હેલીના માણસ – 26 | અફવા | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-26 ‘અફવા’ એની 25મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ –

જીભ મુંજવણમાં પડી છે તારી! 

આંખ વાચાળ બની છે તારી! 

 

તનબદનમાં છે ગજબ ચટકારા, 

મુગ્ધતા માથે ચડી છે તારી, 

 

યાદ ને સ્વપ્નની ટક્કર વચ્ચે, 

ઊંઘ ચૂંથાઈ ગઈ છે તારી! 

 

એક બે વાર હવાઓ દ્વારા, 

ક્યાંકથી ભાળ મળી છે તારી! 

 

હસતાં રહેવાની તારી આદત છે, 

અમને એ ટેવ ગમી છે તારી! 

 

આ વિરહ રાત ખસેડી લેને,

આ વિરહ રાત સગી છે તારી? 

 

તુ ખલીલ એના ખુલાસા ના કર, 

એ બધી અફવા ઊડી છે તારી! 

 

ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

આમ આપણને લાગે કે, બોલવું તો સહેલું. કોઈ મળે ત્યારે સહજતાથી આપણે ખબર પૂછી લઈએ કે, સામેથી થયેલા પ્રશ્નનો ઉત્તર આપી દઈએ. એમાં શું? પરંતુ તમે જોજો કેટલીકવાર આપણી બોલતી બંધ થઈ જતી હોય છે. કહેવાનું ઘણું હોય છે મનમાં વાક્યો ગોઠવાઈ ગયેલાં હોય છે પણ એને વાચા આપનારી જીભ મુંઝવણમાં પડી હોય એમ સલવાઈને, નિઃશબ્દ બનીને, ઉભી રહે છે. આવા સમયે આંખો તેની મદદમાં આવે છે અને જે વાત કહેવાની હોય તે લાગણીઓ બનીને આંખો દ્વારા સ્પષ્ટ કરી દે છે. સામેની વ્યક્તિ આંખોની ભાષા ઉકેલીને સંદેશ જાણી લે છે. જીભ ભલે મૌન ધારણ કરીને બેસી જાય પણ એનું સમગ્ર શરીર ગજબનું હલનચલન કરીને મનમાં ફૂટતી વાતોને છતી કરે છે. મુગ્ધતા જાણે માથે ચડી હોય તેમ દિલના ઊંડાણમાં ને મનના પડદે છવાઈ જતી ભાષા વગર કહ્યે જ કહેવાઈ જતી હોય છે અને સમજાઈ પણ જતી હોય છે. 

જીભ મુંજવણમાં પડી છે તારી! 

આંખ વાચાળ બની છે તારી! 

કોઈ આવી મુગ્ધાનો ભેટો જેને થયો હોય તેની તો પથારી ફરી જાય! દિવસ આખો અજંપામાં તો જાય જ. રાત્રે તો વળી એથી ભૂડી દશા થાય. ઘડીભર એની યાદ આવે ને  જ્યાં આંખ મીંચાય ત્યાં સ્વપ્નમાં દર્શન દે! આમ બીજી બાજુ મુગ્ધા પણ મુંઝવણમાં ઘેરાયેલી હોય અને યાદો અને સ્વપ્નની વચ્ચે આવન જાવન કરવામાં પૂરી રાત ઉંઘ અને આરામ વગરની પસાર થાય. સુખચેન જાણે હરાઈ જાય. આ બધું તો એકવાર અચાનક મળવાનું થાય ત્યારે બની ગયું હોય પછી તો દિદાર કેવા ને વાત કેવી? કોઈ વાવડ તો મળે જ શાનાં! આવામાં એ મિલન સ્થળેથી આવતી હવા પણ જાણે પોતાની લાગે. એ હવા ભાળ આપતી હોય તો! બાકી તો ન ભાળ ન સમાચાર! 

યાદ ને સ્વપ્નની ટક્કર વચ્ચે, 

ઊંઘ ચૂંથાઈ ગઈ છે તારી! 

આટલા ઓછા સમયમાં એકબીજાની ટેવની ખબર તો કેવીરીતે પડે? પણ મોં પર અનાયાસ અંદરની ખુશીને બયાન કરતું હાસ્ય તો પ્રગટી જ ગયું હોય અને દિલમાં એવું તો કંડારાઈ જાય કે, વારંવાર આંખો સમક્ષ ઉપસ્થિત થાય, કેમે ય ભૂલ્યું ના ભૂલાય! પણ આવતી બધી રાતો તો વિરહ રાતો જ બનીને આવતી હોય જેનો જાણે કોઈ અંત જ ન હોય! એ રાતને વચ્ચેથી કોણ ખસેડી શકે! 

આ વિરહ રાત ખસેડી લેને,

આ વિરહ રાત સગી છે તારી? 

વાત કંઈ હોય કે ના હોય પણ એક અચાનક મળવાની ઘટના ઘટે તેના વિશે અફવાઓ જરૂર ફેલાવા લાગે છે. પેલી કહેવત છે ને કે, વા વાયા ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરૂં ભસ્યું. અને કોઈને લાગે ચોર આવ્યા! પછી અફવા એવી ફેલાય કે, ગામ આખું ચોરનો સામનો કરવા સજ્જ થઈ જાય, એના જેવું થાય! અને એ અછડતી મુલાકાત વિશે અનેક અનેક અફવાઓ વહેતી થઈ જાય! આની ખબર મુગ્ધાને પડે એટલે સાવ અજાણ એવી એ, દરેક અફવાના ખુલાસા આપવા બેસી જાય! હવે માંડ બીજીવાર મળવાનું થયું હોય એમાં આવા ખુલાસા કરવા બેસવાનું? 

તુ ખલીલ એના ખુલાસા ના કર, 

એ બધી અફવા ઊડી છે તારી! 

આમ સૌ કહેતાં હોય છે કે, સમય જ નથી મળતો! પણ કોઈ બનાવ બન્યાની જાણ થાય તો તો બસ! બધું પડતું મુકીને તપાસ કરવા બેસી જવાનું. વારાફરતી ફોન પર ફોન કરીને વાત વહેતી કર્યે જ રાખવાની. એમાં સચ્ચાઈ ઓછી ને અફવા વધારે હોય! ખરુંને મિત્રો, મઝા આવી ને?

આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. 

નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

 

હેલીના માણસ – 25 | કટકે કટકે મરતો માણસ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-25 ‘કટકે કટકે મરતો માણસ’ એની 24મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,

ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

 

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,

લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

 

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,

એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

 

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,

એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

 

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,

મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

 

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,

હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

 

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,

આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

 

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,

જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

કોઈ મિત્ર રોજ મળતો હોય, બન્ને સાથે ફરતા હોય જમતા પણ હોય. આ મિત્ર  અચાનક રસ્તામાં મળી જાય ત્યારે થોડી ઔપચારિક વાતો કરીને છૂટો પડે. એ આવજો કહીને છુટો પડતો હોય તે જ સમયે વચમાં લાલ દુપટ્ટાનો પાલવ લહેરાય! અને અદ્રશ્ય થઈ જાય! આ દ્રશ્ય મનપટલ પર એવું તો કંડારાય કે, જાણે કોઈ રીતે ડીલીટ ન થાય. અડધી રાતે ઘોર અંધકારમાં પણ એતો ચોખ્ખેચોખ્ખું દેખાય!અમુક દ્રશ્યો હોય છે જ એવાં! પણ એ દ્રશ્યને આટલું ઘારીને કોણ જુએ છે? એમ વિચારતા કવિને અહેસાસ થાય છે કે, બપોરે મિત્ર મળેલો તે સમયે ઊભેલો આ તો હું જ. મારો જ પડછાયો! આવી રીતે જ કોઈની સાથે આંખ મળી ગઈ હોય દિલમાં વસવાટ થઈ ગયો હોય અને જો કોઈ ગેરસમજ થાય કે ઈગો ટકરાય અને બ્રેકઅપ થઈ જાય તો એ પાંપણથી પટકાયેલો પ્રેમી તો સાવ હતાશ થઈ જાય. ભલેને પહેલાં તે ભલભલી ટક્કર કેમ ન લેતો હોય! 

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,

આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

કેટલીક વાર કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલી વાતો વિવાદનું સ્વરૂપ પકડી લે છે. હવે વાત તો એણે એક જ કહી પણ કેટલાંક લોકો તેને સાચી માનીને સાથ આપે, સહકાર આપે પણ એ જ વાતને બિલકુલ ખોટી માનીને તેનો જબરદસ્ત વિરોધ કરનાર પણ એક વર્ગ હોય છે. આવામાં તટસ્થ લોકોને એમ થાય કે આમાં સાચું શું? ખોટું શું? ઘણીવાર તો આ વિવાદનો નિવેડો એ વ્યક્તિના જીવનપર્યંત નથી આવતો. અને મૃત્યુ પછી તો જે થાય એનાથી એને શો ફેર પડે! 

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,

એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો. 

ક્યારેક માણસનાં કારનામા એવાં હોય છે કે, સૌ તેને ઓળખતા હોય છે. સાવ અજાણ્યા ગામોમાં પણ તે પ્રખ્યાત હોય છે કે પછી કુખ્યાત? તે એક જુદો પ્રશ્ન છે. એક કહેવત છે. ‘મારવો તો મીર’ બાથ ભીડવી તો બળીયા સાથે. જેવાતેવા સાથે તો વાદવિવાદ કરવાનો પણ શો અર્થ? સ્પર્ધામાં પણ આપણને કોઈ હરાવી જાય તો તે ખરા અર્થમાં કાબેલ હોય તે જરૂરી. કહે છે ને, કાયર મિત્ર કરતાં દાનો દુશ્મન હજાર દરજ્જે સારો! પતંગિયું જ્યોત સાથે ટકરાઈને આત્મસમર્પણ કરીને મોતને વહોરી લે તો દુઃખ જ થાય પણ એ જ દીવો પવનના સપાટાથી હોલવાય તો? આ જ વાતને ખલીલ સાહેબ આ શેરમાં સુંદર રીતે વણી લે છે. 

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,

મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

સાવ સામાન્ય ઘરમાં જન્મ થયો હોય તેને માટે જીવન બદતર જ હોય. આવું બાળક જીવતાં છતાં કટકે કટકે મરતું હોય છે. પણ કેટલીક વાર બાળક અત્યંત તેજસ્વી હોય છે. પોતાના બળબુતા પર આવી જિંદગીમાં પણ પ્રગતિનો ઉત્તમ માર્ગ શોધી લે છે એટલું જ નહીં તે માર્ગને સફળતાના શિખર સુધી લઈ જાય છે. બનેલા માર્ગે તો સૌ ચાલે પણ ખુદ કેડી કંડારે તે ખરો! જમીન પર રોપેલો પીપળો ઉગે પણ ઘણીવાર ભીંત ફાડીને પીપળો ઉગી નીકળતો હોય છે. એના જેવું!

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,

હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે સૌ તેના મૃત્યુ પર અફસોસ કરે છે પણ જન્મ્યા પછી દરરોજ માણસ મૃત્યુ તરફ આગળ વધતો જાય છે. ખરેખર તો આ રીતે કટકે કટકે મરતો જાય છે! આ વાત બધાં જાણે છે પણ ખલીલ સાહેબ આવી ગહન વાતો કેટલી સિફતથી સમજાવી દે છે નહીં? એ જ તો શાયરની ખૂબી છે મિત્રો. આવી જ ગુરૂ બનીને જ્ઞાન આપતી બીજી ગઝલની વાતો કરીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર હેલીના માણસ – 23 | જિંદગીમાં કરવા જેવું! | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-23 ‘જિંદગીમાં કરવા જેવું’ એની 22મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

જિંદગીને બોચીએ પકડો તો શાબાશી મળે, 

મોતના પંજામાંથી છટકો તો શાબાશી મળે!

 

હાથમાં આવી ગયો ત્રિકોણની ત્રીજો ખૂણો, 

પણ હવે ચોથો ખૂણો સર્જો તો શાબાશી મળે!

 

ખોબે નેવાં ઝીલવાં તો બાળપણની છે રમત, 

પાણીની એ ધાર પર લટકો તો શાબાશી મળે!

 

ઝૂંપડાં તોડો છો એમાં ક્યાં કશી મર્દાનગી, 

શહેરમાંથી ઘરડાઘર તોડો તો શાબાશી મળે! 

 

જૉક સંભળાવી હસે તેને હસાવો છો તમે, 

કો’ ગરીબના આંસુઓ લૂછો તો શાબાશી મળે!

 

જાગરણમાં તો બધાં ભેગા મળી જલસા કરે, 

મારી માફક એકલા જાગો તો શાબાશી. મળે! 

 

ના ખલીલ, આવું ઉપરછલ્લું કશું ચાલે નહીં, 

મનને સ્પર્શે એવું સંભળાવો તો શાબાશી મળે! 

– ‘ખલીલ’ ધનતેજવી

 

રસાસ્વાદ 

દરેક જણ પોતાના રોજીંદા કાર્યો તો કરતાં જ હોય છે. સૌ સામાન્ય જીવન જીવી રહ્યા હોય. એમાં કશું નવીન નથી હોતું. આવા જીવનથી કોઈ આકર્ષણ પામે? ખલીલ સાહેબ આ ગઝલમાં ‘તો શાબાશી મળે’ આ રદિફ લઈને આપણને સૌને ઘણું શીખવી જાય છે. ઘરેડમાં રહીને જીવ્યે જઈએ એ શા કામનું? કંઈક તો એવું કરવું જોઈએ કે, જેથી શાબાશી મળે. અહીં આપણને આ પંક્તિ યાદ આવી જાય કે, 

‘પોલું છે તે બોલ્યું, તેમાં તેં શી કરી કારીગરી? 

સાંબેલું વગાડે તો હું જાણું કે, તું શાણો છે.’

જે કાર્ય સરળતાથી થતું હોય, બધા જ જે કરી શકતા હોય તે જ તમે કરો એમાં શી નવાઈ? જિંદગીને તમારી આગવી રીતે જીવો. અરે, કવિ તો અહીં સુધી કહી દે છે કે, જિંદગીને બોચીએથી એવી રીતે પકડી લો કે તે તમારા હાથમાંથી  છટકે નહીં અને મોતને માત આપીને તમે એના પંજામાંથી છટકીને જીવો તો શાબાશી મળે!

કંઈક નવતર કરવાના નૂશખા વિશે વાત કરતાં કવિ આગળ કહે છે કે, ત્રિકોણને ત્રણ ખૂણા હોય તે તો સામાન્ય વાત છે. એમાં જો ચોથા ખૂણાને સ્થાન આપો તો કંઈ નવું કર્યું ગણાય. 

હાથમાં આવી ગયો ત્રિકોણની ત્રીજો ખૂણો, 

પણ હવે ચોથો ખૂણો સર્જો તો શાબાશી મળે!

એવું જ બીજું ઉદાહરણ આપતાં તેઓ કહે છે વરસાદ પડતો હોય ત્યારે નેવાંમાંથી પડતી પાણીની ધારને હાથથી ઝીલવાની રમત તો સૌએ બાળપણમાં કરી હોય. પણ હવે મોટા થયા પછી એનું એ જ કરીએ એમાં કારીગરી કઈ? કવિ કહે છે કે, એ ધાર પર લટકો તો શાબાશી મળે! 

ઘણાં ખરાં શહેરોમાં નાની ઝુંપડપટ્ટી તોડીને એના સ્થાને ઉંચા મકાનો ચણવામાં આવે છે. કંઈ પણ તોડવું એ બાંધવા કરતાં કે સાંધવા કરતાં પ્રમાણમાં સહેલું જ હોવાનું. પણ ના, તેવું માનવામાં પણ ભૂલ છે. શહેરનાં ઘરડાઘર તોડવા શું સહેલાં છે? એના માટે તો વૃધ્ધોને એમનાં બાળકોએ પોતાના ઘરમાં રાખવા પડે. માનથી અને પ્રેમથી તેમની સંભાળ લેવી પડે. એ કામ મોટું છે શાબાશી મળે તેવું! ઝૂંપડાં તોડવામાં શી મર્દાનગી, તોડવા જેવાં તો ઘરડાઘર છે. 

ઝૂંપડાં તોડો છો એમાં ક્યાં કશી મર્દાનગી, 

શહેરમાંથી ઘરડાઘર તોડો તો શાબાશી મળે.

કવિ અહીં બીજી એક સરસ વાત કહે છે કે, વાંચેલા જોક્સ સંભળાવીને લોકોને હસાવવામાં કંઈ મોટી વાત નથી. કોઈ પણ કરી શકે તેવું સરળ કામ છે. અને જે કામ બધાં જ કરી શકતા હોય તે કરવામાં ધાડ શી મારી? ગરીબના આંસુ લુછવા જેવાં કામો આવકાર્ય છે. અનોખાં છે. શાબાશી આપવી પડે તેવાં! 

જાગરણ હોય ત્યારે તો સૌ ભેગા થઈને જાગે એમાં નવાઈ જેવું શું? પણ કોઈ એકલવિર એકલો જાગીને શહેર માટે કે, દેશ માટે ચિંતા કરીને સવારે ઊઠીને કરવાનાં કામોની તૈયારી કરે તે મહત્ત્વનું છે. શાબાશીને લાયક છે. 

ના ખલીલ, આવું ઉપરછલ્લું કશું ચાલે નહીં, 

મનને સ્પર્શે એવું સંભળાવો તો શાબાશી મળે! 

ગઝલ કે બીજી રચના કરીએ તેને માટે પણ કવિ આપણને સજાગ કરે છે. લખો તો એવું લખો કે, જેમાં ઊંડાણ હોય, કોઈને ઉપયોગમાં આવે તેવું હોય, વાંચનારને માટે લાભદાયી હોય તેને સ્પર્શી જાય તેવું હોય. બાકી ખાલી ઉપરછલ્લું લખવા ખાતર લખવાનો અર્થ શો? 

આપણી પાસે જિંદગી છે અને સમય છે એમાં કંઈ તો કરવાનું જ છે. પણ ખરેખર શું કરવું જોઈએ તેની ઉંડી સમજ આપતી આ ગઝલ ઘણું શીખવાડે છે. ખરું ને મિત્રો? આવી જ સુંદર બીજી એક ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 22 | તો વાત આગળ વધે | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-22 ‘તો વાત આગળ વધે’ એની 21મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,

સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

 

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,

પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!

 

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,

બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

 

હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,

એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!

 

આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,

હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!

 

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,

બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

 

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,

બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

-ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

મુગ્ધાવસ્થાની એક તાસીર હોય છે! કોઈ પર નજર પડે ને એ ગમી જાય. બન્ને પક્ષે આવી લાગણી ઉદભવશે પણ આ ઉમરે શરમ પણ ઠાંસીઠાંસીને ભરેલી હોય એટલે ન કહેવાય, ન સહેવાય. આ વાત સમજવા ખલીલ સાહેબ બે પ્રેમીઓને એક જ જળાશયની પાળે બેઠેલા કલ્પે છે. બેમાંથી એક પણ જણ જો પાણીમાં કાંકરા નાખે તો વાતની શરૂઆત થઈ શકે. કારણ કે, શરમમાં બોલવાનું તો કોઈ નથી પણ કાંકરાએ પાણીમાં સર્જેલાં કુંડાળા આગળ વધીને સામેની વ્યક્તિને દિલનો સંદેશ જરૂર પહોંચાડશે અને એમ વાત આગળ વધશે. 

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,

સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

સ્નેહની શરૂઆત તો થઈ ચૂકી. કવિ ઉદ્ભવેલી પ્રીતિને કેવી હળવેથી આગળ વધારે છે! હવે નજરની ઓળખાણ તો છે જ. એટલે હિંમત કરીને, કંઈ ખૂબસૂરત બહાનું કાઢીને ઘર સુધી પહોંચી જવાનું ને બિંદાસ ટકોરા મારીને ઉભા રહેવાનુ. ત્યારે વિચાર તો એવો જ આવે ને કે, બારણું ઊઘડે તો વાત આગળ વધે! પણ એ શક્ય ક્યારે બને? ટકોરા સાંભળનાર પણ ઈચ્છે કે, મળવું છે! તો જ ને? બન્ને તરફ જ્યારે મિલન માટેની તડપ સરખી રીતે ઉગ્ર થઈને ઉભરે અને બન્ને તેમાં તરબોળ થઈ જાય તો પછી દરવાજાની શુ હેસિયત કે એ બંધ રહે? 

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,

બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

લો હવે બારણું ખુલી ગયું. દિલના દ્વાર તો ટકોરા વગર જ ખુલી ગયેલા હોય! બન્ને સામસામે આવી તો ગયાં. આવા સમયે એક મઝાની ઘટના બને. જનાર તો દરેક સવાલના જવાબો મનમાં તૈયાર રાખીને જ જાય છે કે, આમ પૂછશે તો આમ કહીશ. તેમ પૂછશે તો તેમ કહીશ. પણ બારણું ખોલીને ઉભેલી એ સ્તબ્ધ પ્રતીમા કંઈ પૂછે તો વાત આગળ વધે ને! કંઈ પણ બોલ્યા વગર એ જો આવનારની એક આંગળી ઝાલી લે તો? તો શું? પેલું આંગળી આપીએ તો પોંચો પકડ્યા જેવુ જ તો! પણ પછી? એ સ્પર્શમાં જે હુંફ હોય તેની અસર છેક દિલ, દીમાગ અને સમગ્ર અસ્તિત્વમાં પણ પહોંચી જાય. એમાંથી બન્ને વચ્ચે એક સરખા ભાવો ઉદ્ભવે અને એ જ વાતને આગળ લઈ જાય. બન્ને ને એજ જોઈતું હોય છે ને! 

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,

બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

આ તો ખલીલ સાહેબ એ તો હેલીના માણસ એમને ઝાપટું ન ચાલે! એ તો કહે, આપણને શરમ, સંકોચ ન ચાલે ભાઈ! છાશ લેવા જઈએ ને દોણી સંતાડવાની? બન્ને જણ જ્યાં સુધી મળવાની ઈચ્છા નહી કરે, મળવાનો નિર્ધાર નહીં કરે તો વાત આગળ ક્યાંથી વધે?

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,

બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

મિત્રો, વાતની શરૂઆત તો થઈ જાય પણ એ આગળ વધે અને પરિણામની પ્રાપ્તિ સુધી પહોંચે તો વાત બને! ખરું ને? ખલીલ સાહેબની આ ગઝલથી  મનમાં એક પ્રેમકથા પાંગરે છે. એની મઝા આપણે માણી. આવી જ ભાવવાહી સુંદર એક બીજી ગઝલને માણીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

હેલીના માણસ – 21 | કહી દો મોતને | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-21-‘કહી દો મોતને ‘   એની 20મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,

થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

 

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,

હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

 

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,

કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

 

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,

ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

 

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,

પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ – 

માણસ જ્યારે પોતાની સમશ્યાઓથી ઘેરાયેલો હોય ત્યારે સતત તેની ચિંતા કરતો હોય છે. તેનું મન અને મગજ એમાં જ વ્યસ્ત હોય છે. આસપાસના માહોલથી તે અલિપ્ત થઈને પોતાની ધૂનમાં રહેતો હોય છે. હાજર લોકો સાથે તે ભળી નથી શકતો. અને બધાં વાતચીત કરતાં હોય, મજાક મસ્તી કરતાં હોય ત્યારે તેમાં રસ નથી લેતો, ભાગ પણ નથી લેતો. કારણ કે કંઈ પણ કરવાનો મુડ તેને આવતો નથી. છેવટે બને છે એવું કે, આમ તે સાવ જુદો પડી જાય છે અને લોકો તેને બહેકી ગયેલો કે અર્ધદગ્ધ જેવો માનીને તેની મજાક ઉડાવે છે. 

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,

થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું. 

જિંદગી આમ તો ઈશ્વર તરફની એક અણમોલ સોગાત છે. પણ જન્મ પછી જીવન જીવતાં જઈએ ત્યારે એમાં અનેક વિટંબણાઓનો સામનો કરવો પડે છે. પ્રતિપળ એક નવો પડકાર સામે આવીને ઉભો રહે છે. દરેક વખતે આ બધાનો સરળતાથી સામનો નથી થઈ શકતો બલ્કે કેટલાક પડકારો કમર તોડી નાખે તેવા હોય છે. એટલી હદે કે, મોત કરતાં જિંદગી જાણે વધુ અઘરી લાગે છે. આવામાં લોકોની દ્રષ્ટિએ આપણને બહેકી ગયેલા હોઈએ તે રીતનું વર્તન તેમના તરફથી થાય છે. હવે તેમને કોણ કહે કે, જિંદગીના થપેડાએ જ કરેલી આ હાલત છે! 

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,

હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

ચારે તરફ મુસીબત ઘેરી વળતી હોય, એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ ન મળતો હોય ત્યારે દુઃખ અને નિરાશાથી લાગણીઓ જાણે થીજી જાય છે. કોઈની હુંફ વગર થીજીને સાવ મરણતોલ થઈ ગયેલી લાગણીઓને આવા સમયે ઉષ્મા ભર્યા પ્રેમની જરૂર હોય છે! મોતથી બદતર થતી જિંદગીને બચાવવાનો બીજો શો ઊપાય? હુંફ મળવાથી બુઠ્ઠી થઈ ગયેલી લાગણીઓને જાણે સિંચણ મળે છે. ફરીથી મૃતઃપ્રાય થયેલી લાગણીઓ સજીવન થાય છે. 

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,

ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

રોજબરોજની જિંદગીમાં, રોજિંદી કાર્યવાહી થતી રહે છે. બહારથી જોનારને તો વિતેલાં દુઃખો અને એના કારમાં પરિણામોનો અંદાજ પણ ક્યાંથી આવે? ઉપરથી જોનારને અંદરના ઘા તો ન દેખાય ને? આમ ઉપરથી સ્વસ્થ જણાતી વ્યક્તિના દિલની અને દિમાગની હાલત તો એટલી હદે વણસેલી હોય છે કે, એને કશું જ યાદ નથી રહેતું. જાણે પોતાના ઘરનો રસ્તો પણ રસ્તો ભૂલી જવાય અને કોઈની મદદ મળે તો ઘરે પહોંચાય તેવી અપેક્ષા રહે છે. 

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,

પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

માનવ સ્વભાવની એક એ પણ ખાસિયત ખરી કે, પોતાની તકલીફ બીજાને જણાવા ન દે. બને ત્યાં સુધી તો પોતાના દુઃખને છૂપાવવા પ્રયત્ન કરે જ. જરૂર પડ્યે એ બહારથી તમાચો મારીને ગાલ રાતો રાખવાની ચેષ્ટા કરી લે. એટલે અંદરની સ્થિતિ બહાર ના દેખાય અને સૌને લાગે કે, આ તો બિલકુલ બરાબર છે, અકબંધ અને અડીખમ! પણ કોઈને શું ખબર? અંદરથી આખેઆખું તંત્ર હાલી ઉઠેલું છે. તુટી ચૂકેલું છે! 

જીવન એક સંગ્રામથી ઓછું નથી. એ લડતાં રહેવા સિવાય છૂટકો પણ નથી. ખરું ને મિત્રો? પણ તેમ કરવામાં જ આપણે એટલા બહાદુર અને સક્ષમ બનીએ છીએ કે, મોતને પણ પડકારી શકીએ! કેવી લાગી આ ગઝલ? આવી જ પડકાર રૂપ ગઝલ લઈને આપણે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

હેલીના માણસ – 20 | ભીતરના ઘા | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ – 20- ‘ભીતરના ઘા’   એની 19મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

 

એની આંખોમાં હું સમાયો છું,

ત્યારથી ચોતરફ છવાયો છું!

 

આયનાનેય જાણ ક્યાં થઈ છે,

છેક ભીતરથી હું ઘવાયો છું!

 

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,

હું મરણ બાદ ઓળખાયો છું!

 

જે મળે તે બધા કહે છે મને,

તારા કરતાં તો હું સવાયો છું!

 

એના નામે જ હું વગોવાયો

જેના હોઠે સતત ગવાયો છું!

 

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,

હું જ આ કબ્રમાં દટાયો છું!

 

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,

એટલી નામના કમાયો છું!

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

માણસ જ્યારે પ્રસિધ્ધિના શિખર પર સવાર થાય ત્યારે તેને સતત જુદા જ માહોલમાં રહેવાની ટેવ પડી જતી હોય છે. દુનિયા આખી બદલાઈ જાય છે. આવામાં આજુબાજુ વાહ વાહ કરનાર ટોળકી ફરતી રહે છે અને સતત તેનાં વખાણ કર્યા કરે છે. પોતે મૂળ કોણ છે? કેવો છે? તે સદંતર ભુલીને નવી દુનિયામાં રાચવાનું તેને રાસ આવી જાય છે. જ્યાં સુધી પ્રસિધ્ધિમાં હોય, લોકોની આંખનો તારો બનીને રહેતો હોય ત્યાં સુધી તે સર્વત્ર છવાઈ જાય છે. દુનિયાના લોકોને તે ખૂબ સુખી લાગે છે, યશસ્વી લાગે છે. આવી વ્યક્તિને પણ મનના કોઈ ખૂણે, એકાદ એવો પ્રસંગ ધરબાઈને પડ્યો હોય છે. જેને લીધે ઘવાયેલું મન એને જંપવા નથી દેતું અને બહાર સૌ તેનાથી અજાણ હોય છે. એ ઘવાયેલા મનનું પ્રતિબિંબ તો અરીસામાં પણ ન દેખાય ને! 

આયનાનેય જાણ ક્યાં થઈ છે,

છેક ભીતરથી હું ઘવાયો છું!

ભાગ્યશાળી હોય તેને  પ્રસિધ્ધિ જીવનમાં મળે છે. જ્યારે કેટલાક એવા પણ હોય છે. જેમણે સખત મહેનત અને સારી કામગીરી કરી હોય છે પણ જીવનભર તેમને તેનો યોગ્ય બદલો કે ઓળખ નથી મળતી. આવી વ્યક્તિ અંદરથી ઘવાઈ જાય છે. તેની શક્તિ હણાઈ જાય છે. અપેક્ષાઓ મરી પરિવારે છે. તે પોતાને સાવ અલિપ્ત કરી નાખે છે. કારણ કે, બહાર નીકળે તો આસપાસના લોકો તેની ઉડાવતા હોય તેવું તેને લાગે છે જાણે તેઓ કહેતા ન હોય ‘ તું તો કંઈ નથી અમે બધા તારાથી ચડિયાતા છીએ સવાયા છીએ. 

જે મળે તે બધા કહે છે મને,

તારા કરતાં તો હું સવાયો છું!

કેટલાક કિસ્સામાં તો એવું પણ બને છે કે, ગમે તેટલાં સારાં કાર્યો કરે. બીજા માટે ઘણું બધું કરે પણ જાણે કિસ્મત સાથ જ ન આપે અને પુરા જીવન દરમ્યાન તેની કામગીરીની કોઈ નોંધ લેવાય જ નહીં. તેણે કરેલી કુરબાનીની કોઈને જાણ નથી હોતી. મૃત્યુ બાદ જ તેનું કામ વખણાય છે અને તેની ઓળખ પણ થાય છે. આ શેર વાંચીને આપણને થાય કે, કદર તો સમયસર થવી જોઈએ ખરું ને? મૃત્યુ પછીની કદર શું કામની? 

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,

હું મરણ બાદ ઓળખાયો છું!

આવી કમનસીબ વ્યક્તિ જીવતી હોય ત્યારે તેને તુચ્છ સમજીને દરેક જણ તેને એવો અહેસાસ પણ કરાવે છે. એટલે સૌ તેને ચડિયાતા લાગે છે. તેની કામગીરીથી પ્રભાવિત થનાર સૌ પણ જાણે તેને માટે ગમે તેવી વાતો કરીને વગોવે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં તે પોતાને અસહાય સમજે છે. જીવતર જાણે ઝેર બની જાય છે. અને જાણે જીવતે મરવાના વિચાર આવે ત્યારે આ શેર અનાયાસ જ તેના મુખેથી સરી પડતો હશે. 

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,

હું જ આ કબ્રમાં દટાયો છું!

કોઈ વ્યક્તિ પ્રગતિના પંથને સડસડાટ પાર કરી જાય છે. એને ક્યાંય કોઈ નડતર રોકતું નથી અને તે એક પછી એક સફળતાના શિખરો સર કરતી જાય. આવી વ્યક્તિ પોતાના નવા સ્થાને પહોંચીને, નવી નામના  મેળવીને, એ સદંતર ભૂલી જાય છે કે, ખરેખર પોતે છે કોણ? 

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,

એટલી નામના કમાયો છું!

આપણાંમાં એક કહેવત છે કે, ‘જીવતે ના જોયાં ને મુએ ખૂબ રોયાં. જ્યારે માણસ હયાત હોય ત્યારે તેની અવગણના કરીએ એનું મન ના સાચવીએ અને મરે પછી ગમે તેટલું રડીએ શો ફાયદો? કદર તો સમયસર થવી જ જોઈએ તો જ તેનું મુલ્ય. એ વાત સહજ રીતે સમજાવતી  આ ગઝલ આપને કેવી લાગી?

ફરીથી આવી જ ભાવવાહી ગઝલ લઈને મળીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

 

હેલીના માણસ – 14 | સનાતન સત્ય 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -14 એની 13મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,

મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,

હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

માત્ર મનમાં ઈચ્છા કરીએ કે મારે જવું છે. અને પછી ઘરમાં જ બેસી રહીએ તો ક્યાંય જવાય ખરું? ના, એને માટે તો ક્યાં જવું છે તે નક્કી કરીને નિકળી પડવું જોઈએ. ઘર સાથે જોડાયેલા રસ્તા પર ચાલતા જઈએ તે પણ આપણાં ગંતવ્ય સ્થાનની દિશા પકડીને ચાલીએ ત્યારે એવું પણ બને કે, કેટલીક કેડીઓ નજરે પડે. એમાંની એક પણ કેડી પર ચાલવું હોય તો ચલાય. પણ તેને બદલે જો ખુદ ચાલીને, નવો રસ્તો કંડારીએ તો? કરી શકાય. હા, એને માટે હિંમત અને સાહસ જોઈએ. કાચાપોચાનું એ કામ નથી. નિરંતર થતી રહેતી નવી નવી શોધો વિશે વિચારીએ તો એ નવી શોધ કરનારની મહત્તા સમજાય. પછી તો એનો ઉપયોગ કરનારાં અનેક હોય. 

ખલીલ સાહેબની ગઝલો પણ અનેક ગઝલકારો માટે માર્ગદર્શક બની રહી છે. તેમની ગઝલો વાંચીને, સમજીને, નવોદિતો ગઝલની દુનિયામાં પગલાં પાડી શકે છે. તેમની ગઝલમાં રદિફ અને કાફિયાની પસંદગી ગજબની હોય! જાણે તેમને માટે રમત હોય તેવી સહજતાથી તેઓ આખી વાતને ઊંડાણથી રજુ કરે છે. સાદી વાત લાગતી હોય પણ તેમાં રહેલો ગુઢાર્થ શેરિયત બનીને આપણને ચોંકાવી દે.                     

મુશાયરામાં ગઝલ કહેવાની તેમની અનોખી અદા પણ આપણને માર્ગદર્શન આપે છે, તે વાત આપણે સૌ જાણીએ છીએ. જોઈએ આ શેર. 

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

આખી ગઝલમાં એકાદ શેર નબળો જણાતો હોય તેવી શક્યતા છે. પરંતુ એને નજરઅંદાજ કરીને ગઝલનો અભ્યાસ કરીએ તો ઘણું શીખવા મળે. ઘણીવાર તો આપણને કોઈએ કહેલી એકાદ વાત, મન પર એટલી ઉંડી અસર છોડે છે કે, વારંવાર એ પડઘાતી રહે અને એટલે કદી ભુલાય પણ નહીં. આમાંની કેટલીક વાતો એવી હોય જે આપણને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. આપણાં મનને હકારાત્મકતાથી ભરી દે. તો વળી કોઈએ કહેલી વાત આપણાં આત્મવિશ્વાસને ડગમગાવે એવી પણ હોય છે. તે આપણી પ્રગતિમાં અંતરાય રૂપ હોય  એટલું જ નહીં, તે ઘુમ્મટમાં પડતા પડઘાની જેમ મનમાં સતત ઘુમરાયા કરે છે. એટલે એવી વાતને ભૂલવી જેટલી અઘરી તેટલી જ જરૂરી હોય છે. ભૂલતાં પહેલાં તો તે મનને નિરાશાથી ઘેરી લે છે. આપણી વાતો અને વર્તનમાં પણ હતાશા સ્પષ્ટ દેખાય છે. અને કદાચ એટલે જ આવા શેર રચાઈ જતા હશે! કે, 

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

આ ગઝલના મક્તાના શેરમાં કવિ એક સનાતન સત્યનો નિર્દેશ કરે છે. ગમે તેવા મોટા શાયર હોય, મહેફિલો ગજવતા હોય, એટલે સુધી કે, તેમની રજૂઆત થાય પછી બીજા કોઈની રજુઆત કરવાની હિંમત પણ ના હોય, આવા આલા ગજાના શાયર પણ જ્યારે હાજર ન હોય ત્યારે? ત્યારે તો કવિ માની લે છે કે, આ ફાની દુનિયાને કોઈના હોવા કે, ના હોવાથી ક્યારેય કોઈ ફેર પડતો જ નથી. અને એટલે મહેફિલો તો રાબેતા મુજબ ચાલવાની, ચાલતી જ રહેવાની.  અહીં આપણને આ ગીત યાદ આવી જાય,ખરુને? 

મૈં પલ દો પલકા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ, 

પલ દો પલ મેરી હસ્તિ હૈ, પલ દો પલ મેરી જવાની હૈ. 

મિત્રો, આપણું આ જગત, આપણું અસ્તિત્વ અને આપણાં સંબંધો બધું જ અનિશ્ચિતતાના અગમ ઘેરામાં છે તેનો અહેસાસ કરાવતી આ ગઝલ આપ સોને કેવી લાગી? બીજી એક અનોખી ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

હેલીના માણસ – 10 । કૂપમંડુકતા

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -10 એની 9મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

 

ગઝલ :

લય  વગર,  શબ્દો વગર,  મત્લા  વગર, 

હું  ગઝલ  લખતો  રહ્યો   સમજ્યા વગર. 

 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

 

કેદ છું ભીંતો વગરના ઘરમા હું, 

સંત્રી  પણ   ઊભો    છે  દરવાજા  વગર. 

 

સરહદો     સૂની      હશે      તો    ચાલશે, 

શ્હેરમાં    ચાલે    નહીં    પહેરા      વગર. 

 

મોરને    કો’    બાજપક્ષી     લઇ      ગયું, 

સીમ   સૂની     થઇ   ગઇ    ટહુકા  વગર. 

 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર. 

~ ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

કેટલીક વાર આપણાં રોજબરોજના વ્યવહારમાં અમુક સગવડોની એવી ટેવ પડી જતી હોય છે અને એ જીવન સાથે એટલી હદે વણાઈ જાય છે કે, પછી તેના વગર જાણે ચાલે જ નહીં! શહેરની આધુનિક બધી જ સગવડો સાથે રહેવાની ટેવ હોય તેને જો ક્યારેક નાના ગામમાં જવાનું થાય તો તેને બિલકુલ ફાવતું નથી. તે અકળાઈ જશે અને ત્યાંથી નિકળી જવાનું વિચારશે. ખલીલ સાહેબની આ ગઝલમાં તેમણે ‘વગર’ શબ્દને રદિફ તરીકે અને આકારાંત કાફિયા લઈને વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓ પર ક્યાંક શીખ આપી છે તો ક્યાંક વ્યંગ કર્યો છે. આપણે જોયું તેમ સુખ સગવડમાં રહેનારને જેમ તેના વગર નથી ફાવતું તેમ અગવડમાં કે અછતમાં રહેવા ટેવાયેલાં હોય તેમને વધુ પડતી સગવડો પણ માફક નથી આવતી. રોજ સુકો રોટલો ખાઈને જમીન પર સુવા ટેવાયેલાં હોય તેમને ખાવા માટે પાંચ પકવાન અને સુવા માટે છત્રપલંગ આપો તો તે મુંઝાઈ જશે. કવિ પોતાની વાતને સરળ શબ્દોમાં પણ ઉમદા ઉદાહરણથી સમજાવે છે કે, 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

ભર તડકે આખો દિવસ મજુરી કરનારને છાંયડામાં જાણે પ્રતિકૂળતા અનુભવાય છે. આ જ વાતને વિશાળ ફલક પર વિચારીએ તો ઈશ્વરે તો તમામ ઉમદા રસ્તાઓ પર ચાલવાની સગવડ આપી છે પણ દરેક જણ પોતાની હેસિયત પ્રમાણે જ રસ્તો પસંદ કરીને ચાલશે. ટુંકમાં પોતાને જે ફાવે તે જ પરિસ્થિતિમાં રહેવા મન બનાવી લેવું શું યોગ્ય છે? અહીં આપણને ‘કૂપમંડુકતા’ યાદ આવે. કુવામાં રહેતા દેડકાને વિશાળ નદીના પટમાં મુકવામાં આવે તો? તો શું થાય ખબર છે? તે પોતાના કુવા જેટલા જ ભાગમાં ફર્યા કરશે અને એવું માનશે કે, આ જળાશય કુવા જેટલું જ છે! અથવા તો કુવાથી મોટું કશું હોય જ નહીં. કેટલીક વાર આપણે પણ આપણાં જ્ઞાનની સીમામાં ઘેરાઈને માની બેસીએ કે, આ જ્ઞાાનથી વધારે કશું હોઈ જ ના શકે. જો કોઈ કહે કે, ગઝલ લખવા માટે હું લય, મત્લા, કાફિયા, રદિફ એવી માથાકૂટમાં નથી પડતો પણ હું તો ખૂબ લખું છું એટલે હવે એવી ફાવટ આવી ગઈ છે કે, જે લખું તે ગઝલ બની જ જાય છે. શું આમ સમજ્યા વગર ગઝલ લખાય ખરી?  

કવિ કહે છે કે, ક્યારેક આદતોને નેવે મુકીને કંઈક નવું કરવા પ્રયાસ કરવો જોઈએ. કેવું સુંદર ઉદાહરણ! 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર.

કાયમ બસ પ્રકાશમાં જ રહેવું શું જરૂરી છે? ક્યારેક સળગતા દિવાને પવનમાં મુકો, હવે તે હોલવાઈ જશે. એ પછી અજવાળા વગરના માહોલને પણ માણતાં શીખો. સેન્ટ્રલ એસીવાળા, સુખ સગવડયુક્ત બંગલાને છોડી ક્યારેક સમુદ્રતટે કે પહાડો પર ઘુમવા નિકળી પડવું જોઈએ અને એમાં રહેલી મઝાને માણવી જોઈએ. કવિ ‘વગર’ શબ્દનો રદિફ તરિકે ઉપયોગ કરીને કેટલાક સુંદર વ્યંગોની રચના કરે છે તે જોઈએ. તેઓ કહે છે, હું ભીંત વગરના ઘરમાં રહું છું પણ દરવાજે સંત્રી જરૂર હોવો જોઈએ! બોલો હવે જે ઘર ખુલ્લું જ છે તેમા વૉચમેનની શી જરૂર! . દેશની સરહદો પર પહેરો નહીં હોય તો ઠીક છે પણ મારા શહેર ફરતો પહેરો હોવો જોઈએ. કારણ? શહેર સલામત રહે તો હું પણ સલામત! આ બન્ને વ્યંગાત્મક ઉદાહરણો માનવીના વિચિત્ર સ્વભાવનો નિર્દેશ કરે છે. મોર જેવો પક્ષીઓનો રાજા પોતાના ટહુકાઓથી સીમને લીલીછમ રાખતો હોય છે તે જો હણાઈ જાય તો સીમ સુની પડી જાય! તે જ રીતે જેની કાળજી, ચીવટ, અને દુરંદેશીથી ઘર, શહેર, રાજ્ય કે દેશ સુખી અને સમૃદ્ધ હોય તેની ઉપસ્થિતી આવશ્યક છે. નહીં તો અંધાધુંધી ફેલાઈ શકે. 

મિત્રો, કુપમંડુકતા ત્યજીને જ્ઞાનના બહોળા સાગરમાં મહાલવાની શીખ આપ સૌને જરૂર ગમી હશે. તો વળી રદિફ, કાફિયા અને મત્લાના જ્ઞાન વગર ગઝલ લખવાની વાત લઈને બનેલો શેર આપણને રમુજ કરાવી ગયો, ખરુંને? આવી જ બીજી ગઝલને માણીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

તા. 28 માર્ચ 2022  

 

હેલીના માણસ – 9 | તક મળે તો! 

હેલીના માણસ – 9 | તક મળે તો! 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સહુનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-9 એની 8મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

ગઝલ

લે, આ મારી જાત ઓઢાડું તને,

સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,

ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,

મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,

લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,

તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?

આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,

ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,

ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !

ખલીલ ધનતેજવી

રસાસ્વાદ –

કોઈ એવો મુફલિસ હોય જેને મિલકત ન હોય, ઘરબાર પણ ન હોય, બીજાં કશાં ઠેકાણાં ય ન હોય, છતાં તેની પાસે પણ દિલ તો હોય જ ને? અને દિલ તો આખિર દિલ હૈ. એ તો કોઈ પર આવી પણ જાય! એને થોડી ખબર હોય કે, કોના પર અવાય અને કોના પર નહીં? જેના પર એ મુફલિસનું દિલ આવી જાય તે વ્યક્તિ સાવ પોતાની લાગવા માંડે. એના પર થોડો માલિકી ભાવ પણ થઈ જાય. અને ત્યારે મનમાં થાય કે, મારા આ પ્રિયજનને મારા સિવાય કોઈ જોશે તે પણ મને મંજૂર નથી. તો તેને હું સંતાડી દઉં? પણ કેવીરીતે? એ પ્રેમનું અને પ્રેમીનું મુલ્ય તો મનમાં એટલું બધું છે કે, તેને  ક્યાં તો આંખોમાં રખાય કે પછી દિલમાં! આડે અવળે એને ન મુકાય, તો વળી એને સંતાડવા એવું કશું ઓઢાડવાનું સાધન પણ પોતાની પાસે તો નથી, જે એને લાયક હોય! ત્યારે મનમાં થાય કે, મારી જાત સિવાય કશું મારી પાસે છે જ નહીં તો હવે જાત ઓઢાડીને જ એને સંતાડી દઉં! બીજું શું! 

પ્રિયજનને લઈને કંઈ કેટલાય અરમાનો અંતરમાં ઉદ્ભવે છે. સામે બેસીને કલાકોના કલાકો સુધી એને જોઈ રહેવાનું ગમે! અને આવી રીતે જોઈ રહે ત્યારે સામી વ્યક્તિને તો લાગે કે, હમણાં કંઈ પુછશે, હમણાં કંઈ બોલશે. પણ ત્યારે બિલકુલ બોલવાનું જ નહીં! મસ્તીથી મૌનમાં બેસી રહેવાનું, ભલેને તે અકળાય, ભલેને હેરાન થાય! એમના આગમનની જાણ તો પ્રવેશ સાથે જ વાતાવરણમાં પ્રસરી રહેતી મીઠી મહેકથી થઈ જાય. એને લીધે એક જાતની ખુશીની લહેર અનુભવાય પણ એ પોતે તો આ બધાથી અજાણ જ હોય. એમને તો જાણે આવી કોઈ મહેકની ખબર પણ નથી. તેમને ફુલ સુંઘે ત્યારે જ સુવાસ આવતી હશે! આ બધી વાતો કવિ આ શેરમાં કુશળતાથી ગુંથી લે છે. 

તું નહિ સમજી શકે તારી મહેક,

લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

મનમાં એવું પણ થાય છે કે, એ જો સામે બેસે ને, તો સુંદર મઝાની એક ગઝલ લખવાનો ઈરાદો છે. અને એવી તકની શોધમાં છે ભાઈ સાહેબ. પણ પાસે બોલાવવા કોઈ બહાનું તો જોઈશે ને? એટલે શું કહે છે? છેક ઉંચા આસમાને તાકીને ચાંદ જોવાની શુ મઝા? ચાંદને એકદમ પાસેથી જોવો હોય તો, તું મારી પાસે આવી જા, આપણે હાથમાં અરીસો રાખીને તેમાં એકદમ નજીકથી ચાંદને સાથે બેસીને જોઈએ. અને એ તો સીધી વાત છે ને કે, સાંનિધ્યમાં ચાંદને નિહાળવાની મઝા જ કંઈ ઓર હોય છે!

આટલી ઓળખાણ પછી બન્ને વચ્ચે જાણે દોસ્તી જામી જાય છે. મળવાની ઉત્કંઠા બન્ને પક્ષે હાવી થઈ જાય છે. એટલે સાથે બેસીને અરીસામાં ચાંદ જોવા માટે એ કવિના ઘેર જવાની રજા માંગે છે. પણ કવિને તો ખબર છે કે, પોતાને તો ઘર જેવું કંઈ છે જ નહીં. એ ગમે તેટલી જીદ કરે પણ કરવાનું શું? એના જવાબમાં લખાયેલો આ શેર જોઈએ. 

ઘર સુધી તું આવવાની જીદ ન કર,

ઘર નથી, નહિતર હું ના પાડું તને !

કેટલી નિખાલસતાથી કહી દે છે. તું ઘેર આવવાની જીદ ના કર. કારણ કે, મારે તો ઘર જ નથી નહીં તો ના પાડું તને? હા એટલું થઈ શકે કે, કોઈ બિલ્ડીંગની છત પર પહોંચીને ત્યાંથી સાથે ચંદ્રદર્શનના બહાના હેઠળ સાંનિધ્યમાં રહેવાનો લાભ મળે. 

મિત્રો, મુફલિસી હોવા છતાં સ્નેહીજનને સામે બેસાડીને ગઝલ લખવાનો ઈરાદો તો છે પણ મિલન માટે જરૂરી એવું પોતાનું ઘર જ ના હોય ત્યારે સર્જાતી તકલીફો પણ કેવી હોય છે નહીં? આપ સૌને આજની આ ગઝલ ગમી હશે. આવી જ મઝાની બીજી એક ગઝલના ઉમદા શેરો અને શેરિયત માણીશુ આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ ખુશ રહો. સ્વસ્થ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ ભાગ – 7 | કોરી આંખમાં ભીની વ્યથા

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સહુનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-7 એની છઠ્ઠી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. 

સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

ગઝલ

મોજ    મસ્તી   તાજગી મારા વિના ક્યારે હતી,

આવી   ઝાકમઝોળ   આ તારી સભા ક્યારે હતી.

પોત   પોતાના    જ માટે    સૌ કરે છે પ્રાર્થના,

કોઈના    માટે    કદી  કોઈ  દુવા   ક્યારે હતી.

હું ય  ક્યાં ફૂલોની  માફક કોઈ દિ’ ખીલી શક્યો,

તું  ય   જો   ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી.

એણે   શ્વાસમાં   જ    વાવાઝોડું   સંતાડ્યું હશે,

હા, નહિતર   આવી  ભારેખમ  હવા ક્યારે હતી.

સંત  અથવા  માફિયા માટેના   છે જલસા બધા,

આપણા    માટે તો    આવી સરભરા ક્યારે હતી.

આંખ   ભીની ના  થવાની   શરતે રડવાનું કહ્યું,

કોઈ   પણ   કાનૂનમાં  આવી સજા ક્યારે હતી.

રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જિન્દગી,

મારી   કોરી આંખમાં   ભીની વ્યથા કયારે હતી.

-ખલીલ ધનતેજવી

રસાસ્વાદ : 

સામાન્ય રીતે જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે તે પોતાને માટે અથવા તો પોતાનાં સ્વજનો માટે કરવામાં આવતી હોય છે. આપણને ખબર હોય છે કે, આપણી આસપાસ કેટલાય લોકો એવા હોય છે જેઓ વિવિધ તકલીફોનો સામનો કરતાં હોય છે. કોઈને શારીરિક તો કોઈને માનસિક તો કોઈને આર્થિક તકલીફ હોય આવા લોકો ભલે આપણાથી દુર હોય છતાં આપણે તેમને જાણતાં હોઈએ છીએ. જેમને આપણી પ્રાર્થનાની જરૂર હોય છે. પણ શું આપણે એ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ? સ્વાર્થ ત્યજીને આગળ વધી શકીએ છીએ? ના, આવો તો આપણને વિચાર પણ નથી આવતો!

દરેક વ્યક્તિ પોતાની છત પ્રમાણે બધું જ પામે તેવું નથી બનતું. જગતમાં કેટલાય લોકો એવા હોય છે જેમને આવડતના પ્રમાણમાં ઘણું ઓછું મળ્યું હોય છે તો કેટલાક લોકો એવા ભાગ્યશાળી પણ હોય છે, જેમને આવડત કરતાં ઘણું વધારે મળ્યું હોય. આ બધું શું નસીબથી જ મળતું હશે? અહીં કવિ ખુશબુને બેવફા ગણે છે!  ફોરમ પર તો પૂષ્પોની માલિકી હોય પણ ફોરમ તો  તેને છોડીને દુર દુર સુધી હવામાં પ્રસરી જાય છે. એટલે ફૂલ અને ફોરમ વચ્ચે બેવફાઈ તો થઈ જ ને? કવિને સંતોષ છે કે, ન તો પોતે પૂષ્પોની જેમ ખીલ્યાં છે કે ન તેમની પ્રેયસી ફોરમ જેવી બેવફા નિવડી છે. 

આપણામાં એક કહેવત છે કે, ‘બળીયાના બે ભાગ.’

જે લોકો પાસે શારીરિક બળ કે, આર્થિક બળ હોય અથવા તો પછી બુધ્ધિમત્તાનું કે સત્તાનું બળ હોય તેમને તો આ દુનિયામાં જલસા જ હોય છે. અને જે સંતો છે તેઓની પાસે તેમના અનેક સમર્થકોનું બળ હોય છે એટલે એમને ય જલસા જ હોય છે. પરંતુ સામાન્ય માનવીને માટે એ સૌને મળતી બધી સરભરા દુર્લભ હોય છે. 

કોઈ રડવાનું પણ કહે અને આંખો પણ ભીની ના થાય એ શરત મુકે! બોલો! એ તે કેવી સજા? ઘણીવાર સ્વજનો એવડો મોટો ઘા આપે છે ત્યારે ન રડીને તેને જતાવાય કે, ના ફરિયાદ થાય! કવિને આવી કોઈ ઉપાધિ નથી. તેઓ તો પોતાની જિંદગી રમતાં રમતાં સરળતાથી ગુજારે છે. મોજ મસ્તીમાં ગુજારે છે. હંમેશાં આનંદમાં રહીને સહજ મળે તેનો સ્વિકાર કરે છે. વ્યથાને લીધે આંખોમાં આંસુ નહીં તો ભિનાશ તો આવી જ જાય. કવિ આ શેરમાં પોતાના સ્વભાવ, તબિયત અને મિજાજ વિશે વાત કરે છે. અને આવા વ્યક્તિત્વને કારણે જ્યાં જાય ત્યાં છવાઈ જાય અને પોતાની હાજરીથી મુશાયરો જીવંત બની જાય. શેર જોઈએ. 

મોજ    મસ્તી   તાજગી મારા વિના ક્યારે હતી,

આવી   ઝાકમઝોળ   આ તારી સભા ક્યારે હતી.

હવા, સમીરની પાંખે ચઢી ફરફર ફર લહેરાતી હોય, મોસમ હળવી ફુલ બની હોય ત્યારે મનને પણ હળવાશની અનુભૂતિ થાય અને દિલ ખુશીથી બાગબાગ થઈ જાય. આવામાં કોઈનાં એવાં પગલાં પડે કે, આખું વાતાવરણ બોઝીલ બનીને ઉભું રહે. ત્યારે લાગે કે, આગંતુકે જાણે બધું જ રોકી લીધું હોય! હવાની એ લહેર, એમાં ઉમટતી માદક મહેક બધું જાણે કોઈએ પોતાના શ્વાસમાં ભરી લીધું ન હોય! 

મિત્રો, આજની ગઝલ આપ સૌએ મારી નજરે ચોક્કસ માણી હશે. હવે પછી બીજી ગઝલ દ્વારા ખલીલ સાહેબની કલમનાં રંગોને માણવાનો લ્હાવો લઈશું. તો નમસ્કાર મિત્રો. 

રશ્મિ જાગીરદાર 

ગઝલના રસાસ્વાદનું વાચિક્મ : હેલીના માણસ ભાગ – 7 | કોરી આંખમાં ભીની વ્યથા