શિક્ષણ દ્વારા સંસ્કાર-પી.કે.દાવડા

શિક્ષણ દ્વારા સંસ્કાર

અમે જ્યારે નાના હતા ત્યારે શિક્ષણ અને સંસ્કાર સિંચન બન્ને સાથે સાથે જ થતાં.આની શરુઆત બાળક ચાલતાં શિખે ત્યાંથી જ થઈ જતી.

પા પા પગલીનાના ડગલી…”

કદી વિચાર્યું છે કે આમા નાના ડગલી‘ શા માટે છે?

બાળકના જન્મ પછી સ્ત્રીઓ સ્વાથ્યલાભ માટે પિયરમાં લાંબા સમય સુધી રહેતી. બાળક ચાલવાનું નાના ના ઘરમાંનાના ની ડગલી પકડીને શિખતો. એટલા માટે નાના ડગલી!!

 

આજે ચાલતાં બાળકની ખુબ ભણેલી મમ્મી શિખવેછે,

“One  foot  up and  one  foot  down,

and that is the way to the London Town”

જે બાળક ચાલવાની શરૂવાત જ લંડન જવાના રસ્તેથી કરે છેતે મોટો થઈ કાયમ માટે ઈગ્લેંડ અમેરિકા માં વસવાટ કરે તેમા શી નવાઈ?

 

(પ્રાણી પરિચય)

મેં એક   બિલાડી પાળી  છે

તે  રંગે   બહુ   રૂપાળી  છે

તે  હળવે   હળવે ચાલે  છે

ને   અંધારામાં   ભાળે   છે

તે  દૂધ  ખાય  દહીં   ખાય

ઘી તો ચપ ચપ ચાટી જાય

તે  ઉંદરને  ઝટ પટ  ઝાલે

પણ  કૂતરાથી  બીતી ચાલે

તેના   ડીલ  પર  ડાઘ  છે

તે  મારા  ઘરનો  વાઘ  છે

 

 

તું અહીંયા રમવા આવમજાની ખિસકોલી !
તું દોડ તને દઉં દાવમજાની ખિસકોલી !

તું કેવી હસીને રમેમજાની ખિસકોલી !
તારા કૂદકા તો બહુ ગમેમજાની ખિસકોલી !

તું જ્યારે ખિલખિલ ખાયમજાની ખિસકોલી !
તારી પૂંછડી ઊંચી થાયમજાની ખિસકોલી !

તારે અંગે સુંદર પટામજાની ખિસકોલી !
તારી ખાવાની શી છટામજાની ખિસકોલી !

તું ઝાડેઝાડે ચડેમજાની ખિસકોલી !
કહે કેવી મજા ત્યાં પડેમજાની ખિસકોલી !

બહુ ચંચળ તારી જાતમજાની ખિસકોલી !
તું ઉંદરભાઇની નાતમજાની ખિસકોલી !

 
કાળી ધોળી રાતી ગાય,

પી ને પાણી ચરવા જાય,

ચાર પગ ને આંચળ ચાર,

વાછરડાં પર હેત અપાર”

 

પ્રાણીઓની વાતો તો આજે પણ કરે છે,

“Pussy cat Pussy cat,

where have you been?

I have been to London,

to look at the queen.”

જેની બિલાડી પણ લંડન જાયતે પોતે ઈન્ડિયામા કેમ રહે?

 

(જેનેટીક્સ)

પ્રાણીઓની વાત ચાલે છે તો બીજી એક વાત કરી લઉં. અમને બાળપોથીમાં જ Genetics પણ  શિખવા મળ્યું હતું.

મેં એક બિલાડી પાળી છે…” કવિતામા છેલ્લે આવે છેઃ “એના દિલ પર દાગ છેએ મારા ઘરનો વાઘ છે.” આમા કહ્યું છે કે બિલાડી અને વાઘ genetically સરખા છે.

આનો બીજો પૂરવો; ” બિલ્લી વાઘ તણિ માસીજોઈને ઉંદર જાય નાસી ” બિલ્લી અને વાઘ બન્ને જેનેટિકલી એક જ હોય તો જ માસી ભાણેજ થાય !!!

તું અહિંયા રમવા આવ મઝાની ખિસકોલિ… ” માં છેલ્લે આવે છે; ” તારી જગમા સુંદર જાત મઝાની ખિસકોલીતું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલિ”

અહિં પણ ઉંદર અને ખિસકોલિ જેનેટિકલી એક છે એમ કહ્યું છે. આજે Genetics બાળપોથીમા નહિં પણ Ph.D.મા  શિખવા મળે છે !!!

 

પ્રયત્ન તો ભાષા શિખાડવાનો છે પણ સાથે સાથે પશુ પરિચય અને જેનેટીક્સ પણ શીખવી દીધું.

 

(શરિરના અંગો)

 

બાળકના શરિરના અંગોનો પણ પરિચય કરાવતા. દા.ત.

નાની મારી આંખ જોતી કાંક કાંક
 તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું સૂંઘે ફૂલ મજાનું
 તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન સાભળે છે દઇ ધ્યાન
 તો કેવી અજબ જેવી વાત છે!
નાનું મોઢું મારું બોલે સારું સારું
 તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા હાથ તાળી પાડે સાથ
 તો કેવી અજબ જેવી વાત છે!
પગ મારા નાના ચાલે છાનામાના
 તો કેવી અજબ જેવી વાત છે!
આંગળી મારી લપટીએથી વગાડું ચપડી
 તો કેવી અજબ જેવી વાત છે!

 

ભાષા શિખડાવવાની સાથે સાથે સંસ્કાર અને જીવનની પ્રવ્રુતિઓ વિસે ઘણું બધું શિખવી દેવામા આવતું.

 

(જીવનની પ્રવૃતિઓ)

રાતે વહેલા જે સુવેવહેલા ઉઠે વીર,

બળ બુધ્ધિ વિદ્યા વધેસુખમા રહે શરિર.”

અને

પરોઢિયે નિત ઊઠીનેલેવું હરિનું નામ,

દાતણ કરી નાહ્યા પછી કરવા કામ તમામ.”

 

સાસરે જતી દિકરીને મા કહેતી, “દિકરીસાસરિયામા તું વહેલી ઊઠજે જેથી કુટુંબના બીજા બધાને સવારની દિનચર્યામા મદદરૂપ થઈ શકે.” આજે કેટલી માતાઓ આવી સલાહ આપતી હશે?

 

(સંસ્કાર)

અને સંસ્કારની વાત કરું તો;

 ” કહ્યું કરો માબાપનુંદયો મોટાને માન

ગુરૂને બાપ સમા ગણોમળસે સારૂં જ્ઞાન”

 

મોટાને માન આપવાની વાત આવી તો મને યાદ આવે છે કે પહેલાના જમાનામા પતિ અને પત્નિ બન્ને એક બીજાને તમે કહેતા. બાળકો પણ માતા પિતા બન્ને ને તમે કહેતા. જમાનો આગળ વધ્યોપતિએ પત્નિને તું કહેવાનુ શરૂ કર્યું. બાળકોએ પણ મમ્મીને તું કહેવાનુ શરૂ કર્યું. હાલમા પત્નિએ પણ પતિને તું કહેવાનું શરૂ કર્યું છેબાળકઍ પણ પિતાને તું કહેવાનુ શરૂ કર્યું છે. મેં આવા ધણા કુટુબ જોયા છે.

 

(ધર્મ)

ગુજરાતી ભાષાના શિક્ષણમા જ ધર્મ વિશેનું શિક્ષણ અપાઈ જતું.

ઓ ઈશ્વર ભજીયે તનેમોટું છે તુજ નામ,

ગુણ તારા નીત ગાઈએ,થાય અમારા કામ;

 હેત લાવીને હસાવ તુંસદા રાખ દિલ સાફ,

ભૂલ કદી કરીએ અમેતો પ્રભુ કરજે માફ.

 

અને

 

 

 

વિભુ સૌમા વસેલો છે દયાળુ દેવ મોટો છે,

કિધાં તેં સાધનો સારાસહુને સુખ દેનારા;

 જીવોને તું જીવાડે છેઅમોને તું રમાડે છે,

મતિ સારી સદા દે તુંઅતિ આભાર માનું હું.”

 

(ૠતુઓ)

 

ઋતુઓનુ જ્ઞાન પણ નાનપણમા જ મળી જતું. કઈ ઋતુમા શું શું થાયશું શું કરાયશું શું ખવાય વગેરે કવિતાના માધ્યમથી શિખવી દેવાતું.

આવરે વરસાદ ઘેવરિયો વરસાદઉની ઉની રોટલી ને કારેલાનુ શાક”

અથવા

શિયાળે શિતળ વા વાયપાન ખરે ઘઉં પેદા થાય,

 પાકે ગોળ કપાસ કઠોળ,તેલ ધરે ચાવે તંબોલળ;

 ધરે શરિરે ડગલી શાલફાટે ગરીબ તણા પગ ગાલ,

 ઘટે દિવસ ઘણી મોટી રાતતનમા જોર મળે ભલી ભાત.”

 

અને

શરદ શી સુહેવાદળાં ગયાંજળ નદિ તણા નીતરાં થયાં,

 ગગનથી સુધા ચંદ્રની જરીરસભરી રમે રાસ ગુરજરી.”

અને

રૂડો જુવો આ ઋતુરાજ આવ્યોમુકામ તેણે વનમા જમાવ્યો,

 તરુવરોએ શણગાર કીધોજાણે વસંતે શિરપાવ દીધો.”

 

ઋતુઓની વાત આપણે કરી લીધી.

 

(બોધ અને અક્કલ)

થોડા મોટા થયા એટલેબોધ અને અક્કલની વાતો આવી

ઊંટ કહે આ સમામા વાંકા અંગવાળા ભુંડા

 ભૂતળમા પશુઓ ને પક્ષીઓ અપાર છે;

 બગલાની ડોક વાંકીપોપટની ચાંચ વાંકી

 કૂતરાની પુછડી નો વાંકો વિસ્તાર છે;”

અને

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શિખી

 રાગ રાગણી વગાડવામા વખણાણો છે;

 એકને જ જાચું એવી ટેક છેક રાખી

 એક શેઠને રિઝાવી મોઝ લેવાને મડાણો છે;

       ***********************

 પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?

 સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે!!”

 

(શિસ્ત)

રાત પડી ઘર જા ને બાળકવઢશે બાપુ તારા,

 રમવા ટાણું નથી હવે આ ઊગે જો ને તારા;

 માળામા પંખી જંપ્યા છેસૂની સીમ જણાયે

 રસ્તા સૂના પડ્યા બધાયે વગડો ખાવા ધાયે.”

 

(તત્વજ્ઞાન)

 

હજી થોડા વધારે મોટા થયાત્યારે ફીલોસોફી શિખવી

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.”

અને

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો

ન માગે દોડતું આવેન વિશ્વાસે કદી રહેજે.”

અને

મને એજ સમજાતું નથી કે આવું શાને થાય છે,

ફુલડાં ડુબી જતાં ને પથ્થરો તરી જાય છે.”

 

અને

કામધેનુને મળે ના એક રૂડું તણખલું,

ને લીલાછમ ખેતરોને આખલા ચરી જાય છે.”

 

 

 

(સંબંધો)

શિક્ષામા સબંધોને ખાસ મહત્વ આપવામા આવ્યું હતું

ભાઈ બહેન

કાલે રજા છેગઈછું હું થાકીવાંચીસ વ્હેલા સૌ પાઠ બાકી,

 તારી હથેલી અહીં લાવ સાચું હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચુ.”

માતા માટે

મીઠાં મધુ ને મિઠાં મેહુલા રે લોલ,

 એથી મીથી તો મોરિ માત રે,

 જનની ની જોડ જગે નહિં જડે રે લોલ.”

 

પિતા માટે

છડો હું હતો છોકરો છેક છોટોપિતા પાળી પોસી મને કીધો મોટો,

 રૂડી રીતથી રાખતા રાજી રાજીભલા કેમ આભાર ભૂલું પિતાજી.”

 

અને

ભુલો ભલે બીજું બધુંમા બાપ ને ભુલશો નહિં,

 અગણિત છે ઉપકાર એનાઆ વાત વિસરસો નહિ.

લાખો કમાતા હો ભલેમા બાપ જે થી ના થર્યા,

 એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલસો નહિ.”

આવા શિક્ષણે ત્યારે સબંધોને ટકાવી રાખ્યા હતા.

 

બોલવા બેસું તો ઘણું લાંબુ ચાલસે એટલે સમાપ્ત કરું છું.

આજનુ શિક્ષણ પણ સારું છેપણ આજે સંસ્કારની જગા knowledge અને rules વગેરેને આપવામા આવી છે. લાંબી વાત ને ટુંકી કરવા અને આજનુ ચિત્ર પ્રસ્તુત કરવા નીચેની પંક્તિઓ રજૂ કરું છું.

આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાને પણ કહી દો સાથે દફ્તર લાવે,

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહિં તરવાનું,

સ્વીમિંગપૂલના સગળા નિયમોનું પાલન કરવાનું,

 નાનો હતો ત્યારે પંચતંત્રની વાતોઈસપની નીતિકથાઓબકોર પટેલગિજુભાઈની વાતો,  વગેરે વાંચવા મળ્યા. આપણી આજની પેઢી આનાથી વંચિત રહી ગઈ.

સભાગુર્જરી-૨-પી.કે.દાવડા-http://youtu.be/8bbu4rTjYS0

ગુજરાતી વ્યક્તિત્વને જીવંત રાખવા -હું કલ્પના રઘુ

સભા ગુર્જરી

મિત્રો, હું કલ્પના રઘુ, સૌ પ્રથમ તો અહીં સભા ગુર્જરીમાં બેઠેલાં તમામ ગુર્જરોને મારા પ્રણામ કરું છું.

સભા ગુર્જરીનો વડલો વિશાળકાય બનતો જાય એ માટે શુભેચ્છા સાથે કહીશ ‘ વટસ્ય પત્રસ્ય પુટે શયાનં, બાલં મુકુન્દં મનસા સ્મરામી’. અને આ સાથે મારું વક્તવ્ય રજુ કરું છું. વડલાનાં વડીલ સમા મુ. મીરાબેન અને મહેન્દ્રભાઇને મારા વંદન.

ગુજરાતી વ્યક્તિત્વને જીવંત રાખવા માટે તેના પાયામાં છે ગુજરાતી ભાષા. ભાષાની વાત આવે ત્યારે રસકવિ શ્રી પ્રેમાનંદને કેમ વિસરાય?

સોળમાં સૈકાનો એ જમાનો હતો, જ્યારે ગુજરાતી ભાષા બાપડી, બિચારી કહેવાતી. એનું ચાર પૈસાનું મૂલ્ય અંકાતું અને લોકો કહેતા, “ અબે ટકે કે સોલાહ આને, અઠે કઠે કે બાર, આઠ હી આને ઇકડં તિકડં, શું શા પૈસા ચાર ”.

એ જમાનામાં પ્રેમાનંદ આવ્યાં અને પ્રતિજ્ઞા કરીકે, જ્યાં સુધી માતૃભાષા ગુજરાતીને બીજી ભાષાની તોલે નહીં મૂકુ, ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરુ. આજીવીકા માટે તેઓ કથા, વાર્તા, આખ્યાનો કહેતાં. તેઓ માણભટ્ટ કહેવાયા. સુદામા ચરિત્ર, નળાખ્યાન, કુંવરબાઇનું મામેરું, દશમસ્કંધ પ્રેમાનંદની ઉત્તમ કૃતિઓ મનાઇ છે.પ્રેમાનંદની લોકપ્રિયતાં તેના સમગ્ર આખ્યાનોમાં ગૂંજતું ગુજરાતી વાતાવરણ છે. નન્દ કે જસોદા, ઓખા અને અભિમન્યુ, કૃષ્ણ કે રામ, સુદામા કે નળ – બધાં જ પાત્રોને તેમણે સમકાલીન ગુજરાતી પાત્રોમાં રમતાં મૂકી દીધાં. ગુજરાતી સમાજનાં વહેવારવટ, ઘરવખરી, વહેમરિવાજ – સૌનું હૂબહૂ નિરૂપણ પ્રેમાનંદે કર્યુ છે.પ્રેમાનંદ, અખો અને શામળે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરી.પ્રેમાનંદનાં આખ્યાનોમાં કુંવરબાઇનું મામેરુ હું આપને વાંચી સભળાવીશ.

 કુંવરબાઈનું મામેરું – પ્રેમાનં

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;

અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.

મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’

જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.

નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.

નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.

લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?

નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?

જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.

સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.

લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.

શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?

નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’

મિત્રો, આજે આપણે જ્યારે આ સભા ગુર્જરીના સાગરમાં હિલોળા લઇ રહ્યાં છીએ ત્યારે સાહિત્ય જગતનાં કેટલાંક સારસ્વતોના સર્જનને યાદ કરી લઇએ અને તેમની કૃતિઓનાં અમીછાંટણા લઇને પવિત્ર યાદોને તાજી કરીએ તે આશય સાથે હું આ યાત્રા આરંભુ છું. તેમાં આપ સૌ જોડાઓ – મજા આવશે…..

– ફાધર વાલેસ થી જે યાત્રા પ્રારંભી- અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા. ત્યાં તો દલપતરા મે ઋતુઓનું વર્ણન કર્યુ.- ‘ગની’ દહીંવાલા એ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.- અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.- દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશી એ પરિચય આપ્યો.- મરીઝ એ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.- ‘શૂન્ય’ પાલનપુરી એ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.- ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.- ઝવેરચંદ મેઘાણી એ લગાડ્યો કસુંબીનો રંગ. – હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ.- સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠી એ ધન્ય કર્યા.- રમણલાલ દેસાઈ એ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએકઆજ્ઞાધારી વિમાન બની ગયું!- ખબરદાર એ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.- બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ! – મીઠાં મધુને મીઠાં —- છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.- બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તેસહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”- રાવજી પટેલ એ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ- ઈન્દુલાલ ગાંધી એ આંધળી માનો પત્ર પ્હોચાડયો.- અખો  તમે મૂરખ બન્તાં બચાવ્યા. અખાના પ્રખ્યાત છપ્પામાંનો એક – “એક મૂરખનેએવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ અખાવડુ ઉતપાત ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?”- સુંદરજી બેટાઈ એ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”- રાજેન્દ્ર શુકલ ના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?- નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.- હેમન્ત દેસાઇને મનગમતું ગમયું -“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાંકોઇ પણ મને ગમે.”- માણસમાં રાખ્યા જયંત પાઠક એ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”- બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં- કૃષ્ણલાલ શ્રીધરાણી  સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસરૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછોજા !- “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ” પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રા….મ.- પ્રીતમ નો હરીનો મારગ શૂરાનો છે.- મકરન્દ દવે નો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે નભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”- ચંદ્રકાન્ત બક્ષી નું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવીજોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”- સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે- “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.- ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબરસુધી.”- જયંતિ દલાલ નું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકરલાગતું જ નથી. “- કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.- “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.- પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,” પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”- કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,- કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘ “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”- કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું- મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડો કલમને, ને હાથ આખેઆખો બળે છે?- ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય- નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “- દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!- ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?- “માથું અરીસામાં જ રહ્યું.ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.- તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”- અશોક દવે, તમારે તો “લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”- “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે. ઉલટા ચશ્મા- ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા.

તો મિત્રો અહીં હું મારા વક્તવ્યને વિરામ આપુ છું.

ધન્યવાદ, સૌ ગુર્જરોનો.

તાઃ Nov 30, 2013           સંકલનઃ કલ્પના રઘુ

સભાગુર્જરી ૧ -કલ્પના શાહ

સંબંધોના છપ્પા

 મિત્રો

દાવડા સાહેબ સંબધ ની વાત લઈને આવ્યા છે.તો ખાસ જાણવાનું કે સાચવવા પડે તે સંબંધ નહિ.સચવાય તે સંબંધ નહિ.સંબંધ નવા નામ નવા સ્વરૂપ જરૂર આવે પરંતુ તે સો ટચના સોનાં જેવા જ હોય છે.એકદમ કુદરતી અને સહજ નામ અને ઓળખ વગરના… ..કયારેક સંજોગો વિચારો, સમય અને આપણા જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર જરૂર થાય છે અને મેળવવાની ખેચ તાણમાં કયારેક તૂટે છે કારણ પામવાનું ભૂલી મેળવવામાં પડીએ છીએ.સંબંધોમાં અળગા થવું સહેલું નથી, આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે અને અપેક્ષા વિનાના સંબંધો કયારેય તૂટતા નથી. 

સંબંધોના છપ્પા

“દાવડા”સામાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,

સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,

રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.

 

કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,

કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,

દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .

 

દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,

અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ,

બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.

 

સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,

સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા,

સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.

 

ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,

દાવડા સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે,

ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.

-પી. કે. દાવડા

 

 

 

 

 

.

 

 

 

ભાષા શુધ્ધિ

મિત્રો ચાલો થોડું વિચારીએ। …..આજે એક એવો વિષય લઈને દાવડા સાહેબ આવ્યા છે કે જે આપણને વિચાર કરતા કરે ,મિત્રો આ વાંચી જરૂર થી તમારા અભિપ્રાય લખશો  .

ભાષા શુધ્ધિ

આજથી આસરે ૪૦૦ વર્ષ પહેલા અખા ભગતે કહેલું,

“ભાષાને શું વળગે ભૂરજે રણમાં જીતે તે શૂર;

સંસ્કૃત બોલે તે શું થયુંકાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું; “

પણ ત્યાર બાદ દલપત-નર્મદ યુગમાં અખાની વાતને નામંજૂર કરીને કહેવાયું,

“પિંગલ પાઠ પઢ્યા  વિના, કાવ્ય  કરે કવિ  કોય;

ને વ્યાકરણ વિણ વાણી વદે, વાણી નિમળ ન હોય.”

હવે આજની વાત કરીએ. આજે બ્લોગ્સમાં રોજે રોજ ઢગલાબંધ કવિતાઓ ઠલવાય છે,એમાની કેટલી કવિતાઓ છંદમા લખેલી હોય છે? આજના કવિઓમાંથી કેટલાને પિંગળની જાણકારી છે? અને છતાંય એ કવિતાઓ વંચાય છે અને એના વખાણ પણ થાય છે. છંદમાં કવિતા લખવાનું અધરૂં છે માટે ધીમે ધીમે છંદનો ઉપયોગ ઓછો થઈ ગયો. વ્યાકરણ અને જોડણી પણ એ જ રસ્તે જઈ રહ્યા છે.

આજથી ૪૦-૫૦ વર્ષ પહેલા શાળામાં વિષય ઓછા હતા અને સોમથી શુક્ર, ૧૧ થી ૫ ની અને શનિવારે ૮ થી ૧૧ ની શાળા હતી. અઠાવાડિયામા છ દિવસ ૪૫ મીનિટનો ભાષાનો પિરીયડ રહેતો. ત્યારે ભાષા ઉપર જેટલું ધ્યાન અપાતું એટલું ધ્યાન આપવું આજે શક્ય નથી. આજે શાળામાં કોમપ્યુટર શીખવવામાં આવે છે, વિજ્ઞાનના અને ગણિતના વિષયોનું સ્તર ઘણું ઉપર ગયું છે. ગુજરાતી સિવાય એક રાજ્યની ભાષા,રાષ્ટ્રભાષા અને અંગ્રેજી ભાષા શીખવવામાં આવે છે. બાળક કેટલી ભાષાઓ સારી રીતે શીખી શકે? આમ પાયો જ નબળો પડવા લાગ્યો છે.

મુંબઈ જેવા શહેરની તો પોતાની જ ભાષા છે, જેને લોકો બંબઈયા ભાષાના નામે ઓળખે છે. લોકો અંગ્રેજીની છાંટવાળી હીન્દી બોલે છે, જેને મુંબઈમાં હીંગલીસના નામે ઓળખવામાં આવે છે. ગુજરાતિ હોય કે મરાઠી, ઉત્તર ભારતીય હોય કે બંગાલી, બધા આ બંબઈયા ભાષામાં વાતો કરે છે. કહેવત છે ને કે “અન્ન તેવો ઓડકાર”. જેવું બોલે છે એવું જ લખે છે. હવે અહીં જોડણી અને વ્યાકરણની વાત કોણ સાંભળવાનું છે.

અન્ય ક્ષેત્રોમા સફળતા પામેલા હોવાથી પારસી અને વહોરાઓને આપણે ગર્વથી ગુજરાતીઓ તરીકે ઓળખાવીએ છીએ. એમનું ગુજરાતી અને સામાન્ય રીતે લખાતું બોલાતું ગુજરાતી ઘણું અલગ છે. સુરતને પોતાની જ એક આગવી બોલી છે જે લખાણોમાં પ્રદર્શિત થાય છે.

કોમપ્યુટર વાપરનારા વર્ગ પાસે સમયની તંગી છે, તેઓ સ્ક્રીનપર જે દેખાય એના ઉપર એક અછડતી નજર કરી (બ્રાઉઝ કરી) વસ્તુસ્થિતીનો તાગ મેળવી લે છે. હ્સ્વ-દિર્ઘ કે અનુસ્વાર તો એમના ધ્યાનમાં જ નથી આવતા. અંગ્રેજીના શબ્દો તો એમણે રીતસરના ટુંકાવી દીધા છે અને એનો છેલ્લા દસેક વર્ષથી તો સામાન્ય વપરાસમાં સમાવેશ થઈ ગયો છે.

ગાંધીજીએ જોડણીની હિમાયત કરી હતી એ સમય બીજો હતો, આજે સોનિયા ગાંધીનું હિન્દી આપણે સાંભળી લઈએ છીએ. ગાંધીજીએ તો બીજું પણ ઘણું બધું કહ્યું હતું, આજે કોને યાદ  છે?

આવા સમયે ભાષાની શુધ્ધતા, જોડણી, વ્યાકરણ વગેરેની વાતો હારેલી લડાઈ લડવાનું ચાલુ રાખવા જેવી વાત છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે “આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, તે તણો ખરખરો ફોક કરવો.”

જે હજી શુધ્ધ ભાષામાં લખી શકે છે એમને આપણે જરૂર માન આપીએ, પણ જેવો માટે આ શક્ય નથી તેમને અપમાનિત ન કરીએ. ઓછામાં ઓછું હસ્વ-દીર્ઘ અને અનુસ્વારની ભૂલો તો ક્ષમ્ય ગણી તેમના લખાણની ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ તો સમાજનું ભલું થશે.

 -પી. કે. દાવડા

વાત માત્ર આપણી નથી, વાત આપણી ભવિષ્યની પેઢીની છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી તળપદું ગુજરાતિ, તળપદામાંથી શુધ્ધ ગુજરાતિ, આટ આટલા બદલાવમાંથી પસાર થયા બાદ હવે શું? કદાચ નિર્ણય ભવિષ્યની પ્રજા જ કરશે !

પુત્તેં જાયે કવણું ગણુ, અવગણુ કવણુ મૂએણ,
જો    બપ્પીકી   ભૂંહડી  ચંપ્પી  જઈ   અવરેણ?
અને
પુત્ર જ્ન્મથી કોણ ગુણ, અવગુણ કોણ મર્યાથી,
જો    બાપુકી   ભૂમી   ચાંપી    જાય   બીજા   થી?
આ બન્નેમાં એકની એક જ વાત કહી છે, પહેલી પ્રાકૃતમાં છે, બીજી આધુનિક ગુજરાતીમાં છે.
ગુજરાતી પંક્તિઓ સહેલી લાગે છે એટલે ટકી રહી, પ્રાકૃત અઘરી લાગે છે માટે એનો વિલોપ થઈ ગયો. એક મત પ્રમાણે દુનિયાભરમાં ૧૫૦૦૦ ભાષાઓ હતી, હવે ૫૦૦૦ બાકી રહી છે.
વાત પાણીને ભૂ કહેવાની નથી, વાત જળ અને  જલ વચ્ચે પસંદગી કરવાનું કહેવાની છે.
ગુજરાતીઓ પાણી પિયે છે, બંગાલીઓ પાણી ખાય છે (જોલ ખાબો?), આ બે માંથી કોણ સાચું? બંગાલી તો ખુબ માતબર ભાષા છે.
મારૂં માત્ર એટલું જ કહેવું છે કે રોટલા ખાવ, ટપટપ ગણવામા સમય અને શક્તિનો વ્યય ન કરો. બ્લોગ્સનું કામ લોકોને માહિતી, સમાચાર  અને આનંદ આપવાનું છે, એના ઉપર સેંસરબોર્ડના આકરા નિયમ લાદીને શો ફાયદો?
હું મારૂં જે કહેવાનું હતું એ પૂરૂં કરૂં છું, હવે જેને જે કહેવું હોય તે અહીં કહો
-પી. કે. દાવડા

 

સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …

મિત્રો 

 
આજે આપણા  કલ્પનાબેન એક સુંદર ટુંકી વાર્તા લઈને આવ્યા છે,શબ્દોમાં સરળતા છતાં ખુબ મોટી વાત વાર્તામાં વર્ણવી છે, અંત સુધી જકડી રાખે છે , વાર્તા આપ જ વાંચી આપના અભિપ્રાય જણાવશો.

સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …..

આજથી ૫ વર્ષ પહેલાં સોમવારની સવારે વૃંદાવન સોસાયટીના મહાદેવમાં ચંપાબેન મળી ગયાં. ત્યારે તેમની ઉંમર ૬૫ વર્ષની હતી. મને કહે, “બહેન મેં સાંભળ્યું છે કે તમને બહુ બધાની જિંદગી વાંચવાનો અનુભવ છે. મારે પણ તમને કંઇક કહેવું છે.” આમ તો ઘણાં વર્ષોથી મહાદેવમાં અવારનવાર મળતાં. ક્યારેક સ્મિત તો ક્યારેક વેદના એમનાં ચહેરા પર જોવા મળતી અને મને પણ તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો સળવળાટ જાગતો. આજે મને મળતી એ તક હું કેવી રીતે જવા દઉં? મેં કહ્યું, આજની બપોર તમારી સાથે.

અને હું પહોંચી ગઇ તેમનાં ઘરે ….. તેમની આંખોમાં મારા માટેની પ્રતિક્ષા હતી. મને કહે, બહેન, હવે તો મારી આંખોનાં આંસુ પણ સૂકાઇ ગયાં છે. હું થાકી ગઇ છું. મેં થોડું આશ્વાસન આપ્યું. અને, તેઓ જાણે ભૂતકાળમાં સરી પડ્યા.

બહેન, મારી જિંદગી એક બાળકી, દીકરી, બહેન, ભાભી, નણંદ, પ્રેયસી, પત્નિ, માતા, દાદીમા ….. કેટ કેટલાં સંબંધોનાં જાળામાં, એક રસ્તે રઝળતી વાર્તા બની ગઈ છે.

મારી મા પુષ્પાબેન, તેમની કોખે બાળકી અવતરી નામે ચંપા. દિકરો હોત તો પેંડા વહેચાત પરંતુ બાળકી સ્વરૂપે મને કમને સ્વીકારી – સમાજે, કુટુંબે …… અને મારો ઉછેર શરૂ થયો. તેમાં પણ સરખામણી મારા મોટા ભાઇ રમેશ સાથે. રમેશ કંઇ પણ કરી શકે. કોઇ રોકટોક નહીં કારણ કે એ દિકરો હતો, જ્યારે હું દિકરી. અમુક રીતે બેસવું, ઉઠવું, ચલાવી લેતા શીખવું જોઇએ. કારણ? તેને પરણીને સાસરે જવાનું છે.

પિતાના આંગણે ઉછરતી, પાંગરતી, એવી હું જ્યારે યુવાનીમાં પ્રવેશી ત્યારે મારા હૈયામાં ઢબુરાયેલો છાનો  અસંતોષ, એ પારકાપણાંની ભાવના આકૃતિ લે છે ….. યુવાનીનાં ઉમરે સોણલામાં રાચતી એવી આ ચંપાએ તેનું ઘર અને પતિનાં સ્વપ્ના જોવાનાં શરૂ કર્યા.

અને બહેન, જિંદગીનાં જંગલમાં અથડાય છે એક પ્રેમી નામે રમણલાલ. હું શું કહું બહેન, મને લાગ્યું કે મને મારી મંઝિલ મળી ગઇ. તેની સાથેનુ એ મિલન અદ્‍ભૂત, અકલ્પ્ય હતું. પગમાં કાંટો વાગે તો પ્રેમી પગ હાથમાં લઇ, સાચવીને કાંટો કાઢી લઇને પગ ચૂમી લે, અને એ દુઃખ ગાયબ થઇ જાય. પ્રેમમાં કેટલી તાકાત હોય છે? હું તે વખતે સુખનાં સર્વોત્તમ શિખર પર સ્વપ્નામાં રાચતી. ખરેખર બહેન, દુનિયાના તમામ સંબંધોની વ્યાખ્યાઓ તે સમયે મને નામશેષ લાગી. હું કેટલી ભોળી? મને હાશ થઇ અને મારું નસીબ કે એ પ્રેમી સાથે લગ્ન થયા ….. અને હું પ્રેયસીમાંથી પત્નિ બની.

ક્યારેક એમ કહેવાય છે કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ અને પતિના અધિકારની ભાવનાની શરૂઆત. સપ્તપદીનાં ફેરામાં બન્ને પક્ષે કંઇક વચનોની આપલે થઇ. પરંતુ મને બિચારીને ખબર ન હતી કે તે વેદીમાં મંત્રોચ્ચાર વખતે ઘી હોમાય છે અને બોલાતાં વચનોનો તે સમયે જ ધૂમાડો થતો જાય છે. હું મારા પતિ અને તેના કુટુંબ સાથે બંધાઇ ગઇ. અને મારા ગૃહપ્રવેશ પછી કંઇ કેટલાંય સંબંધોના સ્વરૂપોથી મને આવકારી. આતો છે માત્ર સ્ત્રીના નસીબમાં મેળવવાનું – અને મારા જીવનમાં શરૂ થઇ જાય છે જવાબદારીઓની ઘટમાળ …..

હનીમુનની રાત્રિએ કંઇક વચનોની આપલે થાય છે. કલાકો, દિવસો, મહિનાઓ પસાર થાય છે. પિયરમાં જે નથી મળ્યું તે મેળવવા અને તેનાથી અનેકગણું ન્યોચ્છાવર કરવાનાં સ્વપ્ના સાથે આવેલી આ ચંપા, આ નવવધુ, પાછી શરૂ થઇ જાય છે સોણલા જોવા …..

હવે આ મારું ઘર છે, મારો વર છે, બધુંજ મારું છે. હવે હું મારું ધાર્યુ કરી શકીશ. બધાને પ્રેમ કરીશ. અને બધા મને પ્રેમ કરશે. એ ભ્રમણાનાં વમળમાં અટવાઇ જાય છે. સમય સરતો જાય છે. જીવનની આ ભાગદોડમાં ક્યારેક પતિ કહે છે આ મારું ઘર છે, હું જે કહીશ તે થશે. આ મારા પૈસા છે, તું કમાવા નથી જતી, તારા બાપાએ બાંધી આપ્યા નથી. સાસુ – સસરા, જેઠ – જેઠાણી, દિયર – દેરાણી, નણંદ – નણદોઇ અને ભત્રીજા – ભાણેજા ….. આ બધાં સંબંધોમાં ફંગોળાતી, ક્યાંક કોઇ મારું લાગે ત્યાં હારી, થાકીને વિસામો લેતી, અને રાત્રે પાછી પતિની સોડમાં હાશ અનુભવતી, નવા દિવસની સવારે તાજી-માજી થઇને મારી ફરજોમાં ફંગોળાતી હું, તમને બહેન પૂછી રહી છું કે આમાં મારું સ્થાન ક્યાં છે? મારું અસ્તિત્વ ક્યાં છે? અને ચંપાબેન ફીક્કા હાસ્ય અને સંતોષની લાગણી સાથે પાણીનો ઘૂંટડો ગળે છે અને ખોવાઇ જાય છે પાછા તેમના અતીતમાં …..

મારા જીવનમાં એક વળાંક આવે છે. મારી કોખે ગર્ભ આકાર લે છે. મારા રોમરોમમાં એક નવી ચમક ફૂટે છે. એ નવ મહીના મારી જિંદગીના સર્વોત્તમ હતાં કારણકે મારું બાળક, મારા પતિ અને આખું કુટુંબ મારી સાથે હતું. અને ….. એ  નવ મહિના ગર્ભાધાન અને પછી પ્રસૂતિની પીડા સહન કરી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં બધાંનો વ્યવહાર મારા માટે બદલાયો. કારણકે મારા ઘર માટે હું વંશવેલો વધારવાનું સાધન બની ગઇ હતી. અને હું પણ બધાંનો દુર્વ્યવહાર ભૂલી જતી. એ તો ભગવાને મને ભૂલવાની બક્ષિસ આપી હતી.

પાછાં સ્વપ્નાની વણઝાર શરૂ ….. ભલે મારું કોઇ નથી, મારો પતિ પણ પહેલાં તેના કુટુંબનો , તેના મા-બાપનો છે. પણ મારો દિકરો હરેશ તો મારો જ છે ને? તેને ભણાવી – ગણાવી, સારા સંસ્કાર આપીને મોટો માણસ બનાવીશ અને મને હાશ થશે ….. એ દિવસની રાહ જોઇને આ ચંપા તડકા-છાંયડા, વાદળ-વંટોળ, ખાડા-ટેકરામાં અથડાતી, કૂટાતી, તેની જુવાનીને કુટુંબ પાછળ સમર્પિત કરીને, તેની ભાવનાઓને હોમી દઇને, સમયનાં વહેણના આવેગમાં ધસડાય છે.

હું થાકી ગઇતી બહેન, પણ મને માત્ર આશા હતી મારા દિકરાની અને હરેશ મોટો થાય છે. ભણીને સ્થિર થાય છે, ત્યારે તેનાં લગ્નની વાત ચાલે છે. મને હતું કે એવી વહુ લાવીશ કે જે મને હુંફ આપશે. પરંતુ બહેન, આ કંઇ થોડું કોઇના કપાળ પર લખેલું હોય છે? અને વાજા વાગે છે …..

દીકરાની સાથે રહીએ છીએ. કંઇક આશાઓ બંધાય છે પરંતુ દીકરો પણ તેની પત્નિ હિરલ, જે તેના મા-બાપના ઘરેથી આવી છે તેને સાચવવા માને હડધૂત કરે છે. મા જૂના વિચારોની છે. તે તેનું મન, વિચારો બદલી નથી શકતી. અને શરુ થાય છે સંઘર્ષ ….. આ મારું ઘર છે, ફાવે તો રહો નહીં તો જાઓ     “ ઘરડા-ઘર “ માં. આ આઘાત મારા માટે અસહ્ય હતો. વર્ષો જાય છે. હવે તો મારા માટે કોઇ રસ્તો જ નહતો. પત્નિ અને માનું મ્હોરું પહેરીને હું હંમેશા ફંગોળાતી. કોઇ મને સમજવા તૈયાર ન હતું. રમણલાલ સાથે નિરાંતની પળોમાં હું ક્યારેક બનતી ઘટનાઓની આપ-લે કરીને વિસામો લેતી. હવે તો એ માત્ર એકજ મારા ઘડપણનાં વડલાનો વિસામો હતાં. બન્ને એક બીજાને હુંફ આપી ને દાં’ડા કાઢતા. એવામાં એમને વિચાર આવ્યો, ચાલને આપણે જાત્રાએ જઇએ. ઇશ્વરનાં સાનિધ્યમાં જીવને હાશ થશે – અને જાત્રાએ જવાનું નક્કી કર્યુ. વહુને હાશ થઇ.

જાત્રાએથી પાછા આવીને જોયું તો ઘરમાં બધું બદલાઇ ગયું હતું. મારી અને એમની તસ્વીર જે દિવાનખાનામાં લટકાવેલી તે ઉતારી લીધી હતી. આમ પુત્રે પહેલાં દિલમાંથી અને પછી દિવાલો ઉપરથી મા-બાપને જાકારો આપ્યો. અહીં રહેવું હોય તો અમારી પધ્ધતિથી, અમે કહીએ તેમ અને અમને ગમે તેવી રીતે તમારે રહેવું પડશે ….. મેં મારા દિકરાને જન્મ આપ્યો, દિકરો માને શિખવાડે છે કે મારે કેવી રીતે રહેવું, ખાવું, ઉઠવું, બેસવું ….. મારું હ્રદય નંદવાય છે ….. ચિત્કાર કરી ઉઠે છે ….. વલોવાય છે. શું મારું, મારું કોઇ નથી?

હે ભગવાન, હું એટલી બધી ખરાબ છું કે તને પણ મારી જરૂર નથી? તો મને પેદાજ શા માટે કરી? મને શા માટે કોઇ પણ જેવી છું તેવી સ્વીકારવા માટે તૈયાર નથી? શા માટે? આનો જવાબ છે કોઇની પાસે? બહેન, કોઇ સમજી શકશે મને? કે જે તેના અસ્તિત્તવની શોધમાં અહીં તહીં ઘડીયાળના લોલક્ની જેમ, સંબંધોનાં ગૂંચવાળામાં ગૂંચવાતી, પોતાનાંજ અસ્તિત્વને સમજી નથી શકતી, તેને કોણ સમજશે?

મને પણ થયું, “हाय! अबला नारी तेरी यही कहनी, होठोंपे मुसकान, आंखोमें पानी.” અને હું ઘરે આવી …..

બીજા દિવસની સવારે ચંપાબેનની પડોશનો છોકરો દોડતો મને બોલાવવા આવ્યો. હું તેમના ઘરે ગઇ. જોયુ તો ….. ચંપાબેન પ્રભુપ્યારા થઇ ગયા હતા.છેવટે ચંપાબેનની પ્રાર્થના પ્રભુએ સાંભળી ખરી. તેમના ચહેરા પર ચિર શાંતિ મેં મહેસુસ કરી. ઘરમાં રૂદનનું વાતવરણ હતુ – સ્વાભાવિક છે. તેમની પુત્રવધૂ હિરલે મને એક પત્ર આપ્યો અને કહ્યું, “રાત્રે માની તબિયત અચાનક બગડી. ઉપરાઉપરી બે એટેક આવ્યા તે પહેલાં આ પત્ર મને તમને આપવા માટે કહ્યું હતું અને પછી તરતજ તેમની આંખો બંધ થઇ ગઇ.”

મેં તેજ વખતે પત્ર વાંચ્યો. તેમા લખ્યુ હતુ, બહેન, મારી માએ મને શિખમણ આપી હતી, “भोज्येषु माता, कार्येषु मंत्री, शयेनेषु रंभा બનીને સાસરીમાં રહેજે. હવે તો તારુ સાસરુજ તારુ અંતિમધામ છે. જ્યાં ડોલી જાય છે ત્યાંથી અર્થી નિકળવી જોઇએ. ઘેર આવે તો તારા વર સાથે આવજે અને પિયરમાં મહેમાનની જેમ રહેજે.” બહેન, મેં મારી માની શિખમણ માની. હવે હું થોડા સમયની મહેમાન છું. મારા પ્રાણ આ ખોળીયું છોડીને ઉડી જશે. અને મારા પતિ જીવે છે માટે આ સુહાગણને સજાવી – શણગારીને સ્મશાનમાં લઇ જશે – અગ્નિદાહ આપવા. બળી જશે આ શબ, ચિતા અને અનેક ચિંતાઓનાં રાફડામાંથી મુક્ત થઇને આખરે રાખ બનીને હાશ અનુભવશે, સ્મશાનમાં …… બહેન, મેં તમને મારી આપવીતી કહીને દુઃખી કર્યા. પણ મારી વાર્તા વાંચીને ઘણી બહેનોને સાંત્વન મળશે ….. કે ભારતીય આર્ય સ્ત્રી આજ હોઇ શકે – અને સાચું કહું બહેન, આજે મને મારું જીવન જીવ્યાનો સંતોષ છે. મેં મારા તમામ સંબંધોનું જતન, પાલન, પોષણ અને સિંચન તન, મન અને ધનથી, મારી તમામ લાગણીઓને પોષીને કર્યુ છે. ફળ ના મળે તેમાં અન્યને હું દોષિત ગણતી નથી. એ તો મારા કર્મનો વાંક છે. હું તમામને માફ કરું છું બહેન, તમે પણ મને માફ કરજો. નમઃ શિવાય.

અને હું મારી આંખોમાં આંસુઓને રોકી ના શકી. મારું મન તેમને નતમસ્તક પ્રણામ કરી રહ્યું. આ ચંપાબેનની કહાણી મને હચમચાવી ગઇ. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.

== કલ્પના રઘુ ==

 

 

 

 

“આ છે મારું અમદાવાદ” …………

૨ વર્ષ અમેરીકા રહ્યા બાદ ૨૦ દિવસની અમદાવાદની મારી ટૂંકી મુલાકાતમાં મને અમદાવાદ કેવું લાગ્યું? તે અંગે મારા અનુભવો મેં રજુ કર્યા છે.

“આ છે મારું અમદાવાદ” 

આજના અમદાવાદની સૂરત બદલાઇ છે,

સૂરત સાથે મૂરત પણ બદલાઇ છે,

કહે છે, અમદાવાદ મેટ્રોસીટી બનવા જઇ રહ્યુ છે.

ભડ નરેન્દ્ર મોદીના રાજમાં ફ્લાયઓવરની છે કમાલ,

બી. આર. ટી. એસ.ની સવારીમાં આમ જનતાને છે નિરાંત,

કાંકરીયા તળાવ અને સાબરમતી રીવરફ્ર્ન્ટ જોઇને સહેલાણીઓ કરે છે વાહ! વાહ!

ઉત્સવો અને તહેવારોની બદલાઇ રહી છે સીકલ, આ છે મારું અમદાવાદ.

પરંતુ — પરંતુ નથી બદલાઇ અમદાવાદીની એ સવાર,

જ્યાં મસાલા ચ્હાની ચૂસકી સાથે ગરમાગરમ ફાફડા ચટણી અને જલેબી ખવાય છે,

નથી બદલાયો મંદિરનો એ ઘંટારવ અને આધ્યાત્મિક દોટ,

વહેલી સવારે મોર્નિગ વોક અને કસરત માટે બગીચા ઉભરાય છે,

રંગીન કપડામાં રંગીન મીજાજી અમદાવાદી ઘુમે છે,

ભારતની પચરંગી પ્રજા અમદાવાદમાં સમાય છે, આ છે મારું અમદાવાદ.

અહીં વૈભવી ઇમારતોની ઝાકમઝાળ છે, પણ રાહી ભટકી જાય છે.

માનવ ભાગદોડમાં ભટકાય છે, કોલાહલમાં અથડાય છે.

દિન-રાત ચોરાહે પર ટ્રાફીકજામ દેખાય છે,

સમીસાંજે વાહનોનું કિડિયારૂ ઉભરાય છે,મારામારી ગાળાગાળી હંમેશ જોવા મળે છે,

ચોરી-લૂટ, ખૂન ખરાબાથી ન્યૂઝપેપર ઉભરાય છે,

ક્લબો, હાઇવે, હોટલો, હોસ્પીટલો હકડેઠઠ ઉભરાય છે,

પ્રદુષણનો વરસાદ વરસાવી કુદરત પણ બદલાઇ છે,

સિમેન્ટનાં આ વન-વગડામાં શ્વાસ પણ રૂંધાય છે,

ત્રિસંધ્યા સમયે સ્નાન કરો, તો પણ મેલા થવાય છે, આ છે મારું અમદાવાદ.

પગારધોરણ અને મોંઘવારીની હૂંસાતૂંસીમાં માનવમોલ હારી જાય છે,

મોંઘવારીના ખપ્પરમાં કંઇક ગરીબ હોમાય છે,

મધ્યમવર્ગીય માનવીના બે છેડા માંડ ભેગા થાય છે,

અમીરો પણ મોંઘવારીની જ્વાળામાં લપટાય છે,

આમ સળગતી મોંઘવારીમાં ભડકે બળે છે અમદાવાદ, આ છે મારું અમદાવાદ.

આ જીવન-ચક્કીની ભીંસમાં કંઇક સંબંધો, કંઇક જીવન ભીંસાય છે, ચગદાય છે, મરણને શરણ થાય છે.

ક્યાં છે સમય કોઇની પાસે?

પ્રેમની પરિભાષા પણ બદલાય છે.

નિતનવા ઘરડાઘર ખૂલી રહ્યા છે,

આ છે ઘરેણાં મેટ્રોસીટીના, આ છે મારું અમદાવાદ.

ક્યાં જઇને આ અટકશે?… કોઇ કહેશે?…

હા…આ જીવનચક્ર જરૂર બદલાશે…

ચક્રને બદલાવું જ રહ્યું…

જેમ રાત પછી દિવસ, સંધ્યા પછી પ્રભાત…

એક નવા પ્રભાતની મીટ માંડીને ઉભો છે અમદાવાદી…

ભારતની આ તપોભૂમિને યોગીઓનાં ફળશે આશીર્વાદ…

અંતે તો કહીશ હું અમે અમદાવાદી… અમે અમદાવાદી.

આ છે મારું અમદાવાદ.

કલ્પના રઘુ

દિવાળીની મંગળકામના અને નવા વર્ષના અભિનંદ

મિત્રો ,
 
દિવાળીના દીવડાની જેમ ઝગમગતા બધાજ લખનાર અને વાચનાર, પ્રોત્સાહના આપનાર
અને લખવાનો ઉત્સાહ દેખાડનાર બધા જ અમારા મિત્રોને 
દિવાળીના શુભ અવસરે

દિવાળીની મંગળકામના અને નવા વર્ષના અભિનંદ

દિવાળી એટલે દીવડાનો તહેવાર ,ઉજાળવાનો ઉત્સવ અને ભક્તિ પૂજા અર્ચના દ્વારા આત્માની જ્યોત પ્રગટવાનો ઉત્તમ અવસર 

                                                          દીવડા ,મઠીયા ઘુઘરા   ફટાકડાની સાથે 

                                                               ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા’
                                                                       
                                                                             ભાવના ભાવવાનો ઉત્સવ 
               આવા નૂતન વર્ષના શુભ અવસરે  સહુ સુખી-સમૃદ્ધ બને. સહુ  શાંતિમય જીવન જીવે એવી ભગવાનને પ્રાર્થના 
                 
                        મિત્રો આ સાથે કલ્પનાબેન મોકલાવેલ દિવાળી વિષે નું લખાણ મુકુ છુ જે મીઠાઈ ખાતા જરૂરથી માણજો
                                         અને સાથે રંગોળી  પુરો અને દીવો કરો ત્યારે નવા સંકલ્પ જરૂરથી કરજો 

દિવાળી – નવું વર્ષ – નવો સંકલ્પ

પાંચ દિવસોના પાંચ તહેવારોનું ઝૂમખુ એટલેજ દિવાળી. દિવાળીનું બીજુ નામ દિપાવલી છે. દિપાવલી એટલે દિપની હારમાળા. હિન્દુ કેલેન્ડર મુજબ આસોનો અંત અને કારતકની શરૂઆત એટલે દિવાળીના દિવસો. ધનતેરસ, કાળી ચૌદશ, અમાસ એટલેકે દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ. આ પાંચે દિવસની ઉજવણી પાછળની લોકવાયકા છે….

રામનો રાવણ પરનો વિજ્ય અને વનવાસ પૂરો થવો

ગાય વાછરડાની પૂજા કરવી

કૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો અને અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો

વિષ્ણુએ વામન અવતાર ધરીને બલીને હરાવ્યો

પાંડવો વનવાસ અને અજ્ઞાતવાસ પૂરો કરી પાછા આવ્યા

નરકાસુરનો વધ

ધનવંતરી ભગવાનનુ સમુદ્રમંથન દ્વારા પ્રગટ થવું

ખેડુતો પાક લણીને નવા વર્ષ માટે ઇશ્વરને પ્રાર્થના કરે છે

વર્ષની શુભ શરુઆત માટે શ્રીગણેશ પૂજન

વહેપારીઓ ચોપડાપૂજન કરે છે

જ્ઞાનની અધિષ્ઠાત્રી મા સરસ્વતીનું પૂજન થાય છે

સુખ-શાંતિ-સમૃધ્ધિની દાતા મા લક્ષ્મીનું પૂજન કરીને તેનું આવાહન થાય છે

સુવર્ણ, ચાંદીની શુકન માટે ખરીદી થાય છે

યમરાજા અને યમુનાજી – ભાઇ-બહેનનો સાથે ભોજન ભેટ-સોગાદનુ ભાઇબીજનું મહત્વ

આમ ધામધૂમથી પાંચેય તહેવારો ઉજવાય છે

આ માટે હિન્દુઓ

સૂર્યોદય પહેલાં સ્નાન કરી નવા વસ્ત્ર-અલંકાર પહેરે છે

વહેલી પરોઢે સબરસના અવાજથી શેરીઓ ધમધમે છે

ઘર આંગણે સાથિયા, તોરણ, રંગોળી અને રોશની કરવામાં આવે છે

દાન-ધર્માદા કરવામાં આવે છે

મેવા-મીઠાઇથી મિત્રોને સત્કારે છે સુવાળી, મઠીયા, ઘુઘરા અને મીઠાઇ તો ખરીજ

બોણી અને ભેટ-સોગાદો અપાય છે

ફટાકડા ફોડીને અને રોશની કરીને આનંદ કરે છે

આમ આ ઉત્સવોમાં હિન્દુ ધાર્મિક સંસ્કારોનો નિચોડ જોવા મળે છે

માત્ર હિન્દુસ્તાનમાં નહીં, સમગ્ર વિશ્વમાં, માનીલો કે જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં ત્યાં દિવાળી ઉજવાય છે કારણકે વિશ્વ હવે નાનું બનતુ ગયુ છે

તફાવત માત્ર એટલો છે, સમય-સંજોગો પ્રમાણે ઉજવણીનો પ્રકાર બદલાયો છે. આજનો યુવાન જુના ઢાંચામાં બંધયેલો નથી. ઘરડા કહે અને માની લે તે આજની યુવાપેઢી નથી. આ પેઢીને જોઇએ છે ઉજવણી, ધમાલ, બદલાવ અને પૂરાવા….

ઘણા દેશોમાં દિવાળીની સત્તાવાર રજા હોય છે. યુ.એસ.માં પણ દરેક શહેરમાં વસતા હિન્દુઓ ધામધુમથી દિવાળીની ઉજવણી કરે છે. ફટાકડા, રોશની, રંગોળી અને મેળાથી દિવાળી ઉજવાય છે.

જૈન ધર્મમાં મહાવીર ભગવાનને યાદ કરીને દિવાળી ઉજવાય છે

આર્ય સમાજ દયાનંદ સરસ્વતીને યાદ કરે છે.

મારવાડી લોકો પણ નવા વર્ષની ઉજવણી દિવાળીથી કરે છે.

તો મિત્રો, આજથી નવા વર્ષની શરૂઆત થઇ છે.

આવી દિવાળી, લાવી દિવડાની હારમાળા,

જ્યોતથી જ્યોત પ્રગટી, થઇ રોશનીની હારમાળા.

આજે છે બેસતુ વર્ષ, તેને બનાવી દે તુ સરસ.

ઉઠો, જાગો, થયુ પ્રભાત,

પાપણ ખોલો, છોડો પ્રમાદ.

જગતની ઘડીયાળો પોકારે આલબેલ,

હીરા-મોતી કે સોનાથી છે સમય મુલ્યવાન.

આળસુ અજગર જેમ ઉંઘમાં ના કર બરબાદ.

સ્વાર્થ,પ્રમાદ કે સંકુચિતતાને દુર કરી,

સદભાવના અને સદવૃત્તિને પ્રગટાવ.

બીત ગઇ રાત અંધેરી, અબ તો ભોર ભઇ,

ઢંઢોળ તારા આતમને, આત્મપ્રકાશ પ્રગટાવ.

કાળીચૌદશની રાત્રિએ સાધના કરી,

જપ-તપ વડે ઉજાસને પ્રગટાવ.

સત્કર્મમાં ખર્ચીશ પળપળને,

એ સંકલ્પ સાથે આંતરચક્ષુ ઉઘાડ.

મનમંદિર પર આજે ચઢશે સંકલ્પનાં કળશ,

અને દિવાળી ઝળકી ઉઠશે એ સંકલ્પબળથી,

એ રોશનીથી તારું તન મન ઝળહળશે …

જ્યોતથી જ્યોત પ્રગટશે, જગત બનશે ઉજીયારૂ …

ટૂંકમાં દિવાળી એટલે હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષમાં પ્રવેશ

મનમંદિરનાં ખૂણેખૂણેથી કચરો સાફ કરીને એટલેકે જૂના વર્ષમાં કરેલી ભૂલો, ખરાબ અને ખોટાં કરેલાં કાર્યો ને યાદ કરીને, અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને ફરી પાછા શુધ્ધતા અને નવા જ્ઞાન સાથે આવનાર ભવિષ્યની જીંદગી માટે સુસજ્જ બનવું. જીવનમાં જે પણ મળ્યું હોય તે બદલ ઇશ્વરનો આભાર માની નવા દિવ્ય ભાવિ માટે ઇશ્વરને પ્રાર્થના કરવી. અને તે માટે શ્રીગણેશ, મા લક્ષ્મી, મા સરસ્વતીની ઉપાસના કરવી. અંતરને ઉજાગર બનાવવું. જીવનની દરેક પ્રકારની કડવાશ દૂર કરીને આવનાર જીવનને મીઠાશથી ભરી દેવું

તો ચાલો આપણે સૌ ઇશ્વરને આ માટે પ્રાર્થના કરીએ.

                                મારl તમામ વાચકમિત્રોને નવા વર્ષની શુભેચ્છા અને નવા વર્ષનાં અભિનંદન.

———————————————————————--કલ્પના રઘુ-——————————————————–

Wishing a very happy Bigining
                                       નૂતન વર્ષના આ નવલા પ્રભાતે ઉત્સાહ અને  ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

કલ્પના કે વાસ્તવ ભાગ -2

કલ્પના કે વાસ્તવ ભાગ -2

આમ ને આમ બે ત્રણ વર્ષ  નીકળી ગયા ,અચાનક એક વ્યક્તિનો પત્ર મમતાબેનને મળ્યો,  તેમાં તેણે તેમને મળવાની ઈચ્છા વય્ક્ત કરી હતી અને આગમન નો સમય પણ જણાવ્યો હતો.

 નિયત સમયે એ વ્યક્તિ મમતાબેનને ઘેર આવી, બેલ વાગતા જ એક દેખાવડો યુવાન દરવાજે ઉભો હતો  જેને જોઇને જ મમતાબેનનું મન આશ્ચર્ય સાથે પ્રસન્ન થયું એના ચહેરા પર એક જાતની શાંતિ નો અનુભવ હતો. વાતચીતમાં સરળતા હતી. કેટલીક વ્યક્તિઓ પ્રથમ મુલાકાતમાં જ આત્મીયતા  પ્રસરાવતા હોય છે અને તેવું અપૂર્વની બાબદમાં થયું આવતા વેત જ મમતાબેનના ચરણસ્પર્શ કર્યા અને એણે મમતાબેનને ગળગળા કરી દીધા. 
સામન્ય વાતચીત કરી પોતાનો પરિચય આપ્યો ત્યારે મમતાબેને આગમનનું કારણ પુછ્યું. સાલસ સ્વભાવના અપૂર્વે પોતાને મળેલા ચક્ષુદાન માટે ખૂબ ખૂબ આભાર માન્યો ,પ્રેમલની આંખો આ યુવાનને મળી અને તે દેખતો થયો તેને મળેલા ચક્ષુ માટે તેની પાસે શબ્દો ન હતા તેમ છતાં  કહતો હતો કે તમારી મમતા સ્નેહ અને અન્ય વ્યક્તિઓને કોઈ પણ જાતના બદલાની આશા વિના મદદ થવાની ઉચ્ચ ભાવના એજ મને તમને મળવા  પ્રેરર્યો ….. આજે આપના ચરણસ્પર્શ કરી હું ધન્ય બન્યો છું અને  આલિંગન આપી  સવિનય બોલ્યો શું હું આપને “માં “નું સંબોધન કરી શકું છું? 
આપણે સહુ જાણીએ છીએ તેમ પ્રભુ એક દ્વાર બંધ કરે તો એ બીજાં બે દ્વાર ખોલી જ આપે છે એજ વાત જાણે અહી સિદ્ધ થઇ મમતાબેન આમ પણ ખુબ એકલા થઇ ગયા હતા અને આવા શબ્દોથી મમતાબેનને  કંઈક શાતા વળી ,પરંતુ તેમના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. તેમને એમ લાગ્યા કરતુ હતું કે આને મેં કયાંક જોયો છે આ ચહેરો પરિચિત કેમ લાગે છે ? મન એ યાદ કરવા મથી પડ્યું ,વાતો કરતા અચાનક કંઈક યાદ આવતા તેઓ પ્રેમલના રૂમમાં ગયા ,જે તસ્વીર તેમણે ઢાંકેલી રાખી હતી તેને ખોલી। …..તે જાણે અપૂર્વની જ  તસ્વીર હતી ,તેઓ એકદમ અચંબામાં પડી ગયા કે આ શું ?
તેમણે અપૂર્વને પ્રેમલની રૂમમાં બોલાવ્યો  પોતાની દીકરીના કાવ્યો ,કવિતા સંગ્રહ ,અને અંગ્રેજી સાહિત્યના પુસ્તકો જોઈ અપૂર્વ છક થઇ ગયો અ પણ સાહિત્ય રસિક જીવ હતો એણે આમાંના ઘણા પુસ્તકો બ્રેઇલીપીમાં માણ્યા હતા ,મામતાબેને પ્રેમલના એક પછી એક ચિત્રો પણ દેખાડ્યા અને અંતે તેની નજર પેલી તસ્વીર પર પડી અને એ અભો જ બની ગયો ! કંઈ જોવા કે સમજવાનો ફરક થતો નથી ને ! પ્રેમલને એણે જોઈ ન હતી કયારેય મળ્યો પણ ન હતો। ….પ્રેમલે તસ્વીર નીચે જે લખ્યું હતું તે “બે હ્રદય રાત્રીને ચીરતાં પસાર થતા હતા તેઓ પ્રેમમાં પડ્યા પણ એકમેકને જોઈ શકયાં નહિ –“-અપૂર્વ “
ઓ મારી “પ્રેમલ ” એવા ઉદગાર તેના મુખમાંથી સરી પડ્યા…. 
 
-વાસંતી રમેશ શાહ- 
 
એક સત્ય ઘટના આધારિત

મિત્રો
આજે એક  સુંદર પણ સત્ય ઘટનાને આધારિત બે અંકી વાર્તા લઈને આવી છુ. એ સાથે આપણા બ્લોગના અને બે એરિયાના નવા લેખિકા વાસંતીબેન રમેશભાઈ શાહ નું સ્વાગત કરું છું. 
તેમની રજૂઆત ખુબ જ સુંદર છે. મેં માણી  છે માટે જ આપ સર્વને માણવા રજુ કરું છું. મિત્રો આપના અભિપ્રાય એમને વધુ લખવા પ્રેરરશે. હું જાણું છું કે હું સરસ લખી શક્તિ નથી, પરંતુ પ્રભુએ મને કોઈ લખતું હોય તો તેના લખાણને પ્રેરણા આપવાનું નિમિત્ત જરૂર બનાવી છે, તો મિત્રો આપ પણ આ નિમિત્ત બનવાનું ચૂકશો નહિ ,લેખિકા નો પરિચય એમની રજૂઆત જ સમજી લો ને  …..
 
કલ્પના કે વાસ્તવ 
 
 

પ્રેમલ મધ્યમવર્ગમાં ઉછરેલી સુશીલ ને સંસ્કારી પુત્રી હતી. તેના પિતાનો સ્વર્ગવાસ તે પાંચવર્ષની હતી ત્યારે થયો હતો. માતા મમતાબેને તેના ઉછેરમાં કોઈ કમી મહેસુસ તવા દીધી ન હતી. પિતાની ખોટ પણ સાલવા દીધી ન હતી. પ્રેમલ ભણવામાં ખુબ હોશિયાર અને તેજસ્વી હતી. તે જેટલી રૂપાળી હતી તેટલી જ નમણી ને નમ્ર વિવેકી હતી. પ્રભુએ જાણે તેને સર્વગુણ સંપન્ન કંઠારી હતી. 

20ની ઉંમરે તે ગ્રેજ્યુએટ થઇ ગઈ, સાહિત્ય રસિક જીવ હતો ,સાહિત્ય સર્જનમાં અનેરી  પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી એ કંઈ જેવી તેવી પ્રસિધ્ધિ ન હતી ,કાવ્યોનું વાંચન કરવું અને કાવ્યરચનાઓ કરવામાં તેને કોઈ આંબી શકે તેમ ન હતું. 

 
પાંચ સાત વર્ષમાં તેની એનેક કાવ્ય રચનાઓ લોકપ્રિય બની ગઈ.અને એક નાનકડો કાવ્યસંગ્રહ પણ બહાર પડ્યો. સાહિત્ય ઉપરાંત તેને ચિત્રકળામાં પણ ખુબ  જ રસ હતો. નવા નવા ચિત્રો દોરવા ,તેમાં એ માનવીના આમ – જીવનમાં આવતી મુશ્કેલીઓ  અને હાવભાવ ઓતપ્રોત તય તેવા દ્રશ્યો ચિતરવામાં નિપુણ હતી અનેક પ્રદર્શનોમાં તેની મૌલિકતાના વખાણ સૌના મુખે સંભાળવા મળતા ,પ્રથમ ,દ્રિતીય કે તુતીય ઇનામમાં પ્રેમલનું નામ ન હોય તે સંભવે જ નહિ.  તેમ છતાં પ્રેમલના દિલ કે મુખ પર ગર્વ કે અભિમાનની રેખા કે નિશાન કદીયે જોવા મળ્યા નથી. દીકરીની પ્રસિધ્ધિથી મમતાબેન ખુશખુશાલ રહેતા.આ બધું જોતા મનમાં ક્ષણિક વિચાર આવી જાય કે તે આલોકની નથી લાગતી પણ પરલોકની જ વ્યક્તિ છે. “ખુદા દેતા હૈ  તો છપ્પર ફાડકે દૈતા   હૈ ” એ ઉક્તિ અક્ષરસ :સાચી છે પરંતુ અતિશય સુખ પણ ઝાઝો સમય ટકતું નથી એ પણ ઉક્તિ એટલી જ સાચી  અને સત્ય છે. 
 
ધીમે ધીમે પ્રેમલની તબિયત નાદુરસ્ત રહેવા લાગી ડૉકટરે નિદાન કર્યું કે મગજમાં ટ્યુમર છે. આ પ્રકારનું ઓપરેશન તે સમયે ખુબ જ કઠીન હતું તેમાં ફક્ત 1% થી 2% બચવાની તક માત્ર રહેતી હતી ડૉ. કહેતા હતા ઓપરેશન થી ગાંઠ નીકળી જશે ,અને માં પ્રેમલને કહેતી પ્રભુ બધું સારું જ કરશે ચિંતા ના કરીશ. પ્રેમલ સમજી ગઈ હતી કે આ માત્ર આશ્વાસન આપવા ખાતર આપે છે ,પણ તે તે હિમત હારે એમ થોડી હતી તે તો ટુકું અને સરસ જીવવામાં માનતી હતી.માતા મમતાબેનના નિ:સ્વાર્થ પ્રેમ અને પ્રભુભક્તિએ તેને ખુબ હિંમત આપી. પ્રેમલની સામે હિંમત આપતા મમતાબેન છાનામાના ખૂબ રડી લેતા પરંતુ  પ્રેમલને કદી ઉદાસ કે નિરાશ તવા દીધી ન હતી.
 
ધીમે ધીમે પ્રેમલની શક્તિઓ ક્ષીણ થવા માંડી ,મમતાબેન પ્રેમથી શક્ય તેટલી દીકરીની સેવા કરી પણ પ્રેમલને બચાવી ન શક્યા. પ્રેમલની આખરી ઈચ્છા અનુસાર તેણીના ચક્ષુદાન પણ કર્યા. અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ થયો, પ્રેમલનું નાશ્વત શરીર માટીમાં વિલિન થઇ ગયું.  ……
માતા એ તેની યાદોને સમેટવા માંડી ,એના લખેલા કાવ્યો અને ચિત્રો ને ભેગા કરી પ્રસિદ્ધ પણ કર્યા પરંતુ તેના ચિત્રોમાં એક યુવાનની તસ્વીર દોરી હતી તે પ્રશ્નાર્થ રહી. એમણે આ યુવાનને કદી જોયો ન હતો ચિત્રમાં યુવાનની ઓજસતા અને નિખાલસતા પ્રગટતી હતી. પરંતુ આ દેખાવડો પ્રસશનીય યુવાન કોણ હતો ?…..શું આ માત્ર પ્રેમલની કલ્પના નો યુવાન હતો? કે એના જીવનની કોઈ ગમતી વ્યક્તિ કે પ્રેમી ?…..આ  માત્ર કલ્પના કે વાસ્તવ ?
વાસંતીબેન રમેશભાઈ શાહ
 
મિત્રો વધુ બીજા અંકમાં ……

 

બીજી ઓક્ટોબર

બીજી ઓક્ટોબર

બીજી ઓક્ટોબર એટલે બાપુને યાદ કરવાનો દિવસ .. કે ભજન, સભા ,કે ફૂલહાર ચડવાનો દિવસ .આજે ૨ ઓક્ટોબરે ગાંધીજી નાં જન્મદિને મનમાં રહી રહીને એક જ વિચાર અને પશ્ન ઘૂમે છે મહાત્મા ગાંધીજીને જેટલું માન વિશ્વના લોકો આપતા હશે તેનાથી ઘણું ઓછું સન્માન ભારતીય યુવાનો તેમને આપી રહ્યા છે.કેમ ? નવી પેઢી  પ્રશ્ન કરે છે કે જે નથી એને યાદ કેમ કરવાના .? તો જવાબના વિકલ્પો ઘણા છે  ….આધુનિક માનવી વિકલ્પોમાં અટવાય કારણ બુદ્ધિ ઘણા option લાવીને મૂકી દે છે એ સ્વાભાવિક છે દસ વર્ષની બાળકી સરકાર માટે પેચીદી સ્થિતિ સર્જી શકે છે . આરટીઆઈ એક્ટ હેઠળ તેણે સરકારને એવો પ્રશ્ન પુછયો છે કે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનો દરજ્જો કેવી રીતે આપવામાં આવ્યો તેનો સરકાર જવાબ આપે. મહાત્મા ગાંધીને જે આદેશથી રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા તે ઓર્ડરની ફોટોકોપીની આ બાળકીએ માંગણી કરી છે.

નવી પેઢીને પાછા પહેલાના યુગમાં જવું નથી એમને આગળ વધવું છે એ વાત ચોક્ક્સ છે આપણે હવે રૂડો ઈતિહાસ રચવો છે એ જ આ પેઢી નું ધ્યેય છે …પરંતુ શું તમને જાણવું નથી આ માણસ હતો કોણ ?  તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે તો આપણે એનો લાભ કેમ લેવો નથી ? …એ સત્ય, અહિંસાનાં પુજારીએ જે સ્વાયત્તતાનું સ્વપ્ન જોયું હતું એમાં જ તમે જીવી રહ્યા છો તો જાણવું નથી એ કોણ છે ?મેં ગાંધીજીને જોયાં નથી, પરંતુ મેં ગાંધીજીને ખૂબ વાંચ્યા છે માટે કહી શકું છું કે  ગાંધી માત્ર સરકારી કચેરીની છબીમાં નથી.પણ એના મોંનની ભાષા બોલે છે .હજી પણ ભારતની સ્વતંત્ર હવામાં ગાંધી છે…આજની યુવા પેઢી યા તો ગાંધીજીની મહાન સખ્શિયત વિશે જાણતી નથી.એમના માટે ગાંધી એટલે  સત્ય, અહિંસા, અપરિગ્રહ, ખાદી, ગરીબી, અસ્પૃશ્યતાનિવારણ, રાજકારણ, આસ્તિકતા, ગ્રામસુધાર, વિજ્ઞાન, આરોગ્ય વગેરે માત્ર  ….  અથવા ખોટા અભિપ્રાય સાથે જીવે છે … જેના મહાન આત્માને દુનિયાએ જોઈ, અનુભવી અને આજે પણ તેમના વિચારો સાથે આપણે જીવીએ છીએ.સાબિત કર્યું કે તેઓ આપણા જેવા જ માસ હાંડ ધરાવતા નાના શરીરના માણસ હતા. પરંતુ તેમનામાં બધું જ શક્ય બનાવવાની ક્ષમતા હતી.ગાંધી ને યાદ કરી તેના જેવા ગુણો ને આપણાં માંથી બહાર કાઢવાના છે એ કેમ ભૂલી જવાય ?.આપણી અંદરની દિવ્યતા ને બહાર કાઢવા માટે મહાત્માને – બાપુને યાદ કરો .આજ ના દિવસે એમને ફરી શોધી કાઢો કદાચ એ તમારામાં જ ધરબી ને પડ્યો હશે…… 
pragnaji
મિત્રો આ પણ ગમશે .https://shabdonusarjan.wordpress.com/wp-admin/post.php?