માઈક્રોફિક્શન વાર્તા …(13)અચંબો અને આઘાત !લેખક- વિનોદ પટેલ, સાન ડીએગો

મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.એમનો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કંપની માં જોબ મેળવી,ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસ માટે સ્વદેશ આવવાનો હતો.

યુવાન દિકરાના લગ્ન માટે માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.નાતની બે ત્રણ સારી દેખાવડી  સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું.

મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ વહુ-દિકરા સાથે ત્યાં સેટલ થઇ જાય.

સવારે વહેલાં ઉઠીને તેઓ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં. ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સાથે ભેટી પડ્યાં.

દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા હની, મીટ  માય પેરન્ટસ “

–વિનોદ પટેલ

“બેઠક” પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.

vinod patel“બેઠક” નો મારો અનુભવ …… 
 
ગુજરાતી ભાષામાં બેઠક એક અનેકાર્થી શબ્દ છે. મોહનભાઈની કાન્તીભાઈ સાથેની  રોજની બેઠક ઉઠક છે એમ આપણે કહીએ છીએ . અમુક પક્ષ ચુંટણીમાં અમુક બેઠક પર ચૂંટાઈ આવ્યો એવો રાજકારણમાં શબ્દ પ્રયોગ થતો હોય છે.ભગવદગોમંડળ શબ્દકોશ ફંફોસતાં એમાં બેઠકના બીજા અનેક શબ્દાર્થો જોવા મળશે .
 
પરંતુ બે એરિયા ,મીલ્પીતાસ  ખાતે સાહિત્ય રસિકોની લગભગ દર મહીને જે બેઠક એટલે કે સભા મળે છે એની તો વાત જ ન્યારી છે.આ બેઠક એટલે યુવાન અને વૃદ્ધ સમેત સહુનો સહિયારો ઉત્સાહથી છલકાતો સાહિત્ય મેળો. 
 
આવી નિરાળી અર્થભરી બેઠકનો સૌ પ્રથમ પરિચય મને સુ.શ્રી પ્રજ્ઞાબેનના “શબ્દોનું સર્જન” બ્લોગ મારફતે થયો .એમાં પ્રગટ થતા બેઠકની પ્રવૃતિઓના સમાચારોમાં મને રસ પડતાં મેં મારાં કાવ્યો અને લેખો વી. મારો પોતાનો બ્લોગ હોવા છતાં પ્રજ્ઞાબેનને મોકલવાં શરુ કર્યાં જે એમના “શબ્દોનું સર્જન “માં પ્રગટ થતાં રહ્યાં. પ્રજ્ઞાબેનએ ફોન દ્વારા બેઠકના વિષયો ઉપર લખવા મને આગ્રહ કર્યે રાખ્યો કે તમે સારું લખો છો માટે લખવાનું બંધ ના કરતા.બેઠક યોજિત એક વાર્તા હરીફાઈમાં મારી વાર્તા “પોકેટમની”ને જ્યારે ત્રીજું ઇનામ મળ્યું ત્યારે મને એ ઇનામ જાતે લેવા બેઠકની સભામાં હાજર રહેવા માટે એમણે ખુબ આગ્રહ કર્યો હતો પરંતુ ૮૦ વરસે મારી હાલની શારીરિક મર્યાદાઓને લીધે અફસોસ કે બેઠકમાં હું રૂબરૂ આવી શક્યો ન હતો.મારા ઈનામનો ચેક બેઠકના ખર્ચ માટે વાપરવા મેં એમને જણાવ્યા છતાં એમણે એ ચેક મને પોસ્ટથી મોકલી આપ્યો હતો.પ્રજ્ઞાબેન સાથે ફોનમાં જ્યારે વાત થાય ત્યારે બેઠકની પ્રવૃતિઓની જ નહી પણ એ સાથે એક બીજાના અંગત જીવનના પ્રશ્નો અંગે પણ વાતચીત થતી હોય છે.આમ એમના પ્રેમાળ અને નિખાલસ સ્વભાવનો મને થયેલ અનુભવ આકર્ષક અને યાદગાર છે.
 
બેઠકની પ્રવૃતિઓમાં થોડા સમયમાં જ ખુબ જ પ્રગતિ થયેલી જણાઈ આવે છે એ ખુબ જ આનંદની વાત છે. એનું નામ તો છે બેઠક પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.આજે બેઠકનું નામ સાહિત્ય જગતમાં ગાજતું થયું છે.આ માટે વડલાની જેમ ફાલતી એની પ્રવૃતિઓમાં એના યુવાન અને વૃદ્ધ એમ સૌ સભ્યો ઉત્સાહથી ભાગ લઈને એમનો જે અમુલ્ય ફાળો આપી રહ્યા છે એ સૌને હું બિરદાવું  છું . આવી એક ધમધમતી સંસ્થા બની ગયેલ બેઠકના સૌ સભ્યોને અભિનંદન સાથે એના ઉજળા ભવિષ્ય માટે મારી અનેક શુભકામનાઓ વ્યક્ત કરું છું.શુભમ ભવતુ સર્વદા .અસ્તુ.
 
વિનોદ પટેલ,સાન ડીએગો  
My E-Books  …

સફળ સફર- વાર્તા સંગ્રહ 

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ- ચિંતન લેખો 

“શુભેચ્છા સહ”-વિનોદભાઈ પટેલ

 મિત્રો ,

સેન્ડીએગો કેલીફોર્નીયાથી આપણી બેઠકના વિષયને અનુરૂપ એક સુંદર કાવ્ય વિનોદભાઈ પટેલે મોકલ્યું છે ,તેઓ ખુબ જાણીતા લેખક અને અને બ્લોગર રહ્યા છે આપણા શબ્દોના સર્જન પર વારંવાર પોતાના પ્રોત્સાહનભર્યા અભિપ્રાય આપતા હોય છે ,ખુબ સરળ છે અને ઉંચી ભાવના સાથે લખે છે તેમના શબ્દોમાં વાંચો। .

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં

માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

એટલે એમાં પોસ્ટ થતા લેખો દ્વારા અને આપની ગુજરાતી સાહિત્યની પ્રવૃતિઓથી આપનો થોડો ઘણો પરિચય તો હતો જ .આપની સાથે ફોનમાં લંબાણથી જે વાત થઇ ત્યારબાદ હું આપના બધાં જ બ્લોગો ઉપર ઉપર નજર ફેરવી ગયો .

આદરણીય બહેન પ્રજ્ઞા

આપના બ્લોગ “શબ્દોનું સર્જન ” ને હું ફોલો કરું છે

આ “શબ્દોના સર્જન” ઉપરથી આપની સાહિત્ય પ્રીતિ અને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા માટેની બે એરીયામાંની આપની સાહિત્ય પ્રવૃતિઓ વિષે વધુ જાણીને પરિચય વધુ દ્રઢ થયો .અને હવે “બેઠક “બોલાવી વાચવા સાથે લખવાની અને પુસતક રૂપે રજુ કરવાની આપની પ્રવૃત્તિ ખરેખર સુંદર છે ,આપે ” તો સારું ” એ નામથી કાવ્ય રચનાઓની જે શ્રેણી શરુ કરી છે એ એક સુંદર વિચાર  છે, સરાહનીય સાહિત્ય સેવાઓ માટે આપને અભિનંદન .આપણી દેવ ભાષા સંસ્કૃતના એક શ્લોકમાં કહેવાયું છે એમ સાહિત્ય ,સંગીત અને ( કોઈ પણ જાતની ) કળા વિહીન મનુષ્ય પૂંછડા વિનાના પશુ સમાન છે .આપણી ગુજરાતી ભાષામાં આપણા પૂર્વજો દ્વારા વિપુલ પ્રમાણમાં સાહિત્ય ખેડાયું છે .ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ આપણી એક જાજરમાન ધરોહર છે એને  જાળવવાની જ નહી પણ એમાં વૃદ્ધી કરવાની આપણા સૌની એક ફરજ છે .

સાહિત્ય ,અને કલમ સંજીવની રૂપ હોય છે . કહેવાય છે એમાં મડદાને બેઠા કરવાની શક્તિ છે . આપણા પ્રિય શાયર અમૃત ઘાયલ કહે છે –

“શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.”

વિશ્વભરમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં,ફેલાયેલા છે .એમાંના ઘણાં ખરા ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં જીવનનો ઉત્કર્ષ કરે એવું સાહિત્ય વાંચવાની ભૂખ પડેલી હોય છે . આજે ગુજરાતી “બેઠક” જેમાં સહું સાથે મળીને ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના પ્રયત્નો કરી રહ્યા છો તે  સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે એક અગત્યનું સાધન છે .

“બેઠક” એ જન હિતાર્થે  કરવા જેવી  એક સેવા છે

જીવન સંધ્યાએ રમવા જેવી એક ઉપયોગી રમત છે

મિત્રો સાથે અંતરનો તાર જોડવાનું  અમોલ સાધન છે

સુતેલા સાહિત્ય રસને ઢંઢોળીને જગાડવાની ચાવી છે

ગમતાનો ગુલાલ કરવા માટેની ગુલાલ ભરી થાળી છે

ઉચ્ચ જીવન જીવવા માટેના સાહિત્યનો ખજાનો છે

સરખા સાહિત્ય રસિકો સાથે ચર્ચા કરવાનો ચોતરો  છે

નિવૃતિનો સદુપયોગ કરવાની આ એક ઉત્તમ પ્રવૃત્તિ છે  

આપે ” તો સારું ” એ નામથી કાવ્ય રચનાઓની જે શ્રેણી શરુ કરી છે એ એક સુંદર વિચાર  છે અને એમાં જે વિવિધ સાહિત્ય રસિકોએ રચનાઓ મોકલી છે એ સદ જીવન માટે ઉપયોગી થાય એવી બળુકી છે .આપના આમંત્રણને માન આપી હું પણ આ શ્રેણી માટે મારી એક કાવ્ય રચના નીચે આપું છું. આશા છે એ આપને ગમશે .

જીવનની જીવંત વાત …….(9).વિનોદ પટેલ

બેઠક”નો આ મહિનાનો વિષય છે “જીવનની જીવંત વાત “

વિનોદ પટેલના શબ્દોમાં…

એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …

અમેરિકાના આ ઝાકમઝોળ અને વૈભવી વાતાવરણમાં જિંદગીનો બાકીનો નિવૃત્તિકાળ હું માણી રહ્યો છું ત્યારે મારા અમદાવાદના રહેવાશ દરમ્યાન મારા ચિત્તના ચોપડામાં જડાઈ ગયેલું નજરે જોએલું ગરીબાઈનું એ વરવું ચિત્ર હજુ એવું ને એવું મને સ્પષ્ટ યાદ છે.

આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં મારી જોબમાંથી નિવૃત્તિ લઈને મને વ્હાલા અમદાવાદને રામ રામ કરી હું કાયમ અમેરિકામાં વસવાટના ઈરાદા સાથે કેલીફોર્નીયામાં આવી સ્થાયી થયો એ વખતની આ વાત છે.એ વખતે હું અમદાવાદ શહેરના નારણપુરા ચાર રસ્તા પાસે આવેલી શંકર સોસાયટીમાં શિવકૃપા બંગલામાં સપરિવાર સુખેથી રહેતો હતો.દરરોજ સવારે ૧૦ વાગે જમીને રોડ પર આવી રીક્ષા પકડીને આશ્રમ રોડ પર નાનાલાલ ચેમ્બર્સમાં આવેલી મારી કંપનીની ઓફિસે જોબ પર જતો હતો.રીક્ષામાં બેસી ૧૦ કે સાડા દસ વાગે જોબ પર જવાનો અને સાંજે ૬ કે ૭ વાગે જોબ પરથી ઘેર પરત આવવાનો નિત્ય ક્રમ રહ્યો હતો.

રીક્ષામાં જતી-આવતી વખતે રસ્તા ઉપર રોજ સવાર થી સાંજ સુધી શહેરના માણસોની જીવાતી જિંદગીનાં દ્રશ્યો પર મારી નજર ફરતી રહેતી.ઘેરથી નીકળું એટલે થોડે આગળ રોડ પર જાઉં ત્યારે રસ્તાની જમણી બાજુ નવરંગ હાઈસ્કુલ આવતી હતી. આ હાઈસ્કુલની બરાબર સામે રસ્તાની ડાબી બાજુએ એક ખુલ્લું ઉજ્જડ મેદાન હતું. આ મેદાનમાં ગરીબ શ્રમજીવી વર્ગના માણસો કામ ચલાઉ ઝુંપડાં બનાવીને રહેતાં  હતાં.આખો દિવસ જ્યાં મળે ત્યાં મહેનત-મજુરી કરી રાત્રે પાછા આવીને આકાશની છત નીચે એ ખુલ્લા મેદાનમાં તૂટેલ ખાટલી કે નીચે પથારી કરી નિંદ્રા દેવીને આધીન થઇ રોજનો થાક ઉતારતાં હતાં.

એક દિવસ રીક્ષામાંથી મેં જોયું તો આ મજુર વર્ગ જ્યાં વસતો હતો એ ખુલ્લા મેદાનમાં ઓફિસો માટે બહુમાળી મકાન બાંધવા માટે કોન્ટ્રાકટરના માણસો પાયા ખોદી રહ્યા હતા.એ મેદાનમાં જે મજૂર કુટુંબો રહેતાં હતાં એ રસ્તાની સામે બાજુ નવરંગ હાઈસ્કુલના કંપાઉંડની તારની વાડ અને ડામરના રોડ વચ્ચે જે સાંકડી જગાની પટ્ટી રહેતી હતી ત્યાં પોત પોતાની ઘર વખરીનો સામાન લઇ આવી ગયાં હતાં . એટલી નાની સાંકડી જગામાં ગોઠવાઈ જઈ, કપડું ઢાંકીને કામચલાઉ છાપરા જેવું બનાવી દીધું હતું. આ ગરીબ લોકો બદલાયેલી પરિસ્થિતિમાં એડજસ્ટ થઈને જે રીતે જીવી રહ્યાં હતાં એ રોજ નજરે જોઇને મારા દિલમાં અનુકંપા જાગતી હતી.

થોડા સમય પછી ખુલ્લા મેદાનની જગામાં જ્યાં પહેલાં આ મજુરો સુખેથી રહતાં હતાં ત્યાં એક ભવ્ય ઉંચી ઓફિસો માટેની બહુમાળી ઈમારત ઉભી થઇ ગઈ હતી અને એની બિલકુલ સામેની બાજુ બિચારો આ ગરીબ વર્ગ કપડાંથી કે અન્ય રીતે બનાવેલ આડશો અને કામચલાઉ છાપરીઓમાં સાંકડ માંકડ એમની રોજની જિંદગી બસર કરી રહ્યાં હતાં.

દરરોજ રીક્ષામાંથી ઓફિસે જતાં આવતાં મારી નજર આ ગરીબ વસ્તીના જીવાતા દૈનિક જીવનનાં દ્રશ્યો પર અચૂક જતી હતી ત્યારે હું કદાચિત આવાં દ્રશ્યો જોતો હતો.

ઇંટોથી બનાવેલા ચુલા ઉપર શ્રમજીવી મહિલાઓ રોટલા શેકી રહી છે અને એમને અડીને કે એમને પકડીને એમનાં નગ્ન કે અર્ધ નગ્ન નાનાં બાળકો ઉભાં રહ્યાં છે. શેકાઈ રહેલા રોટલા તરફ આ બાળકો એકી નજરે જોઈ રહ્યાં છે.બિચારાં કદાચ ભૂખ્યાં થયાં હશે ! સવારના સમયે કેટલાક માણસો નજીક આવેલા જાહેર નળમાંથી બાલદીમાં પાણી ભરી લાવીને શરમને નેવે મુકીને ખુલ્લામાં બિન્દાસ સ્નાન કરી રહ્યા છે, તો કોઈ મહિલા શરમ ઢાંકવા માટે ખાટલો આડો કરી એના પર કપડું ઢાંકી એની આડશે કામચલાઉ બાથરૂમ બનાવી સ્નાન કરી રહી છે !સવારના સમયે પથારીઓ રાતના અંધારામાં આકાશની છત હેઠળના ખુલ્લા શયન ગૃહની ગાભાઓની બનાવેલી ગંદી પથારીઓના લબાચા થપ્પીબંધ ગોઠવાઈ ગયા છે. સાંકડી જગા છે એટલે એનો બને એટલો વધુ સારો ઉપયોગ કરવાની એ લોકોની નેમ દેખાઈ આવે છે.

બાજુમાં એક ચુલા ઉપર એલ્યુમીનીયમની તપેલીમાં એક મહિલા ચા ઉકાળી રહી છે અને એની આજુબાજુ સવારની ચાના જે ભાગે આવે એટલા ઘૂંટ ભરી લેવા પુરુષ મજૂર વર્ગ આતુરતાથી ચૂલાની નજીક ગોઠવાઈ ગયો છે.એમનાં કેટલાંક ભુલકાંઓ નજીકના ડામરના રોડની પહોળાઈનો લાભ લઇ એની પર દોડા દોડી કરી રહ્યાં છે. મારી રીક્ષા જ્યારે ત્યાંથી પસાર થાય એટલે દોડીને રોડની એક બાજુ દોડી જાય છે.મને લાગ્યું કે આ અર્ધનગ્ન નિર્દોષ બાળકોની સલામતીની જરૂર ભગવાન દેખરેખ રાખતો હશે નહિતર એ રોડ ઉપર રોજ કેટલાં બધાં વાહનોની અવર જવર રહેતી હતી અને આ બાળકોની એની ક્યાં કદી પરવા હતી !

વૃદ્ધ ડોશીઓ નાનાં બાળકોને કુખ કે કાખમાં લઈને રમાડી એમને ભાગે આવેલી ફરજ નિભાવી રહી છે જ્યારે હાડકાંના માળા શા ઉઘાડા શરીરે ટૂંકી ફાટેલી પોતડી સંકોરતા એક ડગુ મગુ ખાટલીમાં બેસીને બીડી કે ચલમનો દમ મારી રહ્યા છે .એ જોઇને મને એમ લાગે કે પોતાનાં બધાં દુખોના ધુમાડાને ગળે ઉતારીને અને બહાર હવામાં ફેંકીને આ ડોહા જાણે કે હળવા થઇ રહ્યા ન હોય !

દરરોજ ઓફિસે જતાં આવતાં મારી રીક્ષામાંથી આવાં તો કેટલાંએ  દ્રશ્યો હું જ્યારે જોતો ત્યારે મને થતું કે એક બહુમાળી ઈમારતની નજીકમાં જ એની ઓથે જીવતી કે જીવવા કોશિશ કરતી એક ગરીબ વસાહતનું આવું જીવન એ તો કઈ જીવન કહેવાય !


વિનોદ પટેલ , સાન ડિયેગો, કેલીફોર્નીયા.                

ફિલ્મ સમીક્ષા-(9)વિનોદ પટેલ

ફિલ્મ સમીક્ષા – ફિલ્મ ..“જોય ઓફ ગીવીંગ” … ”https://youtu.be/O8EnJU2lFGE

જે ફિલ્મ પ્રેક્ષકના દિલ અને દિમાગ પર સચોટ અસર નીપજાવી શકે ,ફિલ્મ જોયા પછી એને બે ઘડી વિચાર કરતો કરી મુકે અને જેમાં જીવન જીવવા માટેનો એક પ્રેરક સંદેશ હોય અને જે પ્રેક્ષકોના મનોજગતને હલબલાવી મુકે એને સફળ ફિલ્મ કહેવાય.

આજની લગભગ બધીજ ત્રણ કલાકની ફિલ્મોમાં ગીતો, પ્રેક્ષકના મનને ગલીપચી કરાવે એવાં દ્રશ્યો અને મનોરંજનની અન્ય તરકીબો અજમાવ્યા પછી એમાં જીવન માટેનો સંદેશ બહુ નહિવત હોય છે જ્યારે “જોય ઓફ ગીવીંગ” જેવી ટૂંકી ફિલ્મો પણ સંદેશ મૂકી શકે છે એ ફિલ્મ જોયા પછી પ્રતીતિ થાય છે .

સાહિત્યમાં પણ એવું ઘણી વાર જોવા મળે છે કે કોઈ નવલકથામાં એનો લેખક મુખ્ય વાતને અનેક પ્રકરણોમાં ફેલાવીને રજુ કરતો હોય છે તો કોઈ લેખક એક લઘુ કથા લખીને એ દ્વારા જીવનનો એક સચોટ સંદેશ આપી જતો હોય છે.એવું જ આ ફિલ્મનું છે.એમાં કોઈ મોટી ચમક દમક – ઝગમગાટ કે મોટા સંવાદો ભલે ના હોય પણ  વાર્તાનું તીર સીધું એના ધારેલા નિશાન તરફ સડસડાટ જતું જોવા મળે છે.

આ ટૂંકી ફિલ્મના મુખ્ય બે હીરો બાળ કલાકાર નમન જૈન અને આધેડ વ્યક્તિના પાત્રમાં ઉદય ચંદ્રાએ સુંદર અદાકારીનું દર્શન કરાવ્યું છે.ફિલ્મનો આ બાળ કલાકાર બહુ બોલતો નથી,એનો કોઈ સંવાદ નથી પણ એનો બિન્દાસ સ્વભાવ, હાસ્ય અને નિર્ભયતા અને મુખ ઉપરનો ભાવ ઘણું બધું બોલી જાય છે અને પ્રેક્ષકના મનમાં સંવેદનો જગાડે છે.એ ચોરી કરે છે તો પણ એના ભૂખ્યા મિત્રો માટે કરે છે . એની અદાકારી એવી છે કે આપણને એના પ્રત્યે તિરસ્કાર નહિ પણ સહાનુભૂતિની લાગણી થાય છે. આપણને આ બાળ કલાકાર  ગમી જાય છે.એને ઉચકી લેવાનું મન કરે છે.ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં હોટલના આધેડ વયના કારીગર પાસેથી એનો થેલો ઊંચકી એને મદદ કરીને હસતો કૂદતો ઘર તરફ જતો બતાવ્યો છે એ દ્રશ્ય કેટલું ભવ્ય છે ! 

નાના શહેરની એક હોટલમાં નોકરી કરીને કુટુંબનું ભરણ પોષણ કરતા આધેડ વયના વ્યક્તિમાં માનવતાના જે ગુણો બતાવ્યા છે એ આપણું ધ્યાન ખેંચે છે. શરૂઆતમાં ચોરી કરનાર બાળક પર એને તિરસ્કાર થાય છે. પકડો ..પકડો…એમ બુમો મારી એને પકડવાની કોશિશ કરે છે. પરંતુ પછી વારંવાર ચોરી કરીને ભાગી જતા આ બાળકને સમજવામાં એ રસ લે છે. એનો છુપાઈને પીછો કરે છે અને એ જ્યારે જુએ છે કે આ છોકરો એના માટે નહિ પણ એના બીજા ભૂખ્યા નાનકડા સાથીને ખવડાવવા માટે હોટલમાંથી બિસ્કીટ વગેરે ખાદ્ય ચીજોની ચોરી કરે છે ત્યારે એનું હૃદય દ્રવી જાય છે. એક વખત જ્યારે હોટલમાં આ બાળક ચોરી કરતાં પકડાય છે ત્યારે એને સજા કરવાને બદલે એને ખાદ્ય ચીજોથી થેલો ભરીને બાળકના હાથમાં આપે છે.

રોજ સવારે નાની હોટલ ખોલતા અને આખો દિવસ કામ કરીને સાંજે બંધ કરતા આ સામાન્ય નોકર માં પણ માનવતા કેવી ભરી પડી હોય છે એ આ ફિલ્મ દ્વારા બતાવાયું છે.એની જગ્યાએ જો હોટલનો માલિક હોત તો કદાચ બાળકને એવી મદદ કરી ન હોત . આજના ઘણા અમીરોની માનસિક ગરીબાઈ આપણે જોતા હોઈએ છીએ એની સામે એક ગરીબ વ્યક્તિની માનસિક અમીરીનું આ દ્રશ્ય કેટલું ભવ્ય છે ! 

આપણામાં કહેવત છે પેટ કરાવે વેઠ. આ ફિલ્મના નિર્માતા એ પણ બતાવવા માગે છે કે ગરીબો ચોરી કેમ કરે છે.એમની ભૂખ એમને એ કરવા ફરજ પાડે છે. દેશમાં હજુ ગરીબી પનપી રહી છે. સમાજમાં સુખ શાંતિ માટે ગરીબી જો ઓછી નહિ થાય તો લોકો ગુના કરતા રહેશે . ગુના કરવા ગરીબોને ગમતા નથી હોતા પણ એમની એ મજબુરી હોય છે એ પણ આ ફિલ્મમાં બતાવ્યું છે.

આ ફિલ્મનું ટાઈટલ બતાવે છે એમ એનો મુખ્ય આશય અને સંદેશ તો એ બતાવવાનો છે કે ભોગવવામાં નહિ પણ આપવામાં કેટલો બધો આનંદ રહેલો છે.ફિલ્મમાં બાળકને સ્પાઇડરમેનનો ડ્રેસ પહેરેલો બતાવ્યો છે. જેમ અંગ્રેજી ફિલ્મનો સ્પાઇડર મેન છુપી રીતે બીજાને મદદ કરીને આનંદ લુંટે  છે એમ આ ટચુકડી ફિલ્મનો ૫ કે ૬ વર્ષનો ટચુકડો બાળક એના સાથીઓ માટે ચોરી કરીને પણ એમને ખવડાવીને હસાવે છે અને આનંદ લુંટે છે.  નિખાલસ અને નિર્ભય બાળકને સદા હસતો બતાવ્યો છે.આમ ફિલ્મમાં ત્યેક્તેન ભુંજીથા :  નો જે સંદેશ છે એ પ્રેક્ષકનું ધ્યાન ખેંચે છે.

આ નાનકડા બાળકમાં પણ ઉપકારનો બદલો અપકારથી  નહી પણ ઉપકારથી વાળવાની ઉન્નત ભાવના રહેલી છે. હાથમાં થેલો લઇને હોટલ તરફ જતા આધેડ નોકરના હાથમાંથી થેલો ખૂંચવી લઈને એ કશું બોલ્યા વગર આગળ દોડી જાય છે.આ જોઈ આપણને થાય છે કે જે ચોર હોય એ કદી સુધરે નહિ .પરંતુ આ ફિલ્મની ચરમ સીમા સમા દ્રશ્યમાં બાળકને હોટલ નજીકના ઓટલા ઉપર થેલા સાથે હોટલના નોકરની રાહ જોતો બતાવ્યો છે.આ નાના બાળકના નાજુક મગજમાં પણ એ વિચાર મુક્યો છે કે જે વ્યક્તિએ મને મદદ કરીને ઉપકાર કર્યો છે એને વળતી મદદ કરીને એ ઉપકારનો બદલો વાળવો જોઈએ.

આ દ્રશ્ય મુકીને નિર્દેશકે ફિલ્મના અંતે વાર્તાને ગજબનો વળાંક આપ્યો છે. ફિલ્મની ચરમ સીમા સમા આ દ્રશ્ય માટે દિગ્દર્શકને ખરેખર અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. 

આ લેખની શરૂઆતમાં સફળ ફિલ્મનાં જે લક્ષણો જણાવ્યાં છે એ આ ફિલ્મમાં પ્રેક્ષકને જોવા મળે છે. આ ટૂંકી ફિલ્મ “જોય ઓફ ગીવીંગ”માં માનવ સંવેદનાઓ છે,ખોટું  મનોરંજન નથી પણ જીવન માટેનો પ્રેરક સંદેશ છે .ફિલ્મનાં બે મુખ્ય પાત્રો બાળક અને હોટલનો આધેડ વયનો નોકર બહુ બોલતા નથી પણ એમની અદાકારી કાબિલે દાદ છે અને ના બોલીને પણ ઘણું બધું કહી જાય છે.ફિલ્મના નામ પ્રમાણે આપવામાં આનદ છે એ એમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. 

આ “જોય ઓફ ગીવીંગ” ફિલ્મ માત્ર ૯ મીનીટની જ ટૂંકી છે પણ એમાં  નિર્દેશકે મુકેલ  ” આપીને ભોગવી જાણો “નો જે સંદેશ છે એ મન ઉપર એક ઊંડી સચોટ અસર મૂકી જાય છે.ફિલ્મ જોયા પછી પ્રેક્ષકને બે ઘડી વિચાર કરતો કરી મુકે છે.

આ ફિલ્મના બે સફળ અદાકારો , બાળ ક્લાકાર નમન જૈન અને આધેડ વ્યક્તિના પાત્રમાં ઉદય ચંદ્રા તથા ફિલ્મના લેખક કલ્કી કોચલીન, પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ અને ડાયરેકટર શ્લોક શર્મા અને એમની સમગ્ર ટીમને આવી એવોર્ડ વિજેતા સફળ ફિલ્મ બનાવા માટે મારા જેવા અનેક પ્રભાવિત પ્રેક્ષકો તરફથી ખુબ ખુબ હાર્દિક અભિનંદન — વિનોદ પટેલ.

 

ઘર એટલે ઘર ……… (2) વિનોદ પટેલ

 

દરેક મનુષ્યને જીવનનું એક સ્વપ્ન રમતું હોય છે કે મારે પણ મારું પોતાનું ઘર હોય . આ સ્વપ્નને જેમ બને એમ જલ્દી સાકાર કરવા માટે એ પ્રયત્નશીલ બને છે. છેવટે જ્યારે એ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને સ્વર્ગ માત્ર એક હાથ જ છેટું લાગે છે. એને મનથી એમ લાગે છે કે મારું ઘર એ જ મારા માટે મારું સ્વર્ગ છે .મિત્રો સાથે એ જ્યારે એના ઘરના ઘરની વાત કરતો હોય છે ત્યારે એના હૃદયનો ઉમળકો ઉડીને આંખે વળગે એવો સ્પષ્ટ દેખાય  છે.

આમ જોવા જઈએ તો ઘર એટલે સિમેન્ટ, લોખંડ, લાકડું ,રંગ રોગાન વિગેરે ભૌતિક ચીજ વસ્તુઓથી બનાવેલું એક મકાન.દરેક ઘર એક મકાન છે પણ દરેક મકાન એ કઈ ઘર નથી.દરેક મકાનમાં એક ઘર રહેતું હોય છે.ઘર એમાં રહેતાં માણસોના જીવનની વાતો જાણતું હોય છે.દરેક ઘરમાં જીવન ધબકતું રહેતું હોય છે. મકાનનાં સરનામાં બદલાતાં રહે છે,એમાં અવાર નવાર રાચ રચીલું બદલાયા કરે છે, મકાનમાં તોડ ફોડ થતી રહે છે,પરંતુ એમાં વસતા માણસોના ઈતિહાસ સાથેનો ઘરનો આત્મા કદી બદલાતો નથી એનો એજ રહે છે.

એક મકાનની કિંમત આંકી શકાય છે .એને વેચી કે ખરીદી શકાય છે . ઘરમાં જેઓ રહે છે એમના માટે એની કિંમત  અમુલ્ય હોય છે.સંજોગોવશાત જ્યારે ઘર વેચવું પડે છે ત્યારે ઘણા વર્ષો જ્યાં રહ્યા હોય, જીવનના સારા માઠા પ્રસંગોનું જે સાક્ષી બન્યું હોય ,જેની સાથે અંતરથી માયા બંધાઈ ગઈ હોય એ ઘરથી વિખુટા પડતાં જીવ કપાય છે એ મારો પોતાનો અનુભવ છે.ભલે મકાન વેચાતાં મોટી કિંમત મળી હોય પણ જે ઘર હતું એ તો હવે નથી રહ્યું  વિચાર સાથે મનને મનાવવાનું મુશ્કેલ બની જાય છે. ઘર વેચાયા પછી પણ તક મળતાં ત્યાં જઇને એ વેચાયેલા ઘર પર એકાદ નજર નાખી આવવાનું મન થયા કરે છે.

જે ઘરમાં તમે જન્મ્યા કે તમારાં બાળકો જન્મ્યાં, ઉછરીને મોટાં થયાં એ ઘર સાથે તમારા હૃદયનો તાર જોડાઈ જાય છે.જે ઘરમાં પરણીને નવોઢાને લાવી  વિવાહિત જીવન શરુ કર્યું હોય,એક પક્ષીની જેમ તિનકા તિનકા એકઠા કરી સુંદર માળો રચ્યો હોય , ઘરને સજાવ્યું અને સમાર્યું હોય એ ઘરની સાથે અં જે માયા બંધાય છે એને સમજવો અને શબ્દોમાં બયાન કરવો દુષ્કર છે.

ભલે બાહ્ય દ્રષ્ટીએ ઘર નાનું લાગતું હોય , ઝુંપડા જેવું હોય પણ દરેક ઘરમાં રહેતા જન જીવનનો આત્મા એક સરખો હોય છે. ઘરમાં રહેતા માણસો હૃદયના તારથી જોડાએલા હોઈ ઘરમાં માંદગી આવી હોય એ સંજોગોમાં એમાં રહેતા સભ્યોનો જીવ તાળવે આવી જાય છે.માંદાની માવજતમાં આખું ઘર ઉપર તળે થઇ સેવામાં લાગી જાય છે.

મકાન શું અને ઘર એટલે શું એના વિષે કવિ મિત્ર શ્રી વિવેક મનહર ટેલરએ એક બેનમુન ભાવવાહી ગઝલ લખી છે.એમના આભાર સાથે એ અત્રે પ્રસ્તુત કરુ છું.

હતી ક્યારે છતો, દિવાલ કે કો’ આવરણ ઘરનું ?
અમે તો નામ દીધું છે, જ્યાં જઈ થંભે ચરણ, ઘરનું.

 

એમ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર.તમે વિશ્વના કોઈ પણ સ્થળે પ્રવાસે ગયા હો, ઘર કરતાં ય બહુ કીમતી રોનકદાર હોટલોમાં રહ્યા હો, પરંતુ બધે ફરીને  છેવટે તો તમારે ઘેર પરત આવવું જ પડે છે. જ્યારે ઘેર આવી તમે હૃદયના તારથી જોડાએલ તમારા કુટુંબી જનો વચ્ચે ફરી આવી જાઓ છો ત્યારે તમારા જીવને જે હાશકારો થાય છે એ અવર્ણનીય છે.તમારું વિશ્વ ઘરથી શરુ થાય છે અને ઘેર આવીને અટકે છે.ઘર જ એક આખરી વિસામો છે જ્યાં આવવાથી હૃદયને “હાશ” ની અનુભૂતિ થાય છે. જાણીતાં લેખિકા વિનોદિની નીલકંઠએ એમના નવા બંગલાનું નામ “ હાશ “ રાખ્યું હતું એ કેટલું સૂચિત છે !

તમે જે ઘરમાં રહો છે એ મકાન ભલે મહેલ જેવું અનેક ખંડ વાળું વિશાળ અને ભવ્ય હોય પરંતુ એમાં રહેતા સભ્યો માત્ર ઔપચારિક રીતે, હૃદયના કોઈ ભાવ કે પ્રેમની લાગણી વિના રહેતા હોય તો એને ઘર કહી ના શકાય. એને તો કોઈ હોટેલ,મોટેલ જેવું નિર્જીવ માત્ર દેખાવનું મકાન જ  કહી શકાય .તમે જો મકાનને ઘરમાં ફેરવી શકો તો એ તમારી જીત છે અને તો જ તમે જીવનનો ખરો આનંદ અને સુખ એ ઘરમાં માણી શકો. ઘરમાં જેટલાં વધુ સાધનો અને ચીજવસ્તુઓનો ખડકલો હોય એ સાચું સુખ આપી નથી શકતું. જે ઘરમાં મુખ પર હાસ્ય જણાતું ના હોય ,એકબીજાનાં મન ઊંચાં રહેતાં હોય એ ઘર બધી જ સાહબી કે સગવડો સાથે પણ સાચું ઘર બની શકતું નથી. કદાચ એટલે જ કહેવત પડી ગઈ હશે કે “જે હસે એનું ઘર વસે.”

માત્ર વસ્તુઓથી લાદેલું નહી પણ ખરેખર હળી મળીને, હસી ખુશીથી વસતું  ઘર સૌને પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છાઓ .  

–વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

    

છબી એક, સ્મરણો અનેક –….વિનોદ પટેલ

 

લગ્નોત્સુક કન્યા ….અછાંદસ 

10988296_10152835078559842_2816535904507271234_n

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,
આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.
 
વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં, 
યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,
આ દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,
છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.
 
મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,
સુખ-દુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં, 
માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,
પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.
 
કેવી રહેશે નવી જિંદગીની એ નવી મજલ?
પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?
આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?
 છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.
 
સૌ સારું વાનું જ થશે એવી મહેચ્છાઓ સાથે,
દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે, 
આજે તો ઉભી છે આ લગ્નોત્સુક કન્યા, 
આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.
 
વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા  
 

તસ્વીર બોલે છે -દેડકા- દેડકીની પ્રેમ કથા ! -(5)વિનોદ પટેલ,

મિત્રો આ મહીને  આપ સૌ  માટે એક  નવતર પ્રાયોગ  મોકલ્યો છે.

ફેસબુક ઉપરથી જડી આવેલી આ તસ્વીર તમને કોઇક કથા સુઝાડે ,છે?

તસ્વીર ઉપરથી કૈક લખવાનું મન થાય છે.

બસ આપણો  આ મહિનાનો આજ  વિષય છે.

ચિત્રને જોવાનું કલમ ઉપાડવાની અને કલ્પના શક્તિને દોડાવવાની ​

બસ  આપની કલ્પના શક્તિ વધારો અને માંડો લખવા.

કોઇક લઘુકથા કે લઘુ નવલકથા કે કાવ્ય.

મિત્રો શું લખવું એ મુજવણ થતી હોય તો

“તસ્વીર બોલે છે “ના  નવતર પ્રયોગના જવાબમાં વિનોદ પટેલની અને

 ચંદ્રવદનભાઈની  રચના ,દેડકા- દેડકીની પ્રેમ કથા !

80646

 

દેડકા –દેડકીની પ્રેમ કથા ! ……. વિનોદ પટેલ

એક સરોવરમાં એક દેડકો અને એક દેડકી એક બીજાના પરિચયમાં આવ્યાં.દેડકો દેડકીને પ્રથમ નજરે જ ગમી ગયો .સુંદર સપ્રમાણ કસરતી બદન,ચળકતી ત્વચા અને લાંબા ગમી જાય એવા પગ  ઉપર દેડકી મોહિત થઇ ગઈ .દેડકાની પણ દેડકી જેવી જ સ્થિતિ હતી.એ પણ દેડકીની સુંદરતા ઉપર વારી ગયો હતો. ધીમે ધીમે બન્નેનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થતો ગયો.

જો કે દેડકી એનાથી ઉમરમાં ખુબ નાની હતી પણ પ્રેમીઓ આવાં બંધન ની પરવા ક્યાં કરતાં હોય !

એક દિવસે મોકો જોઈને દેડકાએ દેડકી સમક્ષ પ્રસ્તાવ મુક્યો :

“ડીયર,હું તને ખુબ ચાહું છું.મારી સાથે લગ્ન કરીશ ?”

દેડકી ખુશ થતી બોલી “ યસ, યસ, હું તો આ દિવસની જ રાહ જોતી હતી કે તું ક્યારે લગ્નનો પ્રસ્તાવ મુકે છે.”

બન્ને જણ ભાવાવેશ અને પ્રેમાવેશમાં એક બીજાને ભેટી પડી પ્રથમ ચૂમી પણ લઈ લીધી!

ત્યાર પછી બિન્દાસ બની સરોવરમાં તેઓ દેડકા સમાજની પરવા કર્યા વિના સાથે ને સાથે ફરવા અને રહેવા લાગ્યાં.

થોડા દિવસો વીત્યા હશે ત્યાં દેડકાએ દેડકીને કહ્યું:

“હની, ચાલ હવે પરણી જઈએ.”

દેડકી કહે :” જરૂર પણ ઘણા દિવસથી મારા મનમાં એક ઇચ્છા છે કે પાણીમાં તો બહુ રહ્યા .સરોવરના બે કાંઠાને જોડતો આ લોખંડના મીની પુલ જેવો થાંભલો છે એના ઉપર પાણી બહાર નીકળી ઉપર હવામાં ચાલીએ તો કેવી મજા આવે .આપણે સાથે એના ઉપર ફરવાની થોડી મજા લઇ લઈએ પછી સામે કિનારે જઇને એ નવી જગાએ પરણી જઈશું.કેમ બરાબર ને ?

દેડકો કહે :”ભલે, જેવી તારી મરજી.”

આમ નિર્ણય કરી બન્નેએ સરોવરમાંથી બહાર નીકળી એક કિનારેથી એ થાંભલા ઉપર ચડી ગયાં અને વાતો કરતાં કરતાં ટહેલવા લાગ્યાં.

થાંભલા ઉપર સરોવરની અધ વચ્ચે તેઓ આવ્યાં હશે ત્યાં દેડકીની નજર નીચે પાણીમાં આ દેડકા કરતાં વધુ સુંદર એક બીજા દેડકા ઉપર પડી .નીચેના દેડકાએ પણ દેડકી તરફ એક મોહક સ્મિતનું મિસાઈલ ફેંક્યું. દેડકી એનાથી ઘાયલ થઇ ગઈ.એણે મનમાં એક નિશ્ચય કરી લીધો .દેડકો તો સામે કિનારે જઈને લગ્ન કરવાના મુગેરીલાલી ખ્યાલોમાં ખોવાઈ ગયો હતો.

દેડકાના ખ્યાલોમાં ભંગ પાડતાં દેડકીએ દેડકાને કહ્યું :” મારે તારો એક પગ પકડીને હીંચકા ખાવાનું મન થયું છે .”

દેડકો કહે :”ભલે ડીયર, તારી એ ઈચ્છા પણ પૂરી કરી લે.”

પ્રેમમાં અંધ હોય એ શું નથી કરતો !

દેડકાનો એક પગ પકડીને થોડા હીંચકા ખાવાની મજા માણી લીધા પછી  દેડકીએ દેડકાના આશ્ચર્ય વચ્ચે કહ્યું.:

“બાય બાય , હું જાઉં છું “

એમ કહીને દેડકીએ દેડકાનો પકડેલો પગ છોડી દીધો. સરોવરના પાણીમાં ભૂસકો માર્યો અને નીચે રાહ જોઈ રહેલ પેલા વધુ સુંદર દેડકા સાથે પાણીમાં અદ્રશ્ય થઇ ગઈ !

વિનોદ પટેલ, સાન ડિયેગો,કેલીફોર્નીયા   

 

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી-(10)…… વિનોદ પટેલ

જુના નાટકોમાં એક ગીત ગવાતું “એક સરીખા દિવસો બધાના સદા જાતા નથી “ .સમાજમાં પણ બધું એક સરખું હમેશાં રહેતું નથી .સમયે સમયે માણસોના પહેરવેશ ,જીવવાની રીતી નીતિ-ફેશન ,સોચ, સમજ  વિગેરેમાં ફેરફારો સદા થતા જ રહે છે.જે લોકો આજે વૃદ્ધ થયા છે એમને જૂની આંખે ઘણું નવું નવું જોવા મળતું હોય છે .નવી પેઢીને જે સામાન્ય જીવનનો એક ભાગ લાગે છે એ જૂની પેઢીને મન વરણાગીપણું લાગે છે.એમની જૂની સોચ સમજ પ્રમાણે એ નવી પેઢીના પોશાક ,રહેવાની રીત ભાત, નવી ફેશનો વિગેરેની ટીકા કરતા જોવામાં આવે છે .જેવું માનસ એવો જ માણસ.

આવી વિચારસરણી ધરાવતા ઘણા જૂની પેઢીના માણસોની સ્થિતિ કુવામાંના દેડકા જેવી હોય છે.જુના માણસો જો એમના જુના આગ્રહોને વળગી રહે અને સમય પ્રમાણે એમની વિચાર સરણીમાં જો ફેરફાર ના કરે તો તેઓ એકવીસમી સદીની નવી પેઢીના સભ્યોમાં માન ગુમાવે એ સ્વાભાવિક છે.સમયનો તકાજો છે કે વૃદ્ધ જનોએ હવે  સમય પારખી એમનું રૂઢીચુસ્ત વલણ અને જુના આગ્રહો છોડીને નવા જમાના પ્રમાણે થોડા નવા ફેરફારો પણ અપનાવી લેવામાં કોઈ વરણાગીપણું નથી.

આવી સોચ સમજ આજુબાજુના વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે .અમેરિકામાં જે સામાન્ય લાગતું હોય એ ભારતના કોઈ ગામડાના લોકોને વરણાગીપણું લાગે.દાખલા તરીકે અમેરિકામાં ઘણી બહેનો ગરમ ઋતુ હોય તો પોશાકમાં બદલાવ લાવી હાફ પેન્ટ પહેરે છે. હવે જો તમે ભારતની મુલાકાત લો અને પુષ્કળ ગરમી પડતી હોવા છતાં ભારતના કોઈ ગામમાં હાફ પેન્ટ પહેરીને બહેનો ફરે તો એને લોકો ત્યાં વરણાગીપણામાં ખપાવે અને ટીકાઓ પણ થાય .

મારા એક અનુભવની એક વાત મારી એક સત્ય કથા ઉપર આધારિત વાર્તા બેકટેરીયામાં મેં કરી છે. અમારા પાટીદાર સમાજમાં ઘણા વર્ષો પહેલાં બાળ લગ્નોનો રીવાજ પ્રચલિત હતો.છોકરો ભણીને એન્જીનીયર થાય પણ એની પત્ની કન્યા કેળવણીના ફેલાવાના અભાવને લઇ વહેલો અભ્યાસ છોડી મા-બાપને ખેતી અને ઘરકામમાં મદદ કરતી હોય .આ વાર્તામાં એક ભાઈ ભારતમાં એન્જીનીયર થઈને અમેરિકા જઈ ત્યાં મહેનત કરી સ્ટોર ચલાવે છે. ત્યાં ગયા પછી એની અભણ પત્નીને અમેરિકા બોલાવે છે.

ગામથી એકાએક અમેરિકાના જુદા જ વાતાવરણમાં આવેલી ગામડાની આ ગોરી દસ વર્ષમાં તો અહીની રીત ભાત જોઈને પતિની મદદથી એની બોલી,પહેરવેશ અને રીત ભાતમાં અદભૂત બદલાવ અપનાવી લઈને “સંતુ રંગીલી” નાટકમાં આવે છે એમ જલ્દી  ઓળખાય નહી એવી “અમેરિકન મેડમ “બની જાય છે.

દસ વર્ષ પછી પતી-પત્ની-  દિલીપ અને રક્ષા એમનાં બે બાળકો,પાંચ વર્ષની બેબી અને દોઢ વર્ષના બાબાને લઈને એમનાં મા-બાપ અને સ્નેહીજનોને મળવા એમના ગામ જાય છે.સ્વાભાવિક રીતે ગામનાં સગાં અને ફળીયાનાં માણસો એમના ઘરે એમને મળવા આવે છે.અમેરિકા ગયા પહેલાં ગામમાં રક્ષાનું નામ રૂખી  હતું. ફળીયામાંથી એક ઘરડાં વિધવા ડોશી મંછી મા દિલીપના દોઢ વર્ષના બાબાને રમાડવા માટે એમના હાથમાં આપવા એને કહે છે. ત્યાં રક્ષા દોડતી આવી દિલીપને કહે છે “ હની, બાબાને મંછીમાને ના આપીશ , એમના ગંદા શરીરનાં બેક્ટેરિયા બાબાને લાગી જશે તો એ સીક થઇ જશે .”

મંછીમા અભણ જરૂર હતાં પણ જમાનાને પચાવી ગયેલાં કોઠા ડાહ્યાં હતાં.તેઓ રક્ષાના ભાવ સમજી જાય છે અને એમનાથી કહ્યા વિના રહેવાતું નથી: “અલી,રુખલી,અમેરકા જઈને આવી એમાં તો બહુ બદલી જઈ ! ગાંમમાં હતી તારે માંથે ભેંસોનાં છાંણ ઉપાડી કાદેવ ખૂંદતી ખૂંદતી  ભાગોળે આવેલા ઉકરડે નાંખવા જતી’તી એ ભૂલી જઈ ! એ ટાણે તારાં આ બેક્ટેરિયાં ચ્યાં જ્યાં તાં !આંમ તમારું મૂળ ભૂલી જઈ પરદેશનાં મડમ ના બની જઈએ મારી બઈ !” આ પ્રસંગે રક્ષાએ જે વર્તાવ કર્યો એને ગામ લોકો એનું વરણાગીપણું માને તો એમાં નવાઈ નથી .

નવી પેઢીએ જૂની પેઢીની સંવેદનાઓને ઠેસ ના પહોંચે એની કાળજી અને સમજ રાખી સમય ,સંજોગ અને સ્થળ પ્રમાણે વર્તાવ કરવો જઈએ.આધુનિકતા કોઈવાર આછકલાઈ બની ના જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધું પ્રમાણસર અને મર્યાદામાં હોય તો જ શોભે છે. કોઈ પણ વાતનો અતિરેક વર્જ્ય છે.

ભાઈ સાક્ષર ઠક્કરએ કાકાને વરણાગી બનાવી દીધા તો બિચારાં કાકીએ શું ગુનો કર્યો ! કાકીને પણ ન્યાય મળે એટલે “ ઓ કાકી તમે,થોડાં થોડાં થાઓ વરણાગી “ કાવ્ય રચવાની મને પ્રેરણા થઇ.

સુ.શ્રી પ્રજ્ઞાબેનના ફોન ઉપરના આગ્રહથી આ રચના મોકલવાનું શક્ય બનાવ્યું એટલે એમનો આભારી છું.

મૂળ ગીત- ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ ગણસુંદરી(૧૯૪૮)

 

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં, થાવ વરણાગી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

નવી ફેશનોની ધૂન જુઓ કેવી બધે લાગી !

તમે પણ અપનાવો ફેશન , બહુ નહી તો થોડી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

કાકા થયા વરણાગી, શું કામ તમે ના થાઓ વરણાગી,

સ્ત્રી સમાનતાનો આ યુગ છે એ ના જાઓ તમે ભૂલી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

કિચનમાં બહુ રાંધ્યું , ખુબ ખવડાવ્યું બધાંને હેતથી,

કોઈક વાર રેસ્ટોરંટ જવાનું પણ રાખો, કાકાને તાણી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

સાડીનો એક ધારો પોશાક છોડો, પેન્ટ લો પહેરી,

નવી પેઢી સાથે ચાલો હવે કદમ સે કદમ મિલાવી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ભગવાને આપ્યું છે,વાપરો ગમતી ખરીદી કરી,

કરકસર બહુ કરી, હવે દાન પણ કરો મન ખોલી ,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ઘરકૂકડી ના બનો ,જુઓ દુનિયા છે કેવી નિરાળી,

કોમ્પ્યુટર શીખી લો, દુનિયાની ઉઘડી જશે બારી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

લખો,વાંચો,સભાઓ ગજાવો,છોડો ચાડી કે ચુગલી,

વિશ્વમાં આજે નારી શક્તિ જુઓ કેવી ગઈ છે જાગી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ચંપલ છોડો,કદીક ઉંચી એડીના શુઝ લો પહેરી,

ધ્યાન રાખજો ,પડીને દાંત નાંખો ના તોડી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

જગત બદલાયું ,માટે સદી પુરાણા આગ્રહો દો છોડી,

ખોટી શરમ છોડો,કાકા થયા વરણાગી ઓલરેડી,

ઓ વ્હાલાં કાકી, તમે પણ થાઓ થોડાં વરણાગી.

 

વિનોદ પટેલ , સાન ડીયેગો, કેલીફોર્નીયા

ગમતાંને ગમતું ….. વિનોદ પટેલ

​મિત્રો હોળી આવે તે પહેલા આપણાં સર્જકો ગમતાનો ગુલાલ કરી પોતાનો ગુલાલ ઉછાળી રહ્યા છે.​જયશ્રીબેનની કાવ્ય રચના વાંચી  ​વિનોદ કાકાને  પણ એક કાવ્ય રચવાની પ્રેરણા થઇ. રચના આ રહી .​મિત્રો તો ચાલો કરીએ ગમતા નો કરીએ ગુલાલ……

ગમતાંને ગમતું  …..   વિનોદ પટેલ

ઓ પ્રભુ, તારી લીલા કેટલી છે, અપરંપાર,

તારાં ગમતાંને તેં કેટલું ગમતું દીધું છે.!

કીડીને કણ અને હાથીને મણ એ રીતે ,

સૌને યોગ્ય આપી, કોઈને અન્યાય ના કરી ,

તારાં ગમતાંને તેં ગમતું બધું દીધું છે   !

મળ્યા પછી માણસો ભલે બન્યા સ્વાર્થી,

એની દરકાર ના કરી , બધાંને માફ કરી,

બસ તેં તો ગમતાંઓને ગમતું જ દીધું છે.

અગણિત ઉપકારો છે તારા અમ પર ,

વંદીએ તને કર જોડી રોજ હૃદય-ભાવથી ,

કેમકે તારાં ગમતાંને તેં ગમતું દીધું છે !

અર્પણ કરું આ કાવ્ય સૌ ગમતાંઓને,

અરજ કરુ એને માણજો ,ગમતું કરીને !

વિનોદ પટેલ

https://vinodvihar75.wordpress.com/