વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -“અષાઢની મેઘલી રાત” -૬-વિજય શાહ

“આપણું નાનું આકાશ”. 

રીના, ડોક્ટર ચિંતનની પરણિતા. લગ્ન પછી ભણવાનું ચાલુ હતુ. ભણતરનો ભાર એટલો બધો કે ખાસ રીના તરફ ઘ્યાન ન આપી શકેલ ચિંતન એકાંતોમાં કદી પોતાની જાતને ઠપકારતો.. આ કેવું લગ્નજીવન?  ડોક્ટરને દેખાવડી રીનાનાં શરીરનું અકર્ષણ ઓછુ પણ લાગણીઓથી છલકતી આંખો તેને ખુબ જ ગમતી અને રીના આખી જિંદગી સાથેજ રહેવાની છે ને? આ ભણવાનું પતે પછી તેને ફરિયાદ કરવાની તક જ નહીં આપું વાળી વાતો મનમાંને મનમાં કરતો.

સંયુક્ત કુટુંબમાં પોતાની જાતને ગોઠવતી રીના ચિંતનની સામે જોતી ત્યારે ચિંતનની આંખોમાં લાગણીઓનો દરિયો ઘુઘવતો. આ લાગણીઓ જ તેને સાસરીઓનાં મેણા ટોણા સહીને લગ્ન જીવન ને ટકાવતી. એ સમજતી વેરા અને આંતરાનો વહેવાર. પણ હશે મારા તકદીરમાંથી તો કોઇ નહીં લઈ જાયને? અને પોતાનો ઉછેર ગામડાનો..પિયરીયે કોઇ જોનાર નહીં અને સાસરીયે મુંગો ધણી..તેને જાણે એક વિના પગારની કામ વાળી હોય તેમ લાગતું..પણ પછી એ મન મનાવતી આ મેડીકલનાં બે વર્ષ બાકી..પછી તો મારા દી’ ફરશેને?

“ભાભી? તમને ઉપમા બનાવતા નથી આવડતી?”

હું મનોમન બોલતી અમારા ગામડા ગામમાં તો રોટલા ટીપતા આવડે એટલે ભયો ભયો..

“ભાભી તમને બનાવતા શું આવડે છે? પોતૈયા?

“હું પાછી મનોમન બોલતી મને ચાર છ મહીના રહેવા દો અહીંનું બધુ શીખવા દો..પછી તમને બનાવતા આવડે તે બધું જ બનાવીશ

“ ભાભી તમે હવે ગામડામાં નથી રહેતા.. વડોદરા શહેરમાં રહો છો! જરા બધા સાથે હળો મળો. આ શું તમે અને તમારો રૂમ? સહેજ બની ઠની ને નીકળો તો લોકો પણ કહે મારા ભાઈને રૂપાળી અને કાબેલ છોકરી મળી છે”

તે બબડતી કોને દેખાડવા સજુ? મારો પિયુ તો ગયો પરદેશ?

“ ધોળા તો ગધેડાં પણ હોય” એ હેબતાઇ જ ગઈ. અને દુઃખ પણ અનુભવતી. જે છે તે જોતા નથી અને જે નથી તે શોધ શોધ કર્યા કરો છો?

સાંજે પપ્પાએ નાની નણદીને બહુ ખખડાવી. નાના મોટાનું માન રાખવા વિશે ખાસુ એવું લેક્ચર આપી માફી મંગાવડાવી. ભાભી ની જગ્યા મા પછી હોય છે. પપ્પા વિશે માન તો હતું પણ આ પ્રસંગ પછી તે બેવડાઇ ગયું

નાની નણદીઓની છાસ વારે આવતી કટાક્ષવાણી પીતા રીનાને ગુસ્સો આવતો અને ઘણી વાર તડ ફડ કરી નાખવાની ઈચ્છા થતી. પણ ચિંતન પ્રત્યેનો પ્રેમ તેને તેમ કરતા રોકતો.

એક ચિંતનની મમ્મી અને તેમની સહાનુભૂતી ભરી માવજતે તે ગામડા અને શહેરનાં ઉછેરની ખાઈ પુરતા હતા. અને વહાલથી કહેતા.” મારી દિકરીઓને સાસરે જશે ત્યારે ખબર પડશે..અહીયા “હીરો”ગીરી કરે છે પણ સાસરે જશે ત્યારે તેઓને પણ આવું બધું વેઠવું પડશે. એકડે એકથી નવું શીખવાનું હોય ત્યારે હીરો માંથી ઝીરો થવું પડે. તું તો સાસરે આવી છે અને નવું વાતાવરણ હોય તેમાં શીખવાની તૈયારી છે એ ઘણી ઉમદા વાત છે.

ચિંતન ઉપર પણ ગુસ્સો આવતો..પરણ્યા પછી પણ જુદાઇનું તપ? મને પણ લંડન સાથે લઈ જાને? દિવસે તું તારે ભણજે અને હું તારું બધું સાચવીશ. મને રાત્રે તો તું જોવા મળે…તારો વિરહ તો ના નડે ..પણ હાય રે ગામડું મને નડી ગયું.. ઉછેર જુદો છે પણ મને ટકોર ટકોર ના કરશો હું બધોજ વ્યવહાર ઝડપથી શીખી જઈશ..

મને ઈંગ્લીશ ના આવડે. ગુજરાતી મિશ્રીત અંગ્રેજી ના ચાલે. ત્યાં જુદુ એપાર્ટ્મેંટ લેવું પડે..તેનો ખર્ચો વધારે આવે અને તેનાથી પણ વધુ ચિંતનને ભણવામાં ખલેલ પડેને?

ચિંતન પણ મૌની બાબા.. સાંભળે સૌનું પણ મારો પ્રશ્ન અને મને જ ના પુછે. હૂં મોટે મોટેથી બુમો પાડીને કહું તમે મને પુછો તો ખરા? હું તેમની સાર સંભાળ લઈશ..પણ ના. તેમ કરે તો આ મુંગી કામવાળી જતી રહેને?

ક્યારેક ફોન આવે પણ મારા ભાગે “કેમ છે?” અને “સારું છે” તેથી વધુ વાત નહીં. સંયુક્ત કુટૂંબ એટલે સૌની સાથે વાત કરવાની અને મારો વારો આવે ત્યારે ફોન મોંઘો થઈ જાય. પાઉંડની મિનિટ છે… હું કહું પણ ખરી કે મને થાય છે તેટલા વાત કરવાનાં કોડ તને નથી થતા? પણ આવું એકાંત ભરેલા ઘરમાં ક્યાં મળે? એક વખત ફોન પર પહેલા હું મળી ગઈ ત્યારે કહે તું તો મારો કાચો હીરો છે.. તારા ઉપર ઘડતરનાં પાસ પડવાનાં જરુરી છે.

ત્યારથી હું કેળવાતી ગઈ. અંગ્રેજી બોલતા શીખતી ગઈ.પાસ્તા, પીઝા અને લઝાનીયા બનાવતા આવડી ગયું..”હેલો “અને “હાવ આર યુ?” કહેતા આવડી ગયું જુદા જુદા કપડા પહેરતા અને ઉંચી એડીનાં સેંડલ પહેરીને ચાલતા આવડી ગયું. કોંપ્યુટર અને ગાડી ચલાવતા શીખી ગઈ.ઓફીસ મેનેજ્મેંટનો કોર્સ અને પાંચસો થી વધુ દવાનાં નામ કડ્કડાટ થઇ ગયા.મમ્મીને લાગતું કે હવે તેના છોકરાને લાયક તે થઈ ગઈ હતી પણ  મને તો એવું લાગતું કે જિંદગીનાં રોમાંટીક પાંચ વર્ષ નકામા રાહ જોવામાં નીકળી ગયા.

ચિંતન એફ આર સી એસ થઈ ગયો હતો.

તે અષાઢની મેઘલી રાતે ફોન આવ્યો. ઘરમાં કોઇજ નહોંતુ અને ચિંતન બોલ્યો “ હાય બકુડી કેમ છે?”

તેનું હૈયું ક્ષણ ભર માટે તો થંભી ગયું.

“ચિંતન..!”

“ હા. આજે બહું જ ખુશ છું અને તારી સાથે જ વાત કરવા અત્યારે ૫૦ પાઉંડ નું કાર્ડ ખરીદ્યું છે.”

“મારા તો ભાગ્ય ખુલી ગયા હા બોલો મારા મૌનીબાબા!”

“ મેં મૌન અકારણ નહોંતુ સ્વિકાર્યુ..પણ ભણવામાં તારી લાગણીઓ મને સ્પર્શે અને હું લક્ષ્યમાંથી ચળી જઉં એ મને નહોંતુ જોઇતું પણ તેનો અર્થ એ નહીં કે હું તારા તરફ બેદરકાર છું. મને ત્યાંની બધી જ વાતોનો રજે રજ અહેવાલ મમ્મી મોકલતા હતા. અને તારી માવજત અને ઓફીસ યોગ્ય બનાવવાનાં મારા સુઝાવો પ્રમાણે તને ભણાવતા હતા.”

“ હં તો મૌની બાબા..તે બધા કારસ્તાન તમારા હતા?”

“ જો તને લંડનમાં લાવતા પહેલા લંડન યોગ્ય બનાવવી જરુરી હતી..સાથે સાથે મને નોકરી મળે અને હું અહીં સારું કમાતો થઉં તોજ તને લાવી શકુંને? આજે પરિણામ આવી ગયું છે. મને એલ્ફિંસ્ટન હોસ્પીટલમાં સારા પગારની નોકરી અને રહેવાનું એપાર્ટમેંટ મળી ગયું છે. હવે આપણું ખરું લગ્ન જીવન શરુ થશે.. જ્યાં હું અને તું બે જ હશે..અને હશે આપણું ઝંખેલ “નાનકડું આકાશ”.

“ તને ક્યારે ખબર પડી કે હું “નાનકડું આકાશ” ઝંખું છું?”

“એ કંઇ કહેવાની વાત છે? તું એકલીજ ત્યાં ઝુરતી હતી તેવું થોડું હતું? હું પણ તને ચાહતો હતો..ઉન્માદનું તારું ઝરણ બોલકું હતું જ્યારે તેમાં હું ભીંજાતો અને  ભચડાતો તારો ભરથાર મૌન હતો… એ મૌન હવે મિલનની ઘડીઓને માણવા તેટલાજ ઉન્માદથી અને ઉત્કટતાથી તને ચાહે છે.”

“ બોલ રાજા બોલ.. મારા પાંચ વર્ષની આ તપસ્યાનું ફળ છે.”

“હું આવતી કાલે નીકળી તને લેવા આવું છું.. આપણે હનીમૂન માટે માલીદ્વીપમાં જઈએ છીયે અને ત્યાંથી ૧૫ દિવસમાં પાછા લંડન આવીશું.”

ચિંતન હવે ખરેખર લાગે છે કે “રાજાકી આયેગી બારાત રંગીલી હોગી રાત મગન મેં નાચુંગી… અહી વરસાદ પડે છે. અષાઢી વરસાદ.. મારું મન ઢેલ બની તારા આગમનની પ્રતિક્ષા કરે છે.. ખબર નહીં તું આવીશ ત્યારે મારા શું હાલ હશે પણ આવ રાજા આવ.. ચાતકનો ચાંદ બનીને મારી તડપન સમાવ..રાજા આવ અને મને લઈજા મને ગમતું નથી. મારું ચાલે તો ઉડીને તારી પાસે આવી જઉં.”

“હજી એકાદ કલાક મને શોપીંગ માટે મળશે. તારી ગમતી કેડબરીઝ ચોકલેટ, રાતા બાર ગુલાબ અને મેક અપ સૅટ લેવાનો વિચાર છે પણ તું તો એવી સરસ હસતી મને અત્યારે દેખાય છે કે તને મેકઅપની જરૂર જ નથી. બોલ બકા બોલ તારે માટે શું લાવું?”

“તું જલ્દી આવ મને કંઈ જ નથી જોઈતુ. તારા ચહેરાને વહાલથી નિહાળવો છે. પ્રેમે તને ભેટવું છે. બસ તું જલ્દી આવ..આવ અને બસ આવ.”

પેલી ચકોરીની જેમ ચાતક્ને ઝંખે તેમ તને આ મેઘલી અષાઢની રાત્રે તને ઝંખુ છુ અને હજી કલાકોની વાત કરે છે..ચિંતન!જરા મારો તો વિચાર કર તને મળવાની આશમાં પાંચ વરસ તો કાઢ્યા પણ હવે આ ક્લાકો કાઢવા અઘરા છે. બસ આવ અને મને લઈ જા. હવે તો રહેવાતુ નથી

ફોન પર વાત ચાલુ હતી ત્યાં ડોર બેલ વાગે છે..

ડોર ખોલતા ચિંતન ને બારણે ઉભેલો જોઈ રીના સ્તબ્ધ થઇ ગઈ. ફોન પડી ગયો અને ગમતીલો હસતો ચહેરો આંસુઓથી ભરાઇ ગયો અને તે ભેટી પડી. તે બોલી “મને તૈયાર તો થવા દેવી હતી!”

“તો આ સરપાઈઝની મજા મરી ન જાત?” થોડા મૌન પછી ચિંતન બોલ્યો_

“તેં કહ્યુ હતુને કે મને લઈ જા..તો આવી ગયો હું. હવે ફક્ત આપણે બે અને “આપણું નાનું આકાશ”

પાછળ રેડીઓ ઉપર ગીત વાગતુ હતુ અને કહેતું હતું રીના નાં મન ની વાત

પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

– મેઘબિંદુ

 

 

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -અષાઢી મેઘલી રાત -૫-

છન.. છન…છન.. છમ…છમ….

દૂરથી સંભળાતો એકધારો અવાજ પાસે અને પાસે આવી રહ્યો હતો. રાતના બાર વાગે સૂમસામ રસ્તાઓ પર ભેંકાર ભયાવહ સોપો પથરાઇ ગયો હતો. એવામાં આ એકધારા અવાજ સિવાય બીજો કોઇ અવાજ હોય તો એ હતો તમરાઓનો. પેલા છન..છન..ના અવાજમાં તમરાઓનો અવાજ ભળી જઈને કોઇ અજબ જેવી બિહામણી સૂરાવલિ રચતો જતો હતો.

આ આજ કાલની વાત નહોતી. છેલ્લા કેટલાય સમયથી રાત્રે વાગે બાર અને શરૂ થઈ જાય પેલો છન…છન. છમ અવાજ. જોનારાનું તો કહેવું હતું કે આ અવાજની સાથે કોઇ હાથમાં હાલતું ડોલતું ફાનસ પણ એની હારે હારે  હાલ્યુ આવે છે. કોઇ વળી એવી વાત લાવ્યું કે પેલા નાથાએ તો સફેદ લૂગડાંમાં કોઇ બાઇ માણસને હાથમાં ફાનસ લઈને આવતી ભાળી. અને બસ પછી તો પૂછવું જ શું?

અને પછી તો ધીમે ધીમે વાત વાયરે ચઢી..એક કાનેથી બીજા કાને વહેતી વાતે તો લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાવા માંડ્યુ. વાત છે લગભગ ૧૯૬૮ની સાલની એટલે કે લગભગ પચાસ વર્ષ પહેલાની. ત્યારે તો અમદાવાદના આ વિસ્તારમાં આજના જેવી અને જેટલી સોસાયટીઓ વિકસી નહોતી. એક સીધી પાકી સડક હતી પણ એ સિવાય બાકીના તો કેટલાય કાચા રસ્તાઓ પાકી સડકમાં રૂપાંતરિત થવા માટે  સરકારી મંજૂરીની મહોર માટે રાહ જોતા હતા. વરસાદ પડે ત્યારે કાદવ-કીચડમાં બદલાઇ જતા આ કાચા રસ્તાઓ મૂળ તો ખેતરાઉ જમીન હતી એના પર ધીમે ધીમે સોસાયટીઓ બંધાવા માંડી હતી.

હા ! તો વાત હતી એ પાયલ જેવા છમકતા અવાજની. ઉનાળાના બળબળતા દિવસોનો અંત આવવા માંડ્યો હતો.  આકાશમાં કાળા વાદળોએ પોતાનું સામ્રાજ્ય જમાવા માંડ્યુ હતું. ક્યારેક કડાકા-ભડાકા સાથે એ ઘેરાયેલા વાદળો તુટી પડતા. અને એ કડાકા-ભડાકા સાથે તુટી પડેલા વરસાદ પછીની સાંજ એટલી તો ખુશનુમા બની જતી કે મન મોર બનીને થનગનાટ કરી દે અને મન એકલું જ ક્યાં મોર બનીને થનગનાટ કરતું ? સાથે દૂરથી સંભળાતા કેકારવમાં મોરનો થનગનાટ પણ અનુભવી શકાતો. પણ આ બધો ઉન્માદ સાંજ ઢળતાની સાથે જ આથમી જતો અને ફેલાતો જતો એક ભયભર્યો ઓથાર. આમ પણ આવી વાતની સાથે તો બીજી અનેક વાતો વહેતી થાય ને!

સાંભળ્યુ કે…..કહીને કોઇ વળી કહેતું કે “વી.એસ. હોસ્પીટલના રસ્તે એક ઘોડાગાડીવાળો છે જે તમને એની ઘોડાગાડીમાં બેસાડે અને જ્યારે તમે ઉતરવા જાવ ત્યારે એ પાછળ ફરીને તમારી સામે જુવે ત્યારે જ ખબર પડે કે એના ચહેરા પર તો આંખો છે જ નહીં… માત્ર બે બાકોરા જ છે…”

કોઇ વળી એવી વાત લાવતું કે….“ જો જે હોં ! રાત પડે રેલ્વેના પાટા ઓળંગીને પેલી પા જઈશ નહીં….જોયો નથી પણ કોક અવગતિયો આત્મા ત્યાં ભટકે છે…પાટા ઓળંગીએ ત્યારે આપણા પગમાંથી એ અવગતિયો જીવ ચંપલ જ ખેંચી લે છે..”  ભયથી થથરતા પણ તો ય આવી વાતોના પડીકા તો સૌ છૂટથી વહેંચતા રહેતા.

પણા આ છન છન..છમ..વાળી તો સાવ નવી જ વાત હતી..સાંભળવામાં મીઠ્ઠા લાગતા અવાજે પણ એ એરિઆમાં જબરી ધાક ઊભી કરી દીધી હતી.

આમ તો આ છન..છનનો અવાજ કેટલો મીઠો લાગે ? કોઇ નવી નવેલી દુલ્હનના હળવા પગલાની ચાલ સાથે રણકતા પાયલનો અવાજ એના પીયુના મનમાં કંઇ કેટલાય કોડ જગાવે પણ આશરે રાત્રે બાર વાગ્યાના સુમારે સંભળાતા આ રણકારે તો આખા વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતુ. ઉનાળાની મોડી સાંજ સુધી ટહેલનારા લોકો પણ રાતની રાહ જોયા વગર ઘર ભેગા થવા માંડ્યા હતા.

*****

હવે અહીં વાત કરવી છે  નિહારિકાની…એટલે કે પેલી આકાશગંગા નહીં…. એ તો વળી આવી અષાઢી મેઘલી ઘનઘોર રાતે ક્યાં દેખાવાની હતી ? આ તો વાત છે નિહારિકા એટલે કોલૅજના પ્રથમ વર્ષમાં પ્રવેશેલી સોળ વર્ષી કન્યાની… જેના બંગલાથી જ પેલી એક માત્ર પાકી સીધી આલ્સ્ફાટની સડક શરૂ થતી હતી એ નિહારિકાની. આ બંગલો પણ જાણે મોકાની જગ્યાએ…..સીધી સડક જાણે આ બંગલા માટે જ ના બંધાઇ હોય! આ બંગલાના મેઇન ગેટમાં પ્રવેશો એટલે ડ્રાઇવ વૅ શરૂ થાય જે કારના પાર્કિંગ શેડ સુધી લંબાય . આ મેઇન ગેટની ઉપર અર્ધ કમાન પર ચઢેલી , ફાલેલી અને  ફૂલોથી લચેલી બોગનવેલ. એની જમણી બાજુએ મધુમાલતી, જૂઇ, રાતરાણી, પારિજાત, મોગરા અને બટ-મોગરાથી મઘમઘતા લીલાછમ ક્યારા. મેઇન ગેટની તરત જ ડાબી બાજુએ ગુલાબના ક્યારા અને એ ક્યારાની વચ્ચેથી નાનકડી પગદંડી અને ત્યાંથી શરૂ થતી લૉન. વરસાદથી ધોવાઇને તાજા દેખાતા આ ફૂલોના ક્યારા નિહારિકાને જોવા ખુબ ગમતા. વરસાદની ભીની માટી સાથે ભળી જતી રાતરાણીની સુગંધ એના મનને તરબતર કરી દેતી અને ભીની લૉન પર ચાલવું તો એને ખુબ ગમતું . સાંજ પડે ઇઝી ચેર ગોઠવીને તો નિહારિકા અને મમ્મી-પાપા પણ ક્યાંય સુધી બેસીને વાતો કરતાં અને એમનો તુલસી કામથી  પરવારીને સોસાયટીના નાકે એના જેવા ભેરુઓ સાથે પોરો ખાતો.

પણ હવે વાતાવરણ બદલાયું હતું. રાત પડે ઘરકામથી પરવારીને સોસાયટીના નાકે ભેગા થઈને બેસતા તુલસી અને એના ભેરુઓએ પણ ભેગા થવાનું માંડી વાળ્યુ હતું. આજ સુધી તો રાત્રે બંગલાના ઓટલા પર તુલસી સૂઇ જતો. અરે ! તુલસી જ કેમ સામે દેખાતા બંગલાનો બંસી, સોસાયટીના દરેક ઘરમાં કામ કરતા અને રહેતા શંકર, ભીમજી, લક્ષ્મણ, ગટુ સૌને ઓટલા પર જ સૂઇ જવું માફક આવતું પણ આ છન.. છન…છન.. છમ…છમ…. છન્ન્ન છન્ન્નના અવાજ અને એ અવાજની હારો-હાર હાલક-ડોલક કરતા હાલ્યા આવતા ફાનસે તો એ સૌની ઊંઘ હરામ કરી દીધી હતી. હવે તો કોઇ બહાર ઓટલા પર સૂવા તૈયાર નહોતા.

જો કે આ બધી ડરામણી વાતો ઘરની બહાર સૂતેલા માણસો વચ્ચે ઘૂમરાયા કરતી હતી. ઘરની અંદર એ.સીની ટાઢકમાં સૂતેલા નિરાંતવા જીવો સુધી તો એ ભયની ભૂતાવળ હજુ પહોંચી નહોતી. જે થોડી ઘણી છૂટી-છવાઇ ચર્ચાઓ કાન સુધી પહોંચી હતી એ વાતોમાં પણ એમને ખાસ દમ લાગતો નહોતો.

હા તો આપણે વાત કરતા હતા નિહારિકાની..નિહારિકા અને પ્રીતિ….કોલૅજ જુદી પણ મન ભેળા..સાંજ પડે કોલૅજથી છુટીને પ્રીતિ સીધી જ પોતાને મળવા આવશે જ એવી પાકી ખાતરી..એટલે નિહારિકા પણ એની રાહ જોતી. આખા દિવસની ભેગી થયેલી વાતોનો ખજાનો સાંજ પડે ખુલી જતો. વાતો કરવાનો આ એક જ સમય. કારણકે જમી પરવારીને બંને વાંચવા ભેગા થાય ત્યારે માત્ર વાંચવાનો નિયમ…….વાતો ?……ના રે ના…જરાય નહીં ને…

આજે જમીને પ્રીતિ આવી ત્યારે વાતાવરણ એટલું તો આહ્લાદક હતું કે બંને જણ લૉનમાં ઇઝી ચેર પર જ વાંચવા ગોઠવાઇ ગયા. વાંચવામાં મશગૂલ એવા નિહારિકા અને પ્રીતિનું પસાર થઈ રહેલા સમય પર જરાય ધ્યાન નહીં. સમય એની ગતિએ આગળ વધતો હતો.

ટપ..ટપ…ટપાક..ટપાક…વરસાદના બે-ચાર ટીપા બંનેના હાથ પર પડયા. હાથ પર કેમ…પુસ્તક પર પણ પડ્યા સ્તો…અને અચાનક બંને ધ્યાનભંગ થયા. ઝટપટ પુસ્તકો અને ઇઝી ચેર સમેટીને બંને લૉનમાંથી જ સીધા ઘરમાં જવાના બારણા તરફ વળ્યા કોણ જાણે કેટલા વાગ્યા હશે પણ રાત મધરાત તરફ ખસી રહી હતી એવું પણ એ વખતે જ સમજાયું.  હજુ તો ઘરમાં પ્રવેશે એ પહેલા જ લાઇટો ગૂલ.. અચાનક અમાવસની અષાઢી મેઘલી રાતનું ચોસલા પાડે એવું અંધારુ જાણે બંનેને વિંટળાઇ વળ્યું.  અંધારામાં હાથથી ફંફોસીને અહીં બારણું છે એવું અનુભવે  એ પહેલા તો દૂરથી અવાજ કાને પડ્યો…

છન. છન… છન..છન…છમ… બંને ભયથી પહેલા તો છળી ઉઠ્યા અને ત્યાં જ થીજી  ગયા. ઉડતી વાતો તો એમણે પણ સાંભળી હતી પણ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી તો આવી વાતોને ગપગોળા જ માની લીધા હતા. કંઇ કેટલી ય વાર તુલસીએ પણ સમજાવવા પ્રયત્ન કર્યો હશે પણ અક્કલ એની વાત માનવા તૈયાર નહોતી. આજે સમજાયું કે અક્કલની પેલે પાર પણ કશુંક અપાર્થિવ હોઇ શકે ખરું. ઝટપટ ઘરમાં પેસવાનું બારણું બંધ કરીને ઇઝી ચેર ત્યાં જ પડતી મુકીને બંને જાણે હોડ પર ઉતર્યા હોય એમ એક બીજાના હાથ પકડીને ઘરમાં ધસ્યા.

અંધકારમાં એમના શ્વાસની ગતિ જોઇ કે સાંભળી હોય તો……બાપરે ! હવે ? બારણું બંધ થવાના લીધે પેલા અવાજની તિવ્રતા ઘટી હોય એવું ય લાગ્યું. વળી પાછી થોડી હિંમત આવી. ઘરમાં જ છીએ ને..ક્યાં રસ્તા પર કે ઓટલા પર બેઠા છીએ એવી ખાતરીથી શ્વાસની ગતિ જરા ધીમા લય પર આવી.

હવે ? એટલું તો હતું કે બંને સાથે હતા એટલે ઘરમાં કોઇને ઉઠાડવાની જરૂર તો ના લાગી. શ્વાસની ગતિ જરા ધીમી પડી હોય એટલે અથવા પેલો અવાજ વધુ નજીક આવી રહ્યો હતો એટલે  હોય પણ પાછી એ અવાજની તિવ્રતાએ જોર પકડ્યું.

વિસ્તારમાં ફેલાઇ રહેલી એ વાતો માત્ર અફવા કે ગપગોળા નહોતા એવું સ્વીકારવા મન તૈયાર થયું. પણ આ પાર કે પેલે પાર હવે તો આ વાતની ખાતરી કરી જ લેવી છે એવું ય નક્કી કરી લીધું. નિહારિકા અને પ્રીતિએ ડ્રોઇંગરૂમ તરફ હળવે પણ મક્કમ પગલે ખસવા માંડ્યુ. હજુ ય અંધારામાં હાથથી ફંફોસીને જ આગળ વધવું પડે એમ હતું. પપ્પાએ કેટલી વાત કહ્યું હતું કે આવા વરસાદની મોસમમાં બેટરી હાથવગી રાખવી સારી. એમ તો દરેક રૂમના  ટેબલ પર મીણબત્તી અને દિવાસળીની પેટી ય મમ્મીએ મુકી જ હશે પણ રખેને એ અજવાળું બહાર સુધી પહોંચી જાય તો !  ધીમે ધીમે બંને ડ્રોઇંગરૂમ સુધી પહોંચ્યા તો ખરા.  ડ્રોઇંગરૂમની એક બારી મેઇન રસ્તો દેખાય એવી રીતે પડતી હતી એ બારી જરાક જ ખોલીને બહાર રસ્તો દેખાય એવી રીતે બંને એકબીજાનો હાથ મજબૂતાઇથી પકડીને ઊભા રહયા. કોણ હશે ?

“સફેદ લૂગડામાં કોઇ બાઇ માણસ છે…” એવું તુલસી કહેતો..

“ના રે ના.. એને વળી ક્યાં ધડ કે માથુ છે? ખાલી હળગતું ફાનસ છે એ..” બંસી બોલતો..

આજ સુધી આવી બધી વાતો ક્યાં ગણકારી હતી પણ આજે એ વાતોમાં કંઇક તો તથ્ય હશે એવો વિચાર તો આવી જ ગયો નિહારિકા અને પ્રીતિ બંનેને.

હવે તો અવાજ વધુ અને વધુ નજીક આવવાના લીધે સ્પષ્ટ થતો જતો હતો..અષાઢી મેઘલી રાતના આ અંધકાર અને સન્નાટાભર્યા વાતાવરણને ચીરતો એ પાયલનો છમ છમ..છન..છન…આવાજ જેમ જેમ નજીક આવતો ગયો એમ જાણે ફરી ભય બંનેને ઘેરી વળ્યો..હ્રદયના ધબકારા પેલા ડરામણા અવાજથી પણ વધુ તેજ બનતા ચાલ્યા.નિહારિકાને યાદ આવ્યું નાનપણથી મમ્મી કહેતી જ્યારે ડર લાગે ત્યારે હનુમાન ચાલીસા બોલવા. હનુમાનજીની આણ દેવી. એમાં એવી તો શક્તિ છે કે ભલભલા ભૂત, પ્રેત, પિશાચ કે ડાકણ તમારી પાસે ફરકતા પણ ડરે..

અને નિહારિકાએ “શ્રી ગુરુ સરોજ રજ,

નિજ મન મુકુર સુધારિ”….થી માંડીને એક શ્વાસે અને ધડકતા હ્રદયે

આપન તેજ સમ્હારૌ આપે

તીન લોગ હાંક તે કાંપે

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ

મહાવીર જબ નામ સુનાવૈ….. સુધી  હનુમાન ચાલીસાનું રટણ શરૂ કરી દીધું.

નિહારિકા અને પ્રીતિથી માંડીને આખા વિસ્તારમાં ભયથી થરથરતા લોકોથી અજાણ એ અવાજ તો નિરંતર  મક્કમ ચાલે ચાલ્યો આવતો હતો. અષાઢી મેઘલી રાત અને ઘરમાં ફેલાયેલા અંધકારના સામ્રાજ્ય પર હાવી થતો જતો હતો….

વળી બહાર રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી. એટલે જે હશે એ સ્પષ્ટ દેખાશે તો ખરું જ એમ વિચારીને નિહારિકા અને પ્રીતિ હિંમત એકઠી કરીને ઊભા તો રહ્યા જ. ડ્રોઇંગરૂમની જરા ખુલ્લી રાખેલી બારીમાંથી  થોડે દૂર સુધીનો રસ્તો દેખાતો હતો. હવે તો પાસે આવેલા અવાજની સાથે હાલક-ડોલક ફાનસ પણ નજરે પડ્યું. પણ ફાનસની પાછળનો ઓળો હજુ ય થોડો ઝાંખો હતો. એ જરા પાસે આવે તો ખબર પડે કે બાઇ છે કે ભાઇ…

ભયથી ધડકારા તેજ થતા ગયા.. હનુમાન ચાલીસાનું રટણ હજુ ય ચાલુ હતું.  પરસેવાના લીધે હથેલીઓ ભીની થઈ ગઈ હતી. ચહેરા પરથી પણ પરસેવો નિતરવા માંડ્યો હતો. બીકના માર્યા આંખો પલક ઝપકાવાનું સુધ્ધા ભૂલી ગઈ હતી અને એ રસ્તા પર મંડાયેલી અપલક નજર  સામે એ ઓળો ય સ્પષ્ટ થયો…શું હોઇ શકે એની કલ્પના આવે છે?

નહીં ને? તો સાંભળીએ નિહારિકા પાસે જ …

“ મમ્મા, જેમ જેમ ફાનસ પાસે આવ્યું તો ખબર પડી કે એ શું હતું..”… બીજે દિવસે સવારે ચા પીતા નિહારિકા એના મમ્મી-પાપાને આગલી રાતના અનુભવ વિશે વાત  કરતી હતી.  “મમ્મા એ તો પેલા ચાર રસ્તા પર પાણી-પુરીની લારી લઈને ઊભા રહે છે ને એ પર્બતસિંહ એમની લારી લઈને પાછા આવે છે ને  એ હતા.  તુલસી કહે છે એ હાલક-ડોલક દેખાય છે એ એમની લારીની આગળ લટકાવેલું ફાનસ છે અને જે છન્ન છન્ન..છમ..છમ..અવાજ છે ને એ તો એમની લારી પર બાંધેલા પૈડાનો અવાજ છે. .”

 

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્થા -અષાઢી મેઘલી રાત-4-રશ્મી જાગીરદાર

સાક્ષી

‘અગિયાર વાગી ગયા, આજે એનેય મોડું થયું લાગે છે.’ વસંતભાઈ મનમાં બબડ્યા અને બહાર ઓટલે આવીને ઉભા. થોડીવાર થઇ ત્યાં તો સાયકલની ઘંટડી સંભળાઈ. નક્કી એ જ. એમણે સોસાયટીના દરવાજા તરફ મીટ માંડી. ૨ નંબરમાં જઈને એણે બુમ પાડી ‘પોસ્ટ’  અને પછી ૩ નંબરમાં વસંતભાઈને પણ ટપાલ આપી. ડીવીડંડ અને ઇન્વેસ્ટમેન્ટના ચેકના પરબીડિયાં  લઈને તેઓ ઘરમાં આવ્યા અને નજર કરીને ઠેકાણે મુક્યાં. ઘડિયાળમાં જોયું, ઓહ! હજી સાડા અગિયાર જ?  ભૂખ લાગી હતી પણ રસોઈયો હજી રસોઈ બનાવતો હતો. જો રસોઈયાને બદલે ‘એ’ રસોઈ કરતી હોત અને મોડું થયું હોત તો? કેટલો ગુસ્સો કરત હું? એટલા મોટેથી ઘાંટા પાડત કે બિચારી થથરી જાત! અને આજુબાજુ વાળા સાંભળશે તો કેવું લાગશે? એવું સમજાવવા હાથ જોડીને માફી માંગવાની ચેષ્ટા કરત, પણ આપણે રામ તો! બેડરૂમમાં જઈને એમણે જૂની ટપાલનું બંડલ કાઢ્યું. ખુબ સાચવીને મુકેલી બે જુદી જુદી થપ્પીઓમાંથી સહેજ વાંચીને એક થપ્પી બહાર કાઢી. તેમાંથી સૌથી નીચેની ટપાલ હાથમાં લીધી. સંબોધન વાંચ્યું.’મારા’ પ્રિય કે વ્હાલા લખવાને બદલે પુષ્પા  સંબોધનમાં કાયમ ‘મારા’ જ લખતી. તેમણે આગળ વાંચવા માંડ્યું.  એ કાગળના અક્ષરો  ઝાંખા પડી ગયા હતા. છતાં તેઓ વાંચવામાં ગરકાવ થઇ ગયા. -‘લી. વસંતનું પુષ્પ’ એ શબ્દો પર નજર ચોંટી રહી.

તેઓ થીએટરમાં બેઠેલા એક ઊંચા, હેન્ડસમ છોકરાને જોવા લાગ્યા. હા તે મોસ્ટ એલીજીબલ, હેન્ડસમ મુરતિયો વસંત જ હતો. સ્માર્ટ, રુઆબદાર અને સ્ટાઈલીસ્ટ! વસંતભાઈ પોતે તેના પર ઓળઘોળ થઈને જોઈ રહ્યા. પણ ‘પેલો’ તો સ્ક્રીન પરનું મુવી જોવામાં વ્યસ્ત હતો. કયું મુવી હતું? કયું થીએટર? વસંતભાઈએ મગજ કસ્યું. અને એમ કરવાની કસરતમાં સ્વયં પોતે જઈને પેલા ફૂટડા યુવાનમાં સમાઈ ગયા! બિલકુલ ફીટ થઇ ગયા. અને એ સાથે નીકળી પડી ‘યાદોની બરાત’.

વિવાહ નક્કી થયા એટલે પોતે સીધો એના ઘરે પહોંચી ગયેલો અને કહેલું, “હું પુષ્પને ફિલ્મ જોવા લઇ જાઉં?” જવાબમાં એના પપ્પાએ હસીને  કહેલું, ” જાવ બેટા પુષ્પા, ફિલ્મ જોઈ આવો. કયું મુવી જોવું છે? ” ” જે થીએટર વધારે સારું હોય તેમાં જ જઈએ.”  ” હા તો જયલક્ષ્મી થીએટર સારું છે, ઘરથી નજીક જ છે.  તેમાં વૈજયંતીમાલાનું  ‘આશા’  મુવી ચાલે છે. એમ કરો તમે લોકો જમીને નિરાંતે ૯થી ૧૨ના શોમાં જાવ.”  જમી લીધા પછી પુષ્પા તૈયાર થઇને આવી. આછા ગુલાબી રંગની સાડી અને મેચિંગ બ્લાઉઝ સાથે હળવી જ્યુલરી, વસંત જોઈ જ રહ્યો અપલક!  શરમથી લાલ થઇ ગયેલી પુષ્પ-હા પુષ્પાને એ પુષ્પ જ કહેતા! બંને બહાર નીકળ્યાં ત્યારે આકાશ કાળા ડીબાંગ વાદળાંથી ઘેરાયેલું હતું. તે જોઇને પુષ્પા કહે,” બાપ રે, હમણાં તૂટી પડશે કે શું?” ” ભલે ને તૂટી પડે, મને તો પલળવાનું ગમશે!” “પલળવાનું કોને ના ગમે? પણ ઝડપથી પહોંચી જઈએ ભીનાં કપડાંમાં બેસતાં નહિ ફાવે.” પિકચર શરુ થતાં પહેલાં જ કડાકાભેર વીજળી થઇ અને વાદળો એકબીજા સાથે અથડાઈને કાનના પડદા તુટે તેવી ગર્જના કરવા લાગ્યા.” ગઈકાલ તો ચોખ્ખી હતી આજે એકદમ તૂટી પડ્યો આતો!” “મોસમ છે એની, આવે તો ખરોને? ” “હા આ તો અષાઢ મહિનો.” ” પુષ્પ, શું તે અષાઢસ્ય પ્રથમ દિવસે…વાંચ્યું છે?” હાસ્તો,ભુલી ગયા ? હું એમ એ વિથ સંસ્કૃત છું? તમે મેઘદૂતની  વાત કરો છો. પણ એ બધું પછી, જુઓ એડ પૂરી થઇ હમણાં મુવી ચાલુ થશે.” પછી તો વરસાદ એવો તૂટી પડેલો કે, વચ્ચે થીએટરમાં લાઈટ પણ જતી રહેલી. શો તો જનરેટરથી ચાલ્યો.પણ મુવી પત્યા પછી ઘરે જતાં બંને પ્રેમી પંખીડાં, અષાઢની એ મેઘલી રાત્રમાં મેઘદૂત-મહાકાવ્યના વિરહની  વાતો કરતાં કરતાં, અંધકારનો આધાર લઇ સાથ અને સાન્નિધ્ય માણતાં  રહ્યા હતાં.વસંતભાઈ એ સાથ અત્યારે પણ માણી રહ્યા હોય તેમ પત્ર તરફ તાકી રહ્યા.

પુષ્પા લાખો અરમાન લઈને સાસરે આવેલી ‘વસંત’ જેવો પતિ મેળવીને તે પોતાને ધન્ય સમજતી. આટલો હેન્ડસમ, સ્માર્ટ અને એલ આઈ સીમાં  ડાયરેકટ ક્લાસ વનમાં રીક્રુટ થયેલો- વસંત તેને એટલો બધો ગમતો કે, પોતાની પૂરી જિંદગી તેણે મનોમન તેના નામે કરી દીધેલી. વસંતની  કોઈ વાતથી તેને ખરાબ નહોતું લાગતું. સાથે રહેતાં તેણે જ્યારે વસંતનો ગુસ્સો જોયો, ત્યારે તે કેવી ડઘાઈ ગયેલી! ગુસ્સો પણ કેવો? વાતવાતમાં અને ઉંચી માત્રામાં નીકળતો ક્રોધ સહેવો સહજ નહોતો. વસંતભાઈને યાદ આવ્યું.– ‘લગ્નનાં પહેલા અઠવાડિયામાં જ ધૂળ જેવી વાત પર પોતે લાફો…એ આંસુની ધાર. આવું અનેક વાર બનેલું. આ પત્ર તો લગ્ન પહેલાંનો છે. હા લગ્ન  પહેલાં અને જ્યારે જ્યારે પિયર જાય ત્યારે તે અચૂક પત્ર લખતી અને મને જવાબ આપવાનો આગ્રહ કરતી. સાચી વાત તો એ હતી કે મને પણ  એ બધું ખુબ ગમતું. પુષ્પ પણ મને ખુબ ગમતી મને તે બહું વ્હાલી પણ ખરી. પણ મારો ગુસ્સો! હું માનતો કે, તે મારી પોતાની છે. મારાથી તેને આવું બધું કરાય! આવું જ બધું ચાલતું રહેતું. અમારી વચ્ચે અતુટ પ્રેમ હતો. પણ મારા ક્રોધી સ્વભાવને લીધે રૂબરૂમાં હું એના પ્રત્યેની લાગણી વ્યક્ત નહોતો કરી શકતો. ડરની મારી પુષ્પ પણ દિલમાં મારા માટે ઉભરાતા પ્રેમને વ્યક્ત નહોતી કરી શકતી. અને કદાચ એટલે અમે બંને પત્રોમાં અમારો ગાઢ પ્રેમ વ્યક્ત કરતાં.

અમારા પ્રેમનું સુંદર પ્રતિક એટલે મારો એક માત્ર દીકરો વિવાન. પુષ્પ મને સમજાવતી કે, દીકરાની હાજરીમાં હું તેનું અપમાન ના કરું. પણ આપણા રામ તો એ ના એ જ. આવા માહોલમાં જ વિવાન માસ્ટર્સ કરીને યુ એસ માં સેટ થયેલો. તે જ્યારે જ્યારે મારું વર્તન જોતો ત્યારે દુઃખી  થઇ જતો. ચાર વર્ષ પહેલાં તે લગ્ન કરવા માટે આવેલો. લગ્ન મંડપમાં પુષ્પા વેવાઇનાં  માતા સાથે કંઈ વાત કરતી હતી. ગોર બાપાએ કહ્યું,”વરનાં  માતાપિતા મંડપમાં આવી જાવ”. પુષ્પા દુર હતી. તેને સંભળાયું નહિ હોય એટલે તે હજી વાત કરતી હતી. મેં ગુસ્સે થઈને એટલા જોરથી બુમ પાડી કે, ગભરાઈને તે ઝડપથી આવવા ગઈને તેનું બેલેન્સ ગયું. અને તે પડી ગઈ. હાજર સૌ મારી તરફ કતરાતા હતા. હાજર મહેમાનો, વડીલો,અને ખુદ પ્રસંગનો મલાજો પણ મેં ના જાળવ્યો. પછી તો વિવાન પણ મારો જ દીકરો! તેણે પુષ્પને પોતાની પાસે બોલાવી લીધી. મારી જોબ હજી ચાલુ હતી એ બહાના હેઠળ હું અહીં જ રોકાયો. કદાચ પુષ્પને પણ તે યોગ્ય જ લાગ્યું. પુત્રવધુ સામે અપમાન સહેવાની તેની તૈયારી ના હોય તે સ્વાભાવિક જ હતું.-‘

મહારાજે કહ્યું, સા’બ રસોઈ થઇ ગઈ.” તેણે થાળી પીરસી પણ વસંતભાઈને જમવાનું જરાય મન ના થયું,  ભૂખ હતી છતાય. બેચેની સાથે તેમણે પરાણે જમવાનું ચાલુ કર્યું. તે જ સમયે ફોનની રીંગ વાગી. સામે વીવાન હતો તેણે કહ્યું,”મમ્મી નાસ લેવા મુકેલા ઉકળતા પાણીથી સખત દાઝી ગઈ છે, તે આઈસીયુ માં છે. તમારા વિઝા તો છે જ. તાત્કાલિક જે એરલાઈન્સમાં મળે ત્યાં બુકિંગ કરાવીને નીકળો તમે.” વસંતભાઈ ચિંતાજનક સમાચારથી ગભરાઈ ગયા. જે રીતે દીકરાએ વાત કરી, પુષ્પ સીરીયસ હોવી જોઈએ. બેગ ભરી ત્યારે પેલા પત્રોની કોથળી પણ મૂકી. એમાં સચવાયેલો પ્રેમ કદાચ એના દાઝેલા શરીરને શાતા આપે!

વસંતભાઈ પહોંચ્યા ત્યારે પુષ્પા આઈ સી યું માં જ હતી, બેભાન હતી. ડોકટરે કહ્યું, ” છેલ્લા પડ સુધી ચામડી બળી ગઈ છે. બે ઓપરેશન થયાં છે, હજી પણ બે કરવા પડે તેવું લાગે છે. સિચ્યુશન એવી છે કે, હવે ઓપરેશન કરવું રિસ્કી છે અને ન કરીએ તો વઘુ રિસ્ક છે. એટલે થોડીવારમાં ભાનમાં આવશે ત્યારે તમે અચુક મળી લેજો. અને નક્કી કરજો કે ઓપરેશન કરવું છે કે નહીં.”

કલાક પછી ભાન આવતાં પુષ્પાએ પરાણે આંખ ખોલી. સામે વસંતને જોઈ તેની આંખમાં ચમક આવી. ” પુષ્પ જો હું આવી ગયો તને હવે કશું ના થાય.”ચારેય આંખોમાં આંસુ તગતગી રહ્યાં. દીકરો વહુ બંનેને એકલાં છોડીને બહાર ગયાં. શું બોલવું તે સમજાતું નહોતું. ડાયનીંગ ટેબલ પર નાસ લેવા રાખેલું  ઉકળતું પાણી સિધ્ધું ખોળામાં પડેલું એટલે નીચેનો ભાગ સખત રીતે દાઝી ગયેલો પણ ચહેરો અને હાથ બચી ગયેલા. હતપ્રભ થઇ ગયેલા વસંતભાઈએ અચાનક સાથે લાવેલા પત્રો કાઢ્યા. અને કહ્યું,” પુષ્પ જો હું શું લાવ્યો છું? ચાલ આપણે બંને સાથે આ પત્ર વાંચીએ. વીતેલાં વર્ષોની પ્રેમની પળો એમાં જેમની તેમ સચવાયેલી છે. તે માણીએ. જો આ કાગળ તો બરડ અને પીળા પડી ગયા છે, પણ કાળજીથી ખોલીને હું વાચું છું.” વસંત ભાઈએ પોતે લખેલો એક પત્ર વાંચ્યો. આંખો બંધ કરીને પુષ્પા સાંભળતી રહી. તેને યાદ આવ્યું, સગાઇ પછી મળવા દોડી આવેલા વસંતે પાછા ગયા પછી લખેલો પત્ર હતો એ. એમાં અષાઢની એ મેઘલી રાતમાં માણેલા સાથ અને રોમાંસ તેમજ,  ત્યાર પછી પાછા જઈને પોતાને વિરહની કેવી વ્યથા થયેલી તેની લાગણીસભર વાતો હતી. થોડીવાર બંને જાણે ફરીથી એ પળોને માણી રહ્યાં.” હવે મારો લખેલો પત્ર લાવો હું વાંચું.” એ મેઘલી રાતના સાથનો પોતાને કેવો નશો ચઢેલો! તે બાબત  પોતે કેવું નિર્લજ્જ થઈને લખી નાખેલું  એ બધું  વાંચતાં વાંચતાં તે રહી રહીને અટકી જતી હતી. દિલ લાગણીથી અને આંખો અશ્રુથી ઉભરાતી હતી.પણ પછી મન કઠણ કરીને તેણે વાંચવા પ્રયત્ન કર્યો. ધસી આવેલા અશ્રુને લીધે શબ્દો ચહેરાઈ જવા લાગ્યાં, ઝાંખા દેખાવા લાગ્યા.પણ અચાનક તે ખુશ થઈને બોલી, ” વસંત જુઓ આપણે છાંટેલા અત્તરની સુવાસ હજી બચી છે.” તેણે પત્રને નાક પાસે રાખીને ઊંડો શ્વાસ  લીધો અને એ મહેકને માણવા મથી રહી. એ મહેકનો શ્વાસ અને તેની ખુશીનો એહસાસ, જ્યારે અતિશય દાઝવાથી થતી બળતરા અને એનાથી લાગેલા મજ્જાઘાત સાથે ભળ્યો, ત્યારે એનું હૃદય થડકારો ચુકી ગયું. કાયમને માટે એ સુખ સાથે વિરમી ગયું. વસંતભાઈ  બેબાકળા  બનીને વલોપાત કરવા લાગ્યા. તેમણે મોટેથી બુમ પાડી.” બેટા વિવાન, જો જો તારી મમ્મી કેમ ચુપ થઇ ગઈ? ડોક્ટરને બોલાવ.” વસંતભાઈનો અવાજ ફાટી ગયો તેમની ચીસો સાંભળીને, ડોક્ટર, નર્સ, પુત્ર અને પુત્રવધુ સૌ દોડી આવ્યાં. ડોકટરે નકારાત્મક ડોકું હલાવ્યું.

આજે પણ બહાર વાદળોનો બિહામણો ગડગડાટ અને વીજળીના ચમકારની કારમી ચીસો સંભળાતી હતી. મુસળધાર વરસાદની ઝડી એ ક્ષણોને વધુ ગંભીર અને ડરાવણી બનાવી રહી હતી. વસંતભાઈ એ બંને મેઘલી રાતોની વચ્ચે ઝોલા ખાતા અટવાવા લાગ્યા. ” વિવાન, બેટા, હું તો એની માફી માંગવા આવ્યો હતો, એની સાથે રહીને સુખ આપવા આવ્યો હતો. પણ  હવે આગળ કંઈ જ નથી રહ્યું. માત્ર તારી મમ્મીના આ પત્રો જ સિલકમાં રહી ગયાં છે. શું હવે, જીવનભર મારે એ પાછલા પત્રોમાં જીવતી પુષ્પ સાથે જ રહેવાનું? મારાથી દુર છતાં  એને મળવાની આશા હતી.એટલે જાણે  મારી પાસે જ હોવાનો એહસાસ હતો. અષાઢની  ઓ મેઘલી રાત, તું તો અમારા પ્રથમ મિલનની સાક્ષી હતી અને આજે!  હવે? હવે? છેલ્લા મિલનની સાક્ષી! ” તેઓ ખુરશીમાં ઢળી પડ્યા.

 

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-3-નિરંજન મહેતા

“અષાઢની મેઘલી રાત”.

સમીસાંજથી આકાશ ગોરંભાયું હતું તે રાત થતાં થતાંમાં તો કાળું ડિબાંગ બની ગયું. વરસાદ આવશે આવશેની રાહ જોતા લોકો વાદળીયા હવામાનને કારણે ઘામ અનુભવી રહ્યા હતાં જેમાં રાજન પણ બાકાત ન હતો. પણ તેની આ આ પરિસ્થિતિ માટે એકલું કુદરતનું વાતાવરણ કારણ ન હતું. તેની મનોદશા પણ કેટલેક અંશે જવાબદાર હતી.

બહારના વાતાવરણને લઈને આજે તેને નીનાની યાદ વધુ સતાવતી હતી જેને કારણે જ તેની મનોદશા ખળભળી ઉઠી હતી. તેને યાદ આવી બે વર્ષ પહેલાની આષાઢની આવી જ એક મેઘલી રાત. તે રાત હતી તેની અને નીનાની સુહાગરાત.

કોલેજમાં સાથે ભણતાં આ પ્રેમીપંખીડાનાં સદનસીબે બંને કુટુંબોની સંમતિ હતી એટલે લગ્નમાં કોઈ વિઘ્ન ન આવ્યું અને તેને કારણે સુહાગરાતની જે અપેક્ષા હોય તેમાં ઓર વધારો તેઓ બંને અનુભવી રહ્યાં હતાં. કોલેજના દિવસો વાગોળતાં વાગોળતાં તેમને પોતાના આર્ટ્સનાં અભ્યાસક્રમમાં વાંચેલ કવિ કાલીદાસ રચિત ‘મેઘદૂત’ યાદ આવ્યું અને તે સાથે યાદ આવી તેની પંક્તિઓ.

आषाढस्य प्रथमदिवसे मेघमाश्‍लिष्टसानुं|
वप्रक्रीड़ापरिणतगजप्रेक्षणीयं ददर्श॥

આ યાદ આવતાં રાજન બોલ્યો હતો કે આશા રાખું છું કે આપણા જીવનમાં પણ યક્ષના જેવો વિરહયોગ ન આવે. નીનાએ ત્યારે તેના મુખ પર હાથ રાખી કહ્યું હતું કે આજની આ અવર્ણનીય રાતે આવું અમંગળ કેમ વિચારે છે?

હવે રાજનની સ્મૃતિ પોતાના કોલેજકાળનાં સમયમાં પહોંચી ગઈ. આર્ટ્સનાં જીવડાં અને પાછો સાહિત્યમાં રસ એટલે તેની અને નીના વચ્ચે અવારનવાર કોલેજમાં સાહિત્યની વાતો થતી અને સારા સારા પુસ્તકોની આપલે થતી. બંનેના મનગમતાં ઘણા સાહિત્યકારો એટલે તેમને સાહિત્યની વાતો અને ચર્ચા કરવામાં સમય ક્યા પસાર થઇ જતો તેનું પણ ધ્યાન બહાર રહેતું અને કોઈક વાર તો કોલેજનો ક્લાસ પણ ચૂકી જતાં.

બંનેમાંથી જેણે કશુક સારું વાંચ્યું હોય તો તરત જ ફોન દ્વારા બીજાને તેની ખબર અપાઈ જતી. આમ કરતાં કરતાં તેઓ એકબીજાની નિકટ આવવા માંડ્યા. અન્યો તેમની આ નિકટતાની ચર્ચા કરવાં લાગ્યાં હતાં પણ તેની રાજન અને નીના પર કોઈ અસર ન હતી કારણ તેઓ તો એકબીજાને સારાં મિત્રો જ માનતાં હતાં. વળી કોલેજનું ભણતર હજી પૂરૂં થયું ન હતું એટલે તે પૂરૂં થયા વગર ભવિષ્યનો વિચાર કરવાનો આ સમાંજ્દારોને પણ ખયાલ આવ્યો ન હતો.

અંતે આવા કિસ્સાઓમાં થાય છે તેમ મોડી મોડી બંનેને સમજ પડી કે આપણે તો ‘એક દુજે કે લિયે’ છીએ. પણ શું તેમના કુટુંબો આ નવા સંબંધને માન્ય રાખશે? આમ તો અવારનવાર કોલેજકાળ દરમિયાન પુસ્તકોની આપલેને કારણે એકબીજાને ઘરે પણ જવા આવવાનું થતું એટલે બંનેના વડીલોને તેમની મૈત્રીની આછી પાતળી જાણ ખરી પણ તે મિત્રતાથી વધુ કશુક છે તેવું તેઓ પણ વિચારતાં નહીં.

પરંતુ વિધિના વિધાનને કોણ ટાળી શકે છે? ધાર્યું ધણીનું થાય છે એમ કહેવાય છે તેવું રાજન અને નીનાના કિસ્સામાં પણ બન્યું જે સર્વ વિદિત હતું. બહુ ચર્ચા બાદ બંનેએ પોતાના વડીલોને પોતાના મનની વાત કરી અને તેઓની મંજૂરી મેળવી લીધી. અમે તો જાણતાં જ હતાં કહેવાવાળા કહેતા રહ્યા અને બંને તો મધુરજની મનાવવા ઉપડી ગયા.

પછી તો જેમ સામાન્ય રીતે બને છે તેમ બંને થોડો સમય એકબીજામાં ખોવાયેલા રહ્યા અને વખત જતાં સંસારની ઘરેડમાં જોતરાઈ ગયા. હા, રાજન પાસે જે વિચારશક્તિ હતી તે વિચારોને તેણે કાગળ ઉપર ઉતારવા માંડી. આ વિચારોએ લેખો અને વાર્તા સ્વરૂપે જન્મ લેવા માંડ્યો. ધીરે ધીરે તેની રચનાઓ સામયિકોમાં પ્રકાશિત થવા લાગી. આ બધી રચનાઓને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. નીના પણ તેના આ નવા સ્વરૂપને સરાહતી રહી. દરેક રચનાની પહેલી હક્કદાર નીના. તેના અભિપ્રાય બાદ જ રાજન તેને પ્રકાશન માટે મોકલતો.

સારી એવી નામના પ્રાપ્ત થઇ હતી એટલે નીનાએ તેને વાર્તા લખવામાંથી બહાર આવી નવલકથા તરફ ધ્યાન આપવા જણાવ્યું. રાજનને પણ આ વિચાર તો આવ્યો હતો પણ હજી સુધી અમલમાં મુકવાની હિંમત કરી ન હતી. હવે નીનાએ જ્યારે આમાં હામી ભરી ત્યારે તે પણ એ નિર્ણય પર આવ્યો કે હવે પછીની મારી રચના એક નવલકથા હશે. કેટલાક સમય પહેલાં એક કથાવસ્તુનું બીજ મનમાં પાંગરી રહ્યું હતું તેને હવે તે નક્કર સ્વરૂપ આપવા તૈયાર થયો.

છ મહિના બાદ તેની પ્રથમ નવલકથા હપ્તાવાર એક પ્રસિદ્ધ અઠવાડિકમાં પ્રકાશિત થવા લાગી જેને વાચકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો. પ્રેમ અને રહસ્યના તાણાવાણાવાળી નવલકથા હપ્તે હપ્તે લોકોમાં ઉત્કંઠા જગાવતી જેમાં એક મહિલા વાચક હેમાનો પ્રતિભાવ જરા આગળ પડતો હતો.

દર સપ્તાહે નવા પ્રકરણ બાદ તેનો પ્રતિભાવ તે ફોનથી આપતી. કોઈ કોઈવાર તો સૂચન પણ કરતી. રાજન અને નીના તે સાંભળી હસી કાઢતા કારણ તે સૂચનો તેમણે વિચારેલા વાર્તાના બીજથી વેગળાં રહેતાં, પણ તેઓ હેમાને દર વખતે ધીરજથી સાંભળતાં કારણ તેના જેવા વાચકોનાં સૂચનો જ રાજનની લેખન પ્રવૃત્તિમાં મદદરૂપ થતા.

પણ વાત આગળ વધી અને હેમા તક મળતાં રાજનને ઘરે આવી ગઈ.

અચાનક તેને આવેલી જોઈ પ્રથમ તો રાજન અને નીના અવાચક થયાં પણ વિવેક્બુદ્ધિએ તેમને સભાન કર્યાં અને હેમાને આવકારી. ઘણો વખત બેસીને હેમાએ વાતો કરી અને રાજનની લેખન પ્રવૃત્તિને સરાહી,

પોતાને મળેલો આવકાર જાણે હેમાને કોઠે પડી ગયો હોય તેમ તે ત્યાર પછી પણ અવારનવાર આવી ચઢતી. શરૂઆતમાં તો નીના તેને આવકારતી પણ પછી તેને લાગ્યું કે આ વધુ પડતું થઇ રહ્યું છે. એક-બે વાર તેણે હેમાને આડકતરી રીતે પોતાની નારાજગી દેખાડી પણ હેમાએ તે અવગણી. રાજન પણ જાણે હેમાથી પ્રભાવિત થયો હોય તેમ નીનાને બદલે હેમાનો પક્ષ લેતો. આથી નીનાની નારાજગીમાં ઓર વધારો થયો. તેને લાગ્યું કે રાજન હેમા તરફ ઢળતો જાય છે. પોતાની આ માન્યતા રાજન આગળ વ્યક્ત પણ કરી પણ રાજને તે હસી કાઢી એમ કહીને કે સારા લેખકોને ઘણા પ્રસંશકો હોય છે. તેમને સાંભળીએ તો લેખકને નવી નવી વાત જાણવા મળે અને નવા કથાબીજ પણ મળી આવે.

નીનાને આ વાતથી સંતોષ ન હતો પણ મન મારીને બેસી રહી. પણ જ્યારે એક બેવાર હેમા તેની ગેરહાજરીમાં પણ આવી હતી અને ઘણો સમય રાજન સાથે વિતાવ્યો હતો ત્યારે તેના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. અવારનવાર આ બનવા લાગ્યું એટલે નીનાએ રાજન પાસે તે બાબતની ચર્ચા કરી પણ વ્યર્થ. રાજન પોતાના વિચારોને વળગી રહ્યો અને નીનાને કહ્યું કે તે મનનો ચોખ્ખો છે અને તેના અને હેમા વચ્ચેના સંબંધો માટે ખોટી શંકા કરે છે.

આ બાબતમાં જ્યારે પણ ચર્ચા થતી ત્યારે બંનેમાંથી કોઈ પોતાના મંતવ્યમાંથી ચસકતા નહીં.

હવે નીનાને લાગ્યું કે આનો એક જ રસ્તો છે અને તે છે રાજનને છોડીને અમદાવાદ મા પાસે જતી રહે.

આમ જ એક દિવસ જ્યારે ચર્ચા કાબુ બહાર ગઈ અને બંને બચ્ચે હેમાને લઈને ઉગ્ર બોલાચાલી થઇ ત્યારે નીનાએ પોતાનો ઘર છોડી અમદાવાદ જવાનો નિર્ણય જણાવ્યો. બહુ સમજાવ્યા છતાં નીના હવે મક્કમ હતી એટલે રાજન પાસે કોઈ ચારો ન હતો તેને જવા દેવા સિવાયનો. તેના ગયા પછી રાજને નીનાના સંપર્ક માટે ઘણીવાર પ્રયત્નો કર્યા પણ અસફળ.

આ બધું બન્યું ત્યાર બાદ હેમા પણ અચાનક આવતી બંધ થઇ ગઈ. રાજનને થયું શું તેને બનેલ અણબનાવની જાણ થઇ ગઈ?

આ વાતથી અજાણ હેમા લગભગ છ મહિના પછી મળવા આવી. કારણ પૂછતા કહ્યું કે તે ચાર મહિના અમેરિકા ગઈ હતી. નીનાની ગેરહાજરી જણાતા તે વિશ્હે પૂછ્યું. શરૂઆતમાં તો રાજને વાત ટાળી પણ બહુ આગ્રહ પછી નીનાની ગેરહાજરી અને શંકાઓ વિષે જણાવ્યું.

શું તે નીનાભાભીને સંપર્ક કરી શકે? તેનો ફોન નંબર મળી શકે?

બહુ વિનંતી પછી હેમા તે મેળવવા સફળ થઇ.

આ બધી યાદોને કારણે માનસિક અશાંતિ અનુભવતા રાજનના કાને એકદમ મોબાઈલની રિંગ સંભળાઈ. તે વર્તમાનમાં આવી ગયો અને ફોન હાથમાં લીધો. જોયું તો સ્ક્રીન પર સ્વીટીનું નામ વંચાયું. સ્વીટી, અરે મારી નીના. આટલા વખતની જુદાઈ પછી આજે એકદમ તેણે સામેથી ફોન કર્યો? આમ કેમ?

એક મિનિટ તો રાજન આ વિચારમાં ખોવાયો અને તે ફોન ચાલુ કરવાનું ભૂલી ગયો એટલે આપોઆપ તે બંધ થઇ ગયો. અરે, મેં આ શું કર્યું? નીનાએ સામે ચાલીને ફોન કર્યો અને મેં જવાબ ન આપ્યો? તે શું ધારશે? હું હજી પણ તેનાથી નારાજ છું? હવે તેણે પહેલ કરી છે તો મારે પણ યોગ્ય પ્રતિસાદ આપવો રહ્યો જેથી તેને કોઈ ગેરસમજ થઇ હોય તો તે દૂર થાય. આમ વિચારી તેણે સામેથી ફોન જોડ્યો.

‘સોરી, નીના હું વોશરૂમમાં હતો.’ નાછૂટકે રાજનને ખોટું કહેવું પડ્યું. ‘બહાર આવી ફોનમાં જોયું તો તારું નામ વાંચ્યું. એક મિનિટ તો ન મનાયું કે તું મને ફોન કરશે પણ પછી સમજાયું કે આટલા સમય બાદ ફોન કર્યો એટલે કદાચ છૂટાછેડાનો વિચાર આવ્યો હશે કેમ?’

‘ના એવું નથી. કેટલાક વખતથી તને ફોન કરવાનો વિચાર તો કરતી હતી પણ હિંમત નહોતી ચાલતી. પછી થતું કે તું કદાચ મને ફોન કરશે તો સારું લાગશે એટલે પણ ફોન કરતાં અચકાતી હતી.’

‘વાહ, હજી પણ આપણા વિચારોમાં મેળ ખાય છે. હું પણ આમ જ વિચારતો અને તારા ફોનની રાહ જોતો. મને લાગે છે કે મારું રાહ જોવું આજે સાર્થક થયું.’

‘રજુ, જે હોય તે પણ આજે મન મક્કમ કરી લીધું હતું કે હું જ પહેલ કરીશ અને તને ફોન કરીશ. હેમાબેને મને ફોન કર્યો હતો. તેમની વાત સાંભળી મને લાગ્યું કે આપણે એકવાર મળવું જરૂરી છે જેથી બધી ગેરસમજ દૂર કરી શકાય. વાંક કોનો છે અને શા કારણે આપણું મનદુ:ખ થયું એ હવે એક ભૂતકાળ છે. બહુ વિચારને અંતે મને લાગ્યું કે ભૂતકાળને વાગોળીને હતાશાની ગર્તામાં રહેવા કરતાં તે બધું ભૂલી જો આપણે ફરી એકવાર મનમેળ કરીને સહજીવન શરૂ કરી શકીએ તો તે માટે શું કામ હું જ પહેલ ન કરૂં? એટલે મેં તને ફોન કર્યો.’

‘કેટલાક વખતથી મને પણ લાગતું હતું કે આપણે મમતમાં રહી આપણી જુવાની વેડફી રહ્યા છીએ. દરેક દંપતિના જીવનમાં ઘર્ષણ થવાના અને આપણે તેમાં અપવાદ નથી. પણ જો સમજી વિચારીને આપણે તેને પાર કરીશું તો આપણું ભણતર અને સહવાસ લેખે લાગશે. તે ઉપરાંત આપણા બંનેના કુટુંબો જે આપણું હંમેશા ભલું ઈચ્છે છે તેઓ પણ નિરાંતનો શ્વાસ લઈ શકશે. પરંતુ હું ફોન કરતાં અચકાતો હતો કારણ અગાઉની જેમ તું વાત પણ ન કરે તો? બસ, આ જ કારણસર આજસુધી મનની ઈચ્છા મનમાં ઢબેરી રાખી હતી. હવે તારી સાથે આજે વાત થઇ એટલે મન બેકાબુ બની જાય તો નવાઈ નહીં.’

‘ઓ સાહિત્યકાર જીવડા, મનને સંભાળો અને કહો કે ક્યારે મળવું છે.’

‘તું હમણાં આવે તો હમણાં જ.’

‘અમદાવાદથી મુંબઈ શું જાતે ઊડીને આવું? કાલ સુધી રાહ તો જોવી પડશે. હું સવારની ફ્લાઈટમાં આવું છું.’

‘એટલે તને ખાત્રી હતી કે હું તને મળવા સંમત થઈશ? અને તે મુજબ તે બધી તૈયારી પણ કરી રાખી હતી?’

‘હું મારાં રજુને જેટલો ઓળખું છું તેના આધારે તો આ નિર્ણય લીધો છે. કાલે સવારે નવ વાગે એરપોર્ટ પર લેવા આવી જજે.’

બહાર રાત જામી હતી આષાદ્ધી વર્ષાની હેલી શરૂ થઇ ગઈ હતી. બારીમાંથી અંદર પાણીની વાછટ આવવા લાગી હતી. વાછટને કારણે રાજન ભીંજાવા લાગ્યો હતો પણ તેની હવે તેને દરકાર ન હતી કારણ આંતરિક ભીનાશની તરબોળતામાં તે ભીંજાતો હતો તે આ બાહ્ય ભીનાશ આગળ નગણ્ય હતી.

‘બેઠક’ -વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨-ધનંજય સુરતી

અષાઢની મેઘલી રાત-

મહિનાના પહેલા જ દિવસે ઓફિસમાંથી મને ફર્સ્ટ ક્લાસની ટિકિટ ને એડવાન્સ આપી સૂચના કરી કે કાલે તમારે નાગદા જવાનું છે. ગાડી ફ્રન્ટીયર મેલ છે. તમારી સાથે ગોરડિયા એસિસ્ટ કરવા આવશે. હું ભારે ઉત્સાહ માં આવી ગયો. ઘરે જતા જતા રંજન માટે બૂટ લીધા અને ઉતાવળે ઘરે પહોંચ્યો.

રંજન મારી સૌથી નાની બહેન હતી ઉમર વર્ષ પાંચ અને બધાની લાડકી હતી. ઘરે પહોંચી હેરત પામ્યો. રંજન ખાટલે સુતી હતી. તાવ સખત હતો મારાથી મોટાભાઈ મનુભાઈ એ પણ શીતળાથી ભરાઈ ગયા હતા હું દ્વિધા માં પડી ગયો બાએ ઘરગથ્થુ ઈલાજો કરવા માંડ્યા હતા, બા  શીતળામાં ડૉક્ટરી તપાસ નિષેધ છે એવું માનતી. મારા ભાઈ મહેશને ગળાની અંદર શીતળા થયા હતા ત્યારે ગભરાઈ ગયા હતા એટલે  ડૉ.પાટણકરે લખી આપેલી દવાથી આપી અને સારું થઇ ગયું હતું બા એ હિંમત આપી કે તું જા અમે સંભાળી લણશું.બાની તનતોડ મહેનતના લીધે બંને સારા થઇ ગયા એમ બાના પત્ર પરથી પછી જાણ્યું.

નવી નોકરી હતી એટલે જવું પડતું . પછી તો સિલસિલો ચાલુ રહેતો. હું વરસ માં આઠ મહિના બહારગામ ફરતો રહેતો. જ્યારે જ્યારે હું ગોંડલ જતો ત્યારે હું રેલવેના રિટાયરિંગ રૂમમાં રહેતો. એક સાંજે હું પોરબંદર મરીવાલાની કુ. નું ઓડિટ પતાવી ગાડીમાં બેઠો. મારે ગોંડલ યુકો બેંક માં જવાનું હતું. ગઇકાલ બપોરથી ચાલુ થયેલા વરસાદના કારણે રસ્તાઓ પર પણ ભરાઇ ગયા હતા.. છુટકો જ નહોતો..અને હું નીકળ્યો.

અષાઢની  મેઘીલી રાત હતી, અમાસનાં અંધારાં ઊતરી આવ્યાં હતાં. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદની સાથે સાથે વૃક્ષો ઉખેડી નાખે તેવો સુસવાટાભર્યો પવન ફૂંકાતો હતો.ગાડી ધીમી ગતિએ જતી હતી. ફર્સ્ટ ક્લાસ માં હું એકલો જ હતો અને બેઠા બેઠા બોર થતો હતો. કેટલાક સ્ટેશન ગયા પછી એક સજ્જન આવ્યા ને મારી સામેની સીટ પર બેઠા. ગાડી ઉપડી પછી વાતચીત નો દોર શરુ થયો . તેમણે કપડાની પાન સોપારી મુકવાની થેલી કાઢી પાન બનાવ્યું સોપારી કાપી મોમાં મૂકી. મને ઓફર કરી મેં ના પાડી થેંક્યું કહ્યું. મને પૂછ્યું કા ઉતરવાનો છો? મેં કહ્યું ગોંડલ. રહેશો ક્યાં? મેં જવાબ આપ્યો  રેલ્વે ના રિટાયરિંગ રૂમ માં. બીજો કોઈ વિકલ્પ નથી. એમણે કહ્યું ત્યાં ના રહેતા કારણ મારા મિત્ર નીવેટિયા રાતે ત્યાં રહેલા તે સવારે ઉઠ્યા ત્યારે રૂમના ખાટલા ને બદલે અગાશીમાંથી ઉઠ્યા તેમને ખબર ના પડી કે તેઓ બહાર ક્યાંથી આવી ગયા. તેઓ તેજ સવારે રિટાયરિંગ રૂમ છોડી ગાડી પકડી જતા રહ્યા. પેલા ભાઈ તેમનું સ્ટેશન આવતા ઉતરી ગયા અને જતા જતા કહી ગયા (BE CAREFUL AND TAKE CARE).બી કેરફુલ એન્ડ ટેક કેર  આપનું ધ્યાન રાખજો હું વિચારમાં પડી ગયો કે શું કરવું. ? એટલામાં  તો ગોડંલ સ્ટેશન આવી ગયું.

બેગ અને એટેચી કુલીએ ઉતારી. રેલવે સ્ટેશન પર લાઈટો ઝગારા મારતી માણસોની અવરજવર ખુબ હતી તેથી રળિયામણું લાગતું. કુલીએ પૂછ્યું ઘોડાગાડી કે ચાલીને ? મેં કહ્યું ચાલીને રિટાયરિંગ. રૂમ માં લઇ જા. એ સાંભળી ચોંક્યો …સાહેબ હોટેલ ગોતી આપું ? હું કશું ન બોલ્યો પેલા ભાઈના શબ્દો યાદ આવ્યા,અમો રિટાયરિંગ રૂમમાં ઉપર પહોંચ્યા ત્યાં તો ગાડી ઊપડી ગઈ ને સ્ટેશનની લાઈટો ઓલવાઈ ગઈ. ઘોડાગાડીઓ જતી રહી ને બધે અંધારું ઘોર થઇ ગયું અને નિર્જન ભેંકાર લાગવા માંડ્યું. આકાશમાં મેંશનું લીંપણ કર્યું હોય તેવું લાગતું હતું. કાળા ડિબાંગ અંધારાને વીંધી ક્યારેક વીજળી ચમકી જતી હતી અને છાતી થથરાવી દે તેવો વાદળાંનો ગગડાટ વાતાવરણને વધારે બિહામણો કરી રહ્યો હતો. દૂરથી શિયાળવાંનો રડવાનો અવાજ પણ વરસાદ અને પવનના અવાજમાં ક્યાંય ખોવાઈ જતો હતો. તે રાતે તો ભૂત-પ્રેત પણ થથરતાં ઝાડ પર લપાઈ જાય તો સારું એમ વિચારતા મેં  રૂમમાં બધી ટ્યૂબ લાઇટો ચેતાવી એટેન્ડડઁટની રાહ જોઈ રહ્યો હતો..

થોડી વારમાં અટેન્ડડંટ  હાથમાં ફાનસ લઈને આવ્યો ,મેં ખાવાના વિશે પૂછ્યું તેણે જણાવ્યું કે કાઠિયાવાડ લોજ બંધ થઇ ગઈ છે અને  સ્ટેશનની હોટેલ બંધ થવાની તૈયારી માં છે. અને ત્યાં ચા બિસ્કિટ સિવાય કશું નહિ મળે. મેં જે મળે તે ચાલશે કહ્યું. તે ઝટ પટ લઇ આવ્યો. મેં જતા પહેલા તેને અહીં રાતે મારી સાથે સુવા કહ્યું. પણ તેણે લાચારી દાખવી ને કહ્યું કે તેની પત્ની છેલ્લા કેટલા દિવસથી બીમાર છે ને તેને મારી જરૂરત છે તે ગયો ને મેં ચા બિસ્કિટ પુરા કર્યા. માળિયા પર અગાશીમાં  એક બાજુ લાઈનમાં રિટાયરિંગ રૂમ હતા બાજુમાં અગાશી હતી. અગાશીમાં વડનું તોતિંગ ઝાડ અને ઝાડ પાસે અંધારિયો દાદર. હવાથી ઝાડના પાન ખખડતા હતા .. ને અગાશી માં વેરાતા.જયારે પવન આવતો ત્યારે ઉડતા અને ખડ ખડ અવાજ કરતા… હું ચોપાનીયાં તથા પેપર લઇ શરુઆત માં સુતા સુતા વાચતો રહ્યો ,ઉંઘ બિલકુલ આવતી નહોતી . એટલા માં પવન ફુકાયો ને પાંદડાનો અવાજ વધી ગયો. હું બેચેન થઇ ગયો. અચાનક વાદળાંમાંથી અગ્નિશિખાની જેમ એક મોટી વીજળીનો લિસોટો દેખાયો અને સાથે સાથે ભયાનક વજ્રનાદ એ તોતિંગ વડને ધ્રુજાવી ગયો.બહાર જવાની હિંમત ચાલી નહિ બધા રૂમ ખાલી હતા હું એકલો ને અટુલો. થોડી વારે પવન ઠંડો પડ્યો ને ખખડાટ બંધ થયો ને મેં ઉઘવાની કોશિશ કરી. બાર વાગી ગયા હતા. પેપર વાંચતા ઝોકું આવ્યું,… ત્યાં તો  બાથરૂમમાં ટાંકી ભરાવાના વિચિત્ર અવાજથી હું સફાળો બેઠો થઇ ગયો ને ઉંઘ ઉડી ગઈ. બાથરૂમમાં જવાની હિંમત નહોતી…..

દરેક વખતે નિવેટિયાની યાદ આવતી રાત્રીના છેલ્લા પહોર માં છાપું વાંચતા ક્યારે આંખ મીંચાઈ ગઈ તેનો અંદાજ ના રહ્યો. સવારના ઊઠ્યો ત્યારે દશ વાગી ગયા હતા લાઈટો તેમજ પંખા ચાલુ હતા. તે ઓલવ્યા અને દરવાજો ખોલ્યો. બારણા સામે અટેન્ડડંટ  રામલો માથે હાથ દઈ બેઠો હતો. મને જોતાં જ તે બોલ્યો બહુ વાર દરવાજો ખટખટાવ્યો પણ જવાબ ના મળ્યો તેથી લાગ્યું કે…… તમે ચોક્કસ ….. તેણે કહ્યું કે હું બીજી પાંચ મિનિટ પછી સ્ટેશન માસ્ટરને રિપોર્ટ કરવા જવાનો હતો……

હું જલ્દી જલદી બેંક નું ઓડિટ કરવા નીકળવાની તૈયારી કરવા લાગ્યો.અગાશીમાં વરસાદ જોવા ગયો ..ઝાડની ડાળીઓ અને પાંદડાં પરથી પાણી ટપકતા શરીર ધ્રુજી ઉઠ્યું .. રામલાએ કહ્યું ઘણા લોકો ને ભૂતકાળ માં વિપરીત અનુભવ થયા હતા તેથી મને તમારી ચિંતા હતી….હું માત્ર તેની સામે જોઈ રહ્યો …એ નજર જીરવી ન શક્યો ..અને ..”હું આવ્યો” કહી ભાગ્યો …

 

 

 

‘બેઠક’ -વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-1-પ્રવિણા કડકિયા

 

અષાઢની મેઘલી રાત
*********************

આમ પણ મેહુલો મને ખૂબ ગમે . ઝરમર ઝરમર વરસતો હોય અને હું છત્રી વગર રસ્તા પર ચાલતી હોંઉ. મમ્મી બૂમો પાડતી રહે, ‘બેટા પલળે છે ને તો શરદી થઈ જશે. પછી તાવ આવશે’.
મમ્મીની વાત ગણકારે એ બીજા. .’ આવા વરસાદમાં નાચવાનું મન થાય, હું તો માત્ર પલળીને આનંદ માણતી હતી’.
અષાઢ મહીનો આવે ને બારે મેઘ ખાંગા થાય. સ્લેટર રોડ ઉપર પાણી ઘુંટણ સમાણા ભરાઈ જાય. હવે અંધેરી જવાનું હોય, ઝડપથી પહોંચવાનો એક જ રસ્તો .મુંબઈની લોકલ ટ્રેન. ગાડી પકડવાની ગ્રાન્ટ રોડથી, સ્લેટર રોડ પર ગયા વગર છૂટકો ન થાય. ચાલુ દિવસોમાં વાંધો ન આવે. ઉનાળાની બાફ મારતી ગરમી અને શિયાળાની ખુશનુમા સવાર ,ટ્રેનમાં જવાની મસ્તી કાંઈ ઔર હોય. આ તો પેલો મેઘ માથું ખાઈ જાય. કોઈક વાર ગમે પણ જ્યારે વરસાદની ઝડી અઠવાડિયા સુધી અટકે નહી તો ભારે થાય.
બે દિવસથી વરસાદ થંભ્યો ન હતો પણ ગાંડાની જેમ વરસ્યો પણ ન હતો. એટલે ચાલ્યું. સવારે મમ્મીએ બનાવેલું ટિફિન લઈને નિકળી, ગ્રાંટરોડથી ફાસ્ટ ટ્રેન મળી ખૂબ આનંદ થયો. સમયસર પહોંચી ગઈ. મુસિબત તો ત્યારે થઈ જ્યારે પાછા આવવાનું હતું. અંધેરીથી ટ્રેનમાં બેઠી હજુ તો વાંદરા સ્ટેશન આવે ત્યાં વરસાદ ટૂટી પડ્યો. ટ્રેનનો ડ્રાઈવર, ઝાઝુ દેખાતું નહી એટલે કાન ફાડી નાખે તેવો ભોંપું વગાડતો. બધા મુસાફરો પરેશાન થઈ ગયા.
.
મુંબઈની પરાની ગાડીમાં મુસાફરી કરી હોય તો ખબર પડે કેટલી ગિર્દી હોય છે. ખિચોખીચ ડબ્બો ભરેલો હતો. વરસાદને કારણે બારણા બંધ કરવા પડ્યા. અંદાઝ પણ નહી આવે માણસો કેટલી ગિર્દીમાં ઉભા હતા. ભલેને તમે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા હો. ગિર્દીમાં ભાગ્યે બહુ ફરક પડે. સાંજના છ વાગી ગયા હતા. મેઘલી રાત બરાબર જામતી જતી હતી. ચાર જણાની બેસવાની જગ્યા પર આઠ જણા બેઠા હતા. ઉભેલાઓ એકબીજાની અડોઅડ મરજી ન હોવા છતાં દબાઈને ઉભા હતા.
હું અંધેરીથી ગાડીમાં બેઠી હતી. ત્યાંથી ખાલી ઉપડી હતી એટલે બારી પાસે બેસવાની જગ્યા મળી હતી. આજે જ પરિક્ષા પૂરી થઈ હતી એટલે મગજ પર કોઈ ભાર ન હતો. બેઠાં બેઠાં ડબ્બાની અંદર ચાલતા જાતજાતના ખેલનું નિરિક્ષણ કરી રહી.
મારી બાજુમાં બે જણાની વચ્ચે બેઠેલી ,મીઠીબાઈ કોલેજની છોકરી , બેઠાં બેઠાં સ્કર્ટ તાણતી જણાઇ. એટલો ટુંકો હતો કે ક્યાંથી ખેંચે તે પણ નવાઈ લાગે. મને ઘણીવાર ટ્રેનમાં ભેગી થતી એટલે હલ્લો કેહેવાનો સંબંધ હતો.
ત્યાં વળી પેલા ધોતિયાવાળાભાઈએ જોરથી છિંક ખાધી. આખા ડબ્બામાં જાણે ધરતિકંપ થયો હોય તેવું લાગ્યું.. હવે આપણે ત્યાં છિંક આવે ત્યારે આડો હાથ દઈએ એટલું પણ એ કાકાને જરૂરી ન લાગ્યું. ચારે બાજુ વરસાદની છાંટ ઉડી. લોકોના મોઢા વિચિત્ર થયા. બસ ખેલ ખતમ. ગાડી ખૂબ ધીરે ચાલતી હતી. લોકોને બફારો થતો હતો પણ નાઈલાજ હતા.
ત્યાં તો એક બહેનના હાથમાં નાનું બાળક હતું. મારી નજર પડીકે તરત મેં કહ્યું ,’અંહી આવીને મારી જગ્યાએ બેસો. મને ઈશારતથી કહે,’ત્યાં આવું કેવી રીતે’ ? એમની નજીક એક ભાઈએ આ ઈશારા જોયા. તેમના હ્રદયમાં રામ વસ્યા. ઉભા થઈને કહે, ‘બહેન આવો અંહી બેસો. ‘ અમારા બન્નેની આંખમાંથી તેમણે આભાર નિતરતો જણાયો. બહેન શાંતિથી બેઠા ત્યાં બાળકે બે હાથે બહેનને પકડ્યાં. મા સમજી ગઈ દીકરીને ભૂખ લાગી છે. એક વસ્તુ કહેવી પડશે, બધા મુસાફરોએ મ્હોં ફેરવી લીધું જેથી મા દીકરીને  અમરતનું પાન સરળતાથી કરાવી શકે. આ સભ્યતા જોઈને મારું શીશ નમી ગયું. ૧૯ વર્ષની એંન્જીનયરિંગમાં ભણતી મને દુનિયાનો અનુભવ ન હતો .
આજે મને આ બધું નિરિક્ષણ કરવાનો લહાવો મળ્યો. ત્યાં થોડે દૂર એક ચોકલેટ વેચતો નાનો પંદરેક વર્ષનો છોકરો દેખાયો. બિચારો ઠંડીમાં ધ્રુજતો હતો. તેનું ખમીસ પણ ફાટેલું લાગ્યું. જો કે ફર્સ્ટ ક્લાસમાં આવા ફેરિયાની બંધી હોય છે. પણ ઝરમર વરસાદ વરસતો હતો એક જુવાનિયાએ તેને ગાડીની સાથે દોડતો હતો તેથી ઉપર ડબ્બામાં ખેંચી લીધો. ઉપર આવીને તેને મફતમાં કેડબરી આપવા ગયો તો પેલા કોલેજના વિદ્યાર્થીએ પૈસા આપીને લીધી. પેલા ફેરિયાના મુખ પરે પ્રસરેલી ખુશીની ઝલક જોઈને મેં પણ તેને નજીક બોલાવ્યો. ચપળતાથી ઘુસ મારીને મારી પાસે આવીને ઉભો. મેં બે ચોકલેટ લીધી અમે મારી પર્સમાંથી નાની શાલ હતી તે તેને ઓઢવા આપી દીધી.
મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. મેં તેને વહાલથી કહ્યું, ‘છોટે ભૈયા રખ લો.’ તેની આંખમાં ધસી આવતા આંસુ હું જોઈ શકી. હજુ તો ટ્રેન માંડ માંડ માટુંગા આવી હતી. તડામાર વરસાદને કારણે પાટા પાણીમાં ડૂબી ગયા હતા. કાળું ડિબાંગ આકાશ હતું. ત્યાં એક મોટી ઉમરના બહેને રામ નામની ધુન લગાવી. રામ એક એવા ભગવાન છે જે સહુ કોઈને પ્યારા છે. બધા મુસાફરો ઘડી ભર ભૂલી ગયા કે કલાકથી ટ્રેન ખોડાયેલી છે. જાણે રામ સહાય માટે આવવાના ન હોય. ખેર બધા થાક્યા, દિવસભરના થાકેલા થોડા તો ઉંઘવા લાગ્યા.
મારી ઉંઘતો ગચ્છન્તી કરી ગઈ હતી. કોને ખબર ડબ્બામાં ચાલતી ચહલ પહલ જોઈને મારા મનમાં વિચારોનું પૂર ઉમટ્યું હતું. દરેક વ્યક્તિ અલગ, દરેકની પ્રતિભા અલગ, દરેકના ચહેરા પરના ભાવ અલગ. કોઈ દિવસ આવો વિચાર આવ્યો ન હતો. આજની મેઘલી સંધ્યા હવે રાત્રીનું રૂપ ધારણ કરી રહી હતી. અચાનક યાદ આવ્યું મમ્મી ચિંતા કરતી હશે. મમ્મીના સેલ ફોન પર ટેક્સ્ટ કર્યોને ટુંકમાં પરિસ્થિતિ જણાવી.
મમ્મીનો જવાબ આવી ગયો, ‘બેટા, સાચવીને ઘરે આવજે’.
ત્યાં બીજો ટેક્સ્ટ આવ્યો,’ પપ્પા ઘરે આવશે પછી તને ગાડી લેવા સ્ટેશને આવશે’.
ત્યાંતો મારી સામેની સીટ પર બેઠેલાં બે જુવાનિયા કાનમાં ગુસપુસ કરી રહ્યા હતા.  મને તેમનો ચહેરો જોવાની મઝા આવી. લાગતું હતું તાજા પરણેલા છે. છોકરી પેલાની સોડમાં ભરાતી હતી. મને લાગ્યું તેને ઠંડી લાગે છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. એમાં પાછા ડબ્બામાં પંખા ચાલે . હવે એનો પતિ હતો કે મિત્ર કળવું મુશ્કેલ હતું. જે પણ હોય તે મારે શું કામ ચિંતા કરવાની ? ધીરે રહીને પર્સમાંથી બટાકાની વિફરનું પેકેટ કાઢી બન્ને જણા ખાવા લાગ્યા.
ત્યાં તો મારી જ કતારમાં બીજી તરફની બારી પાસે બેઠેલાં ભાઈ કમપ્યુટરમાં મોઢું ખોસીને કામ કરી રહ્યા હતાં. જેને કારણે ઘરે જઈને જમી પરવારી સીધા સૂવા જવાય.   આ તો મારું અનુમાન હતું, કદાચ કોઈ બહેનપણી સાથે યા પત્ની સાથે ‘ચેટ’ કરતાં હોય તો નવાઇ નહી. તેમના મોઢાના ભાવ ચાડી ખાતા હતાં કે તેમને મઝા આવતી હતી. નક્કી બહેનપણી હશે ! પત્ની સાથે તો પતિદેવોને બે મીઠ બોલ બોલતા પહેલાં પેટમાં ચુંક આવે. ઘણી પત્નીઓ પણ જાણે પતિદેવ પર ઉપકાર ન કરતી હોય તેમ જમવાનું પિરસે. ભૂલી જાયકે આ ચમન પતિ દેવની કમાણી પર છે!’
ત્યાં ગાડીની ચીસ સંભળાઇ, લાગ્યું ગાડી ધીમે ધીમે ચાલી રહી છે. ડ્રાઈવર ખૂબ સાવધ લાગ્યો. વરસાદ તો ખમા કરવાનું નામ જ લેતો ન હતો. મને પણ થોડો કંટાળો આવતો હતો. બધાનું અવલોકન કરીને મારી આંખો અને દિમાગ થાક્યા હોય એવું લાગ્યું. ત્યાં તો ભીડમાંથી એક બહેને બૂમ મારી,
‘સાલા હાથ લગાતા હૈ’?
પેલો માણસ ડઘાઈ ગયો.
‘નહી બહેનજી, ઐસા કુછ નહી હૈ, ગાડી અચાનક ખડી રહ ગઈ તો મૈં અપનેકો સંભાલ નહી પાયા’. માણસ સજ્જન લાગતો હતો એટલે બહેને ઉદારતા દાખવી,
‘જરા ઠીકસે ખડા રહો, દુબારા ઐસા નહી હોના ચાહિએ’.
‘જી’ પેલામાં આંખ ઉંચી કરવાની હિમત ન હતી. હવે એ, સાચું બોલ્યો કે જુઠું એ કોણ જોવા ગયું છે ?
બારી બહાર નજર કરી તો એલફિન્સટન રોડ સ્ટેશન પસાર થયું. હજુ,’ લોઅર પરેલ ‘અને ‘મહાલક્ષમી’ બે પસાર થવાના હતા.
મનોમન પ્રાર્થના કરી રહી, ‘હે ભગવાન જલ્દી કરને. પપ્પાએ ગાડી ગ્રાન્ટરોડ સ્ટેશન પર મોકલી છે. વિચારોમાં ગાડીમાં બેસીને ઘરે પહોંચી ગઈ’.  મુખ પર સ્મિત આવી ગયું, ‘બચ્ચા અભી દિલ્હી દૂર હૈ”.
લોઅર પરેલ ગયું અને મહાલક્ષ્મી સ્ટેશનની ઝગમગતી લાઈટો દેખાવા લાગી. ત્યાં ટ્રેનમાં જાહેર કરવામાં આવ્યું, ‘અબ યે ટ્રેન આગે નહી જાએગી, રાસ્તા દિખતા નહી હૈ’. મારા તો બાર વાગી ગયા. બધા મુસાફરો ધીરે ધીરે બે સ્ટેશનની વચ્ચે ઉતરવા લાગ્યા. ત્યાં મારી નજર સમક્ષ મારા વર્ગનો અને બાજુની ગલીમાં રહેતો સાહિલ દેખાયો. જાણે ડૂબતાંને સહારો મળી ગયો.
‘સાહિલ હું સલોની, તેણે નજર ફેરવી’.
‘ચા
લ આપણે સાથે જઈશું.’ સાહિલ મને બરાબર ઓળખતો લાગ્યો.
ટ્રેનમાંથૂ ઉતરતાં ભુસ્કો મારવાનો હતો સાહિલે મને સાચવીને નીચે ઉતારી. વરસાદે ખમૈયા કર્યા હતા.  પણ પાણીમાં બન્ને પગ આખા ડૂબી ગયા હતા. પાટા પર ચાલવાનું તેથી જુતા કાઢવાનો વિચાર આવ્યો તેવો ખંખેરી નાખ્યો. પગમાં પત્થર વાગે તે સહન ન થાય.
સાહિલે મારો હાથ પકડ્યો અને મારી બેક પેક પણ લઈ લીધી. સાહિલ હતો પાંચ ફૂટ અગિયાર ઈંચ . ખૂબ સંભાળીને મારી સાથે ચાલતો હતો. રસ્તામાં મને હસાવવાની કોશિશ પણ કરી. મારું મોઢું જોઈ ઈરાદો બદલી નાખ્યો.
થોડીવાર બન્ને મુંગા મંતર થઈને ચાલી રહ્યા. મનમાં વિચાર્યું એક માઈલ જેટલું ચાલવાનું બાકી છે. ગ્રાન્ટરોડ  પાસે પાણી ભરાયા હશે તો ગાડી ‘ભારતિય વિદ્યા ભવન’ પાસે ઉભી હશે. સાહિલ કોઈ સારા જોક્સ કહે આ તો રસ્તો કાપતા ખૂબ વાર લાગવાની છે’
સાહિલ મૂછમાં હસ્યો, ‘બહેનબાની શાન ઠેકાણે આવી’.
આજે કોલેજમાં પ્રોફેસરને કેવા સંકજામાં લીધા હતા તેની વાત કરી રહ્યો. સાહિલ , ખૂબ હોંશિયાર હતો એવું સાંભળ્યું હતું. સલોનીને ભણવા સિવાય બીજામાં અત્યારે રસ ન હતો. આજે કોને ખબર તેને સાહિલનો સાથ ગમ્યો. સારું હતું શુક્લ પક્ષ હતો એટલે ચાંદા મામા અજવાળું પાથરી રહ્યા હતા.  સલોનીની મમ્મી અગિયારસ કરે તેટલે તેને ખબર હતી આજે સુદની તેરસ છે.
લગભગ કલાક પાટા પર ચાલીને બન્ને ગ્રાન્ટરોડ સ્ટેશન પર પહોંચ્યા. સાહિલ, ‘મારા પપ્પાએ ગાડી મોકલાવી છે. જોઈએ ડ્રાઈવરે  ક્યાં ઉભી રાખી છે’?
ત્યાં ડ્રાઈવરનો ફોન આવ્યો, ‘બેબીજી શેટ્ટિકે સામને ગાડી ખડી હૈ’.
સાહિલ ગાડી બહુ દૂર નથી. સ્ટેશન પાસે ખૂબ પાણી ભરાયા હતા. મારી ઉંચાઇ ઓછી એટલે લગભગ તરતી હોંઉ એવું લાગે. કોઈક વાર તો સાહિલ મને કેડેથી ઉંચકીને આગળ ચાલતો હતો. મુંબઈમાં અષાઢ મહિનામાં મેહુલો મન મૂકીને વરસે છે ,તેનો પાકો અનુભવ આજે થયો. આમ તો ઘરે છકે સાડા છની વચ્ચે પહોચી જાંઉ.
આજે આ મેઘલી રાતે અવનવા અનુભવ કરાવ્યા.  રાઇઅવરજી પહેલે .’સાહિલ કો છોડના હૈ, બાદમેં હમે છોડના’. સાહિલ સલોનીની વાત કરવાની ઢબ જોઈને ખુશ થયો. મનમાં તો તેને પણ લડ્ડુ ફુટતાં હતા. સલોની મનોમન ગમતી હતી. આજે મેઘલી રાતે તેના મનની મુરાદ પૂરી થઈ.
આભારવશ તેની સામે જોઈ રહે લી સલોનીનો રૂપાની ઘંટડી જેવો મદુર અવાજ સંભળાયો. ‘સાહિલ આજે આ ‘અષાઢની મેઘલી રાતે’, તું ન મળ્યો હોત તો મારા શું હાલ થાત”?

 

મિત્રો ‘બેઠક’ સ્પર્ધા -વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા

આ વર્ષે વાર્તા / નિબંધ સ્પર્ધાનો વિષય છે “અષાઢની મેઘલી રાત”.

વાર્તા / નિબંધ સ્પર્ધાના નિયમો નીચે પ્રમાણે રહેશે.

૧. વાર્તા કે નિબંધ મૌલિક અને અપ્રસિધ્ધ (બ્લોગસ, નેટ કે પ્રીન્ટ મિડીયા ક્યાંય પણ પ્રસિધ્ધ ન  થયા હોય) હોવા આવશ્યક છે.

૨. વાર્તા કે નિબંધ ૧૨૦૦ થી ૨૦૦૦ શબ્દોની વચ્ચે હોવા જોઈએ.

૩. નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને આખરી રહેશે. એ વિષય પર કોઈ પણ બાંધછોડ કે વિવાદ કરવામાં આવશે નહીં.

૪. વાર્તા કે નિબંધ મોકલતી વખતે શીર્ષક સાથે “નિબંધ” કે “વાર્તા”ની કેટેગરી લખવી જરુરી છે.

૫. દરેક કેટેગરીમાં પહેલું ઈનામ $૧૦૧

અને બીજું $૫૧, એમ, બે ઈનામો આપવામાં આવશે.

દરેક કેટેગરીમાં $૨૫ના એક એક આશ્વાસન ઈનામ પણ આપવામાં આવશે.

૬. વાર્તા કે નિબંધ મોકલવાની અંતિમ તારીખ માર્ચ ૩૧, ૨૦૧૮ રહેશે.

૭. નિર્ણાયકને વાર્તા કે નિબંધ, સર્જકના નામ વિના , માત્ર નંબર આપી મોકલવામાં આવશે.

આશા છે કે આ વખતે પણ આગલા વર્ષોથી પણ વધુ ઉત્સાહથી આપ સહુ ભાગ લેશો.

આપ સહુનો, આ હરિફાઈમાં ભાગ લેવા માટે આગોતરો આભાર માનું છું.

પ્રજ્ઞાબેન અને “બેઠક”નો આભાર કે આ સ્પર્ધા યોજવાની મને તક આપી.

Jayshree

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 નું પરિણામ

download

મિત્રો

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ જયશ્રીબેને “બેઠક”માં જાહેર કરેલ છે.જે અહી મુકું છું.જયશ્રીબેન મર્ચન્ટ દર વર્ષે વાર્તા સ્પર્ધા ખાસ બેઠકના સર્જકોને  લખવાની પ્રેરણા આપવા રાખે છે. તો આપ સર્વે એ  કલમ ઉપાડી લખ્યું છે તેમને ખાસ અભિનંદન આ સ્પર્ધાનો હેતુ  વાંચન  સાથે સર્જન થાય તેવો છે .અને હા સર્જન થકી ભાષા વહેતી રહે  છે. (હા સાથે જોડણી નું ખાસ ધ્યાન રાખજો.)

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા માટે બેઠક અને સર્જકો જયશ્રીબેનની પ્રેરણા માટે આભાર માને છે. 

વાર્તાનો વિષય આ હતો :

 • જાહેર જીવન સાથે સંકળાયેલી સ્ત્રીની સંવેદના  

 • હળવી ક્ષણોને આવરી લેતો કોઈ પણ વિષય.

 • આ વખતે વાર્તાને અનુરુપ આગવું શીર્ષક લેખકે આપવાનું રહેશે.

 • આ વખતે વાર્તાના શીર્ષક માટે પણ ખાસ પુરસ્કાર આપવામાં આવશે.

 •  વાર્તાની લંબાઈ: લઘુત્તમ શબ્દ મર્યાદા 800 અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો         

 •  

 • મોકલવાની અંતિમ તારીખ- Last date February 20, 2017,જાહેરતા ફેબ્રુઆરીના અંતમાં છેલ્લા શુક્રવારે 2/૨૪/૨૦૧૭ થશે. 

 • પુરસ્કાર:

 • ૧ લું ઈનામ: $૧૨૫-ભૂમિ માછી-વાર્તાનું શીર્ષક: સંવેદનાની ભીડમાં હું એકલી http://wp.me/p1fkD3-1zw

 • ૨ જું ઈનામ: $૭૫-વિજય શાહ-વાર્તાનું શીર્ષક :સમય સારણી-http://wp.me/p1fkD3-1zH

 •  ૩જું ઈનામ: $૫૧-રાજુલ કૌશિક -કેયા અને કબીર http://wp.me/p1fkD3-1AC-

          બે આશ્વાસન ઈનામો: $૨૫

 • ૧-સપના વિજાપુરા -પ્રેમ કે બળાત્કાર- http://wp.me/p1fkD3-1B3-
 • 2-જયવંતી પટેલ – સાંકડી સોચ- http://wp.me/p1fkD3-1yX-
 • સર્વશ્રેષ્ઠ શીર્ષક: $૨૧-ભૂમિ માછીદરેક સર્જકોને ખુબ અભિનંદન 

 pragnad@gmail.પર વાર્તા મોકલશો 

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા (૨૩)એક રજકણ કુમકુમ બની ગઈ !

12004855_10153698565377268_7826051686984666870_n

ગીતા ભટ્ટ ,શિકાગો .

શિકાગોમાં  સ્વાઈનફ્લુનો  ભય ચારેકોર હતો . ને તેમાંયે બાળકોના ફિલ્ડમાં કામ કરતાં તમામ  શિક્ષકોને હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલ આ સેમિનારમાં હાજરી આપવી ફરજીયાત હતી.

અચાનક મારી નજર મન્ચ પર  બેઠેલ એક વ્યક્તિ પર ગઈ: સરસ્વતી !અરે ! આ તો મારી ફ્રેન્ડ  છે ! she  is my  friend! મેં  બાજુમાં  બેઠેલ

શિક્ષક બેન ને કહ્યું .

સૌ પ્રથમ વાર હું એને  સુપર માર્કેટમાં મળેલી .ઊંચી અને અમેરિકન જેવી દેખાતી  એને મેં પૂછ્યું હતું : “તમે ગુજરાતી  છો ?”

બે ચાર ક્ષણ એ મારી સામે જોઈ રહી . પછી કોઈ પણ ભાવ દર્શાવ્યા વિના બોલી:” ના – ના જરાય નહીં !” એના આવા જવાબથી હું ખડખડાટ હસી પડી . પણ સરસ્વતીને વાતચીત કરવાનો કોઈ ઉમળકો  નહોતો . અમેરિકામાં હું સાવ નવી નવી – તેથી ગુજરાતી મિત્રો ઝન્ખતી . સરસ્વતી જરા અલુફ રહેવા પ્રયત્ન કરે – પણ મારા સતત પ્રયત્નથી છેવટે અમે મિત્રો બન્યાં.  એ પણ અમેરિકામાં નવી જ આવેલી . અને અમારા હસબન્ડ સિવાય અમારે કોઈ કુટુંબી પણ અહીંયા નહીં તેથી મૈત્રીનો દોર વધુ ગાઢ બને એમ હતું 

પછી તો દર શનિવારે  બપોરે શાક ભાજી લેવા સ્ટોરમાં અમે મળતાં ને ત્યાંના  કાફેટેરિયામાં  બેસતાં અનેલીધેલી ગ્રોસરીમાંથી એકાદ કેળું વગેરે ખાતાં!  હું બાલમંદિરની ટીચર  અને હોસ્પિટલની નર્સ!  હોસ્પિટલમાં તાજાં જન્મેલાં બાળકોની સંભાળ રાખે અને હું  બાલમંદિરમાં  સાજા બાળકોની !  

 “અમારું કામ વધારે મહત્વનું કહેવાય “  સરસ્વતી એ  મજાકમાં કહ્યું .દરેક દલીલ પોતાને    જીતવાની હોય તેમ તેનું વલણ હોય. 

“ટીચરની જોબ વધારે મહત્વ ની  કહેવાય’ મેં પણ હસ્તા હસ્તાં કહ્યું! 

અમારું વાગ્યુદ્ધ આમ રમૂજમાં  ચાલતું .પણ એક દિવસ કાંઈક અજુગતું જ બોલાઈ ગયું મારાથી! 

“માસ્ટરજી ” સરસ્વતીએ કહ્યું,” આવાં થાંભલા જેવા ભ્મભુટિયા

રીંગણાં ના લેવાય . જો આ પાતળાં ને ડાર્ક ભૂરાં રીંગણાં! 

“તારું શાક ભાજીનું  જ્ઞાન  એવું છે ને કે તને  સરસ્વતી નહીં  સરસ શાકવાળી જ કહેવું  જોઈએ .” મેં સમજણ વિના જ ઝિંકયુ ,” અરે  ઓ શાકવતી બેન ,” મેં બે ટામેટા હાથમાં લઇ પૂછ્યું ,” આ ટામેટા  કેવા લાગે છે ? લેવા જેવા ખરા કે?”

    ખલ્લાસ ! એણે એક નજર મારા  પર કરી .હું  હજુ  બીજા શાક લેવામાં મશગુલ  હતી .કામ પત્યે મેં ચારે બાજુ નજર કરી પણ એતો  ગાયબ  થઇ ગઈ ! કાફેટેરિયા  અને બીજા વિભાગોમાં પણ જોઈ આવી ! પણ સરસ્વતી મને જોવા નાજ મળી ! મારે  પણ માંડું થતું હતું  .શું થયું  હશે ? કદાચ  કોઈ  કામ યાદ  આવ્યું હશે! તો મેં ઘર તરફ પ્રયાણ કર્યું.

  સમય સેલ ફોન  પહેલાનો – આઇ ફોનના જન્મ પહેલાનો -લેન્ડ લાઈન થી વ્યવહાર ચાલતો તે દિવસોનો છે 

જીવનની શરૂઆતના એ દિવસો ! મૈત્રી બઁધાતાં પહેલાંજ તૂટી ગઈ! મેં બધી રીતે પ્રય્તન કર્યા પણ સરસ્વતી પછી ના જ મળી ! 

” તેં એને શાકવાળી કહ્યું તે એને ગમ્યું નહીં હોય “  સિતાંશુએ કહ્યું 

” અરે  પણ હું તો મજાક કરતી હતી ” મેં અફસોસ કરતા કહ્યું. હશે ! આપણે શું કરી શકીએ ?  મેં  મન વાળ્યું. 

અને પછી તો વરસો  વીતી ગયાં. કાળ ચક્ર ફર્યું .

ટીચરમાંથી હું ડિરેક્ટર બની ગઈ.

શિકાગોમાં હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલા એક સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કોઈ પરિચિત ચહેરો લાગ્યો ! સરસ્વતી ! અરે આ તો સરસ્વતી છે ! એને મળવા હું અધીરી બની ગઈ .

લેક્ચર પૂરું થયે  હું એને મળવા ગઈ 

મને જોઈને એ પણ ખુશ થઈ. થોડી ઔપચારિક વાતો કરી એણે એનું કાર્ડ આપતાં કહ્યું  ;” ઘરે આવ , ઘણી વાતો કરવી છે”

” હા,મારે પણ .” મેં કહ્યું .ખોવાયેલ મિત્ર પાછા મળ્યાનો આનન્દ હતો ,   વળી તે દિવસે શું બન્યું હતું તે જાણવાની ઇંતેજારી પણ હતી.

નક્કી કરેલા દિવસે અમે એના ઘરે પહોંચ્યા .સુંદર નેબરહૂડના એક ભવ્ય ઘરમાં એ લોકો રહેતા હતાં . ઉમળકાથી સરસ્વતી અને સાગરે અમને આવકાર્યા.

 

કલાત્મક રીતે સજાવેલા લિવિંગ રૂમના એક ખૂણે એક એલિગન્ટ ફ્રેમમાં કોઈ સ્ત્રીનો ફોટો હતો . પણ હું કશું બોલી નહીં : રખેને કાંઈ આડું વેતરાઈ જાય !

થોડી વાર પછી સરસ્વતી એ જ વાતનો દોર હાથમાં લીધો 

” તે દિવસના પ્રસંગ  માટે હું શરમીંદી છું . આપણી સુંદર પાંગરી રહેલ મૈત્રીને મેં  માત્ર એક જ શબ્દ માટે , એક ક્ષણમાં , એક ઝાટકે તોડી નાંખી!    અને એનું દુઃખ મને પણ  છે. અને કદાચ  તેથી જહું કાઉન્સેલિંગ માટે  જવા તૈયાર  થઇ .ત્યાર પછી મેં સાયકોલોજિસ્ટની હેલ્પ લીધી . એટલે જ આજે પેટ છૂટી વાત   થઇ શકશે ‘

મને કાંઈ સમજાયું નહીં. મેં કહ્યું, ” સોરી , સરસ્વતી, તે દિવસે મેં તને શાકવાળી કહેલઃ’તારી લાગણી  દુભવેલ ‘

“હું શાકવાળી જ હતી – એજ  તો કામ કરી ને માં મને ભણાવતી . હું યે માને ટોપલો ચઢાવવા ક્યારેક એની સાથે જતી  .પેલા  ફોટામાં દેખાય છે તે મારી માં  છે.   મારા થેરાપિસ્ટ મને સલાહ આપી કે મારે વાસ્તવિકતાને સ્વીકારવી  જ રહી  જો મારે આ મૂડ સવિન્ગમાંથી  બહાર આવવું  હોય તો!”

સરસ્વતી  બોલતી હતી જાણેકે એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ છે “મારો બાપ તો દારૂની લતે ક્યારનોયે ઘર છોડીને જતો રહેલો ! માં બિચારી એકલે હાથ કેટલું કરે ? ઉચ્ચ વર્ણ ના કહેવાતા સારા ઘરના માણસો ક્યારેક મારી માંને તો ક્યારેક મને રંજાડતા .. પણ કોને કહેવાય? સાંજે નિશાળેથી આવી ને માં સાથે ગઈ હોઉં ને કોઈ શેઠિયો કહે ,” લે રૂપિયો વધારે આલું , શેઠાણી ઘરમાં નથી અને હું ભૂખ્યો  છું ,રોટલો ઘડી દે ” કોઈ કહેશે ” આ બે ટામેટા બહુ સરસ છે ‘ તો કોઈને મુળા ગાજરમાં રસ હોય –

એ સુધરેલા સવર્ણ લોકોના દ્વિ અર્થી શબ્દો , લાલચુ નજર અને અમારી નિ: સહાય પરિસ્થિતિથી હું અને માં સતત રૂંધાયેલાં રહેતાં.”

હવે મને મારી ભૂલ સમજાઈ :  તે દિવસે અજાણતાં મેં સુતેલા સાપ ને છઁછેડયો હતો . 

મને મારી જાત પર ગુસ્સો પણ આવ્યો : બાળકો સાથે કામ કરતાં કરતાં હું એક bright  horizons નામની બાલ સન્સ્થા સાથે પણ જોડાયેલી છું . જ્યાં ગરીબ  વર્ગનાં બાળકો ને અમે મદદ કરીએ છીએ !પણ  સાચેજ , વેદ ભણવા સહેલાછે , કોઈની વેદના વાંચવી અઘરી છે .

હું શું પ્રેરણા આપી શકવાની  હતી એ બાળકોને ? સાચી પ્રેરણા મૂર્તિ તો આ સરસ્વતી છે!

” તું આટલી બધી આગળ કેવીરીતે આવી ?” મેં પૂછ્યું ,”અમેરિકા કેવી રીતે આવી?”

“એક વાર અમારી શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે જે લોકો નર્સીંગનું શીખવા તૈયાર હોય તેને મફતમાં ખાવા -પીવા ને રહેવાની સગવડ મળશે ને ઉપરથી મહિને ૫૦ રૂપિયાય મળશે.

ને આવું લોકોના મળ – મૂત્ર સાફ કરવાનું કામ તો કોઈ સવર્ણ કરેજ નહીં ને? એટલે અમારા જેવા કોળી – કાછીયા ( શાક વેચનાર ) ને ચાન્સ મળ્યો . ને તેમાંયે અમારું ખોરડું ક્રિશ્ચિયન મિશનરી પાછળ હતું . ત્યાંના દયાળુ પાદરીએ ભલામણ ચિઠ્ઠી લખી આપી . અને બીજી ચિઠ્ઠી

પ્રિન્સીપાલે લખી એટલે મને નર્સ બનવાનું સદભગય પ્રાપ્ત થયું !સાગરને પણ હું ત્યાંજ મળી 

ને ભણી લીધા પછી બધાં અમેરિકા જતાં એટલે હું પણ અમેરિકાઆવી !’

એને જરા  ગુસ્સાથી કહ્યું,” અમે  તમારા દેશમાં નીચ વરણ કહેવાઈએ . પણ આ દેશમાં  ?Here I am  the head of the health department ! 

એની આંખોમાં ક્રોધ હતો – ને અમારી આંખોમાં આંસુ .

સાગરે એને પ્રેમથી શાંત કરતા કહ્યું ,” તમારી મૈત્રી તુટયાનું દર્દ એને અસહ્ય હતું . ક્યારેક કાઉંસલિંગ માટે હજુ પણ જવું પડે છે .. એ ભૂતકાળ ને ભૂલી શક્તિ નથી ..આ સાહેબી અને સફળતા વચ્ચે ય  એ ગમગીન  થઇજાય છે ક્યારેક “

“જે દેશ અને સમાજે મને દુભવી છે, મારું બાળપણ છીનવી લીધું છે, મારું યૌવન ધૂળધાણી કર્યું છે, એ દેશ અને એ સઁસ્કૃતિ માટે મને નફરત છે. એને માતૃભૂમિ  કહેતાં મને શરમ આવે છે” સરસ્વતી જરા  ગુસ્સામાં બોલી ,” મારો દેશ તો છે આ અમેરિકા : જેણે મનેજીવન આપ્યું , જેણે મને જીવવા માટે નવી ડિરેક્શન બતાવી .’

થોડો સમય કોઈજ કાંઈ બોલ્યું નહીં . મૌનનો ઘોંઘાટ ભારે હતો.અસહ્ય હતો.

” સરસ્વતી, તારું દુઃખ સમજવાની  મારી ક્ષમતા નથી.તારી માફી માંગવાને પણ હું લાયક નથી .પણ એક સહૃદય મિત્રને નાતે મારે તનેકાંઈકહેવું છે’ મેં  હળવેકથી  વાતની દોર હાથમાં લેતાં કહ્યું,” તારી સાથે ઘણા અન્યાયો થયા અને છેવટે કોઈ સારી વ્યક્તિએ તારો હાથ  ઝાલી તને કોઈ તક ઝડપવા  દીધી  અને આજે તું  આટલી ઊંચી જગ્યાએ  છે ! અમારી સંસ્થાને  તારા જેવી સરસ્વતીઓ ની જરૂર છે જે સાગર સુધી પહોંચી શકી છે!  રસ્તામાં અટવાઈ  ગયેલ ઘણાં બાળકોને તું  રાહ બતાવ .

આપણાં દેશમાં  એવાં અનેક બાળકો હજુ આજેપણ એજ પરીસ્થીમાં જીવે છે . તેમની દીવાદાંડી બનવા ,જીવન જીવવાની નવીદિશાઓ બતાવવા  સમાજને તારી જરૂર છે. પડવા – નીચે આવવા -કોઈની જરૂર નથી હોતી – એ તો પૃથ્વીનો પણ ગુરુત્વાકર્ષણનો  નિયમ  છે. પણ ઊંચે ચઢવું અઘરું છે, અને છતાંયે   એવાં મુઠી ઉંચેરા માનવીઓ પણ હોય છે જેની પગ રજ  આપણે માથે ચઢાવીએ  છીએ . અને એ રજકણ  ધૂળ નહીં પણ ભાલે કુમકુમ  બની શોભે  છે! જયારે તું     સામાન્ય ધૂળ -રજકણોને કન્કુ બનાવવાના કાર્યમાં જોડાઇશ ત્યાર પછી કાઉન્સેલિંગ ની  તને જરૂરનહીં રહે .  મેં મારો હાથ લંબાવ્યો . ” ચાલ  છે તૈયાર  મિસ  સુવર્ણ રજ સરસ્વતી ?”

મૌન ! પણ આ  મૌન કોઈ સમાધિ અવસ્થાની શાંતિ હતી .

 થોડી વાર  પછી સ્મિત  સાથે , અશ્રું સાથે , આત્મવિશ્વાશથી એણે જાહેર કર્યું; “ચોક્કસ ! જરૂર હું એ સહુને નવી ક્ષિતિજોનાં દર્શન કરાવીશ ! ધૂળમાંથી કંકુ બનતા શીખવાડીશ ! 

શુભસ્ય શિઘ્રમ ! ક્યારે જવું છે ?”

( from a true story)

 ( સત્ય ઘટના આધારિત )

ગીતા ભટ્ટ ,શિકાગો .

વિનુ મર્ચન્ટવાર્તા સ્પર્ધા -(૨૨) રણને મોઝાર 

307966_10150312279626681_1228122565_n

રશ્મિ હરીશ જાગીરદાર

“હાલ્ય ને થોડો પોરો ખાઈએ રેવી” રણ ને મોઝાર રસ્તો કાપતાં કાપતાં કંટાળેલો માવજી રેવી ને કહે છે .

રેવી : – ” સામે સુરજ તો જો , ડુંગરા ઓથે ડુબવા બેઠો છે ,ને હવે પોરો ખાશું તો જાશું કેમના ?”
માવજી : – ” હવે મોટા ભા – નું ઘર એટલું આઘું ય નથી , માં ને મળી ને અમે વાતો કરશું, ભાભી ને ય પિયર જવું પડ્યું છે , એટલે  ગાંડી , તારે તો રોટલા ટીપવા બેસવું પડશે ,
     એટલે થયું કે તું થોડો થાક ઉતારી લે .”
રેવી : – ” એ ખરું પણ લ્યો, તમે  મારી આટલી લાગણી રાખો છો તો, થાક તો મારો અમથોય ઉતારી ગ્યો ! અને થોડો બાકી હશે તો માં ને મળી ને પગે લાગીશ એવો  જ
ઉતરી જાશે.”
માવજી : – ” તું કેમ આવડી મીઠડી છો ?”
રેવી : – ” એ મીઠાશ તો બધી તારા સાથ ની છે “
માવજી : – ” અરે વાહ હવે તને આવી મીઠી વાતો સુઝી ? આખે રસ્તે તો મારા થી ચાર ફૂટ પાછળ ચાલતી રહી “
રેવી : – ” અરે આ કઈ શહેરની  કોલેજ નથી, આમન્યા તો રાખવી પડે .”
માવજી : – ” કોની ? આ ઊંટ ની કે આ રણ ની રેતી ની આમન્યા ?”
રેવી : – “હાસ્તો , ઊંટ ને તો માં પોતાનો દીકરો હોય તેમ લાડ લડાવે છે તું જ કહેતો ‘તો ને?  તો મારા જેઠ થયા આ ઊંટ જી તો” — હસે  છે .
માવજી : – ” અને આ રેતી તારી નણદલ?”    હવે બંને ખડખડાટ હસી પડ્યાં , ને મસ્તીએ  ચડી ને બેસી જ ગયા ઊંટ ની બાજુ માં .
રેવી : – ” માવજી હવે મને તમારા જેવું બોલતાં થોડું ફાવી ગયું છે નહિ ? મને હવે બીક લાગે છે ‘સોના માં ‘ નો તું લાખ લાડકો હોય, પણ એક વાણીયા  ની દીકરી
   અને તેય  કોલેજ માં સાથે ભણેલી– માં મને સ્વિકારશે ?”
માવજી : – ” તારા જેવી ને ના પાડે એવી અભણ પણ નથી મારી- -સોના માં”
રેવી : – ” કેમ એવું શું છે મારા માં ?”
માવજી ; – ” એક તો તે મારા કહ્યા ય વિના પન્ઝાબી  ડ્રેસને બદલે સાડી  પહેરી,માથે ઓઢવાની પ્રેક્ટીસ કરી છે ને રિયા ને બદલે નામ પણ માં ને ગમે તેવું રાખ્યું -‘રેવી ‘- “
રેવી : – ” ચાલ સાંજ પડી જશે આપણે  ભગવાન ને પ્રાર્થના કરીએ કે માં મને સ્વીકારી લે એટલું જ નહિ પણ એ વાત થી તેઓ  રાજી પણ થાય .”
માવજી : – ” માં ધારો કે હા ના કરે , પણ હું તો તને જ પરણીશ તું ચિંતા ના કર ” તને મારી વાત માં વિશ્વાસ પડે એ માટે તો આખે રસ્તે એકલા હતા તો ય મેં અડપલું
સુધ્ધા ના કર્યું,   તું પણ પાછળ જ  ચાલતી રહી. ચાલ  ચાલ  હવે જલ્દી  પહોંચી જઈએ .”
     બંને એ ઊંટ ની સાથે તાલ મેળવતા થોડું ચાલ્યા પછી , બંને ઊંટ પર બેસી ગયા ને હંકારી મુક્યું માવજી ના ભાઈ  નું ઘર આવ્યું ત્યારે રેવી નરવસ હતી ને
માવજી ઉત્સાહ માં ! ઊંટ પરથી હાથ પકડી ને માવજી એ નીચે ઉતારી ત્યારે તો રેવી ગભરાઈ જ ગઈ , માં શું વિચારશે ? બંને ઘરના ઓટલે પહોચ્યા ત્યારે
તે આશ્ચર્ય થી જાણે સહેમી ગઈ! સોના માં હાથમાં આરતી ની થાળી લઇ ઉભા હતા અને તેમની બાજુ માં બંનેનો  કોલેજ નો  દોસ્ત નગીન ખડખડાટ હસતો
ઉભો હતો , રેવી થી રહેવાયું નહિ ,તે બોલી ઉઠી ” તું-તું અહીં ક્યાંથી ?”
સોનામાં : – ” બેટા મારા ઘર ની લક્ષ્મી ને આવકારવા માટે મને મદદ કરવા માવજી એ જ તેને મોકલ્યો ‘તો ” રેવી સનન્દાશ્ચ્રર્ય  જોઈ રહી પછી સોના માં ને
વ્હાલ થી ભેટી રહી . સોના માં એ આરતી ઉતારી આશીર્વાદ આપ્યા ,રેવી આભારવશ થઇ ઉભી હતી ત્યારેજ  સોના માં કહે, ચાલ રિયા રસોડામાં આપણે
 બધા જમવા બેસીએ , આમ શું જુવે છે તારું આ નામ મને ગમે છે તારે ખોટું ખોટું રેવી બનવાની જરૂર નથી .
ત્યારે રેવી એ માવજી સામે જોયું તો તે મસ્તી થી હસતો હતો ને બોલ્યો , ” નગીન ને મેં જ આપણી વાત કરવા વહેલો અહીં મોકલેલો માં એ સંમતિ આપી ને
તે ખુશ છે એ બધું  વોટ્સ એપ પર મને જણાવી દીધેલું એટલે તો હું નિશ્ચિંત હતો .”
રેવી : – ” તો મને કેમ કહ્યું નહિ , હું કેટલી ચિનતા માં હતી ! માં જુઓ તમારો દીકરો અત્યાર થી કેટલું પજવે છે !”
નગીન : – ” ના રિયા, માવજી એ  વોટ્સ એપ પર  લખેલું કે તું ગભરાયેલી ને ચિંતા માં એટલી સરસ લાગે છે એટલે એને  સરપ્રાઈઝ આપીએ “
રિયા શરમ થી લાલ થઇ ને આંખ માં ગુસ્સા નો ભાવ લાવી માવજી તરફ જોયું ને પછી ફરી થી સોના માં ને વ્હાલ થી ભેટી રહી .
અસ્તુ
રશ્મિ હરીશ