ચોપાસ -5


આજે અમે મઠ જોવા જવાના હતા સિક્કિમમાં ખુબ મઠો આવેલા છે. સિક્કિમના મઠો જોઈએ ત્યારે થાય   
અહીં હવા માત્ર સ્વચ્છ નથી પણ  નિર્મળ  પણ છે. થાય આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઇ નિર્મળ હવાથી ફેફસાં ચિક્કાર ભરી લઈએ.. . .ડુંગરામાંથી ધસમસતા પાણીના ધોધનાં ફીણ સપાટી પર તરતા  તમારા તરફ  આવે  ત્યારે  ઠંડા પાણીને સ્પર્શ કરવાનું એવું  મન થાય જાણે કદી પાણી જોયું જ  નથી ….આકાશ જાણે અચરજનું લાગે અને થાય આંખોમાં ભરાય એટલું  ભરી લો,, પાછું આવું ક્યાં  મળશે ? કાંચનજંઘાની સફેદ પહાડીઓ એવું મનને પ્રફુલ્લિત કરી દે…તમને થયેલ આહ્લાદક અનુભવ અને અલૌકિક અનુભૂતિરૂપી ‘દ્રશ્ય ને બાકી રહી ગયું  તેમ કેમરામાં  ક્લિક ક્લિક કરી ઝડપવા મંડીએ.

ચોપાસ એટલે ચારે કોર ચારે બાજુ, ચારે તરફ…સિક્કિમમાં પણ એવું જ ચારે કોર બસ કુદરતી સૌંદર્ય,….સિક્કિમ ના ચોપાસ સૌંદર્યને માણતા  ઈશ્વર પક્ષપાતી હોવાની શંકા થાય ખરી. આપણો જીવ બળે કે ઈશ્વરે અહીં  ખોબેખોબે સૌદર્ય આપ્યું અને આપણને ‘વધ્યું ઘટ્યું’! આપણે આશ્વાસન લેવાનું કે અમારા તો માત્ર ભૌતિક સમૃદ્ધિ ,સાચું કહું બુદ્ધના મઠો ને જોયા ત્યારે થયું સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિકતા પણ  ઈશ્વરે અહીં જ  વેરી…. 

કોઈ પણ અજાણ્યા દેશને કે અજાણી જગ્યાને ત્રણ ચાર દિવસની  ઉપર છલ્લી મુલાકાતમાં ઓળખવું કે જાણવું મુશ્કેલ છે. પણ જેમ્સ અમારો ડ્રાયવર એવી વાતો કરતો કે અમે સિક્કિમને ખુબ જાણી અને માણી શક્યા, વાતો પણ એવી કરે કે આપણને શરમાવી દે,તે દિવસે જેમ્સે અમને કહ્યું જ્યાંત્યા કચરો નહિ ફેંકતા, આ ભૂમિ ઈશ્વરની સૌગાત છે ! એક આઠ ચોપડી ભણેલો ડ્રાયવર ની આટલી સજાગતા ? અમે અમારી ભૂમિને સ્વચ્છ રાખીએ છીએ. અને બોલ્યો  ઈશ્વરે જે કંઈ આપ્યું એને નિભાવવું અને એને નિખારવું તો માણસના હાથમાં છે ને? 

સિક્કીમ બીજા પહાડી હિલ સ્ટેસશન જેવું જ સુંદર। …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં આંખોને તેવા  દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ, ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..ચોપાસ  દેખાતા સ્વચ્છ રસ્તાને જોતા મને વિચાર આવ્યો,ઈશ્વરે કોને કેટલી ભૌતિક સમૃદ્ધિ અને સૌન્દર્ય આપ્યાં એનો હિસાબ માડવા કરતાં કોણે કેટલું સાચવ્યું કે કોણે કેવું નિખાર્યું એનો હિસાબ માંડીએ તો ?  આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી બે ફિકર છે, ત્યારે સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે…ઓર્ગેનિક બધું જ હવા પાણી અને ખોરાક।

ઈશ્વરે આપેલી આ કુદરતી બક્ષિશનાં વખાણ નથી કરવાં, મારે માણસને બિરદાવવો છે. મારે દુનિયાની આ સૌંદર્યનું વર્ણન નથી કરવું પણ આ સૌંદર્યનું  જતન કરતા હા..આ  પહાડી લોકોને સલામ કરવી છે, કુદરતી સૌદર્યની માવજત કરતા માણસને સલામ કરવી છે. બાકી જ્યાં ત્યાં પ્લાસ્ટિક નો કચરો જોઉં છું  ત્યારે થાય છે આ ક્યાં અટકશે ?

ઈશ્વરે સમજીને જ આપણને  ભેટ નથી આપી. ​અને કોન્ક્રીટ જંગલો આપ્યા છે પણ એને પણ ક્યાં સાચવીએ છે ?​આપણે ​બિલ્ડિંગના ચાર પગથિયાં નથી સાચવી શકતા … ​પાનની પિચકારી મારી ચીતરી નાખીયે છીએ ને ? ત્યારે કુદરતને ​ ક્યાંથી સાચવી​ ​શકવાના?  પ્લાસ્ટિક,ડિસ્પોઝેબલ, ફોન અને કોમ્પ્યુટરનો કચરો બસ ખડકી  દીધો છે. 
​પહાડી ​ જિંદાદિલ અને ખેલદિલ પ્રજા સંપીને ​કુદરતની માત્ર સંભાળ જ નથી લેતી, સામે ​કુદરતી વાવી ​ઘણું ઘણું ​પાછું ​આપીને ઈશ્વરે આપેલ ભેટનો હિસાબ સરભર કરે છે.જ્યાં ત્યાં તમે સિક્કિમમાં લાલ પીળા ઝંડા ફરકેલા  જોશો..ૐ શબ્દ અહીં ચોપાસ વસેલો છે.ગોળ ગોળ ફરતા યંત્રમાં ૐનો નાદ છે,આ ​બીજું કહી નહિ  અસૂર સામે કદિ ન હારવાના ​અહીંના ​માણસના મનસૂબાનું એક પ્રતીક​…છે.

અમારા વિચારોને તોડતો જેમ્સ બોલ્યો મઠ આવી ગયું છે. અહીં થી ઉપર તમારે જાતે ચાલીને જવું પડશે મેં કહ્યું આતો ખુબ ઊંચો ઢળાવ છે ગાડી ઉપર લઇ લઈ લે ને ? ભગવાન સહેલાઈ થી નથી મળતો, દર્શન કરી આવો, અમે બુદ્ધ મઠમાં થોડીવાર શાંત ચિત્તે ઇસ્વરમાં દયાન પરોવી​ ​બેઠા ​પણ ​અનેક વાજિંત્રો સાથે બોલતા મંત્રો ચાર વચ્ચે પણ મન સ્થિર ન થયું​.અંત:ચક્ષુ સમક્ષ યાત્રાની અનેક છબી ઉપસી આવી પણ વધુ તો જેમ્સની વાતો અને ​ વિચારોએ અમને ચોપાસ ઘેર્યા​.​ વાત​ ​જીવન મૂલ્યોને ઓળખવાની​ છે. ક્યાં આપણી આધુનિકતા અને ક્યાં આ ભાવુક્તાથી ધબકતા લોકો ? કુદરત અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ ​બધું જોયા પછી થયું આપણે બે ડગલાં આગળ કે પાછળ ?……​