હેલીના માણસ – 20 | ભીતરના ઘા | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ – 20- ‘ભીતરના ઘા’   એની 19મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

 

એની આંખોમાં હું સમાયો છું,

ત્યારથી ચોતરફ છવાયો છું!

 

આયનાનેય જાણ ક્યાં થઈ છે,

છેક ભીતરથી હું ઘવાયો છું!

 

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,

હું મરણ બાદ ઓળખાયો છું!

 

જે મળે તે બધા કહે છે મને,

તારા કરતાં તો હું સવાયો છું!

 

એના નામે જ હું વગોવાયો

જેના હોઠે સતત ગવાયો છું!

 

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,

હું જ આ કબ્રમાં દટાયો છું!

 

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,

એટલી નામના કમાયો છું!

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

માણસ જ્યારે પ્રસિધ્ધિના શિખર પર સવાર થાય ત્યારે તેને સતત જુદા જ માહોલમાં રહેવાની ટેવ પડી જતી હોય છે. દુનિયા આખી બદલાઈ જાય છે. આવામાં આજુબાજુ વાહ વાહ કરનાર ટોળકી ફરતી રહે છે અને સતત તેનાં વખાણ કર્યા કરે છે. પોતે મૂળ કોણ છે? કેવો છે? તે સદંતર ભુલીને નવી દુનિયામાં રાચવાનું તેને રાસ આવી જાય છે. જ્યાં સુધી પ્રસિધ્ધિમાં હોય, લોકોની આંખનો તારો બનીને રહેતો હોય ત્યાં સુધી તે સર્વત્ર છવાઈ જાય છે. દુનિયાના લોકોને તે ખૂબ સુખી લાગે છે, યશસ્વી લાગે છે. આવી વ્યક્તિને પણ મનના કોઈ ખૂણે, એકાદ એવો પ્રસંગ ધરબાઈને પડ્યો હોય છે. જેને લીધે ઘવાયેલું મન એને જંપવા નથી દેતું અને બહાર સૌ તેનાથી અજાણ હોય છે. એ ઘવાયેલા મનનું પ્રતિબિંબ તો અરીસામાં પણ ન દેખાય ને! 

આયનાનેય જાણ ક્યાં થઈ છે,

છેક ભીતરથી હું ઘવાયો છું!

ભાગ્યશાળી હોય તેને  પ્રસિધ્ધિ જીવનમાં મળે છે. જ્યારે કેટલાક એવા પણ હોય છે. જેમણે સખત મહેનત અને સારી કામગીરી કરી હોય છે પણ જીવનભર તેમને તેનો યોગ્ય બદલો કે ઓળખ નથી મળતી. આવી વ્યક્તિ અંદરથી ઘવાઈ જાય છે. તેની શક્તિ હણાઈ જાય છે. અપેક્ષાઓ મરી પરિવારે છે. તે પોતાને સાવ અલિપ્ત કરી નાખે છે. કારણ કે, બહાર નીકળે તો આસપાસના લોકો તેની ઉડાવતા હોય તેવું તેને લાગે છે જાણે તેઓ કહેતા ન હોય ‘ તું તો કંઈ નથી અમે બધા તારાથી ચડિયાતા છીએ સવાયા છીએ. 

જે મળે તે બધા કહે છે મને,

તારા કરતાં તો હું સવાયો છું!

કેટલાક કિસ્સામાં તો એવું પણ બને છે કે, ગમે તેટલાં સારાં કાર્યો કરે. બીજા માટે ઘણું બધું કરે પણ જાણે કિસ્મત સાથ જ ન આપે અને પુરા જીવન દરમ્યાન તેની કામગીરીની કોઈ નોંધ લેવાય જ નહીં. તેણે કરેલી કુરબાનીની કોઈને જાણ નથી હોતી. મૃત્યુ બાદ જ તેનું કામ વખણાય છે અને તેની ઓળખ પણ થાય છે. આ શેર વાંચીને આપણને થાય કે, કદર તો સમયસર થવી જોઈએ ખરું ને? મૃત્યુ પછીની કદર શું કામની? 

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,

હું મરણ બાદ ઓળખાયો છું!

આવી કમનસીબ વ્યક્તિ જીવતી હોય ત્યારે તેને તુચ્છ સમજીને દરેક જણ તેને એવો અહેસાસ પણ કરાવે છે. એટલે સૌ તેને ચડિયાતા લાગે છે. તેની કામગીરીથી પ્રભાવિત થનાર સૌ પણ જાણે તેને માટે ગમે તેવી વાતો કરીને વગોવે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં તે પોતાને અસહાય સમજે છે. જીવતર જાણે ઝેર બની જાય છે. અને જાણે જીવતે મરવાના વિચાર આવે ત્યારે આ શેર અનાયાસ જ તેના મુખેથી સરી પડતો હશે. 

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,

હું જ આ કબ્રમાં દટાયો છું!

કોઈ વ્યક્તિ પ્રગતિના પંથને સડસડાટ પાર કરી જાય છે. એને ક્યાંય કોઈ નડતર રોકતું નથી અને તે એક પછી એક સફળતાના શિખરો સર કરતી જાય. આવી વ્યક્તિ પોતાના નવા સ્થાને પહોંચીને, નવી નામના  મેળવીને, એ સદંતર ભૂલી જાય છે કે, ખરેખર પોતે છે કોણ? 

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,

એટલી નામના કમાયો છું!

આપણાંમાં એક કહેવત છે કે, ‘જીવતે ના જોયાં ને મુએ ખૂબ રોયાં. જ્યારે માણસ હયાત હોય ત્યારે તેની અવગણના કરીએ એનું મન ના સાચવીએ અને મરે પછી ગમે તેટલું રડીએ શો ફાયદો? કદર તો સમયસર થવી જ જોઈએ તો જ તેનું મુલ્ય. એ વાત સહજ રીતે સમજાવતી  આ ગઝલ આપને કેવી લાગી?

ફરીથી આવી જ ભાવવાહી ગઝલ લઈને મળીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

 

હેલીના માણસ – 19 | જિંદગી હાંફે તો? | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો.

હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -19 જિંદગી હાંફે તો? એની 18મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

એ આવશે, નહીં તો એ બોલાવશે મને, 

મારે તો શું છે, બેઉ રીતે ફાવશે મને!

 

મારું અનુકરણ કરી જીવે છે જે હવે, 

એ જિંદગીની ફિલસૂફી સમજાવશે મને! 

 

તરસ્યો હતો, પણ ધાર્યું નહોતું કે આ તરસ, 

આ લોહીભર્યાં આંસુઓ પીવડાવશે મને! 

 

છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,

ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને, 

 

લાગે છે ગાંડીતૂર આ પાણીની ઝંખના, 

સૂકી નદીની રેત પર દોડાવશે મને! 

 

બહેકી જવું તો ના ગમે મારા મિજાજને, 

શાયદ એની નજર હવે બહેકાવશે મને! 

 

આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ, 

સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

ઘરમાં વડિલો અને માતાપિતા બાળકોને નાની નાની વાતોમાં સમજ આપતાં હોય છે કે, આમ થાય અને આમ ના થાય, તેમજ શા માટે તેમ કરવું જોઈએ તેનાથી શું નુકસાન થાય કે, ફાયદો થાય તે પણ સમજાવતાં હોય છે. બાળકો આ બધી સલાહ માને કે, ના માને પણ યાદ જરૂર રાખતાં હોય છે. અને જો ભૂલેચૂકે આપણાથી એવું કોઈ વર્તન થાય તો તરત જ આપણી ફિલસૂફી આપણને પાછી પધરાવશે. બાળકો જ શા માટે આપણાં સંપર્કમાં આવનાર ઘણાં લોકો પણ પહેલાં આપણી પાસે જે શીખ્યા હોય તે જ બાબતની આપણને સલાહ આપતાં હોય છે! સંયુક્ત પરિવારમાં રહેનારા તમામ સામાન્ય રીતે ‘ફાવશે નીતિ’ અપનાવતા હોય છે. કારણ કે, સૌનું ધારેલું થાય તે તો શક્ય જ નથી તો વળી એ બાબત રોજનો ટંટો થાય તે પણ ન ચાલે. એટલે ‘ફાવશે નીતિ’ એ જ જિંદગીની મઝા છે અને જિંદગીની ફિલસૂફી પણ  છે. 

પ્રગતિ કરવી એ તો સારી વાત છે. એને માટે મોટાં સપનાં જોવાં પણ જરૂરી હોય છે. પરંતુ આમ કરવાની એક હદ પણ વિચારવી પડે. વધુ પડતી અપેક્ષાઓ રાખી તો લઈએ પણ તે પ્રાપ્ત કરવા માટે ઘણીવાર લોહીનાં આંસુએ રડવાનું થાય છે. એને પ્રાપ્ત કરવા માટે એટલી મોટી કિંમત ચૂકવવી પડે છે કે, મળતર કરતાં જાણે વળતર વધી જાય! જે પ્રાપ્તિ થઈ તેનાં કરતાં ગુમાવવાનું ઘણું વધારે થાય. આ સંજોગોમાં માણસ થાકી જાય છે, હારી જાય છે. છેવટે તો એવું લાગે છે જાણે ખુદ જિંદગી હાંફી જાય છે. આપણે થાકીએ તો જિંદગી મુશ્કેલ લાગે પણ જો જિંદગી જ થાકે પછી તો સામે ઉભું હોય મોત! કવિ કહે છે. 

છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,

ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને, 

કોઈ  પગપાળા પ્રવાસે નિકળ્યું હોય, સાથે રાખેલું પાણી પતી ગયું હોય અને જબરદસ્ત તરસ લાગી હોય. એવામાં જો નદી નજરે પડે તો પાણીની આશામાં એ તે તરફ દોડવા માંડશે. પછી ભલેને નદી કિનારે તપતી રેતીમાં દોડવું પડે અને તે દઝાડે! તરસ્યાને પાણીની ઝંખના ગમે તેવું સાહસ કરવા પ્રેરે છે. બહેકી જવા માટે કંઈ નશો કરવો પડે તે જરૂરી નથી હોતું. ઘણીવાર સ્વભાવગત્ ઘણાંને પુષ્કળ બોલવાની ટેવ હોય છે. તેઓ એકવાર બોલવાનું ચાલુ કરે પછી બસ બહેકી જાય અને બીજા સાંભળે કે ના સાંભળે અસ્ખલિત વાણી પ્રવાહ ચાલુ રાખે. ઘણાંને બીજાની હાજરીમાં ગુસ્સો કરવાની મઝા આવે છે. એકલાં હોય ત્યારે તો કોઈ સાંભળનાર ન હોય એટલે શાંત રહે ને માણસો જુએ એટલે એ નજરથી જાણે એ બહેકે! 

બહેકી જવું તો ના ગમે મારા મિજાજને, 

શાયદ એની નજર હવે બહેકાવશે મને! 

પતિ પત્ની હોય કે પ્રેમીઓ તેઓ જ્યારે એકબીજાની રૂબરૂ હોય ત્યારે એક બીજાથી રિસાય પણ ખરાં, ખિજાય પણ ખરાં. અને નારાજ પણ થાય. માનવ સ્વભાવ માટે એ સહજ છે. દર વખતે મિલન મધુર જ હોય તેવું નથી બનતું. પરંતુ મિલન જો સ્વપ્નમાં થાય તો? તો ન રિસામણાં હોય ન મનામણાં હોય કે, ના ગુસ્સમાં બોલાચાલી થાય. ત્યાં તો બસ! મસ્ત મિજાજ ને મઝાની વાતો! રંગીન મોસમ ને મઝાનો માહોલ! એમાં બહેકી જવાનું અને ગમતા સાથમાં મહેકી જવાનું! 

આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ, 

સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને! 

આવાં જીવન સાથે સંકળાયેલાં પાસાંઓની સમજ આપતી આ ગઝલ તો સૌને ગમી જાય તેવી જ છે. ખરુંને મિત્રો? આવી જ કોઈ દમદાર, મજેદાર ગઝલને માણીશું અને સમજીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 17 | લાલબત્તી 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -17 એની 16મી ગઝલ અને રસાસ્વાદ. આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,

એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,

પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,

બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,

કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,

આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,

ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ 

કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને તમે અછડતી નજરે જોઈને તેના વિશે અભિપ્રાય બાંધી લો અને પછી એ વ્યક્ત પણ કરો. તો તે વાસ્તવિકતાથી અલગ હોઈ શકે. એના માટે ઝીણવટભરી નજરે નિહાળીને અભ્યાસ કરવો પડે. તો જ સાચો તાગ મેળવી શકાય. 

છંદોબદ્ધ રચના રચવી કંઈ સહેલી નથી. એમાં માત્રાઓની સમજ કેળવવી પડે. વિવિધ છંદોની જાણકારી હોવી જોઈએ. આ બધામાં ખાસ ગણતરી હોય છે જે સમજીને જાળવવી પડે છે. આમાં લઘુ ગુરૂની જાણકારી ખૂબ જરૂરી અને અગત્યની હોય છે. આ બધાનો અભાવ હોય ને છતાં ગઝલ લખવામાં આવે ત્યારે તેમાં લય કે છંદ ના જળવાય અને શેર ન બને. શેરમાંથી તો એક અક્ષર પણ રદ થાય તો છંદ તુટે, લય તુટે. આવા શેરની કંઈ ગઝલ બને? આ વાતને ખલીલ સાહેબ સૌંદર્ય સાથે પણ અદ્ભુત રીતે સાંકળે છે અને કહે છે, પોતાને અલૌકિક સુંદરી માનતી હોય તે યુવતી જ્યારે પોતાના વાળ ચહેરા પર વિખેરીને ઉભી રહે ત્યારે ખબર પડે કે, તેમનું સૌંદર્ય પુનમના ચાંદ જેવું છે કે, પછી વદની અમાસ જેવું! લય વગરનો શેર અને લટ વગરની સુંદરી! ના જામે ખરું ને? 

અમુક વ્યક્તિ પોતાની જાતને અનહદ સમૃદ્ધ અને સધ્ધર માનતી હોય છે. પૈસે ટકે, સુખી હોવાથી સમાજમાં તેનું માન પણ હોય. મોભો પણ હોય. આવા લોકો કેટલીક વાર બીજા સાથે  અભિમાનથી વાત કરતા હોય છે. તેમને તુચ્છતાથી બોલાવતા હોય છે. જાણે પોતે જ કંઈક છે અને બીજા તુચ્છ! આવી વ્યક્તિઓ સામેવાળાની ઉમર કે સગપણની પણ દરકાર નથી કરતા. એમની વાતો મોટી હોય છે. ધર્મ વિશે કે, ધર્મગ્રંથોમાંની વિગતોની પોતાની જાણકારી વિશે તેમને ભારે ગર્વ હોય છે. હકીકતમાં તેઓની આ માન્યતા હોય છે. વાસ્તવિકતા નહીં. ખલીલ સાહેબનો આ શેર, આવી વ્યક્તિઓ સામે ધરેલી લાલબત્તી જેવો છે.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,

બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

કવિ કહે છે, ભાઈ તું પોતે તો તારા ખુદના વિશેના ખોટા ખ્યાલમાં છું. પહેલાં તું તારી જાતને તો ઓળખ. પછી બાઈબલ, કુરાન, ઊપનિષદ જેવા ગ્રંથો સમજવાની વાત કરજે. બીજા એક શેરમાં તેઓ કહે છે કે, જ્યારે કોઈ પોતાની જાતને બહું મહાન સમજવા લાગે ત્યારે બહારની દુનિયામાં નિરિક્ષણ કરીને જોવું જોઈએ. કેવા કેવા સમર્થ વિરલાઓ છે સૃષ્ટિમાં! તેમને નિહાળી તેમની આવડતનો સ્વિકાર કરો. 

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,

કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

વધુ પડતો અહંકાર જ્યારે દિમાગ પર ચડી જાય ત્યારે તેમાંથી છૂટકારો મેળવવા માટે આત્મનિરીક્ષણ કરવું પડે. ખરેખર આપણે છીએ ક્યાં? ખલીલ સાહેબ એનો સુંદર ઉપાય બતાવે છે. કહે છે કે, સવારે ને સાંજે તું તારો પડછાયો જોઈશ તો એનું કદ તો ઉંચું હોવાનું. તું ભર બપોરે સૂરજ જ્યારે માથે ચડે ત્યારે બહાર જઈને ઊભો રહે ને તારું કદ જો! બધો અહંકાર સુકા પાંદડાંની જેમ ખરી પડશે! 

નારાયણ, નારાયણ કરતાં કરતાં ત્રણે લોકમાં ફરવું અને એકબીજાને વાતો પહોંચાડવી. આવી નારદવૃત્તિ ધરાવતા લોકોની ક્યાં કમી છે? તેઓને ઓળખી લેવા જરૂરી છે. કારણ કે, તેઓ ચોરને કહેશે ચોરી કર અને ધણીને કહેશે દોડ પકડ ચોરને! તેમની આવી  વૃત્તિના ભોગ બનીએ તે ન પોષાય. એમાં તો અનેક સાથે સંબંધ બગડે. ઝઘડા થાય, મનદુઃખ થાય અને જીવન ઝેર બની જાય. 

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,

ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

દુન્યવી હરકતોથી હતાશ થઈને, જીવનમાં સાંપડેલી નિષ્ફળતાઓથી વ્યથીત વ્યક્તિ, પોતાને અંધકારમાં ડુબાડી દેતી હોય છે. અને વિચારે  કે, જ્યાં અજવાળું પુરું થાય અને ઘોર અંધકાર છવાયેલો હોય તેવા માહોલમાં હું છું. 

મિત્રો, ખોટા ખ્યાલોમાં રાચતા, રાહ ભટકેલા રાહીને આ ગઝલમાં કવિ રસ્તો બતાવે છે. લાલબત્તી ધરે છે. પછી ભલે તે શેર લખનાર હોય કે, ધર્મગુરૂ હોય. આવી જ પ્રભાવી બીજી એક ગઝલને માણીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

હેલીના માણસ – 16 | વધતી વય અને ઘટતી જિંદગી

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -16 એની 15મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

એક તો આ જિંદગી ઓછી મળી,

એમાં જીવનભરની ખામોશી મળી.

 

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,

ક્યાંક અમને બાતમી ખોટી મળી.

 

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,

પણ હથેળી તો બહુ પોચી મળી !

 

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,

આ નદી તો તીસરી ચોથી મળી !

 

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,

ક્યાંક તારી કારબન કોપી મળી !

 

નીકળ્યો’તો માણસોને શોધવા,

દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

 

હું ખલીલ એવા સમયમાં છું હવે,

જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

 

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ 

જન્મ પછી હર પળે આપણી વય વધતી જાય અને જિંદગી ઘટતી જાય. તો  દરેક વખતે કોઈ ને કોઈ નાની મોટી જવાબદારી આપણી સમક્ષ આવીને ઉભી રહેતી હોય. જેને જવાબદારી નિભાવવાની ટેવ હશે તેને તો ખબર હશે જ કે, કેટલાંય મચી પડીએ છતાં દરેક વખતે કામો બાકી રહી જતાં હોય છે. એક બાજુ વધતી જવાબદારીઓ અને બીજી બાજુ ઘટતી જિંદગી, એ સ્પર્ધામાં જિંદગી ટુંકી પડી જતી હોય છે. દોડી દોડીને પહોંચી વળવા પ્રયત્ન કરીએ ત્યારે પણ કેટલીકવાર સમયસર પહોંચી ના વળાય તો કેટલીકવાર ખબર જ મોડી પડે અને આમ એ જરૂરી કામો કરવાનાં રહી જાય. 

વસ્તુઓનો બાહ્ય દેખાવ જોઈને આપણને આકર્ષક લાગે અને તે ખરીદી લઈએ પણ તે પાછળથી તકલાદી નિકળે, એવું બનતું હોય છે. મિત્રતામાં પણ આવા અનુભવ થતા હોય છે. ઉપરછલ્લી વર્તણૂક જોઈને કોઈ સાથે સંબંધ વધારીએ ત્યારે જેમ જેમ સમય જાય તેમ અસલ જાત દેખાતી જાય ત્યારે આપણને લાગે, અરે! છેક આવું? ખલીલ સાહેબનો આ શેર એ જ સમજાવે છે. 

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,

પણ હથેળી તો બહુ પોચી મળી !

પડોસી, સગાંસંબંધીઓ કે મિત્રો સાથે ઘરોબો કેળવવાની આપણી ઈચ્છા પણ હોય અને જરૂરીયાત પણ હોય છે. આમ કરવામાં જો આપણે ફાવી જઈએ તો આપણે નસીબદાર. નહીં તો એવું બને કે, એક કે બે નહીં ચાર પાંચ વાર જુદા જુદા લોકોને અજમાવી જોઈએ છતાં એક માટે પણ અનુકૂળતા ના લાગે અને આપણે સંબંધોની એ મીઠાશને ઝંખતાં જ રહી જઈએ! ઘણીવાર વ્યક્તિને જોતાં જ લાગે કે, આપણને તે માફક નહીં આવે. આવી વ્યક્તિઓથી દુર રહીને આપણે ભાવી તકલીફોથી બચી શકીએ. પણ કેટલીક વ્યક્તિઓ એવું પારદર્શક વ્યક્તિત્વ ન ધરાવતી હોય તેમની સાથે ઘરોબો થયા પછી ધીમે રહીને, અનુભવે સમજાય કે, આ પણ પેલા લોકોની કાર્બન કોપી જ છે. જેનાથી આપણે બચતા રહ્યા! 

નીકળ્યો’તો માણસોને શોધવા,

દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

આ શેરમાં કવિ સુંદર વાત કહી જાય છે કે, મિત્રતા માટે મારે માણસ જોઈએ પણ આ દુનિયામાં તો કોઈ દાઢીવાળો મુસ્લિમ, કોઈ ચોટી અને તિલકધારી બ્રાહ્મણ તો કોઈ ટોપીધારી રાજકારણી મળે છે. બોલો હવે દોસ્તી કેમ કરવી? કોની સાથે કરવી? અને મિત્રતાની એ મિરાત વગર તો જીવવું કપરું બની જાય. એટલે શોધ તો ચાલુ જ રહે પણ જાણે પુરી ના થાય. એમ કરતાં કરતાં ઘટતી જતી જિંદગી એ પડાવ પર આવીને ઉભી રહે, જ્યાં સૌ સગા સંબંધીઓ પોતાનાં કામમાં, પોતપોતાના સંસારમાં વ્યસ્ત હોય. ત્યારે આપણા એ સૌ સાથીઓની ગેરહાજરી, ‘બિછડે સભી બારી બારી’ જેવી વાસ્તવિકતા સાથે, આપણી  સામે મોં ફાડીને ઉભી રહી હોય ત્યારે કેવી કરૂણતા સર્જાય છે! પહેલાં દરેક વખતે ખુટી પડતો અને હંમેશાં ભાગતો રહેતો સમય પણ હવે જાણે સ્થગિત થઈ જાય છે. અને સમય વ્યતીત કરવો સજા રૂપ લાગે છે. મનના આ ભાવને આ શેરમાં ચોટદાર રીતે રજુ કરવામાં આવ્યો છે. 

હું ખલીલ એવા સમયમાં છું હવે,

જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

સાચે જ આવી એકલતામાં  તો એક એક ક્ષણ, જાણે સદી કરતાંય લાંબી લાગે છે. અને ત્યારે પસાર ન થતા સમયને, મારવો પડે છે! 

મિત્રો, છે ને મઝાની વાત! આપણાં મનમાં ઉભરાતી આવી વાતોને કવિ એક જ ચોટદાર શેરમાં શણગારીને મુકી દે છે. અને એ જ તો કમાલ છે ખલીલ સાહેબની!

આવી જ મઝાની ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 15 | જીવન એક ચકડોળ 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -15 એની 14મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ 

કાચના મહેલોમાં કાગારોળ છે,

પથ્થરોની આંખ પણ તરબોળ છે.

 

કલ્પના સુંદર હતી, રૂડી હતી,

વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

 

રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,

મારું જીવન જાણે કે ચકડોળ છે!

 

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,

એની આંખોમાં નર્યો વંટોળ છે.

 

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?

આ તો મારા ગામની ભૂગોળ છે.

 

ઘાણીએ ફરતો બળદ અટકી જશે,

એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

આપણે ચકડોળમાં બેસીએ ત્યારે આપણી એ સફરમાં અંતર તો કપાતું જ હોય છે. જેમ ઘાંચીની ઘાણીએ, તેલીબિયાં પિસવા માટે બળદ, એકની એક પરીઘ પર સતત ગોળ ફરતો રહે છે તેમ. ઘણીવાર તે આખો દિવસ ફરતો રહે છે. ઘણું અંતર ચાલી નાખે છે. પણ શું તે સ્થળેથી આગળ વધે છે? તે તો ફરી ફરીને પાછો ત્યાં જ આવે છે જ્યાંથી, તેણે ચાલવાનું શરૂ કર્યું હોય. કોઈ ગંતવ્ય સ્થાને પહોંચવાનું નક્કી કર્યા વિના ચાલવું કે, કોઈ લક્ષ્ય ધાર્યા વિના દોડવું, કેટલું વ્યર્થ છે. એની સમજ આપવા માટે આનાથી વધુ બંધબેસતું ઉદાહરણ બીજું ભાગ્યે જ મળે. 

ક્યારેક આપણને એવો વિચાર જરૂર આવી જાય કે, ભવ્ય આવાસોમાં રહેનાર કેવીરીતે રહેતા હશે? કેટલા સુખી હશે! દુઃખ તો ત્યાં ડોકીયું પણ નહીં કરતું હોય. અને તે વિશેની કલ્પનાઓ પણ મનમાં ઉદ્ભવતી હોય છે. અને કલ્પના કરવામાં તો કંજુસાઈ કેવી? આવામાં ઘણીવાર ધારણાઓ એટલી બધી ઊંચી થઈ જાય છે કે, જ્યારે ત્યાં પહોંચીને જોઈએ અને વરવી વાસ્તવિકતાના દર્શન થાય ત્યારે  આપણને આશ્ર્ચર્ય થાય. એ મહાલયમાં રહેનારને એમના પોતાના પ્રશ્નો હોય છે, તકલીફો હોય છે, પોતાનાં દુઃખો હોય છે. તે બધું જોઈને એ કાચના મહેલના પથ્થરો પણ જાણે રડી ઉઠે છે. અને આવી કડવી વાસ્તવિકતાથી દ્રવી ઉઠેલું આપણું દિલ પણ કવિની સાથે જ જાણે બોલી ઉઠે છે. 

કલ્પના સુંદર હતી, રૂડી હતી,

વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

બીજી એક વરવી વાસ્તવિકતા પણ અહીં ઉલ્લેખનીય છે. ચુંટણી ટાણે ઉભેલા તમામ પક્ષના સભ્યો, પોતે ચુંટાશે તો દેશનો અને દેશવાસીઓનો ઉધ્ધાર કરવા, શું શું કરશે તેના કેટકેટલાં વચનો આપે છે. પ્રજાનું જીવન અને દેશની ભુગોળ ફેરવી નાખવાની વાતો દરેક પક્ષ પોતપોતાની રીતે કરે છે પણ પછી શું હારેલો પક્ષ કે શું સત્તાધારી પક્ષ સૌ નિરાંતે આરામ પર ઉતરી જાય છે અને ભુગોળ ત્યાંની ત્યાં જ રહી જાય છે. પ્રજા પણ જ્યાં હોય ત્યાં રહી જાય. છેવાડાના ગામોમાં તો કોઈ ફેર પડતો જ નથી. બધું જેમનુ તેમ જ રહે છે. કવિ આ શેરમાં કહે છે, 

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?

આ તો મારા ગામની ભૂગોળ છે.

મન રૂપી એરણ પર ક્યારેક એવા ઉંડા ઘા પડી જાય છે કે, વરસોના વહાણાં પણ એ ઘાને રૂઝાવી શકતા નથી. અને એ હોલવાયા વગરની, જીવતી ચિનગારી બનીને દઝાડ્યા કરે છે. આવામાં કેટલાંક વિઘ્નસંતોષીઓ વંટોળ બનીને આવે છે અને આપણાં ઘાને શબ્દો દ્વારા કે વર્તન દ્વારા, ફરીથી દુઝતા કરી દે છે. હવા આપીને જાણે બળતા કરી દે છે. 

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,

એની આંખોમાં નર્યો વંટોળ છે.

આ ગઝલમાં સજાગ થયા વગર, સમજ્યા વગર, સ્થળ નક્કી કર્યા વગર, દોડવું કેટલું વ્યર્થ છે! એ કેટલી સરળ રીતે ઠસાવી દીધું મનમાં! ખરુંને મિત્રો?

આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને ખલીલ સાહેબની શેરિયતને માણીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર હેલીના માણસ – 14 | સનાતન સત્ય 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -14 એની 13મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,

મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,

હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

માત્ર મનમાં ઈચ્છા કરીએ કે મારે જવું છે. અને પછી ઘરમાં જ બેસી રહીએ તો ક્યાંય જવાય ખરું? ના, એને માટે તો ક્યાં જવું છે તે નક્કી કરીને નિકળી પડવું જોઈએ. ઘર સાથે જોડાયેલા રસ્તા પર ચાલતા જઈએ તે પણ આપણાં ગંતવ્ય સ્થાનની દિશા પકડીને ચાલીએ ત્યારે એવું પણ બને કે, કેટલીક કેડીઓ નજરે પડે. એમાંની એક પણ કેડી પર ચાલવું હોય તો ચલાય. પણ તેને બદલે જો ખુદ ચાલીને, નવો રસ્તો કંડારીએ તો? કરી શકાય. હા, એને માટે હિંમત અને સાહસ જોઈએ. કાચાપોચાનું એ કામ નથી. નિરંતર થતી રહેતી નવી નવી શોધો વિશે વિચારીએ તો એ નવી શોધ કરનારની મહત્તા સમજાય. પછી તો એનો ઉપયોગ કરનારાં અનેક હોય. 

ખલીલ સાહેબની ગઝલો પણ અનેક ગઝલકારો માટે માર્ગદર્શક બની રહી છે. તેમની ગઝલો વાંચીને, સમજીને, નવોદિતો ગઝલની દુનિયામાં પગલાં પાડી શકે છે. તેમની ગઝલમાં રદિફ અને કાફિયાની પસંદગી ગજબની હોય! જાણે તેમને માટે રમત હોય તેવી સહજતાથી તેઓ આખી વાતને ઊંડાણથી રજુ કરે છે. સાદી વાત લાગતી હોય પણ તેમાં રહેલો ગુઢાર્થ શેરિયત બનીને આપણને ચોંકાવી દે.                     

મુશાયરામાં ગઝલ કહેવાની તેમની અનોખી અદા પણ આપણને માર્ગદર્શન આપે છે, તે વાત આપણે સૌ જાણીએ છીએ. જોઈએ આ શેર. 

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

આખી ગઝલમાં એકાદ શેર નબળો જણાતો હોય તેવી શક્યતા છે. પરંતુ એને નજરઅંદાજ કરીને ગઝલનો અભ્યાસ કરીએ તો ઘણું શીખવા મળે. ઘણીવાર તો આપણને કોઈએ કહેલી એકાદ વાત, મન પર એટલી ઉંડી અસર છોડે છે કે, વારંવાર એ પડઘાતી રહે અને એટલે કદી ભુલાય પણ નહીં. આમાંની કેટલીક વાતો એવી હોય જે આપણને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. આપણાં મનને હકારાત્મકતાથી ભરી દે. તો વળી કોઈએ કહેલી વાત આપણાં આત્મવિશ્વાસને ડગમગાવે એવી પણ હોય છે. તે આપણી પ્રગતિમાં અંતરાય રૂપ હોય  એટલું જ નહીં, તે ઘુમ્મટમાં પડતા પડઘાની જેમ મનમાં સતત ઘુમરાયા કરે છે. એટલે એવી વાતને ભૂલવી જેટલી અઘરી તેટલી જ જરૂરી હોય છે. ભૂલતાં પહેલાં તો તે મનને નિરાશાથી ઘેરી લે છે. આપણી વાતો અને વર્તનમાં પણ હતાશા સ્પષ્ટ દેખાય છે. અને કદાચ એટલે જ આવા શેર રચાઈ જતા હશે! કે, 

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

આ ગઝલના મક્તાના શેરમાં કવિ એક સનાતન સત્યનો નિર્દેશ કરે છે. ગમે તેવા મોટા શાયર હોય, મહેફિલો ગજવતા હોય, એટલે સુધી કે, તેમની રજૂઆત થાય પછી બીજા કોઈની રજુઆત કરવાની હિંમત પણ ના હોય, આવા આલા ગજાના શાયર પણ જ્યારે હાજર ન હોય ત્યારે? ત્યારે તો કવિ માની લે છે કે, આ ફાની દુનિયાને કોઈના હોવા કે, ના હોવાથી ક્યારેય કોઈ ફેર પડતો જ નથી. અને એટલે મહેફિલો તો રાબેતા મુજબ ચાલવાની, ચાલતી જ રહેવાની.  અહીં આપણને આ ગીત યાદ આવી જાય,ખરુને? 

મૈં પલ દો પલકા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ, 

પલ દો પલ મેરી હસ્તિ હૈ, પલ દો પલ મેરી જવાની હૈ. 

મિત્રો, આપણું આ જગત, આપણું અસ્તિત્વ અને આપણાં સંબંધો બધું જ અનિશ્ચિતતાના અગમ ઘેરામાં છે તેનો અહેસાસ કરાવતી આ ગઝલ આપ સોને કેવી લાગી? બીજી એક અનોખી ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

હેલીના માણસ – 13 | આર્ટ ઓફ ગિવીંગ

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -13 એની 12મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

 

ગઝલ :

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,

ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,

જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,

ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,

દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,

એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.

જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ:

પ્રાર્થના કરવી, એ એક ઉમદા કાર્ય છે. ઘણું ઉમદા! કોઈને દુવા આપવી એ પણ એટલું જ ઉમદા! આમાં તો બન્ને પક્ષે લાભ જ હોય છે. જેને માટે પ્રાર્થના કરીએ કે દુવા આપીએ તે તો પામે જ છે પણ ખુદ આપણે પણ જાણે ન્યાલ થઈ જઈએ છીએ! કશુંક આપ્યાનો આનંદ આપણા જહેનમાં ફેલાઈ જાય છે. જે અદ્ભુત હોય છે. આ ગઝલમાં ખલીલ સાહેબ ‘તમને મળે’ એ રદિફ લઈને કંઈ ને કંઈ આપવાનો ઇરાદો દર્શાવે છે. જેને માટે દુવાઓ કરવામાં આવે છે તે તો સાવ અજાણ્યાં છે, સખીઓના વૃંદથી ઘેરાયેલાં છે. સખીઓ તેમનો સાથ છોડે એમ પણ નથી. બસ, હવે માત્ર ઈચ્છા કરી શકાય કે, તે એકલાં મળે. પરંતુ એવી ઈચ્છા તો બન્ને પક્ષે રાખવામાં આવે ત્યારે વાત બને ને? દીવો એક ઘેર બળે ને તેનું અજવાળું બન્નેને મળે, એવું તો ક્યાંથી બને? એને માટે તો એક જ ઘેર કે એક જ સ્થળે બન્નેનું હોવું જરૂરી બને. એ શક્ય કરવાનું કવિના હાથમાં તો છે જ નહીં. હા, એવી દુવા ચોક્કસ કરી શકાય. અને હા, એક બીજી વાત, કોઈને આપણી વસ્તુ કે ધન આપવાનું હોય તો કેવું આપવું? કેટલું આપવું? જેવા પ્રશ્નો ચોક્કસ ઉદ્ભવે. કારણ કંઈ પણ આપવા માટે તે વસ્તુ પહેલાં આપણી પાસે તો હોવી જોઈએ અને તે પણ પ્રચૂર માત્રામાં, તો જ કોઈને આપવાનુ વિચારાય. પણ દુવા તો મન મુકીને અપાય, એમાં ક્યાં કંઈ લેવા જવાનું છે? એમાં વળી ઓછું શું આપવું? એટલે તો કવિ કહે છે, 

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,

ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

ફૂલોમાં રહેલી સઘળી રંગત તમને મળે અને તમારી જિંદગી પણ ફૂલોની જેમ જ મહેકી રહે. જિંદગીમાં કોઈ તકલીફ ન રહે માત્ર ખુશીથી જીવન મહેક્યા કરે! આનાથી પણ આગળ વધીને કવિ એટલે સુધી કહી દે છે કે, મારા ભાગ્યમાં રહેલી ખુશી પણ તમને મળે! આ તો એક જાતનું બલિદાન થયું! માત્ર પોતાની જ હોય તે વસ્તુ આમ સરેઆમ દઈ દેવાનો વિચાર જ કેટલો બધો ઉમદા! તો વળી આ શેર, સ્વજનની કેટલી હદે કાળજી રાખવાની વાત કહી જાય છે. જોઈએ. 

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

પોતે તો હરપળ સાથે ન હોય એટલે ધ્યાન ન રખાય પણ બદલાતી ઋતુ તો પ્રિય પાત્રની આસપાસ જ હોય, એણે કેવું ધ્યાન રાખવાનું? કે, ક્યાંય પણ કુંપળ ફૂટે ને હવામાં તાજગી ફેલાય એ સઘળી તમને મળે! વાહ, જુઓ તો ખરા! કેવી નિસ્બત! ભગવાનની એવી મહેરબાની થાય કે, તમે એક પળ માંગો ને આખી સદી તમને મળે. છત પર ચાંદ મારી પાસે ભલે આવે પણ ચાંદની તમને મળે! એ રીતે તમારી જગ્યા મારી આજુબાજુમાં જ ક્યાંક રહે અને તમે એ ચાંદનીથી વંચિત ના રહો! દિલમાંથી સતત વહેતું વ્હાલ આમ સતત પ્રિય સ્વજનનાં સુખ અને સલામતીની દુવા કરતું જ રહે છે. 

મિત્રો, આ ગઝલમાં ખલીલ સાહેબ આપણને ‘આર્ટ ઓફ ગિવીંગ’ આપવાની કળાની સમજ આપીને તેમાં મળતી ખુશીની વાતો લઈને આવ્યા છે. આપ સૌને તે માણવાની મજા ચોક્કસ આવી હશે. ફરીથી આવી જ મજેદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો! 

નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ | શ્વાસ પર પહેરો

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -12 એની 11મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

ગઝલ

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,

જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,

તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,

એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,

જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,

કટકે કટકે પૂરું આ જીવતર થયું.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

આપણે કેટલીક વાર જોતાં હોઈએ છીએ કે, ઘરની ગૃહિણી થોડાક દિવસ માટે કોઈ કારણસર ઘરથી દુર જાય તો ઘરમાં જાણે અવ્યવસ્થા ફેલાઈ જાય છે. કોઈ વસ્તુ તેનાં સ્થાને ના મળે. અરે ખાવાપીવાનાં ય ઠેકાણા ન રહે એવું બને. અને આવા સંજોગોમાં જ ગૃહિણીની ખરી કિંમત થાય. એવું લાગે કે મકાન તો છે પણ કશુંક જાણે ખૂટે છે. અને ફરીથી જ્યારે ઘરની સામ્રાજ્ઞીનું આગમન થાય ત્યારે બધું સરભર થઈ જાય અને ઘર ખરા અર્થમાં ઘર બની રહે. દરેક ઘરની ગૃહિણી પોતાના પતિની સઘળી તકલીફોમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. સુખદુઃખમાં ભાગીદાર બને છે. આંતરિક અને બાહ્ય ઘા ઝેલવામાં હારોહાર ઉભી રહે છે. આ સંબંધનું ઐક્ય એવું હોય છે કે, વાગે એકને તો દર્દ બીજાને થાય છે. ઘા એકને પડે અને લોહી બીજાને નિકળે છે. આવા તાદાત્મ્યને કારણે બન્નેને લાગે છે કે પોતે અધુરાં છે. પૂર્ણતા માટે જીવનસાથીનો સાથ જરૂરી છે. આ આખી ય વાત ખલીલ સાહેબ શેર દ્વારા ટુંકમાં પણ સચોટ રીતે કહી દે છે. 

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,

જે કશું ખૂટતું હતું સરભર થયું.

મકનને ઘર બનવા માટે જે કંઈ ખૂટતું હતું તે તો સાથીના આવવાથી સરભર થયું અને ઘર ત્યારે જ ખરા અર્થમાં ઘર થયું. 

આમ સાથે રહીને જિંદગીની શરુઆત કરવી પણ ક્યાં સહેલી હોય છે? કેટલી વીસે સો થાય તેનું ભાન પણ ધીમે ધીમે જ થાય છે. અનેક અગવડો, ઢગલાબંધ આફતો અને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે જઈને ક્યાંક સુખનો સૂરજ ઉગે છે! કવિ આ વાતને એવા ચોટદાર શેરથી સમજાવે છે કે વાત સીધી સમજાય છે. શેર જુઓ. 

જિંદગીભર જાતને તડકે મૂકી,

એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

જીવન એ શ્વાસોની આવન જાવન જ છે. એ ચાલુ તો જીવતર અને નહીં તો પછી મરણ. અને હા આ શ્વાસની ગતિ પર એક ક્ષણનો જ પહેરો હોય છે ને? એ પળ જ નક્કી કરશે આપણી જિંદગીનું માપ! અને આ જિંદગી ક્યાં એમ સરળતાથી જીવાય છે. કદિ રાહત, કદિ આફત એમ કટકે કટકે માંડ જીવતર જીવાય છે. 

મિત્રો, આ ફાની દુનિયામાં જન્મ લઈ જીવન જીવવાની ઘટના કેવી અકળ અને ક્ષણભંગુર છે, તેના તરફ અંગુલિનિર્દેશ કરતી આ ગઝલ માણવાની મઝા આવી ને? ખલીલ સાહેબની આવી જ તેજદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

 

હેલીના માણસ – 11 / આત્મવિશ્વાસ 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -11 એની 10મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

 

ગઝલ

પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,

બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.

 

પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,

બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.

 

મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,

જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.

 

આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,

રોશની માટે બધો આધાર દીવા પર નથી.

 

કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,

એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.

 

સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યાં ગયાં,

ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.

 

મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,

હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

આ ગઝલમાં કવિ પોતાની સાચી સુઝ અને સમજની વાતો કરીને કહી દે છે કે, હું મારી ચાદર પ્રમાણે જ પગ પસારું છું. મને જે મળે તેટલામાં ચલાવું છું. કદિ ય મારો કે મારા પરિવારનો બોજ બીજા કોઈ પર પડે તે મને સ્વિકાર્ય છે જ નહીં. કોઈ માનતું હોય કે, મને બીજા કોઈનો ટેકો છે એટલે હું ટકી રહ્યો છું તો ના, એવું હરગીઝ નથી. હું ખુદ મારા પગ પર મારા બળથી ઉભો છું. આ દ્રસ્ટાંતથી કવિ પોતાના પર ઉપકાર જતાવનારને પણ સમજાવી દે છે કે, હું તમારે સહારે જીવું છું એમ માનતા હો તો ભુલી જજો. 

 

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સ્ત્રીઓનું શસ્ત્ર આંસુ છે. તે પોતાનું દુઃખ આંસુ રૂપે

વહાવીને હળવી બને છે, ક્યારેક પોતાની વાત આંસુથી મનાવડાવે છે. પુરુષને પણ દુઃખ તો થતું જ હોય છે, તેનુ હ્રદય રડતું હોય છે પરંતું તે આંસુનો સહારો ક્યારેય નહીં જ લે. તેના ચહેરા પર આંસુના ઊઝરડા ક્યારેય જોવા નહીં મળે. આ સમજાવતો શેર જોઈએ. 

 

મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,

જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.

 

પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા અથવા અણધારી આફતના સમયના પડકારને પહોંચી વળવા કવિની તૈયારી છે. કોઈની મદદની અપેક્ષા રાખી જ નથી. અહીં એક સરસ ઉદાહરણથી સમજાવે છે કે, ઉજાસ માટે મને દીવા વગર નહીં ચાલે તેવું કોઈ બિલકુલ ના માને કારણ કે, મેં તો મારી સુઝબુઝથી આત્માને ઝળહળતો રાખ્યો છે એનાથી જ મારો માર્ગ ઉજાળતો રહું છું અને મારી સફર કરતો રહું છું. 

કવિ એક શેરમાં સુંદર દ્રશ્ય અંકીત કરે છે. પોતે જેને મળવા કાયમ જતા તેની ગલીના નાકે ઉભેલા ફૂલવાળા પાસે ગજરો ખરીદીને મનના મીતને ખુશ કરી દેતા પણ એક દિવસ કવિ ગયા તો ત્યાં ફૂલવાળો જ નહોતો. કવિને ખાત્રી થઈ ગઈ કે, નક્કી એમણે ઘર બદલ્યું હશે. તેમને ફાળ પડી. એકલતા તેમને ઘેરી વળી. એવી કારમી એકલતા કે, હતાશામાં ધકેલાઈને તે વિચારે છે, હું કેટલો એકલવાયો! એટલે સુધી કે, મારા ફોટા પર ચકલીએ માળો સુધ્ધાં નથી બાંધ્યો! પણ પછી સાવ ભાંગી પડવાને બદલે પોતે આત્મવિશ્વાસ ઉભો કરે છે અને જાણે પોતાની જાતને જ કહે છે, હું કંઈ એવા અંતરિયાળ રસ્તે નથી ઉભો જ્યાંથી મારી મંઝિલ સુધી પહોંચી ન શકું અને એમણે બદલેલા ધરને શોધી ન શકું. હું એવો લાચાર હરગીઝ નથી. કોઈ રોજ નોકરીએ જતું હોય અને એક દિવસ એ જાય ત્યારે જાણવા મળે કે, નોકરી છુટી ગઈ છે! ત્યારે નવી નોકરી શોધવા માટે આવો જ આત્મવિશ્વાસ હોવો જોઈએ. અહીં આપણને એક વાત સમજાય છે કે, આપણાં પગલાં હંમેશા મંઝિલ તરફ મંડાય તે રીતે ચાલીએ તો ત્યાં પહોંચવું સરળ બની રહે. જો ચાલવાનું હોય જ તો યોગ્ય દિશામાં કેમ નહીં? આ જ વાત વિશાળ ફલક પર વિચારીએ તો ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા મહેનત કરો કે, કમર પણ કસો તો યોગ્ય માર્ગે, યોગ્ય રીતે કરવી પડે. જવું હોય મુંબઈ અને દિલ્હી જતી ગાડીમાં બેસીએ તો? એના જેવું! 

મિત્રો, પોતાની તમામ તફલીફોને, અને એકલતાના દુઃખને પોતાના પર હાવી ન થવા દેતાં આત્મવિશ્વાસથી મંઝિલ તરફના પ્રયાણને ગતિમાં રાખવાની સમજ આપતી આ ગઝલ આપને ગમી હશે. હવે પછી કોઈ નવા જ મિજાજની ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 10 । કૂપમંડુકતા

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -10 એની 9મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

 

ગઝલ :

લય  વગર,  શબ્દો વગર,  મત્લા  વગર, 

હું  ગઝલ  લખતો  રહ્યો   સમજ્યા વગર. 

 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

 

કેદ છું ભીંતો વગરના ઘરમા હું, 

સંત્રી  પણ   ઊભો    છે  દરવાજા  વગર. 

 

સરહદો     સૂની      હશે      તો    ચાલશે, 

શ્હેરમાં    ચાલે    નહીં    પહેરા      વગર. 

 

મોરને    કો’    બાજપક્ષી     લઇ      ગયું, 

સીમ   સૂની     થઇ   ગઇ    ટહુકા  વગર. 

 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર. 

~ ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

કેટલીક વાર આપણાં રોજબરોજના વ્યવહારમાં અમુક સગવડોની એવી ટેવ પડી જતી હોય છે અને એ જીવન સાથે એટલી હદે વણાઈ જાય છે કે, પછી તેના વગર જાણે ચાલે જ નહીં! શહેરની આધુનિક બધી જ સગવડો સાથે રહેવાની ટેવ હોય તેને જો ક્યારેક નાના ગામમાં જવાનું થાય તો તેને બિલકુલ ફાવતું નથી. તે અકળાઈ જશે અને ત્યાંથી નિકળી જવાનું વિચારશે. ખલીલ સાહેબની આ ગઝલમાં તેમણે ‘વગર’ શબ્દને રદિફ તરીકે અને આકારાંત કાફિયા લઈને વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓ પર ક્યાંક શીખ આપી છે તો ક્યાંક વ્યંગ કર્યો છે. આપણે જોયું તેમ સુખ સગવડમાં રહેનારને જેમ તેના વગર નથી ફાવતું તેમ અગવડમાં કે અછતમાં રહેવા ટેવાયેલાં હોય તેમને વધુ પડતી સગવડો પણ માફક નથી આવતી. રોજ સુકો રોટલો ખાઈને જમીન પર સુવા ટેવાયેલાં હોય તેમને ખાવા માટે પાંચ પકવાન અને સુવા માટે છત્રપલંગ આપો તો તે મુંઝાઈ જશે. કવિ પોતાની વાતને સરળ શબ્દોમાં પણ ઉમદા ઉદાહરણથી સમજાવે છે કે, 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

ભર તડકે આખો દિવસ મજુરી કરનારને છાંયડામાં જાણે પ્રતિકૂળતા અનુભવાય છે. આ જ વાતને વિશાળ ફલક પર વિચારીએ તો ઈશ્વરે તો તમામ ઉમદા રસ્તાઓ પર ચાલવાની સગવડ આપી છે પણ દરેક જણ પોતાની હેસિયત પ્રમાણે જ રસ્તો પસંદ કરીને ચાલશે. ટુંકમાં પોતાને જે ફાવે તે જ પરિસ્થિતિમાં રહેવા મન બનાવી લેવું શું યોગ્ય છે? અહીં આપણને ‘કૂપમંડુકતા’ યાદ આવે. કુવામાં રહેતા દેડકાને વિશાળ નદીના પટમાં મુકવામાં આવે તો? તો શું થાય ખબર છે? તે પોતાના કુવા જેટલા જ ભાગમાં ફર્યા કરશે અને એવું માનશે કે, આ જળાશય કુવા જેટલું જ છે! અથવા તો કુવાથી મોટું કશું હોય જ નહીં. કેટલીક વાર આપણે પણ આપણાં જ્ઞાનની સીમામાં ઘેરાઈને માની બેસીએ કે, આ જ્ઞાાનથી વધારે કશું હોઈ જ ના શકે. જો કોઈ કહે કે, ગઝલ લખવા માટે હું લય, મત્લા, કાફિયા, રદિફ એવી માથાકૂટમાં નથી પડતો પણ હું તો ખૂબ લખું છું એટલે હવે એવી ફાવટ આવી ગઈ છે કે, જે લખું તે ગઝલ બની જ જાય છે. શું આમ સમજ્યા વગર ગઝલ લખાય ખરી?  

કવિ કહે છે કે, ક્યારેક આદતોને નેવે મુકીને કંઈક નવું કરવા પ્રયાસ કરવો જોઈએ. કેવું સુંદર ઉદાહરણ! 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર.

કાયમ બસ પ્રકાશમાં જ રહેવું શું જરૂરી છે? ક્યારેક સળગતા દિવાને પવનમાં મુકો, હવે તે હોલવાઈ જશે. એ પછી અજવાળા વગરના માહોલને પણ માણતાં શીખો. સેન્ટ્રલ એસીવાળા, સુખ સગવડયુક્ત બંગલાને છોડી ક્યારેક સમુદ્રતટે કે પહાડો પર ઘુમવા નિકળી પડવું જોઈએ અને એમાં રહેલી મઝાને માણવી જોઈએ. કવિ ‘વગર’ શબ્દનો રદિફ તરિકે ઉપયોગ કરીને કેટલાક સુંદર વ્યંગોની રચના કરે છે તે જોઈએ. તેઓ કહે છે, હું ભીંત વગરના ઘરમાં રહું છું પણ દરવાજે સંત્રી જરૂર હોવો જોઈએ! બોલો હવે જે ઘર ખુલ્લું જ છે તેમા વૉચમેનની શી જરૂર! . દેશની સરહદો પર પહેરો નહીં હોય તો ઠીક છે પણ મારા શહેર ફરતો પહેરો હોવો જોઈએ. કારણ? શહેર સલામત રહે તો હું પણ સલામત! આ બન્ને વ્યંગાત્મક ઉદાહરણો માનવીના વિચિત્ર સ્વભાવનો નિર્દેશ કરે છે. મોર જેવો પક્ષીઓનો રાજા પોતાના ટહુકાઓથી સીમને લીલીછમ રાખતો હોય છે તે જો હણાઈ જાય તો સીમ સુની પડી જાય! તે જ રીતે જેની કાળજી, ચીવટ, અને દુરંદેશીથી ઘર, શહેર, રાજ્ય કે દેશ સુખી અને સમૃદ્ધ હોય તેની ઉપસ્થિતી આવશ્યક છે. નહીં તો અંધાધુંધી ફેલાઈ શકે. 

મિત્રો, કુપમંડુકતા ત્યજીને જ્ઞાનના બહોળા સાગરમાં મહાલવાની શીખ આપ સૌને જરૂર ગમી હશે. તો વળી રદિફ, કાફિયા અને મત્લાના જ્ઞાન વગર ગઝલ લખવાની વાત લઈને બનેલો શેર આપણને રમુજ કરાવી ગયો, ખરુંને? આવી જ બીજી ગઝલને માણીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

તા. 28 માર્ચ 2022