૪૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સીદીબાઈને સીદકા વહાલાં
આ કહેવતમાં માની મમતા દર્શાવવામાં આવી છે. સીદી એટલે હબસી જાતિ અને સિદકા એટલે તેમનાં બાળકો. હબસી જાતિનાં બાળકો તેમના આનુવાંશિક ગુણ પ્રમાણે કાળા જ હોય છે. બીજાને એ ગમે કે ના ગમે પણ સીદીબાઈને તો એ વહાલાં જ હોય. માની મમતા પોતાના સંતાનના રૂપ-રંગ કે ગુણ-અવગુણ જોતી નથી.
પોતાનું બાળક કાળુ કે અપંગ હોય પણ વહાલું લાગે તે સનાતન સત્ય છે. જન્મથી જ અંધ કે અપંગ બાળકનું મા પોતે વૃદ્ધ થાય તો પણ કેટલું કાળજીથી જતન કરે છે, તેવા કિસ્સા સમાજમાં આજે પણ આપણી આસપાસ જોવા મળે છે. ઝૂંપડીમાં રહેતાં ગરીબ બાળકને કે રાજમહેલમાં રહેતા રાજકુમારને તેની માતા નજર ના લાગે માટે કાળો ટીકો કરશે. આ શું સૂચવે છે? એક રાજાએ પોતાનાં પ્રધાનને હુકમ કર્યો કે ગામમાંથી સૌથી રૂપાળું બાળક શોધી લાવો. આખા દિવસની શોધખોળ બાદ પ્રધાન પોતાનું બાળક લઈને આવે છે. આ વાર્તા જાણીતી છે. લોહી તેનો રંગ બતાવે જ છે. દરેક સગાઈથી ઊંચી અને સર્વોત્તમ લોહીની સગાઈ હોય છે. ગમે તે થાય પણ જમણો હાથ મોં ભણી જ જાય એ સત્ય છે.
પુત્રને લીધે પુત નામના નરકથી મુક્તિ મળે છે. પુત્ર નરકથી તારે છે તેથી એ પુત્ર કહેવાય છે. માટે પુત્રની કામના કરવામાં આવે છે. શિવ મહાપુરાણમાં પુત્રનું મહાત્મ્ય કરાયું છે. વરાહ મહાપુરાણમાં સ્વર્ગપ્રાપ્તિ માટે પુત્રને અનિવાર્ય ગણાવ્યો છે. પદ્મપુરાણ, સ્કંદ મહાપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, ગણેશપુરાણ, ગરુડપુરાણ, મત્સ્યપુરાણ તેમ જ શ્રીમદ્‍ ભાગવત પુરાણમાં પુત્રપ્રાપ્તિનું મહત્વ ખુબ જ દર્શાવ્યું છે. આમ કન્યાની કામના કરાતી પરંતુ મહત્વ તો પુત્રનું જ હતું. માટે કહેવત પડી સીદીબાઈને સીદકા વહાલાં.
ભરતને રાજગાદી મળે તે માટે કૈકેઇએ દશરથ પાસે માંગેલા વચનો માની આંધળી મમતા બતાવે છે, જે સૌને યાદ છે. અંધ ધૃતરાષ્ટ્રના, આંધળા પુત્રપ્રેમને લીધે જ મહાભારત સર્જાયું હતું. આજે પણ કેટલીક મા પુત્રપ્રેમમાં આંધળી બનીને પતિનો પણ ત્યાગ કરતી હોય છે. વળી પુત્રના અવગુણોને આંખ આડા કાન કરીને તેની પડખે રહેતી હોય છે. આમ આંધળો પ્રેમ ક્યારેક વિનાશ સર્જે છે. બ્લડ ઇઝ થીકર ધેન વોટર એ વાત તો સાચી જ છે. આજે રાજકારણમાં પણ સીદીભાઈને સીદકા વહાલાં એ કહેવત સાચી પડતી જોવા મળે છે.
સંયુક્ત પરિવારમાં જ્યારે બે ભાઇનો પરિવાર સાથે રહેતો હોય અને એક ભાઈ બંનેના બાળકોને કંઈ વહેંચતો હોય તો હાથમાં આંટી પડ્યા વગર રહેતી નથી. સારી અને વધુ વસ્તુવાળો હાથ પોતાના બાળક ભણી જાય છે. આ સદીઓથી ચાલી આવતું સત્ય છે.
માનો પ્રેમ તો આજે પણ અડીખમ હોય છે પણ બાળકનો, સીદકાનો એ પ્રેમ હવે ક્યાં જોવા મળે છે? વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મૂકી આવનાર પુત્રોમાં એ અસ્મિતા હવે ક્યાં છે? મા-બાપની વેદના જોનાર એ સંતાન હવે ક્યાં છે? તેની એક સત્ય ઘટના કહેવી છે. વીસ વર્ષ પહેલાં અમદાવાદના ઘરડાઘરનો બનેલો આ કિસ્સો છે. વિધવા માને દીકરો-વહુ ઘરડાઘરમાં મૂકી આવ્યા હતાં. ઘરડાઘરમાં લોકો પુણ્ય કરવાનાં હેતુથી સાબુ, બિસ્કીટ, ફળ, શેમ્પૂ જેવી રોજીંદી ઉપયોગી વસ્તુઓ, વાર તહેવારે ઘરડાઘરમાં વહેંચતા હોય છે. આ માજી બિસ્કીટ, ચવાણું પોતે ના ખાય અને એક થેલીમાં સંગ્રહ કરે. રવિવારે વૃદ્ધો બહાર જઇ શકતા. એક રવિવારે આ માજી થેલી લઈને બહાર જતા હતા. તેમની થેલી પડી ગઈ. અંદરથી ખાવાની ચીજો ઢોળાઇ ગઈ. પૂછપરછ કરતાં તેમની આંખમાં ઝળઝળિયા આવી ગયાં. જવાબમાં તેમણે કહ્યું હું મારા પૌત્ર-પૌત્રી માટે લઇ જઉ છું. મા જરૂર પડે તેનું કાળજું કાઢીને પણ આપી દે. સીદીબાઈને તેના સીદકા ઘરડાઘરમાં બેઠા બેઠા પણ વહાલાં હોય છે. માનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોય છે. એક લોહી છે ને?
કોઈ કલાકારને તેની કલા માટે, કારીગરને તેની કૃતિ માટે, રચનાકારને તેની રચના માટે, ઘટના ઘડનાર કુંભારને માટીના ઘડાની સુંદરતા માટે કે સર્જકને તેના સર્જન માટે પૂછો, તો એ શું જવાબ આપશે? સીદી બાઇને સીદકા વહાલાં!