માઈકોફ્રીક્શન વાર્તા(68)”સાવચેતી”–વિનોદ પટેલ,સાન ડીએગો –

રમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.

જો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.

રમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.

પડીને ઉભા થયેલા રમેશની નજીકમાં એની વ્હીલચેર ખેંચી લાવીને એણે રમેશને કહ્યું :

“અંકલ, આર યુ ઓ.કે. ! બસ આ રીતે જ  આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો !”

માઈક્રોફિક્શન …(69) દિવ્યાંગ–વિનોદ પટેલ,સાન ડીએગો

– 

સોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.

કોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને  એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.

આ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે  અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.

કોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.

મનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.

વિકલાંગએ કહ્યું “બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો? મારી દયા ના ખાશો”

મહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :”ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી છૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો ! “ 

–વિનોદ પટેલ,સાન ડીએગો 

 

જીવનની જીવંત વાત …….(9).વિનોદ પટેલ

બેઠક”નો આ મહિનાનો વિષય છે “જીવનની જીવંત વાત “

વિનોદ પટેલના શબ્દોમાં…

એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …

અમેરિકાના આ ઝાકમઝોળ અને વૈભવી વાતાવરણમાં જિંદગીનો બાકીનો નિવૃત્તિકાળ હું માણી રહ્યો છું ત્યારે મારા અમદાવાદના રહેવાશ દરમ્યાન મારા ચિત્તના ચોપડામાં જડાઈ ગયેલું નજરે જોએલું ગરીબાઈનું એ વરવું ચિત્ર હજુ એવું ને એવું મને સ્પષ્ટ યાદ છે.

આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં મારી જોબમાંથી નિવૃત્તિ લઈને મને વ્હાલા અમદાવાદને રામ રામ કરી હું કાયમ અમેરિકામાં વસવાટના ઈરાદા સાથે કેલીફોર્નીયામાં આવી સ્થાયી થયો એ વખતની આ વાત છે.એ વખતે હું અમદાવાદ શહેરના નારણપુરા ચાર રસ્તા પાસે આવેલી શંકર સોસાયટીમાં શિવકૃપા બંગલામાં સપરિવાર સુખેથી રહેતો હતો.દરરોજ સવારે ૧૦ વાગે જમીને રોડ પર આવી રીક્ષા પકડીને આશ્રમ રોડ પર નાનાલાલ ચેમ્બર્સમાં આવેલી મારી કંપનીની ઓફિસે જોબ પર જતો હતો.રીક્ષામાં બેસી ૧૦ કે સાડા દસ વાગે જોબ પર જવાનો અને સાંજે ૬ કે ૭ વાગે જોબ પરથી ઘેર પરત આવવાનો નિત્ય ક્રમ રહ્યો હતો.

રીક્ષામાં જતી-આવતી વખતે રસ્તા ઉપર રોજ સવાર થી સાંજ સુધી શહેરના માણસોની જીવાતી જિંદગીનાં દ્રશ્યો પર મારી નજર ફરતી રહેતી.ઘેરથી નીકળું એટલે થોડે આગળ રોડ પર જાઉં ત્યારે રસ્તાની જમણી બાજુ નવરંગ હાઈસ્કુલ આવતી હતી. આ હાઈસ્કુલની બરાબર સામે રસ્તાની ડાબી બાજુએ એક ખુલ્લું ઉજ્જડ મેદાન હતું. આ મેદાનમાં ગરીબ શ્રમજીવી વર્ગના માણસો કામ ચલાઉ ઝુંપડાં બનાવીને રહેતાં  હતાં.આખો દિવસ જ્યાં મળે ત્યાં મહેનત-મજુરી કરી રાત્રે પાછા આવીને આકાશની છત નીચે એ ખુલ્લા મેદાનમાં તૂટેલ ખાટલી કે નીચે પથારી કરી નિંદ્રા દેવીને આધીન થઇ રોજનો થાક ઉતારતાં હતાં.

એક દિવસ રીક્ષામાંથી મેં જોયું તો આ મજુર વર્ગ જ્યાં વસતો હતો એ ખુલ્લા મેદાનમાં ઓફિસો માટે બહુમાળી મકાન બાંધવા માટે કોન્ટ્રાકટરના માણસો પાયા ખોદી રહ્યા હતા.એ મેદાનમાં જે મજૂર કુટુંબો રહેતાં હતાં એ રસ્તાની સામે બાજુ નવરંગ હાઈસ્કુલના કંપાઉંડની તારની વાડ અને ડામરના રોડ વચ્ચે જે સાંકડી જગાની પટ્ટી રહેતી હતી ત્યાં પોત પોતાની ઘર વખરીનો સામાન લઇ આવી ગયાં હતાં . એટલી નાની સાંકડી જગામાં ગોઠવાઈ જઈ, કપડું ઢાંકીને કામચલાઉ છાપરા જેવું બનાવી દીધું હતું. આ ગરીબ લોકો બદલાયેલી પરિસ્થિતિમાં એડજસ્ટ થઈને જે રીતે જીવી રહ્યાં હતાં એ રોજ નજરે જોઇને મારા દિલમાં અનુકંપા જાગતી હતી.

થોડા સમય પછી ખુલ્લા મેદાનની જગામાં જ્યાં પહેલાં આ મજુરો સુખેથી રહતાં હતાં ત્યાં એક ભવ્ય ઉંચી ઓફિસો માટેની બહુમાળી ઈમારત ઉભી થઇ ગઈ હતી અને એની બિલકુલ સામેની બાજુ બિચારો આ ગરીબ વર્ગ કપડાંથી કે અન્ય રીતે બનાવેલ આડશો અને કામચલાઉ છાપરીઓમાં સાંકડ માંકડ એમની રોજની જિંદગી બસર કરી રહ્યાં હતાં.

દરરોજ રીક્ષામાંથી ઓફિસે જતાં આવતાં મારી નજર આ ગરીબ વસ્તીના જીવાતા દૈનિક જીવનનાં દ્રશ્યો પર અચૂક જતી હતી ત્યારે હું કદાચિત આવાં દ્રશ્યો જોતો હતો.

ઇંટોથી બનાવેલા ચુલા ઉપર શ્રમજીવી મહિલાઓ રોટલા શેકી રહી છે અને એમને અડીને કે એમને પકડીને એમનાં નગ્ન કે અર્ધ નગ્ન નાનાં બાળકો ઉભાં રહ્યાં છે. શેકાઈ રહેલા રોટલા તરફ આ બાળકો એકી નજરે જોઈ રહ્યાં છે.બિચારાં કદાચ ભૂખ્યાં થયાં હશે ! સવારના સમયે કેટલાક માણસો નજીક આવેલા જાહેર નળમાંથી બાલદીમાં પાણી ભરી લાવીને શરમને નેવે મુકીને ખુલ્લામાં બિન્દાસ સ્નાન કરી રહ્યા છે, તો કોઈ મહિલા શરમ ઢાંકવા માટે ખાટલો આડો કરી એના પર કપડું ઢાંકી એની આડશે કામચલાઉ બાથરૂમ બનાવી સ્નાન કરી રહી છે !સવારના સમયે પથારીઓ રાતના અંધારામાં આકાશની છત હેઠળના ખુલ્લા શયન ગૃહની ગાભાઓની બનાવેલી ગંદી પથારીઓના લબાચા થપ્પીબંધ ગોઠવાઈ ગયા છે. સાંકડી જગા છે એટલે એનો બને એટલો વધુ સારો ઉપયોગ કરવાની એ લોકોની નેમ દેખાઈ આવે છે.

બાજુમાં એક ચુલા ઉપર એલ્યુમીનીયમની તપેલીમાં એક મહિલા ચા ઉકાળી રહી છે અને એની આજુબાજુ સવારની ચાના જે ભાગે આવે એટલા ઘૂંટ ભરી લેવા પુરુષ મજૂર વર્ગ આતુરતાથી ચૂલાની નજીક ગોઠવાઈ ગયો છે.એમનાં કેટલાંક ભુલકાંઓ નજીકના ડામરના રોડની પહોળાઈનો લાભ લઇ એની પર દોડા દોડી કરી રહ્યાં છે. મારી રીક્ષા જ્યારે ત્યાંથી પસાર થાય એટલે દોડીને રોડની એક બાજુ દોડી જાય છે.મને લાગ્યું કે આ અર્ધનગ્ન નિર્દોષ બાળકોની સલામતીની જરૂર ભગવાન દેખરેખ રાખતો હશે નહિતર એ રોડ ઉપર રોજ કેટલાં બધાં વાહનોની અવર જવર રહેતી હતી અને આ બાળકોની એની ક્યાં કદી પરવા હતી !

વૃદ્ધ ડોશીઓ નાનાં બાળકોને કુખ કે કાખમાં લઈને રમાડી એમને ભાગે આવેલી ફરજ નિભાવી રહી છે જ્યારે હાડકાંના માળા શા ઉઘાડા શરીરે ટૂંકી ફાટેલી પોતડી સંકોરતા એક ડગુ મગુ ખાટલીમાં બેસીને બીડી કે ચલમનો દમ મારી રહ્યા છે .એ જોઇને મને એમ લાગે કે પોતાનાં બધાં દુખોના ધુમાડાને ગળે ઉતારીને અને બહાર હવામાં ફેંકીને આ ડોહા જાણે કે હળવા થઇ રહ્યા ન હોય !

દરરોજ ઓફિસે જતાં આવતાં મારી રીક્ષામાંથી આવાં તો કેટલાંએ  દ્રશ્યો હું જ્યારે જોતો ત્યારે મને થતું કે એક બહુમાળી ઈમારતની નજીકમાં જ એની ઓથે જીવતી કે જીવવા કોશિશ કરતી એક ગરીબ વસાહતનું આવું જીવન એ તો કઈ જીવન કહેવાય !


વિનોદ પટેલ , સાન ડિયેગો, કેલીફોર્નીયા.                

છબી એક, સ્મરણો અનેક –….વિનોદ પટેલ

 

લગ્નોત્સુક કન્યા ….અછાંદસ 

10988296_10152835078559842_2816535904507271234_n

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,
આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.
 
વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં, 
યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,
આ દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,
છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.
 
મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,
સુખ-દુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં, 
માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,
પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.
 
કેવી રહેશે નવી જિંદગીની એ નવી મજલ?
પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?
આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?
 છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.
 
સૌ સારું વાનું જ થશે એવી મહેચ્છાઓ સાથે,
દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે, 
આજે તો ઉભી છે આ લગ્નોત્સુક કન્યા, 
આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.
 
વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા  
 

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી-(10)…… વિનોદ પટેલ

જુના નાટકોમાં એક ગીત ગવાતું “એક સરીખા દિવસો બધાના સદા જાતા નથી “ .સમાજમાં પણ બધું એક સરખું હમેશાં રહેતું નથી .સમયે સમયે માણસોના પહેરવેશ ,જીવવાની રીતી નીતિ-ફેશન ,સોચ, સમજ  વિગેરેમાં ફેરફારો સદા થતા જ રહે છે.જે લોકો આજે વૃદ્ધ થયા છે એમને જૂની આંખે ઘણું નવું નવું જોવા મળતું હોય છે .નવી પેઢીને જે સામાન્ય જીવનનો એક ભાગ લાગે છે એ જૂની પેઢીને મન વરણાગીપણું લાગે છે.એમની જૂની સોચ સમજ પ્રમાણે એ નવી પેઢીના પોશાક ,રહેવાની રીત ભાત, નવી ફેશનો વિગેરેની ટીકા કરતા જોવામાં આવે છે .જેવું માનસ એવો જ માણસ.

આવી વિચારસરણી ધરાવતા ઘણા જૂની પેઢીના માણસોની સ્થિતિ કુવામાંના દેડકા જેવી હોય છે.જુના માણસો જો એમના જુના આગ્રહોને વળગી રહે અને સમય પ્રમાણે એમની વિચાર સરણીમાં જો ફેરફાર ના કરે તો તેઓ એકવીસમી સદીની નવી પેઢીના સભ્યોમાં માન ગુમાવે એ સ્વાભાવિક છે.સમયનો તકાજો છે કે વૃદ્ધ જનોએ હવે  સમય પારખી એમનું રૂઢીચુસ્ત વલણ અને જુના આગ્રહો છોડીને નવા જમાના પ્રમાણે થોડા નવા ફેરફારો પણ અપનાવી લેવામાં કોઈ વરણાગીપણું નથી.

આવી સોચ સમજ આજુબાજુના વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે .અમેરિકામાં જે સામાન્ય લાગતું હોય એ ભારતના કોઈ ગામડાના લોકોને વરણાગીપણું લાગે.દાખલા તરીકે અમેરિકામાં ઘણી બહેનો ગરમ ઋતુ હોય તો પોશાકમાં બદલાવ લાવી હાફ પેન્ટ પહેરે છે. હવે જો તમે ભારતની મુલાકાત લો અને પુષ્કળ ગરમી પડતી હોવા છતાં ભારતના કોઈ ગામમાં હાફ પેન્ટ પહેરીને બહેનો ફરે તો એને લોકો ત્યાં વરણાગીપણામાં ખપાવે અને ટીકાઓ પણ થાય .

મારા એક અનુભવની એક વાત મારી એક સત્ય કથા ઉપર આધારિત વાર્તા બેકટેરીયામાં મેં કરી છે. અમારા પાટીદાર સમાજમાં ઘણા વર્ષો પહેલાં બાળ લગ્નોનો રીવાજ પ્રચલિત હતો.છોકરો ભણીને એન્જીનીયર થાય પણ એની પત્ની કન્યા કેળવણીના ફેલાવાના અભાવને લઇ વહેલો અભ્યાસ છોડી મા-બાપને ખેતી અને ઘરકામમાં મદદ કરતી હોય .આ વાર્તામાં એક ભાઈ ભારતમાં એન્જીનીયર થઈને અમેરિકા જઈ ત્યાં મહેનત કરી સ્ટોર ચલાવે છે. ત્યાં ગયા પછી એની અભણ પત્નીને અમેરિકા બોલાવે છે.

ગામથી એકાએક અમેરિકાના જુદા જ વાતાવરણમાં આવેલી ગામડાની આ ગોરી દસ વર્ષમાં તો અહીની રીત ભાત જોઈને પતિની મદદથી એની બોલી,પહેરવેશ અને રીત ભાતમાં અદભૂત બદલાવ અપનાવી લઈને “સંતુ રંગીલી” નાટકમાં આવે છે એમ જલ્દી  ઓળખાય નહી એવી “અમેરિકન મેડમ “બની જાય છે.

દસ વર્ષ પછી પતી-પત્ની-  દિલીપ અને રક્ષા એમનાં બે બાળકો,પાંચ વર્ષની બેબી અને દોઢ વર્ષના બાબાને લઈને એમનાં મા-બાપ અને સ્નેહીજનોને મળવા એમના ગામ જાય છે.સ્વાભાવિક રીતે ગામનાં સગાં અને ફળીયાનાં માણસો એમના ઘરે એમને મળવા આવે છે.અમેરિકા ગયા પહેલાં ગામમાં રક્ષાનું નામ રૂખી  હતું. ફળીયામાંથી એક ઘરડાં વિધવા ડોશી મંછી મા દિલીપના દોઢ વર્ષના બાબાને રમાડવા માટે એમના હાથમાં આપવા એને કહે છે. ત્યાં રક્ષા દોડતી આવી દિલીપને કહે છે “ હની, બાબાને મંછીમાને ના આપીશ , એમના ગંદા શરીરનાં બેક્ટેરિયા બાબાને લાગી જશે તો એ સીક થઇ જશે .”

મંછીમા અભણ જરૂર હતાં પણ જમાનાને પચાવી ગયેલાં કોઠા ડાહ્યાં હતાં.તેઓ રક્ષાના ભાવ સમજી જાય છે અને એમનાથી કહ્યા વિના રહેવાતું નથી: “અલી,રુખલી,અમેરકા જઈને આવી એમાં તો બહુ બદલી જઈ ! ગાંમમાં હતી તારે માંથે ભેંસોનાં છાંણ ઉપાડી કાદેવ ખૂંદતી ખૂંદતી  ભાગોળે આવેલા ઉકરડે નાંખવા જતી’તી એ ભૂલી જઈ ! એ ટાણે તારાં આ બેક્ટેરિયાં ચ્યાં જ્યાં તાં !આંમ તમારું મૂળ ભૂલી જઈ પરદેશનાં મડમ ના બની જઈએ મારી બઈ !” આ પ્રસંગે રક્ષાએ જે વર્તાવ કર્યો એને ગામ લોકો એનું વરણાગીપણું માને તો એમાં નવાઈ નથી .

નવી પેઢીએ જૂની પેઢીની સંવેદનાઓને ઠેસ ના પહોંચે એની કાળજી અને સમજ રાખી સમય ,સંજોગ અને સ્થળ પ્રમાણે વર્તાવ કરવો જઈએ.આધુનિકતા કોઈવાર આછકલાઈ બની ના જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધું પ્રમાણસર અને મર્યાદામાં હોય તો જ શોભે છે. કોઈ પણ વાતનો અતિરેક વર્જ્ય છે.

ભાઈ સાક્ષર ઠક્કરએ કાકાને વરણાગી બનાવી દીધા તો બિચારાં કાકીએ શું ગુનો કર્યો ! કાકીને પણ ન્યાય મળે એટલે “ ઓ કાકી તમે,થોડાં થોડાં થાઓ વરણાગી “ કાવ્ય રચવાની મને પ્રેરણા થઇ.

સુ.શ્રી પ્રજ્ઞાબેનના ફોન ઉપરના આગ્રહથી આ રચના મોકલવાનું શક્ય બનાવ્યું એટલે એમનો આભારી છું.

મૂળ ગીત- ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ ગણસુંદરી(૧૯૪૮)

 

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં, થાવ વરણાગી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

નવી ફેશનોની ધૂન જુઓ કેવી બધે લાગી !

તમે પણ અપનાવો ફેશન , બહુ નહી તો થોડી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

કાકા થયા વરણાગી, શું કામ તમે ના થાઓ વરણાગી,

સ્ત્રી સમાનતાનો આ યુગ છે એ ના જાઓ તમે ભૂલી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

કિચનમાં બહુ રાંધ્યું , ખુબ ખવડાવ્યું બધાંને હેતથી,

કોઈક વાર રેસ્ટોરંટ જવાનું પણ રાખો, કાકાને તાણી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

સાડીનો એક ધારો પોશાક છોડો, પેન્ટ લો પહેરી,

નવી પેઢી સાથે ચાલો હવે કદમ સે કદમ મિલાવી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ભગવાને આપ્યું છે,વાપરો ગમતી ખરીદી કરી,

કરકસર બહુ કરી, હવે દાન પણ કરો મન ખોલી ,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ઘરકૂકડી ના બનો ,જુઓ દુનિયા છે કેવી નિરાળી,

કોમ્પ્યુટર શીખી લો, દુનિયાની ઉઘડી જશે બારી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

લખો,વાંચો,સભાઓ ગજાવો,છોડો ચાડી કે ચુગલી,

વિશ્વમાં આજે નારી શક્તિ જુઓ કેવી ગઈ છે જાગી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ચંપલ છોડો,કદીક ઉંચી એડીના શુઝ લો પહેરી,

ધ્યાન રાખજો ,પડીને દાંત નાંખો ના તોડી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

જગત બદલાયું ,માટે સદી પુરાણા આગ્રહો દો છોડી,

ખોટી શરમ છોડો,કાકા થયા વરણાગી ઓલરેડી,

ઓ વ્હાલાં કાકી, તમે પણ થાઓ થોડાં વરણાગી.

 

વિનોદ પટેલ , સાન ડીયેગો, કેલીફોર્નીયા

ગમતાંને ગમતું ….. વિનોદ પટેલ

​મિત્રો હોળી આવે તે પહેલા આપણાં સર્જકો ગમતાનો ગુલાલ કરી પોતાનો ગુલાલ ઉછાળી રહ્યા છે.​જયશ્રીબેનની કાવ્ય રચના વાંચી  ​વિનોદ કાકાને  પણ એક કાવ્ય રચવાની પ્રેરણા થઇ. રચના આ રહી .​મિત્રો તો ચાલો કરીએ ગમતા નો કરીએ ગુલાલ……

ગમતાંને ગમતું  …..   વિનોદ પટેલ

ઓ પ્રભુ, તારી લીલા કેટલી છે, અપરંપાર,

તારાં ગમતાંને તેં કેટલું ગમતું દીધું છે.!

કીડીને કણ અને હાથીને મણ એ રીતે ,

સૌને યોગ્ય આપી, કોઈને અન્યાય ના કરી ,

તારાં ગમતાંને તેં ગમતું બધું દીધું છે   !

મળ્યા પછી માણસો ભલે બન્યા સ્વાર્થી,

એની દરકાર ના કરી , બધાંને માફ કરી,

બસ તેં તો ગમતાંઓને ગમતું જ દીધું છે.

અગણિત ઉપકારો છે તારા અમ પર ,

વંદીએ તને કર જોડી રોજ હૃદય-ભાવથી ,

કેમકે તારાં ગમતાંને તેં ગમતું દીધું છે !

અર્પણ કરું આ કાવ્ય સૌ ગમતાંઓને,

અરજ કરુ એને માણજો ,ગમતું કરીને !

વિનોદ પટેલ

https://vinodvihar75.wordpress.com/ 

શુભેચ્છા સહ…(8)વિનોદ પટેલ

 

શુભેચ્છા શબ્દ બે શબ્દોનો બનેલો છે – શુભ + ઇચ્છા . કોઈના પ્રત્યે સારી ઈચ્છા રાખો અને એને વ્યક્ત કરો એટલે શુભેચ્છા દર્શાવી એમ કહેવાય.

દરેક વ્યક્તિની શુભેચ્છા વ્યક્ત કરવાની નીતિ રીતી જુદી જુદી હોય છે.શુભેચ્છા એ પ્રેમ જેવી એક પ્રકારની હૃદયની લાગણી છે. હૃદયનો ભાવ છે.એ એક જાતનું પવિત્ર ભાવનું ઝરણું છે જે દરેકના હૃદયમાં વત્તા ઓછા અંશે વહેતું રહેતું જ હોય છે.

પૂજ્ય મુની ચિત્રભાનુની એક જાણીતી કાવ્યરચનાની આ બે પંક્તિઓમાં હૃદયનો કેટલો સુંદર ભાવ વ્યક્ત  થયો છે !…                મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

                   શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શુભેચ્છા અનેક માધ્યમો દ્વારા વ્યક્ત કરી શકાય છે. અન્યોન્ય મળીને વાણીથી, વડીલોને પ્રણામ જેવા શારીરિક હાવભાવથી,ઇન્ટરનેટમાં ઈ-મેલથી, આવી રીતે બ્લોગમાં કાવ્ય કે લેખ લખીને વિગેરે અનેક રીતે શુભેચ્છાઓ  પાઠવવામાં આવે છે .

દિવાળીના જેવા સપરમા પર્વ નિમિત્તે  સદીઓથી સગાંઓ, વ્હાલાંઓ, મિત્રો એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને અન્યોન્યની પ્રેમની લાગણીને બહાર લાવે છે.

ઋગ્વેદમાં એક ખૂબ જાણીતો શ્લોક છે :

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः’ 

જેનો અર્થ છે આખી દુનિયામાંથી જે શુભ અને સુંદર વિચારો છે તે દરેક દિશાઓમાંથી અમારામાં આવો.!

દરેક મનુષ્યે પોતાના જીવનને દીપોત્સવીના પર્વ જેવું પ્રકાશમય, આનંદ અને ઉલ્લાસભર્યું બનાવવા માટે એ જરૂરી છે કે એણે એના  ઈષ્ટદેવની આરાધના કરતી વખતે વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠ, સારૃં, સર્વોત્તમ છે એની મંગળ કામના કરવી પડે જે ઉપરના શ્લોકમાં સરસ વ્યક્ત કરવામાં આવી છે .આવી ઉન્નત ભાવનાઓ વ્યક્ત કરવી એ આપણી ભારતીય સંસ્કૃતિની એક દેન છે જેને જાળવી રાખવાની આપણી ફરજ બને છે.શુભેચ્છા વ્યક્ત કરીને જો આપણે કોઈના જીવનમાં ખુશી અને કોઇના હોઠો પર ફક્ત સ્મિત લાવી શકીએ તો પણ એ એક મોટી સેવા છે. એમાં જીવનની સાર્થકતા છે.આપણા વેદો અને પુરાણોમાં ઋષિ મુનીઓએ દરેક પ્રસંગોએ બીજાઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ વ્યક્ત કરવાનું શીખવ્યું છે. વડીલો દ્વારા દરેક શુભ પ્રસંગોએ અપાતા આશીર્વાદ એ શુભેચ્છાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. આવા આશીર્વાદ મળે એના જેવો આનંદ બીજો શું હોઈ શકે !નીચેના શ્લોકમાં જુઓ, આપણા ઋષિ મુનિઓએ કેટલી સુંદર શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી છે !                                                          સર્વે ભવન્તુ સુખીન 

સર્વે સન્તુ નિરામયા:  

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

મા કશ્ચિદ દુ:ખ માપ્નુયાત્  

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

 

કવિ ઉશનસે પણ એમના એક કાવ્ય “ નુતન વર્ષ શાંતિ –સૂક્ત” માં આવી જ ભાવના રજુ કરી છે .

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;

સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,

વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

જીવનની દરેક નવી સવાર નવી આશાઓ લઈને ઉગતી હોય છે . આખા દિવસ દરમ્યાન માણસ પોત પોતાના નિયત કામકાજ માં વ્યસ્ત રહે છે .રાત પડે એટલે એ નિંદ્રા દેવીના શરણે જપીને નિશ્ચિંત બનીને સુઈ જાય છે .એક રીતે એ એક પ્રભુ શરણું પણ બને છે .જ્યારે એ ઘસઘસાટ સુએ છે ત્યારે જાણે કે એ મૃત દશામાં હોય છે .જ્યારે સવારે જાગે છે ત્યારે એક નવા દિવસ માટે એનો ફરી જન્મ થાય છે .

આપણને સવારે જીવતા ઉઠાડવા માટે અને એની આ રોજના જન્મ-મરણની અદભુત લીલાઓ માટે ભૂલ્યા વિના પ્રભુનો પાડ માનીને આપણું રોજ બરોજનું કામ કરીએ તો કેવું સારું ! આપણા ઉપર અનેક ઉપકારો કરનાર કૃપાળુ પરમાત્મા ઉપર આટલી આભારવશતા તો આપણે જરૂર બતાવી શકીએ ..

અંતે, આ દીપોત્સવી-નવા વર્ષ નિમિત્તે જેની રચના થઇ એ મારું એક શુભેચ્છા કાવ્ય પ્રસ્તુત કરી આ લેખ પૂરો કરું છું.

 

નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ

 

સમય સરિતા હંમેશ વહેતી જ રહેતી,

જૂની યાદો પાછળ મૂકી વર્ષ એક થયું પસાર

આવી ઉભા એક નવા વર્ષને પગથાર.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

ખામીઓ, કમજોરીઓ હોય એ દુર કરીએ

નકારાત્મકતા છોડીને ,સકારાત્મક બનીએ.

નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,

નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,

નવું વર્ષ હળીમળી પ્રેમથી સૌ ઉજવીએ,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

 

સૌને સ્નેહી મિત્રોને નવા વર્ષની અનેક પ્રેમભરી શુભેચ્છાઓ .

વિનોદ પટેલ ,સાન ડીયેગો , કેલીફોર્નીયા

‘’સુખ એટલે ‘’-(4)વિનોદ પટેલ

vinod patel પ્રિય પ્રજ્ઞાબેન ,
“શબ્દોનું સર્જન ” બ્લોગ માટે ખાસ તૈયાર કરીને  સુખ-દુખ વિશેની મારી એક
કાવ્ય રચના સૌ પ્રથમ આપને મોકલું છું. મને આશા છે આપને અને વાચકોને
એ ગમશે।
સાર, સસ્નેહ,

સુખ – દુખ નું  કાવ્ય ….. વિનોદ પટેલ 

જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ
ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે
ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે
પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે.  
   
જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જોવાય છે
તો ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.
સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે
જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે
દુખના અંધકારમાં આભમાં તારાઓ દેખાય છે
તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે
સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે
દુઃખમાં તારાઓ  ભાવી સુખની નિશાની છે .
 
જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે 
 સુખ યા દુખ  એ જીવન સિક્કાની બે બાજુ છે
 
સુખી થયા , ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.
દુખી થયા , દુખ ના કરો, દુખ પણ કાયમી નથી. 
વિનોદ પટેલ , સાન ડીયેગો, કેલીફોર્નીયા  

વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક- વિનોદ પટેલ

 

સુખ એટલે શું ?અને વરિષ્ઠ નાગરિકનું સુખ-તે જાતે નર્યા​-​

સપ્ટેમ્બર મહિના ​આ બન્ને ​વિષય છે ને આવરી લેતો લેખ

​-​

 

વૃધ્ધાવસ્થા યા ઘડપણ એ દરેક મનુષ્યના મરણ પહેલાંનો જીવનનો આખરી તબક્કો છે.જીવનની મુસાફરીનું એ આખરી સ્ટેશન છે . જુવાનીની વસંત ભોગવ્યા પછી આવતી વૃદ્ધાવસ્થા એટલે કે જીવનની પાનખરમાં જીવન વૃક્ષ ઉપરથી પાકેલાં પીળાં પાન એક પછી એક એમ ખરતાં જાય છે .એટલે તો આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ દુખી હૃદયે ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “

સો વરસનું આરોગ્યમય સાદું,સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગી રવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “. વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ઘડપણ આવે એ પહેલાંથી જ માણસ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે છે એટલે એ વૃદ્ધ કહેવાય છે . શરીરથી એ ભલે વૃદ્ધ દેખાતો હોય પણ મનથી તો એ યુવાન હોય છે .

વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સાઠ વર્ષ કે એની આજુબાજુની ઉમરે બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ,હૃદય રોગ –બાયપાસ સર્જરી અને છેલ્લે તબક્કે સ્મૃતિ નાશ એટલે કે અલ્ઝાઈમર જેવા ડરામણા લાગે એવા રોગોના લીસ્ટમાંથી એક કે વધુ રોગો સામે ટકવાનું હોય છે . આવા વખતે વૃદ્ધ માણસ ઘણીવાર મનથી ભાંગી પડતો જોવામાં આવે છે અને ડીપ્રેશનનો ભોગ બનીને દુખી થતો અને બીજાંને પણ દુખી કરતો હોય છે. ઘડપણમાં દુખો ભોગવીને , રીબાઈને મૃત્યુ પામવાનો ભય ઘણાંને સતાવતો હોય છે.આવા બધા જીવનના અંતિમ સમયે મન ઉપર કાબુ રાખવા માટે વૃદ્ધોએ સકારાત્મક  વલણ અપનાવવાની ખાસ જરૂર ઉભી થાય છે.

જેનું શરીર અને મન છેક સુધી સાથ આપે છે એવા જુજ સદભાગી માણસો જીવનની બાજી જીતી લઈને વિદાય થાય છે .જે માણસો યુવાનીનો સમય ભવિષ્યના કોઈ પણ પ્રકારના આયોજન વિના વેડફી મારે છે , પુર આવવાનું છે એમ જાણ્યા છતાં વહેલાસર પાળ નથી બાંધતા ત્યારે પાઘડીનો વળ છેડે એમ વૃધાવાસ્થામાં દુખી થતા હોય છે .આપણે ત્યાં રવિશંકર મહારાજ , મોરારજીભાઈ દેસાઈ , વિદ્યા વાચસ્પતિ કે,કા .શાસ્ત્રી જેવાં અનેક ઉદાહરણો છે જેમાં આવા મહાનુભાવોએ જીવનની છેલ્લી પળ સુધી શારીરીક માનસિક અને આત્મિક સુખ ભોગવી, લોકો માટે કામ કરતાં કરતાં એમનું જીવન દીપાવીને વિદાય થયા છે અને અમર થઇ ગયા છે . પૂજ્ય મહાત્મા ગાંધીની જો કરુણ હત્યા થઇ ના હોત તો ૧૨૫ વર્ષ જીવવા માટેનું એમનું પૂરેપૂરું આયોજન હતું.

ઘડપણમાં જુની આંખે ઘણા નવા તમાશા જોવાના હોય છે. આજની દુનિયામાં બધું ઝડપભેર બદલાઈ રહ્યું છે.જે સરતો રહે છે તેનું જ નામ તો સંસાર છે .”આ દુનિયા હવે પહેલાં જેવી રહી નથી “ એવી ફરિયાદ ઘણા ઘરડાઓ કરતા હોય છે. પરંતુ પરિવર્તનને પચાવવાની અશક્તિ દુખો ઉત્પન્ન કરે છે .ઘડપણ જેટલી શરીરની છે એટલી જ મનની અવસ્થા છે .

યુવાન પેઢીની પૈસા ખર્ચવાની અને બીજી લાપરવાઈઓ વૃદ્ધ મા -બાપને ઘણીવાર અકળાવતી હોય છે. ઘણા વૃદ્ધો એમના પરિવારો સાથે રહે છે એ બધાં જ કઈ સુખી નથી હોતાં . આ અવસ્થામાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે .ગમશે, ચાલશે , ફાવશે અને ભાવશે એવી મનોવૃત્તિ જો રાખવામાં ના આવે તો દુખી થવાના દહાડા આવે છે .વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી જૂની માન્યતાઓ અને આગ્રહો છોડવાનો અને એની સાથે સમાધાન કરી લેવાનો આ સમય છે .

બધા જ અણગમતા સંજોગોમાં મનનું સંતોલન રાખીને સકારાત્મક અભિગમ રાખવો એ જ સુખી થવાની ચાવી છે .આજે ઘણા વૃધ્ધો ભારતમાં તેમ જ વિદેશોમાં રહીને ત્યાંના જુદા પ્રકારના માહોલમાં પણ મન સાથે સમાધાન –સુમેળ સાધીને બ્લોગો અને અનેક પ્રકાશનોમાં લેખન વિગેરે સર્જન પ્રવૃતિઓ દ્વારા ઉમદા સાહિત્ય સેવા કરી રહ્યા છે તેમ જ એમની અન્ય મનગમતી પ્રવૃતિમાં પ્રવૃત્ત રહીને એમની જીવન સંધ્યામાં રંગો ભરી રહ્યા છે , ઘડપણના દિવસોને દીપાવી રહ્યા છે એ કેટલું શુભગ દ્રશ્ય છે ! એટલા માટે તો વૃદ્ધાવસ્થાને જીવનનો સોનેરી સમય કહેવામાં આવે છે .

જીવનના વિપરીત સંજોગોમાં પણ મળે ત્યાંથી હાસ્ય શોધી મનને રંજીત રાખવાની કળા જે વૃદ્ધ જાણે છે અને મનને પ્રફુલ્લિત રાખે છે એને સુખની પ્રાપ્તિથી બહુ છેટું પડતું નથી . તનનું બહુ સુખ ના હોય ત્યારે મનની સુખ સમૃદ્ધી જીવનને નવો આયામ આપવા માટે ખુબ કામ લાગે છે . નિયમિત ચાલવું, શરીરને માફક આવે કસરત કરવી, આધ્યાત્મિક ગ્રંથોનું વાચન , સત્સંગ અને મેડીટેશન વિગેરે વૃદ્ધાવસ્થામાં તન.મન અને આત્મા માટેનો પૌષ્ટિક ખોરાક બની શકે છે.

આના સંદર્ભમાં જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ ના પુસ્તક  ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંના એક પ્રેરક લેખ “ઘડપણ સડવા માટે નથી” માંથી કેટલાક અંશો એમના આભાર સાથે નીચે આપવાનું મન કરે છે .તેઓ લખે છે –

“ જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. .પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી.શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછી પાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી ,

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો.

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા .

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંશથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !

—- વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

 

રસાસ્વાદ-અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં-વિનોદ પટેલ

   vinod patel         અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં …. નરસિંહ મહેતા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સર્વ શ્રેષ્ઠ ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ શબ્દોમાં વર્ણન ના થઇ શકે એવી ભવ્ય હતી. એમના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણનું નામ અને સંકીર્તન જ એમના જીવનનું જાણે કે એક ધ્યેય બની ગયું હતું. એમનું આખું જીવન કૃષ્ણમય બની ગયું હતું જેની ઝાંખી આપણને એમનાં અનેક પ્રભાતિયા, રાસ, રસિક પદો વિ.રચનાઓમાંથી  થાય છે .

આશરે ૬૦૦ વર્ષ પહેલાંના રૂઢીચુસ્ત સમાજમાં જ્યારે મરજાદી લોકો હરિજનોને અડવું એ એક પાપ ગણતા હતા એવા સમયે એમની ઉચ્ચ નાગર કોમના રોષની જરાયે પરવા કર્યા વિના હરીજનવાસમાં જઈને ભજન કીર્તન કરનાર નરસિંહ મહેતાની ભક્તિ,આંતરિક શક્તિ અને હિંમતને સલામ કરવાનું મન થાય છે..

નરસિંહ મહેતાની હૃદય પૂર્વકની આરાધનાથી પ્રસન્ન થઈને શ્રી હરીએ એમના આ પ્રિય ભક્તના સામાજિક પ્રસંગો જેવા કે પુત્ર શામળ શા ના વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરું , પિતાનું શ્રાધ એમ અણીના સમયે હજરાહજૂર થઈને એમની લાજ રાખી હતી એ આપણે  જાણીએ છીએ .

કાવ્ય તત્વની દ્રષ્ટીએ નરસિંહ મહેતાના પદો એ આપણા સાહિત્યની એક ઉત્તમ વિરાસત સમાં છે . કૃષ્ણને પામવા માટેની ગોપીઓની વિરહ વ્યાકુળતામાં ભક્તિ રસની સાથે શૃંગાર રસ પણ જોવા મળે છે . ઘણા પદોમાં આપણને સારું જીવન જીવવાની શીખ પણ જોવા મળે છે .જેમ કે વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે . ગાંઘીજીના આ પ્રિય ભજનમાં નરસિંહ મહેતાએ સારા માણસ બનવા માટે કયા લક્ષણો જરૂરી છે એનો સરસ માર્ગ ચીંધ્યો છે . સુખ દુખ મનમાં ના આણીએ જેવાં પદોમાં એમણે કેટલો સરસ બોધ આપ્યો છે !

નરસિંહ મહેતાના ઘણાં પદોમાના ઊંડા ચિંતનથી તેઓ એક તત્વજ્ઞાની તરીકે આપણને જોવા મળે છે . સાધુસંતોનો સંપર્ક અને ભાગવતના વેદાંતની અસર નરસિંહના સર્જનમાં જોવા મળે છે. નરસિંહ મહેતાના આવા પ્રકારના જે અનેક પદો છે એમાંથી મને પસંદ નરસિંહ મહેતાનું અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં નામનું એક બોધદાયક અને ભાવ અને અર્થથી સભર પદ નીચે રજુ કર્યું છે .મને આશા છે મને  ગમ્યું એવું તમને પણ એ જરૂર ગમશે . આ પદમાં તત્વજ્ઞાનની સાથે સાથે  શ્રી કૃષ્ણને પામવા માટે શી શી જરૂરીઆતો છે એનો હરીનો ભક્ત નરસૈયો આપણને માર્ગ ચીંધે છે. આ પદનો મને સુજ્યો એવો એનો રસાસ્વાદ કરાવવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે .

 …. નરસિંહ મહેતા

અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં,તો યે અંતર રહ્યું છે લગાર

પ્રભુજી છે રે પાસે રે, હરિ નથી વેગળા રે ,આડો પડ્યો છે એન્કાર .

દિનકર રૂંધ્યો રે જેમ વાદળે રે ,મત્યુ અજવાળું ને થયો અંધકાર ,

વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે ,ભાનું કાંઈ દેખાયો તે વાર .

લોકડિયાની લાજું રે બાઈ ,મેં તો ના’ણીઓ રે,મેલી કાંઈ કુળ તણી મરજાદ ,

જાદવાને માથે રે , છેડો લઈને નાખીયો રે ,ત્યારે પ્રભુવર પામી છઉં આજ .

નાવને સ્વરૂપે રે , બાઈ ,એનું નામ છે રે ,માલમી છે એના સર્જનહાર ,

નરસૈયાનો  સ્વામી રે, જે કોઈ અનુભવે રે ,તે તો  તરી ઉતારે ભવ પાર .

ચાલો , હવે નરસિંહ મહેતાની આ એક સરસ રચનાનો દરેક ચાર કંડિકાઓ વાર રસાસ્વાદ કરીએ .

અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં,તો યે અંતર રહ્યું છે લગાર

પ્રભુજી છે રે પાસે રે, હરિ નથી વેગળા રે ,આડો પડ્યો છે એન્કાર .

શ્રી હરિને મેળવવા માટેના માર્ગમાં મનુષ્યે જેનો કોઈ અંત ન આવે એમ જુગો જુગ સુધી જન્મો જન્મ ફેરા કર્યાં પણ એનું કોઈ પરિણામ ના મળ્યું .હરિ અને એનું છેટું પડી ગયું . હરિ ના મળી શકયા . બધા જન્મો જન્મના ફેરા વ્યર્થ ગયા . આનું શુ કારણ એ અંગે આ આદ્ય કવી ખુલાસો કરે છે કે  પ્રભુને મેળવવા માટે દુર જવાની કોઈ જરૂર નથી  , એ કઈ આપણાથી છેટા નથી પણ આપણી નજીક જ એનો વાસ છે .આમ હોવા છતાં હરિને પામી શકાતું નથી એનું કારણ એ છે કે આપણામાં હું પદ , એન્કાર એટલે કે અહંકાર ઠાંસી ઠાંસીને ભર્યો છે . પ્રભુને મેળવવાના માર્ગમાં આ અહંકાર જ એક મોટું નડતર છે . ‘હું કરુ હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જ્યમ સ્વાન તાણે ‘’ માં પણ આ જ ભાવ છે . એટલે અહંકારને દુર કરવો એ જ એક માત્ર ઉપાય છે . ભક્ત કબીરે પણ એની એક સાખીમાં આવા જ  મતલબની જ વાત કહી  છે કે  જબ મૈ થા ,તબ હરિ નહી , …..પ્રેમ ગલી અતિ સાંકરી , તામે દો ન સમાહી .   એટલે કે જો મનમાં હું પદ હોય તો હરિ નથી , ભગવાનને પામવાની સાંકડી ગલીમાં હું અને હરિ નો સાથે સમાવેશ થવો મુશ્કેલ છે .

દિનકર રૂંધ્યો રે જેમ વાદળે રે ,મત્યુ અજવાળું ને થયો અંધકાર ,

વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે ,ભાનું કાંઈ દેખાયો તે વાર .

આકાશમાં જયારે વાદળોનો ઢગ છવાઈ ગયો  હોય છે ત્યારે થોડા સમય માટે દિનકર એટલેકે સૂર્ય વાદળાંના આવરણને લીધે જોઈ શકાતો નથી ,અંધારું છવાઈ જાય છે . જેવું વાદળોનું આવરણ હટી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ બધે જ ફેલાઈ જાય છે .કંઇક આવી જ રીતે મનુષ્યોમાં પડેલું મોહ,માયા , અહંકાર વી.નું જે આવરણ પડેલું છે એનાથી સૂર્ય રૂપી પરમાત્મા જોઈ શકાતા નથી. સૂર્યની જેમ માધવ તો યુગોથી હજરાહજૂર છે એને શોધવા જવું પડે એમ નથી .

કવિ કાલીદાસ એમની ઉપમાઓ માટે જાણીતા હતા. નરસિંહ મહેતા પણ ઉપમાઓનો સુંદર ઉપયોગ કરી જાણે છે . એમના આરાધ્યદેવ શ્રી કૃષ્ણને એમણે સ્વયં પ્રકાશિત દિનકર-સૂર્યની અને મોહ માયાના આવરણને વાદળોના આવરણો સાથે સરખાવીને કેવી કમાલ કરી છે ! શ્રી કૃષ્ણ એમની કૃપા રૂપી પ્રકાશ યુગો યુગોથી  જગત ઉપર સૂર્યની જેમ પાથરી રહ્યા છે . જો આ સ્વયમ પ્રકાશિત સૂર્ય જેવા માધવની ઝાંખી કરવી હોય તો એની આડે મોહ, માયા , અહંકાર રૂપી વાદળોનું આવરણ જે આ ઝાંખી કરવામાં નડતર રૂપ છે એને  દુર કરીએ ત્યારેજ એ  શક્ય બને અન્યથા નહિ .

લોકડિયાની લાજું રે બાઈ ,મેં તો ના’ણીઓ રે,મેલી કાંઈ કુળ તણી મરજાદ ,

જાદવાને માથે રે , છેડો લઈને નાખીયો રે ,ત્યારે પ્રભુવર પામી છઉં આજ .

આ પંક્તિઓમાં હરિભક્ત નરસૈયાના ગોપી હૃદયની ઓળખ મળે છે .એક ગોપી બનીને ગોપીઓને ઉદ્દેશીને તેઓ  ‘બાઈ ‘ નું સંબોધન કરતા કહે  છે લોકો શું કહેશે , કેવા મહેણાં મારશે એવી લોકલાજની બીકને લીધે મેં મારા પ્રીતમની મારા પ્રત્યેની પ્રીતની પરીક્ષા ના કરી , એને બરાબર નાણી ના જોયો . લોક્લાજનો પડદો આડે આવ્યો .ગોપીઓના હૃદયમાં  મિલનની તીવ્ર ઝંખના પડેલી છે એને આ લોક્લાજનો પડદો ક્યાં સુધી રોકી શકે ! તેઓ કહે છે મારા જીવતરનો છેડો મારા માથેથી મેં તો હરિને માથે જ નાખી દીધો અને એટલે જ મારા વ્હાલાએ એને અપનાવી લીધો અને એટલે જ હું આજે મારા પ્રભુવરને પામી છું.

નાવને સ્વરૂપે રે , બાઈ ,એનું નામ છે રે ,માલમી છે એના સર્જનહાર ,

નરસૈયાનો  સ્વામી રે, જે કોઈ અનુભવે રે ,તે તો  તરી ઉતારે ભવ પાર .

નરસિંહ વધુમાં ગોપી બનીને બીજી ગોપીને કહે છે કે હે બાઈ, મારા વ્હાલા હરિનું નામ જ ભવસાગર તરવા માટેની એક નાવને સ્વરૂપે હાજર છે . આ નાવનો માલમી એટલે કે એનો સુકાની આ જગતનો સર્જનહાર હરી છે એવો અનુભવ સૌ કોઈએ કરવાનો છે . એના નામ સ્મરણ વિના બીજો કોઈ આરો નથી .નરસૈયાના સ્વામી હરિનું નામ જ તમને આ ભવસાગર પાર કરાવશે. પ્રભુ  જાતે તરીને પણ આપણને તારશે .જે નાવનું સુકાન સર્જનહારના હાથમાં હોય તો પછી ચિંતા રાખવાની શી જરૂર છે . જીવન નૌકાને મારો સ્વામી પેલે પાર જરૂર લઇ જશે એવી મારા મનમાં અડગ શ્રધા છે .

વિનોદ પટેલ….સાન ડીયેગો, કેલીફોર્નીયા

પ્રેમ શુ છે ?.. વિનોદ પટેલ.

પ્રેમ શુ છે ?.. 

ખરેખર પ્રેમ શુ છે એ બહું ગહન સવાલ છે

પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની ચીજ છે

પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે

પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે

મનુષ્યને મન ગમતી એક ઉત્તમ લાગણી છે

બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે

પ્રેમનું બંધન એ એક મન ગમતું  બંધન છે

પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે

મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે

પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે

પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે

દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે

સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે

ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે

લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે

તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે

પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે

પ્રેમાંધ સુરદાસ સાપને રસ્સી માની છેતરાય છે

બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે

મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે

વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે

રામ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે

જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે

જેણે પ્રેમ કર્યો નથી એનું જીવન બેકાર છે

પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું  મુશ્કેલ છે .

વિનોદ પટેલ , સાન ડિયેગો ,કેલીફોર્નીયા