ખુલ્લી બારીએથી -અશ્વની ભટ્ટ-વાચક શિવાની દેસાઈ

” દીવાને ખાસ”- શ્રી અશ્વની ભટ્ટ
       
      આમ તો મારા પ્રિય લેખક વિષે લખવાનું હોય તો એ ખૂબ અઘરો વિષય ગણાય।કોઈ ને પણ કોઈ એક લેખક પ્રિય ના જ હોઈ શકે.મારે પણ એવું જ છે.હા, પણ એ પ્રિય લેખકો ની યાદી માં કોઈ એક નામ એવુ ચોક્કસ હોઈ શકે જે ” દીવાને ખાસ” હોય અને એ દીવાને ખાસમાં મારા માટે બિરાજે છે અતિ અતિ પ્રિય નવલકથાકાર શ્રી અશ્વની ભટ્ટ,કારણ કે હું બહુ જ ગૌરવ થી કહી શકું કે ,અશ્વની ભટ્ટ ને કારણે હું ગુજરાતી તો શું ,કોઈ પણ ભાષાનું વાંચતી થઇ. અને આ ફક્ત હું જ નહિ ,ગુજરાત ની એક આખી પેઢી ને અશ્વનિ ભટ્ટ એ શબ્દો ની ગળથુથી પીવડાવી છે।
             કદાચ ચોથા કે પાંચમા ધોરણ માં હોઈશ અને મમ્મી, લાઈબ્રેરી માં થી ” લજ્જા સાન્યાલ ” લાવી।મમ્મી એટલી રસ થી મગ્ન થઇ ને એ પુસ્તક વાંચતી કે જિજ્ઞાષા થઈ કે મમ્મી શું વાંચતી હશે?પછી મમ્મી આઘી પાછી થઇ એટલે એ પુસ્તક ખોલી ને વાંચવાનું શરુ કર્યું અને મમ્મી આવી ગઈ.મમ્મી કહે તારી ઉમરમાં આ પુસ્તક ના વંચાય,તું અત્યારે ફૂલવાડી અને ચાંદા મામા વાંચ,પણ ત્યાં સુધીમાં તો અશ્વની ભટ્ટના શબ્દોનું લોહી આ વાઘે ચાખી લીધું હતું, રાત્રે મમ્મી,પપ્પા સુઈ જાય અને લજ્જા સાન્યાલ વાંચવાનું શરુ થાય.સમજ પડી કે ના પડી પણ રસ અને મજા બહુ જ પડી અને પછી તો જયારે સમજ આવી અને જાતે લાઈબ્રેરીમાં જઈ ને પુસ્તકો વાંચતી થઇ ત્યારે શોધી શોધી ને અશ્વની ભાઈની એક એક નવલકથા વાંચી નાખી. કેવી કેવી અદભુત નવલકથાઓ અશ્વની ભાઈ એ આપી છે.
લજ્જા સાન્યાલ,નીરજા ભાર્ગવ,ઓથાર,અંગાર,આશ્કા માંડલ ,કટિબંધ,ફાંસલો,,આખેટ વગેરે વગેરે।…..
આ એક એક નવલકથા મેં 10 વરસની ઉમર થી શરુ કરી ને અત્યાર સુધી ઓછા માં ઓછી પાંચ પાંચ વખત વાંચી હશે અને હજુ પણ વાંચી શકું,…અગણિત વખત.મને અશ્વની ભટ્ટ ના ચાહકો ,અશ્વની ભટ્ટ નો એનસાયક્લોપીડીયા કહેવા મંડ્યા એટલી હદે એમની નવલકથાઓ નું ગાંડપણ મને વળગેલું છે અને એના કારણો અગણિત છે.
         હું તો એમને ફક્ત નવલકથાકાર ગણવા પણ તૈયાર નથી જ.હું એમને આગલી હરોળ ના સાહિત્યકારોમાં મુકુ છું એ હદે એમની નવલકથાઓનું સાહિત્યિક મહત્વ પણ છે અને આના માટે કારણભૂત છે,એક એક નવલકથા પાછળ અશ્વની ભટ્ટ એ કરેલી મહેનત અને એમની એમના વાંચકો માટે ની ઈમાનદારી.
         એ નવલકથા લખતા પહેલા,એ નવલકથામાં જે સ્થળ નું વર્ણન હોય એ સ્થળ ની બાકાયદા મુલાકાત લે અને પછી જ એને નવલકથામાં આલેખે. એમની નવલકથાના પાત્રો ની જેમ,એમની નવલકથામાં આવતા સ્થળો પણ લોકો ને આજે યાદ હોય છે.યાદ કરો ‘ઓથાર’ માં નો ‘ભેડા ઘાટ’, ચંબલ ની ખીણો, ‘ આખેટ’ માં વર્ણવેલું દીવ…..આજે પણ લોકો દીવ જાય ત્યારે આખેટ ની ઉર્જા ગઓનકાર જે પથ્થર પર બેસીને નાહ્ય છે એ પથ્થર જોવા જાય છે.એવું સચોટ વર્ણન હોય છે.
        બીજું એમના પાત્રો જે અદભુત પાત્રો ની સૃષ્ટિ એમને રચી છે.યાદ કરો એ લાખો યુવકો ની સ્વપ્ન સુંદરી, સેના બારનિશ, આશ્કા માંડ ….!!જેના વિષે વાંચી ને જ કોઈ પણ યુવક ને એની મમ્મી ને મળવા ઘરે લઇ જવાનું મન થાય એવી સૌમ્ય અને રૂપાળી,શચી મૈનાક,ઉર્જા ગઓનકાર, કમાલીજાડેજા…..અહા
અને હા ઓથાર નો હીઝ હાઈનેસ ,દરેક વાંચક છોકરીનું દિલ ચોરી જનાર સેજલ સિંહ, જીગર પરોંત, નચિકેતા મહેતા….અને મુખ્ય પાત્રો સિવાયના પાત્રો પણ કેવા મજબૂત હોઈ શકે એના પર પી.એચ.ડી. થઇ શકે એવા બીજા પાત્રો પણ અશ્વની ભટ્ટની કલમ એ રચ્યા છે.
        યાદ કરો હર હાઈનેસ રાજેશ્વરી દેવી, રાજકારણ ના દાવ પેચ નો ખેલંદો બાલી રામ, ધાનોજી અને પેલા ઓથારના વિલન કે જે ખુબ જ અઘરું પાત્ર છે અને ગ્રે શેડ ધરાવે છે કે જેના માટે પણ તમને મુખ્ય પાત્ર જેટલો જ પ્રેમ અને આદર થાય એ ખેરા સીંગ…..
       આ એક એક પાત્ર તમારા જીવન નું અભિન્ન અંગ બની જાય એટલી આત્મીયતાથી અશ્વની ભટ્ટએ સર્જ્યા છે અને એટલે જ એ દિમાગમાં નહિ પરંતુ તમારા દિલમાં સીધા ઉતારી જાય છે અને એવી જ સર્જી છે દરેક પાત્રની વેશભૂષાની સૃષ્ટિ….એના માટે એમને હજારો કલાક રિસર્ચમાં ગાળ્યા છે,લોકો ને મળ્યા છે, એટલું વાંચ્યું છે.એના વગર નથી રચાતી આટલી અદભુત નવલકથા અને એમની નવલકથામાં જે ઘણી વખત મેઈન સ્ટ્રીમ સાહિત્યમાં પણ ના આવી શકે એવા અદભુત જીવન અને સંબંધો વિશેના સવાંદો આવ્યા છે. જે વાંચી ને તમે રડો છો, કોઈ ની યાદ માં ઝૂરો છો અને ફરી ફરી પ્રેમ માં પડો છો. 
          એમની ભાષા વિષે તો એક આખો ગ્રંથ લખવો પડે.શું ભાષાની તરલતા,સરળતા અને લકચિકતા!!ગુજરાતી ભાષા મને એમની નવલકથા જેટલી મીઠી અને ખાટી અને વહાલી લાગી છે એ ક્યારેય નથી લાગી.
          અશ્વનીભાઈ, ભલે વિવેચકો એ તમને કદાચ ના ગણકાર્યા, તમારા માટે ઉદાસીનતા સેવી પણ તમે અમારા માટે ,ખાસ કરી ને મારા માટે કોઈ પણ મહાન વિશેષણથી પણ મહાન છો અને તમારી નવલકથાઓ,એના પાત્રો,એના સ્થળો,સવાંદો એ મને જીવતી રાખી છે, જીવતા રહેવાનું કારણ આપ્યું છે.

-શિવાની દેસાઈ 

(વિશેષ માહિતી -સંકલન )

અશ્વનીભાઈ એટલે ગુજરાતી ભાષાનાં જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર અને અનુવાદક હતાં. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.તેઓ માનસશાસ્ત્રમાં સ્નાતક થયા. તેઓ રંગભૂમિમાં રસ ધરાવતા હતા અને બાળ કલાકાર તરીકે બંગાળી નાટક બિંદુર છેલ્લે ‍‍‍(બિંદુનો કિકો) માં કામ કરેલું.અશ્વિની ભટ્ટે ૧૨ નવલકથાઓ અને ૩ નવલિકાઓ લખેલી છે પણ અનેક વ્યવસાયમાં નિષ્ફળ ગયા હતા.

        તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી સામર્થ્ય બતાવ્યું છે. અનુવાદ કરતા હોવા છતાં ભાવાનુવાદમાં વધુ માનતા હતા.  તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઇ છે.નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી.

કાલ ચક્ર-શિવાની દેસાઈ

મિત્રો વધુ એક નવા  લેખિકાને આવકારો

“શબ્દોનાસર્જન” પર શિવાની દેસાઈ આપનું સ્વાગત  છે.

નાના હતા ત્યારે વેકેશન માં ગામ ,મામા ને ત્યાં જતા….

આખો દિવસ ક્યાં જાત જાત ની રમતો રમવા માં પસાર થઇ જતો ખબર ના રહેતી પણ રાત ની ખાસ રાહ જોવાતી કારણ કે રાત ના ભોજન ના સમયે બા કઈ ને કઈ નવી વાનગી બનાવતી…બધા જમી કરી ને પરવાર્યા હોય ત્યાં ભીખી નો અવાજ આવતો….વાળુ આપો ને બેન વાળુ …..અને બા અમને નાનાડિયા ને કહેતા,જાવો ત્યાં ખૂણા માં પડેલું વાસણ કોઈ જઈને લઇ આવો તો….પછી એ વાસણ  માં રાત નું વધેલું ખાવાનું મૂકી ને બા બહાર ઓટલે ઉભેલી ભીખી પાસે જતા અને એના વાસણ માં ,લાવેલું વાસણ અદ્ધર રાખી ને ખાવાનું નાખતા…ત્યારે સમજાતું નહિ કે બા વાસણ અદ્ધર રાખી ને શું કામ ખાવાનું આપે છે? ભીખી ઓછપાઈ ને કેમ ચાલી જાય છે…. . અમે નાનાડીયા એ જોઈ રહેતા અને ભીખી આગળ ચાલી જતી.આમ ને આમ કેટલાય વેકેશન ગયા પણ બા અને ભીખી નો ક્રમ એજ રહ્યો…..અમે મોટા થતા ચાલ્યા…

એક દિવસ લંડન એમ્બસી માં થી કાગળ આવ્યો કે ત્યાં આગળ ભણવા માટે ના વિસા અપ્રુવ થઇ ગયા છે….મારી ખુશી નો પાર ના રહ્યો ને હું કરવા લાગી લંડન જવાની તૈયારી…

લંડન airport પહોંચતા જયારે immigration  વિભાગ માં જાત જાત ના સવાલો પૂછયા ત્યાં જ ખ્યાલ આવી ગયો કે આગળ કેટલા કપરા ચઢાણ ચડવા ના છે…..પણ એમ કરી ને મહિનો વીત્યો  અને grossary shop પાર્ટ ટાઇમ માં જોબ મળી ગઈ……આપણે તો એકદમ ખુશખુશાલ…. જોબ માં પણ ફાવટ આવી ગઈ…ગમતું ગયું। ..જાત જાત ના લોકો ને મળવાનું થતું ગયું….જાત જાત ના અનુભવો થતા રહ્યા…

એક દિવસ એક  ગોરા દાદા સિગરેટ લેવા આવ્યા…..સિગરેટ લીધા પછી પૈસા આપતી વખતે મારો હાથ સહેજ અડી જતા એમણે હાથ તરત જ લઇ લીધો અને હું અંદર ને અંદર સમસમી ગઈ પણ ત્યાં જ ક્ષિતિજે મને ભીખી અટ્ટહાસ્ય કરતી દેખાઈ અને નિયતિ નું એક ચક્ર જાણે પૂરું થયું……!!!