ઊર્ધ્વગતિ નો ઉત્સવ-શુભ ભાવના

 

 

કલમની પતંગ
શાહી માંજો
આકાશનો અનુભવ
જ્ઞાનથી દિશા
વિચારો ના આરોહ
ઉંચેરા આભમાં
કલમ ચગાવતા
સદાય રહે ,ઉંચી નજર
ઉંચી ગરદન
ને ઉચ્ચ મસ્તક
અનેક કલમો વચ્ચે
ન કાપવા ની ઈચ્છા
કે ન કપાવવાનો ડર
મૌલિકતા નો દોર
એજ સૂર્ય તરફનું પ્રયાણ
“શબ્દોનું સર્જન “ઊર્ધ્વગતિ નો ઉત્સવ
રચાય આકાશમાં વિહંગમ દ્રશ્ય.
વાચક ના મુખ માં સંવાદ…વાહ

 “શુભેચ્છા સહ”

બસ સૌ વાચક,સર્જકને આ ઓચ્છવ ફળે ..
સાથે આપ સૌ તલ અને સીંગની ચીકી અને તલ, સીંગ, મમરાના લાડૂ સાથે સાથે આજે તો ઉંધીયાની પણ મજા માણજો। .વાસ્તવિકતા કહે છે શબ્દોથી પેટ ન ભરાય…’બેઠક’ તરફથી ઉત્તરાયણની શુભ કામના.

સહજ ભાવે -(પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઊર્જાનો સંચાર કરે છે )

 

પ્રજ્ઞાજી

 

 

 

 

 

 

 

 

નવા વર્ષની શુભકામના “બેઠક”ની શુભેચ્છા.-

નવલા વર્ષે   દરેક વાચક અને સર્જક વિજયશ્રી વરતે 

આજના દિવસે શુભ લાભના પગલે આપના ઘરમાં ઝળહળતી સુખ શાંતિ કુમકુમ પગલે  પ્રવશે અને આપનો પરિવાર, ઘર અને કલમ નવા વર્ષમાં શુભ ભાવના અને શુભ કામના થી ઝગમગે એવી

“બેઠક”ની શુભેચ્છા.

લો કોડિયું પ્રેમનું -સપના વિજાપુરા

મિત્રો

સપના બેનની હાજરી નહિ હોય તો ખોટ વર્તાશે પણ બેઠકને નવા વર્ષની વધાઈ આપતું એક ગીત મોકલ્યું છે તે માણો.

તિમિર મનનાં હટાવો કે દિવાળી છે
હ્રદયથી વેર ભગાવો કે દિવાળી છે

જલાવો દીવડા ને રાત શણગારો
ને ઘર આંગણ સજાવો કે દિવાળી છે

વરસ આવ્યું નવું,મંગળ થજો સૌનું
હા રંગોળી બનાવો કે દિવાળી છે

મરણ કોનું છે ક્યારે કોણ જાણે છે?
ગળે સૌને લગાવો કે દિવાળી છે

કળશ છલકે અમીનો મુજ નયનથી પણ
અમી વર્ષા વહાવો કે દિવાળી છે

લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યુ છે
કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે

ઘણાં સપનાં નયનમા હોય ‘સપના’ને
સખા સપનાં સજાવો કે દિવાળી છે

સપના વિજાપુરા

કલ્પનાબેનને જન્મદિવસના મુબારક-

કલ્પનાબેનને જન્મદિવસના મુબારક-

તમે ફૂલની જેમ ખીલો ,પક્ષીની જેમ ખુલ્લા ગગનમાં વિહરો ,રાધાની ધારા બની ખળખળ ઝરણાની જેમ વહો  અને ચાતકની જેમ ચહેકો એવી “બેઠક”ની,દરેક સર્જકોની, વાચકોની આપને જન્મદિવસની શુભ કામના,
આખો દિવસ, આખું વરસ અને આખું આયખું સદૈવ છલકી રહો, 
 
અને હા મારા તરફથી જન્મદિવસનો આ શબ્દોનો ગજરો 
અમે હોઠે મલક્યાં ને ત્યાં તમે છલકી ઉઠ્યા
ને પછી જન્મદિવસની મુબારકનું  બોલવું જ શું ?
અમણે શબ્દો વિણ્યાને તમે મહેકી ઉઠ્યાં
ને પછી  અમે કવિતા ગુંથી એમ બોલવું જ શું ?
પક્ષીઓ ઉડયા ને ચાતક પણ ચહેકી ઉઠ્યા
ને પછી આજ પ્રેમ છે પ્રેમ એમ બોલવું જ શું ?
તમે ફેસબુક પર રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠ્યા 
બેઠકની રાધા,ને ધારા પણ તમે એમ બોલવું જ શું  ?
Kalpana Raghu
આ સાથે કલ્પનાબેનની એક સુંદર રચનાને માણો…
એમની ઉમંર શું છે. એ હું નહિ કહું પણ આમાં તમે ઘણું બધું સમજી જશો.. 

(5)થાવ થોડા વરણાગી

વ્હાલ કરે છે, વ્હાલ કરે છે,

એક ડોસી ડોસાને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસી ડોળ કરે છે… વ્હાલ કરે છે…

મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,

આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,

ઘૂમટાને હટાવી જુઓ સાડી પહેરે છે,

સલવાર કમીઝમાં ડોસી શોપીંગ કરે છે… વ્હાલ કરે છે…

ડોસો પણ જુઓ કમાલ કરે છે,

સૅલફોન, ફેસબુક પર ચોંટી રહે છે.

ગાર્ડનમાં મોર્નિગ વૉક ને નાઇટમાં પાર્ટી,

ડોસો છે રંગલો, ડોસી છે રંગલી… વ્હાલ કરે છે…

આઇ લવ યુ બોલીને પ્રેમી પંખીડા,

હાય અને બાય કહેતા ફરે છે.

ડોસો પણ ડોસીને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસો ડોળ કરે છે… વ્હાલ કરે છે…

વ્હાલ કરે છે વ્હાલ કરે છે,

ડોસો ડોસી આપસમાં વ્હાલ કરે છે… વ્હાલ કરે છે…

કલ્પના રઘુ

 

મારી ભાષા તું ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

મિત્રો માતૃભાષા દિવસે  ન મૂકી શકી માટે માફી માગું છું  

પણ માતૃભાષા  સદાય વ્હાલી હોય છે 

માટે આજુ રજુ કરું છું. 

મારી  ભાષા  તું  ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

આજે ૨૧મી ફેબ્રુઆરી…વિશ્વ વધાવે છે કહી’ માતૃભાષા દિન’

 આપણી ગુજરાતી ભાષાના આદ્યકવિશ્રી સંત નરસિંહ મેહતાજી, આ મા બોલી ને ઝીલી ગાઈ. સત્તરમી સદીમાં શ્રી પ્રેમાનંદે તેને ગુજરાતી ભાષાનું નામ દઈ સન્માન દીધું.એ રસકવિના પેંઘડામાં પગ ઘાલે એવું કૌવત હજુ હાથવગું થયું નથી…પછી તો માતૃભાષાએ ગુર્જર સંસ્કૃતિને પારણે ઝૂલાવી.

સુધારક યુગ- ૧૮૫૦ થી ૧૮૮૫

પંડિત યુગ- ૧૮૮૫ થી ૧૯૧૫

ગાંધીયુગ- ૧૯૧૫ થી  ૧૯૫૦

અનુગાંધી યુગ-  ૧૯૫૦ થી ૧૯૭૫

આધુનિક યુગ- ૧૯૭૫….ને પછી..નવી પેઢીમાં વિશ્વ વાયરે  ઊઠી આંધી!

હવે નેટ જગતે …ઝીલમીલ સિતારોંકા આંગન હોગા ..મા બોલી અનેક પડઘામાં પડઘાતી આગળ ધપી રહી છે…

………………………

ધન્ય! માતૃભાષા મા બોલી…રમેશ પટેલ(આકાશદીપ)

 

સંબંધની   તું  રેશમ  દોરી

પઢીતી  પારણીયામાં પોઢી

વિશ્વ  વધાવે આ ખુશહાલિ

ધન્ય! માતૃભાષા મા બોલી

 

મધુ મીઠડી માતૃભાષા તું,

જીવનની ઉપલબ્ધિ

અનુભૂતિનો  અબ્ધિ

ખીલી ખીલવે સંસ્કૃતિ તું ભોળી

વંદું આજ  માતૃભાષા મા બોલી

 

ધન્ય માતૃભાષા જ!

તું ગીત કલાની  ઝોળી

આત્મ સન્માનની ડોલી

પલપલના વૈભવે  ભરી તારી રે ઝોળી,

વિશ્વ વધાવે મા બોલી

વંદું  આજ માતૃભાષા મા બોલી

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………………….

મારી   ભાષા તું  ગુજરાતી…રમેશ પટેલ(આકાશદીપ)

પ્રભાતિયા  જેવી  પુનિત  જ  મારી   ભાષા તું  ગુજરાતી

માતૃભાષા  દિન  ઉજવે   વિશ્વને, ચાહ  ઘણી  ઊભરાતી

 

‘નાગદમણ ‘નો   આદિ  કવિ વ્હાલો  રે ભક્ત  નરસૈયો

પ્રેમાનંદ  તું   ધન્ય  જ  રે   ટેકી, શતવંદી  ગુર્જર છૈયો

 

ખુલ્યા  ભાગ્યને   મળ્યા રે  નર્મદ   દલપત   અર્વાચીને

ને   મલકાણી   ભાષા  ગુજરાતી   હસતી  રમતી   દિલે

 

મેધાવી   સાક્ષર   મોટા  હાલે   જાણે ,અસ્મિતા વણઝાર

ગાંધી  આધુનિક   યુગ મહેકે મોભે , ધરી કનકી  ઉપહાર

 

મોગલ, અરબી, ફારસી- અંગ્રેજી ,ને બંગ રંગ તવ મજાના

ગુર્જર  ભાષાએ  ઝીલ્યા  ભાઈ,   વિશ્વતણા  શબ્દ  ખજાના

 

ફેબ્રુઆરી  એકવિસમો , દિન  વિશ્વ  માતૃભાષાનો  ગરવો

ગુર્જર  લોકસાહિત્ય  સાગર તીરે  માણું  રે ચાહત  જલવો

રમેશ પટેલ(આકાશદીપ)

શતમ જીવો શરદ:

vinod patelVRP-WITH 6 G.K.-REVISED

“શુભેચ્છા સહ”

મિત્રો, 

આપણા શબ્દોના સર્જનના લેખક  માનનીય વિનોદભાઈ પટેલ ને એમના જન્મદિવસના વધામણા,

આમ તો આપણે થોડા મોડા પડ્યા છે. 

પણ “બેઠક” ના અને “શબ્દોનાસર્જનના” દરેક લેખકો તરફથી આદરણીય વિનોદકાકાને  જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન.

સુંદર કવિતા દ્વારા જન્મ-દિવસ ઉજવવા બદલ  પંણ અભિનંદન!હું આપને અક્ષરો માં જીવતા ​જોઉં છું,આપના શબ્દો જ આપને પ્રેરણા આપે છે તમે લખેલા શબ્દો જ તાકાત બની જાય છે.એ બહાને  દૂરતા નજીક બની જાય છે . હૂફ આનું જ નામ હશે . આ દિવસે વધારે કઈ નહિ પણ એટલું જરૂર કહીશ કે તમે તમારી કલમને પ્રભુનો પ્રસાદ માની વહેતી રાખજો,ખુબ સરસ લાખો અને અમારા માટે સદાય પ્રેરણાનું બળ બનો….એવી શુભેચ્છા.

 

“શુભેચ્છા સહ”-પદ્માં-કાન

મંગલમ,મંગલમ,મંગલમ,

“વહાલી નેહા –પંકજના લગ્નની શુભાશિષ”

લગ્નની તૈયારી કેવી છે? તો તેના જવાબ માત્ર આંસુ છે?

ના હોય! ના કેવળ આ આંસુ છે આ તો શુધ્ધ પ્રેમના વારિ છે

હ્રદયમાં ભરીભરી આવ્યા છે,નેહાના લગ્નમાં છલકાયા છે

એ પવિત્ર માતા પિતાના નયનોના વારિ ગંગા સિંધુ સરસ્વતી

ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ મંગલ અષ્ટકના વારિ

નેહાના સીર પર વરસે,  એક એક બુંદનો અભિષેક થાય,

નેહામાં પ્રેમનું સિંચન થાય !

નેહ એતો પ્રેમ છે, પ્રજ્ઞા શરદના પ્રેમનું સ્વરૂપ છે

એજ નેહાના નીરથી પંકજ ઉદ્યાન ખીલે નીજ જીવનમાંય

પ્રગ્નાબેની! ના બહાવો નયનોથી આંસુ

હવે તો તમે થઈ ગયા છો જમાઈરાજાના સાસુ

ને શરદભાઈ! બની ગયા સસરા નિત જુઓ સોહામણા સપના!

બન્ને  પક્ષના સાસુ સસરાને નવી પદવીના આપીએ વધામણા

પ્રથમ ગણેશજીની સ્થાપના થાય,રિદ્ધિ સિદ્ધિની પધરામણી થાય

કુળદેવી કરે રક્ષા,પ્રજ્ઞા શરદભાઈની તન્ના .

“નેહા –પંકજ”ને શુભાશિષ દેતા સહુ વદે  શુભ મંગલ સાવધાન થઈ પ્રસન્ના

શિરે પાઘડી,ને પગમાં મોજડી,ગળામાં પુષ્પોના હારની છે ગુથણી

શ્વેત શુદ્ધતા ની ઝાંખી કરાવતું ,હસ્તમાં શુકનવંતુ શ્રીફળ શોભતું,

અંદરથી મુલાયમ ને પુષ્ટ કોપરું અંતરના પડઘા પાડતું

 

આટલું જ બસ લઈ આવ્યો મારી પ્રિય નેહાને સાટું

નેત્રમાં નેત્ર પરોવી,નેહથી ગુંથેલી, હૈયાના હેતથી સજાવી

સુંદર સ્વપ્નોની માળા લઇ આવે નેહા

આ જ મારી છે વરમાળા ને આ જ છે આપણો  માળો

ચી ચી કરતા ચક ચક કરશું ગજાવીશું ને સજાવીશું અમ માળો

માત પિતા અને સાસુ શ્વસુરના  સાથમાં આનંદો જન્મારો

પ્રભુ !એટલો દેજે સથવારો.

મંગલમ,મંગલમ,મંગલમ,મંગલમ

પરિવાર સહિત પદમામાસીની સ્નેહાશીશ

 પદ્માં-કાન

ધાવણની લાજ………વિશ્વદીપ બારડ

ધાવણની લાજ………વિશ્વદીપ બારડ‘ બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતા જ નથી.મારા મિત્રની હાજરીમાં  પણ ઠો..ઠો  કર્યા કરો છો.ઉધરસ આવે તો બીજા રૂમમાં જતા શું  જોર પડે છે ? મારું ખરાબ લાગે એ તમને ગમે છે. ‘મે પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે પણ એમને શિખામણની કોઈ અસર થતીજ નથી.’ ઉમેશ અને પુર્વી બન્નેએ એકી સાથે મારા પર પ્રહાર શરુ કર્યા.

મને કોઈ શોખ નથી થતો કે તમારા મિત્રની હાજરીમાં ઉધરસ  ખાઉં. ઉધરસ મટતી નથી..ઘર ગથ્થુ કેટલા ઉપાય કર્યા છતાં પણ ઉધરસ ઓછી થતી  નથી.ડૉકટર પાસે મને લઈ જવા તમારી પાસે સમય અને પૈસા બન્ને નથી.મે તમને બધું આપી દીધું એ ભુલ મને આજ સમજાણી.

 

દિકરો જન્મ્યા બાદ છ મહિનામા ઉમેશના પપ્પા આ દુનિયા માંથી જતા રહ્યાં ૨૪ વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કુલમાં  શિક્ષિકા હતી.બહું પગાર પણ નહોતો.બીજા લગ્ન કરીશ તો મારા પુત્રને સ્ટેપ ફાધર, પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ? એ પ્રશ્નમાં મે નક્કી કર્યું કે હું ઉમેશની મા અને પિતા બની બન્નેનો પ્રેમ આપીશ.ઉમેશના સારા ભાવિ માટે મારા ત્યાગની જરૂર છે.                                            સર્વિસ સાથો સાથ  ટ્યુશન કરી મારા એકના એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા, મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જીનયર બનાવ્યો, તેની પસંગીની છોકરી  ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્નબાદ એજ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મે આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાસ્પીભવન કેમ થઈ ગયા! આ નવા યુગની હવામાં એવીતો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમના વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું ?..આવા વિચારો અવાર નવાર મારા મનમાં આવી જતા. ..હશે…ચાલ્યા કરે…મનને મનાવી લેતી..

૫૮ વર્ષે નિવૃત થઈ. નિવૃતી એટલે.જિંદગીભર કરેલા પરિશ્રમને વિશ્રામ!યુવાનીમાં વાવેલા બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શિતળતા! પણ મને ના તો વિશ્રામ, ના તો કોઈ શિતળતા મળી..વહું ને મે દીકરી તરિકે માની પણ ઉર્મીએ મને કદી મા તરિકે ના સ્વિકારી..ના તો દિકરાએ મા ની ગોદની લાજ રાખી..મારી પાછલી જિંદગી એક સહરાના રણ જેવી બની ગઈ! કંટાળી ગઈ!

‘ઉષાબેન..આ જાહેરાત જોઈ ? અમેરિકાથી એક ડૉ.કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી બહેનપણી લત્તાએ કહ્યું. ‘નર્ક જેવી જિંદગી જીવવા કરતા આ તક તારા માટે ઘણી સારી છે.’ ‘પણ લત્તા, તેના માટે પાસપોર્ટ પણ જોઈએ.’ ‘તેની તું ચિંતા નકર.તારા બનેવી ને ઘણી લાગવગ છે. વાંધો નહી આવે..હું અને લત્તા બન્ને અમેરિકાથી આવેલ મિસ્ટર,અને મિસિસ વ્યાસને મળ્યા.બધું સેટ થઈ ગયું. બન્ને ડૉકટર હતાં.પાંચ વર્ષનો બાબો હતો..લત્તાએ મને ઘણીંજ હેલ્પ કરી.ત્રણજ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું..ઉમેશને એકદમ આશ્રર્ય થયું પણ શૉક નહી.. પતિ-પત્નિએ ‘હાશ’ની લાગણી અનુભવી…ચાલો લપ ગઈ!

‘પારકા’ ને ‘ પોતાના’ની ખરી વ્યાખ્યા શું ? મારે માટે પોતાના હતા એ પારકા બની ગયા અને જેને લોકો પારકા ગણે છે તે મારા પોતાના બની ગયા.જે ફેમિલીએ રહેવા ,ખાવા પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિએ એક વખત રજા.આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજ કાલ કરતાં અમેરિકામાં  ૧૨ વર્ષ  થઈ ગયાં.’વ્યાસ’ ફેમિલીની એક મેમ્બર તરિકે રહી.  નહી કે નોકરાણી તરીકે,ઘરમાં સૌ મને ‘બા”ના નામથીજ સંબોધે. સુધાબેન અને સતીષભાઈ  મને મા તરીકે ગણતા  એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે એના  આનંદ અને ઉલ્લાસથી મારો દુ;ખ ભર્યો ભુતકાળ ભુલી ગઈ છું. હું ૭૦ની થઈ. સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે  એમની લેક્સસ મને  ભેટમાં આપેલી.  હું રવિવારે મારી બેનપણી, કે કોઈ કાર્યક્રમમાં, મુવી જોવા મારી કાર ડ્ર્રાઈવ કરીને જાઉં છુ.નિયમિત યોગા, કસરત,હેલ્થી ડાયેટ અને ઘરના ડોકટરની સલાહ સુચન , જેથી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારિરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનન ને એક સારી યુનિવસિટીમાં એડમિશ પણ મળી ગયું છે. આજ મારો સુખી પરિવાર છે!

“બા” તમારો પત્ર ઈન્ડિયાથી આવ્યો છે’સુધાબેને મને પત્ર હાથમાં આપતાં કહ્યું. પત્ર ઉમેશનો હતો. ખોલ્યો.

‘બા,

તમો  તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ કે અમારા પર ધ્યાનજ નથી આપ્યું. ક્યાંથી આપો! તમે તો અમેરિકામાં ખાઈ પી જલશા કરતા હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોય ત્યાં અમો તમને યાદ ક્યાંથી આવીએ !

અમો અત્યારે બહુંજ મુશ્કેલીમાં છીએ..ઉર્મિને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છુટી ગઈ છે.. દીકરી ટીના કોલેજમાં આવી છે.. ઘર ગીરવે મુક્યું છે.તમને દયા આવે તો થોડા પૈસાની મદદ કરજે..

મોકલીશને..અમારા પર દયા આવશે ને?

લિ.ઉમેશ

હજું એજ જુસ્સો..એજ ગુસ્સો..બાવળ સુકાઈ જાય પણ એમના કાંટા તો એમના એમજ રહે ! મનમાં  તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગારબેજમાં નાંખી દઉં.  ઉમેશના પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે નહી. તો હું શા માટે મદદ કરુ ?  એને મારી કશી દયા આવી હતી ?  પણ અંતે હ્ર્દયમાં બેઠેલી મમતા બોલી ઉઠી! ‘મા ની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી, થવાની નથી.કોઈ પણ પરિસ્થિતિમાંએમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી . મા માટે કદી પણ પ્રેમના ધોધમાં  પૂર્ણ વિરામ આવતું જ નથી..તેનો પ્રેમ સદેવ અવિરત છે..આ જગતમાં અવિરતજ રહેશે.

મારામાં ઘડીભર આવેલ નેગેટીવ વિચારો.અદ્ર્શ્ય થઈ ગયા..  દિકરાને પત્ર લખ્યો..

‘મારા વ્હાલા દિકરા ઉમેશ,

તારી કપરી પરિસ્થિતિને લીધે  મારા પર ઠાલવેલ ઉભરો વાંચી તારા પ્રત્યે મને કોઈ દ્વેશ કે ગુસ્સો  નહી પણ લાગણી અને પ્રેમ ઉદભવ્યો છે.દયા ઉદભવી છે.એક માનવતા ઊભરી આવી છે..તારી કપરી પરિસ્થિતિમાં  મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એજ તારી મજબુરી છે.એક માનવતા ખાતર  મારી બચતમાંથી હું  તને બે લાખ  રુપિયાનો ચેક  આસાથે રવાના કરું છુ તેમાંથી તારી બિમાર પત્નિનો ઈલાજ ,બાકીના  પૈસામાંથી ઘર-ગુજરાન ચલાવજે.

ઈશ્વર પાસે. હું એટલીજ પ્રાર્થના કરું છું કે તને સદબુધ્ધી સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત બક્ષે.

સાથો સાથ એક નમ્ર વિનંતી જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા બે લાખ, કોઈ દિકરાથી ઠુકરાયેલા,દુઃખી થયેલા  મા-બાપ જે વૃદ્ધાસ્થામમાં રહે છે તેમાં તું આપી દેજે ,આ મારી વિનંતી ધ્યાનમાં રાખી  મારા ધાવણની લાજ રાખજે.

સદા સુખી રહે એજ આશિષ.

લિ. દિકરાથી દાઝેલી છતાં સદેવ શુભ ઈચ્છતી મા.

.વિશ્વદીપ બારડ-http://vishwadeep.wordpress.com/

‘ અંતિમ શુભેચ્છા ‘-તરુલતા મહેતા

   ટેકરીઓની હારમાળાની ટોચેથી વિદાય લેતા રવિએ ગુલાબી કિરણોની અંતિમ છાયાને રાત્રિની  શુભેચ્છા પાઠવતા સમેટી લીધી.ટેકરી પરના થોડી વાર પહેલાં લીલા દેખાતા વુક્ષો ધેરા અંધકારમાં

  ડૂબી ગયાં,’ગોલ્ડન રે ‘ એસ્ટેટના વૈભવી વિસ્તારનાં ઓક સ્ટ્રીટ પર આવેલા ધરની  બીજા માળની બાલ્કનીમાં ઊભેલા વિનેશે પોતાના હદયમાં  ઘટ્ટ થઈ જામેલી  ઉદાસીથી દૂરથી આવતી કારને કારને જોઈ.તે દિવસની જેમ અને એવા અનેક દિવસોની જેમ આજે પણ લાઈટો કરવાનું ભુલાઈ ગયું છે .એમ લાગે છેકે અંધારાના પૂરમાં જાણે ધર તણાઈ રહ્યું છે.એવી નીરવતા ધેરી વળી છે કે અવાજો ,વાતચીત ,હલચલ હાસ્ય સો કઈ થીજી ગયું છે. તેણે ગાડી પાર્ક થતાં જોઈ , બે આકૃતિઓ ઘરના પગથિયા તરફ આવી રહી હતી તે લાઈટ કરવા અંદર જાય તે પહેલાં તેની નજર એક વર્ષ પૂર્વે બનેલી ધટનાને  જોઈ રહી , એનામાંથી અલગ પડેલો એક વિનેશ.તે દિવસે મોબાઈલ ફોન પર વાત કરતા  આધાતની ઊડી   ..ખાઈમાં ગરકી ગયો ,ધરના પગથિયા ચઢતાં આથમેલા

સૂર્યને જોતા જોતા એની આખો ધેરા અન્ઘકારમાં ખોવાઈ ગઈ , એની ઇન્દ્રિયો બહેર મારી ગઈ,એ મૂગો ,બહેરો,પાંગળો પગથિયા પર તૂટી પડ્યો  .થોડી વારે બહારથી આવેલી એની પત્નીએ એની મર્સિડીઝ ,કાર પાર્ક કરી ,તે બાને લઈને દિવાળી માટેની વસ્તુઓ લેવા ગઈ હતી.રજામાં તેમનો સાનફ્રાન્સિસ્કો રહેતો દીકરોઅને શિકાગો ભણતી દીકરી ઘરે આવવાના હતા , ચારે તરફ અંધારું જોઈ એણે કારની લાઈટ ચાલુ રાખી બાને કહ્યું ,’સાચવજો , આજે કોઈએ ઘરની બહાર લાઈટ નથી કરી, શિયાળામાં પાચ વાગ્યામાં રાત થઈ જાય.’ એ ઘરની નજીક આવતા ચમકી ગઈ ,’બા ઉભા રહો ,પગથિયા પર કોઈ પડ્યું દેખાય છે.’

એટલામાં બા ચીસ પાડી ઉઠયા,’ ઓ ભગવાન ,આતો મારો  વિનેશ પડ્યો છે ‘ મીનાએ હાથમાંની ગ્રોસરી બેગોને ઝાટકા સાથે નીચે મૂકી દીધી ,એણે વિનેશને બેઠો કર્યો એના બરડા પર હાથ ફેરવ્યો.,ચાલો ,ધરમાં જઈએ ,શું થયું ? વિનેશે બેબાકળા થઈ બૂમો મારી ,’મીના ,મીના આપણો સૂર્ય આથમી ગયો ,સન સેટ ફોર અસ ,હવે આપણો  સન ક્યાંથી જોઈશું ?’

મીનાએ વિનેશને હમેશાં ગોરવભરી ચાલે  ચાલતાં જોયો હતો,ગોલ્ફ અને ટેનીસ રમતા  વિનેશનું કસાયેલુ શરીર આમ બેસહાય થઈ પડી જાય તે માની શકતી નહોતી ,તેણે રડતા અવાજે પૂછ્યું ,’શું થયું આપણા સનને ?એની કાર બગડી હોય તો હું  ફોન કરું ?

વિનેશ ટુકડા ટુકડામાં વહેચાઈ ગયો ,એણે બેજાન અવાજે કહ્યું ,’મીના પોલીસનો  ફોન હતો ,કેવલ વિનેશ પટેલ સાઇકલ પરથી પડી જતા બેભાન થઈ ગયો હતો ,મીના આપણો કેવલ સાન્ફ્રાસીસકોની હોસ્પિટલમાં બેભાન હાલતમાં છે.’ મીના રડતા બોલતી હતી ,’એવું બને જ નહી એ તો નાનપણથી સાઈકલની રેસમાં ભાગ લેતો ,એમ ફૂટપાથ પર ચલાવતા પડી ક્યાંથી જાય ?’

બા ધીરે ધીરે ઉપર ગયાં હતાં ,એમણે બારણું ખોલી ,પોતાની દીકરીને ફોન જોડી તાત્કાલિક આવવા કહ્યું ,એમને સમજાયું કે એમના પોત્રને અકસ્માત થયો હતો.તેમણે દીકરા ;વહુને કડડભૂસ થઈ તૂટી પડતાં જોયા ,બાને ભગવાનમાં પૂરી આસ્થા હતી ,એઓ મનોમન પ્રાર્થના કરતા હતા ,’ભગવાન સારાવાના કરજે ‘.

વિનેશની બહેન તોરલ અને મીનાનો ભાઇ રમેશ આવી પહોચ્યાં,પગથિયા પર ગ્રોસરી બેગમાંની વસ્તુઓ  પડી હતી ,બે દિવસ પછી આવનાર દિવાળી માટેના દીવાઓ ,રંગોળી માટેના રંગોના પડીકાં ,મીઠાઈ ;મઠિયાના બોક્ષ વેરણ છેરણ પડયા હતાં ,કોઈએ એ તરફ નજરસુધ્ધા કરી નહિ.સૌ તાબડતોડ હોસ્પિટલમાં જઈ પહોચ્યા। બા ભગવાનની સામે પત્થરની મૂર્તિ થઈ ગયાં  .ઘરમાં કોણ આવ્યું કે ગયું એમને જાણ નહોતી.

ડોર બેલ વાગતા અવાજની ધ્રૂજારીથી આજે પણ મૂર્તિ સમાન બેઠેલાં બા બોલી ઉઠ્યા ,’જો એ જ આવ્યો ‘.વિનેશે બારણું ખોલ્યું ,મેરી અને બારેક વર્ષના  ક્રિસ્ટોફરે  વિનય પૂર્વક બે હાથ જોડી નમસ્કાર કર્યા,મેરીએ કહ્યું ,’થેંક્યું વેરી મચ ,તમે અમને મળવાની રજા આપી ‘

‘મારી પત્ની મીના અમારા પુત્રના અકસ્માત પછી એ બાબતમાં કોઈને મળવા તેયાર નહોતી ‘ વિનેશે અશ્રુને રોકી રાખતાં કહ્યું ,‘હું તમારી ખોટને સમજી શકું છુ ,મેં ચારેક વાર ફોન કરી હેરાન કર્યા તેથી માફી માગું છુ ‘.મેરીએ કહ્યું

‘તમે ફોનમાં કહેતા હતા કે ક્રિસ્ટોફર માનતો નહોતો ,’ વિનેશ બોલ્યો,મીના આવી ,ક્રિસ્ટોફરની પાસે બેઠી તેથી ક્રિસ્ટોફર ઉત્સાહમાં આવી બોલ્યો ,’યુ આર ગ્રેટ પેરેન્ટ ‘ એણે ફરી બે હાથ જોડ્યા

મેરી બોલી ,’ તમને તમારા દીકરાની અંતિમ ધડીઓના અસહ્ય શોકમાં કેવું ઉત્તમ દાન કરવાનું યાદ આવ્યું ‘ મેરીનું કહેવું પૂરું થાય તે પહેલાં વિનેશ અને મીનાના મને કાબૂમાં  રાખેલી વેદના છટકીને પોતાનાં એકનાએક દીકરાની છેલ્લી ક્ષણોને વળગી પડી.બન્ને નિરાધારની જેમ એકબીજાના હાથને પકડી  રહ્યા,તે દિવસે સાનફ્રાન્સિસ્કોની .હોસ્પિટલ પહોંચતા થયેલી પીસ્તાલીશ મિનીટમાં તેમની ઉમર અનેકધણી વધી ગઈ હતી ,એઓ સાવ વુદ્ધ અને અશક્ત થઈ ગયાં હોય તેમ તેમને હાથ ઝાલીને કારમાંથી બહાર લાવ્યાં હતા.

મેરી વિનેશ અને મીનાના ચહેરાની વેદના જોઈ બોલી ,’સોરી , હું તમારો આભાર માનવા જ આવી છુ ,’વિનેશ ધીરેથી’ ઇટ્સ ઓ.કે ‘કહી શાંત બેસી રહ્યો ,મીના પાણી લેવા અંદર ગઈ ,એની પાછળ ક્રિસ્ટોફર પણ ગયો, વિનેશને ઇમરજન્સી રૂમમાં વેન્ટીલેશન પર રાખેલો કેવલ દેખાય છે.કોઈ દવા ,સર્જરી કે ચમત્કારની આશાથી એણે ડોક્ટરને રાતભર કાકલુદી કરી જોઈ ,એમને એમ સવાર પડવા આવી ડોકટરે એના ખભે હાથ મૂકી કહ્યું ,મિ.પટેલ તમારા દીકરાને મુત્યુ પછી જીવતો રાખવો છે? એ અને મીના કેવલ ન હોવાના કારમા સત્યને પોતાના હદયમાં ઉતારી રહ્યાં ,એક ક્ષણ પોતાના દીકરા વગરની  પોતાની હયાતીને કાતિલ છરો ભોકી છિન્ન કરી નાખવાનું મન થયું ,તેમની દીકરી રીટા દોડતી આવી ભાઈના મુત શરીર પર તૂટી પડી.મીનાએ રીટાને છાતીએ વળગાડી દીધી ,ડોક્ટર કહેતા હતા ,’મિ.પટેલ તમારો દીકરો યુવાન છે,વચ્ચે વિનેશ ચીખી ઉઠ્યો ‘સત્તાવીશ,વર્ષ બે મહિના ‘  તેણે દુઃખના આક્રોશમાં આવી કહ્યું ,’મારા દીકરાના બધા અંગો તંદુરસ્ત અને યુવાન છે,એનું દાન કરું છું ,ડોક્ટર હું ય હેલ્થી છું મને તમારા દર્દીઓ માટે લઈ લો ,કેવલના નામ પાછળનો વિનેશ પટેલ  આ દુનીયામાંથી ગયેલો જ માની લો ,’ ડોકટરે સગા ભાઈની જેમ વિનેશને બરડા પર હાથ ફેરવી શાંત કર્યો ‘ગોડની ઇચ્છા માન્ય રાખવી પડે ‘ તેઓ બોલ્યા   આજે એક વર્ષ પછી મેરી અને ક્રિસ્ટોફરને જોઈ તેને થયું દીકરો ગુમાવ્યા પછી તેના અંગદાન માટે લીધેલો નિર્ણય સાચા અર્થમાં અંતિમ શુભેચ્છા છે.બીજા કેટલાયને જીવતદાન મળ્યું હશે.

વિનેશ સ્વસ્થ થતાં બોલ્યો ,ક્રિસ્ટોફરને કેમ ખબર પડી કે અમે પેરેન્ટ છીએ ,આમતો બધું ખાનગી રાખવામાં આવે છે.’મેરી કહે ,’એને હાર્ટનો વાલ્વ મળ્યો ,એને નવું જીવન મળ્યું ,એણે  તમને મળવાની જીદ કરી ,મારે એને સહાય કરવી પડી ,ડોક્ટરને વિનંતી કરી ,તમારો ફોન મેળવ્યો ,તમારો આભાર માનું છું ‘

મીના રસોડામાં પાણીના ગ્લાસ ભરતી હતી ,ક્રિસ્ટોફર એની પાસે આવી બોલ્યો ,કેન યુ ફિલ ઈટ ?’  મીનાએ પૂછ્યું ,’તું શું કહે છે ? ક્રીસ્ટોફરે હ્ળવેથી મીનાનો હાથ પોતાના હાર્ટ ઉપર મુક્યો ,’તમારા સનના હાર્ટનો વાલ્વ મારામાં ધબકે છે.’ તેની આંખોમાં ચમક હતી.તે બોલ્યો ‘મને તમારા દીકરાના હાર્ટના વાલ્વનું દાન મળ્યું તે પૂર્વે મને શ્વાસ લેવાની ખૂબ તકલીફ હતી.મારે બેડમાં રહેવું પડતું હતું ,આજે હવે હું સ્કુલમાં ટેનીસ રમી શકું છુ ,મને જીવવાનો ઉત્સાહ મળ્યો છે.તમે મારાં મમ્મી જેવા છો ‘.મીના ક્રિસ્ટોફરને ભેટી પડી ,’યા ,યા યુ આર માય સન ‘ એનો રોકી રાખેલો અશ્રુબંધ આંખમાંથી ધોધમાર વહેતો ક્રિસ્ટોફરના માથાને ભીજવી રહ્યો ,મીનાનું હેયું હળવું થયું ,તેણે કહ્યું ,’મને પ્રોમીસ આપ કે તું બાઈક નહી ફેરવે.’ ક્રિસ્ટોફરે  હકારમાં માથું હલાવ્યુ  .’

‘મીના શું થયું?,બહારના રૂમમાંથી વિનેશે કહ્યું

મીના પાણીના ગ્લાસની ટ્રે લાવી ,

મેરીએ પૂછ્યું ,’ક્રિસ્ટોફર ક્યાં ગયો ?’   ક્રિસ્ટોફર ફેમીલી રૂમમાં મૂકેલો ફોટો જોતો હતો.વચ્ચે ગ્રાન્ડ મધર અને ડાબી બાજુ રીટા અને જમણી બાજુ કેવલ બન્ને ગ્રાન્ડ માને હગ કરતા હતા.ફોટામાથી જાણે હાસ્યના પડધા આખા ફેમીલી રૂમમાં પડતા હતા.બહારના રૂમમાંથી બધાં આવી ક્રિસ્ટોફરની પાછળ ઊભા રહ્યા  .એણે મીનાને કહ્યું ,’મને પ્રોમીસ આપો કે મને ફરી મળવાની રજા આપશો ‘ મીનાને થયું ,આ ય કેવલ જેવો જીદ્દી છે.,

મેરી કહે ,’ક્રિસ્ટોફર આપણે જવું જોઈએ ,’

‘મને ગ્રાન્ડ માને મળી લેવા દો ,પ્લીઝ ‘ ક્રિસ્ટોફરે વિનંતી કરી.મીના બાના રૂમમાં તેને લઈ ગઈ ,હજી સુધી ભગવાનના ફોટા સામે બેઠેલા બાને ક્રિસ્ટોફરે  બે હાથ જોડી વંદન કર્યા ,બાને સમજાયું નહિ ,તેમણે પૂછ્યું ,તું કોણ ભાઈ? ,ભગવાન તારી રક્ષા કરે.’ 

મેરી અને ક્રીસ્ટ્રોફરે વિદાય લીધી.વિનેશ અને મીનાને તેમનો દીકરો કેવલ આવીને મળી ગયો હોય તેવો એહસાસ થયો.તેમણે ધરની અને બહારની બધી લાઈટ કરી.

તરુલતા મહેતા

પાંચમી નવે.બે હજાર ચૌદ

તા.ક.સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છા ‘મૂલવો જો જિદગીને પ્રેમ સાથે ,બધું હારી ગયા છતાં જીત લાગે.’
                              

‘ શુભેચ્છા સહ ‘(12) હેમા બેન પટેલ

‘  શુભેચ્છા સહ ‘

શુભેચ્છા એ બીજા માટે આપણી શુભ ભાવના, સારી ઈચ્છાઓ છે.બીજા માટે સારું વિચારવું અને તે શુભ વિચારો તેને પાઠવવા. બીજાની ખુશીમાં આપણા શુભ વિચારો, શુભેચ્છાઓ પાઠવીને તેની ખુશીમાં સામેલ થઈને તેની ખુશી બમણી કરવી.શુભેચ્છાઓમાં દરેક વ્યક્તિનો એક બીજા માટે પ્રેમ છુપાયેલો છે.આ પ્રેમ ભાવને આધારે તો જગત ટકી રહ્યું છે.આધુનિક યુગમાં જ્યાં રાગ-દ્વેષ, એક બીજા માટે ઈર્ષા, જલન આવા મહોલમાં આ શુભેચ્છાઓ એ જીવનના અમૄત સમાન કહેવાય, કારણ દરેક માણસ તણાવયુક્ત જીવનમાં આ નાની નાની ખુશીઓમાં તો શ્રેષ્ઠ પળો જીવી લે છે. નાની નાની ક્ષણોમાં આનંદ શોધે છે. આ ક્ષણોને વાગોળીને તણાવયુક્ત જીવનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.આ સુખદ ક્ષણો જીવન જીવવાનુ સાધન બની જાય છે.

મંગળમય સારૂં વિચારવું એ આપણા હકારાર્મક વિચારો છે.પોતાની જાત માટે સારું વિચારવું અને બીજા માટે પણ સારું વિચારવું એ તો શ્રેષ્ઠ કહેવાય.સત્વગુણી માણસ હમેશાં સારા વિચારો ધરાવે અને બીજા માટે પણ સારુ વિચારી તેનુ પણ સારું જ ઈચ્છે.આ શુભ ભાવના એ હ્રદયની શુભેચ્છા છે .સુખ અને દુખ બંનેમાં શુભચ્છાઓ સ્ફુરે છે, આ ભાવના શબ્દો બની પ્રગટ થાય છે. ઘણી વખત બીજા માટે કંઈ બોલીએ નહી અને મનથી તેનુ ભલુ ઈચ્છીએ છીએ.શુભેચ્છા માટે પાઠવવામાં આવતા શબ્દો, ભેટ સોગાદ કરતાં શુભેચ્છા પાઠવનાર વ્યક્તિના હ્રદયના ભાવોનુ મહત્વ વધારે છે.

ઘણી વખત કોઈને દુખી નિસહાય જોઈને મનની અંદર દયાભાવ જાગે પછીથી દિલની અંદર શુભેચ્છાના ભાવો જાગૃત થાય છે.હૉસપિટાલમાં આપણુ સ્વજન બિમાર હોય, તેની ખબર કાઢવા માટે જઈએ, બાજુની રૂમમાં કે બાજુના બેડ પર કોઈ ત્રાહીત હોય જેને આપણે ઓળખતા પણ ન હોઈએ , તે અસાધ્ય રોગમાં પીડાઈ રહેલું જોઈએ તો તેની પીડા જોઈને દયા આવે અને તરત જ આપણુ હ્રદય બોલી ઉઠે હે પ્રભુ આની ઉપર દયા કરો, તેનુ દર્દ ઓછું કરીને તેને જલ્દીથી સાજો કરી દો. આમ કોઈને દુખી જોઈને પણ દિલમાંથી શુભેચ્છા પ્રગટ થાય છે.કોઈના સુખમાં સુખી અને કોઈના દુખમાં દુખી થવું એ મોટી માનવતા છે.કોઈની ખુશીમાં શુભેચ્છા સ્ફુરે તો કોઈને દુખી જોઈને પણ દયાભાવ પેદા થવાથી શુભેચ્છા સ્ફુરે છે. હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો બંનેના વાયબ્રેશન હોય છે અને બંનેની જીવનમાં આપણને અસર થાય છે, બીજા માટે જેવું વિચારીએ તો તેને પણ અસર થાય છે.માટેજ આપણે ભગવાન પાસે સદબુધ્ધિ માગીયે છીએ જેથી હમેશાં સારુ જ વિચારી શકીએ.

રસ્તા પર બેઠેલો ભિખારી આપણને જોઈ ભીખ માગે ત્યારે તેને પૈસા આપતા પહેલાં જ બોલે ભુખ્યાને કંઈ આપો ભગવાન તમારું ભલુ કરશે આપણે એક રૂપિયો આપીએ તરત જ બોલે  તમારા બાળ બચ્ચાં સુખી રહે ભગવાન તમારૂ ભલુ કરે.હવે આભિખારીને તમારા માટે કોઈ પ્રેમભાવ નથી પરંતું તેની પેટની ભુખ દાનીને શુભેચ્છા પાઠવવા માટે મજબુર કરે છે અને પૈસા આપવા વાળા પણ દયા નહી પણ પુણ્ય કમાવવા માટે ઈચ્છા ન હોવા છતાં ભિખારીને પૈસા આપે. હવે આ ભિખારીની શુભેચ્છામાં કેટલું તથ્ય છે ?

સવારે ઉઠીને નિત્યક્ર્મ પતાવીને ભગવાનની સેવામાં બેસીએ, ધુપ-દીપ પ્રગટાવીએ, પાઠ કરીએ, મંત્ર જાપ કરીએ, આરતી થાય.ત્યાર બાદ દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના અવશ્ય કરે જ. આપણે બોલીએ હે પ્રભુ મને સદબુધ્ધિ આપજો, ગમે તેવા સંજોગોમાં મારી બુધ્ધિ ન બગડે, બીજું આપણે માગીએ, જગતમાં સૌનુ કલ્યાણ થાય. આ એક શુભેચ્છા છે. પ્રાર્થનામાં અગાધ શક્તિ રહેલ છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે.કોઈ વ્યક્તિ બિમાર હોય તેના માટે જ્યારે ભગવાનને પ્રાર્થના કરવામાં અવે ત્યારે તે બિમાર માણસ માટે આપણી શુભેચ્છા જ છે. શુભેચ્છાઓ પાઠવવાની અનેક રીત છે.ભેટ-સોગાદ મોકલાવીને, ફુલો મોકલાવીને અનેક રીતે આપણે આપણા હ્રદયમાં રહેલ ખુશી-આનંદના ભાવો રજુ કરીએ છીએ.આખી જીંદગીમાં એન્વલોપ પર કંઈ કેટલી બધી વખત લખી ચુક્યા હોઈશું “With Best Wishes” બાળકોની પરિક્ષા વખતે બોલ્યા હોઈશું બેટા “Good Luck”. લગ્ન માટે છોકરા-છોકરી જોવા જતાં સંતાનોને બોલ્યા હોઈશું બેટા “Good Luck” જૉબ પર ઈન્ટર્વ્યુ પર જતા બાળકોને બોલ્યા હોઈશું બેટા “All the Best”. શબ્દો અંગ્રેજીમાં બોલાય કે ગુજરાતીમાં, કોઈ પણ ભાષા હોય હ્રદયનો ભાવ એક જ હોય છે. ‘શુભેચ્છા સહ’

સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી દિવસમાં કેટલી બધી વખત શુભેચ્છાઓ મળે છે અને સામે આપણે પાઠવવી પણ પડે છે . આતો જીવન જીવવાની આધુનિક શૈલી છે.

જીવનનો કોઈ પણ શુભ પ્રસંગ હોય અને સામેની વ્યક્તિ માટે મંગલ પ્રાર્થના કરવાની હોય ત્યારે આપણે ખુશી ખુશી તેને આપણી શુભેચ્છાઓ પાઠવીને તેની ખુશીમાં વધારો કરીએ છીએ.જીદંગીમાં અનેક સારા શુભ પ્રસંગ આવતા હોય છે.બીજાને માટે આપણી ખુશી-આનંદ વ્યક્ત કરવાની આ સુદંર રીત છે.પ્રસંગ જ એવો હોય કે તેના માટે અંર્તર ઉર્મીના ભાવો શબ્દ બની પ્રગટ થયા વીના ન રહે.પ્રસંગને અનુરૂપ શુભેચ્છાઓ અને શુભ કામના પાઠવવામાં આવે.વડીલોને તેમનાથી નાની ઉંમરના પગે લાગે ત્યારે તેમના મુખમાંથી શબ્દો અવશ્ય સરી પડે “સુખી ભવ” , “દિર્ઘાયુષ્ય ભવ”,બાળક પગે લગે તો બોલે “બેટા ખુબ ભણીને માતા-પિતાનુ નામ ઉંચું કરજે” નવી પરણેલ દુલ્હન હોય તેને આશિર્વાદના રૂપે “અખંડ સૌ ભાગ્યવતી ભવ”, “દુધો ન્હાવ પુતો ફલો” વગેરે શુભેચ્છા મળે. શુભેચ્છાઓ એ આપણા મનના હકારાત્મક વિચારો હોવાને કારણ તે જરૂર અસર કરે છે. જેમ પ્રાર્થનામાં ગજબની શક્તિ છે એવી જ રીતે આશિર્વાદમાં પણ ગજબની શક્તિ રહી છે.આશિર્વાદ આપીએ ત્યારે તેમાં શુભેચ્છા રહેલી હોય છે. અંતઃકરણના આશિર્વાદમાં શક્તિ રહેલી છે. માટેજ આપણી સંસ્કૃતિમાં આશિર્વાદ આપવાની અને આશિર્વાદ લેવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે.કોઈ વ્યક્તિને પગે લાગીએ ત્યારે તેમાં આપણી નમ્રતા દેખાઈ આવે અને એટલી ક્ષણો માટે વ્યક્તિ પોતાના અહમથી મુક્ત બની જાય છે. એક સ્ત્રી ગર્ભવતી થાય ,બાળકનો જન્મ થાય, લગ્ન થાય, લગ્ન તિથિ આવે,જીવનના દરેક શુભ પ્રસંગે આ શુભેચ્છાઓ પાઠવવાની રીત અનોખી અને બહુજ સુંદર છે. જેમાં શુભેચ્છાઓ પાઠવનાર અને શુભેચ્છાઓ લેનાર બધાજ ખુશી-આનંદમાં મ્હાલતાં હોય છે.

દિવાળીના દિવસોમાં અને નવા વર્ષે આશિર્વાદ લેવા માટે મંદિરોમાં કેટલી ભીડ જમા થાય છે. નિયમિત ન જનાર માણસ પણ આવનાર વર્ષ શુભ અને કલ્યાણ કારી બને એટલા માટે ભગવાનના આશિર્વાદ લેવા માટે ચોક્ક્સ મંદિર જાય છે.જો માણસોના આશિર્વાદમાં શક્તિ રહેલી છે તો ભગવાનના આશિર્વાદમાં કેટલી બધી શક્તિ રહેલી હોય તે આપણે સમજી શકીએ છીએ.

આપ સૌને માટે ઈશ્વરને એકજ પ્રાર્થના

નવુ વર્ષ મંગલમય અને કલ્યાણકારી બને એજ શુભેચ્છા.

હેમા   –   જય શ્રી ક્રિષ્ણ.