કલ્પના રઘુ-વ્યક્તિ પરિચય

કલ્પના રઘુ 

ઘણીવારે કુદરત અનાયસે આપણને કોઈ સાથે મેળવે છે. એની પાછળ નું એક પ્રયોજન છે.બધાને ભગવાન એક ઉદેશ સાથે મોકલે છે.અને એ ઉદેશ માત્ર એક વ્યક્તિ થકી પૂર્ણ નથી થતો. બસ મારા જીવનમાં પણ આવું જ કશું બન્યું, “પુસ્તક પરબ”ની શરૂઆત કરી અને કલ્પનાબેનને જયંતભાઈ લઈને આવ્યા. માત્ર આવ્યા જ નહિ મારા ધ્યેયને પૂર્ણ કરવા જાણે એક નિમિત્ત બન્યા. ‘બેઠક’ના ના સંચાલન કાર્યમાં અજાણતા જ મારા સહભાગી થયા.અને ‘બેઠક’ની મોસમ ખીલી …અમે સાથે સાથે જાણી અને માણી,એક બીજાના પુરક બન્યા.

કલ્પનાબેન એટલે એક એવું વ્યક્તિત્વ અથવા યોગ્ય શબ્દ લખું તો એવી એક સ્ત્રી શક્તિ, એક હૃદયસ્પંદન કે સામા માણસને ઉઘડવાનું મન થાય… ઉમળકો આવે. પોતે લખે ત્યારે પહેલા કોળિયાની જેમ પહેલું વાક્ય પ્રભુને પીરસે,શ્રદ્ધા અને વિશ્વાસથી જ આગળ વધે એમની પ્રભુ પરની શ્રધા એના કાર્યમાં પરિણમે અને …લેખનમાં પોતાનું નામ નહિ પરંતુ નારાયણ નું નામ પ્રગટે …એવા કલ્પનાબેન અનેક સ્ત્રીઓ માટે સ્ત્રી શક્તિ બની પ્રેરણા આપે… જગત તો વિસંવાદોથી અને વિષમતાથી ભરેલું છે તેમાંથી પોતાની શક્તિ ને પારખવાની કળા કલ્પનાબેન પાસે છે અને પોતાના લેખો દ્વારા બીજાને આપી રહ્યા છે, એવા કલ્પનાબેન બેઠકની મોસમના આખું વર્ષ ખીલતું ફૂલ છે જે શબ્દોને પારખે છે. વેડફતા નથી બાવરા બોલકણા, લવારો કરનારા, વાણીના વિલાસી નથી માટે જ મૌનની વચ્ચે શબ્દના અર્થને માણે છે.મોસમ ખીલે છે.  જીવન નો અર્થ સરી પડતા મોસમને  પાનખરમાં પણ  શબ્દનો સથવારો મળતા અર્થ સભર જીવન મળે છે….

બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

રાજુલ કૌશિક -વ્યક્તિ પરિચય

પાનખરમાં વસંત ખીલવતા રાજુલ કૌશિક

મિત્રો ,

જીવન સફરમાં  ઘણી વ્યક્તિ અનાયસે આપણને મળે છે.અથવા એમને કોઈ પ્રસંગ કે કાર્ય આપણને મેળવતા હોય છે તેની પાછળ હું ભગવાનનો નિર્ણય ગણું છું.હા હું રાજુલબેન શાહને દાદાના પુસ્તક વિમોચન વખતે મળી અનાયસે મળવું અને જાણે નિમિત્ત બની ગયું ત્યાં સુધી માત્ર એક કોલમ લેખિકા તરીકે ઓળખતી,એ મારા ઘરે આવ્યા સૌ સાથે જમ્યા, અને દાદાએ એક સરસ રમત રમાડી ચાલો બધા તમારા જીવનનો એક સુંદર કે યાદગાર પ્રસંગ કહો, રાજુલબેને પણ બીજાની જેમ પોતાની રજૂઆત કરી પણ સ્પર્શી ગઈ.એક હકારત્મક ઉર્જા નો અનુભવ થયો જીવનને સવળી રીતે જોવું અને સારા વિચારો દ્વારા જીવનને પોસવું આવા વિચારો ધરાવતા રાજુલબેન સાથે જાણે એક અલગ મિત્રતા કેળવાઈ…પછી તો ઘણીવાર  ફોન પર વાતો કરતા મારા વિચારો દર્શાવતી, તેના પ્રત્યુતરમાં મારા વિચારો  અપનાવી પોતાના વિચારો મારા પર લાદયા વગર રજુ કરતા,ક્યારેક  અંગત સંવેદના મારી સાથે વ્હેચતા અને મને ગમતું અને મારા પણાનો અહેસાસ કરાવતા અને તેમના  વિચારો મને જાણે અજાણે કયાંક રસ્તો દેખાડતા ..સાચું કહું ત્યારે પાનખરમાં પણ વસંત ખીલતી..આવા રાજુલબેન જેમણે યાત્રા પ્રવાસના વર્ણનની લેખમાળા,કે ફિલ્મ રીવ્યુ કે નિબંધો, ઉપરાંત મને નવું જ કૈક આપ્યું…અને વિચાર આવ્યો માનવીના ભાવ અને સંવેદનાને નવા અભિગમ મળે તો …?

શું મોસમ ખીલ્યા વગર રહે ખરા ….

 બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

 

વસંતપંચમી સમા પ્રતાપભાઈ પંડ્યા

 

 

તા 4~4~2017 પ્રતાપભાઈના 80 માં જન્મદિવસે શુભેચ્છા, સુગંધિત રહો અને બીજાને પણ સુગંધિત કરતા રહો.   

અઢળક પ્રેમની અને આશીર્વાદની અપેક્ષા સાથે વંદન. 

જ્ઞાન પામવા માટે મુરતની જરૂર નથી પડતી. જ્ઞાન એટલે વસંત. વસંતપંચમી એટલે વણમાંગ્યું મુરત. વસંત એટલે નવપલ્લવિત થવું .મન ક્યારેક વેલી જેમ વતર્તુ  હોય છે.પાણી આપો એટલે ઉગે અને પછી ઉગ્યા જ કરે.  જીવનમાં બધાને ક્યાંકથી પ્રેરણા મળતી હોય છે. કૂંપળની જેમ ફૂટી વૃક્ષ બનવા સુધીની પ્રેરણા. આપણે  પુસ્તક પરબ શરુ કર્યું ત્યારે ડૉ. પ્રતાપભાઈ પંડ્યાએ પ્રોત્સાહ આપ્યું અને આજે આ જ પ્રવૃત્તિ લેખન સુધી ખેચી ગઈ.

પ્રતાપભાઈ પંડ્યાનો પરિચય  ૨૦૧૦ પછી વધુ થયો. હવે એમ કહી શકું કે એમને હું વ્યક્તિગત રીતે ઓળખું છું.પોતે પુસ્તક થકી જ આગળ આવ્યા અને જ્ઞાને એમને જીવનમાં સદાય દ્રષ્ટી દેખાડી તો એમણે એજ માર્ગ બધાને દીધો. સાહિત્યના વ્યાપક અર્થમાં તેઓ પુસ્તકના ચાહક છે, એમનો જીવ વાચકનો એટલે  બધાને વાચક બનાવ્યા.  પોતાને સહજ જે મળ્યું એ બીજા માટે ઉપલબ્ધ કરવું એ એક માત્ર દ્રઢ નિર્ણય. પુસ્તક પરનો એમનો લગાવ સવિશેષ એટલે “પુસ્તક પરબ” બંધાઇ  અને મોરારીબાપુ જેવા સંતે પણ એમના કાર્યને બિરદાવ્યુ પણ પ્રતાપભાઈએ આ પ્રવૃત્તિને બાપુના આશીર્વાદ  સમી ગણી સહજપણે ચાલુ રાખી. એક કોડિયામાંથી અનેક કોડિયામાં ઘી પૂરી દીપમાળા પ્રગટાવી. પુસ્તક માનવીને પળે પળે અજવાળી શકે છે એ વાતની એમને પ્રતીતિ થતા બીજાને આ વાત  પ્રસરાવી પોતાની પળે પળ તો સુગંધિત કરી સાથે બીજાને સભર કરી આગળ વધતા રહ્યા .

મનની મોસમ એટલે ઈશ્વરે આપેલી અલૌકિક કુદરત નિસર્ગ સૃષ્ટિની સાથે માનવ સૃષ્ટિની ભેટ.આપણને સૌને આ ભેટ મળી પ્રતાપભાઈ થકી અને મોસમ ખીલી.  જ્ઞાનની જ્યોત પ્રગટી. વસંત પંચમી જાણે વગર તિથિએ આવી. દેવી શારદા “પુસ્તક પરબ”માં પ્રગટયા.આ આહ્લાદક વાતાવરણને માણવાની મોલવાની શક્તિ અને ભક્તિ દરેક વાચકને “પુસ્તક પરબ”માં મળી અને દરેક વાંચનાર પર  દેવી સરસ્વતીની કૃપા દ્રષ્ટિ મળી.  એમણે પુસ્તક આપણા જીવન ઉપવન ની શોભામાં પુષ્ટિ કરવા વહેતા મુકયાં ત્યારે  પુસ્તકો વાંચતા આપણાં મુખેથી શબ્દ સહજ સરી પડ્યા.

અરે વાહ !!!! શું વસંત ખીલી છે!! મળ્યા પુસ્તક અને પરબે વાંચનની સુગંધ પ્રસરાવી, જ્ઞાન થકી થયા બધા નવપલ્લવિત ફૂંકાયો પવન વાંચનનો  અને વણમાગ્યા મુરતની જેમ દરેક દિવસ બન્યો  વસંતપંચમી સમો અને ઉગ્યો  જ્ઞાનનો સૂરજ….

 

“બેઠક”ના દરેક વાચક અને સર્જકો તરફથી ખોબો ભરીને શુભેચ્છા.

 

 

 

 

 

 

 

 

 

 

મનની મોસમમાં મળ્યા આશીર્વાદ અને વસંત ખીલી

મિત્રો આ લેખ અહી મુકતા પહેલા કહીશ કે મેં આ મારી ઈચ્છા વિરુધ મુક્યો છે.

માત્ર તરુલતાબેનને લખ્યું છે, માટે માન રાખવા અથવા ગુરુની આજ્ઞા અને આશીર્વાદ સમજી અહી મુકું છું.

મિત્રો,

તમને ય મારી જેમ લાગ્યું હશે કે મનની મોસમમાં અનેકવિધ ગુજરાતી લેખકો, કવિઓ અને સર્જકોનો મ્હેંકતો પરિચય આપી રહેલ આપણા સૌના માનીતા પ્રજ્ઞાબેન પોતે એક ખીલતી મોસમ છે.મેં વર્તમાનકાળ યોજી ભવિષ્યની અનન્ત વિકસવાની શક્યતાઓની ક્ષિતિજ ખૂલ્લી કરી છે.છેલ્લાં પાંચ વર્ષથી એમનું  ગુજરાતી સાહિત્યનું  કાર્ય  સતત ગુણવત્તામાં અને સંખ્યામાં વધતું ગયું છે.

તેઓ કવિ,વાર્તાકાર,નાટ્યકાર તથા રસદર્શી ,ગુણગ્રાહી આલોચક પણ છે.વર્તમાનની ઘટનાઓ વિષે નિરંતર પ્રતિભાવો આપી લેખો લખે છે.બે એરિયાના ગુજરાતી સમાજ સાથે જીવંતપણે  જોડાયેલા ,અનેક સાંસ્કૃતિક તથા સાહિત્યિક કાર્યક્રમોના આયોજક છે.મારો અંગત અનુભવ છે કે તેઓ ગમે તેટલાં દોડધામમાં હોય કે બીઝી હોય હસતાં જ દેખાય.સૌને પ્રેમથી અને માનથી બોલાવે.એમના પરિચયમાં આવનાર વ્યક્તિની શક્તિઓ અને આવડતનો અંદાઝ તેમને આવી જાય.ઝવેરી હીરાપારખું તેમ પ્રજ્ઞાબેન માણસપારખુ છે.સમાજમાં નવા ચીલા પાડવા માટે કે સામુહિક પ્રવુતિને દિશા બતાવવા સૌનો સાથ અને સહકાર પ્રજ્ઞાબેનને પ્રેમથી મળી રહે છે.તેમની નમ્રતા બધાયને આવકારે અને માન આપે.ગુજરાતથી આવતા સાહિત્યકારોના ઉચિત માન સન્માન અને મહેમાનગતિ કરે.તે માટેની  તેમની ઉદારતા અને વ્યક્તિગત સમય,પરિશ્રમ પ્રશન્શાપાત્ર છે.હાલ હું વતનમાં છું ,જયારે અમદાવાદ બીજા સાહિત્યકારોને મળવાનું થાય ત્યારે પ્રજ્ઞાબેનને જરૂર યાદ કરે.

તેઓ સાહિત્યરસિક જીવ છે.બે એરિયાના ,હ્યુસ્ટનના ,શિકાગો ,ફ્લોરિડા ,લોસએન્જલ્સ ,ન્યુ  જર્સી, ફિલાડેફીયા એમ અમેરિકાના ખૂણે ખૂણેથી ગુજરાતી સાહિત્યકારોનો સમ્પર્ક કરી તેમના સર્જનને પ્રકાશમાં લાવે છે.ભારતથી પ્રતિષ્ઠિત કવિઓ ,સાહિત્યકારોનો લાભ બે એરિયાને સુલભ કરે છે.તેમનું ગુજરાતી ભાષા અને સાહિત્યનું સઁવર્ધનનું કામ મારી દષ્ટિએ ઇતિહાસમાં નોંધનીય છે.વિજય શાહ અને અન્ય લેખકોના સહકારથી તૈયાર થયેલો બાર હજાર પાનાંનો મહાગ્રન્થ ભગીરથ કાર્ય કહેવાય.100 જેવાં લેખકો જેમાં કેટલાકે  તો પહેલી કલમ ઉપાડી હતી.ખાસ કરીને માતૃભાષા પ્રેમીઓ માટે ‘બેઠક’ વિસામો કહો કે મુક્તપણે ખીલવાનો બાગ કહો જ્યાં જ્ઞાન સાથે ગમ્મત અને સાહિત્યગોષ્ઠિ થાય છે.

‘બેઠક’ના સભ્યો વયસ્ક અને જીવનના અનુભવી.બહારના અમેરિકન વાતાવરણમાં ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમનો લગાવ હૈયામાં ધરબાય ગયેલો,બહાર ખીલવા તડપે પણ કરે શું? ‘બેઠક’માં પ્રજ્ઞાબેને અનુકૂળ મોસમ સર્જી.તેમના  મનની વાતોને ‘શબ્દોના સર્જન ‘માં અભિવ્યક્ત કરવાની તક આપી.દર મહિનાના જુદા જુદા રસિક વિષયો આપી તેમને ગુજરાતીમાં લખવાનો આયામ આપ્યો.લખવાના રિયાઝથી વાચકો બીજાનું સાહિત્ય વાંચી સમજી પોતે લેખક થયા.કોલમ રાઇટર થયા,પોતાનો બ્લોગ ચલાવતા થયા.નવી પેઢીને ‘બેઠક’માં રસ લેતી કરી.નવી પેઢીને ગુજરાતી નાટકો ભજવતી કરી.તેમનું પોતાનું લખેલું ગુજરાતી નાટક સરસ રીતે ભજવાતું આપણે સોએ માણ્યું હતું.

મારી દષ્ટિએ માતુભાષામાં પ્રાણ પુરવાના આ બધા જ કાર્યો ખૂબ મહત્વના છે,આ રીતે ભાષા પ્રત્યેની અને સાહિત્ય માટેની રૂચિ ઘડાય છે.સારા  ભાવકો વિનાનું સારું ,ઉત્તમ સાહિત્ય લાયબ્રેરીમાં હિજરાય છે,ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ ‘ વાર્તાનો અલીડોસો કે રવીન્દ્રનાથ ટાગોરનો કાબુલીવાળો કે ચૂનિલાલ મડિયાનો કમાઉ દીકરો કે રઘુવીર ચૌધરીની અમૃતા ,પન્નાલાલ પટેલની કન્કુ નવી પેઢીના વાચકોના હૈયામાં વસવા તડપે છે.મધ્યકાલીન નરસિંહ ,મીરાંના ભજનોની જેમ અર્વાચીન અને આધુનિક કેટલા કવિઓની સુંદર ગઝલો,ગીતો આપણા હોઠે અને હૈયે વસે તેવી મોસમ ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેન સર્જે છે.હાલ ગુજરાતી ભાષામાં લખનારા સર્જકો છે,વાચકો વિનાનું સાહિત્ય નમાયું છે.શાળા-કોલેજોમાં અને જૂની પેઢીના માણસો ગુજરાતી વાંચે તે ન ચાલે.

જયારે ટેકનોલોજીને કારણે દેશમાં અને વિદેશમાં ગુજરાતીનું ચલણ ઘટતું જાય છે ત્યારે ગુજરાતીમાં બોલવું અને લખવું ખૂબ જરૂરી છે.આપણી ‘શું શા પેસા ચાર કહેવાતી ‘ગુજરાતી ભાષાનું ગૌરવ ગુજરાતીઓ નહિ કરે તો બીજું કોણ કરશે?

પ્રજ્ઞાબેનમાં લખવાની અર્જ કહો કે ધગશ (ચળ ) પડેલી છે,તેથી જ તેમના લેખો ભાવવાહી બને છે.તેમના વ્યક્તિત્વની નિખાલસતા અને સહજપણું તેમની ભાષાનું બળ છે.તેમનાં સર્જનમાં બોલ્ડ થીમ દેખાય છે.તેમણે  અમેરિકન સમાજનાં વિષયો લઈ રૂઢિચુસ્ત માનસને ન ગમે તેવી વાર્તાઓ પ્રતિલિપિ પર પબ્લિશ કરી છે.હું તેમને પ્રોત્સાહન આપું છું કે તેમને ગમે તે તેઓ લખે.એમની રમુજી વાર્તાશેલી અને સેન્સ ઓફ હ્યુમર પણ સારી કૃતિઓ આપી શકે.ગુજરાતી સાહિત્ય બધું  ગુડ હોય ,ઉપદેશ આપે તેવું હોય એવી વિચારધારા જરા ય યોગ્ય નથી.નવા સર્જનને વાંચો,વધાવો ,ક્રાન્તિને આવકારો.શબ્દોનો સર્જક અને વિશ્વનો સર્જક પોતાની  મોસમ સર્જે છે.તેને આનઁદીએ તો  ગ્લોબલ વૉર્મીંગની સામે ટકી રહેવાનું બળ મળે ખરું?

મિત્રો ,તમારા દિલમાં પણ પ્રજ્ઞાબેનના વ્યક્તિવની ખીલતી મોસમનો અહેસાસ થયો હશે.

તરૂલતા મહેતા 29મી માર્ચ 2017

(ગુજરાત યુનિ.ના હોલમાં યોજાયેલા ડાયસ્પોરા સાહિત્યના માન ,સન્માન અને પરિસંવાદમાં ભાગ લેવા માટેના મને મળેલા આમંત્રણ વખતે અન્ય મહાનુભવોની હાજરીમાં પ્રેક્ષકો મધ્યે બેઠેલાં પ્રજ્ઞાબેનની હાજરી મારા માટે ભાવભીની બની રહી હતી.)

આભાર – પણ આ કામ સૌનું સહિયારું છે આશિર્વાદ આપો કે કાર્ય ક્યાંય માન ખાતર અટકે નહિ -પ્રજ્ઞા

( પ્રજ્ઞાબેન તમે  બ્લોગ પર મૂકો ,લેખિકા તરુલતા મહેતા તમારા જેવા ઉગતા સર્જક અને માતુભાષાપ્રેમી માટે પોતાનો અભિપ્રાય આપી શકે. સહિયારા સર્જનની મોસમ ખીલવનારની કદર સૌ કરશે.બીજાની ઓળખાળ આપનારની ઓળખ આપવી નમ્રતા છે.એમાં જરા ય અયોગ્ય નથી.-તરૂલતા મહેતા)

મનની મોસમમાં મહાલતા રાહુલભાઇ શુક્લ

 

 

 

 

 

 

જરા વિચાર કરીએ તો સમજાશે મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે. મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે.એજ મન હરીભરી મોલાતોમાં કોઈની ખામીથી નિરસતા, વેદના પણ ભરી શકે છે. આપણે મનની મોસમાં ખીલતા વસંત ની વાત કરી પણ ક્યારેક મનની મોસમમાં માણસ મનને ખાલી પણ કરે છે. મન,અને મનના ગજવાના કે ઘણી વાતોના જવાબ નથી હોતા, પણ હું જેને અમદાવાદમાં મળી હતી તે વ્યક્તિને મળ્યા પછી અનેક સવાલ જરૂર ઉભા થાતા, ન્યુ જર્સીના સફળ ઉદ્યોગપતિ અને નીવડેલા વાર્તાકાર રાહુલભાઈ શુક્લ એક ઉત્તમ વક્તાને સાંભળતી વખતે વિચાર આવ્યો કે નવી અમેરિકન વાતાવરણમાં  જીવતા, કોમ્પ્યુટરમાં વિચરતા, ફોટોગ્રાફીથી સૌંદર્ય નિહાળતા અને બોલીવુડને અને ગીતોને  ચાહતા અને વ્યસ્ત પ્રોફેસનલ જીવન જીવતા આ વ્યક્તિના ધબકારા આટલા સંવેદનશીલ અને ધબકતા કેવી રીતે છે? એક ઉધોયપતિ અને ટેકનોલોજી ની વ્યક્તિ જિંદગીના અસ્તિત્વની વાત કરી શકે.દુનિયાના ૯૮ ટકા એરોપ્લેનમાં એમની કંપનીના જ પાર્ટ્સ વપરાય છે. એવી વ્યક્તિ એ એક હસ્યવાર્તાની રજૂઆત કરી ને એવી ઉડાન પર લઇ જાય અને હસતા હસાવતા મૃત્યુનો અહેસાસ કરાવી ત્યારે થાય હજી સંવેદના જીવે છે.. .જીવન વિષે વાંચવું ,લખવું અને જીવન પ્રત્યક્ષ જીવવું એમાં ખુબ ફેર છે.પોતાના પિતાની હયાતીમાં મૃત્યુવીશે ચર્ચા કરતા પિતાએ કહેલું કે મૃત્યુ કરુણ છે અને વિદાઈ અસહ્ય છે …પોતે વિરોધ કરતા કહેલું એક સગર્ભા સ્ત્રીનો ખોળો ભરવો એ કુદરતી ઉત્સવ છે તો વ્યક્તિની વિદાય એ પણ કુદરતી છે આવવું અને જવાનું કુદરતનો ક્રમ છે એનો હર્ષ અને શોક ના હોય…પિતાએ ચર્ચામાં જીતાડતા કહ્યું તું જીત્યો પણ એમણે લેખેલ પુસ્તક “વિયોગ” ચાડી ખાઈને કહે છે ભાઈ સાચા હતા રાહુલભાઈના જીવનમાં સૌથી મહત્વનો બનાવ જો હોય તો તે પિતાના વિયોગનો હતો.”ભાઈ died” એક શબ્દ અને કેટલો મોટો આચકો,વારંવાર ફોટા સામે ઉભા રહીને કહેવું કે “આમ કેમ જતા રહ્યા” ?…શબ્દો ક્યારેક અંતરની વેદના અને યાદોને બોલાવડાવે છે ત્યારે વાંચનારને લાગે છે આ તો મારી વેદના અને મારી જ સંવેદના છે.ત્યારે પિતાએ કહેલી વાત “મૃત્યુ કરુણ” છે એ વાત આપ મેળે સિદ્ધ થાય છે. રાહુલભાઈના પુસ્તકમાં એક પ્રંસગે કહે છે “હું રડું છું પણ ગીતના રાગમાં”,તેમના જીવનમાં ગીત એ વ્યક્તિ સાથેનું જોડાણ હતું,નાની નાની વાતો આવા એક અમેરિકાના માહોલમાં રહેતા સફળ બીઝનેસમેનના જીવનમાં આટલું મહત્વ આપે છે એ વાંચ્યા,અને જાણ્યા પછી એ જીવન મહાલે છે તેવું લાગ્યું, આમ પણ મનની મોસમની વસંત યાદોની કુપણોથી તો ખીલે છે.

આની પહેલા રાહુલભાઇ કેલીફોર્નીયામાં આવ્યા હતા, પન્નાબેનના પ્રોગ્રામ વખતે મળી હતી પણ ઉપરછલ્લી મુલાકાત. આ વખતે ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડિઝ ‘ગ્રીડ્સ’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મળવાનું થયું.એમને સાંભળ્યા આનંદમાં જીવતાં નીજાનંદમાં મ્હાલતા હોય તેવું લાગ્યું , પોતાની મસ્તીમાં લખવું એ પણ એક આવડત છે.દિલ ખુશ કરે તેવું વ્યક્તિત્વ,તેમનું પુસ્તક વિયોગ મને પોતાના હાથે સહી કરીને આપ્યું અને લખ્યું મૂળ સુરેન્દ્ર નગરનાં એટલે માટે મારા કાયમી પાડોશી પ્રજ્ઞા દાદભાવાળા ને સપ્રેમ  ..ચાર શબ્દોએ નિકટતા ઉભી કરી દીધી…મનની મોસમમાં આનાથી વધુ બીજી વસંત કઈ ખીલી શકે..

– પ્રજ્ઞા

મનની મોસમમાં ખુમારીનો માનવી ડો.મહેશ રાવલ

 “ગમતાંને  ગમતું   દીધું  છે!
બીજે  ક્યાં  નમતું દીધું  છે!….ડૉ,મહેશ રાવલ 

મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે અને બધાની માણવાની રીત પણ નોખી જ હોય છે એટલે જ મન  માનવીને હર્યોભર્યો રાખે છે. વિરાનાને મઘમઘતો બનાવી શકે છે,કોઈ માનમાં, તો કોઈ સ્વમાનમાં મનની મોસમ માણે છે.આવા સ્વમાનથી જીવતા ડૉ મહેશ રાવલ ને  ૨૦૧૨ માં મળી, કેમ છો? ની વ્યહવારિકતા પતાવી મેં કહ્યું ખુબ સરસ લાખો છો આપની કવિતા “શબ્દનુસર્જન”  મારા બ્લોગ પર મુકું છું ઘણા પસંદ કરે છે. જવાબ આવ્યા મુકો એનો વાંધો નથી પણ મારું નામ મહેશ રાવળ નથી “રાવલ” છે એની નોથ લઇ લ્યો, મારુ નામ ખોટી રીતે લખાય તે મને મંજુર નથી .બે ક્ષણ માટે હું વિચારમાં પડી ગઈ  આટલો તિખારો, અનેક સવાલ ઉપજી ગયા.આટલું સારુ લખતો વ્યક્તિ નામને જીવાડવાની મથામણ કેમ કરતો હશે ?હું એમની પ્રશંસા કરું છું અને આમ કેમ વાતો કરે છે ?પછી તો વારંવાર મળવાનું થયું ફ્લોરીડા કવિ સમેલનમાં પણ સાથે હતા,વધારે પરિચય થતો ગયો મારા વિચારો બદલાયા, એમના બળકટ શબ્દમાં કહ્યું તો “હવે મેં જ મારા અભિપ્રાય મઠાર્યા”,એમને “બેઠક”ની પાઠશાળામાં પણ બોલાવ્યા,એ આવ્યા ગુરુ તરીકે, ઘણું છંદ વિષે જ્ઞાન આપ્યું, સમજણ આપી, પણ આપ્યું બધું જ  પડકાર સાથે, બોલ્યા કેટલા પાપડ વણ્યા અને તોડ્યા ત્યારે અહી પોહ્ચ્યો છું “ખોટું સ્વયં કરતો  નથી, કરવા દેતો નથી, ધૈર્ય છે આડંબર નથી,માટે કહે છે  શૂન્ય નિપજે શૂન્યમાંથી, સનાતન સત્યને સ્વીકારી કહે હું ભલે ગઝલ લખતો હોઉં તો પણ મારી હેસિયત મેં જાણી છે. પછી બોલે છે  “આપણું આવાગમન બસ આટલું છે !”એમની ગઝલમાં મેં અતિરેક જોયો નથી, ભાષા બોલવાની ભલે કાઠીયાવાડી હોય પણ ગઝલ ખુમારીથી  છલોછલ ભરેલી દેખાય,એમની અનેક રચનાઓ વાંચતી  ત્યારે અહેસાસ થયો કે છંદ જાણીને છોડનારા મેં ઘણા જોયા છે પણ છંદ ને પકડીને આ જમાના આટલા ખુમારી સાથે જીવતા ને હાકોટા કરતા મેં બીજા કોઈને ક્યાંય જોયા નથી,એમના હાકોટા વ્યાજબી છે. જેના હાંસિયામાં છેકાછેક ન હોય એજ આમ વાત કરી શકે.  એક ઘા ને બે કટકા એ એમની ગઝલોની તાસીર, આત્મવિશ્વાસ જ  જાણે નિયતિ, વાસ્તવિકતા ને સ્વીકારીને ચાલવાનું એક દબદબા સાથે, કલમ તૃપ્ત હોય મનમાં ફકીરી હોય પછી પગમાં રણ હોય કે ફૂલ ,ઝાકળ સુકાઈ ગયેલું હોય તો પણ નવી ક્ષિતિજની ઓળખ પામીને સહુથી અલિપ્ત રહેવાનું અને આપણા જ મિજાજના મોજામાંથી મનના ઘુઘવતા આવાજ સાથે સમુદ્રના મોજાના ફીણ માંથી ખુમારીનો લઈ ભીતરનાં  અજવાળે  સઘળું  ઝળહળ-કરી  પછી ગઝલનું સર્જન કરવાનું. પછી મનની મોસમ કેમ ન ખીલે ….?

-પ્રજ્ઞા –

અમે બસ અહીં સુધી પહોંચ્યા…!

તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા

અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.

ડો.મહેશ રાવલ

                                                રઘવાટ શેનો છે…

ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવાં ફૂલ તો, આ ભાર શેનો છે ?

તમને ગણાવો છો તમે સહુથી અલિપ્ત, તો
ભીની જણાતી આંખમાં તલસાટ શેનો છે ?

કોરી જ પાટી હો તમારા મન-વિચારની,

છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે ?

નહીં મોહ નહીં માયા ન કંઇ વળગણ કશાયનું
તો પ્રશ્ન એ છે કે, વિરોધાભાસ શેનો છે ?

ધારણ કરેલું ધૈર્ય આડંબર ન હોય તો
વાણી ને વર્તન બેયમાં ઉત્પાત શેનો છે ?

કરતાં નથી ક્યારેય જો તરફેણ કોઇની
મુઠ્ઠી વળેલાં હાથને આધાર શેનો છે ?

ખોટું સ્વયં કરતા નથી, કરવા નથી દેતાં
તો સત્ય પ્રત્યે આટલો ધિક્કાર શેનો છે ?

-ડો. મહેશ રાવલ

                                                  નીકળી પડે…!

સત્ય જેવા સત્યને,પડકારવા  નીકળી પડે
છાબડું લઇ, સૂર્યને સહુ ઢાંકવા નીકળી પડે !

પ્રશ્ન જેવી શખ્સિયતને ઉત્તરો ગમતાં નથી
એટલે, ટોળે વળી સંતાપવા નીકળી પડે

જે સ્વયં સગવડ ચકાસી રોજ બદલે છે વલણ
એય, બીજાનાં વલણને જાણવા નીકળી પડે !

જે બળે છે બહાર-ભીતર બેય રીતે દ્વેષથી
એજ, ઈર્ષાવશ બધાને બાળવા નીકળી પડે

કોઇના કહેવા ન કહેવાથી બને નહીં કંઇ, છતાં
છે ઘણાં એવાય, જે યશ ખાટવા નીકળી પડે !

જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે
તોય ખુદને, ફૂલથી સરખાવવા નીકળી પડે

ભૂખ અઢળક કીર્તિની સારી નથી હોતી “મહેશ”
એ, ગમે ત્યારે ગમે તે પામવા નીકળી પડે !!

ડૉ, મહેશ રાવલ 

આ  ગઝલ સંગ્રહ  “ખરેખર “વાંચવા લાયક અને માણવા લાયક છે અને કોઈને ભેટ રૂપે આપવા લાયક છે.ખાસ કરીને નવા સર્જકો માટે શિખવા લાયક છે કોઈને પણ જોઈતું હોય તો $10માં મહેશભાઈ પાસેથી મળશે ઓન લાઈન $15માં છે

 ©ડૉ.મહેશ રાવલ-     http://drmahesh.rawal.us/