નહિ, પરંતુ દરદને દૂર કરવા તરફ આપજો. તો દાક્તર તરીકેનું કામ કરતાં-કરતાં પણ, જીવનના વિકાસના ક્ષેત્રમાં આગળ વધી શકશો. આજ તો આત્માના સાક્ષાત્કાર માટેનો પુરૂષાર્થ છે. 

​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા