હળવેથી હૈયાને હલકું કરો-૨

ઓગસ્ટ ૧૮મી  ૧૯૮૩ ,તે દિવસે હું હોસ્પીટલનની રૂમમાં એકલી હતી. મારી આંખો પતિની રાહ જોતા થાકી ગઈ. સાંજ પડી એ હજી કેમ ન આવ્યા ? હું બારી બહાર આકાશને વેદનાસભર લાચારીથી ખામોશ જોતી રહી. અસહ્ય વેદનાથી મારું દિલ ભરાઈ આવ્યું. કેટલાય વિચારો મને ઘેરી વળ્યા…
       માત્ર સવા મહિના પહેલા જ મારા લગ્ન થયા હતા અને  મેં પ્રથમ વાર લંડન માન્ચેસ્ટરની ધરતી પર પગ મુક્યો હતો. અજાણી ધરતી પર મારે મારા છોડને રોપવાનો હતો, બધું જ નવું- લોકો, વાતાવરણ, અરે! ચલણી નોટો પણ અહી જુદી..બધું જ ભારે  અને અઘરું લાગતું હતું. મેં મારા હાથ સામે જોયું ..હાથની મહેંદી પણ સુકાણી ન્હોતી અને સામે હોસ્પીટલની એ સફેદ દીવાલ મારા સામે અટ્ટહાસ્ય કરતી હતી.ઓપરેશન પહેલા ડૉરે આપેલ કાગળિયાં જાણે રૂમમાં પવનનો  તોફાન રચતા હતા ..આમાં ઝીણવટથી વાંચી સહી કરજો, તમને પેટમાં ગાંઠ છે, તમારાં અંડાશય ને અડીને, કદાચ ગર્ભાશયને પણ નુકશાન કર્યું હોય, સર્જરી દરમ્યાન અમારે અંડાશય અને ગર્ભાશય ને પણ કાઢી નાખવા પડે …તમે કદાચ માં નહિ બની શકો અને વીજળી પડી.. એકાદ ક્ષણ માટે હું  ધ્રુજી ગઈ …આંસુ પણ ટપકવાનું ભૂલી ગયા, બધું જ સ્તબ્ધ, દુઃખ જાણે વિજય પામ્યું.એનો ડંખ મારા રોમેરોમમાં વ્યાપી ગયો. બે દિવસમાં આવી જાવ, શરીરમાં લોહીની પણ ખામી દેખાય છે માટે એક દિવસ વહેલા આવજો લોહી ચડાવું પડશે.હું ચુપચાપ ત્યાંથી નીકળી અને બસ સ્ટોપ પર પહોંચું  તે પહેલા બસ આવી ગઈ, હું દોડી, હાંફતા હાંફતા બસ પકડી બેઠી પણ હાંફ ઓછી ન થઇ. મારા ઘરે એક કલાકે પહોંચી  પણ આજે બસમાં મારી સાથે જાણે દુઃખે પણ સવારી કરી, દુઃખ સોયની અણીની જેમ ભોકાતું હતું ,ડૉ. ના વાક્યો ખુંચતા હતા. મારા મને એકલા જ એક કલાક દુઃખ સાથે યુદ્ધ લડ્યા કર્યું. મારા કાનમાં જોર જોરથી ડૉ.ના અનેક વાક્યો સંભળાતા હતા જાણે કાનમાં ધગધાગતું સીસુ રેડ્યું હોય એવી અસહ્ય પીડા હું અનુભવતી હતી . “સ્ત્રી જયારે માં બને ત્યારે જ સંપૂર્ણ કહેવાય”. કંપારી આવી ગઈ પણ કોને કહું ?  કાન જ નહીં, આંખોને પણ મેં કચકચાવી, ક્યાંય સુધી ગુપચુપ બેસી રહી,તે દિવસે જાણે બસની ગતિ ધીમી હોય તેવું લાગ્યું. ઘરે જઈને મારે રડવું હતું.ભગવાન મારો માતૃત્વનો અધિકાર આમ કેવી રીતે લઇ શકે ?
       આજે ઓપેરેશન પણ એકલી જ કરાવીને  આવી, એ મને મુકીને કામે ગયા.. આ દેશ કેવો છે ? અને એમની આ નોકરી ? આખો દિવસ એમની રાહ જોવામાં કાઢ્યો . ડૉ. પણ એમની રાહ જોતા હતા. મારા શરીરમાં મારું આસ્તિત્વ હશે ને? મારા રિપોર્ટ શું હશે ? હું માં બની શકીશ કે નહિ ?મારા હાથ અજાણતા મારા પેટ પર દબાઈ ગયા અને એક સિસકારો નીકળી ગયો. ઓ માંડી..મારી આશાના પીંછા એક પછી એક ખરવા માંડ્યા હું ધીરેથી ઉભી થઇ, બારી બંધ કરી હોસ્પીટલની રૂમના બારણા બંધ કર્યા, પ્રકાશને પણ આવવાની મનાઈ કરતા મેં પડદાને પણ બંધ કર્યા અને ખુબ  ધ્રુસકે ધ્રુસકે રડી, આભ ફાડીને, છાતી ચીરીને રડી.મમ્મી, આ પરદેશમાં સાવ એકલી તે મને આ ઊંડા પાણીમાં કેમ ધકેલી દીધી? ક્યાંય સુધી દુઃખની પરકાષ્ઠાને અનુભવતી વેદનાની તીવ્રતાને આંસુમાં વહાવતી રહી, હું આંસુના દરિયાને પીતી રહી અને પછી અશબ્દ સ્તબ્ધ બની ગઈ. થોડી ક્ષણો માટે બધું શાંત ..આંસુ એ ટપકવાનું બંધ કરી દીધું અને મેં વાસ્તવિકતાનો ખુલ્લી  આંખે  સામનો કર્યો. કોઈ મનુષ્યની અનિવાર્યતા ન રહી.God threw me in at the deep end, and I learned quickly.મેં આત્મવિશ્વાસ કેળવી લીધો.જે હશે તે હું સ્વીકારીશ.સત્યનો સામનો કરીશ,મારું બાળક નહિ થાય તો હું બાળકને દતક લઇ મારો બધો સ્નેહ તેના પર ઢોળીશ. મને થોડી કળ વળી,..હું  હકારત્મક અભિગમથી  ઉભી થઇ.બારીઓ ખોલી મેં ખુલ્લી હવામાં શ્વાસ લીધો.
        એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. હૈયાની વાતને હળવે થી હલકું કરતા સ્ત્રીઓને ખુબ વાર લાગે છે અને આ વાત તો જાણે ખૂબ વ્યક્તિગત.. જીવનની કેટલીક ઘટનાઓ તંતોતંત સમજાવી  શકાતી નથી, માત્ર સ્વીકારવી જ પડે છે. સંજોગો આવી પડે ત્યારે પહેલી શંકા પોતાના ઉપર હોય છે અને બીજી શંકા પરિસ્થિતિમાંથી ઉદભવે છે ત્યારે નકારાત્મકતા હૂંફ નહિ હાફ સર્જે છે. દરેક માણસના જીવનમાં મોજા આવતા જ હોય છે, વાત એના ઉપર સવાર થવાની છે.આવેલ મોજા સાથે આગળ વધવાનું અઘરું છે.દુઃખ અને મુશ્કેલીઓ સામે ઝઝૂમતો, વિરોધોની વચ્ચે રહીને માર્ગ કાઢતો, વિપરીત પરિસ્થિતિ સામે અડગ રહી પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતો મનુષ્ય જે આંતરિક શક્તિઓ પ્રાપ્ત કરે છે.જે જીવથી જીવે છે. એનું જ જીવન બને છે બાકી તો નકારની નનામી લઈને ડાઘુની જેમ ફરવાનો કોઈ અર્થ નથી. દરેક મનુષ્યના જીવનમાં સૌન્દર્ય છુપાયેલું હોય જ છે. હતાશ થઇ આવા વૈભવને નકારત્મક ભાવનાઓથી નાશ કરવાનો શો અર્થ ?આવેલી ક્ષણો ઝીલી લેવાની ક્ષમતા હોવી જોઈએ.પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓએ મનનું એક વલણ છે. જો પરિસ્થિતિને આપણે વિકટ ને મુશ્કેલ માનીએ, અને હતાશ થઈ બેસી જઈએ, તો સઘળી પરિસ્થિતિ પ્રતિકૂળ જ બની જશે.જીવનને કેવળ તર્કથી કે ગણતરીથી નથી જીવાતું. હા, આપણે તર્કની પાર ઉતરી જે આગળ વધ્યા છે તેવી વ્યક્તિની વાત કરવી છે.
             મિત્રો, તમે કોઈવાર કોઈ વખત જિંદગીના મોટા મોજાને ઓળંગી બહાર આવ્યા હો, તો મને જરૂર જણાવશો, આપણે જ આપણા જીવનમાં રોજે રોજ ડોકીયાં કરીશું તો ગઈકાલમાં અને આજમાં બદલાવ જોવા મળશે! ગઈકાલનો આનંદ, આજનો શોક. આજનો શોક કે આજનો આનંદ, આવતીકાલે કેવું રૂપ ધારણ કરશે એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે મતલબ એમ થાય કે ‘સત્ય’ શાશ્વત છે. કુદરત શાશ્વત છે. જન્મ-મરણ ચાલે છે અને ચાલતું રહેવાનું. અચરજની વાત એ છે કે સત્ય શાશ્વત છે અને  સત્ય નોટઆઉટ છે. એવું માણસને અંદરથી સમજાય છે. પણ સ્વીકારવામાં મોડું થતું હોય છે. દરેક માણસ થોડો વાસ્તવિક બનીને પોતાની જિંદગીનું ‘પોસ્ટમોર્ટમ’ રોજેરોજ કરશે તો કદાચ જીવતર વ્હાલુ લાગશે.