અવલોકન -૧૯ – ફાયર ટ્રક – એક અવલોકન

maxresdefault

      રસ્તા ઉપરથી ધમધમાટ ટ્રાફિક પસાર થઈ રહ્યો છે. રશ અવર છે. બધાને કામે પહોંચવાની, ધંધાના કામ શરુ કરવાની ઉતાવળ છે. એક મિનિટ પણ બગડે, તે પાલવે તેમ નથી. ટ્રાફિક લાઈટ લાલ થાય તો પણ મોં કટાણું થઈ જાય છે. ‘અરેરે ! ક્યાં અટકવું પડ્યું?’ બડબડાટ શરૂ થઈ જાય છે.

        અને ત્યાં જ દૂરથી સાયરન સંભળાય છે. લાયબંબાની સાયરન. બધો ટ્રાફિક સ્થગિત બની જાય છે. બધા બને તેટલા બાજુએ ખસી જાય છે. બધી ઉતાવળ ભુલાઈ જાય છે. હવે કોઈ વાહન એક તસુ પણ ખસતું નથી. અરે! રસ્તે ચાલતા રડ્યા ખડ્યા વટેમાર્ગુ પણ ઊભા રહી જાય છે.

લો, આ મોટી અડચણ આવી પડી !

     અને ત્યાં જ ધમધમાટ કરતો તે આવી પહોંચે છે. તેની પાછળ એક એમ્બ્યુલન્સ વાન પણ છે. તે બન્નેની તેજ રફ્તાર અને ગતિ બધાંના મનમાં ભય અને માનની લાગણી પેદા કરે છે. ઉપર લાલ, પીળી અને વાદળી લાઈટો ઝબુક ઝબુક થાય છે. કાન ફાડી નાંખે તેવો સાયરનનો અવાજ એકદમ નજીકથી કમને સાંભળવો પડે છે – સહેવો પડે છે. એ એકલવીર જે જગ્યા ખાલી મળે ત્યાંથી  આગળ ધસે છે. એને કોઈક અગત્યના કામે, જીવન જોખમમાં હોય તેવે સ્થાને, સુરક્ષા સાચવવા ધસવાનું છે. ક્યાંક આગ લાગી છે; અથવા ટ્રાફિકનો અકસ્માત થયો છે; ત્યાં તેને યુધ્ધના ધોરણે સત્વરે પહોંચવાનું છે. તે ઘડીક પણ રોકાઈ શકે તેમ નથી.

      અને અહીં તો  ટ્રાફિકની બધી જ લેનો પૂરેપૂરી ભરાયેલી છે. તે શુરવીર તો ઊંધી બાજુએ પોતાનું સુકાન વાળી; લાલ બત્તીની ધરાર ઉપેક્ષા કરી; પોતાની જગ્યા કરી લે છે. આગળ એક કારવાળાએ તો આ મહાનુભાવને માર્ગ આપવા  ફૂટપાથ ઉપર પોતાની ગાડી ચઢાવી દીધી છે.

      વિજયી મુદ્રા સાથે,  કોઈની પણ તમા કર્યા વિના, તે ભડવીર તો ચાલ્યો જાય છે. હતપ્રભ બનેલો ટ્રાફિક ધીમે ધીમે આ મૂર્છામાંથી જાગૃત  થાય છે. મંથર ગતિએ તેની સફર ફરીથી શરૂ થાય છે. કોઈ વિજયી સમ્રાટ શત્રુસેનાને મહાત, પરાસ્ત, આખા નગરને ધરાશાયી કરી ચાલ્યો જાય; તેમ લાયબંબો બધે આ જ માહોલ પેદા કરતો આગળ ધપતો જાય છે –

ત્સુનામીના મોજાંની કની.

        પણ……

     ફરક એટલો જ છે કે, એ વિનાશ કરવા નહીં; વિનાશ અટકાવવા જઈ રહ્યો છે. તે લડાયક જરુર છે પણ શાંતિનો, સહાયનો, દયાનો દૂત પણ છે. એને માટે ભય કરતાં માન વધારે ઊપજે છે. બધાં એની અદબ જાળવે છે. એ પ્રહરી જરુર છે; પણ જીવન અને જાનમાલની સુરક્ષાનો પ્રહરી છે. એના શસ્ત્રમાં આગ નથી. પાણીની બોછાર છે.

      એને જોતાં જ આપણને પણ એ સહાયકાર્યમાં ભાગીદાર થવાની ક્ષણિક ઈચ્છા થઈ આવે છે.

    લાયબંબો એ આપત્તિને પહોંચી વળવાની સમાજની પ્રતિબધ્ધતાનું, ક્ષમતાનું પ્રતીક છે. જે કોઈ આવી સુરક્ષાના કામમાં જોડાયેલા હોય, તે સૌ પણ આવા જ સન્માનના અધિકારી હોય છે.

 • આપણે કદીક તો ફાયર ટ્રક જેવા બનવા તૈયાર  છીએ ખરા?
 • અણીના સમયે –
  • આપણી સુરક્ષાને
  • આપણા સ્વાર્થી મનસુબાઓને
  • આપણી ગણતરીઓને
  • તિલાંજલી આપી,
 • કોઈ જરૂરતમંદની સહાયે ધસી ગયા છીએ વારૂ? 

અવલોકન -૧૮ -બાઈટ

bits-bytes

    કોમ્પ્યુટરની ભાષાનો પાયાનો મણકો. કોમ્યુટરમાં જે કાંઈ સમાય તે બધું બાઈટમાં મપાય. કિલોબાઈટ, મેગાબાઈટ, ગિગાબાઈટ અને ટેરાબાઈટ  – હજુય આગળ બીજા ‘મોટા’ બાઈટ આવશે ! ગમે તે માહિતી હોય;  કે કોમ્પ્યુટરને કામ કરવાની સૂચના હોય –  બધું બાઈટની પરિમિતીમાં આવી જાય. બાઈટની લંબાઈ માહિતી પર આધાર રાખે.  માહિતી જેટલી મોટી, તેટલા વધારે બાઈટ જોઈએ.

          બાઈટની અંદરેય જવાય. તેના બે જ ઘટક – ‘૦’  અને ‘૧’ . આ સિવાય કશું જ નહીં. સંખ્યા હોય કે દુનિયાની કોઈ પણ ભાષાનો કે , કોઈ પણ લિપિનો શબ્દ હોય ; અરે સંગીતની તર્જ હોય કે કોઈ ચિત્ર કે ચલચિત્ર (વિડિયો) હોય – બધુંય તે બાઈટમાં જ સમજે. કોમ્પ્યુટર  ‘૦’  અથવા ‘૧’  સિવાય કશું જ સમજી ન શકે.

—————————–

        કેટલું સરળ દિમાગનું છે, આ મશીન? આપણા જેટલું તે ચાણક્ય નથી!  આપણે તો શૂન્ય અને એક્ને કોઈ વિસાતમાં નથી ગણતા.

 • આપણી ગણતરીઓ મોટી
 • આપણી હુંશિયારી અને ફિશિયારી મહાન
 • આપણી આકાંક્ષાઓ, અપેક્ષાઓ પાર વિનાની
 • આપણી બુદ્ધિ વિશદ, પંડિતાઈથી ભરેલી.
 • જાતજાતનાં વિજ્ઞાનો,  શાસ્ત્રો અને ભાષાઓ.
 • જાતજાતની સંવેદનાઓ,
 • જાતજાતના   
  • મતમતાંતરો
  • માન્યતાઓ
  • પૂર્વગ્રહો
  • ગમા- અણગમા
  • શંકા- કુશંકા

કેટલું વિલક્ષણ છે આપણું મગજ?

કોમ્યુટર બે જ વાત સમજે

 • ૦ અને/ અથવા  ૧ 
 • હોવાપણું અને નહીં હોવાપણું
 • સ્વિચ ચાલુ છે કે બંધ

        અને આપણને આટલી નાની વાત સમજતાં જન્મારો નીકળી જાય. અને તોય  આ નાની શી વાત સમજતાં આપણી વિષદતા -ખરું પુછો તો  આપણી અધૂરી સમજણ – વચ્ચે નડે !   આપણને બાઈટ કરતાં આવડે (કરડતાં!) પણ ઓલ્યા , સાવ નાનકડા બાઈટની કની ગણતાં ન આવડે.

ભણ્યા, પણ ગણ્યા નહીં.
‘બાઈટ’ જ ન સમજ્યા.

સુરેશભાઈ જાનીને જન્મદિવસે શુભેચ્છા.

સુરેશભાઈ જાનીને( વડીલને) વંદન 
જીવનને જેણે અવલોક્યું અથવા એક એવી વ્યક્તિ જે એક દ્રષ્ટા થઇ જીવતી હોય એવી વ્યક્તિને  જન્મદિવસે શું દઈ શકાય ?
વડીલ આમ તો દરેક દિવસ અને દરેક અનુભવ તમારા માટે ભગવાને તમેને આપેલી તાજી ભેટ છે. જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત,વિકસવું અને વિકસાવવું ,બુદ્ધિનું પ્રજ્ઞામાં રૂપાંતર કરવું ,સાધન જ સાધના બને ત્યારે શબ્દ પણ મંત્ર બની જાય. ભાવુકતાથી દોરવાયા વગર લક્ષ્યને અનુભૂતિ અને અવલોકન દ્વારા   મુક્તદશાને પ્રાપ્ત કરવાની એવા સહજ સુરેશભાઈ જાની ને મળ્યા વગર પણ જાણે મોસમ ખીલે…એવા વડીલને જન્મદિવસે પ્રણામ.
જન્મદિવસ એટલે પોતાનું કેન્દ્રબિંદુ શોધવાનું પર્વ ,નવી ચેતના અને નવા વિચારો સાથે અજવાળું પ્રગટવાનું.બસ ત્યારે આજે વડીલના જન્મદિવસે ‘બેઠક’ના દરેક લેખક અને વાચક તરફથી શું માંગવું જોઈએ ?
એવી શુભેચ્છા કે દરેક દિવસે તમારો નવો જન્મ જ થાય,તમારા આત્મનિરીક્ષ્ણથી તમારા કોડિયામાં ઉજાસ પ્રગટે અને તમારા 
પ્રગટેલા કોડિયામાંથી ઉજાસ મળવી અમે ઉજળા થઈએ. 
 

અવલોકન -૧૭-હાઈવે પરનો એક્ઝિટ

      દરરોજનો અનુભવ છે. આમ તો લાંબા અંતરે જવાનું હોતું નથી. દીકરીના દીકરાને નિશાળેથી બપોરે લઈ આવવાનું એ રોજનું કામ. પાંચ માઈલનો એ રોજનો રસ્તો. પણ એ પાંચ માઈલની મુસાફરી માટે પણ હાઈવેનો સહારો લેવો પડે છે. એ વિના પણ મુસાફરી થઈ તો શકે છે. પણ એ રસ્તો બહુ લાંબો પડે છે. તેની ઉપર ધીમી ગતિએ જવું પડે છે. વચ્ચે રુકાવટો પણ ઘણી આવે છે. ક્યાંક ટ્રાફિક સિગ્નલ તો ક્યાંક સ્ટોપ સાઈન. વળાંકો પણ ઘણા આવે. ક્યાંક તો રસ્તો સાવ નાનો હોય, બન્ને દિશામાં માત્ર એક એક જ લેન.

      આથી દરરોજ એ હાઈવેનો સહારો અચૂક લેવો પડે છે. અમારા ઘરની નજીકના મુખ્ય રસ્તા પરથી તેમાં પ્રવેશવાનું અને નિશાળની નજીકના નાનકડા રસ્તા પર પ્રવેશવા તેમાંથી નીકળી જવાનું. પાછા વળતાં આનાથી ઉંધી પ્રક્રિયા. આ બન્ને માટે એક્ઝિટનો સહારો લેવાનો.

        હવે વાત એ કરવાની છે કે, જ્યારે એક્ઝિટ પરથી હાઈવેમાં પ્રવેશવાનું હોય ત્યારે ખાસ સતેજ રહેવું પડે. હાઈવે પર ચાલી રહેલી ગાડીઓનો પ્રવાહ દૂર હોય, ત્યારે જ એમાં પ્રવેશી શકાય. મોટા ભાગે તો જગ્યા મળી જ જાય. પણ કો’ક વખત લાંબી વણજાર આવી રહી હોય ત્યારે બહુ જ અસમંજસ રહે. ગતિ વધારે પણ ન રાખી શકો અને ધીમી પણ નહીં. કદીક સાવ અટકી પણ જવું પડે અને ચાલ મળતાં ત્વરાથી ઝડપ વધારી હાઈવેની ઝડપ સાથે તાલ મેળવી લેવો પડે  – કલાકના સાઠ માઈલ ! હાઈવે પર ચાલ મળી જાય ત્યારે હાશકારો થાય.

ચાલો! હવે નિરાંત
ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી જવાશે.

         હાઈવે પરથી બહાર નીકળતી વખતેય સતેજ તો રહેવું પડે, પણ પ્રમાણમાં તકલીફ ઓછી પડે. જેવા એક્ઝિટમાં પ્રવેશી જઈએ અને ઝડપ ઓછી કરવા માંડીએ એટલે પહોંચ્યાનો હાશકારો થાય. ધીમે ધીમે શહેરની કલાકના 35-40 માઈલની ઝડપ ઉપર આવી જઈએ. હવે અટકવાનું સરળ બની જાય. તાણ પણ ઓછી થાય.

———————–

         બે હાશકારા – પણ બન્નેની અનુભૂતિ અલગ.

 • એકમાં ઝડપ વધવાનો આનંદ; બીજામાં અટકી શકાવાનો આનંદ.
 • પહેલામાં તાણના વધતા પ્રવાહ સાથે તાલ મેળવવાનો આનંદ, લક્ષ્ય સુધીનું અંતર હવે ઝડપથી કપાશે તે આશાનો આનંદ. બીજામાં તાણ ઘટી શકાવાનો આનંદ – લક્ષ્યની નજીક આવી ગયાનો આનંદ.
 • પહેલાંમાં ઉપર ચઢવાનું તાણ. બીજામાં નીચે ઉતરવાની હળવાશ.

        ઉપર ચઢવાનું હમ્મેશ વધારે શક્તિ, વિશેષ ધ્યાન, વિશેષ સતર્કતા માંગી લે છે. એમાં વિશેષ જોખમ છે.

       નીચે ઉતરવાનું પ્રમાણમાં બહુ સરળ છે.

       રસ્તો ટૂંકો હોય તો આ ઉપર અને નીચે જવાના અનુભવોની એક આવૃત્તિ થાય એટલે પત્યું. લાંબા રસ્તે જતાં હોઈએ તો આવા બે, ત્રણ કે વધારે ચઢાવ ઊતારમાંથી પસાર થવું પડે.

        પર્વત ઉપર ચડવાનું અને ઊતરવાનું – એમાં પણ આ જ અનુભૂતિ દોહરાય છે. નાની ટેકરી હોય કે મસ મોટો પર્વત હોય.

જીવનમાંય આમ જ છે ને વારુ?

અવલોકન -૧૬-હીમકણિકા

     હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમીટરનો પારો શૂન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબિંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચૂક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!

      ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબિંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. એમનો સરકતો એક રેલો ઠંડા બાષ્પબિંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.

    પાંદડા પરથી ટપ્પક..ટપ્પક…ટપ્પ…ટપ્પાક, ટપ્પાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતિસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો. સોડ વાળીને ઈવડો ઈ તો પોઢી ગયો!  ઓલ્યું બાષ્પબિંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વિસ્તરવા લાગી. એ તો લાખેરાં મૂલ્ય વાળા મોતી જેવું, મોટું મસ બનતું ગયું.

    વરસાદ ટૂટી પડ્યો. રેલે રેલા….. પાણીની છાકમ છોળ……. થીજેલા એ મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝૂલતું લટકણિયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવિંગની લાકડી જેવડું, ને પછી પીકનની ફાડ જેવડું.

    અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હીમકણિકા બની ગયું. એની આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં  ઝૂલતી ઝૂલતી, ‘કોની મિલ્કત મોટી?’ – એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હીમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.

કોક કોક તો
મકાનના છાપરાં પરથી હીંચતા
વાર, બે વાર લાંબા
ઝુમ્મર !

iscicle

      વરસાદ થંભી ગયો. વાદળ વિખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સૂરજે, બીતાં બીતાં ડોકિયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ અનધિકાર ચેષ્ટા જેવી વિરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સૂરજરાણો, ક્રોધમાં પ્રદિપ્ત બની, થર્મોમીટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઊંચે ને ઊંચે ચઢાવતો રહ્યો.

   ધીમે ધીમે બધીય હીમકણિકાઓ ટપક ટપક ઓગળવા લાગી. ફરી પાછું એ ટપ્પક..ટપ્પક…ટપ્પ…ટપ્પાક, ટપ્પાક… ચાલુ! જમીનમાં ધરબાઈને પોઢેલા, સુક્કા ઘાસના મૂળની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં થોડી  જ સંતોષાવાની હતી? પણ શિયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?

    કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સુકાશે. ધીમે ધીમે એમાં લીલાશ ફરીથી પાંગરશે. એ હીમકણિકાઓ ફરી પાછી ભેજ બનીને વાતાવરણમાં ઓગળી જશે.

 • વરસાવું
 • રેલાવું
 • થીજાવું
 • જામવું
 • ઝુલવું
 • ઓગળવું
 • ફરી રેલાવું
 • સુકાવું
 • વિસ્તરવું
 • વિખેરાવું

   સતત પરિવર્તન જ પરિવર્તન …

અવલોકન -૧૫-સ્વીમિંગ પુલમાં – બે અવલોકન

સ્વીમીંગપુલની સપાટી

       તે દિવસે સવારે વહેલો પુલમાં તરવા ગયો. કોઇ હાજર ન હતું. પુલની સપાટી સાવ તરંગ-રહિત હતી. સામેની દીવાલ પરના ત્રણ દીવા, બારીઓ અને બાજુએ રાખેલા થાંભલાના પ્રતિબિંબ પાણીની સપાટી પર યથાવત્ ઝીલાતા હતા –  અરીસામાં ઝીલાય તેમ.  હું પુલમાં દાખલ થયો. પાણી ડહોળાયું. એ સ્વચ્છ પ્રતિબિંબ રોળાઇ ગયું. બધું ધુંધળું થઇ ગયું. થોડી વાર શાંત ઉભો રહ્યો અને પાણી પરના તરંગો શાંત થવા લાગ્યા. થોડી વારમાં પાછું સ્વચ્છ દેખાવા લાગ્યું.

      વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સાવ સામાન્ય ઘટના હતી, પણ……

       આપણું  મન જડ અરીસા જેવું નથી હોતું. તે તો પાણીની તરલ સપાટી જેવું હોય છે. સહેજ સંવેદનાની લ્હેરખી આવી અને માનસપટ પરનું ચિત્ર ડહોળાઇ જાય. દ્રશ્ય રોળાઇ જાય.

      કાશ, આપણે ગીતાના સ્થિતપ્રજ્ઞ જેવા બની શકીએ –  પ્રચંડ પ્રભંજન પણ તેની સમતાને વિખેરી ન શકે તેવા.

ફ્લડલાઈટ

       બીજા દિવસે સાંજે મોડા તરવા ગયો હતો.  પુલમાં તરતાં ચારે બાજુની દીવાલો પર મુકેલ ફ્લડલાઈટો પર નજર કેન્દ્રિત થઈ. બહુ પાવરવાળી લાઈટો હતી. તેમના પ્રકાશથી ઉપરની સફેદ છત પ્રકાશિત થતી હતી- આંખને ગમે તેવી દેદિપ્યમાન લાગતી હતી. ફ્લડલાઈટનાં થોડાં કિરણો સીધાં આંખમાં પણ આવતા હતા, પણ તે આંખોને આંજી દેતા હતા.

      તરત સૂર્ય અને ચન્દ્રના પ્રકાશ સાથે સરખામણી  થઈ ગઈ. સૂર્યની સામે બે સેકન્ડ પણ ન જોવાય. ચન્દ્રકિરણો કેવાં શીતળ લાગે છે?

      લે કર વાત! આમાં શી નવાઈ? એ તો એમ જ હોય ને?

     પણ ……બહુ પ્રતાપી વ્યક્તિત્વો ફ્લડ લાઈટ કે સૂર્ય જેવાં હોય છે. તેમના મદથી દેખનાર દાઝી જાય!  એ પ્રકાશના દર્પને પચાવી, તેને નરમ બનાવી એ છત, એ ચાંદો કેટલી મોટી સેવા કરે છે?

    બીજી રીતે જોઈએ તો,  મુળ સ્રોતમાં ખરી શક્તિ હોવા છતાં, પરાવર્તિત શક્તિ  ક્યાંક વધારે  કામમાં લાગે છે.

    આપણે પરમતત્વની શક્તિના પરાવર્તક બનીએ તો ? આંખોને દઝાડતી ફ્લડલાઈટ નહીં, પણ એ સૌમ્ય છત જેવા બનીએ તો?

અવલોકન-૧૪-અંકુર

     અમારા ઘરની આગળ એક નાનું સરખું ઝાડ છે. લગભગ બાર ફુટ ઊંચું હશે. કો’ક વાર નવરો પડ્યો હોઉં ત્યારે મકાનની આગળ ટહેલવાનું ગમે. એક દિવસ આ ઝાડની બાજુમાં ઊભો હતો. થડના નીચેના ભાગમાં નાની, કુમળી ડાળીઓ ફૂટેલી હતી. બધી ચુંટી કાઢી. આમ ન કરીએ તો ઝાડના મૂળમાંથી આવતો રસકસ આ નવી કૂંપળો વાપરી નાંખે, અને ઝાડ મોટું ન થાય. અમને બે ત્રણ વરસ પહેલાં આવું જ્ઞાન  ન હતું; પણ એક સજ્જન પાડોશીએ અમને આ શીખવ્યું હતું. ત્યારથી  હું હમ્મેશ આનું ધ્યાન રાખતો રહું છું.

     આ ડાળીઓ ચુંટ્યા પછી નજર કરી તો એક નાનો શો ઘેરા રંગનો, બિંદુ જેવડો ડાઘ દેખાયો. બેત્રણ દીવસ પછી ફરી જોયું તો તે ડાઘ એક નાની ફોલ્લી જેવો બની ગયો હતો. બીજા દિવસે તો તેમાંથી વાગે તેવી એક નાની અણી નીકળી આવી હતી. પછી તો એકાદ અઠવાડીયું ખાલી ગયું. પણ વળી એક વાર નજર પડી તો એક નાની ડાળી તે અંકુરમાંથી ફૂટી આવી હતી. અને તેને ચાર પાંચ પાંદડાંય આવી ગયા હતા.

——————————————

    આપણા જીવનમાંય આમ જ બને છે ને? આપણી મોટા ભાગની શક્તિઓ વ્યર્થ બાબતોમાં જ વપરાઈ જાય છે. વિકાસને અવરોધતી આવી બાબતો જ આપણો બધો રસકસ ચૂસી લે છે. પછી જીવનવૃક્ષ શી રીતે મોટું થાય?  તેને સાચી દિશામાં વિસ્તારવું હોય તો, આવા વ્યર્થ પ્રયત્નોને કાપવા જ રહ્યા, ભલે ને તે પ્રેય હોય.

     વળી દરેક વસ્તુની શરુઆત પેલા નાના ડાઘાથી જ થતી હોતી નથી? આપણી માન્યતાઓ, આપણા પૂર્વગ્રહો, આપણી કુટેવો, આપણી માન્યતાઓ, આપણા ગમા- અણગમા એ સૌના મૂળમાં તો એક નાનીશી શરુઆત જ હોય છે. આ બધા શ્રેય નથી હોતા.  જો તેમને પ્રયત્નપૂર્વક ચૂંટી નાંખવામાં ન આવે; તો તે મસ મોટી ડાળી પણ બની શકે છે. પછી તે ડાળીને ચૂંટી શકાતી નથી. તેને કાપવા તો મજબુત કાતર કે કુહાડી જ વાપરવાં પડે છે.

     આપણે અંતર્મુખી બનવાની જરુર નથી લાગતી ; જેથી આવા વિશાંકુર આપણી નજરે પડે? આપણે તેને ચૂંટી શકીએ તેવા મજબુત મનોબળ વાળા બનવાની જરુર નથી લાગતી?

     અને પેલા સજ્જન પાડોશી જેવા કોઈ પથદર્શક મળે; અને આપણે તેમની સલાહને અમલમાં મુકીએ તો કેવું સારું થાય ?

શીલા – અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા

પ્રારંભ 

  પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકના લીલાં શંકુદ્રુમ વ્રુક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર , નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદુર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી.   કોઈ ઉષ્માની, સુર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઉંચું  શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.

        એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય દિલમાં ધારણ કરીને બેઠી હતી. કાંઈક છુપો અણસાર તેના દર્પને પડકારી રહ્યો હતો. આ પોચાં ગાભાં જેવાં વાદળ  તેનાથી ઘણે ઉપર જાણે તેની હાંસી ઉડાવી રહ્યાં હોય તેવો તેને આભાસ થતો હતો. તે ઘણે ઉંચે હતાં અને તેનાથી ઘણાં મોટાં હતાં. પણ વાયરો તેમને હમણાં તાણી જશે તેની તેને ખાતરી હતી. હમ્મેશ આમ જ બનતું આવ્યું હતું. વાદળો વિખેરાઈ જતાં, અને શીલા પોતાની મગરુરીમાં પાછી મહાલવા માંડતી. પણ આજની રાત વિલક્ષણ હતી. કાંઈક અણધાર્યું બનવાનું છે તેવા ભયનો ઓથાર તેના ચિત્તને કોરી રહ્યો હતો.

અધઃ પતન

         અને એ વાદળાં ટકરાયાં. વિદ્યુતનો એક કડાકો થયો. પહેલાં પણ આમ ઘણી વાર બનતું હતું અને શીલા થરથરી ઉઠતી. એ વિજળીની ક્રોધભરી નજર અચુક પેલાં વામણાં વ્રુક્ષો  ઉપર પડતી અને તે સળગી ઉઠતાં. બસ એવા સમયે શીલાને તેમના માટે ઘડી બે ઘડી કરુણા ઉપજતી. પણ આજે આ વિજળીબાઈના મગજમાં શું થયું કે, તેણે પોતાનો ગુસ્સો ઠાલવવા આ શીલાને લક્ષ્ય બનાવી. આજે એ કડાકો શીલાના મસ્તક ઉપર તાટક્યો. પણ એ કાંઈ થોડી જ પેલાં નિર્માલ્ય વ્રુક્ષો જેવી હતી? એક ક્ષણ એ થથરી અને પછી બધું હતું તેમનું તેમ.

        બધાં તોફાન શાંત થઈ ગયાં. બીજા દિવસના સવારના ઉજાસમાં શીલાએ પોતાના દેહ પર નજર કરી. એક નાનીશી તરડ તેના ઉત્તુંગ શિખરની   એક કિનારી ઉપર સર્જાઈ હતી. ક્ષણ  બે ક્ષણ માટે પોતાની અજેયતા ઉપર શીલાને શંકા પેદા થઈ. પણ તેણે તે વિચાર ખંખેરી નાંખ્યો. પણ ગઈ રાતના તોફાની વરસાદે એ તરડમાં થોડું પાણી જમા કરી દીધું હતું.

      ‘ ઠીક , હશે! આ ક્ષુદ્ર જીવડાં જેવું પાણી મારું શું બગાડી દેવાનું હતું?’ – શીલાએ વિચાર્યું.

       હવે દિવસમાં પાછું ઠંડીનું મોજું આવ્યું અને બરફ વર્ષા શરુ થઈ ગઈ. પાણીનાં એ થોડાં ટીપાં પણ બરફ બની ગયાં. શીલાને અકળામણ થઈ. આ ક્ષુદ્ર જંતુઓ તેને દબાવી રહ્યાં હતાં. છટ્. આવાની તો એસી તેસી. પણ તેણે જોયું કે પેલી તરડ તો થોડી લાંબી બની હતી. બીજો વરસાદ અને થોડું વધારે પાણી ‘માન ન માન પણ હું તારો મહેમાન ‘ કરીને આ તરડમાં ઘૂસી ગયું. ફરી બરફ અને ફરી એ અકળામણ.

      તરડ તો મોટી ને મોટી થતી જતી હતી.   અજેય, અવિચળ એ શીલાના  દર્પભંગનો  પ્રારંભ થઈ ચૂક્યો હતો.

        ફરી વાદળ ઘેરાયાં અને ફરી વિજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો. કશુંક અમંગળ બનવાનું છે તેવી ધાસ્તિ તેને લાગી રહી હતી.

      અને એવા જ એક અમંગળ દિવસે ધવલગિરિ ધણહણી ઉઠ્યો. આખી ધરતી કંપી રહી હતી. એ કંપનો એક ઉલાળો અને શીલા તહસ નહસ થઈને ધવલગિરિથી છૂટી પડી ગઈ. પર્વતના ઢોળાવ પર તે ગબડવા લાગી. કોઈ તેને બચાવી શકે તેમ ન હતું.  પર્વતની કોર આગળ આવીને તે ઉભી.પેલાં ક્ષુદ્ર  વ્રુક્ષોએ તેને ટેકો આપ્યો. તેની અધઃપતનની ગતિ રોકાણી. તે વ્રુક્ષોને ચગદી શીલા અટકી ગઈ હતી.

    તેની ભયમાં બંધ થયેલી આંખો ખુલી. અને એક પ્રચંડ ભય તેના સમગ્ર હોવાપણાને થરથરાવી ગયો. જેનું ઊંડાણ કળી ન શકાય તેવી ભયાનક ખીણની ઉપર, પર્વતની એક કોર ઉપર તેનો નવો મુકામ હવે થયો હતો. જે તળેટીઓની તે હાંસી ઉડાવતી આવી હતી, તે તળેટીઓ તેને નીચે આવવા આમંત્રણ આપી રહી હતી.

      પોતાના વિતેલી ઉત્તુંગતાના મહાન દિવસો યાદ કરી, શીલા પોશ પોશ આંસુડાં સારી રહી હતી.

    કંઈ કેટલાય વર્ષ  વીતી ગયા – આમ પર્વતની કોરે લટકતા રહીને. શીલાને આધાર આપી પોતાના પ્રાણની આહુતી આપનાર વ્રુક્ષો તો ક્યારનાય નામશેશ થઈ ગયા હતા. પર્વતની જે કોરને શિખર પર બિરાજેલી શીલા તુચ્છકારથી મગતરા જેવી ગણતી હતી; તે જ કોર આજે તેના અસ્તિત્વનો આધાર બની રહી હતી. પણ તેની નીચેની ધરતી દર સાલ વરસાદને કારણે ધોવાતી રહી. જે આધાર પર શીલા ટેકવાઈને બેઠી હતી, તે આધાર પણ હવે નિર્બળ થવા માંડ્યો. કોક દુર્ભાગી પળે એ ધરતીના કણ સરકવા માંડ્યા. મોટું પોલાણ થઈ ગયું. શીલાના વજનને ટેકો આપી રહેલી માટી જ ન રહી. રહીસહી માટી સાગમટે ધસી પડી. શીલાએ પોતાનું સમતુલન ગુમાવ્યું. એક પ્રચંડ ધડાકા સાથે શીલા હજારો ફુટ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ. હર ક્ષણે તેના પતનનો, વિનિપાતનો વેગ વધવા માંડ્યો. છેવટે જ્યારે તે ખીણના દુર્ગમ પાતાળ સાથે  અફળાઈ, ત્યારે તેના સહસ્ત્ર ટુકડા થઈ ગયા. એક ટુકડો આમ પડ્યો તો બીજો તેમ.

તેનું શિખર પરના ભુતકાળનું ગૌરવ નામશેષ થઈ ગયું.
એ સલ્તનત સંકેલાઈ ગઈ.
એ દર્પ સમયના વહેણમાં ક્યાંય ઓગળી ગયો.
એ ઉન્મત્તતાનો કોઈ અવશેષ ન બચ્યો.
તેનો કોઈ ઈતિહાસ ન લખાયો. 

        હવે તો તેના વારસ જેવી ભેખડો પરથી પર્વતનાં ઝરણાંથી પુષ્ટ બનેલી જલધારાઓ પ્રચંડ પ્રપાત બનીને અફળાતી રહી. શીલાના ફરજંદ નાના મોટા પથ્થરો આ પ્રપાતમાં ઘસાતા રહ્યા, આમથી તેમ અફળાતા રહ્યા. જે કોઈ નાના ટૂકડાઓ હતા તે, પાણીના પ્રવેગમાં ખેંચાઈ આગળ ધકેલાતા ગયા, હડસેલા ખાઈ ખાઈને તેમની તિવ્ર ધારો ઘસાતી રહી. તેના મૂળ પ્રતાપના બધા અવશેષ નામશેશ થતા રહ્યા. લાખો વરસની આ સતત પ્રક્રિયાએ મોટાભાગના ટુકડાઓનું રુપ જ જાણે બદલી નાંખ્યુ. એ સૌ ધવલગિરિના શિખરે બેઠા હતા તે યાદો પણ ભુલાવા માંડી. પવનના સુસવાટા સિવાય જ્યાં કોઈ અવાજ શીલાને સંભળાતો ન હતો; ત્યાં સતત જલપ્રપાતનો ઘોર રવ દિન રાત તેના શ્રવણને બધીર બનાવતો રહ્યો. ક્રૂર વર્તમાનની થાપટો ખાતાં ખાતાં દુર્દશા જ તેમની દશા બનતી રહી.

‘સગાં દીઠાં મેં શાહઆલમનાં,
ભીખ માંગતાં શેરીએ.. ‘

પુનરૂત્થાન 

       જ્યારે શીલાના આ સંતાનો નદીના પ્રવાહની સાથે તણાતા મેદાનો સુધી આવી પહોંચ્યા, ત્યારે તે સૌ માંહોમાંહે બાખડીને ચળકતી રેતીના સાવ નાનાં કણ જ બની ગયા હતા. હવે તેનો પ્રતાપ ઓસરી ગયો હતો, જે શીલાની ઉપર એક તરણું પણ ઉગવાની હેસિયત કરી શકતું ન હતું, તેની અંદર ભાતભાતની વનસ્પતિ ઊગવા લાગી. વિવિધ કિટકો તેમાં પોતાનો આવાસ બનાવી રહ્યા. તેમના રેશમ જેવા નાજુક પોતમાં પશુ પંખીઓ કિલ્લોલ કરવા માંડ્યા. બાળકો રેતીના કિલ્લા બનાવી મોજ માણવા લાગ્યા. તેના ઢગલાઓમાં માટી કે ચુનો ભેળવી માણસો પોતાના નિવાસો બનાવવા લાગ્યા. જે શીલા ઉત્તુંગ શિખરે પોતાના એકલવાયા, એક્દંડીયા મહેલમાં મદમાં ચકચૂર બની મહાલતી હતી, તેના વારસોની વચ્ચે માનવજીવન ધબકવા લાગ્યું. સંસ્કૃતિના પાયાની ઈંટો શીલાના આ શત શત વિન્યાસ પર ચણાવા લાગી.

        કોઈ સુભગ પળે, નદીના ઉપરવાસમાં રખડતા કોઈ માનવને હાથે હજુ મેદાન સુધી ન પહોંચેલો શીલાનો એક ટુકડો આવી ગયો. તેની હેરતભરી આંખો આ ચળકતા, લિસ્સા પથ્થરને જોઈ રહી. તેણે એ ટુકડાને ઊઠાવ્યો અને વસ્તીમાં પોતાના મિત્રોને બતાવવા લઈ ગયો. અણીશુધ્ધ અંડાકાર અને ચમકતા નખશીષ કાળા આ પથ્થર માટે સૌને અહોભાવ ઉપજ્યો. કદી કોઈએ આટલો મોટો અને અણીશુધ્ધ ગોળાકાર અને ચળકતા રંગનો પથ્થર જોયો ન હતો.

       વસ્તીના મુખીયા જેવા વયોવૃધ્ધ વ્યક્તિએ કહ્યું, ‘અરે , આ તો ઊપરવાળાની મહેરબાની છે. આ તો સાક્ષાત પ્રભુ સ્વયંભુ પ્રગટ્યા. ચલો આપણે તેમનું  સન્માન અને અભિવાદન કરીએ.’

     એ ગોળમટોળ પથ્થર દેવ બનીને ગામના મંદિરમાં બિરાજ્યો. મંગળ ગીત ગવાણાં અને આબાલ વૃધ્ધ સૌ અહોભાવથી ઈશ્વરના આ અવતારને નમી રહ્યા.

      શીલાનો આ નવો અવતાર મનોમન વિચારી રહ્યો,

 કયું ગૌરવ સત્ય?
પર્વતની ટોચ પરનું,
રેતીમાંનું
કે
આ સિંહાસને બિરાજેલા
કહેવાતા દેવનું? ‘

      અને ઊપરવાળો શીલાની, આ ગોળ પથ્થરની, રેતીના કણોની અને માણસોની આ બાલિશતા પર મંદ મંદ  સ્મિત  કરી રહ્યો.

 

અવલોકન -૧૩-રણમાં વસંત

આમ તો ‘જીવન’ શ્રેણી લખવાનો ઉન્માદ તા. ૨૯ જુલાઈ -૨૦૦૯ થી અટકી ગયો હતો. એ શ્રેણીમાં લખાઈ ગયેલ ‘સરીતા દર્શન’ આ રહ્યાં …….

ભાગ -1    :       ભાગ -2     :    ભાગ -3 

    પણ  મુંબાઈગરા મિત્ર શ્રી. મહેન્દ્ર ઠાકરે ‘અતકામા’ રણની વસંતના ફોટાઓ મોકલ્યા અને મન મ્હોરી ઊઠ્યું.

માટે ફરીથી….

‘ एक  और बार जीवन फिरसे सही । ‘

     સંસ્કૃત અને સમૃદ્ધ જગતમાં રહેતા આપણને ‘જીવનનો ઉન્માદ’ શું છે –એ કદાચ ખબર જ નથી.

     પણ દક્ષિણ અમેરિકાના ચીલી દેશના મધ્યમાં આવેલ અતકામા રણ એ દુનિયાનો સૌથી વધારે સૂકો પ્રદેશ છે. એના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા ૩૦૦ વર્ષમાં વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી. પણ દરેક શિયાળામાં થોડી ઘણી ઝાકળ વરસે, એ ત્યાંની વનસ્પતિ સૃષ્ટિ માટે એક ઉત્સવ હોય છે. અને તેમાં પણ ‘બાર વર્ષે બાવો બોલે’ એમ ‘અલ નિનો’ની મહેર થાય તો એ બધીઓને બત્રીસે કોઠે દીવા પ્રગટી જાય!

      આ વખતે આશરે ૩૦૦ વર્ષ પછી ઓલ્યા નિનોએ બહુ મહેર કરી નાંખી અને રણરાજી(!) રાજી રાજી થઈ ગઈ. આ બધા ફોટા એની મહેરબાનીનો પ્રતાપ છે.

     અહીં તો બસ ‘અવલોકન’નો આનંદ – જીવનનો આનંદ વહેંચવાનો ઉમંગ હોય છે.

માટે….

     જમાનાના ઉષ્ણાતિઉષ્ણ વાયરા ભલે વાય. આપણે ફાળે ઝાકળની જે એક બે બુંદ આવેલી   હોય; એનાથી આ ક્ષણમાં આમ મહોરી ઊઠીએ તો કેવું ભલા?

અને રમણભાઈ નિલકંઠ યાદ આવી ગયા-

જાઓ ભલે જીવનઆશ સર્વે,

ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,

થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ.

ન એક થાજો પ્રભુ-પ્રીતિ-નાશ.

અને…

એ શ્રેણીના છેલ્લા શબ્દો દોહરાવીએ; આત્મસાત્ કરીએ તો ?

જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથિક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મૂળ શું છે?
એ પરિણામ શું છે?

————

ૐ તત સત્

 

અવલોકન-૧૨-કેરીનો રસ કાઢતાં

     કેરીનો રસ કાઢવા માટે આ જણને કામ સોંપવામાં આવ્યું- કેરીના ટુકડા કરવાનું. પછી એ ટુકડા મિક્સરમાં પીલીને રસ નીકળશે.

    જુનો   જમાનો યાદ આવી ગયો. સીઝનમાં કેરીઓના ટોપલે ટોપલા ઘરના ઉપલા માળે ભરેલા રહેતા – ઘાસથી વિંટળાયેલ અને શિયાળામાં આવેલા ઘઉંના કોથળા ઓઢાડેલ કેરીઓ. છાનામાના ઉપર જઈ મઝેથી પાકેલી કેરીઓ ચૂસવાની એ મજા જ ગઈ. આખા કુટુંબ માટે રસ કાઢવાનું કામ પણ આ જણનું જ. કેરીઓ ગોળી ગોળીને તપેલી પર મુકેલ ચાળણામાં રસ કાઢવાનો. કેરીનાં છોતરાં અને ગોટલા ધોઈને એનો બાફલો બને અને ગોટલા પણ ફેંકી શેના દેવાય? એ તો ઉનાળાની ગરમીમાં છાપરે સુકાય અને પછી એને ભાંગીને નીકળેલી ગોટલીઓનો મુખવાસ બને અને બાકીના ગોટલા પાણી ગરમ કરવાના બંબા માટે શિયાળા સુધી કોથળાવાસી!

     અરે, પણ એ અમદાવાદી રીતની સ્મૃતિઓ તાજી કરવા થોડું જ આ અવલોકન હાથ ધર્યું છે?

     વાત છે – છાલ કાઢી નાંખેલી કેરીના ટુકડા કરતી વખતની અને ગોટલા પર વધેલા માલના અવશેષો ઉશેટી લેવા વખતની. બંને  વખતે કેરીના ડિંટા આગળથી વાઢ શરૂ કરીએ તો સરળતાથી કપાય. ઉંધી દિશામાં રેસા નડે નડે ને નડે જ. એક દિશામાં રેસા અવરોધ ન કરે.

     લાકડાના પાટિયાંને વ્હેરતાં પણ  આમ જ બને –  એક દિશામાં એના રેસા પણ અવરોધ ન કરે.

     બે દિ’ પહેલાં બેક યાર્ડમાંથી ઊતારેલાં ફુદીનાનાં પાન ચૂંટતાં પણ આવો જ અનુભવ થયો. એક એક પાનું ચૂંટવા કરતાં છેક ટોચના ભાગથી ડાળી પકડી, બે આંગળી સરકાવીએ તો, ફટાફટ બધાં પાંદડાં કપાઈ જાય અને કામ સરળ બની જાય. અહીં પણ એક દિશામાં પાનનાં છેડા અવરોધ ન કરે.

    ——————-

     જીવનના અનુભવો સાથે કેવી સામ્યતા? પ્રવાહની સામી દિશામાં તરી તો જોઈએ? એની સાથે તરતા રહેવાનો અનુભવ જ સુખદ હોય ને?

જે પ્રવાહની સામે તરતા રહી શકે છે,
એમની શુરવીરતાને સલામ.