સુખ એટલે……(19)રાજુલબેન શાહ

સુખ-સ્વાનુભૂતિ ”’

” સુખ-સ્વાનુભૂતિ ”

6669_1

સુખ અંતરની અનુભૂતિ છે.

ખલિલ જિબ્રાને લખેલી એક સાવ નાનક્ડી વાત-એક બાદશાહ એકવાર બિમાર પડયો એનો રોગ કોઇ રીતે મટતો નહોતો.એ વખતે એક ફકિરે આવીને કહ્યું કે,બાદશાહના રોગનો ઇલાજ એક જ છે.જો કોઇ સુખી માણસ્ નું પહેરણ લાવીને બાદશાહને પહેરાવવામાં આવે તો રોગ તરત મટી જાય.

ઇલાજ સાંભળવામાં તો સાવ સરળ લાગ્યો હતો.દેખીતી રીતે એમાં કોઇ મોટો ખર્ચ કે મોટી મુશ્કેલી નહોતી.પરંતુ બાદશાહના સેવકોએ સુખી માણસના પહેરણની શોધ કરીત્યારે ખબર પડી કે કોઇ વ્યક્તિ પોતાની જાતે સુખી માનતી જ નહોતી.આખરે બહુ  શોધખોળના અંતે એક સુખી માણસ મળી આવ્યો. એ માછીમાર હતો.મસ્તીથી જીવતો હતો અને પોતાની જાતને સુખી માનતો હતો.પણ જોવાની ખુબી એ હતી કે એની પાસે પહેરવા કોઇ પહેરણ જ નહોતું.

અનાદિ કાળથી માણસ  સુખની શોધમાં અટવાયેલો જ છે.દરેક ના મનમાં સુખનું એક કાલ્પનિક ચિત્રાલેખાયેલુ હોય છે જે ક્યારેય સુરેખ તો હોતું જ નથી.

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા.એક મિત્રે આવીને પુછયું આટલા બધા તલ્લીન થઇને શા વિચારમાં પડ્યા છો? રસેલે જવાબ આપ્યો ”મેં એક વિચિત્ર શોધ કરી છે. જ્યારે જ્યારે હું કોઇ જ્ઞાની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતિતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી જ નથી,અને જ્યારે મારા માળી સાથે વાત કરતી વેળાએથી ઉલટી જ વાતની ખાતરી મને થાય છે”.

મતલબ સુખનીસતત શોધ અથવા સુખ વિશેના સતત વિચારોથી સુખ પ્રાપ્ત થવાની શક્યતા  નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઇ જ શકે.સુખની અનુભૂતિના મૂળ સંતોષવ્રુત્તિ  મહત્વની છે.

નરસીંહ મહેતાએ ગાયું છે તેમ ”ભલુ થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ” જોકે નરસીંહ મહેતા જેવી તટસ્થતા તો કદાચ ભાગ્યેજ કોઇના મનમાં ઉદ્દભવે.પરંતુ જે આપણું છે તે જ સાચું છે તેમ માની લેવાથી સુખના સીમાડાની સરહદે તો ચોક્કસ પહોંચી શકાશે.

હજુ સુધી દુનિયામાં સુખી થવા માટે ની કોઇ પ્રિસ્ક્રીપ્શન લખાયુ કયારેક જોયું? નહીંતો આટ્લા પ્રગતિશીલ વિજ્ઞાન તેમજ મેડીકલ સાયન્સમાં સુખી થવા માટે ની પેટન્ટ તો કોઇએ ચોક્ક્સ પોતાના નામે કરી જ હોત. સુખ નામનો ગુણ માત્ર આત્મામાં જ છે.આત્માના અનંતા ગુણો છે. અને આ અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણમાં સુખ્નો અનુભવ કરી શ્કાય.કોઇપણ ભાર વગર જ્યારે આત્મા નિજાનંદમાં મસ્ત બને ત્યારે સુખની શરુઆત થઇ કહેવાય.એક નાનકડું પણ સુંદર વાક્ય-

”happyness is a perfume,you cannot pour on other without getting a few drops on yourself”.

માણસ જો પોતે અંદરથી ખુશ હશે સુખી હશે તો બીજાનો આનંદ-સુખ સમજી કે સહી

શકે.બાકી તો કોઇના સુખે સુખી તો માત્ર ફકીરો કે સાધુ સંતો હોઇ શકે.

દુનિયાનો એક ક્રમ છે માણસ હંમેશા પોતાના જીવનમાં જો સૌથી વધુ જેની ઝંખના કરતો હોય તો તેને સુખ,સમ્રુધ્ધિ, સ્વતંત્રતા અને મનની

શાંતિ આ તમામ જો કોઇને આપી શકતા હોઇએ તો તે આપણને પણ એટલીજ  માત્રામાં સામા મળી જ રહેતા હોય છે.

સુખ નામનું પતંગિયુ,જેટલું તેને પકડવા મથો એટલું તમારાથી દુર ઉડતું જાય.પણ જો તમે શાંતિથી મનના ઉધમાતોથી દૂર રહી શકો તો કદાચ શક્ય છે એ આવીને ગુપચુપ તમારામાં ગોઠવાઇ જાય.

સુખી થવાના સો કિમીયા હશે પણ કોને ખબર ક્યારે કોને તે અનુરુપ આવે તે જાતે નક્કી કરવાનું છે.ક્યારેક નાના નાના આયાસો પણ સુખની અનુભૂતિ કરાવી જાય. પાંચ પકવાન ખાઇને જે સંતોષ ન થઇ હોય તેના કરતા વધુ સંતોષ કયારેક કોઇ જરુરતમંદ બાળકને બ્રેડ કે બિસ્કીટ આપીને એના ચહેરા પરના આનંદને જોઇને પણ મળી જાય.

ક્યારેક કલાકો ઇશ્વર ભકિતમાં ગાળ્યા હોય પણ ધરવ ન થાય અને અચાનક થોકબંધ માણસો વચ્ચે અલપ ઝલપ થઇ જતા દર્શન પણ અવર્ણનિય સુખ આપી જાય.

સુખનો સમય  નિશ્ચિત નથી.ક્યારે કોને ક્યા સ્વરુપે પ્રાપ્ત થશે તે  નિશ્ચિત નથી પણ એટલું તો   નિશ્ચિત છે કે સુખ અંદરની સ્થિતિ છે. સુખ અંતરની અનુભૂતિ છે.

રાજુલબેન શાહ

http://rajul54.wordpress.com/

“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને પ્રગટ થયો.

સુખ એટલે …(2)-ફૂલવતી શાહ

 

Mom 75th birthdayસુખ એટલે   …

કેટલો સુંદર વિષય  છે ! સુખ એટલે શું ? સુખ કોને કહેવું ? સુખના કેટલા બધા પ્રકાર છે. શારીરિક સુખ, માનસિક સુખ, પૈસેટકે પુરતાં  હોવું એ  આર્થિક સુખ  , સમાજ માં માનપાન મળવું એ   સામાજીક પ્રતિષ્ઠા નું સુખ  વિગેરે….વિગેરે….
જુના જમાનાની કહેવત છે  કે…..

” પહેલું સુખ તે જાતે નર્યા ,   બીજું સુખ કોઠીએ જાર;
ત્રીજું સુખ  સંતોષી  નાર ,  ચોથું સુખ ઓરડે સપૂત. ”
આજે  આપણે  વર્તમાન  પરીસ્થિતિ  પ્રમાણે  વિચારીએ તો કોઈની પાસે ઘણી મિલકત છે  તો તેને સાચવવાની ચિંતા એ એનું મોટું દુ:ખ છે. અને જેની પાસે   પૈસા નથી તેને કેમ જીવાશે તેની ચિંતા એ પણ  દુ:ખ છે .  કોઈ પોતાના સ્વભાવે દુ:ખી છે.કેટલાક  લોકો પોતાના  દુ:ખે  દુ:ખી હોય  તો કોઈ બીજાનું સુખ જોઇનેદુ:ખી થાય છે. ઈર્ષ્યાળુ  માનવી સુખે જીવી શકતો નથી .  કેટલાંક  ભૂતકાળને યાદ કરીને  દુ :ખી થાય છે, ગઈગુજરી યાદ કરી  દુ:ખ અનુભવે છે તો કોઈ  ભવિષ્યની ચિંતામાં  ડૂબી ને રિબાય છે. જગતમાં અનેક જગાએ લોભ અને દગાબાજી કરી અરસપરસ  દુ:ખદાયક પરિસ્થિતિ પેદા કરાય છે. જુઠું બોલવું કે ખોટું આચરણ  કરી કોઈને દુ:ખી કરવાની નવાઈ નથી રહી. આ ઉપરાંત  કેટલીક  વ્યક્તિઓ  પોતાના વહેમી સ્વભાવને લીધે  દુ:ખી થાય છે. દરેક બાબતમાં  નકારાત્મક વિચાર કરી કોઈ ઉલટી જ કલ્પના કરી દુ:ખ અનુભવે  છે.આમ જોવા જઈએ તો સર્વત્ર દુ:ખ ફેલાયેલું છે, પણ એની બીજી બાજુએ સુખછુપાયેલું છે.તો એ સુખના દર્શન ક્યારે થાય? આ સુખના દર્શન કરવા તમારે ક્યાંય જવાની જરૂર નથી.અપેક્ષા નો ત્યાગ કરવાની જરૂર છે.હું જાણું છું કે  લખવાનું જેટલું સહેલું  છે તેટલું કરવાનું સરળ  નથી.છતાં પણ માનવીએ  હકારાત્મક વિચારોથી મનને   કેળવવું જરૂરી છે.  સ્વપ્રયત્ન થી જ મન  ધીરે ધીરે કેળવી શકાય.મારો પ્યાલો અડધો ખાલી છે તેનેબદલે મારો પ્યાલો અડધો ભરેલો છે એ ભાવના કેળવવી જોઈએ. અને આનું જ નામ સંતોષ.આપણી કહેવત છે કે —
“સંતોષી નર સદા સુખી”  આપણે પોતાની વર્તમાન પરિસ્થીતી ને અપનાવવાની છે. અહીં પોતાની વર્તમાન પરિસ્થિતિ નેઉજ્જવળકરવા પ્રયત્ન કેપુરુષાર્થનેત્યાગવાની વાત  નથી એ યાદ રાખવું તેટલું જ જરૂરી છે. અંત માં એટલું જ  કહીશ કે ‘સંતોષ જેની પાસ છે, તે છે સદા સુખી ‘

ફૂલવતી શાહ

વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક- વિનોદ પટેલ

 

સુખ એટલે શું ?અને વરિષ્ઠ નાગરિકનું સુખ-તે જાતે નર્યા​-​

સપ્ટેમ્બર મહિના ​આ બન્ને ​વિષય છે ને આવરી લેતો લેખ

​-​

 

વૃધ્ધાવસ્થા યા ઘડપણ એ દરેક મનુષ્યના મરણ પહેલાંનો જીવનનો આખરી તબક્કો છે.જીવનની મુસાફરીનું એ આખરી સ્ટેશન છે . જુવાનીની વસંત ભોગવ્યા પછી આવતી વૃદ્ધાવસ્થા એટલે કે જીવનની પાનખરમાં જીવન વૃક્ષ ઉપરથી પાકેલાં પીળાં પાન એક પછી એક એમ ખરતાં જાય છે .એટલે તો આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ દુખી હૃદયે ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “

સો વરસનું આરોગ્યમય સાદું,સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગી રવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “. વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ઘડપણ આવે એ પહેલાંથી જ માણસ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે છે એટલે એ વૃદ્ધ કહેવાય છે . શરીરથી એ ભલે વૃદ્ધ દેખાતો હોય પણ મનથી તો એ યુવાન હોય છે .

વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સાઠ વર્ષ કે એની આજુબાજુની ઉમરે બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ,હૃદય રોગ –બાયપાસ સર્જરી અને છેલ્લે તબક્કે સ્મૃતિ નાશ એટલે કે અલ્ઝાઈમર જેવા ડરામણા લાગે એવા રોગોના લીસ્ટમાંથી એક કે વધુ રોગો સામે ટકવાનું હોય છે . આવા વખતે વૃદ્ધ માણસ ઘણીવાર મનથી ભાંગી પડતો જોવામાં આવે છે અને ડીપ્રેશનનો ભોગ બનીને દુખી થતો અને બીજાંને પણ દુખી કરતો હોય છે. ઘડપણમાં દુખો ભોગવીને , રીબાઈને મૃત્યુ પામવાનો ભય ઘણાંને સતાવતો હોય છે.આવા બધા જીવનના અંતિમ સમયે મન ઉપર કાબુ રાખવા માટે વૃદ્ધોએ સકારાત્મક  વલણ અપનાવવાની ખાસ જરૂર ઉભી થાય છે.

જેનું શરીર અને મન છેક સુધી સાથ આપે છે એવા જુજ સદભાગી માણસો જીવનની બાજી જીતી લઈને વિદાય થાય છે .જે માણસો યુવાનીનો સમય ભવિષ્યના કોઈ પણ પ્રકારના આયોજન વિના વેડફી મારે છે , પુર આવવાનું છે એમ જાણ્યા છતાં વહેલાસર પાળ નથી બાંધતા ત્યારે પાઘડીનો વળ છેડે એમ વૃધાવાસ્થામાં દુખી થતા હોય છે .આપણે ત્યાં રવિશંકર મહારાજ , મોરારજીભાઈ દેસાઈ , વિદ્યા વાચસ્પતિ કે,કા .શાસ્ત્રી જેવાં અનેક ઉદાહરણો છે જેમાં આવા મહાનુભાવોએ જીવનની છેલ્લી પળ સુધી શારીરીક માનસિક અને આત્મિક સુખ ભોગવી, લોકો માટે કામ કરતાં કરતાં એમનું જીવન દીપાવીને વિદાય થયા છે અને અમર થઇ ગયા છે . પૂજ્ય મહાત્મા ગાંધીની જો કરુણ હત્યા થઇ ના હોત તો ૧૨૫ વર્ષ જીવવા માટેનું એમનું પૂરેપૂરું આયોજન હતું.

ઘડપણમાં જુની આંખે ઘણા નવા તમાશા જોવાના હોય છે. આજની દુનિયામાં બધું ઝડપભેર બદલાઈ રહ્યું છે.જે સરતો રહે છે તેનું જ નામ તો સંસાર છે .”આ દુનિયા હવે પહેલાં જેવી રહી નથી “ એવી ફરિયાદ ઘણા ઘરડાઓ કરતા હોય છે. પરંતુ પરિવર્તનને પચાવવાની અશક્તિ દુખો ઉત્પન્ન કરે છે .ઘડપણ જેટલી શરીરની છે એટલી જ મનની અવસ્થા છે .

યુવાન પેઢીની પૈસા ખર્ચવાની અને બીજી લાપરવાઈઓ વૃદ્ધ મા -બાપને ઘણીવાર અકળાવતી હોય છે. ઘણા વૃદ્ધો એમના પરિવારો સાથે રહે છે એ બધાં જ કઈ સુખી નથી હોતાં . આ અવસ્થામાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે .ગમશે, ચાલશે , ફાવશે અને ભાવશે એવી મનોવૃત્તિ જો રાખવામાં ના આવે તો દુખી થવાના દહાડા આવે છે .વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી જૂની માન્યતાઓ અને આગ્રહો છોડવાનો અને એની સાથે સમાધાન કરી લેવાનો આ સમય છે .

બધા જ અણગમતા સંજોગોમાં મનનું સંતોલન રાખીને સકારાત્મક અભિગમ રાખવો એ જ સુખી થવાની ચાવી છે .આજે ઘણા વૃધ્ધો ભારતમાં તેમ જ વિદેશોમાં રહીને ત્યાંના જુદા પ્રકારના માહોલમાં પણ મન સાથે સમાધાન –સુમેળ સાધીને બ્લોગો અને અનેક પ્રકાશનોમાં લેખન વિગેરે સર્જન પ્રવૃતિઓ દ્વારા ઉમદા સાહિત્ય સેવા કરી રહ્યા છે તેમ જ એમની અન્ય મનગમતી પ્રવૃતિમાં પ્રવૃત્ત રહીને એમની જીવન સંધ્યામાં રંગો ભરી રહ્યા છે , ઘડપણના દિવસોને દીપાવી રહ્યા છે એ કેટલું શુભગ દ્રશ્ય છે ! એટલા માટે તો વૃદ્ધાવસ્થાને જીવનનો સોનેરી સમય કહેવામાં આવે છે .

જીવનના વિપરીત સંજોગોમાં પણ મળે ત્યાંથી હાસ્ય શોધી મનને રંજીત રાખવાની કળા જે વૃદ્ધ જાણે છે અને મનને પ્રફુલ્લિત રાખે છે એને સુખની પ્રાપ્તિથી બહુ છેટું પડતું નથી . તનનું બહુ સુખ ના હોય ત્યારે મનની સુખ સમૃદ્ધી જીવનને નવો આયામ આપવા માટે ખુબ કામ લાગે છે . નિયમિત ચાલવું, શરીરને માફક આવે કસરત કરવી, આધ્યાત્મિક ગ્રંથોનું વાચન , સત્સંગ અને મેડીટેશન વિગેરે વૃદ્ધાવસ્થામાં તન.મન અને આત્મા માટેનો પૌષ્ટિક ખોરાક બની શકે છે.

આના સંદર્ભમાં જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ ના પુસ્તક  ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંના એક પ્રેરક લેખ “ઘડપણ સડવા માટે નથી” માંથી કેટલાક અંશો એમના આભાર સાથે નીચે આપવાનું મન કરે છે .તેઓ લખે છે –

“ જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. .પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી.શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછી પાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી ,

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો.

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા .

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંશથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !

—- વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

 

ગમતા નો કરીએ ગુલાલ-સુખ એટલે શું ?

આ ચિત્ર જોઇ શું લાગે છે આ માણસ સુખી છે કે દુ:ખી?
તુટેલ પથારી
ટુંકુ ઓઢવાનુ
પત્ની 6 છોકરા અને એક કુતરો
ગળતી છત
તુટેલો બારીનો કાચ
દરેક વસ્તુ સુચવે છે દુ:ખ દુ:ખ ને દુ:ખ
પણ દરેક્ના ચહેરા પર નુ સ્મિત…
સુચવે સુખ સુખ અને સુખ….

સુખ એટલે શું ?

સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે…તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? … હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. ..જીવનમાં સુખ કેમ કરીને પ્રાપ્ત થાય ?માનવીને સુખ જોઈએ છે અને એ પણ કેવું?….જે સદૈવ એટલે કે હરહંમેશ હોય…દરેક વ્યક્તિને પોતાનું સુખ અલગ-અલગ જગ્યાએ છે એવું લાગે છે. ઉંમર પ્રમાણે સુખની પરિભાષા બદલાતી હોય છે, કોઈને પોતાનું સુખ પૈસામાં, કોઈને પુત્રમાં, કોઈને નોકરીમાં, કોઈને પ્રતિષ્ઠા કે ખ્યાતિમાં, મોબાઇલ ફોન, કોમ્પ્યુટર,કોઈને ફેસબુક પર કેટલા લાઈક મળે છે..જે ગમતું મળે તેણે સુખ કહેવાય અને જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેને આનંદ કહેવાય, .સુખ થી પર એક બીજી અનુભૂતિ છે : આનંદ…સુખ અને આનંદમાં ભેદ છે.“આનંદ” કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર નથી રાખતું.ધન દોલતથી જે મળે તે સુખ છે,સંતોષથી જે મળે તે આનંદ છે,સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.અહંકારના ત્યાગ વિના કદીએ સુખ મળતું નથી. જીવનનું સુખ વિચારોની ગુણવત્તા ઉપર આધાર રાખે છે.જયારે પરીસ્થિતિ મનુષ્યના સ્વભાવને અનુકુળ હોય છે ત્યારે મનુષ્ય સુખી હોય છે. પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ પરીસ્થિતિને અનુકુળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. સુખનો ખજાનો તો તમારી અંદર જ પડેલો છે.હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે તેને મુગજળની માફક કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી.સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકી એ, ખરીદી શકીએ કે બીજ કોઇ ને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખા મારે છે, છતાં મોટા ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. સુખ એ તો માત્ર એક નકારાત્મક ખ્યાલ છે. જેટલી ક્ષણોમાં એ દુઃખને ભુલી શકે છે એટલી જ ક્ષણો સુખમય હોય છે.માણસનું સુખ બાહ્ય ઉપકરણો કરતાં માણસના પોતાના ઉપર વધારે આધાર રાખે છે. સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે જ એની હાજરીને લક્ષમાં લેતા નથી.સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ વધુ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. પણ જો તમારું ઘ્યાન બીજી બાબતોમાં પરોવશો , તો હળવેથી તમારા ખભા પર બેસી જશે.સુખી થવાની ચાવી આ છે, પાપ થાય તેવું કમાવું નહી, માંદા પડીએ તેવું ખાવું નહી, દેવું થાય તેવું ખર્ચવું નહી અને લડાઈ થાય તેવું બોલવું નહી.જે માણસ પોતાના સુખની બાબતમાં આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઈ તાકાત કદી દુ:ખી બનાવી શકતી નથી. સુખ એ સક્રિયતા છે, નિષ્ક્રિયતા નથી“માણસ પોતાની જાતને જેટલો સુખી માને છે. તેટલો સુખી તે બને છે.” એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપણા મનની અવસ્થા ઉપર નિર્ભર કરે છે.  આપણી એ માન્યતા કે આપણને સુખ અમુક વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિમાંથી પ્રાપ્ત થયું…એ આપણી ભ્રમણા છે.સુખની શોધમાં ફરતાં માનવી ની મનોસ્થિતિમા….માનવી દુ:ખી  બને છે… વધુને વધુ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.”સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.

(મિત્રો આ લેખ મારા મિત્રે મોકલ્યો છે અને ક્યાંથી મળ્યો એ ખબર  નથી ,અને એને ખોટો જશ લઇ સુખી નથી થવું પરંતુ આપણે માણી ને આનંદ લઈએ ​)

……….