સ્પંદન-24પર્ણો પાનખરના ખર્યાં, વસંતની આવી વધામણી
બુંદો આકાશમાંથી સર્યાં, વર્ષાની થઈ પધરામણી
બુંદોની બની જાય સરિતા, હરિયાળી થઈ જાય વસુધા
ઋતુઓ આવે રળિયામણી, જીવનની પળો થાય સોહામણી
પણ ગરજે જો વાદળ દુઃખના , આ જ પળો બને બિહામણી
મુંઝાય ક્યારેક માનવમન, શું આ જ છે જીવન નર્તન
સમય હોય કે તન, મન,ધન, સહુ અનુભવે પરિવર્તન.

રાત્રિનો અંતિમ પ્રહર…ઝીણી ઝીણી ઝાકળની ભીનાશ … કૂમળી કૂંપળો હોય કે કોમળ કળીમાંથી ફૂલનું પ્રાગટ્ય હોય …પ્રભાતનું પહેલું કિરણ…રાત્રિને હટાવીને આગળ વધે છે. ફૂલોની સુવાસથી મહેક્તું અને પક્ષીઓના ગાનથી સભર વાતાવરણ આપણને સુપ્રભાત કહીને ઉઠાડે અને આપણે આંખો અધખૂલી રાખીને કહી ઉઠીએ …ઓહો, સવાર થઈ ગઈ !…ગઈ કાલ પર પડદો પાડીને આજનું આગમન થઈ જાય છે …સ્વપ્નોની દુનિયાને અલવિદા કહીને વાસ્તવિકતા સાથે કદમ મિલાવી રહેલો માનવી અનુભવે છે …પરિવર્તન. પ્રત્યેક સવારની પહેલી ક્ષણ એટલે જ પરિવર્તનનું પ્રાગટ્ય.

પરંતુ શું આ જ એક પરિવર્તનની ક્ષણ છે? ના, આ તો ગઈકાલ અને આજ વચ્ચે અનુભવાતી પરિવર્તનની પહેલી ક્ષણ છે, જેની આલબેલ દરેક પ્રભાત પોકારે છે. પણ જીવનની હર પળ પરિવર્તનની ક્ષણ છે. પળે પળે અવકાશમાં જેમ જેમ પૃથ્વીની આગેકૂચ થાય છે તેમ માનવી પરિવર્તન અનુભવે છે…અને પરિવર્તન ક્યાં નથી?…ડગલે અને પગલે પરિવર્તનની સરિતા વહેતી જ રહે છે…આ એ સરિતા છે, જેમાં બાલ્યાવસ્થાથી માંડીને જીવનના દરેક પ્રવાહોનું ..ઝરણાંઓનું સંમિલન છે…ક્યાંક તેમાં બાળક તરીકે આપણે અનુભવેલું કુતૂહલ છે, તો ક્યાંક યુવાવસ્થામાં જોયેલાં સ્વપ્નો. ક્યાંક યૌવન પરિવર્તનના પડકારોનો સામનો કરવા બાથ ભીડે છે, તો ક્યાંક વૃદ્ધાવસ્થા પરિવર્તનના પડછાયામાં વૃદ્ધત્વનો વિસામો લઈ રહી હોય છે. પરિવર્તન જીવનની પ્રત્યેક અવસ્થામાં સાર્વત્રિક છે. પરિવર્તન માત્ર તનનું જ નહિ મનનું પણ હોય છે. કોઈ માસૂમ બાળકનું કુતૂહલ આપણા હ્રુદયમાં વાત્સલ્યનો ધબકાર જગાવે તે ક્ષણ કે તારુણ્યનો સ્પર્શ અનુભવતી સુકુમાર કન્યાના મનમાં સ્પંદન જાગે તે ક્ષણ કે દિકરીને વિદાય આપતા પિતાની આંખોમાં છલકાવા મથતું આંસુ સરી પડે તે ધન્યતાની ક્ષણો છે. આ ક્ષણો હૃદય પણ અનુભવે છે …હર ધબકાર પરિવર્તન અનુભવે છે અને ચિરંતન બની જાય છે, આપણા માનસપટ પર તે ચિત્રમય બનીને જીવંત થઈ ઊઠે છે.

તન, મન કે ધન નથી કશું ચિરંતન કે નથી કશું સનાતન. સંસારમાં સનાતન હોય તો તે છે પરિવર્તન. પરિવર્તન ભૌતિક જ નહિ પણ માનસિક સજ્જતાનું પણ હોઈ શકે. પરિવર્તન વ્યક્તિને નવા જ વિશ્વમાં લઇ જવાની માનસિક સમર્થતા આપે છે. મહાભારતના યુદ્ધ વચ્ચે વિષાદયોગમાં ડૂબેલા અને મૂંઝવણ અનુભવતા અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલ ગીતાનો ઉપદેશ અને તેને પરિણામે તેનું યુદ્ધ લડવું એ પણ એક પરિવર્તન છે તો ગીતાનો આ બોધ લઈ આપણામાં કોઈ સ્વભાવગત ફેરફાર થાય અને આપણે પડકારોને ઝીલવા સજ્જ બનીએ તો તે પણ પરિવર્તન છે.

માનવ જ નહિ પણ પરિવર્તનની સાક્ષી તો સમગ્ર પૃથ્વી પણ છે જ. . પૃથ્વીના પેટાળમાંથી પ્રગટ થતો આગ ઓકતો લાવા અને સળગતા જ્વાળામુખી પર્વતો હોય કે તેને પરિણામે આવતા ભૂકંપ હોય, ધબકતી ધરા પણ પરિવર્તનથી મુક્ત નથી. મહાસાગર તો પ્રત્યેક પળે પરિવર્તનનો પહેરેદાર …દરેક લહેરમાં છુપાયેલ ચાંદનીની શીતળતા કે સૂર્યની ઉષ્મા કે તોફાનોનો તરખાટ …કંઈ કેટલીયે માનવ સંસ્કૃતિઓનો લય …ગ્રીસ, રોમ કે સોનાની દ્વારિકા …મહાસાગર સાક્ષી છે.

માનવ સભ્યતા કહો કે સંસ્કૃતિ કે ઇતિહાસ …પ્રત્યેક પાને પરિવર્તનની કહાની છે…મંત્રયુગથી માંડીને યંત્રયુગનો ઈતિહાસ હકીકતે તો પરિવર્તનનો ઇતિહાસ છે જે ક્યારેક માનવ આંખોએ જોયું, ક્યારેક અનુભવ્યું …ભૂતકાળમાં નજર નાખીએ તો ક્યાંક ન્યુટન નજરે પડે તો ક્યાંક થોમસ આલ્વા એડિસન …દુનિયાનું રાત્રિના અંધકારમાંથી પ્રકાશ તરફ પદાર્પણ. વિજ્ઞાનની હોય કે માનવની… દોટ તો અકલ્પનીય છે…પાયો છે પરિવર્તન.

અરે!… કોરોનાકાળમાં દોડતું વિશ્વ અચાનક થંભી ગયું…અને એક ક્ષણ થંભેલું વિશ્વ ..ધબકી રહ્યું છે …વિજ્ઞાન, બીઝનેસ, શિક્ષણ અને સંસ્કૃતિ સહુ આ પડકારને ઝીલી રહયાં છે, પરિવર્તનને પામી રહ્યાં છે. પણ સાથે જ એક એવી ક્ષિતિજ તરફ નજર જાય છે, જ્યારે સમગ્ર માનવજાત એક ભયનો સામનો કરી રહી છે. વિકાસની દોટમાં કુદરતનો ધબકાર ભૂલાયો છે…ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે…બરફના પહાડો હોય કે હિમખંડો પીગળી રહ્યા છે …વિકાસ પણ જાણે સમુદ્રમાં સરકી રહ્યો છે…વિજ્ઞાનની બેધારી તલવાર ક્યાંક વિકાસ તો ક્યાંક વિનાશ વચ્ચે ઝૂલી રહી છે. અને આપણે સહુ …માનવમાત્ર …તેના સાક્ષી છીએ. આ પરિવર્તન પ્રતિદિન અનુભવી રહ્યા છીએ.

આ જગતમાં કશું જ કાયમી નથી…સિવાય કે પરિવર્તન. આપણી સંમતિ હોય કે અસંમતિ, આ દુનિયા પળે પળ બદલાયા કરે છે. ઋતુઓનો ક્રમ જોઈએ કે રૌદ્ર- રમ્ય પ્રકૃતિનું સર્જન – બધું જ પરિવર્તન પામે છે. માણસને રેશમી ભ્રમણામાં રાચવું ગમે છે કે બધું યાવતચંદ્રદિવાકરો આમ જ ચાલશે. આ બધું શાશ્વત છે. પણ ચાંદની તડકામાં પરિવર્તિત થઈ જાય છે. જીવનમાં પણ જે પરિવર્તનના સત્યને સ્વીકારીને ચાલે છે, તેના જીવનમાં વસંત ખીલે છે. પણ જે પરિવર્તનને સ્વીકારી શકતા નથી, તેમના જીવનમાં પાનખર ન આવે તો જ નવાઈ. પસંદગી આપણા હાથમાં છે કે પરિવર્તનનો સ્વીકાર કરવો કે અસ્વીકાર. એટલું જ નહિ પણ ક્ષણેક્ષણને પૂર્ણતાથી જીવી લેવી. વહેવું એ નદીની આદત છે, ઝરણાની ટેવ છે, કાળનો સ્વભાવ છે.

જ્યાં ભયની બારી ખૂલે, ત્યાં વિસ્મયની, મુગ્ધતાની, કુતૂહલની, આનંદની બારી બંધ થાય. કેટલાકને પરિવર્તનનો ડર લાગે છે. પરંતુ, જે આ ડર, ભયને અતિક્રમી શકે તે જ પળે પળે નાવીન્ય, રોમાંચ સાથે અપૂર્વ જીવનને માણી શકે , આ ગેબી દુનિયાના અચરજને જાણી શકે. પરિવર્તન એક પડકાર છે તો એક તક પણ છે. જે પડકાર ઝીલે , એ જ વિકાસ પામી શકે , આનંદ અનુભવી શકે. પરિવર્તન એ પ્રકૃતિ છે. જે તેને અપનાવે તેના જ ભાગ્યમાં કળીમાંથી પુષ્પ બનવાનું સૌભાગ્ય રહેલું છે. તારલાઓ એ જ મેળવી શકે જે કાજળઘેરી રાત્રિનો અંધકાર ચીરવા તૈયાર હોય. પતંગિયા કે મીણબત્તીને ક્યારેય ન પૂછીએ કે પરિવર્તન શું છે, કારણ કે જે પરિવર્તન પામી શકે એ જ રંગો પ્રગટાવી શકે. જે ઉષ્માથી ઓગળી શકે, એ જ પ્રકાશ ફેલાવી શકે છે. જે પરિવર્તનને જાણે, એ અકળથી સકળને પામી પૂર્ણપણે જીવી જાય.

પરિવર્તનના કેન્દ્રમાં માનવ હોય કે પ્રકૃતિ-પરિવર્તન સમયનો પોકાર છે…માનવ તે માટે સજ્જ થઈ શકે, સુસજ્જ થઈ શકે પણ પરિવર્તનને ટાળી શકે નહિ…રામાયણ અને મહાભારત હોય કે કૃષ્ણનું ચરિત્ર – દરેક પાત્રો પરિવર્તનને આધીન છે. રામનું જીવન પણ આ જ વાત કહે છે. જ્યારે રાજયાભિષેક થવાનો હોય ત્યારે વનવાસ થાય. રામ પર આ પરિવર્તન આવી પડે છે અને રામ તેનો સ્વીકાર કરે છે. કૃષ્ણનું જીવન કંઇક અલગ છે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે, કંસની સત્તાનો પ્રતિકાર કરે છે, કંસનો વધ કરે છે…દુશ્મનો સામે રણછોડરાય તરીકે સુયોગ્ય રણનીતિ અપનાવી સોનાની દ્વારિકાનું સર્જન કરે છે. આ સફળતા છે અને તેની પાછળનું રહસ્ય પરિવર્તન સામેની સુસજ્જતા છે. કૃષ્ણ પરિવર્તનને પામે છે, સમજે છે અને યોગ્ય માર્ગ અપનાવે છે. પરિવર્તન સામે યોગ્યતા કેળવવી એ કૃષ્ણનો સંદેશ છે. આવો, આપણે પણ પરિવર્તનના આ અપ્રગટ ગીતને ગાઇએ, જીવનને માણીએ. રામ અને કૃષ્ણના સંદેશને મનમાં ગ્રહણ કરી જીવનમાં પ્રગતિ કરીએ અને કહીએ – “હર દિન નયા દિન , હર રાત નયી રાત”.

રીટા જાની
02/07/2021

સ્પંદન-23

ક્ષણનો કરી સાક્ષાત્કાર
ખુશીનો ખજાનો શોધી લઈએ
જીવન હો એક પડકાર
હસતાં રમતાં જીવી લઈએ

નયનોને નડે કાજળ શી રાત
સંધ્યાના રંગો તો માણી લઈએ
કદી સત્ય બને મારા સોણલાં
આ ઘડીને તો જાણી લઈએ

હૈયે રાખી એવી હામ
હંફાવે ના કોઈ મારા શ્વાસ
પાર કરીએ સહુ તોફાન
પડકારને બનાવી સોપાન.

પ્રાચીન હોય કે અર્વાચીન, સમયની રફતાર ક્યારેય ધીમી પડતી નથી .. આંખો રાત્રે બંધ થાય અને સવારે ખુલે, એ રાતદિનની ઘટમાળ ચાલ્યા જ કરે છે. . આપણું જીવન પણ ક્યારેક સૂર્યના પ્રકાશના ચમકાર તો ક્યારેક આભમાંથી નીતરતી ચાંદનીની ભુલભુલામણીમાંથી સતત પસાર થતું રહે છે.  રાત્રિની નીરવ શાંતિને ચીરતો પવન કાનમાં  ગુંજતો રહેતો હોય છે. ઉષાના રંગો પથરાય અને મંદ મંદ વહેતો સુમધુર સલીલ તેને સ્પર્શ કરીને નવા ઉત્સાહથી દિવસની શરૂઆત કરવા પ્રેરણા આપતો હોય છે. . જીવનનાં પુષ્પોને ખીલવાની અમર્યાદિત તકો વચ્ચે વહેતું જીવન તેને ક્યારેક પૂછતું હોય છે કે હે માનવ, તને શું નથી મળ્યું? તારી સમક્ષ ક્ષણોનો મહાસાગર ઘૂઘવે છે… આ મહાસાગરમાં ખુશીઓના મોતી અપરંપાર છે. તારે તો બસ એક ડૂબકી લગાવવાની છે… આ  ખુશીઓનો ખજાનો ખોલવા માટેની ચાવી છે પ્રત્યેક પળ… આજે આ પ્રત્યેક પળને માણી લઈએ, જીવનના રહસ્યને જાણી લઈએ…

પરંતુ મોતી શોધવા નીકળેલો માનવ સફળ થશે? સાગર છે અફાટ, લહેરો છે અપરંપાર, તોફાની મોજાંઓનો માર, કેમ કરી થશે નૌકા પાર? મનને મૂંઝવે આવો વિચાર અને જીવન બને એક પડકાર… પરંતુ મરજીવાઓ નિરાશ થયા નથી, થતા નથી અને થઈ શકે પણ નહિ…કારણ છે જીવનની મંઝિલ… આ મંઝિલ પામવાની છે, પડકારનો પ્રતિકાર કરવાનો છે.

સફળતાને વધાવે સહુ સંસાર, કોઈને લાગે તે મીઠો કંસાર…   પણ સંસારની મધુરતા નથી બર્થડે કેક, જે પ્લેટમાં મળે;  તે છે એવી ભેટ, જેની પાછળ છે હર પળની ટેક… આ ટેક એટલે શું? ટેક એ પાંખોનું બળ છે, જે કોઈ પણ સફળતા  માટે જરૂરી છે. સફળતા… કોઈને લાગે સફળતાની સીડી તો કોઈને લાગે સોહામણું શિખર . સફળતા સીડી હોય કે શિખર તેના સોપાન સર કરવા માટે પાયામાં પરિશ્રમની પગથાર જરૂરી છે. આ પરિશ્રમની પ્રેરણા ત્યારે જ મળે કે જ્યારે હૈયે હામ હોય . હૈયામાં હિંમત ન હોય તો પરિશ્રમ એક બોજ બને છે અને જીવનમાં ઉત્સાહ પ્રગટતો નથી. ઉત્સાહ કે ઉમંગ વગરનું જીવન એટલે રંગ અને સુવાસ વિનાનું પુષ્પ.  શું આવાં કાગળના ફૂલોથી જીવન સજાવીને આપણા સ્વપ્નો મૂર્તિમંત થાય ખરાં? સફળતાની પગદંડી પર કદમ માંડતાં પહેલાં આપણે જાતને પૂછીએ કે હૈયે હિંમત છે? આ હિંમત ક્યારે આવે? આ હિંમત આવે  આત્મવિશ્વાસમાંથી  અને શ્રધ્ધામાંથી. એવું નથી કે ઠોકર નહિ લાગે પણ આત્મશ્રધ્ધા સાથે આગળ વધીએ તો મંઝિલ ક્યારે પણ દૂર નથી. પરિશ્રમના પગલે પગલે સફળતા સર થશે જ. આપણાં સ્વપ્નોને સિદ્ધિનું શિખર પ્રાપ્ત થશે જ.  આત્મબળ કેળવીએ તો સમયના પડકારને ઝીલી શકાશે, મુશ્કેલ પળોને નાથી શકાશે .. પ્રાચીન સમયની ભવભૂતિની વાર્તાથી લઈને આધુનિક યુગના વાસ્તવિક જીવનની  2021માં  એવરેસ્ટ સર કરવા સુધીની અનેક પ્રેરણાદાયી કહાનીઓથી આ વાત સમજીએ, જેમાં અસાધારણ હિંમતનું પ્રદર્શન કરી  જીવનમાં પડકારોનો સામનો કરી મેળવેલ વિશિષ્ટ સિદ્ધિની વાત છે.

કવિ ભવભૂતિએ લખેલી માધવની વાર્તામાં પણ હિંમતની વાત છે. યુવાન માધવ એક વાર મંદિરની બહાર બેઠો હતો ને એક હૃદયવિદારક ચીસ તેના કાને પડી. આ ચીસ તેના હૃદયને સ્પર્શી ગઈ.  મંદિરના ગર્ભગૃહમાં જવાનો રસ્તો તેણે શોધી કાઢ્યો. અંદર જઈ જોયું તો એક જણને વિકરાળ દેવી સમક્ષ વધ કરવા ખડું કરવામાં આવેલું. એ બીજું કોઈ નહિ પણ તેની પ્રેમિકા માલતી હતી.  પુજારીએ ખડગ ઉપાડ્યું સાથે જ માધવ ત્રાડ પાડી કૂદી પડ્યો. અસાધારણ હિંમત બતાવી જીવ સટોસટનું યુદ્ધ ખેલી માલતીને બચાવી લીધી.

વીર વિભીષણે મૃત્યુનો ભય ત્યજી, દશાનન રાવણના ક્રોધની પરવા કર્યા વિના  સત્ય શિખામણ આપી શારીરિક, માનસિક અને નૈતિક હિંમતનો પરિચય આપ્યો. આવી જ હિંમત જુલમનો ભોગ બનેલા યહૂદી લોકોને મુક્ત કરાવવા ઇજિપ્તના રાજા ફારાઓ પાસે જઈ હજરત મૂસાએ બતાવી હતી. આવી જ હિંમત મહમ્મદ પયગંબર સાહેબ, ભગવાન બુદ્ધ અને જીસસ ક્રાઇસ્ટે પણ બતાવી હતી.

અણધાર્યા પડકારોનો સામનો કરવો પડે એનું નામ જ જિંદગી છે.  આવા સમયે એ પરિસ્થિતિનો સામનો કરવો એ હિંમત છે. અચાનક કોઈ  પાણીમાં પડી જાય તો એ વિશાળ જળરાશિથી ગભરાઈ જવાના બદલે હાથપગ હલાવી મોજા સાથે બાથ ભીડી બચી જવું એ હિંમતનું કામ છે. આપત્તિ આવે પણ જે ટકી રહે ,હિંમતથી લડતો રહે, ઉજ્જવળ આવતી કાલ માટે આશા ધરાવે તેને માટે આશાનો સૂર્ય દૂર નથી. યાદ આવે છે  ત્સુનામી 2004 – કાર નિકોબાર ટાપુ, આંદામાન – નામ મેઘના રાજશેખર. ઉંમર 13વર્ષ. સ્થળ એર ફોર્સ સ્ટેશન આંદામાન.  ત્સુનામી આવતાં માતાપિતા અને બાળકી તણાય છે. બાળકી જુદી પડે છે. તેના હાથમાં આવે છે લાકડાનું તણાઈ રહેલું જૂનું બારણું. બાળકી તેના સહારે 2 દિવસ અફાટ મહાસાગરમાં હિંમતભેર તરતી રહે છે.

ત્સુનામી આવે કે વાવાઝોડું, જે હિંમતભેર લડે છે તે સમયની પરીક્ષા પાર કરે  જ છે. માનવીની આ હિંમતનું આજનું …. કોવિડ પછીનું ઉદાહરણ એટલે  વસઈના હર્ષવર્ધન  જોષી. 25 વર્ષના આ યુવાનની એવરેસ્ટના આરોહણનો વિજયધ્વજ ફરકાવવાની નેમ. સાથે જ વિશિષ્ટ ઇકો ફ્રેન્ડલી આરોહણ જે રીન્યૂએબલ એનર્જીનો હેતુ સિદ્ધ કરે. 2020માં પેનડેમિકના કારણે એવરેસ્ટ આરોહણ બંધ રહ્યું. 2021માં ચાર અઠવાડિયાથી એવરેસ્ટ બેઝ કેમ્પ પર તૈયારી કરતો આ યુવાન  8 May ના રોજ કોરોના પોઝિટિવ બને છે. પરંતુ લક્ષ્ય સિધ્ધ કરે છે અને 23 Mayના રોજ  એવરેસ્ટ પર વિજયધ્વજ ફરકાવે છે. કસોટી હજુ પૂરી થઈ  ન હતી. પાછા ફરતા કેમ્પ 2 પર તે તેની ટીમ અને શેરપાથી છૂટો પડી ગયો. એમ જ બર્ફીલી ઠંડી વચ્ચે 5 દિવસ ભટકતો રહ્યો પણ હિંમત ન હાર્યો…સફળ બની એક નવું શિખર સર કરવાના સંકલ્પ સાથે પાછો ફર્યો. સાહસ , સંકલ્પ, હિંમત અને પરિસ્થિતિને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ અદ્વિતીય હોય છે, જે  અશક્યને પણ શક્ય બનાવે છે.

જયાં હાથ એ હથિયાર છે…
જયાં પરિશ્રમની પગથાર છે…
આત્મશ્રધ્ધાનો અણસાર છે…
ત્યાં સફળતાની વણઝાર છે…
માનવનો જયજયકાર છે…
જો આગિયાના અજવાળે, પાંપણના પલકારે,  કાજળઘેરી રાત્રિના અંધકાર વચ્ચે પણ તમને ઉષાના રંગો ઉગતા જણાય તો સમજો કે પ્રભાતનું અરુણિમ  આસમાન આપણી રાહ જોઈ રહ્યું  છે. પુષ્પોનો પમરાટ જીવન મહોત્સવને સત્કારવા થનગને છે… કારણ કે આશા અને હિંમત , શ્રધ્ધા અને સફળતાની ક્ષણોથી સભર જીવન એટલે જ ખુશીઓનો ખજાનો, સ્વપ્નોની સિદ્ધિ અને ક્ષણોનો સાક્ષાત્કાર. બસ એક કદમ… આવું જીવન જાણી લઈએ…માણી લઈએ.

રીટા જાની
25/06/2021

સ્પંદન-22

યોગ પ્રત્યે સહુનો અનુરાગ
યોગ છે અજાયબ ચિરાગ
કાર્યસિદ્ધિ એવી છે નક્કર
રોગ સામે કાંટાની ટક્કર

તનમાં સ્ફૂર્તિ, મનમાં શાંતિ
એકાગ્ર ચિત્ત, ઓળખ આતમની
પ્રતિશ્વાસ પ્રાણનો ધોધ વહાવે
શક્તિપુંજ રોમ રોમ  પ્રગટાવે

ધ્યાનમય નયનો ઢળે છે ભીતર
યોગ થકી પામે નવ જીવતર
મહત્તા યોગની એવી નિરંતર
માનવ માનવ રહે ન અંતર.

કોહિનૂર… કહો કે પ્રકાશનો પર્વત…ભાષા બદલાય પણ નૂર સહુને અચંબિત કરે…ઝળહળતો પ્રકાશ  જે તેને બ્રિટિશ તાજમાં પણ સ્થાન આપે …કહેવાય છે કે ક્યારેક કોહિનૂર સ્યમંતક નામથી ઓળખાતો હતો અને ભગવાન કૃષ્ણએ તેને જાંબુવાન પાસેથી મેળવીને રાજા ઉગ્રસેનને આપેલો…સત્ય ક્યારેક ઇતિહાસમાં છૂપાયેલું હોય …પણ ભારતનો ઇતિહાસ એ રહ્યો છે કે તેણે સમગ્ર વિશ્વને એવી વસ્તુઓનું યોગદાન આપેલું છે જે વિશ્વના ફલક પર આજે પણ ઝળહળે છે. ભારત માત્ર હીરા કે ઝવેરાતથી સમૃધ્ધ છે તેમ નથી. ભારત વિશ્વને હંમેશ કંઇક અજોડ અને અદ્વિતીય કહી શકાય તેવું યોગદાન આપતું રહ્યું છે. આવું જ એક યોગદાન એટલે યોગ. યોગ એ વિશ્વને ભારત તરફથી પ્રાપ્ત થયેલ પુષ્પાંજલિ છે, જે પ્રાચીન હોય કે અર્વાચીન હર યુગમાં મહેકે છે.

આમ તો યોગની પરંપરા અતિ પ્રાચીન છે. મહાભારત અને ભગવદ્ ગીતામાં પણ ત્રણ પ્રકારના યોગનો સંદર્ભ મળે છે. યોગ એ જીવનશૈલી છે, જેનો ઉલ્લેખ 5000 વર્ષ પૂર્વે વેદોમાં મળે છે. પરંતુ, આજે જે વધુ પ્રચલિત છે….શાસ્ત્રીય રીતે જેનું યોગસૂત્ર દ્વારા આલેખન થયું છે….તે છે ઋષિ પતંજલિનો અષ્ટાંગ યોગ.

યોગ એટલે શું એ સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે યોગ શું નથી. માત્ર આસન અને પ્રાણાયામ એટલે જ યોગ એવી સામાન્ય માન્યતા જોવા મળે છે., જે સત્ય નથી. યોગ કોઈ વ્યાયામ પદ્ધતિ નથી કે નથી ચિકિત્સા પદ્ધતિ. યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે નથી કે નથી કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ માટે. યોગ વિજ્ઞાન પણ નથી કે નથી માત્ર તત્વજ્ઞાન. યોગ એ પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ છે.  યોગ એ ભૌતિક જગતથી પર, બધાંમાં ઓતપ્રોત પરમ ચૈતન્યના અનુભવ માટે સાધનમર્ગ છે. યોગની વિવિધ વ્યાખ્યાઓ થઈ છે.  અને વિભિન્ન યોગ માર્ગો છે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, મંત્ર યોગ, લય યોગ, હઠ યોગ, રાજ યોગ, પૂર્ણ યોગ…. વિ.  સંસ્કૃત युज  ધાતુ પરથી  યોગ શબ્દ આવ્યો છે. युज એટલે જોડવું…માટે યોગ એટલે જેનાથી જોડાણ સધાય તે… જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ. છતાં સામાન્ય માનવી જે યોગને જાણે છે તે  હઠયોગ અને રાજયોગ છે. આ એવું ગહન જ્ઞાન છે કે જ્ઞાનનો મહાસાગર છે, જેનો તાગ મેળવવો મુશ્કેલ છે. માટે આપણે અહીં વધુ ઊંડાણમાં નહિ જઈએ. પણ સરળ રીતે સમજીશું.

યોગ એ પ્રાચીન ભારતીય વિદ્યા છે. પ્રશ્ન થાય કે વિદ્યા એટલે શું? વિદ્યા એ એવું જ્ઞાન છે, જે માણસની ક્ષમતા વધારે છે અને કક્ષા બદલે છે. કોઈપણ વિદ્યા મેળવ્યા બાદ વ્યક્તિની ક્ષમતા કે કેપેસીટી વધે છે. તે પહેલાં કરી શક્તો હોય તે કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. જ્યારે  તેની આ ક્ષમતા વધે છે, ત્યારે તેનું વધેલું કૌશલ્ય તેની કક્ષા બદલે છે. કક્ષા બદલાય ત્યારે તે વધુ સારો માનવ બને છે. આ મહામાનવ બનવાની વાત નથી પણ માનવ તરીકે પોતાને મળેલી શક્તિઓની શ્રેષ્ઠતા મેળવવાનો તેનો હેતુ છે. માનવ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ સિધ્ધ થયો છે. પણ કઈ રીતે? માનવ યુગો પર્યંત શક્તિની આરાધના કરતો રહ્યો છે. ક્યારેક શારીરિક શક્તિ તો ક્યારેક માનસિક. આ શક્તિ તેણે જ્ઞાન કે વિદ્યાઓ વડે સંવર્ધિત કરી છે. યાદ કરીએ કે સિંહ, વાઘ, હાથી હોય કે જળચર પ્રાણીઓમાં વિશાળકાય વ્હેલ હોય, માનવી પોતાની શક્તિના સામર્થ્યથી સર્વોચ્ચ પદે બિરાજે છે. આ કૌશલ્ય ક્યાંથી આવ્યું? આ કૌશલ્ય તેણે શારીરિક અને માનસિક શક્તિના વિકાસથી પ્રાપ્ત કર્યું છે. યોગનું લક્ષ્ય ભલે શારીરિક કે માનસિક ક્ષમતા વધારવાનું ન હોય ..પણ યોગની ઉપાસના કરનાર આ ક્ષમતા સહેજે પ્રાપ્ત કરે છે.

આજે સમગ્ર વિશ્વની સમૃધ્ધિની દોટ થંભી છે અને કોરોનાની મહામારીના તોફાની સમુદ્ર વચ્ચે આરોગ્યનું વિશ્વ હાંફી રહ્યું છે. ત્યારે દીવાદાંડી બની પ્રકાશ આપે છે યોગ. યોગ આજે જીવન દૃષ્ટિ છે. દ્રશ્ય ગમે તેટલું ભવ્ય હોય પણ દ્રષ્ટિહીન વ્યક્તિ તે માણી શકતી  નથી. દ્રશ્ય નહીં પણ દૃષ્ટા અને દૃષ્ટિ જીવનપથ પર માર્ગદર્શક બને છે. આવી જીવનદ્રષ્ટિ એટલે યોગ. યોગ એક જીવનવૃક્ષ છે અને સુંદર આરોગ્ય એ તેનું ફળ .

માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે. સફળતાની સીડી પર તેનાં પગલાં ક્યારેક તેને ચંદ્ર કે મંગળની સફર કરાવી શકે તેમ છે તો ક્યારેક મહાસાગરના પેટાળની અદભુત જીવસૃષ્ટિનું દર્શન પણ કરાવી શકે છે. આ સર્વસ્વ, સિદ્ધિ, સમૃધ્ધિ અને સફળતાનો પાયો છે તેનું તન, મન અને ધન . ધનની દોટમાં દોડતો માણસ પણ જો તન અને મનનું પોષણ ન કરે તો ન તેને સમૃદ્ધિ બચાવી શકે કે ન ટેકનોલોજી. જીવન સફર રોગના પડાવ પર આવી ઊભી રહે છે અને જીવનયાત્રાને એક આંચકો લાગે છે. જીવન ઓનલાઈનમાંથી  ઓફલાઈન બનતાં વાર લાગતી નથી. સફળ ગણાતું જીવન ક્યારેક બેક્ટેરિયા તો ક્યારેક વાયરસની સામે માઈક્રોસોફ્ટ હોય તેમ લાગે છે. ચોપાસ છે અંધકાર અને ત્યારે પ્રકાશનો રાજમાર્ગ છે યોગ …ઋષિ પતંજલિએ પ્રયોજેલો રાજયોગ .   યોગ એ પ્રાચીન વિદ્યા છે જે અર્વાચીન સમયમાં પણ સચોટ અને સફળ છે.  જ્યારે બે વસ્તુઓનું  જોડાણ થાય ત્યારે નીપજે યોગ . આ જોડાણ તનનું અને મનનું હોય તો બને રાજયોગ. જેમ રાજમાર્ગ એ સહુ માટે છે તેમ જ રાજયોગ એ કોઈપણ માણસ માટે પથપ્રદર્શક છે. તે  સમગ્ર માનવજાતિના કલ્યાણનો માર્ગ છે. આજે વિશ્વ, આરોગ્ય માટે આકાશપાતાળ એક કરી રહયું છે, ત્યારે યોગ વ્યક્તિની પોતાની શક્તિને કેળવવાનો માર્ગ છે. યોગથી સ્વસ્થ બનેલ શરીર કોઈપણ પડકાર ઝીલવા સક્ષમ છે.  તે માનવીની રોગ પ્રતિકાર શક્તિને ખીલવે છે. પ્રશ્ન થાય કે આવું કઈ રીતે થઈ શકે?

ઋષિ પતંજલિનો યોગ એ અષ્ટાંગ યોગ વિદ્યા છે. તેના આઠ અંગ છે. અષ્ટાંગ યોગમાં સમાવિષ્ટ છે -યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર , ધારણા, ધ્યાન અને સમાધિ. આ અંગોમાં એક ક્રમિકતા હોવા છતાં એ ક્રમિકતા પગથિયાં જેવી નથી. તેથી સાધક જેમ જેમ વિકાસ પામતો જાય તેમ તેમ આગળના અંગોનું ઉમેરણ થતું જાય છે. માટે આ આઠ અંગોને યોગમૂર્તિના આઠ અંગો ગણવામાં આવે છે. રાજયોગ સૌમ્ય સાધન માર્ગ છે. તે મનોજય દ્વારા પ્રાણજયનો માર્ગ છે.  પાતંજલ યોગસૂત્રના અભ્યાસ પરથી લાગે છે કે મહર્ષિ પતંજલિનો દૃષ્ટિકોણ સાંપ્રદાયિક નહિ પણ વ્યાપક અને સમન્વયાત્મક છે. 

યોગનું અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર છે. તેનું પ્રાથમિક લક્ષ્ય જીવનમાં સંતુલન અને નિયંત્રણ મેળવવાનું અને મૂંઝવણ અને તણાવ દૂર કરવાનું છે…જે આસાનીથી આસન અને પ્રાણાયામથી થઈ શકે છે.  કોઈ વ્યક્તિ વિચારે તેનાથી અધિક લાભ યોગ આપે છે. આજના યુગના પડકારોનો સામનો કરવામાં પણ યોગ મદદરૂપ છે.  શરીર અને મન વચ્ચે સંપૂર્ણ સંવાદિતા જાળવવા યોગિક જીવનશૈલી આધારભૂત છે. યોગ એ માત્ર નિરીક્ષણ કે બૌદ્ધિક વિચારણાનું પરિણામ નથી.  ભારતના દૃષ્ટિ સંપન્ન ઋષિઓ અને યોગીઓએ આંતરદૃષ્ટીથી જે જોયું, અનુભવ્યું તેના પરિપાક રૂપે આ ખૂબ જ વ્યવસ્થિત શાસ્ત્ર છે. માટે જ આજે વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે યોગની ઉપાસના થાય છે. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિનની શુભેચ્છાઓ…

રીટા જાની
18/06/2021

સ્પંદન-20

હૃદય  બને કારણ વ્યથાનું
જીવન બને કંટક બિછાનું
ચિત્તને ચિંતા અકળાવે
કે મનનો ડર ગુંગળાવે

વિપદ છો આવે અચાનક
રુદન ના હોય મારું કથાનક
શ્રમની સુગંધ લાવે પવન
રંગીન ઉષાનું થાય આગમન

ચિંતા ન મનમાં આણે
તે જીવન જીવી જાણે
ભીતર શ્રધ્ધા કેરો સમંદર
નૈયા મારી લાંગરે બંદર

હઠ હોય પ્રહારો ઝીલવાની
ઋતુ આવે ફૂલોના ખીલવાની
ભલે લાગે આ ફાની જિંદગાની
જીવી જાણો તો એ છે મઝાની.

પૃથ્વી …. અવકાશમાં ઘૂમી રહેલ સુંદરતમ ગ્રહ…આસમાની રંગની પૃથ્વી અવકાશી સૌન્દર્યમાં કંઇક અલગ જ ભાત પાડે છે કેમ કે તેમાં આસમાની સમુદ્રો છે, લીલાંછમ વનો છે, ખળખળ વહેતી નદીઓ અને ઝરણાં છે અને સૌથી વિશિષ્ટ તો માનવીની ઉપસ્થિતિ છે. પ્રભુનું શ્રેષ્ઠ સર્જન છે માનવી કેમ કે તેની પાસે બુદ્ધિ છે, શક્તિ છે, ટેકનોલોજી છે અને આ બધાથી તે ધારે તે કરી શકે – હવામાં ઉડે, પાણીમાં તરે અને જાતજાતની મુસાફરી કરે, અરે પૃથ્વી જ નહીં અવકાશમાં પણ તેના પગલાં છે. પણ આવી અદભુત સિદ્ધિ ધરાવનાર માનવને કોઈ પૂછે કે શું તે પુષ્પોની જેમ હરહંમેશ પ્રફુલ્લિત રહી શકે? પુષ્પ કલિકાની જેમ નવપલ્લવિત રહી શકે? પંખીની જેમ ખુશી ખુશી નવાં ગીત છેડી શકવાનો આનંદ તેની પાસે છે ખરો? કદાચ મહદઅંશે ઉત્તર નકારમાં આવે. સહેજે પ્રશ્ન થાય કે આ આનંદ ક્યાં ગયો અને કોણે છીનવી લીધો?  આ પ્રશ્નોનો જવાબ છે ……ચિંતા.
ચિંતા … આનંદની ક્ષણોને છિન્નભિન્ન કરી શકે …માનવ સિદ્ધિના મહેલોને જમીન દોસ્ત કરી શકે, માનવ મનની અમાપ શકિતઓ હોવા છતાં તેને પાંગળો બનાવી શકે. તત્વજ્ઞાનીઓ તેને તત્વ અને જ્ઞાન બંને રીતે જાણે છે, મનોચિકિત્સકો તેને ઓળખે છે અને સામાન્ય માનવી જો એમ કહે કે તેને કોઈ ચિંતા નથી પણ દિલ પર હાથ રાખીને કોણ કહી શકે કે તેને ચિંતા નથી? ચિંતાનું સામ્રાજ્ય સર્વત્ર છે.  બાળપણની વાર્તાઓ યાદ કરીએ તો …
…..એક રાજા હતો . પ્રજાવત્સલ અને પ્રજા સુખી. પણ એક વાતની ચિંતા હતી…રાજગાદી સંભાળે તેવા સંતાનની ખોટ….રાજાને ક્યારેક કુંવરના રાજ્યાભિષેકની ચિંતા…
તો ક્યારેક કુંવરીના લગ્નની તો ક્યારેક દુશ્મનોના આક્રમણની ચિંતા. આવાં કથાનકો સાંભળીને મોટા થતાં વિદ્યાર્થીને પરીક્ષાની ચિંતા…ત્યાર બાદ નોકરી, પ્રમોશનની ચિંતા,  યુવાનીમાં  સુંદર, સુશીલ યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થશે કે કેમ તેની ચિંતા…. અને વૃદ્ધાવસ્થા તો ચિંતાનો ખજાનો. કેમ કે શરીર, ધન અને મન -બધી જ શક્તિઓની સીમા આવી જાય. આ બધામાં સામાજિક ચિંતા, આર્થિક ચિંતા , પદ અને પ્રતિષ્ઠાની ચિંતાનો સરવાળો કરીએ તો લાગે કે ચિંતાઓનું આ નકારાત્મક લીસ્ટ ઘણું લાંબુ છે કે  તેનો અંત છે કે કેમ?
ક્યારેક કોઈનો સૂર સંભળાય કે…
એમ જ કંઈ કાળામાંથી વાળ સફેદ નથી થતા.
…આમ ચિંતા આબાલવૃદ્ધ, ગરીબ, તવંગર સહુને છે.
માનવ સિદ્ધિના જુદાં જુદાં ક્ષેત્રો પર નજર નાખીએ તો લાગશે કે ચિંતા એ કોઈ ક્ષેત્ર છોડ્યું નથી. આર્થિક પંડિતોની દિલચસ્પીનું ક્ષેત્ર એટલે અર્થશાસ્ત્ર.  અર્થશાસ્ત્ર તો દરેક માનવીને  સ્પર્શે છે. આર્થિક વિકાસ થશે કે કેમ,  જી ડી પી વધશે કે નહિ અને વધે તો કેટલી વધે તેની ચિંતા આ ક્ષેત્રના સહુ લોકો કરતા જ હોય છે. ત્યાર બાદ આવે કોર્પોરેટ મહારથીઓ – સફળતાની સીડી તો તેમને સાધ્ય ખરી જ પણ ચિંતાના ક્ષેત્રો પણ ખરાં જ – કંપનીના વિકાસ અને પ્રતિસ્પર્ધા , નફો જાળવવાની , બજારમાં સ્થાન જાળવીને વિકાસ કરવાની ચિંતા. તો શેરબજાર તો ચિંતામાં શિરમોર . ચિંતા તેમાં કંઈ કેટલીયે ઉથલ પાથલ કરી શકે અને આજે ફૂલગુલાબી લાગતું હોય તે ગમે ત્યારે પત્તાના મહેલની યાદ આપી શકે અને કડડભુસ થતાં જરાય વાર ન લાગે. માનવીના સ્વાસ્થ્યનો ભાર ઉઠાવતી હોસ્પિટલો પણ ચિંતાથી મુક્ત નથી.
… આ બધું ઓછું હોય તેમ હવે આવ્યા છે નવા વાઇરસ. કોરોનાના પાનડેમિકથી ત્રસ્ત દુનિયાને  એક વાઇરસ પડકાર ફેંકી શકે છે. માનવીની સફળતાની દોડ થંભી જાય છે – ધંધા , રોજગાર ઠપ્પ અને કાલે શું થશે તેની ચિંતા આજે સાર્વત્રિક છે. વાઇરસ સામે આવેલી વેક્સિનની પણ ચિંતા કદાચ આજે સમગ્ર વિશ્વને છે. વેક્સિન મળશે કે નહિ, તે અસરદાર છે કે નહિ, કોને ક્યારે મળશે – તેવી નવી ચિંતાઓ માનવીની રોજબરોજની જિંદગીને અસ્તવ્યસ્ત બનાવી રહી છે. અતિશય સફળ એવું વિજ્ઞાન પણ જો ચિંતાની વેક્સિન શોધી શકે તો એ મોટી સફળતા ગણાશે.
પણ ત્યાં સુધી ….શું ?

ચિંતાનો ઉકેલ …ચિંતામાં જ સમાયેલો છે.  ચિંતા માનસિક હોય છે અને તેથી જ તેનો ઉકેલ પણ માનસિક જ હોઈ શકે. ચિંતા જુદી જુદી રીતે ઉદભવે છે.  પણ સામાન્ય રીતે જોઈએ તો ચિંતા એ  અદૃષ્ટ અને દૃષ્ટ વચ્ચે ઊભેલી સમયની ભેદરેખા છે. જે કોયડો ઉકેલી શકાતો નથી તેની મૂંઝવણ એટલે જ ચિંતા.  જો તે ઉકેલવાની શક્તિ આવી જાય તો ચિંતા રહે નહીં.  યાદ કરીએ કે એક સમયે માણસ માટે ઊડવું શક્ય ન હતું. રાઈટ બ્રધર્સ તેનો પોતાની શક્તિથી ઉકેલ લાવી શક્યા અને આજે હજારો માઈલ દૂર માત્ર પ્લેનમાં ઊડીને પહોંચી શકાય છે. પ્રથમ ઉકેલ આત્મશક્તિ કેળવીએ તો ઊકેલ દૂર નથી. તમે બ્રેક મારીને વાહન ચલાવી શકો નહિ. ચિંતા એ પ્રયત્નોના  પૈડાં પરની બ્રેક છે.
બીજો ઉકેલ ગીતામાં શ્રી કૃષ્ણ એ અર્જુનને કહ્યો હતો..
ફળની અપેક્ષા વિના કર્મ કરવું. જે ફળ આવે તે સ્વીકારવું. અહીં પણ ચિંતા રહી શકે નહીં.

છત્રપતિ શિવાજીની વાત યાદ આવે છે.  તેમનું નાનું સૈન્ય પૂર્વઘાટમાં આરામ કરતું હતું ને ત્રણ બાજુથી મોગલો ત્રાટક્યા. દુશ્મનોથી અચાનક ઘેરાઈ જવા છતાં ચિંતા કરવાના બદલે શિવાજીએ પોતાના સૈનિકોને ચોથી બાજુએ નાસીને ડુંગર પાછળના ખડકોમાં જવા કહ્યું. થોડી વાર પછી તેઓએ ત્રણે બાજુથી તીરનો વરસાદ વરસાવી મોગલોને ભગાડ્યા. ચિંતા કરી હોત તો ચોક્કસ હારનો સામનો જ કરવો પડે. માટે પરિસ્થિતિ જોઇને વ્યૂહ રચવો જોઈએ. જીવન સંગ્રામ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ક્રિકેટમાં પણ દરેક બોલ રમવો જરૂરી નથી. જેનામાં ક્યો બોલ રમવો અને ક્યો છોડી દેવો એની સમજ હોય તે જ સદી ફટકારી શકે છે. 

એ સમજવું જરૂરી છે કે હકીકતે ચિંતા એ સૌથી મોટો વાયરસ છે.  ચિંતા એ સમય અને શક્તિની બરબાદી છે. પરીક્ષા, નોકરી કે પ્રમોશનની ચિંતા કરવાના બદલે પ્રયત્ન અને ક્ષમતા વધારીને ચિંતાનું કારણ દૂર કરી શકાય છે.
ચિંતા એ નાની ફૂટપટ્ટી વડે અવકાશી ઊંડાઈ પામવાની ઈચ્છા છે.  જ્યારે ક્ષમતા કે કેપેસિટી કરતાં અપેક્ષાઓ અને સ્વપ્નો વધુ મોટા હોય તો ચિંતા ઉદભવે છે.  જો વાસ્તવિકતાને સમજીને વર્તવામાં આવે તો  ઉકેલ સહજ અને સરળ બને.
ભક્ત કવિ દયારામનું સુંદર પદ યાદ આવે છે..
ચિત્ત તું શીદ ને ચિંતા કરે
કૃષ્ણને કરવું હોય તે કરે .
ચિંતા એક કાજળઘેરી રાત્રિ છે અને સવાર સુધી પહોંચવા પહેલાં જ પ્રકાશ પામવાની અધીરાઈની મૂંઝવણ પણ છે. ઉગતી સવારની વાત આવે એટલે પૂર્વ- પશ્ચિમ  દિશાનો જ ખ્યાલ આવે. આપણે જો પૂર્વ દીશા તરફ જોઈએ તો સૂર્ય દેખાશે અને પશ્ચિમ દિશામાં પડછાયો. નક્કી આપણે કરવાનું છે કે સફળતાનો સૂર્ય જોઈએ કે ચિંતાનો પડછાયો.  જરૂરી છે સાચો અભિગમ, શ્રધ્ધા અને આત્મ વિશ્વાસ…
સુંદર શબ્દો યાદ આવે છે…
…..સુબહ જરૂર આયેગી
…..સુબહ કા ઇન્તેઝાર કર.

રીટા જાની
04/06/2021

સ્પંદન-19

રૂપકડાં સપનાંનો સંસાર
જીવનનો ઉતારે સહુ ભાર
આંખમાં આવે એક ચમકાર
જ્યાં મનમાં આશાનો સંચાર

ઉડે પંખાળે ઘોડે કલ્પનાની
આશા છે કાબેલ સુકાની
કોડભરી બને જિંદગાની
પ્રાણ ભરી દે જીવન કહાની

ઊડી જાય મનની ઉદાસી
સફળતા આશા કેરી દાસી
ઉડવા છે સકળ આકાશ
દિલમાં ઉગે જો એક આશ

આશા છે એવું સુમન
ચિંતા, મુસીબત કરે દફન
ઝળહળે દીપ, ખીલે ચમન
સફળતા કરે એને નમન

રાત અને દિવસ…ક્યારેક તારાઓનું સૌન્દર્ય તો ક્યારેક  અરૂણિમ ઉષાનું પ્રાગટ્ય. પણ કાજળઘેરી રાત્રિના અંધકારમાં ઉષાના પ્રગટવાની કલ્પના કોણ કરી શકે? જીવનનો હેતુ શું છે?  જીવનનો હેતુ છે કોઈ પણ ભય વગર નિતનવા અનુભવોને જાણવા ને માણવા. જીવનનો હેતુ છે ખુશી મેળવવી…ભવિષ્યમાં નહીં…આજે… અહીં…અત્યારે જ. ખુશીનો આધાર એના પર નથી કે તમે ક્યાં છો…તમે કોણ છો…તમે શું ધરાવો છો. તમારી પાસે જે નથી તેની અપેક્ષામાં જે છે તેનો આનંદ લેવાનો ચૂકશો નહિ. આશાવાદી બનો અને જીવનને ખુશહાલ બનાવો.  શક્ય છે કે ક્યારેક તમારા સંજોગો વિપરીત હોય, જેથી તમે ખુશ રહી ન શકો.  સાચી ખુશીને  શોધવાની સૌથી શ્રેષ્ઠ જગ્યા આશા છે. જીવન ખૂબ મૂલ્યવાન છે. આશા માનવીને ડિપ્રેશનથી તો બચાવે જ છે પણ જીવનને આનંદથી ભરી દે છે, તકલીફોથી ઉપર ઉઠીને સફળતા અપાવે છે. આશા ઇતિહાસ સર્જી શકે છે, મૂંઝવણનો ઉકેલ આપી શકે છે, સપનાને પાંખો આપી શકે છે, નિરાશાના વાદળોને હટાવી શકે છે. આશા સ્વપ્નોના મહેલને વાસ્તવની ધરતી પર ઉતારી શકે છે.

અગણિત તારાઓથી છલકાતું તારા વિશ્વ અને એમાં સતત ઘૂમતી પૃથ્વી…પૃથ્વીની વિશેષતા એ છે કે પૃથ્વી જીવંત છે. જીવન અહીં પ્રગટ્યું છે અને ફુલ્યું ફાલ્યું છે. જીવનચક્ર પ્રાગૈતિહાસિક કાળથી માંડીને ઉત્ક્રાંતિના અંતિમ ચરણ માનવ સુધી…રાત દિવસ વિકાસ પામતું જ રહે છે. માનવજીવનની વાત કરીએ તો પુરાતન કાળના આદિમાનવથી આજના વિકસિત માનવ વચ્ચે ડીએનએનું સામ્ય રહ્યું છે પણ વિકાસની હરણફાળ એ હદે પહોંચી છે કે પગે ચાલતો માનવી આજે  પૃથ્વી જ નહીં પણ અવકાશમાં કદમ માંડતો થઈ ગયો છે. આનું એકમાત્ર કારણ છે માનવીની આંખોમાં યુગોથી જોવાતાં સ્વપ્નો. માનવી રાત્રે  સ્વપ્નસૃષ્ટિ માણે છે પણ દિવસે પ્રવૃત્તિશીલ રહીને એ સ્વપ્નોને વાસ્તવમાં પલટવાની કોશિશ કરતો રહે છે.  આ કોશિશ ક્યારેક ગુફાવાસી આદિમાનવની પણ હતી અને આજે પણ છે. માનવ સંસ્કૃતિ કહો કે સભ્યતા કે વિકાસ, તેની સાથે આ સ્વપ્નો રહયાં છે. સ્વપ્નોના આ સંસારનો પાયો છે આશા. પ્રલયના પડકાર સામે બાથ ભીડી રહેલા માનવીને વિકાસની સફળ સીડી પર પહોંચાડનાર એક માત્ર પરિબળ છે આશા. આવતી કાલનો સૂર્ય આજ કરતાં વધુ સારો હશે એવો વિશ્વાસ દરેક માનવીને રહ્યો હોય છે…તે જ છે તેના વિકાસનું રહસ્ય.

આશાનું વિશ્વ ક્યાં નથી ?  સમુદ્રના તોફાનમાં સપડાયેલ જહાજ હોય કે બર્મુડા ટ્રાયેંગલમાં ફસાયેલ વિમાન – દિશા સૂઝતી ન હોય, સંજોગો કપરા હોય, જીવન દાવ પર લાગ્યું હોય ત્યારે માનવી કયા આધારે લડતો રહે છે… તેવા પ્રશ્નનો ઉત્તર છે… આશા. સહુના દિલમાં આશાનો  દીપક જલતો રહે છે અને એ જ છે માનવના જુસ્સા અને જોમનું રહસ્ય. માણસ સંજોગોથી નાસીપાસ ન થાય તો આશાના બળથી ગમે તે તોફાન પાર કરી જ શકે.

આશા વિનાનો માનવી એટલે હલેસાં વિનાની નૌકા. જ્યાં આશા નથી ત્યાં બળ નથી. યુદ્ધમાં ઉતરતા સૈનિકને જીવન અને વિજયની આશા છે. કોર્પોરેટ કલ્ચરના માંધાતાઓને સફળતાની અને વધતા નફાની આશા છે. ઉમેદવારને જીતી જવાની આશા છે.  હોસ્પિટલના દર્દીને , દર્દીના આપ્તજનોને  અને ડૉક્ટરને પણ  દર્દીના સારા થવાની આશા છે. આ આશા જ સહુની પ્રવૃત્તિનું પ્રયોજન છે. યાદ કરો કે ગમે તેવા લોકડાઉન વચ્ચે પણ કામ કરતો માનવી દિલમાં આશા અને અરમાન લઈને ચાલી રહ્યો છે કે આ રોગનો – કોરોનાનો અને તેની વિટંબણાઓનો અંત આવશે. કોઈ પણ દવા કે વેક્સિનના મૂળમાં વિજ્ઞાન તો છે જ પણ એ જ વિજ્ઞાન આશાના સામ્રાજ્ય વિના પાંગળું છે, અશક્તિમાન છે.

સફળતાની સીડીની ટોચ પર રહેલો માનવ પણ આશાના પગથિયાં વિના આરોહણ કરી શકતો નથી. કદાચ આ જ વાત એવરેસ્ટના આરોહકને પણ લાગુ પડે છે.
એવરેસ્ટ આરોહણમાં નિષ્ફળતા મળવાથી  ખડતલ શેરપા તેનસિંગ એકદમ નિરાશ અને હતાશ હતો. એવામાં તેને હિમાલયના બર્ફીલા પહાડોમાં દિગંબર અવસ્થામાં વિચરતા સ્વામી સર્વેશ્વરાનંદ મળ્યા.
સ્વામીજીએ તેનસિંગને પૂછ્યું:”ક્યા બાત હૈ?”
“ગૌરીશંકર શિખરપે જાના ચાહતા હું.” (19મી સદીમાં કેટલાક યુરોપિયન નકશા બનાવનાર અને ઘણા લોકો ભૂલથી ગૌરીશંકરને જ એવરેસ્ટ માનતા)
“સંકલ્પ કરો કે તુમ ચોટી પર પહુંચોગે, તો જરૂર પહુંચોગે.”
બાકી તો ઇતિહાસ છે.
અમાપ શિખરોને માપવાની અખંડ આશા સાથે તેનસિંગે મુસીબતોનો મુકાબલો કરી અશક્ય સામે બાથ ભીડી પ્રચંડ પુરુષાર્થ કર્યો.
વિશ્વ જાણે છે કે તેનસિંગ એવરેસ્ટની ચોટી પર પહોંચ્યો!
મારે, તમારે, સૌને કોઈ શિખરની ટોચે પહોચવું છે….જો દિલમાં હશે આશા…સાથ મળે પુરુષાર્થનો…તો એ આશા જરૂર ફળશે….તમને પણ તમારું શિખર મળશે.

આજનો યુગ ઇન્સ્ટન્ટનો યુગ છે. બધું જ ત્વરિત જોઈએ. ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ ફોટો, ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર વગેરે વગેરે….આશા પણ ઇન્સ્ટન્ટ જ ફળવી જોઈએ. પરંતુ એ શક્ય નથી. જ્યારે તમામ સંજોગો વિપરીત હોય ત્યારે પણ જે આશા રાખે એ સાચો આશાવાદી. અફાટ મહાસાગર… ક્રિસ્ટોફર કોલંબસ અને તેના ત્રણ જહાજો… સાલ 1492. સ્પેનથી નીકળ્યા ને દિવસો થયા પણ જમીન કે કિનારો દેખાતો નથી. સાથીઓની ધીરજ પણ ખૂટી છે અને મૂંઝવણ પણ છે જ.  આગેકૂચ કરવી કે પીછેહઠ? છતાં કોલંબસે આશા છોડી નહિ અને અમેરિકાનો નવો ખંડ તેણે શોધ્યો.

એક કહેવત છે – ‘જ્યાં લગી શ્વાસ, ત્યાં લગી આશ.’ સફળતાની આશા એ આ વિશ્વમાં થતાં નાનામોટા બધા જ  કાર્યોનું  અનિવાર્ય અંગ છે. આશા જીવનને બળ આપે છે, મનને ચેતનવંતુ બનાવે છે, સ્વપ્નોને સાકાર કરે છે. આશા વગર જીવવાનું અશક્ય બની જાય. આશા એવું અમૃત છે જે જીવનને રંગ અને રસસભર બનાવે છે. પણ બહારની કોઈ વ્યક્તિ તમારી અંદર આશા ભરી દે એ શક્ય નથી. આશાનો છોડ દરેક વ્યક્તિએ જાતે જ ઉગડવો પડે છે. ચારે તરફ નિરાશાના કાળા વાદળો ઘેરાયેલા હોય… છતાં એક માત્ર આશાનો દીપક જો જલતો હશે તો એના વડે ફરી ઉત્સાહ, શાંતિ, હિંમત અને સમૃદ્ધિના પ્રકાશનું પ્રાગટ્ય થશે….એટલે જ, આપણાં ઘરમાં અને મનમાં હંમેશા આશાનો દીવો જલતો રાખો…

….. 24×7 નિરંતર દોડતી દુનિયાનો આ વર્તમાન  નવીનતમ  અનુભવ…. લોકડાઉન…વ્યથા …અકળામણ…. નિરાશાનું સામ્રાજ્ય…. જાણે કે આજે વિશ્વના ઉપવનની પાનખર… પુષ્પોનો પમરાટ હોય કે મધમાખીનું ગાન…બધું ગુમ અને વિશ્વની સડકો ગુમસુમ… પ્રશ્ન થાય કે વસંત ક્યારેય નહીં આવે? …ઉત્તર…કોશેટો બનીને પુરાયેલ વિશ્વ નવી સજ્જતા સાથે બહાર નીકળવા થનગની રહ્યું છે … એ આશાના સહારે…કોશેટો તૂટશે … નજરે પડશે રંગબેરંગી પાંખો સાથેનું નવું પતંગિયું … એ જ આશા… અમર આશા…

રીટા જાની
28/05/2021

સ્પંદન-18

ક્યારેક તીખી તલવાર
ક્યારેક આંસુડાં ચોધાર
અજબ આ નયનની દ્રષ્ટિ
બદલી જાય સકળ સૃષ્ટિ
આશા અભિલાષાની ઉષા
કે આતુર નયનોની તૃષા
ખોળે ખુશીઓનો ખજાનો
સકળ સંસાર લાગે મજાનો
ક્યારેક હસાવે, ક્યારેક રડાવે
જિંદગી હમેશાં નિતનવા પડાવે

આંખો …સ્વપ્નિલ સંસારની પાંખો…આંખોમાંથી અમી વરસે.. ને ક્યારેક ગુસ્સો તો ક્યારેક જુસ્સો…તો ક્યારેક વેરનું  ઝેર…આંખો માનવીનો ભાવ છે અને સંસાર સૃષ્ટિમાં દ્રષ્ટિનો પ્રભાવ છે.  આંખો એ મનના સોફ્ટવેરનું હાર્ડવેર છે  અને દ્રષ્ટિ એ આ સોફ્ટવેરનો પ્રોગ્રામ છે. મન અને આંખોનું સંકલન હોય છે. મનના ભાવનો આંખો પર હમેશાં પ્રભાવ હોય છે. દીપક કેટલો પણ નાનો હોય, પ્રણામનો અધિકારી બને છે. આગ કેટલી પણ મોટી હોય, ધિક્કારને પાત્ર બને છે.

સામાન્ય રીતે આંખો સવારમાં ખૂલે અને દિવસની શરૂઆત થાય છે. તેથી જ કદાચ કહેવત પડી હશે કે  ‘જાગ્યા ત્યારથી સવાર’. આ કહેવત તો જૂના સમયથી હશે પણ પ્રશ્ન એ છે કે માણસ જાગે છે ખરો? દુનિયાદારીની પળોજણમાંથી તે છૂટી શકતો નથી. પ્રથમ પૈસાની દોડમાં તે શરીર સ્વાસ્થ્ય ગુમાવે છે , પછી સ્વાસ્થ્ય મેળવવા માટે પૈસા ખર્ચે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જીવનની દૃષ્ટિના કેન્દ્રમાં શું હોઈ શકે ? ધન કહો કે સંપત્તિ , બંગલા, કાર કે બેંક બેલેન્સ, આ બધાં માનવસર્જિત સાધનો છે. તે  જીવનને સરળ ચોક્કસ બનાવી શકે છે પણ તે જીવન નથી. જીવન એ રોજબરોજના જીવનની સરળતા છે,  જેના પર કદાચ કોઈનું ધ્યાન ભાગ્યે જ જાય છે. હવા, પાણી અને શુદ્ધ વાતાવરણ કે આરોગ્યપ્રદ ખોરાકનું મહત્વ ઓછું ન આંકી શકાય. ચોવીસ કલાક શ્વાસ લેતો માનવી પણ જો થોડી મિનિટ શ્વાસ ન લઈ શકે તો શું થઈ શકે તે કોરોનાથી થંભી ગયેલું વિશ્વ  જાણી ગયું છે.  ગઈકાલની સફળ દુનિયા આજે હાંફી રહી છે. ત્યારે થાય છે કે જીવનની દૃષ્ટિ, વિકાસની દૃષ્ટિ શું હોઈ શકે ? અસ્તિત્વ અને વિકાસનો સંઘર્ષ આજે સહુ અનુભવે છે. મિત્રતા અને સત્કાર , ટુરિઝમ અને બીઝનેસ  આજે માસ્ક અને વેક્સિનનો પડકાર ઝીલી રહ્યાં છે. અર્થ પંડિતોને પણ જીવનના અર્થનું મહત્વ સમજાયું છે.  વિશ્વની દૃષ્ટિ બદલાઈ છે.  જીવનનો હેતુ માત્ર વિકાસ જ નહીં,  કલ્યાણ પણ છે તેવી દ્રષ્ટિ ઉદભવી છે.  દૃષ્ટિ એ માત્ર ભૌતિક નથી, વ્યક્તિગત નથી,  સાર્વત્રિક પણ છે. તેમાં જ માનવ કલ્યાણ છે તેવી સમજણ હવે આકાર લઇ રહી છે. આ  તો સામાજિક કે આર્થિક દૃષ્ટિબિંદુ છે પણ માણસની વ્યક્તિગત દૃષ્ટિ શું હોઈ શકે?

દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, વક્ર દૃષ્ટિ અને કૃપા દ્રષ્ટિ. ક્યારેક લાગે કે આ તો જ્યોતિષ વિજ્ઞાન ચાલી રહ્યું છે. શનિની વક્રદ્રષ્ટી અને ગુરુની કૃપાદૃષ્ટિની વાતો ઘણાના મનમાં જાગૃત થતી હોય છે. ગ્રહો તે પ્રમાણે વર્તન કરે છે કે નહીં તે મતમતાંતરનો વિષય છે. પણ સંસારચક્રના રાહ પર ચાલનારા સહુનો અનુભવ છે જ કે કોઈની કૃપાદૃષ્ટિ મેળવવા માટે ઘણા લોકો જાતજાતની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતા હોય છે.  દૃષ્ટિ, ભાવનું સર્જન કરે છે. કોઈના પ્રત્યે ભાવ કે અનુરાગ હોય તો સ્નેહદૃષ્ટી પ્રગટતાં વાર લાગતી નથી.  જીવનભર એકબીજાની અમીદ્રષ્ટિ પામવાની અભિલાષા  સહુ કોઈની હોય છે. કદાચ પ્રેમ શબ્દ પણ આ જ પ્રકારમાં આવી શકે છે.

દૃષ્ટિ શું કરી શકે અને શું ન કરી શકે? આ વાતનો તાગ મેળવવા મહાભારતથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોય? દ્રષ્ટિહીન રાજા ધૃતરાષ્ટ્રનો સાથ આપવા આંખે પટ્ટી બાંધી રાખતી  પતિભક્ત ગાંધારી યાદ આવ્યા વિના ન રહે. પતિપરાયણતા  એ પણ દ્રષ્ટિ જ જન્માવે છે.  જો  ધૃતરાષ્ટ્રને સામાન્ય દૃષ્ટિ હોત તો કદાચ મહાભારતનો ઈતિહાસ જુદો જ હોત. મહાભારત પણ પુત્રમોહથી પીડિત ધૃતરાષ્ટ્ર અને રાજ્યમોહથી પીડિત દુર્યોધનની કથા જ છે ને? તો ગુરુ દ્રોણાચાર્ય અને રાજા દ્રુપદની  વેર દ્રષ્ટિ અને કૌરવ પાંડવના વેરની દ્રષ્ટિની કથા પણ છે.  હજારો વર્ષ પછી પણ મોહ, વેરઝેર , ઈર્ષ્યા અને સિંહાસનનો મોહ  આજના  વિશ્વમાં પણ દેખાશે જ. વેક્સિન હોય કે વેપાર, સમગ્ર વિશ્વ વિશ્વશાંતિની ઝંખના વચ્ચે, બબ્બે વિશ્વયુદ્ધ બાદ આજે પણ વિભાજીત છે. અનુભવ એવો રહ્યો છે કે સ્પર્ધા , પ્રતિસ્પર્ધા અને કાવાદાવાનું , વેરઝેરનું વિશ્વ આજે પણ જીવંત છે. શક્ય છે કે  ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણના કારણે જ આવું બને છે. માનવીની દૃષ્ટિ સમાન હોતી નથી અને સમાનતાની વિચારસરણી હોવા છતાં કેટલાક પ્રત્યે પક્ષપાત એ વાસ્તવિકતા છે.

એક જ પરિસ્થિતિમાં પણ કેટલો અલગ પ્રતિભાવ હોઇ શકે તે જાણવા જેવું છે. …એક દારૂડિયા પિતાનો પુત્ર હતો. જન્મથી જ તેણે જોયું કે પિતા દારૂ પીવે છે, સાંજે કામ પરથી ઘેર આવી મારપીટ કરે છે, ગાળો બોલે છે. તેણે એવું વિચાર્યું કે જીવન આ રીતે જ જીવાય. તે પણ કુસંગે ચડી દારૂ પીવા લાગ્યો, પિતાની જેમ જ દારૂડિયો બની ગયો…પોતાનું જીવન વેડફી દીધું. જ્યારે આવીજ પરિસ્થિતિમાં બીજા એક દારૂડિયાનો પુત્ર હતો. તેણે વિચાર્યું કે પિતા દારૂ પીને આવે છે. માતાને મારપીટ કરી રડાવે છે. આ જોઈ તેણે નક્કી કર્યું કે હું ક્યારેય દારુને હાથ નહિ લગાડું…માટે ફક્ત સંજોગો કે પરિસ્થિતિને દોષ આપીએ તે યોગ્ય નથી. જેવો આપણી પ્રતિભાવ તેવું પરિણામ.
માટીને ગરમી મળે તો કઠણ થાય ને મીણને ગરમી મળે તો એ  પીગળે. ગરમી એ જ છે પણ પરિણામ અલગ. તમે કેવા છો ….તમારી દૃષ્ટિ કેવી છે…એના પર બધું નિર્ભર છે.

કેન્યાનો દોડવીર આબેલ મુતાઈ ફિનીશ લાઈનથી થોડે દૂર હતો ને કોઈ નિશાની જોઈને ગૂંચવાઈ ગયો. તેને લાગ્યું કે તેણે રેસ પૂરી કરીને જીતી લીધી છે. તેની પાછળ જ હતો સ્પેનિશ દોડવીર, ઇવાન ફર્નાન્ડીઝ, જે  વસ્તુસ્થિતિ સમજી ગયો. તેણે મુતાઈને દોડવાનું ચાલુ રાખવા બૂમ પાડી. પણ ભાષા ન સમજવાના કારણે મુતાઈને ખબર પડી નહિ. આથી ફર્નાન્ડીઝે મુતાઇને ધક્કો મારી વિજય અપાવ્યો. રિપોર્ટરે ઇવાનને પૂછ્યું કે તે રેસ જીતી શકે તેમ હતો છતાં તેણે શા માટે મુતાઇને જીતાડ્યો. ત્યારે તેણે કહ્યું કે રેસ તેની જ હતી ને તે જીતી રહ્યો હતો. જો હું જીતું તો તેમાં ઉત્કૃષ્ટતા ક્યાં રહી? એ એવોર્ડ મને માન સન્માન આપી શકે? મારી માતા મારા માટે શું વિચારે?  આખરે તો ગાંધી ચિંધ્યા માર્ગે સાધન અને સાધ્યની શુદ્ધિની વાત અપનાવવાની વાત છે. આપણા બાળકો ક્યા મૂલ્યો શીખે એમ આપણે ઇરછીશું? કેટલાક લોકો એવા પણ હોય છે જે બીજાને શક્તિશાળી બનાવવાના બદલે તેની નબળાઈનો લાભ ઉઠાવે છે. જો આપણે બીજાને ફિનીશ લાઇન સુધી પહોંચાડીએ તો એમાં જીત આપણી પણ  છે.

બહારના વિશ્વ માટે આસપાસના લોકોનો સહકાર જોઈએ. અંતરંગ વિશ્વ માટે તો ફક્ત પોતાની જ જરૂર છે. સાથે એ પણ એટલું જ સાચું છે કે તમારી આસપાસ અશાંતિ અને અરાજકતા હશે તો તમે કઈ રીતે શાંતિથી રહી શકશો? આપણી દૃષ્ટિ લાઈફબોટ જેવી નહિ પણ લાઈટહાઉસ જેવી રાખો. લાઈફબોટ તો થોડા લોકોને જ બચાવી શકે. પણ લાઈટહાઉસ તો ઘણા લોકો માટે પથપ્રદર્શક બની શકે. આપણા જીવનનું લક્ષ્ય તો લાઈફબોટ કે લાઈટહાઉસ બનવાનું નહિ પણ  ધ્રુવતારક બનવાનું હોય. એ જ છે જીવનની સાચી દૃષ્ટિ.

રીટા જાની
21/05/2021

સ્પંદન-17

આજે સૂર બન્યા છે બેસૂર
ખબર નહિ કોનો છે કસૂર
વિષાણુ આવ્યો બની અસુર
દાવ પર જીવન બેકસૂર

વિશ્વ છે આખું દંગ
સંજોગો છે આજે તંગ
નથી કોઈ કોઈને સંગ
એકલ પંડે ખેલવો જંગ

સમજ હવે આ ઈશારો
દૂર  કર હવે વિકારો
મળશે જરૂર કિનારો
હૃદય કરશે હાશકારો.

સમય…બદલાતો હોય છે…બદલાઈ જાય છે…બદલાઈ રહ્યો છે….સમય અને પરિસ્થિતિ એક જ સિક્કાની બે બાજુ છે. સમય બદલાય અને પરિસ્થિતિ બદલાય છે. માનવી કહો કે સમાજ, વ્યસ્તમાંથી અસ્તવ્યસ્ત થઈ જાય છે. સદીઓ..બદલાતી રહી છે… ક્યારેક બીજા વિશ્વયુદ્ધમાંથી નીકળેલું વિશ્વ જ્યારે વિકાસની પગથાર પર કદમ માંડી રહ્યું હોય છે, ત્યારે જ આવે છે…2020..
કદમ થંભી જાય છે… દોડ થંભી જાય છે,  ધમધમતાં બજારો કહો કે વિશ્વના રાજમાર્ગો, વેરાન બને છે…નવા શબ્દો ઉદભવે છે… લોકડાઉન …હવે વિકાસ અને પ્રગતિના દોરાહા પર ઊભેલી માનવસભ્યતા કેદ છે…વિષાણુએ સર્જેલી વિષમતામાં…નવા પડકારો ઉદભવે છે… ક્યાંક છે એકલતા તો ક્યાંક છે એકાંત.  આતુર નયનો શોધતાં હતાં એકાંત અને મળી છે એકલતા.

દેવો અને દાનવોએ ભેગા મળી અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું.  સૌથી પહેલાં તેમાંથી નીકળ્યું હળાહળ વિષ.  આજે આંધળા વિકાસની દોડમાં, પહેલા થવાની હોડમાં, કંઇક મૂળભૂત ચુકાયું છે, ખોવાયું છે, ગુમાવ્યું છે જેની કિંમત હજુ સમજાઈ નથી. હજુ પણ જાગીને સમજવાની જરૂર છે. નહિતર ભીડમાં પણ એકલતા અનુભવતો માનવી આ હળાહળ વિષ પીવા શંકર ક્યાંથી લાવશે….

ક્વોરંન્ટાઈન…આ શબ્દ એકાદ વર્ષ પહેલાં બહુ જાણીતો ન હતો. પણ કોરોનાકાળે આ શબ્દ ખૂબ પ્રચલિત કરી દીધો. એની  અસર એ થઈ કે જો વાઈરસનું ઇન્ફેક્શન થયું તો ફરજિયાત 10 અથવા 14 દિવસનું ક્વોરંન્ટાઈન.  એક અલાયદા રૂમમાં એકલા જ રહેવાનું. ત્યારે હંમેશા સમાજ, પરિવાર, મિત્રો સાથે રહેવા ટેવાયેલો  માનવી અચાનક જ એકાંત અને એકલતાના સ્પંદનો વચ્ચે ઝોલા ખાતા પાંજરે પુરાયાનો  અનુભવ કરે છે.  પાંજરે પુરાયેલા સિંહ, વાઘ કે પંખીઓ કરતાં તેની મન:સ્થિતિ વધુ સારી હોય તેમ લાગતું નથી. આખી દુનિયાનું જ્ઞાન ધરાવતો હોવા છતાં પોતાના વિશે સાવ જ અજાણ એ વ્યક્તિને જાત સાથે ઓળખાણ કરવાની તક મળે છે. માનવ મહેરામણના કોલાહલમાં દબાઈ ગયેલ અંતરનો અવાજ સાંભળવાની તક સાંપડે છે.

એકલતા અને એકાંત –  આ બંનેમાં બહુ ભેળસેળ થાય છે. પણ તાત્વિક રીતે બંને એકદમ અલગ છે.  એકાંત ભૌતિક છે જ્યારે એકલતા માનસિક છે.  વ્યક્તિ જ્યારે એકલી હોય, આસપાસ બીજું કોઈ ન હોય ત્યારે એકાંતમાં છે. એકાંત એટલે હું મારી સાથે છું. એકાંતમાં વ્યક્તિ બધા આવરણો, બધા મહોરા ફગાવીને સ્વને પામી શકે છે. જે સ્વને નથી જાણતો એ અન્યને ક્યાંથી જાણી શકે?  જેને તપ, ધ્યાન કે સાધના કરવી છે, તે એકાંતમાં જ થઈ શકે. માટે એકાંત ખૂબ પવિત્ર છે અને સાધનાનો રાજમાર્ગ છે.

એકલતા એટલે મારું કોઈ નથી. એકલતામાં વ્યક્તિ એકલી પણ  હોઇ શકે કે પછી પરિવાર સાથે, મિત્રો સાથે, ઓફિસમાં, ટોળામાં – સમૂહમાં પણ હોઈ શકે. વ્યક્તિ એકલી હોય ને એકલતા લાગે એ તો સમજ્યા  પણ બધાં સાથે હોવા છતાં જ્યારે કોઈની સાથે વૈચારિક રીતે, લાગણીની રીતે, ભાવની રીતે જોડાઈ ન  શકાય ત્યારે વ્યક્તિ એકલતા અનુભવે છે. એકલતા દુઃખમાંથી જન્મે છે. અથવા એમ પણ સાચું છે કે એકલતા દુઃખ આપે છે. એકલતા એટલે હતાશા, નિરાશા અને તમામ નેગેટિવ સંવેદનાનો સરવાળો. પણ અહીં એક વસ્તુ અભિપ્રેત છે – આપણી અપેક્ષા. આપણી અપેક્ષા હોય છે કે કોઈ આપણને કંપની આપે, મદદ કરે, વાત સાંભળે, વાત કરે, ફરવા આવે…ઘણું લાંબુ લિસ્ટ થઈ શકે. આ અપેક્ષાની પૂર્તિ ન થાય એટલે એકલતા લાગે. વ્યક્તિને જાત જાતના ભય સતાવતા હોય છે – ગરીબી, રોગ, મૃત્યુ વગેરે…એ બધા કરતાં પણ મોટો ભય તેને એકલતાનો હોય છે.  કારણ કે તેને પોતાની જાત સાથે સમય ગાળવાનું ક્યારેય પસંદ જ નથી કર્યું. મારું તો કોઈ નથી…ને ક્યારેક વાત જીવન મરણ સુધી પણ પહોંચી જાય.

પણ બીજો દૃષ્ટિકોણ તો ભુલાઈ જ જાય છે. હું એટલે કોણ? આ શરીર? ના, મારી અંદર જે ચૈતન્ય છે તે…એ તો હંમેશા એકલું જ હોય…મારી અંદર બીજું કોઈ પ્રવેશી  જ ન શકે. આજે સૌને સ્વતંત્ર, એકલા રહેવું ગમે છે. પણ ખરેખર એવી સ્થિતિ આવી પડે તો વ્યક્તિ એ પણ સહન કરી શકતી નથી, ખોવાઈ જાય છે.  એકલતા કોઈ પણ ઉંમરે અણગમતી છે. તેનો સાચો ઉકેલ એ છે કે આ સમયનો આત્મચિંતન અને સાધના માટે ઉપયોગ કરવો. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પોતાની એકાંત વ્યથાને ઓગળી ‘ ગીતાંજલિ ‘ જેવા અમર સર્જન આપ્યાં. અંધત્વના એકાંતને અભિશાપના બદલે આશિષ બનાવી અંધ કવિ મિલ્ટને જગતને સ્વર્ગનું તાદૃશ્ય ચિત્રણ કરાવતા બે મહાકાવ્યો આપ્યાં. તેમની વિશ્વવિખ્યાત કૃતિ ‘ પેરેડાઈઝ લોસ્ટ’ નું સર્જન  તેમણે બંને આંખો ગુમાવ્યા બાદ કરેલું.  કાશ્મીરના મર્મી કવિયત્રી લલ્લેશ્વરીએ સ્વેચ્છાએ લાંબો સમય કાશ્મીરની એકાંત ઘાટીઓમાં કાઢી સુંદર સર્જન કર્યું. એથી વિરુદ્ધ આ કોરોનાકાળમાં ઘણા લોકો ડિપ્રેશનનો શિકાર બન્યા. તથા લોકોની સોશિયલ મીડિયા પાછળની ઘેલછા એ આનો પુરાવો છે.  હકીકત એ છે કે વ્યક્તિ એકાંતમાં પોતાની જાત સાથે તાલ મિલાવી શકે છે અને પોતાના હૃદયમાં ઝંકૃત થતાં સ્પંદનો અનુભવી શકે છે. જો અંતર્યાત્રા કરીશું, જાત સાથે જોડાઈશું તો એકલતાની મરુભૂમિને એકાંતના બાગમાં બદલી શકીશું. પછી  તાકાત નથી એકલતાની કે તમને ડગાવી શકે.

રીટા જાની
14/05/2021

ht

સ્પંદન-16

હૈયે છે એવો ઉલ્લાસ
હોઠે આવે જય ગુજરાત.
ધીંગી ધરાની ધીંગી પ્રજા,
દેશ દેશાવરે ફરકે ધજા.
સુખ સમૃદ્ધિ લાવે આણી,
સાહસમાં ન કરે પાછી પાની.
મીઠી બોલી, મીઠા દિલ,
ગરબે ઘૂમે મેલી હેલ.

મોહન અને મોહનદાસની આ પુણ્યભૂમિ, સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ જેવા નેતાઓની ભૂમિ, વિક્રમ સારાભાઈ સમા વૈજ્ઞાનિકની ભૂમિ,  નરસિંહ મહેતા, મીરાંબાઈ અને પ્રેમાનંદની ભક્તિમાં છલકાતી  અહીંની ગુજરાતી ભાષા, અવિનાશ વ્યાસના સંગીતમાં ઝંકૃત થતી, નર્મદ, મેઘાણી, મુનશી અને ઉમાશંકરના સાહિત્યમાં કસુંબીનો રંગ પીને તરબતર થતી આ ધરા ગુજરાત અને તેની ગુજરાતી ભાષા તથા તેની ખમીરવંતી પ્રજાની વાત અનોખી છે. ડાલામથ્થા સાવજની ડણકથી ગાજતી આ ભૂમિએ બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતા આપ્યા છે.

ગુજરાત અને ગુજરાતીઓ સાથે સમૃદ્ધિ સદાયે જોડાયેલી રહી છે.  સોનાની દ્વારિકા અને સુરત સોનાની મૂરત  એ કોઈ પણ સાહિત્યપ્રેમી ગુજરાતી માટે અજાણ્યા નથી. ગુજરાત પાસે લાંબો સમુદ્ર કિનારો છે. તેથી ગુજરાત દરિયાદિલ છે. ક્યારેક સંજાણ બંદરે આવેલા આશ્રય માગતા પારસીઓને પણ આવો અનુભવ થયો હતો.  પરંતુ આનંદ એ વાતનો કે પારસીઓ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. દાદાભાઈ નવરોજી હોય કે ટાટા, કોઈના માટે ગુજરાત અજાણ્યું નથી. દેશ દેશાવરમાં આ મહેક ફેલાયેલી છે. અહીં કોઈ શરણાગત નથી પણ દિલથી સહુનું સ્વાગત છે. દરિયાદિલી ગુજરાતના લોહીમાં છે. આવી જ લાગણી હતી કેટલાક પોલેન્ડના શરણાર્થીઓની જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં 500 સ્ત્રીઓ અને 200 બાળકો સાથે પોલેન્ડથી નીકળેલ જહાજના કેપ્ટનને કહેવાયેલું કે જ્યાં શરણ મળે ત્યાં જજો. જહાજ દેશ દેશ ફર્યું અને બધાએ જાકારો આપ્યો ત્યાં સુધી કે મુંબઈ બંદરે અંગ્રેજ સરકારે પણ ના પાડી. જહાજ આવ્યું ગુજરાતના  જામનગર બંદરે. મહારાજા દિગ્વિજય સિંહ શરણ તો આપે જ છે પણ સાથે જ બાળકોના શિક્ષણ માટે બાલાચડી સૈનિક શાળામાં વ્યવસ્થા પણ કરે છે. શરણાર્થીઓ નવ વર્ષ બાદ વતન પરત ફરે છે.  તેઓ આજે પણ આ ઉપકાર ભૂલ્યા વગર દર વર્ષ જામનગરની મુલાકાત લે છે. ગુજરાત સંવેદનશીલ  છે. આવાં સીમાચિહ્નો ગુજરાતને પ્રસ્તુત કરે છે. તેથી જ ખુશ્બુ ગુજરાત કી આપણને હૃદય સ્પર્શી લાગે છે. કારણ કે આ જ ખુશ્બુ આપણા હૈયા સુધી વસેલી છે અને પ્રેરણા પરિમલ વહાવી રહી છે. …પ્રેરણા પરિમલ વહે છે અને તેમાંથી ખુશ્બુ વહે છે – આ ખુશ્બુ છે સાહસિકતાની. કિનારો આફ્રિકાનો હોય કે અમેરિકાનો કે પછી યુરોપનો, ગુજરાતી સાહસિકતાની સોડમ બધે જ છે. ગુજરાતની સાહિત્ય સમૃદ્ધિ જુઓ તો પણ તમને આફ્રિકાની વાતો મળી આવશે. ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ ‘દરિયાલાલ’ જુઓ કે ‘સક્કરબાર’ એ આભાસ થયા વગર રહેતો નથી કે ગુજરાત માટે આફ્રિકા અજાણ્યું હોય. તો યુરોપમાં માદામ કામા હોય કે શ્યામજી કૃષ્ણ વર્મા- ગુજરાતનો દેશપ્રેમ ભારતના સ્વાતંત્ર્યમાં પણ ઝળકે છે. વાસ્કો દ ગામાને કાલીકટ બંદરની રાહ દેખાડનાર કાના  માલમને પણ એક સાહસિક દરિયાખેડું ગુજરાતી તરીકે ન જ ભૂલી શકાય.

ગુજરાતનો સ્થાપના દિન એ આનંદની ક્ષણ છે, સંકલ્પની ક્ષણ છે, નવાં સ્વપ્નોથી આંખોને રોમાંચિત કરવાની ક્ષણ છે. તેથી જ ભૂતકાળની ભવ્યતાનો પરિચય એટલું જ પર્યાપ્ત નથી. સમય હમેશાં સરતો રહેતો હોય છે.  ઈમારતોની ભવ્યતા તો જ જળવાય જો તેનું સ્વરૂપ બદલાય.  ઇતિહાસનો પદાર્થપાઠ એ છે કે ઇતિહાસ સર્જવો જરૂરી છે. તેમાં રાચવું એ કદાચ ક્ષણિક આનંદ જ હોઈ શકે.  વસંતના આગમનની વધામણી ખાતાં પહેલાં પુષ્પોના સામ્રાજ્યની રૂપ, રંગ અને મહેકથી સજાવટ કરી લઈએ.

ગુજરાતી એ વિશ્વજાતિ છે.  જો સંકુચિતતા હોય તો એ ગુજરાતી નથી. જેમ તે બધાને આવકારે છે તેમ પોતે પણ દેશ દેશાવર ખેડી બધે પહોંચે છે.  પોતાના આતિથ્ય દ્વારા સૌને સત્કારે છે તો વિદેશમાં જઈને પણ પોતાની સંસ્કૃતિ જાળવી રાખીને ત્યાં સમાઈ જાય છે.  જ્યાં પગ મૂકે ત્યાં દૃઢમૂળ થઈને રહે એટલું જ નહિ પણ સેવા સુવાસથી ખ્યાતિ પ્રસરાવે એ સાચો ગુજરાતી. ફોર્બ્સ અને ફાધર વાલેસ જેવા સવાયા ગુજરાતીઓએ ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા કરી.  તો  માદરે વતનથી માઈલો દૂર પરદેશની ધરતી પર માતૃભાષા ગુજરાતીના સંવર્ધન માટે કામ કરતા  ‘બેઠક’, ‘બે એરિયા ગુજરાતી સમાજ’ , ‘ ઓટલો ‘ અને  તેના જેવા અનેક સંગઠનો વર્ષોવર્ષ ગુજરાત ગૌરવ દિન રંગે ચંગે ઉજવે છે એટલું જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિની આલબેલ પોકારે છે.

ગ્લોબલ ગુજરાતી એ માત્ર આજની વાત નથી, એ તો તેની કાયમી ઓળખ છે.  વિશ્વભરમાં પોતાના લચીલાપણાના ગુણના કારણે દુનિયાભરમાં આપણને ગુજરાતીઓ જોવા મળે છે.  તેના પ્રવાહી સમ સ્થિતિસ્થાપક સ્વભાવના કારણે તે વિશ્વના કોઈપણ સ્થળ, સમય અને સંજોગોમાં ગોઠવાઈ શકે છે. ગુજરાતી દરેક દિશાઓથી આવતા નવા વિચારોને સ્વીકારી શકે છે. તે હંમેશા પરિવર્તન માટે તૈયાર હોય છે – પછી તે વાત વ્યંજનની હોય, વિચારોની હોય, પહેરવેશની હોય, ભાષાની હોય  કે ટેકનોલોજીની હોય. તે સામ, દામ દંડ, ભેદની નીતિ અપનાવી પોતાનું કામ કુનેહપૂર્વક કઢાવી લે છે.  માટે તો વર્ષોથી વેપારમાં ગુજરાતી એક સફળ પ્રજા છે. જીવનને ભારોભાર માણવું એ ગુજરાતી સ્વભાવ છે. તમે દેશમાં ફરો કે વિદેશમાં….સૌથી વધુ પ્રવાસીઓ તમને ગુજરાતના જ મળશે.

ગુજરાતીઓના  ભોજનપ્રેમની વાત વગર આ લેખ અધૂરો જ ગણાય. તેમના ફાફડા, ગાંઠિયા, થેપલા, ઢોકળા જગજાહેર છે. હળવદના ઘીથી લથબથ ચૂરમાના લાડુ, સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન, ભરૂચની શિંગ,  ગોંડલના ફાફડા, ભાવનગરના ગાંઠિયા, વલસાડી હાફૂસ અને તલાલા ગીરની કેસર કેરી એમનો આગવો પ્રેમ છે.

ગુજરાત, ગુજરાતી અને ગરબા એક અનોખું સંયોજન છે. નવરાત્રી હોય કે કોઈપણ શુભ પ્રસંગ…ગરબે ઘૂમતા ગુજરાતી આખી રાત ગરબા ગાઈને  પણ થાકતા નથી….ભલે ગલીના નાકા પરની દુકાને જવા વાહન લઈ જતા હોય.

કલા અને મનોરંજનના ક્ષેત્રે પણ ગુજરાતીઓનું યોગદાન રહેલું છે.  દેશી નાટક સમાજ… આઈએનટી..પંચોલી પિકચર્સ…કલ્યાણજી આણંદજી…સંગીતકાર જયકિશન..ચિત્રકાર રવિશંકર રાવળ…આર્ટ ડાયરેક્ટર કનુ દેસાઈ….નોંધનીય નામો છે.

ગુજરાતી પાસે વિઝન છે, દીર્ઘદૃષ્ટિ છે, વેપારની સૂઝ છે અને સાહસ પણ છે.  અમુલ, અંબાણી, અદાણી, ઝાયડસ, કેડીલા, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા એના ઉદાહરણ છે. આ ખમીરવંતી પ્રજા કચ્છના ભયંકર ભૂકંપ પછી તેનું નવસર્જન કરે છે. કચ્છની મરુભૂમિમાં આજે કેસર કેરી, ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે તો ત્યાં સોલાર પાર્ક ને વિન્ડ ફાર્મ તેને વિકાસના પંથે અગ્રેસર કરે છે.  એવું નથી કે આ રસ્તે તેને કોઈ સંઘર્ષ ન કરવો પડ્યો હોય. પણ સંઘર્ષથી અટકે નહીં, હારે નહિ કે પાછો ફરે નહિ એ જ સાચો ગુજરાતી.

રીટા જાની
07/05/2021

સ્પંદન-15


હતાશા, નિરાશાના વાદળ છાયા,
થીજી ગયાં સ્પંદન સઘળાં, ખમૈયા કર
કાળના ખપ્પરમાં કિલ્લોલતા પરિવાર
ચીસ ધરબાઈ ગઈ દિલમાં, ખમૈયા કર
નયનોમાં સુકાયા શોણિતના અશ્રુ
વેદના બની કંપતો ચિત્કાર, ખમૈયા કર
પ્રાર્થું હે જગન્નિયંતા, ભૂલ માફ કર
બાળને તારી પાંખમાં લે, ખમૈયા કર.

એક તૂ ના મિલા, સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ…
ક્યારેક પ્રાણવાયુ માટે આ શબ્દો સાર્થક થશે એવી તો કોને કલ્પના હોય? ભૂત, ભવિષ્ય અને વર્તમાન આજે એક ક્ષણમાં પુરાઈ ગયાં છે અને એ ક્ષણ … એ ક્ષણ એ અંતર છે… પ્રાણ અને પ્રાણવાયુ વચ્ચેનું, હૃદય અને ફેફસાં વચ્ચેનું, વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનું, માનવ અને ટેકનોલોજી વચ્ચેનું, માનવ અને માનવ વચ્ચેનું, સૂનકાર અને ધબકાર વચ્ચેનું. સામાન્ય માનવી -દર્દી હોય કે પરિવારનો સદસ્ય -આશા અને નિરાશાના વમળમાં સપડાયો છે. હવામાં છે … સાઈરનોની ગુંજ, શ્વાસ માટેની તડપન, અધીર આંખો અને ચિત્કાર …મચ્યો છે હાહાકાર.

…આ હાહાકાર….કદાચ ગઈકાલ સુધી આ દોડતી દુનિયાને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આવું કઈં થઈ શકે. કાળા માથાનો માનવી શું ન કરી શકે એવા પ્રશ્નો વિચારસભાઓનું કેન્દ્ર હતા. સામાન્ય માનવી વિકાસના ફળ ચાખવાની પ્રતિક્ષામાં મગ્ન હતો. ટેકનોલોજી દરેક વસ્તુમાં કૌવત દેખાડી રહી હતી. વિશ્વના આર્થિક મંચો આર્થિક વિકાસદર હાંસલ કરવાના વિચારો અને ઠરાવોમાં મગ્ન હતાં. આકાશમાં જેટ વિમાનો અને સમુદ્રમાં જહાજો વચ્ચે વૈભવી ક્રુઝ જહાજો, માનવીઓથી ઉભરાતાં એરપોર્ટ અને બંદરો …અને વૈશ્વિકરણની ગ્લોબલ કલ્પનાઓ…આ બધું જ થંભી ગયું. બુલબુલના ગીતો બંધ થયાં અને … ફૂલો મુરઝાયાં.

આજ…વર્તમાન?… એમ્બ્યુલન્સની સાઇરનોની ગુંજ વચ્ચે હોસ્પિટલો હાંફી રહી છે…વિશાળ વ્યવસ્થાઓ પણ વિશાળ નથી તેની પ્રતીતિ સહુને થઈ રહી છે. પી પી ઇ કીટમાં રહેલા દેવદૂતો કહો કે ફ્રન્ટલાઈન વોરિયર્સ, સમગ્ર તબીબી જગત હાંફી રહ્યું છે.

ટેલિવિઝનના સમાચાર કે ફોન…જ્યાં જુઓ ત્યાં એક જ ટોન … લાચારી…નિરાશા… હતાશા..સંતાપ અને જિંદગી અને મોતની ખેંચતાણ…અટકતા શ્વાસ અને અકાળ મૃત્યુ.. પીડા,વેદના ચિત્કાર અને કલ્પાંત… આંસુડાં ચોધાર અને અંતર વરસે અનરાધાર…જાણે કે પ્રલયકાળ … કરૂણામય વિશ્વ બન્યું છે કરૂણતા….મૂંઝવણ અને મનોમંથન… ક્યા ઇસ રાત કી સુબહ નહીં?…
યાદ આવે છે વૈદિક પ્રાર્થના..
तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मा अमृतं गमय ।
ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા…
મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા…

ના..નિરાશ થવાનો આ સમય નથી. થાકી, હારી, માથે હાથ દઈ, રડીને બેસી જવાનો આ સમય નથી. સમય કપરો છે, પરિસ્થિતિ વિકટ છે, પ્રશ્ન અતિશય મોટો છે પણ…જ્યાં હૈયે હામ છે, ત્યાં કશું જ અશક્ય નથી. માનવ કુદરત સાથે બાથ ભીડતો રહ્યો છે અને સંકટ સામે લડતો રહ્યો છે. પડકાર જેટલો મોટો તેટલો જ નિર્ણય અને નિશ્ચય સાથે આગળ વધવાનો નિર્ધાર અડગ. સાધનો ટાંચા છે, પણ જુસ્સો અડગ છે. ઉકેલ માટે હિંમત, સાથ અને સહકાર જોઈએ, માનવની માનવ પ્રત્યે સંવેદના જોઈએ. આ સમય મોહ ત્યાગી સમર્પણભાવ સાથે આગળ વધવાનો છે. નાવમાં છિદ્ર હશે પણ દોષારોપણનો સમય નથી..ભૂલ કે ચૂક જે હશે તે જોવાશે પણ અટકતા શ્વાસને રોકી લઈએ એ જીવનદાન છે. સમયને વ્યર્થ વેડફવા કરતાં સહુ વિચારે કે હવે શું થઈ શકે અને હું શું કરી શકું?

એક પ્રસંગ યાદ આવે છે ….
સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણી એ લખ્યું છે કે …
મેઘાણી એક વાર મહુવા, ભાવનગરની બજારમાંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણીએ પુછ્યું કે ,” મા, તારે કોઇ દિકરો નથી?
માની આંખમાં ઝળઝળીયા આવી ગયાં.. એણે કહ્યું કે,” દિકરો તો હતો ભાઇ,, અમે ખારવા(માછીમાર) છીએ.. મારો દિકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી પંદર વર્ષ પહેલા મધદરિયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો.. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું. “
મેઘાણી એ કીધું કે, “તો પછી તમે શેઠ પાસેથી વળતર ન માંગ્યું?”
“અરે ભાઇ, કેવી રીતે માંગું? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો.. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં..?”
સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે.. જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે. આપણામાં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે.

આજનો સમય પડકારનો સમય છે…જવાબદારી લેવાનો સમય છે….સમજદારી બતાવવાનો સમય છે. આપણે નિયમોનું પાલન કરીએ…માસ્ક પહેરીએ… વગર કારણે બહાર જવાનું ટાળીએ… જે લોકો સંક્રમિત છે, તેમને બનતી મદદ કરીએ…બહારથી પુરવઠો, ટિફિન, દવા પહોંચાડીએ, તેમને શ્રધ્ધા અને હિંમત આપીએ, પર્યાવરણની રક્ષા કરીએ, વૃક્ષો વાવીએ. ટૂંકા ગાળાના ઉપાય જરૂર કરીએ પણ દીર્ઘ દૃષ્ટિએ વિચારીએ.

યાદ રહે માનવજાત સામેના આ મહાયુદ્ધમાં આપણે સહુ સૈનિક છીએ. વિજયનું પહેલું પગલું એટલે સમજદારી અને જવાબદારીની ભાવના સાથે શિસ્ત અને નિયમોનું પાલન. આ યુદ્ધ ભલે મહાભારત સમાન વિકટ હોય પણ યાદ રાખીએ કે આપણા સારથી કૃષ્ણ છે. ગીતા હવે જીવવાની છે, માત્ર પઠન નહીં. આ સમય વિષાદયોગનો નથી પણ જ્ઞાન, ભક્તિ અને કર્મયોગનો છે.

આવા સમયે અદના આદમીના નાના નાના પ્રયત્નો પણ મોટી સેવા બની જાય છે….કેટલાંક કર્મયોગના ઉદાહરણો..

સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રેખાબેન બ્રહ્મભટ્ટને કિડનીમાં પથરી થઈ હતી. કોરોનાનાં સમયમાં પથરીની પીડા અતિ ગંભીર બની હતી. ત્યારે સર્જરી કરી સ્ટેન્ટ મૂકવાની જરૂર પડી. કોરોનના દર્દીઓની સારવારને જીવનમંત્ર બનાવનાર રેખાબેન ઓપરેશનના બીજા જ દિવસે ડ્યુટી પર હાજર થઈ ગયા.

એક પોલીસકર્મીએ પોતાના લગ્નની હલ્દી એટલે કે પીઠી ચોળવાની વિધિ ડ્યુટી પર એટલે કે પોલીસ સ્ટેશનમાં કરી.

બનાસ ડેરીના એન્જિનિયરોએ ઓકસીજનની અછતની વાત જાણી જાતે જ ઓક્સીજન પ્લાન્ટ બનાવી ઉત્પાદન શરૂ કરી દીધું.

નાગપુરના 85 વર્ષના બુઝુર્ગ નારાયણજી માટે પરિવારજનોએ ખૂબ મહેનત પછી હોસ્પિટલમાં એક બેડની વ્યવસ્થા કરી. એવામાં એક યુવાન સ્ત્રી તેના પતિ માટે બેડ ન મળવાથી દુઃખી હતી. તો નારાયણજીએ સ્વેચ્છાએ પોતાનો બેડ આ યુવાનને આપ્યો ને પોતે ઘેર ગયા ને 3દિવસ બાદ અંતિમ શ્વાસ લીધા.

આવા તો અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જો દરેક વ્યક્તિ પોતાના યોગદાનનો દીપક પ્રગટાવશે તો એ વાતમાં કોઈ શંકા નથી કે ઈશ્વર પણ સહાય કરશે…કાળા વાદળ હટશે અને સોનેરી સૂરજ જરૂર ઉગશે….

વિલાયો નથી હજી રણકાર
સમયનો વસમો છે પડકાર
બંધ નથી હજી ધબકાર
આંખમાં પણ છે એક ચમકાર
મચ્યો ભલે ચોતરફ હાહાકાર
પ્રાર્થું હરિને વારંવાર
માનવ દિલમાં છે વિશ્વાસ
હરિ પણ કરશે ચમત્કાર.

રીટા જાની
30/04/2021

https://youtu.be/A1F-q3WRcb0

સ્પંદન-14કસોટી તો થાય માત સીતાની પણ
રામ હોય રાજા કે હોય રામરાજ્ય
ક્યાં છે મનનો રાવણ હરાવવાનો મંત્ર
છુપાયો છે દશાનન અત્ર તત્ર સર્વત્ર
શોધું, મળે ક્યાં પરદુઃખભંજન રામ
સંતાપ મનમાં, જોઈ સ્વાર્થના ધામ
જાગ અને જગાડ, તારો આતમરામ
અંશ છે તું પ્રભુ કેરો , કર રામના કામ.

ગંગા , યમુના , હિમાલયની જેમ જ ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલ કોઈ નામ હોય તો તે છે ભગવાન રામ અને માતા સીતા. ભાગ્યે જ કોઈ ભારતીય બાળકનું બાળપણ રામ અને સીતાની કથા વગર વીત્યું હશે. રામ એ કથા નથી પણ કંઇ કેટલાય લોકોની જીવનકથા છે. વાલ્મીકિ હોય કે કંબન કે પછી ગોસ્વામી તુલસીદાસ રામાયણ અને રામચરિતમાનસ તેમના જીવન કાવ્યો અનેક ભારતીય હ્રુદયની પ્રેરણા રહ્યાં છે. તેથી જ રામનવમી એ એવો તહેવાર છે જે સ્નેહ, સમર્પણ, શ્રધ્ધા અને પ્રેરણાની ભક્તિમય જ્યોતથી દીપી ઊઠે છે. ભારતીય હૈયાને મન હ્રુદયના સિંહાસન પર શ્રીરામ હમેશાં વિરાજમાન હોય છે. તેથી જ આદર્શ રાજ્ય એટલે રામરાજ્ય. શ્રીરામ હૃદયના સ્વામી છે અને અંતર્યામી પણ છે. રામનામ હ્રુદયની ગાથા પણ છે અને તપ્ત હ્રુદયની શાતા પણ છે. રામનામ એ એવું સ્પંદન છે જે તારી શકે છે. એ માત્ર માન્યતા જ નહીં અનેકની અનુભૂતિ પણ છે.

રામ નથી માત્ર મંદિરની મૂર્તિ કે નથી ભારતીય મહાકાવ્ય રામાયણનું કોઈ પાત્ર. રામ છે ઉદ્ધારક અને મહાનાયક. રામ ભારતની સંસ્કૃતિ સાથે, તહેવારો સાથે, ભારતીય જનમાનસ સાથે, લોકોના મનની ચેતના સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. દ્રશ્ય દિલ્લીના રામલીલા મેદાનનું હોય કે બીજે ક્યાંયનું પણ દરેક ભારતીય બાળકના મનમાં દશેરાના દિવસે થતું રાવણ દહનનું દ્રશ્ય જીવંત હોય છે. તો રાવણના વધ પછી રામના આગમનની ખુશીમાં અયોધ્યાના નગરજનોએ કરેલ સ્વાગતના ઉપલક્ષ્યમાં કરેલ દીપમાળાને યાદ કરીને ઉજવાતી દિવાળીની રાત્રે દીવા પ્રગટાવવાની પરંપરા યાદ કરીએ તો થાય કે રામ હજારો વર્ષ પછી પણ જીવંત છે-દરેક ભારતીય વ્યક્તિના હૈયામાં, પરંપરામાં અને મન મંદિરમાં.

આજનો યુગ તો યંત્રયુગ છે, ટેકનોલોજીનો યુગ છે, મેનેજમેન્ટના માંધાતાઓનો યુગ છે તેમાં વળી રામ પ્રેરક હોઈ શકે ખરા? ભક્તિની શક્તિ એ જ છે કે તે પ્રશ્નોને ઉત્તરના સ્વરૂપમાં બદલી શકે, માનવને માર્ગ બતાવે. અવતારી પુરુષોનું જીવનકાર્ય પણ તે જ સૂચવે છે. રામ અવતાર છે અને તેથી જ રામકથામાંથી પણ આપણને આજના સંજોગોમાં સંદેશ પ્રાપ્ત થઈ શકે છે. આ રામનવમીના પુનિત પર્વના સંદર્ભમાં કેટલાંક મધુ બિંદુઓ …
….જીવન એટલે જ ક્ષણોનો સરવાળો. કેટલીક ક્ષણોનું સાંનિધ્ય ગમે, તેથી માનવી સુખ અનુભવે અને અણગમતી ક્ષણોને દુઃખ તરીકે અનુભવે. રામના જીવનમાં પણ આરોહ અવરોહ રહ્યા જ હતા. રાજ્યાભિષેકની તૈયારી હોય અને માતા કૈકેયીને રાજા દશરથે આપેલા વચનને કારણે રામને ચૌદ વર્ષનો વનવાસ પ્રાપ્ત થાય. આને શું કહેવું? એક તરફ રઘુકુળની વચન પાલનની પરંપરા છે. માત્ર ગાદીનો ત્યાગ નથી પણ ચૌદ વર્ષનો વનવાસ પણ છે. રામ એ પ્રેરણામૂર્તિ છે, મર્યાદા પુરુષોત્તમ છે. ધૈર્ય, ગાંભીર્ય અને સમતા એ રામના ગુણો છે. રામ વનવાસ સ્વીકારે છે. વનવાસ એટલે જ અનિશ્ચિતતા. રાક્ષસોથી ભરેલા વનમાં સલામતિનો અભાવ તો સ્વાભાવિક જ હોય. પણ જ્યાં આત્મશ્રધ્ધા છે, હાથમાં ધનુષ છે અને પોતાના સામર્થ્યમાં વિશ્વાસ છે, ત્યાં ભય નથી. ભય, શક્તિનો વિનાશ કરે છે અને આત્મશ્રધ્ધા, શક્તિનો સંચાર કરે છે.
…….યુગો બાદ ……
આપણે ….ગઈ કાલની દોડતી દુનિયા , ભૌતિક સુખોથી ઊભરાતી દુનિયા ….2020…દોડ અચાનક થંભે છે….લોકડાઉન .. કવોરંટાઈન …કેટલાક લોકોની મૂંઝવણ …અને ઉત્તર?… ધીરજ , ગંભીરતા , સમતા અને આત્મશ્રધ્ધા. ભય નથી એમ નહીં પણ આપણા ધનુષ બાણ એવી આપણી ટેકનોલોજીમાં શ્રધ્ધા રાખી આત્મસામર્થ્ય કેળવીએ. ચૌદ દિવસનું કવોરંટાઈન ચૌદ વર્ષના વનવાસ સામે કંઈ નથી. નિરાશ ન થઈએ. આપણે રામના ભકતો છીએ. આત્મવિશ્વાસ અને ઈશ્વરકૃપા સાથે આગળ વધીએ. માનવજાત અજેય છે અને રહેશે. વાઇરસ માયાવી છે અને રૂપ બદલે છે. યાદ રહે રાક્ષસો પણ માયાવી હતા અને રૂપ બદલી શકતા. યાદ રહે…યુગ ગમે તે હોય…
લક્ષ્મણરેખા જ્યાં સુધી ઓળંગવામાં આવતી નથી ત્યાં સુધી રાવણ પણ કંઈ કરી શકતો નથી. લક્ષ્મણરેખા એ મર્યાદા છે -આપણી, આપણા શક્તિ અને સામર્થ્યની. જે ક્ષણે લક્ષ્મણરેખા ઓળંગાય છે, ત્યારે તે ક્ષણે જ રાવણ અટ્ટહાસ્ય કરી શકે છે. પ્રશ્ન સમર્થતાનો નથી , મર્યાદાનો છે. મર્યાદામાં રહી આત્મશ્રધ્ધા સાથે માર્ગ શોધવો એ જ સંદેશ છે, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો.

રામ પ્રત્યેની ભક્તિ જ્યારે આપણી શક્તિ અને પ્રેરણા બને તો જ રામનું અવતાર કાર્ય સિદ્ધ થયું ગણાય. જેમ હબલ ટેલિસ્કોપ દ્વારા વૈજ્ઞાનિકો અવકાશનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે કદાચ તેવી જ યાત્રા આપણે કરવાનો પ્રયત્ન છે. આ એ યુગમાં ડોકિયું કરવાનું છે જેની માહિતી માત્ર રામાયણ દ્વારા મળે છે. જીવન માત્ર વ્યક્તિગત નહીં પણ સમષ્ટિના વિકાસનું સાધન છે, યજ્ઞ છે. તેમાં પ્રાપ્તિ જ નહી પણ સમર્પણની પ્રાથમિકતા હોવી જોઈએ. યાદ આવે છે એક દ્રશ્ય …
ઋષિ વિશ્વામિત્રને યજ્ઞ કરવો છે. મારીચ અને સુબાહુ નામના રાક્ષસો તેમાં વિઘ્ન કરે છે. ઋષિ રાજા દશરથના દરબારમાં આવી કહે છે કે રામ અને લક્ષ્મણને આશ્રમમાં યજ્ઞના રક્ષણ માટે મોકલો. દશરથ પુત્ર પ્રેમના કારણે આનાકાની કરે છે પણ ગુરુ વશિષ્ઠ આગ્રહને લીધે મોકલે છે. કુમારોની ઉંમર લગભગ સોળ વર્ષ છે. વિશ્વામિત્ર અને કુમારો ચાલી નીકળે છે. વિશ્વામિત્ર તેમને બલા અને અતિબલા વિદ્યાઓ શીખવે છે, દિવ્ય શસ્ત્રાસ્ત્રો પ્રદાન કરે છે. જેનાથી રામ મારીચને ભગાડે છે અને સુબાહુનો વધ કરે છે. યજ્ઞનું રક્ષણ કરે છે. શું છે આ સંદેશ? આ શિક્ષણનો પ્રેક્ટિકલ ઉપયોગ છે. પણ તે ઉપરાંત શિક્ષણનો કે જીવનનો હેતુ સમાજના હિતનો છે અને રાજકુમાર હોય તો પણ તેમાં અપવાદ નથી. પરાક્રમ કહો કે પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ કરવાની વ્યવસ્થાનું શિક્ષણ અહીં પ્રતીત થાય છે. અહીં બાળકને રણમેદાન છોડીને ભાગી જવાનું શિક્ષણ નથી, પણ સામનો કરવાનું શિક્ષણ છે. સલામતિ શોધવા રાક્ષસોથી ભયભીત થવાનું નથી તેમનો સામનો કરવાનો છે. શાબ્દિક શિક્ષણ નહી, પણ ચારિત્ર્યઘડતર એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ એવો ધ્વનિ અહી છે.

રામાયણ એ માત્ર રામની વાર્તા નથી કે નથી રાજાનો ઇતિહાસ. રાજગાદી માટે કાવાદાવાની વાતો ઇતિહાસમાં અગણિત છે પણ અહીં છે ભાઈનો પ્રેમ. ભરત રામને કહે છે કે અયોધ્યાની રાજગાદી પર રામનો જ અધિકાર છે તો હે રામ! તમે પાછા આવો. રામ કહે છે પિતાના વચન ખાતર વનવાસમાંથી પાછા તે નહીં ફરે. ભરત રામની ચરણ પાદુકાને સિંહાસન પર મૂકી રામના પ્રતિનિધિ તરીકે રાજ્ય ચલાવે છે. અહીં સત્તાની લાલસા નથી પણ ભાઈના પ્રેમ ખાતર ત્યાગ છે… ટ્રસ્ટીપણાની ભાવના છે. ભાઈના પ્રેમનું આ ઉદાહરણ અજોડ છે.

અને… રામ . ક્યારેક થાય કે કેમ તેને મર્યાદા પુરુષોત્તમ કહેતા હશે? રામ પાસે શક્તિનો અહંકાર નથી પણ સમગ્રનો અને સહુનો સ્વીકાર છે. યાદ કરીએ અહલ્યા, શબરી અને કેવટને તો લાગશે કે જે કંઈ માર્ગમાં આવ્યું તે રામ સ્વીકાર કરે છે – અહલ્યાનો ઉદ્ધાર હોય, શબરીના પ્રેમથી વીણેલાં બોર હોય કે કેવટનો રામના પગ ધોવાનો આગ્રહ. રામ પ્રેમ મૂર્તિ છે. રામ સહુને સ્વીકારે છે અને તે પણ પોતાની કોઈ અપેક્ષા કે આગ્રહ વગર. રામ માટે કોઈ પરાયું નથી. માનવ તો ઠીક પણ પક્ષીરાજ જટાયુ હોય કે વાનર સમૂહ – કોઈની શક્તિ ઓછી નથી અને સહુના યોગદાનથી રામસેતુ પણ બાંધી શકાય એ જેવી તેવી સિદ્ધિ નથી. હનુમાન હોય કે અંગદ, સહુને રામનું કામ કરવું છે – સમુદ્ર પાર કરવો હોય કે લંકાદહન – અહીં શ્રેષ્ઠ થવાની હોડ નથી, ઉત્સાહ છે, સમર્પણ છે. નેતૃત્વ કહીશું કે ભક્તિ – ના, આ શબ્દોથી વર્ણવી નહીં શકાય. આ છે અદભુત.

રીટા જાની
23/04/2021