બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 08 : નયનાબેન પટેલ

મિત્રો, આજની વાર્તા પ્રસ્તુત છે; ડૂસકાંની દીવાલ

ખુલ્લી બારીએથી -રાજેશ વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા

Image result for રાજેશ વ્યાસ મિસ્કીન
રાજેશ વ્યાસ
           લખવું અને જીવવું બે અલગ વાત છે. આ શાયર કહે છે કે તે તેમના ઉપનામ .”મિસ્કીન” થી વધુ ઓળખાય છે .”મિસ્કીન” નો અર્થ ગરીબ માણસ થાય છે. શ્રી વ્યાસે ગઝલ, ગીત, બાળકાવ્યો, બાળવાર્તા, ચિંતનાત્મક લેખ, વાર્તા, ગઝલ વિષયક સંશોધન લેખ જેવા સાહિત્યપ્રકારો ખેડ્યાં છે.તેમણે ગુજરાતી ગઝલો અને તેના છંદ વિજ્ઞાન પર સંશોધન કર્યું છે, તે ગરીબ કઈ રીતે હોય શકે ? જાણીતા શાયર જલનમાતરીએ મિસ્કીનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન કહેવાય. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને ‘મિસ્કીન’નો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘મિસ્કીન’ એટલે ખૂણો અને ‘મિસ્કિન’ એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી કરનારો ઓલીયો ફકીર.કેટલા લઘુતમ ભાવ સાથે આ કવિ લખે છે તે જુઓ નહી તો માણસ નામ માટે વલખા મારતા હોય છે.
                   કોઈ પણ લેખક કે કવિ અથવા સાહિત્યકાર તેમના સર્જન થકી ઓળખાતા હોય છે. રાજેશ વ્યાસ ની એક રચના મને ઘણી સ્પર્શી ગઈ.વાંચતા વાંચતા હું ગઝલ સાથે વહેવા લાગી….સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં મને અજવાળું દેખાયું.
              “તારા નામના અજવાળા” 
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું”
                 “ત્યજીને પામવાની વાત” એવી સરળ રીતે રજુ કરી છે કે હું તો પુસ્તકો અને ગુગલમાં આ કવિને શોધવા માંડી.કોણ છે આનો સર્જક ? કેવી અદભુત તાકાત હોય છે વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની ! મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઊંડા તત્વચિંતક મને વધારે લાગે છે. ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી ઉતરી આવેલો અલૌકિક સંકેત.પછી તો તેમની અનેક રચના મેં વાંચી અને શબ્દો દ્વારા રચાતા ભાવવિશ્વમાં મને એમની સચ્ચાઇ અને અચ્છાઇના પડઘા દેખાણા,એમને જાણવાની ઉત્સુકતાએ મેં એમની youtube પણ જોઈ,આધ્યાત્મિક પ્રભાવનો પડછાયો એમની ગઝલોમાં અને વાતોમાં સાફ નીતરતો તમને પણ દેખાશે જ.એમની ગઝલમાં અશબ્દ અનુભૂતિનો એક નોખો સ્પર્શ આપણને સતત વાંચવા ખેંચે છે.ક્યાંક ક્યાંક એમાં છુપાયેલા ઈશ્વરના હસ્તાક્ષરના અણસાર આવે. .
                રાજેશ વ્યાસ મુખ્ય તો ગઝલકાર તે ઉપરાંત કવિ, વિવેચક, કટાર લેખક,સંપાદક, એ સિવાય નવનીત સમપર્ણ ,ગુજરાત સમાચાર,અને જનકલ્યાણ જેવા સામયિકોમાં નિયમિત રીતે લખે છે.રાજેશ વ્યાસ જન્મ : ૧૬-૧૦-૧૯૫૫ .”મિસ્કીન”આપમેળે અને આપબળે ગુલમહોરના વૃક્ષની જેમ મ્હોર્યા એના કાવ્યસંગ્રહમાં -પોતે લખ્યું છે કે :“પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.. મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ છે.તેમની ૧૯૦૦ થી આરંભાયેલી તેમની ગઝલયાત્રા અવિરત પણે નવીન રૂપ ધારણ કરતી રહી છે. તેનું ઉતમ ઉદાહરણ ૨૦૦૦ માં પ્રગટ થયેલ આ ગઝલસંગ્રહ છે.
                  એમની ‘આભાર માન’ ગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન બાદ ઓડીટોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્યાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું ? તમે કોઈની રાહ જૂઓ છો ?’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું…’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કીનની કલમે ‘આભાર માન…’ ગઝલ સરી પડી.

“કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા

શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન

કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,

ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન”

                રાજેશ વ્યાસે અનેક મુશાયરાનું સફળ સંચાલન કર્યું છે પણ “મિસ્કીન”ની ગઝલ કેવળ મુશાયરાની ચીજ નથી કે નથી માત્ર મનોરંજન,એમને સંભાળવા એક લ્હાવો છે.શ્રોતાઓને એમની ગઝલનું મુલ્ય છે.કવિ વાંચે છે ત્યારે પણ સ્વમાં ઠરીઠામ હોય એવો અનુભવ થાય છે.એમની ગઝલમાં ગહનતા છે પણ સઘન અનુભૂતિનો અહેસાસ પણ વર્તાય છે.આપણે ત્યાં એવું મનાતું કે કવિ દુઃખી જ હોય અને એમના દુઃખમાંથી જ કવિતા સર્જાય પણ આજના આ નવા કવિ એ આ નદીની જેમ હવા તટ પર તટસ્થ રહીને ઈશ્વરને અનુભવ થકી જાણ્યો છે.ક્યારેક પોતાને જ પડકાર કરીને જવાબ મેળવે છે તો ક્યારેક પ્રશ્ન કરીને ઉત્તર જાણી લે છે.કવિની પરિપક્વતા એની સરળ ભાષામાં છતી થાય છે.ક્યાય ભક્તિવેડામાં પડ્યા વિના એમના શબ્દો આંતરિક ભક્તિના પર્યાય છે.
અને એટલે જ કહે-
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,”

મને એમની ઓળખ એમની  ગઝલો થકી જ છે.આખી વાતનું મૂળ છે કે રાજેશ વ્યાસને એમની ગઝલો થકી જ જાણું છું માણું છું અને સમજુ છું એ રીતે આખી વાત લખી છે બાકી એમને પ્રત્યક્ષ વાંચવાનો અને સંભાળવાનો લહાવો જ નોખો છે.

-પ્રજ્ઞા દાદભાવાળા
વિશેષ પરિચય સંકલન- રાજેશ વ્યાસનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જટાશંકર અને વિજ્યાબેનને ત્યાં થયો હતો. તેમણે અમદાવાદની શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે મેટ્રિક શારદાગ્રામ, માંગરોળમાંથી પસાર કર્યું. ૧૯૭૮માં માનસશાસ્ત્ર અને ૧૯૮૧માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને ૧૯૮૩માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ૧૯૮૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો
૨૦૦૫માં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર,
૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર,
૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક “છોડીને આવ” તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક “લલિતસહશસ્ત્ર” નામ ને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૧માં અને ૨૦૧૨માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.

જેમની કવિતા સાંભળીને શ્રોતાઓ ઝૂમી ઊઠે છે, એવા ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીનની જાણીતી રચનાઓ અહી સાંભળો…. 

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 07 : નયનાબેન પટેલ

મિત્રો આ રવિવારની વાર્તા  

વિનું મર્ચન્ટ વાર્તા ૨૦૨૦ -જયશ્રીબેન મર્ચન્ટ

  મિત્રો કલમ ઉપાડો અને તમારા મૌલિક વિચારોને પ્રસ્તુત કરો.

વિષય:”મને કેમ વિસરે રે”.-વિષય  “મને સાંભરે રે” પણ એ જ શીર્ષક સાથે પણ લખી શકાય અથવા જે વાર્તા લખવાના હો એને નવું શીર્ષક પણ આપી શકાય.

ઇનામ –

 1. 1st $125,
 2. 2nd $75,
 3. 3rd $51. 
 4. 2 consolation prizes of each $25.

       last date of submission April 15, 2020

Send to -pragnad@gmail.com

 1. વાર્તા મૌલિક અને કોઈ પણ મિડીયામાં પ્રકટ ન થઈ હોવી જોઈએ. ૨૦૦૦થી વધુ શબ્દોની  વાર્તા આ સ્પર્ધા માટે સ્વીકારવામાં આવશે નહીં.
 2. જો વાર્તા સત્યકથા પર આધારીત હોય તો એના આલેખન પહેલાં નીચે પ્રમાણે લેખકનું કથન હોવું જરૂરી છે: “વાર્તા સત્ય ઘટના પર આધારીત છે અને પાત્રો તથા દેશકાળના નામઠામ ગોપનીયતા જાળવવા લેખકે બદલી નાખ્યા છે.”
 3. આ બાબત અંગે આયોજકો કે નિર્ણાયકોની કોઈ જવાબદારી રહેશે નહીં. નિર્ણાયકનો નિર્ણય અંતિમ રહેશે અને તે અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

ચારેક વાર્તાઓ અહી સંદર્ભ માટે મુકેલ છે. આના પરથી સમ્જી શકાશે કે ક્યા ક્યા વિષયો પર લખી શકાય.વાત પોતાની હોય, અન્યની હોય કે સ્દંતર કાલ્પનિક હોઈ શકે. આ માત્ર થીમ છે પણ એની અંદર શું લખવું એ સર્જક પર અધારિત છે. 

 1. શરીરની બાહર-૨
 2. હરખીમાસી-૨
 3. મારું ઘર ક્યાં
 4. I. જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૯- આજ ફિર જીનેકી તમન્ના હૈ-૨

ખુલ્લી બારીએથી-ગોવર્ધનરામ ત્રિપાઠી -વાચક -જયવંતીબેન પટેલ

સમાજ સુધારક ગોવર્ધન માધવરામ ત્રિપાઠી
 
પહેલી વખત જયારે “સરસ્વતીચંદ્ર ” વાંચી ત્યારથી ગોવેર્ધનરામ  ત્રિપાઠી પ્રત્યે મારું માન ખૂબ જ વધી ગયું હતું. જે વ્યક્તિ ગમે તેમના વિષે જાણવાની ઉત્સુકતા વધે અને મેં પણ એમના વિષે વધુ વાંચવાની કોશિશ કરી.
તેમનો જન્મ નડિયાદની નાગર જ્ઞાતિમાં થયો હતો. 1883 માં એલ એલ બીની પરીક્ષા પાસ કરી એમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહી, કારણ કે તેમનું ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવૃત્ત  હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો ૪૦ વર્ષની વયે નિવૃત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવૃત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.
એમણે ધંધામાંથી નિવૃત થઇ એમણે સાહિત્ય અને સમાજસેવામાં મન પરોવ્યું. સૌથી મહત્વ પ્રવૃત્તિ કહીએ  તો તે ‘સરસ્વતી ચંદ્ર’ના પહેલા ભાગના આરંભને કહી શકાય. ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ કર્યો.પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું. સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે.
“સરસ્વતીચંદ્ર”ને નવલકથા કરતાં કુટુંબકથા, રાજ્યકથા અને જ્ઞાનકથા તરીકે વધુ જોવામાં આવે છે. “સરસ્વતીચંદ્ર” એ આ લેખકનું મહાન પ્રદર્શન છે. એમની મહત્તાનું માપ આ પુસ્તકો વાંચીને માપી શકાય છે. “સરસ્વતીચંદ્ર” એ ગુજરાતી સાહિત્યમાં અનન્ય ગ્રંથ છે. એમનું પાત્રાલેખન વાસ્તવિક અને વિવિધતાભર્યું છે. એમની સુંદર , સાદી અને અલંકારિક ભાષાએ ગુજરાતી ગદ્યસાહિત્યને નવું બળ આપ્યું છે. “સરસ્વતીચંદ્ર” ગુજરાતી ગ્રહજીવનનું પુરાણ લેખાય છે. ગુજરાતી આચારવિચારને ભાવિ પ્રજા સમક્ષ સુંદર રીતે રજૂ કર્યો છે. આજ તો એમનો ઉદેશ હતો.ગોવેર્ધનરામે સરસ્વતીચંદ્ર દ્વારા એ વખતનાં ચાલતાં ચુસ્ત રૂઢિઓ અને રિવાજોને પડકાર્યા છે. એમનાં અનેક પુસ્તકો દ્વારા સમાજસુધારણાની પ્રવૃત્તિને બળ મળ્યું . એમની નવલકથા બોધપ્રધાન, સામાજિક નવલકથા ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં એક અગત્યનું અંગ બની અને આ નવલકથાને ખૂબ વેગ મળ્યો,ઘણી ઘણી સુંદર નવલકથાઓને બાજુએ રાખી “સરસ્વતીચંદ્ર” ઘણાં પગથિયાં ઉપર ચડી ગઈ તેમની આ કૃતિમાં કવિતા ભરપૂર છે. ખૂબ જ સરળતાથી વિચારો, ભાવમય રીતે તેમના કાવ્ય દ્વારા પ્રદર્શિત કર્યા છે.તેમની કવિતાઓ મૃદુ છતાં વીજળીના ચમકારા લેતી, રસવૃષ્ટિ છે. એમ પણ કહી શકાય કે આ સારો ગ્રંથ રસગ્રંથ છે. તેને મહાભારત કે રામાયણ સમો કહી શકાય. સરસ્વતીચંદ્ર એટલે મહાકાવ્યોનો ગદ્યાવતાર. કુમુદનાં પાત્રમાં સીતાજીની આછી – પાતળી છાયા પણ મને દેખાય છે. તો બીજી તરફ કુમુ -ચંદ્રની પ્રબળ વેગવંતી સ્નેહકથા આપણું દિલ જીતી લે છે અને બાણભટ્ટનાં જેવી ગાજંતી તેમની વર્ણન માળા – મનને પ્રફુલ્લિત કરી દે તેવી છે એટલું જ નહિ -વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. સરસ્વતીચંદ્રના દરેક પાત્રને તેમનાં ગુણ પ્રમાણે નામો આપી લેખકે અનોખી શૈલીની ઓળખ આપી છે.
ગોવેર્ધનરામ એક વિદ્વાન લેખક થઇ ગયા.એમણે વાંચનથી શબ્દને ઉછેરી પોંખી પોખીને વાપર્યા છે. “એમ કહેવાય છે સત્યનો ચહેરો જોવો હોય તો ગાંધી પાસે જાવ,સૌન્દર્યનો ચહેરો જોવો હોય તો ટાગોર પાસે જાવ મૌન અને શાંતિનો ચહેરો જોવો હોય તો બુદ્ધ પાસે જાવ,” પણ મેં આ બધાનો સુમેળ માત્ર એક નવલકથામાં જોયો છે.એમના પાત્રો અને કથાવસ્તુ એમની વ્યાપક વિષયોને ઊંડાણમાં લેવાની મનોવૃત્તિના સૂચક છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે આ કથામાં રજૂ કરી છે. પિતાની ધર્મનિષ્ઠા અને માતાની વ્યવહારુતા – બંને ગોવર્ધનરામ વારસામાં મળ્યા હતા જેના પડઘા મેં નવલકથામાં જોયા છે.
સરસ્વતીચંદ્ર “માત્ર પ્રણયકથા નથી;લાગણીનો માત્ર સૂક્ષ્મ સંઘર્ષ નથી પણ પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. સમકાલીન ઘટનાઓ વિશે ચિંંતન-મનન કરાવતી આ કથાનું નાટ્યરૂપાંતર પણ થયું છે અને હિન્દીમાં ફિલ્મ પણ ઉતારી છે. ઇતિહાસ કહે છે કે જયારે “સરસ્વતીચંદ્ર ” છપાયો ત્યારે એટલે કે એ તિથિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યે જગતસાહિત્યમાં પગ મુક્યો. ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિત યુગના પ્રથમ સાહિત્યકાર ગણાય છે.
ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિતૃઅંજલિ-રૂપ લખેલું : ‘માધવરામ-સ્મારિકા’. આ ઉપરાંત ધર્મ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. પણ મારા માટે તો “સરસ્વતીચંદ્ર” અને “ગૌવર્ધનરામ ત્રિપાઠી” એક શ્રેષ્ઠ સર્જક અને કથા એક શ્રેષ્ઠ સર્જનાત્મક ગ્રંથની છાપ સાથે હજી પણ અકબંધ છે.
જયવંતી પટેલ

સંકલન વિશેષ :અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,
૧. એલ.એલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી,
૨. ક્યારેય નોકરી કરવી નહિ,
૩. ચાળીસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ બીજા ભાગો ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા.સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.-જયંત ગાડીત.

૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું

“वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ.

મિત્રો  આજનું વાચિકમ પ્રસ્તુત છે.તમારા પ્રતિભાવ ગમશે.

શીર્ષક -તરફડતો પસ્તાવો પ્રસ્તુતકર્તા- નયનાબેન પટેલ -U.K.

 

 

ખુલ્લી બારીએથી -હરિપ્રસાદ મણિરાય વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા

 
 
મારું નાનપણ આમ તો રમતમાં વધારે ગયું પણ મને વાંચન તરફ વાળવા મારા પપ્પા બકોર પટેલ લાવી આપતા. સૌથી વધુ આકર્ષણ મને એમના મોઢાનું હતું  અને બીજા મને શકરી પટલાણી ખુબ ગમતા કારણ એ ઉતાવળિયા બકોર પટેલને હરાવતા.   ઘર પાસે “બાલોધ્યાન” કરીને એક પુસ્તક કલબ હતી જે દીના પાઠકના ભાઈ ડો.બિપીનભાઈ ચલાવતા,ત્યાં દર રવિવારે તમને એક પુસ્તક મળે જે વાંચીને પાછું લઈ આવવાનું અને હું હંમેશા બકોર પટેલના પુસ્તકો શોધતી,પછી તો રીતસરનું ઘેલું લાગતું. બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે ભુલાતી નથી. તેમના લખાણમાં સરળતા અને શૈલી પણ કેવી રોચક ? વાંચવાની મજા સાથે ઉત્સુકતા કેળવે. બાળકો તો હોંશેહોંશે માણે પણ મોટેરાઓને પણ આમાં એટલો રસ પડે. મૂળ વાત આજે મારે તેના લેખકની કરવી છે. તે વખતે લેખક વિષે જાણવાની ઉત્સુકતા જ ક્યાં હતી ? પણ આજે થાય છે કે આવું પાત્ર શોધનાર લેખકને મારા પ્રણામ,તેની કલ્પનાશક્તિ માટે મને માન ઉપજે છે. ચાલો તો તેના ઈતિહાસને ઉખેડીએ…
મૂળ નામ હરિપ્રસાદ મણિરાય વ્યાસ ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર. તેમણે મોટેભાગે બાળસાહિત્ય જ કર્યું અને એમાં જ તેઓ પ્રસિદ્ધ થયા. હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ,શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું . તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી. બકોર પટેલની ૨૦૦થી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડીવ’  માસિક માટે લખી હતી.આવા અમરપાત્રોની અઢળક વાર્તાઓમાંની એક પણ વાર્તા સંભવતઃ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકમાં નથી એ પણ નવાઈની વાત નથી ? એ સિવાય પણ બાળસાહિત્ય મામલે વર્તમાનમાં આપણી પાસે બતાવવા માટે નોંધપાત્ર કંઇ છે નહીં…..
બકોર પટેલની વાર્તાઓ સામાજિક પાર્શ્વભૂમિ ધરાવતી હતી અને શહેરના ઉપરી મધ્યમ વર્ગની સામાન્ય વિગતો રજુ કરતી હતી. આ વાર્તાઓ મોટા અક્ષરોમાં ચિત્રો સાથે છાપવામાં આવતી હતી. આ લખાણ અને ચિત્રો સુરતના કલાકાર ભાઇઓ તનસુખ અને મનસુખ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા,જોકે મારા ભાગે તો તેમના સંગ્રહ જ આવ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શીર્ષકો હેઠળ લખ્યા હતા પણ મારું આકર્ષણ લેખક કરતા તેના પાત્રો હતા આમ પણ ગુજરાતી બાળસાહિત્યનું સર્વાધિક લોકપ્રિય પાત્ર એટલે બકોર પટેલ જ ગણાય. એમણે હસતા હસાવતા જીવનના પાઠ શીખવ્યા,સાદું સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રોની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવાતા આમલોક સાથેનું પોતાપણું, સંબધોની મીઠાશ ને ગરિમા, ચગળી-ચગળીને જીવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ એટલે બકોર પટેલ ના પુસ્તકો . છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને લેખકે પ્રસ્તુત કર્યા.બધો શ્રેય તેના સર્જક હરિપ્રસાદ વ્યાસને જ જાય.આમ જોવો તો બકોર પટેલ નું પાત્ર ગુજરાતી ભાષામાં બાળસાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય.
હરિભાઈનો  જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.ખાસ તો ગર્વ સાથે જાણવાનું કે International Companion Encyclopedia of Children’s Literatureમાં પણ આ સાહિત્યકાર અને તેના સર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પેરીસના એક કાર્ટૂન ગેલેરીમાં બકોર પટેલનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યું છે. બીજું તારક મહેતા જેવા લેખકને પણ બકોર પટેલે હાસ્ય લેખ લખવાની પ્રેરણા આપી હતી.
 
વિશેષ નોંધ : ડૉ. રતિલાલ બોરીસાગરે આ કથાઓનું તાજેતરમાં પુન:સંપાદન કર્યું છે જેમાં તેમણે મૂળ કૃતિના ભાવને યથાતથ રાખીને આજની પેઢીને નવા ને અજાણ્યા લાગતા શબ્દોનું સરલીકરણ કર્યું છે; એ સમયના વજનના માપને આધુનિક માપમાં ઢાળ્યા છે ને કર્મણિ વાક્યરચનાઓને કર્તરિમાં રૂપાંતરિત કરી આપી છે. અત્યારે આ વાર્તાઓના કુલ્લ ૩૩ ભાગ ગુર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રાપ્ય બન્યા છે એ આનંદની ઘટના છે.] તેમના બાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ,..બાળનાટકો – ચાલો ભજવીએ( દસ ભાગ),હાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાની આવૃત્તિઓ બહાર પડી છે.

સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા

ઘણી વિગતો અહી પણ મળશે-

https://shabdonusarjan.wordpress.com/2017/06/21/%e0%aa%ac%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%be/https://shabdonusarjan.wordp

ખુલ્લી બારીએથી-નટવર કુબેરદાસ પંડ્યા-વાચક -હેમંત ઉપાધ્યાય

નટવર કુબેરદાસ પંડ્યા જેઓ તેમના ઉપનામ ઉશનસથી વધુ જાણીતા છે.
એ અમારા પાડોશી.વડોદરાનજીક સાવલી માં 28 મી સપ્ટેમ્બર્ 1920 ના રોજ જન્મેલ શ્રી નટવરલાલ પંડયા એટલે એક ચમકતો હીરો. ગુજરાતી સાહિત્યનો પ્રકાશિત સિતારો. આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના મનગમતા કવિ અને સાહિત્યકાર .. ખૂબ સરળ જીવન ..પ્રભાવ અને પ્રતિષ્ઠાથી દૂર પણ પોતાની સર્જનાત્મક રચના ઑથી સહુ ના દિલ માં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર સાહિત્ય સર્જક ..
         
વડોદરા ની એમ એસ યુનિવર્સિટિ માં થી 1942 માં બી. એ. સંસ્કૃત સાથે પાસ થયા . અને 1945 માં ગુજરાતી સાથે એમ.એ. કર્યું. તે જમાનામાં ગુજરાતી સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરનારા બહુ ઓછા, કારણ કે મેટ્રિક થતાંની સાથે લોકો ને નોકરી મળી જતી. તેમણે સૌ પ્રથમ રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી અને પછી નવસારીની ગાર્ડા કોલેજ માં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા. નોકરી ની સાથે સાથે તેઓ પોતાની કાવ્ય રચના ઑ માટે પણ સાહિત્ય જગત માં આદર પામતા ગયા . 1955 માં તેઓ નો પ્રથમ કાવ્ય સંગ્રહ “પ્રસૂન “ પ્રકાશિત થયો. ત્યાર પછી 1956 માં “નેપથ્ય “ અને 1959 માં “આદ્રા “
1959 માં તેઓને“ કુમાર ચંદ્રક “ એવાર્ડ થી સન્માન કરવમાં આવ્યું અને 1963 માં “નર્મદ સુવર્ણ ચંદ્રક “ તથા “ગુજરાત ગૌરવ “ એવાર્ડ થી બહુમાન કરવામાં આવ્યું . પછી તો “સ્પંદ અને છંદ “ “કિંકીણી “ ભારત દર્શન , અશ્વત્થ ,રૂપ ના લય , પૃથ્વી ને પશ્ચિમ ચહેરે , શિશું લોક , “વળાવી બા આવી” વગરે પ્રગટ થયાં .
તેઓ એ ત્રણ નાટક લખેલાં , જે ખૂબ પ્રચલિત થયેલાં.“ત્રણ નો ગ્રહ” “પંતૂજી” અને ડોશી ની વહુ “. ઉશનસ ને 1972 માં રણજિત રાય સુવર્ણ ચંદ્રક અને 1976 માં સાહિત્ય અકાદમી એવાર્ડ મળેલો .
1991 થી 93 સુધી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ રહેલા.નવસારીમાં અમે તેમના પાડોશી. બંને ઘર વચ્ચે એક જ દીવાલ. ઉમરમાં હું ખૂબ નાનો પણ મને એમની વાતો ગમતી. એમની એક નાની રચના મારા દિલ દિમાગ પર કાયમ અંકિત થયેલ છે.પતિ પત્ની ના ઝઘડા પછી પત્ની એ અબોલા લીધા અને બે ત્રણ દિવસ પછી પિયર જતી રહી . સંસ્કૃત માં શ્લોક છે .
“મુંકં કરોતી વાચાલં ,પંગુમ લંઘયતે ગિરિમ
યતકૃપા ત્વં હમ વંદે ,પરામાનંદમ માધવમ “
અર્થ -મૂંગા ને બોલતો કરે છે અને લંગડા ને પર્વત ચઢાવે છે
એવી કૃપા કરનાર પરમાત્મા ને હું વંદન કરું છું .
ઉશનસે આની સામે સુંદર લખેલું .
મૂંગા ને બોલતો કરે એમ શું નવાઈ ? અમારા અબોલા તોડાવે તો જાણું
લંગડા ને પર્વત ચઢાવે એ તો જાણે ઠીક , એને પિયર થી પાછી લાવે તો જાણું
ઉશનસ મારા દિલ માં વસ્યા છે અને સદા રહેશે અને બીજી રચના
વળાવી બા આવી
રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;
સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી ગયો વિરહ, બેસી પડી પગથિયે
ખુબ સંવેદનશીલ રચના અમારા જીવનની સાથે વણાઈ ગઈ ખરેખર તો અમે આ કવિતા જીવી છેઅને અમે આ કવિતા હજી પણ જીવીએ છીએ.કવિતાના હૃદયસ્વરૂપની સમજણ આજે પણ અનુભવીએ છીએ.
અમે ચાર ભાઈ અને એક બહેન- બહેન અપરિણીત છે.દિવાળીમાં ચારેય ભાઈઓ પોતાના પરિવાર સાથે આવે-પાંચ દિવસ આનંદ ઉત્સાહ અને કિલ્લોલમાં પુરા થાય અને પછી એક એક ભાઈનો પરિવાર જાય, છેલ્લો ભાઈ જાય ત્યારે આવજો કહી ને અમારી માં ઉંબરે બેસી પડતી,ઘરમાં આવવાની હિંમત ના રહેતી.અમારા પિતાજી ધીમે રહી ને હાથ પકડી અંદર લાવે અને રવેશી ના હિંચકે બેસી ને બોલ્યા વગર બંને અશ્રુ વહાવે. થોડા સમય પછી અમારા પિતાજી ચા બનાવે ત્યારે મારી માં બોલાતી
“પંખી ઓ ઉડી ગયા, રહ્યા આપણે માળાના રખવાળા”
માં ના વાત્સલ્યને, પ્રેમ ને શબ્દોમાં સમાવાય નહીં પણ તેને થયેલા વિરહ ની વેદનાની અનુભૂતિ પછી મારી બહેનને થતી,આજે એમના અવસાન ને ૨૮ વર્ષ થયા પણ એ પરંપરા ચાલુ જ છે. આજે તો અમારા છોકરાને ત્યાં પણ છોકરા છે. માં ગઈ ને બહેન આવી ..એનો હાથ પકડનાર કોઈ નથી છતાંય અશ્રુ ઓ તો એક જ વેદના પોકારે ચાહે તે માં ના હોઈ કે બહેનના .
-હેમંત ઉપાધ્યાય
(ઓમ માં ઓમ)

વિશેષ માહિતી -સંકલન
પાંચમા દાયકાથી આરંભાયેલું ઉશનસનું કાવ્યસર્જન અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાથે ગાંધીયુગીન ચિંતન-ભાવનાની કવિતાના લક્ષણો તેમ જ એની ય પૂર્વની બ.ક.ઠાકોરની સમાસઘન પદાવલિવાળી સોનેટ કવિતા પણ જોવા મળે છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃત્તિ, પ્રણય અને પ્રવાસ તેમના કાવ્યવિષયો છે. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…મનુષ્યચેતનાનાં ઊંડાણોમાં ઊતરી શકતી, પ્રબળ વેગવાળી સર્ગશક્તિને કારણે ઉશનસે ગુજરાતી ભાષાને ઉત્તમ કવિતા સંપડાવી છે. કવિ ઉપરાંત વિવેચક તરીકે ઉશનસનું નોંધપાત્ર પ્રદાન છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યવિચાર એમના વિવેચનોને આગવું બળ આપે છે. તેમની પાસેથી ચરિત્ર, નવલકથા, નાટક પણ મળે છે.

૫- કબીરા-જીગીષા પટેલ

કબીરો મારો પ્રેમમાં મસ્તમૌલા

પ્રેમ ન બાંડી ઉપજત,પ્રેમ ન હાટ બિકાય|
રાજા પરજા જેહિ રુચૈ,સીસ દેવ લૈ જાય॥

પોથી પઢ પઢ જંગ મુવા, પંડિત ભયા ન કોય|
ઢાઈ અક્ષર પ્રેમ કા ,પઢે સો પંડિત હોય ॥

પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય|
જબ મૈ થા તબ હરિ નહીં,જબ હરિ હૈ મૈં નાહિં॥

હવે વેલેનટાઈન ડે નજીક છે ત્યારે દરેક જણ પોતાના પ્રેમીને યાદ કરી પોતાના પ્રેમને વાગોળે છે.ત્યારે પ્રેમનો સાચો અર્થ સમજાવતો મારો કબીરો મને મારી નજીક આવીને આંગળી પકડી લઈ જઈ મને  ઓળખ કરાવે છે મારા ખરા પ્રેમીની. મને સમજાવે છે પ્રેમ એટલે શું? પ્રેમ કેવીરીતે કરાય? અને પ્રેમમાં ફક્કડ મસ્તમૌલા થઈ કેવીરીતે જીવાય? પ્રેમ પામવા શું શું છોડાય? કબીરની પ્રેમની વાત એટલી અનોખી છેકે તે આજના દરેક યુવક-યુવતીને જાણવી જરુરી છે.કબીરનાં પ્રેમના વચન જાણે બીજમંત્ર જેવા છે.

કબીર કહે છે પ્રેમ કંઈ બગીચામાં પેદા થતો નથી કે બજારમાં દુકાનમાં વેચાતો મળતો નથી.પ્રેમના જગતમાં રાજા -પ્રજા કે ગરીબ -તવંગરનો પણ કોઈ ભેદ નથી.પ્રેમને પામવા માટે તો એક જ સૂત્ર કામ આવે છે- સીસ દેય લૈ જાય.જેને પણ પ્રેમ જોઈએ એણે પોતાને ખોવો પડશે- પોતાના અહંકારને,પોતાના દંભને ‘હું’ ભાવને -એ જ સીસ છે,શિર ખોવું પડશે. જયાં સુધી તમે શિર ખોવા તૈયાર ન થાઓ ત્યાં સુધી પ્રેમ પામી નહી શકો.

શિર ખોવાના બે અર્થ છે. એક તો તમારો અહંકાર નષ્ટ કરવો પડે અને તમે જ્યારે સમર્પણ કરો છો ત્યારે તમે કોઈનાં ચરણોમાં તમારું મસ્તક નમાવો છો.પ્રેમનો અર્થ છે કેન્દ્ર નું રુપાંતર ….પોતાના જીવનનું કેન્દ્ર જ્યારે હું ને બદલે બીજા થઈ જાય છે.અહંકારનું વિસર્જન થઈ જાય છે ત્યારે જ સાચા પ્રેમનો ઉદય થાય છે.તો વળી શીશનેા બીજો અર્થ છે વિચાર,કારણકે તમારા શિરમાં સંગત-અસંગત અનેક વિચારોની ભીડ જામી હોય છે.તેને કારણે તમારી ઊર્જા-શક્તિ ખોવાઈ જાય છે.પ્રેમ કરવા કંઈ બચતું નથી. પરંતુ અહંકાર અને વિચાર બંને છૂટી જાય તો પ્રેમની સંભાવના ખુલી જાય છે.વિચારવિહીન  મન અને અહંકાર વગરનું હ્રદય જ તમને ઈશ્વર સાથે એકાત્મ સાધવામાં મદદ કરે છે.

પોથી પંડિતો પોથી વાંચી વાંચીને મરી જાય છે છતાં જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી.પરતું કબીર ઢાઈ અક્ષર પ્રેમના પઢે તે પંડિત થાય તેનો ગહન અર્થ સૂચવે છે.જ્યારે કોઈ વ્યક્તિ કોઈનાં પ્રેમમાં પડે છે ત્યારે ત્યાં ઢાઈ અક્ષર પ્રેમના પૂરા થાય છે.એક તો પ્રેમ કરનાર -એક; જેને પ્રેમ કરે છે તે – બે;અને બંનેની વચ્ચે કંઈક છે અજ્ઞાત- તે ઢાઈ.એને કબીર અરધો કેમ કહે છે?અઢી શા માટે? ત્રણ કેમ નહી?
અર્ધો કહેવાનું કારણ બહુ મધુર છે.કબીર કહે છે પ્રેમ ક્યારેય પૂરો થતો નથી.તમે પ્રેમમાં કદી તૃપ્ત થતા નથી.પ્રેમની પૂર્તિ કે સંતુષ્ટિ થતી નથી.પ્રેમ ગમે તેટલો થતો જાય અધૂરો જ રહે છે.પ્રેમ પરમાત્મા જેવો છે- ગમે તેટલો વિકસિત થતો જાય ,પૂર્ણ થી પૂર્ણતર થતો જાય ,તો પણ વિકાસ ચાલુ જ રહે છે.પ્રેમનું અધૂરાપણું જ એની શાશ્વતી છે.

“પ્રેમની ગલી સાંકડી છે,તેમાં બે ન સમાય. જ્યારે હું હતો ત્યારે હરિ નહોતા ,જ્યારે હરિ છે ત્યારે હું નથી.” એટલે પરમાત્માનું મનુષ્ય સાથે કદી મિલન નથી થતું. થઈ જ નથી શકતું, કારણ કે જ્યારે મિલનની ઘડી આવે છે, ત્યારે મનુષ્ય ખોવાઈ જાય છે અને જયાં સુધી મનુષ્ય હોય છે ત્યાં સુધી મિલનની ઘડી આવતી નથી.જેમ ટીપું સાગરમાં પડ્યું નહોય ,હજી થોડે દૂર હોય ત્યાં સુધી સાગર પણ છે અને ટીપું પણ છે-આ અઢીની દશા છે.હજી થોડું અંતર છે.એ અંતર પ્રેમથી ભરેલું છે.ટીપું સાગર તરફ જઈ રહ્યું છે મિલન નથી થયું,મિલન થશે ત્યારે ટીપું નહી હોય.ટીપું સાગરમાં એકાકાર થઈ જશે. પ્રેમ પામવો એટલે પરમમાં સમાઈ જવું.

કબીરનો પ્રેમ ઘટઘટમાં સમાયેલ છે.હરએક વ્યકિત સાથે તેને એક સરખો પ્રેમ છે.પ્રાણીમાત્ર અને પકૃતિમાં ,ઘટઘટમાં તેને પરમાત્માના જ દર્શન થાય છે.તેનું સુંદર ઉદાહરણ આપતા રજનીશજી કહે છે-કબીરનાં ત્યાં રોજ અનેક જાતિના લોકો ભજન કરવા આવતા.કબીર સૌને જમાડીને મોકલતા. કાપડ વણીને ગુજરાન ચલાવતા ગરીબ વણકર પાસે કેટલા પૈસા હોય! કરીયાણાંની દુકાનવાળા પાસે ઉધારી બહુ વધી ગઈ હતી.એ દિવસે કબીરની પત્ની ભક્તો માટે રોટી બનાવવા કરીયાણાંની દુકાને સામગ્રી લેવા ગઈ.ઉધારી બહુ વધી ગઈ હોવાથી દુકાનદારે ,રાત દુકાનદારની સાથે ગાળવાની શરતે સામગ્રી આપવાનું કબીરની પત્નીને કીધું.પોતાનાં ભક્ત પતિની આબરૂ ન જાય અને ભક્તોને ભજન કરીને ભૂખ્યા ન મોકલવા પડે એટલે કબીરની પત્નીએ દુકાનદારની વાત મંજૂર રાખી રાત્રે આવવાનું વચન આપી સામગ્રી લીધી.ભજન બાદ ભક્તોને જમાડી કબીરના પત્ની દુકાનદાર સાથે રાત્રી ગાળવા નવી સાડી પહેરી તૈયાર થયા.બહાર મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો.કબીરે પત્નીને વરસાદી રાત્રે તૈયાર થવાનું કારણ પૂછ્યું.પત્નીએ બધી વાત કરી.કબીરે કીધું”આવા વરસતાં વરસાદમાં તું એકલી કેવીરીતે જઈશ?ચાલ ,હું તને છત્રી લઈને મૂકી જાઉં.”દુકાનદારનાં ઘેર જઈને પત્નીને કીધું “આટલા વરસાદમાં તું એકલી પાછી કેવીરીતે આવીશ?તું તારું કામ પતાવી આવ હું ઓસરીમાં બેઠો છું.”બારણું ખોલીને જ્યારે દુકાનદારે કબીરને ત્યાં જોયા ,ત્યાં તો પોતાની જાત પર શરમાઈ,કબીરની મોટાઈ અને પ્રેમની પરાકાષ્ઠાથી અભિભૂત થયેલ દુકાનદાર કબીરસાહેબનાં પગમાં પડી ગયો.કબીરનો પ્રેમ શરીર સુધી અટકેલો નહોતો એતો શબ્દો થકી ન સમજાવાય તેવો અનૂઠો શબ્દાતીત ….. શબ્દને પેલે પારનો હતો…..

કબીર બાદલ પ્રેમ કા,હમ પર બરસા આઈ|
અંતર ભીગી આત્મા,હરી ભઈ વનરાઈ ॥

કબીર તો કહે છે પ્રેમનું વાદળ તો તમારા પર ઝળુંબી જ રહ્યું છે જેવો અહંકાર દૂર થશે કે તરત વાદળ વરસી જશે.પ્રેમ કોઈ એવી વસ્તુ નથી કે જેને આપણે બહારથી લઈ શકીએ કે આપી શકીએ. પ્રેમ તો એ રીતે જ છે જેમ આગમાં અગ્નિ અને જળમાં શીતલતા છે તેમ આત્મામાં પ્રેમ છે; પણ તમારી નજર એ તરફ નથી. તમે પીઠ કરીને ઊભા છો.વાદળ ઝળુંબી રહ્યું છે તેનો અવાજ પણ તમને સંભળાય છે પણ તમારું મન એવું છે કે તમે વિવેચન કરો છો.સમાજ તમારા શિરથી આગળ નથી જઈ શકતો. આપણા હ્રદય સુધી તો કેવળ પરમાત્મા જ જઈ શકે છે. અને પરમાત્મા જ્યારે હ્રદય સુધી પહોંચી જાય છે ત્યારે આત્મા પરમાત્માના ઐક્ય થી અંતરની વનરાઈ હરિત થઈ જાય છે.પ્રેમનો આવો અનોખો અર્થ પોતાની અનુભવની વાણી દ્વારા સમજાવી કબીરો આપણને આપણા ખરા પ્રેમની ઓળખાણ કરાવી તેને પ્રેમ કરવાનું શીખવે છે.ચાલો ,વેલેનટાઈન ડેના દિવસે સૌ આપણા પરમપ્રેમીને અહંકારરહિત હ્રદયકમળથી નવાજીએ.

મારા કબીરા ના પ્રેમને સમજવા તેના પ્રેમરસને પીને મદમસ્ત થવા હજુ વધુ આવતા અંકે….

“वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ

આખરે શા માટે છૂટાછેડા લેવાના સંજોગો ઊભા થાય છે?

અને સ્ત્રીને સુખી થવાનો અધિકાર છે ?

મિત્રો તમારા ઘણા સવાલોના જવાબ આ વાચિકમ આપશે! નયનાબેનના સંવેદના સભર અવાજમાં આ એક સ્ત્રીની લાગણીઓને વાચિકમમાં  વાચા આપી છે.