હજી મને યાદ છે-૧૧- અબોલ ની સંવેદના-જીગીષા પટેલ

મા નો હતાશ અવાજમાં ફોન આવ્યો ,કે હું બુટિક નું કામ પડતું મૂકી ને ગાડી લઈને એના ઘેર જવા નીકળી ગઈ. મારુ ધ્યાન ગાડી ચલાવવા કરતા રસ્તાની આજુબાજુ વધારે હતું . મારી નજર રાજુ ને શોધી રહી હતી. રમેશપાર્ક – પપ્પાના ઘેર ગાડીઓની લાઈન ઉભેલ હતી.શિયાળાનો સમય હતો એટલે છ વાગતાજ અંધારું થઇ ગયું હતું .ઘરની અંદર ને બહાર આટલા બધા લોકોની ચહલ પહલ જોઈ ને હું પણ ઝડપભેર ઝાંપો ખોલી અંદર જવા ગઈ,ત્યાંજ પાછળ કોઈ અજાણ્યા છોકરાએ બૂમ પાડી ” એ ય રાજુ ની બેન રાજુ મળ્યો?” મેં ડોકું હલાવી ને જ ના પાડી .આજુબાજુના એરિયામાં બધા અમને ‘રાજુની બેન ‘તરીકે જ ઓળખતા કારણકે રાજુને આજુબાજુ ના એરિયા મા બધા ઓળખતા .ઘરમાં વાતાવરણ ગમગીન હતું .મને જોઈને પરાણે રોકી રાખેલ મારી માં ના આંસુ નો બંધ તૂટી ગયો….અડગ મનોબળવાળી ,બાહોશ અને ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત ન હારનાર મમ્મી રાજુ ની ચિંતામાં બેબસ લાગતી હતી.

રાજુ મારાથી નાનોભાઈ મેન્ટલી રીટાર્ડેડ હતો. તે હતો તો પચીસ વર્ષ નો પણ તેની સમજ પાંચ વર્ષ ના બાળક જેટલી જ હતી.તેના શબ્દકોશ માં ગણ્યાગાંઠા શબ્દો જ હતા.તેના કાન એકદમ સરવા હતા પણ તે બોલી નહોતો શકતો . તે બોબડો પણ નહોતો કે બોબડાની સાઈન ભાષા બોલે, હા અમે ઘરનાં બધાં ભાઈબહેન ને મમ્મી પપ્પા તેની વાત ઈશારામાં સમજી જતા.અને હા સો સલામ મારી ભાભી રન્ના ને તે પણ તેને બરોબર સમજતી અને સૌથી અધિક રાખતી .આમતો રાજુ સવારે નાસ્તો કરી ને પપ્પા સાથે પ્રેસ માં જતો પણ તે દિવસે પપ્પા ને કામ અંગે બહાર જવાનું હોવાથી ઘેર હતો. તે રોજ બપોર પછી ઘેર થી નીકળી ને આજુબાજુના ત્રણ ચાર કિલોમીટરના એરિયામાં ફરતો પણ સમયસર પાછો આવી જતો.ક્યારેક થોડું મોડું થાય તો મમ્મી ની લડવાની બીકે છાનોમાનો ટેબલપર બેસીને જમી લેતો .તડકામાં રખડીને તેનો વાન શ્યામ થઇ ગયો હતો અને માથે ટાલ પણ પડી ગઈ હતી..

આજે સવારના નવ વાગ્યાનો નાસ્તો કરી ને નીકળેલો રાજુ રાતના નવ વાગ્યા સુધી પાછો આવ્યો ન હતો. બધા જ નજીક ના સગાંસબંધી ને ફોન કરી પૂછી લીધું, ઘરની આસપાસના સ્ટેશન સુધીના અને ચારેબાજુ ના વિસ્તારોમાં બધા ગાડીઓ લઇ ફરી વળ્યાં પણ રાજુ નો ક્યાંય પત્તો ન મળ્યો !!! ગુજરાતી સમાચાર પછી ની “ખોવાયા છે “ની જાહેર ખબરપણ ફોટા સાથે આપી દીધી. હવે શું કરવું તે સમજાતું નહોતું !!! જેમ જેમ રાત વીતતી જતી હતી તેમ તેમ અમારી ચિંતા વધતી જતી હતી. મારો ભાઈ કેવીરીતે કોઈ ને રસ્તો પૂછશે? તેને ભૂખ લાગી હશે તો ખાવાનું કેવીરીતે માંગશે? શિયાળાની રાત છે ,તેને ઠંડી લાગશે તો શું કરશે ?તે કેટલો મુંઝાતો હશે!!!અમારી મનસ્થિતિનું વર્ણન શબ્દોથી કરવું મુશ્કેલ છે.અમે બધા ભગવાનને ખરા હૃદય થી પ્રાર્થી રહ્યા હતા.રાજુના મનની મુઝવણ કોણ સમજશે?

લોકોને માટે તે શું હતો અમને ખબર નથી પણ અમારા માટે તે કાળજા નો ટુકડો હતો.અમારા ઘરનું અનમોલ રતન હતો. અમારે ત્યાં રાજુ નું આગવું સ્થાન હતું . રાજુને અમારે ઘેર આવતા જે લોકો પ્રેમ થી બોલાવતા તેના તરફ અમારો આદર ભાવ વધી જતો અને જે તેના તરફ નાક ચડાવતા તેની અણસમજ ની અમે દયા ખાતા .કોઈ તેને મહારાજા કે કોઈ તેને સર્વદમન કહેતું, ઝુપડપટ્ટી ના છોકરાઓ તેને ગાંડો કહેતાં તો અમે ખુબ ગુસ્સે ભરાઈ કહેતા ,ખબરદાર એને ગાંડો કીધું છે તો એ ગાંડો નથી એનામાં સમજ ઓછી છે !!!

પોલીસ સ્ટેશન ને હોસ્પિટલોમાં ખબર પહોંચાડી દીધી હતી ,બીજે દિવસે છાપામાં જાહેર ખબર અને જાહેર ખબરના ચોપાનિયા ની વિગતો તૈયાર કરવામાં ભાઈ કલ્પેશ ને પપ્પા બધા સાથે બીઝી હતા.પરંતુ તેમના મોં પર મનની વેદના જણાઈ આવતી હતી . રાતના બાર વાગવા આવ્યા હતા ,માં ની ધીરજ હવે ખૂટી ગઈ હતી હું એને જુઠી આશાઓ આપવા પ્રયત્નો કરી રહી હતી પણ મારુ મગજ પણ બહેર મારી ગયું હતું…..ઘરમાં સન્નાટો છવાયેલ હતો ……..અને અમને દૂરથી આ મમ્મી,આ પપ્પા ,ગગી….ઘેરજા શબ્દો નો પડઘો સંભળાયો,હું ને મમ્મી સફાળા ઉઠીને વરંડા તરફ દોડ્યા!! એક ટેમ્પો આવીને ઉભો રહ્યો અને એક ભાઈ રાજુને લઇ ને નીચે ઉતર્યા! રાજુ તો આનંદ માં આવીને જોર જોર થી બૂમો પાડી રહ્યો હતો.એ ભાઈ અમારી સામેની સોસાયટી માં રહેતા હતા ,એમણે સાંજના ટીવી પર” રાજુ ખોવાયો છે “ની જાહેરાત જોઈ હતી.રાત્રે નારોલ તેમના ગોડાઉનથી બાર વાગે પાછા ફરતા તેમણે રાજુ ને ત્યાં બસ સ્ટેન્ડ પર એકલો બેઠેલો જોયો ,તે રાજુ ને તેમની સાથે લઈને આવ્યા .અમારા આનંદ નો કોઈ પાર નહોતો,અમારા જીવમાં જીવ આવ્યો ,અમે રાજુને ભેટી પડ્યા …ભગવાનનો ખુબ આભાર માન્યો ,રામ રાખે તેને કોણ ચાખે? કલ્પેશ આઈસ્ક્રીમ લઇ આવ્યો ,બધાએ આઈસ્ક્રીમ ખાધો .બધા ખૂબ ખુશ થઈ છૂટા પડયા પણ રાત આખી તો અચેતન મન જાણે ખોવાયેલ રાજુ ને શોધતું રહ્યું . હવે તો રાજુ આ દુનિયા છોડી જતો રહ્યો છે પણ હું જયારે પણ કોઈ રાજુ જેવા બાળક ને જોઉં છું ત્યારે મને તેમાં મારો રાજુ જ દેખાય છે અને દોડીને તેને ભેટી પડવાનું મન થઇ જાય છે. …

જીગીષા પટેલ

૧૩ -હકારાત્મક અભિગમ-જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ- રાજુલ કૌશિક

હજી મને યાદ છે……

કહેવત છે ને…. જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ.

કેટલાય સમયથી સાંભળવામાં આવતી આ ઉક્તિ જ્યારે નજર સામે જ તાદ્રશ્ય થાય ત્યારે ? એ દ્રષ્ય, એ પળ અને ક્યારેક તો એ સ્થળ પણ યાદ આવી જાય ત્યારે ય શરીરમાં કંપારી છુટી જાય છે.

નવા વર્ષની શરૂઆત થાય એટલે સ્વભાવિક ઇશ્વરના આશિષ લેવાનું ના ચૂકાય. એ દિવસ હતો ભાઇ-બીજનો અને અમે નિકળ્યા હતા મહુડી ઘંટાકર્ણ મહાવીરના દર્શનાર્થે. નવા વર્ષની શરૂઆત અને સવારની તાજગીના લીધે કારમાં બેઠેલા અમે સૌ અત્યંત પ્રફુલ્લિત હતા. એ દિવસની સવાર સાચે જ ખુબ ખુશનુમા હતી. વાતાવરણમાં આછી ઠંડક હતી. કાર સોળાના ભરચક રસ્તાઓ પાર કરીને હાઇવે પકડવાની તૈયારીમાં હતી. સોળા રોડથી ગાંધીનગર તરફ વળવાના રસ્તા પર ચઢતા પહેલા આવતા ચાર રસ્તા પર ટ્રાફિકના લીધે અમારી કાર લગભગ ગોકળગાયની જેમ ધીમી ગતિએ હતી.

હાઇવે પર પસાર થતો સડસડાટ ટ્રાફિક દેખાતો હતો. હાઇવે હોવાના લીધે મેઇન રોડ પર ગાડીઓની ગતિ જે રીતે હોવી જોઇએ એવી જ તેજ હતી. દૂરથી એક સાઇકલ સવાર એની મધ્યમ ગતિએ આવી રહેલો નજરે પડતો હતો. કામદાર –મજૂર હોવો જોઇએ એવા એના દેદાર પરથી પારખી શકાતું હતું. સાઇકલના હેન્ડલ પર ત્રણ ખાનાનું ટિફિન પણ લટકતું દેખાતું હતું. સામાન્ય કાઠી ધરાવતો આ માણસ ખુબ આરામથી આગળ વધી રહ્યો હતો અને અચાનક પાછળથી આવતી ટ્રકે એને હડફેટમાં લીધો. એ માણસ એની સાઇકલ સાથે રસ્તા પર પછડાયો અને ટ્રકની બરોબર વચ્ચે ફસાયો અને ટ્રકની સાથે થોડો ઘસડાયો પણ ખરો. ટ્રક ચાલકને એની જાણ સુધ્ધા હશે કે એ તો રામ જાણે.

હવે જે દ્રષ્ય નજર સામે આવશે એના કલ્પના કરતાં ય મન થથરી જતું હતું. ટ્રક નીચે ઘસડાયેલી વ્યક્તિન શા હાલ હશે ? એનું કયું અંગ બચ્યું હશે ? અરે ! એ વ્યક્તિ પણ બચી હશે કે કેમ એ વિચારીએ તે પહેલા તો ટ્રક એના પરથી પસાર થઈને આગળ વધી અને એ માણસ હળવેથી ઉભો થયો, જાણે કશું જ બન્યું ના હોય એમ એની સાઇકલ ઉભી કરીને એની પર સવાર થઈને હાલવા લાગ્યો. કદાચ એના ભાગ્ય પર અથવા જેણે એને બચાવ્યો એવા ઇશ્વરની મહેર વિચાર કરવા જેટલી ય એની સૂધ રહી હશે કે કેમ ? કે પછી ખરેખર એ એટલો મજબૂત હશે કે આવી કોઇ ઘટના એને સ્પર્શે જ નહીં કે પછી એટલો મજબૂર હશે કે એવા વિચારો પાછળ સમય પણ વેડફી શકે તેમ નહોતો?

આજે એ ઘટનાને વિતે પદંર વર્ષો પસાર થઈ ગયા પણ આ સવાલોનો જવાબ મળ્યો નથી પણ એક વાત તો મનમાં નિશ્ચિત થઈ ગઈ કે જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ..

આ આખી ઘટનામાં સૌથી સ્પર્શી ગઈ એક વાત કે જે બન્યું હતું એની પાછળ કોઈ રાવ નહીં- કોઈ ફરીયાદ નહીં અને જાણે કશું જ બન્યું નથી એવી અજબ જેવી સ્વસ્થતા, માનસિક સ્થિરતા, તટસ્થતા. એ જો કેળવી શકાય તો તો બસ શાંતિ જ શાંતિ…

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

હજી મને યાદ છે -૯-એક માની આંતરડી ઠરી-તરુલતા મહેતા

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે  સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં,ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં.ત્યાં અચાનક બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં.

મારાં છોકરાં ક્યાં ગયાં ?’,કોઈએ જોયો મારા ભીખાને ?”મારી ગીતુ ક્યાં ગઈ?’ ચીસાચીસથી મોડી રાત્રે અમે સૌ દોડીને ઘરની બહાર બગીચામાં આવી ગયાં. સવિતા બાવરી બની ચારે બાજુ જોતી દોડીને સોસાયટીના રોડેથી રડતી ,કકળતી બૂમો પાડતી હતી.અમે સૌ અવાચક થઈ શું કરવું તેની મૂઝવણમાં પડી ગયા.ત્યાં બાપૂજીએ ઘાંટો પાડી કહ્યું,’જા,હરીશ સવિતાને બોલાવ, બધાં જાન્નેયા બસમાં આવ્યાં ત્યારે સવિતાના છોકરાંની ભાળ રાખી હતી કે નહી?’ બધાં બાપૂજીનો પ્રશ્ન સાંભળી નીચું જોઈ ગયાં.અમે મોટો ગુનો કર્યો હોવાનું અનુભવતાં હતાં. સવિતા એટલે બા -બાપૂજીની હાથલાકડી, ઘરના નાનામોટા કામ તે જ કરતી.અમે ચાર ભાઈ -બહેન અમેરિકા વસેલાં, અમારી ગેરહાજરીમા સવિતાના છોકરાંની દોડાદોડથી ઘરમાં વસ્તી લાગતી.બા -બાપુજીનું હેત જોઈ સવિતા કહેતી ,’ છોકરાંને  મન તમે હાંચાં દાદા-દાદી છો, ઘેર એનો બાપા લડે ત્યારે દાદા દાદા કહી દોડે છે.

બાપૂજી મારી તરફ જોઈ બોલ્યા,’તેં  મોટા ઉપાડે બઘી જવાબદારી લીધી હતી,તારી દીકરી અને ગીતુને મંડપમાં મેં રમતાં જોયાં હતાં,બધાયનાં છોકરાં બસમાં બેઠાં,સવિતાનાં છોકરાં કોઈને યાદ ન આવ્યાં?’ બા સવિતાને બરડે હાથ ફેરવતાં બોલ્યાં,’બઘાની બેગો -વસ્તુઓનું ધ્યાન રાખવામાં ખુદના છોકરાં ભૂલી ગઈ?’

બાપૂજીનો પિત્તો ઉછળ્યો,’ઘરના  માણસ સવિતા આ લાવ ,ને તે લાવ કરી બિચારીને અધમુઈ કરી દે છે.એનાં છોકરાનું જતન ક્યારે કરે?’

મેં હરીશના સાસરે ફોન જોડ્યો,રીંગો જતી હતી કોઈ ફોન ઉપાડતું નહોતું,ત્રીસેક વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોતું,હું અકળાતી હતી,ફોનથી સમ્પર્ક થાય તો સવિતાના  છોકરાં વિષે જાણવા મળે. સવિતાનું રડવાનું ચાલુ જ હતું,’મારાં છોકરાંને કોઈ ભરમાવી ઉપાડી જશે તો મારો વર મને જીવતી નહિ છોડે,’

મેં તેને શાંત પાડતા કહ્યું ,’તારાં છોકરાંને ગમે તેમ કરીને લઈ આવીશું.

જાન્યુઆરીની  કાતિલ ઠંડીમાં મધરાત્રે રીક્ષામાં થરથરતા હરીશના સાસરે જવાનું હતું. નાના ગામમાં ટેક્ષીઓ મળવી મુશ્કેલ હતી.બાજુવાળા સુરેશભાઈ જાનમાં આવેલા તે જાગી ગયા હતા,એમણે કહ્યું મારા ટેમ્પામાં જઈએ,નડિયાદથી આણંદ અડધો કલાક થશે.હરીશ એમની સાથે જવા તેયાર થયો એટલે મારો વચલો ભાઈ કહે ‘,હું જઈશ.એને વહેલી સવારે ફ્લાઈટ પકડવાની હતી એટલે હું સ્વેટર લઈને ટેમ્પામાં બેઠી,દોડીને સવિતા આવી,જીદ કરીને મારી પાસે બેસી ગઈ. ટેમ્પાની એ અડધા કલાકની મુસાફરી દરમ્યાન સવિતા તેનાં સંતાન માટે હેયાફાટ રડતી અને તડપતી રહી.કામ કરીને રુક્ષ થઈ ગયેલા તેના હાથને ઝાલીને સાંત્વના આપતા મારું મન ડંખતું હતું,હું મા હતી માત્ર મારા સંતાનની ચિતા કરતી,લાડ કરતી અને ખુશ રહેતી હતી.

સવિતાની ગીતુ સાથે રમવાનું મારી અલ્પાને  ખૂબ ગમતું.અમેરિકામાં આવું રમનારું કોણ મળે?બાની ઘેર સવિતા કામકાજમાં મદદ કરતી,અને અલ્પુને કમ્પની મળી ગઈ એટલે બજારના કામકાજ મને છુટ્ટોદોર મળી ગયો હતો.અત્યારે સવિતાની મોઘી અનામતને જો આંચ આવશે તો મારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું પડે તેવી દશા થશે.એના છોકરાં એકલાં ગભરાઈને ક્યાંક જતાં રહેશે તો કેમ શોધીશું?વાડીમાં લગ્ન હતાં,પરવારીને બધા જતાં રહેશે. અમારાં છોકરાંનું ધ્યાન રાખ્યું ને ગીતુ અને ભીખુને ભૂલી,અરર..બા -બાપૂજી કદાચ  માફ  કરે પણ મારો અતરઆત્મા કેમ માફ કરશે?અલ્પુ મોટી થઈ પૂછશે કે ગીતુ ક્યાં ગઈ ?

સુરેશભાઈએ વાડી આગળ ટેમ્પો ઊભો રાખ્યો.વાડીમાંથી સામાન લાવી મજૂરો બહાર ખટારામાં મૂકતા હતા,સવિતા સીઘી વાડીમાં દોડી ને ,’ભીખુ ,ગીતુ ને બોલાવવા લાગી‘,બહાર આવીને મને વળગી પડી.કોઈ બોલતું નથી,હાય ,હું ક્યાં શોધીશ? ‘ સુરેશભાઈએ મજૂરોને પૂછ્યું આટલામાં બે નાનાં છોકરાં ફરતાં જોયાં છે?’મજૂરે કહ્યું ,’અંદર તપાસ કરો,અમે કામમાં છીએ.

વાડીમાં મોટાભાગની લાઈટો બંઘ હતી,સુરેશભાઈએ  ટેમ્પામાંથી બેટરી લાવી બધે જોવા માંડ્યું ,એક ખૂણામાં પાથરણા વાળીને મૂક્યા હતા.ત્યાં સવિતા બોલી ઉઠી ,ભીખુ ઉઠ તારી મા છું ,ગીતુ ..બિચારા  ઠંડીમાં ઠીગરાઈ ગયાં છે,બોલતા ય નથી ‘. મેં સુરેશભાઈને કહ્યું ,’તમે અડઘી રાત્રે મદદ કરી,છે તે એક માની આતરડી ઠારી,થેંક્યું વેરી મચ

મારા મનમાં હું સુરેશભાઈનો એમ પાડ માનતી હતી કે આજે તેમને કારણે એક મોટા અપરાધમાંથી બચી ગઈ.હા એવો અપરાધ કે  મારા જેવી સ્વાર્થી માને  બીજી મા જેણે પોતાના સંતાનો ખોયાં છે તે કદી માફ ન કરે.મારી પાસે બેઠેલી સવિતાના ખોળામાં બેસવા ચડસાચસડી કરતાં એનાં છોકરાં જોઈ અત્યાર સુધી બાંધી રાખેલી મારી  લાગણી પ્રવાહી બની વહેવા લાગી. સવિતા એની બહેન હોય તેમ એના ખોળામાં  ગીતુને બેસાડી બોલી, ‘લો,આ બે જણા સાજાસમાં મલ્યા,હવે શેના ઢીલાં થાવ છો.ઈ તો કાલે માતાજીને હુખડી ધરીશ પછી સૌ સારાવાના.

સવિતાનની દીકરી મારી છાતી પર માથું ઢાળી નિદ્રામાં ઝૂલતી હતી,એના વાળમાં ફરતી મારી આંગળીઓ અલ્પુના વાળમાં ફરતી હતી.  અલ્પુની માબનવા લાયક થઈ હોય તેવો ભાવ થયો,

તરુલતા મહેતા

હજી મને યાદ છે.-કબૂતરની ઉડાન -અમિતા ધરિયા

કબૂતર ની ઉડાન

ઉત્તરાયણ, મકર સંક્રાંતિ નો તહેવાર આપણે બહુ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવીયે છીએ. દૂર દૂર સુધી પતંગ ઉડાવવાની અને કાપવાની મઝા માણીયે છીએ. જે માંજાથી આપણે બીજાનો પતંગ કાપવાનો ઉમંગ અનુભવીએ છીએ, તે જ માંજો આનંદથી હવામાં લહેરાતા પક્ષીઓની જીવનદોરી કાપી નાખે છે. તેનો આપણને વિચાર પણ નથી આવતો.

20 ફેબ્રુઆરી 2000 ના દિવસે મને તેનો અહેસાસ થયો.

મારા દીકરો મોન્ટુ તેની 12th ની પરીક્ષાની તૈયારી કરતો હતો જે 22 ફેબ્રુઆરી 2000 ના દિવસે હતી. તેની નજર અગાશીમાં કબૂતર પર પડી, જેના બંને પગમાં દોરો વીંટરાઈ ગયો હતો અને તે ઉડી નહોતું શકતું. તેને મને ઓફિસમાં ફોન કરી આ વાત જણાવી. મેં તેને તે કબૂતરને પકડીને તેના બે પગ સાથે વીંટરાયેલી દોરી કાપી નાખવાનું કહ્યું. પણ મોન્ટુ તેને પકડવા જતો હતો તો તે વધારે ગભરાતું હતું અને છેવટે અગાશીમાં ટાંકીની પાછળ છુપાઈ ગયું. સાંજે મેં આવીને જોયું તો તે ટાંકીની પાછળ જ હતું. આમ જ તે આખી રાત રહેશે તો ઉંદર તેને મારી નાખશે. તે વિચારે હું તેને બહાર કાઢવા માંગતી હતી. પણ તેમ કરવામાં તે છજા પર જતું રહ્યું. રાત્રે પપ્પા અને મોન્ટુને જમવા બેસાડ્યા પણ મારુ ધ્યાન તો છજા ઉપર જ હતું, જેની કિનારી પર મને તે કબૂતરની થોડી પાંખો દેખાતી હતી. થોડીવાર પછી મેં છજા પર જોયું તો કબૂતરની પાંખો દેખાતી બંધ થઇ ગઈ. મને ડર લાગ્યો. કારણકે છજા પરથી થોડું ઉડીને અગાશીમાં પાછું આવવું તેના માટે શક્ય નહોતું. તો પણ હું અગાશીમાં જોવા માટે ગઈ. પણ તે કબૂતર ત્યાં નહોતું. મતલબ તે નીચે ગટર માં પડી ગયુ હતું. જ્યાં બધા કચરો નાખતા હતા અને ત્યાં ઉંદર પણ બહુ જ હતા.

જમવા બેઠેલા મોન્ટુને મેં નીચે ગટરમાં જોવા મોકલ્યો. તે એક થેલી લઈને નીચે ગયો. અંધારામાં બેટરીના પ્રકાશથી કબૂતરને શોધવા ખુબ મથામણ કરી. આખરે તે કબૂતર ડરના માર્યા પાણીની પાઇપ ની પાછળ છુપાઈ ગયેલું દેખાયુ. થોડી મહેનત કર્યા પછી મોન્ટુ તેને થેલી માં લાવવામાં સફળ થયો. જેવો મોન્ટુ તેને લઈને ઘરમાં આવ્યો કે તરત જ મેં થેલી હાથમાં લઈને સૌથી પહેલા કબૂતર નું મોઢું બહાર કાઢ્યું. જેથી તેને રાહત થાય. પછી તેને પાણી પીવા આપીને તેને થપથપાવવા લાગી. તે બહુ જ ધ્રૂજતું હતું. તે કબૂતરને ધીમેથી બહાર કાઢીને તરત જ તેના બે પગ પર વીંટળાઈ ગયેલ દોરો વચ્ચેથી કાપી નાખ્યો. તેના પગ અલગ થતા જ તેને બહુ જ રાહત થઇ. પછી તે ડર્યા વગર શાંતિથી મારા હાથમાં પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરતું હતું. જેથી હું તેના બેઉ પગમાં વીંટાયેલ દોરો કાતરથી ધીમે ધીમે કાપતી હતી. સાંજથી રાત સુધીમાં તેના બંને પગમાં દોરીની બહુ જ આંટી લાગી ગઈ હતી. જેનાથી તેના એક પગમાં અડધો કાપો પણ પડી ગયો હતો. લગભગ બંને પગમાંથી વીંટરાયેલ આઠેક દોરી કાપી નાખી પછી એ જગ્યા પર તેને દુઃખાવો ઓછો થાય તે માટે antiseptic cream લગાવ્યું. કબૂતરને એક ખૂણામાં મૂકી તેને ખાવા માટે જાર અને પીવા માટે પાણી આપ્યું. તેને થોડું પાણી પીધું. તેને હવે રાહત થઇ હતી. રાત્રે 2 થી 3 ટાઈમ જેટલી વાર આંખ ખુલી, તેટલી વાર તેના પગમાં antiseptic cream લગાવ્યું. સવારે બેડરૂમની બારી ખોલી જેથી તે કબુતરના મિત્રો અને પરિવાર તેને અંદર આવીને મળી શકે. પણ થોડીવાર પછી જોયું તો તે કબૂતર જ બહાર ઉડી ગયું.

તેની ઉડાન માં મેં સંતોષ ની લાગણી અનુભવી.

અમીતા ધારિયા

હજી મને યાદ છે -૮-સોટી વાગે ચમચમને વિદ્યા આવે ઘમઘમ-રેખા શુક્લ-

૩૬ વર્ષના ગાળામાં કંઈક અનુભવ થયા જેમાં સૌથી ચોંકાવનારી એક બાબત આ હતી કે સ્કુલ માં આવતા સિંગલ પેરેન્ટ ના કિડ્ઝ માં કેટલો તફાવત જોયો. મારે સબિંગ કરવા એઝ અ ટીચર જવાનું હતું ઘરે મારા પોતાના ત્રણ નાના બાળકો હતા. ને સવારે ખબર પડે કે ફલાણી ફલાણી સ્કુલ માં આજે તમારી જરૂર છે. હવે જીપીએસ આવ્યું ત્યારે તો ભૂલા પડી જવાય ને ખોળીને પાછા પહોંચી જાવ કોઈને પૂછીને. સમય ના અભાવે ઉતાવળે ગાડીચલાવવી હોય તો પણ ના જવાય કેમ કે સ્કુલ બસ ને એમબ્યુલન્સ ને પહેલા જવાદેવાની ને રોડ ક્રોસ કરતા બાળકોને માટે પણ વ્યવસ્થા હોય તે ઉભા રાખે કે નહીં પણ ફર્સ્ટ કરટસી યુ હેવ ટુ સ્ટોપ. અમારા ટાઉન થી બીજા ટાઉન માં જવાનું હતું. માંડ માંડ હજુ ટ્રાફિક ધીમી ગતિએ જતો હતો. ખાંચામાં કાર વાળી ને સામે પોલિસ ને જોયો મેં હાથ કરીને ઉભો રાખ્યો. જો કે તે ખૂબ ધીમે જ ચલાવતો હતો.’ યસ ! વ્હોટ કેન આઈ ડુ ફોર યુ મીસ ? ‘ બોલ્યો ને મેં કહ્યું ‘આઈ એમ લોસ્ટ કેન યુ ગાઈડ મી વ્હેર ઇઝ વ્હીલબેરો સ્ટ્રીટ ? ‘ હવે તેના કહ્યા પ્રમાણે હું પહોંચી તો ગઈ બે મિનિટ મોડી પડેલ. સાઈન કરી ક્લાસ રૂમ ગોતી ને જવાનું થયું ત્યાં એક છોકરી વન શોલ્ડર કટ વાળુ ટી શર્ટ પહેરીને દાખલ થઈ. માથાના બ્લોન્ડ હેર આંખ ને કવર કરતા હતા. ને ટી-શર્ટ ઉપર ‘નોટ ટુ નાઇટ હની ‘ લખેલું હતું . તેના નેચરલ પીંક લીપ્સ ને તેણીએ લાલ લીપસ્ટીક થી રંગેલા હતા. મેં એને ટીશ્યુ આપી લીપસ્ટીક લૂછાવી. કમને લૂછતાં લૂછતાં તેણી બડબડી ‘ બટ યુ આર નોટ માય પેરેન્ટ ! એન્ડ આઇ ડોન્ટ હેવ ટુ ડુ વોટ યુ સે ‘ એના ખભે હાથ મૂકી ને મેં કહ્યું આઈ અગ્રી વીથ યુ પણ તુ હજુ ફિફ્થમાં છે યંગ છે ઇફ યુ પે એટેન્શન યુ વીલ ગેટ એટલીસ્ટ બી ફોર શ્યોર. કેન યુ સરપ્રાઈઝ યોર મોમ વીથ ધેટ ? ‘ શી સ્ટાર્ટેડ ક્રાઈંગ ; ‘ આઇ ડોન્ટ હેવ મોમ ! ‘ શી ડાઈડ ઓફ ઓવરડોઝ !! ‘ બીલીવ મી આઈ વોઝ સ્ટન !નમ ! એજ સ્કુલ માં ત્રણ દિવસ કામ મળ્યું. થોડી ઘણી વાતો ની આપલે થતી રહી. એના બેકગ્રાઉન્ડ વિષે. આઈ ફેલ્ટ સોરી ફોર હર !! આઈ વોઝ ઇન શોક !! એન્ડ આઈ ફેલ્ટ હેલ્પ લેસ !! કમનસીબે મહિના પછી મળ્યા ત્યારે સ્કુલ ના ગ્રાઉન્ડમાં બોમ્બ થ્રેટ ની બાતમી મળી ને અમે મળ્યા વગર છૂટા પડ્યા. આઈમીન સ્કુલ બંધ કરાવીને સૌ સૌને ઘરે ચાલી નીકળ્યા. આથી વિશેષ સાંસ્કૄતિક અનુભવ બીજો તે થયો કે હોશિયાર છોકરો પોતાનું હોમવર્ક કરીને બનાવેલું મોડલ લઈને ક્લાસરૂમ માં આવ્યો ને બીજા છોકરાએ તે તોડી નાંખ્યું ને નિર્દયી બનીને તેને ખૂબ માર્યું, ટીચર રાડા રાડી કરતી હતી. બધા છોકરાઓ ચિસાચીસ કરતા હતા. ને બાથરૂમ માં નિર્દોષ છોકરાને બીજો દિમાગી બિમારવાળો છોકરો પીટતો હતો. પ્રિન્સિપાલ દોડતા આવ્યા ને છૂટા પાડ્યા બન્ને ને. ટીચર ડોન્ટ હેવ ઓથોરીટી …જ્યારે પહેલા તો ટીચર માનતા કે સોટી વાગે ચમચમને વિદ્યા આવે ઘમઘમ !’ ઓથોરીટી ની વાત છે…મારઝૂડની વાત નહીં સમજ્તા. પણ અહીં ની સ્કુલ સિસ્ટમની વાત અનેરી છે. કાગળોના કાગળો માં લખાય છે દોરાય છે…વંચાય છે, પણ છોકરાઓ ને કેલક્યુલેટર જ ફાવે છે આંગળાથી ગણવાની પ્રથા કોઇ જાણતું નથી…!!

—રેખા શુક્લ

હજી મને યાદ છે-૮-નીરુ મહેતા-એ યાદગાર દિવસ

૬૦નો દાયકો, યુવાન વય – ૨૩/૨૪ની, એટલે દરેક યુવાનને સ્વપ્નો હોય, ખાસ કરીને લગ્ન માટે. હું પણ તેમાંથી બાકાત ન હતો. સાહિત્ય અને ફિલ્મોને કારણે પ્રેમલગ્ન વિષે જાણીએ અને બહારથી પણ સાંભળીએ પણ ખુદ માટે તેનો વિચાર જ ક્યાંથી આવે? કારણ શરમાળ સ્વભાવ, સંસ્કાર અને આમન્યા. લગ્નની વાત તો માતા-પિતા જ સંભાળે એટલે રાહ જોવી રહી.

આજ અરસામાં બચપણની સખીને જોઈ. નવા રૂપમાં, બાળામાંથી એક યુવતીના રૂપમાં. કોણ જાણે કેમ બાળસખીને આ રૂપમાં જોઈ ‘કુછ કુછ હોતા હૈ’ અનુભવ્યું.

બચપણમાં સાથે રમેલા, એક જ શાળામાં ભણેલા, પણ બાળસ્વભાવ મુજબનો સંબંધ. યુવા વયે પણ એવો જ સંબંધ હતો પણ અચાનક તે બદલાઈ ગયો – ફક્ત મારા માટે. બાળસખીને તો તેનો અણસાર પણ નહીં. પણ મને મારો શરમાળ સ્વભાવ આડો આવે એટલે મનની વાત મનમાં જ રહે. વાત ન થાય તો સામેનાનું મન પણ ક્યાંથી જાણવા ન મળે? હળવા મળવાનું ચાલુ પણ એક મૈત્રીનો જ મેળાપ કારણ મારા મનની વાત હજી મનમાં હતી. કેમનું કહેવું તે સમજાતું ન હતું.

અંતે વિચાર્યું એક પત્ર લખી વાત પહોંચાડું. પત્ર લખાઈ પણ ગયો અને તે પહોંચાડું તે પહેલા જ મા તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. હવે? સમય માંગવા સિવાય રસ્તો ન હતો. સાથે સાથે હવે તો હિંમત કરી બાળસખીનું મન જાણવું જ રહ્યું એટલે બનતી ત્વરાએ તેને મળવા જણાવ્યું અને અચકાતાં અચકાતાં મારા મનની વાત કરી એ ડર સાથે કે તે આ વાત કેમની લેશે? કદાચ ખરાબ લાગે તો મિત્રતાનો સંબંધ ન પણ રહે.

વાત તો સીધી હતી કે તે હા કહે કે ના. મેં પણ ચોખવટ કરી કે ના કહેશે તો પણ મને વાંધો નથી. અમારા કુટુંબો અને તેમના વિચારોથી વિપરીત આ વાત હતી તેથી કહ્યું કે ના કહેવાથી આપણી મૈત્રીમાં કોઈ પણ ફરક નહીં પડે. આમ કહેવાનું કારણ એ હતું કે હું રહ્યો ગુજરાતી વાણિયો અને તે તમિલ બ્રાહ્મણ. ૬૦ના દાયકામાં પ્રેમલગ્ન અને તે પણ આંતરજાતીય? અને પ્રસ્તાવ પણ એક બોચિયાના મોઢેથી? એકદમ હા કે નાં કહેવાને બદલે તેણે વિચારવાનો સાત દિવસનો સમય માંગ્યો જે મને યોગ્ય હતું.

સાત દિવસનો એ સમય કેમ વિતાવ્યો તે કહેવાની જરૂર છે? હા કહેશે કે ના? આ અવઢવમાં ઓફિસનાં કામકાજમાં પણ ખલેલ પડતી પણ ત્યાં તેની જાણકારી ન પડે તેની પૂરતી તકેદારી રાખી. તો બહાર તો શું ઘરનાને પણ જાણ ન થાય તેની તકેદારી જરૂર હતી. કારણ તેના કુટુંબનાં અમુક સભ્યો રૂઢીચુસ્ત. જો કે આપણે ધારીએ કે કોઈ આપણી આવી વાત નથી જાણતું ત્યારે તે એક ભ્રમ જ હોય છે કારણ અન્યોને તો વાતની ગંધ આવી ગઈ હોય છે અને અનુમાનો પણ થવા માંડે છે.

મા તરફથી ફરી વાત આવી અને મેં સમય માંગી લીધો – સાત દિવસનો.

સાત દિવસ પૂરા થયા અને બાળસખીની મુલાકાતનો – જે એક મારા જીવનનો વળાંક બની શકે – દિવસ આવી ગયો. થોડી આડીઅવળી વાતો પછી તેણે કહ્યું કે બહુ વિચાર પછી તેને પણ લાગ્યું કે અજાણ્યા સાથે જિંદગી ગાળવા કરતા જાણીતા પાત્રને પસંદ કરવું તેને યોગ્ય લાગ્યું છે અને તે મારા પ્રસ્તાવને મંજૂર કરે છે. પણ આ વિષે તેના કારણે ઊભા થતાં પ્રશ્નો અને નિરાકરણ માટે ઊંડાણથી બંનેએ વિચાર કરવો જરૂરી છે અને એટલે ફરી નિરાંતે બેસી તે વિષે વિચારવું રહ્યું એમ કહી અમે છૂટાં પડ્યા.

અને આમ તે દિવસ મારા માટે યાદગાર બની રહ્યો.

આગળની વાતો અહીં અપ્રસ્તુત છે પણ એટલું કહીશ કે આજે ૫૨ વર્ષ વીત્યા બાદ પણ તે સાયુજ્ય મજબૂત છે.

.નીરુભાઈ મહેતા 

 

હજી મને યાદ છે -૭-એ ય બાપુ! રામરામ…-સુરેશ જાની

ગુજરાતની બહાર રહેતા કયા ગુજરાતીને ગુજરાતની દિવાળી અને બેસતા વરસની મજા યાદ ન આવે? એ જાતજાતની વાનગીઓ; નવાંનકોર કપડાં પહેરી એ એકબીજાને મળવા જવાનું; એ ફટાકડા; રસ્તા પરની એ વાહનો અને માનવ મહેરામણની, હૈયે હૈયું ભીંસાય એવી, હકડેઠઠ ભીડ..    અને એય સવારના પહોરમાં ચાર વાગતામાં જ ..

“ અમાસની રાતે, પડવેનું વહાણું , સબરસ .. સબરસ.. “

– ની અહાલેક ગજાવી, શુકનનું મીઠું પીરસતા, અને બોણી માંગતા, તરવરીયા તોખાર જેવા કિશોરો … .

પણ એ યાદો તાજી કરીને આ સપ્પરમા દીવસને ખારો અને ખાટો નથી બનાવવો!

આ વાત છે, મારી ગુજરાતની બહાર પહેલી દિવાળીની. મારી પહેલી ટ્રેન મુસાફરીની વાત તો અગાઉ કરેલી છે. ( એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો. )  એના પરીપાક રુપે મને રાજામન્દ્રી- આન્ધ્ર પ્રદેશમાં નોકરી મળી ગઈ હતી. હું ભાઈને ત્યાં રહેવા ગયો; ત્યારે ભાઈ ભાભી મીલની કોલોનીમાં રહેતાં હતાં. ઘણા વખતથી તેમનો વિચાર એ ક્વાર્ટર છોડીને દુરના શાંત વિસ્તારમાં રહેવા જવાનો હતો. આથી મારા ત્યાં ગયા પછી, એકાદ મહીના બાદ એમણે એક સારા અને શાંત વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું. ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં ગુજરાતીઓની વસ્તી પણ હતી.

એકાદ મહીનો ઠરીઠામ થયા હોઈશું; ત્યાં દિવાળીના તહેવાર આવી ગયા. અમને બાતમી મળી કે, બેસતા વરસને દિવસે બધા ગુજરાતીઓ એકબીજાને ઘેર સાગમટે મળવા જવાનો રીવાજ છે. અમારા ઘરની નજીક જ મીલના ચીફ ઈલેક્ટ્રીકલ  એન્જીનીયર શ્રી. દેસાઈ સાહેબ રહેતા હતા. એમને ઘેર દસ વાગે બધા આવવાના છે; એવા વાવડ પણ મળ્યા. મારા ભાઈ અને હું ત્યાં પહોંચી ગયા. બેસતા વરસના દિવસે માત્ર પુરુષો જ આ ઔપચારિકતામાં જોડાતા હોય છે; એવી ખબર પડી હતી. આથી ભાભી સાથે આવ્યાં ન હતાં.

અમે બે દેસાઈ સાહેબને ઘેર પહોંચ્યા; ત્યારે અમે પહેલા હતા. થોડી વારમાં એક જુવાન છોકરો ખબર લઈને આવ્યો કે, બધા આવે છે. અને થોડીક વારમાં તો બધું હાઉસન જાઉસન ત્યાં આવી પુગ્યું. અમે તો એ વગર લગનની જાન જોઈને ‘જાની’ હોવા છતાં હેબતાઈ જ ગયા. ચાલીસેક માણસોનો કાફલો હતો. આવતાંની સાથે કાફલાએ સર્વ સંમતિથી નક્કી કર્યું કે, દેસાઈ સાહેબ બાદ અમારે ઘેર પડાવ રાખવાનો છે !

ભાઈએ સંકેત કરી, મને બાજુએ બોલાવ્યો અમે કહ્યું ,” ઘેર જઈને તારી ભાભીને આ માહિતી આપી આવ. આપણા ઘરમાં આ બધાંની આગતા સ્વાગતા શી રીતે કરીશું? “

હું તો બાપુ! હાંફળો ફાંફળો ધોડ્યો. ઘેર જઈ ભાભીને આ શુભ આપત્તીના સમાચાર પહોંચાડ્યા. ભાભી પણ મુંઝાઈ ગયા. અમે બે જણાએ થઈ, તાબડતોબ ગાદલાં નીચે પાથરી દીધાં. બધાંને બેસાડાય એટલી ખુરશીઓ અમારે ત્યાં ક્યાં હતી? આ કામ પતાવી, બધાંને નાસ્તા માટે શું બનાવવું, તેનો ભાભી વિચાર કરતાં હતાં, ત્યાં તો એ ‘જાન’ આવવાના વાવડ ઓલ્યો છોકરો આપી ગયો. એને અમારી મુંઝવણનો પણ ખ્યાલ આવી ગયો. એણે કહ્યું, “ ભાભી! ગભરાશો નહીં. કશું ગરમ બનાવવાની જરુર નથી. ચા પણ નહીં. ઘરમાં જે હાજર હોય તે જ ધરજો.”

આટલી વાત ચાલતી હતી; એટલામાં તો બધા આવી ગયા. ફટાફટ જુવાનીયાઓ રસોડામાં પહોંચી ડબ્બાઓમાંથી દિવાળીની મીઠાઈ અને ફરસાણ થાળીઓમાં કાઢવા લાગી ગયા.

ભાભીએ ગલવાઈને કહ્યું, “: અરે! આ તો રોજના વપરાશની થાળીઓ છે. કાચની ડીશો કબાટમાંથી કાઢું છું.” પેલા તો સાંભળે જ શાના? એક જણ બોલ્યો, “ બહેન! બધા ઘરના જ તો છે. તમારે મુંઝાવાનું નહીં. તમ તમારે શાંતિથી બાજુમાં ઉભા રહો. ”

અને ઘરમાં તો બાપુ! ધમાચકડી મચી ગઈ. અમે તો આ વાવાઝોડાં માટે સહેજ પણ તૈયાર ન હતા. બધા ગુજરાતી ભાઈઓએ અમને ‘ સાલમુબારક ‘ કહ્યા ન કહ્યા; મગસ અને મઠીયાંના બે ટુકડા ગલોફામાં ઘાલ્યા ન ઘાલ્યા, અને તરત લશ્કરે તો વિદાયની આલબેલ પુકારી.

ભાઈ ભાભી તકલીફ પડવા બદલ બધાંની માફી માંગવા લાગ્યા. ત્યાં સૌથી વડીલ બુધ્ધીલાલભાઈ બોલ્યા, “જોની(!) ભાઈ, ઈ તો હંધું ઈમ જ હાલે. તમતમારે સેજે’ય મુંઝાવાનું નંઈ. ન્યાં કણે કુણ પારકું સે?”

અમે ત્રણે તો આ ગુજરાતી બિરાદરી જોઈ અવાચક જ બની ગયા. અને બધું લશ્કર અમને બેને સંગાથે લઈ આગલા મુકામ તરફ રવાના થયું.

અનેક દિવાળીઓ દેશ અને દેશની બહાર જોઈ છે. પણ એ દિવાળી અને એ બિરાદરી આજે પણ યાદ આવી જાય છે.

અહીં અમેરીકામાં તો એવું કાંઈ ખાસ એકબીજાને મળવા જવાનું હોતું નથી. પણ અહીંની દિવાળીની વાત તો ફરી કો’ક વાર.

આંબે આવ્યા મો’ર. વાત કેશું પોર…

સુરેશભાઈ જાની

હજી મને યાદ છે-૬- મીઠો અહેસાસ-હેમાબેન પટેલ

જીવન એક અનોખી સફર છે, તેમાં અનેક જુદા જુદા પ્રસંગો આવે છે, કોઈ સુખદ તો કોઈ દુખદ. આપણું મન એવું છે તેને અતિતમાં મ્હાલવુ ખુબજ ગમે છે. હવે જો અતિત સુખમય હોય અને વર્તમાન દુખી હોય તો તે સુખને યાદ કરીને દુખી થવાનુ, દુખ ડબલ થઈ જાય છે. અને અતિત દુખી હતું અને અત્યારે સુખ છે તો દુખી અતિત યાદ કરીને આજે સુખના સમયમાં પણ દુખી થઈ જવાનુ. માણસને ટેવ છે તે અતિતમા જીવશે યા તો ભવિષ્યમાં જીવશે, કોઈ વર્તમાનમાં જીવવા માટે તૈયાર નથી. ખરેખર તો જે વર્તમાનમાં જીવે છે તે જ સૌથી સુખી માણસ ગણાય.

પરંતું જીવનના ઘણા પ્રસંગો, ઘણી ક્ષણો એવી હોય છે તેને ગમે ત્યારે યાદ કરો, મીઠો અહેસાસ કરાવે અને રોમાંચ અનુભ કરીએ છીએ. આવી સુનેહરી ક્ષણો જ્યારે પણ યાદ આવે ત્યારે અતિત વ્હાલુ લાગે છે, તે યાદો પ્યારી લાગે છે. સુખના દિવસો કે દુખના દિવસો હોય તે ક્ષણો ગમે ત્યારે યાદ કરો બસ તે આનંદ આપે છે.

હજી મને યાદ છે એ સુખદ ક્ષણ જ્યારે મારા પુત્રનો જન્મ થયો, મેં એને ગોદમાં લીધો, હ્રદયે લગાડ્યો તેના નાજુક, મુલાયમ,કોમળ અંગનો સ્પર્ષ થતાં જ મારુ હ્રદય ખુશીથી પુલકીત થઈ ગયુ. રોમ રોમ રોમાંચ અનુભવતુ હતું. મારા પુત્રની જનની બની દુનિયાનુ મોઘેરુ માતૃત્વ સુખ પામી હું ધન્ય થઈ ગઈ,તેની જનેતા બની તો બદલામાં મારા દિકરાએ મને એક સામાન્ય સ્ત્રીમાંથી માતા બનાવી ભગવાનથી પણ ઉંચો દરજ્જો અપાવી દીધો. દુનિયામાં આનાથી મોટી ખુશી બીજી કોઈ  હોઈ શકે ? મારી ખુશી અને આનંદ એટલો બધો હતો જાણે મને કુબેરનો મોટો ખજાનો મળી ગયો.સંતાન પ્રાપ્તિનો અનુભવ અને આનંદને શબ્દમાં વર્ણન કરવું મારા માટે કઠીન છે, તેનો માત્ર અહેસાસ કરી અનુભુતી થાય છે. દુનિયા ભુલીને તેના લાલન પાલનમાં વ્યસ્ત બની માતૃત્વ પદને માણતી રહી. સંતાન સુખ એ દુનિયાનુ સૌથી વધારે આનંદમય અમુલ્ય સુખ કહેવાય.

મારો પુત્ર જરા પણ બિમાર થાય કેટલી બધી ચિંતા, તેને તાવ આવ્યો હોય તો જાણે મારા ઉપર આસમાન તુટી પડ્યું ! મા છું ને, જીવ અધિરીઓ થઈ જાય. ખબર છે નાની બિમારી છે જાણવા છતાં પુત્રની મમતા અને મોહ નાહકની મને વીહવળ કરી દે.

દરેક વસ્તુ માટે બાળ હઠ, જીદ કરે ત્યારે તેને પ્રેમથી સમજાવવો. સ્કુલે જવા માટે તૈયાર કરવો, હોમ વર્ક કરાવવુ, આ ખાવાનુ ભાવે આ ના ભાવે,કપડાં-સુઝ બસ આવા જ જોઈએ, રમકડાં માટે જીદ, તેની કાલી ઘેલી ભાષા સાંભળી તેની સાથે કાલી ઘેલી ભાષામાં વાત કરવી. હા એક વાત બહુજ યાદ આવે છે દરોજ રાત્રે જમીને જુહુ બીચની લટાર મારવા લઈ જવો પડે, કેટલી બધી જીદ ! બાળકો પાસે પોતાની જીદ પુરી કરવા માટે તેમની પાસે સૌથી મોટું હથિયાર રડવાનુ, તેમના આંસુ જોઈ આપણે પીગળી જઈએ. તેની ફરમાઈશ અને માગણીઓ, તેની મસ્તી-ધમાલ, અરે શું લખું અને શું ના લખું ,લખવા બેસીએ તો આખું પુસ્તક લખાય ! નાની ઉંમર પહેલું સંતાન, મારા માટે ખરેખર એ ગોલ્ડન પિરીયડ હતો.

જતનથી મોટો કર્યો, આંખ સામે મોટો થતાં જોઈ, તેની બાળલીલાઓ આજે પણ બરાબર યાદ છે.પૌત્રો-પૌત્રી તેનો મોટો દિકરો બાવીસ વર્ષનો થયો, તેઓને મારી નજરની સામે જ મોટા થતાં જોઉં છું છતાં પણ મારા દિકરાનુ બાળપણ આજની તારીખમાં આંખ સામે રમે છે. અનાયાસે મારા પુત્ર અને પૌત્રો અને પૌત્રી વચ્ચે ઘણી વખત સરખામણી અને તુલના થઈ જાય છે. ખેર એ સમય જુદો હતો એ આપણો ભારત દેશ હતો, આ સમય જુદો છે અમેરિકા દેશ છે તફાવત રહેવાનો છે. તેના બાળકો મસ્તી કરે ત્યારે તેઓને ખીજાય ત્યારે મારે બોલવું પડે ભાઈ મને તારુ બાળપણ બરાબર યાદ છે તારા બાળકો તારા કરતા ઓછી ધમાલ કરે છે એટલે શાંત થા એ લોકો ઉપર ગુસ્સો ના કરીશ.

એક સુખદ ક્ષણ અનેક ક્ષણો બની ગઈ કલાકો,દિવસો અને વર્ષોમાં બદલાઈ.એ ક્ષણોનો દિલથી જીભરીને આનંદ ઉઠાવ્યો હતો કેમ ભુલાય. જીવનમાં હજારો સારા-ખોટા,સુખદ-દુખદ પ્રસંગો આવ્યા, કોઈ કોઈ તો અદભુત પ્રસંગો હોય જે આપણી બુધ્ધિ માનવા તૈયાર ના હોય.બધાજ પ્રસંગો ક્યારે ને ક્યારે યાદ આવ્યા વીના ના રહે. મારા માટે જે દિવસે પુત્ર-પુત્રી,પૌત્રો અને પૌત્રીને પામી એ સૌથી યાદગાર પ્રસંગ છે જે ક્યારેય દુખ નહી પરંતુ સુખ અને આનંદનો અહેસાસ કરાવે છે.

આપણી પાસે સર્વ પ્રકારનુ સુખ હોય પરંતુ સંતાન ન હોય તો જીવન અધુરુ લાગે. સંતાનની ઝંખના સ્ત્રીને વ્યાકુળ બનાવી દે છે. માતૃત્વને પામ્યા વીના સ્ત્રી અધુરી છે, મા બન્યા પછી પુર્ણતાને પામે છે.

હેમાબેન પટેલ

હજી મને યાદ છે-૫ – એક ભુલ-હેમાબેન પટેલ

૧૯૫૬ની વાત છે. મારી ઉંમર ૧૧ વર્ષની હતી.એ સમય સાવ અલગ હતો, મોટી બહેન હોય તેણે નાના ભાઈ બહેનની કાળજી, દેખરેખ રાખવી પડે, રમાડવા પડે, હિંચકા નાખવા પડે. નાના ભાઈ બહેનની જવાબદારી મોટાં ભાઈ બહેનના માથે હોય, કેમકે મા તેના કામમાં ખુબજ વ્યસ્ત હોય, મોટો પરિવાર અને ઘણા બધાં ભાઈ બહેન, મમ્મીને બિલકુલ સમય ના મળે. ઉનાળાનો સમય હતો સ્કુલમાં રજાઓ હતી. સહેલીને ઘરે રમવા જવું હતું, બહેનને પણ સંભાળવાની છે, કરવુ શું ? હું મારી એક વર્ષની નાની બહેનને લઈને મારી સહેલી જે બાજુના ઘરમાં રહે તેના ઘરે રમવા ગઈ. એ જમાનામાં છોકરીઓને રમવા માટે કૉડીઓ અને કુકા તેમજ પત્તાં રમત રમવાનુ સાધન હતાં. હું અને મારી સહેલી પત્તાં રમતાં હતાં નાની ઉંમર એટલે ઢગલાબાજી સીવાય બીજી કઈ રમત હોઈ શકે. અમે બંને રમવામાં મશગુલ હતાં. મારી બહેન બાજુમાંજ રમતી હતી. અમને નિરાંત હતી.

મારી સેહેલીની મમ્મીને વા ની બિમારી હતી એટલે તેમને પગ દુખ્યા કરે, રાત્રે પગે કેરોસીનની માલીસ કરી સુઈ જાય એટલે બીજી રુમમાં ખુણામાં એક નાના પ્યાલામાં કેરોસીન ભરી રાખ્યુ હતું, મારી બહેન રમતી રમતી બીજી રુમમાં પહોચી ગઈ અને પ્યાલામાં જે કેરોસીન હતું તે પાણી સમજી પી ગઈ. અમે અનજાન, આ ક્યાં ચાલી ગઈ ? બહેન ક્યા છે ખબર નહી, તેણે જોર જોરમાં ખાંસી ખાવા માંડી એટલે અમે બીજી રુમમાં ભાગ્યા જોયુ તો ક્પની અંદર કેરોસીન હતું તે બધુ પી ગઈ હતી. હું તો ખુબજ ઘભરાઈ ગઈ, એની ખાંસી વધતી ગઈ નીચે જઈને અમે પાણી પીવડાવ્યુ તેને ગોળ ખવડાવ્યો તો પણ ખાંસી બંધ ના થાય. બીકના માર્યા કોઈને કીધુ નહી.તેને પતાસુ ખવડાવ્યુ, ખાંડ ખવડાવી કે જેથી ઉદરસ બંધ થાય. તેને સારુ થાય એટલે જાત જાતના નુસકા કર્યા, ઉધરસ બંધ થવાનુ નામ ના લે. હવે ફાટી  ! મમ્મી જાણશે તો ગુસ્સે થશે તુ નાની બહેનનુ ધ્યાન નથી રાખી શકતી. તેની તબીયત વધારે બગડતી ગઈ મૉઢાનો કલર બદલાવા લાગ્યો, મારો ડર વધતો ગયો, માને કહ્યા વીના છુટકો હતો નહી હવે વાત છુપાવી શકાય એમ હતી નહી એટલે ઘભરાતાં ઘભરાતાં ઘરે વાત કરી. મારી મા બહેનને જોઈ તે પણ ઘભરાઈ ગઈ તેના હોશ ઉડી ગયા. જેમ સમય વીત્યો તેની હાલત વધારે બગડી, તે બેભાન થઈ ગઈ અને મૉઢામાંથી ફીણ નીકળવા લાગ્યુ. મારી હાલત બહુજ ખરાબ હતી મારે લીધે મારી બહેનને કંઈ થઈ જશે તો હું શું કરીશ ? મારી બહેનની હાલત જોઈ મને ખુબજ દુખ થયું, વિચારવા લાગી આ મેં શું કર્યું ? હું તેના ઘોડિયા આગળ બેઠી બેઠી રડતી હતી, મારો જ વાંક હતો, મેં ગુનો કર્યો હતો. આખુ ફળિયુ ભેગુ થઈ ગયું. ડૉક્ટર આવ્યા તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી. ધીમે ધીમે ભાનમાં આવી આંખ ખોલી, કલાકો પછી તે સાજી થઈ, મને હાશ થઈ. બહેન મારી ત્યારે એક્જ વર્ષની હતી તેને આ કેરોસીનનો ડૉઝ કેટલો બધો ભારી પડ્યો આજે સમજાય છે.

આજે પણ જ્યારે તે પ્રસંગ યાદ આવે છે ત્યારે રુવાંટા ખડાં થઈ જાય છે અને મારી નાદાનીયત પર હસવું પણ આવે છે. એ જમાનામાં દસ અગીયાર વર્ષની છોકરીઓને આજની છોકરીઓની જેટલી અક્ક્લ ક્યાં હતી ? એ જમાનામાં છોકરીઓ થોડી અલ્લડ અને ભોળી હતી, ઝાઝી સમજ હતી નહી. અમારો પરિવાર ભેગો થયો હોય અને આ પ્રસંગની વાત નીકળે ત્યારે બધાં ખડખડાટ હસે છે. જે કેરોસીન પી ગઈ હતી તે સૌથી વધારે હસે છે. જ્યારે ઘટના ઘટી ત્યારે અપાર દુખ અને ચિંતા હતી અત્યારે એ વાત પર હસવું આવે છે.

હેમાબેન પટેલ

હજી મને યાદ છે-૪ -ઋણ – જયવંતી પટેલ

સાન હોઝે એરપોર્ટની બહારે નીકળી હું મારાં દીકરાની રાહ જોતી ,  બેગેજ કલેઇમની સાઇન પાસે ઊભી રહી હતી.  ત્યાં એક બુઝર્ગ કાકા, તેમની બેગ લઈને ધીમે ધીમે આવ્યા અને મારી નજીક ઊભા રહ્યા.   તેમણે માથે ગરમ ટોપી,  ગળામાં ગલેપટો અને હાથમાં મોજા પહેર્યા હતા.  મેં જોયું કે તેમનાથી ફોન બરાબર ન્હોતો થતો.  એમણે આવીને મને પુછ્યું ,”  બેન, મને જરા મદદ કરશો ? ”  મારાથી ફોન નથી થતો.  મેં હા કહી તેમનો ફોન જોડ્યો.  મેં નામ પુછ્યું  ને એમણે કહ્યું,”  નાથુભાઈ વિઠ્ઠલ. ”  મને નામ કંઈક જાણીતું લાગ્યું.  થોડી વાર એમની સામું જોતી રહી.  થયું,  આમને મેં ક્યાંક જોયા છે.  પણ જલદી યાદ ન આવ્યું.  મેં તેમનાં દીકરા ઠાકોર સાથે વાત કરી.  તેમનાં દીકરાએ કહ્યું, ” બેન , બે મોટાં અકસ્માત હાઇવે 880 ઊપર થયા છે  કોઈ હિસાબે હું વખતસર ત્યાં નહીં આવી શકુ.  તેમને પાછા એરપોર્ટ માં બેસાડો.  મેં પેલા કાકા સામે જોયું તો ખૂબ થાકેલા હતા અને નિરાશ થઈ ગયા હતા.  મને થયું મારું ઘર નજીક છે  – એમને મારાં ઘરે લઈ જાઉં અને આ ઠંડીમાંથી બચાવું ,  કંઈક ગરમ પીવાનું અને ખાવાનું આપું તો એ મને આશીર્વાદ આપશે!  એટલે તરત તેમના દીકરાને કહ્યું ,”  આ મારુ એડ્રેસ અને ટેલિફોન નંબર છે,  અમે તમારા પિતાજીને અમારે ઘરે લઈ જઈએ છીએ.  તમે અમારે ત્યાં એમને લેવા આવજો.”

ઘરે ગયા પછી અમો તેમની સાથે વાત કરતાં ગયા એમાં  માલુમ પડ્યું કે એ આફ્રિકામાં, દારેસલામમાં હતા.  એટલે તરત આગળ વાત કરી.  તો વર્ષો પહેલાં જે કાકાએ અમોને (મને અને મારી બહેનને )  ભારે વરસાદ અને વાવાઝોડામાં રાઈડ આપી હતી તે જ એ કાકા હતા.  શું હિંમતથી અમોને સહીસલામત ઘરે પહોંચાડ્યા હતા.  આજે સાવ ઢીલા થઈ ગયા હતા.

લગભગ પચાસ  વર્ષ પહેલાંની આ વાત છે……..તે દિવસે પટેલ ગ્રાઉંડ પર જમવાનું હતું.  ઊમંગે ઊમંગે સારા સારા કપડાં પહેરી ત્યાં પહોંચી ગયા.   બા -બાપુજી રસોડામાં ખૂબ બીઝી હતા.  અમે બાળકો સહુ એકઠાં થઇ કંઈ રમત શોધી આનંદથી સમય પસાર કરી રહ્યા હતા.  આ વાત છે આફ્રિકાની  –  1946 ની સાલની.  ભારતને હજુ આઝાદી મળી ન્હોતી.  પણ ગાંધી બાપુની અંગ્રેજો સાથેની લડાઈમાં દૂર દૂર દેશોનાં ભારતીયો પણ મનોમન સાથ પૂરાવતા .  વહેલી સવારે પ્રભાતફેરી નીકળતી.  એમાં અમારાંથી થોડાં મોટા  છોકરાંઓ ભાગ લેતા.  ગોઠવ્યા મુજબ સરઘસ કાઢતાં.  તેમાં બધાથી જવાતું.  અને એને લગતાં કાર્યક્રમો ગોઠવાતા.  એનાજ અનુસંધાનમાં અમારે સૌ એ જવાનું હતું.  પટેલ ગ્રાઉન્ડ પર જવાનું જરાં દૂર હતું છતાં  બાળકો હસતાં, વાતો કરતાં

રસ્તાની દૂરીનો ખ્યાલ આવે તે પહેલાં પહોંચી જતા.  જમવાનો હોલ ખૂબ મોટો હતો એટલે લાઈનસર બધાને બેસાડી દીધા અને અમે જમી લીધું.  એ પછી બીજી ઓક્ટોબર, ગાંધી જયંતીની તૈયારી કરવાની હતી.  બહાર તે દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો અને વીજળીઓ થતી હતી.  ગગનમાં તાંડવ નૃત્ય થતું હોય એવું લાગતું હતુ.  ગાજવીજ સાથે મુશળધાર પડતો હતો.  પવન જોરથી ફૂંકાતો હતો.  ઘરે જવાનું કેમ શક્ય બનશે એ વિચારમાં બા – બાપુજી પણ મુંઝવણ અનુભવતા હતા.

ત્યાં તો એક કાકા (સગા નહીં પણ ઓળખાણવાળા ) નાથુભાઈએ એમની ગાડીમાં લઇ જવાની ઓફર આપી.  એમની ગાડી જૂની હતી.  અમને આઠેક છોકરાંઓને ઉપરાછાપરી બેસાડ્યા.  ખૂબ સંકડાઈને બેઠા.    ગાડી ધીમે ધીમે ચાલતી હતી.  સાઈડ પરથી વાછટો ખૂબ આવતી હતી.  છતાં ખૂશી હતી કે ગાડીમાં જવા મળ્યું છે.  ચાલવું નથી પડતું.  લગભગ ત્રણેક માઈલ ગયા હશું ને એન્જીન બંધ થઈ ગયું.

આટલા વરસાદમાં સમારકામ પણ કેવી રીતે થાય ?  થોડી વાર ઊભા રહ્યાં.  સાંજના પાંચ વાગી ગયા હતા.  વર્ષા ઋતુને કારણે સંધ્યાએ પણ આવવાની ઊતાવળ કરી.  હવે શું કરવું તે પ્રશ્ન સૌ ને મુંઝવતો હતો.

કાકાએ નક્કી કર્યું કે કોઈ મદદ મળે એવું લાગતું નથી.  જેથી બધાએ ચાલીને જ પોતપોતાના ઘરે પહોંચવું પડશે.  જેનું ઘર આવતું જાય એમ છૂટા પડતાં જશું.  બધાએ એકબીજાનાં હાથ પકડી લીધા.  મેં આવું કદી અનુભવ્યું ન્હોતું.  ભારે વર્ષાને કારણે રસ્તાઓ ખૂબ ખાડા ખબચાં વાળા હતા.  કારમાંથી બહાર નીકળતાં જ અમો પલળી ગયા હતા.  ઠંડી પણ લાગતી હતી.  અંધારું થઇ જવાથી જોવામાં પણ મુશ્કેલી પડતી હતી.  છતાં હિંમત રાખી બધા ચાલતાં હતા.  હજુ ત્રણેક માઈલ રસ્તો કાપવાનો હતો.  કોઈકે તો રડવા માંડ્યું.  પેલા કાકાએ ખૂબ સરસ રીતે બાજી સંભાળી લીધી.  એક છોકરાને કેપ્ટ્ન બનાવ્યો અને તેને કહ્યું કે હિંમતથી આગળ ચાલ – અને બોલ : ” હૈ ઇન્દ્રદેવ,  રક્ષા કરો રક્ષા કરો,  હમ બાલકોકી રક્ષા કરો.”

તે સમયે ટેલિફોન હતા પણ જૂજ.  સેલફોનનો જમાનો નહતો .  સહીસલામત ઘરે પહોચશું કે કેમ એ પ્રશ્ન હતો.  પણ એ કાકાની સમય સૂચકતા અને હિંમતે અમને સૌને સહીસલામત ઘરે પહોંચાડ્યા.  એક બીજાનાં હાથ પકડી રાખી ચાલતાં શીખવાડ્યું.  વધારામાં દરેકે થોડું ગાવાનું.  કોઈ કાર પસાર થાય તો મદદ માટે બૂમો પાડવાની.  મેં કવિતા બોલવા માંડી .  “આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ,  ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.”  પણ પછી થયું આ બરાબર નથી.  મારે તો વરસાદને આવવાની ના પાડવાની છે એટલે ફેરવીને ગાયું ,”  વીજળી ચમકે ને મેહૂલીયો ગાજે ,  સાથે મારુ હૈયું ધડકે

 ઘડીક ઊભો રેને મેહુલિયા,

જોને મારી ઓઢણી ભીંજાઈ,

મને ટાઢ ચઢી જાય

થંભી જાને મેહુલિયા, થંભે તો તું મારો દોસ્ત બની જાય ”

ત્યાં તો એક બીજા છોકરાએ ગાવાનું શરૂ કર્યું.  એમ કરતાં કરતાં ગામની સાવ નજીક આવી પહોંચ્યા.  થોડી લાઈટ દેખાવા માંડી ને ઘરો પણ દેખાયા .  એક છોકરાનું ઘર સાવ નજીકમાં હતું.  તેનાં માં-બાપે ટોવેલ આપ્યા અને ગરમ પીણું પીવડાવ્યું .  ત્યાંથી નીકળી બાકીના છોકરાં છોકરીઓને એક એક કરતાં તેઓનાં ઘરે પહોંચાડ્યા .  મારાં માં-બાપ અમને બંને બહેનોને જોઈ બાઝી પડ્યા અને પેલા કાકાનો ખૂબ ઊપકાર માન્યો.  જમવાનું કહ્યું પણ તે ભાઈ રોકાયા નહી .  એક કપ ગરમ ચાય માંગી અને તે પીઈને તેમણે પ્રયાણ કર્યું.

આ વાતને વર્ષો વિતિ ગયા પણ જયારે જયારે મેહુલિયો ગાજે ને વીજળી ચમકે , ને વર્ષા નું આગમન થાય ત્યારે મને એ અંઘારી રાત, મુશળધાર વરસાદ અને પેલા કાકાની ઓથ જરાયે ભુલાતી નથી.  ખૂબ દયાળુ અને હિંમતવાળા કાકા હતા.  આટલા બાળકોને સંભાળીને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા ને સહીસલામત તેમને ઘરે પહોંચાડવા એ મહાન કાર્ય હતું અને તેઓએ એ જવાબદારી પૂર્વક પાર પાડ્યું.  દરેકનાં માં-બાપ તેમનાં ઋણી રહયા .  માનવ કેટલો સમૃધ્ધ છે તે તેની દર્શાવેલી માનવતા પરથી કળી શકાય છે.”……

ચાર-પાંચ કલાકે તેમનાં દીકરાએ બેલ મારી.  ત્યાં સુધીમાં કાકાએ જમી કરી એક સારી ઊંઘ ખેંચી લીધી હતી.  મને કહે ,” બેટા,  તેં તો મને ઋણી બનાવી દીધો.  ત્યારે મેં એમને કહ્યું ,”  ના,  કાકા,  મેં તો તમારું ઋણ ઊતારવા પ્રયત્ન કર્યો છે.  કોઈ કોઈ નું ઋણી નથી .  સમય સમયનું કામ કરે છે.  વર્ષો પહેલાં તમે અમોને ભારે વરસાદમાં સહીસલામત ઘરે પહોંચાડ્યા હતા.  એ દિવસ હજુ ભુલાતો નથી.  ભગવાને મને તમારું ઋણ વાળવાનો અવસર આપ્યો – તમારું નામ સાંભળ્યું ત્યારે જ થયું હતું કે આ નામ જાણીતું છે.  એટલેજ તમને ઘરે લઈ આવી .”   તેઓએ કહ્યું ,”  શું તને હજુ યાદ છે?”  ત્યારે મેં કહ્યું ,” હા ,  કાકા,  જરાયે ભુલાયું નથી.  એકે એક ક્ષણ યાદ છે.  અમારાં હાથ જોરથી પકડી રાખી અમને એ તાંડવમાંથી બહાર કાઢી લાવ્યા .  એ કેવી રીતે

ભુલાય ?   મને ખૂબ આનંદ છે કે હું તમારે માટે કશુંક કરી શકી .  કુદરતની ગતિ કોઈ કળી નથી શકતું !

જયવંતી પટેલ