સુખ આ સરળ લાગતા શબ્દનો અર્થ કહો કે,ભાવર્થ ઘણો જ ગહન છે.ભાવાર્થ એટલા માટે કે તમે સુખને ક્યા મનોભાવથી તપાસો છો જેવો કે,આંધળાઓએ જોયેલો હાથી.જેના હાથમાં સુઢ આવી તે હાથીને લાંબો કહે છે તો જેના હાથમાં દંતુશુળ આવ્યું તે હાથીને વજ્ર ઘણે છે જેના હાથમાં પગ આવ્યા એ હાથીને થાંભલા જેવો ઘણે છે જેણે પેટ પર હાથ ફેરવ્યો તે હાથીને પર્વત કહેછે તો જેના હાથમાં પુછડું આવ્યું તે દોરડું જેવું કહે છે.
સુખનો આધાર માણસના મનો જગત પર છે.રસાયણ શાસ્ત્ર મુજબ સુખની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી કે,આ થીયરી પ્રમાણે હોય તે સુખ.કોઇને સારા કપડા પહેરવામાં સુખ મળતું હોય,કોઇને આલિશાન બંગલામાં સુખ મળતું હોય,કોઇને સારી અને મનગમતી બાઇક કે કારમાં સુખ મળતું હોય,કોઇને સુશીલ ગૃહિણી મેળવીને સુખ મળતું હોય,કોઇને સંતાન સુખથી સુખ મળતું હોય,કોઇને સારું સારું ખાવામાં સુખ મળતું હોય તો કોઇને બે ઘુંટડા પીવા મળે…..આમ આ યાદી અનંત છે.ખુબીની વાત એ છે કે,એકને લાગતું સુખ બીજા માટે દુઃખ પણ હોઇ શકે.
અમે એક મૌનીબાબાને મળવા ગયા ત્યારે મારા મનમાં ઘોળાતો પ્રશ્ન પુછ્યો સુખ એટલે…? તેમણે હાથના ઇશારાથી દર્પણ દર્શાવ્યું એટલે મેં કહ્યું હું સ્મજ્યો નહીં બાજુમાં પડેલ સ્લેટ ઉપર તેમણે લખ્યું સ+ઉ+ખ મને આપ્યું અને હાથના ઇશારાથી સમજાવ્યું કે,ઉંધે થી વાંચ તો થયું ખ+ઉ+સ મતલબ જે ખુશ હોય તે સુખી હોય.આ એક સરળ થીયરી છે કે,માણસ ખુશ હોય તેના પાસે સુખ હોય.
અમારા ગામમાં એક જણ સરસ ફાફડા બનાવે છે અહીં દિલ્હીમાં તમને જલેબી મળે પણ ફાફડા ન મળે મેં કહ્યું તું દિલ્હી ચાલ તારો ધંધો ત્યાં સારો ચાલશે તો તેણે હસીને કહ્યું અહીં બાંધેલા સમયમાં હું ફાફડા બનાવું છું પછી હું મારી રીતે જીવું છું મિત્રોને મળુ છું ફેમિલી સાથે સમય વિતાવું છું ત્યાં મારું કોણ અને અહીં જેવી મજા મને દિલ્હીમાં ક્યાંથી મળે?આ હતી તેના સુખની વ્યાખ્યા.
એક વખત હું બસમાંથી ઉતર્યો મારા પહેલા ઉતરેલા ઉતારૂઓ જેમને જરૂર હતી એ ફટાફટ રીક્ષા ભાડે કરીને વહેતા થયા બધી રીક્ષા જતી રહી હું આમતેમ જોતો હતો તો દૂર એક રીક્ષા ઊભેલી દેખાઇ.મેં તેમાં બેસી મારા ઘરનું સરનામું આપ્યું અને એ મોજથી સીટી વગાડતા રીક્ષા ચલાવવા લાગ્યો.રસ્તામાં મેં એને પુછ્યું
‘બધા રીક્ષાવાળા બસને ઘેરીને ઊભા હતા તું કેમ ન આવ્યો તો એણે કહ્યું મને છેલ્લા ફેરો જ કરવો હતો અને જેને જરૂર હશે એ પોતે મારી પાસે આવશે જેમ સાહેબ તમે આવ્યા.’
‘છેલ્લો ફેરો મતલબ હવે તું રીક્ષા નહીં ચલાવે?’
‘ના મારી આજની તમારા ભાડાથી કમાણી પુરી થઇ ગઇ.હવે હું સિધ્ધો ઘેર જઇશ જમીશ મારી દીકરીને રમાડતા ઊંઘી જઇશ સાંજે મારી ઘરવાળી અને દીકરીને રિક્ષામાં બેસાડીને દરિયા કિનારે લઇ જઇશ મારી દીકરી ધુળમાં રમશે અને અમે ચિપ્સ ચાવતા વાતો કરતા તેની રમત જોઇશું’
આ હતી એક સામન્ય એક રીક્ષા વાળાના સુખની વ્યાખ્યા.
એક પાર્કમાં સાંજે સિનિયર સિટીઝન્સ ભેગા થઇને હાસ્ય કલ્બ ચલાવતા હતા.બધા સાથે મળીને બેસે ટૂચકાઓ સંભળાવે ગીતો ગાય અને મોટેથી ખડખડાટ હસે.હું પાર્કના દરવાજા પાસે ઊભો મારા મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે એક સિનીયર સિટીઝન બીજા ને કહેતા હતા આ અહીંથી ગયા બાદ રાત્રે સરસ ઊંઘ આવે છે અને મન ફ્રેશ થઇ જાય છે.આ હતી એ સિનીયર સિટીજનના સુખની વ્યાખ્યા.
છેલ્લે આપણા કોઇ આદ્યકવિએ લખ્યું છે કે,
‘સુખે સુવે સંસારમાં એક જ નર કુંભાર ચિંતા બાંધી ચાકડે ધન તેનો અવતાર’
ભાગોડેથી માટી લઇ આવે કોઇ પણ જાતના રોકાણ વગર અને માટલા ઘડી વેંચે ને રોટલા ખાય કશું ચોરાઇ જવાની બીક તો હોય નહીં એક ચિંતા એના ગધેડાની હોય એ ચાકડા સાથે બાંધી દે જેથી ભાગી ન જાય આ એ કુંભારના સુખની વ્યાખ્યા.
જો ચારે તરફ નજર ફેરવશો તો આવા ઘણા દાખલા જોવા મળશે ફકત આપણને જોવાની ફુરસદ અને સમય હોય તો….