હાસ્ય સપ્તરંગી -(૩૬)સામેવાળા માસી

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે,
એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,
સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ,
પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,
એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

“મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”;
હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

Thanks to-સાક્ષર હરીશભાઇ ઠક્કર-..http://saksharthakkar.wordpress.com/

 

 

 

હાસ્ય સપ્તરંગી -(૩૫)પોદળો-ફૂલવતીબેન ,મનહરભાઈ શાહ

                        અરરર ! આ શું પોચું પોચું  મુજ પાદ  તળે?
                        શું દેડકાનો દેહ કે પછી સર્પ ગુચળુંપડ્યું છે?

                        અરે, કોઈ બત્તી તો ધરો ! હું જોઉં તો ખરો ?
                        કે  શું  છે  આ ? કે  જેમાં  મુજ  પાદ પડ્યો ?

અરરર..! આ તો  છે છાણ  તણો  પોદળો !

                        પથમાં અટૂલો એ પડ્યો  ઘેરાલીલા રંગનો,
                        વળી મહીં કંઈક છે, મિશ્રિત બંટ અને કોદરો
                        એ છાણ તણો પોદળો, જેમાં મુજ પાદપડ્યો.

                        અરે ઓ ગંદા?  તું  વિધાયક  સ્વચ્છતાનો!
                        ખેતરે ખાતર થઇ, લીંપાઈ ભૂમિ દીપાવતો
                        સુકાઈ ને છાણું તું બનતો, તારા અનેક રૂપો
                        ગરીબનું બળતણ બન્યો સળગાવીને ચૂલો.

પ્રાચીનયુગે ઋષિમુનીઓનાં યજ્ઞોને ઉજાળતો 

                      ગોબરગેસરૂપે  યંત્ર ચલાવે તું અર્વાચિનયુગનો 
                      લગ્નની  વેદીએ  તું જ  છે ‘ જીવન ‘ બે જોડતો ,
                     સ્મશાને ય તું  છે  ‘મરણ’ ને ‘જીવન’ થી છોડતો  .

  !
             સ્વ.  મનહર  કે. શાહ અને ફૂલવતી મનહર શાહ

હાસ્ય સપ્તરંગી (૩૪)-પ્યાલા -બરણી- મેઘલતાબેન મહેતા

પ્યાલા બરણી સાદ સાંભળી

ઝટ ઉભી થાય કામ આવરી

કામકાજમાં   મગ્ન  હતી   ત્યાં

કીધું  કે   અલ્યા  થોભ  જરી .

અંદર  જઈને   ખુબ   જતનથી

સંઘરી   મુક્યા   જરી  પુરાણા ,

કપડાંની બચકી લઇ આવી

ધરી  દઈ   બેઠી   મીંટ  માંડી

ધાયું”તું    કે  એ   કપડાનું

સુંદર   મોટું  સ્ટીલ  તપેલું

કે   જર્મનનો   મોટો  થાળ

મળી   જશે  મુજને  તત્કાળ.

(પણ ) પ્યાલા બરણીવાળો એવો

નીકળ્યો  કેવો  કસબી   કેવો

જેવું   ઉખળે,   તુર્ત   ઉવેખે

ઝીણાં   ઝીણાં   છીદ્રો  પેખે .

ડોકું   ધીમે   ધૂણતું   જાય

નક્કર ..નકાર ત્યાં ઉભરાય.

“આ નહીં ચાલે, તે નહીં ચાલે ”

તવ કપડા  ખપમાં  નહીં લાગે

આ   તો   છે    કેવળ   ઠગાઈ

પામું   છું   હું  ખુબ  નવાઈ

ફાટી   તૂટી   ચીજે   માઈ

કરવા   બેઠી   કેવી ઠગાઈ !

“સ્ટીલ   તપેલું  ભૂલી   જા  બાઈ

ભૂલી   જા  જરમન  કેરી  થાળી,

જોઈએ  તો  આ  નાનું   ઢાંકણ

લઇ   લે, છાંડીને   અકડાઈ”

“છટ  ચાલ્યો જ  રસ્તે  તારે

નથી જોઈતું  કંઈએ  મારે

મમ  પુંજી  મમ  પાસ ભલે  રે

જતન  કર્યું   મેં  શાને  વાસ્તે ?

આ  તો મારી  પ્યારી  ગઠડી

છો  બાંધેલી  રે’  મુજ   ગાંઠે

નથી  વેચવી   કંઈએ   સાટે

વેરી  દઈશ  જીવનના ઘાટે”

હજીય   બચકી  બંધ  પડી છે.

રાહ  જોઉં છું  મળે કૃષ્ણ તો

દીન  સુદામા   થઈને  મારી

કાલી   ઘેલી  અર્પું  બચકી

કૃષ્ણ  ઝપટથી  લઇ લે આંચકી

આતમ  સમૃદ્ધિ  રહે  છલકી

અહંકારને            તિલાંજલિ

જ્ઞાન ગોષ્ટી ભરું  અંજલિ

 

મેઘલતાબેન મહેતા

 

 

હાસ્ય સપ્તરંગી -(૩૩)નીનાભાભીનાં ઉપવાસો-વિજય શાહ

આમ તો નીનાભાભી સાથે વાતો ફોન ઉપર જ થાય.કદાચ વીસેક વર્ષ પહેલા તેમની દીકરીનાં જન્મદિનની ઉજવણીમાં ભેગા થયેલા તે આ વખતે ફોન કરીને મળવા આવ્યા..ત્યારે સ્વભાવગત જ મારા મોંમાંથી નીકળી ગયુ

“ભાભી! તમે તો છો તેવાજ છો ને!”

“ લ્યો દીયરજી તમે પહેલા એવાં નીકળ્યા જેને મારું વધેલું ૨૦ પાઉંડ વજન ના દેખાયુ.”

“ ખરેખર ભાભી? મને તો ખરેખર આપણી તૃપ્તિનાં ૬ વર્ષની પાર્ટી વખતે જેવાં હતા તેવાં જ દેખાવ છો. મને યાદ છે તમે પીલા કલરનું રેશમી પંજાબી પહેર્યું હતું.. અને મેંગોનોં એવોજ સરસ શીખંડ બનાવ્યો હતો.. મને તે વખતે તે બહું જ ભાવ્યો હતો”..મેં વિગતે કેફિયત આપી

“ એ બધીજ વાત સાચી પણ તમને આજે જે આંખે જે દેખાયુ તે સાવ જ ખોટૂં..” નીનાભાભી એ તેમના સદા બહાર હાસ્ય સાથે જાણે માઇકમાં એનાઉન્સ કરતા બોલ્યા…પછી સહેજ શાંત થતા બોલ્યા મારો ઇન્સ્યોરન્સ કંપની વાળો ૨૦ રતલ ઘટાડવા ૨૫૦ ડોલરનો મને વીડીયો મોકલીને વધેલા વજન નાં ગેર ફાયદા સમજાવતા ૧૨ વીડીયો મોકલ્યા છે અને પછી શરુ કરી છે ઉપવાસ્ની તપસ્ચર્યા…જે જોઇને આવતા મહિનાની વીસમી તારીખે વીસ રતલ વજન ઘટી જવું જોઇએ..”

“ વાઉ! ભાભી તમે તો વટ પાડી દેશો”

“ વટ બટ તો ઠીક પણ આ તૃપ્તિની સાસુ જોડે સ્પર્ધા છે.. એમના માટે લીધેલા કપડા તેમને આવી જાય તેથી તેઓ શરીર ઘટાડે છે જ્યારે મારા જાન્યુઆરીમાં સીવડાવેલા કપડા આજે તો મને ચઢતા પણ નથી તેથી વીસેક પાઉંડ ઘટાડવાનો પ્રોગ્રામ લીધો છે.”

“ભાભી ભલે પણ ચા લેશો કે આઇસ્ક્રીમ?” મંદાએ વિવેક કર્યો

“ એ તો રામાયણ થઈ છે દિવસમાં  જેને છ વાર જમવા જોઇએ તેને ડોક્ટરે ના કહી બહું કકડીને ભુખ લાગવા દેવાની અને દિવસમાં બે જ વાર ખાવાનું અને તે પણ પેટ ભરીને ઓડકાર આવે તેવું તો નહીં જ. વળી કેલેરી કાઉંટ તો કડક બે થી ત્રણ હજારનો કાઉંટ ઘટાડીને બારસો કરવો તે કંઇ સહેલ વાત તો નથીને?”

પણ ચા કે આઇસક્રીમ ખાવાનું થોડૂં છે?”

“ હા પણ પછી શરીરને છેલ્લા બે મહીનાથી કેળવ્યુ છે તે ટેવ બદલાઇ જાયને?”

“ ભારે કરી ભાભી તમે તો.હવે વેવાણ સાથે શરીર ઉતારવાની સ્પર્ધામાં અમરા ભાઇએ તમારે માટે જે ખાવાનાં ભંડારો ભર્યા છે તેને ખાલી થવા દેતાં જ નથી.”

ક્ષણેક મારી તરફ નજર કરતા બોલ્યા…” દીયરજી હવે તો આબરુનો સવાલ છે. કાંતો આ પાર કે પેલી પાર..

“ભાભી આ સુખનું વધેલું શરીર છે ભુખ્યા રહીને ઉતરી તો જશે પણ તૃપ્તિનાં લગ્ન પછી પારણે ડબલ ઝડપે વધી જશે તો?” દેરાણી મંદા ટહુકી

“ એવુ તો વીડીયોમાં કશું બતાવતા નથી એટલે પારણા નિર્જળા કરીશું શરીર વધે જ ના.”

“ પણ ભાભી પારણું તો એક જ દિવસ પણ પછી છ વખત ખાશો તો નક્કી જ બે અઠવાડીયામાં જ્યાં હતા ત્યાં આવી જશો..’હું ભાભીની મશ્કરી કરવા નહીં પણ મને ચિંતા થતી હોય તેમ ઠાવકાઇ થી બોલ્યો”

“ દીયેરજી વાત તો તમારી સાચી છે પણ આ બળ્યુ મોહન થાળ અને મગજની લાડૂડી ખાધા વિના ચાલતું નથી એટલે જમવાનું પતે એટલે પ્રસાદ છે એમ કહીને આરોગી લઉં છું. શું કરું?

મંદાએ ફરી વિવેક કર્યો “ ભાભી તમારા ભાઇ દેશી રાજભોગ આઇસક્રીમ લાવ્યા છે. થોડોક પ્રસાદ સમજીને ન્યાય આપ્જો હું લાવું છું” કહીને સોફા ઉપરથી ઉભા થવા ગઈ અને  નીનાભાભીએ હાથ પકડીને બેસાડી દીધી..

” ના રાજભોગ છે તે તો બે પ્લેટ ખાધા વિના મોં ભીનું ય ના થાય. અને તું આગ્રહ કરે છે તો મારાથી ખવાઇ પણ જાય..પેલો ઇન્સ્યોરન્સનો પ્રોગ્રામ તો એજ કહે છે ગમે તેટલા પ્રલોભનો આવે પણ ૨૦ પાઉંડ વજન ઉતારવાનું છે તે નિર્ણય તુટ્વો ના જ જોઇએ..એટલે તું લાવ જ નહીં. લાવીશ તો ખવાઇ જશે..”

એમની ચકળ અવકળ થતી આંખોમાં તે લલચાઇ તો ગયા છે તેમ દેખાતું તો હતું જ..ત્યાં તેમના પતિદેવ અમિત બોલ્યા..”નીના.. તારે ખાવું હોય તો ખાઇ લે ને કંઇ મંદાને કે આસિતને ખોટુ નહીં લાગે.”.. પછી મંદા સામે જોઇને બોલ્યા “ હા તું તારે લાવને ..રાજભોગનાં નામથી મને પણ તલપ લાગી છે.”

નીનાભાભી અમિત ઉપર ગુસ્સે થતા બોલ્યા “હા. મને વેવાણ સામે નીચા પાડવાનો સારો રસ્તો તમે લો છો.. લાજો જરા…અને તમારે પણ આઇસક્રીમ નથી ખાવાનો ડાયાબીટીસ વધી જશે..સમજ્યા?”

મને લાગ્યું કે મંદાનાં રાજભોગને કારણે પતિ પત્ની વચ્ચે જંગ છેડાઇ જશે…અમિત જરા લાડમાં બોલ્યો.. મંદા એક જ પ્લેટ લાવ અમે બંને જરા મોં ભીનુ કરી લઇશું. પણ પ્લેટ જરા મોટી લાવજે હંકે આંખ મારતા અમિતે ટ્રીક કરી.

નીના તરત જ બોલી “ હા મંદા તારા જેઠજી એ તને જે આંખ મારી ને તે મને વાગી હં કે.’

આસિત કહે “ જો એક વાત સમજ તું આખો ડબ્બો લાવજે અને બે પ્લેટ જુદી લાવજે જેને જેટલું ખાવું હશે તે ખાશે…

મંદા અંદર ગઇ અને વાતોનાં તડાકા પાછા ચાલુ થયા..

“આ વખતે ભારત ગયા ત્યારે એક જબરી નવાઇ થઇ” નીનાભાભીએ નવો મુદ્દો કાઢ્યો.

“અમે ગોવાની ટુરમાં હતા અને નવસારી પાસે ફ્રુટની લારીમાં અમે હનુમાન ફળ જોયું.”

મારાથી ના રહેવાયુ એટલે જરા હસ્યો અને ભાભી બોલ્યા “તમને નવાઇ લાગીને?

“હા.. હવે ટાઢાપહોરની હાંકવાની શરુઆત કરી..સીતાફળ હોય.. રામ ફળ પણ હોય.. પણ હનુમાન ફળ?’”

“ હા હનુમાન ફળ હોય.. સીતાફળ ની સાઈઝ આટલી હોય કહીને એક હાથનો ખોબો બતાવ્યો.. રામફળ તેના જેવું જ પણ થોડું મોટું હોય જ્યારે હનુમાન ફળ બેઉ હાથ પહોળા કરીને બતાવ્યું..”

હવે સ્તબ્ધ થવાનો વારો મારો હતો ત્યાં અમિત બોલ્યો “ફણસ ને હનુમાન ફળ કહે છે” ઘરમાં સૌ હસી રહ્યા હતા ..નીના ઝંખવાતી ફરી બોલી ફણસ નહીં હનુમાન ફળ..અને મારી સહેલી કહે આનું સેવન કરવાથી શરીર ઉતરે.” અને હાસ્યનો ગુબ્બારો ફરી ઉઠ્યો.

મંદા આઇઅસ્ક્રીમનો ડબ્બો અને બે મોટા કાચનાં વાટકા અને ચમચી લઇને રૂમમાં આવી.

મંદાનું પીયર બારડોલી તેથી તેને ખબર હશે તેમ માની ને ડુબતાને તરણુ મળે તેમ ઝડપ મારીને મંદાને કહ્યું “ આ જોને આસિત મારી મશ્કરી કરેછે હનુમાન ફળને ફણસ કહે હ્છે તું જ કહે હનુમાન ફળ તેં ખાધા છે ને?”

મંદાને માથે ધર્મ સંકટ આવ્યુ તે કહે “ હા સીતાફળ કરતા બમણા કદનું અને એક્દમ મીઠી પેશીઓ વાળુ ફળ હોય છે.અને વાંદરાઓ તેના ઉપર જ જીવતા હોય છે…મંદાએ હળ્વે રહીને કહી દિધું કે તે માણસ નો ખોરાક નથી.

અમિત જરા ગંભિર થઇને બોલ્યો.” નીના ચાલ તું જીતી અને હું હાર્યો..આપણે રાજ્ભોગને માન આપીયે? તું ડબલ ખાજે જીતની ખુશીમાં ખાજે અને હું અડધો ખાઇશ હાર્યાની સજામાં…

“ ના હોં મારે અડધો કપ ખાવાનો અને તમારે બીલકુલજ નહીં”

“ ભાભી પછી તમારો કેલેરી કાઉંટ?”

“ હવે જીત્યાની ખુશી તો મનાવવી જ પડેને…?”

“અને મારે પણ સજા તો ભોગવવી પડેને?”

બધા હસતા હતા અમારા લવાણામાં પછી તો લે ને મારા સમ કહીને એકમેકને ખવડાવતા ભાઇ અને ભાભી રાજ્ભોગ ને આરોગવા બેઠા ત્યારે પાઉંડ રાજ્ભોગ પુરો થઇ ગયો હતો અને ભાભી સહેજ ખચકાતા બોલ્યા અમીતેં મારા ઉપવાસો તોડાવી નાખ્યા.એટલે હારીને તે જીત્યો પણ મઝા આવી..
વિજય શાહ

હાસ્ય સપ્તરંગ (૩૨)માજી ચાલ્યાં રેડિયોઘર – મેઘલતા મહેતા

પગમાં મોજા  ડીલપર શાલ,માથે વીટીયું મફલર લાલ

ડગમગ ડગમગ થાતા પાય,માજી ચાલ્યાં રેડિયો ધામ

હાથે લાકડી લથડે ચાલ,શરદીથી નાકે મુડદાલ

વહેલા મોડા પહોચ્યાં પાર,માજી ચાલ્યાં રેડિયો ધામ

સ્ટુડિયોમાં સહું તાજામાજા,માઈકથી થાતા આઘાં પાછા

ત્યાં તો માજી આવી પહોચ્યાં,ઝટપટ લાગ્યાં પાર્ટ વાંચવા,

પણ વંચાતું  ઊંધુંચત્તું ,સાચું પાનું જાતું ખસી

ત્યાં માજીને ઠોકર વાગી,ઉઠાડયાં એમને હળવે હસી

માજી તમારું કામ નહીં શરદી સાથ કાંઈ થાય નહિ

આર્થાઈટીસથી ઉઠાઈ  નહીં,મોતિયો આંખે વંચાય નહિ

હાશ કરીને ઉભા થયાં,બાજુ પર જઈ બેસી ગયાં

નિરાશ થયો નાટકિયો જીવ  કહેવું રહ્યું હવે શિવ શિવ

નાટ્યનું વાંચન શરુ થયું પાત્રએક ત્યાં ખૂટી પડ્યું

કોઇથી યોગ્ય વંચાય નહીં,પાત્રની પૂરણી થાય નહીં

માજી ખૂણે ઝોકા ખાય,ને નિરાશા માં ડૂબકા ખાય

ત્યાં માજીને છીંક આવી,સહુને માજીની યાદ આવી

માજીને અંતે પાત્ર મળ્યું ,માજીને તો ભાવતું મળ્યું

માજીની ઉમર પાંસઠ વરસ, ને પાત્રની ઉંમર પચીસ વરસ

જ્યાં ત્યાં રેકોડીંગ પૂરું થયું પણ દિગ્દર્શકનું મન ડંખ્યું

જો કે સંભાળનારે એમ કહ્યું પચીસનું પાત્ર પંદરનું રહ્યું

મેઘલતાબેન મહેતા

 

હાસ્ય સપ્તરંગ (૩૧)બચી અને બકો-કલ્પના રઘુ-

Posted on April 4, 2016 by Pragnaji
અમદાવાદમાં મારી એક મિત્ર બચી રહેતી હતી. હંમેશા તેને દરેકને બકા કહીને સંબોધવાની આદત. પછી સામેની વ્યક્તિ ઉંમર કે કદમાં નાની હોય કે મોટી …

અમને તો ભાઇ મજા આવતી આ ઉંમરે, અમને કોઇ બકા કહીને બોલાવનાર છે. સાચું કહું તો અમને આ બકા સાંભળવાની આદત પડી ગઇ હતી. ના બકા … , જો બકા … , હા બકા … , પછી બકા એવું થયુંને … , વિગેરે વિગેરે અને અમે સૌ ટેવાઇ ગયા હતા, તેના ‘બકા’થી.

પરંતુ એક વખત ભારે પડી ગઇ. મુંબઇથી તેના સાસુ-સસરા દસ દિવસ માટે મહેમાન બનીને બચીના ઘરે આવ્યાં હતાં. ડાઇનીંગ ટેબલ પર સસરાજી જમવા બેઠા હતા. કડક સાસુમા બાજુમાં બેસીને છાપુ વાંચતા હતા. સસરાને ખાતાં ખાતાં ઢોળવાની આદત. ખાઇ રહ્યાં પછી બચી થાળી લેવા આવી. અને બોલાઇ ગયું … બકા, બહુ ઢોળે છે … અને સાસુ છાપાંમાંથી મોઢું બહાર કાઢી ચોંકી ગયા … બચીની જીભ બહાર નીકળી ગઇ … સસરાની આંખો પહોળી થઇ ગઈ … સસરાથી બોલાઇ ગયું … હેં!!!

અને ત્યારથી એ ઘરમાં જયારે સાસુ-સસરા આવે ત્યારે એક નિયમ બની ગયો. સસરા જમે … સાસુ પીરસે અને સાસુ થાળી ઉપાડે … ભારે થઇ ભાઇ આ ‘બકાએ’ બચીને બચાવી લીધી … સસરાની સરભરામાંથી … હંમેશ માટે!!!!!

કલ્પના રઘુ

હાસ્ય સપ્તરંગી -(૩૦) કરાગ્રે વસતે …આરતી રાજપોપટ

‘આ આજકાલ ના છોકરાઓ ને એમની મોબાઈલ ની લત’ મનહરભાઈ અકળાઈને બબડ્યા.’છો ને કરતા તમને શું થાય છે,તરવરિયા યુવાન છોકરાઓ ને જ નવી નવી વસ્તુ ઓનું આકર્ષણ થાય ને’ પત્ની એ તેમને ટોકતા કહ્યું.’ પણ અત્યારે રજાઓમાં કાકા-બાપા ને મામાફોઈ ના પોરિયાઓ ભેગા થયા છે તો પણ આખો દિ સોફા માં પસરાઈ ને મોબાઈલ માં મોઢું નાખી બેઠા હોય છે કોણ આવે છે કોણ જાય છે દુનિયા માં શું થાય છે કાશી ભાન છે એમને ,પેલા તો બધા ભેગા થતા ત્યારે કેવા ધિંગા મસ્તી ને ધાંધલ ધમાલ કરતા’ દાદા બળાપો કાઢતા બોલ્યા.
એક બે વાર તો સાસરે થી રજાઓ માં આવેલી દીકરી ને પણ ફોન પડેલી જોઈ ટોકી ‘છોકરાવ તો ઠીક તું પણ શું આખો દિ ફોન માં હોય છે’
‘ ના ના પપ્પા બેટરી લો હતી તો તે જોતી તી ‘ દીકરી એ સ્વ બચાવ માં કહ્યું.

એજ વીક માં દાદા નો 75th બર્થડે આવતો હતો ,તો બધા છોકરાવે ભેગા મળી પ્લાન કરી સવાર સવાર માં હેપી બર્થડે ‘દાદા’,’નાના’ ,પપ્પા ના વધામણાં સાથે તેમને તેમની સૌથી અણગમતી વસ્તુ, નામાંકિત કંપની નો લેટેસ્ટ મોડેલ નો મોબાઈલ ભેટ માં આપ્યો! દાદા ‘ આ શું મારે એવો ફોન શું કરવો છે ,મારે નથી જોઈતો’ ‘પ્લીઝ દાદા’ બધા એક અવાજે બોલ્યા.’ અરે મને આ વાપરતા પણ ના ફાવે’ દીકરી ની દીકરી કે જે ગેંગ માં સૌથી મોટી હતી તે લાડ થી બોલી ‘ નાના હું શીખવી દઈશ તમને અહીં છુ એટલા દિવસ માં, સાવ સહેલું છે અને તમે આમ તો મોબાઈલ ફોન વાપરોજ છો ને કી- પેડ વાળો એટલે વાંધો નઈ આવે’. સારું હમણાં રાખો પછી જોઈશું’
અને પછી બાકાયદા પ્રેમ ભર્યા હઠાગ્રહ સાથે દાદા ની મોબાઈલ શીખવા ની ટ્રેનિંગ ચાલુ થઇ. ફોન કોલ્સ ,વિવિધ એપ, રેડીઓ ,વિડિઓ ગેમ વગેરે ની જાણકારી નાના નાના પણ એક્સપર્ટ શિક્ષકો એ આપી .દાદા ને પણ ધીમે ધીમે થોડો થોડો રસ પાડવા લાગ્યો. પછી વોટ્સઅપ ના ત્રણ ચાર ગ્રુપ માં પણ એડ કર્યા .એમાંથી એક ગ્રુપ એમના પુરા ફેમિલી નું હતું ,જેમાં દીકરા દીકરી વહુ જમાઈ બાળકો બધા શામેલ હતા. દાદા ને સુડોકુ ની રમત બહુ ગમતી તો એ ડાઉનલોડ કરી રમતા શીખવી.ને બધા વેકેશન પૂરું થતા પોતપોતાના ઘરે ગયા. હવે છોકરાવ તો ચાલ્યા ગયા ને ઘર માં હતા તે સ્કૂલે જવા લાગ્યા તો કશું ન સમજાય તો પુત્રવધુ ને બોલાવી પૂછવું પડતું.
આજે સવારથી જ ગ્રુપ માં મેસેજ આવતા તા hbd રિયા ! many heppy returns of th e ડે રિયા.
તો વહુ ને બોલાવી પૂછ્યું ‘ આ hbd એટલે શું ? વહુ જરા મનમાં હસી હોય એવું લાગ્યું.’ hbd એટલે હેપી બર્થ દે પપ્પાજી’ ‘ ઓહ એમ કે પણ આમ ટૂંકું કેમ ? અને આપણી રિયા સિવાય બીજા કોનો જન્મ દિવસ છે આજે? એનોજ છે તમારી લાડકી પૌત્રી નો.’તો એતો ઘર માંજ
રહે છે એને કેમ બધા એમાં
શુભેચ્છા આપે છે? એ તો
એમજ .દાદા ને નવાઈ લાગી
પછી આઠ દસ દિવસ તબિયત થોડી નરમ ગરમ
રહી તો ફોન થી થોડા વધારે નજીક આવી ગયા ,એમના મિત્રો ના msg ગ્રુપ માં આવતા ચેટ કરતા,
પણ વચ્ચે વચ્ચે મુંજાય જતા પણ હવે વહુ ને પૂછવા માં પણ સંકોચ થતો. ખાસ તો lol ,omg ,jsk આવું બધું સમજ ની બહાર હતું.તબિયત સારી થતા એક દી સાંજે બહાર જવા તૈયાર થયા.તો સ્કૂલે થી આવતી પૌત્રી દાદા કેમ બહાર જાવ છો આરામ કરો ને.’ શું કરું ઘરમાં ‘ અરે તમારા ફ્રેન્ડ સાથે ચેટ કરો ને આરામ કરો ને દાદા. ના ના એમ મૂંગા મૂંગા વાતો કરીને તો હવે મારુ મોઢું ને માથું બેય દુઃખી ગયું છે!કહી પોતાના જીગરી મિત્ર ને મળવા પાર્ક તરફ ચાલ્યા.
પાર્ક માં ‘ અરે મનુ આવ આવ’ ‘ કેમ છે વિનુ .મનહર ભાઈ એ પૂછ્યું. હું તો મજામાં પણ તારે પણ હમણાં જલસા છે નવો ફોન નવી નવી વાતો, યાર બતાવ તો ખરા તારો નવો સાથીદાર!
‘અરે સુ વાત કરું વિનુ ક્યારેક તો બહુ મૂંજવી દે છે આ તું તો ઘણા સમય થી વાપરે છે ને સાલું આ omg ને લોલ ને jsk આ બધું સુ છે.? ને વિનુ ઠહાકા મારી હસી પડ્યો ,જો મનુ આજ ના હાઈટેક સમય માં કોમ્પ્યુટર , કપડાં ને ફોન થી લઇ બધું મેજર થી મીની ને મીની થી માઈક્રો થાય છે ને એમ એમ ચેટ ની ભાષા માં પણ આ વાત લાગુ પડે છે jsk …જય શ્રી કૃષ્ણ, omg …ઓહ માય ગોડ ,સમજ્યો મારા ભોળા રામ .મનહરભાઈ તો જોતા રહી ગયા. ‘એ મનુ આ મેસેજ તે વાંચ્યો ..ને મારા ભાભી ને સંભળાવ્યો કે નઈ ,વિનુભાઈ વિધુર હતા તો મનુ ભાઈ ની મશ્કરી કરતા બોલવા લાગ્યા …ધો ળા માથે કાલા આવે તારા
જો ઈશારા આવે
એક આંખ તું મીંચકારે હેત ના હિલ્લોળા આવે
આંખ મંજરી લ ટ સોનેરી સપના પણ રૂપાળા આવે
મને તોતેર ને તને સીતેર તોય વિચાર નખરાળા આવે!
ને વિનુએ મનુ ને આંખ મિચકારી ‘શું તું પણ વિનુ ધડપણ માં આવી વાતો કરે છે ‘ને બંને ખડખડાટ હસી પડ્યા .’ હા યાર મને પણ હમણાં એક દિવસ કેવો મેસેજ આવ્યો ખબર છે ..પૃથ્વી પર થી એમની જન્મ જયંતિ મનાવી પાછા ફરેલા હનુમાનજી ને પ્રભુ રામે પૂછ્યું કેમ હનુમાન કેવો રહ્યો દિવસ તો હનુમાન કહે છે શું કહું પ્રભુ આજે તો ભક્તો એ વોટ્સઅપ પર એટલા ઠેકડા મરાવ્યા કે ક્યારેય જમ્પ મારી નથી થાક્યો એટલો આજે થાકી ગયો! અને પછી બંને મિત્રો પોતપોતાના ફોન ની ખૂબીઓ અને ખામીઓ માં એવા ખોવાય ગયા કે કેટલો સમય વીતી ગયો એનું ભાન પણ ના રહ્યું ને ધ્યાન ગયું ત્યારે હંમેશા મળે ત્યારે અલક મલક ની વાતો કરતા મિત્રો આજે એમના ‘નવા’ સાથીદાર ને
મળી બે વતા બે ચાર ની નવી મંડળી બની ને વર્ચસ્વ નવા આંગતુકે જમાવ્યું એની પર હસવું કે રડવું એજ ના સમજાયું. પછી તો સવારે કરાગ્રે વસતે લક્ષ્મી નો શ્લોક બોલી તરત કરાગ્રે વસતે ફોનં કરમધ્યે વોટ્સઅપમ કરમૂલે ફેસબુક મ પ્રભાતે મોબાઈલ દર્શનં .એવા હાલ દાદા ના પણ થઇ ગયા નવા રંગે બરાબર રંગાય ગયા દાદા .હવે બળાપો કાઢવા નો વારો પત્ની કાન્તા બેન નો હતો કે શું આખો દિ મોબાઈલ માં માથું રાખી બેસો છો ..!!

 આરતી રાજપોપટ

હાસ્ય સપ્તરંગી (૨૯) જસ્સી જૈસી કોઈ નહી- હેમાબેન પટેલ

મારા નણંદનો સ્વભાવ એકદમ મળતાવડો હોવાને કારણ તેમને બેનપણાં બહુ જલ્દીથી થઈ જાય અને તેમાં પણ તેમનાથી મોટી ઉંમરની બેનપણીઓ પણ ઘણી છે.એમાં એક તેમની ખાસ બેનપણી જશુબેન, તે ઉંમરમાં ૮૨ વર્ષના છે. આટલી ઉંમરે રૂપાળા એટલા બધા ઐશ્વર્યા રાયને પણ શરમાવે ! જેવા રૂપ તેવા ગુણ પણ, સ્વભાવે ભોળીયા, બીજાને મદદ કરવામાં અને સેવા કરવામાં તન-મન-ધનથી હમેશાં તૈયાર. લક્ષ્મીમા પણ તેમના પર ખુબજ મહેરબાન. જીભે માસરસ્વતી મહેરબાન ! ભણેલુ ઓછા, આફ્રિકામાં રહેતા હતા, હાલ સાઉથ કેરોલીના રોકહીલમાં રહે છે.સર્વ ગુણ સંપન્ન હોવા છતાં એબ્સન્ડ માઈન્ડ પ્રોફેસર જેવાં ! એવી એવી હરકતો કરે અને તેમની આપ વીતી જાતે જ બીજાને સંભળાવે ત્યારે હસી હસીને લોટ-પોટ થઈ જવાય. તેમને મળવાનુ ઘણી વખત થયુ છે, ત્યારે તેમના આફ્રિકાના પરાક્ર્મના કીસ્સા સાંભળવાની અમે ફરમાઈશ કરીએ અને હાસ્ય મહેફીલ જામે. તેમને મૉઢે સાંભળવાની મઝા વધારે આવે કારણ તેમનો બોલવાનો અંદાજ નીરાલો છે. જસુબેનની કહાની એમને મૉઢે સાંભળીએ.

આફ્રિકામાં મારી બાજુમાં જ ડૉક્ટર રહેતા હતા એક દિવસ કોઈએ મારુ બારણુ નોક કર્યુ, મને લાગ્યુ ડોક્ટરનો કોઈ પેસંટ હશે એમ માનીને બારણુ ખોલ્યુ, સામે કાળીયો ઉભો હતો, અંદર બોલાવ્યો, આવ ભાઈ અંદર બેસ, સોફા પર બેસવા કહ્યુ, સરબત બનાવીને આપ્યુ, મેં તો થોડી વાતો કરી અને પેલાને કીધુ તૂં બેસ હું હમણાં આવુ એમ કહીને કિચનમાં ગઈ,કિચનમાં આઘુપાછુ કરતી હતી ત્યાં મને યાદ આવ્યુ , પેલા કાળીયાને બેસાડીને હું તો અહિયા આવી ગઈ લાવ જોવા દે શું કરે છે ? બહાર જઈને જોયુ તો કાળીયો મોટી બેગમાં ઘરની વસ્તુ ભરતો હતો ! મને જોઈને કાળીયો ભાગી ગયો, ત્યારે મને ભાન થયું આય…હાય.. મેં તો એક ચોરની આગતા સ્વાગતા કરી ! મારુ મગજ ક્યાં ફરે છે ? મારી જાતને જ મેં વઢી નાખી, ગમે તેવા માણસોને ઓળખ્યા વીના ઘરમાં પેસવા દે છે. જસુ સાવધાન રહે આજે તો બચી ગઈ છુ, મગજને ઠેકાણે રાખતાં શીખ.

એક દિવસે, આજે તો મારે મંદિર પ્રસાદ લઈ જવાનો છે એમ બોલીને સવારમાં મેં જલ્દી જલ્દી મગસ બનાવ્યું, ઠારીને ચકતાં પાડીને ડબામાં લઈ જવાનુ હોય, હું ભુલકણી તે દિવસે આખી થાળી ઉપાડીને મંદિર ભાગી, મંદિર ગઈ ત્યારે ભાન થયું આય…હાય… આ મેં શું કર્યુ ! ભગવાનની આવી રીતે ભોગ ધરાવાય ! જસુ તારા મગજને શું થયુ છે ?

મારા ઘરે અમારા ફેમિલી ફ્રેન્ડને પરિવાર સાથે ડીનર માટે મેં બોલાવ્યા હતા, જમવાનુ પણ બનાવીને મેં તૈયાર રાખ્યુ હતુ, એ લોકો સાંજના થોડુ વધારે બેસાય એટલે વેહલા આવ્યા, અમે ગપ્પાં માર્યાં, ઘણો બધો સમય વહી ગયો એટલે મેં તેઓને કહ્યું ઘણુ મોડુ થઈ ગયુ નહી ? ચાલો હવે અહિયાં જમીને જજો. પેલા લોકો તો મારી સામે જોવા લાગ્યા. મેં પુછ્યુ કેમ આમ મારા મૉઢા સામુ જોયા કરો છો ? જમવાનુ કહ્યુ એમાં આટલુ બધુ આશ્વર્ય ? મહેમાન તરત જ બોલ્યા જસુબેન તમે અમને જમવા માટે તો બોલાવ્યા છે કેમ ભુલી ગયાં ? હું તરત જ બોલી, બોલો હવે મારા મગજને શું કરવું ? બધી રસોઈ પણ બનાવીને તૈયાર રાખી છે ! હુ ભુલકણી છું, ભુલી ગઈ મનમાં ઓછુ ના લાવશો. મહેમાન બોલ્યા જસુબેન અમે તમને નથી ઓળખતાં શું ?

એક દિવસ અમારા ફેમિલી ફ્રેન્ડ ઘરે આવ્યા, હું તેમના માટે સરબત બનાવીને લાવી, સરબતના ગ્લાસની ટ્રૅ હાથમાં લઈને ત્યાંજ ઉભી ઉભી વાતોએ વળગી, વાતોમાં એટલી બધી તલ્લીન, વાતો કરતાં કરતાં જ સરબતનો ગ્લાસ જાતેજ પીને પુરો કર્યો. સરબત પુરુ થઈ ગયું ત્યારે ભાન થયું મહેમાનને આપવાને બદલે પોતેજ સરબત પી ગઈ.

મારો સ્વભાવ બોલકણો બહુ  હૉ ! પાછી હું મહિલા મંડળની ચેર પર્સન ! એક દિવસ મારે સ્પીચ આપવાની હતી, મારા મોટાભાઈને મેં કીધુ ભાઈ, મને બોલતાં બહુ ફાવે નહી એમ કરોને ભાઈ, મને સ્પીચ લખી આપો હું વાંચીને બોલીશ.ભાઈએ મને સ્પીચ લખી આપી, મેં એક વખત વાંચી લીધી. ભાઈ મને તેમની ગાડીમાં હૉલમાં લઈ ગયા, સ્પીચ પણ વાંચીને બરાબર આપી. મનમાં ખુશ થઈ, વાહ જસુ તું કંઈ જાય એમ છે ! બધુ બરાબર પતી ગયુ ઘરે જવાનુ હતુ પાર્કીંગ લૉટમાં પહોચી, મારા ભાઈની ગાડીના કલર જેવા જ કલરની ગાડી ઉભી હતી, ધુમકીમાં કંઈ જોયા વીના જ તેમાં ડ્રાયવર સીટની બાજુની સીટમાં બેસી ગઈ અને ભાઈને પુછવા લાગી ભાઈ, મેં સ્પીચ બરાબર વાંચી હતી ને ? હું બકબક કરતી રહી ભાઈએ મને જવાબ ના આપે એટલે મેં ભાઈની સામે ઉંચુ જોયુ, અરે હું કોની ગાડીમાં બેસી ગઈ ! ગાડીમાંથી ઉતરીને કંઈ બોલ્યા વીના સીધી ભાગી ! પાછુ વાળીને કોણ જોવે ? બીજાની ગાડીમાં બેસી ગઈ હતી !

આજે મારે મારી સહેલીને ત્યાં મઠિંયાં વણવા જવાનુ હતું હું મારી આડણી-વેલણ લઈને તેને ત્યાં ગઈ, બેનપણી ઉપરના માળ પર રહે, જ્યારે નીચે કોઈનુ બારણુ ખુલ્લુ હતુ હું પેસી ગઈ ! બોલી દક્ષાબેન, આવતાં બહુ મોડુ થયુ ચાલો મઠિયાં વણવાના ચાલુ કરીએ, સામેથી કોઈ ઉત્તર ન મળ્યો મેં સામે જોયુ તો બીજી બાઈ ઉભેલી હતી ઘર પણ જુદુ લાગ્યુ !  ભાન થયું હું બીજાના ઘરમાં પેસી ગઈ છું ! ત્યાંથી ભાગી અને મારી રામ કહાણી દક્ષાબેનને સંભળાવી. શું કરું ! હુ ! મારો ભલકણો સ્વભાવ  ભારે પડે છે.

નવરાત્રી હતી અને હું માતાજીના મંદિર દર્શન કરાવા ગઈ ત્યાં મુર્તિ આગળ નીચે માતાજીના પગ આગળ માતાનાજીના ચરણ પાદુકા હતા હું દર્શન કરવા નીચે નમી પાદુકાને પગે લાગી અને એક પાદુકા હાથમાં ઉપાડી લીધી મંદિરની બહાર નીકળી એક બહેને સવાલ કર્યો જસુબેન તમારા હાથમાં આ શું છે ? મેં મારા હાથમાં જોયું તો માતાજીની પાદુકા ! અરર જસુ ! તેં આ શું કર્યુ ? માતાજીની પાદુકાજ ઉપાડી લીધી, આ મારા મગજને શું થઈ ગયું છે, કોઈ વસ્તુનુ ભાન નથી રહેતુ, દોડતી પાછી ગઈ અને પાદુકા પાછી મુકીને માતાજીની માફી માગી.

ઘરે સત્યનારાયણ કથા રાખી હતી, ગોરમહારાજ આવ્યા તેમને આસન આપી બેસાડ્યા, વાતોએ વળગી, તેમણે ચસ્મા મુક્યા હતા તે મેં લઈને ઠેકાણે ઉંચા મુક્યા. કથા ચાલુ થઈ ગોરમહારાજ તેમના ચસ્મા શોધે ઘર ગાંડુ કર્યુ. મારા ચસ્મા મેં ટેબલ પર જોયા ત્યારે થોડી વાર પછી મને ભાન થયુ મેં ગોરમહારાજના ચસ્મા ભુલથી ઠેકાણે ઉંચા મુકી દીધા.

મારા બધા દાંત ખરાબ થઈ ગયા હતા, એટલે બધા દાંત કઢાવીને દાંતનુ ચોખઠુ બનાવડાવ્યુ હતું હું દાંત રાત્રે કાઢીને બાથરૂમમાં એક ડબ્બીમાં મુકી રાખુ, એક દિવસ દાંત મારા હાથમાંથી છટક્યા અને ટોયલેટમાં પડી ગયા મેં તેમાંથી કાઢી લીધા અને ધોઈને મુક્યા, વિચાર્યુ ટોયલેટમાં પડી ગયેલુ ગંદુ થયેલુ કોણ પહેરે ? આ ફેકી દઈશ અને બીજા કરાવીશ, તે દિવસે આખો દિવસ ચોખઠુ પહેર્યુ નહી. બીજે દિવસે નાહીને તૈયાર થઈ બહાર જવાનુ હતું જલ્દી જલ્દી બાથરૂમમાં જઈને ડબ્બીમાંથી દાંતનુચોક્ઠુ કાઢીને પહેરી દીધુ. બહાર જઈને આવી રાત્રે સુતી વખતે જ્યારે ચોકઠુ મૉઢામાંથી કાઢ્યુ ત્યારે યાદ આવ્યુ આતો ટોયલેટમાં પડી ગયું હતુ, યાદ આવ્યુ એટલે ઉલટી જેવું થવા લાગ્યુ, કેટલા કોગળા કર્યા, ગરમ પાણીથી કોગળા કર્યા પણ હવે શું ? દાંતનાચોકઠાને ગરમ પાણીમાં ઉકાળવા મુક્યા ! મોઢું કેમનુ ઉકાળુ ? કોઈને કહેવાય નહી આબરૂ જાય !

કેન્યાથી ટાન્જાનિયા જવું હોય તો વીઝા લેવા પડે, હું અને મારા પતિ વીઝા લેવા માટે ગયાં ત્યાં આગળ ઓફિસરે વીઝા આપી દીધા અને પાસપોર્ટ પર સીક્કો મારી આપ્યો. ઓફિસર કોઈ કામ માટે ટેબલ આગળથી ખસ્યો, પાસપોર્ટની બાજુમાંજ તેના ડ્રોવરની ચાવી પડી હતી મેં પાસપોર્ટ્ની સાથે તેની ચાવી પણ લઈ લીધી તેનુ મને ભાન ન હતું . અમે ઘરે જવા પાછા નીકળતા હતા, અમારા બીજા ફેમિલી ફ્રેન્ડ પણ વીઝા લેવા આવ્યા હતા,રાહ જોતાં જોતાં અમે અડધે રસ્તે પહોંચી ગયા, આવ્યા નહી, બહુ રાહ જોઈ આખરે આવ્યા એટલે પુછ્યુ કેમ આટલી બધી વાર લાગે તે ભાઈએ કહ્યુ ઓફિસરની ચાવી ખોવાઈ ગઈ, ત્યારે મને મારી ચાવી ચેક કરવા માટે કેડે હાથ મુક્યો તો મારી ચાવી સહીસલામત હતી, તો પછી મારા હાથમાં આ કોની ચાવી છે ? મને ભાન થયું હું જ પેલાની ચાવી લઈને આવતી રહી છું.અમે પાછા ફર્યા અને ઓફિસરને ચાવી પાછી આપી અને અમે બંન્નેએ તેની માફી માગી. ત્યાર બાદ ગામમાં કોઈના પણ ઘરમાં કોઈ વસ્તુ મળતી ના હોય તો બધા એક બીજાને પુછે જસુબેન તમારા ઘરે આવ્યાં  હતાં ?

જસુબેન બોલે પણ ખરાં,મારાં પરાક્રમો બહુજ છે અમુક મને યાદ નથી આવતાં, હોંશે હોંશે લોકો મારી રામ કહાણી સાંભળે અને બોલે “ જસ્સી જૈસી કોઈ નહી “ હું વિચારુ વાત તો સાચીજ છે મારા જેવા મગજ ધરાવતા બહુ ઓછા મળે.મારી હરકતોથી મને ઘણી વખત બહુજ શરમ આવે છે, પરંતુ અજાણથી ભુલો થાય છે, મને લાગે છે મારુ નાનુ મગજ વધારે કામ કરે છે, પેલા મોટા મગજને ધ્યાન પણ ના હોય હું શું કરી રહી છું.લોકો મને ઓળખી ગયા છે, જસુબેનનુ મોટુ મગજ કામ નથી કરતુ ! લોકોનુ નાનુ મગજ સુતેલુ હોય, જ્યારે અહિયાં તો મોટુ મગજ સુતેલુ છે.બધી નિર્દોશ હરકતો છે,મારી ભુલો કોઈ મનમાં લેતુ નથી, માફ કરી દેછે.

( આ ઘટનાઓ કાલ્પનિક નથી, જસુબેન અને તેમના પરાક્ર્મ સત્ય ઘટના છે. )

હેમાબેન પટેલ

હાસ્ય સપ્તરંગી (૨૮)તમે એવા ને એવા જ રહ્યા-

કહું છું, અડધો કપ ચા મુકજોને 

મારી ચા કયા છે ?

આ લ્યો દિવસનો આ છઠ્ઠો કપ છે.
હજુ બીજા ત્રણ-ચાર કપ થઇ જશે…. 
અરર હું કહું છું તમે હવે આ ચાની તમારી લત છોડો તો સારું।..આખો દહાડો શું ચા પી પી કરવાની? પછી ભૂખ મરી ન જાય તો બીજું શું થાય?’  ‘દહાડામાં દસ વાર આખી ચા ઠપકારવાથી એસિડીટીનો પ્રોબ્લેમ થાશે એ તો લટકામાંપણ માવજીભાઈ માટે ચા, વિજ્ઞાન-ગણિતની પરિભાષામાં કહીએ તો, ‘આવશ્યક અને પર્યાપ્તછે.
આપણે હવે કાયમ માટે અમેરિકા જવાના છીએ ત્યાં કોઈ વારેઘડીએ ચા નહિ બનાવે.
માવજીભાઈ સાંભળે એ બીજા અને મણીબેન મુંગા રહી શકે તો મણીબેન નહિ….
એ ભલે અડધી કહે,પણ મણીબેન તો તો આખી જ પાશેએવી દૃઢ શ્રદ્ધા હૈયે ધરીને જ અડધીમાગતા હોય છે.બસ આમ જ ચાલે છે એમની જિંદગી, ક્યારેક મણીબેન રિસાય તો રેકડીની કટિંગ ચા પણ માવજીભાઈ ગટગટાવે છે હા અડધી ચા થી માવજી ભાઈનું ગળું પણ ભીનું ન થાયપણ ચા વગર ન ચાલે એ વાત પાકી અને ચા પીવી અને પીવડાવવી એ માવજીભાઈ નું ગૌરવ છે. 
એક દિવસ ટપાલી ખાસ પોસ્ટ લઇ આવે છે ખોલતા માવજીભાઈ બોલ્યા ચા પીવડાવો તો સારા સમાચાર આપું. હવે બિસ્તરા પોટલા બાંધવા માંડો આ ગ્રીન કાર્ડ આવી ગયું છે. 
અને આ સંભાળતા મણીબેન તો ખુશ ખુશ થઇ બાજુવાળા ચંપા બંનને ઘર હરખાતા સમાચાર આપતા કહે અરર ચંપાબેન સાંભળો છો? હવે તો અમે અમેરિકા જવાના તમે જ અમારા ઘરનું ધ્યાન રાખજો અને ચંપાબેન કહે વાહ વાહ મણીબેન તમે તો હવે આવશો ત્યારે ફોરેન રીટન કહેવાશો પેલું શું કહે છે NRI …..હા મણીબેન હવે આ સાડીઓ ન ચાલે પેન્ટ પહેરજો,
તમે પણ શું ચંપાબેન…. મણીબેન શરમાણાં
હા મેં સાંભળ્યું છે કે બધા ત્યાં બદલાય જાય છે. 
અને દેશ એવો વેશ ,સાચું કહ્યું મારી માં એ પરણાવી ત્યારેથી શીખવાડી મોકલી હતી કે જ્યાં જાવ ત્યાં સમાઈ ને રહ્જે અને હવે અમેરિકા બાકી રહી ગયું હતું તો એ પણ આ વળતી જીંદગીમાં જોઈ જાણી લેશુંચંપાબેન પણ તમને અમે કોઈ દિવસ ભુલશું નહિ હો.આ પોળ,આ ઘર બધું ખુબ યાદ આવશે અને આંખના છેડા સાડીના છેડા થી બંને જણ લુછતા છુટા પડ્યા..અને મણીબેન તૈયારીમાં પરોવાયા, ઘરની ન જોઈતી વસ્તુ આજુબાજુવાળાને આપી અમેરિકાનો સમાન પેક કર્યો, ત્યાં માવજીભાઈ ને શું યાદ આવ્યું કે કહે તમે ચાનો મસાલો લીધો કે નહિ
અરર મારે તમારું શું કરવું ? તમે અને તમારી ચાની ચુસકી 
ના આતો પ્લેનમાં ચા મળશે નહિ તો આ  આટલા કલાક કેમ નીકળશે અને તમને ખબર છે ને મને ચા પીધા વગર જાજરૂ પણ નથી જવાતું ,પણ ચાનો મસાલો હોય તો કૈક ગડમથલ કરી ચા જેવું થોડું પીશું. 
અરર તમે પણ…  ક્યારે સુધરશો? .
તમને હું ઓળખું છું આટલા વર્ષ મારા પાણીમાં નથી ગયા,આ જોવો મારા હાથની બેગમાં તમારા માટે ચાનો મસાલો અને થેપલા પણ લીધા છે સાથે મરચાં પણ
હા પણ ધ્યાન રાખજો કઈ પણ રસાવાળું ન લેતા નહીતો ફેંકાવી દેશે. 
મને બધું ખબર છે મેં બધું પૂછી કરીને પેક કર્યું છે, અરર તમે મને ક્યારેય ઓળખી શક્યા નહિ। .
હા હા ચાલો હવે સુઈ જાવ કાલે સવારે વહેલા નીકળશું રમેશભાઈ ગાડી લઇ ને આવશે,ઊંઘ તો ન આવી
અને બીજે દિવસે આવજો આવજો અને અરર અરર કરતા બન્ને જણ પ્લેનમાં ગોઠવાણા 36 કલાક તો જેમ તેમ કાઢ્યા મણીબેન પગના દુખાવાની ફરિયાદ કરતા રહ્યા અને માવજી ભાઈ ચા ની સાથે જાજરૂ ન ગયાની.. અંતે ગમે તેમ અમેરિકાની ધરતી પર પગ મુક્યો ત્યારે હાશકારો થયો. 
માવજીભાઈના દીકરા વહુએ ગોળ વંદાવ્યા વગર જ બન્ને ને આવકાર્યા. 
એ તો કઈ નહિ પણ દીકરો તુરંત કામે જવા રવાના થયો અને અમેરિકન બોન વહુ પણ પાછળ નીકળી. 
બા અહી બધું રસોડામાં છે.ટેબલ પર જમવાનું રાખ્યું છે. 
હા તમે ચિંતા ન કરશો..તમ તમારે જાવ
કહું છું પહેલા એક સરસ મજાની અડધો કપ ચા મુકોને …. 
હા લાવો ચા મુકું તો તમારો છુટકારો થાય… 
અરર આશું અહી દૂધ કેમ આવું પાતળું છે ?
જે હોય તે,પાણી નાખ્યા વગર ચા એકલા દુધની ચા કરો અને હા મસાલો નાખજો. 
પણ કહું છું અહી કપ આવડા મોટા અને રકાબી તો છે જ નહિ. 
તમે ચા કેવી રીતે પીશો
જે હોય તે એકલા કપમાં જ લાવજો પણ બસ ચા આપો. 
આ પેટ ખુબ ભારે થઇ ગયું છે….
મણીબા તમે તો સાવ અમેરિકા આવ્યા ભેગા વટલાઈ ગયા ,તમારી ચા નો સ્વાદ જ જાણે બદલાઈ ગયો..
અરર તમે શું કહો છો?
જુઓ તમારા હાથની ચાથી મારી સવાર પડે છે.આમ કરશો તો હું દેશ ભેગો થઇ જઈશ
મારી પસંદગીમાં ચા પહેલા 
અને પછી હું એમ જ ને? અરર તમે નહિ સુધરો. 
પણ સાચું કહું અહી બધું ખુબ ચોખું છે. 
પણ સવાર પડે ત્યાં દુધવાળો આવતો નથી એ મજા નથી આવતી 
તમે ચાની રાહ જોઈ ને બેઠા હો દૂધવાળો મોડો આવે હું ભાવ તાલ કરું તપેલામાં દૂધ લેવાનું પૈસાની રકજક કરવાની એની મજા જ કૈક જુદી હો !
પણ સાચું કહ્યું એ મને પણ ખુબ મજા આવતી..
બધું જ અલગ 
અહી ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીતા નથી.
તમારી ચાની તલપ ક્યારે પૂરી થશે એ તો રામ જાણે હવે શાંતિ રાખો અને મને આ ભજન સંભાળવા દો તો સારું 
હે મણિબા આ તમારા નરસિંહ મહેતા ચા પીધા વિના પ્રભાતિયાં કેવી રીતે ગાતા હશે…?
અરર મારે તમારું કરવું શું ?
જે હોય તે ચા સરસ બનાવજો.. 
મારો દીકરો મોઘી ચા લાવે છે તમારા માટે એક તો ડોલરમાં વધારે પૈસા આપીએ છીએ! અને પછી એમાં ચાનો ગરમ મસાલો નખાવો છો.. 
દીકરા અને વહુ ને ઘણીવાર વિચાર આવે કે ઉચ્ચ ક્વૉલિટીની ચાની મુલાયમ ખુશ્બૂ અને ઉચ્ચ ક્વૉલિટીના મસાલાની તીવ્ર તામસિક વાસને ભેગા કરાવીને ચાના સબડકા લેતા લેતા કહે છે સાલી દેશ જેવી મજા ન આવી….પપ્પા તમે તો ખરા છે ? અને અમેરિકન વહુ વિચારે આખો મગ છલકાઇ જાય ને ડીશમાં અડધી ઉભરાઇ જાય એટલી ચાને અડધી કેમ કહેતા હશે?
પણ ચાના સબડાકાઓ સાથે માવજીભાઈ મગજ કાર્ય કરતુ થઇ જાય …..પરફોર્મન્સ દેખાડે માંડે. 
નવરા બેઠા એક દિવસ માવજી ભાઈ ની ગુજરાતી વેપારી પ્રકૃતિ બોલી ઉઠી….
કહું છું તમે અહી ચાની લારી નાખો તો કેમ ?
તમે પણ…. .
અરે આપણા દેશ જેવી જ ચા બનાવજો અને હું નરેન્દ્ર મોદીની જેમ કીટલીમાં ચા વેચીશ.. 
અને ચોટીલાના કપરકાબી મંગાવશું….
પછી નામ આપશું સબડકા ટી કાફેઅને રેકડીમાં હશે તો મોબાઈલ સબડકા ટી કાફે
ટેક ટી સબડકા એન્ડ એકટીવેટ યોંર બ્રેન એન્ડ સ્ટમક (ચા ના સબડકા લ્યો અને મગજને ઉઘાડો અને પેટ ને સાફ રાખો ) 
અરર અહીંથી અટકો તો સારું ,તમારો ચા અને પૈસા કમાવાનો ગાંડો શોખ અહી ન પોષો તો સારું
મણીબા તમને ખબર છે એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય) પાચ ડોલરની ચા ના કેટલા થાય ગણો તો? એક વાર સબડકા ટીશરુ થવા દયો પછી લોકો કહેશે સફળ વ્યક્તિની સફળતા પાછળ કટિંગ ચા અને સબડકા ચાહનો સાથ હોય છે”. અને અહી બધા સફળતા પાછળ દોડ મુકે છે…સવારના પોરમાં હાથમાં ચા પકડાવી દયો પછી જોવો મજા ,માર્કેટિંગ,માર્કેટિંગ…..
અરર તમે પણ નવરા બેઠા આવા સપના જોવાનું બંધ કરો,… 
અને વધુ એક પણ શબ્દ ન બોલતા મને હવે ગુસ્સો આવે છે. 
માવજીભાઈ મૂડમાં હતા મસ્તી કરતા બોલ્યા મણિબા સાચું કહ્યું આ ચા માં અને તમારામાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, તમે બન્ને પડ્યાં પડ્યાં ઊકળે રાખો છો ! 
આ શું બોલ્યા ?
માવજીભાઈ મસ્કા મારતા બોલ્યા અરે મણીબા ઊકળવું એ તો તમારો અધિકાર છે . 
તમે ઊકળો નહિ ત્યાં સુધી જામે ય નહિ હો,મન પરફોર્મન્સ જ ના આપે.
તમને આ ઘરડે ઘડપણ શું સુજે છે જરાય શોભતા નથી. 
ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, અને તું ઊકળે તો લાલ પીળી થાય !
હવે મુંગા રહો, વહુ સંભાળશે તો શું કહેશે
અરે તમને ખબર છે ચા નો નશો શું છે ?
ચા ની ચૂસકીમાં આપણને બે પેગ પીધા પછી થતો હોય તેવો નશો છે..
અને તે દિવસે સાંજે દીકરાના એક મિત્રને ત્યાં પાર્ટીમાં જવાનું થયું. માવજીભાઈ એ ચા માગી તો બધા કહે આ લો ચાની બદલે આજે આનો નશો કરો અને શું સુજ્યું કે માવજીભાઈ ચાના વાકે પી ગયા એ દારૂ!એ પહેલીવાર નશો કર્યો અને માવજીભાઈ એ જાણે બદલાઈ જ ગયા ચાની ઈચ્છામાં શાયર થઇ ગયા અને બોલતા રામનીશાયરી બોલવા માંડ્યા.
મિત્રો ઓ હવે નથી રહી એક પણ ઇચ્છા સિવાય એક કપ “ચા”
કોઈ પૂરી કરો મારી આ ઈચ્છા અને લાવો એક કપ કડક “ચા”
મારા મરણ વખતે કહેજો ડાઘુઓ ને કે “ચા” પીને આવે
અને સ્મશાન માં પીવા માટે થર્મોસ “ચા” ના ભરતા આવે
મારી નનામી “લિપ્ટન” તણા ખોખા ની જ બનાવજો
શ્રીફળ ને બદલે ચાર ડબ્બા “બ્રુક્બોન્ડ” ના જ લટકાવજો
દોણી મહીં ન લાવતા અગ્ની પણ કીટલી માં “ચા” જ લઈ આવજો
મારી પાછળ આવનારા સૌ “કપ-રકાબી” ખખડાવજો
સળગતી મારી ચિતા માં ઘી ને બદલે “ચા” નખાવજો
અને ભભરાવી “ફોફા” મારી રાખ માં પછી જ નદી માં પધરાવજો
અને પાછો જનમ મળે મુંજ ને આ ફાની દુનિયા મહીં તો
પ્રાર્થું પ્રભું ને એટલું કે “ચા” ના જ ધાવણ ધવડાવજો… 
માંડ બોલતા બંધ કર્યા …..
સવાર સુધી ઊંઘમાં પણ ચા ચા નો લવારો કરતા રહ્યા. 
દીકરો અને વહુ જાણે ડઘાઈ ગયા…. 
સવારે ઉઠતા ની સાથે લીંબુ પાણી આપ્યા સાથે કોફી પીવડાવી ત્યારે નશો ઉતર્યો. 
તો કહે મને ચા આપો… 
દીકરો કહે પપ્પા હવે આ તમારું ચા પ્રકરણ બંધ કરો તો સારું
હવે થી આ ઘરમાં કોઈ ચા નહિ પીવે. અને ચા ઉપર પ્રતિબંધ લાગ્યો
ચાના બંધાણી અને માવજી ભાઈ તો બરાબરના ફસાણા
એક તો રોજ ની મોકાણ ચા વગર જાજરૂ પણ બરાબર ન આવે 
સવાર તો બગડે પણ હવે તો આ પેટ પણ .
માવજીભાઈ મુંજાણાં ..શું કરવું
એ ચા, ને એ ચાનો સબળકો ,સાલું કટિંગ અમેરિકામાં કોઈ સમજતું જ નથી,રેકડી તો છે નહિ ,હું અહી કંયા આવી ચડ્યો?… ચા નો સબળકો પછી રોજ સવારે જાજરૂ નો  ઉમળકો,ચા નો ગલ્લ્લો,…કટિંગ ચા …એ જ કડકો દોસ્ત..પોળ ની ગલીઓ,.. ખુલ્લી સડકો, ..જાણે બધું ખોવાઈ ગયું…,બસ માવજી ભાઈ માંદા પડી ગયા.મણીમાસી કહે બેટા કૈક તોડ ગોતવો પડશે તારા  બાપુ આખો દિવસ  લવારો કરે છે. પ્રતિબંધ હટાવ્યો ,ઘરમાં ચા બનાવી પણ માવજીભાઈ સાજા ન થયા,

અંતે એક દિવસ ટીકીટ લઇ ઇન્ડિયા ભેગા થયા… બાજુવાળા લેવા આવ્યા ,ઘર ખોલ્યું, આવાવરું ઘર પણ સારું લાગ્યું અને સવારે કૂકડાની બાંગ સાથે રવજી દૂધવાળો આવ્યો,એ દૂધ લેજો અને મણીબેન તપેલું લઇ દરવાજો ખોલતા બોલ્યા અરર..રોયા આટલો મોડો કેમ આવે છે?આ તારા કાકા ચાની રાહ જોઈ ને બેઠા છે ! અનેદૂધ જોતા જ ઓરીજીનલ મણીબેન તરત તાડુંકયા અરર અલ્યા પાણી કેટલું નાખે છે ?અને ચાર મહિના બહારગામ ગયા ત્યાં ભાવ કેટલા વધાર્યા ? અરર આ નરેન્ર્દ મોદી શું કરે છે ?પછી જટ દેતાની ચા મૂકી મસાલો અને લીલી ચા,આદુ નાખી ચા માવજી ભાઈ ને આપી,ચાના બંધાણી માવજી ભાઈ કપ રકાબીમાં ચા મળતા એક ઝાટકે બેઠા થઇ ગયા અને એક પગ ઉચો કરી,ચા રકાબીમાં રેડીને ગગનભેદી સબડકો બોલાવ્યો…. 

ત્યારે મણીબેન બોલ્યા અરર જોવો તો કેવા સાજા થઇ ગયા .

 

 

પ્રજ્ઞા દાદભાવાળા

હાસ્ય સપ્તરંગી -(૨૮)ત્રણ ફ્રેમ!-રશ્મિ જાગીરદાર

“ગુડ મોર્નિંગ રજત કેમ બે દિવસ થી દેખાતા નથી બહાર ફરી આવ્યા કે શું ? ”

રજત જેવો ઓટલે નીકળ્યો તેવું જ કામેશ ભાઈએ કહ્યું. સળંગ ઓટલા વાળા ઘરમાં રહેતા બે પાડોશી ઓ વાત કરી રહ્યા હતા.
રજત કહે :–“ના ભાઈ  ના, ક્યાંય  ગયા નથી, આતો ત્રણેક દિવસથી મહેમાન છે, એમાં અટવાયો છું”.
કામેશ કહે :–” ઓહ એમ વાત છે ,કોઈ સગા માં હશે નહિ ?”
રજત કહે :–” હા દુરના સગા છે સાસરી તરફના.”
અવાજ સાંભળી ને રજતની પત્ની સીમા બહાર આવી ને કહે , ” ખરા છો તમે , મહેમાન, મહેમાન  શું કરો છો હમણા ઉઠી એ આવશે તો કેટલું ખરાબ લાગે !”
ત્રણે  જણ થોડીવાર વાત કરતાં ઉભાં હતાં, એટલામાં મહેમાન રમણ ભાઈ આવીને ઉભા.
કમલ કહે :–“ઓહો, આ મહેમાન છે એમ ને ?કેમ છો ? આવો આવો ભાઈ, અમારા  ઘરે ચા પાણી કરીએ , પાડોશી ના મહેમાન એ અમારા પણ મહેમાન .”
રમણ કહે :– ”  મઝા માં છું પણ વાત એમ છે કે , હું રાત્રે 2 ની ફ્લાઈટ માં જ આવ્યો અને સુઈ ગયેલો હજી હમણાં જ ઉઠ્યો એટલે ચા પાણી  પણ બેન બનેવી ને ત્યાં નથી કર્યા તો એમને ખરાબ લાગે , ફરી ક્યારેક આવીશ “
કમલ કહે :–”  વારુ  તમારી અનુકુળતા એ આવજો “
પછીના દિવસે  કમલ,  રજતનાં  ઘર  આગળ જઈને કહે ચાલો , આજે તો ઘરે બટેટા વડા  બનાવ્યા છે , મહેમાનને લઇને આવો , ”  કોઈ દેખાયું નહિ એટલે કહે મહેમાન હજી નથી ઉઠ્યા કે શું ?
સંભાળીને રજત  કહે ” એ તો ગયા.”
એટલામાં રજત ની પત્ની આવી અને કહે :–” અરે તમને શું કહું કમલ ભાઈ , એ મારી ફોઈનો દીકરો હતો, શનિવારે અડધી રાત્રે આવી ને સુઈ ગયેલો ,અને હજી ઉઠીને આપણે  વાત કરતાં  હતા ત્યારે ,આ સાહેબ કહે ત્રણ દિવસથી મહેમાન છે . એ દિવસે માત્ર ચા પીને જે કામે આવેલો તેને માટે નીકળી ગયેલો તે છેક મોડી  રાતે  આવીને સુઈ ગયેલો, આમ રવિ વારે પણ જમ્યો તો નહિજ અને સોમ વારે સવારે તો વહેલો ઉઠીને ગયો પણ ખરો તેની ફ્લાઈટ  સવારે 4 વાગે હતી  હવે બોલો, આમને  શું કહેવું મારે ?”
રજત કહે:–” હા એજ ને જો શની રવિ ને સોમ 3 દિવસ થયા કે નહિ ?”
મહેમાન ને લઇ ને કમલ આવ્યો નહિ એટલે એની પત્ની તપાસ કરવા આવી કહે મને થયું કેમ કોઈ આવ્યું નહિ .
કમલ કહે :- ” સીતા, આ તારા અમદાવાદી પાડોશીની વાત સાંભળ જો , પેલો બિચારો શની અને રવિની રાત સુઈ જ રહ્યો  છે માત્ર રવી વારે સવારની ચા જ પીધી છે ” કમલને અધવચ્ચે અટકાવીને,  રજતની પત્ની કહે :– ” જોરદાર વાત તો એ છે કે શનિ વારે આવી ને માત્ર ઉંઘી ગયેલા મહેમાન માટે એમણે કહ્યું કે 3 દિવસ થી મહેમાન છે !  બોલો આ કેવી ફિલોસોફી !”  બધા ખડખડાટ હસી પડ્યા , હસતાં હસતાં સીતા કહે  ” સાંભળો, સાંભળો.  આવી જ મઝાની એક વાત મને પણ યાદ આવે છે, મારા પપ્પાના એક મિત્ર એક દિવસ ઘરે આવ્યા ને કહે , અલ્યા , મારે ઘેર તો જબરું નુકશાન થયું !!! મારા પપ્પાએ પૂછ્યું, “કેમ શું થયું ?”  તો કહે , “મારા દાદા નો મોટો ફોટો હતો કાચની ફ્રેમ વાળો યાદ છે ? બહાર ડ્રોઈંગ રૂમમાં લટકતો હતો?”
મારા પપ્પા કહે:–” હા , તેને શું થયું ?”
 મિત્ર કહે :–” એ ફોટો પડી ગયો ને કાચ એટલે તૂટી જ જાય ને? મારે તો  ત્રણ ફ્રેમની ઉઠી !!!  કેટલો ખર્ચો ! બોલો “
 પપ્પા કહે :–” ત્રણ ફ્રેમ કેમની તોડી નાખી એકસાથે ?”
મિત્ર કહે :–” યાર સમજો તો ખરા , એક ફ્રેમ હતી કે નહિ ?
પપ્પા કહે :–” બરાબર “
મિત્ર:-” એક ફ્રેમ તૂટી કે નહિ ?”
પપ્પા કહે :–” હા ભાઈ તૂટી, તેનું શું ?”
મિત્ર કહે :–” હવે એક ફ્રેમ નવી લાવવી પડશે ખરું કે નહિ ? તો મને તો ત્રણ ફ્રેમની ઉઠી ને ભાઈ!”  આ વાત સાંભળીને બધા તો હસી જ પડ્યા પણ જયારે રજત પણ ખડખડાટ હસી પડ્યો, અને કહે, ” હસવું તો પડશે જ હોં ભાઈ!” ત્યારે સૌને ફરી એકવાર હસવું આવ્યું.