આત્મ ચિંતન-હેમાબેન પટેલ

રાજુલબેનની રચના ‘ મન રે તુ કાહે ક્રોધ કરે ‘ ક્રોધ વિષે સુંદર આલેખન વાંચ્યુ, વિષય ગમ્યો, અને તેમાંથી હું આત્મા વિષે લખવા માટે પ્રેરિત થઈ. મારું વાંચન અને સાંભળેલા પ્રવચનોને આધારે મારી સમજ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીશ.

સત્વગુણ-રજોગુણ અને તમોગુણથી પુરી પ્રકૃતિ સર્જાયેલી છે માટે આ ત્રણ ગુણોનો પ્રભાવ દરેક પર હોય એ સ્વભાવિક છે, તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.

સાદો અને સરળ લાગતા શબ્દને ખરેખર સમજવો હોય તો ઘણુજ મુશ્કેલ છે. આમ જોઈએ તો પોતાની જાત માટે વિચારીએ એ આત્મ ચિંતન છે. શાંત ચિત્તે વિચારીએ તો,  આપણે ક્યારેય આપણા વિષે વિચારતા જ નથી હમેશાં ઘર,પરિવાર,મિત્ર-મંડળ, આડોશી-પાડોશી અને સગાં સબંધી માટે વિચારીએ છીએ તે પણ તેમના સ્વભાવમાંથી દુધમાંથી પોરા શોધીએ તેમ તેના અવગુણો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, તેના સારા ગુણો ક્યારેય નજર ન આવે.ફલાણા ભાઈ આવા છે અને ઢીકણાં બેન આવાં છે. પુરી જીંદગી એમાં નીકળી જાય છે.

સતસંગ કર્યો હોય અને ભગવાનની જો મહેરબાની થાય તો કોઈ વખત વિચાર આવે અને પોતાની જાત માટે સવાલ થાય હું કોણ છું ? ધરતી પર મનુષ્ય દેહ મળ્યો છે મારું લક્ષ્ય શું છે ? ત્યારે જ આધ્યાત્મિક યાત્રા શરુ થાય અને સાચુ આત્મ ચિંતન શરું થાય છે.

સનાતન હિંદુ ધર્મએ આપણને સુંદર જીવન જીવવા માટે જ્ઞાન અને બોધ માટે ચાર વેદ, ઉપનિષદ,પુરાણો, ગીતા વગેરે અનેક ગ્રંથો માનવ જાતીની ઉન્નતિ માટે ભેટ રૂપે આપ્યા. આપણે ઋષિ મુનિઓના ઋણી છીએ. મનુષ્ય માત્રનો એક્જ ઉદ્દેશ છે અને તે છે પરમ તત્વને પામવુ, મોક્ષને પામવું. વાસનાઓથી મુક્ત થઈ મન શુધ્ધ કરી નિષ્કામ મનથી કર્મ બંધનોથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરવું એ આપણુ ધ્યેય છે. સંસારમાં રહીને પરિવાર પ્રેત્યેની પોતાની ફરજો નિભાવવાની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે મેળવવી ગ્રંથોમાં સમજાવ્યું છે. મનના મેલ સાફ ન થાય ત્યાં સુધી આ શક્ય નથી. માટે જ સતસંગ, સારા પુસ્તકોનુ વાંચન, સંતસમાગમ, ગુરુ જ્ઞાન અને બોધ જરુરી છે.

આજના સમયમાં આધુનિક ટેકનોલોજીને કારણ ઘરે બેઠા બેઠાં આસાનીથી આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. વ્યાસમુનિએ ચાર વેદ ગ્રંથો વગેરેનો વિસ્તાર કરીને આપણને જુદા જુદા અનેક દ્રષ્ટાંતો આપીને, વાર્તાઓ રચીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચાર વેદમાંથી અઢાર ઉપનિષદની રચના થઈ અને અઢાર ઉપનિષદની અંદર પણ અનેક વિભાગ અને શાખાઓ, ઋચાઓ વર્ણવેલી છે. ઘણુજ વિસ્તાર પુર્વક વર્ણન કરેલુ છે, મહાગ્રંથોનુ વર્ણન કરવું આપણા જેવા સામાન્ય માણસો માટે શક્ય નથી, કારણ ઉપનિષદ એ જ્ઞાની ગુરુ જ સમજાવી શકે, ઉપનિષદનો અર્થ જ એ થાય છે ગુરુની સમીપ ગુરુના ચરણોમાં બેસીને ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. આ એક ગુરુ-શિષ્ય પરંપરા છે.

ચાર વેદ, સામવેદ-ઋગવેદ-યજુર્વેદ-અર્થવેદ .

આત્માને સમજવો છે એટલે યજુર્વેદમાંથી સમજી શકાય.યજુર્વેદની પણ બે શાખા છે.

કૃષ્ણયજુર્વેદ અને શુક્લયજુર્વેદ

કૃષ્ણયજુર્વેદની ચાર શાખા અને શુક્લયજુર્વેદની બે શાખા

વૈશમ્પાયન ઋષિનો સબંધ કૃષ્ણ સાથે છે અને યાજ્ઞવલક ઋષિનો સબંધ શુક્લ સાથે છે, માટે કૃષ્ણ અને શુક્લ એમ બે શાખા છે.

યજુર્વેદનો એક ભાગ યાજ્ઞવલક ઋષિએ લખ્યો, બીજો વૈશમ્પાયન ( વ્યાસજી ) ઋષિ એ રચના કરી. યજુર્વેદમાં યજ્ઞ-કૃષિ અને યોગ સમજાવ્યા છે.કૃષ્ણયજુર્વેદની કઠ શાખા ઉપનિષદ છે માટે કઠોપનિષદ નામથી જાણીતો છે  જેમાં નચિકેતા અને યમરાજાની વાર્તા આવે છે અને તેમાં  ગીતામાં જેમ કર્મયોગ-ભક્તિયોગ-જ્ઞાનયોગ બતાવ્યા છે એવી જ રીતે અહિંયાં કર્મકાંડ-ઉપાસનાકાંડ-જ્ઞાનકાંડ બતાવ્યા છે જ્યારે શુક્લયજુર્વેદના બૃહદારણ્યકોપનિષદમાં કર્મબંધનથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. સ્થુલ અને શુક્ષ્મ શરીરનુ વિજ્ઞાન વિસ્તારથી સમજાવ્યુ છે. સ્થુલ શરીર માટે યોગાસનો છે તેમ શુક્ષ્મ શરીર માટે ધ્યાન(મેડીટેશન) યોગ છે. આત્મા એ શુક્ષ્મ શરીરનો વિષય છે. માટે વેદાંતની અંદર પંચીકરણના નિયમો સમજાવીને સ્થુલ શરીર અને શુક્ષ્મ શરીરની અંદર આત્મા અને શરીરનો ભેદ સમજાવ્યો છે. શુક્ષ્મ શરીરની અંદર આત્મા-મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર અને જ્ઞાનેનદ્રિયો રહેલી છે જે કોઈ જોઈ શકતું નથી શરીરના બીજા અવયવો એક્સરે,અલ્ટ્રા સાઉન્ડ,એમ.આર.આઈ દ્વારા જોઈ શકાય છે. સ્થુલ શરીરની રચના આજનુ વિજ્ઞાન આસાનીથી સમજાવી શકે છે. શુક્ષ્મ શરીરનુ વિજ્ઞાન સમજવું ક્ઠીન છે. શુક્ષ્મ શરીર એ ધ્યાન દ્વારા જ સમજી શકાય તે પણ સાધના કર્યા પછીથી, માટે આત્માને સમજવો ક્ઠીન છે. આત્મા વિષે જાણીએ છીએ, જ્ઞાન છે છતાં પણ તેની અનુભુતી કરવા માટે પ્રખર સાધના કરવી પડે છે. આપણા જેવા સંસારી માણસો માટે બહુજ કઠીન કામ છે.

હું કોણ છું ? હું આત્મા છું. બોલવાથી ના સમજાય તેની અનુભુતિ કરવા માટે વર્ષો સાધના કરવી પડે છે. આત્માની આજુબાજુ માયાનુ આવરણ, એક કવર છે માટે આપણે આપણી જાતને આ શરીરને જ હું છું માની લઈએ છીએ. હું અને મારુ એ બંધન કર્તા છે. જ્યાં સુધી આવરણ દુર ના થાય ત્યાં સુધી આત્માને સમજી ના શકીએ.જ્યારે સમજાય અનુભુતિ થાય ત્યારે જગત કાલ્પનિક દેખાય છે. આત્મા, નિત્ય શુધ્ધ-પવિત્ર ,સત-ચિત્ત-આનંદ તેનુ સ્વરૂપ હમેશાં દ્રષ્ટાભાવમાં જ રહે છે. તેની સમાધિ અવસ્થા છે. કર્તા ભોક્તા મન છે, તેનો દ્રષ્ટા, શાક્ષી આત્મા છે. મન મલીન છે આત્મા એ પરમાત્માનુ સ્વરૂપ છે ક્યારેય મલીન ના હોઈ શકે.

આત્મા વિષે જૈન સાધવી ડૉ.પૂ તરૂલતાબાઈ મહાસતીજી શું કહે છે જાણીએ. તરૂલતાબાઈ મહાસતીજી આધ્યાત્મ યોગીની બા.બ.પૂ. લલિતાબાઈ મહાસતીજીના શીષ્યા હતા. યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રજી રચિત  “આધ્યાત્મ શાસ્ત્ર “  પર દક્ષિણ ભારતમાં ચાર્તુરમાસ પ્રવચનો આપ્યા. તેનો ગ્રંથ “ હું આત્મા છું “ રૂપે પ્રગટ થયો. તરૂલતાબાઈ પ્રવચન પછીથી પાંચ મિનિટ આત્મ ચિંતન કરાવતાં,

“ હું આત્મા છું “ તેમના પુસ્તકની  થોડી રત્નકણિકાઓ લખું છું.

વીતરાગતા.

હું આત્મા છું. વીતરાગતા મારું સ્વરૂપ છે.હું રાગરૂપ નથી, દ્વેષરૂપ પણ નથી, રાગ-દ્વેષથી ભિન્ન માત્ર શુધ્ધ નિર્મળ અવિકારી સ્વરૂપ મારું. ભાન ભુલી રાગાદીને મારા માની રહ્યો. આત્માને પામવા માટે નિજાનંદનો અનુભવ કરવા માટે રૂચિ બદલવાની જરૂર છે.

સંસાર દશા.

સંસાર દશા એ મારી નથી, અજ્ઞાનને કારણે પર સંયોગને કારણ સંસાર દશા ઉભી થઈ છે. આ સંસાર દશામાં જીવને ક્યાંય શાંતિ ન મળી, સુખ ન મળ્યુ, તૃપ્તિ કે આનંદ ન મળ્યા, એવી ભટકાવનાર દશા હવે નથી જોઈતી. હવે એ દશાને પામુ જે દશામાં માત્ર આનંદ, માત્ર સુખ, માત્ર સમ્યક્વેદન, માત્ર સ્વભાવનુ અખંડ જ્ઞાન, એનુ એજ અખંડ અવિકારી અવિનાશી એવા સ્વરુપને માણું, એવા સ્વરૂપને જાણું. આત્મ ભાવમાં લીન થવું છે, એ માટે શુધ્ધાત્માનુ ચિંતન.

ત્રિકાળી શુધ્ધ.

ત્રિકાળી શુધ્ધ, પૂર્ણ, નિત્ય, ધ્રુવ, ચિદાનંદ સ્વરૂપી હું આત્મા હું સર્વદા શુધ્ધ છું. પાપ-પુણ્ય રહિત કર્મ રહિત એવા શુધ્ધ આત્માને ચિંતુ, મારા અનંત સુખનો સ્પર્શ કરી શકું.મારામાં સ્થિર થાઉં, સત્તચિદાનંદ આત્માને પામવા માટે શુધ્ધાત્માનુ ચિંતન.

અનંત ક્ષમા.

હજી મને યાદ છે-૬- મીઠો અહેસાસ-હેમાબેન પટેલ

જીવન એક અનોખી સફર છે, તેમાં અનેક જુદા જુદા પ્રસંગો આવે છે, કોઈ સુખદ તો કોઈ દુખદ. આપણું મન એવું છે તેને અતિતમાં મ્હાલવુ ખુબજ ગમે છે. હવે જો અતિત સુખમય હોય અને વર્તમાન દુખી હોય તો તે સુખને યાદ કરીને દુખી થવાનુ, દુખ ડબલ થઈ જાય છે. અને અતિત દુખી હતું અને અત્યારે સુખ છે તો દુખી અતિત યાદ કરીને આજે સુખના સમયમાં પણ દુખી થઈ જવાનુ. માણસને ટેવ છે તે અતિતમા જીવશે યા તો ભવિષ્યમાં જીવશે, કોઈ વર્તમાનમાં જીવવા માટે તૈયાર નથી. ખરેખર તો જે વર્તમાનમાં જીવે છે તે જ સૌથી સુખી માણસ ગણાય.

પરંતું જીવનના ઘણા પ્રસંગો, ઘણી ક્ષણો એવી હોય છે તેને ગમે ત્યારે યાદ કરો, મીઠો અહેસાસ કરાવે અને રોમાંચ અનુભ કરીએ છીએ. આવી સુનેહરી ક્ષણો જ્યારે પણ યાદ આવે ત્યારે અતિત વ્હાલુ લાગે છે, તે યાદો પ્યારી લાગે છે. સુખના દિવસો કે દુખના દિવસો હોય તે ક્ષણો ગમે ત્યારે યાદ કરો બસ તે આનંદ આપે છે.

હજી મને યાદ છે એ સુખદ ક્ષણ જ્યારે મારા પુત્રનો જન્મ થયો, મેં એને ગોદમાં લીધો, હ્રદયે લગાડ્યો તેના નાજુક, મુલાયમ,કોમળ અંગનો સ્પર્ષ થતાં જ મારુ હ્રદય ખુશીથી પુલકીત થઈ ગયુ. રોમ રોમ રોમાંચ અનુભવતુ હતું. મારા પુત્રની જનની બની દુનિયાનુ મોઘેરુ માતૃત્વ સુખ પામી હું ધન્ય થઈ ગઈ,તેની જનેતા બની તો બદલામાં મારા દિકરાએ મને એક સામાન્ય સ્ત્રીમાંથી માતા બનાવી ભગવાનથી પણ ઉંચો દરજ્જો અપાવી દીધો. દુનિયામાં આનાથી મોટી ખુશી બીજી કોઈ  હોઈ શકે ? મારી ખુશી અને આનંદ એટલો બધો હતો જાણે મને કુબેરનો મોટો ખજાનો મળી ગયો.સંતાન પ્રાપ્તિનો અનુભવ અને આનંદને શબ્દમાં વર્ણન કરવું મારા માટે કઠીન છે, તેનો માત્ર અહેસાસ કરી અનુભુતી થાય છે. દુનિયા ભુલીને તેના લાલન પાલનમાં વ્યસ્ત બની માતૃત્વ પદને માણતી રહી. સંતાન સુખ એ દુનિયાનુ સૌથી વધારે આનંદમય અમુલ્ય સુખ કહેવાય.

મારો પુત્ર જરા પણ બિમાર થાય કેટલી બધી ચિંતા, તેને તાવ આવ્યો હોય તો જાણે મારા ઉપર આસમાન તુટી પડ્યું ! મા છું ને, જીવ અધિરીઓ થઈ જાય. ખબર છે નાની બિમારી છે જાણવા છતાં પુત્રની મમતા અને મોહ નાહકની મને વીહવળ કરી દે.

દરેક વસ્તુ માટે બાળ હઠ, જીદ કરે ત્યારે તેને પ્રેમથી સમજાવવો. સ્કુલે જવા માટે તૈયાર કરવો, હોમ વર્ક કરાવવુ, આ ખાવાનુ ભાવે આ ના ભાવે,કપડાં-સુઝ બસ આવા જ જોઈએ, રમકડાં માટે જીદ, તેની કાલી ઘેલી ભાષા સાંભળી તેની સાથે કાલી ઘેલી ભાષામાં વાત કરવી. હા એક વાત બહુજ યાદ આવે છે દરોજ રાત્રે જમીને જુહુ બીચની લટાર મારવા લઈ જવો પડે, કેટલી બધી જીદ ! બાળકો પાસે પોતાની જીદ પુરી કરવા માટે તેમની પાસે સૌથી મોટું હથિયાર રડવાનુ, તેમના આંસુ જોઈ આપણે પીગળી જઈએ. તેની ફરમાઈશ અને માગણીઓ, તેની મસ્તી-ધમાલ, અરે શું લખું અને શું ના લખું ,લખવા બેસીએ તો આખું પુસ્તક લખાય ! નાની ઉંમર પહેલું સંતાન, મારા માટે ખરેખર એ ગોલ્ડન પિરીયડ હતો.

જતનથી મોટો કર્યો, આંખ સામે મોટો થતાં જોઈ, તેની બાળલીલાઓ આજે પણ બરાબર યાદ છે.પૌત્રો-પૌત્રી તેનો મોટો દિકરો બાવીસ વર્ષનો થયો, તેઓને મારી નજરની સામે જ મોટા થતાં જોઉં છું છતાં પણ મારા દિકરાનુ બાળપણ આજની તારીખમાં આંખ સામે રમે છે. અનાયાસે મારા પુત્ર અને પૌત્રો અને પૌત્રી વચ્ચે ઘણી વખત સરખામણી અને તુલના થઈ જાય છે. ખેર એ સમય જુદો હતો એ આપણો ભારત દેશ હતો, આ સમય જુદો છે અમેરિકા દેશ છે તફાવત રહેવાનો છે. તેના બાળકો મસ્તી કરે ત્યારે તેઓને ખીજાય ત્યારે મારે બોલવું પડે ભાઈ મને તારુ બાળપણ બરાબર યાદ છે તારા બાળકો તારા કરતા ઓછી ધમાલ કરે છે એટલે શાંત થા એ લોકો ઉપર ગુસ્સો ના કરીશ.

એક સુખદ ક્ષણ અનેક ક્ષણો બની ગઈ કલાકો,દિવસો અને વર્ષોમાં બદલાઈ.એ ક્ષણોનો દિલથી જીભરીને આનંદ ઉઠાવ્યો હતો કેમ ભુલાય. જીવનમાં હજારો સારા-ખોટા,સુખદ-દુખદ પ્રસંગો આવ્યા, કોઈ કોઈ તો અદભુત પ્રસંગો હોય જે આપણી બુધ્ધિ માનવા તૈયાર ના હોય.બધાજ પ્રસંગો ક્યારે ને ક્યારે યાદ આવ્યા વીના ના રહે. મારા માટે જે દિવસે પુત્ર-પુત્રી,પૌત્રો અને પૌત્રીને પામી એ સૌથી યાદગાર પ્રસંગ છે જે ક્યારેય દુખ નહી પરંતુ સુખ અને આનંદનો અહેસાસ કરાવે છે.

આપણી પાસે સર્વ પ્રકારનુ સુખ હોય પરંતુ સંતાન ન હોય તો જીવન અધુરુ લાગે. સંતાનની ઝંખના સ્ત્રીને વ્યાકુળ બનાવી દે છે. માતૃત્વને પામ્યા વીના સ્ત્રી અધુરી છે, મા બન્યા પછી પુર્ણતાને પામે છે.

હેમાબેન પટેલ

હજી મને યાદ છે-૫ – એક ભુલ-હેમાબેન પટેલ

૧૯૫૬ની વાત છે. મારી ઉંમર ૧૧ વર્ષની હતી.એ સમય સાવ અલગ હતો, મોટી બહેન હોય તેણે નાના ભાઈ બહેનની કાળજી, દેખરેખ રાખવી પડે, રમાડવા પડે, હિંચકા નાખવા પડે. નાના ભાઈ બહેનની જવાબદારી મોટાં ભાઈ બહેનના માથે હોય, કેમકે મા તેના કામમાં ખુબજ વ્યસ્ત હોય, મોટો પરિવાર અને ઘણા બધાં ભાઈ બહેન, મમ્મીને બિલકુલ સમય ના મળે. ઉનાળાનો સમય હતો સ્કુલમાં રજાઓ હતી. સહેલીને ઘરે રમવા જવું હતું, બહેનને પણ સંભાળવાની છે, કરવુ શું ? હું મારી એક વર્ષની નાની બહેનને લઈને મારી સહેલી જે બાજુના ઘરમાં રહે તેના ઘરે રમવા ગઈ. એ જમાનામાં છોકરીઓને રમવા માટે કૉડીઓ અને કુકા તેમજ પત્તાં રમત રમવાનુ સાધન હતાં. હું અને મારી સહેલી પત્તાં રમતાં હતાં નાની ઉંમર એટલે ઢગલાબાજી સીવાય બીજી કઈ રમત હોઈ શકે. અમે બંને રમવામાં મશગુલ હતાં. મારી બહેન બાજુમાંજ રમતી હતી. અમને નિરાંત હતી.

મારી સેહેલીની મમ્મીને વા ની બિમારી હતી એટલે તેમને પગ દુખ્યા કરે, રાત્રે પગે કેરોસીનની માલીસ કરી સુઈ જાય એટલે બીજી રુમમાં ખુણામાં એક નાના પ્યાલામાં કેરોસીન ભરી રાખ્યુ હતું, મારી બહેન રમતી રમતી બીજી રુમમાં પહોચી ગઈ અને પ્યાલામાં જે કેરોસીન હતું તે પાણી સમજી પી ગઈ. અમે અનજાન, આ ક્યાં ચાલી ગઈ ? બહેન ક્યા છે ખબર નહી, તેણે જોર જોરમાં ખાંસી ખાવા માંડી એટલે અમે બીજી રુમમાં ભાગ્યા જોયુ તો ક્પની અંદર કેરોસીન હતું તે બધુ પી ગઈ હતી. હું તો ખુબજ ઘભરાઈ ગઈ, એની ખાંસી વધતી ગઈ નીચે જઈને અમે પાણી પીવડાવ્યુ તેને ગોળ ખવડાવ્યો તો પણ ખાંસી બંધ ના થાય. બીકના માર્યા કોઈને કીધુ નહી.તેને પતાસુ ખવડાવ્યુ, ખાંડ ખવડાવી કે જેથી ઉદરસ બંધ થાય. તેને સારુ થાય એટલે જાત જાતના નુસકા કર્યા, ઉધરસ બંધ થવાનુ નામ ના લે. હવે ફાટી  ! મમ્મી જાણશે તો ગુસ્સે થશે તુ નાની બહેનનુ ધ્યાન નથી રાખી શકતી. તેની તબીયત વધારે બગડતી ગઈ મૉઢાનો કલર બદલાવા લાગ્યો, મારો ડર વધતો ગયો, માને કહ્યા વીના છુટકો હતો નહી હવે વાત છુપાવી શકાય એમ હતી નહી એટલે ઘભરાતાં ઘભરાતાં ઘરે વાત કરી. મારી મા બહેનને જોઈ તે પણ ઘભરાઈ ગઈ તેના હોશ ઉડી ગયા. જેમ સમય વીત્યો તેની હાલત વધારે બગડી, તે બેભાન થઈ ગઈ અને મૉઢામાંથી ફીણ નીકળવા લાગ્યુ. મારી હાલત બહુજ ખરાબ હતી મારે લીધે મારી બહેનને કંઈ થઈ જશે તો હું શું કરીશ ? મારી બહેનની હાલત જોઈ મને ખુબજ દુખ થયું, વિચારવા લાગી આ મેં શું કર્યું ? હું તેના ઘોડિયા આગળ બેઠી બેઠી રડતી હતી, મારો જ વાંક હતો, મેં ગુનો કર્યો હતો. આખુ ફળિયુ ભેગુ થઈ ગયું. ડૉક્ટર આવ્યા તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી. ધીમે ધીમે ભાનમાં આવી આંખ ખોલી, કલાકો પછી તે સાજી થઈ, મને હાશ થઈ. બહેન મારી ત્યારે એક્જ વર્ષની હતી તેને આ કેરોસીનનો ડૉઝ કેટલો બધો ભારી પડ્યો આજે સમજાય છે.

આજે પણ જ્યારે તે પ્રસંગ યાદ આવે છે ત્યારે રુવાંટા ખડાં થઈ જાય છે અને મારી નાદાનીયત પર હસવું પણ આવે છે. એ જમાનામાં દસ અગીયાર વર્ષની છોકરીઓને આજની છોકરીઓની જેટલી અક્ક્લ ક્યાં હતી ? એ જમાનામાં છોકરીઓ થોડી અલ્લડ અને ભોળી હતી, ઝાઝી સમજ હતી નહી. અમારો પરિવાર ભેગો થયો હોય અને આ પ્રસંગની વાત નીકળે ત્યારે બધાં ખડખડાટ હસે છે. જે કેરોસીન પી ગઈ હતી તે સૌથી વધારે હસે છે. જ્યારે ઘટના ઘટી ત્યારે અપાર દુખ અને ચિંતા હતી અત્યારે એ વાત પર હસવું આવે છે.

હેમાબેન પટેલ

ફિલ્મ ઉપર સમીક્ષા-(2)હેમાબેન પટેલ

ફિલ્મ  – The Joy of giving-અવલોકન 

joy of giving

અનુરાગ કશ્યપની આ ટુંકી ફિલ્મ જે ગરીબ, મજબુર માસુમ બાળકો કેવી રીતે જીંદગી જીવ્યા રહ્યા છે તેના પર પ્રકાશ પાડે છે.બહુજ ઓછા પાત્રો બહુજ ઓછા સંવાદ છતાં પણ ચહેરાના હાવભાવો આંખોની ભાષા ઘણું બધુ કહે છે.ભારતની વધતી આબાદી તેમાં મુંબઈ જેવાં મોટા શહેરમાં જ્યાં ગરીબ માણસોને રહેવા ઘર ન હોય નાના બાળકો ભુખથી પીડાતા હોય.ફિલ્મનુ એક ખાસ પાત્ર નાનો છોકરો દરોજ ખાવાની ચોરી કરીને ખાવાનુ તેના સાથીદાર મિત્રોને વહેચે, બધા જ ભેગા મળીને હસીખુશી મિજબાની કરે છે.સાથીદાર મિત્રોને ખાવાનુ આપીને,છોકરાના ચહેરા પર ખુશી અને માસુમિયત દેખાઈ આવે છે.તે નાદાન છે,મિત્રોની સાથે વહેંચીને ખાવામાં તેને અનેરો આનંદ મળે છે.આખી ફિલ્મમાં આ માસુમ છોકરો એક પણ શબ્દ બોલ્યો નથી તો પણ તેના હાવભાવ, તેનુ મૌન આપણને ઘણુ બધુ સમજાવે છે. તેના હસવાનો અવાજ તેની માસુમિયત અને ખુશી દર્શાવે છે.

સહજતાથી ચોરી કરીને ભાગે,તેને પોતાને એ પણ ભાન નથી ચોરી કરવી એ એક ગુનો છે,પાપ છે. તેને નિતીના પાઠ કોણ ભણાવે ? બે વખત ખાવા માટે જ્યાં અન્ન ન હોય તેઓને સ્કુલે જઈને ભણવું એ કઠીન કામ છે.છોકરાને કદાચ ખબર હોય ચોરી કરવી એ ખોટુ કામ છે, છતાં પણ આપણે જાણીએ છીએ પેટની ભુખ આગળ બધું જ ડહાપણ ચાલ્યું જાય.મજબુરીમાં ખોટાં કામ થઈ જાય છે.

બીજું પાત્ર આધેડવયની વ્યક્તિ તેના ચહેરાના ભાવથી ખબર પડે તે આ છોકરાથી પ્રભાવીત છે, તેને સમજી શક્યો છે, તે પણ છોકરાને બેગમાં બિસ્કિટ ભરીને આપી સંતુષ્ટ થાય છે.

બહુજ સુંદર મેસેજ આપ્યો છે – આપણી પાસે કંઈ હોય તેનો આનંદ અનેરો હોય છે પરંતું આપણી પાસે જે છે તે બીજાને આપીએ ત્યારે તે આનંદ બમણો થઈ જાય છે.બીજાને આપીને ખુશ થઈ સંતુષ્ટ થવું એ બહુ મોટી વાત કહેવાય.

હેમાબેન પટેલ

આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી (૨) હેમાબહેન પટેલ

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય
“આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી” -હેમાબહેન પટેલ​-

સહિયારું સર્જન - ગદ્ય

10640995_327356450767791_2388044564322389645_n

પ્રકૃતિનો નિયમ છે તેમાં સતત પરિવર્તન આવતું રહે છે, તેવીજ રીતે આપણા જીવનમાં પણ પરિવર્તનને કારણ બદલાવ આવતો રહે છે.આ બદલાવનો અર્થ એકજ થાય છે . જીવનનો ઉદય થઈ અને ઉન્નતિ થવી.ક્ષેત્ર કોઈ પણ હોઈ શકે.દરેક વ્યક્તિમાં પોતાની ઉન્નતિ કરવાનુ સામર્થ્ય રહેલું હોય છે. પોતાની જાતે જ પ્રયત્ન કરવાનો છે.

ઈશ્વરને લગતા કોઈ પણ કાર્યમાં રચ્યા પ્ચ્યા રહી તેના વિષેજ વિચારવું એના થકી જ મન જાગૃત થઈને જીવનનો ઉદય અવશ્ય થાય છે. આ પરમ તત્વને જાણવા માટે તેને પામવા માટે શાસ્ત્રોએ અનેક માર્ગ બતાવ્યા. યોગ માર્ગ , ભક્તિમાર્ગ અને જ્ઞાન માર્ગ આ ત્રણ માર્ગ એ ઉત્થાનની સીડી કહેવાય. વેદાધ્યયન આદી વડે આત્માને જાણવાની ઈચ્છા થાય છે.આત્માને ઉદ્દેશીને જે જ્ઞાન કહેવામાં આવે છે તે ચાર પ્રકારનુ છે, આત્માનુ શ્રવણ કરવું મનન કરવુ, નિદિધ્યાસન કરવું અને શાક્ષાત્કાર કરવો. શ્રોત્ર ઈન્દ્રિયોથી, શ્રવણ-મનન એ મનથી, નિદિધ્યાસન તથા આત્મશાક્ષાત્કાર એ બુધ્ધિથી થાય છે. વેદ, ઉપનિષદ વગેરેનુ અર્થ સહીત અધ્યયન કરવું તે સ્વાધ્યાય છે.એ સ્વાધ્યાય તથા…

View original post 1,177 more words

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર-(3)હેમાબેન પટેલ

photo 2

આ બહુજ ઘહેરો વિષય છે, તેમાં ઉંડું તત્વચિંતન સમાયેલું છે અને તેને સમજવું આસાન કામ નથી.છતાં પણ આપણે સૌ સિનીયર માટે ઈન્ટ્રેસ્ટીંગ વિષય છે.કારણ આપણે એવા પડાવ પર આવીને ઉભા છીએ જ્યાં ચિંતનની ખુબજ જરૂર છે.દરેકે આગળનુ ભાથુ તૈયાર કરીને રાખવું પડે છે.આખી જીંદગી પરિવાર પાછળ વ્યસ્ત રહ્યા હોઈએ.,ઈશ્વર માટે બહુ સમય ન મળ્યો હોય એટલે મોટા ભાગના લોકો ઘડપણમાં ભગવાનને યાદ કરે પરંતું આ ખોટુ છે. ઈશ્વર ચિંતન માટે આપણો એક જન્મ ઓછો પડે. કેટલા જન્મોથી તેને ભજતા આવીએ ત્યારે અનેક જન્મના ઈશ્વર ચિંતન પછીથી આપણો ઉધ્ધાર થાય.જન્મ-મૃત્યુના ચક્ક્રરમાંથી નિકળવું હોય તો આ વિષયને સમજવો બહુજ જરૂર છે.

આપણે સૌ દુનિયાની પંચાત કરવામાં રચ્યા પચ્યા રહેતા હોઈએ છીએ, ક્યારેય આપણી પોતાની અંદર ઝાંખવાનો પ્રયત્ન પણ નથી કરતા. પરંતું જો એક વખત પણ આપણી જાતને સવાલ કરીએ હું કોણ છું ? તો આપણી અંદર જે છે તેની ખોજ ચાલુ થઈ જશે.ચૈતન્ય સ્વરુપને સમજવા માટે આપણી જાતને ઢંઢોરવી પડે.

( ચૈતન્ય સ્વરૂપ આત્મા અને પરર્માત્મા છે.જો ચૈતન્ય સ્વરૂપનો પુર્ણ પણે સ્વિકાર કરવામાં આવે તો જ પરમતત્વને પામી શકાય )

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર એટલે સ્વને જાણવું, સ્વને માણવું, સ્વની સ્વભાવિક શુધ્ધ નિર્મલ દશા, સ્ફટિક જેવી સ્વચ્છ –નિર્મળ- અવિકારી સ્વરૂપનો અનુભવ કરવો. પૂર્ણ, નિત્ય,નિર્લેપ,સત-ચિત-આનંદ સ્વરૂપને સમજવું. સ્વમાં સ્થિર થઈને સ્વમાં સમાઈને નિજાનંદનો અનુભવ કરવો. હું ચૈતન્ય દ્રવ્ય સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મા મારે મારું દર્શન કરવું છે. ‘હું આત્મા છું’ એ પોતાના સ્વરૂપને અનુભવીને પૂર્ણ પણે તેના સ્વિકાર ભાવમાં રહેવું.

પુરા બ્રમ્હાંડમાં પરમાત્મા અને આત્મા બે ચૈતન્ય સ્વરૂપ છે. બાકી બધું જ એક માયા અને નાશવંત છે.પરમાત્માએ માયાથી સૃષ્ટિ ઉભી કરી, માટે આપણને જે ભાસે છે તે માયામય હોવાથી આ જગતમાં આપણી આંખોએ જે દેખાય છે તે સર્વ નાશવંત છે. જે જોઈએ છીએ તે તદન ખોટું, અસત્ય, એક ભ્રમ છે, છતાં તેની આશક્તિમાં આપણે જીવીએ છીએ.જેનો નાશ છે તે જડ ગણાય. જે વસ્તુ આપણે આપણી આંખોથી નથી જોઈ શકતા તે આપણો આત્મા અને પરમાત્મા છે. આત્મા પોતાના મૂળભુત સ્વરૂપમાં શાંત હોવાથી એ શાંતિની પ્રાપ્તિ અર્થે નિત્ય નિરંતર આત્માનુ જ ચિંતન, આ શાંત સ્વરૂપનુ ચિંતન કરીને સ્વમાં સમાઈ જઈ, સ્વમાં એકરાર થઈને જ અનુભુતિ થાય ‘ હું આત્મા છું‘. આત્માને કોઈ રૂપ નથી.આત્માની સુષુપ્તિ-સમાધી અવસ્થા ને કારણ તેની પ્રતિતી થતી નથી. અજ્ઞાનને કારણ પંચમહાભુતથી બનેલ આપણુ આ સ્થુલ શરીર તેને જ સત્ય માની લીધું છે,.અંદર બેઠેલ આત્માને આપણે ઓળખી નથી શક્યા. જે અસલ સ્વરુપ છે તેને જાણવુ, સમજવું બહુ કઠીન છે.આ નાશવંત સ્થુલ શરીરને સર્વસ્વ માનીને ભ્રમમાં જીવીએ છીએ, તેને કારણ હું સ્ત્રી છું કોઈની દિકરી, બહેન, માસી ભાભી છું એમ માનીને બેઠા.મનની અંદર જે ‘હું’ બેઠેલ છે તેને કાઢવાની જરૂર છે. અજ્ઞાન દુર થાય અને જ્ઞાન થાય ત્યારે તેનો ભ્રમ દુર થઈને  હકીકતમાં તો હું આત્મા છું એમ સમજાય ત્યારે હુ આત્મા મારુ ચૈતન્ય સ્વરૂપ આ મારી પહેચાન છે.

જ્યારે સ્વની ચેતનાનો અનુભવ થાય ત્યારે આત્મશાક્ષાત્કાર થાય.શ્રવણ-મનન તથા નિદિધ્યાસાન એ ત્રણ આત્મશાક્ષાત્કાર થવાના સાધન છે.આત્મશાક્ષાત્કાર એ મોક્ષ મેળવવાનુ મુખ્ય સાધન છે.અને આ બધું  શક્ય છે બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે થી વેદાંતનુ જ્ઞાન મળે ત્યારે.

‘ શ્રવણ મનન નિદિધ્યાસ કરી, કરીએ શાક્ષાત્કાર

સચ્ચિદાનંદ પરબ્રહ્મ હું , કહે છે વેદ પુકાર ‘

હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ માનવું અને સમજવું સહેલું છે પરંતું તેની અનુભુતિ કરવી કઠીન કામ છે.તેને માટે ધ્યાન-યોગ સાધનાથી શુધ્ધાત્માનુ ચિંતનથી આપણા મનને તૈયાર કરવું પડે.જ્યારે મન માને આ સ્થુલ શરીર એ હુ નથી ‘હું આત્મા છું’.મનની અંદર અનેક તર્ક વિતર્ક હોય પરંતુ તેની નિવૃતિ થઈને મન મક્કમ થાય ત્યારે આત્મ સ્વરૂપને સમજી શકીએ. આ વસ્તુ યાજ્ઞવલક્ય ૠષિએ ઉપનિષદમાં વેદાંતની અંદર સમજાવ્યું છે. તેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આત્મા શું છે એ સરળ રીતે સમજાય. વેદાંતમાં સ્થુલ શરીર અને આત્મા વચ્ચેનો તફાવત બંને વચ્ચેનો ભેદ  સમજાવ્યો છે. માટે જ વેદાંતનો અભ્યાસ, શ્રવણ તેનુ મનન કરી જ્ઞાન પ્રાપ્ત થયા વીના આત્માને બરોબર ન ઓળખી શકીએ.આપણા ચૈતન્ય સ્વરૂપને ઓળખવા માટે,જાણવા માટે વેદાંતનો અભ્યાસ બહુજ જરૂરી છે. વેદાંતમાં પંચીકરણના સિધ્ધાંત દર્શાવ્યા છે, જે આત્માને અને સ્થુલ શરીર વચ્ચેનુ અંતર સમજાવે છે.આત્માને ઓળખીએ તો જ પરમ તત્વની પ્રાપ્તિ થાય.

પોતાનુ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મ સ્વરૂપને જાણવા માટે, સમજવા માટે તેની અનુભુતિ કરવા માટે જાતેજ પ્રયત્ન કરવો પડે. ગુરુ અને ગ્રંથો જ્ઞાન આપીને માર્ગ દર્શન કરાવે, ચૈતન્ય સ્વરૂપનુ જ્ઞાન આપે તેનો સ્વિકાર આપણે જ કરવો પડે.આત્મ જ્ઞાન બીજા પાસેથી મળી શકે પરંતું મન નિર્વિકલ્પ બનાવી મક્કમ કરીને તેનો શાક્ષાત્કાર-અનુભુતિ જાતે કરવી પડે છે. બીજુ  કોઈ ન કરાવી શકે.

जीसको नही है बोध तो गुरु ज्ञान क्या करे ?

नीज रूपको जाना नही पुरान क्या करे ?

આપણે સૌ જાણીએ છીએ હજારો વર્ષ પહેલાં આ પરમ તત્વની પ્રાપ્તિ માટે ૠષિમુનીઓ વર્ષો તપસ્યા કરતા હતા.આપણું ચૈતન્ય સ્વરૂપ સહજ રીતે ન સમજાય, તેના માટે એકાગ્રતાથી કઠીન સાધનાની જરૂર છે.આ માનવ દેહ મહા મુલ્યવાન છે, જેના થકી પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. પરમ તત્વની પ્રાપ્તિ પછીથી કંઈજ બાકી નથી રહેતું, પૂર્ણતા આવી ગઈ.

                                ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात पूर्णमुदच्यते

                          पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते

                                અર્થાત

                              પૂર્ણ છે તે , પૂર્ણ છે આ ,પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું

                               પૂર્ણનુ પૂર્ણ ગ્રહી લેતાં પૂર્ણ જ બાકી રહી ગયું.

 

હેમાબેન પટેલ

 

વરિષ્ઠ નાગરિકનુ  સુખ તે જાતે નર્યા.(3)-હેમાબેન પટેલ

photo 2

આપણા જીવનની પાનખર ૠતુ શરૂ થાય તે પહેલાં તો અનેક ઉપાધીઓને કારણ શરીરની અંદર રોગ રૂપી વ્યાધીએ પ્રવેશ કરી દીધેલો હોય. ધીમે ધીમે શરીર કમજોર થાય એટલે આ વ્યાધી તેની ફણા ફેલાવીને ઉભો થાય.જવાનીમાં માનસિક યાતનાઓથી ભરેલ જીંદગીને કારણ તેના ફળ સ્વરૂપે ઘડપણમાં આ વ્યાધી સાથે જજુમવું પડે.દરેક સીનિયરની આ હાલત છે,બહુ ઓછા ભાગ્યશાળી સીનિયર જોવા મળશે જેઓ રોગ મુક્ત હોય.ઘડપણમાં જેનુ શરીર સ્વસ્થ તંદુરસ્ત રહે એ માણસ તો ઘણુ જ સુખી કહેવાય.

સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે અમુક રોગ વારસાગત હોય જે આપણે વડીલો પાસેથી આપણા જીનમાં લઈને આવીએ છીએ,તો કોઈ આપણી લાઈફ સ્ટાઈલથી ઉભા થયેલા હોય.ઘડપણ આવે, અરિસા સામે ઉભા હોઈએ મુખડુ જોતાં જ મન, કાયાનુ આ સ્વરૂપ સ્વિકારવા તૈયાર ન હોય. તેને અતિતમાં શરીરનુ જે સ્વરૂપ હતું એવા ને એવા રહેવું છે. આતો શક્ય નથી. સમયના ચક્ર સાથે જીવનના જુદા જુદા પડાવમાં શરીરમાં બદલાવ આવવાનો જ છે.શરીરમાં અનેક બિમારીને કારણ તેની શરીર પર અસર થવાની છે કારણ એક રોગ મટાડવા માટે દવા લેવામાં આવે તેની સાઈડ ઈફેક્ટ થાય અને બીજો રોગ ઉભો થાય. આમ દવાઓને કારણ એકમાંથી અનેક રોગ ઉભા થાય.પેટમાં વધારે પડતા કેમિકલ્સ જાય તે ઝેર સમાન જ છે.

શરીરની તંદુરસ્તી માટે હજારો વર્ષ પહેલાં યોગ ઋષિ પતંજલીએ યોગાસન બતાવ્યાં હતાં, આજના યુગમાં બાબારામદેવે યોગ શિબિરો ગોઠવીને દરેકને જાગૃત કર્યા છે. નાના-મોટા સૌ જાણતા થયા યોગાસન શું છે ? તેના ફાયદા શું અને તે કેવી રીતે કરવા.ઠેર ઠેર યોગા ક્લાસીસ ચાલે છે. પશ્વિમી દેશોએ પણ શરીરની તંદુરસ્તી માટે યોગ માર્ગ અપનાવ્યો છે.

ઋષિ યાજ્ઞવલક્યએ પણ ઉપનિષદમાં કર્મ-મોક્ષ-આત્મા વગેરેની સાથે યોગા અને મેડીટેશન બતાવ્યા. નિયમિત ધ્યાન કરવાથી મન શાંત થાય છે. મન શાંત હશે તો શરીર તંદુરસ્ત રહે છે.

શરીરની તંદુરસ્તી માટે લોકો જીમમાં જઈને કસરત કરે, જોગીંગ પાર્ક ઘણા બન્યા છે ત્યાં જોગીંગ કરવા માટે જાય.ઘરની અંદર પણ હળવી કસરત થઈ શકે.મુંબઈની અંદર લાફ્ટર ક્લબો ચાલે છે જેનાથી તન અને મન બંનેની તંદુરસ્તી જળવાઈ રહે.

મારા માસા અને મારા મોટાભાઈનો દાખલો આપીશ, આ શિર્ષક તેઓને લાગુ પડે છે. મારા માસા મદ્રાસમાં રહે છે, સફળ બીઝનેસમેન છે.તેમના દિકરા અને પૌત્રો-પૌત્રી અમેરિકામાં રહે છે. હમણાં દિકરાને ઘરે વિઝીટ કરવા માટે અમેરિકા આવેલા છે.ઑગષ્ટ મહિનામાં તેમના પરિવારે તેમની ૯૦ મી વર્ષગાંઠ ધામ ધુમથી ઉજવી. માસા કહે છે મેં અત્યાર સુધી દવાની એક ગોળી નથી ખાધી. શરીરમાં કોઈ રોગ નથી.૯૦ વર્ષે પણ ૩૦ વર્ષના યુવાનને શરમાવે એવુ સ્ફુરતી અને લગનથી કામ કરે છે. લાકડીનો સહારો લેવો પડતો નથી.તેમની જીવન જીવવાની ઢબ નિરાલી છે.વહેલા ઉઠીને યોગાસન, ધ્યાનમાં બેસવું,મૉર્નીંગ વૉક,ઘડિયાળના કાંટે જીંદગી ચાલે છે. વહેલા ઉઠવું વહેલા સુઈ જવું.સાદો-સાત્વિક આહાર, હા કોઈ કોઈ વખત મિઠાઈ ખાઈ લે ! મગસ. લાડુ, આઈસ્ક્રિમ ખાય છે, છતા કોલર્સ્ટ્રોલ નામની બલા શરીરમાં નથી. બહારનો ખોરાક નહી ખાવાનો.અક્રાંન્તિયુ ક્યારેય નહી ખાવાનુ, ખોરાક લિમિટમાં રહીને ખાય.

આના ઉપરથી ખબર પડે નિયમિત જીવન હોય, હાલમાં ચાલી રહેલા ઝંખ ફુડ, તળેલા, મસાલેદાર ફુડ એવોઈડ કરીને ખાવા પીવામાં સાચવવામાં આવે તો ચોક્ક્સ રોગ મુક્ત રહી શકાય. બીજું છે હમેશાં પોઝીટીવ વિચારો હોય તો તેની અસર આપણા શરીર પર પડે છે. મગજ ચિંતાઓના બોજ હેઠળ સતત રહેતુ હોય તેની અસર શરીર પર ચોક્ક્સ થાય. કહ્યું છે ચિંતા એ ચિતા સમાન છે.

મારા મોટાભાઈ  ૭૧ વર્ષના છે.તેમને જોતા તે ૫૦ વર્ષના દેખાય. તેનુ કારણ છે. તેમનો રમુજી સ્વભાવ, બીજાને હસાવે અને પોતે પણ કાયમ ખુશ મિજાજમાં રહે છે. તેમને કોઈ પુછે રજનીભાઈ તમે કેટલા વર્ષના થયા ? કાયમ એક જ જવાબ હોય હું ચાલીશ વર્ષનો છું તેમના જીવનના વર્ષ આગળ ચાલતા નથી.જે સવાલ કરે તેને કહે अभी तो मै जवान हुं. મગજ પર ચિંતાઓનો બિલકુલ બોજો નથી રાખતા, કોઈ વસ્તુની ચિંતા ક્યારેય નહી કરવાની. ગમે તેવી પરિસ્થિતીમાં હમેશા તેમનુ મન પ્રફુલિત રહે છે.

સંગીત,મન પસંદ શુધ્ધ વાંચન,દરિયા કિનારે જઈ બેસવું,વહેતી નદીનો કિનારો, દરેક કુદરરતી સૌન્દર્ય વગેરે મન પ્રફુલિત કરીને મનને શાંતિ આપે છે.સત્સંગ,સતત ઈશ્વ્રર ચિંતન પણ મનને શાંતિ આપે છે.શરીરની તંદુરસ્તી માટે મનની શાંતિ એ બહુજ અગત્યની છે. બધા જ રોગનુ મૂળ આપણું મન છે. ગમતી વસ્તુમાં મન પરોવી તેમાં એક્ટીવ રહેવાથી મન આનંદીત રહે છે.શરીર સ્વસ્થ-તંદુરસ્ત. નિરોગી રાખવા માટેની ઘણી ચાવીઓ છે. તેને ફક્ત હકારાત્મક વિચારો રાખીને વાપરવાની જરૂર છે.

ધન-દોલતના ઢગલા હોય પરંતું બે ટાઈમ સરખુ ખાઈ શકતા ન હોઈએ , હરી ફરી ન શકતા હોઈએ , શરીર હલન-ચલન ન કરી શકતું હોય તો બધું શું કામનુ ?વરિષ્ઠ નાગરિકનુ સાચુ સુખ તે તેની તંદુરસ્તી છે.માટે જ

                                     ‘ પહેલું સુખ તે જાતે નર્યા ‘

હેમા – જય શ્રી ક્રિષ્ણ

કલાપી-એક ઈચ્છા-મણકો -2-હેમાબેન પટેલ

photo 2

-એક ઈચ્છા-

 

 

પડ્યા ઝખમ  સૌ સહ્યા, સહીશ હું હજીએ બહુ, ગણાયા નવ કદી ગણુ નવ કદી પડે છો હજુ

અપાર પડશે અને જીગર હાય આળુ થયું, કઠિન ન બનો છતાં હ્રદય એજ ઈચ્છું પ્રભુ

પડી વીજળી તે પડી સુખેથી છો, બળુ છું સુખે, ન દાહ વસમો કદી જીગર બૂમ ના પાડતું

કઠિન બનજો નહી હ્રદય એજ ઈચ્છું પ્રભુ, બહુય રસ છે મને હ્રદય છે હજુ તો અહો

અરે હ્રદય જો ગયું રસ ગયો પછી તો બધો, ભલે મૃદુ રહી જખમ છેક ચૂરો થતું

કઠિન ન બનો કદી હ્રદય એજ ઈચ્છું પ્રભુ.

 

કવી કલાપી એક પ્રેમી, બે પત્નીના પતિ અને રાજવી છે.આ કાવ્યમાં કવી કલાપીની હ્રદય વેદાન છલકાઈ રહી છે.પ્રભુને વિનંતી, આજીજી કરીને તેમની સામે તેમના દિલની ઈચ્છા વ્યક્ત કરતાં તેમના હ્રદયમાંથી જે એક એક શબ્દ સ્ફુર્યા છે તે આપણા દિલને પણ સ્પર્ષિ જાય છે.કવી પ્રેમરસમાં તરબોળ છે.હ્રદય પ્રેમરસથી છલકાઈ રહ્યું છે.ત્રણ સ્ત્રીઓ વચ્ચે જીવન જીવતાં તેમની મનો દશા કેવી હશે ? તેમના સીવાય કોણ સમજી શકે.દાસીને પ્રેમ કર્યો છે, ઘર પરિવાર, સમાજ શું તેમને બે બે પત્ની હોવા છતા બીજી સ્ત્રીને પ્રેમ કરવાની છુટ આપે ? આતો રાજવી છે પુરુ રાજ્ય થુ થુ કરે. પ્રેમીને એક પ્રેમી જ સમજી શકે, પ્રેમીના દિલ પર શું વીતતી હશે.દિલ પ્રેમથી ભરપૂર હોવા છતાં પણ મનની અંદર કેટલી બધી વેદના ને વ્યથા ભરેલી છે તે દેખાઈ આવે છે.એક પત્નીને પ્રેમ કરે છે, જ્યારે તેમની પ્રેયસી જેને તે અનહદ ચાહે છે, બીજી પત્નીને પ્રેમ નથી કરી શકતા ફક્ત પતિ ધર્મ નિભાવે છે..ત્રણ સ્ત્રીઓ વચ્ચે ભીંસાઈ રહ્યા છે..પ્રેયસી પત્નીની દાસી હોવાથી  સ્વભાવિક છે દિલ ખોલીને છુટથી પ્રેમ ન કરી શકે બબ્બે પત્ની બેઠી છે ઘણા બધા બંધન અને સીમા હોય એ વાતાવરણમાં, પ્રિયતમા માટે તડપતા રહે, પ્રિયતમાનો વિયોગ હોય, આ વિયોગ તેમની હ્રદય ગાથા ગાવા માટે તેમને પ્રેરી રહી છે.મજબુર છે પ્રિયતમાને દિલ ખોલીને પ્રેમ ન કરી શકે.આવા સંજોગોમાં હ્રદયના ભાવ શબ્દો બનીને કોરા કાગળ પર ઉતરી આવ્યા છે.

પ્રિયતમાની યાદ, તેના વિરહથી હ્રદય ઘવાઈને દિલમાં અનેક ઝ્ખમ પડ્યા. કવી કહે છે, હ્રદય પર જે ઝખમ પડ્યા છે તે સૌ અત્યાર સુધી બહુજ સહ્યા, અને હજુ પણ સહીશ, કેટલા પડ્યા છે તે હું ક્યારેય નહી ગણુ, તૂ હર સ્વાસમાં સમાયેલી છે.હે પ્રિયે તારે જેટલા જખમ આપવા હોય તેટલા મને આપ. હું તને સદાય પ્રેમ કરતો રહીશ.અપાર ઘાવ પડશે તો પણ મારું હ્રદય તો ઉદાર દયાળુ જ રહેશે, તેં જ મારા દિલમાં પ્રેમ ભરીને મૃદુ કોમળ બનાવ્યું છે તો પછી તારા આપેલ અનેક ઘાવોથી મારું દિલ ક્યારેય કઠીન કેવી રીતે બ્ની શકે ? છતાં પણ  પ્રાર્થના કરું છું એ ક્યારેય કઠીન ન બને એજ ઈચ્છું છું પ્રભુ. આ પ્રેમી કવીનુ હ્રદય જેમ જ્યાં વીજળી પડે તેને બાળીને ભસ્મ કરી નાખે, તેવી વીજળી સમાન વેદના ભરેલી છે. અસહ્ય વીરહ રૂપી વેદનામાં બળી રહ્યા છે છતાં કવી કહે છે તું તો સુખી છે, તારી યાદમાં મારું દિલ જલી રહ્યુ છે તેની તને જરાય પરવા નથી.મને વીજળી સમા ઘા આપવામાં જો તને સુખ મળતુ હોય તો ભલે તું તેમાં રાજી થા.તું વીજળી સમા ઘા ભલે સુખેથી પાડે મારા હ્રદય પર, હું પણ સુખેથી જ બળવા માટે તૈયાર છું અને બળીશ એ વીજળીના તાપમાં.મને એ દાહ વસમો નથી લાગતો, મારું હ્રદય પ્રેમથી ભરેલ છે, મારા પ્રેમથી ભરેલ કોમળ હ્રદયમાં બધા દાહ ક્યાંય પીગળી જશે. હું એક હુંફ નહી કરું,મારું જીગર આ દાહથી ક્યારેય બુમ નહી પાડે.બધા દાહ ઠંડા પડી જશે.પ્રિયે તૂં જ મારા દિલમાં પ્રેમ ભરે છે તુંજ તેને કોમળ મૃદુ બનાવે, તો ક્યારેક વીજળી પાડે છે, તું જ હ્રદયને ઘાવ આપે છે મારા હ્રદય સાથે ખેલ ખેલે છે, આ ખેલ મને જીવનમાં પ્રાણ પુરે છે. તેને આધારે તો હું જીવી રહ્યો છું. હે પ્રભુ મારું હ્રદય ક્યારેય કઠીન ન બને હમેશાં કોમળ રહીને ધડકતું રહે, હર ધડકનમાં હું મારી પ્રિયતમાને શાંભળી શકું, ભાળી શકુ.કવી વિયોગમાં તડપી રહ્યા છે છતાં તેમની હ્રદય યાચના કેટલી સુંદર ભાવ ભરેલી છે, આ સાચેજ કોમળ હ્રદય વાળા સાચા પ્રેમી જ લખી શકે કે જેના દિલમાં ભરપુર પ્યાર સીવાય બીજું કંઈ નથી જોવા મળતું.

હે પ્રિયે તેં મારા દિલને અનગીનીત જખમ આપ્યા છતાં હજુ મારુ હ્રદય તુટી ગયુ નથી, અહો કેટલી સુંદર વાત છે ! મારી પાસે હજુ એજ પ્રેમથી ધડકતું હ્રદય છે.એજ આ હ્રદયમાં ભરપુર પ્રેમરસ ભરેલો હોવાથી દિલમાં બીજી કોઈ વસ્તુને સ્થાન નથી..પ્રેમમાં હું ક્યારેય નાસીપાસ નહી થાઉં , દિલ પર જખમ ભલે પડતા રહે, મારું દિલ હું નહી તૂટવા દઉં, અરે જો મારું હ્રદય જ નહી હોય તો હું પ્રેમ કેવી રીતે કરીશ. દિલની હરેક ધડકનમાં હે પ્રિયે તું સમાયેલી છે તેને કેમ તુટવા દઉં ? તારા પ્રેમમાં, પ્યાર ભરેલું જખમી હ્રદય પણ મંજુર છે. તેં આપેલ હરેક જખમ મને મંજુર છે, તારા હરેક જખમને  હું મૃદુ અને એકદમ કોમળ સમજું છું, આ મૃદુ જખમથી દિલ ભલે ચુરો થઈ જાય, તે ક્યારેય તુટવાનુ નથી.હે પ્રિયે તૂ મારી ધડ્કન છે, દિલ તૂટે એ મને મંજુર નથી.હે પ્રભુ મારી પર દયા કરજો  મારું હ્રદય ક્યારેય કઠીન ન બને.મારા આ હ્રદયમાં મારી પ્રિયતમા વસે છે દિલ તુટી જશે તો હું તેની ઝાંખી કેવી રીતે કરીશ ? દિલ હશે તો તેને પ્રેમ કરતો રહીશ, દિલમાં તેની યાદી ભરેલી છે, તેની યાદોને સહારે જીવી શકાશે .

હેમાબેન પટેલ

આસ્વાદ-“જ્યાં લગી આતમા-તત્વ ચીન્યો નહી, – હેમાબેન પટેલ

“જ્યાં લગી આતમા-તત્વ ચીન્યો નહી, ત્યાં લગી સાધના સર્વ જૂઠી “                                          .

ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ચમત્કાર સર્જી જનાર કવિને ભૂલવા અશક્ય છે,ભક્તશીરોમણિ નરસિંહમહેતાની  આ સુંદર રચના એક્વીસ મી સદીમાં પણ સમાજ અને ધર્મ સામે અડીખમ આંગળી નિર્દેશ કરતી ક્રાંતિની જ્યોત પ્રગટાવતી ઉભી છે આજે પણ સાડા છસો વર્ષ જુનો નરસિંહ ધર્મના નામે થતા ધતિંગ ને ખુલ્લા પડવાનું સામર્થ્ય આ પદ દ્વારા  ધરાવે છે નરસિંહને જીવન ઉપયોગી ક્રાતિકારી વિચારો આપવાનું સુજ્યું કઈ રીતે ? તો તેઓ એ પોતાની જાતને ટપારી છે  . અંતમાં નવા દ્રષ્ટિકોણ તરફ વળતા તત્વદર્શન નું મહત્વ પોતાને સમજાયું તે અનુભવે આપણ ને પણ સમજાવે છે…પરમતત્વ જાણ્યા સિવાય જીવનનું રહસ્ય નહીં સમજાય. આમ નરસિંહ મહેતાના ભજનો જીવનનો ભેદ પદ રચતા રચતા  ખોલે છે…  

                 જ્યાં લગી આતમા-તત્વ ચીન્યો નહી, ત્યાં લગી સાધના સર્વ જૂઠી

                  માનુષાદેહ તારો એમ એળે ગયો, માવઠાનો જેમ વૃષ્ટિ વૂઠી.

જે તત્વદર્શનના સિદ્ધાંત અને વિજ્ઞાનને સમજશે, અ૫નાવશે. તે જ રત્નચિંતામણિ સમો મનુષ્ય જન્મને  સમર્થ કરશે .કેટલી મોટી વાત સરળ ભાષામાં સમજાવી રહ્યા છે અને તે પણ સહજતાથી.આ રચનામાં દરેક પાસા વણી લીધા છે. એક પણ વસ્તુ બાકી રાખી નથી.પૂજા પાઠ ના માધ્યમથી પોતાની જાતને શ્રેષ્ઠતાના માર્ગ ૫ર ચાલવા ની પ્રેરણા લેવાની છે પરંતુ સામાન્ય રીતે લોકો આ  ભ્રમમાં ગૂંચવાયેલા રહે છે.જે ક્રિયા આત્મિક સુખમાં અવરોધ ઊભો કરતી હોય તે શું કામની  ?

ભક્ત પોતે કૃષ્ણ પ્રેમમાં તરબોળ સતત ક્રિષ્ણમાં લીન એક એવી ઉચાઈએ પહોચ્યા છે કે જ્યાં ક્રિયા કાંડ ની જરૂર જ નથી જણાતી આત્મને જાણ્યા પછી  ભક્ત અને ભગવાનમાં કોઈ અંતર રહ્યું નથી.જેણે તત્વદર્શન કરી  પરમતત્વની પ્રાપ્તિ કરી છે,એજ વાત પોતાને સમજતા કવિ આપણને પણ જાગૃત કરે છે  નરસિંહ કહે છે જ્ઞાન દરેક પાસે છે. સંસાર કેટલા બધા જ્ઞાની પંડિતોથી ભરેલો છે પરંતું તે જ્ઞાન શું કામનુ ? જ્યારે મનના બધા વિકારો દુર થઈ મનનો મેલ દુર થાય, મનના શત્રુ નાશ  ન  પામે ?શું માત્ર ક્રિયામાં આત્મશાક્ષાત્કાર શક્ય છે.?  પૂજા-પાઠ, જપ-તપ-દાન-તિલક,તીરથ,સ્નાન વગેરે વગેરે બધું જ બહારનો ખોટો દેખાવ માત્ર।..વ્યર્થ છે નરસિંહને બ્રહ્મ સત્ય જગત મિથ્થા ની વાત સ્પષ્ટ પણે સમજાય છે. માણસ સાંસારિક પ્રવૃત્તિથી સર્વત્ર ઘેરાયેલો છે. તેમાંથી નીકળવાનો સરળ માર્ગ  શોધે ..આવા  આવરણમાં આત્માને ક્યાં ઓળખવાના છીએ. ?.ધર્મના કે ભક્તિના નામે ડોળ કરીને ખોટા ઢૉગ કરીને ભક્તિના ખોટા પ્રપંચ કરીને પોતાના આત્માને છે.ક્યાં સુધી છેતરીશ ?.આ.નરસિંહમહેતા કોઈ સ્કુલ-કોલેજમાં ડીગ્રી લેવા માટે નથી ગયા પરંતુ તેમની પાસે પરમાત્માની કૃપાથી ઉચ્ચ કોટીનુ જ્ઞાન અનુભવે  હતું.નરસિંહની કવિતામાં અનેક પ્રશ્નો છે ….

               માત્ર શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી ? શું થયું ઘેર રહી દાન દીધે ?

                શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે ? શું થયું વાળ લોચન કીધે ?

             શું થયું તપ ને તીરથ કીધા થકી ? શું થયું  માળા ગ્રહી નામ લીધે ?

              શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી ? શું થયું ગંગાજળ પાન કીધે ?

               શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે ? શું થયું રાગ ને રંગ જાણ્યે ?

 શું થયું ખટ દરશન સેવ્યા થકી ? શું થયું વરણના ભેદ આણ્યે ?

અહી શબ્દોના રૂપક નથી કે બુધ્ધિવિલાસ નથી. સાચી કવિતા આત્માનો પ્રકાશ છે  કવિનું ધ્યાન સૃષ્ટિના પરમરહસ્યના ઉકેલ તરફનું છે। ..અહી પ્રશ્નો થકી મથામણ છે અને ક્ષિતિજપારના રહસ્યોને જાણવાની તાલાવેલી છે,. સમગ્ર રચનામાં નરસિંહ જાતને પ્રશ્નો દ્વારા ટપારે છે.અને તેમાંથી જ આપણને એક પ્રકારના દર્શનની અનુભૂતિ થાય છે.તત્ત્વવિચાર કે અનુભવવિચારને સરળતાથી સમજવા માટે કવિ પોતાની સાથે આપણ ને પણ તાલાવેલી જગાડી અંતમાં અનુભવ દ્વારા રહસ્ય સમજાવે છે.અહી નરસિંહની ભાષાપ્રયોજન શક્તિના પણ દર્શન થયા વિના રહેતા નથી….

 એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો.

                ભણે નરસૈયો કે તત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો..  

આમ  આત્મજ્ઞાનથી પોતાની કવિત્વશક્તિ નો પરચો નરસિંહ અહી  કરાવે છે ચરમ પ્રગતિ સુધી ૫હોંચવાની અંત પ્રેરણા નરસિંહ જગાડે છે. પૂજા ઉ૫ચારથી ઉ૫ર ઊઠીને ૫રમાત્મા વિશે યથાર્થવાદી નિર્ધારણ અ૫નાવવું જોઈએ. આ જ સાચો માર્ગ છે ,.નરસિંહમહેતા આપણને આ જ્ઞાન આપીને જગાડે છે. જ્યાં સુધી આપણા આત્માને ન ઓળખીએ ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી અને અંતમાં .નરસિંહ કહે છે જે વ્યક્તિ  ભક્તિ કરે પરંતું જેને તત્વ દર્શન ન થયા તેણે અતિ કિમતી અણમોલ રત્નચિંતામણિ સમાન આ મનુષ્ય જન્મ ગુમાવ્યો છે.આ દુર્લભ મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો. માટે નરસિંહ તું જાગ  સાથે આપણ ને પણ જગાડે છે..

હેમાબેન પટેલ- હ્યુસ્ટન