રાજુલબેનની રચના ‘ મન રે તુ કાહે ક્રોધ કરે ‘ ક્રોધ વિષે સુંદર આલેખન વાંચ્યુ, વિષય ગમ્યો, અને તેમાંથી હું આત્મા વિષે લખવા માટે પ્રેરિત થઈ. મારું વાંચન અને સાંભળેલા પ્રવચનોને આધારે મારી સમજ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીશ.
સત્વગુણ-રજોગુણ અને તમોગુણથી પુરી પ્રકૃતિ સર્જાયેલી છે માટે આ ત્રણ ગુણોનો પ્રભાવ દરેક પર હોય એ સ્વભાવિક છે, તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.
સાદો અને સરળ લાગતા શબ્દને ખરેખર સમજવો હોય તો ઘણુજ મુશ્કેલ છે. આમ જોઈએ તો પોતાની જાત માટે વિચારીએ એ આત્મ ચિંતન છે. શાંત ચિત્તે વિચારીએ તો, આપણે ક્યારેય આપણા વિષે વિચારતા જ નથી હમેશાં ઘર,પરિવાર,મિત્ર-મંડળ, આડોશી-પાડોશી અને સગાં સબંધી માટે વિચારીએ છીએ તે પણ તેમના સ્વભાવમાંથી દુધમાંથી પોરા શોધીએ તેમ તેના અવગુણો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, તેના સારા ગુણો ક્યારેય નજર ન આવે.ફલાણા ભાઈ આવા છે અને ઢીકણાં બેન આવાં છે. પુરી જીંદગી એમાં નીકળી જાય છે.
સતસંગ કર્યો હોય અને ભગવાનની જો મહેરબાની થાય તો કોઈ વખત વિચાર આવે અને પોતાની જાત માટે સવાલ થાય હું કોણ છું ? ધરતી પર મનુષ્ય દેહ મળ્યો છે મારું લક્ષ્ય શું છે ? ત્યારે જ આધ્યાત્મિક યાત્રા શરુ થાય અને સાચુ આત્મ ચિંતન શરું થાય છે.
સનાતન હિંદુ ધર્મએ આપણને સુંદર જીવન જીવવા માટે જ્ઞાન અને બોધ માટે ચાર વેદ, ઉપનિષદ,પુરાણો, ગીતા વગેરે અનેક ગ્રંથો માનવ જાતીની ઉન્નતિ માટે ભેટ રૂપે આપ્યા. આપણે ઋષિ મુનિઓના ઋણી છીએ. મનુષ્ય માત્રનો એક્જ ઉદ્દેશ છે અને તે છે પરમ તત્વને પામવુ, મોક્ષને પામવું. વાસનાઓથી મુક્ત થઈ મન શુધ્ધ કરી નિષ્કામ મનથી કર્મ બંધનોથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરવું એ આપણુ ધ્યેય છે. સંસારમાં રહીને પરિવાર પ્રેત્યેની પોતાની ફરજો નિભાવવાની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે મેળવવી ગ્રંથોમાં સમજાવ્યું છે. મનના મેલ સાફ ન થાય ત્યાં સુધી આ શક્ય નથી. માટે જ સતસંગ, સારા પુસ્તકોનુ વાંચન, સંતસમાગમ, ગુરુ જ્ઞાન અને બોધ જરુરી છે.
આજના સમયમાં આધુનિક ટેકનોલોજીને કારણ ઘરે બેઠા બેઠાં આસાનીથી આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. વ્યાસમુનિએ ચાર વેદ ગ્રંથો વગેરેનો વિસ્તાર કરીને આપણને જુદા જુદા અનેક દ્રષ્ટાંતો આપીને, વાર્તાઓ રચીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચાર વેદમાંથી અઢાર ઉપનિષદની રચના થઈ અને અઢાર ઉપનિષદની અંદર પણ અનેક વિભાગ અને શાખાઓ, ઋચાઓ વર્ણવેલી છે. ઘણુજ વિસ્તાર પુર્વક વર્ણન કરેલુ છે, મહાગ્રંથોનુ વર્ણન કરવું આપણા જેવા સામાન્ય માણસો માટે શક્ય નથી, કારણ ઉપનિષદ એ જ્ઞાની ગુરુ જ સમજાવી શકે, ઉપનિષદનો અર્થ જ એ થાય છે ગુરુની સમીપ ગુરુના ચરણોમાં બેસીને ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. આ એક ગુરુ-શિષ્ય પરંપરા છે.
ચાર વેદ, સામવેદ-ઋગવેદ-યજુર્વેદ-અર્થવેદ .
આત્માને સમજવો છે એટલે યજુર્વેદમાંથી સમજી શકાય.યજુર્વેદની પણ બે શાખા છે.
કૃષ્ણયજુર્વેદ અને શુક્લયજુર્વેદ
કૃષ્ણયજુર્વેદની ચાર શાખા અને શુક્લયજુર્વેદની બે શાખા
વૈશમ્પાયન ઋષિનો સબંધ કૃષ્ણ સાથે છે અને યાજ્ઞવલક ઋષિનો સબંધ શુક્લ સાથે છે, માટે કૃષ્ણ અને શુક્લ એમ બે શાખા છે.
યજુર્વેદનો એક ભાગ યાજ્ઞવલક ઋષિએ લખ્યો, બીજો વૈશમ્પાયન ( વ્યાસજી ) ઋષિ એ રચના કરી. યજુર્વેદમાં યજ્ઞ-કૃષિ અને યોગ સમજાવ્યા છે.કૃષ્ણયજુર્વેદની કઠ શાખા ઉપનિષદ છે માટે કઠોપનિષદ નામથી જાણીતો છે જેમાં નચિકેતા અને યમરાજાની વાર્તા આવે છે અને તેમાં ગીતામાં જેમ કર્મયોગ-ભક્તિયોગ-જ્ઞાનયોગ બતાવ્યા છે એવી જ રીતે અહિંયાં કર્મકાંડ-ઉપાસનાકાંડ-જ્ઞાનકાંડ બતાવ્યા છે જ્યારે શુક્લયજુર્વેદના બૃહદારણ્યકોપનિષદમાં કર્મબંધનથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. સ્થુલ અને શુક્ષ્મ શરીરનુ વિજ્ઞાન વિસ્તારથી સમજાવ્યુ છે. સ્થુલ શરીર માટે યોગાસનો છે તેમ શુક્ષ્મ શરીર માટે ધ્યાન(મેડીટેશન) યોગ છે. આત્મા એ શુક્ષ્મ શરીરનો વિષય છે. માટે વેદાંતની અંદર પંચીકરણના નિયમો સમજાવીને સ્થુલ શરીર અને શુક્ષ્મ શરીરની અંદર આત્મા અને શરીરનો ભેદ સમજાવ્યો છે. શુક્ષ્મ શરીરની અંદર આત્મા-મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર અને જ્ઞાનેનદ્રિયો રહેલી છે જે કોઈ જોઈ શકતું નથી શરીરના બીજા અવયવો એક્સરે,અલ્ટ્રા સાઉન્ડ,એમ.આર.આઈ દ્વારા જોઈ શકાય છે. સ્થુલ શરીરની રચના આજનુ વિજ્ઞાન આસાનીથી સમજાવી શકે છે. શુક્ષ્મ શરીરનુ વિજ્ઞાન સમજવું ક્ઠીન છે. શુક્ષ્મ શરીર એ ધ્યાન દ્વારા જ સમજી શકાય તે પણ સાધના કર્યા પછીથી, માટે આત્માને સમજવો ક્ઠીન છે. આત્મા વિષે જાણીએ છીએ, જ્ઞાન છે છતાં પણ તેની અનુભુતી કરવા માટે પ્રખર સાધના કરવી પડે છે. આપણા જેવા સંસારી માણસો માટે બહુજ કઠીન કામ છે.
હું કોણ છું ? હું આત્મા છું. બોલવાથી ના સમજાય તેની અનુભુતિ કરવા માટે વર્ષો સાધના કરવી પડે છે. આત્માની આજુબાજુ માયાનુ આવરણ, એક કવર છે માટે આપણે આપણી જાતને આ શરીરને જ હું છું માની લઈએ છીએ. હું અને મારુ એ બંધન કર્તા છે. જ્યાં સુધી આવરણ દુર ના થાય ત્યાં સુધી આત્માને સમજી ના શકીએ.જ્યારે સમજાય અનુભુતિ થાય ત્યારે જગત કાલ્પનિક દેખાય છે. આત્મા, નિત્ય શુધ્ધ-પવિત્ર ,સત-ચિત્ત-આનંદ તેનુ સ્વરૂપ હમેશાં દ્રષ્ટાભાવમાં જ રહે છે. તેની સમાધિ અવસ્થા છે. કર્તા ભોક્તા મન છે, તેનો દ્રષ્ટા, શાક્ષી આત્મા છે. મન મલીન છે આત્મા એ પરમાત્માનુ સ્વરૂપ છે ક્યારેય મલીન ના હોઈ શકે.
આત્મા વિષે જૈન સાધવી ડૉ.પૂ તરૂલતાબાઈ મહાસતીજી શું કહે છે જાણીએ. તરૂલતાબાઈ મહાસતીજી આધ્યાત્મ યોગીની બા.બ.પૂ. લલિતાબાઈ મહાસતીજીના શીષ્યા હતા. યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રજી રચિત “આધ્યાત્મ શાસ્ત્ર “ પર દક્ષિણ ભારતમાં ચાર્તુરમાસ પ્રવચનો આપ્યા. તેનો ગ્રંથ “ હું આત્મા છું “ રૂપે પ્રગટ થયો. તરૂલતાબાઈ પ્રવચન પછીથી પાંચ મિનિટ આત્મ ચિંતન કરાવતાં,
“ હું આત્મા છું “ તેમના પુસ્તકની થોડી રત્નકણિકાઓ લખું છું.
વીતરાગતા.
હું આત્મા છું. વીતરાગતા મારું સ્વરૂપ છે.હું રાગરૂપ નથી, દ્વેષરૂપ પણ નથી, રાગ-દ્વેષથી ભિન્ન માત્ર શુધ્ધ નિર્મળ અવિકારી સ્વરૂપ મારું. ભાન ભુલી રાગાદીને મારા માની રહ્યો. આત્માને પામવા માટે નિજાનંદનો અનુભવ કરવા માટે રૂચિ બદલવાની જરૂર છે.
સંસાર દશા.
સંસાર દશા એ મારી નથી, અજ્ઞાનને કારણે પર સંયોગને કારણ સંસાર દશા ઉભી થઈ છે. આ સંસાર દશામાં જીવને ક્યાંય શાંતિ ન મળી, સુખ ન મળ્યુ, તૃપ્તિ કે આનંદ ન મળ્યા, એવી ભટકાવનાર દશા હવે નથી જોઈતી. હવે એ દશાને પામુ જે દશામાં માત્ર આનંદ, માત્ર સુખ, માત્ર સમ્યક્વેદન, માત્ર સ્વભાવનુ અખંડ જ્ઞાન, એનુ એજ અખંડ અવિકારી અવિનાશી એવા સ્વરુપને માણું, એવા સ્વરૂપને જાણું. આત્મ ભાવમાં લીન થવું છે, એ માટે શુધ્ધાત્માનુ ચિંતન.
ત્રિકાળી શુધ્ધ.
ત્રિકાળી શુધ્ધ, પૂર્ણ, નિત્ય, ધ્રુવ, ચિદાનંદ સ્વરૂપી હું આત્મા હું સર્વદા શુધ્ધ છું. પાપ-પુણ્ય રહિત કર્મ રહિત એવા શુધ્ધ આત્માને ચિંતુ, મારા અનંત સુખનો સ્પર્શ કરી શકું.મારામાં સ્થિર થાઉં, સત્તચિદાનંદ આત્માને પામવા માટે શુધ્ધાત્માનુ ચિંતન.
અનંત ક્ષમા.