શરદબાબુની વાર્તાઓ સાથે આપણે તેમની જીવનીમાં પણ ડોકિયું કરીએ છીએ. શ્રી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહાનો ગુજરાતી અનુવાદ શ્રી હસમુખ દવેએ
આપણી સમક્ષ રજુ કર્યો છે. તેમાંથી થોડા અંશ સંક્ષેપમાં જોઈએ.
દેશની સ્વતંત્રતાનાં આંદોલન સમયની વાત છે, શરદબાબુ મુક્તિ આંદોલનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા,
પરંતુ એના બધાં કાર્યક્રમોમાં તેમને શ્રદ્ધા ન હતી.ખાસ તો રેંટિયા અભિયાનમાં તો રજમાત્ર વિશ્વાસ નહોતો.છતાંય
નિયમિત કાંતતા, ખાદી પહેરતા. બને એટલા રેંટિયા કેન્દ્ર
ઊભા કરવા મહેનત કરવા માંડ્યા. તેમના મામાએ પણ નોકરી છોડી રેંટિયો કાંતવા માંડ્યો હતો ને તેમની સાથે રહેતાં.
એવું ઝીણું કાંતતા કે મહાત્મા ગાંધીએ પણ તેમના ઝીણા બારીક સુતરના વખાણ કર્યા હતા. તેઓએ બાપુને મોઢા પર કહી દીધું હતું કે તમે મને ગમો છો એટલે કાંતું છું નહિ તો નથી માનતો કે આનાથી આંદોલનમાં કંઈ
ફર્ક પડશે.ખાદી કાંતો ને સ્વયં ખાદી પહેરો એ તેઓ
લોકોને ઘરે ઘરે જઈ સમજાવતા.
એકવાર તેમનું કાંતેલું માથા પર લઈ મહાન વૈજ્ઞાનિક
પ્રફુલ્લચંદ્ર રોય નાચેલા. પ્રફુલ્લચંદ્ર રોયની બહુ ઈચ્છા હતી શરદબાબુને મળવાની, તો શરદબાબુને પણ બહુ ઈચ્છા હતી . એકવાર એક વિદ્યાર્થી શરદબાબુને પ્રફુલ્લચંદ્ર રોય પાસે લઈ ગયો. તેઓએ જોયું ચારે બાજુ
પેપર જ પેપર છે બેસવાની જગ્યા નથી તો શરદબાબુ પાટ પર જઈ બેસવા ગયા તો પ્રફુલ્લચંદ્ર રોયે તેમને વિદ્યાર્થી સમજી ત્યાં ન બેસવા કહ્યું ને બીજી ખુરશી પર બેસાડ્યા. વિદ્યાર્થીએ તેમને કહ્યું આ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય છે ,તો તેઓ દોડ્યા બધાં વિદ્યાર્થીને ભેગા કર્યા ને શરદબાબુને બતાવી જુઓ આ તેમના પુસ્તકો જુઓ કરી તેમના પગ પાસે બેસી જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. આ હતો શરદ સાહિત્યનો વાચક વર્ગ ને તેનો મહિમા.
મામા સુરેન્દ્રનાથે એકવાર એમને કહ્યું કે માત્ર કાતવાથી નહિ ચાલે શાળ બેસાડવી પડશે તો શરદબાબુએ ભાગલપુરમાં પાંચ સાત હાથશાળ નાંખી દીધી હતી.આમ તેમનો ગાંધીજી પ્રત્યેનો ભાવ ખૂબ ઉંડો હતો.
તેથી તનતોડ મહેનત કરી,કિંમતી વસ્ત્રોનો ત્યાગ
કર્યો હતો,તેલમાં તળેલી કચોરી ને સંકેલા ચણાં ખાઈ ગામે ગામ પ્રચાર કરવા નીકળી પડતાં.
ગાંધીજીને તેમણે કહ્યું હતું કે કાંતવાથી સ્વરાજ મળશે તેમ મને નથી લાગતું , સ્વરાજ તો સૈનિકો દ્વારા જ મળશે. સાંભળી ગાંધીજી ખૂબ હસ્યા હતાં.તેમણે સ્ત્રીઓ માટે “નારી કર્મ મંદિરની સ્થાપના પણ કરી હતી.
નારીની સંખ્યા વધી ત્યારે સંખ્યાબળમાં ન માનનારા શરદબાબુએ કહ્યું હતું કે વર્ષોથી ચૂલોચૌકો કરનારી સ્ત્રીઓ , જે વર્ષોથી ઘરની બહાર નથી નીકળી,
પ્રસૃતિઘર સિવાય કાંઈ ખબર નથી તે શું કરશે.. પણ
ગાંધીજીના વિશ્વાસને માની તેમણે લખ્યું કે કાદવમાં કમળ
એક દિવસ જરૂર ખીલશે ને દેશના સ્ત્રીધનમાંથી જ સૈનિકો મળશે.
મિત્રો આમ કલમ જ નહોતી પકડી પણ રેટિંયો કિતલી ને સુતર પણ તેમણે પ્રિય કર્યા હતાં. કલમ તેમની સમશેર
હતી તો ગાંધીજીની ચાહત તેમની તાકત હતી.
મિત્રો, આવતા અંકે ફરી આપણે શરદબાબુની નવીન વાત જાણશું.
અસ્તું,
જયશ્રી પટેલ
૬/૨/૨૩
Tag Archives: વિસ્તૃતિ
વિસ્તૃતિ…૪૬ -જયશ્રી પટેલ.
શરદબાબુની પ્રથમ વાર્તા મન્દિર જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી.તેઓ વાર્તા લખી બહાર મૂકતા તો તે મૂંઝાતા. તેમને ડર રહેતો કે કોઈને પસંદ નહિ આવે તો? આ વાત તે આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂબ શોધ બાદ મને મન્દિર વાર્તા ટૂકડે ટૂકડે મળી જે આજે હું આપની સામે ગુજરાતીમાં સંક્ષિપ્તમાં લઈને આવી છું.
નદી કિનારે કુંભારના બે કુટુંબ રહેતા હતાં. બન્ને ઘરમાં બધી જ વ્યક્તિ માટી લાવવાથી લઈ તેને સાંચામાં ઢાળી વાસણ, રમકડાં બનાવતાં. ભઠ્ઠામાં તપાવી તેને સુંદર રંગરોગાન કરી વેચતા. તેમની સ્ત્રીઓ પણ રસોઈ માંથી પરવારી ભઠ્ઠામાંથી રમકડાં કાઢી તેને કપડાંથી સાફ કરતી. આમ આજ ધંધાથી તેમની રોજીરોટી ચાલતી. ત્યાં એક બ્રાહ્મણનો રોગગ્રસ્ત પુત્ર શક્તિનાથ પણ આવતો. તેણે કુંભારોના ઘરમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયા વગર જ વેચવા લઈ જવાતાં.
શક્તિનાથ પોતે આ બાબતમાં કુંભારને કહેતો કે સરકાર આને રંગરોગાન વ્યવસ્થિત રીતે કરો. જવાબ મળતો કે ગમે તેટલું સુંદર રૂપ આપીશું તો પણ તે વેચાશે તો એક પૈસામાંજ. આ વાત મમળાવતો તે ઘરે જતો, હાથમાં રહેલા ચણા મમરા અડધા વેરતો અડધા ખાતો ખાતો વિચાર મગ્ન થતો. ક્યારેક વાત સાચી લાગતી કે માટીનાં રમકડાં પાછળ કેટલાય પૈસા વાપરે પણ તે તૂટી ફૂટી જ જાય ને! ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા પાઠ કરવા ગયાં હતા. ઘરમાં આવેલું બધું સીધુ એમાં પડ્યું હતું, ઘર સીધું સાદું હતું. કોઈ સાજ શ્રીંગાર ઘરમાં નહોતા. એક સ્ત્રી વગરનું ઘર વેરવિખેર પડ્યું હતું. તે આચરકૂચર ખાય બાપ બેટો પેટ ભરતા.ઘર કરતાં વધુ તે જંગલ લાગતું. ધીરે ધીરે સરકાર મહાશયે શક્તિનાથને રમકડું રંગતા શીખવવા માંડ્યું ને તે ખુરપી , માટી ગૂંદવું વગેરે કાર્ય પણ
કરતો. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. કોઈ કોઈ વાર સરકાર તેની તસલ્લી ખાતર કહેતા કે તે બે પૈસામાં વેચાયું .તો તેની ખુશીનો પાર ન રહેતો.આમ દિવસો નીકળી રહ્યાં હતાં. શક્તિનાથના પિતા પણ ખૂબ બિમાર રહેતાં. તે પણ મા વગર માંદો સાજો રહેતો તેની તરફ ધ્યાન આપવાવાળું કોઈ જ નહોતું. આ ગામનાં જમીંનદાર કાયસ્થ હતા. તેમનું ઘર ખમતીધર હતું. સુંદર સજાવટ ભર્યું હતું. તેમના ઘરમાં એક સુંદર નકશીદાર મન્દિર હતું. તેમાં સુંદર રાધા ને મદનમોહનની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હતી. અન્ય દેવી દેવતા પણ તેમાં બિરાજમાન હતાં. તેમને તાજા સુગંધીદાર ફૂલો ચઢતાં ,ફૂલોનાં હારથી સજાવટ થતી. ચંદન અગરબત્તી ધૂપની સુગંધથી આખો ઓરડો મહેંકી જતો. જાણે વૃંદાવન જ જોઈ લો. જમીનદાર રાજ નારાયણ
મંદિર પાસે પૂજા પાઠ કરતા ને મધુસૂદન મહારાજ પાસે પણ કરાવતા. ક્યારેક જમીનદાર પ્રભુની પ્રાર્થના કરતા રડી પડતાં કે તેમના પછી દીકરીની સંભાળ કોણ કરશે!
નાની દીકરી અપર્ણા આ દ્રશ્ય અનિમેષ જોયા કરતી.
પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા પાઠ કરતી, કરાવતી ને મન્દિરમાં નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ન ચલાવી લેતી. જો પાણીનું ટીપું પણ પડેલું જોતી તો તેને પણ પોતાના વસ્ત્ર કે પાલવથી સાફ કરી દેતી. તે પ્રભુમાં લીન થઈ જતી. તેની આ બધી ક્રિયા જોઈ બ્રાહ્મણ મધુસૂદન ને જમીનદાર ચિંતામાં પડી ગયાં. જમીનદારે તેના માટે સરસ ખાનદાની જમાઈ અમરનાથને શોધી કાઢી વિવાહ નક્કી કરી દીધાં. દીકરી અર્પણા પણ એક કહ્યાગરી દીકરીની જેમ લગ્ન કરી સાસરે વિદાય થઈ. મિત્રો, અહીં વાર્તાનો મધ્યાહ્ન આવે છે. પાત્રો બધાં સુંદર રીતે ગોઠવાય ગયા છે. અર્પણાનાં પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મન્દિરની બધી જ વાતો વિચારતી. બીજી બાજુ મા વગર પૈસાના અભાવ સાથે જીવતો બિમાર મધુસૂદનનો દીકરો શક્તિનાથ પણ મોટો થઈ રહ્યો છે. પિતા સાથે તે પાઠપૂજા કરતા શીખતો પણ તેનું ધ્યાન તો પેલા રમકડાં રંગવામાં જ રહેતું. શરદબાબુની આ વાર્તા આગળ શું કહે છે આપણે આવતા અંકમાં જોઈશું. મિત્રો, આ વાર્તાને સવાસો વર્ષનો ગાળો વિતી હયો છે, પણ વાર્તા જ્યારે પહેલીવાર સાંભળી ત્યારે એવું જ લાગ્યું જાણે કાલે જ લખાય છે.
અસ્તુ,
જયશ્રી પટેલ
૨૨/૧/૨૩
વિસ્તૃતિ …૪૫ જયશ્રી પટેલ.
વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંની વિશાળ માહિતીને સહારે સંક્ષિપ્ત આલેખન આપ સમક્ષ લઈને આવી છું.
આપણે આગળ જોઈ ગયા તેમ મિત્રો તેમને પણ બે મિત્રો એવા અંગત મળ્યા કે વર્ષો સુધી તેમની સાથે તેમની દોસ્તી રહી .એ જ અરસામાં એમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ. રવીન્દ્રનાથના તેઓ પરમ ભક્ત હતા રવીન્દ્રનાથ પણ શરદથી પ્રભાવિત હતા. તેઓ વારંવાર કહેતા કે તેને પકડી લાવો તે બંગાળનો ઉત્તમ સાહિત્યકાર છે બંગાળને તે ઉત્તમ ભેટ આપીને જશે .૧૯૩૪ના ઓક્ટોબરની બીજી તારીખે ગુરુવર્ય પ્રયાગ તરફ રવાના થયા અને તેમણે એ પ્રવાસ દરમિયાન જ શરદની કૃતિ પંડિત મોસાઈ આ કૃતિ આમ તો ૧૯૧૪ની સપ્ટેમ્બર ની ૧૫મી તારીખે પ્રકાશિત થઈ હતી. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે અસીત કુમાર હળદરને એકવાર લખ્યું હતું કે પંડિત મોસાઈ વાંચ્યા પછી મેં જે આલતું ફાલતુ વાંચવાનું છોડી દીધું હતું તે પછી આ કૃતિ અને તેની શૈલી એમને એટલે કે ગુરુવર્યને મરુ ભૂમિમાં વિરડી સમાન લાગી. એ દરમિયાન તેમણે શરદને મળવાની ઈચ્છા દર્શાવી કલકત્તા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બધા મિત્રો શરદને ગુરુવર્યની સામે ખેંચી ગયા.
શરમાળ શરદ તો ગુરુવર્યને જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને માનવતામાં ન આવ્યું કે આ કવિ પોતે છે.લાંબી દાઢી ,ખુલ્લા વસ્ત્રો અને સુંદર મિસ્ટ વાણી સાંભળી આ જોઈ તે તેને કોઈ બીજી જ દુનિયાના વ્યક્તિ સમજી બેઠો .આખી જિંદગી એ આ સ્વરૂપને વિમાશી રહ્યો ,બંને ગુરુ શિષ્ય વચ્ચે શું સંવાદ રચાયો એ તો કોઈ જ ન જાણી શકયું .શરદ હવે માનતો થયો હતો કે તેની કૃતિઓ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ જોડે સરખાવવામાં આવે છે .તે પણ મિત્રોને આનંદથી કહેતો કે હું કદાચ જરૂર લખી શકીશ ખરો અને દુનિયાને કંઈક નવું આપ્યા કરીશ ખરો !આમ સમય જતા ગુરુવર્ય એને મળ્યાનો આનંદ તેમના હૃદયમાં વસી ગયો હતો .
આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેને ત્રણ નવલિકા રામેર સુમતિ,પથ- નિર્દેશ અને બિંદૂર છેલે ને બિરાજબહુના પ્રકાશનના સર્વાધિકાર હરિદાસ ચટ્ટોપાધ્યાયને રૂપિયા ૩૦૦માં વેચી દીધી હતી .તે સમયે આ સોદો ખોટો નહતો. તેવી જ રીતે ફણીન્દ્રનાથ મારફત તેણે પરણીતા,પંડિતજી ,ચંદ્રનાથ, કાશીનાથ ,નારીનું મૂલ્ય અને ચરિત્રહીનના પ્રકાશન અધિકાર એમ.સી સરકાર એન્ડ સન્સને આપ્યા.ફક્ત એક જ આવૃત્તિ માટે જ.
ફણીન્દ્રનાથને ખુદને શરદની કૃતિઓ છાપવાની મહેચ્છા હતી,પણ ત્યારે તેઓની પરિસ્થિતિ આ કાર્ય કરી શકે તેમ નહોતી. સુધીરચંદ્ર સરકારે રૂપિયા ૨૦૦ની સહાય પણ કરી હતી .ખાલી તેમનો એક ઉદ્દેશ હતો કે શરદ આ યમુના સંસ્થા સાથે જોડાયેલો રહે. યમુના શરદને કોઈ પુરસ્કાર આપતું નહોતું ,ભારત વર્ષમાં છપાય તો તેને પુરસ્કાર પ્રાપ્ત થાય ભારત વર્ષનું પૂરું જૂથ તેમનું ચાહક હતું. સમય જતા શરદના અમુક મિત્રો ખૂબ જ વિઘ્ન સંતોષી હતા તેઓએ શરદના કાન ભર્યા. શરદને કહેવાનાં આવ્યું કે બડીદીદીને કારણે ફણીન્દ્રનાથને ઘણો નફો મળ્યો છે,પણ તે તને આપતા નથી. બસ આ વાત શરદે એકદમ સાચી માની લીધી અને તેણે ફણીન્દ્રનાથ સાથે સંબંધો પૂરા કરી નાખ્યા. તેઓ પાછળથી પસ્તાયા પણ. યમુનામાં પછી કોઈપણ કૃતિ છપાઈ નહીં.
શરદ બાબુની દરેક વાર્તા કે કૃતિઓમાં પાત્રો સાથે વાચકો તેમને જોડી દેતા જેમ કે શ્રીકાંત બહાર આવી તો વાચકોએ તેમને શ્રીકાંતના પાત્રમાં જોયા અને શ્રીકાંતની પ્રેયશી તરીકે રાજલક્ષ્મી ને શોધવામાં પણ લોકો ગાંડા થઈ ગયા , પણ એ ક્યાંથી જડે એ પાત્ર તો લેખકનું કાલ્પનિક પાત્ર હતું.લેખકની બાલ્યાવસ્થાની અત્તૃપ્ત કામનાઓની કલ્પના હતી એને એની બચપનની સખી ધીરુનાં આધારે દેવદાસમાં પારોનું સર્જન કર્યું અને પછી શ્રીકાંતની રાજલક્ષ્મી .એવી એક વાર્તા પણ સાંભળવા મળી કે ધીરુનું સાચું નામ રાજ્લક્ષ્મી જ હતું. ઘણાં લોકો હિરણ્યમયીને પણ રાજલક્ષ્મી માનતા.કોઈક સમયે બાબા વેશમાં તેણે હિરણ્યમયીને લક્ષ્મી તરીકે બોલાવી હશે .એના આધાર પર હિરણ્યમયીને કદાચ રાજલક્ષ્મી માનતા હોય ,પરંતુ કેટલાક જિજ્ઞાસુએ પોતાના મનને સંતોષવા તેણીને કેટલા બધાં પ્રશ્નો કર્યા હતાં. આવા પ્રશ્નો સાંભળી તો તે એટલી બધી દુઃખી થઈ કે તેને લોકોને મળવાનું જ બંધ કરી દીધું તે શ્રીકાંતની રાજલક્ષ્મી જેવી સુંદર નહોતી કે વૈભવ સંપન પણ નહોતી નૃત્ય તો બાજુ પર રહ્યું તે વાત પણ નહોતી કરી શકતી તે અબોધ સ્ત્રી હતી ધર્મપ્રિય હતી પતિવ્રતા અને સેવા પારાયણ હતી. શરદ માટે એને અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં .આ રખડું અને નિરાશ પતિને તે પ્રેમથી રાખતી એને દિશાભૂલેલાને રસ્તો નિશ્ચિત કરી બતાવતી. કેટલીએ વાર તે અતિનો શિકાર પણ બની હતી.શરદને માટે તે એક તપસ્યા મય દેવી હતી તેની શ્રદ્ધાએ શરદને એક મહાન સાહિત્યકાર બનાવ્યો હતો.શ્રીકાંતનું પાત્ર તેના જેવું રઝળું છે. શ્રીકાંતનાં અનેક પાત્રો શરદની આજુબાજુ વિટળાયેલા જીવનનાં પાત્રો હતા.શ્રીકાંત લોકોએ વાંચી અને શરદને જ તેનું પાત્ર સમજી લીધું. શ્રીકાંત પુસ્તક માટે પણ તે મૂંઝવણમાં હતા તેને શંકા હતી અને આથી તેને પોતાના પ્રકાશક ને પણ લખ્યું હતું કે એકાંતની ભ્રમણકથા ખરેખર છાપવા જેવી લાગે છે?તેમને હજુ પણ શંકા હતી ,છતાં પણ છપાસે તો લોકો મને તેમાં શોધશે એની ખાતરી છે.આમ શરદ બાબુ લખતા મહેનત કરતા અને છતાંય પોતાની કૃતિઓ માટે થોડા મૂંઝવણમાં પણ રહેતા.
ધીરે-ધીરે રંગૂનમાં તેમનો જીવ લાગતો નહીં તેમણે તેમના મિત્ર હરિદાસ ચટ્ટોપાધ્યાયને પત્ર લખ્યો કે જો તમે ૩૦૦રૂપિયાની મને મદદ કરશો તો હું આવી શકીશ હવે એટલું જરૂર કરી શકીશ કે મારું દેવું એક વર્ષ જો હું જીવ્યો તો બધું ચૂકતે થઈ જશે અને પછી હું એક વર્ષની રજા મૂકી અને લખવાનું કાર્ય હાથે ધરીશ. તેમના મિત્રે તેમને ખરેખર રૂપિયા મોકલ્યા અને એ જ સમયે રંગૂન ઓફિસમાં તેમને એક ખરાબ અનુભવ થયો સુપ્રિટેન્ડન્સ મેજર બર્નાર્ડને એક ફાઈલની જરૂર પડી શરદ તે ફાઈલના શોધી શક્યા અને અંતે તે ફાયલ તેમના જ ખાનામાંથી મળી. તેમને ગુસ્સો આવ્યો અને તેમને શરદને ખૂબ માર માર્યો આ બંનેની તકરાર ને ફરિયાદ અધિકારી પાસે ગઈ અને તપાસ કરતાં ખબર પડી કે મેજરનો જ વાંક હતો અને આથી મેજર ને સસ્પેન્ડ કરાયો અને મેજર પાસેથી રૂપિયા ૯૦નો દંડ પણ થયો.આ રૂપિયા મેજર શરદને આપે એમ નક્કી થયું. આ આ પ્રસંગે શરદનું મન તૂટી ગયું .તેણે રંગુન છોડવાનો દ્રઢ નિર્ણય કર્યો શરીર પણ તેમનું સારું રહેતું ન હતું .એમણે રાજીનામું આપી દીધું એની એક વર્ષની રજા ચડેલી હતી તે રજા લઈને કલકત્તા જવા રવાના થઈ ચૂક્યા.બસ ત્યાર પછી ક્યારેય તેણે પાછું ફરીને બર્મા સામે જોયું જ નહીં . બર્મા છોડતાં પહેલાં તેના ત્રણ પુસ્તકો ૧૯૧૫ની બીજી ડિસેમ્બરે મજલી દીદી ત્યારબાદ ૧૯૧૬ની ૧૫મીજાન્યુઆરીએ પલ્લી સમાજ અને ૧૯૧૬ની બારમી માર્ચે ચંદ્રનાથ પ્રકાશિત થઈ ગઈ હતી.બસ હવે દિશાની શોધ જાણે પૂર્ણ થઈ હતી એવું શરદ બાબુ ને લાગતું હતું .
તેઓ પાછા કલકત્તા ફર્યા. આમ જીવનનાં અમુક વર્ષો તેમને રંગૂનમાં મિત્ર દોસ્તો અને મજબૂરીથી નોકરી માં ગાળ્યા . મિત્રો,આમ હવે શરદ બાબુ એક જાણીતા બંગાળના લેખક બની ગયા.આ શરદ સાહિત્ય એટલું વખણાયું કે તેના અનુવાદો અનેક ભાષામાં થયા હિન્દી ની આવારા મસીહા બહાર આવી અને ત્યારબાદ તેનો અનુવાદ હસમુખ દવે ગુજરાતીમાં કર્યો ગુજરાતી ભાષાનાં ચાહકોએ શરદ બાબુના જીવન વિશે એમાંથી ઘણું ઘણું મેળવ્યું હતું.
મિત્રો, આવતા અંકે તેમના જીવનમાંથી કંઈક નવું જૂનું શોધી આપ સમક્ષ સંક્ષેપમાં લઈને જરૂર મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ
૧૫/૧/૨૩
વિસ્તૃતિ…૪૪. *જયશ્રી પટેલ*
શરદબાબુ વિશે આવારા મસીહા દ્વારા ઘણી ઘણી માહિતી શ્રી વિષ્ણુ પ્રભાકરજીએ હિન્દી સાહિત્ય સમાજને આપી. તેને વાંચતા ગુજરાતી સાહિત્યમાં તેનો અનુવાદ કરી હસમુખ દવેએ ગુજરાતી સાહિત્યકારોને અભિભૂત કરી દીધાં. આપણે પહેલાંના અંશમાં ચરિત્રહીન વિશે જાણ્યું , મિત્રો આજે તેમના બે એવા અનાયાસે મળેલ
મિત્રોની મિત્રતા વિશે જાણીએ.
યમુના કાર્યાલયમાં સાહિત્યિક બેઠકો યોજાતી. તેમાં શરદબાબુને એ યુગના ઘણાં સાહિત્યકારો સાથે
પરિચય થયો.આમાના એક સાહિત્યકાર હતા હેમેન્દ્રકુમાર રાય. એ ફણીન્દ્ર પાલના સહાયક હતા. એક
દિવસ સમી સાંજે યમુના માટે આવેલી કૃતિઓને જોઈ તપાસી રહ્યાં હતા ત્યાંજ શરદબાબુનું આગમન થયું તેમણે ફક્ત આંખ ઉઠાવી દ્રષ્ટિ કરી, નિસ્તેજ ચહેરો,
દૂબળો દેહ, શ્યામ વર્ણ, પગમાં ચંપલ, માથા પર સૂકા વાળ તેં પણ વીંખાયેલા, આછી-પાતળી દાઢી, મેલા કપડાં અને સાથે એક દેશી ડાઘિયો કૂતરો તેઓ એ તેની સામે ઉપેક્ષાસહ પૂછ્યું,’ કોનું કામ છે?’
ઉત્તરમાં ફણીબાબુનો ઉલ્લેખ થયો તેથી તેમને એક પાટ પર બેસાડ્યા. મનમાં વિચાર્યું કે કોઈ પટાવાળો જ હશે. ખુરશીઓ તો સાહિત્યકારો ને શોભે.પાટ પર બેસવાનો ઇશારો કર્યો ને કામે વળગ્યા. જુઓ મિત્ર વેશ પહેરવેશ પરથી અનુમાન લગાવ્યું ને તેમણે આટલામોટા
લેખકને તિરસ્કૃત કર્યા. છતાં નિખાલસ શરદબાબુએ પણ પોતાની ઓળખ ન આપી. કૂતરો જ્યારે હેમેન્દ્રબાબુ પાસે પહોંચી ગયો અને એમનું ધોતિયું પકડવા લાગ્યો. એમણે છી…છી કરી મોં બગાડ્યું.
ત્યાં ફણીબાબુ આવી પહોંચ્યાં અને શરદબાબુને આમ પાટલી પર બેઠેલા જોયા તો બૂમ પાડી ઉઠ્યા ,” અરે, શરદબાબુ પાટલી પર કેમ બેઠા છો?
શરદબાબુએ હસતાં હસતાં હેમેન્દ્રબાબુ સામે આંગળી ચિંધી. ફણીબાબુએ શરદબાબુને ખુરશી પર બેસાડી ને તેમની ઓળખ હેમેન્દ્રબાબુને આપી. જે માણસને પટાવાળો સમજ્યા હતા તે એક મહાન લેખક હતાં. તે પછી તો હેમેન્દ્રબાબુ ને શરદ પાક્કા મિત્રો બની ગયાં. બધે જ સાથે ફરતાં ને સાહિત્ય માણતાં. જુઓ મિત્રો પોતાના માન અપમાન ખાતર ઝઘડ્યાં વિના શરદબાબુએ તેમાંથી એક મિત્ર શોધ્યો.
એવી બીજી મોટી વ્યક્તિ તેમની મિત્ર બની તે હતા ‘ભારતવર્ષ’ ના સંપાદક . સ્વનામધન્ય રાયબહાદુર
જલધર સેન. એકવાર તેઓ તેમના મિત્ર સાથે શરદબાબુને મળવા યમુનાની ઓફિસમાં આવ્યા. ફણીન્દ્રબાબુ તેમની ઓળખાણ કરાવા ગયા તો શરદબાબુએ જણાવ્યું કે દાદા સાથે મારી બહુ જૂની ઓળખાણ છે. આમ ન મોટાઈ ન અંહકાર ! તેમની વાતથી જલંધર સેનને નવાઈ લાગી. શરદબાબુએ તેમને
કુન્તીલ પુરસ્કાર પ્રતિયોગીમાં જીતેલી વાર્તા ‘મન્દિર’ વાર્તાનાં નિર્ણાયક હતા તે યાદ અપાવી.
જલધર સેનને યાદ આવતા નિખાલસતા કહ્યું કે ૧૫૦ વાર્તાઓમાં શ્રેષ્ઠ વાર્તા હતી કેમ ભૂલાય ? પણ તેના લેખક તો ભાગલપુરના શ્રીમાન સુરેન્દ્ર ગંગોપાધ્યાય હતા ને?
શરદે હસતાં હસતાં કબૂલ્યું એ વાર્તા મારી હતી પણ મારું નામ આપતા મને સંકોચ થતો હતો તેથી મેં મામાના નામે મોકલી હતી.
બસ તેમની નિખાલસતા જોઈ જલધર સેન બોલ્યા મારા માટે ગર્વની વાત છે .. તેમણે ત્યારે પણ આ હીરાને પારખી લીધો હતો.
આમ એક નવા પ્રગાઢ્ય મિત્ર જલધર સેન તેમને મળ્યાં.શરદ સાહિત્યનું સૌથી વધુ શ્રેય જલધર સેનને જ અપાય.
શરદબાબુએ ૧૯૩૩માં ખુદ સ્વીકાર્યું હતું કે દાદા જો તેમની પાછળ ગુરુની જેમ ન પડ્યા હોત કે લખાણ માટે તકાદા ન કર્યા હોત તો તેમના જેવા આળસુની અડધી કૃતિઓ તો શું ચોથાભાગની કૃતિઓ અપ્રકાશિત જ રહી ગઈ હોત.
મિત્રો, નિખાલસ લેખક અને અંહકાર રહિત ભોળા
ભંડારી હતાં શરદબાબુ . તેમના જીવનનાં ઉતાર ચઢાવ
વખતે મળેલા મિત્રોએ તેમને પ્રસિદ્ધિઓની ટોચ પર પહોંચાડ્યા હતાં.
મિત્રો, આવતા અંશમાં આપણે જોઈશું તેમના જીવનનું એક અગત્યનું પાસું જે ખૂબ જ સુંદરને રોમાંચિત
છે.તેમની દિશાની શોધ ધીરે ધીરે નજીક આવતી જતી હતી.
જયશ્રી પટેલ
૭/૧/૨૩
*વિસ્તૃતિ…૪૩* *જયશ્રી પટેલ*
ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે મિત્રો સત્યેન્દ્ર
નલિની પર સામાન્ય શુદ્ર વાત પર ક્રોધ કરી, રિસાયને તેનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી ચૂક્યો હતો. વળી ધીરે ધીરે નલિની અને સરલાની વચ્ચે તુલના કરી તેની અવગણના કરવા લાગ્યો.
એક દિવસ નલિનીનાં ભાઈને બોલાવી તેના પિયર વિદાય કરી દીધી સાથે તેની દાસી માંતગીને પણ વિદાય કરી. સત્યેન્દ્રને કોઈ દુઃખ નહોતું તે પોતાના અભિમાનને પંપાળી રહ્યો હતો મનને બહેલાવી રહ્યો હતો. માએ નલિનીને પાછી બોલવવા કહ્યું નહિતો કાશી જવાની ધમકી આપી તો તેણે માને જવા માટે વ્યવસ્થા કરવાની
વાત કરી માનું પણ અપમાન કરી નાંખ્યું!
બે ત્રણ મહિના પછી સત્યેન્દ્રને ખૂબ પસ્તાવો થયો. ક્ષણભર નલિની વગર ન રહી શકનારો સત્યેન્દ્ર છટપટવા માંડ્યો , નલિનીના પત્રની રાહ જોવા લાગ્યો. નલિની પણ શુદ્ર કારણે મળેલી સજા હવે ન સહી શકી.
મનમાં વિચારવા લાગી કે વાંક શું? હવે નહિ સહે. વાતને છ મહિના વિતી ગયા. સત્યેન્દ્રે નવા લગ્ન કરવાનો નિર્ણય કર્યો, એમ કરી તે નલિનીની સાથે ભયંકર અપમાન કરી બદલો વાળવા માંગતો હતો. માને આ વાત મંજુર નહોતી તે કાશીવાસ ઈચ્છતી હતી. તેણે પુત્ર પાસે ભીખ માંગી મને આ યાતનામાંથી મુક્ત કર. સત્યેન્દ્ર હવે પહેલાં જેવો સરલાનો પ્રેમાળ પતિ નહોતો રહ્યો કે ન તો તે નલિનીનો સમજુ પતિ રહ્યો હતો તે તો પ્રતિશોધની જ્વાળામાં બળતો એક પુરુષ હતો. આખરે પોતાનું ધાર્યું કરનારો અંહકારી પતિ બની ગયો. ત્રીજા લગ્ન કરી તે ગિરીબાલાને લઈ જ આવ્યો. મા પોતાના પતિ હરદયાલમિત્ર ને યાદ કરી રડી પડી , નલિની જેવી ગુણિયલ વહુને યાદ કરી વધુ અશ્રું વહેવા લાગ્યા. ગિરીબાલા મુહફટ હતી. અવિચારી વાણી હતી એની.
લગ્ન સમયે તે કાંઈ ન બોલી પણ પછી તે માનસન્માન ન રાખતી. તેઓની લગ્નની ફૂલસજ્જાની રાત્રે ગૃહિણીને મળવા કોઈ મોટા ઘરની ભેટ સોગાદ લઈ આવી પહોંચ્યું. ગૃહિણીએ તેમાંથી મિઠાઈ વહેંચી દીધી. બનારસની સાડી ને ઊંચા પ્રકારના મલમલના કોટ ને ધોતી , દર દાગીનાની ભેટ કોઈ મિત્રે મોકલી છે જાણી સત્યેન્દ્રને નવાઈ લાગી.
ઘરમાં ગુસરપુસર નોકર નોકરાણીઓ વાતો કરી રહી હતી, મહોલ્લાની સ્ત્રીઓ એ નલિનીને કુલક્ષણા કહી. આ સાંભળી ગૃહિણી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ. તેણે પુત્ર પાસે જીદ કરી નલિનીને બોલાવી મંગાવવા માટે.
આવેલી ભેટ સોગાદ જોતા સત્યેન્દ્રે ક્રોધિત થઈ તેનો ઇન્કાર કરી દીધો. મા દરવાજા બંધ કરી ગણગણતી રહી મારી પુત્રવધૂ કુલક્ષણા નથી. તેનું દર્દ સમજવા કોઈ નહોતું. માંતગી જ ભેટ લઈ આવી હતી તેને અંદર બોલાવી તેની પાસે નલિનીનાં હાલચાલ પૂછ્યા, તેમજ નલિની ને સત્યેન્દ્રના સામાન્ય ઝઘડામાંથી વણસેલી વાતની માહિતી આપી. ગૃહિણી પુત્ર સત્યેન્દ્રને માફ ન કરી શકી.તેની નજર બનારસની સાડી પર પડી. ખૂબ કિંમતી હતી પણ તેના પાલવે બાંધેલી ચબરખી ખોલી. વાંચતા ને અક્ષર ઓળખતા સત્યેન્દ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે નલિનીની ચિઠ્ઠી હતી. ગિરીબાળાને લખી હતી અને સત્યેન્દ્ર સાથે સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. ગિરીબાળાને નાની બેન ગણી ઘણી સરસ ભેટ મોકલી હતી. સત્યેન્દ્ર તે રાતે સૂઈ ન શક્યો તેનો ત્રીજો વિવાહ બોજ બની ગયો.
બે ચાર મહિના વિતી ગયા ને એક દિવસ ટપાલી એક પાર્સલ આપી ગયો. જેમાં એક વિંટી હતી અને એક પત્ર હતો. નલિનીનો ને એક પત્ર તેનાંભાઈ નરેન્દ્રનો હતો.
પવિત્ર ગંગા જેવી સતી જેવી નલિની મૃત્યું પામી હતી. તેણે સત્યેન્દ્રની આપેલી વિંટી ગિરીબાળા માટે પાછી મોકલી હતી. સત્યેન્દ્રને શીખ મોકલી હતી મારી નાની બેન ને દુઃખ ન પડે તે માટે સલાહ સૂચન કર્યા હતા.
સત્યેન્દ્રને હવે પસ્તાવો થઈ રહ્યો હતો, મા તો આ સમાચાર જાણી કાશી પ્રયાણ કરી ગઈ હતી. સત્યેન્દ્ર એક બોજ ભરી જીવન વંઢોરી રહ્યો હતો. તે સમાજ જેવો
કઠોર વિચાર શૂન્ય ધરાવતો સામાન્ય માનવી બની ગયો હતો.
મિત્રો , કરુણાંત ભરી આ વાર્તામાં સત્યેન્દ્ર દ્વારા અહમને દર્શાવે છે તો નલિની દ્વારા ધીરજ ને સહનશક્તિ
સહીને સ્વમાન ને દર્શાવે છે. એક નાનો મનભેદ કેવો બોજ બની જાય તે આ વાર્તાનું મૂળ કથન છે.
આવતા અંકે ફરી કંઈક નવીન શરદબાબુ વિશે તેમના આલેખન ને બંગાળી સમાજને સ્પષ્ટ આલેખતી વાર્તા વિશે જાણીશું.
(સંપૂર્ણ)
અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૧/૧૨/૨૨
વિસ્તૃતિ…૩૮ જયશ્રી પટેલ
વિષ્ણુ પ્રસાદજીની આવારા મસીહામાંથી અને અનુવાદક શ્રી.હસમુખ દવે દ્વારા મળેલી શ્રી શરદચંદ્રના જીવનની અવનવી વાતો આપની સમક્ષ સંક્ષેપમાં રજૂ કરતા આનંદ અનુભવું છું .
મિત્રો, શરદબાબુના ભટકન પછી શાંતિનાં મૃત્યું પછી તેમના જીવનમાં બીજી કોઈ સ્ત્રી પ્રવેશી શકી નહોતી. હા ,સમાજ અને સમાજના લોકો તેને માટે ખૂબ જાતજાતની વાયકાઓ કરતાં કોઈકે કહ્યું હતું કે તે કોઈ નીચ જાતિની સ્ત્રી સાથે રહે છે ,તો કોઈ કહેતું તેનું નામ વિરાજ વહુ છે ,તો કોઈ કહેતું ના ના એનું નામ નયનતારા છે , તો વળી કોઈ કહેતું ના ભાઈ ના એનું નામ તો શશી તારા છે .કેટલાય ભદ્રલોક પોતાની જાતને એને અભદ્ર કહીને એ બાજુ જતા નહીં ,તો કેટલાક જતા તેના ઘરની બેઠકમાં જ બેસી નીકળી જતાં, ઘણાંને તો લાગતું કે ઘરની સજાવટ તો સ્ત્રીનાં હાથની જ છે ,પણ કોઈ ઘરમાં ડોકાવાની હિંમત કરતું નહીં. માઘોત્સવનો પર્વ આવતા ભજન કીર્તન માટે મૃદંગની જરૂર પડી એક ભજન ગાનારે કહ્યું કે શરદને ત્યાં મૃદંગ છે ત્યાંથી લઈ આવીશ .
જે લેવા આવ્યો હતો તે પણ પહેલીવાર આવ્યો હતો .તેણે શરદને પૂછ્યું કે મૃદંગ કોઈ આપી જશે કે ઉચકશે ?એવો પ્રશ્ન કર્યો ત્યારે રસોડામાંથી કોઈ સ્ત્રીનો કટાક્ષયુક્ત અવાજ સંભળાયો ,”જે લેવા આવ્યો છે તેને મૃદંગ ઉપાડવા માટે અન્ય કોઈની સહાયતાની શી જરૂર પડી ભલા ? આમ તો અવાજ સાંભળી અવાચક જ રહી ગયો . ના ,હા કર્યા વગર મૃદંગ લઈને ચાલ્યો ગયો .આ સ્ત્રી એટલે મોક્ષદા અને શરદચંદ્રની બીજીવારના પત્ની જેને તેવો હિરણ્યમયી કહેતા .
શાંતિ પછી બર્મામાં તેમના જીવનમાં ત્રણ વ્યક્તિ પ્રવેશી .જેમાની પહેલી વ્યક્તિ આ હિરણ્યમયી હતાં. નિર્દોષ સુખ આપનારા શુદ્ધ કંચન જેવા અંતરથી ઉજવળ . હિરણ્યમયીના પિતા કૃષ્ણદાસ અધિકારી બંગાળથી કમાવા જ પુત્રી સાથે રંગૂન આવ્યા હતા. ધીરે ધીરે શરદના પરિચયમાં આવ્યા .દીકરી મોક્ષદા માટે મુરતિયો શોધવાનું કામ શરદ પર આવી પડ્યું .આ કામ સફળ ન જ થયું. પત્તો ન જ ખાધો કોઈ મુરતિયાનો!આખરે તેમણે શરદને લગ્ન કરી લેવા કહ્યું ,પણ શરદનું અંતર મન શાંતિ પછી ક્યાંય લાગતું નહોતું જ .
તે અરસામાં શરદબાબુ ખૂબ બીમાર પડ્યા અને મોક્ષદાએ દિવસ રાત્ર તેમની સેવા કરી તેના પિતાએ તેને કહ્યું કે જો તમે મોક્ષદા સાથે નથી પરણવા માંગતા. તો થોડા રૂપિયા ઉધાર આપો. હું તેને દેશમાં લઈ જઈ પરણાવી દઉં મને ત્યાં એક જણ ઓળખે છે અને તૈયાર પણ છે .બે દિવસમાં તો શરદે મોક્ષદા સાથે લગ્ન કરી લેવાની તૈયારી બતાવી. ખૂબ જ સાદાયથી બંને પરણી ગયા કાયદાથી નહીં પણ અંતર મનથી બંને એકબીજાના થઈ ગયા.
શરદબાબુના જીવન મૂલ્યો ફરીથી બદલવા લાગ્યા. ફરી તેના મનમાં સૌંદર્ય ભાવના જાગી ,પ્રેમના ફૂલોથી ઘર મહેક્યું .એને પુસ્તક પર પ્રેમ હતો , તો પશુ પક્ષી પર પણ પ્રેમ હતો એ પ્રેમ ફરી જાગૃત થયો. આંગણામાં હિરણ્ય મયીએ તુલસી વાવી અને પાઠ પૂજા શરૂ થઈ .
સૌપ્રથમ એક મૈના પાળી હતી .તેને પ્યારથી ભૌના કહેતા હતા .શરદબાબુને તે મૃત્યુ પામી અને જાણે દિકરી મૃત્યુ પામી હોય તેવું દુઃખ થયું .ત્યારબાદ એક સિંગાપુરી કાકા- કૌવા પાળ્યો એનું નામ પાડ્યું બાટૂ બાબા .શરદ એ તેને બોલતા શીખવ્યું . રાત્રે વારંવાર ઊઠી તેને જમાડતો .એને માટે તો એણે ચાંદીનો સ્તંભ અને સોનાની સાંકળ, સ્પ્રિંગ વાળું ગોદડુ આ બધું તૈયાર કરાવ્યું ,રેશમી તકિયા અને ઓઢવાનું અને મચ્છરદાની ની વ્યવસ્થા કરી રાત્રે સાંકળ છોડી દેતો તો તે સ્તંભ પરથી નીચે ઉતરી મચ્છરદાનીની અંદર જઈ તકિયા પર માથું મૂકી સુઈ જતો. આ બાટૂ બાબા જેટલો સુંદર વ્હાલો હતો તેટલો બદમાશ પણ હતો. શરદબાબુ તેની ચાંચ ચૂમતા તો તે ગળગળો થઈ તેના ગાલ ઉપર પોતાનું મોઢું રગડતો .તે કંઈ નવા માણસને ઘરમાં ન પ્રવેશ કરાવા દેતો .એકવાર નોકરાણી ઘી ચોરી લઈ જતી હતી તો તેને સાંકળ તોડી તેની પર હુમલો કર્યો હતો તેને બચકાભરી ઘાયલ કરી દીધી હતી . એટલી વારમાં કામવાળી બાઈ પકડાઈ પણ ગઈ શરદના હાથે.
મૃત્યુ તો નક્કી જ હોય છે તેમ બાટૂ બાબા પણ મરી ગયો અને શરદની જિંદગીમાં ફરી અંધકાર છવાયો બહુ સમય ઘરમાં પુરાઈ રહ્યો તેની સોનાની સાંકળ જ તેને ગળામાં ફાંસો દઈ ગઈ હતી .તેના શોકમાં તો તે શોકાકૂળ ને નિરાશ બની ગયો .બાળક ગુજરી ગયો હોય તેટલો તેને શોક લાગ્યો હતો.
એકવાર કૂતરો પણ પાળ્યો તે દેશી ખુંખાર અને બિહામણો હતો અને અસભ્ય પણ .કોઈ ફકીરે હિરણ્ય દેવીને કહ્યું હતું કે આ કૂતરો ઘરે લઈ જાવ અને પાળો તમારું નસીબ ખીલી ઉઠશે ખરેખર નસીબ ખીલી ઉઠ્યું તે પણ કૂતરાને લીધે ! હિરણ્યમયીએ તેનું નામ “બંસી વદન” પાડ્યું હતું પરંતુ શરદે તેનું નામ રાખ્યું હતું. “ભેલી” આ કૂતરાને પણ શરદ ખૂબ પ્રેમ કરતો હતો.
મિત્રો ,આમ શરદ બાબુની જિંદગીમાં હિરણ્યમયી સાથે સાથે પશુ પંખીઓએ આનંદ અને પ્રેમની લહેરખી પ્રસરાવી .પોતાના વ્હાલા પશુ પંખીનાં મૃત્યુનો ખેદ પણ એમને એટલો જ રહ્યો.
મિત્રો,આવતા અંકમાં કંઈક આવી જ નવીન વાતો કરીશું અને જાણીશું શરદબાબુ વિશે.
અસ્તુ,
જયશ્રી પટેલ.
૧૩/૧૧/૨૨
*વિસ્તૃતિ….૩૬*. જયશ્રી પટેલ
શ્રી વિષ્ણુ પ્રભાકર અને ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવે દ્વારા આપણે શરદબાબુની કેટલા નજીક પહોંચી ગયા છીએ! તેઓના જીવનનાં એક એક પાસા આપણે જાણી રહ્યા છીએ . આ જીવન સંઘર્ષમય તો હતું જ પણ તેઓ એક વૈરાગી પુરુષ પણ હતા.
એક બાજુ શરદબાબુ બર્મા એટલે કે રંગૂન જઈને બેઠા હતા અને ત્યાં અવારનવાર કંઈક ને કંઈક નવું અનુભવી રહ્યા હતા. જે તેમના જીવનનું એક ઊંડું પાસું હતું. શરદબાબુ દિશાહીન થયા તો ત્યાં તેઓ કોઈ આસ્તિક નહોતા તેઓ પોતાની જાતને નાસ્તિક કહેતા અને ઈશ્વર પ્રત્યેની કોઈપણ રુચિ તેમને નહોતી અને ઈશ્વર છે જ નહીં તેવું પણ કહ્યા કરતા. તેમને ખૂબ વ્યસન હતા તેમનું મન વૈરાગી થઈ ગયું હતું છતાં બધાં દુર્ગુણોની સામે એક સદગુણ હતો વાંચનનો ઘણું ઊંડાણપૂર્વક સમાજ વિજ્ઞાન યૌન વિજ્ઞાન ,ભૌતિક વિજ્ઞાન તેમજ તત્વજ્ઞાન એવું ઘણું બધું વાંચન ધરાવતા. વાંચતા જ નહીં પરંતુ મિત્રો સાથે તત્વજ્ઞાન પ્રત્યે ખૂબ ચર્ચા કરતા. તેઓ રંગુનનાં રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી રામકૃષ્ણાનંદના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે તત્વજ્ઞાનની ચર્ચાઓ કરતા તેઓ નાસ્તિક હતા પણ ઈશ્વરની શોધ પણ તેમને કરવી હતી . તેઓના રંગુનના રહેઠાણ દરમિયાન તેમણે પ્લેગ જેવા મહારોગનો પણ ખૂબ સામનો કરવો પડેલો. આમાં તેમણે પોતાના મિત્ર અને પોતે પણ પ્લેગનો સામનો કરી પોતાનું જીવન સવાર્યું હતું . શરદએ ત્યાં પ્લેગમાં ઘણાં સાથીદાર મિત્રો ગુમાવ્યા હતા અને આથી તે ખૂબ જ નિરાશ થઈ ગયાં હતા.
રંગુનમાં તેમણે ત્યાંની પ્રસિદ્ધ લાઇબ્રેરી બર્નાર્ડના એક એક પુસ્તકોને વાંચી કાઢ્યા હતા. Tolstoy તેમના પ્રિય લેખક હતા ખાસ તો તેમને અન્ના કેરેનિના અને રિસરેક્શનના પ્રિય લેખક તરીકે પ્રેમ કરતા. તેમના પુસ્તકો તેમને પચાસથી વધારે વાર વાંચ્યા હતા.
જ્યારે હંમેશ માટે તેમને રંગૂન છોડ્યું ને ત્યારે તે કહેતા હતા રંગુનનું મને એક જ આકર્ષણ છે અને તે છે બર્નાર્ડ લાઇબ્રેરી ,કલકત્તાની ઇમ્પીરિયલ લાઇબ્રેરીમાં મને આટલી છૂટ નથી મળતી જે મને અહીં મળી.આ સમયે તેઓ ચારિત્રહીન તો લખતા જ હતા જેની ભારતમાં જ શરૂઆત થઈ હતી આપણે જોયું હતું કે ચરિત્રહીનનો નાયક સતીશ હોસ્ટેલમાં રહેતો હતો તેવી જ રીતે શરદબાબુ પણ બર્મામાં હોસ્ટેલમાં જ રહેતા હતા અને ત્યાં મિત્રોના હાસીને પાત્ર પણ થયા હતા, કારણ દિવસ આખો નોકરી કરી રાત્રે તેઓ લેખન કાર્યકર્તા મેસમાં રહેતા રહેતા બગચંદ્ર ડે ડે તેમના ખાસ મિત્ર બની ગયા હતા , પણ તેઓ પણ તેમને પ્લેગમાં છોડીને ચાલ્યા ગયાં હતા . તેમના ગયા પછી શરદ સાવ એકલા પડી ગયા અને વૈરાગી મન વધુ વૈરાગ્ય તરફ ઢળવા લાગ્યું .
એક દિવસ પોતે જ્યારે નોકરી પરથી પોતાના ઘરમાં પાછા આવ્યા હતા ત્યારે તેમનું ઘર અંદરથી બંધ મળ્યું .ત્યાં તેમના ઘરમાં તેમના જ ઇમારતમાં રહેતી ચક્રવતી મિસ્ત્રીની દીકરી શાંતિ પિતાના ડરથી તેમના શરણે આવી હતી .તેના પિતા તેને એક વૃદ્ધ વ્યસની પુરુષ સાથે પરણાવી રહ્યાં હતા . શરદચંદ્ર પોતે તે સ્ત્રીને પોતાના ઘરે રાખી રાત બહાર રહ્યાં .બીજે દિવસે તેના પિતા યજ્ઞેશવર મિસ્ત્રી પાસે ગયા સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમાં તે માણસ સમજ્યો જ નહીં અને ઉપરથી શરદચંદ્ર ને તેમની દીકરી સાથે પરણી જવાનું આહવાન આપ્યું .શરદચંદ્ર ત્યાંથી ચાલ્યા ગયા ,બીજે દિવસે આવી તેમણે શાંતિ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને આ તેમના પહેલા લગ્ન હતા. શાંતિ સાથે તેઓ બે વર્ષ ખૂબ જ શાંતિથી રહ્યાં અને એક બાળકનાં પિતા પણ બન્યા .ભગવાનને મંજૂર ન હતું તેમના જીવનમાં સંઘર્ષ અને સંઘર્ષ જ લખાયેલો હતો. આથી એક દિવસ શાંતિ પ્લેગનો ભોગ બની ગઈ ખૂબ પ્રયત્ન છતાં ના બચી પહેલાં પ્રેમમાં તેઓ ઘણું પામ્યા હતા અને શાંતિના ગયા પછી તેઓ ખૂબ જ દુઃખી થયા જીવન તેમનું છિન્નભિન્ન થઈ ગયું . પીંછી સુકાઈ ગઈ ,સાહિત્ય સર્જન અલોપ થઈ ગયું અને પાગલની જેમ આમથી તેમ ભટકવાનું ચાલુ થઈ ગયું તે દરમિયાન જ પ્લેગના સકંજામાં સપડાઈને પુત્ર પણ મૃત્યુ પામ્યો .શરદ બાબુ હારી ગયા મિત્રોએ સલાહ આપી કે ક્યાંક બહાર ફરી આવ જેથી મનને કંઈક સારું લાગે.
આમ બર્મામાં તેમને સ્ત્રી તો મળી પણ બે વર્ષ જ તેની સાથે જીવન માણી શક્યા સંઘર્ષનો કોઈ અંત નહોતો ! હવે શું કરવું અને શું ન કરવું ના વમળમાં શરદ બાબુ બધું છોડી કંઈક ને કંઈક કાગળમાં ચીતર્યા કરતા જે શું હતું તે તેમને જ ખબર ન હતી હવે ઈશ્વર કંઈક મદદ કરે તો સારું એવી મનોભાવના સાથે તેઓ બર્મામાં ઘણું ફર્યા મિત્રો આમ વિષ્ણુ પ્રભાકરજી અને શ્રી હસમુખ દવે ના ગુજરાતી અનુવાદ દ્વારા જેટલું શરદબાબુની નજીક પહોંચાય તેટલું આપણે પહોંચવાનો પ્રયત્ન કરીશું.આ જે ભટકન હતું તેમાંથી જ શ્રીકાંત જેવી નવલકથા આપણને મળી.
મિત્રો, ફરી આપણે શરદબાબુની આગળની જીવન કથની વાંચીશું તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું .
અસ્તુ ,
જયશ્રી પટેલ.
૩૦/૧૦/૨૨
વિસ્તૃતિ….37 જયશ્રી પટેલ
વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહા જ્યારે મેં વાંચી ને તે પછી મને શ્રી હસમુખ દવેનો ગુજરાતી અનુવાદ પ્રાપ્ત થયો તો હું ખૂબજ ખુશ થઈ. એ પુસ્તકની વધુ નજીક જાણે પહોંચી ગઈ. અહીં સંક્ષેપમાં રજુ કરું છું.
બર્મા જવા નીકળેલ શરદબાબુના જીવનમાં પડેલા ઘણા સંઘર્ષો જાણવા મળ્યા ખરેખર તેઓ જ્યારે કલકત્તા છોડી રંગૂન જઈ રહ્યાં હતા ત્યારે નાની પતરાની ટ્રંક લઈને વહાણમાં બેસવા ગયાં હતાં,ત્યાં તેમને લાંબી લચક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું અને ત્યાં મેડિકલ ચેકઅપ કરાવવું પડ્યું હતું કારણ ભારતમાંથી પ્લેગ બર્મા ગયો હતો. તેઓને માંડ માંડ બેસવાની જગ્યા મળી હતી. પરંતુ આખા વહાણમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અનેક સ્ત્રી-પુરુષો બર્મા જઈ રહ્યાં હતાં , જાણે એવું લાગી રહ્યું હતું કે તેઓ ભારત દર્શન કરી રહ્યાં છે .તેમને બર્મા પહોંચતા ચાર દિવસ લાગ્યાં હતાં .
શરદ બાબુ માટે આ નવો જ અનુભવ હતો તેમાં એક દિવસ સમુદ્રમાં તોફાન પણ આવ્યું,મોટા મોટા મોજાં વહાણ સાથે અથડાતાં હતા .લોકો જોર જોરથી ચિત્કાર કરતા હતાં.લોકોને વહાણમાં સીકનેસ શરૂ થઈ ગઈ હતી. ખૂબ ઉલટીઓ થતી ,ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ડોક્ટરે આવી દવા અને સફાઈ કરાવી હતી. નવા અનુભવ સાથે શરદબાબુ રંગૂન પહોંચ્યા હતા .જેમ જેમ રંગૂનનુ બંદર નજીક આવતું હતું તેમ તેમ સંભળાવવા લાગ્યું કવોરોંટીન થવું પડશે. બધાં મુસાફરોને કવોરોંટીન કરી અને પછી શહેરમાં દાખલ કર્યા .
ત્યારબાદ તે એક હોટલમાં રહ્યાં અને પછી માસા અઘોરનાથને ત્યાં પહોંચ્યા .તેમની હાલત તો જાણે ભિખારી જેવી જ થઈ ગઈ હતી .મેલા દાટ ફાટેલાં કપડાં , પગમાં તૂટેલી ચંપલ અને ખભા પર ફાટેલી ચાદર ,અસ્તવ્યસ્ત વાળ ,શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું. માસા અઘોરનાથને જોઈને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માસા અઘોરનાથ તેની હાલત જોઈને ગભરાઈ ગયાં,તેને કહ્યું કે તે મારું નામ કેમ ન દીધું તું મહા મૂર્ખ છે ભલભલા લોકો મારી ઓળખ આપીને છટકી જાય છે .અઘોરનાથ ત્યાં એક જાણીતા એડવોકેટ હતા તેઓ ખૂબ જ મુક્તમનના હતા. તેમને ત્યાં શનિવારે ઘર પાર્ટી યોજાતી તેમાં ખાવા પીવાનુ તથા સંગીતની મહેફીલ જામતી .સર્વ ધર્મ જાતિનાં લોકો ત્યાં આવતા.માસા માસી એ તેમનું પ્રેમપૂર્વક અને ઉમળકાથી સ્વાગત કર્યું. ભાગલપુર અને ભવાનીપુરમાં જે અપમાન અને અવહેલના સહી હતી તેને બદલે અહીં પ્રેમ મળ્યો.
તેને બર્મી ભાષા શીખવી પડશે જો કાયદાનો અભ્યાસ કરવો હોય તો, એવી સલાહ માસાએ આપી.ત્રણ મહિના પછી શરદને બર્મા રેલવેની ઓડિટ ઓફિસમાં નોકરી મળી ગઈ .તે માસીની દીકરીને સંગીત પણ શીખવાડતા. હવે તેમને લાગ્યું હતું કે દુઃખનાં દિવસો વીતી ગયાં. બર્મી ભાષાની પરીક્ષા તે પાસ ન કરી શક્યા અને તેની નોકરી છૂટી ગઈ અને તેથી તે વકીલ ના બની શક્યા. તેમના પ્રેમાળ સ્વભાવને કારણે ત્યાં બંગાળી સમાજમાં તેમણે ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો .તેમનું સંગીત સાંભળવા અઘોરનાથને ત્યાં અનેક ભદ્ર બંગાળી લોકો આવતા .તેમાં ગિરીન્દ્રનાથ સરકાર સાથે તેને સારા સંબંધો બંધાયાં. તેઓ વિશેવપ્રવાસી હતાં. ખૂબ જાણકાર હતાં.તેમની સાથે ખૂબ સાહિત્યક ચર્ચા પણ થતી.
એક દિવસ માસી દીકરીનું લગ્ન નક્કી કરવા કલકત્તા ગયાં હતાં અને ત્યાં અઘોરનાથ ન્યૂમોનિયામાં પટકાયા. રાત્ર દિવસ જોયા વગર શરદે માસાની તનતોડ સેવાચાકરી કરી ,પણ એ ના બચી શક્યા .ફરી એકવાર તે નિરાધાર થઈ ગયા. અઘોરનાથના મૃત્યુ પછી તે ઘણાં વ્યક્તિઓને મળ્યા,ઘણાં અનુભવો પણ મેળવ્યા પણ દિશા ભૂલેલા વ્યક્તિ જેવા તેઓ બની ગયા.આજે તે રંગૂન હોય કે કાલે પૈંગુ માં ,વળી કોઈ વાર ઉત્તર બર્મામાં તે બૌદ્ધ સાધુ બનીને ઘણું ફર્યા ,પણ આવું ક્યાં સુધી ચાલે પોતાના ભાઈ બેન નિરાશ્રિત મૂકીને આવ્યા હતા.
તેથી તેણે એક્ઝામિનર પબ્લિક વર્કસ એકાઉન્ટની ઓફિસમાં 30 રૂપિયાની નોકરી પણ સ્વીકારી લીધી.
ત્યાં તેમની મણીન્દ્રકુમાર મિત્ર સાથે મુલાકાત થઈ .તેઓને તેના ગીતો ખૂબ ગમતા શરદ પર તેમને ખૂબ સ્નેહ હતો.તેઓને લાગતું કે શરદના કંઠમાં અલોકિક માધુર્ય છે .બરમામાં એક પછી એક અનેક નોકરીઓ બદલી વચ્ચે વચ્ચે બેકારી પણ આવી જતી. આ બેકારીનાં સમયમાં તે વાંસળી વગાડતા, શતરંજ રમતાં,શિકાર કરતાં,ક્યારેક ક્યારેક ભગવા વસ્ત્રોને શરણે પણ જતા પૌંગી બૌદ્ધ સાધના વેશમાં એની ચીર પરિચિત અને દિશાહીન યાત્રામાં નીકળી પડતા.જ્યારે થાકી જતા ત્યારે રંગૂન પાછા આવી જતાં.છેવટે તેમને મિત્ર મહોદયની કૃપાથી સ્થાયી નોકરી મળી ગઈ .પગાર પંચાસ રૂપિયા જો કે ત્રણ મહિના પછી સંતોષજનક કામને લઈને 65 રૂપિયા થયો હવે તેમનું સ્થાયી જીવન શરૂ થયું અને પગાર ₹90 રૂપિયા સુધી પહોંચી ગયો.
મણીન્દ્રનાથ મિત્ર સાથે જ રહેતા.બંને જણા સંગીત અને તત્વજ્ઞાનની ચર્ચા કરતા તે મિત્ર મહોદાયના બાળકોને પણ સંગીત શીખવાડતા બર્મામાં તેં સરકારી નોકરી કરતા માટે તેને ત્યાં બેંગોલ સોશિયલ ક્લબમાં પણ મેમ્બરશીપ મળી ગઈ .ક્લબના સભ્યો માટે મુખ્ય ગીત ગાયક થઈ ગયા.એમના મધુર કંઠે રવીન્દ્રનાથના ગીતો સાંભળી શ્રોતા ખુશ ખુશ થઈ જતાં.રંગુનમાં ત્યારે એક વાર શ્રી નવીનચંદ્ર પધાર્યા હતાં .બેંગાલ ક્લબમાં તેમના સન્માન નિમિત્તે શરદને ગાવાનું કહેવામાં આવ્યું અને શરદે પડદા પાછળ રહી ગાયું. ત્યારે તે નવીનચંદ્રને મળ્યા નહીં બહુ જ આગ્રહ છતાં પણ તે નવીનચંદ્રની સામે હાજર થતા નહીં કારણ સમજાતું નહીં .એકવાર કંઈ કામને અર્થે તેઓ નવીનચંદ્રના ઘરે પહોંચ્યા ત્યારે ન્યાયાધીશ શ્રી યતીન્દ્રનાથ સરકાર ત્યાં હાજર હતા શરદ આ જોઈને ઊભી પૂછડિયે ભાગી ગયા હતા .શ્રી નવીનચંદ્ર સેનના ત્યાં ત્તેમને જવું પડ્યું ત્યારે તેમણે કહ્યું કે હું તમારી ચાતકની જેમ રાહ જોતો હતો ,પણ શરદચંદ્રે તેમના પુત્ર નિર્મળ ચંદ્રના વખાણ કર્યા અને કહ્યું તે જો પહેલા ગાશે તો જ હું ગાઈશ .એ સમયે રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામી રામકૃષ્ણનંદ પણ ત્યાં હાજર હતાં. તેમણે કહ્યું કે નિર્માણચંદ્ર, શરદચંદ્ર અને નવીનચંદ્ર બધા જ હાજર છે ,પણ મારે તો શરદ સુધા પાન કરવું છે .ત્યારે પણ ત્યારે પણ તેમણે ગાયું નહીં અને નિર્મળ ચંદ્ર પાસે ગવડાવ્યું ,ત્યારબાદ જ તેમણે ગાયું .નવીનચંદ્ર ભાવવિભોર થઈ ગયા અને તેમને *રંગૂન રત્નનો* ખિતાબ આપ્યો .શરદચંદ્ર આ ખિતાબ પચાવી શક્યા નહીં કે સાચવી શક્યા નહીં .ઉપેક્ષા અને અભિમાન્ય કારણે એક દિવસ એમણે કંઠનું માધુર્ય ગુમાવી દીધું અને ધીરે ધીરે સંગીત પ્રત્યે તેમને અરુચિ થઈ આવી .ક્યાંય પણ પહેલું ગીત ગાતા અને તેઓ અધૂરું મૂકીને ભાગી જતા .બીજું ગાવાનો તો પ્રશ્ન ઊઠતો જ નહીં ,પરંતુ એનો બીજો એક છુપાયેલો શોખ હતો વાંચન કોને ખબર હતી કે આ શોખ તેમને માટે ઊંચો શોખ બની જશે તેમના આ વારંવાર નાસી જવા કે ગાયબ થઈ જવા પાછળ એક અદભૂત લેખકની મૌન સાધના હતી .જે આપણને અમૂલ્ય શરદ સાહિત્ય આપી ગઈ .
મિત્રો આવતા અંકમાં ફરી આપણે શરદબાબુ વિશે નવું કંઈક જાણવાનો પ્રયત્ન કરશું.
અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૩/૧૦/૨૨