‘બેઠક’-પરસ્પર પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એક જૂથ, અથાગ પ્રયત્ન.

Hetal

પ્રજ્ઞાબેન અને ‘બેઠક’ ના સર્વે કુટુંબીજનો,
‘બેઠક’ ની દ્વિતીય વર્ષ ગાંઠે આપ સૌને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા!

‘બેઠક’ સાથેના મારા નાના અમથા સંપર્કમાં મને આપ સૌની અંદર સર્જનાત્મકતા પ્રત્યેનો એક અનેરો ઉત્સાહ અનુભવાયો છે. પરસ્પર અપાતી સતત પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એકજૂથ  અથાગ પ્રયત્ન ‘બેઠક’ ને પ્રાણવાયુ પૂરો પાડે છે. દરેક વ્યક્તિના ઉરે ઉભરતો એક ઉત્સાહ અને એમને હૈયે  કૈંક લખ્યાનો સંતોષ એમના ચહેરા પર એક તેજસ્વી ચમક આપી જાય છે જે મેં નજરે જોયો છે, માણ્યો છે…
‘બેઠક’ના વડીલોના જીવન માં સંધ્યા ટાણે, એક નવા જ ઉજાસે જાગી શકવાનો આનંદ જગાવવો એ ‘બેઠક’ ની એક અમૂલ્ય ઉપલબ્ધિ છે.
ગુજરાતી માં એક નાની વાર્તા, પછી વાર્તાઓનો સમૂહ, એમાંથી પુસ્તક, અને પછી પુસ્તકોની શ્રુંખલા, અને આગળ હવે ગ્રંથ અને ‘મહાગ્રંથ’ સુધીની સફર અને એની સફળતા, એ આપ સૌનું વ્યક્તિગત સાફલ્ય છે.

આપ સૌને અંતરના પરમ આનંદ અને શાંતિથી જ શુભકામના.

પ્રણામ,

હેતલ નીરજ બ્રહ્મભટ્ટ

ઘર એટલે ઘર…(24) હેતલ બ્રહ્મભટ્ટ

વ્હાલા પ્રજ્ઞા બેન,
બેઠક ના વિવિધ વિષયો પર લખાયેલું ઘણું વાંચ્યું છે પણ આવો લાગણીશીલ વિષય જોઇને થોડુક લખવાનું મન થઇ ગયું.

ઘર.
કાનો, માત્રા, અનુસ્વાર વગરનો એક સાવ નાનકડો શબ્દ. એના નાનકડા સ્વરૂપમાં એ કેટલી મોટી દુનિયા સમાવે છે!
તેર વર્ષના વિદેશવાસ પછી, ઘરની મારી વ્યાખ્યા ઘણી બદલાઈ છે.

સાવ નાનપણમાં મમ્મી, પપ્પા અને બહેનીના સહવાસમાં જ ઘર લાગતું. પછી માસી, ફોઈ, કાકા, દાદા, નાનીને ત્યાં પણ ઘરોબો લાગતો. નવી નવી અમેરિકા આવી, પહેલી વાર મહિનાઓ સુધી ચાલેલી ‘homesickness’ અનુભવી ત્યારે મારા ઘર નું મૂલ્ય સમઝાવાનું શરુ થયું … હવે મમ્મી, બહેનીનું વર્ષો સુધી મ્હો જોવા ના મળે ત્યારે અવારનવાર અનુભવતી ઉદાસી વળી પાછી મને વારેવારે ઉડાડીને ઘરે જ તો લઇ જાય છે…અત્યંત આત્મીય ઘરથી પડેલું અઢળક અંતર જાણે ક્યારેક મને દઝાડે, ક્યારેક ઓગાળે ને ક્યારેક વળી સાવ જ પીગળાવી દે…ને છતાં, મારી અંદર જ સદા અકબંધ અને જીવંત છે મારું ઘર.

હું માનતી હતી, કે તમે જેમાં વસો એ તમારું ઘર.
વર્ષો-વર્ષ અને હજારો માઈલોના અંતર પછી સમજાયું – જે તમારામાં વસે, એ તમારું ઘર.

~ હેતલ બ્રહ્મભટ્ટ

હથેળીમાં એવી કઈ અજબ રેખા હશે..?-હેતલ બ્રહ્મભટ્ટ

 મિત્રો  હોળીના રંગો જયારે ચારે કોર પથરાયેલા હોય ત્યારે ફૂલોની સાથે દિલમાં પણ કુંપણો ની જેમ શબ્દો ફૂટવા માંડે છે આજે હેતલબેને પણ સુંદર કવિતા મોકલાવી છે ,એનો પરિચય આપવાની ક્યાં જરૂર છે આપ સૌ એના કંઠને અનેકવાર માણી ચુક્યા છો પણ આજે એના શબ્દોને માણો.

હથેળીમાં એવી કઈ અજબ રેખા હશે?

જિંદગીના જેમાં કૈંક અલગ અંદેશા હશે

 ઉગતા શમણે, હકીકતની લક્ષ્મણ-રેખા હશે

ઢળતી સાંજે, વળી કોઈ નવી અપેક્ષા હશે

 જીંદગી, અકળાતી પ્રશ્નાવલીના પાના હશે

એને, મૂક ઉત્તરો પણ કૈંક છાના હશે

 મૌનનો પડઘાતો, આકુલ, ભીનો સાદ હશે

નજરોના તારે, અમૂલ, ઉછીનો સંવાદ હશે

 અહીં, નવી કો’ક કૂંપણે, ફોરમતા ફૂલો હશે 

ત્યહીં, સ્તબ્ધ વિદાયે, નીતરતી નજરો હશે

હથેળીમાં એવી કઈ અજબ રેખા હશે..?

-હેતલ બ્રહ્મભટ્ટ-