૩૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

હાથી પાછળ કૂતરા ભસે

“હાથી પાછળ કૂતરા ભસે”, આ કહેવતનો ગૂઢાર્થ એવો થાય કે તમે ટીકા કરવાવાળા લોકો પર ધ્યાન ન આપો અને પોતાની મસ્તીમાં ચાલતા રહો. મદમસ્ત હાથી ચાલતો જાય છે અને પાછળ કૂતરા ભસે છે. હાથી પર તેની કોઈ અસર થતી નથી. આ વાર્તા જાણીતી છે.
ળિયુગમાં હાથી અને કુતરાની વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. હાથી બેફિકરો હતો. તે ગામમાંથી નિકળે ત્યારે પાછળ કૂતરા ભસ્યા કરતાં. પરંતુ હાથી તેની કદી પરવા કરતો ન હતો. ઘણાં સમય પછી કૂતરાઓના માલિકને થયું કે આમ કેમ ચાલે? તેથી તેમણે કૂતરાઓને ટ્રેનિંગ આપી. હાથી પાછળ એક સાથે કૂતરાઓ ભસતાં. ગામમાં શોરબકોર વધી ગયો. કૂતરાનાં માલિકોએ અફવા ફેલાવી કે હાથીને કારણે કૂતરાઓ ભયભીત બનીને શોરબકોર કરે છે. પરંતુ હાથીને કોઈ પરવા નથી. ગામના લોકો આ શોરબકોરથી કંટાળ્યાં. પણ કૂતરાઓને શું કરી શકે? તેથી તેમણે યુક્તિ કરી. હાથી જ્યાં સૂતો હોય કે આરામમાં હોય ત્યાં જઈને સળી કરવાની શરૂ કરી. પથરાં ફેંકે, કાંકરા ફેંકે, વગેરે. હાથી અકળાતો. તે જોઈને ચતુર માલિકો હાથીને વધુ હેરાન કરવા માંડ્યાં. આખરે હાથી ભાન ભૂલીને નાસભાગ કરવા માંડ્યો. કાંકરીચાળો કરનાર બારણાં વાસી ઘરમાં ભરાઈ ગયા. હાથી ગાંડો થઈ ગયો કહીને તેને બદનામ કરવા લાગ્યાં. આ છે આધુનિક સમાજમાં ટીકાખોરો અને અન્ય વ્યક્તિઓની પરિસ્થિતિ. લખનારે આ વાર્તા ખૂબ વિચારીને લખી છે. આ સંજોગોમાં શું કરવું જોઈએ?
ટીકા એટલેકે નિંદા, એ માનસિકતા છે. એકવાર વ્યક્તિને નિંદા કરવાની ટેવ પડી જાય એટલે જ્યાં સુધી તે કોઈ વસ્તુ, સંજોગો કે વ્યક્તિ વિશે અરે! ખુદ ઈશ્વર માટે પણ પોતાનો અભિપ્રાય નહીં આપે કે ટીકા નહીં કરે ત્યાં સુધી તેને ચેન નહીં પડે. તક મળે, સારી વસ્તુની ખરાબ બાજુ પ્રગટ નહીં કરે તો તે આકળવિકળ બની જશે કે તેને પેટમાં દુખાવો થશે. આ એક પ્રકારની વિકૃતિ કહી શકાય. ટીકા કરવાથી સંબંધો બગડે છે. જ્યારે સામેની વ્યક્તિની ખોટી રીતે કરેલી નિંદાને કારણે પાળેલાં કબૂતરની જેમ નિંદા તેની પર તે વ્યક્તિ દ્વારા પાછી આવે છે ત્યારે તે સમાજમાં ઉઘાડી પડી જાય છે. ત્યારે તે સહન કરવું અઘરું પડે છે.
ટીકા કરનાર બે પ્રકારનાં લોકો હોય છે. મોટે ભાગે સમાજમાં એવા લોકો તમારી આસપાસ જોવા મળશે કે તમે કંઈપણ કાર્ય કરો તેમનો પ્રતિભાવ તમારા માટે નકારાત્મક જ હશે. એમને તમારી ખૂબીઓ, કે જે તેમનામાં નથી તેવા લોકો માટે આ કહેવત સાચી છે. બાકીના કેટલાંક થોડાં લોકોની ગણતરી એવા લોકોમાં કરવી કે જેમની ટીકા મૂલ્યાંકન રૂપે હોય છે. તમને તે ટીકાસ્વરૂપ લાગે અને તમે અવગણો. પરંતુ જો શાંતિથી વિચારો તો જણાશે કે એ ટીકા પોતાનાં વ્યક્તિત્વમાં સુધારો લાવવા માટે જરૂરી છે. અહીં ટીકા સાબુનું કામ કરે છે. માટે લોકોની ટીકાઓને અવગણ્યા વગર સ્વસ્થતાથી સાંભળવાની આદત પાડવી જોઈએ. નિંદાને સહન કરી આગળ વધવું એ જ ડહાપણ છે. જીવનઘડતર માટે ક્યારેક ટીકા ઉપયોગી થઈ પડે છે. સંસ્કૃત વ્યાકરણનાં સર્જક પાણિની મુનિનો જશ તેમના જીવનમાં આવેલ ટીકાકારોને આભારી છે.
એક વાર્તા છે. એક સાધુ નદી કિનારે પથ્થરનું ઓશિકું બનાવી સૂતો હતો. ત્યાંથી પનિહારી નિકળી. એક કહે, સાધુ થયો પણ મોહ ગયો નહીં. ઓશિકા વગર ન ચાલ્યું. પથ્થરનું તો પથ્થરનું પણ ઓશીકું જોઈએ. સાધુએ તે સાંભળી પથ્થર ફેંકી દીધો.  ત્યારે બીજી કહે, સાધુ થયો પણ તુમાખી નહીં ગઈ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો. સાધુ વિચારે કે હવે શું કરવું. ત્યાં ત્રીજી બોલી, મહારાજ બધા તો બોલે રાખે. તમે તમારે હરિ ભજન કરો. પરંતુ ચોથીએ સાચી વાત કરી કે મહારાજ તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું નહીંતર આ લોકોની વાતમાં ધ્યાન ન આપત. સમાજમાં લોકો, ઊંચે જોઇને ચાલો તો કહે અભિમાની છે. નીચે જોઈને ચાલો તો કહે કોઈની સામે જોતો નથી. બધે જોએ રાખો તો કહે, ચકળવકળ જોયે રાખે છે. આંખ બંધ રાખો તો કહે દુનિયા સાથે લેવાદેવા નથી. આંખ ફોડી નાખો તો કહે કર્મોની સજા ભોગવી. લોકોને તમે પહોંચી શકતા નથી. મોરારીબાપુના મત અનુસાર સાધુ પુરુષ હાથી જેવો હોય છે. કૂતરા ભસે પણ પાછું વળી જોતાં નથી.
ડેલ કાર્નેગીએ કહ્યું છે, ટીકા પાળેલા કબૂતર જેવી હોય છે. પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે. ટીકા કરતી વખતે એક આંગળી ચીંધો ત્યારે ત્રણ આંગળી આપણી સમક્ષ પાછું વાળીને નિર્દેશ કરે છે, એ ના ભૂલવું જોઈએ. કોઈની ભૂલ બતાવતાં પહેલાં તેની પ્રશંસા કરી, કદર કરી પછી જે કહેવું હોય તે કહી શકાય. કારણ કે ક્યારેક વાણી જ કબર ખોદતી હોય છે. એક ઈંચની જીભ છ ફૂટના માનવીને ઘાયલ કરવા સમર્થ હોય છે.
ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે. જીવનમાં આગળ વધવું હોય તેણે પ્રશંસાની સાથે ટીકાને પણ સ્વીકારવી રહી. ટીકાકાર આપણાં દુર્ગુણોને શોધીને રજૂ કરે છે માટે લોકોનાં મંતવ્યોને મૂલવી, આપણી યોગ્ય ભૂલને સ્વીકારી  તટસ્થ રીતે કાર્ય કરતાં રહેવું જોઇએ. કોઇ ગાળ આપે તો તે આપણને ચોંટી જતી નથી પરંતુ તેનો પણ લાભ લેવો જોઈએ. પરંતુ હા, જે ટીકાનો માહોલ ઉભો કરીને નકારાત્મકતા સર્જે છે, સમાજને તોડે છે તેવા લોકોથી ચેતવું રહ્યું. આવનાર પેઢી કોઈથી ડરતી નથી. લોકો શું કહેશે? તે વિચાર્યા વગર પોતાની મસ્તીમાં જીવે છે. “હાથી પાછળ કૂતરા ભસે” કહેવતને સાર્થક કરે છે. આજનાં યુવાનોએ આ કહેવતને પચાવી છે.