હેલીના માણસ – 22 | તો વાત આગળ વધે | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-22 ‘તો વાત આગળ વધે’ એની 21મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,

સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

 

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,

પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!

 

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,

બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

 

હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,

એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!

 

આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,

હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!

 

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,

બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

 

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,

બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

-ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

મુગ્ધાવસ્થાની એક તાસીર હોય છે! કોઈ પર નજર પડે ને એ ગમી જાય. બન્ને પક્ષે આવી લાગણી ઉદભવશે પણ આ ઉમરે શરમ પણ ઠાંસીઠાંસીને ભરેલી હોય એટલે ન કહેવાય, ન સહેવાય. આ વાત સમજવા ખલીલ સાહેબ બે પ્રેમીઓને એક જ જળાશયની પાળે બેઠેલા કલ્પે છે. બેમાંથી એક પણ જણ જો પાણીમાં કાંકરા નાખે તો વાતની શરૂઆત થઈ શકે. કારણ કે, શરમમાં બોલવાનું તો કોઈ નથી પણ કાંકરાએ પાણીમાં સર્જેલાં કુંડાળા આગળ વધીને સામેની વ્યક્તિને દિલનો સંદેશ જરૂર પહોંચાડશે અને એમ વાત આગળ વધશે. 

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,

સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

સ્નેહની શરૂઆત તો થઈ ચૂકી. કવિ ઉદ્ભવેલી પ્રીતિને કેવી હળવેથી આગળ વધારે છે! હવે નજરની ઓળખાણ તો છે જ. એટલે હિંમત કરીને, કંઈ ખૂબસૂરત બહાનું કાઢીને ઘર સુધી પહોંચી જવાનું ને બિંદાસ ટકોરા મારીને ઉભા રહેવાનુ. ત્યારે વિચાર તો એવો જ આવે ને કે, બારણું ઊઘડે તો વાત આગળ વધે! પણ એ શક્ય ક્યારે બને? ટકોરા સાંભળનાર પણ ઈચ્છે કે, મળવું છે! તો જ ને? બન્ને તરફ જ્યારે મિલન માટેની તડપ સરખી રીતે ઉગ્ર થઈને ઉભરે અને બન્ને તેમાં તરબોળ થઈ જાય તો પછી દરવાજાની શુ હેસિયત કે એ બંધ રહે? 

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,

બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

લો હવે બારણું ખુલી ગયું. દિલના દ્વાર તો ટકોરા વગર જ ખુલી ગયેલા હોય! બન્ને સામસામે આવી તો ગયાં. આવા સમયે એક મઝાની ઘટના બને. જનાર તો દરેક સવાલના જવાબો મનમાં તૈયાર રાખીને જ જાય છે કે, આમ પૂછશે તો આમ કહીશ. તેમ પૂછશે તો તેમ કહીશ. પણ બારણું ખોલીને ઉભેલી એ સ્તબ્ધ પ્રતીમા કંઈ પૂછે તો વાત આગળ વધે ને! કંઈ પણ બોલ્યા વગર એ જો આવનારની એક આંગળી ઝાલી લે તો? તો શું? પેલું આંગળી આપીએ તો પોંચો પકડ્યા જેવુ જ તો! પણ પછી? એ સ્પર્શમાં જે હુંફ હોય તેની અસર છેક દિલ, દીમાગ અને સમગ્ર અસ્તિત્વમાં પણ પહોંચી જાય. એમાંથી બન્ને વચ્ચે એક સરખા ભાવો ઉદ્ભવે અને એ જ વાતને આગળ લઈ જાય. બન્ને ને એજ જોઈતું હોય છે ને! 

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,

બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

આ તો ખલીલ સાહેબ એ તો હેલીના માણસ એમને ઝાપટું ન ચાલે! એ તો કહે, આપણને શરમ, સંકોચ ન ચાલે ભાઈ! છાશ લેવા જઈએ ને દોણી સંતાડવાની? બન્ને જણ જ્યાં સુધી મળવાની ઈચ્છા નહી કરે, મળવાનો નિર્ધાર નહીં કરે તો વાત આગળ ક્યાંથી વધે?

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,

બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

મિત્રો, વાતની શરૂઆત તો થઈ જાય પણ એ આગળ વધે અને પરિણામની પ્રાપ્તિ સુધી પહોંચે તો વાત બને! ખરું ને? ખલીલ સાહેબની આ ગઝલથી  મનમાં એક પ્રેમકથા પાંગરે છે. એની મઝા આપણે માણી. આવી જ ભાવવાહી સુંદર એક બીજી ગઝલને માણીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

વિસ્તૃતિ …૨૧ -જયશ્રી પટેલ 

   

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

         *અંધારે અજવાળું* નવલિકાનો ગુજરાતીમાં અનુવાદ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટજીએ સહેજ ટૂંકાવીને આપણી સમક્ષ મૂક્યો છે. આપણે આજે આ વાર્તાનું સુંદર સંસ્કરણ જોઈએ સત્યેન્દ્ર ચૌધરી જમીનદારનો પુત્ર હતો. તેનાં પિતાનું મૃત્યુ થયું હતું તેની વિધવા માતા પતિના મૃત્યુ પછી મુનીમજીની  મદદથી જમીનદારીની દેખરેખ રાખતી હતી.તેમજ પુત્રને વકીલ બનાવવા મહેનત કરી રહી હતી. જો ભણી ગણી લે પુત્ર તો પરણાવીને જમીનદારી તેને સોંપી તે નિશ્ચિંત થવા માંગતી હતી. તેણે એક દિવસ વ્રત નિમિત્તે ગામને જમવાનું આમંત્રણ આપ્યું ને તેમાં અતુલ મુખર્જીની વિધવા તેની બાર  વર્ષની પુત્રી સાથે જમવા આવી હતી . આ પુત્રી સુંદર હતી તો સાથે સાથે સુશીલ અને હોશિયાર તેમજ ગુણવાન હતી . તેથી તેની નજરોમાં વસી ગઈ હતી. સત્યનને તેના માટે વાત કરવી જોઈએ પણ તે હમણાં તૈયાર ન હતો.

              સત્યેન્દ્ર જેને આપણે સત્યેન  કહીશું જે એમ.એ.ની પરીક્ષા આપી રહ્યો હતો ,તેથી તેણે માને વકીલાત પાસ કર્યા પછી જ લગ્ન કરીશ એમ મક્કમતાથી જણાવી દીધું .તે એકનો એક પુત્ર હતો.તે માને દુઃખી કરવા માંગતો નહોતો . સુશીલ અને સંસ્કારી હતો છતાં માએ  જ્યારે તેની સમક્ષ ઘરેણાથી લાદેલી એક નાની છોકરીને બેસાડી ,ત્યારે મા પર તે ગુસ્સે થયો તે ભણવામાં ચિત્ત ચોટાડી શક્યો નહીં. વારંવાર પેલી સુંદર છોકરીનો ચહેરો તેની સમક્ષ આવવા લાગ્યો તે સાંજે પેલી છોકરી તેના ઓરડામાં આવી તેને સામેથી જ પૂછી બેઠી માએ તમારી પાસે જવાબ માંગ્યો છે.ત્યારે તેનો મધુર કંઠે સાંભળી તે ટાળી ન શક્યો.જૂઓ મિત્રો અહીં સહજતાથી લેખકે સર્જન થયેલાં આ સમાજના સહજ પણાને દર્શાવ્યું છે.

         મિત્રો ,શરદબાબુ ઘણીવાર આવા બે પાત્રોને વાચક સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે વાંચનાર પણ રોમાંચિત થઈ ઉઠે. તેનો જવાબ સાંભળી તે છોકરી જવા લાગી તો એનાથી રહેવાયું નહીં અને નામ પૂછી જ લીધું ઉત્તરમાં તેણે કહ્યું,” મારું નામ રાધા રાણી.”તે ચાલી ગઈ સત્ય માનતો હતો કે લગ્નની બેડી પગમાં પડયા પછી માણસના આત્મસન્માનનો નાશ થાય છે. છતાં પણ સ્ત્રી જાતિ પ્રત્યેની ઉદાસી તે ક્ષણે દૂર ધકેલાઈ ગઈ . એવું કશુક દિલોદિમાગ પર હાવી થઈ ગયું કે તે નજર ના હટાવી શક્યો.આ આકર્ષણને લેખકે અહીં વિશેષરૂપે આલેખ્યું છે.

       સત્યને તરવાનું ખૂબ ગમતું .તેના રહેઠાણથી ગંગાજી બહુ દૂર નહોતાં.તે જગન્નાથ ઘાટ ઉપર જતો ને ત્યાં તેનો એક ઓડિયા બ્રાહ્મણ સાથે સારો મેળ હતો . પોતાના કપડાં ત્યાં મૂકીને નાહવા જતો હતો.એક દિવસ તેના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ. ગંગાઘાટ પર પહોંચ્યો અને પેલો બ્રાહ્મણ દેખાયો નહીં આમ તેમ નજર ફેરવતા બધાંની નજર જ્યાં હતી ત્યાં તેની નજર પણ સ્તબ્ધ થઈ ગઈ.

          તેનાં પરિચિત પંડા પાસે એક સ્ત્રી જાણે કે અપ્સરા જ જોઈ લો! આવું રૂપ તેણે કદી નહોતું જોયું તેવી સ્ત્રી કપાળે ચંદનની છાપ લગાવી રહી હતી.સત્ય તે પંડા પાસે જઈ ઊભો રહ્યો તે પંડાને સત્ય પાસે સારી એવી દક્ષિણા મળતી હતી. તેણે તેનાં કપડાંની છાબ લઈ લીધી . તે દરમ્યાન પેલી સ્ત્રીની અને સત્યની આંખો મળી. આમ હવે રોજ થવા લાગ્યું સાતેક દિવસ બાદ સત્યને લાગ્યું આ સ્ત્રી આંખોથી વાતો કરવામાં પાવરધી છે. સંસ્કારી સત્યેને ક્યારે પહેલ ન કરી.

        એક દિવસ તે સ્ત્રીએ જે અઢાર વર્ષની યુવતી જ હતી પણ થોડી પીઢ લાગતી હતી. તેણે જ શરૂઆત કરી અને તેને રસ્તામાં સાથ આપવા વિનંતી કરવા લાગી. બે ચાર દિવસ આ ચાલ્યું .ત્યારબાદ જાણે કે સત્ય હવે તેના તરફ આકર્ષવા લાગ્યો, પણ હિંમત કરી પૂછી નહોતો શક્યો. તે સ્ત્રીએ તેની સાથે સરલા નાટકની ચર્ચા કરી ત્યારે તેને લાગ્યું કે તેનું વાંચન પણ ઘણું સારું છે.તેની બોલવાની છટા પણ સરસ હતી.એક દિવસ પેલી સ્ત્રીએ તેને તેના ઘરે આવવા કહ્યું. સત્ય ચમક્યો તેણે ના, ના  છી , છી કહી નકાર કર્યો. ફરી કદીક કહી તે પ્રિયતમા પ્રત્યે  ઊંડી શ્રદ્ધાથી ગદગદ્ થઇ ગયો. ચારેક દિવસથી પેલી યુવતી દેખાતી બંધ થઈ ગઈ .સત્યેન તેના માટે સારા-નરસા વિચારો અને અટકળો કરી ચુક્યો હતો.

ત્યાં દાસી તેને લેવા આવી કે તે યુવતી બીમાર છે અને યાદ કરે છે. બીમારીનું સાંભળી સત્યેન પોતાની જાતને 

ન રોકી શક્યો, પણ મિત્રો તેને ખબર નહોતી કે તે જેને નિસ્વાર્થ ભાવથી ચાહતો હતો તે છળ કપટ હતું.

         ત્યાં પહોંચતાં જે માહોલ નજરે ચઢ્યો તે જોઈ સત્યેન દિગ્મૂઢ થઇ અક્ષર ન બોલી શક્યો. મનોમન પોતાની જાતને ઘૃણા કરવા લાગ્યો . પેલી યુવતી ,દાસીને ત્યાં બેઠેલા પુરુષોએ તેની ઠઠ્ઠા-મશ્કરી કરી અપમાન કર્યું .બાઘો કહ્યો.તેને નાસ્તો ધરવામાં આવ્યો,પણ સત્ય તેને અડક્યો પણ નહીં તે સ્ત્રીનાં હાથનું ભોજન તે નહીં જ કરે તે મક્કમતાથી કહી દીધું, સાથે તેને ઠુકરાવી ઉભો થઇ ગયો જ્યારે પેલી સ્ત્રીએ તેની ઓળખ આપી ને નામ કહ્યું ,”તે વીજળી છે તેની ચમક આગળ ભલભલા પાણી ભરે છે.” સત્યેન તેનાં જુઠ્ઠા પણા પર ખૂબ જ ક્રોધિત થઈ ત્યાંથી નીકળી ગયો.તેની વિનંતી જે  તેના અભ્યાસ ખંડમાં આવવાની હતી તે પણ તેણે ઠુકરાવી દીધી. 

         વીજળી નૃત્યાંગનાંનું પાત્ર અહીં શરદબાબુએ ચિત્રિત કર્યું છે.નૃત્યાગના છે,પાપ કર્યા છે છતાં સત્યને કાંઈક હૃદયનાં  ખૂણામાં તેણે ચાહ્યો છે. તેથી અનેક વિનંતી કરે છે પણ સત્યેન તેની એક પણ વિનંતી પોતાનો ઉપહાસ થયા પછી સ્વીકારવા તૈયાર નથી .ત્યારે અંતમાં વીજળી કહી દે છે,”બધાં મંદિરોમાં દેવની પૂજા થતી નથી છતાં તે દેવ છે .તેને જોઈ ભલે તમે મસ્તક નમાવો પણ તેને કચડી ને તો તમારાથી જવાશે નહીં “અને સત્યેન હંમેશ માટે તેને ન મળવાનો નિર્ધાર કરી ત્યાંથી નીકળી ચાલ્યો ગયો. વીજળી સ્ત્રી હતી તેણે ભૂલ કરી હતી અને તેની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી પડયો ,હૃદયે ડૂસકું નાખ્યું અને ઘુંઘરું વીંછીની જેમ ડંસ દઈ રહ્યાં હતાં .બધું જ તેણે ત્યજી દીધું. ફરી ક્યારેય ન શ્રૃંગાર નહિ સજવા,ન  પહેરવાના નિશ્ચય સાથે.બધાંને  કહી દીધું “વીજળી રોગથી મૃત્યુ પામી” 

        એક  દારૂડિયો પુરુષ પૂછી બેઠો,”કયા રોગથી?”

        ઉત્તરમાં પેલું લોભામણું હાસ્ય કરી હસતાં હસતાં કહે છે કે જે રોગથી દીવો થતા અંધારું મરી જાય છે,સૂર્ય થતા રાત મરી જાય છે એજ રોગથી તમારી બાઈજી હંમેશ માટે મરી ગઈ.

         ત્યારબાદ મિત્રો ચાર વર્ષનાં વહાણાં વહી ગયાં. બધું જ બદલાઈ ગયું સત્યેન  ખૂબ જ અમીર થઈ ગયો અને કલકત્તામાં આલિશાન મકાનમાં રહેવા લાગ્યો ને ત્યાં આજે તેનાં દીકરાની અન્નપ્રાશનની વિધિ હતી. તેણે બે ત્રણ નૃત્યાંગના પણ બોલાવી હતી. 

      સત્યને માનાં કહ્યાં પ્રમાણે રાધારાણી સાથે લગ્ન કરી લીધાં હતા. તે આ ત્રણેય નર્તકીને જોઈ રહી હતી.તે ક્ષણે તે કૃષ થઈ ગયેલી સાદા વસ્ત્રોમાં બેઠેલી નૃત્યાંગનાને મળવા ઈચ્છા રાખતી હતી. સત્યેન પણ તેને બોલાવી તેનું અપમાન જ કરવા ઈચ્છતો હતો ,એ જાણ્યા પછી રાધારાણી  સુશીલ સ્ત્રી હતી તેણે સત્યેનની બધી વાત સાંભળી ત્યારે તેને પોતાની પાસે બોલાવી. તે ખૂબ જ ઉદાસ લાગતી હતી .તેને ગાવાના રૂપિયા તે વખતે ૨૦૦ મળતાં હતાં. છતાં તેને આટલા ખર્ચે બોલાવવામાં આવી હતી. 

           રાધારાણીએ તેને વિનયપૂર્વક મોટીબેનનાં નામે સંબોધી .પોતાનો દીકરો તેના હાથમાં આપ્યો અને જાણે વર્ષોથી ઓળખતી હોય તેમ બોલી ઉઠી કે સમુદ્ર મંથનમાંથી નીકળેલ વિષ તમે પી જઈ સઘળું અમૃત તમારી આ નાની બહેનને આપ્યું છે .તમને એ ચાહતા હતા ,તેથી હું તેમને પામી છું.વીજળીએ સત્યેનનો નાનો ફોટોગ્રાફ હાથમાં લઇ  એકીટસે જોઈને પછી હસી ને બોલી,”વિષનું વિષ તો અમૃત છે .બહેન ,હું એનાથી વંચિત રહી નથી.એ વિષે આ ઘોર પાપી સ્ત્રીને અમર કરી દીધી છે.”

    રાધારાણી તેને પૂછી બેઠી,”તેને મળવું છે બહેન?” 

          ક્ષણવાર આંખ મિંચી તે સ્ત્રી વીજળી બોલી ઉઠી,”ના બહેન , અસ્પૃશ્યા સમજી ચાર વર્ષ પહેલાં તેમણે મારો ત્યાગ કર્યો હતો ત્યારે મેં ગર્વથી કહ્યું હતું કે તમે જરૂર પાછા આવશો,પણ મારું અભિમાન રહ્યું નહીં. તે જીત્યા ફરીવાર ન જ આવ્યા,પણ પ્રભુએ મારું અભિમાન કેમ હણ્યું એ હવે સમજાય છે.મારે જ આવવું પડ્યું. ફરી મળશે તો માફી માંગીશ એવી ઇચ્છા હતી,પણ હવે જરૂર નથી. મને આ ફોટોગ્રાફ આપો વધુ કંઈ જ નથી જોઈતું હવે માંગુ તો પ્રભુ મને માફ નહીં કરે. બસ, હવે તો ઘરેથી દૂર જતી રહીશ ,પણ તેઓ તેડવા માણસ મોકલ્યો તો ખોટું નામ કેમ આપ્યું? 

       આ સંવાદ પછી મિત્રો,રાધારાણી કાંઈ જ ન બોલી શકી ,પણ વીજળી સમજી ગઈ કે તેનું અપમાન કરવા તેને લાવવામાં આવી હતી . રાધારાણી શરમથી આંખો ઝૂકાવી ઊભી રહી ગઈ .તેને ન શરમાવાનું કહી ,અંતે કહી ગઈ કે મારું અપમાન કરવા જતાં એમનું જ અપમાન થશે ! ઉંમરમાં મોટી છું પણ આશીર્વાદ નથી આપી શકતી એટલું જરૂર ઇચ્છીશ કે તમારું સૌભાગ્ય સદાય અખંડ રહે .

      મિત્રો, એક સ્ત્રીને બીજી સ્ત્રી ઓળખી શકે તેવું કોઈ ન ઓળખી શકે અન્યને! તે રાધારાણીએ કેટલી સરળતાથી સાબિત કરી દીધું. સાવ જ વીજળી નામ છતાં અંધારે જીવતી આ સ્ત્રીએ નાની ભૂલ ઉપહાસ કરવાની કરી હતી ,તેને અજવાળીએ રસ્તે વાળનારી પણ એક સ્ત્રી જ હતી .આવા સ્ત્રીપાત્રોની કલ્પના તો આપણે શરદબાબુની વાર્તા ઓ માં જ કરી શકીએ. પ્રેમ ને તેનો ઉપહાસ કેવો એક પુરુષનો માર્ગ બદલી નાંખે છે !તે આપણે સત્યેન્દ્રના પાત્ર દ્વારા જાણ્યું. 

            આમ શરદબાબુની નવલકથા હોય કે નાની નવલિકા પ્રેમ ને તેઓ કેવા અંતિમ ચરણે પહોંચાડે છે કે વાચક તેને વાંચવા બેસે તો તેમાં ઓતપ્રોત થઈ જાય.         

       મિત્રો આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.

અસ્તુ ,

જયશ્રી પટેલ

૧૯/૬/૨૨

હેલીના માણસ – 21 | કહી દો મોતને | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-21-‘કહી દો મોતને ‘   એની 20મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,

થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

 

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,

હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

 

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,

કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

 

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,

ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

 

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,

પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ – 

માણસ જ્યારે પોતાની સમશ્યાઓથી ઘેરાયેલો હોય ત્યારે સતત તેની ચિંતા કરતો હોય છે. તેનું મન અને મગજ એમાં જ વ્યસ્ત હોય છે. આસપાસના માહોલથી તે અલિપ્ત થઈને પોતાની ધૂનમાં રહેતો હોય છે. હાજર લોકો સાથે તે ભળી નથી શકતો. અને બધાં વાતચીત કરતાં હોય, મજાક મસ્તી કરતાં હોય ત્યારે તેમાં રસ નથી લેતો, ભાગ પણ નથી લેતો. કારણ કે કંઈ પણ કરવાનો મુડ તેને આવતો નથી. છેવટે બને છે એવું કે, આમ તે સાવ જુદો પડી જાય છે અને લોકો તેને બહેકી ગયેલો કે અર્ધદગ્ધ જેવો માનીને તેની મજાક ઉડાવે છે. 

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,

થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું. 

જિંદગી આમ તો ઈશ્વર તરફની એક અણમોલ સોગાત છે. પણ જન્મ પછી જીવન જીવતાં જઈએ ત્યારે એમાં અનેક વિટંબણાઓનો સામનો કરવો પડે છે. પ્રતિપળ એક નવો પડકાર સામે આવીને ઉભો રહે છે. દરેક વખતે આ બધાનો સરળતાથી સામનો નથી થઈ શકતો બલ્કે કેટલાક પડકારો કમર તોડી નાખે તેવા હોય છે. એટલી હદે કે, મોત કરતાં જિંદગી જાણે વધુ અઘરી લાગે છે. આવામાં લોકોની દ્રષ્ટિએ આપણને બહેકી ગયેલા હોઈએ તે રીતનું વર્તન તેમના તરફથી થાય છે. હવે તેમને કોણ કહે કે, જિંદગીના થપેડાએ જ કરેલી આ હાલત છે! 

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,

હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

ચારે તરફ મુસીબત ઘેરી વળતી હોય, એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ ન મળતો હોય ત્યારે દુઃખ અને નિરાશાથી લાગણીઓ જાણે થીજી જાય છે. કોઈની હુંફ વગર થીજીને સાવ મરણતોલ થઈ ગયેલી લાગણીઓને આવા સમયે ઉષ્મા ભર્યા પ્રેમની જરૂર હોય છે! મોતથી બદતર થતી જિંદગીને બચાવવાનો બીજો શો ઊપાય? હુંફ મળવાથી બુઠ્ઠી થઈ ગયેલી લાગણીઓને જાણે સિંચણ મળે છે. ફરીથી મૃતઃપ્રાય થયેલી લાગણીઓ સજીવન થાય છે. 

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,

ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

રોજબરોજની જિંદગીમાં, રોજિંદી કાર્યવાહી થતી રહે છે. બહારથી જોનારને તો વિતેલાં દુઃખો અને એના કારમાં પરિણામોનો અંદાજ પણ ક્યાંથી આવે? ઉપરથી જોનારને અંદરના ઘા તો ન દેખાય ને? આમ ઉપરથી સ્વસ્થ જણાતી વ્યક્તિના દિલની અને દિમાગની હાલત તો એટલી હદે વણસેલી હોય છે કે, એને કશું જ યાદ નથી રહેતું. જાણે પોતાના ઘરનો રસ્તો પણ રસ્તો ભૂલી જવાય અને કોઈની મદદ મળે તો ઘરે પહોંચાય તેવી અપેક્ષા રહે છે. 

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,

પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

માનવ સ્વભાવની એક એ પણ ખાસિયત ખરી કે, પોતાની તકલીફ બીજાને જણાવા ન દે. બને ત્યાં સુધી તો પોતાના દુઃખને છૂપાવવા પ્રયત્ન કરે જ. જરૂર પડ્યે એ બહારથી તમાચો મારીને ગાલ રાતો રાખવાની ચેષ્ટા કરી લે. એટલે અંદરની સ્થિતિ બહાર ના દેખાય અને સૌને લાગે કે, આ તો બિલકુલ બરાબર છે, અકબંધ અને અડીખમ! પણ કોઈને શું ખબર? અંદરથી આખેઆખું તંત્ર હાલી ઉઠેલું છે. તુટી ચૂકેલું છે! 

જીવન એક સંગ્રામથી ઓછું નથી. એ લડતાં રહેવા સિવાય છૂટકો પણ નથી. ખરું ને મિત્રો? પણ તેમ કરવામાં જ આપણે એટલા બહાદુર અને સક્ષમ બનીએ છીએ કે, મોતને પણ પડકારી શકીએ! કેવી લાગી આ ગઝલ? આવી જ પડકાર રૂપ ગઝલ લઈને આપણે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

હેલીના માણસ – 20 | ભીતરના ઘા | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ – 20- ‘ભીતરના ઘા’   એની 19મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

 

એની આંખોમાં હું સમાયો છું,

ત્યારથી ચોતરફ છવાયો છું!

 

આયનાનેય જાણ ક્યાં થઈ છે,

છેક ભીતરથી હું ઘવાયો છું!

 

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,

હું મરણ બાદ ઓળખાયો છું!

 

જે મળે તે બધા કહે છે મને,

તારા કરતાં તો હું સવાયો છું!

 

એના નામે જ હું વગોવાયો

જેના હોઠે સતત ગવાયો છું!

 

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,

હું જ આ કબ્રમાં દટાયો છું!

 

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,

એટલી નામના કમાયો છું!

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

માણસ જ્યારે પ્રસિધ્ધિના શિખર પર સવાર થાય ત્યારે તેને સતત જુદા જ માહોલમાં રહેવાની ટેવ પડી જતી હોય છે. દુનિયા આખી બદલાઈ જાય છે. આવામાં આજુબાજુ વાહ વાહ કરનાર ટોળકી ફરતી રહે છે અને સતત તેનાં વખાણ કર્યા કરે છે. પોતે મૂળ કોણ છે? કેવો છે? તે સદંતર ભુલીને નવી દુનિયામાં રાચવાનું તેને રાસ આવી જાય છે. જ્યાં સુધી પ્રસિધ્ધિમાં હોય, લોકોની આંખનો તારો બનીને રહેતો હોય ત્યાં સુધી તે સર્વત્ર છવાઈ જાય છે. દુનિયાના લોકોને તે ખૂબ સુખી લાગે છે, યશસ્વી લાગે છે. આવી વ્યક્તિને પણ મનના કોઈ ખૂણે, એકાદ એવો પ્રસંગ ધરબાઈને પડ્યો હોય છે. જેને લીધે ઘવાયેલું મન એને જંપવા નથી દેતું અને બહાર સૌ તેનાથી અજાણ હોય છે. એ ઘવાયેલા મનનું પ્રતિબિંબ તો અરીસામાં પણ ન દેખાય ને! 

આયનાનેય જાણ ક્યાં થઈ છે,

છેક ભીતરથી હું ઘવાયો છું!

ભાગ્યશાળી હોય તેને  પ્રસિધ્ધિ જીવનમાં મળે છે. જ્યારે કેટલાક એવા પણ હોય છે. જેમણે સખત મહેનત અને સારી કામગીરી કરી હોય છે પણ જીવનભર તેમને તેનો યોગ્ય બદલો કે ઓળખ નથી મળતી. આવી વ્યક્તિ અંદરથી ઘવાઈ જાય છે. તેની શક્તિ હણાઈ જાય છે. અપેક્ષાઓ મરી પરિવારે છે. તે પોતાને સાવ અલિપ્ત કરી નાખે છે. કારણ કે, બહાર નીકળે તો આસપાસના લોકો તેની ઉડાવતા હોય તેવું તેને લાગે છે જાણે તેઓ કહેતા ન હોય ‘ તું તો કંઈ નથી અમે બધા તારાથી ચડિયાતા છીએ સવાયા છીએ. 

જે મળે તે બધા કહે છે મને,

તારા કરતાં તો હું સવાયો છું!

કેટલાક કિસ્સામાં તો એવું પણ બને છે કે, ગમે તેટલાં સારાં કાર્યો કરે. બીજા માટે ઘણું બધું કરે પણ જાણે કિસ્મત સાથ જ ન આપે અને પુરા જીવન દરમ્યાન તેની કામગીરીની કોઈ નોંધ લેવાય જ નહીં. તેણે કરેલી કુરબાનીની કોઈને જાણ નથી હોતી. મૃત્યુ બાદ જ તેનું કામ વખણાય છે અને તેની ઓળખ પણ થાય છે. આ શેર વાંચીને આપણને થાય કે, કદર તો સમયસર થવી જોઈએ ખરું ને? મૃત્યુ પછીની કદર શું કામની? 

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,

હું મરણ બાદ ઓળખાયો છું!

આવી કમનસીબ વ્યક્તિ જીવતી હોય ત્યારે તેને તુચ્છ સમજીને દરેક જણ તેને એવો અહેસાસ પણ કરાવે છે. એટલે સૌ તેને ચડિયાતા લાગે છે. તેની કામગીરીથી પ્રભાવિત થનાર સૌ પણ જાણે તેને માટે ગમે તેવી વાતો કરીને વગોવે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં તે પોતાને અસહાય સમજે છે. જીવતર જાણે ઝેર બની જાય છે. અને જાણે જીવતે મરવાના વિચાર આવે ત્યારે આ શેર અનાયાસ જ તેના મુખેથી સરી પડતો હશે. 

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,

હું જ આ કબ્રમાં દટાયો છું!

કોઈ વ્યક્તિ પ્રગતિના પંથને સડસડાટ પાર કરી જાય છે. એને ક્યાંય કોઈ નડતર રોકતું નથી અને તે એક પછી એક સફળતાના શિખરો સર કરતી જાય. આવી વ્યક્તિ પોતાના નવા સ્થાને પહોંચીને, નવી નામના  મેળવીને, એ સદંતર ભૂલી જાય છે કે, ખરેખર પોતે છે કોણ? 

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,

એટલી નામના કમાયો છું!

આપણાંમાં એક કહેવત છે કે, ‘જીવતે ના જોયાં ને મુએ ખૂબ રોયાં. જ્યારે માણસ હયાત હોય ત્યારે તેની અવગણના કરીએ એનું મન ના સાચવીએ અને મરે પછી ગમે તેટલું રડીએ શો ફાયદો? કદર તો સમયસર થવી જ જોઈએ તો જ તેનું મુલ્ય. એ વાત સહજ રીતે સમજાવતી  આ ગઝલ આપને કેવી લાગી?

ફરીથી આવી જ ભાવવાહી ગઝલ લઈને મળીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

 

હેલીના માણસ – 19 | જિંદગી હાંફે તો? | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો.

હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -19 જિંદગી હાંફે તો? એની 18મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

એ આવશે, નહીં તો એ બોલાવશે મને, 

મારે તો શું છે, બેઉ રીતે ફાવશે મને!

 

મારું અનુકરણ કરી જીવે છે જે હવે, 

એ જિંદગીની ફિલસૂફી સમજાવશે મને! 

 

તરસ્યો હતો, પણ ધાર્યું નહોતું કે આ તરસ, 

આ લોહીભર્યાં આંસુઓ પીવડાવશે મને! 

 

છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,

ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને, 

 

લાગે છે ગાંડીતૂર આ પાણીની ઝંખના, 

સૂકી નદીની રેત પર દોડાવશે મને! 

 

બહેકી જવું તો ના ગમે મારા મિજાજને, 

શાયદ એની નજર હવે બહેકાવશે મને! 

 

આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ, 

સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

ઘરમાં વડિલો અને માતાપિતા બાળકોને નાની નાની વાતોમાં સમજ આપતાં હોય છે કે, આમ થાય અને આમ ના થાય, તેમજ શા માટે તેમ કરવું જોઈએ તેનાથી શું નુકસાન થાય કે, ફાયદો થાય તે પણ સમજાવતાં હોય છે. બાળકો આ બધી સલાહ માને કે, ના માને પણ યાદ જરૂર રાખતાં હોય છે. અને જો ભૂલેચૂકે આપણાથી એવું કોઈ વર્તન થાય તો તરત જ આપણી ફિલસૂફી આપણને પાછી પધરાવશે. બાળકો જ શા માટે આપણાં સંપર્કમાં આવનાર ઘણાં લોકો પણ પહેલાં આપણી પાસે જે શીખ્યા હોય તે જ બાબતની આપણને સલાહ આપતાં હોય છે! સંયુક્ત પરિવારમાં રહેનારા તમામ સામાન્ય રીતે ‘ફાવશે નીતિ’ અપનાવતા હોય છે. કારણ કે, સૌનું ધારેલું થાય તે તો શક્ય જ નથી તો વળી એ બાબત રોજનો ટંટો થાય તે પણ ન ચાલે. એટલે ‘ફાવશે નીતિ’ એ જ જિંદગીની મઝા છે અને જિંદગીની ફિલસૂફી પણ  છે. 

પ્રગતિ કરવી એ તો સારી વાત છે. એને માટે મોટાં સપનાં જોવાં પણ જરૂરી હોય છે. પરંતુ આમ કરવાની એક હદ પણ વિચારવી પડે. વધુ પડતી અપેક્ષાઓ રાખી તો લઈએ પણ તે પ્રાપ્ત કરવા માટે ઘણીવાર લોહીનાં આંસુએ રડવાનું થાય છે. એને પ્રાપ્ત કરવા માટે એટલી મોટી કિંમત ચૂકવવી પડે છે કે, મળતર કરતાં જાણે વળતર વધી જાય! જે પ્રાપ્તિ થઈ તેનાં કરતાં ગુમાવવાનું ઘણું વધારે થાય. આ સંજોગોમાં માણસ થાકી જાય છે, હારી જાય છે. છેવટે તો એવું લાગે છે જાણે ખુદ જિંદગી હાંફી જાય છે. આપણે થાકીએ તો જિંદગી મુશ્કેલ લાગે પણ જો જિંદગી જ થાકે પછી તો સામે ઉભું હોય મોત! કવિ કહે છે. 

છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,

ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને, 

કોઈ  પગપાળા પ્રવાસે નિકળ્યું હોય, સાથે રાખેલું પાણી પતી ગયું હોય અને જબરદસ્ત તરસ લાગી હોય. એવામાં જો નદી નજરે પડે તો પાણીની આશામાં એ તે તરફ દોડવા માંડશે. પછી ભલેને નદી કિનારે તપતી રેતીમાં દોડવું પડે અને તે દઝાડે! તરસ્યાને પાણીની ઝંખના ગમે તેવું સાહસ કરવા પ્રેરે છે. બહેકી જવા માટે કંઈ નશો કરવો પડે તે જરૂરી નથી હોતું. ઘણીવાર સ્વભાવગત્ ઘણાંને પુષ્કળ બોલવાની ટેવ હોય છે. તેઓ એકવાર બોલવાનું ચાલુ કરે પછી બસ બહેકી જાય અને બીજા સાંભળે કે ના સાંભળે અસ્ખલિત વાણી પ્રવાહ ચાલુ રાખે. ઘણાંને બીજાની હાજરીમાં ગુસ્સો કરવાની મઝા આવે છે. એકલાં હોય ત્યારે તો કોઈ સાંભળનાર ન હોય એટલે શાંત રહે ને માણસો જુએ એટલે એ નજરથી જાણે એ બહેકે! 

બહેકી જવું તો ના ગમે મારા મિજાજને, 

શાયદ એની નજર હવે બહેકાવશે મને! 

પતિ પત્ની હોય કે પ્રેમીઓ તેઓ જ્યારે એકબીજાની રૂબરૂ હોય ત્યારે એક બીજાથી રિસાય પણ ખરાં, ખિજાય પણ ખરાં. અને નારાજ પણ થાય. માનવ સ્વભાવ માટે એ સહજ છે. દર વખતે મિલન મધુર જ હોય તેવું નથી બનતું. પરંતુ મિલન જો સ્વપ્નમાં થાય તો? તો ન રિસામણાં હોય ન મનામણાં હોય કે, ના ગુસ્સમાં બોલાચાલી થાય. ત્યાં તો બસ! મસ્ત મિજાજ ને મઝાની વાતો! રંગીન મોસમ ને મઝાનો માહોલ! એમાં બહેકી જવાનું અને ગમતા સાથમાં મહેકી જવાનું! 

આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ, 

સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને! 

આવાં જીવન સાથે સંકળાયેલાં પાસાંઓની સમજ આપતી આ ગઝલ તો સૌને ગમી જાય તેવી જ છે. ખરુંને મિત્રો? આવી જ કોઈ દમદાર, મજેદાર ગઝલને માણીશું અને સમજીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 18 | અશ્રુની ભાષા | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ – 18 એની 17મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

 

ભીંજવું પાંપણની ભીનાશે તને,

મારામાં વરસાદ દેખાશે તને.

 

આ રીતે પણ ક્યાંક ચુમાશે તને,

હોઠ પર મૂકી કોઈ ગાશે તને.

 

હું જ ધરતી પર તને લાવી શકીશ,

મેં જ બેસાડ્યો છે આકાશે તને.

 

તારો શત્રુ હું નહીં પણ તું જ છે,

આજ નૈ તો કાલ સમજાશે તને.

 

મારા હૈયામાં કરી જો ડોકિયું,

ત્યાં અણીશુદ્ધ તું જ દેખાશે તને.

 

અશ્રુઓ શું શું લખે છે આંખમાં,

વાંચજે ધીમેથી વંચાશે તને.

 

તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,

આવતા વરસે વિચારાશે તને.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ –

ઈશ્વર સાથેનો વાર્તાલાપ રચાયો હોય તેવી રચના કરવામાં આવે ત્યારે તે એક નવી ઉંચાઈને પામે છે. રચનાકાર તો તેમાં તન્મય થઈ જ જાય પણ વાંચનાર પણ જાણે પ્રભુ સાથે એકાકાર થઈ જાય છે. ભગવાન ક્યાં રહે છે તેની જાણ તો કોઈને નથી. પણ સામાન્યરીતે ઘણા ધર્મોનાં તેનું સ્થાન આસમાનમાં માનવામાં આવે છે. જો કે, એની પણ ખાત્રી તો છે જ નહીં ને! એટલે કવિ કહે છે કે, હે ઈશ્વર તને આકાશમાં તો અમે, તારા ભક્તોએ જ બેસાડ્યો છે. અમારી તકલીફો દુર કરવા તને અહીં પૃથ્વી પર પણ અમે જ પાછો લાવીશું. એ કામ અમે કરી શકીશું કારણ કે, તારી પ્રાર્થનામાં તલ્લીન થયેલું અમારું દિલ, આર્દ્ર બનીને આંખોમાંથી આંસુ રૂપે વહેશે ત્યારે અનાયાસ જ વરસાદની જળસેર સાથે જોડાઈ જશે અને એ સંધાણ જ તારા સુધી પહોંચવાનો માર્ગ બનશે. પાંપણની એ ભીનાશ ત્યારે તારા સુધી પહોંચશે અને તને પણ ભીંજવશે. આંખોમાંથી વહેતા અશ્રુઓ અમારા દિલની વાતો લઈને આવશે જે તને સ્પસ્ટ રીતે વંચાશે. જરૂર છે તો તારે એ આંસુની ભાષાને ઉકેલીને વાંચવાની. 

હું જ ધરતી પર તને લાવી શકીશ,

મેં જ બેસાડ્યો છે આકાશે તને.

અમારા હોઠ તારાં ગીતો ગાઈને કૃતકૃત્ય બનશે. સાથે જ તારાં ગીતો દ્વારા અમારા હોઠ પણ તારા સ્પર્શને પામીને કૃતકૃત્ય બનશે. તારી ભક્તિથી અભિભૂત થયેલાં અમારા પવિત્ર હૈયામાં બીજું કંઈ જ નહીં હોય માત્ર  તું જ અને તું જ હોઈશ. 

એટલું તો ચોક્કસ છે કે, આપણે ભલે ગમે તેને શત્રુ માનીએ. આપણી તકલીફો માટે ભલે બીજા કોઈને કારણભૂત માનીએ. ઘણી વાર તો આપણે ભગવાનને દોષ દેતા હોઈએ છીએ. હે, ભગવાન! તેં મારી સાથે આવું કેમ કર્યું? મેં શું ખોટું કર્યું છે? તું મને શાની સજા કરે છે એ તો કહે. કેટલીક વાર તો એટલે સુધી બોલી નાખીએ કે, તું તે ભગવાન છે કે દુશ્મન? ત્યારે ભગવાન એટલું કહેશે, તારો શત્રુ તો તું જ છે, હું નહીં. તને પણ એ વહેલું મોડું જરૂર સમજાશે. આ શેરમાં કવિ કહે છે, 

તારો શત્રુ હું નહીં પણ તું જ છે,

આજ નૈ તો કાલ સમજાશે તને.

આંખમાં અવારનવાર આવતાં રહેતાં આંસુ ભલે વહેતાં હોય આંખોમાંથી જ અને દેખાવમાં પણ સરખાં જ હોય પરંતુ દરેક આંસુ વહેતા વહેતા આંખમાં એની દાસ્તાન લખતાં હોય છે. ક્યારેક એ વાતો વેદનાની હોય, ક્યારેક ખુશીની. ક્યારેક આશ્ચર્યની હોય તો ક્યારેક વ્હાલની! ધ્યાનથી નિરિક્ષણ કરીએ તો અશ્રુની આ ભાષા આપણને સમજાતી હોય છે. 

અશ્રુઓ શું શું લખે છે આંખમાં,

વાંચજે ધીમેથી વંચાશે તને.

ભગવાન જેવો અકળ છે એવું અને એટલું જ અકળ છે ભાવિ. અને એમાં ય જીવનમાં ઘટતા બનાવો આપણી ધારણાં પ્રમાણે ક્યાં થતાં હોય છે? ન માંગ્યે દોડતું આવે અરે! પ્રારબ્ધ તો ઘેલું! બધું જ અનિશ્ચિત! ઘણીવાર તો લાગે કે, આપણે પ્રેક્ષક બનીને જ આપણાં જીવનને બસ જોયા કરવાનું છે! ખલીલ સાહેબ આ શેરમાં મૃત્યુ વિશે કહે છે કે, એ છે તો નિશ્ચિત આવવાનું જ, પણ ક્યારે? 

તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,

આવતા વરસે વિચારાશે તને.

આપણે જાણે બીતાં બીતાં એના આગમનની રાહ જોવાની અને જો બચી જઈએ તો આભાર સાથે વિચારવાનું કે, આ વર્ષે આપણે યાદીમાં નથી. કદાચ આવતા વર્ષે આપણો નંબર હોય!

મિત્રો, મૃત્યુને પણ મહેમાન ગણીને એનાં આગમન વિશે બેફિકરાઈથી વિચારવાનો સંદેશ આપતી આ ગઝલ આપને જરૂર ગમી હશે. ફરીથી આવી જ દમદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

 

રસાસ્વાદનું વાચિક્મ :

હેલીના માણસ – 17 | લાલબત્તી 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -17 એની 16મી ગઝલ અને રસાસ્વાદ. આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,

એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,

પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,

બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,

કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,

આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,

ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ 

કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને તમે અછડતી નજરે જોઈને તેના વિશે અભિપ્રાય બાંધી લો અને પછી એ વ્યક્ત પણ કરો. તો તે વાસ્તવિકતાથી અલગ હોઈ શકે. એના માટે ઝીણવટભરી નજરે નિહાળીને અભ્યાસ કરવો પડે. તો જ સાચો તાગ મેળવી શકાય. 

છંદોબદ્ધ રચના રચવી કંઈ સહેલી નથી. એમાં માત્રાઓની સમજ કેળવવી પડે. વિવિધ છંદોની જાણકારી હોવી જોઈએ. આ બધામાં ખાસ ગણતરી હોય છે જે સમજીને જાળવવી પડે છે. આમાં લઘુ ગુરૂની જાણકારી ખૂબ જરૂરી અને અગત્યની હોય છે. આ બધાનો અભાવ હોય ને છતાં ગઝલ લખવામાં આવે ત્યારે તેમાં લય કે છંદ ના જળવાય અને શેર ન બને. શેરમાંથી તો એક અક્ષર પણ રદ થાય તો છંદ તુટે, લય તુટે. આવા શેરની કંઈ ગઝલ બને? આ વાતને ખલીલ સાહેબ સૌંદર્ય સાથે પણ અદ્ભુત રીતે સાંકળે છે અને કહે છે, પોતાને અલૌકિક સુંદરી માનતી હોય તે યુવતી જ્યારે પોતાના વાળ ચહેરા પર વિખેરીને ઉભી રહે ત્યારે ખબર પડે કે, તેમનું સૌંદર્ય પુનમના ચાંદ જેવું છે કે, પછી વદની અમાસ જેવું! લય વગરનો શેર અને લટ વગરની સુંદરી! ના જામે ખરું ને? 

અમુક વ્યક્તિ પોતાની જાતને અનહદ સમૃદ્ધ અને સધ્ધર માનતી હોય છે. પૈસે ટકે, સુખી હોવાથી સમાજમાં તેનું માન પણ હોય. મોભો પણ હોય. આવા લોકો કેટલીક વાર બીજા સાથે  અભિમાનથી વાત કરતા હોય છે. તેમને તુચ્છતાથી બોલાવતા હોય છે. જાણે પોતે જ કંઈક છે અને બીજા તુચ્છ! આવી વ્યક્તિઓ સામેવાળાની ઉમર કે સગપણની પણ દરકાર નથી કરતા. એમની વાતો મોટી હોય છે. ધર્મ વિશે કે, ધર્મગ્રંથોમાંની વિગતોની પોતાની જાણકારી વિશે તેમને ભારે ગર્વ હોય છે. હકીકતમાં તેઓની આ માન્યતા હોય છે. વાસ્તવિકતા નહીં. ખલીલ સાહેબનો આ શેર, આવી વ્યક્તિઓ સામે ધરેલી લાલબત્તી જેવો છે.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,

બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

કવિ કહે છે, ભાઈ તું પોતે તો તારા ખુદના વિશેના ખોટા ખ્યાલમાં છું. પહેલાં તું તારી જાતને તો ઓળખ. પછી બાઈબલ, કુરાન, ઊપનિષદ જેવા ગ્રંથો સમજવાની વાત કરજે. બીજા એક શેરમાં તેઓ કહે છે કે, જ્યારે કોઈ પોતાની જાતને બહું મહાન સમજવા લાગે ત્યારે બહારની દુનિયામાં નિરિક્ષણ કરીને જોવું જોઈએ. કેવા કેવા સમર્થ વિરલાઓ છે સૃષ્ટિમાં! તેમને નિહાળી તેમની આવડતનો સ્વિકાર કરો. 

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,

કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

વધુ પડતો અહંકાર જ્યારે દિમાગ પર ચડી જાય ત્યારે તેમાંથી છૂટકારો મેળવવા માટે આત્મનિરીક્ષણ કરવું પડે. ખરેખર આપણે છીએ ક્યાં? ખલીલ સાહેબ એનો સુંદર ઉપાય બતાવે છે. કહે છે કે, સવારે ને સાંજે તું તારો પડછાયો જોઈશ તો એનું કદ તો ઉંચું હોવાનું. તું ભર બપોરે સૂરજ જ્યારે માથે ચડે ત્યારે બહાર જઈને ઊભો રહે ને તારું કદ જો! બધો અહંકાર સુકા પાંદડાંની જેમ ખરી પડશે! 

નારાયણ, નારાયણ કરતાં કરતાં ત્રણે લોકમાં ફરવું અને એકબીજાને વાતો પહોંચાડવી. આવી નારદવૃત્તિ ધરાવતા લોકોની ક્યાં કમી છે? તેઓને ઓળખી લેવા જરૂરી છે. કારણ કે, તેઓ ચોરને કહેશે ચોરી કર અને ધણીને કહેશે દોડ પકડ ચોરને! તેમની આવી  વૃત્તિના ભોગ બનીએ તે ન પોષાય. એમાં તો અનેક સાથે સંબંધ બગડે. ઝઘડા થાય, મનદુઃખ થાય અને જીવન ઝેર બની જાય. 

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,

ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

દુન્યવી હરકતોથી હતાશ થઈને, જીવનમાં સાંપડેલી નિષ્ફળતાઓથી વ્યથીત વ્યક્તિ, પોતાને અંધકારમાં ડુબાડી દેતી હોય છે. અને વિચારે  કે, જ્યાં અજવાળું પુરું થાય અને ઘોર અંધકાર છવાયેલો હોય તેવા માહોલમાં હું છું. 

મિત્રો, ખોટા ખ્યાલોમાં રાચતા, રાહ ભટકેલા રાહીને આ ગઝલમાં કવિ રસ્તો બતાવે છે. લાલબત્તી ધરે છે. પછી ભલે તે શેર લખનાર હોય કે, ધર્મગુરૂ હોય. આવી જ પ્રભાવી બીજી એક ગઝલને માણીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

વિસ્તૃતિ…૧૬ જયશ્રી પટેલ,

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


‘અરક્ષણીયા’એ શરદબાબુની એક લધુ નવલકથા છે. શરદબાબુની આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ શ્રી રમણલાલ સોનીએ કર્યો છે.જેનો અર્થ થાય છે જેનું રક્ષણ જ ન કરી શકાય.
આ વાર્તા નિર્ધન પ્રિયનાથ ને દુર્ગામણિની પુત્રી જ્ઞાનદાની આસપાસ ફરે છે. અરક્ષણીયા જ્ઞાનદા બાર તેર વર્ષની અને કાળા વાનની હતી. વાર્તાનાં આંરભમાં તેના મા-બાપ માટે કેટલી અભાગી છે એ શરદબાબુએ આપણને દર્શાવ્યું છે. તેઓને કન્યા છે પોતાનાં પેટે એનું ભયંકર દુઃખ દર્શાવ્યું છે. તેણીની હયાતીમાં જ તેને માટે બોલાતા આ શબ્દો તેણીનાં હૃદયનાં તેમજ લાગણીનાં હજારો ટુકડાં થતાં બાળપણથી તે જુએ છે.
પાડોશીનો દીકરો અતુલ મહાપ્રસાદ આપવાં આવ્યો તે સમયે તે જ્ઞાનદાને જોતાં ને પાન લેવા જાય છે ત્યારની વાતચીત લાગે છે તેણીને તે ચાહી રહ્યો છે. મા તરફથી લાવેલી ચૂડીઓની ભેટ તેને આપતો હતો તે જ ક્ષણે તેણીનાં અંજલીબદ્ધ હાથ ધ્રુજી ગયાં હતાં.
વાર્તા આગળ વધતાં જ્ઞાનદાની નાની ઉંમરમાં જ પિતા પ્રિયનાથનો સાયો માથા પરથી ઊઠી ગયો, ત્યારે અતુલે તેમનાં મૃત્યું સમયે કહ્યું હતું કે આજથી જ્ઞાનદાનો ભાર તે માથે લેશે અને તે સાંભળ્યાં છતાં જ્ઞાનદાને બે સારા શબ્દ કહ્યાં વિના જ આંખો મિંચી દીધી.
અહીં નિર્ધન વિધવાની વિવાહ યોગ્ય પુત્રી બંગાળમાં પૂરો સમાજ કેવી ઘૃણાની નજરે જુએ છે એનું કથન આખી વાર્તામાં થયું છે. એ એટલું તો કરૂણ અને હૃદયદ્રાવક છે કે વાચકની વાંચતા વાંચતા આંખો વરસવા મંડે છે. કહેવાય છે સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે.સત્ય તો એ છે કે સહન કરતાં કરતાં તો એ પાષાણની મૂર્તિ બની જાય છે, પછી જ તેઓ પોતાનાં આ સ્ત્રી અવતારને અભાગિયો માની લેતી હોય છે.આ વાર્તામાં જ્ઞાનદાની સહનશીલતા અને તેનો કાતર પોકાર છે જેમાં નરી વાસ્તવિકતા દર્શાવી છે .એ જ અસંખ્ય કુલીન ઘરની કન્યાઓની અગણિત વેદનાઓનું પ્રતિક સમ દર્શાવ્યું છે લેખકે.
મા દીકરીને ઘરનાં ધણીનાં મૃત્યુબાદ સમાજનું મામાને ત્યાં ધકેલવું ને મેલેરિયા ગ્રસ્ત વિસ્તારમાં બન્ને મા દીકરીનું મેલેરિયાનો ભોગ બનવું, મામાનો ત્રાસ સહેવો
તેમાં માનસિક રૂપે હતાશ થઈ જવું હૃદય હચમચાવી નાંખે છે.બળેલા લાકડાં જેવી તુલના ને નામ પામી સાથે કુરૂપતાનાં ભોગ બની પિતાનાં ઘરમાં પાછા ફરવું એ વર્ણન વાંચક વર્ગ માટે થોડું અરેરાટી ભર્યું છે.પિતાના ઘરમાં પાછા ફર્યા પછી મોટી નાની વહુ દ્વારા માતાને અપાતો માનસિક ત્રાસ ઉપરથી અતુલ દ્વારા ઉપેક્ષિત થવું સહી લેતા જ્ઞાનદા વિચારે છે ધરતી ફાટી કેમ નથી જતી?
મા દુર્ગામણિને જેઠાણી દેરાણી બન્ને હતી.જેઠાણી સુવર્ણમંજરી પોતે સંતાન વિહોણી ને વિધવા હતી.છતાંય આ વિધવા સ્ત્રી અને દીકરીનું જીવન જીવવાનું હરામ કરી ચૂકી હતી.અતુલની સગપણે માસી હતી.આ વાર્તાનું મોટું ખલપાત્ર હતી. સત્ય તો એ છે કે વાર્તાનાં ખલપાત્ર કરતાં પણ ખરેખરો ખલપાત્ર તો આ બહુરૂપીયો સમાજ છે.
એની સામે દુર્ગાની ભાભી અને જ્ઞાનદાની મામી ભામિનીનું પાત્ર ભુલાય તેમ નથી.મામો કંશ બન્યો ત્યારે પોતાની ભાણી માટે ઉપરથી કઠોર દેખાતી એ સ્ત્રી હૃદયની ઋુજુતાનાં સુંદર દર્શન કરાવે છે. આ જ શરદબાબુની ખૂબી છે સ્ત્રીપાત્રોને તે એટલાં સુંદર રીતે ચિત્રિત કરે છે કે એકબાજું વાંચક ઘૃણાં કરે તો બીજીબાજું તે પાત્રને તે વિસરી શકતો નથી.અહીં ભામિની સ્પષ્ટવાદિતા, સ્વાભિમાની ને છે તેથી પોતાના પતિને ઠપકારી ચુપ કરી દે છે.
અતુલના લગ્ન તેની સુવર્ણામાસી પોતાના દિયરની દીકરી માધુરી સાથે નક્કી કરી દે છે. તે રૂપવતી અને ભણેલી ગણેલી છે ને મામાને ત્યાં ઉછરી છે.અતુલ પણ જ્ઞાનદા સાથેના સંબંધ કે પછી તેણીનાં પિતાને આપેલાં વચનને વિસરી જ્ઞાનદાનો ઉપહાસ કરી લે છે.ત્યારે ખૂબ જ ક્ષોભ પામી દુર્ગામણિ તેને કડવા વચન કહે છે. અતુલને માધુરીની મા પણ સમજાવે છે કે જે માણસ હીરો છોડી કાચ સ્વીકારે છે , તેને પાછળથી પસ્તાવું પડે છે.
દુર્ગામણિ દીકરીનું દુઃખ સાથે લઈ મરે છે. અનેક પ્રયત્ન છતાં તે કદરૂપી દીકરીને વિદાય નથી કરી શકતી. તેને અગ્નિદાહ દેવાનો હક જ્ઞાનદા ગુમાવી દે છે. લાડમાં મા તેણીને ગની બોલાવતી. સ્મશાને વિદાય કરવા તેણી જાય છે ફળિયાનાં પુરુષોની પાછળ તે એકલી જ જઈ નદીનાં તટ પર છેલ્લી કગાર પર જઈ બેસે છે.અતુલ તેને જોતો રહે છે વિચારે છે કે પોતે મરણ પથારીએ હતો ત્યારે તેને મોતનાં મોઢામાંથી નવું જીવન આપનારી તો એ જ શ્યામલી જ્ઞાનદા જ હતી ને! બધાં સ્મશાનેથી પાછા વળી રહ્યાં હતાં ત્યારે સ્મશાન ઘાટ પર પડેલી બે જોડ ભાંગેલી બંગડીઓના ચમકતા કાચનાં ટૂકડાંઓ પર તેની નજર પડે છે ને તે સ્તબ્ધ થઈ જાય છે.
એ બંગડીઓ બહુ તુચ્છ છતાં જ્ઞાનદા માટે મહામૂલ્યવાન અલંકારો હતાં. સેંકડો લાંછનાઓ ને હજારો ધિક્કાર સહેવા છતાં તેની માયા જ્ઞાનદા છોડી શકી નહોતી.તે તેણે આજે પોતાના હાથે જ તોડી નાંખી હતી ! આજે તેની કિંમત તેને મન કાંચનાં ભાંગેલા ટૂંકડા સમ હતી.
મિત્રો, અહીં વાર્તા મોટો વળાંક લે છે.અતુલને મન આ તુચ્છ કાંચના ટૂંકડા મૂલ્યવાન બની ગયાં હતાં.તે જ્ઞાનદા પાસે ગયો, તેણી તેને શોકાતુર નજરે જોતી રહી.
અતુલે સ્મશાનેથી આણેલા કાંચના ટૂંકડા બતાવી કહ્યું કે તેં ભાંગીને ફેંકી દીધાં હતાં તે હું પાછા ઉઠાવી લાવ્યો છું.

આટલી લાંછના છતાં જ્ઞાનદા તેને મૃદુ સ્વરે પૂછે છે,”કેમ?”
માસીમાની આગમાંથી જે મેળવ્યું ને કાચની તૂટેલી બંગડીઓએ જે જોડ્યું તે હતું બન્નેના હૃદયનું જોડાવું. અતુલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.એ જ ક્ષણે બન્યું અતુલે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત અને કૃષ રંગેરૂપે થયેલી કુરૂપ જ્ઞાનદાની સહૃદયતાનું સ્નેહમિલન.
અંત આખી વાર્તાના નિચોડ સમો સુખાકારી સુંદરવાર્તા. મારા હૃદયની સૌથી નજીક વારંવાર વળી વળીને મારો હાથ આ જ વાર્તા તરફ વળે કારણ જાણો છો મિત્રો ,ગરમીની ઋતુમાં સુકાયેલું ઘાસ કે તૃણ વરસાદના એક જ છંટકાવથી ફરી હરિયાળું બની જાય છે ને તેમ જ નિર્જીવ બની ગયેલી એ આશા કોઈવાર અંકુરિત બની જાય છે તેવો ભાસ કરાવે છે આ વાર્તા મને.
આ છે આ વાર્તાનો સાર ને આસ્વાદ આ “અરક્ષણીયા” લઘુનવલકથાનો.
મિત્રો, આવતા અંકે ફરી નવી વાર્તા સાથે મળીએ


શરદબાબુની ઉત્કૃષ્ટ નવલકથાઓ માણીએ.
અસ્તુ.
જયશ્રી. પટેલ.
૨૧/૫/૨૨

Vicharyatra : 16 Maulik Nagar “Vichar”

કાશ! મારું કોઈ ગામડું હોય,
એક ફળિયું રળિયામણું હોય,
ત્યાં શહેર જેવી દોડધામ નહીં.
પણ એકેએક જણ મારું હોય.

-મૌલિક વિચાર

માણસ હંમેશા સમય સાથે બદલાતો રહે છે. જો એ બદલાવનો આપણને સંતોષ હોય તો એની મજા અનેરી છે. એક સમય હતો જયારે ગામ શબ્દ સાંભળું ત્યારે કાચા-પાકા રસ્તા, છાણાથી લીપેલાં ઘરો, કાદવ, કીચડ, ધોતિયું પહેરેલાં માણસો, માથે દેગડું લઇને જતી સ્ત્રીઓ એ બધું જ નજર સમક્ષ આવતું. પણ જ્યારથી મિત્રો સાથે સ્વતંત્ર હરતો ફરતો થયો, મિત્રો સાથે તેમનાં ગામડે કાકા-મામાનાં ઘરે જતો થયો ત્યારથી ગામ અને ગામના લોકોમાં કંઈક અનોખું જ જોવાં મળ્યું.
હું તો કમનસીબ છું કે મારે તો કોઈ ગામડું જ નથી. અમારો તો પેઢીઓથી અમદાવાદમાં જ વસવાટ છે. લગભગ જે બધું જ ગામમાં છે તે બધું જ શહેરમાં પણ છે. કાચા પાકા રસ્તા, છાણ કાદવ, લારી-ગલ્લા બધું જ એમનું એમ અહીં શહેરોમાં પણ છે. બસ, ખાલી એક જ ફરક છે. ગામના લોકો એકબીજાને નામથી ઓળખે છે. જયારે શહેરોમાં ફ્લેટ કે બંગલા નંબરથી ઓળખાઈએ છીએ.

માણસો તો બધે જ સારા જ હોય છે. હોય જ ને વળી, કેમકે તેઓ માણસો છે. પણ ગામનાં માણસોની ફ્લેવર કંઈક ઔર જ હોય છે. ગામમાં ગલ્લે સરનામું પૂછીએ તો પેલો માણસ છેક સુધી આપણા ઠેકાણે મૂકી જાય અને અંતે તો આપણે તેને ગામડીયો જ કહીએ. પણ તે ગામડાનાં લોકોનો એક સ્વભાવ હોય છે. જો તેમને કોઈ સમસ્યા જણાવે તો તે તેમની પોતાની સમસ્યા સમજીને એકબીજાને મદદ કરે. અને જ્યાં સુધી એનું સમાધાન ના મળે ત્યાં સુઘી તે પડખે જ ઉભો રહે. મને તો લાગે છે કદાચ એટલે જ ત્યાં વાતાવરણમાં પ્રદૂષણ ઓછું હોય છે. આપણે નાહકના ગાડી સ્કૂટરના ધુમાડાઓને દોષ આપીએ છીએ.

સાત-આંઠ વર્ષ પહેલાંની વાત છે. હું એક મિત્ર અને એનાં પરિવાર સાથે ગણપતિનાં એક મંદિરના દર્શન કરવાં ગયો હતો. પાછા ફરતી વખતે તેનાં મમ્મીએ કહ્યું કે, “ચાલ, આપણું ગામ રસ્તામાં જ આવે છે. મામાને ત્યાં જ જમી લઈએ.” બપોરનાં બે વાગ્યા હતાં. એટલે સ્વાભાવિક છે કે તેનાં મામાના પરિવારે તો જમી જ લીધું હોય.
પેલાં મિત્રએ મામાને ફૉન કર્યો.
મામાએ કહ્યું, “અલા ભાણા…ઇમ તો કંઈ ફૂન કરવાનો હોય, આઈ જ જવાનું હોય ને.અમે તો રાજી થઇ ગ્યાં લે…..ને હાંભાળ નિરાંતે બે-ત્રણ દી’ રોકાઈને જ જજો.”
અમે લગભગ પંદર મિનિટની આસપાસ ગામની હદમાં પ્રવેશ્યાં. મારી નવાઈનો પારના રહ્યો. મારો મિત્ર અને તેનાં પરિવારના લોકો પણ વર્ષનાં વચલે દિવસે જ ગામડે જતાં છતાંય ત્યાંના છોકરાઓને મારાં મિત્રનાં નામની બૂમો પડતાં અને ફોઈબા ફોઈબા કરતા અમારી ગાડી પાછળ ધૂળની ડમરીમાં મેં દોડતાં જોયાં. જો અમારા જવાથી એ ગામના આમ બાર-ચૌદ વર્ષનાં છોકરાઓ પણ હરખમાં આવી જતાં હોય તો ત્યાંનાં વડીલોની તો વાત જ ન થાય. એનાં મામાના ફળિયાં સુધી પહોંચતા અમને બીજી પાંચ મિનિટ લાગી અને મારી ગાડીનાં હોર્ન સાથે તેમનાં કૂકરની છેલ્લી સિટીનો અવાજ આવ્યો. અને બસ, એ જ ક્ષણે આ શિર્ષકની પંક્તિ લખાઈ હતી. વીસ જ મિનિટની અંદર બટાકાનું રસાવાળું શાક અને ઘીથી લથબથ ખીચડી અમારાં માટે તૈયાર હતી.
મને મજા તો ત્યાં આવી કે, તે દિવસે મામા-મામીએ “લૂગડું”,”ડોલચું”,”ટોયલી” જેવાં તળપદી શબ્દો વાપર્યા હતાં તે બધાં જ મને પણ ખબર હતાં. અને એ સ્વચ્છ વાતાવરણમાં મેં પણ સંતોષનો એક એવો ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે, “ભલે મારું કોઈ ગામડું ના હોય પણ મારામાં પણ એક દેશી જીવ તો જીવે જ છે.”
-મૌલિક વિચાર

સંસ્પર્શ -16 જિગીષા દીલીપ

jigisha -સંસ્પર્શ -youtube


મિત્રો, 

૮ મી મેં એ મારાં અને આપણાં સૌનાં વ્હાલા ધ્રુવદાદાનો જન્મદિવસ હતો. તો ચાલો સૌ પ્રથમ તો આજની સંસ્પર્શ શ્રેણીમાં ધ્રુવદાદાને વંદન અને વ્હાલ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ.૮મી મેં અને ૧૯૪૭નાં રોજ ભાવનગરનાં નીંગાળા ગામમાં માતા હરિવ્રતાબહેન અને પિતા પ્રબોધરાયનાં ત્યાં જન્મેલા ધ્રુવ ભટ્ટ જીવનનાં ૭૫ વર્ષ ખૂબ સુંદર રીતે જીવ્યા.પ્રેરણાદાયી જીવન જીવી તેમનાં સ્વાનુભવો અને સ્વાનુભૂતિને અલગ રીતે જ પુસ્તકોમાં કંડારી દાદાએ આપણને નવી જીવનદ્રષ્ટિ આપી.દાદા જ્યારે ૭૬માં વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેમનાં સ્વસ્થ અને આનંદમય શેષ જીવનની પ્રભુને પ્રાર્થના કરીએ.

ચાલો, આજે એમની જીવનયાત્રાની મધુર વાતો વાગોળી તેમાંથી આપણે પણ કંઈ શીખીએ.

ધ્રુવદાદાનાં પિતાની સરકારી નોકરીમાં બદલી થવાને કારણે તેઓ અગિયારમાં ધોરણમાં આવ્યાં ત્યાં સુધીમાં ૧૧ ગામ ફર્યા. જુદાં જુદાં ગામનાં પાણી પીને ,જાતભાતનાં લોકોને મળી,જાફરાબાદનો દરિયો ,ગામની નદી,ખેતરો ,ઝાડવાં અને કુદરતને પ્રેમ કરી તે સંવેદનોને તેમણે સમર્થ સર્જક બની કલમમાં કંડાર્યા. 

તેમની ઊંધું વિચારવાની રીતે અને નાનામાં નાના માણસો અને બાળક સાથે બાળક જેવા સહજ અને નિર્દોષ બનવાની તેમની રીતે તેમને બધાં સાહિત્યકારોથી સાવ નોખું જ સર્જન કરનાર લેખક,નવલકથાકાર અને અનોખા ગીતનાં રચયિતા બનાવ્યા.તેમના દરેક સર્જનમાં તમને અનુભૂતિનું ઊંડાણ,માનવીની સંવેદનાનું કંઈક જુદીજ રીતે અનુભવેલ સંવેદન,કશુંજ સીધેસીધું ન કહેવાયા છતાં ,પાત્રોનાં સંવાદોમાંથી નીતરતાં જીવન જીવવાનાં સાચાં મૂલ્યો અને સચ્ચાઈની અદ્ભૂત વાતો જોવા મળે છે..નદી,દરિયો,જંગલ,ઝાડ,પહાડ,પર્વત,વાદળ કે વરસાદ સાથે વાત કરી આપણને પણ કુદરતની લગોલગ પહોંચાડવાની તેમનાં મૌન શબ્દોની તાકાત તેમનાં દરેક સર્જનમાં નીતરે છે. તેમનાં શબ્દોની તાકાત,તેમની સહજ ,સરળ ભાષા કે બોલી ,તમને અનોખી સંવેદનામાં નવડાવી તેને અઢળક પ્રેમ કરતાં કરી દે છે.અકૂપારનું ગીરનું જંગલ હોય,સમુદ્રાન્તિકેનો દરિયો હોય,તત્વમસિની રેવા હોય,તિમિરપંથીનાં અડોડિયા કે ડફેર લોકો હોય કે અતરાપીનાં સારમેય જેવા કૂતરા હોય તમે ધ્રુવદાદાનાં પુસ્તક વાંચી તમે પણ તેને પ્રેમ કરતાં થઈ જાઓ.

તેમનાં સહચારિણી દિવ્યાબહેનનો સાથ એટલો પ્રેમાળ અને હૂંફાળો કે “દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે “તે વાક્યને તેઓ શબ્દસ: પૂરવાર કરે છે.જીવનની દરેક મુશ્કેલીમાં અને દાદાની દરેક વાતમાં કે ઘટનામાં -ભલેને તે નોકરી છોડવાની વાત હોય ,નિવૃત્તિ લેવાની વાત હોય કે બાળકોને દરિયે પ્રવાસ કરવા લઈ જવાનાં હોય ,દિવ્યાબહેન ધ્રુવદાદાની લગોલગ હસ્તે મોંએ હાથ ફેલાવી ઊભા જ હોય .સ્ત્રી પાત્રોનાં સપોર્ટથી જ આ દુનિયા દોડી રહી છે એવું કદાચ દિવ્યાબહેનના સાથને લીધે જ દાદાને લાગ્યું હશે કારણકે તેમની નવલકથાનાં બધાંજ સ્ત્રી પાત્રો ખૂબ બાહોશ,ચપળ અને ઉજ્જવલ અને દિલનાં સાફ તેમજ અલગ તરી આવે તેવાં મજબૂત છે. તે અકૂપારની સાંસાઈ,અગ્નિકન્યાની દ્રૌપદી,સમુદ્રાન્તિકેની અવલ હોય.

ધ્રુવદાદા નાના હતાં ત્યારે તેમને ભણવાનું બહુ ગમતું નહીં,એટલે કોલેજનાં પહેલા વર્ષ પછી તેમણે ભણવાનું છોડી દીધું. ભણવાનું ભલે છોડી દીધું પણ એમની અંદર પોતાની જાત પરનો આત્મવિશ્વાસ,ભીતરમાં ભરેલી સચ્ચાઈ,નાનામાં નાની વ્યક્તિને પ્રેમ કરવાની વૃત્તિએ તેમને ઉત્તમ સર્જક અને અદના માનવ તરીકે ઉજાગર કર્યા. 

ધ્રુવદાદાએ નક્કી કર્યું હતું કે ૫૦ વર્ષ પછી નોકરી છોડી દેવી અને બાળકો માટે ભણવાનું ન હોય અને છતાં તેમનો કુદરતી રીતે વિકાસ થાય તેવી સ્કુલ કરવી હતી.તેમના મિત્ર કાન્તીભાઈએ દાદાને નવી સ્કૂલ કરવાને બદલે ,તેમની પિંડવળની સ્કૂલનાં બાળકોને જ એવી પ્રવૃત્તિ કરાવવાનું કહ્યું. દાદા જ્યારે સ્કુલમાં ગયા તો નાના ,સાત આઠ વર્ષનાં બાળકો પ્રાર્થના કરી રહ્યાં હતાં,

“મારાં પાપ ભર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા” તો દાદાને તરત વિચાર આવ્યો કે આટલાં નાનાં છોકરાઓએ શું પાપ કર્યા છે ? અને એ લોકો જ ભગવાનનાં સ્વરૂપ છે ,તો એમને શું ભગવાનની સેવા કરવાની અને એમણે બાળકોને કહ્યું કે આજથી આપણે આવી પ્રાર્થના નથી કરવી અને આપણે કંઈક રમત રમવાનું અને કવિતાઓ અને ગીતો ગાવાનું શરુ કરીએ.

ધ્રુવદાદાએ એક એક બાળકને ઊભા કરી ,તે બાળકે પોતાને ગમે તે પાત્ર બની તેની એક્ટીંગ કરવાનું કહ્યું. કોઈ બાળક રીંગણ બન્યું તો કોઈ મરચું અને આમ દરેક બાળકે પોતે જે બન્યો હોય તેની એક્ટીંગ કરી થોડો પરિચય આપવા ઊભું થતું.આમ બાળકની કલ્પનાશક્તિ અને બધાં વચ્ચે ઊભા રહી બોલવાથી બાળકનો આત્મવિશ્વાસ પણ વધે તેવું દાદા વિચારતાં. બધાં છોકરાઓનો વારો પતી ગયો એટલે બાળકો કહે ,”દાદા હવે તમારો વારો.”બાળકોએ કહ્યું ,”દાદા હવે તમે શું બનશો? દાદા તમે વાદળ બની જાઓ.”અને દાદા વાદળ બની ગયાં અને તે જ સમયે લય સાથે જે ગીત પ્રગટ્યું તે….

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે

આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતા વાવણા મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છટકી જાવું એવડું વનેવન 

નાગડા ના’તા છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ ના’વાનું મન

હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે 

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ ગુલાબી રંગની રેલમછેલ

આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ

આપણે તો બસ આપણામાંથી નીકળી જાવું ઝરમરને કોઈ અજાણી ઝાકળ-ઘેલી પાંદડી વિશે

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈઆપણા વિશે

આમ ધ્રુવદાદાને તો વાદળ બની પેલા પરમનાં પ્રેમનાં ધોધમાં ન્હાવું છે. પ્રેમનાં એ ચિરંતન વહેતા ધોધમાં નાનકડાં બાળકની જેમ નાગડા ઊભા રહી,સંસારનાં વેરઝેર,ઈર્ષા ,દંભનાં વસ્ત્રો ઊતારી મનભરી ન્હાવું છે.દેહની જેલ તોડી , ફૂલ ગુલાબી રંગોની રેલમછેલ કરી,મોજનાં ચિત્રો દોરવા છે.ચાલો ,આપણે પણ ધ્રુવદાદા સાથે જોડાઈ આપણાંપણાંમાંથી નીકળી ,અહંકારનાં આંચળાને દૂર કરી ,વાદળ બની પ્રેમનાં ધોધમાં બાળક બની ન્હાવા જઈએ.જન્મદિવસ નિમિત્તે દાદાને ચરણસ્પર્શ સાથે અઢળક શુભેચ્છાઓ.

જિગીષા દિલીપ

૧૧મી મેં ૨૦૨૨