૨૭-હકારાત્મક અભિગમ-આદર્શ નેતૃત્વ- રાજુલ કૌશિક

એક અદ્ભૂત શિક્ષક, સફળ  વૈજ્ઞાનિક ,મિસાઇલમેન અને ભારતના રાષ્ટ્રપતિ, અત્યંત સાલસ ઇન્સાન એવા શ્રી અબ્દુલ કલામે એમના જીવનના કેટલાક યાદગાર પ્રસંગોના ઉલ્લેખમાં એમની સફળતાનો શ્રેય એમની માતાને આપ્યો છે.

આમ જનતા સાથે મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. જ્યારે શ્રી અબ્દુલ કલામ જ્યારે ૧૯૮૦માં ભારતના સેટ્લેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોગ્રામના પ્રોજેક્ટ ડાઇરેક્ટર બન્યા તે સમયના તેમના અનુભવ વિશે વાત કરી છે.

રોહિણી ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મુકવાના એ પ્રોજેક્ટમાં હજારો લોકો સંકળાયેલા હતા. દરેક એક વ્યક્તિનો એમાં ક્યાંક નાનો-મોટો ફાળો તો હશે જ. ૧૯૭૯માં લગભગ તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી હતી. કંટ્રોલરૂમમાં ભેગા થયેલા માટે  કોમ્પ્યૂટરની એ છેલ્લી ચાર મિનિટની ગણતરી અતિ મહત્વની હતી.  ગણતરી શરૂ થઇ….ટીક…ટીક.. ..ટીક…પણ એક જ મિનિટમાં કોમ્પ્યૂટરે ક્યાંક કશું ખોટું હોવાનો સંકેત આપ્યો. નિષ્ણાંતોની ગણતરી પ્રમાણે તો બધુ જ બરાબર હતું એટલે રોકેટ છોડવામાં પણ આવ્યું પરંતુ ઉપગ્રહ અંતરીક્ષમાં જવાના બદલે રોકેટ સમેત બંગાળની ખાડીમાં જઈને ખાબક્યું. મિશન નાકામિયાબ રહ્યું. પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ ગયો.

સ્વભાવિક પ્રેસ, જનતા સમક્ષ આ ઘટના અંગે ખુલાસો તો કરવો જ રહ્યો. ઇસરોના ચેરમેન પ્રોફેસર શ્રી સતિષ ધવને સેટેલાઇટ રેંજ શ્રી હરિકોટા પર પ્રેસ કોન્ફરન્સ બોલાવી. અહીં વિશ્વભરના પત્રકારો સમક્ષ એમણે જે વાત કરી એ જીવનભર શ્રી અબ્દુલકલામ માટે  આદર્શ લીડરશીપનું દ્રષ્ટાંત બની ગયું.

સમયે પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ કલામ હતા એટલે એક રીતે જોવા જઈએ તો પ્રોજેક્ટની સફળતા-નિષ્ફળતાની જવાબદારી એમની કહેવાય પરંતુ ઇસરોના ચેરમેન હોવાના નાતે નિષ્ફળતાની જવાબદારી સ્વયં પર લેતા પ્રોફેસર સતિષ ધવને પ્રેસ સમક્ષ એવું કહ્યું કે વૈજ્ઞાનિકોની ટીમે ખુબ મહેનત કરી હતી પણ ટેકનિકલ સપોર્ટની ખામીના લીધે આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે.

ફરી જ્યારે ૧૯૮૨માં ઉપગ્રહ તરતો મુકવામાં સફળતા મળી ત્યારે પ્રોફેસર સતિષ ધવને એ દિવસની પ્રેસ કોન્ફરન્સ સંભાળવાની જવાબદારી અબ્દુલ કલામને સોંપી. અર્થાત નિષ્ફળતાના સમયે આગળ વધીને જવાબદારી લીધી અને સફળતાનો યશ ટીમને આપ્યો.

સીધી વાત–આગળ કહ્યું તેમ .. મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. સારા બનવું સૌને ગમે સાચા બનવાની તૈયારી કોનામાં અને કેટલી? અબ્દુલ કલામ કહે છે કે એ દિવસે મેનેજમેન્ટનો સૌથી મહત્વનો અને ઉમદા પાઠ મને શીખવા મળ્યો. જીવનમાં ઘણીવાર એવું બને કે કોઇ પાઠશાળા કે જ્ઞાનપીઠ કરતાંય આપ અનુભવ કંઇક વધુ સચોટ અને કાયમી દ્રષ્ટાંત બની રહે.

 

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૬-હકારાત્મક અભિગમ- સુખનું સરનામું- રાજુલ કૌશિક

સમયની સાથે તાલ મેળવવાની કે જે તે ક્ષેત્રમાં ટકી રહેવાની મહત્વકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે કેટલી માનસિક સજ્જતા રાખવી પડે એનાથી આજે કોણ અજાણ છે? કેટલાક એવા છે જેમના પર પોતાના સપના સાકાર કરવાની ભરચક જવાબદારીઓ છે અને એને પહોંચી વળવાની મથામણના લીધે માનસિક તાણ અનુભવે છે તો કેટલાક એવા ય છે જેમની પાસે કલ્પના કરતાં ય વધુ સમૃદ્ધિ છે,  સાત પેઢી ખાય તો ય ન ખૂટે એવા ધન ભંડાર ભરેલા છે ત્યારે એમને સમય અને પોતાની શક્તિનો ક્યાં ઉપયોગ કરવો એની મથામણ છે.

એવા જ એક ધનાઢ્ય પરિવારની મહિલા માનસચિકિત્સક પાસે પહોંચી. અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રોમાં સજ્જ એવી મહિલાને પોતાને એવું લાગતું હતું કે એનું જીવન અર્થહિન છે. કોઇ ધ્યેય વગરના જીવનને લીધે એ અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. અહીં આ કેબિનમાં માનસચિકિત્સક પાસે આવતી વ્યક્તિ પુરેપુરી ઠલવાઇ જાય એ જરૂરી હોય છે એટલે માનસચિકિત્સકે શાંતિથી એ મહિલાની વાત સાંભળી લીધી.

ત્યારબાદ ડૉક્ટરે એમની ઓફિસ સાફ કરતી બાઇને બોલાવી. ધનાઢ્ય મહિલાને કહ્યું કે હું ઇચ્છું છું કે કોઇપણ ટ્રીટમેન્ટ ચાલુ કરું એ પહેલા આની વાત સાંભળી લો. કામ કરતી બાઇએ પોતાના હાથમાંથી સફાઇના સાધનો એક બાજુ મૂક્યા અને વાત માંડી.

એના કહેવા પ્રમાણે એનો પતિ થોડા સમય પહેલા કેન્સરથી બિમારીમાં ઝઝૂમીને  મૃત્યુ પામ્યો હતો. એનો દિકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. હવે એની સાથે કોઇ નહોતું, એની પાસે કશું જ નહોતું.  આ બેવડા આઘાતના લીધે એ એવી તો સન્ન થઈ ગઈ હતી કે એના કહેવા પ્રમાણે રાતે એ સૂઇ પણ શકતી નહોતી, ખાવાની પણ સૂધ રહી નહોતી. એ સ્મિત કોને કહેવાય એ ભૂલી ગઈ હતી. જીવવા માટે કોઇ કારણ નહોતું. અત્યંત હતાશાએ એને ઘેરી લીધી હતી અને પરિણામે એને પોતાના જીવનનો અંત આણવાની ઇચ્છા થઈ આવતી. પછી એક દિવસ એવું બન્યું કે એ ઘેર પાછી વળતી હતી ત્યારે બિલાડીનું એક નાનકડું બચ્ચુ એની પાછળ પાછળ એના ઘર સુધી આવી ગયું.

“ કોને ખબર કેમ પણ મને એ બચ્ચાની દયા આવી ગઈ. એ બાઇએ પોતાની વાત માંડી. બહાર સખત ઠંડી હતી એટલે મેં એને ઘરની અંદર લીધું. એક પ્લેટમાં થોડું દૂધ ભરીને એની પાસે મુક્યું. બચ્ચાએ પળવારમાં બધુ  દૂધ ચાટી પ્લેટ સફાચટ કરી દીધી  પછી એ મારા પગ પાસે બેસીને મારા પગને ચાટવા માંડ્યુ. કેટલાય સમય પછી મારા ચહેરા પર સ્મિત ફરક્યું. એ પછી મને વિચાર આવ્યો કે જો આટલા નાના બચ્ચા માટે આટલું અમસ્તું કર્યું તો મને મારું ખોવાયેલું સ્મિત પાછું મળ્યું તો  વધારે લોકો માટે જો કંઇ કરી શકું તો કદાચ મારા મનને વધુ આનંદ મળશે. એટલે બીજા દિવસે મેં થોડા બિસ્કિટ બેક કર્યા અને મારા પાડોશી જે કેટલાક સમયથી પથારીમાં હતા એમના માટે લઈને ગઈ. કોઇક છે જે તમારી પરવા કરે છે એ વિચારથી એ રાજી થયા. એમનો રાજીપો જોઇને મને પણ આનંદની સાથે સંતોષ થયો. તે દિવસથી હું અન્ય કોઇ માટે કંઇ સારુ કરવાનો પ્રયત્ન કરું છું, કોઇને પણ મારાથી બની શકે એટલી મદદ કરવા પ્રયત્ન કરું છું અને એના લીધે એમને ખુશ જોઇને મને પણ ખુશી મળે છે. આજે મને લાગે છે કે મારાથી વધારે સારી ઊંઘ ભાગ્યેજ કોઇને આવતી હશે. અન્યને ખુશી આપવાથી આનંદ શું છે એ મને સમજાયું છે. આજે મને મારા જીવવાનો મતલબ સમજાયો છે.”

બાઇએ પોતાની વાત પુરી કરી અને એની વાત સાંભળીને પેલી શ્રીમંત મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.એને સમજાયું કે એની પાસે દુનિયાભરની એ તમામ ભૌતિક વસ્તુઓ હતી જે એ પૈસા ખર્ચીને ખરીદી શકતી હતી પણ એણે જે ખોયું હતું એ દુનિયાભરનો પૈસો ભેગો કરીને પણ ખરીદી શકે એમ નહોતી.

સીધી વાત- આપણે કેટલા ખુશ છીએ એના પર જીવનની સાર્થકતા નિર્ભર નથી પણ આપણા થકી બીજા કેટલા ખુશ થઈ શકે છે એમાં જીવનની સાર્થકતા છે. પ્રસન્નતા એ મંઝીલ નથી પણ એક સફર છે કે જેમાં આપણે જેટલાને સામેલ કરી શકીએ સુખ એટલું બેવડાય છે. સુખની સફરને કાલ પર નિર્ભર ન રાખી શકીએ. એ તો આજે જ, આ ક્ષણથી શરૂ થવી જોઇએ. પ્રસન્નતાનો પ્રવાસ અન્ય કોઇ સમય પર અવલંબિત ન રાખતા આજથી – આ ક્ષણથી અમલમાં મુકવાનો પ્રયાસ છે- પ્રસંગ છે. તમારી પાસે શું છે એના કરતાં તમે શું કરી શકો છો એમાં પ્રસન્નતા સમાયેલી છે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૫- હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ-રાજુલ કૌશિક

જીવનના કોઇપણ રસ્તા સહેલા-સુગમ જ હોવાના , દરેક ચઢાણો સરળ જ હોવાના એવી માન્યતામાં કેટલું તથ્ય? જીવનમાં આગળ વધતા કોઇ રસ્તો  ઉખડ-બાખડ ન આવે તો એ આપણું સદનસીબ. પરંતુ જીવનમાં આવતી સમસ્યાને જોનારાના પણ અલગ-અલગ દ્રષ્ટીકોણ હોવાના. એના માટે અહીં બે વાત યાદ આવે છે.

એક છે શાહમૃગવૃત્તિ.  પક્ષીઓમાં વિશાળ અથવા કદાવર કહી શકાય એવા ઉત્તર આફ્રિકામાં જોવા મળતા શાહમૃગની પ્રકૃતિથી આપણે જ્ઞાત છીએ. જ્યારે એનો શિકાર કરવા કોઇ પીછો કરે ત્યારે એ જાત બચાવવા દોડવા કે સામનો કરવાના બદલે એ પોતાનું માથું જમીનમાં ખોસી દે છે અને એવું માની લે છે કે હવે એને કોઇ જોઇ શકશે નહીં. એનું કદ વિશાળ હોવાના લીધે એ ઊડી નથી શકતું એ સમજાય એવી વાત છે પણ જે મજબૂત પગ એને મળ્યા છે એના સહારે એ દોડવાને તો શક્તિમાન છે જ એવી સમજણના અભાવે એ માથુ રેતીમાં ખોસીને નિશ્ચિંત બની જાય છે કે હવે એને મુસીબત આંબી નહી શકે.

બીજુ ઉદાહરણ છે શાહમૃગના જેવી જ કદાવર કાયા ધરાવતા એની જેમ જ આફ્રિકામાં  જોવા મળતા જિરાફની. જિરાફનું બચ્ચું જન્મ સમયે માતાના ગર્ભમાંથી જે ઊંચાઇએથી જમીન પર પછડાય છે ત્યારે એ નવજાતને બચ્ચાને માંડ કળ વળી ના વળી અને મા એ નવજાત બચ્ચાને પોતાના પગ વડે જોરથી લાત મારે અને જરા આઘી જઈ ઊભી રહે. આઘાત લાગે એવી વાત છે નહીં? પણ એ વાસ્તવિક હકીકત છે. બચ્ચુ ઊભુ થવા પ્રયત્ન કરે ત્યાં તો ફરી એક લાત.. ફરી બચ્ચુ ઊભુ થવા જાય અને ફરી એક લાત. માન્યામાં ના આવે એવી વાત છે ખરૂં ને? અંતે લાત ખાઇ ખાઇને બચ્ચુ ફરી બીજી લાત ન પડે એના માટે ઊભુ થઇને દોડવા માંડે અને ત્યારે જઈને  માતા- જિરાફ એના બચ્ચાને વ્હાલથી ચાટવા માંડે છે. મા છે. એને ય બચ્ચુ વ્હાલું તો છે જ પણ એ જાણે છે કે જો જન્મથી જ એને આત્મ-રક્ષણ માટે સજ્જ નહી કરવામાં આવે તો નવજાત પ્રાણીનું તાજું માંસ પસંદ છે એવા જંગલી પ્રાણીઓ એને ફાડી ખાશે.

છે ને બે વિરોધાભાસી વાત?  એક છે સમસ્યાથી દૂર ભાગતી, ઉકેલ લાવવાના બદલે એને નજરઅંદાઝ કરવાની વૃત્તિની અને બીજી છે સકારાત્મક દ્રષ્ટીકોણ ધરાવતી, કોઇપણ સમસ્યાને સામી છાતીએ પહોંચી વળવા જાતને સજ્જ રાખવાની વૃત્તિની. આવી વ્યક્તિઓમાં બીજી પણ એક ખાસિયત જોવા મળશે. એ કોઇપણ સમસ્યાનો સામનો કરવાના સૌથી શ્રેષ્ઠ માર્ગના વિકલ્પ શોધશે. જો ક્યાંક કોઇ ગણતરી ખોટી પડી તો નિસંકોચ ભૂલ સ્વીકારીને અન્ય વિકલ્પ અજમાવશે. શાહમૃગની જેમ મ્હોં  તો નહીં  જ સંતાડે.

જીવન જીવી લેવું અને જીવી જાણવું , બંનેમાં ફરક તો ખરો જ..

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

૨૪ – હકારાત્મક અભિગમ- સ્વથી સર્વ સુધી- રાજુલ કૌશિક

આજે ફરી એકવાર ઘેર બેઠા વહેતી સોશિઅલ ગંગામાંથી જરા અમસ્તુ આચમન…..

એક કૉર્પરેટ કંપનીના મોટા હૉલમાં કંપનીના લગભગ બધા મેમ્બરને એકઠા કરવામાં આવ્યા હતા. પ્રસંગ હશે એ સૌને મોટિવેટ કરવાનો. હૉલમાં અર્ધ ગોળાકારે ગોઠવાયેલી બેઠક પર સૌ મોટી કંપનીને છાજે એવા સુટ-કોટ-ટાઇમાં બિરાજમાન હતા. હવે તો કૉર્પરેટ કંપનીમાં કામ કરતા સભ્યોની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતાને પ્રાધાન્ય આપવાનું ચલણ અને વલણ વધતું જાય છે. ( સારી વાત છે નહીં?)

પ્રવક્તાએ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લેતા આ પ્રસંગને અનુરૂપ પ્રસ્તાવતા બાંધી. થોડી મહત્વની વાતો કરીને સૌને એમની સાથે સાંકળી લેતા એક ઘોષણા કરી.

“ આજના આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના આ મહત્વના કાર્યક્રમ તરફ આગળ વધતા પહેલા હું ઇચ્છીશ કે અહીં ઉપસ્થિત સન્માનીય સભ્યો આપની જગ્યાએથી ઊભા થઈને હૉલમાં ઉપસ્થિત સૌને મળે, હાથ મિલાવે અથવા એકમેકને ભેટે.”

આ માટે પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. સમય પુરો થતા સૌ પોત-પોતાની બેઠક પર ગોઠવાયા પછી પ્રવક્તાએ ફરી એકવાર માઇક હાથમાં લેતા ઘોષણા કરી.

“આપ સૌને ખાતરી છે કે આપે સૌને મળી લીધું છે?.. કદાચ તમારો જવાબ હશે હા.. પણ હું કહીશ કે ના.. કારણ આપ સૌએ મોટાભાગનાને તો મળી લીધું પરંતુ હું પણ અહીં ઉપસ્થિત જ હતો તેમ છતાં મને તો કોઇ મળવા આવ્યું જ નહીં. એટલું જ નહીં પણ કેટલાક એવા સભ્યો પણ હતા કે  જે પોતાની જગ્યાએ જ બેસી રહયા હતા એમને પણ કોઇ મળવા ગયું નહી. કારણ?”

હૉલમાં તો કોઇની પાસે જવાબ હતો નહીં.

પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું …“કારણ માત્ર એટલું જ કે મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે.  મોટાભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. કેટલાક એવા હતા જે પોતાની જગ્યાએથી ઊભા જ નહોતા થયા. જે ઊભા નહોતા થયા એમને સામે ચાલીને મળવા કોઇ આગળ વધ્યુ નહી.

સીધી વાત- દોસ્તી માટે જો હાથ લંબાવીએ તો જ દોસ્ત મળી રહેશે. તાલી એક હાથે ક્યારેય વાગતી જ નથી. સંબંધો વિકસાવવા માટે અંતરથી અને અંદરથી ખુલવાની જરૂર છે. આ વાત છે અપેક્ષા વગર, આપમાંથી બહાર આવી અન્ય સુધી પહોંચવાની. સ્વથી માંડીને સર્વ સુધી વિસ્તરવાની. દરેક સંબંધને જો નફા-નુકશાનના ત્રાજવે તોળવામાં આવશે તો શક્ય છે કે સાચો અને સારો સંબંધ ક્યાંય પામી નહી શકીએ.  ક્યારેક સ્વાર્થ વગરના પણ સંબંધ વિકસી શકે છે એવું સમજી લેવાની ય જરૂર છે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

`

 

 

 

 

 

 

૨૨ – હકારાત્મક અભિગમ- સંવેદનાની અનુભૂતિ -રાજુલ કૌશિક

સંત તિરુવલ્લુવર જુલાહા હતા. આજીવિકા માટે અત્યંત ધીરજથી સૂતરના તાંતણા વણવાનું કામ કરતા હતા. ધીરજ ઉપરાંત આ કામ શ્રમ અને ખંત પણ માંગી લે એવું હતુ. એક સમયે પોતાની હાથવણાટની સાડી બજારમાં વેચવા નિકળ્યા.

એટલામાં એક યુવકે આવીને સાડીની કિંમત પૂછી. સંતે જવાબ આપ્યો….“ બે રૂપિયા.”

યુવકે એ સાડીના બે ટુકડા કરી નાખ્યા અને પૂછ્યું, “ હવે કેટલી કિંમત થઈ?” સંતે જવાબ આપ્યો…“એક રૂપિયો.” ફરી એ યુવકે સાડીના બે ટુકડાને ચાર ટુકડામાં વહેંચી નાખી અને પૂછ્યું, “ હવે ?” સંતે અપાર શાંતિથી જવાબ આપ્યો.“આઠ આના.” ફરી ચાર ટુકડામાંથી આઠ ટુકડા કર્યા અને પૂછ્યું, “ ચાર આના.”

યુવક સંતને ઉશ્કેરવા સાડીના ટુકડાઓને પણ ટુકડાઓમાં વહેંચતો ગયો. અંતે સાડી લીરે લીરા થઈ ગઈ. યુવકે એ લીરાનો ગોળો વાળ્યો અને કહ્યું હવે આમાં બચ્યું છે શું કે આના પૈસા આપવાના હોય? તેમ છતાં સંત મૌન રહ્યા. થોડા અહંકાર અને વધારે તુચ્છકાર સાથે એ યુવકે બે રૂપિયા સંત તરફ ફેંક્યા અને કહ્યું, “ આ લો તમારી સાડીની કિંમત.”  યુવકની આટલી ઉધ્ધતાઇ જોઇને પણ જરાય અકળાયા વગર સંતે કહ્યું,“ બેટા, જ્યારે તેં સાડી ખરીદી જ નથી ત્યારે તારી પાસે પૈસા કેવી રીતે લેવાય?” હવે યુવાન શરમિંદગી અનુભવી રહ્યો. પોતાના અપકૃત્ય બદલ ખુબ દુઃખી થઈને રડી પડ્યો અને માફી માંગી.

જરા વ્યથિત થઈને ભીના અવાજે સંતે એ યુવકને કહ્યું, “ બેટા, હવે તારા આ બે રૂપિયાથી થયેલી ક્ષતિ તો ભરપાઇ થવાની નથી. જરા વિચારી જો આ કપાસ ઉગાડવામાં સૂતર કાંતવામાં અને સાડી વણવામાં કેટલા પરિવારોએ પરિશ્રમ વેઠ્યો હશે ?” યુવકે અપાર વેદના સાથે કહ્યું,“ ત્યારે તમે મને રોક્યો કેમ નહીં?”

સંતે ખુબ સરસ જવાબ આપ્યો,“ રોકી શક્યો હોત તો પણ તું તે સમયે તો ના જ રોકાત. પરસ્પર જીવન પ્રત્યે સાધી શકાય એવી આસ્થાની એ પળ ચૂકી જવાત. અત્યારે જે સંવેદનશીલતા તું અનુભવી રહ્યો છું તે કેળવવાની તક પણ ચૂકી જવાત.”

સીધી વાત- જે સમયે લોઢું ગરમ હોય ત્યારે જ ઘણ મારવાનો અર્થ બાકી તો સઘળા ઘા વ્યર્થ. સમજને સ્વીકારવાની શાણપણભરી માનસિકતા પર પહોંચેલી વ્યક્તિ માટે તો ઇશારો પણ કાફી છે. નાસમજ માટે તો આખી ગીતા વાંચવી પણ અર્થહીન છે. સમજની ભૂમિકાએ પહોંચ્યા પહેલા એને ભાષણ આપવું પત્થર પર પાણી.. અને દેશી તળપદી ભાષામાં કહીએ તો ભેંશ આગળ ભાગવત.

 

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧૮ – હકારાત્મક અભિગમ- ભયની ભ્રમણા-રાજુલ કૌશિક

બે સાવ નાનકડા બાળકો એકબીજાની સાથે રમતા હતા. ઘણા સમય પહેલા આવી શક્યતા હતી કારણકે ત્યારે બાળકો પાસે આઇ પેડ નહોતા, મોબાઇલો પર અપ-લૉડ કરેલી રમતો નહોતી. રમતાં રમતાં બંને તડકામાં જઈ પહોંચ્યા. એમણે જોયું કે એ બંને જે કંઈ કરતા હતા એવું જ એમના પડછાયા કરતા હતા. બંને જેવું હલનચલ કરતા હોય અદ્દલો અદ્દલ એમના પડછાયા પણ એ પ્રમાણે જ એવું જ હલનચલન કરતા હતા. અરે વાહ ! આ તો સરસ મઝાની રમત. બંને બાળકોને આ રમત ખુબ ગમી ગઈ.

રમવામાં અને રમવામાં કેટલો ય સમય પસાર થઈ ગયો. હવે ધીમે ધીમે એમના પડછાયા મોટા થતા ગયા. પોતાના કરતાં ય મોટા પડછાયા જોઇને બંને બાળકો ખુબ ડરી ગયા અને એ મોટામસ પડછાયાથી છુટકારો મેળવવા આમતેમ દોડાદોડ કરી મુકી પણ પડછાયા ય જાણે એમની સાથે હોડમાં ઉતર્યા હોય એમ એમની સાથે જ  દોડાદોડ કરવા લાગ્યા. પડછાયાએ જાણે એમને પકડી લીધા. વાતનું વતેસર થયું . બંને બાળકો  રમતાં રમતાં રડવા લાગ્યા. મોટે મોટેથી રડતા છોકરાઓના અવાજથી બંનેની મા દોડી આવી.

પહેલા છોકરાની માએ જોયું કે એનું બાળક પડછાયાથી ડરી ગયું છે એટલે એણે પોતાના બાળકને છાંયડામાં લઈ લીધો. પડછાયો દેખાતો બંધ થયો એટલે બાળકે રડવાનું તો બંધ કરી દીધું પણ મનમાં ઘર કરી ગયેલો ડર દૂર ના થયો. જ્યારે પણ એ તડકામાં જાય અને પડછાયો જુવે એટલે ડરી-ભાગીને છાંયડો શોધવા માંડે.

બીજા બાળકની માએ પણ જોયું કે પડછાયાથી ડરીને પોતાનું બાળક રડી રહ્યું છે. એણે એને ત્યાંથી દૂર કરવાના બદલે સમજણ આપી કે હકિકતમાં પડછાયો તો તડકાને રોકી રહેલા બાળક્ની પોતાની છાયા છે. એણે બાળક્ને વધુ સમજાવતા કહ્યું કે, “ જો તું તારો હાથ હલાવ તો એ પણ એનો હાથ હલાવશે. તું તારો પગ હલાવ તો એ પણ એનો પગ હલાવશે. તું કૂદકો મારીશ તો એ પણ તારી જેમ કૂદકો મારશે. તું ડાન્સ કરીશ તો એ પણ તારી જેમ જ ડાન્સ કરશે. પડછાયો એ તો માત્ર તારી છાયા છે અને તારી નકલ જ કરે છે. એનાથી ડરવાનું હોય જ નહીં એને તો તું ઇચ્છે એમ નચાવવાનો હોય.”  અને બાળકને પડછાયાના ભયથી કાયમ માટેની મુક્તિ મળી ગઈ.

ઉંમરના પ્રત્યેક પડાવની સાથે ભયની ભ્રમણા તો કદાચ પેલા પડછાયાની જેમ જ વળગેલી રહેવાની. બાળપણથી માંડીને ઘડપણ સુધી અલગ અલગ ભયના ઓથાર સાથે જીવતા આપણે મૃત્યુના ભયથી પણ ક્યાં છૂટી શકીએ છીએ. જે જેવું છે એને એમ જ સ્વીકારીને એમાંથી મુક્ત થવાના બદલે એના ભરડામાં લપેટાઇને જાતને વધુ તકલીફમાં મુકતા જઈએ છીએ.

સીધી વાત… ભય એ માનસિકતા છે. ભય કરતાં ભયની લાગણી, ભયનો ભ્રમ વધુ ભડકાવનારો હોય છે. એના નાનકડા સ્વરૂપને પણ આપણે અનેક ઘણુ વધારીને વિચારીએ છીએ. એને વાસ્તવિક સ્વરૂપમાં જોવાના બદલે આપણી કલ્પનાના રૂપે જોતા થઈએ છીએ ત્યારે એ હોય એના કરતાં પણ આપણને વધુ ડરાવે છે. ભય સામે ભાગેડુવૃત્તિના બદલે  એને વાસ્તવિક સ્વરૂપે સ્વીકારીને એમાંથી માર્ગ કાઢીએ તો એમાંથી જલ્દી મુક્ત થઈએ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

13-હકારાત્મક અભિગમ- ખેલદિલી-રાજુલ કૌશિક

આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી.

એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા જ હશે. એક વ્યક્તિ ઓફિસમાં હાજર સૌને જાણે રમત રમાડતા હતા. ત્યાં ઉભેલ તમામ વ્યક્તિઓના હાથમાં એક ફુલાવેલો ફુગ્ગો આપવામાં આવ્યો હતો અને બીજા હાથમાં એક ટુથપિગ આપવામાં આવી. રમત શરૂ થાય એ પહેલા સૌને સૂચના આપવામાં આવી હતી કે નિર્ધારિત સમય સુધીમાં છેલ્લે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ ગેમ જીતશે.

દસ નવથી માંડીને ઉંધી ગણતરીએ  કાઉન્ટ ડાઉન શરૂ થયુ… અને સ્ટાર્ટની સૂચના સાથે જ સૌ એકબીજાના હાથમાં રહેલો ફુગ્ગો પેલી ટુથપિગથી ફોડવા મંડ્યા. પોતાનો ફુગ્ગો બચાવીને અન્યનો ફુગ્ગો ફોડવાની પેરવીમાં અંતે તો કોઇના ય હાથમાં ફુલેલો ફુગ્ગો રહ્યો નહી. અર્થાત ગેમ કોઇ જીત્યું નહીં.

ગેમ રમાડનાર વ્યક્તિએ અંતે એક સવાલ સૌને પૂછ્યો, “ દોસ્તો, મેં સૌને એવું કહ્યું હતું કે ગેમના અંતે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ વિજેતા. અહીં કોઇપણ એવા સંજોગ હતા જ્યાં આપણી જીતવાની કોઇ શક્યતા હતી?”

હતી શક્યતા હતી એ તો સૌએ કબૂલ કર્યું “ કોઇએ અન્યનો ફુગ્ગો ફોડવાની જરૂર જ નહોતી. જો એમ કર્યું હોત તો સૌ વિજેતા બની શક્યા હોત.” અર્થાત જીતવા માટે કોઇને હરાવવાની જરૂર નથી હોતી. જીતવા માટે અન્યનું નુકશાન કરવાની જરૂર તો જરાય નથી હોતી. પણ આપણી માનસિકતા એવી છે કે જો આપણે જીતવું છે તો અન્યને હરાવવા જ રહ્યા. કોઇનું નુકશાન એટલે આપણો ફાયદો. આ જ બનતું આવે છે પછી ભલેને એ કોર્પોરેટ જગત હોય, રાજકારણ હોય . આપણે અન્યને નીચા પાડવા જતા ખુદ નીચે ઉતરતા જઇએ છીએ.

હવે આની સામે એક બીજો સીન જોઇએ.

મોટા- ખુલ્લા મેદાનમાં સ્પર્ધાનો માહોલ હતો. સફેદ પાટા પર દોડવીરો દોડવા માટે અને જીતવા માટે સજ્જ થઈને ઉભા હતા. મેદાનની ફરતે પ્રેક્ષકો ગોઠવાયેલા હતા. કદાચ સૌના ચહેરા પર સ્પર્ધામાં ઉતરેલા પોતાના સ્વજનની જીત માટેની ઉત્તેજના હતી એની સાથે હાથ પ્રાર્થના માટે જોડાયેલા હતા.

સ્પર્ધા શરૂ કરવા માટેની વ્હિસલની સાથે લીલી ઝંડી ફરકી અને એની સાથે જ પેલા સફેદ પાટા પર ઉભેલા સ્પર્ધકોએ દોડવા માંડ્યુ. બે પાંચ પળ વિતી અને દોડી રહેલા સ્પર્ધકમાંથી એક દોડવીર ઠેબુ ખાઇને પડ્યો. સ્વભાવિક છે કે બાકીના સ્પર્ધકો માટે તો  એમની સાથેની સ્પર્ધામાંથી એક બાકાત થયો . અન્યનું તો એ જ ધ્યેય હોય ને કે જેમ બને એમ ઝડપથી નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચીને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરવું.

પણ ના , અહીં એમ ના બન્યું . એક સ્પર્ધકના પડી જવાથી બાકીના સ્પર્ધક ઉભા રહી ગયા . પાછા વળીને પેલા ગબડી પડેલા સ્પર્ધકને ટેકો આપીને ઉભો કર્યો. એટલું જ નહીં પણ બાકીની દોડ માટે સૌએ એકમેકના હાથ ઝાલીને સંયુક્ત રીતે સ્પર્ધા જીતી.

મેદાનમાં બેઠેલા તમામ પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તમામ સ્પર્ધકોને વધાવી લીધા. કારણ ? આ કોઇ સામાન્ય સ્પર્ધકો નહોતા. રમતના મેદાનમાં ઉતરેલા તમામ બાળકો શારીરિક રીતે તો કદાચ સ્વસ્થ હશે પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હતા. આ સ્પર્ધા મંદબુદ્ધિ (મેન્ટલી રિટાયર્ડ) બાળકો વચ્ચે યોજાયેલી સ્પર્ધા હતી.

હવે આ બાળકો માટે  કેવી રીતે મંદબુદ્ધિ શબ્દ પ્રયોગ કરી શકાય? હુંસાતુંસીના આ જમાનામાં ભલભલા અકલમંદ લોકો પણ એક બીજાને પછાડવાની પેરવીમાં લાગેલા હોય છે. ક્યાંથી કોને પછાડીને હું આગળ વધુ એવી માનસિકતા વચ્ચે માનસિક સ્તરે નબળા કહેવાય એવા બાળકોએ શું કર્યું એ  સમજવા આપણી સમજ અને એ મેન્ટલી રિટાયર્ડ બાળકોને નવાજવા માટે તો શબ્દો પણ ઓછા પડે.

સીધી વાત…..એકલી વ્યક્તિ પાણીનું બુંદ છે, જો એકબીજા સાથે ભળી જઈતો સાગર બનીએ. એકલી વ્યક્તિ એક માત્ર દોર છે સાથ મળીએ  તો વસ્ત્ર બનીએ.  એકલી વ્યક્તિ કાગળ માત્ર છે. એકબીજા સાથે મળી જઇએ તો કિતાબ બની રહીએ. એકલા આપણે પત્થર છીએ. ભળી જઈએ તો ઇમારત બનીએ.

૯ – હકારાત્મક અભિગમ- આભાર-રાજુલ કૌશિક

એક નાનકડા બાળકને શિખવાડ્યું  હતું એમ એ લગભગ રોજે સવારે ઉઠીને બોલે..

“સૂરજદાદા સૂરજદાદા શક્તિ સ્ત્રોત વહાવો,

નાનકડી મારી આંખોમાં તેજ અનોખું વહાવો.”

થેન્ક્યુ સૂરજદાદા ફોર ગિવિંગ મી સચ બ્રાઇટ સની ડૅ.

એ ઘર મંદિરમાં ભગવાનની પાસે બેસીને બોલે

થેન્ક્યુ ભગવાન ફોર ગિવિંગ મી સચ વન્ડરફુલ લાઇફ

એન્ડ થેન્ક્યુ ભગવાન ફોર એવરીથિંગ…..

કાચુ પાકુ ગુજરાતી અને કાચુપાકુ અમેરિકન ઇંગ્લીશ…પણ એક વાતની એને બરાબર ખબર હતી કે એ શા માટે થેન્ક્યુ કહી રહ્યું છે. આટલેથી ન અટકતા એને હવે એને એ પણ ખબર છે કે એની કોઇ વાત સાંભળીને સ્વીકારી હોય તો એના માટે પણ થેન્ક્સ કહેવાનું છે અને એ કહે પણ છે.

આ સાવ સાદી સમજ નાનપણથી જ મનમાં રોપી હોય તો એકદાચ જીવનભર સ્વીકારાયેલી રહે છે. સામાન્ય રીતે આપણે ઘરની કોઇપણ વ્યક્તિ પછી ભલે ને માતા-પિતા હોય કે ભાઇ-બહેનને કે સંપૂર્ણ સગવડ સાચવતા સંતાનોને પણ ક્યારેય કોઇપણ સંદર્ભે આપણે મોટાભાગે આભાર માનતા નથી હોતા કારણકે આપણે એમજ માની લીધું છે કે એ તો આપણો હક છે. એ વાત આપણી સામાજિક માન્યતા કે સંસ્કૃતિ પ્રમાણે સાચી પણ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ઔપચારિકતા ન હોય તે વાત પણ સાચી પણ આ આભારના એક માત્ર શબ્દથી સામે વ્યક્તિ જીતાઇ જાય છે એ પણ વાત એટલી જ સાચી .

આ આભાર માત્ર શાબ્દિક ન રહેતા વર્તન દ્વારા પણ વ્યક્ત કરી શકાય. આખો દિવસ ઘરની બહાર રહ્યા પછી સાંજ પડે થાકીને ઘરે આવીએ ત્યારે એમ માની લઈએ છીએ આખી દુનિયાનો ભાર આપણે જ વેંઢારીને આવ્યા છીએ એટલે ઘરમાં આવીને આપણું મનગમતું જ થાય એવો આગ્રહ અને ક્યારેક તો દુરાગ્રહ પણ સેવીએ છીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે માત્ર અને માત્ર ઘરમાં જ રહીને સાતે દિવસ આપણા સૌના અલગ અલગ સમય અને સગવડ સાચવતી મા ને મનગમતી વાત કઈ હોઇ શકે? ક્યારેક જમવામાં કશી ઉણપ લાગી તો એ ધડ દઈને કહેતા અચકાતા નથી પરંતુ રોજે રોજ સચવાતી મનભાવન અને મનફાવન ઘટનાનો જ્યારે પ્રેમથી ઉલ્લેખ થાય અથવા મા પાસે બેસીને સંતાનો એમ પૂછે કે..“મા , તારો દિવસ કેવો ગયો? ત્યારે એ પૃચ્છા મા ને મૂલ્યવાન લાગશે.

ક્યારેક સંતાનો મા ને ભાવતું અને ફાવતું કરે ત્યારે તો એ વાત મા માટે આભારના શબ્દ કરતાંય મહામૂલી બની જશે.. આભાર માનવાની એક જ રીત છે એવું નથી. ક્યારેક બીજુ કશું કર્યા વગર મા પાસે બેસીને એને ગમતી વાત કરી જુવો. સાહેબ ! આભાર શબ્દ પ્રયોગ વગર પણ તમે આભાર જ માની રહ્યા છો એ વાત મા ના મોં પર દેખાતા ભારોભાર સંતોષમાં દેખાઇ આવશે.

મા જેટલો જ પ્રેમ પિતાનો પણ હોય છે ને? મોટા થતા સંતાનોને શેની જરૂર પડશે એ એના કહ્યા પહેલા જ હાજર કરી દેતા પિતાનું કોઇ કામ એમના કહ્યા પહેલા કરી જુવો.. શાબ્દિક આભાર માનવાની જરૂર નહીં પડે એની સંપૂર્ણ ખાતરી. હવે આમ જોવા જઈએ તો  માતા-પિતા માટે આ વાત અનેક લોકોએ અનેક વાર કરી હશે પણ આજે એ વાતને જરાક અલગ અંદાજે જોઇએ…

નાનપણથી જ સંતાનોને ઉછેરતા માતા-પિતા પણ સંતાનોની સાથે જ મોટા થતા જાય છે અને માની લે છે કે આજ સુધી સંતાનો માટે જે કંઇ કર્યું એ આપણો નિસ્વાર્થ પ્રેમ હતો. ના, સાવ એવું પણ નથી હોતું. સંતાનો મોટા થતા પોતાની અનેક જવાબદારીઓ સાથે માતા-પિતાની જવાબદારી પણ ઉપાડી લે છે. ક્યારેય આપણે એમને પૂછ્યું કે ઓફિસમાં કેટ કેટલી સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે? હાલના કોમ્પિટીશનના સમયમાં  કેવા અને કેટ-કેટલા માનસિક દબાણો વચ્ચે કામ કરતા હોય છે અને તેમ છતાં માતા-પિતા પ્રત્યેની કાળજી પણ એટલી જ લેતા હોય ત્યારે એ લોકો પણ પણ એટલા જ આભારના અધિકારી છે જ ને? આભારનો એહસાસ વ્યકત કરવા માટે સમય- સંજોગોના સીમાડા ન હોવા જોઇએ.

આપણે તો મોટાભાગે સંયુક્ત કુટુંબની ભાવના ધરાવતા હોવાથી શક્ય હોય ત્યાં સુધી એક છત નીચે જ રહીએ છીએ પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં સંતાનોને આત્મનિર્ભર બનવાનું નાનપણથી જ શિખવવામાં આવે છે. મોટા થઇ ઉડતા શિખેલા પંખીને પાંખ આવે એટલે ઉડીને જુદો જ માળો બાંધવાનું શિખવે છે  એટલે સમય આવે એમનો તો એક અલગ આશિયાનો બંધાઇ જાય છે પરંતુ જન્મજાત શીખવેલા સભ્યતાના સંસ્કાર તો એમનામાં પણ ક્યાંક દેખાઇ આવે છે.

થોડા સમય પહેલાની વાત છે. એક લગભગ ચૌદ-પંદર વર્ષનો છોકરો બારણે બેલ મારીને ઉભો હતો. હાથમાં એક નાનકડું પતાકડું પકડાવીને સભ્યતાપૂર્વક જવાબની આશાએ ઉભો રહ્યો. એમાં એણે લખ્યું હતું કે જો તમારે લોન મુવિંગની જરૂર હોય તો એ કરી આપશે. ફ્રન્ટ યાર્ડના ૧૦ ડોલર અને બેક યાર્ડ મોટું છે એટલે ૨૦ ડોલર લેશે.

છોકરો જરાય અજાણ્યો તો નહોતો જ. સાવ સામેના ઘરમાં જ એ રહેતો હતો એટલે એની આ વાતથી જરા નવાઇ લાગી કારણકે એને આવું કશું કરવાની જરૂર હોય એવું તો અમને ક્યારેય લાગ્યું નહોતું. કુતુહલવશ થઈને પૃચ્છા કરતાં ખબર પડી કે ત્યારે જે રવિવાર આવવાનો હતો એ મધર”સ ડે હતો એટલે એ આવા નાના-મોટા કામ કરીને જાત મહેનતથી એકઠા કરેલા પૈસાથી એની મોમ માટે સરસ મઝાની ગિફ્ટ લાવવા માંગતો હતો. કેવી સરસ વાત ! એ કહેતો હતો કે “ My mom is doing so much so for us. This is the only time when I can give her back. On that day I would like to take my mom for lunch or I can order what ever she likes.”

વાત મનને ખુબ સ્પર્શી ગઈ. આજ સુધી એમ જ માનતા આવ્યા છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પ્રેમ-વહાલ જેવી કોઇ ભાવના હશે કે કેમ? માતા-પિતાથી દૂર રહેતા સંતાનો આવા તહેવારે એટલે કે મધર’સ ડે ,ફાધર્સ’ ડે અને ‘થેન્ક્સ ગિવિંગ’ના દિવસે એમનો આભાર માનવાનું ચૂકતા નથી કારણકે આ એમની પ્રથા છે.

આ ત્રણ અક્ષરનો શબ્દ આભાર ઘણું મૂલ્ય ધરાવે છે. આભાર માનવો ત્યારે જ સરળ બને છે જ્યારે એને આપણે સાચા અર્થમાં સમજીએ. આભારનો અર્થ એટલો તો આપણે સ્વીકારીએ છે કે ક્યાંક કોઇ આપણા માટે સહાયરૂપ, આપણા માટે આશીર્વાદરૂપ બનીને આવ્યું છે. જાણે અજાણે કોઇ આપણા માટે હકારાત્મક વિચાર કે વર્તન લઈને આવ્યું છે. આપણી મૂંઝવણમાં માર્ગદર્શક બનીને આવ્યું છે. ભૂલા પડેલા પથિક માટે પથદર્શક બનીને આવ્યું છે. આપણી તકલીફોમાં તારણહાર બની આવ્યું છે. ક્યારેક કોઇ રસ્તો ન સૂઝે ત્યારે રાહબર બનીએ આવ્યું છે.

તાજેતરમાં ફેસબુકના તખ્તા પર એક વિડીયો જોઇ. એક યુવાન પોતાની માશુકાને મળવા જતા પહેલા હોંશે હોંશે લાલ ગુલાબનો મસ્ત મઝાનો બુકે ખરીદે છે. પાર્ક સુધી નિરાંતે ચાલતા જતો આ યુવાન મંદિર પાસેથી પસાર થાય છે. મંદિરની બહાર એક અત્યંત લાચાર આધેડ ભિખારીને જુવે છે. કોઇ કોઇ એણે પાથરેલા કંતાન પર પૈસા મુકે અને કોઇ એમ જ પસાર થઈ જાય છે. આ યુવાન પણ ભિખારીને જોઇને એની મસ્તીમાં જ આગળ વધી જાય છે. માશુકાની લાંબો સમય રાહ જોઇ રહેલા આ યુવાનના મોબાઇલ પર પ્રિયતમા એને મળવા નહી આવી શકે એવો મેસેજ આવે છે. રાહ જોઇને કંટાળેલો યુવાન પાછો ફરે છે. હવે એના હાથમાં રહેલો લાલ ગુલાબનો બુકે કોઇ કામનો રહ્યો નહીં. પાછા કરી રહેલા એ યુવાનનો રસ્તો મંદિર પાસેથી જ જતો હતો. એણે ફરીએક વાર પેલા ભિખારીને એ જ લાચારીની અવસ્થામાં બેઠેલો જોયો. યુવાને પેલા એના માટે નક્કામા થઈ ગયેલા લાલ ફુલોને બુકેમાંથી એક એક કરતા અલગ કરીને પેલા ભિખારીના કંતાન પર છુટા પાથરી દઈને આગળ ચાલ્યો જાય છે. થોડા સમય પછી એ યુવાન એ જ રસ્તા પરથી નિકળે છે અને જુવે છે તો પેલો લાચાર ભિખારી હવે ત્યાં બેઠો નથી પરંતુ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ટેબલ ખુરશી લઈને બેઠો છે ટેબલ પર મંદિરમાં ચઢાવવાના ફુલો હતા. પેલો ભિખારી એ યુવાનને ઓળખીને બે હાથ જોડીને ચહેરા પર આભારના ભાવ સાથે વંદન કરે છે.

આ છે આભારનો એહસાસ. પેલા ભિખારી પાસે શબ્દો નથી પરંતુ એના ચહેરા પરનો ભાવ અને વંદનની મુદ્રામાં જોડાયેલા બે હાથ આભારના શબ્દો કરતાં જરાય ઓછા ય નથી.

આ આભાર તો એક એવી અભિવ્યક્તિ છે કે જે માને એ હ્રદયથી હળવો થઈ જાય એવો એહસાસ છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

 

૫- અભિગમ -માનવતાવાદ-રાજુલ કૌશિક

ઉર્દૂ સાહિત્યના સુપ્રખ્યાત જિગર મુરાદાબાદીના જીવનનો પ્રસંગ છે.

એક દિવસ તેઓ પોતાના મિત્ર સાથે ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. આ ઘોડાગાડીમાં જિગર સાહેબની બાજુમાં કોઇ અજાણ વ્યક્તિ બેઠેલી હતી. જિગર સાહેબના મિત્રની નજરે એક વાત ચઢી કે પેલો અજાણ્યો શખ્સ અત્યંત અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. એ ઉતારુ ઘડીકમાં જિગર સામે જોઇ રહેતો હતો અને તરત જ પોતાની આંખો અને માથુ નીચે ઢાળી દેતો હતો.

એ ઉતારુના ઊતરવાનું સ્થાન આવ્યું ત્યારે એ નત મસ્તકે જ ઉતરીને ઝડપથી પોતાના માર્ગે ફંટાઇ ગયો. હવે એની અસ્વસ્થતા જોઇને અવઢવમાં પડેલા જિગર સાહેબના મિત્રથી ના રહેવાયું અને ઉત્સુકતાથી એ અંગે જિગર સાહેબને પૂછ્યું.

“એની પાછળ એક દાસ્તાન છે. એક વાર હું આવી જ રીતે ઘોડાગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે એ શખ્સે મારું પાકીટ તફડાવી લીધું હતું પછી એ બિચારો મારી સામે કેવી રીતે સ્વસ્થતા જાળવી શકે? અને હું પણ એની અસ્વસ્થતા વધારીને એને શરમમાં મુકવા માંગતો નહોતો એટલે તેની તરફ ઇરાદાપૂર્વક જોવાનું ટાળતો હતો.” જિગર મુરાદાબાદીએ એમના મિત્રના મનનું સમાધાન કરતા કહ્યું.

“ તો તો તમે એક તક ગુમાવી. તમે તો સાવ ભલા માણસ છો ને ! એ વ્યક્તિને તમે જવા જ શા માટે દીધો. તમે જરા અમથી ઇશારત કરી હોત તો આપણે બંને ભેગા થઈને એને સારો એવો મેથીપાક આપત ને?”મિત્રે પોતાની હૈયા વરાળ ઠાલવી.

“ ના મારે એની ફજેતી નહોતી કરવી. એની ફજેતી કરીને મને શું મળત અને એને કેટલી હેરાનગતિ થાત ! કોઇનો ફજેતો કરીને એને ત્રાસ આપવો એમાં કઈ માનવતા રહી ? લોકો મને માનવતાવાદી શાયર માને છે તો પછી મારાથી લોકોની માન્યતાને વિફળ કેવી રીતે જવા દેવાય?”

વાત સાવ નાની પણ એની પાછળ કેટલી ઊંડી સમજ? પડેલાને પાટુ મારવામાં કયું શાણપણ? જે વ્યક્તિ પોતાની નજરમાંથી ય ઉતરી ગઇ હોય,  જે વ્યક્તિ પોતે જ પોતાના કાર્ય પર ક્ષોભ અનુભવતી હોય એને વધુ ક્ષોભભરી પરિસ્થિતિમાં મુકવામાં કઈ શાન? નબળા પર તો સૌ ઘા કરે પણ જે એની નબળાઇને ઢાંકે , જે વ્યક્તિ એના ક્ષોભ-શરમની મર્યાદા સમજે એ જ ખરી માનવતા.

નવા વર્ષમાં જુના વાદ-વિવાદ-વિતંડાવાદને ભૂલી આ એક માત્ર માનવતાવાદને પ્રાધાન્ય આપીશું તો ય એમાં તમામ સારપ આવી ભળશે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

વિષય પરિચય -હકારાત્મક અભિગમ-

 મિત્રો અહી આપણે એક નવો જ વિભાગ શરુ કરીએ છે. દર સોમવારે રાજુલ કૌશિક એક હકરાત્મક ઉર્જા દેતો લેખક મૂકી નવા અઠવાડિયાની શરૂઆત કરશે.

 મારા જીવનની પ્રવૃતિઓનું એક મહત્વનું કેન્દ્ર બિંદુ તે ‘બેઠક’ છે.તમે જાણોછો તેમ વિચારો જ આપણું વ્યક્તિત્વ છે, આપણા વિચારો જ આપણું ઘડતર કરે છે.વાંચન અને સર્જન દ્વારા મારે બધાને સાંકળવા છે. ઘણાને મેં અઘરું લખતા જોયા છે પણ સાચું કહું સરળ લખવું અઘરું છે. જે રાજુલબેનની  આવડત છે. દર સોમવારે એક સુંદર હકારાત્મક અભિગમ આપી  અને ‘બેઠક’ના વાચકોને સમૃદ્ધ કરશે.

મિત્રો તેમણે મારા આ સુજાવને સ્વીકારી આજથી “હકારાત્મક અભિગમ” ના શીર્ષક હેઠળ દર સોમવારે લખવા તૈયાર થયા છે.વાત અજવાળું પાથરવાની છે. 

આપ સૌ એમના આ સહકારને વધાવશો તો આનંદ થશે. 

પ્રજ્ઞા દાદભાવાળા