કવિ અમૃત ‘ઘાયલ’ની સુંદર પંક્તિઓ છે….
‘ કેમ ભૂલી ગયા? દટાયો છું;
આ ઈમારતનો હું ય પાયો છું…
આમ તો એક બિંદુ છું, કિન્તુ
સપ્તસિંધુથી સંકળાયો છું!‘
તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારા જીવનની ઇમારતના પાયામાં શું છે? શું છે તેની બુનિયાદ? જ્યારે પાયાના મૂળભૂત ખ્યાલ વગર કોઈ ઇમારત ખડી કરી દેવામાં આવે, તેનો પાયો જ નબળો હોય તો એ ઇમારતને કડડભૂસ થતાં વાર નહિ લાગે. આવી પાયાની વાત લઈને ગત અંકથી આપણે વાત કરી રહ્યા છીએ ધમ્મપદ ઉપરના ઓશોના ચિંતનની.
જ્યાં તર્ક નિષ્ફળ જાય છે ત્યાં પ્રેમ સફળ થાય છે. જ્યાં ભાષા નિષ્ફળ જાય છે ત્યાં મૌન સફળ થાય છે. કેટલીકવાર મૌન સમજી શકાતું નથી માટે એને ભાષામાં રૂપાંતર કરવું પડે છે. પ્રાર્થના સંવાદ છે, જ્યારે ધ્યાન મૌન છે. અજ્ઞાતમાં પગલું ભરતાં ડર લાગે છે, પરંતુ અજ્ઞાતમાં જવાથી જ ડર અદ્રશ્ય થઈ જશે અને પછી આ ધર્મયાત્રાનો કોઈ અંત નથી. હંમેશા આગળ જનારી, કદી પુરી ન થનારી, શાશ્વત અખૂટ યાત્રા છે. ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચીએ કે બોલીએ પણ જો તેનું પાલન ન કરીએ તો એ તમારું ભલું નહીં કરે માટે બને તેટલા ઓછા શબ્દો વાંચો અને એથી પણ ઓછા બોલો પણ નિયમનું પાલન કરો.
સત્ય કોઈ વિચાર કે તાર્કિક કારણ નથી સત્ય વાસ્તવિક અસ્તિત્વ છે. હૃદય ઇચ્છાને જાણતુ નથી, ભૂતકાળને પણ જાણતુ નથી કે નથી જાણતુ ભવિષ્યને. તે વર્તમાનમાં જીવે છે, હાલની ક્ષણમાં ધબકે છે, તેથી અત્યંત શુદ્ધ છે. બાળક હૃદયથી કામ કરે છે, જ્યારે આધુનિક શિક્ષણ મસ્તિષ્કથી કામ કરે છે. મસ્તિષ્ક સમસ્યા છે અને હૃદય નિવારણ છે. એ કરુણ હકીકત છે કે નિર્દોષ બાળકો ઉપર આપણા વિચારો થોપી તેમનું શોષણ આપણે કરીએ છીએ. તેમને સચેત, જાગૃત, વિચારશીલ, પારદર્શક અને શુદ્ધ બનાવવાને બદલે વિચારોથી ભરી દઈએ છીએ, તેમને લાચાર અને પરાવલંબી બનાવીએ છીએ. વધુ ને વધુ મહત્વાકાંક્ષા, સત્તા, પ્રસિદ્ધિ, સંપત્તિ માટેની તીવ્ર ઇચ્છાથી આપણી સંપૂર્ણપણે એ ભૂલી ગયા છીએ કે આપણામાં પણ એક હૃદય છે, જેનાથી આપણે ઈશ્વર સાથે જોડાયેલા છીએ. જ્યારે ઊર્જા હૃદયથી મસ્તિષ્ક તરફ જાય છે ત્યારે પ્રેમ કરતાં તર્ક વધુ અગત્યનો બને છે, સંવેદનશીલતા, ચાહવાની શક્તિ ઘટે છે, માનવીયતા મુશ્કેલીમાં આવે છે. માટે હૃદયને અને પ્રકૃતિને અનુસરો. એનો અર્થ એ છે તમે તમારાં પોતાનાં હૃદયને સાંભળો એટલા બહાદુર થાઓ. તમારી જાત સાથે વહો. તમે જ શાસ્ત્ર છો અને તમારી અંદર ઊંડે ઊંડે એક સ્થિર, નાનો અવાજ છે. જો તમે મૌન બનશો તો એ અવાજ તમને માર્ગદર્શન આપશે. ત્યારે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે જોઇ શકાશે. જેમ પાણીનો સ્વભાવ નીચે તરફ વહેવાનો છે અને આગનો ઉપર તરફ જવાનો, તમારી પ્રકૃતિ ઈશ્વર બનવાની છે અને એ જ પ્રબુદ્ધતા છે.
ધર્મ વિશે ઓશો કહે છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ હોવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિ અનોખી છે. ધાર્મિક માણસ વિનમ્ર હોય. તે બાઇબલ પાસેથી શીખશે, વેદો પાસેથી શીખશે અને ધમ્મપદ પાસેથી પણ શીખશે. એ બુદ્ધને સાંભળશે, ઈશુ, જરથુષ્ટ્ર બધાને સાંભળશે, એ પોતાનું સ્વત્વ જાળવી રાખશે અને વિનમ્ર, સંનિષ્ઠ, અસલ રહેશે, બનાવટી નહીં બને. સત્યનું એ જ સૌંદર્ય છે તમારું સત્ય તમારું પોતાનું સત્ય હોવું જોઈએ, તમારો ધર્મ તમારો પોતાનો ધર્મ હોવો જોઈએ. ઈશ્વરનો બગીચો ખૂબ વિવિધતાથી ભરેલો છે, સમૃદ્ધ છે. તેમાં બધી જાતના ફૂલ છે – ગુલાબ છે કમળ છે, બીજા એક હજાર ને એક ફૂલ છે. માટે જા અને તારી પોતાની સુગંધ પસંદ કર, તો જ તું સમર્પિત રહી શકશે. જો મને ગુલાબ ગમતા હોય તો તમે મને એવું સમજાવવા પ્રયત્ન નથી કરતા કે મને ગલગોટા ગમવા જોઇએ અને જો તમને ગલગોટા ગમતા હોય તો એ પણ બરાબર છે. ધર્મમાં પણ આવું જ હોવું જોઈએ. તેમાં સંઘર્ષનો, દલીલો કે ઝઘડો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. સાચા ધાર્મિક ક્યારેય ધર્મ માટે ઝઘડો નહીં કરે.
માણસને સૌથી મોટો ભ્રમ એ છે કે એ જાગૃત છે, પછી જાગૃત થવા માટે પ્રયત્ન કરવાનો સવાલ જ રહેતો નથી. શા માટે તકલીફ લેવી? માનવી જ્યારે પોતાને જાગૃત માને છે ત્યારે પણ સુષુપ્ત છે, ગાઢ નિદ્રામાં છે. રોજબરોજ, ક્યારેક ખુલ્લી આંખે તો ક્યારેક બંધ આંખે સ્વપ્નો જ જોયા કરે છે, જે વાસ્તવિક નથી. આ નિદ્રા એટલી લાંબી છે કે તમારા અસ્તિત્વના કેન્દ્ર સુધી પહોંચી ગઈ છે. એટલે જ સચેત થવા માટે, ધ્યાનપૂર્ણ થવા માટે, જાગૃત થવા માટે, સાક્ષી થવા માટે ઘણા પ્રયત્નની જરૂર છે. જાગૃતિ એ ધ્યેય છે અને તમામ શિક્ષાનો સ્વાદ પણ છે. સમુદ્રને ઉત્તરમાં ચાખો કે દક્ષિણમાં, પૂર્વમાં ચાખો કે પશ્ચિમમાં – એનો સ્વાદ ખારો જ લાગશે. એ જ રીતે બુદ્ધત્વનો સ્વાદ જાગૃતિ છે. આપણી આસપાસ શું બની રહ્યું છે તેના વિશે બિલકુલ ધ્યાન આપ્યા વિના આપણે યાંત્રિક રીતે જીવીએ છીએ અને યંત્રમાનવની પેઠે કામ કરીએ છીએ, યંત્રવત્ ભોજન કરીએ છીએ. ગુર્જીયેફ લોકોને મશીનો કહેતા હતા અને એ સાચા હતા. સભાનપણે ખાધેલો દરેક કોળિયો એટલો સ્વાદિષ્ટ લાગે છે, એટલો સંતોષ આપે છે. પવન અને સૂર્યના કિરણોની સુગંધ માણો, એને સ્પર્શો, એમનો અનુભવ કરો. ચંદ્ર સામે જુઓ અને સભાનતાના એક શાંત પુલ બની જાઓ. તમારામાં ચંદ્રનું અત્યંત સૌંદર્યમય પ્રતિબિંબ પડશે.
હૃદય ધબકે છે, શ્વાસ લઈએ છીએ, લોહીનું પરિભ્રમણ થાય છે એટલે જ ફક્ત તમે જીવતા નથી. ચેતના એ જીવન છે, જાગૃતિ જીવનનો માર્ગ છે. તમે જેટલા જાગૃત છો તેટલા અંશે જીવિત છો. મૃત્યુ અને જીવન વચ્ચેનો તફાવત જાગૃતિ છે. આપણું અર્ધજાગૃત મન, જાગૃત મન કરતાં નવ ગણું મોટું છે. ઠીક ઠીક ગરમ પાણી બાષ્પીભૂત થઈ શકે નહીં. 100° પર જ્યારે પાણી ઉકળે, ત્યારે જ બાષ્પ બને. એ જ રીતે સજાગ થવાના ઠીક ઠીક પ્રયત્નો નિરર્થક છે. જ્યારે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે ત્યારે જ જાગૃતિ આવી શકે. ધ્યાન એટલે જાગૃતિ. ધ્યાન કરશો તો તમે સ્વાતંત્ર્ય અને પરમ સુખ મેળવશો. જ્યારે તમે વધુ શાંત, વધુ જાગૃત, વધુ ધ્યાનપૂર્ણ બનો છો ત્યારે પ્રકાશ તો એની મેળે પ્રગટશે. તમારી જાગૃતિ એક ટાપુ બની જાય છે, એક કિલ્લો, જેને કોઈ ઈચ્છા, લાલસા, લોભ, ક્રોધ કાબૂમાં કરી શકતા નથી અને તમે એક સંપૂર્ણ વ્યક્તિ બની જાવ છો. તમે માનવ બનો છો.અને વિશ્વને આજે ખાસ જરૂર છે આવા માનવીની.
દુનિયાનો આનંદ માણો પણ તેના પર માલિકી ધરાવવાનો પ્રયત્ન ન કરો કે એને પણ તમારા પર માલિકી ન જમાવવા દો. છોડ ઉગવા કે બદલવા માટે વિરોધ નથી કરતો, તેની સાથે રહે છે. માટે સહજ અને સરળ બનો. જાતજાતના ઉપદેશના અંધકારમાંથી તમારી જાતને ભવ્ય પ્રકાશમાં ઉચકાઇ જતી અનુભવો. આત્મા અને સત્યમાં પુનર્જન્મ પામી સાચી મુક્તિનો અર્થ જાણો.
રીટા જાની
15/04/2022