૧૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સંપ ત્યાં જંપ, કુસંપ ત્યાં કળિ

બાળપણમાં સાંભળેલી વાર્તાઓ કહેવતોને સિધ્ધ કરે છે. આ સંસ્કાર મોટાં થતાં પથદર્શક બની જાય છે. એક વાર્તા હતી. એક શિકારીએ પક્ષીઓનો શિકાર કરવા જમીન પર જાળ બિછાવી. તેના પર અનાજનાં દાણા વેર્યા. જેથી પક્ષીઓ દાણા ચણવા આવે અને જાળમાં ફસાય. પછી તે શિકારની રાહ જોતો, ઝાડ પાછળ સંતાઈ ગયો. થોડી જ વારમાં કબૂતરોનું એક ટોળુ દાણા જોઈને ત્યાં ઉતર્યું. કબૂતરો દાણા ચણતાં જાળમાં ફસાઈ ગયાં. હવે છૂટવું કેવી રીતે? આ બધાં કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર હતું. તેણે થોડીવાર વિચાર કરીને બધાંજ કબૂતરોને એક સાથે ઊડવાની યુક્તિ બતાવી. બધાંજ કબૂતરો એકી સાથે જાળ લઈને ઊડયાં. શિકારી તો જોતો રહી ગયો. કબૂતરોનો જીવ બચી ગયો. આને કહેવાય સંપ ત્યાં જંપ.

પંચતંત્રની વાતો સૂચવે છે, “સંહતિ: કાર્ય સાધિકા”. સંપથી અશક્ય કાર્ય શક્ય બને છે. અંગ્રેજીમાં કહેવત છે, “યુનાઈટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઈડેડ વી ફોલ”. સંપ માટે સંપર્ક, સાનિધ્ય, સહવાસ અને સહકાર જરૂરી છે. જેને કારણે એકતા બની રહે છે. માનવ સામાજિક પ્રાણી છે. તે હંમેશાં એકબીજા પર નિર્ભર રહે છે. વાનરમાંથી બનેલો માનવ આજે પ્રગતિની એરણે રૉબોટ બનાવતો થઇ ગયો છે પરંતુ કુસંપને કારણે એકબીજાના હૃદય સુધી પહોંચી શક્યો નથી. કળિયુગના માનવમાં આ બધાં ગુણ જરૂરી છે. જ્યાં સુધી સંપ છે ત્યાં સુધી માનવતા છે. કોમ, ભાષા, ધર્મ અને દેશની સરહદને સલામત રાખીને માનવધર્મને અગ્રેસર રાખે તો જ ઘર, કુટુંબ, સમાજ અને દેશ સંગઠિત રહી શકે. સંપ એટલે પરસ્પર મનમેળ. એકમેક વચ્ચે સ્વાર્થ અને અહંકારના પડળો તૂટે તો સંપ અને પરિણામે જંપ શક્ય બને. ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું છે, માટે તણખલાથી પણ વધુ વિનમ્ર અને વૃક્ષોથી વધુ સહનશીલ થઈને રહેવું જોઈએ. આપણામાં રહેલી ગુરુતા કે લઘુતાગ્રંથિને દૂર કરી મૈત્રીભાવ કેળવવો જોઈએ.

પ્રાણીમાત્રમાં સંપ જોવા મળે છે. ટીટોડીનું દ્રષ્ટાંત છે કે, સમુદ્ર જેવા સમુદ્રે પણ પક્ષીઓના સંપની સામે ઝૂકી જવું પડ્યું હતું અને ટીટોડીના બચ્ચા પાછા આપી દેવા પડ્યાં હતાં. એક કહેવત છે, “ઝાઝી કીડીઓ સાપને તાણે”. કૂતરાઓ પણ પોતાના વિસ્તારમાં બહારનો કૂતરો કે અજાણી વ્યક્તિ આવે તો બધાં ભેગાં થઈને ભસવા માંડે છે અને તેમને ભગાડી દે છે. કુદરતમાં પણ સંપ ના હોય તો સૂર્ય, પૃથ્વી તેમજ તમામ ગ્રહો એકબીજા સાથે અથડાયા વગર રહે નહીં. દરેક પોતાનું કાર્ય સંપીને, નિયમોથી કરે છે. માનવશરીરના અંગો પણ સંપીને પોતપોતાનાં કાર્યો કરે છે. માનવમાં જ્યાં ટોળાશાહી છે ત્યાં વિચારશક્તિ નથી હોતી. બાકી સંપ એ પ્રકૃતિનો અટલ નિયમ છે. ઈશ્વરે આપેલી અમોઘ શક્તિ છે. માનવ વિકાસનું મુખ્ય અંગ છે. સંપથી બનેલાં સંઘ માટે ભગવાન બુદ્ધે આપેલું, “સંઘમ્ શરણમ્ ગચ્છામિ” સૂત્રને જીવનમાં ઉતારવું જ રહ્યું. તો જ સમાજનું કે દેશનું ઉત્થાન શક્ય બનશે.

એક તાર તોડવો સહેલો છે પરંતુ તારનો સમૂહ કે દોરડું તોડવું અઘરુ છે. એક સળી તોડવી સહેલી છે પરંતુ તેમાંથી બનાવેલો સળીઓનો ભારો તોડવો અઘરો છે. કારણકે, “બહુવંત બલવંત” સિદ્ધ થયેલી વાત છે. આવીજ રીતે દેશની તમામ વ્યક્તિઓ અને દરેક પક્ષો સંપીને રહેશે તો તેમનાં સંગઠન બળને કોઈ તોડી નહીં શકે. પરિણામે દેશની સીમાઓ સુરક્ષિત રહેશે. જો અંદર એકતા હશે તો બહારનાં પરિબળો પણ ચેતીને ચાલશે. દુશ્મનોને પોતાની ચાલ ચાલતાં અનેક વિચાર કરવાં પડશે. દુશ્મન માટે દેશના માળખાની કાંકરી ખેરવવી અઘરી પડી જશે.

રૂ પર ઝીલેલાં બિલોરી કાચથી એકત્રિત થયેલાં સૂર્યકિરણ જેમ રૂને બાળી નાંખે છે તેમ સંપીને એકત્રિત થયેલું સંઘબળ ધારેલાં કાર્યો કરી શકે છે. ખાસ કરીને દેશમાં આતંક નામનો કળિ તેનો પગ પેસારો કરે ત્યારે કુસંપીઓને દૂર કરીને, દેશનાં દરેક પક્ષોએ ફાટફૂટ વગર સંપીને તેનો સામનો કરવો જોઈએ. વર્તમાન પરિસ્થિતિ તેનું ઉદાહરણ છે. આજે ભારતમાં આતંકવાદ સામે પી. એમ.ની લીલી ઝંડીના કારણે સરહદ પર સૈનિકોએ આતંકવાદીઓને જે વળતો જવાબ આપ્યો તે માટે અનેક સલામ અને વંદન.