‘ના હોય’-(7)કલ્પનાબેન રઘુ શાહ

‘ના હોય’ એટલે આ શક્ય જ નથી. આવું તો કાંઇ હોતુ હશે? રોજીંદા જીવનમાં અવારનવાર ‘ના હોય’ શબ્દપ્રયોગ દરેક જણ કરતાં હોય છે. અને શું વાત કરો છો? ‘ના હોય’ સાંભળવા મળે છે.

સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ‘ના હોય’ શબ્દનો જન્મ થયો છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને પછી અત્યારે કળિયુગમાં ‘ના હોય’ શબ્દ બોલાતો આવ્યો છે. સતયુગમાં જે ઘટના બની એ ગ્રંથોમાં આજે વાંચીએ કે સાંભળીએ તો લાગશે … શું ખરેખર આવું હતું? ‘ના હોય’. એજ રીતે ત્રેતા અને દ્વાપર યુગમાં જયારે રામ-કૃષ્ણ થઇ ગયાં, એ મંત્ર-તંત્રના યુગમાં જે બની ગયું એ કાલ્પનીક જ લાગે અને બોલાઇ જાય ‘ના હોય’. ભાગવતજીમાં દ્વાપરયુગના અંતમાં શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના પૂછવા પર કળિયુગનાં લક્ષણોનું વર્ણન કરે છે અને એ વખતે જેણે પણ સાંભળ્યું હશે તેનાથી બોલાઇ ગયું હશે, ‘ના હોય’ અને અત્યારે જયારે કળિયુગ હજુ તો ભાખોડિયા ભરી રહ્યો છે, અને એ બધું જ સાચુ પડી રહ્યું છે. ના બનવાનું બની રહ્યું છે આ મશીનયુગમાં, ત્યારે નાના-મોટા સૌ બોલી ઉઠે છે, ‘ના હોય’.

આધુનિકતાની ઉપજ એટલે ‘ના હોય’. આજે યાને ‘મંગળ’ પર ઉતરાણ કર્યું … સાંભળીને સ્વાભાવિક બોલાઇ જાય … ‘ના હોય’. આજે વિજ્ઞાનનાં ખેતરમાં કેટલોય ‘ના હોય’નો પાક લણવામાં આવી રહ્યો છે. દર મીનીટે ‘ના હોય’ની મબલખ પેદાશ જોરશોરથી વધે છે. થોડાકજ સમયમાં વર્તમાનની શોધ ભૂતકાળ બની જાય છે. અને માનવ જીવન હોય-ના હોયનાં ચકરાવામાં વમળ લેતું થઇ ગયું છે.

વૈશ્વિક સ્તરે ગ્લોબલ ચેન્જીસ આવે છે. ‘શિયાળે શિતળ વા વાય, પાન ખરે, ઘઉં પેદા થાય’, આ લોકોકિત ખોટી પડે ત્યારે બોલાઇ જાય … ‘ના હોય’. જયારે ભર તડકામાં વરસાદ વરસે અને શીયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડી લાગે, કમોસમે માવઠું થાય, બારે માસ તમામ ફળ-ફૂલ મળે, આમ કુદરત પણ બદલાઇ જાય ત્યારે ઉદ્‍ગાર સરી પડે, ‘ના હોય’.

 • અનિયમિત લાઇફ સ્ટાઇલને કારણે દિકરો, બાપની કાંધે જાય ત્યારે … ‘ના હોય’ બોલાઇ જાય,
 • નિયમિત જીવનાર વ્યક્તિનું અચાનક હ્રદય બંધ પડી જાય ત્યારે તરત બોલાઇ જાય …
 • જયારે નાની ઉંમરે મા-બાપનું મૃત્યુ થાય ત્યારે …
 • જયારે અકાળે કોઇ મહાવ્યાધિ આવે ત્યારે …
 • જયારે રાતોરાત રોડપતિ, કરોડપતિ બની જાય અને કરોડપતિ રોડપતિ બની જાય ત્યારે …
 • આખી જીંદગી ખરાબ કર્મો કરનાર સુખેથી જીવતો જોવા મળે ત્યારે … અરે! તેનું મોત પણ સુંદર રીતે આવે ત્યારે …
 • જયારે દેવ જેવો માનવ, દાનવ બની જાય અને દાનવ જેવો દેવ ત્યારે …
 • જયારે સંબંધોનાં સમીકરણો અને સંબંધોની વ્યાખ્યા બદલાઇ જાય ત્યારે … કહોને ફૂલ વાવો અને બાવળ ઉગે ત્યારે …
 • સંબંધોમાં વ્યક્તિનાં મૃત્યુ પહેલાં સંબંધો મરે ત્યારે …
 • જયારે માવતર કમાવતર થાય અને પૂત કપૂત થાય ત્યારે …
 • જયારે સાંભળવા મળે, ફલાણા મા-બાપને તેના છોકરાં-વહુએ તેમનાજ ઘરમાંથી કાઢી મૂકયા …
 • જીવન આખુ બીજા માટે ખર્ચો અને નસીબ જશ ના આપે ત્યારે …
 • જયારે કાગડો દહીથરૂ લઇ જાય ત્યારે …
 • પૈસા ખાતર શરીર વેચાય ત્યારે …
 • ૮૪ વર્ષની મહીલાનાં ગર્ભમાં ૪૪ વર્ષનું બાળક મરેલુ નીકળે ત્યારે …
 • ૯૬ વર્ષનાં દાદા, બાપ બને ત્યારે …
 • કયારેક મૃત્યુ પામેલાં માણસનું ભૂત અચાનક સામે જોવા મળી જાય …
 • અરે! સ્મશાનમાં મડદુ અચાનક બેઠું થઇ જાય …
 • લગ્નનાં ૫૦ વર્ષ પછી છૂટાછેડા … !!!

ટૂંકમાં ના બનવાનું બને ત્યારે … નકારાત્મકની જેમ હકારાત્મક ઘટના માટે પણ ‘ના હોય’ બોલાઇ જાય છે.

 • જયારે વગર આવડતે માણસ સિધ્ધિની ટોચે બિરાજે ત્યારે …
 • ના ધારેલી સફળતા મળી જાય ત્યારે …
 • કોઇને મોટી રકમની લૉટરી લાગે ત્યારે …
 • કોઇ ગરીબ ભણીને મોટા હોદ્દા પર પહોંચે ત્યારે …
 • ભરપેટ જમ્યા પછી ૫ લાડવા ખાઇ શકે … ‘ના હોય’

અહીં થોડી ઘટનાઓનો હું ઉલ્લેખ કરવા માંગુ છું …

 • એક બાળક ઘરમાં ઓછું બોલે, પણ વકૃત્તવ સ્પર્ધામાં પ્રથમ આવ્યો. સહુ બોલી ઉઠયા … ‘ના હોય’.
 • એક વાસ્તુના પ્રસંગે રસોઇમાં રસોઇયાએ લાડવામાં બુરૂખાંડ ના બદલે ભૂલમાં મીઠું નાંખ્યું. શું હાલત થાય… ‘ના હોય’.
 • એક ડૉકટર તેના ફીઝીશીયન મિત્રને મળવા જાય છે. ફીઝીશીયન કહે છે, બહુ વખતથી તારો કાર્ડીઓગ્રામ લીધો નથી. ચાલ સૂઇ જા. કાર્ડીઓગ્રામ લેવો શરૂ કરે છે. મોનીટર પર ધ્યાન જાય છે. તો શું જુએ છે? ડૉકટર મૃત્યુ પામેલા હતા … શું વાત કરો છો? … ‘ના હોય’.
 • એક માણસે મધરાતે આપઘાત કરવા માટે ૩ માળ ઉપરથી ભૂસકો માર્યો. ધબાકો થયો … એ તો ઉભો થઇને પાછો ઉપર સીડી ચઢીને ગયો. પરંતુ જેના પર પડયો તેના રામ રમી ગયા … ‘ના હોય’. અને એક વ્યક્તિ ત્રણ પગથિયા પરથી પડયો અને મરી ગયો … ‘ના હોય’.

આમ આ યુગમાં ગાય પણ ઘાસના બદલે પ્લાસ્ટીક ખાતી થઇ ગઇ છે. કુદરતની સાથે પશુ-પક્ષી અને માનવ પણ બદલાયો છે. માનવજીવન વાડા વગરનુ બની ગયુ છે. ટૂંકમાં કોઇ નીતિ નિયમ રહ્યા નથી.વૈશ્વિક ચેતના વિકસી રહી છે. તેમાં સામાજીક બંધન અવરોધરૂપ બને છે. લગ્ન વ્યવસ્થા ભાંગી પડી છે. આ વાત પર પ્રકાશ પાડતુ એક નાનકડુ રૂપક રજૂ કરૂં છું.

અમદાવાદના મંદિરનાં ઓટલે બે ડોશી શાંતા અને ગંગા વાત કરે છે.

શાંતાઃ સવિતાનાં ઘરમાં તો આખી દુનિયા વસી છે!

ગંગાઃ હેં! ‘ના હોય’

શાંતાઃ સાંભળ તો ખરી. એ પોતે બ્રાહ્મણ. એને સાત છોકરાં. એક મદ્રાસીને, એક પંજાબીને, એક સીન્ધીને, બે અમેરીકા છે તે એક અમેરીકનને અને એક ચીન્કીને પરણ્યો અને એ પરણ્યો ત્યારે તેની વહુને સાતમો મહિનો જતો હતો.

ગંગાઃ હેં! શું વાત કરે છે! ‘ના હોય’

શાંતાઃ અરે સાંભળ તો ખરી … એક છોકરો નાતમાં પરણ્યો અને પેલો નાનો નરેશ તો કહે, મારે તો મારા ભાઇબંધ મહેશ હારેજ પરણવું છે

ગંગાઃ હાય, હાય! ‘ના હોય’, શું વાત કરે છે! છોકરો થઇને છોકરાને પરણે? ‘ના હોય’ … શું કળજુગ છે … !!!

શાંતાઃ અરે શું ‘ના હોય’ ‘ના હોય’ કયારની રટે છે. હવે તો બધું આમજ હોય અને આજ હોય.

ગંગાઃ તે હેં શાંતા, ભલેને નરેશ, મહેશ સાથે પરણે. બળ્યું આમ વિચારીએ તો ખોટું શું? છોકરાં ના થાય એજને!!! છોકરાં તો આમેય આજની છોકરીઓને ક્યાં કરવા છે? પૈસા કમાય અને ફીગર સાચવે. છોકરાં તો હવે તૈયાર લઇ આવે છે. આ વિજ્ઞાને તો દાટ વાળ્યો છે. આમેય છોકરો-વહુ બન્ને ઘરનું અને બહારનું કામ વહેંચીને કરતાં હોય તો બે છોકરી પરણે કે બે છોકરાં પરણે, આપણને શું ફેર પડે?

શાંતાઃ વાત અલી, સો ટકા સોનાની, હાવ હાચી. મને આ તારી વાતમાં દમ લાગ્યો. મારી વહુ, જોને છોકરા કરતાં વધારે કમાય છે. આમેય મને પાણીનો પ્યાલોય નથી આપતી. તો એને છોકરો ગમે કે છોકરી, જેની હારે રહેવું હોય એને પૈણે, આપણને હું ફેર પડે છે. આજકાલ તો છોકરાના મા-બાપ છતે છોકરે વાંઢા છે. અને વહુરોના મા-બાપ રાજ કરે છે. હવે તો છોકરી નહીં છોકરાં વળાવવાનો જમાનો આવ્યો છે … હાચું ને … હવે બોલ, ‘ના હોય’.

ગંગાઃ હાચુ, હાચુ, આ જમાનામાં હંધુય બની શકે. બધુંજ ‘ના હોય’ ‘ના હોય’ નહીં … બધુંજ હોઇ શકે.

શાંતાઃ ચલને અલી આજે દશેરા છેને? ફાફડા-જલેબી ના ખાઇએ એ કેમ ચાલે? ચાલ ખાવા જઇએ … વહુ પાછી ખાવા નહીં દે.

ગંગાઃ ‘ના હોય’ તારી વહુ ખાવા ના દે એવી નથી.

શાંતાઃ કેમ ભૂલી ગઇ? ડાયાબીટીસ …

ગંગાઃ હા … હા … હા!!! ચાલ ચાલ, વરસાદ પડતો હોય અને દાળવડા-ભજીયા ‘ના હોય’ એતો નાજ ચાલે … હાવ હાચી વાત …

અને છેલ્લે એવા દર્શકો કે વાચકગણ કયાં કે જયાં તાળીઓ ‘ના હોય’ … હોય … હોય ને હોય …

કલ્પના રઘુ